29 December 2009

અમદાવાદમાં જુલુસ દરમિયાન પથ્થરમારો તોફાનીઓને કાબૂમાં લેવા ટીયર ગેસના ૯ સેલ છોડાયા..! યુવતીની છેડતી બાદ ટોળા આમને સામને: એસીપી સહીત ચાર પોલીસને ઈજા

સોમવારે સાંજે તાજીયા જુલુસ શાહપુર ચાલતા પીરની દરગાહ, રેંટીયા વાડી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતીના મામલે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને એક બીજા પર જોરદાર પત્થરમારો કરતા સનસનાટી મચી ગઈ હતી. એકાએક ફાટી નિકળેલા હિઁસા ના દોરથી પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ હતી અને મામલો વણસે નહીં તે માટે તાબડતોબ કુમક સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાઠી ચાર્જ કરીને તોફાનીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્થમારો જારી રહેતા પોલીસને ટીયર ગેસના ૯ જેટલા સેલ છોડવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આશરે દસેક મિનિટ સુધી પત્થરમારામાં એક એ.સી.પી. સહીત ચાર પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે વા.સા. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ જુલુસનો છેલ્લો તાજીયો શાહપુર રેંટીયા વાડીના સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે યુવતિની છેડતી મામલે મામલો બિચકતા બંને કોમના ટોળાએ એક બીજા પર પત્થરમારો કર્યો હતો. વધુ માણસો આવતા ગયા તેમ હાજી બિલ્ડીંગથી ચાલતા પીરની દરગાહ સુધીના રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા અને ચારેય બાજુથી જોરદાર પત્થમારો કર્યો હતો. જુલુસના બંદોબસ્તમાં પોલીસ પહેલાથી જ તૈનાત હતી પરંતુ મામલો વણસતા સંયુકત પોલીસ કમિશનર અતૂલ કરવલ અને સતીશ શર્મા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના ૯ સેલ છોડયા હતા. લગભગ દસેક મિનિટ સુધી એક બીજા પર પત્થરમારો કર્યા બાદ તોફાનીઓ શાંત પડી જતા તાજીયાના જુલુસને પોલીસ સુરક્ષા વચ્ચે આગળ વધારવામાં આવ્યો હતો. જો કે આ બનાવની વાત શહેરના અન્ય વિસ્તારમાં ફેલાતા તોફાનો ફાટી નિકળ્યા હોવાની જોરદાર અફવા ફેલાઈ હતી જેના કારણે બજારો અને દુકાનો ટપોટપ બંધ થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યાં અનુસાર પત્થરમારામાં એ.સી.પી. એન.એન. ગોહીલ, કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ, જશ્વતભાઈ દંતાણી અને ગોપાલ પટેલને ઈજા થઈ છે. શાહપુર પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધીને તોફાનીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

No comments:

Post a Comment