30 August 2010

રાજકોટવાસીઓ નાચો, ઝૂમો ભાદર-આજી છલકાવાની અણીએ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour




રાજકોટવાસીઓ નાચો, ઝૂમો ભાદર-આજી છલકાવાની અણીએ

રવિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અને પરિણામે જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં તેમજ આજી ડેમમાં એક ફૂટની આવક થતાં આ બન્ને જળાશયો ઓવરફ્લો થઈ જાય તેવા મંગલમય એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે.ભાદર ડેમમાં ગઇકાલ સુધી ૩૧.૨૫ ની સપાટી હતી. તેમાં રાત્રે નવ વાગ્યા સુધીમાં દોઢ ફૂટ પાણી આવતા સપાટી ૩૨.૫૦ ફૂટ પર પહોંચી હતી. ભાદર ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર દોઢ ફૂટ બાકી રહ્યું છે. એ જ રીતે આજી ડેમમાં એક ફૂટની નવા નીરની આવક થતાં તેની સપાટી ૨૬ ફૂટ પર પહોંચી છે. આજી ડેમ ૨૯ ફૂટે ઓવરફ્લો થાય છે. ત્યારે આ વર્ષે એ ડેમ છલકાઈ જવાની સંભાવના નજરે પડી રહી છે. દર વર્ષે પાણીની અછતથી પિડાતા રાજકોટને આખા વર્ષનું પાણીનું સુખ મેઘરાજાએ ભેટ ધરી દીધું છે. શહેરને પાણી પૂરું પાડતા આજી ડેમ તથા જેતપુર પાસેના ભાદર ડેમમાં રવિવારે પડેલા વરસાદને પગલે પાણીની ધીંગી આવક શરૂ થઈ હતી અને બન્ને જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાવા લાગ્યો હતો. બન્ને જળાશયોના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં રાજકોટની જીવાદોરી સમાન આ બન્ને ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ હતી.રાત્રે આ લખાય રહ્યું છે ત્યારે પણ આજી અને ભાદર બન્ને ડેમમાં પાણીની આવક ચાલું છે. અને જે રીતે ધસમસતા નીર આ જળાશયોમાં છલકાઇ રહ્યાં છે તે જોતા સવાર સુધીમાં બન્ને ડેમમાં વધુ એક-એક ફૂટ પાણીની આવક થશે તેવી મંગલમય સંભાવના તંત્રવાહકોએ દર્શાવી હતી.જે રીતે રાત્રે પણ પાણીની આવક ચાલુ રહી હતી તે જોતા સોમવાર સાંજ સુધીમાં ઓવરફ્લોના શુભ સમાચાર મળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજી-૨ ડેમમાં પણ નવા નીરની આવક થઇ હતી. આ ડેમના ત્રણ દરવાજા પહેલેથી જ એક ફૂટ ખુલેલા રાખવામાં આવ્યા છે અને આજે નવા નીરની આવકને પગલે એ ત્રણે દરવાજામાંથી પાણીની પ્રચંડ રાશી છલકાઇ ઉઠી હતી.


નોકિયાનો ધમાકો!,રૂ. 500 માં નવો મોબાઇલ

એક તરફ જ્યાં કાર્બન, માઇક્રોમેક્સ અને ઝેન જેવી ભારતની દેસી મોબાઇલ કંપનીયોએ બજારમાં સસ્તા મોબાઇલ ફોન્સની કતાર લગાવી છે, ત્યાં હવે દુનિયાભરના મોબાઇલ માર્કેટમાં પોતાનુ જબરદસ્ત વર્ચસ્વ ધરાવનાર મોબાઇલ કંપની નોકિયાએ પણ પોતાનો પડકાર ફેંકવાની તૈયારી કરી લીધી છે.અને આ કંપનીયોને ધોબી પછાડ આપીને નોકિયા ભારતમાં માત્ર પાંચસો રૂપીયાનો મોબાઇલ હેન્ડસેટ લૉન્ચ કરવા જઈ રહી છે. અત્યારે ભારતમાં નોકિયા કંપનીનો સૌથી સસ્તો મોબાઇલ છે, નોકિયા-1208. આ મોબાઇલની કિંમત છે 1500 રૂપીયા. માનવામાં આવી રહ્યુ છે કે નોકિયાનો રૂ. 500 નો અલ્ટ્રા લો કૉસ્ટ મોબાઇલ ફોનનાં ફિચર્સ નોકિયા-1208થી મળતા-આવતા હશે.વાસ્તવમાં ભારતીય મોબાઇલ ફોનના બજારમાં નોકિયાની ભાગીદારી સૌથી વધારે છે. પણ ફિનલેન્ડની આ કંપનીને કિંમતોની બાબતમાં દેશી કંપનીયો તગડી ટક્કર આપી રહી છે. અને તેઓનુ વેચાણ પણ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે હવે નોકિયાએ પણ પોતાનો માત્ર પાંચસો રૂપીયાનો આકર્ષક મોબાઇલ ફોન બજારમાં મુકવાનો નિર્ણય કરી લીધો છે.


પ્રજાપતિ પરિવાર પર વજ્રઘાત, એક સાથે પાંચના મોત

જસદણના ભાડલા ગામે રહેતા અને પુત્રી માટે રાજકોટમાં મુરતિયો જોઇને પરત ફરી રહેલા પ્રજાપતિ ભગાભાઇ ગોવિંદભાઇ સરેરીયા અને તેના પરિવારના છ સભ્યો સહિત આઠ વ્યક્તિ ભારે વરસાદના કારણે ભીડભંજન રોડ પર બેઠા પૂલમાં ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહમાંથી એકબીજાના હાથ પકડીને પસાર થવાના પ્રયાસમાં તણાઇ ગયા હતા.બે વ્યક્તિને ત્યારે જ બચાવી લેવાયા હતા. જ્યારે લાપત્તા અન્ય છ વ્યક્તિને શોધવા રેસ્કયુ ઓપરેશન શરૂ કરાતા આજે સવારે પાંચ હતભાગીના મૃતદેહ મળી આવતા પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક વ્યકિત હજી લાપત્તા છે.ભાડલાના ભગાભાઇ રાજકોટથી યુટીલીટી જીપમાં પરિવાર સાથે પરત ગામ જઇ રહક્ષ્યા હતા. ધોધમાર વરસાદના કારણે પૂલ ઉપર ભરાયેલા પાણી જોઇને જીપના ચાલકે આગળ વધવામાં જોખમ છે તેમ કહેતા આઠેય વ્યક્તિ જીપમાંથી ઉતરીને એકબીજાના હાથ પકડી પાણીના પ્રંચડ પ્રવાહમાંથી નિકળવા આગળ વધ્યા હતા. કમનસીબે તમામ સભ્યો પ્રવાહમાં તણાવા લાગતા મદદ માટે બૂમાબૂમ કરી હતી. ગ્રામજનો અને મામલતદાર સહિતના આગેવાનો પહોંચી જતા ભગાભાઇ અને હિતેષ પ્રકાશભાઇ કાકડિયાને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ, અન્ય છ વ્યક્તિ ધસમસતા વ્હેણમાં તણાઇ જતાં રાજકોટ ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.


શાહ જન્માષ્ટમી જેલમાં મનાવશે

અમિત શાહની જામીન અરજીની સુનાવણી 7 સપ્ટેમ્બર સુધી મુલતવી. આજે ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અને જેલમંત્રી અમીત શાહના જામીન અંગેની સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જે સુનાવણીને સાત સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.છેલ્લા ઘણા દિવસથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનાવણી હતી. શાહની જામીનની સુનાવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના હતી.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો હતો. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના તબક્કે રદ કરાઇ હતી.


શેરબજારમાં અમિત શાહના ૨૦૦ કરોડ

પૂર્વગૃહ રાજ્યમંત્રી અમિત શાહની મુશ્કેલીઓ હજુ ઓછી થતી નથી. અમિત શાહ અને એડીસી બેંકના ફરાર ડાયરેક્ટર યશપાલ ચુડાસમાનું શેરબજારમાં ૨૦૦ કરોડનું જંગી રોકાણ હોવાની વિગતો સીબીઆઇને મળી છે. અમદાવાદના એક શેરબ્રોકર મારફત શાહે કરોડોનું રોકાણ કર્યું છે, જે પેટે ૭૦ કરોડ ચૂકવવાના બાકી હોવાની પણ વિગતો મળી છે. આ માહિતીને આધારે સીબીઆઇએ તપાસ શરૂ કરી દીધી છે.સોહરાબુદ્દીન કેસમાં અભય ચુડાસમાની ધરપકડ બાદ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને ડાયરેક્ટર યશપાલ ચુડાસમા લાંબા સમયથી ફરાર છે. યશપાલ મારફત અમિત શાહે શેરબજારમાં કરોડો રૂપિયાનું રોકાણ ક્યું છે. શાહ સાથે યશપાલ ચુડાસમાએ પણ કરોડો રૂપિયાનું રોકાણ ક્યું હોવાની વિગતો સીબીઆઇને મળી છે.અમિત શાહ અને યશપાલ ચુડાસમા અગાઉ લિસ્ટેડ બ્રોકરને ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ કરતા હતા પરંતુ કાળું નાણું હોવાથી આ લિસ્ટેડ બ્રોકરને ત્યાં રોકાણ કરવાનું બંધ કરીને અમદાવાદના એક શેરબ્રોકરને ત્યાં રોકાણ કરવાનું શરૂ ક્યું હતું. આ શેરબ્રોકરને રોકાણ પેટે રૂ. ૭૦ કરોડ ચૂકવવાના બાકી છે. સીબીઆઇએ શાહ અને ચુડાસમા કોના નામે રોકાણ કરતા હતાં અને બીજે ક્યાં ક્યાં રોકાણ ક્યું છે તેની માહિતી શોધવામાં લાગી ગયા છે.


અમદાવાદ : આજે અમીત શાહ ભુલાઇ ગયા

અમદાવાદના મેઘતાંડવે આજે અમીત શાહને ભુલાવી દીધા હતા અને આજે રાજ્યમાં ચર્ચાનો વિષય બદલાયો હતો. છેલ્લા સત્તર દિવસથી ગુજરાતમાં ચર્ચાનો એક જ મુ્દ્દો રહેતો હતો અને તે હતા.મંત્રીમાંથી મુદ્દો બનેલા અમીત શાહ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ, પરંતુ ગત રાત્રિથી અમદાવાદમાં સતત વરસેલા વરસાદે આજે અમીત શાહે ભુલાવી દીધા હતા. અને આજે ચર્ચાનો મુદ્દો બની રહ્યો હતો અમદાવાદનો ૧૨ ઇંચ વરસાદ.આમતો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ જાન્યુઆરી મહિનાથી સીબીઆઇને સોંપવામાં આવી છે. પરંતુ ગત તા. ૨૩મી જુલાઇએ જ્યારે સીબીઆઇએ કોર્ટમાં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી ત્યારથી ગુજરાતમાં અને લગભગ દેશભરમાં ચર્ચાનો વિષય માત્ર અને માત્રઅમીત શાહ બની રહ્યા હતા.


અમિત શાહ પર ૩૦૦ પ્રશ્નોની ઝડી

કૌસરબીની હત્યા અંગે પણ પ્રશ્નો પૂછાયા, સીબીઆઇના પ્રશ્નોના જવાબ આપતા ઉપવાસી શાહ રીતસરના હાંફી ગયા, પૂછપરછ પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદસોહરાબુદ્દીનના બોગસ એન્કાઉન્ટરમાં અમિત શાહના રિમાન્ડના પ્રથમ દિવસે જ સીબીઆઇએ ૩૦૦ જેટલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જો કે જેલની અંદર પૂછપરછ દરમિયાન શાહે આપેલા અસહકારનો સિલસિલો અહીં પણ યથાવત રહ્યો હતો. મોટાભાગના પ્રશ્નોના જવાબમાં તેમણે, ‘ મને યાદ નથી અને મારે જોવું પડશે’ તેમ કહી જવાબો ટલ્લે ચઢાવ્યા હતા. સતત ૧૦ કલાક જેટલી ચાલેલી પૂછપરછમાં શનિવારે ઉપવાસ રાખતા શાહ સાંજ સુધી રીતસરના હાંફી ગયા હતા.તેમને સોહરાબનું એન્કાઉન્ટર, કૌસરબીની હત્યા, સોહરાબની સોપારી કોણે આપી હતી અને પટેલ બંધુઓ પાસેથી તેમણે ખરેખર કેટલા પૈસા લીધા ત્યાંથી લઇને તપાસ અધિકારીઓની વારંવારની બદલી સહિતના ઢગલાબંધ સવાલોની ઝડી વરસાવાઇ હતી. શાહને અન્ય કોઇ રીતે ટોર્ચર કરવામાં આવ્યા ન હતા.આ પૂર્વે સાબરમતી જેલમાંથી બંદોબસ્ત વચ્ચે શાહને સવારે ગાંધીનગર સીબીઆઇની કચેરી ખાતે લઇ જવાયા હતા. સીબીઆઇની કચેરી ફરતે પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પૂછપરછ પહેલાં તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરંતુ તબીબો પાસે તપાસ કરાવતા સ્નાયુનો સામાન્ય દુખાવો હોવાનું નીકળ્યું હતું. કચેરી ખાતે મીડિયાકર્મીઓ સિવાય ભાજપના કોઇ કાર્યકર ફરક્યા ન હતા. રાત્રે ૮.૩૦ સુધી પૂછપરછ ચાલ્યા બાદ અમિત શાહને સીબીઆઇના લોકઅપમાં લઇ જવાયા હતા.સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે રિમાન્ડના પહેલા દિવસે અમિત શાહને કચેરીમાં એક રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમના વકીલોને હાજર રાખવાની મંજુરી અપાઇ હતી. પરંતુ તેઓ શાહને પૂછાતા પ્રશ્નો સાંભળી ન શકે તેટલા દૂર બેસાડવામાં આવ્યા હતા. તે પછી અધિકારીઓ દસ્તાવેજો સાથે રાખીને રિમાન્ડની શરૂઆત કરી હતી.



SMSથી લડાય રહ્યું છે, રામમંદિરનું યુદ્ધ !

અયોધ્યામાં બાબરી મસ્જિદને લઈને ચુકાદો આવવામાં ભલે થોડા દિવસોનો સમય બાકી હોય, પરંતુ હાલના દિવસોમાં એસએમએસ દ્વારા રામમંદિરની લડાઈ લડાય રહી છે.રામમંદિર અને ભગવાના સમર્થનમાં ઘણાં એસએમએસ દેશભરમાં આગની જેમ ફેલાયા છે. એટલું જ નહીં, સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ અને બ્લોગ દ્વારા પણ હિંદુવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો રામમંદિરના ટેકામાં જનમત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.જો કે આ એસએમએસ આધિકારીકપણે હિંદુવાદી સંગઠનો દ્વારા પ્રસારીત કરાયા નથી. પરંતુ તેમની વિચારધારા સાથે જોડાયેલા લોકો આ સંદેશને ખૂબ ઝડપથી ફેલાવી રહ્યાં છે.સપ્ટેમ્બરના મધ્યમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌની વિશેષ ખંડપીઠ અયોધ્યાના વિવાદીત સ્થળના માલિકી હક સંદર્ભે ચુકાદો આપવાની છે.


રાષ્ટ્રપતિની પુત્રીએ 37 એકર સરકારી જમીન પર કબ્જો કર્યો?!

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની પુત્રી પર પુણેમાં સરકારી જમીન પર કબ્જો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ-બેંગલુરુ હાઈવે પર જાંબે ગામ નજીક 37 એકર જમીનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની પુત્રી જ્યોતિ રાઠોડ દ્વારા સંચાલિત ટ્રસ્ટને સોંપવા સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે. આરોપ છે કે મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ મંત્રી જયંત પાટિલને પણ આ જમીનમાં થોડો ભાગ મળ્યો છે.એક ખાનગી ટીવી ચેનલે દાવો કર્યો છે કે આ જમીનને રાષ્ટ્રપતિની પુત્રીના ટ્રસ્ટને સોંપવા સંદર્ભેના દસ્તાવેજો તેની પાસે છે. ચેનલના જણાવ્યા પ્રમાણે, આ જમીન જ્યોતિ રાઠોડના ટ્રસ્ટના નામે આવંટિત છે. આ ટ્રસ્ટ જ્યોતિ રાઠોડના ઘરના સરનામે નોંધાયેલું છે.સ્થાનિક પંચાયતના સભ્ય લક્ષ્મણ ગાયકવાડ કહે છે કે ગ્રામીણ કોઈ બહારી વ્યક્તિને ગામની જમીન આપવાની વિરુદ્ધ છે, કારણ કે અહીં ખુદ ખેડૂતો માટે જમીન નથી. સ્થાનિક પંચાયત કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારની એનસીપી સાથે જોડાયેલી છે. તેમના પર ગામની દસ એકર જમીન જયંત પાટિલ દ્વારા સંચાલિત શૈક્ષણિક ટ્રસ્ટને અને 17 એકર જમીન જ્યોતિ રાઠોડના ટ્રસ્ટને આવંટિત કરવાનો આરોપ છે.


‘સિડની ટેસ્ટ પણ ફિક્સ હતી’

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ ફિક્સ હોવાની વાત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે, ત્યારે લંડનના બુકીએ વધુ એક દાવો કર્યો છે કે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટ પણ ફિક્સ હતી.આ સમગ્ર વાતનો ધડાકો મેચ ફિક્સર માઝહર માજિદે કર્યો છે. જેને પોલીસે ધરપકડ બાદ જામીન પર છોડી મુક્યો છે. પાકિસ્તાનની ઓસ્ટ્રેલિયા સામે તે બીજી ટેસ્ટ હતી. જે મેચ પાકિસ્તાન જીતે તેવું સ્પષ્ટ હતું છતા તે હારી ગયું હતું. આ મેચમાં 36 રને ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ જેમ્સ સુથરલેન્ડે કહ્યું હતું કે આ અહેવાલથી અમને પણ આંચકો લાગ્યો છે અને બ્રિટનના સત્તાવાળોની તપાસના પરિણામની રાહ જોઈ રહ્યાં છીએ.


એશિયન બજારમાં અધધધ..તેજી

અમેરિકાના બીજા ત્રીમાસીક ગાળાના જીડીપી આંકડા ધાર્યા પ્રમાણે નબળા નથી જોવા મળ્યા, જેના પરિણામે જાપાનના નિક્કઈમાં ચોતરફ ખરીદારી થતી જોવા મળી રહી છે. યેનની મજબૂતાઈમાં લગામ લગાવા માટે બેન્ક ઑફ જાપાનની આજે એક ઇમર્જન્સિ બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકના કારણે ડૉલરની સરખામણીએ યેનમાં મજબૂતાઈમાં ઘટાડો થયો છે. ખાસ કરીને નિકાસ સાથે જોડાયેલી કંપનીયોના શરોમાં શૉર્ટ કવરિંગ જોવા મળી રહી છે.નિક્કઈમાં 250 અંક એટલે કે 2.79 ટકાનો ઉછાળો છે. તાઇવાન વેટેડમાં 0.7 ટકાનો વધારો છે. કૉસ્પીમાં 1.52 ટકાની તેજી જોવા મળી રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.8 ટકાની તેજી છે. આ તરફ ચીનનો શંઘાઈ કંપોજિટ સપાટ છે.


સુપ્રિમે પુછ્યું સાધ્વી પ્રજ્ઞાને જામીન કેમ ન આપી શકાય?

સુપ્રિમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન મામલે જવાબ આપવા જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે માલેગાંવ વિસ્ફોટની મુખ્ય આરોપી પ્રજ્ઞા સિંહ હાલ નાસિક જેલમાં બંધ છે. સાધ્વી પ્રજ્ઞા સિંહે જામીન અરજી આપી હતી. જેને નામંજૂર કરવામાં આવી હતી.હવે સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલી સરકારને ચાર સપ્તાહમાં જવાબ આપવા માટે જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે પુછ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાને જામીન કેમ ન આપવામાં આવે?મહત્વપૂર્ણ છે કે શુક્રવારે જ એક વિશેષ મકોકા કોર્ટે નાસિક જેલના વહીવટી તંત્રને નોટિસ મોકલીને કહ્યું હતું કે સાધ્વીને નાસિક આયુર્વેદિક હોસ્પિટલથી મુંબઈની જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે.સાધ્વી પ્રજ્ઞા સિંહનો નાસિક આયુર્વેદિક હોસ્પિટલમાં ગત વર્ષ જુલાઈથઈ ટયૂમરનો ઈલાજ ચાલી રહ્યો છે. આ મામલામાં અન્ય આરોપીઓને મુંબઈની તલોજા જેલમાં બંધ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટે સાધ્વી અને અન્ય આરોપીઓ પરથી મકોકા હટાવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે સાધ્વીને નાસિક જેલમાં રહેવાની મંજૂરી મળી હતી.


કોઈ સવર્ણ મુખ્યમંત્રી નહીં બની શકે: લાલુપ્રસાદ યાદવ

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવે રવિવારે કહ્યું હતું કે બિહારમાં ઉંચી જાતિના કોઈપણ નેતાનું રાજ્યના મુખ્યમંત્રી બનવું અઘરું છે. જો કે તેમણે સવર્ણોને પોતાના તરફ આકર્ષવાની કોશિશો તો શરૂ કરી દીધી છે.રાષ્ટ્રીય જનતા દળના પ્રદેશ કાર્યાલયમાં આયોજીત એક સમારંભમાં ભૂતપૂર્વ મંત્રી અશોક કુમાર સિંહ સહીત કેટલાંક અન્ય લોકોના પાર્ટીમાં સામેલ થવાનું સ્વાગત કરતાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે એ તેમની દેણ છે કે બિહારમાં સવર્ણોને મુખ્યમંત્રી બનાવાની કોઈ હિંમત કરતું નથી.બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા બાદ સવર્ણ વોટબેંક પર નજર લગાવીને બેઠેલા લાલુએ આર્થિકપણે પછાત સવર્ણો માટે સરકારી નોકરીમાં દસ ટકા અનામતનો ચારો પણ ફેંક્યો છે.બિહારની નીતિશ કુમાર સરકાર પર પગથી માથા સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગવાતા લાલુએ કહ્યું હતું કે રાજ્યમાં આરજેડી-લોક જનશક્તિ પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.


રાજધાની એક્સપ્રેસનો કોચ પાટા પરથી ઉતર્યો

પશ્ચિમ બંગાળમાં હુગલી નજીક આજે દિલ્હી-હાવડા રાજધાની એક્સપ્રેસ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ છે. પંરતુ ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો છે. આ દુર્ઘટનામાં કોઈપણ યાત્રીઓના માર્યા જવાના અહેવાલ નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સવારે હુગલીના બરુઈપાડા સ્ટેશન નજીક થઈ હતી. ટ્રેનના પાટાનો એક ભાગ તૂટી ગયો હોવાથી આ દુર્ઘટના થઈ હોવાનું જણાવાય છે. ડ્રાઈવરે સાવધાની દાખવીને ટ્રેનને રોકી લેતા માટી દુર્ઘટના થતાં રહી ગઈ છે.દિલ્હીથી આવી રહેલી રાજધાની એક્સપ્રેસને આજે સવારે સાડા નવ કલાકે હાવડા પહોંચવાનું હતું. હાલ ટ્રેન દુર્ઘટના સ્થળે થોભી ગઈ છે. આ ઘટના સંદર્ભે માહિતી મળતા જ રેલવેના અધિકારી અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.


પરિણીતાને મોઢે ડૂચો દઇ પાડોશીનો બળાત્કાર

ખાંભાના ખોડી ગામે દેવીપૂજક પરિણીતા ઘરની ઓસરીમાં સૂતી હતી અને પરિવારજનો મજૂરી કામે ગયા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા પાડોશી યુવાને મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હતો.બનાવ અંગે ખાંભા તાલુકાના ખોડી (રૂગનાથપુર) ગામના દડુ મનજી ડાભી નામના દેવીપૂજકની યુવાન પત્નીએ ખાંભા પોલીસ મથકમાં તે જ ગામના વલકુ અરજણ ડાભી નામના દેવીપૂજક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે બળાત્કારની આ ઘટના પાંચ દિવસ પહેલા બપોરે બારેક વાગ્યે બની હતી.બનાવના દિવસે આ મહિલા ઘરે એકલી હતી. તેનો પતિ, સાસુ, સસરા, બે દિયર અને દેરાણી ખેત મજૂરી માટે સીમમાં ગયા હતા. પોતે બીમાર હોય ઘરની ઓસરીમાં ખાટલો નાખીને સૂતી હતી ત્યારે વલકુ અરજણ ત્યા ધસી આવ્યો હતો અને તેની જ સાડી વડે મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે તે રાડારાડ પણ કરી શકી ન હતી.બાદમાં પરિવારજનો વાડીએથી પરત આવ્યા ત્યારે તેણે આ ઘટના અંગે જાણ કરી હતી અને આખરે ફરિયાદ નોંધાવી હતી.


7 વર્ષનો બાળક, બ્રિટનનો આર્થિક સલાહકાર!

આમતો સાત વર્ષની ઉમરમાં બાળકોને રમવા કૂદવાના દિવસો હોય છે. પરંતુ અમે જે બાળક વિશે વાત કરી રહ્યા છીએ તે આટલી નાની ઉમરમાં જ બ્રિટન સરકાર માટે આર્થિક સલાહકાર તરીકે કામ કરી રહ્યો છે. આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે.બ્રિટનના ઑસ્કર સેલ્બીએ માત્ર સાત વર્ષની ઉમરમાં એ કામ કરી બતાવ્યુ છે જેને કરવા માટે ભલભલા લોકોને પણ આંખે અંધારા આવી જાય છે. પાછલા મહિને જ ઑસ્કરે બ્રિટનમાં ગણીત વિષયમાં જનરલ સર્ટિફિકેટ ઑફ સેકેન્ડ્રી એજ્યૂકેશન ટેસ્ટ એટલે કે જીસીએસઈમાં 'A+' ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.ખાસ કરીને બ્રિટનમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે. જ્યારે ઑસ્કરે માત્ર આ પરીક્ષામાં ભાગ જ નથી લીધો, સાથે-સાથે તેણે 'A+' ગ્રેડ પણ પ્રાપ્ત કરીને ભલભલાને આશ્ચર્યચકિત કરી દીધા છે.પાછલા શનિવારે ઑસ્કર બ્રિટનના નાણામંત્રી જ્યૉર્જ ઑસ્બૉર્ન સાથે મળ્યો હતો અને સલાહ આપી હતી કે કરદાતાઓના પૈસાથી બેન્કોનુ ફન્ડિંગ કરવાનુ બંધ કરી દેવુ જોઈએ અને બેન્કોને અત્યાર સુધી આપવામાં આવેલા પૈસાને પરત લેવાનુ શરૂ કરી દો.
આટલુ જ નહી ઑસ્કરે બ્રિટનને 170.8 અબજ ડૉલરની બજેટ ખાધ અંગે પણ નાણામંત્રીને સલાહ આપતા કહ્યુ કે આને પહોચી વળવા માટે કરોમાં વૃદ્ધિ કરવામાં આવે અને રોજગારીની તકોને ઝડપથી વધારવામાં આવે. સાથે જ ઑસ્કરે બ્રિટનના નાણામંત્રીને આ સલાહ પણ આપી હતી કે સરકારે વૃદ્ધોની સારસંભાળ અને પાકિસ્તાનમાં આવેલા પૂર જેવા સંકટોમાં ખર્ચ કરવો જોઈએ.આ નાના બાળકની સલાહથી તો બ્રિટનના દિગ્ગજ આર્થિક પંડિતો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આટલી નાની ઉમરમાં આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ઑસ્કર વિશે તમારૂ મંતવ્ય શું કહે છે, ચોક્કસ અમને નિચે આપેલા ફીડબેકમાં લખી મોકલાવશો.


શાહરૂખ જ બનશે ધુમ 3નો વિલન

સંજય ગઢવી યશરાજ ફિલ્મમાં પાછો ફર્યો છે. ઉલ્લેખનિય છે કે સંજય ગઢવીની પ્રોડ્યુસર અને કોર્પોરેટ હાઉસ સાથે કેટલીક કાયદાકીય બાબતે અણબનાવ ચાલી રહ્યાં હતાં હાલમાં તેનો ઉકેલ આવી જતા તેઓ યશરાજ કેમ્પમાં પાછા ફર્યા છે. તેની ગત ફિલ્મ કિડનેપ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. તેમજ ફિલ્મનાં નાણાં એડવાન્સમાં લેવાં છતાં ફિલ્મ નક્કી સમયાનુસાર તૈયાર ન થવાથી તેમનાં વચ્ચે બબાલ થઈ હતી. તેથી તે થોડા સમય માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર થઈ ગયો હતો. સંજયની છેલ્લી હિટ ફિલ્મ ધૂમ 2 હતી અને હવે તે તેની નવી શિક્વલ લઈને પાછો ફરી રહ્યો છે.હવે તે જ્હોન અબ્રાહમ અને રિતીક રોશન બાદ તે શાહરૂખ ખાનને નેગેટિવ શેડમાં દર્શવવાં ઈચ્છે છે. આ માટે એસઆરકે સાથે પણ વાત થઈ ગઈ છે. તો એસઆરકેની કારકિર્દીનાં શરૂઆતનાં દિવસોમાં જે રિતે યશરાજ પ્રોડક્શન તેની પડખે આવ્યું હતું તે વાત તે ભુલ્યો નથી તેથી જ તેણે આ ફિલ્મમાં કામ કરવાનું તુંરત હા પાડી દીધી હતી.ફિલ્મમાં શાહરૂખ જ નેગેટિવ ભૂમિકામાં હશે તેની અધિકૃત જાહેરાત આગામી સેપ્ટેબંર મહિનામાં યશ ચોપરાનાં 75માં જન્મ દિવસે થશે.

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ: પૂરમાં ૧૦ તણાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ: પૂરમાં ૧૦ તણાયા

સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં અષ1ઢી રંગ છવાયો હોય તેમ આભમાં ઝંઝાવાતી વરસાદ વરસતાં નદી-નાળાઓમાં ઘોડાપૂર ઉમટયા છે. દરમિયાન ભાડલા પાસે કોઝ-વે પરથી પસાર થતી પ્રજાપતિ પરિવારની સાત સહિત આઠ વ્યક્તિઓ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સદનસીબે બેનો બચાવ થયો હતો જ્યારે એક બાળક, ત્રણ મહિલા અને બે પુરૂષની મોડી રાત્રે શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઓઝત નદીના પૂરમાં બે મહિલા લાપતા બની છે. આ ઉપરાંત વીજળીએ પણ એક મહિલાનો ભોગ લીધો હતો.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદથી આઠ ઇંચ સુધીનું પાણી વરસ્યું હતું. જેમાં ઉપલેટામાં સાંબેલાધારે આઠ ઇંચ તો ઊનાના વડવિયાળામાં આઠ ઇંચ, ધોરાજીમાં સવા કલાકમાં સુપડાધારે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર પંથકમાં ઝાપટાંથી માંડી સાડા પાંચ ઇંચ સુધી પાણી વરસ્યું હતું. જ્યારે જામનગર જિલ્લામાં હળવાભારે ઝાપટાં પડ્યા હતા.દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, સમગ્ર રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં ફરી અષાઢી માહોલ જામ્યો છે તેમાંય રવિવારે વરસાદે તોફાની ઈનિંગ ખેલી હતી જેમાં રાજકોટથી પુત્ર માટે કન્યા જોઈ ભાડલા પરત જઈ રહેલા પરિવારને પૂરમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. પ્રજાપતિ પરિવારના સાત સહિત આઠ સભ્યો પૂરમાં તણાવા લાગ્યા હતા. જેમાં ભગાભાઈ ગોવિંદભાઈ સરેરિયા અને સંદીપ ભગાભાઈ સરેરિયાનો બચાવ થયો હતો અને બાબુભાઈ ગોવિંદભાઈ સરેરિયા, બટુક ગોવિંદભાઈ સરેરિયા, ગીતાબેન ગોવિંદભાઈ સરેરિયા, બાબુભાઈના પત્ની તેમજ ગોકળભાઈ નરશીભાઈનો પુત્ર લાપતા બની ગયા છે.રેસ્કયુ ટીમે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ મોડીરાત્રે બચાવ કામગીરી આરંભી છે.આ ઉપરાંત જૂનાગઢના રહિશ હેમલતાબેન સાવલિયા મોટાકોટડામાં આવેલી તેમની વાડીએ પરત ફરતા હતા ત્યારે ઓઝત નદીના પૂરમાં તણાયા હતા. જ્યારે ઘોડાસણ ગામની ગીતાબેન નાગજીભાઇ દલિત (ઉ.૩૫) નામની મહિલા ખેત મજૂરી કરી આજે સાંજે પોતાનાં ઘર તરફ પરત આવી રહી હતી ત્યારે ગુડાજલી નદીમાં તણાઇને લાપત્તા બનતાં તંત્રએ તેની શોધખોળ હાથ ધરી છે.સોરઠના ઊના તાલુકાના વડાવિયાળા ગામે આઠ ઇંચ પાણી વરસ્યા બાદ ઊનામાં સાડાત્રણ, ભેંસાણ અને તાલાલામાં ત્રણ આ ઉપરાંત માણાવદરમાં અઢી, સૂત્રાપાડામાં બે, વંથલીમાં બે, વિસાવદરમાં બે, જૂનાગઢમાં દોઢ, માંગરોળમાં દોઢ અને માળિયામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ મેંદરડા, કેશોદ વેરાવળ પંથકમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. પોરબંદર પંથકમાં ફરી મેઘો ઓળઘોળ થઇ ગયો હતો અને કુતિયાણા પંથકમાં પાંચ ઇંચ રાણાવાવમાં ત્રણ ઇંચ, બરડા પંથકમાં બે ઇંચ અને પોરબંદરમાં એક ઇંચ પાણી વરસી ગયું હતું.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. માત્ર સવા કલાકમાં સૂપડાધારે સાડા પાંચ ઇંચ પાણી વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાણી હતી અને તંત્ર સાબદુ થઇ ગયું હતું. સાથોસાથ ઉપલેટામાં સાંબેલાધારે આઠ ઇંચ વરસાદ વરસતાં પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત રાજકોટ શહેરમાં મોડી સાંજે ધોધમાર અઢી ઇંચ પાણી વરસી જતાં રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પડધરીમાં અઢી ઇંચ, ઉપલેટામાં ત્રણ ઇંચ, જસદણમાં દોઢ, ગોંડલમાં એક, આ ઉપરાંત અન્ય તાલુકામાં હળવાભારે ઝાપટાંરૂપી વરસાદ વરસ્યો હતો.અમરેલી જિલ્લાના ધારી પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યાના વાવડ મળી રહ્યા છે. આ ઉપરાંત જાફરાબાદમાં બે, બાબરામાં એક, સાવરકુંડલામાં એક, લીલિયામાં પોણો ઇંચ પાણી પડ્યું હતું. તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સરવડા વરસતા રહ્યા હતા.જામનગર જિલ્લામાં જામજોધપુરમાં દોઢ ઇંચ, કાલાવડમાં એક ઇંચ, ભાણવડમાં પોણો ઇંચ, જામનગરમાં અડધો ઇંચ, કલ્યાણપુરમાં અડધો ઇંચ આ ઉપરાંત જોડિયા, ધ્રોલ સહિતના તાલુકામાં હળવાભારે ઝાપટા વરસતા રહ્યા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પલટાયેલા હવામાન વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મહુવા પંથકમાં ત્રણ ઇંચ, આ ઉપરાંત અન્ય તાલુકામથકમાં પણ ભારે ઝાપટાં વરસ્યા હતા. જેના પગલે તળાજી નદી બે કાંઠે વહેવા લાગી હતી.


છોટે નવાબની બહેનનો MMS હિટ

બોલિવૂડના દરેક સ્ટાર્સ રીતિક રોશન અને રણબિર કપૂર જેટલા નસીબદાર હોતા નથી કેટલીકવાર તેમના માતા-પિતા પણ તેમની કરિયરને બચાવી શકતા નથી. બોલિવૂડની ચમક-દમક દરેકના ભાગ્યમાં લખાયેલી હોતી નથી. આમાં કેટલીક અભિનેત્રીઓનો સમાવેશ થાય છે કે જેઓના નસીબમાં સફળતા લખાયેલી નથી.સોહા ફિલ્મો કરતાં ફિલ્મ રંગ દે બસંતીના સિદ્ધાર્થ અને કુનાલ ખેમુ સાથેના સંબંધોને કારણે વધુ ચર્ચામાં રહે છે. રંગ દે બસંતીમાં સોહા અલી ખાને કમાલનો અભિનય આપ્યો હતો. જો કે ફિલ્મ પૂરી થતાં સિદ્ધાર્થ અને સોહાના સંબંધોનો પણ અંત આવ્યો હતો. જો કે સોહાના સંબંધો કુનાલ ખેમુ સાથે બંધાઈ ગયા હતા. કુનાલ અને સોહાના ઉત્કટ પ્રણય જોઈને અનેક લોકોને નવાઈ લાગી હતી. હાલમાં સોહાની ચર્ચા કુનાલ સાથેના સંબંધોને લઈને નહિ પરંતુ વેક્સિંગ એમએમએસ ટેપને કારણે થઈ રહી છે. બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓના ન્યૂડ વીડિયો બન્યા છે. જો કે સોહાના વીડિયોની વાત અલગ જ છે. સોહાના અંતરંગ દ્રશ્યો વીડિયોમાં કેદ કરવામાં આવ્યા છે. કેટરિનાની સેક્સ ટેપ બાદ કલ્કી અને હવે સોહાનો એમએમએસ આવ્યો છે. જો કે કોઈ પણ વ્યક્તિ એવું ના ઈચ્છે છે કે તેની સાથે આ પ્રકારનું વર્તન થાય. સોહા બ્યુટી પાર્લરમાં વેક્સ કરાવતી હતી અને તેણે બિકીની પહેરી હતી. આ સમયે ત્યાં છુપો કેમેરો લગાવવામાં આવ્યો હતો. સોહા આ વાતથી તદ્દન અજાણ હતી. થોડા સમય પછી સોહાએ માત્ર ટુવાલ જ પહેર્યો હતો. આ વીડિયો બે ભાગમાં બનાવવામાં આવ્યો છે. વેક્સ કરતાં પહેલા અને વેક્સ પછી એમ વીડિયો બનાવ્યો છે. સોહાના આ એમએમએસની ક્લિપની જોરદાર ડિમાન્ડ છે. આ ક્લિપ $20 to $30માં વેચાઈ રહી છે. જો કે એમએમએસ સોહા માટે નસીબવંતો સાબિત થયો હોય તેમ લાગી રહ્યું છે. સોહાની અત્યાર સુધી કોઈ ચર્ચા થતી નહોતી પરંતુ હવે સોહાની ચર્ચા ચારેબાજુ થવા લાગી છે. એમએમએસને કારણે સોહા અલી ખાન અને સલમાન રશ્દી વચ્ચે ખાનગી મુલાકાત પણ યોજાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોહા અલી ખાન સલમાન રશ્દીની પ્રખ્યાત નોવેલ મીડનાઈટ ચિલ્ડ્રનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે.ટૂંકમાં એકદમ ફ્લોપ સ્ટાર હોવા છતાં માત્ર હોટ એમએમએસને કારણે સોહા અલી ખાન લાઈમલાઈટમાં આવી ગઈ છે.


ઓય બલ્લે બલ્લે, 1લીટરમાં 98 કિ.મી. ચાલશે આ કાર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના આ સમયગાળામાં કાર ચલાવાના શોખીનો માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવી ગયા છે. માત્ર 1 લીટરમાં 98 કિલોમીટરની માઇલેજ આપનારી કાર ટૂંક સમયમાં જ રસ્તાઓ પર દોડતી નજરે પડશે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની ખ્યાતનામ કાર કંપની જનરલ મોટર્સની ઇલેક્ટ્રીક કાર 'શેવરલે વોલ્ટ'ની.જનરલ મોટર્સ પોતાની આ સેડાનને નવેમ્બર મહિનામાં રસ્તાઓ ઉપર દોડતી કરી દેશે. સૌથી પહેલા આનુ વેચાણ કેલેફોર્નિયામાં કરવામાં આવશે. ત્યારબાદ કંપની આ કારને ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, વૉશિન્ગટન અને ટેક્સાસમાં લૉન્ચ કરશે. અમેરિકામાં વોલ્ટની કિંમત 41 હજાર ડૉલર એટલે કે રૂ. 19 લાખની આસપાસ રાખવામાં આવી છે.શેવરલે વોલ્ટ ઇલેક્ટ્રિક મોટરથી શુસજ્જ છે, અને સાથે જ 40 માઈલ એટલે કે 65 કિલોમીટરનો બેટરી પાવર પણ ધરાવે છે. ખાસ વાત એ છે કે આના બેટરી પાવરને તમે કોઈ પણ હોમ આઉટલેટથી રિચાર્જ કરી શકો છો અથવા કરાવી શકો છો.દુનિયા ભરમાં અત્યાર સુધીમાં ટોયાટોની 'પ્રાયસ' સૌથી વધારે ફ્યૂઅલ એફિશિએન્ટ કાર માનવામાં આવે છે. આ કાર એક લીટરમાં 20 કિલોમીટર ચાલે છે. પ્રાયસ ગેસ ઇલેક્ટ્રિક હાઈબ્રિડ કાર છે, જે એક નાનકડા ઇન્ટર્નલ કંમ્બશન એન્જીન ઉપર ચાલે છે, જેને સપોર્ટ કરવા માટે એક બેટરી પાવર ઇલેક્ટ્રિક મોટર લગાવામાં આવી છે. ટોયાટોએ પોતાની આ હાઈબ્રિડ કારને આ જ વર્ષે દિલ્હીમાં યોજાયેલ એક ઑટો એક્સ્પોમાં ભારતમાં લૉન્ચ કરી છે. અને લગભગ ત્રણ મહીના પહેલા ભારતમાં આનુ વેચાણ શરૂ કરવામાં આવ્યુ હતુ. દિલ્હીમાં આની એક્સ શોરૂમ કિંમત રૂ 27 લાખ આસપાસ છે.આમતો કાર બનાવનાર દુનિયાભરની કંપનીયો, હાઈબ્રિડ અને ઇલેક્ટ્રીક કૉસેપ્ટ પર ફ્યૂઅલ એફિશિએન્ટ કારોનુ નિર્માણ કરવામાં લાગી છે. પરંતુ જાણકારોનુ એમ પણ માનવુ છે કે વોલ્ટ દ્વારા જનરલ મોટર્સ બજારમાં માર્કેટ લીડર બનીને આગળ આવી શકે છે.


પાકિસ્તાન પર નાપાક ફિક્સિંગનું કલંક

પાકિસ્તાનના સાત ક્રિકેટરો પર સ્પોટ ફિક્સિંગનો આક્ષેપ થયો છે અને આવું પ્રથમ વખત બન્યું નથી. અગાઉ પણ પાકિસ્તાની ક્રિકેટરો પર આ પ્રકારના આક્ષેપો થતા રહ્યા છે. ખાસ કરીને મેચ ફિકગંસનાં કૌભાંડમાં સંડોવણી થઇ હોવાનું સપાટી પર આવ્યા બાદ આ દેશના ક્રિકેટરોના નામ મીડિયામાં ઘણી વખત ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યાં છે.પ્રથમ વખત ૧૯૯૪માં કામચલાઉ સુકાની સલીમ મલિક પર મેચ ફિકસ કરવાનો તથા ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન લેગ સ્પિનર શેન વોર્ન તથા માર્ક વોને તેમની ક્ષમતા કરતાં ઓછો દેખાવ કરવા બદલ જંગી નાણાંની પણ ઓફર કરી હોવાના આક્ષેપો થયા હતા.ગયા વર્ષે શ્રીલંકન ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ઘરઆંગણે રમાડવા માટે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાન માટે મેચફિક્સિંગના નવા આક્ષેપો મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.નવા સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસફિ અને મોહમ્મદ આમિર પર કથિત રીતે સ્પોટ ફિક્સિંગના આક્ષેપો થયા છે. આ અગાઉ પણ પાકિસ્તાની ક્રિકેટરો પર આવા આક્ષેપો થઇ ચૂક્યા છે.મલિક પર ૨૦૦૦ના વર્ષમાં જસ્ટિસ મલિક મોહમ્મદ કય્યુમની તપાસ પાદ આજીવન પ્રતિંબધ લાદવામાં આવ્યો હતો. વસીમ અકરમ જેવા ખેલાડીઓ ઉપર પણ આવા આક્ષેપો થઇ ચૂક્યા છે, અકરમ પર ૧૯૯૩માં ઝડપી બોલર રહેમાનને ખરાબ પ્રદર્શન કરવા બદલ એક લાખ રૂપિયાની ઓફર કરવાનો આક્ષેપ થયો હતો. ગંભીર આક્ષેપોના કારણે અકરમને સુકાનીપદથી હાથ ધોવા પડ્યા હતા.પાકિસ્તાની તોફાની બોલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે ૨૦૦૭ના ભારત પ્રવાસ દરમિયાન તેને ખરાબ પ્રદર્શન કરવા માટે રૂપિયાથી ભરેલી બ્રફિકેશની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ઓફરને નકારી નાખી હતી.
તાજેતરની કેટલીક ઘટનાઓમાં વિકેટકીપર કામરાન અકમલ સામે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન સ્ટમ્પ પાછળ જાણી જોઇને કેચ પડતા મૂકવાના આક્ષેપો થયા હતા.


આજે શાહના જામીન મુદ્દે રૂબાબુદ્દીનની વાંધા અરજી અંગે ચુકાદો

સોહરાબુદ્દીન શેખના ભાઇ રૂબાબુદ્દીને સીબીઆઇ સેસન્સ કોર્ટ સમક્ષ ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહને જામીન મળે તે મુદ્દે પોતાની વાંધા અરજી રજુ કરી હતી અને આ મુ્દ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ વકીલ સમસાદ પઠાણ દ્વારા અરજી કરી હતી જે અરજી અંગે આજે કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવશે. એટલે કે આજે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે કે રુબાબુદ્દીનન પક્ષકાર બની શકે કે કેમ?દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા ગુજરાત રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને કોર્ટના આદેશથી જેલમાં રાખ્યા છે. જોકે હાલમાં સોહરાબુદ્દીન પ્રકરણમાં કુલ ૧૬ આરોપીઓ જેલમાં છે. ધરપકડ બાદ શાહે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.શાહને જામીન ના મળે તે માટે સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને વાંધા અરજી કરી અને આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ અરજી કરી હતી. રૂબીબુદ્દીને એવી રજુઆત કરી હતી કે જો શાહ ગુજરાતના માજી ગૃહરાજ્ય મંત્રી છે માટે તેમના પાસે ઘણી તાકાત છે. અને જો આ પરસ્થિતીમાં શાહને જામીન મળે તો તે આ પ્રકરણમાં પુરવાને નુકસાન કરી શકે છે અને સાક્ષીઓને ફોડી શકે છે માટે તેમને જામીન ન આપવા જોઇએ. જોકે રૂબાબુદ્દીનની આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવીની અરજીની સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં અમીત શાહના વકીલે એવી રજુઆત કરી હતી કે રૂબાબુદ્દીન વિકટીમ નહિ હોવાથી તે પક્ષકાર તરીકે જોડાઇ શહે નહિ જ્યારે રૂબાબુદીનના વકીલે પોતે મરનાર સોહરાબુદીદના ભાઇ હોવાથી પક્ષકાર બની શકે તેવી રજુઆતો કરી હતી, જો કે ખુદ સીબીઆઇના વકીલો દ્વારા પણ એવી રજુઆત કરવામાં આવી હતી કે રૂબાબુદ્દીન ધારે તો સરકારી વકીલને પોતાના પાસેની માહિતી આપીને તેને સહાયક બની શકે છે. તમામ પક્ષે રજુઆત સાંભળ્યા બાદ સીબીઆઇ સેસન્સ જજ જી.કે ઉપાધ્યાયે આ મદ્દે ચુકાદો કેસનો ચુકાદો આજે તા. ૩૦ ઓગષ્ટના રોજ જાહેર કરવાનો આદેશ કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે કોર્ટનો ચુકાદો શું છે?


વડોદરા : રેલવે તંત્ર દ્વારા ટ્રેકની આસપાસના ઝૂંપડા હટાવાયા

વડોદરામાં આજે સવારથી રેલવે તંત્રએ સપાટો બોલાવી રેલવે ટ્રેકની આસપાસ બનેલા ઝૂંપડાઓ દૂર કરવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. રેલવે તંત્રએ રેલવે પોલીસ અને આર.પી.એફ. ના જવાનો સાથે હાથ ધરેલી આ કાર્યવાહીને પગલે ઉત્તેજના વ્યાપી ગઇ હતી.વડોદરામાં પ્રતાપનગર રેલવે સ્ટેશનથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધીના નેરોગેજ અને બ્રોડગેજ રેલવે ટ્રેકની આસપાસ છેલ્લા ઘણા સમયથી શ્રમજીવીઓ દ્વારા ગેરકાયદેસર ઝૂંપડાંઓ ઊભાં કરી દેવાયાં હતા. આ ઝૂંપડાઓ બન્યા બાદ શ્રમજીવીઓના પરિવારો રાતના સમયે ટ્રેકને અડીને સૂઇ જતા હતા. એટલું જ નહીં શ્રમજીવીઓના બાળકો ટ્રેક ઉપર જ રખડતા હોઇ અહીંથી પસાર થતી નેરોગેજ અને બ્રોડગેજ ટ્રેનોને ધીમી ગતિએ લઇ જવી પડતી હતી.રમજીવીઓની તેમના બાળકો પ્રત્યેની નિષ્કાળજીને કારણે ક્યારેક મોટા અકસ્માતની આશંકા સેવાતી હતી. જેથી રેલવે તંત્રએ આ ઝૂંપડાવાસીઓને ઝૂંપડાં ખાલી કરી અહીંથી હટી જવા નોટિસ ફટકારી હતી. તેમ છતાં ઝૂંપડાવાસીઓ ટસના મસ નહીં થતાં આખરે રેલવે તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી ઓપરેશન હાથ ધરી ઝૂંપડાં તોડી પાડ્યા હતા. આ કામગીરીને પગલે ઝૂંપડાવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ કામગીરી જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધીના પટ્ટામાં રેલવે ટ્રેકને અડીને બનેલા અંદાજે ૫૦ જેટલાં ઝૂંપડાનો સફાયો કરી નંખાયો હતો. આ કાર્યવાહીમાં રેલવે પી.ડબલ્યુ.ડી. વિભાગ, રેલવે પોલીસ અને આર.પી.એફ.નો સ્ટાફ જોડાયો હતો.


GIDCમાં ધાડપાડુઓનો આતંક

મકરપુરા જી.આઇ.ડી.સી.માં છેલ્લા બે મહિનાથી ધાડપાડુઓએ આતંક મચાવ્યો છે. ધાડપાડુ ટોળકી કંપનીમાં લૂંટ કરતાં પહેલાં વોંચમેનની બેરહેમીપૂર્વક ધોલાઇ કરે છે. અત્યાર સુધીમાં ૧૫થી વધુ વોચમેનની આ રીતે પીટાઇ થઇ ચૂકી છે. જી.આઇ.ડી.સી.ના શેડ નંબર ૧૧૪માં શનિવારે રાત્રે લૂંટારાઓએ પથ્થરમારો કરતાં બે સિક્યુરિટી જવાનને ઇજા પહોંચી હતી.મકરપુરા જીઆઇડીસીમાં શનિવારે રાતે ત્રાટકેલા લૂંટારાએ શેડ નં. ૧૧૪માં પથ્થરમારો કરતાં સિક્યુરીટી ગાર્ડ નટવરસિંહ રામસિંહ રાઠોડને તેમજ અંબિકા પાસવાનને ઇજા પહોંચી હતી. લૂંટારાએ લૂંટના ઇરાદે પથ્થરમારો કર્યો હતો, પરંતુ સિક્યુરિટી જવાનોએ સામે પથ્થરમારો કરતાં સફળતા મળી ન હતી. પથ્થરમારામાં અન્ય બે વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.પોલીસે ૧૫ લૂંટારા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જી.આઇ.ડી.સી.માં ગલી નંબર ૮૭૦માં આવેલી ૨૦થી વધુ કંપનીમાં કિંમતી મુદ્દામાલ હોવાના કારણે ૨૦ દિવસથી લૂંટારાઓ આ ગલીમાં આવેલી એક પછી એક કંપનીમાં લૂંટ ચલાવી રહ્યા છે. શરીર પર તેલ જેવુ પ્રવાહી લગાવીને આવતાં ચડ્ડી-બનિયાન ધારી લૂંટારાઓ લાકડી, દંડા અને પાઇપથી સજ્જ હોય છે.સૌથી પહેલાં કંપનીના વોચમેનની બરાબરની ધોલાઇ કરે છે અને કેટલાક કેસમાં તો વોચમેનને બાંધીને પણ ફટકારે છે અને ત્યાર બાદ ગણતરીની મિનિટોમાં જ લૂંટારાઓ મુદ્દામાલની લૂંટ કરી રેલવે લાઇન તરફ ફરાર થઇ જાય છે.અગાઉ રક્ષાબંધનના આગલા દિવસે જ એક કંપનીમાં સાડા ત્રણ લાખથી વધુની મતાની લૂંટ થઇ હતી. આ પહેલાં જલારામ એસ્ટેટમાં ૨૦ દુકાનનાં તાળાં તૂટયા હતા. લૂંટના બનાવને ડામવામાં પોલીસ નિષ્ફળ નિવડી છે.ફેબ્રિકેશનની કંપની ધરાવતા વિરેનભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ધાડપાડુઓના હાહાકારને પગલે હવે કંપનીઓમાં વોચમેન રહેવા માટે તૈયાર થતાં નથી. જેથી માલિકોને રાત્રે કંપનીમાં સૂવું પડે છે.


વડોદરા : રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતાં જળબંબાકાર

વડોદરા શહેરમાં ૫ મિમી અને નસવાડીમાં ૨૦ મિમી વરસાદ નોંધાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.ગઈ કાલેના ધોધમાર વરસાદ બાદ આજે બપોરે અઢી વાગે એક ઝાપટું પડતાં વરસાદી વાતાવરણનો માહોલ સર્જાઈ ગયો હતો.જો કે રાતે ૧૦ વાગ્યાના સુમારે ધોધમાર વરસાદના બે ઝાપટાં પડી જતાં શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.પ્રાપ્તવિગતો અનુસાર, રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં વડોદરા શહેર અને જિલ્લા પણ બાકાત રહ્યો ન હતો. રવિવારે સાંજે શહેરમાં વરસાદનો એક સ્પેલ પડ્યા બાદ રાતે ફરીથી જોરદાર વરસાદી ઝાપટાં પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વડોદરા શહેરમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં પાંચ મિમી જેટલો વરસાદ પડ્યો હતો.બીજી તરફ વડોદરા જિલ્લામાં બપોર બાદ તમામ તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી હતી. આજે સંખેડામાં ધોધમાર વરસાદ તૂટી પડતાં સાંજ સુધીમાં ૪૨ મિમી વરસાદ નોંધાયો હતો. મોડી રાતે પણ જિલ્લાના ડભોઇ,નસવાડીમાં વરસાદ પડ્યાના અહેવાલો છે.રવિવારે સવારથી છોટાઉદેપુરમાં ૧ મિમી, ડભોઈમાં ૭ મિમી, પાવીજેતપુરમાં ૩ મિમી, કરજણમાં ૫ મિમી, કવાંટમાં ૪ મિમી જ્યારે સાવલી શિનોરમાં ૨-૨ મિમી વરસાદ નોંધાયો હતો. આજે વડોદરામાં મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન નોંધપાત્ર રીતે ઘટીને ૨૪.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાની આસપાસ રહ્યું હતું


ઉચ્છલ-નિઝર તાલુકાના આરોગ્ય કર્મીઓને પગાર ન ચૂકવાતાં રોષ

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપી-વ્યારાના નિઝર બ્લોક હેલ્થ કચેરીના કાર્યક્ષેત્ર ઉચ્છલ અને નિઝર તાલુકાના આરોગ્ય કર્મચારીઓનો જુલાઈ માસનો ઈજાફા સાથેના પગાર આજદિન સુધી ન ચૂકવાયો નથી. ત્રણ માસથી અનિયમિત થતાં બ્લોક વહીવટ કથળી જતાં જે આરોગ્ય મંડળના પ્રમુખ સુરેશ ગામીતે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તાપીના વ્યારાના નિઝર બ્લોક ઓફિસના કાર્યક્ષેત્ર ઉચ્છલ અને નિઝર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ જુલાઈ માસનો પગાર ન આવતા સહિત બીજા અન્ય પ્રશ્નો ચાલુ માસના પગાર પ્રક્રિયા, છઠ્ઠા પગારપંચની હપ્તાની રકમ જીપીએફમાં જમા કરાવવી, જીપીએફની કપાત રકમના ચલણો થવા, બીલો મંજુર કરવા, ડુપ્લિકેટ સેવાપોથી બનાવવા જેવા અન્ય મહત્વના પ્રશ્નોના નિકાલ માટે લેખિતમાં રજુઆતો કરી હતી. જેના પરિણામ ન આવે તો આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ઉચ્છલ ખાતે આગામી કુટુંબ નિયોજન કેમ્પનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે અંગે એક યાદી તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ તાપીના પ્રમુખ સુરેશભાઈ ગામીતે જણાવ્યુ હતુ.


આઠ આરટીઆઈ ચળવળકારોને ગોળીએ દેવાયા

માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી સરકારી અધિકારી, નેતાઓના કરતૂતોનો ભાંડો ફોડવા નીકળેલા ચળવળકર્તાઓને પતાવી દેવાનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા સાત માસમાં આઠની હત્યા કરી દેવાઇ હોવાનું મુવમેન્ટ ફોર એકાઉન્ટેબિલિટી ટુ પબ્લિક (એમએપી)ના રાષ્ટ્રીય કન્વીનરે તેમના પત્ર આરટીઆઇ ટાઇમ્સમાં જણાવ્યું છે. જોકે થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે આ પ્રકારના ચળવળકારો માટે ખાસ સુરક્ષા માટે કાયદો બનાવ્યો છે પરંતુ તેનો કેટલો ઉપયોગ થાય છે તેના પર મીટ મંડાઇ છે.
તાજેતરમાં ૨૦મી જુલાઇએ ગીરનેચર ક્લબના પ્રમુખ અને આરટીઆઇ હેઠળ અનેક લોકોના ખોટા મ્હોરાં હટાવનારા અમિત જેઠવાની અમદાવાદમાં હાઇકોર્ટની સામે હત્યા થઇ તે અગાઉ ૧૧મી ફેબ્રુઆરીના વિશ્રામ લક્ષ્મણ ડોડિયાને પણ મારી નખાયા હતા. આઠ ચળવળકારો પૈકી સૌથી વધુ ૪ની હત્યા મહારાષ્ટ્રમાં થઇ હતી જ્યારે બિહાર તેમજ આંધ્રપ્રદેશમાં એક એક કાર્યકર્તા મોતને ભેટ્યા હતા. ખુદ આરટીઆઇ ટાઇમ્સના તંત્રી મિલાપ ચોલારિયા સહિત ૨૦ પર હુમલાનો પ્રયાસ થયો હોવાનું તેમના સાથીદાર બાબુલાલ વાઘેલાએ કહ્યું હતું.રાજઘાટ નવી દિલ્હી ખાતે અરવિંદ કજરીવાલના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં અમિત જેઠવાની શહીદીને યાદ કરાઇ હતી. આ તકે અનેક લોકોએ તેમના સંબોધનમાં ભ્રષ્ટ તત્વો ખુલ્લા પડવાની બીકે સુપારી આપવાનું શસ્ત્ર અજમાવી રહ્યા છે, ત્યારે આવા તત્વો વિરુદ્ધ કાયદો તુરંતમાં ઘડવા માંગ કરી હતી તે સાથે આવા શહીદોના પરિવારને આર્થિક સહાય ઉપરાંત આજે પણ લડી રહેલા લોકોને રક્ષણ પૂરું પાડવા સૂર વ્યક્ત કરાયો હતો.નોંધનીય છે કે, અમિત જેઠવા ઉપરાંતના અનેક ચળવળકારો જમીન માફિયા, રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે રીતસરનું રણશિંગું ફૂંકી કાયદાકીય રીતે આગળ વધી રહ્યા છે જેને રક્ષણ મળવું જોઇએ તેવી લાગણી દેશભરમાં પ્રવર્તી રહી છે.


ઝાપટાં પૂર્વ કચ્છમાં ઝંઝાવાતી વરસાદ

પૂર્વ કચ્છમાં રવિવારે રાત્રે અચાનક મેઘરાજા રૌદ્ર સ્વરૂપમાં ત્રાટક્યા હતા. ભચાઉ તાલુકાના પેથાપર, લાકડિયા વિસ્તારમાં મિનિ વાવાઝોડાંએ ખાનાખરાબી સર્જી હતી, સદભાગ્યે જાનહાનિ થઇ નહતી, પરંતુ સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વળી ગયો, મકાનોના નળિયાં ઉડ્યાં હતાં.રાપરના તા.ના પ્રાંથળમાં પણ ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. વાગડના આ બન્ને તાલુકા પછી થોડા સમયમાં ગાંધીધામ, અંજાર અને મુન્દ્રામાં જોરદાર ઝડી વરસી હતી. ગાંધીધામમાં કલાકમાં દોઢેક ઇંચ પાણી વરસી જતાં અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા હતા, બીજી બાજુ માંડવીમાં ઝાપટાં પડ્યા હતા.પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ પોરો ખાધો હતો. જોકે, રાત્રિના મોડેથી ભુજમાં પણ માહોલ પલટાયો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે પવનનું તોફાન અને વરસાદનું જોર એવું હતું કે, લોકોએ અગાઉ ભાગ્યે જ જોયું - અનુભવ્યું હોય.



ગટરમાં ડૂબી જનારા આંધ્રના યુવાનની લાશ સ્વીકારવા નનૈયો

નગરપાલિકા દ્વારા શહેરના સેક્ટર-૭માં ચાલતા ગટરના કામ વચ્ચે શનિવારે રાત્રે ખૂલી ગટરમાં બાઇક સાથે પડી જવાથી એક આશાસ્પદ યુવાનનું મોત થતાં શહેરભરમાં રોષની લાગણી ફેલાઇ હતી.મૂળ આંધ્રપ્રદેશના આ યુવાનનું પાલિકાની બેદરકારીથી મોત થયું હોવાના આક્રોશ સાથે શનિવારે વહેલી સવારે શહેરની રામબાગ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આંધ્રપ્રદેશના લોકો એકત્ર થઇ ગયા હતા. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાની ના પાડતાં હોસ્પિટલમાં ઉચાટ સર્જાયો હતો, પરંતુ સમજાવટને અંતે સમાધાન થયું હતું અને લાશ સ્વીકારી લેવાઇ હતી.પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે ખૂલી ગટરમાં ડૂબી જનારો લક્ષ્મીનારાયણ સૂર્યનારાયણ કાકી (ઉ.વ.૨૬) પોતાના બાઇકથી રાત્રે ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. જીવ ગુમાવનારાને દસ વર્ષના લગ્નજીવનમાં એક આઠ વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર પણ હતો, તથા પાંચ ભાઇઓમાંથી તે ચોથા નંબરનો હતો. તે પોતાના ભાઇઓ સાથે ગેરેજમાં કામ કરતો હતો.તો બીજીતરફ નગરપાલિકાએ ઘટનાસ્થળે કામકાજ ચાલુ હોવા છતાં કોઇ જાતનું ચિન્હ કે બોર્ડ ન લગાડ્યુ હોવાથી આ યુવાને જીવ ગુમાવ્યો હોવાના રોષ સાથે રવિવારે વહેલી સવારે રામબાગ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આંધ્ર સમાજના લોકો એકઠા થયા હતા. એક તબ્બકે તો મૃતકના પરિવારે જ્યાં સુધી તંત્ર જવાબ ના આપે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની તૈયાર દર્શાવી હતી, પરંતુ ત્યાર બાદ કેટલાક લોકપ્રતિનિધિએ અંગત રસ લઇ સમાધાન કરાવ્યું હતું.નગરપાલિકા સામે ગુનો દાખલ કરો : કોંગ્રેસ,ખૂલી ગટરમાં ડૂબી જતાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થવાની ઘટનાને કોંગ્રેસે વખોડી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીના કાર્યકરી પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટરને પત્ર લખી સુધરાઇ સામે પગલાં ભરવાની રજુઆત કરી હતી. જણાવ્યું હતું કે, પાલિકાની બેદર-કારીના લીધે આ યુવાનનું મોત થયું છે, ત્યારે સુધરાઇ સામે ફોજદારી ગુનો દાખલ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજાએ આ વાતમાં સૂર પૂરાવ્યો હતો.


ઓખા ટ્રેનમાં એન્જિનનો પાવર ફેલ થતા દોડધામ

ઓખાથી ભાવનગર તરફ આવતી લોકલ પેસેન્જર ટ્રેઈનમાં એન્જીનનો પાવર ફેલ થઈ જતા, આ ગાડીને ભાવનગર લાવવા માટે અહીંથી એન્જીનને રવાના કરવામાં આવ્યા હતા, આના કારણે ઓખા ટ્રેન ચાર કલાક મોડી આવી હતી.ભાવનગર રેલવે ડીવીઝનમાં ખખડધજ ડીઝલ એન્જીન અપાતા આ પ્રકારની ઘટના અનેકવખત બની રહી છે, ડીઝલ એન્જીનના મરામતનું સેન્ટર અમદાવાદના વટવા ખાતે આવેલ છે. ઓખા ટ્રેઈનનું એન્જીન સુરેન્દ્રનગર તરફ ફેલ થઈ જવા પામ્યું હતું.


બોટાદમાં ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર

ભાવનગર જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત રહેતા પાંચ તાલુકામાં અડધાથી ત્રણ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લાના બોટાદમાં આજે ૩ ઈંચ વરસાદ ખાબકી કયો હતો. મહુવા શહેરમાં આજે દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો મહુવાના ગ્રામ્ય પંથકમાં ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યાના વાવડ મળ્યાં છે.બોટાદ શહેરમાં આજ બપોરના બાદ ૫-૩૦ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ વરસી ગયો હતો અને બે કલાકની અંદર બે થી ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો. અને ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાય ગયા હતા.અચાનક પડેલા વરસાદ કારણે બોટાદ શહેર જળબંબાકાર થઈ ગયું હતું અને બે કલાકમાં પડેલા વરસાદના કારણે બોટાદની બન્ને નદીમાં પાણી ભરાયઈ ગયા હતા. શરૂ વરસાદના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.આજ સવારથી મહુવા શહેર અને તાલુકામાં આકાશ ગોરંભાયેલ અને બપોર સુધીમાં ૩૪ મીમી (દોઢઈંચ) વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૫૩૯ મીમી થવા જાય છે. આજના સાવત્રીક વરસાદથી પાણીની સારી એવી આવક થઈ છે. આજે બપોરે તળાજાના દાઠા અને આજુબાજુના વિસ્તારમાં બે કલાકમાં ધોધમાર વરસાદ પડી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી.દાઠા તથા આજુબાજુ વાલર, વાટલીયા, વેજોદરી, રીજીયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તળાજામાં આજે અડધો ઈંચ વરસાદ પડયો હતો. તળાજી નદીના ઉપરવાસના ગામોમાં આજે ભારે વરસાદથી મોડી સાંજે તળાજી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેલી થઈ ગઈ હતી.


સુરતથી ટ્રેન શરૂ કરવા હકારાત્મક પ્રતિભાવ

સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા માટે ભાવનગર-સુરત, મહુવા-સુરત તેમજ વેરાવળથી સૂરતની ઈન્ટરસીટી ટ્રેઈનને સુરત સુધી લંબાવવા સુરતના કોંગ્રેસ અગ્રણીઓ પ્રફુલ્લ ભટ્ટ, લાખાભાઈ પટેલ અને ગોરધનભાઈ અમરેલીયાએ સુરતના સાંસદ તુષારભાઈ ચૌધરી દ્વારા રેલ્વે મંત્રી મમતા બેનર્જીને રજુઆત કરતાં આ અંગે હકારાત્મક પ્રતિભાવ પાઠવતો જવાબ રેલવે મંત્રીએ આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ૨૫ લાખ જેટલા સૌરાષ્ટ્ર વાસીઓ વસે છે.

29 August 2010

હારનો ભાર લઇ ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


હારનો ભાર લઇ ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત

ગઇકાલે માઇક્રોમેક્સ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં શ્રીલંકા સામે હારનો સ્વાદ ચાખ્યા બાદ ધોનીના ધુરંધરો આજે ભારત પરત ફરી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આજે સવારે શ્રીલંકાથી ચેન્નાઇ ખાતે પહોંચ્યા હતા.મહેન્દ્ર સિંહ ધોની કે જે, આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સનો પણ સુકાની છે તે આઇપીએલની ટીમ દ્વારા મુથૈયા મુરલીધરન માટે આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતાઓ છે.મુથૈયા મુરલીધરન કે જેણે ગોલ ટેસ્ટ દરમિયાન ભારત સામે આઠ વિકેટ મેળવીને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ હાંસલ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જે બદલ આઇપીએલની ચેન્નાઇની ટીમ દ્વારા સોમવારે સાંજે આ મુરલીધરનનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


મેળા બહાર જગ્યા પર કબજો કરી ‘રોકડી’ની પેરવી

રેસકોર્સમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ મેળાના મેદાનની બહાર સંકુલમાં જ બેસતા અન્ય પાથરણાવાળા વેપારીઓ પાસેથી રોકડી કરવા માટે દર વર્ષે મેદાનમાં ઉતરતા લેભાગુ તત્વો ફરી સક્રિય થયા છે. તેઓએ અત્યારથી જ દીવાલો પર પોતાના નામ લખી જગ્યા પર કબજો જમાવી લીધો છે. આ જગ્યા રૂ. ૨ હજારથી પ હજારમાં વેચી મારવાનો ઇરાદો હોવાનું પણ જાણવા મળ્યું છે.દર વર્ષે આ કૌભાંડ થયા કરે છે. જો કે ગત વર્ષે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટે પાથરણાવાળા વેપારીઓ પાસેથી સત્તાવાર રીતે વહીવટીચાર્જ વસૂલી વેપાર માટે કાયદેસર રીતે જગ્યા આપવાનું શરૂ કરી દેતા આ કૌભાંડને રોક લાગી હતી પણ આ વર્ષે ફરી કૌભાંડકારો મેદાને આવી ગયા છે.મેળાના મેદાનની બહાર બહુમાળી ભવન અને મેયર બંગલા સામે બાલભવનથી લઇ છેક રેસકોર્સના મેદાન સુધી દીવાલ પર વિવિધ નામો લખી જગ્યા પર કબજો જમાવી લેવામાં આવ્યો છે. મિથુન, ઉસ્તાદ, સુલેમાન જેવા આવા નામો હાલ દીવાલો પર ચિતરાયેલા છે. આ તમામ જગ્યાઓ મેળાના એકાદ-બે દિવસ પૂર્વે રૂ. ૨ હજારથી લઇ રૂ. પ હજારમાં બારોબાર સોદો કરી નાખી જબરી કમાણી કરી લેવાના ઇરાદા સાથે આ કારસ્તાનની ગોઠવણી કરવામાં આવે છે.દરમિયાન, આ અંગે મ્યુનિ. કમિશનરે વિજિલન્સ બ્રાન્ચને તપાસનો આદેશ આપી આ રીતે કોઇ જગ્યા પર કબજો જમાવવાનો પ્રયાસ કરે તો તેની સામે ફોજદારી સહિતના પગલાં લેવાનો આદેશ આપ્યો છે. મેળાના દિવસો દરમિયાન સતત વિજિલન્સ ચેકિંગનો પણ હુકમ મ્યુનિ. કમિશનરે કર્યો છે.


મેચ ફિક્સિંગ કાંડઃ મજીદનું ભારતીય જોડાણ

આજે પણ ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કરવામાં આવી રહી છે તે અંગે એક સમાચારપત્ર દ્વારા કરવમાં આવેલ સ્ટિંગ ઓપરેશનથી ક્રિકેટ જગતમાં ખડભડાટ મચી ગયો છે. આ સ્ટિંગ ઓપરેશનમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નામ ખરડાયું છે. લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની શ્રેણીની અંતિમ મેચ ફિક્સિંગ કરવા માટે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ સામેલ હોવાનો ખુલાસો ઇંગ્લેન્ડના અખબાર ધ ન્યૂઝ ઓફ વર્લ્ડે કર્યો છે.ટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા મેચ ફિક્સિંગમાં પકડવામાં આવેલા બૂકી મઝહર મજીદનું ભારતીય બુકીઓ સાથે પણ જોડાણ હોવાનું બહાર આવ્યું છે. મઝહર મજીદે ધ ન્યૂઝ ઓફ વર્લ્ડના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી ભારતીય બજાર ખૂલ્યા નથી હોતા ત્યાં સુધી કોઇ મોટી પ્રવૃતિ થતી નથી.લોર્ડ્સ ખાતેની મેચમાં પાક ખેલાડીઓએ પૈસા લઇને નો-બોલ ફેંક્યો હતો. તેવું બ્રિટિશ અખબારના સ્ટિંગમાં બહાર આવ્યા બાદ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા પાક સુકાની સલમાન બટ્ટ, મો. આમિર, મો. આસિફ સહિતના ચાર ખેલાડીઓની પુછપરછ કરવામાં આવી હતી. આ જ વીડિયોમાં માજીદે જણાવ્યું છે કે, તે ભારત સ્થિત બૂકીઓને પણ જાણે છે.



જરૂર પડે નરેન્દ્ર મોદી બિહારમાં પ્રચાર કરશે: કલરાજ મિશ્રા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સેવાઓની જરૂર પડશે, તો તેઓ બિહારની મુલાકાતે આવીને ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કરશે.પત્રકારો દ્વારા ભાજપના નેતા કલરાજ મિશ્રાને પુછવામાં આવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવશે, તો તેના જવાબમાં મિશ્રએ કહ્યું હતું કે જો જરૂર પડશે, તો મોદી અથવા અન્ય કોઈ ભાજપના શીર્ષસ્થ નેતાને આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવાનું કહેવામાં આવશે.મિશ્રાએ ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની ભાજપની સરકારોના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વખાણને ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે આ રાજ્યોમાં લઘુમતીઓના કલ્યાણ માટેનું કાર્ય તેમની પાર્ટીની સેક્યુલર ઓળખ દર્શાવે છે.બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જમીની તૈયારી માટે આવેલા ભાજપના નેતા કલરાજ મિશ્રએ કહ્યું હતું કે એનડીએ અહીં બીજી વખત સત્તા પર આવશે, તો આગામી પાંચ વર્ષમાં બિહાર વિકસિત રાજ્ય બની જશે.મિશ્રાએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા બિહાર સાથે અપર માતા જેવું વર્તન કરવામાં આવે છે. તેને વિશેષ દરજ્જો પણ અપાતો નથી અને ન તો તેને દુકાળ અને પૂરની પરિસ્થિતિમાં સંપૂર્ણ મદદ કરતી. તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએની સરકારે દરેક મોરચે સારો દેખાવ કર્યો છે.


પિતૃત્વની રજા લેનારા કેમરોન પ્રથમ બ્રિટિશ PM

આ જ સપ્તાહે એક બાળકીના પિતા બનેલા બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરોન 'પિતૃત્વની રજા' પર જવા માટે તૈયાર થઈ ગયા છે. તેઓ આ પ્રકારની રજા ભોગવનારા પ્રથમ બ્રિટિશ પ્રધાનમંત્રી છે.કેમરોનની પત્ની સામન્થાએ આ સપ્તાહે પોતાની ચોથી સંતાન ફ્લોરેન્સ રોઝ એન્ડેલિયનને જન્મ આપ્યો છે અને પ્રધાનમંત્રી આ કારણોસર ખૂબ જ ખુશ છે. પ્રધાનમંત્રી પદ પર રહીને નવા સંતાનના પિતા બનનારા કેમરોન બીજા પ્રધાનમંત્રી છે.આ પહેલા ટોની બ્લેરને આ ગૌરવ પ્રાપ્ત થયું હતું. બ્લેર સરકારના કાર્યકાળમાં વર્ષ 2003માં બનાવવામાં આવેલા કાયદા અંતર્ગત નવા બનેલા પિતા બે સપ્તાહની કાયદેસર રજા મેળવી શકે છે.ઉપપ્રધાનમંત્રી નિક ક્લેગે એક રેડિયો સ્ટેશનને કહ્યું છે કે કેમરોન ખરેખર એક યુવાન પિતાની જેમ કેટલોક સમય પિતૃત્વની રજા ભોગવવા માગે છે. આ સમયગાળા દરમિયાન તેમની જવાબદારી નિક ક્લેગ સંભાળશે. કેમરોન કઈ તારીખથી ફરી પદ સંભાળશે તે હજુ જાહેર થયું નથી.


કાલે શાહને જામીન મળશે કે જેલ?

આવતીકાલે અમિત શાહના જામીન અંગેની સુનવણી હાથધરાશે, જો શાહને જામીન મળશે તો પાંત્રિસ દિવસના જેલવાસ બાદ જેલની બહાર આવશે માટે હવે આવતીકાલના જેલના આદેશ પર એ વાતનો આધાર છે કે માજી ગૃહરાજ્યમંત્ર અમિત શાહને જેલ મળશે કે જામીન.સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જામીન અંગેની અવતીકાલે સુનવણી છે. શાહની જામીનની સુવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના છે, અમિત શાહ તેમના જેલવાસ દરમીયાન સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરી ચુક્યા છે. જ્યારે સ્વાતંત્રય દિન ૧૫મી ઓગષ્ટ તથા રક્ષાબંધન પણ જેલમાં ઉજવી ચુક્યા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતીજોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.અમિત શાહની ધરપકડ બાદ શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી તેની સુનવણી આવતીકાલે હાથધરવામાં આવનાર હોઇ સૌને શાહને જામીન મળશે કે કેમ તે જાણવાની ઉત્તેજના છે.


રાજકોટમાં સરેરાશથી બે ગણો વરસાદ: ૪૦ ઇંચને વટી ગયો

શહેરમાં છેલ્લા બે દિવસથી સાંજે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે બે ઇંચ વરસાદ પડ્યા બાદ આજે સાંજે વધુ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. વીજળીના ગાજવીજ સાથે વરસાદે હેત વરસાવ્યું હતું. રાજકોટનો સરેરાશ વરસાદ ૨૦ ઇંચ છે. પણ આ વર્ષે ૪૦ ઇંચે પહોંચી ગયો છે.બપોર સુધી અસહ્ય બફારાથી શહેરીજનો ઉકળી ઉઠ્યા હતા અને સાંજે પાંચ વાગ્યા પછી શહેર ઉપર ઘેરાયેલા કાળા ભમ્મર વાદળોએ વરસવાનું શરૂ કરતાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એટલે કે ૪૦ ઇંચ વરસાદથી રાજકોટમાં બે ચોમાસા જેટલો વરસાદ વરસાવી ગયા છે.આજે વરસાદ પડતા શહેરમાં મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચથી વધુ જેટલો થઇ ગયો છે. સાંજે વરસાદ વરસી પડતા ગરમીથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ સાથે સાથે રસ્તાઓ અને નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં હાલાકી ભોગવી હતી, અનેક વાહનચાલકો પરેશાન થયા હતા. રાજકોટમાં ચોમાસાની સીઝનનો સરેરાશ એવરેજ ૨૦ થી ૨૫ ઇંચ છે પરંતુ આ વર્ષે મેઘરાજા મહેરબાન પણ હોય તેમ અત્યાર સુધીમાં ૪૦ ઇંચ જેટલો વરસાદ વરસાવી ગયા છે. જન્માષ્ટમી પર્વ વેળાએ જ વરસાદ પડતાં મેળાના ગ્રાઉન્ડમાંપાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.


નવા રેશનકાર્ડ માટે ૨.૭૫ લાખ શહેરીજનોએ ફોર્મ ભર્યા

શહેર તેમજ જિલ્લામાં નવા બારકોડેડ રેશનકાર્ડ ઇસ્યૂ કરવા માટે ફોર્મ ભરવા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી રેશનકાર્ડની દુકાનો પર ૩૧ ઓગસ્ટ સુધી અને ત્યાર બાદ ૧/૯થી ૧૫/૯ સુધી પુરવઠા તંત્રની બન્ને ઝોનલ કચેરી ખાતે ચાલુ રહેશે. આ ઉપરાંત જે ફોર્મ ભરાયા છે તેની ચકાસણીનું કામ ૧ સપ્ટેમ્બરથી હાથ ધરવા ૨૫૦ કર્મચારી તથા ૨૫ નાયબ મામલતદાર મળી ૨૭૫ના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.હજુ ચાર દિવસ રેશનકાર્ડની દુકાનો પર ફોર્મ ભરાશે ત્યાર બાદ ૧ થી ૧૫-૯ સુધી પુરવઠા તંત્રની બન્ને ઝોનલ કચેરી ખાતે ફોર્મ મળશે અને જમણે ફોર્મ ન ભર્યા હોય તે આ સમય દરમિયાન ભરી શકશે. જ્યાર ૧૬/૯થી ફોર્મ નં. ૨ પણ ભરવું પડશે. રાજકોટ શહેરમાં ૩.૧૮ લાખ કાર્ડ હોલ્ડર પૈકી ૨.૭૫ લાખ કાર્ડ હોલ્ડરોએ ફોર્મ ભર્યા છે જ્યારે હજુ ૪૩ હજાર કાર્ડ હોલ્ડરોએ ફોર્મ ભર્યા નથી. રાજકોટ જિલ્લામાં ૧૦ લાખ કાર્ડ હોલ્ડરો છે જે પૈકી ૮૬ ટકાએ ફોર્મ ભર્યા છે.આગામી ૧/૯ થી નવા બારકોડેડ રાશનકાર્ડ માટેની ક્રોસ ચકાસણી શરૂ થશે. જેમાં ખોટી માહિતી, મતદારયાદીના નંબર તથા ચૂંટણી ઓળખપત્રના ક્રમાંકમાં ફેરફાર જણાયે ભરાયેલું ફોર્મ રદ્દ કરવામાં આવશે


વોડાફોને કર્યા એલર્ટ, બ્લેકબેરી થશે બંધ

લાગે છે કે ભારતમાં બ્લેકબેરી સર્વિસ બંધ થવાનુ નક્કિ છે. ખાસ કરીને ભારતમાં મોબાઇલ સર્વિસ આપનારી કંપનીયોની નીતિ તો આ જ લાગી રહી છે. મોબાઇલ ઑપરેટર વાડાફોને પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે આ જ મહિનાના અંતમાં બ્લેકબેરી સર્વિસ બંધ થઈ શકે છે.જોકે સરકારે બ્લેકબેરીને એવી સિસ્ટમ ડેવલપ કરવાનુ કહ્યું છે જેનાથી તેના ઈમેલ અને મેસેજ સર્વિસ પર સુરક્ષા એજન્સિયોની નજર રહી શકે. આ માટે 31 ઑગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી સરકાર અને બ્લેકબેરી બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન (રિમ) વચ્ચેની વાતચીતમાં કોઈ ખાસ પરિણામ નથી નીકળી શક્યુ.
આ જ કારણ છે કે હવે વોડાફોને પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે 31 ઑગસ્ટ પછી બ્લેકબેરીની સર્વિસ બંધ થશે. પરંતુ આ સાથે વોડાફોને પોતાના ગ્રાહકો માટે એક રસ્તો પણ શોધ્યો છે. વોડાફોને કહ્યુ કે જો સર્વિસ બંધ થાય તો ક્લાઇન્ટ એન્ટરપ્રાઇઝ મેલ, બ્લેકબેરીની વેબસાઇટ ઉપર જઇને વાચી શકે છે. જોકે રિયલ ટાઇમ દ્વારા થોડી વાર લાગશે.ત્યાજ બીજી તરફ મોબાઇલ ઑપરેટરર્સ સંગઠન 'સેલ્યૂલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા'ને આશા છે કે 31 ઑગસ્ટ પહેલા કઈક રસ્તો નિકળશે. અને જો આવુ ન થાય તો તેઓ વિવાદની પતાવટ માટે કેટલાક વધુ સમયની માંગ પણ કરી શકે છે.


ઐશ્વર્યા રાય : કૃત્રિમ કે કમાલની?

એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે. આમાં સંવાદ ક્યાં આવ્યો?વાત એ ચાલી રહી હતી કે ઇશ્વર આપણો ‘ગુપ્ત મિત્ર’ બન્યા પછી પણ પોતાનું ‘સુંદર મૌન’ જાળવી રાખે તો સારું પડે. ઇશ્વર આપણને ચૂપચાપ સાંભળે એનાથી રૂડું શું? બાકી તો દોસ્તો સાથેની વાતચીતમાં સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે બન્ને પાર્ટી પોતપોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. માણસને સાંભળવામાં ઓછો અને કહેવામાં વધુ રસ હોય છો. ઘણી વાર તો આપણે કોઈને ફક્ત એટલા માટે જ સાંભળી લેવા તૈયાર થઈએ છીએ કે જેથી પછી આપણે સામેવાળાને આપણી વાતો કહી શકીએ. બે જણ વાતો કરતા હોય ત્યારે એક પોતાની લડાખની ટ્રિપ વિશે બોલે ત્યારે બીજો અંદરખાને સતત એ વાતે થનગનતો હોય છે કે ક્યારે પેલો લડાખની વાત પૂરી કરે અને ક્યારે હું મારી યુરોપની ટ્રિપની વાત શરૂ કરું.ફની તો ફની, આ એક માનવસહજ વૃત્તિ છે. પણ આ વૃત્તિ સંવાદમાં વચ્ચે આડી આવતી હોય છે. લડાખ-યુરોપની વાતો તો ખેર, માત્ર પ્રવાસવર્ણન છે. એટલે એમાં એકમેકની વાતો વચ્ચે કાપવામાં આવે તો પણ યુરોપવાળો લડાખ વિશે અને લડાખવાળો યુરોપ વિશે જાણકારી મેળવી શકે. પણ જ્યારે અભિપ્રાયોની આપ-લે (અસલમાં યુદ્ધ) ચાલે ત્યારે સંવાદ ઓછો અને વિસંવાદ વધુ થતો હોય છે. જેમ કે, નરેન્દ્ર મોદીનો તરફદાર અને વિરોધી જ્યારે વાતે ચડે ત્યારે તેઓ એકમેકને સ્વીકારવામાં નહીં, એકમેકને ‘વટલાવવામાં’ વધુ રસ ધરાવતા હોય છે. મોદીપ્રેમીને એ નથી સમજાતું કે સામેવાળો ડોબો મોદીની મહાનતા સમજી કેમ નથી શકતો.બીજી તરફ, મોદીવિરોધીને એવું લાગે મોદીપ્રેમી આંધળો છે, બહેરો છે, એણે મગજની બધી બારીઓ બંધ કરી રાખી છે. સરવાળે, અભિપ્રાયોનાં યુદ્ધો ને પોતપોતાના અભિપ્રાયો બદલવાનું તો દૂર રહ્યું, ઊલટાનું, વાતચીતને અંતે બન્ને પાર્ટી પોતપોતાના અભિપ્રાયો બાબતે પહેલાં કરતાં પણ વધુ મક્કમ બને એવી શક્યતા વધુ છે. તમે જ કહો, એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે, હવે આ બે જણ જો વાતે વળગે તો પાંચ મિનિટના અંતે બેમાંથી કોઈ પોતાનો અભિપ્રાય તો નહીં જ બદલે, ઊલટાના પહેલાં કરતાં પણ વધુ ઐશ્વર્યાચાહક કે ઐશ્વર્યાધિક્કારક બનીને ઊભરશે.તો, આમાં સંવાદ ક્યાં આવ્યો? સંવાદ ત્યારે જ શક્ય છે જ્યારે બન્ને, અથવા તો કમસે કમ એક પક્ષ સામેવાળાની વાત પૂરેપૂરી ધીરજથી, પ્રેમથી, સમજપૂર્વક, નિરાંતે, ચૂપચાપ સાંભળે. માટે, ઇશ્વર નામના અંગત અને ગુપ્ત મિત્ર સાથે વાતે વળગીએ ત્યારે એ જો મૌન રહે તો સુંદર ‘સંવાદ’ થાય. આપણી અંદર જે કંઈ છે એ બધું બહાર આવે. ઈશ્વર આપણને રોક્યા વિના, વખોડ્યા વિના શાંતિથી સાંભળતો જ રહે, સાંભળતો જ રહે તો એમાં મોટો ફાયદો એ થાય કે આપણો આઈકયુ વધે, આપણી વિચારશક્તિ વધે, આપણો દ્રષ્ટિકોણ વધુ વ્યાપક બને. કઈ રીતે? આ રીતે.માની લો કે એક ભાઈ પોતાના નિકટતમ અને ગુપ્તતમ એવા મિત્ર ઇશ્વર સાથે વાતે વળગ્યા છે. એ ઇશ્વર સમક્ષ ફરિયાદ કરી રહ્યા છે કે એમની પત્ની કેટલી હોરબિલ છે. આવામાં, ઇશ્વર તેની વાત વચ્ચે કાપે જ નહીં અને બોલનાર સાચો છે કે ખોટો એ વિશે કશી કમેન્ટ કરે જ નહીં, તો શક્ય છે કે બોલનાર માણસ પહેલાં તો પત્ની વિશે ખૂબ ઝેર ઓકે, ખૂબ ઝેર ઓકે, પણ છેવટે થાકે. બધી નેગેટિવિટી (નકારાત્મકતા) ઠલવાયા બાદ એને એની પત્ની વિશે કંઇક તો સારું સૂઝશે જ જેમ કે ‘એ છોકરાંવ સારી રીતે ઉછેરે છે...


વિમાનોના અવાજથી ફ્રાંસમાં હજારો મરઘીઓના મોત

ફ્રાંસના એક ખેડૂતે પોતાની 4800 મરઘીઓના મોતના બદલ 19000 ડોલરના વળતરની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તેના ચિકન ફાર્મ પરથી બે યુદ્ધના જેટ વિમાનો પસાર થતાં તેના બુલંદ અવાજોથી અહીંની મરઘીઓ એટલી બધા ડરી ગઈ કે તેમનો જીવ નીકળી ગયો.રેડિયો ફ્રાંસ ઈન્ટરનેશનલના રીપોર્ટ પ્રમાણે મરઘીઓના પોસ્ટમોર્ટમ પરથી એવું સામે આવ્યું છે કે મંગળવારે જ્યારે વિમાનો પસાર થયા ત્યારે આ મરઘીઓ જીવતી હતી. ચિકન ફાર્મર એટીન લી મેહોટ જણાવે છે કે આ વિમાનોનો અવાજ એટલો બધા હતો કે દીવાલો પણ ધ્રુજી ઊઠી હતી.આ અવાજથી દસ મહિનાની મરઘીઓ એટલી બધી ડરી ગઈ હતી કે એકબીજામાં લપાઈને બેસી ગઈ હતી.જેમાં ગૂંગળાઈને 5000 જેટલી મરઘીઓના મોત થયા હતા. આ ખેડૂતે લગભગ 68,000 જેટલી મરઘીઓ પાળી રાખી હતી. ફ્રાંસના રક્ષણમંત્રીને એવો દાવો છે કે વિમાનના અવાજના કારણે મરઘીઓના મોત થાય તે શક્ય નથી.

૧૫ હજાર કિ.મી.ના બસ રૂટો રદ્

visit our website ranako.com for variety of news and views of rajkot with

૧૫ હજાર કિ.મી.ના બસ રૂટો રદ્દ

સાતમ-આઠમના તહેવારોના ટાંકણે જ કચ્છમાં દયાપર-નલિયામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૦ બસો ફાળવાતાં અંદાજિત ૧૫૦૦૦ કિ.મી.ના બસ રૂટો બંધ કરી દેવાયા છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દરેક ગરીબ કલ્યાણ મેળામાં એસ.ટી. તંત્ર દ્વારા ૫૦ બસો ફાળવવામાં આવે છે. આજે તા. ૨૯/૮ ના દયાપર અને નલિયામાં એક સાથે બે મેળાનું આયોજન કરાયું છે જેમાં એસ.ટી. તંત્ર દ્વારા ૧૦૦ બસો શનિવારથી જ તૈનાત કરી દેવાઇ છે.સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, એક બસ દિવસ દરમિયાન આઠ ટ્રીપો કરતી હોય છે. એટલે ૧૦૦ બસોના અભાવે ૮૦૦ ટ્રીપો બંધ કરાઇ છે. જેથી અંદાજિત ૧૫૦૦૦ કિ.મી. રૂટો પર બસ દોડશે નહીં. તેથી ૫૦૦૦ મુસાફરોને અસર પડશે. અંગે લોકોએ કહ્યું કે, એક તરફ સાતમ-આઠમનો તહેવાર નજીક હોવાથી લોકો મેળા-મલાખડામાં જતા હોય છે તથા પોતાના વતન ભણી દોટ મૂકી રહ્યા છે. એ સમયે જ ધડાધડ ૧૦૦ ટ્રીપો બંધ કરી દેવાતાં લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.ખાસ કરીને ગ્રામ્ય રૂટો ઉપર કાપ મૂકી દેવાયો છે. અમુક ગામોમાં તો માંડ એક બે બસ આવતી હોય છે. તે રૂટ પણ કેન્સલ કરી દેવાતાં અનેક લોકોને જવું તો શેમાં જવું ? એ પ્રશ્ન સતાવે છે.આ અંગે રાપરથી પ્રતિનિધિના અહેવાલ મુજબ ગરીબ કલ્યાણ મેળામાં રાપર ડેપો દ્વારા ૧૦ બસો ફાળવવામાં આવી છે. જેથી અનેક ગ્રામ્ય રૂટો રદ્દ કરાયા છે. ડેપો મેનેજર બાબુભાઇ ગોસ્વામીને પૂછતાં તેમણે જણાવ્યું કે, દસ બસો ફાળવવી તેવો ઉપરથી આદેશ છે. ભુજ ડેપો દ્વારા પણ ર૦ બસો ફાળવી દેવામાં આવી હતી. જેથી ૫૫૦૦ કિ.મી.ના રૂટો બંધ કરાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું.કચ્છ એસ.ટી.માં સ્ટાફની અછત તેમાં રૂટો ફાળવાતાં દર વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાતી નથી. આ બાબતે વિભાગીય નિયામક પ્રજ્ઞેશભાઇ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નહોતો.


હીરાચોરીની ઘટના વખતે પોલીસ‘ખંડણી’માં વ્યસ્ત હતી!

ગોરેગાંવના એનએસઈ ગ્રાઉન્ડમાં એક બાજુ જવેલરી શોના છેલ્લા દિવસે જ્યારે વિદેશી ચોરો ૬.૬ કરોડના હીરાની હાથસફાઈ કરી રહ્યા હતા ત્યારે આપણી મુંબઈ પોલીસ પણ ‘પોતાના કામ’માં વ્યસ્ત હતી.ફરજ ઉપર હાજર એવા પોલીસકર્મી ત્યારે એક વોપારી પાસે જઈને પોતે સીબીઆઈનો અધિકારી છે એમ કહીને પૈસા ઓકાવી રહ્યો હતો. પોલીસે આ સંદર્ભે ત્રણની ધરપકડ કરી હતી પરંતુ કિરણ રાવ નામનો પોલીસ હવાલદાર ફરાર છે.કિરણ ગોરેગાંવના એનએસઈ ગ્રાઉન્ડમાં જવેલરી શોમાં રક્ષણ આપવાની ફરજ પર હતો. તેણે સોમવારે શોના છેલ્લા દિવસે ફરજ ઉપરથી ગૂટલી મારી હતી. તે સીધો અંધેરી પૂર્વના એક વેપારીના મેનેજરની પાસે ખંડણી માગવા માટે ગયો હતો.કિરણની સાથે આવેલા આ ટોળકીમાં સામેલ ત્રણ જણ વેપારીના મેનેજરને બળજબરી ઉઠાવીને લઈ ગયા હતા અને તેની મારપીટ કરીને રૂ. ૩૦ હજાર ખંડણી રૂપે વસૂલ્યા હતા. આ પ્રકરણ પોલીસ પાસે પહોંચતાં જ અંબોલી પોલીસે લલ્લન, અંગદ જાધવ અને સુહાસ કાષ્ટેની ધરપકડ કરી હતી.


‘લાલબાગચા રાજા’ના ભક્તો માટે એસી, ચા-નાસ્તાની સુવિધા

સાર્વજનિક ગણેશોત્સવ દરમિયાન પોતાની માનતા અર્થે લાલબાગચા રાજા નામે લોકપ્રિય ગણેશોત્સવમાં દર્શનાર્થે આવનારા ભક્તોની લાંબી કતાર લાગે છે. લાલબાગચા રાજાના ચરણે પોતાની માનતા પૂરી કરનારા ભક્તોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. દરરોજ લગભગ એક લાખ ભાવિક ભક્તો રાજાના દરબારમાં હાજરી નોંધાવે છે.માનતા-મન્નત-માંગનારાઓની સુવિધા માટે આ વર્ષે સૌપ્રથમવાર સાઠ હજાર ચોરસ ફૂટનો એક વિશાળ મંડપ બાંધવામાં આવનારો છે. સોળથી અઢાર કલાક સુધી કતારમાં ઊભા રહેનારા આ ભક્તોને એસીમાં બેસવાની સવલત ઊભી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ મંડળમાં ૨૮ પાકા શૌચાલય અને સ્વચ્છતા ગૃહોની સુવિધા ઊભી કરવામાં આવી છે.લાલબાગચા રાજાના આગમનના દુંદુભી વાગી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ દસ હજારથી વધુના ભક્તો ગણેશ મુખદર્શન કરવા ઊમટી પડે છે. વળી માનતા અર્થે પણ મોટી સંખ્યા હોય છે. લગભગ એક લાખ લોકો કતારમાં ઊભા રહી પોતાનો વારો આવવાની રાહ જોતાં હોય છે. ગયા વરસે ગણેશોત્સવ દરમિયાન સવા કરોડ ભક્તોએ ગણેશદર્શન કર્યા હતા.


આણંદમાં નાણાંની ઉઘરાણીમાં માથામાં પાઇપ ફટકારી

આણંદ શહેરની બોરસદ ચોકડીએ સાંગોડપુરામાં નાણાંની ઉઘરાણીમાં એકને લોખંડની પાઇપ મારી ઇજાઓ પહોંચાડવાનો બનાવ બન્યો છે.સાગોડપુરામાં રહેતા મુકેશભાઇ પૂનમભાઇ ગોહેલ પડોશમાં રહેતા મફતભાઇ પરમાર પાસે શુક્રવારે પોતાના બાકી નીકળતા નાણાં લેવા ગયા હતા.તે વખતે મફતભાઇએ નાણાં આપવામાં ગલ્લાં તલ્લાં કરતાં મુકેશભાઇએ ‘તુ નાણાં નહી આપે તો ફરીથી વધીઁ ભરીશ નહીં’ તેમ કહેતાં મફતભાઇએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ગાડીમાંથી લોખંડની પાઇપ કાઢી મુકેશભાઇને માથામાં મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


આણંદ પાસે કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીની કારને અકસ્માત

ઉમરેઠના કણભાઈપુરામાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં આણંદના સાંસદ અને કેન્દ્રિય ઉર્જા મંત્રી ભરતસિંહ સોલંકી બોરસદથી પોલીસ પાયલોટિંગ સાથે નીકળ્યા હતા.કાફલો જીટોડીયા રોડ પરથી જઇ રહ્યો હતો તે સમયે અચાનક જ રસ્તા પર ગાય આડી ઉતરતાં જીપ્સીના ચાલકે જોરદાર બ્રેક મારી હતી. જેને કારણે પાછળ આવી રહેલી મંત્રીની કાર સીધી જીપ્સી પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ હતી.જોકે, આ અકસ્માતમાં કોઈને ઈજા થવાનો બનાવ બન્યો ન હતો. પરંતુ અકસ્માતમાં પોલીસની જીપ અને કારને નુકશાન પહોંચ્યું હતું.


ઉત્તર ગુજરાતના ધરતીપુત્રોને કૃષિ વીજદરમાં અન્યાય

મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંડા, સિંચાઈના પાણીની મુશ્કેલી વચ્ચે કૃષિલક્ષી વીજદરમાં અન્યાય થતો હોવાની ધરતીપુત્રોમાં બૂમ ઊઠી છે. ખેડૂતોને વર્ષે ૫૦હજારથી ૧લાખ જેવા વીજબીલ અને મેઈન્ટેનન્સનો ખર્ચ કારમી મોંઘવારીમાં અસહ્ય બન્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના રાજકીય અગ્રણીઓ પક્ષાપક્ષી ભૂલીને એક મંચ ઉપર આવી સમાન વીજદર પેકેજ યોજનાનો અમલ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ તેવી ખેડૂતોમાં માંગ પ્રર્વતી રહી છે.ઉત્તર ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રયાસોથી કાર્યરત સુઝલામ સુફલામ સિંચાઈ યોજના સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહોંચી શકી નથી ત્યારે તળ ઊંડાની મુશ્કેલી સાથે બોરમાંથી સિંચાઈ માટે ઈલેટ્રીક મોટર વડે પાક માટે અપાતા પાણીનું આકરુ વીજબીલ ઉ.ગુ.ના ખેડૂતોને મૂંઝવી રહ્યું છે. ખેડૂતો ચોમાસાના ચાર મહિનામાં અંદાજે ત્રણ મહીના માટે ટ્યુબવેલનો નહીવત ઉપયોગ કરતા હોવા છતા આ ખેડૂતોનું ઉનાળુ જેટલુ કૃષિલક્ષી વીજબીલ ચોમાસામાં આવે છે.આમ ઉત્તર ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જોઈને સમાન કૃષિ વીજ દર ખૂબજ આવશ્યક છે. નોધનીય એ છે કે, મહેસાણા સહીત ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણીઓનો અભિપ્રાય છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અથવા સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ખેડૂતોની ૧૦ એચ.પી. મોટરોનું સિંચાઈ બીલ વર્ષે ૫૦૦૦થી ૧૦,૦૦૦ ભરે છે.જ્યારે આનાથી વપિરીત ઉ.ગુ.ના ખેડૂત ૫૦ એચ.પી. થી ૧૦૦ એચ.પી. મોટરો વાપરે છે જેનું સિંચાઈ બીલ વર્ષે રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ લાખ મેઈન્ટેનન્સ ખર્ચ સાથે થાય છે. દરમિયાન આ અંગે રામપુરા (કુકસ) ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં ૧૪ કલાક વીજળી આપવાનું વચન ભુલાયુ છે તેને બદલે ૮ કલાક વીજળી મળે છે ત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની આ સમસ્યાના ઉકેલ માટે સૌએ વિચાર વિમર્શ કરી રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર સામે રજુઆત કરવી જોઇએ.રાજકિય મતભેદ કોરાણે મુકી રજૂઆત જરૂર,મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે આ સમસ્યા અંતર્ગત જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોમાં સુજલામ-સુફલામ યોજના નથી પહોંચી અને ત્યાંના ખેડૂત આકરા વિજબીલ ભરે છે ત્યારે રાજકીય મતભેદ ભૂલી જઈ સર્વપક્ષીય સમિતિની રચના કરી ખેડૂતને લક્ષમાં રાખીને રજુઆત જરૂરી છે.


સાયબર કાફે ખોલવા વેપારીનું અપહરણ

ઊંઝાના વેપારીનું અપહરણ કરીને રૂ.૬ લાખની ખંડણી લીધા બાદ તેને છોડી દેવાના કેસમાં પોલીસે શરૂ કરેલી તપાસમાં શનિવારે સિધ્ધપુરના પાંચ સહિત કુલ છ આરોપીઓ ઝડપી લીધા હતા પોલીસે જેઓની પાસેથી પાંચ લાખ ૧૦ હજાર રોકડા જપ્ત કર્યા હતા.આ કેસનો મુખ્ય આરોપી કમ્પ્યુટર એન્જિનિયર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ.મુખ્ય સૂત્રધાર આસીફ સાયબર કાફે ખોલવા માગતો હતો પણ પૈસાના અભાવે એ શક્ય બન્યું ન હતુ .આથી સાયબર કાફે બનાવવા પૈસાની જરૂરિયાત પુરી કરવા અપહરણનો કારસો રચાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ. ઊંઝાના વેપારી લલીતભાઇ કનૉમીના અપહરણકેસમાં મોબાઇલ લોકેશનના આધારે શરૂ થયેલી તપાસમાં સતલાસણા તાલુકાના શાહુપુરા ગામ ખાતેથી અપહરણમાં વપરાયેલ બે વાહનો જપ્ત કરાયા બાદ પોલીસ તપાસમાં અનેક કડીઓ ખુલવા લાગી છે.આ કેસનું પગેરૂ સિધ્ધપુર નિકળતા એ દિશામાં થયેલી તપાસમાં શનિવારે પોલીસે પાંચને ઝડપી લીધા હતા. આ બાદ હાથ ધરાયેલી તપાસમાં ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા શાહુપુરાનો અલ્તાફ અલી અબ્બાસ અલી સૈયદ નામનો આરોપી પણ ઝડપાયો હતો. જેમાં આ કેસના મુખ્ય આરોપી મહંમદ આસીફે મહારાષ્ટ્રની યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયરનો કોર્સ કર્યો છે.આ સમગ્ર અપહરણકાંડમાં સાત શખ્સોની સંડોવણી દેખાઇ રહી છે કમ્પ્યુટર એન્જિનિયર થયેલો આસીફ હાલ ઓટો કન્સલટન્ટનો વ્યવસાય કરતો હતો. જ્યારે તેનો ભાઇ યાસીન ડ્રાઇવીંગ કરતો હતો.પોલીસે સમગ્ર અપહરણ કાંડમાં મોબાઇલ લોકેશનને આધારે શાહપુરાથી સિદ્ધપુર સુધીની કડીઓ મેળવી હતી.


કડીમાં જુગારધામ પર વિજિલન્સનો સપાટો

કડી શહેરના મણિપુર વિસ્તારમાં આવેલા ધોકાબારી મહોલ્લામાં એક રહેણાંકીય મકાનમાં મોટા પાયે જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમીને આધારે ગાંધીનગર વિજિલન્સ સ્કવોર્ડની ટીમે શુક્રવારે રાત્રે ત્રાટકી જુગાર રમતા ૩૯ શખ્સોને રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂ. ૧,૩૬,૯૦૦ના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી લઈ સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લીધી હતી. જ્યારે અન્ય ત્રણ શખ્સો ભાગી જવામાં સફળ રહ્યાં હતાં.કડી પંથકમાં શ્રાવણિયો જુગાર બેરોકટોક ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે ત્યારે શહેરના દેત્રોજ રોડ સ્થિત મણિપુર વિસ્તારના ધોકાબારી મહોલ્લામાં આવેલ મુકેશભાઈ ભીખાભાઈ પટેલના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમી ગાંધીનગરની વિજિલન્સ સ્કવોર્ડને મળી હતી.જે અનુસંધાને શુક્રવારે નવ વાગ્યાના અરસામાં ગાંધીનગર વિજિલન્સ સ્કવોર્ડના આઈ.જી. હસમુખભાઈ પટેલની રાહબરી હેઠળ પી.આઈ એ.જે. પટેલ સહિતનો કાફલો બે થી ત્રણ ગાડીઓમાં એસ.આર.પી. જવાનો સાથે ઓચિંતા ઉપરોકત સ્થળે ત્રાટકયો હતો. વિજિલન્સે પાડેલી રેડ દરમિયાન જુગારીઓમાં ફફડાટ વ્યાપી જતા દોડધામ મચી ગઈ હતી.જો કે, વિજિલન્સ સ્કવોડના અધિકારીઓ સહિત એસ.આર.પીના કાફલાએ જુગારધામને ચોતરફથી કોર્ડન કરી જુગાર રમતા ૩૯ શખ્સોને રંગે હાથે ઝડપી લઈ રોકડ રૂ. ૯૦,૯૦૦ અને રૂ. ૪૬,૦૦૦ની કિંમતના ૩૨ નંગ મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૬,૯૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લીધી હતી. જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યાં હતા. આ અંગે કડી પોલીસ સ્ટેશનને વિજિલન્સ સ્કવોડના પી.આઈએ ૪૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે નાસી ગયેલ ત્રણ શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર વિજિલન્સ ટીમે શુક્રવારે રાતે કડી પોલીસ મથકથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ધમધમી રહેલા જુગારધામ પર રેડ કરી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લેતા અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ ફફડી ઊઠ્યા હતા. મુખ્ય પોલીસ મથકથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ચાલતા જુગારધામથી સ્થાનિક પોલીસ અજાણ હોઈ તે વાત શનિવારે દિવસભર પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.


રાજકોટ : ‘ગે છું તેવી અફવા કેમ ફેલાવે છે’

ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા ગરાસિયા યુવાનને કેમ્પમાંજ રહેતા આહીર યુવાને છરીના ઘા ઝીંકી દેતાં યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આહીર યુવાન ગે હોવા અંગેની ગરાસિયા શખ્સ અફવા ફેલાવતો હોય તેના પર હુમલો થયો હતો.
ઘંટેશ્વર એસઆરપી ગ્રૂપ ૧૩માં ફરજ બજાવતા કિશોરસિંહ જાડેજાનો પુત્ર જયદપિસિંહ (ઉ.વ.૧૯) ઘંટેશ્વર એસઆરપી કેમ્પના ગેઇટ પાસે ઉભો હતો ત્યારે એસઆરપીમેન અરજણભાઇ હુંબલનો પુત્ર સંજય ત્યા ધસી ગયો હતો અને હું ગે છું એવી કેમ અફવા ફેલાવશ તેમ કહી જયદપિસિંહને ગળે, છાતી, પીઠ અને હાથમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.આહીર શખ્સે કરેલા હુમલામાં ઘવાયેલા ગરાસિયા યુવાનને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી અને આહીર શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.



રાજકોટમાં ઉપરના માળે જુગાર, નીચેના માળે સટ્ટો રમતા ૧૧ ઝડપાયા

શહેરમાં ઠેર ઠેર જુગારધામો ધમધમવા લાગ્યા છે ત્યારે પોલીસે જુગારની બાતમીના આધારે મોચી બજાર, ચામડિયાવાસમાં દરોડો પાડતા જુગારધામની સાથે ક્રિકેટનો સટ્ટો પણ પકડાતા પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હતુ. પોલીસે ૧૧ શખ્સોની ધરપકડ કરી રૂ. ૧.૩પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.મોચી બજાર, ચામડિયાવાસમાં રફીક જશરાયા નામના શખ્સના મકાનમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની એ ડિવિઝન પોલીસના કોન્સ. મહાવીરસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફે મુસ્લિમ શખ્સના મકાનમાં છાપો માર્યો હતો. પોલીસે છાપો મારતા મુસ્લિમ શખ્સના મકાનના પહેલાં માળે જુગાર રમતા લોકોના હોશકોશ ઊડી ગયા હતા. તીનપત્તીનો જુગાર રમી રહેલા રફીક સહિત સલીમ કરીમ માંડલીયા, આબીદ ઉમર ચૌહાણ, અરજણ હૈદર કાદરી, સલીમ અબ્દુલ કાતિયા, અશોક ગગજી ગોહેલ, પ્રેમજી નટવર પરમાર, પરેશ રવિશંકર ત્રિવેદીને રોકડ સાથે ઝડપી લીધા હતા.જુગારના દરોડા બાદ જુગારીઓને પહેલે માળેથી નીચે ઉતારતી વેળાએ નીચેના માળમાં પણ ચહલ પહલ નજરે આવતા પોલીસે નીચેનો માળ પણ ખોલાવ્યો હતો. અંદર જતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. અહીં ઉમેશ હરસુખ ભટ્ટી અને અતુલ ઉર્ફે ડોક્ટર જગજીવન તન્ના નામના શખ્સો લંકા ખાતે રમાઇ રહેલા ત્રિકોણીય જંગના ભારત-લંકા વચ્ચેના ડે એન્ડ નાઇટ વન ડે મેચ પર સટ્ટો રમાડતા મળી આવ્યા હતા.જુગારની બાતમીના આધારે પાડેલા દરોડામાં એક જ મકાનમાં ક્રિકેટનો સટ્ટો પણ પકડાતા પોલીસે અગિયાર શખ્સોની ધરપકડ કરી રોકડ ઉપરાંત ૧૭ મોબાઇલ, ટી.વી., લેપટોપ, ટેપ રેકોર્ડર વગેરે મળી કુલ રૂ. ૧.૩પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રિકેટના મેચ પર સટ્ટો રમાડતા પકડાયેલા બન્ને શખ્સો કોની પાસે કપાત કરાવતા હતા તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.


રાજકોટ : પ્રેમ કરનાર પુત્રીને પિતાએ પતાવી દીધી: પ્રેમીએ એસિડ ગટગટાવ્યું

રાજકોટના ચુનારાવાડમાં પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ. પુત્રીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ, તરૂણવયની પુત્રીના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા પિતાએ લાકડીના ઘા ફટકારી પુત્રીને મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ હતી. તેને પ્રેમિકાની હત્યાની જાણ થતાં ચુનારાવાડમાં રહેતા પ્રેમીએ પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.શહેરના ચુનારવાડ શેરી નં. ૩/૪માં રહેતી કિરણ રઘુભાઇ કોળી (ઉ.વ. ૧૫) પોતાના ઘરે ઇજાગ્રસ્ત હાલતમાં બે ભાન હાલતમાં પડી હોવાની કોઇએ જાણ કરતા બી-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને તરૂણીને હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ફરજપરના તબીબે મૃત જાહેર કરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તરૂણીને લાકડીના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવની જાણ થતાં કોળી સમાજના અગ્રણી વિજયભાઇ મેથાણિયા હોસ્પિટલે દોડી ગયા હતા.કિરણને તેનાજ પિતા રઘુ કોળીએ મોતને ઘાટ ઉતાર્યાની બાતમી મળતાં પીઆઇ જેઠવા સહિતના સ્ટાફે રઘુને ઉઠાવી લઇ પૂછપરછ કરતા તેમણે હત્યાની કબૂલાત આપી હતી. રઘુએ કેફિયત આપી હતી કે કિરણને પાડોશમાં રહેતા રિક્ષા ચાલક નિર્મળ વિનુભાઇ ગોહેલ નામના કોળી શખ્સ સાથે પ્રેમસંબંધ હતો જે પોતાને મંજૂર ન હોય અને પુત્રી વારંવાર તેના પ્રેમીને મળતી હોય પુત્રીનું કાસળ કાઢી નાખ્યું હતું.


છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 5 જવાનો શહીદ

છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સુરક્ષાદળોની સંયુક્ત ટુકડી પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કરતાં પાંચ જવાનોના મોત નીપજ્યા છે.પોલીસ પ્રવક્તા અને પોલીસ મહાનિરીક્ષક રાજેશ મિશ્રાએ જણાવ્યું હતું કે કાંકેર જિલ્લામાં નક્સલીઓ તરફથી બીએસએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટુકડી પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બીએસએફના ત્રણ જવાનો અને રાજ્ય પોલીસના બે જવાનો શહીદ થઈ ગયા છે.તેમણે કહ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ દળને ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવ્યું છે.


ઐશ્વર્યા રાય : કૃત્રિમ કે કમાલની?

વાત એ ચાલી રહી હતી કે ઇશ્વર આપણો ‘ગુપ્ત મિત્ર’ બન્યા પછી પણ પોતાનું ‘સુંદર મૌન’ જાળવી રાખે તો સારું પડે. ઇશ્વર આપણને ચૂપચાપ સાંભળે એનાથી રૂડું શું? બાકી તો દોસ્તો સાથેની વાતચીતમાં સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે બન્ને પાર્ટી પોતપોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. માણસને સાંભળવામાં ઓછો અને કહેવામાં વધુ રસ હોય છો. ઘણી વાર તો આપણે કોઈને ફક્ત એટલા માટે જ સાંભળી લેવા તૈયાર થઈએ છીએ કે જેથી પછી આપણે સામેવાળાને આપણી વાતો કહી શકીએ. બે જણ વાતો કરતા હોય ત્યારે એક પોતાની લડાખની ટ્રિપ વિશે બોલે ત્યારે બીજો અંદરખાને સતત એ વાતે થનગનતો હોય છે કે ક્યારે પેલો લડાખની વાત પૂરી કરે અને ક્યારે હું મારી યુરોપની ટ્રિપની વાત શરૂ કરું.ફની તો ફની, આ એક માનવસહજ વૃત્તિ છે. પણ આ વૃત્તિ સંવાદમાં વચ્ચે આડી આવતી હોય છે. લડાખ-યુરોપની વાતો તો ખેર, માત્ર પ્રવાસવર્ણન છે. એટલે એમાં એકમેકની વાતો વચ્ચે કાપવામાં આવે તો પણ યુરોપવાળો લડાખ વિશે અને લડાખવાળો યુરોપ વિશે જાણકારી મેળવી શકે. પણ જ્યારે અભિપ્રાયોની આપ-લે (અસલમાં યુદ્ધ) ચાલે ત્યારે સંવાદ ઓછો અને વિસંવાદ વધુ થતો હોય છે. જેમ કે, નરેન્દ્ર મોદીનો તરફદાર અને વિરોધી જ્યારે વાતે ચડે ત્યારે તેઓ એકમેકને સ્વીકારવામાં નહીં, એકમેકને ‘વટલાવવામાં’ વધુ રસ ધરાવતા હોય છે. મોદીપ્રેમીને એ નથી સમજાતું કે સામેવાળો ડોબો મોદીની મહાનતા સમજી કેમ નથી શકતો.બીજી તરફ, મોદીવિરોધીને એવું લાગે મોદીપ્રેમી આંધળો છે, બહેરો છે, એણે મગજની બધી બારીઓ બંધ કરી રાખી છે. સરવાળે, અભિપ્રાયોનાં યુદ્ધો ને પોતપોતાના અભિપ્રાયો બદલવાનું તો દૂર રહ્યું, ઊલટાનું, વાતચીતને અંતે બન્ને પાર્ટી પોતપોતાના અભિપ્રાયો બાબતે પહેલાં કરતાં પણ વધુ મક્કમ બને એવી શક્યતા વધુ છે. તમે જ કહો, એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે, હવે આ બે જણ જો વાતે વળગે તો પાંચ મિનિટના અંતે બેમાંથી કોઈ પોતાનો અભિપ્રાય તો નહીં જ બદલે, ઊલટાના પહેલાં કરતાં પણ વધુ ઐશ્વર્યાચાહક કે ઐશ્વર્યાધિક્કારક બનીને ઊભરશે.


બજારમાં ઝેર નીચોવાયું નથી : ૫,૩૫૦ સપોર્ટ લેવલ

ઉત્તર ધ્રુવમાંથી ઉનાળો વિદાય લેવાની તૈયારીમાં છે. શું ઉનાળાની સાથે તેજીની ગરમી પણ ઓસરશે? ઠંડી સાથે શેરબજારમાં પણ મંદીની ધ્રુજારી વધશે? અત્યારે તો ભારતીય શેરબજાર માટે કહેવું વહેલું ગણાશે, જોકે યુરોપ અને અમેરિકાનાં શેરબજાર માટે આ શક્યતા મૂકવામાં આવે છે.અમેરિકા, જાપાન સહિત યુરોપમાં ફરીથી સોવરજીન ક્રાઇસિસ ઊભી થઈ રહી હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય શેરબજાર વિદેશી નરમાઈના અહેવાલ સામે છેલ્લા એક મહિનાથી ટક્કર ઝીલીને ૩૦-૩૧ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ તાજેતરમાં સ્થાનિકમાં ખાસ કરીને છેલ્લા સપ્તાહમાં ઊભી થયેલી પ્રતિકૂળ ઘટનાઓને કારણે સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે.બજારનું ટૂંકાગાળાનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે અને મધ્યમ ગાળાનું માનસ સાવચેતીનું છે, આને કારણે હવે બજારને વધવા માટે મજબૂત સારાં કારણોની જરૂર ઊભી થશે, જે રીતે બજારનું સેન્ટિમેન્ટ ગયા સપ્તાહમાં ખરાબ થયું છે અને માર્કેટબેડ્થની સાથે સર્કિટને સ્પર્શનારી કંપનીઓની સંખ્યામાં ફેરફાર જોવાયા છે તેને ધ્યાનમાં લેતાં બજારમાંથી પૂરેપૂરું ઝેર નીચોવાયું નથી.આગામી દિવસોમાં જો બજારમાં સુધારો આવશે તો લાંબો ટકે તેમ જણાતું નથી, આવામાં સેન્સેક્સ માટે ૧૮,૩૦૯ પ્રતિકારક લેવલ બનશે જ્યારે ૧૭,૮૩૪ નજીકનું સપોર્ટ લેવલ છે અને તે તૂટે તો બજાર એકવાર ૧૭,૫૦૦નાં સ્તર સુધી ગબડી શકે છે. નિફ્ટી માટે પણ સપોર્ટ લેવલ ૫,૩૫૦ અને પ્રતિકારક સપાટી ૫,૪૭૮ની ગણવામાં આવે છે.શુક્રવારે અમેરિકાનાં શેરબજારમાં આવેલો ઉછાળો સોમવારે સ્થાનિક બજારમાં પ્રત્યાઘાતી સુધારો લાવી શકે છે, પરંતુ રોકડાના શેરોમાં શરૂ થયેલા ઓફલોડિઁગને જોતાં પાછલા સત્રમાં બજારમાં નફારૂપી વેચવાલી આવી શકે છે, જો સેન્સેક્સ ૧૮,૩૦૯ અને નિફ્ટી ૫,૪૭૮ની ઉપર વધતાં વોલ્યૂમ સાથે બંધ આવે તો જ બજારનો વક્કર સુધર્યો હોવાનું તારણ મૂકી શકાય. બજારની ૭,૧૪ અને ૨૧ દિવસની દૈનિક મુવિંગ એવરેજ ખરાબ બની છે, જે પણ ટેકનિકલ ધોરણે ખરાબ સંકેત ગણવામાં આવે છે.


શાહરૂખ ફિલ્મ માટે મરણિયો બન્યો!!!

કરન જોહર અને શાહરૂખ ખાનની મિત્રતા ગાઢ છે. ફિલ્મ વી આર ફેમિલીની પત્રકાર પરિષદમાં શાહરૂખ પણ આવ્યો હતો.ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરીમાં શાહરૂખે પોતાનો અવાજ પણ આપ્યો હતો. જો કે ફિલ્મ વી આર ફેમિલીમાં શાહરૂખ ખાન કામ કરી શક્યો નથી.જો કે કિંગ ખાને કરનને વિનંતી કરી હતી કે, ફિલ્મના એક દ્રશ્યમાં એક ફોટો જ મુકી દેવો હતો.બુધવાર બપોરે શાહરૂખ ખાનને નક્કી કર્યુ હતું કે, તે પણ કરનના પરિવારનો એક ભાગ છે તેથી જ તે પણ ફિલ્મ વી આર ફેમિલીને પ્રમોટ કરશે.ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ પત્રકાર પરિષદને સંબંધતા હતા. આ સમયે તેમની સાથે કરિના કપૂર અને અર્જુન રામપાલ પણ હાજર હતા. આ સમયે સિદ્ધાર્થે પૂછ્યું હતું કે, શું એસઆરકે આવી ગયો. આવી વાત સાંભળીને ત્યાં હાજર રહેલા પત્રકારોને પણ નવાઈ લાગી હતી.


વડાપ્રધાન આજે ‘પીપલી લાઈવ’ જોશે

વડાપ્રધાન મનમોહન સિંહ આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવ રવિવારના રોજ જોવાના છે. પ્રધાનમંત્રી કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, વડાપ્રધાન રવિવારના રોજ આ ફિલ્મ જોવાના છે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, આ ફિલ્મના પ્રદર્શન માટે રેસ કોર્સ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાન પર આમિર ખાન પણ હાજર રહેશે.પ્રધાનમંત્રીની સાથે અધિકારીઓને પણ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડૂતોની આત્મહત્યાના મુદ્દાને આ ફિલ્મમાં સમાવવામાં આવ્યો છે.આમિર ખાને આ પહેલા ભાજપના લાલકૃષ્ણા અડવાણીને અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે માટે સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખ્યું હતું.અનુષા રિઝવી દ્વારા દિગ્દર્શિત કરાયેલી આ ફિલ્મ 10 કરોડ રૂપિયામાં બની છે અને અત્યાર સુધી રૂપિયા 24 કરોડની કમાણી કરી છે.


છોકરીઓને પટાવવા માટે અંદાજ પણ કંઇક અનોખો હોવો જોઇએ.

હવે એ સમય રહ્યો નથી કે છોકરીને પટાવવા માટે કોઈ ચેટ-અપ લાઇન કે ડાયલોગ બોલવામાં આવે તો છોકરી શરમાઈને મોં ફેરવી લે. છોકરીઓને પટાવવા માટે ડાયલોગ્સ જ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. એક તાજા સર્વેમાં સામે આવ્યું છે કે 'શું તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો?' અથવા 'શું મેં તમને પહેલા ક્યાંય જોયા છે?' જેવા ડાયલોગ્સ છોકરીઓને સૌથી વધુ પસંદ આવે છે.આ સર્વેમાં દર 10માંથી 4 છોકરીઓએ એવું કહ્યું હતું કે તેઓ ડાયલોગ સાંભળીને જ પ્રેમમાં પડી હતી. દર 10માંથી 1 છોકરીના હ્રદયને તો ડાયલોગ્સ એટલા સ્પર્શી જાય છે કે તેઓ પુરુષો સાથે જીવનભરનો સંબંધ બાંધી દે છે. જો કે ઘણાં છોકરાઓ આવા ડાયલોગ્સ બોલતા ડરતા હોય છે.મિસ્ટરગ્રીન ડોટ કોમ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 75 ટકા મહિલાઓને જો કોઈ તેમની તરફ જોઇને સારોડાયલોગ કહે તે ગમે છે. 50 ટકા મહિલાઓને તો આવા ડાયલોગ બોલનારા પુરુષો વધુ આત્મવિશ્વાસવાળા અને સારી સેન્સ ઓફ હ્યુમરવાળા લાગે છે.વેબસાઇટની કેટ મેક્યુલર કહે છે કે અમે માનીએ છીએ કે ડાયલોગ બોલવાનો પ્રયત્ન માત્ર હિંમતવાન જ કરી શકે, પરંતુ કોઈ પણ મહિલાના હ્રદય સુધી પહોંચવાનો આ એક શ્રેષ્ઠ રસ્તો છે. એક સારો અને અસરકારક ડાયલોગ કોઈ પણ છોકરીનું દિલ પીગળાવવા માટે પૂરતો છે. બસ આ સાથે તમારો અંદાજ પણ કંઇક અનોખો હોવો જોઇએ.

સુરતમાં આભ ફાટવાની આગાહી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સુરતમાં આભ ફાટવાની આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ ૧ સપ્ટેમ્બરે સુરત શહેર-જિલ્લામાં ૨૩ ઇંચ વરસાદ ઝીંકાઈ શકે છે. જોકે, ઔપચારિક રીતે તંત્રો કામે લાગી ગયાં છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર ન હોવાનું આશ્વાસન પણ આપી રહ્યા છે કારણ કે વાદળો ફંટાઈ શકે છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ સુરતમાં જન્માષ્ટમીના આગલા દિવસે આભ ફાટવાની શક્યતા છે. ખાતા દ્વારા કરાયેલી જિલ્લાવાર વરસાદની આગાહી પ્રમાણે ૧લી સપ્ટેમ્બરે સુરત શહેર-જિલ્લામાં પ૭૭ મિ.મી. (૨૩ ઇંચ) વરસાદ ઝીંકાય તેવી સંભાવના છે.આ આગાહી પછી સરકારીતંત્ર સચેત જરૂર થઈ ગયું છે પરંતુ શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે નંદરબારની જેમ જ આ વાદળો પણ દરિયા તરફ ફંટાઈ જવાની સંભાવના વર્તાવાઈ છે. વરસાદની આગાહી પ્રમાણે ૧લી સપ્ટેમ્બરે સુરત શહેર-જિલ્લામાં ૫૭૭ મિ.મી. (૨૩ ઇંચ) વરસાદ ઝીંકાય તેવી સંભાવના છે. તાકીદની બેઠક બોલાવી સંભવિત પરિસ્થિતિ માટે આગોતરા પગલાંનું આયોજન કરાયું હતું.હવામાન ખાતાની વેબસાઇટ ઉપર સુરત શહેર-જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી થનારા વરસાદની આગાહી પ્રમાણે ૩૧ ઓગસ્ટે ૧૧૪ મિ.મી. અને તે પછીના દિવસે અધધધ... ૫૭૭ મિ.મી. વરસાદ થવાની શક્યતા છે. જન્માષ્ટમીના દિવસે પણ ૧૪૬ મિ.મી. વરસાદની આગાહી કરાઈ છે. આમ ૩૧ઓગસ્ટ, ૧ સપ્ટેમ્બર અને ૨ સપ્ટેમ્બરના દિવસો સુરત માટે ભારે રહેવાની આગાહી કરાઈ છે. બીજી બાજુ ઉકાઈના ઉપરવાસમાં નાસિક જિલ્લામાં પણ ૧ સપ્ટેમ્બરે ૨૬૭ મિ.મી. (૧૨ ઇંચ) વરસાદની આગાહી કરાઈ છે.જો, સુરત અને નાસિકની આગાહી સાચી પડે તો શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન ખાતા દ્વારા શુક્રવારે ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના નંદરબાર સહિતના વિસ્તારોમાં ૫૦૦ મિ.મી. જેટલા વરસાદની આગાહી કરી હતી. જોકે, શનિવારે તેમાં મોટો ફેરફાર થઈ ગયો હતો અને તે વરસાદ ૬૦ મિ.મી.ની આસપાસ થશે તેવું જણાવાયું હતું. સુરત અને નાસિક બાબતે પણ ફેરફાર આવે તેવી આશા રખાઈ રહી છે.




આફ્રિદીને નીચો દેખાડવા મેચો ફિક્સ કરવી’તી’

પાક ખેલાડીઓ દ્વારા લોર્ડ્સ ખાતેની મેચમાં ફિક્સિંગ કરવામાં આવી હોવાનો એહવાલ પ્રકાશમાં આવ્યા બાદ બ્રિટિશ અખબારે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.અખબારે પોતાના અહેવાલમાં ફિક્સર મજીદના ખુલાસાથી જણાવ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટના ઘણા ખેલાડીઓ વનડે અને ટી-20ના સુકાની શાહિદ આફ્રિદીથી નારાજ છે. અને તેઓ આ આફ્રિદીને નીચું દેખાડવા માટે વનડે અને ટી-20 મેચ ફિક્સ કરવા માગતા હતા.મજીદે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ એવા પણ છે કે જે નહોતા ઇચ્છતાં કે આફ્રિદી ટીમનું સુકાન સંભાળે તેઓ માત્ર સલમાન બટ્ટને સુકાની તરીકે જોવા માગતા હતા. અને તેથી તે બન્ને મેચ હારવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.નોંધનીય છે કે, લોર્ડ્સના મેદાન ખાતે રમાઇ રહેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ મેચમાં ઝડપી બોલર મો.આમિર અને મો. આસિફે પૈસા લઇને નો-બોલ નાંખ્યા હોવાના ચોંકાવનારા અહેવાલ બ્રિટિશ અખબાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેને લઇને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને તેમાં તેઓએ પાકિસ્તાનના ચાર ખેલાડી સુકાની બટ્ટ, વિકેટકિપર કામરાન અકમલ, મો. આમિર અને મો. આસિફના નિવેદન લીધા છે.



ગણેશ વિસર્જન માટે સાબરમતીના કિનારે છ જગ્યાએ વ્યવસ્થા ગોઠવાશે

આગામી દિવસોમાં શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થશે અને ત્યારબાદ ગણેશ વિસર્જન માટે મ્યુનિ. દ્વારા સાબરમતી નદીના કિનારે છ જગ્યાએ જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.પ્રાપ્તમાહિતી અનુસાર, ગણેશોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને તેને તળાવોમાં પધરાવવાથી પર્યાવરણને લગતાં પ્રશ્નો ઉભા થવાની સાથે તળાવની રમણીયતા-સુંદરતા બગડી જાય છે તેથી છેલ્લા કેટલાક વર્ષથી ગણેશની મૂર્તિઓ સાબરમતી નદીમાં પધરાવવાની ફરજ પાડવામાં આવે છે અને તેના માટે મ્યુનિ. દ્વારા અનેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.આગામી ગણેશોત્સવ માટે મ્યુનિ. દ્વારા કેશવનગર, લોકમાન્ય તિલક બાગ(વિકટોરીયા ગાર્ડન) પાસે, જમાલપુર ફુલ બજાર પાસે, ઇન્દીરાબ્રિજ પાસે હાંસોલ ખાતે તથા સુભાષબ્રિજના છેડે અને વિવેકાનંદ બ્રિજ(એલિસબ્રિજ)ના છેડે એમ છ જગ્યાએ નદી કાંઠે મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તે દિવસે મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો હાજર રહેશે અને મોટી મૂર્તિઓને પધરાવવા માટે ક્રેઇન સર્વિસ તથા તમામ વિસર્જન સ્થળ આસપાસ સફાઇ કરાવી લાઇટ હેલોજન લગાવાશે. ગણેશ મૂર્તિઓના સ્વાગત માટે સ્ટેજ અને શ્રધ્ધાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સ્વાગત કમાન ઉભી કરાશે.એટલુ જ નહિ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજાતાં ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા લોકમાન્ય તિલક ટ્રોફી જાહેર કરવામાં આવી છે જે એનાયત કરવા માટે ચૂંટાયેલી પાંખના પદાધિકારી તથા કોર્પોરેટર અને અધિકારીઓની ટીમ દરેક વિસ્તારના ગણેશની મુલાકાત લેશે અને મંડપની સજાવટ તથા મૂર્તિ વગેરેનુ નિરીક્ષણ કરી શ્રેષ્ઠ મંડપ તથા ગણેશ મૂર્તિને ટ્રોફી એનાયત કરશે.


બે હજાર માટે મિત્રના અપહરણનો પ્રયાસ કર્યો

બે હજાર રૂપિયાની ઉઘરાણી માટે નરોડા વોર્ડના કોંગ્રેસના ઉપ પ્રમુખના પૌત્રએ સાગરિત સાથે મળી બાઈક ઉપર જઇ રહેલા મિત્રનું ફિલ્મી ઢબે સ્કોરપીઓ કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઈક સવારની પાછળ બેઠેલા તેના મિત્રએ બુમા બુમ કરતા ફેરીયાઓ તેમજ રાહદારીઓ મદદ માટે દોડી આવતા બંને યુવાનો કાર લઇને રફુચક્કર થઇ ગયા હતા. બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો દેવાંગ મિસ્ત્રી તેમજ નરોડા માયા સિનેમા પાસે રહેતા કોંગ્રેસના નરોડા વોર્ડના ઉપ પ્રમુખ ભદોરીયાનો પૌત્ર સની વિરેન્દ્રસિંહ ભદોરીયા સહિતના મિત્રોની બાપુનગર સીટી ગોલ્ડ સિનેમા પાસે બેઠક છે. દરમિયાનમાં દેવાંગને બે હજાર રૂપિયાની જરુર હોવાથી સનીએ તેને ઉછીના આપ્યા હતા.

ત્યારબાદ સની એ પૈસા પાછા માંગતા દેવાંગ ગલ્લા તલ્લા કરતો હતો. દરમિયાનમાં શનિવારે રાતે દેવાંગ તેના મિત્ર સાથે બાઈક ઉપર રખિયાલ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સની તેના સાગરિત સાથે સફેદ રંગની સ્કોરપીઓ કારમાં આવ્યો હતો અને દેવાંગનું અપરહણ કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે દેવાંગની પાછળ બેઠેલા તેના મિત્રએ બુમા બુમ કરતા ફેરીયાઓ તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને દેવાંગને બચાવી લીધો હતો. જો કે આ ઘટનાના પગલે સની અને તેનો સાગરિત કાર લઇને રફુચક્કર થઇ ગયા હતા. જો કે સની દેવાંગનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.૩૨૦ લૂંટી ગયો હોવાથી દેવાંગની ફરિયાદના આધારે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.આ અંગે પીઆઈ રહેવરે જણાવ્યું હતુ કે સની જે સ્કોરપીઓ કારમાં આવ્યો હતો તે મહારાષ્ટ્ર પાસીંગની હતી અને તેના ઉપર સરકાર રાજ લખેલુ હતુ.આ માહિતીના આધારે પોલીસે સની અને તેના સાગરિતની શોધખોળ શરુ કરી છે.


સરદારનગરના મકાનમાં ચાલતુ જુગારધામ પકડાયુ

સરદારનગરના એક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પાના-પૈસાનો જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લઇ રૂ.૧.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સરદારનગર પોલીસ મથકના સેકન્ડ પીઆઈ વાય.આર.ગામીતને મળેલી બાતમીના આધારે તેમણે કુબેરનગર મહાદેવનગર શાંતિ નિકેતન સોસાયટી મકાન નંબર-એ-૬૨ માં દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં મકાનમાં પાના પૈસાનો જુગાર રમતા કૈલાસ હસમતરાય સાવલાણી(ઉ.વ.૨૯) સહિત નવ જુગારી રંગે હાથે ઝડપાઇ ગયા હતા.



મોદીના આગમન ટાણે કોંગ્રેસે ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લગાવ્યા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આગમન ટાણે કોંગ્રેસે ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લગાવતાં ચકચાર મચી ગઇ હતી. આ હોર્ડિંગ્સ ખાસ કરીને મોદીના પસાર થવાના માર્ગ ઉપર લગાવાયાં હતા.ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરા આવ્યા હતા. મુખ્યમંત્રી સ્ટેશન વિસ્તારમાં તૈયાર કરાયેલા સ્કાયવોકનું લોકાર્પણ કર્યા બાદ અકોટા સ્ટેડિયમ ખાતે જવાના હતા. આ તકનો લાભ ઉઠાવી કોંગ્રેસ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પર ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લગાવાતાં ધ્યાનાકર્ષક બન્યાં હતાં.મુખ્યમંત્રી મોદી જે માર્ગેથી પસાર થવાના હતા તે માર્ગ ઉપર ભાજપને નિશાન બનાવી હોર્ડિંગ્સ લગાવાતાં ચકચાર મચી ગઇ હતી. આ હોર્ડિંગ્સમાં વડોદરા સેવાસદનના ભાજપના રાજમાં નાગરિકોને પડતી હાડમારીનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત શહેરના ખખડધજ રસ્તા, ઠેરઠેર ખોદેલા ખાડાથી નાગરિકોને વેઠવી પડતી હાલાકી વર્ણવાઇ હતી.


યુનિવર્સિટીમાં ચૂંટણીનું ‘ગંદું’ રાજકારણ

એમ.એસ.યુનિવર્સિટીમાં ૮મીએ યુનિયન જનરલ સેક્રેટરી તરીકેની યોજાનાર ચૂંટણી પૂર્વેજ એનએસયુઆઇના યુજીએસના ઉમેદવાર પ્રમોદ મોરે વિરુદ્વ કોમર્સ ફેકલ્ટીની દિવાલો પર ગંદી ગાળો લખાતાં ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર પ્રકરણ અંગે એનએસયુઆઇએ વીસીને ઉગ્ર રજુઆત કરીને ગાળો લખનાર વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જંગનો ટેમ્પો જામ્યો છે ત્યારે કોઇ તોફાની તત્વોએ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગની દીવાલો પર એનએસયુઆઇના ઉમેદવાર પ્રમોદ મોરે વિરુદ્વ ગાળો લખતાં ચકચાર મચી છે. એનએસયુઆઇના કેમ્પસ પ્રમુખ અભિષેક પંચાલ, શહેર પ્રમુખ જહાં ભરવાડ અને ઉમેદવાર પ્રમોદ મોરેએ તાત્કાલિક અસરથી જ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગ, ફેકલ્ટીના પગથીયા પાસે અને યુનિટ બિલ્ડીંગની દિવાલો પર લખેલી ગાળોને પર સફેદ કૂચો મારીને ગાળોને ભૂસી નાંખી હતી.


અધિકારીને તાજના સાક્ષી બનાવવા ધારાસભ્યનું જોર

ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય સુરતમાં ત્રણ દિવસ રોકાઈને કુલદીપ શર્માને જુબાની આપવા અધિકારીને મનાવી ગયાસુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર કુલદીપ શર્મા ફરતે ગાળિયો ફિટ કરવાનો તખ્તો ગોઠવાયો છે. આસીફ અમદાવાદી એન્કાઉન્ટરના મામલે ફરિયાદ નોંધી શકાય અને એ અંગેના પુરાવા એકત્ર કરી શકાય તે માટે એક પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનાવવાની કવાયત ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યે કરી હતી. સુરતમાં ત્રણ દિવસ સુધી રોકાઈ ગયેલા આ ધારાસભ્યે પોલીસ અધિકારીને મનાવી લીધા હોવાનું કહેવાય છે.૧૯૯૯ના વર્ષમાં સુરતમાં નવસારી રોડ પર લાજપોર નજીક રીઢા ગુનેગાર આસીફ અમદાવાદીનું એન્કાઉન્ટર કરાયું તે ઘટનાની ફાઇલ પરથી ધૂળ ખંખેરાઈ રહી હોવાના સંકેતો સાંપડી રહ્યા છે. આ કેસના સંદર્ભમાં સુરતના તત્કાલીન પોલીસ કમિશનર કુલદીપ શર્મા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધી શકાય તે માટે ભૂગર્ભમાં અત્યંત ગુપ્ત રીતે કામગીરી થઈ રહી હોવાની ચાડી ખાતો એક કિસ્સો ત્રણ-ચાર દિવસ પહેલાં સુરતમાં બન્યો છે.હાલ સુરતમાં ફરજ બજાવનારા એક પોલીસ અધિકારી ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યના અંગત વિશ્વાસુ ગણાય છે. આ ધારાસભ્ય સાથે સારો નાતો ધરાવતા આ પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનવા માટે સમજાવવા આવ્યા હતા. ત્રણ દિવસ એ પોલીસ અધિકારીના ઘરે જ રોકાયેલા આ ધારાસભ્યે એમ કહેવાય છે કે આ પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનાવવા માટે સમજાવી લીધા છે.આ અગાઉ દક્ષિણ ગુજરાતના એક મોટા ગજાના રાજકારણીના સંબંધી એવા એક પોલીસ અધિકારીને આ રીતે તાજના સાક્ષી બનાવવા માટે સમજાવી લેવાયા છે. કેસ મજબૂત બનાવવા માટે આ બીજા પોલીસ અધિકારીને સમજાવવામાં ઉત્તર ગુજરાતના એ ધારાસભ્ય સફળ રહે તો નજીકના ભવિષ્યમાં કુલદીપ શર્મા સહિત તમામ સામે સીઆઈડી (ક્રાઇમ) વડોદરામાં ગુનો નોંધાય તો ના નહીં.


નક્સલી સીમાને શોધવા સીમાડા ખૂંદાશે

કસ્ટડી ભોગવી રહેલા નક્સલી શ્રીધર સાથે પ્રેમલગ્ન કરનારી સીમા ૧૯૯૮માં હથિયારના ગુનામાં કપરાડામાં પકડાઈ હતી, હવે તે નક્સલીઓની બોસ બની દેશમાં આતંક ફેલાવે છે,રત જિલ્લાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માંગરોળના મોર આંબલિ ગામેથી પકડેલી મહિલા નક્સલી સુજાતા સ્વામીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપી છે પરંતુ નક્સલવાદને ઝંડો લઈને ચાલનારી આ એક માત્ર મહિલા નથી. અસંખ્ય મહિલાઓએ તેને અપનાવ્યો છે. ચોંકાવી દે તેવી વાત તો એ છે કે હાલમાં દેશભરમાં જ્યાં પણ નક્સલવાદીઓ ભાંગફોડની પ્રવૃત્તિ જેના નેતૃત્વમાં કરે છે તે પણ મહિલા બોસ સીમા હીરાણી છે. આ સીમા સુરતમાં ત્રણ વર્ષ સુધી કામ કરી ચૂકી છે અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસમાં વોન્ટેડ છે.બહુનામધારી આ મહિલા મૂળ રાજસ્થાનની છે પણ તેણે ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું છે. નક્સલવાદમાં સમયાંતરે અલગ અલગ જવાબદારી વહન કરી ચૂકેલી આ મહિલા હાલમાં દેશભરના તમામ નક્સલીઓની બોસ છે. જેના કારણે ભારતભરની પોલીસ તેને શોધી રહી છે. જિલ્લા પોલીસના હાથે ૨૦ જુલાઈ-૧૦એ પકડાયા બાદ હાલ કસ્ટડી ભોગવી રહેલા નક્સલી શ્રીધરની તે પત્ની છે. શ્રીધરના પકડાયા બાદ પણ પોલીસ તેના સુધી પહોંચી શકી નથી.સીમા હીરાણી ઉર્ફે જમની ઉર્ફે મીના ઉર્ફે કવિતા ઉર્ફે અદિતી શ્રીધર શ્રીનિવાસનને કામરેજ પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ જાહેર કરાઈ છે. તો મહારાષ્ટ્રનાં નાસિક, ચંદ્રપુર, ગઢચિરોલી ઉપરાંત મુંબઈ એટીએસમાં પણ તે વોન્ટેડ છે. હાલમાં ભારતભરની પોલીસ જેને શોધી રહી છે તે સીમા હીરાણી ૨૦૦૬ના વર્ષમાં સુરત એરિયા કમિટીનું સુકાન સંભાળતી હતી. જ્યાં નક્સલીઓને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે તે દલમ કમિટી ગોંદિયા-બાલાઘાટની તે સતત ચાર વર્ષ સુધી કમાન્ડન્ટ રહી ચૂકી છે. એટલે કે પોતે તમામ પ્રકારની તાલીમ મેળવી ચૂક્યાં બાદ અન્ય નક્સલીઓને પૂરી તાલીમ આપતી હતી. તે રાઇફલ ચલાવવામાં પણ માસ્ટર હતી.૧૯૯૮ના વર્ષમાં વલસાડ જિલ્લાના કપરાડામાં એક નક્સલી હથિયાર સાથે પકડાયો તે ગુનામાં સીમાનું નામ ખૂલ્યું હતું તે વખતે વલસાડના ડીએસપી એ.કે. સિંઘ (હાલ: રેન્જ આઇજીપી, સુરત રેન્જ) અને ડીવાયએસપી કેસરીસિંહ ભાટી(હાલ: ડીએસપી, સુરત જિલ્લો)એ મહેનત કરી સીમા હીરાણીને ચંદ્રપુરથી પકડી પાડી હતી. ત્યારે જે પકડાઈ તે પકડાઈ, ત્યાર બાદ કોઈ દિવસ તે પોલીસના હાથમાં આવી નથી.નક્સલવાદને લગતી તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું હતું કે હાલમાં દેશભરમાં જે નક્સલી ભાંગફોડ પ્રવૃત્તિ થઈ રહી છે તે તમામ પ્રવૃત્તિ સીમાના નેતૃત્વમાં થઈ રહી છે. એ રીતે તે હાલમાં બોસ તરીકેની કામગીરી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સીમા હીરાણી પર વલસાડ ખાતે પણ ૯૦ના દાયકામાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવવા અંગેનો એક કેસ નોંધાઇ ચૂકયો હતો.




ભારતીય માછીમારોને છોડી મૂકો : પાક. સર્વોચ્ચ અદાલત
પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે અને પાકની વિદેશ મંત્રાલયે ભારતીય માછીમારો જે મોટભાગના સૌરાષ્ટ્રના છે તેમની જેલમુક્તિ માટે હકારાત્મક વલણ બતાવ્યું છે. ગઇકાલે ગુરુવારે ભારતીય માછીમારોની અરજીની સુનવણી વખતે પાકિસ્તાન સર્વોચ્ચ અદાલતે ભારતીય માછીમારોના આ કેસ ચલાવનાર પાકિસ્તાનના પૂર્વ કાયદામંત્રી ઇકબાલ હૈદરની જોરદાર દલીલો સાંભળી અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ ઇફતીબા મહોમદ ચૌધરીએ પાકિસ્તાનની સંધીય સરકારના આંતરિક મંત્રાલય (ઇન્ટિરિયર મિનિસ્ટ્રી) ને એક હુકમ જારી કરી જણાવ્યું છે કે, ભારતીય માછીમારોને છોડી મૂકવા અંગેનો જવાબ ઇદ પછી તુરંત જ ૨૪ મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરનારી સુનાવણી માં પેશ કરે.આ અરજી હૈદર જેઓ હાલે પાકિસ્તાન માનવ અધિકારમંચના કો-અધ્યક્ષ છે તેમણે ઘડી હતી. અને તે ગત માસમાં પાકિસ્તાનની અદાલતમાં રજૂ કરી હતી. જેની પ્રથમ સુનાવણી પાકની સર્વોચ્ચ અદાલતમાં ચાલુ માસની ૧૨ મી ના રોજ ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી ન્યાયપીઠે સાંભળી હતી અને સંધીય સરકારના આંતરિય અને વિદેશ મંત્રાલયના તથા પ્રાંતીય સિંધ સરકારને નોટિસ પાઠવી હતી અને પુછાવ્યું હતું કે, પાકના ક્યા કાયદા હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે. કરાંચી સ્થિત પાકિસ્તાનના એક એન.જી.ઓ. જે આ કેસમાં એક અરજદાર છે તેના પદાધિકારી શુજાદિન કુરેશીએ આજે આ અખબારને મોકલેલા ઇ-મેઇલમાં વિગતો આપતાં ટાંકર્યું હતું કે, તેમના દેશના વિદેશ મંત્રાલય જે અહેવાલ અદાલતને સુપરત કર્યો છે તે ખૂબ જ હકારાત્મક અને ઉત્સાહપ્રેરક છે.જેની ખુદ હૈદરે પણ પ્રશંસા કરી છે. પાકના વિદેશ મંત્રાલયે આ અહેવાલમાં ૪૫૪ ભારતીય માછીમારો પાકની જેલમાં સજા પૂરી કરી લીધી હોવાનું જણાવી અદાલતને એવી માહિતી આપી હતી કે, તેણે આંતરિક મંત્રાલયને આ ભારતીય માછીમારોને છોડી મૂકવાની સલાહ આપી છે. કુરેશીના જણાવ્યા પ્રમાણે સંધીય આંતરિક મંત્રાલય કે સિંધ સરકાર ગુરુવારની સુનાવણીમાં હાજર રહી નથી. તેથી ઇકબાલ હૈદરે જેમની સાથેની ખાસ મુલાકાતનો અહેવાલ એકમાત્ર આ અખબારે છાપ્યો છે તેણે રજજોની બ્રેન્ચને એવી વિનંતી કરી હતી કે, પાક સરકારના આ બે અંગો પાસેથી જવાબ ન મળતાં ભારતીય માછીમારોને તાત્કાલિક છોડી મૂકવાનો હુકમ જારી કરે.આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, ઇસ્લામાબાદ ખાતેના ભારતીય ઉચ્ચાયુક્ત (હાઇકમિશન) તરફથી ચાલુ માસની ૧૦ મી ના રોજ એક મૌખિક નોંધમાં તેણે એવી જાણકારી આપી છે કે, હાઇકમિશન આ ભારતીય માછીમારોને ભારત પરત ફરવા અંગેના દસ્તાવેજો તૈયાર કરી રહી છે અને જ્યારે તેમને છોડી મૂકવામાં આવશે ત્યારે પાકિસ્તાનના સંબંધી મંત્રાલયને સોંપી દેવામાં આવશે.


કચ્છમાં પાક.ના નગ્ન-નાચનું આક્રમણ

પાકિસ્તાન દ્વારા કચ્છ સરહદે ઘૂસણખોરી સહિતના નાપાક કૃત્યો તો સતત થતા જ આવે છે. ર્દશ્ય અને શ્રાવ્ય માધ્યમો દ્વારા સાંસ્કૃતિક આક્રમણ હવે ભૂતકાળ બન્યું છે. પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક એવું અશ્લીલતાનું આક્રમણ કરી પાકે એક નાપાક દાવ ખેલ્યો છે. ભુજ અને માધાપર સહિત કચ્છના વિવિધ શહેરોમાં પાકિસ્તાનથી આવેલી નગ્ન નાચની બિભત્સ દ્રશ્યોવાળી સી.ડી., ડી.વી.ડી. બેરોકટોક વેચાઇ રહી છે.ભૂમિ કે જળસીમાથી થતી ઘૂસણખોરી પર તો જુદી-જુદી એજન્સીઓનું નિરીક્ષણ હોય છે, પરંતુ યુવાનોનું માનસ પ્રદૂષણ કરતી આ સીડીઓ પણ ઓછી ખતરનાક નથી.કચ્છના અનેક શહેરોમાં વેચાઇ રહેલી પાકિસ્તાનના દ્રશ્યો સાથેની વેચાઇ રહેલી આ પ્રકારની સીડીઓમાં લલનાઓના મુજરા, કામુક ડાન્સ બતાવવામાં આવ્યા છે.આ પ્રકારની સીડીઓ પંજાબી અને ભારતીય ગીતો સાથે હોવાથી અનેક યુવાનો એના રવાડે ચઢી રહ્યા છે. ભુજ ઉપરાંત માંડવી, ગાંધીધામ, કંડલા, ખારીરોહર, મીઠીરોહર, મુન્દ્રા, લખપત, ખાવડા, રાપર, ભચાઉ સહિતના શહેરોમાં લારી, ગલ્લા અને દુકાનો પર આ દૂષણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે.



અલંગના કટ્ટર હરિફને પણ હવે ભારત જેવાજ કાયદા પાળવા પડશે

સમગ્ર વિશ્વમાં ટનેજની દ્રષ્ટિએ સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ અલંગને પોતાના દેશના હળવા કાયદા, ઓછી મજૂરી, ઓછી સવલતો પુરી પાડવાની હોવાથી ટક્કર આપી રહેલા બાંગ્લાદેશમાં પણ ભારત જેવાજ કડક નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃત માર્ગદિર્શકા લાદવામાં આવતા આવનારા દિવસોમાં તેનો સીધો લાભ ભારતના શિપબ્રેકિંગ ઉદ્યોગને થવા અંગે ઉદ્યોગપતિઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.સતત વધતા જતા અકસ્માતો અને દરિયાઇ પ્રદૂષણથી ચિંતીત બાંગ્લાદેશ કોર્ટે ભારતની સુપ્રીમ કોર્ટે શિપ બ્રેકિંગ વ્યવસાયમાં લાદેલી માર્ગદિર્શકાનો અભ્યાસ કર્યો હતો, અને તેનોજ અમલ ત્યાં કરાવવા અંગે ચુકાદો આપ્યો હતો, જેને સ્થાનિક ઉદ્યોગપતિઓએ પીટશિન વડે પડકાર્યો હતો, પરંતુ ગત સોમવારે શિપબ્રેકરોની પીટશિન રદ્દ કરતા સુપ્રીમે કાયદાઓનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે.જે દેશમાંથી જહાજ વેચવામાં આવ્યું હશે તે દેશના પર્યાવરણ સત્તાધિશોએ સંબંધિત જહાજમાં કોઇપણ પ્રકારનો જોખમી કચરો મોજુદ નથી તે અંગેનું પ્રમાણપત્ર આપવું પડશે અને બાકીના કાયદાઓ ભારત પ્રમાણે અનુસરવા પડશે.અગ્રણી શિપબ્રોકરો સંજયભાઇ શાહ, સંદીપભાઇ શાહના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં કામદારો અને પર્યાવરણ અંગેના કાયદાઓ હળવા, મજૂરીદર ઓછો હોવાથી તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાંથી વધુ ભાવે પણ શિપ ખરીદતા હતા, હવે તેઓએ તમામ કાયદાઓનું પાલન, સુરક્ષાના માપદંડો, મજૂરી દર સહિતની બાબતોનું પાલન કરવું પડશે તેથી નફાના ગાળામાં ઘટાડો આવશે, અને વધુ ભાવના જહાજ તેઓને પરવડશે નહીં, જેનો સીધો લાભ અલંગને થશે.શિપબ્રેકર અને બ્રોકર કોમલકાંત શર્માના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગનો ૭૦ટકા માલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે વપરાય છે અને તેથી લોખંડનો ભાવ ત્યાં વધુ છે, નવા નિયમોના પાલનથી તેઓનો ખર્ચ વધશે, પણ સવલતો આંતરરાષ્ટ્રીય દરજજાની સવલતો ઉભી થશે, જેથી અત્યારસુધી જહાજના નામાંકિત માલીકો બાંગ્લાદેશમાં શિપ આપતા ન હતા તેઓ હવે આપવા માંડશે જેની સ્પર્ધાનો સામનો ભારતે કરવો પડશે.


આદર્શ વહીવટ સ્ત્રી શક્તિથી સ્વર્ણિમનગર બનેલું બોરડી

૨૧મી સદીમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચેનો ભેદ દૂર થઈ રહ્યો છે અને ક્યાંક તો મહિલાઓ પુરૂષને પછાડી અગ્રેસર થતી જોવા મળી રહી છે. આવું જ એક નાનકડું ગામ છે બોરડી. સિહોર તાલુકાના માંડ ૧૫૦૦ની વસતિ ધરાવતા આ ગામની પંચાયતમાં તમામ સભ્યો મહિલા વર્ગના છે.રાજકરણમાં મેનેજમેન્ટની અનોખી કુશળતા દાખવી આ ગામના સર્વાંગી વિકાસ માટે ૭૦ લાખની મિલકતોનું નિર્માણ કરી લોકોને વિકાસના રસ્તે દોડતા કર્યા છે. આ ઉપરાંત આ મહિલા ટીમ સંપૂર્ણ ગામને વ્યસન મુક્ત કરવા આગળ ધપી રહી છે. આવી સિધ્ધિઓ જોતા આ ગામને સ્વર્ણિમનગર જાહેર કરવામાં આવ્યું છે.બોરડી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ બહેનોની બોડીએ કરેલો બોરડી ગામનો વિકાસ રાષ્ટ્ર વિકાસનું પ્રતિબિંબ છે. ગામમાં માત્ર ભૌતિક સુવિધાઓ વધે એટલું જ નહિ ઉપરાંત ગામમાં સંસ્કારી અને ધાર્મિક વાતાવરણ ખડું થાય તેના માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. ગામમાં મારફાડ, ચોરી, લૂંટફાટ, જેવા ગુનાહિત કૃત્યો થયા હોય અને પોલિસે આવવું પડ્યું હોય તેવી ઘટના ગામના વડીલોને તો યાદ પણ નથી.


અબુધાબી પહોંચવાનો શોર્ટકટ : તપાસના આદેશ

અબુધાબીમાં ભણવા જવા માટે પરવાનગી નકારવાની ઘટનાની ગંભીર નોંધ લઈને રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલે દરમિયાનગીરી કરીને પોલીસને તપાસ કરવા માટેનો આદેશ આપ્યો હતો. જેમાં ટુરિસ્ટ વિઝા મેળવીને નોકરી માટે આ યુવતીઓ જતી હોવાની આંચકાજનક માહિતી ઉઘાડી પડી હતી.અનેક યુવતીઓ મબલખ આવકની લાલચમાં આવીને આવો શોર્ટકટ રસ્તો અપનાવતી હોય છે. જોકે પછીથી ઘણી વાર એવું પણ બનતું હોય છે કે વિદેશ ગયેલી આ યુવતીઓ કાં તો છેતરપિંડીનો ભોગ બનતી હોય છે અથવા અનૈતિક ધંધામાં ફસડાઈ પડી જતી હોય છે એવું મોટા ભાગના કિસ્સામાં જોવા મળતું હોય છે.ચાર ગુજરાતી યુવતીએ અને એક સમાજસેવિકાએ ગૃહપ્રધાનની મુલાકાત લઈને અગાઉ ભણવા માટે અબુધાબી ગયેલી આ યુવતીઓના વિઝા ઉપર તેઓ જ્યારે પાછી ફરી હતી ત્યારે તેમના વિઝા ઉપર ભારતીય સિક્કા ન હોવાને કારણે મને ત્યાં જવાની પરવાનગી મળી નથી રહી એવી ફરિયાદ તેમણે કરી હતી. છોકરીઓના ભણતરનો પ્રશ્ન હોવાથી ગૃહપ્રધાને તાત્કાલિક આ સંદર્ભે તપાસનો આદેશ આપ્યો હતો.સંબંધિત અધિકારી પાસે જ્યારે આ મામલો તપાસ માટે આવ્યો તો તેમાં એવી હકીકત જાણવા મળી હતી કે આ ચારેયને ગૃહિણી અને સેલ્સ રિપ્રેઝન્ટેટિવ વગેરે નામો આપીને ટુરિસ્ટ વિઝા ઉપર ત્યાં નોકરી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. ઈદના દિવસોમાં અબુધાબીમાં મહેંદી મૂકનારી બ્યુટિશિયન યુવતીઓની ભરપૂર માગ હોય છે. તેથી ભણતરને નામે શોર્ટકટ અપનાવાયો હોવાનું નાયબ પોલીસ આયુક્ત રાજ વર્ધને જણાવ્યું હતું.‘‘જોકે આ રીતે યુવતીઓ વિદેશમાં પહોંચીને છેતરાતી-ફસાઈ જતી હોય છે. આવી યુવતીઓનું જાતીય શોષણ પણ કરાય છે. કેટલીક યુવતીઓ પાસે કામ કરાવીને વેતન-વળતર ચૂકવ્યા વિના તેમને પાછી મોકલી દેવાય છે. વળી આવી ઘટનાઓ ઊઘાડી પાડનારી યુવતીઓને મધ્ય-પૂર્વના દેશોની નોકરીઓ માટે બ્લેકલિસ્ટમાં મુકાય છે અને તરત ભારત પાછી મોકલે છે,’’ એમ રાજવર્ધને જણાવ્યું હતું.

ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચમાં ફિક્સિંગ, એકની ધરપકડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચમાં ફિક્સિંગ, એકની ધરપકડ

રિકેટ જગતમાં ફરી એક વખત ફિક્સિંગનું ભૂત ધુણ્યું છે. અને આ વખતે પાકિસ્તાનના બે બોલર મો. આમિર અને મો. આસિફ શંકાના ઘેરામાં છે.લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની શ્રેણીની અંતિમ મેચ ફિક્સિંગ કરવા માટે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ સામેલ હોવાનો ખુલાસો ઇંગ્લેન્ડના અખબાર ધ ન્યૂઝ ઓફ વર્લ્ડે કર્યો છે. બ્રિટિશ પોલીસ દ્વારા આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે, આઇસીસીએ આ વાતનો આધિકારિક રીતે ઇન્કાર કર્યો છે.સમાચારપત્રએ દાવો કર્યો છે કે, મો. આમિર અને મો. આસિફને નો બોલ નાંખવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. જેનો વીડિયો રેકોર્ડ પણ તેની પાસે છે. આ સમગ્ર ઘટનાની જાણકારી આઇસીસીને આપવામાં આવી છે.બીજી તરફ બ્રીટિશ પોલીસનું કહેવું છે કે તેઓએ શનિવારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચ ફિક્સ કરવાનો આરોપ છે. લંડનની મેટ્રો પોલિટન પોલીસે જણાવ્યું કે, સમાચારપત્રમાં છપાયેલા અહેવાલના અનુંસધાંને 35 વર્ષિય એક શકમંદ બુકીની ધરપકડ કરવામાં આવી છે.બ્રિટનના સમાચારપત્ર ન્યુઝ ઓફ વર્લ્ડે છાપેલા લોર્ડ્સ ખાતેની મેચમાં ફિક્સિંગના અહેવાલ બાદ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તપાસ હાથ ધરી છે. અને તેઓ પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ વિરુદ્ધ તપાસ ચલાવી રહ્યાં છે.પાકિસ્તાનના ટીમ મેનેજર યાવર સઇદે આ બનાવ અંગે કહ્યું છે કે, સ્કોટલેન્ડ યાર્ડની તપાસ ટીમે મેચ ફિક્સિંગ સબબ ટીમ જે હોટલ પર રોકઇ છે ત્યાંની મુલાકાત લીધી હતી. અને સુકાની સલમાન બટ્ટ, બોલર મો. આમિર, મો. આસિફ અને વિકેટકિપર કામરાન અકમલના નિવેદન લીધા હતા.



POKમાં ચીને 11000 સૈનિકો ગોઠવ્યાં!

મધ્ય એશિયામાં પોતાના વધતા જતા વર્ચસ્વને લઇને ચીને હવે ચાલ રમવાનું શરૂ કરી દીધું છે. આ ક્ષેત્રમાં ચીનનું એકમાત્ર પ્રતિસ્પર્ધી ભારત છે. કાશ્મીરને હજુ ચીન વિવાદાસ્પદ ક્ષેત્ર જ માને છે. અરુણાચલપ્રદેશને પણ ચીન ભારતનો હિસ્સો નથી માનતું. તાજેતરના અહેવાલ મુજબ ચીને ગુલામ કાશ્મીરમાં પોતાના 11000 સૈનિકોને સજ્જ કરી દીધા છે.ન્યુયોર્ક ટાઇમ્સની ખબર પ્રમાણે ગિલગિટ-બલિસ્તાન ક્ષેત્ર પર ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન હવે તેને પોતાનું વર્ચસ્વ સોંપી રહ્યું છે.એટલે કે પાકિસ્તાનની સાથોસાથ હવે ચીનની નજર પણ ગુલામ કાશ્મીર પર છે.આનું મુખ્ય કારણ એ છે કે ગિલગિટ-બલિસ્તાનમાં પાકિસ્તાની શાસન સામે જબરદસ્ત વિદ્રોહનો માહોલ સર્જાઈ રહ્યો છે અને આ જ કારણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના 7000થી 11000 સૈનિકોની ત્યાં ઘૂષણખોરી થઈ ગઈ છે.આ ક્ષેત્રથી હવે દુનિયાનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ચીન હવે આ વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે એટલે જ તે હાઈ સ્પીડ રેલ અને સડક સંપર્ક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે.ગિલગિટ-બલ્તિસ્તાનમા પ્રવેશ કરી રહેલા પીએલએ સૈનિકોમાંના કેટલાંક તો રેલમાર્ગ પર કામ કરનારા છે. આમાંના કેટલાંક ચીનના ઝિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાન સાથે જોડનારા કારાકોરમ હાઇવેના વિસ્તારમાં લાગી ગયા છે. અન્ય સૈનિકોને બંધો, એક્સપ્રેસ વે તેમજ અન્ય પરિયોજનાઓ પાસે તૈનાત કરવામાં આવ્યા છે.વિદેશી જાસૂસી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ક્ષેત્રમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે વોશિંગટન માટે ચિંતાનો વિષય છે. ચીનને અમ્માનની ખાડી સુધી પહોંચવા માટે આટલી છૂટ અને રસ્તો અપાઈ રહ્યો હોવાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હવે અમેરિકાનું મિત્ર નથી.એક માહિતી અનુસાર ગિલગિટ-બલ્ટિસ્તાનમાં લોકતંત્ર અને ક્ષેત્રીય સ્વાયત્તા માટે ચલાવનારા આંદોલનને ખૂબ નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાની સેનાએ સુન્ની જેહાદી સંગઠનો સાથે મળીને સ્થાનિક શિયા મુસલમાનોને સુનિયોજિત રીકે ખૂબ ડરાવ્યા હતા. આથી આ લોકો હવે પાકિસ્તાની શાસનમાંથી મુક્ત થવા માગે છે.


મોહમ્મદ આમિરે વિટ્ટોરીનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીના ટેસ્ટ ક્રિકેટના 50 વિકેટ લેવાના સૌથી યુવા ખેલાડીના રેકોર્ડને તોડી નાંખ્યો છે.આમિરે આ સિદ્ધિ 18 વર્ષ અને 136 દિવસની ઉમરે હાંસલ કરી છે. લોર્ડ્સમાં ચાલી રહેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે આમિરે ઘાતક બોલિંગ કરી હતી. અને ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગની છ વિકેટ ખેરવીને ટેસ્ટ કારકિર્દીમાં વિકેટની સંખ્યા 50થી વધારે કરી દીધી છે. આ સાથે જ તેમે વિટ્ટોરીના રેકોર્ડને પાછળ રાખી દીધો છે.આ સાથે જ તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. જેણે ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓને સતત શૂન્ય પર આઉટ કરી પેવેલિયન ભેગો કરી દીધો છે. આમિરે પોતાની પ્રથમ 10 બોલમાં એકપણ રન આપ્યા વગર ચાર વિકેટ મેળવી હતી. જે પણ એક રેકોર્ડ સમાન છે.આમિરે માત્ર છ દિવસમાં બીજી વખત પાંચ વિકે હાંસલ કરી છે. શુક્રવારે તેણે છ ખેલાડીઓને આઉટ કર્યા હતા. જેમાં ચાર ખેલાડીઓતો ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા.ઇંગ્લેન્ડે આમિરના તરખાટ સામે સાત વિકેટ 185 રનમાં ગુમાવી હતી. પરંતુ ટ્રોટ(149 સાથે રમતમાં) અને સ્ટુઅર્ટ બ્રોડ(125 અણનમ) વચ્ચે આઠમી વિકેટ માટે 244 રનની શાનદાર ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડને સાત વિકેટ પર 346એ પહોંચાડીને સંકટમાંથી બહાર કાઢ્યું છે.



પાકિસ્તાનની હાલત નાજુક

જોનાથન ટ્રોટ અને સ્ટુઅર્ટ બ્રોડ વચ્ચેની આઠમી વિકેટ માટેની વિશ્વવિક્રમી ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે ચોથી ક્રિકેટ ટેસ્ટમાં પ્રવાસી પાકિસ્તાનને ભીંસમાં લઈ લીધું હતું.અહીં રમાઈ રહેલી મેચમાં ત્રીજા દિવસે ટી ટાઈમ સુધીમાં પાકિસ્તાને તેના પ્રથમ દાવમાં ૪૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અગાઉ ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં ૪૪૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. વિરામ સમયે સલમાન બટ્ટ (૨૬) તથા અઝહર અલી (૧૦) બેટિંગમાં હતા.અગાઉ ઇંગ્લેન્ડે સાત વિકેટે ૩૪૬ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો એ પછી ટ્રોટ અને બ્રોડે આઠમી વિકેટની ભાગીદારીમાં ૩૩૨ રન ઉમેર્યા હતા. આઠમી વિકેટની ભાગીદારીનો આ નવો વિશ્વવિક્રમ છે. ટ્રોટ છેલ્લો આઉટ થયો હતો અને તેણે ૧૮૪ રન ફટકાર્યા હતા.


ગુજરાત સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે સર્વોત્તમ

દેશમાં સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત, મહારષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઉત્તમ સ્થળ માનવામાં આવી રહ્યા છે. ફ્રેંન્ચાઇઝ ઇન્ડિયાના નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે.તેમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ જેવા રાજ્યો સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે ઉત્તમ વાતાવરણ પ્રાપ્ત કરાવા સક્રિય પગલા ભરી રહ્યા છે. આ અધ્યયનના આધારે ભારતમાં નાના ઉદ્યોગોના 100 ટૉપ શહેરોનુ લિસ્ટ બનાવવામાં આવ્યુ છે.ફ્રેંચાઇઝ ઇન્ડિયાના અધ્યક્ષ ગૌરવ માર્યાનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થામાં સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મહત્વપૂર્ણ છે અને તે દેશ માટે કરોડરજ્જુ સમાન છે. દેશની જીડીપીમાં તેમની ભાગીદારી 8 થી 9 ટકાની છે જ્યારે તેમના દ્વારા ચાર કરોડથી વધારે લોકોને રોજગારી મળે છે. કંપનીયે 'સ્મૉલ બિઝેનસ એવૉર્ડ' માટે અર્નેસ્ટ એન્ડ યંગ સાથે કરાર કર્યો છે.




હવે મોબાઇલથી પણ શેર ટ્રેડિંગ થશે

જો તમે શેર બજારમાં પૈસા લગાવવા માંગો છો. પરંતુ સમય ના હોવાના કારણે શેર ટ્રેડિંગ કરી નથી શકતા તો હવે તમારા માટે સારા સમાચાર છે. સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે સેબીએ મોબાઇલ ટ્રેડિંગની અનુમતિ આપી દીધી છે. એટલે કે તમે હવે મોબાઇલ ફોન દ્વારા શેરોનું ખરીદ-વેચાણ કરી શકસો. આને માટે તમારૂ કોઈ બ્રોકિંગ હાઉસમાં ખાતુ હોવુ જરૂરી છે.ગ્લોબ કેપિટલના પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસના હેડ કે. કે. મિત્તલના મતાનુસાર મોબાઇલ ટ્રેડિંગ માટે મોબાઇલમાં એફટી (ફાઈનેન્શિયલ ટ્રેડિંગ) નામનુ સૉફ્ટવેર ડાઉનલોડ કરાવુ પડશે, જેના માટે જીપીઆરએસ કનેક્શન પણ જરૂરી છે. આ સોફ્ટવેર અત્યારે નોકિયા અને બ્લેકબેરીના મોબાઇલ સપોર્ટ કરી શકે છે.દેશના કેટલાય બ્રોકિંગ હાઉસ પાસે મોબાઇલ ટ્રેડિંગની સેવા ઉપલબ્ધ છે, પરંતુ સેબીની અનુમતિ ના મળવાને કારણે તેઓ આ સેવા શરૂ નહોતા કરી શકતા. હવે સેબીએ આને ગ્રીન સિગ્નલ આપ્યુ છે એટલે તે લોકોને ફાયદો થશે જે સમયના અભાવના કારણે શેર ટ્રેડિંગ નહોતા કરી શકતા.


મોદીનો ધ્રુજારો: ભગવા આતંકવાદ મુદ્દે વડાપ્રધાન માફી માગે

ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેલાં મુખ્યમંત્રીનું ગામેગામ ભગવા ગૌરવ અભિયાન ચલાવવા આહ્વાન: સ્કાયવોક અને શિક્ષણ સમિતિની શાળાઓમાં સીસી ટીવી અને બેન્ચીસનું લોકાર્પણ. ચિદમ્બરમ દ્વારા કરાયેલા ભગવા આતંકવાદ શબ્દના મુદ્દે મુખ્યમંત્રી મોદીએ આક્રમક તેવર અપનાવી હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને તિરંગાનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે તિરંગાના અપમાન બદલ દેશવાસીઓની માફી માગવા વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો.ભગવા આતંકવાદ મુદ્દે ચાર દિવસ બાદ મૌન તોડી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુંકે, ભગવા આતંકવાદ શબ્દથી કોંગ્રેસ સરકારે દેશની આન-બાન-શાન સમા તિરંગા રાષ્ટ્રધ્વજને સલામી કરતા કરોડો દેશવાસીઓનું અપમાન કર્યું હોવાનું જણાવી શું આ બધા આતંકવાદી છે? તેવો વેધક સવાલ જનમેદનીને કર્યો હતો.વોટબેંકની રાજનીતિમાં કોંગ્રેસના શાસકો ભારતને, ભારતની સંસ્કૃતિને બદનામ કરવાના ષડયંત્રો રચી રહ્યા હોવાનું જણાવી મોદીએ જણાવ્યું હતું. ભગવો ધારણ કરતાં સાધુ-સંતો, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, માથે કેસરિયો બાંધી સંસ્કૃતિ-નારી, બ્રાહ્નણ અને ગાયોનું રક્ષણ કરતા ક્ષત્રિયો શું આતંકવાદી છે? કરોડો મંદિરો ઉપર ફરક્તા ભગવા ધ્વજ શું આતંકવાદની પ્રેરણા આપે છે?મોદીએ આ મુદ્દે વડાપ્રધાન મનમોહનસિંહ અને ચિદમ્બરમને દેશની જનતાની માફી માગવા હાકલ કરી હતી. મોદીએ ભગવા આતંકવાદના મુદ્દે ગામેગામ ભગવા ગૌરવ અભિયાન ચલાવવા અને કોંગ્રેસીઓ પણ આ શબ્દપ્રયોગનો વિરોધ કરે તે માટે તેમના ઉપર દબાણ લાવવા અનુરોધ કર્યો હતો.સયાજીગંજ વિસ્તારના ૫૨૩૯ ગરીબ લાભાર્થીઓને રૂ.૨૪.૬ કરોડની વિવિધ યોજનાકીય સહાય વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી મોદીએ સ્કાય વોકનું લોકાર્પણ,પાણીની ટાંકીનું ખાતમુહુર્ત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સીસીટીવી કેમેરા અને બાળકો માટે બેન્ચીસનું લોકાર્પણ કર્યું હતું.


૧૦.૫૩ ટકાના વિકાસ દર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે

દેશમાં દસ વર્ષ પહેલાં બનેલા અને નક્સલવાદની સમસ્યા સામે ઝઝૂમી રહેલું છત્તીસગઢ વિકાસની દોડમાં દેશના બધા જ રાજ્યોને પાછળ ધકેલીને આગળ નીકળી ગયું છે. ૨૦૦૯-૧૦ના વર્ષમાં ૧૧.૪૯ ટકાના વિકાસ દર સાથે છત્તીસગઢ સૌથી મોખરે રહ્યું છે જ્યારે ૧૦.૫૩ ટકાના વિકાસ દર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વિકાસ દરની બાબતમાં પણ છત્તીસગઢ દેશના અન્ય રાજ્યોથી આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં છત્તીસગઢનો સરેરાશ વિકાસ દર ૧૦.૯ ટકા જ્યારે અન્ય રાજ્યોનો સરેરાશ વિકાસ દર ૭.૪૪ ટકા નોંધાયો છે.નવી દિલ્હીના કેન્દ્રીય આંકડાકીય માહિતી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, વિકાસની બાબતમાં છત્તીસગઢ સૌથી આગળ છે. જ્યારે વર્ષ ૨૦૦૦માં બનેલા અન્ય એક રાજ્ય ઉત્તરાખંડ ૯.૪૧ ટકાના વિકાસ દર સાથે દેશમાં ત્રીજા ક્રમે છે.૨૦૦૮-૦૯ના વર્ષમાં વિકાસ દરની યાદીમાં સૌથી ટોચ પર રહેલા બિહારનો ૨૦૦૯-૧૦માં વિકાસ દર ૪.૭૨ ટકા છે. બિહારનો વિકાસ દર ઘટવાનું કારણ દુષ્કાળની સમસ્યા જણાવવામાં આવ્યું છે.


‘ભગવા આતંકવાદ’ પર ભાજપ થયો વધારે આક્રમક

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ભગવા આતંકવાદ મુદ્દે ભાજપના આક્રમક વલણનો સામનો કરવો પડયો છે. જો કે સંસદ બહાર પણ ભાજપ આ મુદ્દે ચિદમ્બરમ પર દબાણ ચાલુ રાખવાની નીતિ ચાલુ રાખી રહ્યું છે. ભાજપે શનિવારે ગૃહમંત્રીની માફીની માગણી બુલંદ કરી દીધી છે. બીજી તરફ સંઘના સરકાર્યવાહ સુરેશરાવ જોશી ઉર્ફે ભૈયાજી જોશીએ પણ ચિદમ્બરમની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી બહુમતી સમુદાયને આરોપીના પાંજરામાં ઉભા કરવાનું કામ કરી રહ્યાં છે.ભાજપ અને સંઘ બંનેએ સંકેત આપ્યા છે કે જો સરકાર તરફથી નિવેદનબાજી ચાલુ રહેશે, તો તેમને ઉગ્ર વિરોધનો સહારો લેવો પડશે. ભાજપના મુખ્ય પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ચિદમ્બરમે આતંકને ભગવા શબ્દ સાથે જોડીને દેશની સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસનું અપમાન કર્યું છે. પ્રસાદે સુપ્રિમ કોર્ટમાં રામસેતુ વિવાદની .યાદ પણ અપાવી હતી.તેમનું કહેવું હતું કે પહેલા કોંગ્રેસે રામને કાલ્પનિક ગણાવ્યા અને સોગંદનામું દાખલ કર્યું હતું. ત્યાર બાદ સરકારના મંત્રીઓ જ તેની વિરુદ્ધ નિવેદન આપવા લાગ્યા અને સોગંદનામું બદલી નાખ્યું. આ પ્રકારે ભગવા શબ્દના ઉપયોગ પર પણ કોંગ્રેસ પાર્ટીની અંદર વિરોધ સપાટી પર આવી રહ્યો છે. ભાજપના અન્ય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોંગ્રેસ એ સ્પષ્ટ કરે કે તેઓ ચિદમ્બર સાથે સંમત છે કે જનાર્દન દ્વિવેદી સાથે?જાવડેકર પ્રમાણે, જો કોંગ્રેસ દ્વિવેદી સાથે છે, તો તેઓ ચિદમ્બરમને માફી માંગવાનું કહે. સંઘના સરકાર્યવાહ સુરેશરાવ ઉર્ફે ભૈયાજી જોશીએ કહ્યું હતું કે સંઘના નેતા રામ માધવ પ્રમાણે જે વિસ્ફોટોની વાત કહેવામાં આવી છે, તેની તાલીમ સંઘે આપી ન હતી. આ લોકોમાં કેટલાંક ભૂતપૂર્વ સૈનિકો સામેલ છે. રામ માધવની માગણી છે કે ગૃહ મંત્રાલય એ સ્પષ્ટ કરે કે આ વિસ્ફોટો પાછળ કઈ શક્તિઓ છે?


મધર ટેરેસા પર 5 અને 100 રૂ. ના સિક્કા

મધર ટેરેસાએ ગરીબોની સેવામાં પોતાનુ જીવન અર્પિત કરી દીધુ હતુ. તેમની જન્મ શતાબ્દી ઉપર સરકારે તેમની સ્મૃતિમાં શનિવારે પાંચ અને સો રૂપીયાના સ્મારક સિક્કા પ્રસ્તુત કર્યા હતા.નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ ટેરેસાની સ્મૃતિમાં સિક્કાઓને પ્રકાશિત કરવાની સાથે સ્મારકનુ પણ વિમોચન કર્યુ હતુ. તેઓએ સિક્કા અને સ્મારકને સૌથી પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ભેટ કર્યા હતા.કહેવામાં આવે છે કે મધર ટેરેસાએ કલકત્તામાં જ્યારે મિશનની શરૂઆત કરી હતી ત્યારે તેમની પાસે પાંચ રૂપીયા જ હતા. આ અવસર પર રાષ્ટ્રપતિએ કહ્યુ કે, 'તેઓ (મધર ટેરેસા) દરેક રિતે દુનિયાની 'માં' હતી. આ સાચુ છે કે ઈશ્વર દરેક જગ્યાએ નથી હોતા, આ કારણે તેઓએ માં ને જન્મ આપ્યો છે'તેઓએ કહ્યુ કે 'વાદળી બૉર્ડર વાળી સફેદ સાડીમાં તેઓ અને તેઓના ચેરિટી મિશનની બહેનો વૃદ્ધ, અસહાય, બેરોજગાર, બીમાર લોકો માટે આશાનુ પ્રતિક બની ગઈ છે.'મધર ટેરેસાનો જન્મ 26 ઑગસ્ટ 1910ના રોજ મેસેડોનિયામાં થયો હતો. 5 સપ્ટેમ્બર 1197ના રોજ કલકત્તામાં તેઓનુ નિધન થયુ હતુ. અઢાર વર્ષની ઉંમરમાં તેઓએ ગૃહત્યાગ કર્યો હતો અને 'સિસ્ટર્સ ઑફ લોરેટો' માં જોડાયા હતા. જે આયરલેન્ડની ઈસાઈ સમુદાયની નનોની સંસ્થા છે. આ સંસ્થા ભારતમાં પણ કામ કરે છે.ટેરેસાએ વર્ષ 1948માં ગરીબોની વચ્ચે રહીને મિશનની શરૂઆત કરી હતી. તેઓએ ચાલીસ વર્ષથી વધારે સમય સુધી ગરીબ અને અસહાય લોકોની સેવા કરી હતી. આ દરમિયાન તેમને 124 પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. આ પુરસ્કારોમાં ભારત રત્ન અને નોબેલ પુરસ્કાર પણ શમાવિષ્ટ છે.


‘બોલ્ડ દ્રશ્યો ભજવવામાં કોઈ જ વાંધો નથી’

ઈશા કોપીકરના લગ્ન થઈ ગયા છે પરંતુ તે ફિલ્મોમાં કામ કરી રહી છે. ઈશાની ફિલ્મ હેલો ડાર્લિગ શુક્રવારના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મ માત્ર હિન્દીમાં જ નહિ પરંતુ તામિલ, કન્નડ અને તેલુગુમાં પણ બની છે. ઈશાના લગ્ન થઈ ગયા હોવા છતાં તેની ઈમેજ હજી પણ સેક્સી એન્ડ હોટ રહી છે.લગ્ન પછી તારૂં જીવન કઈ રીતે બદલાઈ ગયું?જીવનમાં પરિવર્તન થતું રહે છે. લગ્ન પછી વ્યક્તિ વધારે પરિપક્વ બને છે. હું નસીબદાર છું કે, મારા લગ્ન વહેલા થઈ ગયા અને મને મારી જવાબદારીઓનું ભાન થઈ ગયું. લગ્ન પછી પણ મારો પરિવાર મારી સાથે છે અને તેઓ મારી કરિયરમાં મને મદદરૂપ બને છે.તારો પતિ તને કેટલે અંશે મદદરૂપ થાય છે?કેટલાંક પતિઓ પોતાની પત્નીને કામ કરવાની પરવાનગી આપતા હોય છે અને કેટલાંક પતિઓ લગ્ન પછી પત્નીઓને સાચા દિલથી કામ કરવા દેતા હોય છે. મારા પતિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નથી પરંતુ મને ઘણી જ મદદ કરે છે. તેમને મારા તમામ નિર્ણયો પર વિશ્વાસ છે.


એરટેલના ગ્રાહકોને બલ્લે..બલ્લે

જો તમારી પાસે એરટેલનુ કનેક્શન છે તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ભારતની સૌથી મોટી જીએસએમ મોબાઇલ ઑપરેટર કંપની એરટેલે પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.'ઓવીઆઈ ટૂલ'નામની આ સર્વિસને આપવા માટે એરટેલે મોબાઇલ હેન્ડસેટ બનાવનાર ફિનલેન્ડની ખ્યાતનામ કંપની નોકિયા સાથે કરાર કર્યો છે. આ સર્વિસ દ્વારા તમને અનાજની કિંમતોથી લઈને એજ્યૂકેશન અને હેલ્થ ટિપ્સની સાથે મનોરંજન સાથે જોડાયેલી તમામ માહિતી પણ પ્રાપ્ત થશે.જોકે એરટેલના ગ્રાહકોએ આ ખાસ સર્વિસ અલગથી એક્ટિવેટ કરાવી પડશે. અને આ સર્વિસ માટે તમારે દર મહિને 10 રૂપીયા ચુકવવા પડશે. કંપનીને આશા છે કે આ નવી સર્વિસ લોકોને ખાસ્સી પસંદ પડશે. આ અગાઉ નોકિયા લોકો સુધી ઓવિઆઈ ટૂલ સર્વિસ પહોચાડવા માટે રિલાયન્સ કંપની સાથે પણ કરાર કરી ચુકી છે.


બ્રિટિશ અખબારે લખ્યું ‘ધ ડેથ ઓફ ઇંગ્લિશ ક્રિકેટ’

ક્રિકેટ રસિકો એ વાતથી અજાણ નહીં હોય કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિઝ શ્રેણી કેટલું મહત્વ ધરાવે છે. એશિઝ શ્રેણીને હજૂ વાર હોવા છતાં અત્યારથી બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા એકબીજા વિરુદ્ધ વાકયુદ્ધ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ બન્ને દેશ વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચની એ યાદગાર પળને કેવી રીતે ભૂલી શકાય કે જેને લઇને સ્પોર્ટ્સ ટાઇમ્સે લખ્યું હતું કે, ધ ડેથ ઓફ ઇંગ્લિશ ક્રિકેટ.વાત 29 ઓગસ્ટ 1882ના વર્ષની છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓવેલના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે 85 રનનો ટાર્ગેટ મુક્યો હતો. અને ઇંગ્લેન્ડે વી.જી.ગ્રેસ આઉટ થયાં ત્યાં સુધી બે વિકેટના નુક્સાને 52 રન બનાવી લીધા હતા.જો કે, ઓસ્ટ્રેલિયાના ફ્રેડ સ્પોફોર્થે કરેલી વેધક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાનો આ મેચમાં સાત રનથી વિજય થયો હતો. ફ્રેડએ પ્રથમ ઇનિંગમાં 47માં સાત અને બીજી ઇનિંગમાં 44માં સાત વિકેટ મેળવી હતી.ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ રીતે સાત રનથી ઇંગ્લેન્ડનો પરાજય થતાં જ એ સમયના અખબાર સ્પોર્ટ્સ ટાઇમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, ઇંગ્લિશ ક્રિકેટનું દિંહાત થયું છે. અને ઓસ્ટ્રેલિયા એશિઝને લઇ ગયું છે.


‘હવે, હું અને રાહુલ સાથે રહીએ છીએ’

રાહુલ મહાજનની પત્ની ડિમ્પી મહાજને તાજેતરમાં જ રાહુલ પર મારપીટ કરવાનો આરોપ લગાવતાં ભારે ચર્ચા જાગી હતી. જોકે હવે બંને ફરી સાથે રહેવા લાગ્યાં છે અને તેમની વચ્ચે સંબંધો સુધારવાના પ્રયત્નો કરી રહ્યા છે.ડિમ્પી મહાજને જણાવ્યું હતું કે રાહુલ સાથે તેને ઝઘડો થયો હતો પરંતુ હવે તેઓ સાથે રહેવા લાગ્યા છે અને તેમની વચ્ચે સંબંધો સુધારવા માટે અને પહેલાં જેવી જિંદગી ફરી શરૂ કરવા માટે સલાહસૂચનો લઈ રહ્યાં છે.‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’ નામના ટીવી રિયાલિટી શોમાં રાહુલ અને ડિમ્પીએ લગ્ન કર્યા બાદ થોડા વખતમાં જ તેમની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હોવાથી ગત મહિને ડિમ્પીએ તેનું ઘર છોડી દીધું હતું. જોકે છેવટે રાહુલની માતાએ સમગ્ર મામલે સમાધાન કરાવતા હવે તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં છે.ડિમ્પીએ જણાવ્યું હતું કે જે કંઈ બન્યું તેનાથી તે અંદરથી વધુ મજબૂત બની છે. તેને હવે રાહુલ સાથેના સંબંધો વધુ મજબૂત થયા હોવાનું અનુભવાઈ રહ્યું છે.તેણે કહ્યું હતું કે ‘મે સ્થિતિને સ્વીકારી લીધી છે અને હું જાણું છું કે હું રાહુલને પ્રેમ કરું છે અને હું તેની સાથે હંમેશ માટે રહેવા માંગું છું.’



17000 બાળકોના જીવને જોખમ

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં પૂરથી લગભગ 1.7 કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે અને 80 લાખ લોકોને ખાદ્યપદાર્થોની સખત જરૂરિયાત ઊભી થઈ છે. આ પૂરને કારણે 12 લાખ ઘર તબાહ થઈ ગયા છે અને 50 લાખ લોકો બેઘર બની ગયા છે. મૃતકોની સંખ્યા અત્યાર સુધી 1600એ પહોંચી છે.સંયુક્ત રાષ્ટ્રના માનવીય રાહત સંયોજક માર્ટિન મોગવાનજા એવું જણાવે છે કે જો આ વિસ્તારની પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધારવામાં નહીં આવે તો અહીંયા કુપોષણનો શિકાર બનેલા 72000 બાળકો મરી જશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.સિંધના 23માંથી 19 જિલ્લાઓ પૂરની અસર હેઠળ છે. તાજેતરમાં દક્ષિણી પાકિસ્તાનમાં સિંધુ નદીના તટબંધો અનેક જગ્યાએ તૂટી ગયા છે અને કરાંચીથી 70 કિલોમીટર પૂર્વમાં આવેલા થટ્ટા શહેરને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે સિંધુ નદીમાં અત્યારે સામાન્ય કરતા 40 ગણું પાણી વધી ગયું છે.મળતી માહિતી અનુસાર થટ્ટા શહેરના 3 લાખ લોકોમાંથી 1.75 લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. અહીંયા ભૂમિસેના અને નૌસેના અત્યારે કાર્યરત છે. જો કે હજુ સિંધના કેટલાંક વિસ્તારોમાં રાહતસામગ્રી ન પહોંચી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.