23 January 2010

શ્વેતાના નામની આગળ ‘ડો.’ને બદલે ‘સ્વ.’ લાગી ગયું : ૨૦૦૧ના ભૂકંપમાં જન્મ દિવસે જ ધરતીમાં સમાઈ ગયેલી પુત્રી શ્વેતાની યાદ આજે પણ માતા-પિતાને રડાવે છે

‘ચાર વર્ષ જવા દે, જોજે આ ઘરની બહાર ડો.શ્વેતા જોગી એવું નામ હશે. હું બધાને ભણવામાં પાછળ રાખી દઈશ.’ હજી આ શબ્દો અમદાવાદના ઘોડાસરમાં રહેતા અશ્વિનભાઈ અને તેમનાં પત્ની કામિની બહેનના કાનમાં અફળાય છે અને સાથે જ શરૂ થઈ જાય છે સ્મૃતિઓનો ઝંઝાવાત અને આંસુની ધારા. શ્વેતા તેમની બીજા નંબરની પુત્રી હતી અને ૨૬મી જાન્યુઆરી-’૦૧ના દિવસે ઘોડાસરમાં સ્વામીનારાયણ સ્કૂલની ઘટના બની તેમાં જે ૩૨ વિધાર્થીઓ હંમેશને માટે પૃથ્વીના પેટાળમાં પોઢી ગયા તેમાં શ્વેતા પણ હતી. કરુણતાની પરાકાષ્ઠા તો એ છે કે જે દિવસે શ્વેતાને તેના પિતાએ કાયમ માટે શ્વેત કફન ઓઢાડયું એ જ દિવસે તેનો તિથિ મુજબ જન્મ દિવસ પણ હતો. ધરતી કંપને આ ૨૬મીએ નવ વર્ષ પૂર્ણ થશે. હજી પણ શ્વેતાની વાત આવે અને એ દિવસનો ઉલ્લેખ થાય એટલે માત્ર પરિવાર નહીં પાડોશીઓ પણ આઘાતમાં સરી પડે છે. વીમા એજન્ટ અશ્વિનભાઈ અને કામિની બહેન કહે છે, ‘અમે એને સ્કૂલે મોકલવાના જ નહોતાં, એક દિવસ રજા હોય ને કયાં જવા દેવી? પણ બારણાની તિરાડમાંથી અજવાળું જોઈને તેણે કહ્યુ હતુ કે મારે જવાનું છે. આમ તેનો જન્મ દિવસ ૨૩મીએ પણ તિથિ મુજબ મહા સુદ બીજ એટલે એ દિવસે બર્થ ડે હતો. કેવો સરસ ડ્રેસ પહેરીને પોતે ગઈ, ૧૬ વર્ષ પૂર્ણ થયાં, ૧૭મું બેઠું હતું. તેની બહેન કોમર્સના છેલ્લા વર્ષમાં હતી. શ્વેતા કહેતી કે જોજો હું તો ડોકટર બનીશ, ચાર વર્ષ પછી ઘરની બહાર નામ હશે ડો. શ્વેતા.’ પરંતુ કુદરતે ધાર્યું તું કાંઈક જુદું, ડો. શ્વેતાને બદલે થઈ ગયું સ્વ.શ્વેતા! ‘મારી દીકરી જરા પણ જિદ્દી નહોતી, ૨૩મીએ કહ્યું કે જન્મ દિવસ છે, હોટેલમાં જઈએ. તેના પપ્પા કહે, ૨૬મીએ જઈશું, રજા છે ને, પણ મેં જ કહ્યું કે ના એણે મન કર્યું છે તો જઈએ. જો ન ગયા હોત તો તો કેટલો અફસોસ રહી જાત?’ તેવું કામિની બહેને સજળ નેત્રે કહ્યું. માતા-પિતા બંને આજે પણ શ્વેતાનાં સ્મરણોમાંથી બહાર નથી. તેઓ કહે છે, ટયૂશન વગર જ ભણતી અને ટીવી જોતાં જોતાં પણ ૭૫ ટકા લાવતી. મેચનો તો એટલો શોખ કે વાત ન પૂછો... અરે ઇન્ડિયાની ટીમ જો મેચ હારે તો શ્વેતા રડે, જમે પણ નહીં, પરંતુ કાળે એવી તો થપાટ મારી કે બસ આ પરિવાર પણ સંજોગો સામે મેચ હારી ગયો ને શ્વેતાની જેમ જ રડે છે.
અમને આનંદ કરતાં વિષાદ વધારે થયો
ઘોડાસર વિસ્તારની સ્વામીનારાયણ સ્કૂલ પાસે જ રહેતા નગીનભાઈ પટેલની પુત્રી સ્વાતિ પણ એ જ સ્કૂલમાં હતી. ૨૬મી જાન્યુઆરીએ ૨૦૦૧ના દિવસે આવેલાં ગોઝારા ભૂકંપમાં બીજા બધા કાંઈ વિચારે તે પહેલાં સ્વાતિ અને તેની સખી હેતલ દોડીને બહાર નીકળી ગયાં. બરાબર બંને નીચે આવ્યાં અને બિલ્ડિંગ પડયું. નગીનભાઈ કહે છે, આજે પણ સ્વાતિના બચવાની જેટલી ખુશી છે તેટલું જ દુ:ખ એ ૩૨ બાળકોનાં મૃત્યુનું પણ છે જ...
ભૂલવાની શક્તિ એ મોટું વરદાન
અશ્વિનભાઈ કહે છે કે, સહન કરવું પડે, દુ:ખ થાય પરંતુ અમારે શ્વેતાની ત્રણ બહેનોની જિંદગી સામે પણ જોવાનું હતું. મન કઠણ કરીને જીવ્યાં. ઇશ્વરે બધાને દુ:ખ ભૂલવાની જે શક્તિ આપી છે. કામિની બહેન કહે છે, હું તો માનું છું કે ઇશ્વર મોટો છે, તે જ દુ:ખની સાથે તે સહન કરવાની પણ ક્ષમતા આપે છે.

ભણવાના બહાને નોકરી માટે ઓસ્ટ્રેલિયા જનારા લોકો પર બ્રેક: ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવાશે

ભારતીયો પર હુમલાથી સતત બદનામ થઈ રહેલું ઓસ્ટ્રેલિયા હવે તેની ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ આકરી બનાવશે, જેથી ખરા અર્થમાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ જ ત્યાં જઈ શકશે અને ભણવાના બહાને નોકરી મેળવવા માટે જનારા લોકોને પ્રવેશ ન મળે.

આ ઉપરાંત સરકારે ગુણવત્તાસભર શિક્ષણ ન આપતી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર અંકુશ માટેની પ્રક્રિયાની સ્વતંત્ર સમીક્ષા પણ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પીટર વર્ગીઝે કહ્યું હતું કે ‘અન્ય મુદ્દા ઉપરાંત અમે પ્રામાણિકતા અંગેના કેટલાક મુદ્દે અમે ખાસ્સું ઘ્યાન આપી રહ્યા છીએ અને એવો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી ખરેખર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવા માગતા લોકો જ જાય અને ભણવાના બહાને નોકરી માટે જનારા લોકોને પ્રવેશ ન મળે.’
તેમણે કહ્યું કે પ્રામાણિકતા પર ભાર મૂકવાથી શિક્ષણને લગતી અરજીઓ રિજેક્ટ થવાનું પ્રમાણ વધશે. તેમણે સ્પષ્ટતા કરી કે ઓસ્ટ્રેલિયા ઊંચો માઈગ્રેશન રેટ ધરાવતો દેશ છે અને સારું બુદ્ધિ કૌશલ ધરાવતા લોકોને હંમેશાં તે આવકારે છે. અમે માત્ર રજિસ્ટ્રેશનનું ધોરણ આકરું બનાવવા માગીએ છીએ. આમાટે અમે સંસદમાં ખરડો રજૂ કર્યો છે.
હુમલાને વ્યાપક રીતે જોવાની જરૂર : રૂડ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રૂડે કહ્યું કે ભારતીયો પરના હુમલા ‘ખેદ જનક’ છે, પરંતુ તેને વ્યાપક રીતે જોવાની જરૂર છે. અનેક વંશીય મૂળના વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા, ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા, મોટા શહેરોના ચોક્કસ વિસ્તારોમાં દિવસના ગમે તે સમયે થતા હુમલા વગેરે દરેક બાબતને સાંકળીને આ હુમલાને જોવાની જરૂર છે.

રાજીવ ગાંધી હત્યા કેસ : નલીનીની મુક્તિનો સંકેત, સલાહકાર બોર્ડનો અહેવાલ ટૂંક સમયમાં

૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રી પેરુંબુદુરમાં ચૂંટણી સભા દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિનીને જેલમાંથી મુકત કરવાની અપીલ પર વિચારણા માટે રચાયેલું સલાહકાર બોર્ડ ટૂંક સમયમાં જ તામિલનાડુ સરકારને અહેવાલ સુપરત કરી દેશે.
સરકાર દ્વારા રચાયેલા બોર્ડની બુધવારે યોજાયેલી બેઠકમાં નલિનીએ તેનો પક્ષ રજૂ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે સમય કરતાં વહેલા તેને છોડી મૂકવા અંગેની અરજી પર ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ બોર્ડની રચના કરવાનો આદેશ કર્યો હતો.

વેલ્લોર જિલ્લાના કલેક્ટરે જણાવ્યા અનુસાર બોર્ડ ટૂંક સમયમાં તેનો અહેવાલ સરકારને આપી દેશે, પરંતુ તેની ભલામણો પર નિર્ણય સરકારે લેવાનો છે. ઓક્ટોબર ૨૦૦૭માં નલિનીને વહેલા છોડી દેવાની અરજી ફગાવી દેવાઈ હતી. તે હાલ વેલ્લોર મહિલા જેલમાં કેદ છે.

રાજીવ ગાંધીની ૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રી પેરુંબુદુરમાં ચૂંટણી સભા દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં નલિનીની ૧૪ જૂન, ૧૯૯૧ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી-૧૯૯૮માં વિશેષ અદાલતે ૨૫ અન્ય આરોપી સાથે તેને પણ આજીવન કેદની સજા ફટકારી હતી.

મે-૧૯૯૯માં સુપ્રીમ કોર્ટે નલિની સહિત ચારને મોતની સજાને યોગ્ય ઠેરવી હતી, પરંતુ રાજ્યપાલે તેની દયાની અરજી મંજૂરી કર્યા બાદ તેની મોતની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી. તેણે જેલમાં ૧૮ વર્ષથી વધુ સમય વિતાવી લીધો છે.

સરકારે વિચારવું જોઈએ

નલિનીને છોડી મૂકતાં પહેલાં સરકારે સંપૂર્ણ રીતે વિચાર કરી લેવો જોઈએ. તેને જો છોડી દેવાશે તો ખોટો સંકેત જશે. -ઈવીકેએસ ઈલેંગોવાન, તામિલનાડુ કોંગ્રેસ અઘ્યક્ષ

22 January 2010

ગુજરાતમાં નક્સલ વાદનો પગ પેસારો આંધ્રનો ખૂંખાર નકસલ સૂર્ય દેવરા ગુજરાતમાં દસ વર્ષ સુધી રોકાયો, ગુપ્તચર વિભાગનો શ્વાસ અઘ્ધર : નક્સલ વાદનું વાંધા જનક સાહિત્ય જપ્ત, સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક પર-પ્રાંતીય કારીગરોને નક્સલ વાદના પાઠ ભણાવતો હતો

ગુજરાતમાં નક્સલ વાદનો પગ પેસારો
આંધ્રનો ખૂંખાર નકસલ સૂર્ય દેવરા ગુજરાતમાં દસ વર્ષ સુધી રોકાયો, ગુપ્તચર વિભાગનો શ્વાસ અઘ્ધર :
નક્સલ વાદનું વાંધા જનક સાહિત્ય જપ્ત, સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક
પર-પ્રાંતીય કારીગરોને નક્સલ વાદના પાઠ ભણાવતો હતો

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના પાવર લૂમના અસંગડિત કારીગરોમાં નક્સલ વાદ પ્રસરી ચૂકયો છે. ગુજરાતમાં નક્સલ વાદ ફેલાવવા ૧૦ વર્ષ પહેલાં કુખ્યાત નક્સલ વાદી સૂર્ય દેવરા પ્રભાકરે મુંબઈ એ.ટી.એસ. સમક્ષ કરેલી સ્ફોટક કબૂલાતમાં આ પર્દાફાશ થયો છે. આ કબૂલાતના કારણે ગુજરાત પોલીસના હોશ-કોશ ઊડી ગયા છે. મુંબઈના કાંજુર માર્ગ વિસ્તારમાંથી એ.ટી.એસ.ના હાથે ઝડપાયેલો સૂર્યા દેવરા પ્રભાકર ઉર્ફે સુધીર ઉર્ફે જનાર્દન ઉર્ફે મનોજ ઉર્ફે ભરત રમણ ગાંધી (૬૦) ગુજરાતના સુરત તથા પંચ મહાલ-દાહોદના આદિ વાસી વિસ્તારોને ધમરોળતો રહ્યો હોવાની માહિતી બહાર આવી છે. એક દાયકામાં તેણે નક્સલ વાદ અને માઓ વાદ ફેલાવવા માટે કોને ટ્રેનિંગ આપી તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રથમ એવો બનાવ છે કે જેમાં ગુજરાતમાં નકસલ વાદીઓએ બેઝ બનાવ્યો હોવાની પુષ્ટિ થાય છે. એટલું જ નહીં, પરંતુ પીપલ્સ વોર ગ્રૂપ અને માઓ વાદીઓ સાથે સંકળાયેલા સૂર્ય દેવરા સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક પર-પ્રાંતીય કારીગરો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભરતીનું કામ કરતો હોવાની શંકાના આધારે ગુપ્તચર વિભાગે તપાસનો દોર આરંભી દીધો છે..! તેની પાસેથી નકસલ વાદને લાગતું ગુપ્ત સાહિત્ય પણ કબજે લેવામાં આવ્યું છે. મુંબઈ એ.ટી.એસ.ના સિનિયર ઇન્સ્પેકટર રવીન્દ્ર ડોઈફોડેએ જણાવ્યું કે સૂર્ય દેવરા મૂળ આંધ્રના વારંગલનો વતની છે. ૧૯૭૮માં નકસલ વાદમાં જોડાયો હતો અને ૪ વર્ષ સુધી આંધ્ર પ્રદેશમાં કામ કર્યા બાદ તેને ગુજરાતના અદિવાસી વિસ્તારોમાં નકસલ વાદના પાઠ ભણાવવા તથા તાલીમ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આશરે દસ વર્ષ સુધી ગુજરાતમાં તે આદિવાસીઓને નકસલ વાદના પાઠ ભણાવતો રહ્યો હતો. બાદમાં તેના કામથી પ્રભાવિત થઈને તેને મુંબઈનું કામ સોંપ્યું હતું. મુંબઈમાં તે દહિસર, માનખુર્દ, જોગેશ્વરી અને કાંજુર માર્ગ વિસ્તારોમાં નામ બદલીને રહેતો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દાહોદના લીમખેડા વિસ્તારમાં પોલીસ હેડકવાર્ટરની આર્મરીમાંથી હથિયારો અને કારતૂસો લૂંટી લેવામાં આવ્યાં હોવાની ઘટનાએ પણ રાજયમાં નકસલ વાદ પગપસારો કરી રહ્યો હોવાના સંકેત આપ્યા હતા. આ બાબતે દાહોદ જિલ્લાના પોલીસ વડા વિપુલ અગ્રવાલને પૂછતાં તેમણે જણાવ્યું કે લીમખેડા લૂંટમાં નકસલ વાદની છાંટ જણાતી નથી, પરંતુ મુંબઈ એ.ટી.એસ. દ્વારા પકડાયેલા સૂર્ય દેવરાની માહિતી મેળવવા માટે તેઓ અચૂક પ્રયાસ કરશે.
પગપેસારા વિષે એલર્ટ અપાયેલું

થોડા સમય પહેલાં ગુપ્ત ચર વિભાગે એક પરિ-પત્ર જારી કરીને પાકિસ્તાની તથા નક્સલ વાદીઓ ગુજરાતમાં પગ પેસારો કરશે તેવી દહેશત વ્યકત કરી હતી. સૂર્ય દેવરા પત્ની અંજલિને રિપોર્ટિંગ કરતો હતો સૂર્ય દેવરાનું ગુજરાતમાં કામ એટલું સારું હતું કે તેને મુંબઈ યુનિટના સ્ટેટ કમિશનની પદવી આપવામાં આવી હતી. તે આ કમિશનના સચિવ મિલિંદ પાસે કામ કરતો હતો. મુંબઈ દળની સચિવ એવી પોતાની પત્ની અંજલિને રિપોર્ટિંગ કરતો હતો.
સૂર્યદેવરાએ ઇલેકશન કાર્ડ પણ કઢાવ્યું હતું
ગાંધીના નામ હેઠળ સૂર્ય દેવરાએ મુંબઈમાં ઇલેકશન કાર્ડ કઢાવી લીધું હતું. તેની પાસે મઘ્ય રેલવેનો પાસ પણ હતો. મુંબઈમાં તે દહીસર, માનખુર્દ, જોગેશ્વરી અને કાંજુર માર્ગ વિસ્તારમાં નામ બદલીને પણ રહ્યો હોવાના અહેવાલ છે.
પાંચ ભાષા, કમ્પ્યૂટર પર પ્રભુત્વ હતું

સૂર્ય દેવરાને પાંચ ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું અને તે મુંબઈમાં ઐક સાયબર કાફેમાં નોકરી કરતો હોવાથી કમ્પ્યૂટર ઉપર પણ સારું પ્રભુત્વ હતું.

જલારામ બાપા પરની ફિલ્મ રિલીઝ કરવા સામે હાઇ કોર્ટની મનાઇ : ભદ્ર સિવિલ કોર્ટમાં ફિલ્મના વિવાદના દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવા પર રોક; ૩૧-૩-૨૦૧૧ સુધીમાં દાવો ચલાવી નિકાલ કરવા નીચલી કોર્ટને ફરમાન

વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાના જીવનચરિત્ર પર બનેલી એક ફિલ્મ ‘સંત શિરોમણી’ને લઇ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વિવાદ ચાલ્યો આવે છે. જલારામ બાપાની પાંચમી પેઢીના વારસોએ જલારામ બાપા પર તૈયાર કરાયેલી ફિલ્મ અને તેના રિલીઝ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે. નીચલી કોર્ટથી લઇ છેવટે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહે એક મહત્વના ચુકાદા મારફતે જલારામ બાપાની જીવનગાથા પર તૈયાર થયેલી ફિલ્મ કોઇપણ પ્રકારે રિલીઝ કરવા પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ શાહે જલારામ બાપાની ફિલ્મને લઇ ભદ્ર સીટી સિવિલ કોર્ટમાં પડતર દાવાનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારે ફિલ્મના પ્રદર્શન કે રિલીઝ પર મનાઇ ફરમાવી દીધી છે. એટલુ જ નહી, હાઇકોટેં તા.૩૧-૩-૨૦૧૧ સુધીમાં સિવિલ કોર્ટને આ કેસનો દાવો ચલાવી લઇ તેનો નિકાલ કરી દેવા પણ ફરમાન કયું છે. જલારામ બાપાના વારસો અને ફિલ્મ નિર્માણકર્તાઓ સહિતના પક્ષકારોને નીચલી કોર્ટ સમક્ષ ત્રણ મહિનામાં દલીલો પૂર્ણ કરી દેવા પણ હાઇકોટેં તાકીદ કરી છે. પોતાના અનોખા દાનના મહિમાને કારણે દેશ અને દુનિયામાં અમર થઇ જનાર વીરપુરના સંત જલારામ બાપાના જીવનચરિત્રને લઇ મેસર્સ સોનલ ફિલ્મ્સ તથા તેના કીરીટભાઇ રાવલ દ્વારા ‘સંત શિરોમણી’ નામની એક ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. જો કે, ફિલ્મની શરૂઆતમાં જ જલારામ બાપાના પાંચમી પેઢીના વારસોને જાણ થઇ જતા વારસ રઘુરામ જયસુખરામ ચંદરાણી તરફથી ફિલ્મ બનાવવા સામે સખ્ત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વારસો દ્વારા ભદ્ર સીટી સિવિલ કોર્ટમાં ફિલ્મના વિવાદને લઇ દાવો દાખલ કરાતા સિવિલ કોર્ટમાંથી તેમને રાહત મળી હતી, જેની સામે ફિલ્મકર્તાઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
જેનો વિરોધ કરતા જલારામ બાપાના વારસો તરફથી જણાવાયુ હતુ કે, જલારામ બાપા કે તેમના વારસોની શખિ્સયતને કોઇ ત્રાહિત વ્યકિતઓ ફિલ્મના માધ્યમ મારફતે વટાવી શકે નહી. વળી, આ તેમનો ‘રાઇટ ટુ પ્રાઇવેસી’નો અધિકાર છે. વારસોની અપીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.આર.શાહે ફિલ્મકર્તાઓની અપીલ ફગાવી દીધી હતી અને ઉપરોકત ચુકાદો જાહેર કર્યો હતો. વારસોના દાદાએ પણ અગાઉ આવી ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. જલારામ બાપાના હાલના વારસ રઘુરામના દાદા ગિરિધર હરિરામે પણ સને ૧૯૬૩માં જલારામ બાપા પરની એક ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આખોય મામલો લવાદમાં ગયો હતો અને કોઇને પણ ફિલ્મમાં જલારામ બાપાનું પાત્ર ભજવવાની પરવાનગી અપાઇ ન હતી, માત્ર તેમના ફોટા જ ઉપયોગ કરવાની મંજુરી અપાઇ હતી.

જલારામ બાપાના વારસોને જે નુકસાન જાય તે પૈસાથી ભરપાઇ ના થઇ શકે : હાઇકોર્ટ

જસ્ટિસ એમ.આર.શાહે તેમના ચુકાદામાં એવુ અવલોકન કયું હતુ કે, અદાલત સમક્ષ એવા મહત્વના પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે કે શું જલારામ બાપાના વારસોની મંજુરી કે ઇચ્છા વિરૂદ્ધ જલારામ બાપા પર આવી ફિલ્મ બનાવી શકાય? અને આવી ફિલ્મને રિલીઝ કરવાની મંજુરી આપી શકાય ?
તમામ પાસાઓ અને કેસની સઘળી હકીકતો ધ્યાને લેતા જણાય છે કે, જો વારસોને ફિલ્મ પર રોક લગાવતી રાહત ન અપાય તો તેઓને પૈસાના સ્વરૂપમાં પણ ભરપાઇ ન કરી શકાય તે પ્રકારનું નુકસાન સહન કરવુ પડશે. જલારામ બાપા જેવી મહાન વિભૂતિના જીવનચરિત્રને ત્રાહિત વ્યકિત દ્વારા તેમના અંગત હિત માટે વટાવી શકાય નહી એ મતલબની વારસોની દલીલ નહી માનવાને પણ કોઇ કારણ નથી. આ સંજોગોમાં વારસોને ફિલ્મના રિલીઝ પર મનાઇ ફરમાવતી રાહત આપવાનો આ યોગ્ય કેસ છે.

માછીમારોને ડીઝલ સબસીડી માટે જોગવાઇનું પોરબંદરમાં આશ્વાસન

માછીમારોના અનેક વિધ પ્રશ્નો માટે ભારતભરના માચ્છીમારોની એક બેઠક પોરબંદરમાં આજે મળી છે તેવા સમયે હાલ પુરતા સુખદ સમાચાર કહી શકાય તેવા આગામી બજેટમાં રાજય સરકાર ડીઝલ પર સબસીડી માટે રૂપિયા ૧રર કરોડની જોગવાઇ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે બંધ કરેલી લીટર પર દોઢ રૂપિયાની સબસીડી જેટલી વધારાની સહાય પણ માછીમારોને આપવી જોઇએ તેવી રજુઆત રાજય સરકાર કેન્દ્રને કરશે. માછીમારોને દરીયો ખેડવા માટે મહતમ ડીઝલની જરૂરત પડતી હોય આથી તેમા સબસીડી માટે માછીમારો અવારનવાર રાજય અને કેન્દ્ર સરકારને રજુઆતો કરતા હોય છે. તાજેતરમાં જ ગુજરાત ફિશરીઝના ડાયરેકટર અને વેરાવળ નગરપાલીકાના પ્રમુખ કિશોરભાઇ કુહાડા, પોરબંદર પાલીકાના પ્રમુખ સુનિલભાઇ ગોહેલ, જીતુભાઇ મસાણી સહિતના આગેવાનોએ રાજયના નાણા મંત્રી વજુભાઇ વાળા તેમજ મત્સ્યોધોગ મંત્રી દિલીપભાઇ સંઘાણી સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં મત્સ્યોધોગને મંદીમાંથી બહાર લાવવા માટે રાજય સરકાર યોજનાના માઘ્યમથી મદદરૂપ બને તેવી રજુઆત કરી હતી. આ ઉપરાંત રાજય સરકાર ૧ લીટર ડીઝલ ઉપર ૪ રૂપિયા જેવી સબસીડી આપતી હતી તે ફરીથી ચાલુ કરવામાં આવે તો બોટ માલીકો પરનું આર્થિક ભારણ ઘટી શકે તેમ છે. આ રજુઆત બાદ નાણા મંત્રીએ એવુ આશ્વાસન આપ્યુ હતું કે આવા પ્રકારની ખાસ જોગવાઇ બજેટમાં જ શક્ય છે આથી આવતા બજેટમાં રૂપિયા ૧રર કરોડની ડીઝલ સબસીડી માટેની જોગવાઇ કરાશે તેવુ આશ્વાસન આપ્યું હતું. ખરેખર તો આગામી બજેટમાં આ પ્રકારની જોગવાઇ આપવામાં આવે તો માછીમારો માટે સોનાની જાળ સમાન બની રહેશે. નાણા મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માછીમારોને ડીઝલ સબસીડી ફરીથી આપે તે માટે પણ રાજય સરકાર કેન્દ્ર સમક્ષ રજુઆત કરશે.

વાળંદ સમાજે વેપાર-ધંધા બંધ રાખી રોષ પ્રગટ કર્યો :આપઘાતના બનાવના ધેરા પડઘા

જૂનાગઢમાં નવા બાય પાસ વિસ્તારમાં રહેતા વાળંદ યુવાને થોડા દિવસો પહેલા ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવના ધેરા પડઘા પડ્યા છે. આજ રોજ આ યુવાનના મૃત્યુના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ સાથે જૂનાગઢનાં વાળંદ સમાજે બપોરે ૨ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખી રોષ પ્રગટ કર્યો હતો. જૂનાગઢમાં થોડા દિવસો પહેલા મેર યુવાન ભનુ પરમારની લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા મનીષ લીંબાણી નામના યુવાનની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન મનીષે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના મામાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની આકરી પૂછતાછથી મનીષે આપઘાત કરી લીધો હતો.
તેઓએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી.બાદમાં વાળંદ સમાજ અને અન્ય પક્ષોના આગેવાનો દ્વારા આર.ડી.સી.ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આત્મહત્યાના બનાવમાં જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી. આ બાબતે ઘટતું કરવામાં ન આવેતો વેપાર-ધંધા બંધનું એલાન આપ્યું હતું. જે અનુસાર આજ રોજ જૂનાગઢના વાળંદ સમાજે બપોરે ૨ વાગ્યા સુધી વેપાર-રોજગાર બંધ રાખી રોષ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મનીષના મૃત્યુના બનાવ અંગે તેના ભાઈ અશ્વિને બી-ડીવીઝનમાં અરજી કરી હતી. જો કે, હજુ સુધી આ અંગે કોઇ ગુનો પોલીસે દાખલ કર્યો નથી.

શિવ રાત્રિના મેળા માટે તંત્ર કામે લાગ્યું

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે આગામી ૧૨ ફેબ્રુઆરીથી યોજાનારા મહા શિવ રાત્રીનાં મેળાના આયોજન માટે વહિવટી તંત્રએ જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને બેઠક યોજી કામગીરી શરૂ કરી છે. વિવિધ સમિતિઓની રચના કરી અધિકારી-કર્મીઓને જવાબદારી સોંપાઈ છે. આગામી તા.૧૨ ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થશે. આ પરંપરાગત ધાર્મિક મેળાનાં પૂર્વ આયોજન માટે જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જાહેર માર્ગો પરનાં ગેરકાયદે દબાણો દુર કરવા, રસ્તાનાં કામો પૂર્ણ કરવા, વાહનોની પાર્કિંગ વ્યવસ્થા, સ્ટોલ્સની હરરાજી, ઉતારા વ્યવસ્થા, આંતરીક માર્ગો, ગિરનાર સીડીનાં પગથિયા, દામોદરકુંડ ખાતે લાઈટની વ્યવસ્થા, બળતણ માટે લાકડાની વ્યવસ્થા, આગ કે અકસ્માતનાં બનાવોને અટકાવવા સાવચેતીનાં પગલા, ફાયર ફાઈટરો ફાળવવા, પીવાનાં પાણીની વ્યવસ્થા, પાણીનો બગાડ અટકાવવા, સ્વચ્છતા જાળવવા સહિતનાં આવશ્યક પગલા ભરવા તાકિદ કરાઈ હતી. તબીબી સુવિધા માટે આરોગ્ય કેન્દ્રો ઉભા કરવા. આરોગ્યની મોબાઈલ ટીમ કાર્યરત રાખવા મનોરંજન લાયસન્સ તથા વાહનોનાં પાસ ઈશ્યુ કરવા, મેળામાં દુધની વ્યવસ્થા કરવા, યાત્રિકો માટે એસ.ટી.ની વધારાની બસ, રેલવેમાં વધુ કોચ જોડવા, વિવિધ સ્થળોએ પીક અપ સ્ટેન્ડ ઉભા કરવા જરૂરી સુચનાઓ અપાઈ હતી. કાયદો વ્યવસ્થા જાળવવા અદ્યતન સંદેશા વ્યવહારનાં સાધનો સાથે પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવાશે. મેળામાં ખાણી-પીણીનાં સ્ટોલમાં આરોગ્યને નુકશાન કરે તેવા ખાધ પદાર્થોનું વેંચાણ અટકાવવા માટે તકેદારી રાખવા, યાત્રીકોને માર્ગ દર્શન માટે સહાય કેન્દ્રો શરૂ કરવા સંબંધિત અધિકારીઓને જણાવાયું હતું.
ઉતારા-અન્ન ક્ષેત્રોની અનેરી સેવા જયોત : : મહા શિવરાત્રીનાં પાંચ દિવસીય મેળામાં આવતા ભાવિકોની સગવડતા માટે ઉતારા-અન્નાક્ષેત્રોની સેવા જયોત પ્રશંસનીય બની રહે છે. સાધુ સમાજ પણ સતત ખડે પગે રહે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દિગ્મ્બર સાધુઓની રવેડી સરઘસ શ્રઘ્ધાળુઓમાં આકર્ષણ બની રહે છે.

અધિકારીઓ માટે ૨૦૧૦ની શરૂઆત ભારે આકરી

વર્ષ ૨૦૧૦ની શરૂઆત ભ્રષ્ટ સરકારી બાબુઓ માટે આકરી સાબિત થઇ છે. વર્ષના પ્રારંભના ૨૦ જ દિવસમાં લાંચ, ઉચાપત સહિતના અલગ અલગ ૧૨ કેસમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા સહિતના ૨૧ અધિકારી, કર્મચારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ન્યાયતંત્રએ આકરુ વલણ અપનાવતા લાંચિયા સરકારી બાબુઓ ફફડી ઊઠ્યા છે.

પ જાન્યુઆરી :- જમીન કૌભાંડમાં ભૂજના તત્કાલિન કલેકટર પ્રદીપ શર્માની ધરપકડ

ભૂકંપ પછી અસરગ્રસ્તોને જમીન ફાળવવાની પ્રક્રિયામાં થયેલા કૌભાંડમાં ભૂજના તત્કાલિન કલેકટર અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર પ્રદીપ શર્માની ૬ જાન્યુઆરીએ રાતોરાત ધરપકડ કરવામાં આવી હતી. રાજયના ઇતિહાસમાં સનદી અધિકારીની ધરપકડના પ્રથમ બનાવથી સનદી અધિકારીઓ સ્તબ્ધ બની ગયા છે.

એકસાઇઝના ત્રણ અધિકારી ૧ લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા

ભૂજની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ઓડિટ માટે ગયેલા સેન્ટ્રલ એકસાઇઝ (રાજકોટ વિભાગ) ના ત્રણ અધિકારી ચિંતન વર્મા, આર. એમ. પટેલ અને ડી. બી. રાવલ વેપારી પાસેથી રૂ. ૧ લાખની લાંચ લેવાના છટકામાં ઝડપાઇ ગયા હતા. ચિંતન વર્માને તો અગાઉ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા !

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જૂનાગઢ એલસીબીના પી. આઇ. ઝાલા સસ્પેન્ડ

જૂનાગઢ એલ.સી.બી.માં ફરજ બજાવતા પી. આઇ. જે. કે. ઝાલાને તેમની કારકિર્દીમાં બે વખત રાષ્ટ્રપતિ ચંદ્રક અપાયા છે. થોડા સમય પહેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરિયા (ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના શ્વસુર) ને ઊના પોલીસે દારૂ સાથે અટકાવ્યા હતા. ત્યારે પી. આઇ. ઝાલાએ બાબરિયાને નહીં પકડવા માટે ઊના પોલીસને ભલામણ કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવાયા હતા.

૧ જાન્યુઆરી : - સમગ્ર તબીબી જગતને કલંકિત કરે એવી ધ્રુણાસ્પદ ઘટના જામનગરની સરકારી હોસ્પિટલમાં બની હતી. એક સગર્ભા દર્દીની છેડતી કરવા બદલ જામનગર જી. જી. હોસ્પિટલના સરકારી તબીબ વૈભવ ભીંદર દેવ સસ્પેન્ડ કરાયા.

૧ જાન્યુઆરી :- હપ્તો નહીં આપનાર વૃઘ્ધ વેપારી ઉપર હુમલો કરી વેપારીના મોત માટે જવાબદાર રાજકોટ મનપાની એસ્ટેટ શાખાના ચાર અધિકારી જગદીશ છાવિયા, સુરેશ કટારિયા, ભરત ચૌહાણ અને અજય પરમારની ધરપકડ

૨ જાન્યુ. :- નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી (સુરેન્દ્રનગર) ના બે કારકૂન મહેન્દ્ર ભાનુશંકર ત્રિવેદી અને શ્યામ સુંદર વિરુઘ્ધ ૧૯૯૧માં ઉચાપતની ફરિયાદ થઇ હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી પાણીવેરાની વસૂલાતનું કામ સંભાળતા બન્ને કલાર્ક રૂ. ૩૦ હજાર સરકારી તિજોરીમાં જમા કરવાના બદલે ઘરભેગા કરી દીધા હતા. ૧૯ વર્ષ પછી કેસના ચૂકાદામાં અદાલતે બન્નેને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

૬ જાન્યુઆરી :- ભૂજની ખાસ પાલાર જેલના ત્રણ સિપાહી રહિમખાન પઠાણ, મહેશ વોરા અને ધર્મેન્દ્ર ઝાલા સસ્પેન્ડ, જેલ બંધ થયા પછી સિપાહી રહિમની પત્ની, સાળી, સાઢુ અને સંતાનો અંદર ઘૂસી ગયા હતા.

૧૩ જાન્યુઆરી :- ૯.૧૮ લાખની ઉચાપતના કેસમાં જસાધાર રેન્જના તત્કાલિન આર. એફ. ઓ. બી. જે. વાઢેરની ધરપકડ

૧૪ જાન્યુઆરી :- સર્વ શિક્ષણ અભિયાનની ગ્રાન્ટમાંથી ૩ હજારની લાંચ માગનાર કુતિયાણાના બી. આર સીના કો. ઓર્ડિનેટર અરવિંદ નરોતમ પંડ્યા લાંચ લેતા સપડાયા

૧૫ જાન્યુઆરી :- ગોંડલ તાલુકા પોલીસના ક્રાઇમ રાઇટર હેડ કાનજી નાથા ભાલિયા સામે ૨૧ લાખની ઉચાપતની ફરિયાદ ૧૯૯૦ થી ૨૦૦૪ સુધીના ફરજ કામમાં લાખોનો મુદ્દામાલ ઘરભેગો કરી દીધો હતો.

૧૬ જાન્યુઆરી :- કેશોદના બામણસા ગામે ત્રણ વર્ષ પહેલાં યુવાનની હત્યા કરવાના ગુનામાં કોન્સ્ટેબલ કામા હમિર, તલાટીમંત્રી મુળુ, મારખી સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા

૧૯ જાન્યુઆરી :- મોરબીના મહિલા મામલતદાર દમયંતી બેન વતી ૧૫ હજારની લાંચ લેવા ગયેલા ઇ-ધરાના નાયબ મામલતદાર રામજીભાઇ ભીમજીભાઇ પરમાર લાંચના છટકામાં પકડાયા.
સરકારી તંત્રના દરેક વિભાગમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. છતાં આવા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ સામે અત્યાર સુધી કોઇ નક્કર પગલાં લેવાયા ન હતા. પરંતુ, દરેક માનવીએ પોતે કરેલા કર્મોના ફળ વહેલા કે મોડા ભોગવવા જ પડે છે. કર્મના આ સિઘ્ધાંત મુજબ ૨૦૧૦ની શરૂઆત ભ્રષ્ટ સરકારી બાબુઓ માટે આકરી સાબિત થઇ છે.

જામનગર મહા નગર પાલિકાનો અંધેર વહીવટ : નળજોડાણ ન હોવા છતાં બિલ!

જા.મ્યુ.કો.નાં અંધેર વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તાર રહેતા જયેન્દ્ર વલ્લભદાસ દાવડા તથા પટેલ કોલોની વિસ્તારમાં દુકાન ધરાવતાં પુષ્પાબેન ગાંડુભાઇ બોરીચા નામના દુકાન ધારક નળ જોડાણ ન ધરાવતા હોવા છતાં છેલ્લા બે વર્ષથી સતત બીલ મોકલવવામાં આવી રહ્યા છે આ અંગે ગત વર્ષ પણ અરજી કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ભૂલનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. પાલિકાની વોટર વર્કસ શાખા અનેક મિલકત ધારકોને નળ કનેકશન ન હોવા છતાં દર વર્ષે બીલ મોકલી રહી છે અને તેવા મિલકત ધારકો તરફથી દર વર્ષે બીલ પરત કરવા માટે સાથે અરજી તૈયાર કરી આપવી પડે છે. આમ દર વર્ષે નળ કનેકશન ન હોવાની રજુઆત કરી બીલ પરત મોકલવામાં આવતું હોવા છતાં મ્યુ.ના અંધેર વહીવટે ફરી પાછુ ચાલુ વર્ષે વોટર ચાર્જના બીલો ફટકારેલ છે. આવા અનેક મિલકતધારકો પાલિકાની કચેરીએ ધકકા ખાઇ રહ્યા છે અને બીલ રદ કરાવવા હેરાન પરેશાન થઇ રહ્યા છે. મેયર માત્ર લોક દરબાર કરી રહ્યા છે ત્યારે આ બાબતે અંગત રસ દાખવી પ્રજા જનોને આ મુશ્કેલીમાંથી કાયમી છુટકારો અપાવી તેવું અસરકર્તા નગરજનો ઇચ્છી રહ્યા છે. તેમ જ નગરને ઘણા સમય બાદ કાર્યદક્ષ અને કુશળ યુવાન કમિશનર પ્રાપ્ત થયા છે ત્યારે વોટર વર્કસ શાખાનો કહેવાતો કોમ્પ્યુટરનો કાયમી ફોલ્ટ દુર કરવા અધિકારીને ડાયરેકશન આપવામાં આવે તે જરૂરી છે.

ખંભાળિયા : ચીફ ઓફિસર જતા-જતા કળા કરી ગયા ?

ચાર દિ પૂર્વે ખંભાળિયાથી બદલી પામેલા નગર પાલિકાના ચીફ ઓફીસર જતા-જતા કળા કરી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. ખુરશી છોડતા પૂર્વે સી.ઓ.એ મધ રાત્રે અમુક બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રચી ભગવતી મીલની બહુચર્ચિત જગ્યામાં પાંચ-છ પાર્ટીઓને બાંધકામની મંજૂરી આપી દીધાની વિગતો બહાર આવી છે. સરકારી કાર્ય કાળના બાકી રહેલા માત્ર ૮ માસના ગાળાને ઘ્યાને રાખી સી.ઓ.એ સ્થાનિક નેતાગીરીને સાથે રાખી તગડું કૌભાંડ આચર્યુ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ કૌભાંડ અંગે જિલ્લા સ્તરે પુરાવા સહિત રજૂઆતો કરાતા ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ખંભાળિયા પાલીકાના ચીફ ઓફીસર ડી.એસ. દવેની બદલી બગસરા ખાતે કરવામાં આવી છે. બદલી હુકમ મળ્યાની મધરાત્રી સુધી નગરપાલિકા કચેરી કાર્યરત રહી હતી. રાત્રે ૩ વાગ્યા સુધી કર્તવ્ય નિષ્ઠ ચીફ ઓફીસરે રહી-રહીને કાર્યકુશળતા પુરવાર કરી શહેરના વિકાસને અવરોધરૂપ ઢગલાબંધ ફાઇલોનો નિકાલ કરી નાખ્યો હતો. જો કે આ કામગીરીમાં બહુચર્ચિત અને અવાર-નવાર મીડીયામાં ચમકતી ભગવતી મીલ કમ્પાઉન્ડની જગ્યા પર અમુક આસામીઓને બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી હતી. ભગવતી મીલ પ્રકરણ હાલ કોર્ટ મેટર બની ગઇ હોવા છતાં પણ બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી છે. આધારભૂત સુત્રોના જણાવ્યાનુસાર બદલીની ગંધ આવી જતાં સી.ઓ.એ પાલીકાના બે-એક સક્રિય સદસ્યો અને હોદેદારોને સાથે રાખી ભગવતી મીલની જગ્યામાં બાંધકામની મંજૂરીની મહોર મારી અરજદાર બિલ્ડર લોબી સાથે વહીવટ કરી લીધાનું જણાવ્યું હતું. બદલીના હુકમ બાદ સી.ઓ.ની સહીથી છેલ્લી ઘડીના કામોને મામલે અમુક પ્રામાણીક નાગરિકોએ પુરાવા સાથે સ્થાનિક તથા જિલ્લા સ્તરે રજૂઆત કરી છે. નાગરીકોની રજુઆતો અને બદલીના હુકમ બાદ ચાર્જ છોડતા પહેલા ચીફ ઓફિસરે જે કોઇપણ ફાઇલોને મંજુરી આપી છે. તેની તંત્રએ ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ આદરી દેતા ખંભાળિયામાં આ બાબત જાણકારોમાં ભારે ચર્ચાસ્પદ બની છે. તંત્રની તપાસમાં અનેક કૌંભાડો બહાર આવવાની સંભાવનાઓ પણ દર્શાવાય રહી છે.

હાઇ- વે હોટલમાં મિટિંગ યોજાઇ


ભગવતી મીલ કમ્પાઉન્ડમાં ઔધોગિક હેતુ બાંધકામની પરવાનગી માગનાર ચોકકસ બિલ્ડર લોબી અને ચીફ ઓફીસર તથા આ પ્રકરણમાં મહત્વની ભુમિકા ભજવનાર નગરપાલિકાના સક્રિય સદસ્યો વચ્ચે ખંભાળિયા-જામનગર ધોરી માર્ગ પર આવેલી એક હોટલમાં સમગ્ર ચોકો રચાયો હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્ય મંત્રીની જાહેરાતો અંગે શ્વેત પત્ર બહાર પાડવા માંગ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાનાં ગઢડા મુકામે સરકારી રાહતોનાં ચેકનું વિતરણ કરવાના સમારંભમાં આવી રહ્યા છે ત્યારે મુખ્ય મંત્રીએ અત્યાર સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લાનાં વિકાસ માટે કરેલી જાહેરાતો અને તે અનુસંધાને લેવાયેલા પગલાઓ અને અમલવારી અંગે હકીકતો સ્પષ્ટ કરતુ શ્વેતપત્ર બહાર પાડવા ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવેલ છે. કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી જ્યારે-જ્યારે ભાવનગર શહેર-જિલ્લામાં આવ્યા છે ત્યારે વિવિધ વિસ્તારમાં વિકાસની અનેક જાહેરાતો કરેલ છે. પરંતુ તે પૈકીની એક પણ જાહેરાતોનો વાસ્તવિક અમલ થયો નથી ત્યારે શહેર-જિલ્લાના લોકોઐ માત્ર જાહેરાતથી સંતોષ માનવો પડે છે. રાજ્ય સ્થાપના દિન ઉજવણી પ્રસંગે ઘરે ઘરે પાઇપ લાઇન દ્વારા ગેસ પહોંચાડવાથી માંડીને વિકાસની અનેક જાહેરાતો કરી હતી. પરંતુ આ અંગે કોઇ પગલાઓ લીધા નથી ત્યારે હવે મુખ્ય મંત્રી કોઇ જાહેરાતો કરવાને બદલે તેમણે અગાઉ કરેલી જાહેરાતો મુજબ અમલવારી થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસ સમિતિનાં અગ્રણીઓએ મુખ્યમંત્રીને અનુરોધ કરેલ છે.

મહા નગર પાલિકા ના ટેક્સ વિભાગે મૂંડાવ્યું

મહા નગર પાલિકાની ટેક્સ શાખાની કામગીરી અત્યંત કંગાળ હોવાનું ચિત્ર છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી બજેટ બેઠકમાં ઉપસ્યું છે. ૦૯-૧૦ માટે અપાયેલા ૧૨૫ કરોડના લક્ષ્યાંક સામે ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ શાખાની આવક માત્ર ૯૭થી ૯૮ કરોડ આસપાસ પહોંચી છે. આગામી બે માસમાં બાકી રહેતી ૨૭ કરોડની રકમ ઉઘરાવવા ટેક્સ શાખાને તાકીદ કરવામાં આવી છે.

નોંધનીય છે કે કરની મળેલી રકમમાં પણ નગર જનો પોતાની જાતે આપી ગયેલી રકમ નોંધપાત્ર છે. આ અંગે મનપાના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મનપાની ટેક્સ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષ માટે ૧૨૫ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક ગત બજેટમાં અપાયો હતો. પરંતુ, રેઢિયાળ અને નબળી કામગીરીને કારણે વર્તમાન નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં રજાઓને બાદ કરતા બે માસ જેવો સમય પણ માંડ રહ્યો હોવા છતાં કુલ આવક ૧૦૦ કરોડ પર પણ પહોંચી નથી. ટેક્સ બ્રાંચની નબળી કામગીરી અંગે બજેટ બેઠકમાં મ્યુ. કમિશનર બ્રહ્મભટ્ટ દ્વારા પણ નારાજગી વ્યકત કરવામાં આવી હતી. ટેક્સ શાખાના ઉપસ્થિત અધિકારીઓને નિયત સમયમાં જ લક્ષ્યાંક સિઘ્ધ કરવા મ્યુ. કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા બાકીદારો પાસે ઉઘરાણી કરવાને બદલે માત્ર હાકલા-પડકારા જ કરવામાં આવે છે. એટલું જ નહીં નાણાકીય વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે પણ હજુ તો નોટિસો ઇસ્યૂ થઇ રહી છે.

લક્ષ્યાંક મેળવવા ત્રણે ઝોનની એસ્ટેટ શાખા દ્વારા કવાયત

મનપાની સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોન એસ્ટેટ શાખાને ૨.૪૦ કરોડનો ટાર્ગેટ અપાયો હતો. જેમાં હોર્ડિંગ્સની આવક ર કરોડ, હોકર્સ ઝોનના ૨૫ લાખ, વહીવટી ચાર્જ (મંડપ-કમાન)ના ૧૦ લાખ તથા જમીન ભાડાની ૫ લાખની આવકનો સમાવેશ થાય છે. એસ્ટેટ શાખા દ્વારા શરૂઆતથી જ સરેરાશ જાળવી રાખવા પ્રયત્ન હાથ ધરાયા હતા. ૨૦ જાન્યુઆરી સુધીમાં હોર્ડિંગ્સની ૧.૪૦ કરોડ, હોકર્સ ઝોનની ૨૦ લાખ, જમીન વહીવટી ભાડા પેટે ૩.૫૦ લાખ અને વહીવટી ચાર્જની ૮ લાખ મળી કુલ બે કરોડ ૧૦ લાખ આસપાસ આવક થઇ છે અને ૩૧ માર્ચ સુધીમાં બાકી રહેતી ૩૦ લાખની રકમ ઉઘરાવી લઇ ટાર્ગેટ પૂર્ણ કરાશે.

બે માસમાં જ ૫૦ કરોડની ટેક્સ શાખાની આવક; બાકી આરામ

ટેક્સ શાખાની રેઢિયાળ અને નબળી કામગીરી ઉડીને આંખે વળગે એવી છે, કેમ કે બે વર્ષથી ૦૮/૦૯ તેમજ ૦૯-૧૦માં મનપા દ્વારા નાગરિકોને પ થી ૧૦ રિબેટની યોજના મે અને જૂનમાં અમલમાં મુકાય છે અને આ બે માસમાં જ નાગરિકો દ્વારા આશરે ૪૫થી ૫૦ કરોડની રકમ સામેથી ભરી દેવામાં આવે છે. આમ, ટેક્સ શાખા દ્વારા બાકીના નવ માસમાં માત્ર અને માત્ર ૪૫ થી ૪૮ કરોડની જ ઉઘરાણી કરવામાં આવી છે.

આંકડાઓની ગોઠવણથી ગુજરાતી કેલેન્ડર

હવે ગુજરાતી કેલેન્ડરમાં અઠવાડિયાના વાર જોવાની જરૂર નથી. કારણ કે, દ્વારકાના યુવકે વર્ષ-૨૦૧૦માં કઇ તારીખે કયો વાર આવે તે આંકડા પરથી જાણી શકાય તેવો કોયડો બનાવ્યો છે.
દ્વારકાની જામનગર ડીસ્ટ્રીકટ બેંકમાં ફરજ બજાવતા કર્મચારી રમેશભાઇ ભોગાયતાને કંઇક અલગ કરવાનો શોખ છે. તેમણે વર્ષ-૨૦૧૦ની કોઇપણ તારીખો પરથી તે તારીખે વાર કયો આવશે તે જાણવાની અવનવી ગાણીતિક તરકીબ અજમાવીને ૧૨ આંકડાઓ પ્રસઘ્ધિ કર્યા છે. રમેશભાઇએ સુચવેલા ૧૨ આંકડાઓ પરથી ઇ.સ. ૨૦૧૦ની સાલની કોઇપણ તારીખ નકકી કરીને તે તારીખે કયો વાર આવશે તે સરળતાથી જાણી શકાય છે. રમેશભાઇએ આ ગણતરીનું ટુંકુ સુત્ર અમલમાં મુકયું છે. ૪ ૭ ૭ ૩ ૫ ૧ ૩ ૬ ૨ ૪ ૭ ૨ આ ૧૨ આંકડાઓ પરથી કોઇપણ મહિનાની કોઇપણ તારીખામાં કયો વાર આવે છે તે જાણી શકાય છે. એકથી બાર આંકડા એકથી બાર મહિનાના ક્રમ મુજબ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે તા.૨૦-૦૪-૨૦૧૦ના રોજ કયો વાર આવે છે તે જાણીએ. સૌ પ્રથમ ઉદાહરણમાં જણાવેલી તારીખમાં એપ્રીલ મહિનો આવતો હોવાથી ઉપર જણાવેલા બાર આંકડામાંથી ૪ નંબરનો આંકડો એટલે ૩ લો. તેને તારીખમાં એટલે કે ૨૦માં ઉમેરો. કુલ સંખ્યાને ૭ વડે ભાગવાથી જે શેષ વધે તે વાર ઉદાહરણમાં જણાવેલ તારીખનો હોય. દા.ત. ૧ શેષ વધે તો સોમવાર, ર વધે તો મંગળવાર, ૩ વધે તો બુધવાર, ૪ વધે તો ગુરૂવાર, પ વધે તો શુક્રવાર, ૬ વધે તો શનિવાર અને કંઇ ન વધે તો રવિવાર જે તે તારીખનો વાર આવે. આ ગણિત કોયડો બનાવનાર દ્વારકાના રમેશભાઇ ભોગાયતાએ એવો દાવો કર્યો છે કે લોકોને આ આંકડાકીય ગોઠવણના આધારે કેલેન્ડરમાં કઇ તારીખે કયો વાર આવે છે તે જોવામાંથી મુક્તિ મળશે અને સરળતાથી વાર જાણી શકાશે તેમની આ તર્કીબની ગણિત વિશેષજ્ઞોએ પ્રશંસા કરી છે.

રાણાવાવ : તોતિંગ વીજ બિલ આવતાં આદિત્યાણાના પ્રૌઢનો આપઘાત

આદિત્યાણા ગામે રહેતા અને છુટક મજુરી કરતા લોહાણા પ્રૌઢ જમનાદાસ ગોરધનદાસ રાડીયા (ઉ.વ.પપ)ને વિજ ચોરી સબબ પી.જી.વી.સી.એલ. એ રૂપિયા દોઢ લાખનું બીલ ફટકાર્યા બાદ છેલ્લા બે મહિનાથી લોહાણા પ્રૌઢ સતત માનસીક તાણ અનુભવતા હોઇ અંતે આજે વહેલી સવારે ઝેરી દવાના ટીકડા ખાઇને આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.
જો કે લોહાણા પ્રૌઢે વિજ બીલના કારણે કે અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા જમનાદાસ ગોરધનદાસ રાડીયા (ઉ.વ.પપ) નામના લોહાણા પ્રૌઢના રહેણાંક મકાનમાં આજ થી બે માસ પહેલા પી.જી.વી.સી.એલ. એ વિજ ચોરી પકડીને રૂપિયા એક થી દોઢ લાખનું વીજ બીલ ફટકાર્યુ હતું ત્યાર બાદ જમનદાસભાઇ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. આટલી મોટી રકમનું વિજ બીલ કેમ ભરશે તે બાબતે સતત ટેન્શનમાં રહ્યા કરતા હતા અંતે તેઓએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે વહેલી સવારે પોતાના જ ઘરે ઝેરી દવાના ટીકડા ખાઇ લીધા હતા. આ અંગેની જાણ તેમના પરિવાર જનોને થતા તેઓ તુરંત દોડી જઇને જમનાદારસભાઇને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જમનાદાસભાઇ એ વિજ બીલના કારણે કે અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો છે તે બાબત સ્પષ્ટ થઇ નથી. પરંતુ તેમના પરિવાર જનોના કહેવાનુસાર તોતીંગ વિજબીલ આવ્યા બાદ જમનાદાસભાઇ સતત મુંઝવણમાં રહેતા હોવાથી આપઘાત કર્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીજ બિલના કારણે આપઘાતનો ચાર દિવસમાં બીજો બનાવ

વીજ તંત્ર દ્વારા પકડાવી દેવાતા બીલ જીવણેલ સાબિત થઇ રહ્યા છે. હજુ ચાર દિવસ પહેલાં જ કાળીપાટના એક ખેડૂતે પણ રાક્ષસી વીજબીલના કારણે આપઘાત કર્યો હતો.

હળવદ : ભગવા ત્યજી દઇ સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીએ શિક્ષિકા સાથે સંસાર માંડ્યો...!

અમુક સાધુઓને લીધે સ્વામી નારાયણ સંપ્રદાય સતત વિવાદમાં જ રહે છે ત્યારે મૂળ વઢવાણ તાલુકાના અને હળવદ તાલુકાના ચરાડવામાં રહેતા એક સાધુ મોરબીમાં એક શિક્ષિકા સાથે ખાનગીમાં ફેરા ફરી લગ્ન કરી લેતા ચકચાર ફેલાઇ છે. આ બનાવ સમગ્ર પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
હળવદ પંથકમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના પૂર્વ સ્વામીએ કિંમતી જમીનના દસ્તાવેજો સાથે ગોટાળો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં લાંબા સમય જેલમાં રહ્યાં બાદ આ સ્વામી જેલમાંથી છૂટ્યા હતા. ત્યારે આ સ્વામીએ બુધવારે મોરબી પંથકમાં એક શિક્ષિકા સાથે લગ્ન કરી લેતા ચકચાર ફેલાઇ છે. વઢવાણ એંસી ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીમાંથી આ સ્વામીની જાન મોરબી ગઇ હતી. આ સ્વામી હળવદ પંથકની એક શિક્ષિકા સાથે બુધવારે ખાનગી રીતે લગ્ન સંમારંભ યોજીને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નનો દેકારો ન થાય તે માટે સનાડા રોડ પર યોજાયેલા લગ્ન સમાંરભમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્વામી વઢવાણ તાલુકાના એક ગામમાં રહીને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સ્વામી નારાયણ સંપ્રદાયમાં દિક્ષા લઇ હળવદ તાલુકામાં ગુરુકુળનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન આ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ સ્વામીએ મોરબી ખાતે લગ્ન કરી લેતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.

અગાઉ પણ એક સ્વામી ઘોડે ચડ્યા હતા

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અને હળવદ તાલુકામાં રહેતા ગુરુકુળના સ્વામીએ ચાર ફેરા ફરી લેતા ચકચાર ફેલાઇ છે ત્યારે અગાઉ પણ એક સ્વામીએ ભગવા ત્યજી લગ્ન કર્યાનો બનાવ નોંધાયો છે. આ સ્વામી પણ વઢવાણ તાલુકાના એક ગામના હતા. આમ વઢવાણ તાલુકાના બે સ્વામીએ ભગવા ત્યજી ઘોડે ચડતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ચકચાર ફેલાઇ છે.

રાજકોટમાં પ્રેમી યુગલનો આપઘાત

શહેરના ચુનારાવાડમાં રહેતા કોળી યુવાન અને રત્નદીપ સોસાયટીની પ્રજાપતિ યુવતીએ ન્યારી ડેમ નજીક જલદ એસિડ ગટગટાવી સજોડે આપઘાત કરી લીધો હતો. દોઢ વર્ષ પૂર્વે જ્ઞાતિની યુવતી સાથે સગાઇ થયા પછી કોળી યુવાનને પ્રજાપતિ યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. પરિવાર આ સંબંધને સ્વીકૃતિ નહીં આપે તેવા ડરથી પ્રેમી યુગલે બુધવારે એસિડ ભેળવેલું ઠંડુ પીણું ગટગટાવી એક-મેકની બાહોમાં સમાઇ મોતની ચાદર ઓઢી લીધી હતી. લોધિકાના પી.એસ.આઇ. વી. એસ. ઠાકર, મદદનીશ પ્રવીણભાઇએ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતા. ખિસ્સામાંથી મળી આવેલા લાઇસન્સ પરથી ચુનારાવાડના રાવણ ચોકમાં રહેતા કિશોર ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નો મૃત દેહ હોવાનું સ્પષ્ટ થયું હતું. ન્યારી ડેમના ચોકીદાર કાળુભાઇ સવારે રાઉન્ડમાં નીકળ્યા ત્યારે વડવાજડી ગામના સીમાડા તરફ બાવળની ઝાડીમાં બે મૃતદેહ નજરે ચડયા હતા. ચોકીદારે આ અંગે લોધિકા પોલીસ અને તાલુકા પોલીસને જાણ કરી હતી. લોધિકાના પીએસઆઇ વી. એસ. ઠાકર, મદદનીશ પ્રવીણભાઇએ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. યુવકના ખિસ્સામાંથી મળી આવેલા લાઇસન્સ પરથી મૃતદેહ ચુનારાવાડના રાવણ ચોકમાં રહેતા કિશોર ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નો હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્થળ પર આવેલા રમેશભાઇએ નાના ભાઇની લાશ ઓળખી બતાવી હતી. જયારે બીજો મૃતદેહ પેડક રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતી માધવી લાલજીભાઇ બોપરિયા (ઉ.વ.૨૧) નો હોવાની માહિતી મળતા તેણીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. સ્થળ પરથી લુના મોપેડ અને એસિડ ભેળવેલું પીણું ભરેલી પ્લાસ્ટિકની બોટલ મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ સોની બજારમાં ચાંદી કામ કરતો કિશોર ચૌહાણ બુધવારે સવારે ૭ વાગ્યે રાબેતા મુજબ લુના મોપેડ લઇને કામે ચાલ્યો ગયો હતો. બપોર સુધી કામે નહીં પહોંચતા તેને શેઠે ઘરે ફોન કરતાં ચિંતાતુર પરિવારજનોએ પુત્રની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ માધવી પણ પગમાં દુ:ખાવો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા જવાનું કહીને બુધવારે સવારે ૧૦ વાગ્યે ગયા પછી લાપતા બની ગઇ હતી. બે ભાઇ એક બહેનમાં સૌથી નાના કિશોરની સગાઇ દોઢ વર્ષ પહેલાં ભવાની નગરમાં રહેતી શિલ્પા નામની યુવતી સાથે થઇ હતી. જયારે પાંચ બહેન એક ભાઇમાં બીજા નંબરની માધવી કુંવારી હતી. કિશોરને સગાઇ થયા પછી માધવી સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્ને એક થઇ નહીં શકે તેવા વિચારથી આપઘાત કરવાનો નિર્ણય કરી ન્યારી ડેમ પહોંચ્યા હતા. કિશોરે સોની કામ માટે ઉપયોગમાં લેવાતું જલદ એસિડ પેપ્સીની બોટલમાં ભેળવી દીધું હતું. બન્નેએ એસિડ ભેળવેલ પીણું ગટગટાવી એકમેકને બાથભરી જીવનનો અંત આણી દીધો હતો. મંગેતર પ્રેમિકા સાથે આપઘાત કર્યાની જાણ થતાં શિલ્પા હતપ્રભ બની ગઇ હતી.

રાજકોટ: પતિના મિત્રએ બળાત્કાર ગુજારી બદનામ કરતા મહિલા સળગી મરી

ઘાંચી વાડમાં રહેતી પૂર્વી મુકેશભાઇ મુછડિયા નામની પરિણીતા ઉપર પતિના મિત્રએ ચાર માસ પહેલાં બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ પહેલાં આરોપીએ તેના પતિને ચારિત્ર્ય વિશે એલફેલ કહેતા અગ્નિ સ્નાન કરી લેનાર પૂર્વીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નીપજયું હતું. મરણોન્મુખ નિવેદનના આધારે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. આપઘાત માટે મજબૂર કરવાની કલમ ઉમેરાશે. ધરપકડથી બચવા આરોપી પરિવાર સાથે નાસી ગયાનું પોલીસે જણાવ્યું હતું.
કડિયા જ્ઞાતિની પૂર્વી છગનભાઇ અજાગિયાને ઘાંચી વાડના મુકેશ ચકાભાઇ મુછડિયા નામના કલર કામ કરતા વણકર યુવાન સાથે પાંચ વર્ષ પૂર્વ પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા હતા અને સંતાનમાં ત્રણ વર્ષની એક પુત્રી છે. બુધવારે રાત્રે ઘર નજીક રહેતા કલાભાઇના પ્રસંગમાં પતિના મિત્ર બકુલે તેણીના ચરિત્ર્ય વિશે શંકા વ્યકત કરતા ઘરે જઇને અગ્નિ સ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પૂર્વીએ ફોજદાર ટી.એન. વણોલ સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં જણાવ્યા મુજબ, નવયુગ પરામાં રહેતા બકુલ વીરા મકવાણાએ તા. ૯/૧૧ના રોજ કપડાં સિવડાવવાના બહાને ઘરે બોલાવી હતી. તે ઘરે ગઇ ત્યારે બકુલની પત્ની કે પુત્ર હાજર ન હતા. તે રૂમમાં દાખલ થઇ તે સાથે જ બકુલે રૂમના દરવાજા બંધ કરી બળજબરીથી વાસના સંતોષી હતી. ડરના કારણે તેણે પતિથી આ વાત છૂપાવી હતી. દરમિયાન બુધવારે રાત્રે લગ્ન પ્રસંગમાં આરોપી બકુલે ચાર મહિના પહેલાં આચરેલા કુકર્મની પતિ મુકેશને જાણ કરી દેતા લગ્ન જીવન તૂટી જશે તેવા ભયથી તેણ જાત જલાવી લીધી હતી. જો કે, મુકેશે તેની પત્ની ઉપર મિત્રએ બળાત્કાર કર્યાની વાતનો ઇનકાર કરી માત્ર છેડતી થયાનું જણાવ્યું હતું. પોલીસે મરણોન્મુખ નિવેદન પરથી બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો.
આપઘાત માટે મજબૂર કરવાની કલમ ઉમેરાશે. પોલીસે વણકર પરિણીતાની ફરિયાદ પરથી આરોપી વિરુઘ્ધ બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બપોરે તેણીનું મોત નીપજતા પરિણીતાને આપઘાતની ફરજ પાડવા અંગેની કલમ ૩૦૬નો ઉમેરો કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

20 January 2010

આજનો ઇતિહાસ - ૨૦ જાન્યુઆરી

૧૮૧૭ : કોલકાતામાં હિંદુ કોલેજની સ્થાપના થઈ.
૧૯૪૫ : ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટ સતત ચોથી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.
૧૯૪૮ : બિરલા ભવનમાં પ્રાર્થનાસભામાં બોમ્બ ફેંકાયો. ગાંધીજી બચી ગયા.
૧૯૪૯ : જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર્તા તેજ બહાદુર સપ્રુનું નિધન.
૧૯૮૦ : કસ્તુરભાઈ લાલભાઈનું નિધન
૧૯૮૮ : સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનનું નિધન.

ઈન્ડિયન પ્રિમિયર લીગ -૩ પાક. ક્રિકેટરોની કોઈ લેવાલી નહીં પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સે સર્વાધિક રૂ. ૩.૪૨ કરોડની બોલી લગાવી

આગામી ૧૨ માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈ.પી.એલ.) સિઝન-૩માં પાકિસ્તાનના એક પણ ક્રિકેટરની કોઈ લેવાલી નીકળી ન હતી. પાક.ના ફાંકડા ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદી સહિત કુલ ૧૧ ખેલાડીઓને હરાજી માટે ઊતારાયા હતા પરંતુ તેમનામાં કોઈ પણ ટીમે રૂચી દર્શાવી ન હતી. જો કે ખેલાડીઓ માટે મંગળવારે યોજાયેલી હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ અને ન્યૂ ઝી લેન્ડના ઝડપી બોલર શેન બોન્ડ માટે સૌથી વધુ ૭,૫૦,૦૦૦ ડોલર(રૂ. ૩.૪૨ કરોડ)ની બોલી લાગી હતી જયારે પાકિસ્તાનના ખેલાડીઓને કોઈ ખરીદવા જ તૈયાર નહોતું. સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ઝડપી બોલર કેમાર રોચ રૂ. ૩.૨૮ કરોડ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. મુકેશ અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પોલાર્ડ માટે રૂ. ૩.૪૨ કરોડની બોલી લગાવી તેને પોતાની ટીમમાં સમાવ્યો હતો. શાહરુખની કોલકાતા નાઈટ રાઈડર્સે શેન બોન્ડને રૂ. ૩.૪૨ કરોડમાં ખરીદ્યો હતો. આ હરાજીમાં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી મહંમદ કૈફ માટે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે ૨,૫૦,૦૦૦ ડોલર(રૂ.૧.૧૪ કરોડ)ની બોલી લગાવી તેને પોતાની ટીમમાં સમાવ્યો હતો. જો કે પ્રથમ રાઉન્ડમાં કૈફ માટે કોઈએ બોલી લગાવી નહોતી.
કોઈએ ખરીધા જ નહીં
હરાજીમાં કુલ ૧૩ ખેલાડીઓની જગ્યા માટે ૬૭ ખેલાડીઓને સમાવાયા હતા જેમાં પાકિસ્તાનના ૧૧ ક્રિકેટરો પણ હતા. આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાનની ૨૦-૨૦ ટીમના કેપ્ટન શાહીદ આફ્રિદી સહિત ૧૧માંથી એકપણ ખેલાડીને કોઈ ખરીદનાર જ નહોતા મળ્યા. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વેબલ હાઈન્ડસ, ડરેન ગંગા, રામ નરેશ સરવન, સુલેમાન બેન, શ્રીલંકાના ઉપુલ થરંગા, ચમારા સિલ્વા ઓસ્ટ્રેલિયાના ફિલિ પાઈજ, બ્રેડ હેડિન, જેસન ક્રેજા, ડગલસ બોલિંગર, ઈગ્લેન્ડના ગ્રીમ સ્વાન, દક્ષિણ આફ્રિકાના જોહાન વાન ડેર વાથ, ટ્રાયન હેન્ડરસન અને ન્યૂ ઝી લેન્ડના ગ્રાન્ટ ઈલિયટ માટે પણ કોઈએ બોલી નહોતી લગાવી.
પોલાર્ડ અને બોન્ડ માટે ટાઈ બ્રેકથી નિર્ણય
પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ જયારે બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, ડેક્કન ચાર્જર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સર્વાધિક રકમ ૭,૫૦,૦૦૦ ડોલરની બોલી લગાવતા ટાઈ પડી હતી. ત્યાર બાદ આઈ.પી.એલ.ના ચેર મેન લલિત મોદીએ ફ્રેન્ચાઈઝીને વધારે બોલી લગાવવા કહ્યું હતું જેમાં પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સે બાજી મારી હતી. જો કે ખેલાડીઓને ૭,૫૦,૦૦૦ ડોલર મળશે જયારે વધારાની રકમ આઈ.પી.એલ. ના ખાતામાં જશે.
સચિનના કહેવાથી પોલાર્ડને ખરીદ્યો
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ જણાવ્યું કે પોલાર્ડને ટીમમાં સમાવવાનું સૂચન સચિન તેંડુલકરનું હતું. માસ્ટર બ્લાસ્ટરના આગ્રહના કારણે તેમણે પોલાર્ડ માટે સૌથી ઊચી બોલી લગાવી હતી.

IPLમાં વધુ એક અમદાવાદીની પસંદગી

હર્ષલ પટેલને મુંબઇ ઇન્ડિયન્સે આઠ લાખ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો, સમાચાર મળ્યા ત્યારે હર્ષલ આરામથી ઊંઘી રહ્યો હતો

મંગળવારે મુંબઇ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી સિઝન માટે થયેલી હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે અંડર-૧૯માં પ્રતિભાશાળી ઝડપી બોલર હર્ષલ પટેલની પસંદગી કરતાં આઇ.પી.એલ.માં વધુ એક અમદાવાદી ક્રિકેટર રમશે. આઇ.પી.એલ.ની પ્રથમ બે સિઝનમાં અમદાવાદના સ્ટાર રણજી ટ્રોફી ક્રિકેટરો પાર્થિવ પટેલ (ચેન્નાઇ સુપર કિંગ્સ), રાજસ્થાન રોયલ્સ તરફથી ઝડપી બોલર સિદ્ધાર્થ ત્રિવેદી, અમિત સિંઘ તથા બેટ્સમેન નિરજ પટેલ રમી ચૂકયા છે. આ તમામ ખેલાડીઓએ પ્રથમ બે સિઝનમાં પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કર્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સે હર્ષલને આઠ લાખ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો છે. નોંધનીય છે કે હર્ષલના સાથી ખેલાડી તથા અંડર-૧૯ વર્લ્ડકપના સુકાની અશોક માનેરિયાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો છે.
વર્તમાન સમયમાં ન્યૂ ઝી લેન્ડ ખાતે રમાતા અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષલ પટેલને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તે ઊઘમાં હતો અને પ્રથમ તો તે આ બાબત માનવા તૈયાર નહોતો. હર્ષલના કોચ તારક ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતના ક્રિકેટ માટે આ આનંદની વાત છે કે આઇ.પી.એલ.માં આપણા વધુ એક ખેલાડીની પસંદગી થઇ છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં ૨૧મીએ ઇંગ્લેન્ડ સામેની મેચ બાદ કવાર્ટર ફાઇનલ મેચો શરૂ થઇ રહી હોવાના કારણે આઇ.પી.એલ.માં હર્ષલની પસંદગી સાચા સમયે થઇ છે. મને ખાતરી છે કે મુંબઇ ઇન્ડિન્સ ફ્રેન્ચાઇઝીએ હર્ષલ પર મૂકેલા વિશ્વાસને તે યથાર્થ સાબિત કરી આપશે. ગુજરાતના ઝડપી બોલર્સ સાથે બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીની મુલાકાત લઇ રહેલા રણજી ટીમના કોચ વિજય પટેલે પણ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે હર્ષલ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇ.પી.એલ.-૩માં સારો દેખાવ કરવામાં સફળ રહેશે. વિશ્વ ભરના સ્ટાર ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ તેને ભવિષ્યમાં કામે લાગશે અને ગુજરાતને પણ ઉપયોગી બનશે.

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પાસેથી શીખવા જેવી બાબતો

આ એક એવા માણસની વાત છે જેને આ અવાજ ક્યાંય ચાલે નહીં તેમ કહીને એક વખત એક રેડિયો સ્ટેશનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને નિર્માતાઓએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે તાડ જેવો ઉંચો આ છોકરો ક્યારેય હિરો બની શકે નહીં. છતાં આ યુવાન હિંમત હાર્યો નહોંતો અને માન્યતાઓની ઝંઝીરને તોડી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની. આ એ જ અમિતાભ છે જે આજે પણ જ્યાં ઉભા રહે ત્યાંથી જ લાઇન શરૂ થાય છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ આ 68 વર્ષિય અભિનેતા અન્ય અભિનેતાઓને સશક્ત હરિફાઇ પુરી પાડી રહ્યા છે. અને નિર્માતાઓ આ અભિનેતાને પોતાની ફિલ્મમાં લેવા માટે લાઇન લગાવે છે. એવી તે શું વાત છે આ માણસમાં કે જેણે નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખી. વિવેચકો અને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. એક નજર કરીએ અમિતાભ બચ્ચન પાસેથી શિખવા જેવી કેટલીક બાબતો તરફ.

સંધર્ષ કરવો, હિંમત હારવી નહીં : બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની ફ્લોપ રહી હતી. આ ફિલ્મ માટે બચ્ચનને બેસ્ટ ન્યુ કમરનો એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નહોંતી. પરંતુ આનંદ ફિલ્મથી અમિતાભના અભિનયની નોંધ લેવાઇ. તે વખતના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરવાની તેને તક મળી. 1973માં આવી પ્રકાશ મહેરાની ઝંઝીર જેમાં “યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપકા ઘર નહીં” વાળા ડાયલોગ સાથે અમિતાભ પડદા પર અને લોકોના દીલો પર છવાઇ ગયા. વચ્ચેના સમયમાં કુલીનો એક્સીડન્ટ ત્યાર બાદ ફરી ફિલ્મોની નિષ્ફળતા બીજી તરફ એ.બી.સી.એલ.ના કારણે અમિતાભ દેવાદાર થઇ ગયા હતા.
હારે તે બચ્ચન નહીં...તેઓએ જંગ ચાલુ રાખ્યો. કૌન બનેગા કરોડપતી અને મહોબ્બતેથી ફરી પડદા પર ધમાકેદાર એન્ટ્રી મારીને લેણદારોની પાઇએ પાઇ ચૂકવી આપી.
દુશ્મનો કરતા મિત્રોની સંખ્યા વધુ : અમિતાભ બચ્ચનના વ્યકિતત્વનું જમા પાસુ એ છે કે કોઇ પણ માણસ એક વખત તેમને મળે એટલે તેમનાથી પ્રભાવિત થઇ જાય. તેમને દરેક અભિનેતા-અભિનેત્રી સાથે કામ કરવું ફાવે. એટલું જ નહીં રાજકારણ હોય કે ઉદ્યોગ જગત, સંગીત જગત હોય કે ખેલ જગલ દરેક જગ્યાએ બચ્ચનના મિત્રો મળી આવે.
ચુસ્ત સમય પાલન : બોલીવુડના ઘણા અભિનેતા, અભિનેત્રીઓ લેટ લતીફ તરીકે જાણીતા છે. પરંતુ આજની તારીખે પણ બચ્ચન નિશ્વિત સમયે શુટીંગના સ્થળે હાજર હોય છે. કોઇને આપેલો સમય ક્યારેય ચૂકતા નથી. બચ્ચનની આ ટેવના કારણે તેમના સહ-કલાકારો પણ સમયસર આવે છે અને નિયત સમય મર્યાદામાં શુટીંગ આટોપાઇ જાય છે.
નમે તે સૌને ગમે : અમિતાભ બચ્ચન આજે બોલીવુડના શહેનશાહ તરીકે ઓળખાય છે. પરંતુ તેના વ્યકિતત્વમાં ભારોભાર નમ્રતા જોવા મળે છે. અને નાનામાં નાના માણસની વાત પણ તે ધ્યાનથી સાંભળે છે.
પહેલું સુખ તે જાતે નર્યા : આજે 68 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનની તંદુરસ્તી કોઇ યુવાનને શરમાવે તેવી છે. અમિતાભ નિયમિતપણે કસરત કરે છે. અને ખાવા-પીવામાં પરેજી પાળે છે.
સમય સાથે બદલાતા રહેવું : બોલીવુડમાં જો કોઇ અભિનેતાનો બ્લોગ સૌથી વધુ વંચાતો હોય તો તે છે અમિતાભ બચ્ચનનો બ્લોગ. અમિતાભ સમય સાથે બદલાતા રહે છે અને કપડાથી માંડીને ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો અપનાવતા રહે છે. અને કદાચ આજ કારણ છે કે અમિતાભ બાળકોથી માંડીને વૃદ્ધો બધાને પોતીકા લાગે છે.

વસંત પંચમી સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્તિનો શ્રેષ્ઠ દિવસ: નવું પુસ્તક લખવા કે વિદ્યાકીય કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ ; લગ્નનું મુહૂર્ત નથી. હવે છેક હવે ૧૫ મેથી લગ્નના મુહૂર્તો

આજે મહા સુદ પાંચમ છે, જેને વસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા સરસ્વતીની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે લેખન-અઘ્યાપન-બૌદ્ધિક ક્ષેત્ર અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સરસ્વતીની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વસંત પંચમીએ રાજ્યમાં સૌથી વધુ લગ્નો થાય છે, પરંતુ આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અસ્તનાં કમુરતાંને કારણે લગ્ન માટે વણ જોયા મુહૂર્તના દિવસે લગ્નનું મુહૂર્ત નથી. હવે છેક હવે ૧૫ મેથી લગ્નના મુહૂર્તો મળશે.
વસંત પંચમી વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધનાનો દિવસ છે. પ્રાચીન કાળમાં વસંત પંચમીથી પાંચ દિવસીય સરસ્વતી મહોત્સવ યોજવામાં આવતો હતો. વર્તમાન સમયમાં અનેક સંસ્કૃત પાઠ શાળાઓમાં સરસ્વતી ઉત્સવ મનાવવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં કુમારિકાઓનું પૂજન સરસ્વતીરૂપે કરવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા સ્થાને બેસીને સરસ્વતીની કૃપા મેળવવા માટે સરસ્વતી સ્તોત્ર અથવા ‘ઓમ્ વાગ્વાદિની વર વર પ્રસીદ પ્રસીદ ઓમ્ સ્વાહા’ મંત્રનો એકાગ્ર ચિત્ત થઈ જાપ કરવો. જ્યારે પરીક્ષામાં સફળતા માટે પરીક્ષાર્થીઓએ વસંત પંચમીએ સવારે ૬થી ૯ અથવા સાંજે ૬થી ૮ દરમિયાન સ્નાનાદિથી પવિત્ર થઈને મા સરસ્વતીનું સ્મરણ કરીને ધૂપ-દીપ કરવો અને ત્યારબાદ માતા-પિતા અને વડીલોને પગે લાગવું. પછી ‘ઓમ્ હ્રીં ઓમ્’ મંત્ર ૧૦૮ વખત શ્રદ્ધાપૂર્વક જપવો, જેથી મા સરસ્વતીની કૃપાથી સારું પરિણામ મળે છે.
નવું પુસ્તક લખવા કે વિદ્યાકીય કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ
એક જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, અઘ્યાપન, લેખન, બૌદ્ધિક ક્ષેત્રે તેમજ કળાક્ષેત્રે સંકળાયેલા લોકો માટે વસંત પંચમી ઉત્તમ દિવસ છે અને તેમણે પણ આ દિવસે સરસ્વતી દેવીની ઉપાસના કરવી જોઈએ. નવા પુસ્તક લખવાનો પ્રારંભ કે વિદ્યાકીય કાર્યોનો પ્રારંભ પણ ઉત્તમ મનાય છે. વસંત પંચમીના દિવસે ગણેશજી અને સરસ્વતીનું સ્મરણ કરવાથી લાભ થાય છે.
પ્રકૃતિ રંગીન વાઘા પહેરશે
મઘમઘતા વાસંતી વાયરાઓ શરૂ થઇ ચૂક્યાં છે. પાનખરમાં ઉજડાઇ ગયેલા વૃક્ષો પર સૌથી પ્રથમ અસર થઇ હોય એમ પ્રકૃતિએ નવા કલેવરો ધારણ કર્યા છે. આવા પ્રાકૃતિક તાદાત્મ્ય સાધવાના અવસર સમાન વસંત પંચમીની આજે ઉજવણી કરવામાં આવશે.
વસંત પંચમીને જ્ઞાન પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષા પત્રી જયંતીની ઉજવણી કરશે. વસંત પંચમીથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગે છે. ગરમી તથા તડકો પડવાની શરૂઆત થવા લાગે છે. જો કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હવે છેક વસંત પંચમીના નજીકના દિવસોમાં શિયાળાના અસલી મિજાજનો પરિચય થયો છે. વાસંતી વાયરા સમગ્ર પ્રકૃતિ પર આહ્લાદક અસર ઊભી કરે છે. માનવીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે. ગ્રામીણ જન જીવન ખેતરોમાં આવેલો પાક લેવામાં વ્યસ્ત થઇ જાય છે. આમ શ્રમ પૂજા પણ થઇ જાય છે. વસંત પંચમીએ જ્ઞાનપિયાસુઓ મા શારદાનું અનુષ્ઠાન, પૂજા અર્ચન કરશે. ભગવાન શ્રી સ્વામિ નારાયણએ સંવત. ૧૮૮૨માં વડતાલમાં મૂલ્યવાન ગ્રંથ શિક્ષા પત્રી રચના કરી હતી. એટલે ભક્તો શિક્ષા પત્રી જયંતી ઉજવશે. આવતી કાલે જમીન મકાનના સોદા થશે. કારોબારની શરૂઆત થશે રાજકોટમાં છેલ્લા આઠ જ દિવસમાં ૧૨૦૦ જેટલા દસ્તાવેજોની નોંધણી થઇ છે.

ઓસ્ટ્રેલિયાના પુરુષો સૌથી સારા પ્રેમી !

શું તમારો પ્રેમ લવ એક્ટ ફર્સ્ટ સાઈટ વાળો છે ? તો તમારા માટે આ ખાસ ખબર છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પુરુષો દુનિયામાં સૌથી સારાં પ્રેમી હોય છે.
આ સર્વેમાં ઓસ્ટ્રેલિયાના પુરુષોને 10.7 ટકા વોટ મળ્યાં છે. જ્યારે ઈટલીના પુરુષ 7.2 ટકા વોટ મેળવીને બીજા નંબર પર અને બ્રિટેન 6.3 ટકા વોટ મેળવીને ત્રીજા નંબર પર છે. ચોથા ફ્રેન્ચ 6 ટકા અને સ્પેનિશ 5.6 ટકા મેળવીને પાંચમાં સ્થાન પર છે. આ ક્રમમાં આઈરિશ સૌથી નીચે 2.4 ટકા વોટ મેળવીને છેલ્લા નંબરે છે

18 January 2010

ગુજરાતે ગરીબી સામે લડાઇ શરૂ કરી દીધી છે : મોદી હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય ગરીબી સામે કોઇ લડાઇ કરે કે નહીં ગુજરાતે ગરીબી સામે લડાઇ શરૂ કરી દીધી છે- નરેન્દ્ર મોદી ગરીબ પરિવારને દેવામાંથી મૂક્ત કરવાનો અવસર ગરીબ કલ્યાણ મેળો છે કોઇ વચેટીયાને ઉપરવાળાના નામે માંગે તો કાણી પાઇ પણ પરખાવતા નહીં - મુખ્ય મંત્રીની અપીલ છ તાલુકાના ૪૮,ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડના સાધન-સહાયનું વિતરણ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગરીબને દેવાના ડુંગરમાંથી મૂક્ત કરવા આ કલ્યાણ મેળો છે. ગરીબને મૂસીબતમાંથી બહાર લાવવા સરકારી મદદરૂપે હક્કો તેના હાથમાં મૂકયા છે અને હવે સરકાર ગરીબી સામે લડવા ગરીબને શક્તિશાળી જોવા માંગે છે. તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં કરોડો રૂપિયા સીધા ગરીબના હાથમાં આવશે ત્યારે જિલ્લે-જિલ્લે તેનો પ્રભાવ અર્થ તંત્ર ઉપર વિધેયાત્મક રીતે પડવાનો છે. ગરીબી સામે લડવા માટે ગરીબને નવી શક્તિ આપનારા મુખ્ય મંત્રી પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાની પ૦ શ્રેણીનો આજે સાબરકાંઠા જિલ્લ્લામાં બીજો રાઉન્ડ મોડાસામાં યોજાયો હતો જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેધરજ અને તલોદ તાલુકાઓમાંથી ૪૮ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડની મદદ મુખ્ય મંત્રી અને અન્ય મંત્રીઓએ હાથોહાથ આપી હતી. આ પ્રસંગે મોડાસામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. ખૂલ્લી જીપમાં વિરાટ જનસમૂદાયનું અભિવાદન કરતાં મોદીએ જણાવ્યું કે આઝાદીના છ દાયકા વીતી ગયા. સરકારો તથા નેતાઓ ગરીબો માટે પીડા વ્યકત કરી આંસુ સારતા રહ્યા અને ગરીબીમાંથી ઉધ્ધાર થશે એવી આશામાં ગરીબોની બે-બે પેઢી ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગઇ. આ સરકાર ગરીબના ચહેરા ઉપર આનંદની લકીર જોવા માંગે છે, હિન્દુસ્તાન આ સ્થિતિ લાવે કે ના લાવે, ગુજરાત સરકાર આ ગરીબીને નેસ્ત નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકારી મદદ આપવા માટે કોઇ ઉપકાર કરવા કે ઉપદેશ આપવા હું આવ્યો નથી- ગરીબી સામે લડવાની શક્તિના ગરીબમાં મને દર્શન થયાં છે અને તેને મૂસીબતોમાંથી અને ગરીબીમાંથી બહાર લાવવો છે . કોઇ ગરીબ દેવાદાર રહેવા નથી માંગતો પણ દેવાના ડુંગર નીચે દબાયેલો ગરીબ સરકારી મદદ લઇને હવે મહેનત પસીનો વહાવીને ગરીબી સામે લડવા શક્તિમાન બનશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના બંને રાઉન્ડ સાબરકાંઠાએ પૂરા કર્યા છે અને હિંમતનગર તથા મોડાસામાં થઇને ગરીબી રેખા નીચે જીવતા જિલ્લાના કુલ એક લાખ કરતાં વધારે કુટુંબોને એકંદરે રૂ. ૧૦૦ કરોડથી વધુ નાણાંકીય લાભો સરકારી સહાયરૂપે મળ્યા છે. આ બધા જ નાણાં ગરીબના ધરમાં જશે અને ગરીબની તાકાત વધશે તો તેનો પ્રભાવ સમગ્ર સાબરકાંઠાના અર્થતંત્ર અને આર્થિક પ્રવૃત્તિ ઉપર પડશે. મોદીએ જણાવ્યું કે ગરીબના નામે મતોના રાજકારણથી ભૂતકાળમાં ચૂંટણી આવે ત્યારે ગરીબોના મેળા યોજીને વચનોની લહાણી થતી, સરકારની યોજનાઓ, બજેટો, જાહેરાત થતી અને ગરીબ સુધી તેનો પ્રવાહ કયારેય પહોંચતો જ નહીં. આ રાજકારણનું ધુપ્પલ મીટાવી દેવા, ગરીબના હક્કનું છીનવી લેનારા વચેટીયાને સીધા દોર કરવા અને ગરીબોનું લૂંટનારી કટકી કંપનીનો ખાત્મો બોલાવી દેવા આ સરકારે લાલ આંખ કરીને ગરીબ કલ્યાણ મેળા થકી ત્રીજું નેત્ર ખોલ્યું છે એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું. હવે કોઇ વચેટીયો ગરીબ પાસે જઇને તેના હક્કનું પડાવી લેવાનો પેંતરો કરે કે કોઇ લાભાર્થીને હલકી વસ્તુ-સાધન સહાયરૂપે મળે તો તેની ફરિયાદ એક પોસ્ટકાર્ડ લખીને મુખ્ય મંત્રીને, ગાંધીનગર મોકલજો, અમે આવા તત્વોને સીધા દોર કરી દઇશું, આ ગરીબને આર્થિક પ્રવૃતિમાં સક્ષમ બનાવવા માત્ર સહાય નહીં, તાલીમ, શિક્ષણ, સાધનો આપીને વ્યવસ્થામાં પગભર બનાવ્યો છે તેની અનેકવિધ સંકલિત યોજનાઓની વિગતો મોદીએ આપી હતી. આખા ગુજરાતમાં એક લાખ જેટલા સખી મંડળોમાં લાખો ગ્રામનારી ગૃહિણીઓ આર્થિક પ્રવૃતિમાં નેતૃત્વ લઇને વર્ષે રૂ. ૪૦૦ કરોડનું નાણાંકીય સંચાલન કરતી થઇ છે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.ગરીબની બેલી આ સરકારે જન્મથી મરણ સુધી તેની પડખે ઉભા રહેવાની વ્યવસ્થા કરી છે. માંદગી, રોગ, પ્રસૂતિ, કુપોષણથી પીડાતા ગરીબ પરિવારમાં સહાય કરવા આ સરકાર રાત-દિવસ ચિન્તા કરી રહી છે. ગરીબી સામે લડવાની દ્રષ્ટિ આ સરકારે આપી છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકાર ગરીબને આત્મવિશ્વાસ આપવા માંગે છે. ગરીબોને શક્તિ આપે છે ત્યારે મોંધવારીએ કાળો કેર સર્જ્યો છે. ગરીબની આંતરડી કકળાવીને કોઇ સુખી રહેવાનું નથી એ વાત કેન્દ્રની સરકાર સમજે અને દેશની જનતા એ માટે સબક શીખવાડે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વચેટીઆઓને દૂર કરીને ગરીબોને લાભ મળે તેવા આશયથી આ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન હાથ ધરાયું છે. ગરીબોને પ્લોટ-આવાસથી માંડીને તેમના જીવન ઉત્કર્ષ માટે સંખ્યાબંધ યોજનાઓ આ સરકારે અમલી બનાવી છે. વિધવા બહેનો-ગરીબ બહેનો પગભર થઇ શકે તેવી યોજના અમલી બનાવી છે. અત્યાર સુધી ૪૦ હજાર વિધવા બહેનોને તાલીમ તથા સાધન-સહાય આપીને પગભર બનાવાઇ છે. મહિલાઓ સ્વાભિમાનપૂર્વક જીવી શકે, ગરીબ બાળકો સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે પણ કામગીરી હાથ ધરાઇ છે. મહિલાઓની બચત પ્રવૃતિને પ્રોત્સાહન આપી સખી મંડળોની રચના કરાઇ છે. રાજ્યમાં ૧.-૪ર લાખ સખી મંડળો બનાવી રૂ. ૩૦૦ કરોડથી વધુ રકમ અપાઇ છે જેના દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બની છે. ચિરંજીવી યોજના અમલી બનાવી રાજ્યમાં ર.પ લાખ સંસ્થાકીય પ્રસુતિ કરાવીને માતા-બાળ મૃત્યુ દર ધટાડવાનું પ્રશંસનીય કામ આ સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાના પ્રભારી અને આદિ જાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, જિલ્લામા ૧૩ લાખ લિટર પ્રતિ દિન દૂધ એકત્રીકરણ થાય છે. જિલ્લામાં પાકતા ફુલો વિદેશ જાય છે. જિલ્લાનો સામાજિક-આર્થિક-ઔઘોગિક વિકાસ થાય તેવો અભિગમ રાજ્ય સરકારે રાખ્યો છે. અગાઉની સરકારોએ કુલ ૧ર,પ૦૦ કરોડ રૂ. આદિવાસીઓ માટે ફાળવ્યા છે. જ્યારે આ સરકારે રૂ. ૧પ હજાર કરોડ માત્ર પાંચ વર્ષમાં ફાળવ્યા છે. જિલ્લાને સુજલામ સુફલામ યોજના હેઠળ લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે. તેમણે ગરીબોને ગરીબીમાંથી મુકત કરવાનો સેવા યજ્ઞ આ સરકારે હાથ ધર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાત સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી પૂરવાર થઇ છે. રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવે-કન્યા કેળવણી વ્યાપક બને-કોમ્પ્યુટરનું જ્ઞાન વધે-ટેકનિકલ શિક્ષણ વધે અને યુવાનોને રોજગારી મળે તે માટે અગાઉ શિક્ષણના બજેટમાં રૂ. ૧૩૬૬ કરોડથી વધારીને વર્ષે ર૦૦૯-૧૦માં રૂ. ૧૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. ડ્રોપ-આઉટ રેશીયો ધટયો છે. તમામ શાળાઓમાં કોમ્પ્યુટર, શાળાના બાળકોને મફત પુસ્તકો જેવી યોજનાઓ અમલી બનાવાઇ છે. રાજ્યના ૩૦ વિકાસશીલ તાલુકામાં રહેતી અને તબીબી અભ્યાસક્રમમાં ભણતી દીકરીઓને વિશેષ સુવિધા અપાય છે. સાબરકાંઠાના સાંસદ ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગરીબો પ્રત્યેની સંવેદનામાંથી ગરીબ કલ્યાણ મેળાનો જન્મ થયો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી દેશમાં સમાજવાદ-રામરાજ્ય સ્થપાશે તેવી કલ્પના સાકાર થઇ નહીં. દેશમાં પ્રતિદિન રૂ. ર૦/- મેળવનારો બહોળો વર્ગ છે ત્યારે ગુજરાતમાં ગરીબોના ધરમાં કલ્યાણ દીપ પ્રજવલિત થાય તેવો આ મેળાનો આશય છે. એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાની ઉઘોગ અને સિંચાઇની અપેક્ષા સંતોષવા ગુજરાત સરકારે હાથ ધરેલા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.મુખ્ય મંત્રીએ આરોગ્ય, ડાયરી કેલેન્ડરનું વિમોચન પણ આ પ્રસંગે કર્યું હતું. મોડાસાના ધારા સભ્ય દીલીપસિંહ પરમારે સ્વાગત પ્રવચનમાં ગરીબ કલ્યાણ મેળાનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે ગરીબોને તેમના હક્ક હાથોહાથ આપવા માટે આ મેળો યોજાય છે. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ-કલ્યાણ કામોની રૂપરેખા આપી હતી. શહેરી વિકાસ મંત્રી નિતીનભાઇ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ફકીરભાઇ વાધેલા, આરોગ્ય મંત્રી જયનારાયણભાઇ વ્યાસ, પરબતભાઇ પટેલ, ધારાસભ્યો પ્રફુલભાઇ પટેલ, ઉદેસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ વસ્તાભાઇ મકવાણા, જિલ્લા ભાજપા પ્રમુખ પૃથ્વીરાજભાઇ પટેલ, વિવિધ નગર પાલિકાઓના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ-અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદાની જળ શક્તિથી વાત્રક-મેશ્વો-માઝૂમ જળાશયો ભરાશે. નર્મદા પાઇપ લાઇનનો રૂ. પપ૦ કરોડનો પ્રોજેકટ : મુખ્ય મંત્રી

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, સાબરકાંઠામાં નર્મદા જળ શક્તિથી રૂ. પપ૦ કરોડના ખર્ચે વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશયો ભરવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ મંજૂર થયાની જાહેરાત મોડાસામાં કરી હતી. તેમણે જણાવ્યું કે, નર્મદાની મુખ્ય નહેર દ્વારા સાબરકાંઠાના જળાશયો ભરવાની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓનો આ પ્રોજેકટ ત્રણ વધુ જળાશયોને આવરી લેશે અને નર્મદાની ૭ ફૂટ વ્યાસ ધરાવતી ૧૩૦ કી.મી.ની પાઇપલાઇન માઝમ, મેશ્વો અને વાત્રક જળાશયો ભરવા માટે નંખાશે જે સાબરકાંઠાની ધરતીને લીલીછમ બનાવી દેશે. આ પ્રોજેકટના ટેન્ડર મંજૂરી પ્રોસેસના કામો પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

17 January 2010

સુરેન્દ્રનગર : જિલ્લા ભાજપ પ્રમુખ બનવા આગેવાનોની હોડ, વરણી માટે રરમીએ બેઠક

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પક્ષનું સંગઠ્ઠન મજબુત બનાવવા જિલ્લા ભરના ૧૮ મંડળોમાંથી ૧૩ મંડળોના પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. આથી જિલ્લા ભાજપ પ્રમુખની વરણીનો માર્ગ મોકળો બન્યો છે. ૨૨મી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી થનાર છે. આથી જિલ્લા ભરના ભાજપના આગેવાનોમાં પ્રમુખ કોણ બનશે તે અંગે ગરમાવો વ્યાપી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે જિલ્લાના આગેવાનોમાં હોડ જામી છે. સુરેન્દ્રનગર લોક સભા વિસ્તારમાં ૬૦ ટકાથી વધુ બક્ષી પંચના મતદારો હોવાથી છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વખત સાંસદ બક્ષી પંચના ચૂંટાય છે ત્યારે લોક સભા અને વિધાન સભાની પેટાચૂંટણી બાદ જિલ્લામાં ભાજપ સંગઠ્ઠનને મજબુત બનાવવા માટે કવાયત હાથ ધરાનાર છે.

ચોટીલા : પેટા ચૂંટણીમાં મતદારો વૈકિલ્પક પૂરાવા રજૂ કરી મતદાન કરી શકશે : પ્રચાર ઉપર પ્રતિબંધ

વિધાન સભાની ચોટીલા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાનની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારો ફોટો ઓળખ પત્ર વગર મતદાન કરી શકે તે માટે વૈકિલ્પક પુરાવાની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે જાહેરનામુ બહાર પાડયું છે. ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન મતદાન મથક ઉપર મતદારે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફોટો ઓળખ પત્ર રજૂ કરવાનું છે. પરંતુ ઓળખ પત્ર અપાયા નથી તેવા મતદારો અથવા ઓળખ પત્ર રજૂ ન કરી શકે તો કેટલાક દસ્તાવેજી પૂરાવાઓ પૈકી કોઇ પણ એક દસ્તાવેજી પૂરાવો રજૂ કરવા પંચે મંજૂરી આપી છે.
આ પૂરાવાઓમાં પાસ પોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્કમ ટેકસ પાન કાર્ડ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો, સ્થાનિક સ્વ રાજયની સંસ્થા અથવા પબ્લિક લીમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખ પત્ર, પબ્લિક સેક્ટર બેંકો અને પોસ્ટ ઓફિસો દ્વારા આપવામાં આવેલી ફોટા સાથેની પાસ બુક, સ્વતંત્રતા સૈનિકના સ-તસવીર ઓળખ પત્ર વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચની સૂચનાનુસાર ચૂંટણી અંગેના પ્રકાશનો, પોસ્ટરોના છાપ કામ માટેની જોગવાઇઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ જોગવાઇઓ મુજબ કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં.

જામનગર: ચાર વર્ષના સંઘર્ષ બાદ વિધવા પેન્શનની રકમ ચડત વ્યાજ સાથે અરજદારના ખાતામાં જમા

જામનગર: પેન્શન કેસમાં ચાર વર્ષના લાંબા કાનૂની જંગ બાદ વિધવાનું પેન્શન મંજૂર થયું છે. પેન્શનની રકમ ચડત વ્યાજ સાથે અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. જામનગરના હરૂભા બાલુભા જાડેજા સ્થાનિક ધનાણી ઇમ્પ-એકસ પ્રા.લી. સંસ્થામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતાં. વર્ષ-૨૦૦૫ની સાલમાં ફરજ દરમિયાન તેનું અવસાન થયું હતું. આ કર્મચારીના વિધવા ક્રિષ્નાબાએ નિવૃતિના લાભો મળવા જરૂરી ફોર્મ ભરી આધારો સાથે રાજકોટ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ઉપ ક્ષેત્રિય કચેરીએ અરજી કરી હતી. જેના અનુસંધાને સભ્યની જન્મ તારીખનું સક્ષમ કચેરીનું પ્રમાણ પત્ર રજૂ કરવા કચેરીએ જણાવ્યું હતું. આ પ્રમાણ પત્ર સભ્યની નોકરીની સંસ્થાના રેકર્ડમાં ઉપલબ્ધ ન હોવાથી અને તેમના જન્મની નોંધ કોઇ પણ સરકારી કચેરી કે સંસ્થામાં થઇ ન હોવાથી નોટરી સમક્ષ કરેલ સોગંદનામાથી જન્મનો પુરાવો રજૂ કર્યો હતો. પરંતુ આ પુરાવો માન્ય ગણી શકાય નહીં તેમ કચેરીએ જણાવ્યું હતું. મૃત્યુ પામેલ વ્યક્તિના કિસ્સામાં જન્મ તારીખના દાખલા માટે ગુજરાત વડી અદાલતમાંથી હુકમ મેળવવાનો હોઇ અને અરજદાર વકીલ રોકવા અસમર્થ હોઇ વકીલ અણદુભા જાડેજા મારફત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળમાં કાનૂની સેવાની મદદ મળવા ગુજરાત વડી અદાલતમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી.
પરંતુ વડી અદાલતમાંથી હાજર થવા નોટીસ નિકળતા આ દરમિયાન અરજદારના પતિની જન્મ તારીખનું પ્રમાણ પત્ર જામકંડોરણા તાલુકા પંચાયત નિયંત્રણ હેઠળની સાતોદડ તાલુકા શાળાના જુના રેકર્ડમાંથી મળી આવ્યું હતું. જન્મ તારીખનું અસલ પ્રમાણ પત્ર રાજકોટ પેન્શન કચેરીમાં રજૂ કરવામાં આવ્યુ હતું. જયાંથી ઇપીએસ-૯૫ હેઠળ અરજદારનું વિધવા પેન્શન સતત ચાર વર્ષની જહેમત બાદ મંજૂર થઇને આવતા વિધવા પેન્શનની રકમ ચડત પેન્શનની રકમ સાથે દેના બેંકની સ્થાનિક પટેલ કોલોની શાખાએ અરજદારના બચત ખાતામાં તાત્કાલીક જમા કરી ચૂકવી આપી હતી.

રાજકોટના યુવાનની હત્યા: બોથડ પદાર્થના ઘા ઝીંકી માથા પર ભારે વાહનનું વ્હીલ ફેરવી દીધાની અને હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસની શંકા:

લોધિકાના જશવંતપુરની સીમમાંથી રાજકોટના આહીર યુવાનની લાશ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા હત્યારાઓએ અકસ્માતની એલીબી ઊભી કરી હતી. જો કે બોથડ પદાર્થના ઘા ઝીંકી અથવા મોટા વાહનનું વ્હીલ ફેરવી યુવાનને કચડી નખાયો હતો.
રાજકોટના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આહીર દિલીપભાઈ હમીરભાઈ ડાંગર (ઉ.વ.૪૦) શુક્રવારે સાંજે પાડોશી પ્રભાતભાઈ ડાંગરનું નવું બાઈક લઈ ‘હમણાં આવું છું’ કહી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી આ યુવાન પરત નહીં ફરતા ડાંગર પરિવારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. દરમિયાન જશવંતપુરની સીમમાં અજાણ્યા યુવાનની માથું છૂંદાયેલી લાશ પડી હોવાની શનિ વારે સવારે ગામના સરપંચ બાબુભાઈએ જાણ કરતા લોધિકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. એ વેળાએ શોધમાં નીકળેલા કેટલાક આહીર યુવાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે લાશ દિલીપભાઈની હોવાનું ઓળખી બતાવ્યું હતું.
આહીર યુવાનનું માથું છૂંદાયેલું હતું તેના શરીર પર બાઈક પડેલું હોઈ અકસ્માતમાં મૃત્યુ થયાનું લોકોને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું. પરંતુ માથામાં ઈજા હતી અને માંસના લોચા દૂર-દૂર સુધી ઊડયા હોઈ યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકાયાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. આહીર યુવાનને મરણતોલ માર મારી અધમૂવો કરી ત્યાર બાદ મોટા વાહનના વ્હીલ નીચે તેનું માથું છૂંદી નાખી બનાવને અકસ્માતમાં ખપાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. ચાર ભાઈ અને એક બહેનમાં ચોથા દિલીપભાઈ પુષ્પક ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા હતા તેમના મૃત્યુથી તેમના બે પુત્ર અને એક પુત્રીએ છત્ર છાંયા ગુમાવી છે. આહીર યુવાનને કોઈ સાથે દુશ્મનાવટ ન હતી તેમ ડાંગર પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું તો દિનેશભાઈને કોણે અને શા માટે રહેંસી નાખ્યા ? હત્યારા સુધી કે હત્યાના કારણ સુધી પહોંચાય તેવી એક પણ કડી પોલીસને હજુ સુધી મળી ન હતી. મૃતકના ભાઈ રામભાઈની ફરિયાદ પરથી લોધિકા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, એકાદ મહિના પૂર્વે દિલીપભાઈને અવધની વીડી પાસે કોઈની સાથે માથાકૂટ થઈ હતી. કોઈ શખ્સોએ આહીર યુવાનની કારના કાચ ફોડી નાખ્યા હતા અને તેના મોબાઈલનું કાર્ડ પણ પડાવી લીધું હતું. ઝઘડા બાદ યુવાને પોતાની કાર વેચી નાખી હતી. જો કે કોની સાથે અને શા માટે ઝઘડો થયો હતો તે અંગે દિલીપભાઈએ કોઈને જાણ કરી ન હતી એ ઝઘડો હત્યાનું કારણ છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
માંસના લોચા દૂર સુધી ઊડયા
દિલીપભાઈની લાશ પડી હતી તેનાથી ઘણી દૂર સુધી માંસના લોચા ઊડયા હતા. આ યુવાનને બોથડ પદાર્થના ઘા ઝનૂનપૂર્વક મારવામાં આવ્યા હોય અથવા ભારે વાહન નીચે માથું છૂંદી નંખાયાની શંકા સેવાઈ રહી છે.

રાજકોટ : સત્ય સાંઇ હોસ્પિટલની સેવાઓ ચમત્કાર સમી ગુજરાત વડી અદાલતના ન્યાયાધિશ ઝવેરીના હસ્તે ‘કેથ લેબ’નો પ્રારંભ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલમાં કેથ લેબનું ઉદ્-ઘાટન કરતાં ગુજરાતના વડી અદાલતના ન્યાયાધિશ કલ્પેશભાઇ ઝવેરીએ જણાવ્યું કે, આ હોસ્પિટલમાં શસ્ત્ર ક્રિયા સહિતની સેવાઓ સંપૂર્ણપણે વિના મૂલ્યે થાય છે તે આ યુગનો ચમત્કાર જ છે. પ્રાસંગિક ઉદ્-બોધનમાં તેમણે જણાવ્યું કે, અમેરિકામાં હૃદયની શસ્ત્ર ક્રિયાનો ખર્ચ ૧૦૦૦ ડોલર જેટલો અને ભારતમાં રૂ. બે લાખ જેટલો થાય છે. આટલો ખર્ચ સામાન્ય માનવી કે ગરીબ વર્ગના લોકો ખમી શકે તેમ નથી. આ લોકો માટે કોઇ વિશેષ આરોગ્ય વીમા યોજના પણ નથી અને હૃદય રોગનું પ્રમાણ સતત વધતું જાય છે. ત્યારે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલે વિના મૂલ્યે સેવા પૂરી પાડીને સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ હોસ્પિટલ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર દર્દીઓની સેવા કરે છે.
સારા કાર્યમાં ભગવાન પણ મદદ કરે છે
આ પ્રસંગે એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ આરોગ્ય, શિક્ષણ અને નિષ્ઠાનો શુભ સમન્વય કરી બતાવ્યો છે. આ હોસ્પિટલના સેવા કાર્યો અન્યો માટે પણ પ્રેરણાદાયી બની રહે છે. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ કહ્યું કે, સત્ય સાંઇ બાબા સમાજને તબીબી સેવા, પાણી અને શિક્ષણ નિ:શુલ્ક મળવા જોઇએ એ વિચારધારાને માનનારા છે. રાજકોટમાં આ હોસ્પિટલ શરૂ કરવાનુ શ્રેય પૂ.સાંઇ બાબાને અને બીજો શ્રેય બરોડાના કનુભાઇ પટેલને જાય છે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાનો સકસેસ રેશિયો અકલ્પય છે. અત્યાર સુધી કરોડોની કિંમતની શસ્ત્ર ક્રિયાઓ વિના મૂલ્યે થઇ છે અને થતી રહેશે. આ માનવતાનો ચમત્કાર છે એમ કહી એમણે ઉમેર્યું હતું કે,૨૦૧૧ની સાલમાં ગુજરાતમાં કોઇ દર્દી પૈસાના અભાવે મૃત્યુ ન પામે એ અમારું લક્ષ્ય છે.
આ પ્રસંગે ‘અકિલા’ના મોભી કિરીટભાઇ ગણાત્રા, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો તથા એડવોકેટસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાર એસો. અને અન્ય સંસ્થાઓ દ્વારા એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી તથા જસ્ટીસ કલ્પેશભાઇ ઝવેરીનું સન્માન કરાયું હતું. પ્રારંભે બાળકોએ સુંદર ભકિત રચના રજૂ કરી હતી. આભારવિધિ ડો. સુષ્માબેને કરી હતી.
હોસ્પિટલ ચાલતી નથી, પૂરપાટ દોડે છે
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ એક કિસ્સો યાદ કરતાં જણાવ્યું કે, અત્યારે ટ્રસ્ટો અને એન.જી.ઓ. પણ બિઝનેસ બન્યા છે. સન ૨૦૦૦માં આ હોસ્પિટલનું ઉદઘાટન થયું એ પ્રસંગે જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણીએ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે, નિ:શુલ્ક સારવાર આપતી સંસ્થા ચાલી નહીં શકે. પરંતુ બે વર્ષ બાદ ગૌતમભાઇ ફરી હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે રૂ. દોઢ કરોડનું દાન આપીને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચાલતી નથી પણ દોડે છે.

રાજકોટ : વ્યવસાયીઓની યાદીમાંથી ૩૦,૦૦૦ નામ ગાયબ: મહા પાલિકાને સોંપાયેલી ૪૦ હજાર વ્યવસાયીઓની યાદીમાં ભોપાળું, સર્વિસ ટેક્સ વિભાગની બેદરકારી: મનપા દ્વારા સર્વેમાં સૌથી વધુ વ્યવસાયીઓ મઘ્ય ઝોનમાં મળી આવ્યા

રાજકોટ શહેરની હદમાં જુદા જુદા પ્રકારના વ્યવસાય કરતી વ્યક્તિઓ પાસેથી વ્યવસાય વેરા વસૂલવા માટે મહાપાલિકાને સત્તા મળી એ બાદ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા મહા પાલિકાને સોંપાયેલી ૪૦ હજાર કરતા વધુ વ્યવસાયીઓની યાદીમાં જબરું ભોપાળું નીકળ્યું છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અપાયેલી સૂચિમાંથી ૮૦ ટકા લોકોનો કોઇ પત્તો નથી. કેટલાકે પોતાનો વ્યવસાય જ બદલી નાખ્યો છે. હવે, મહા પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે નવા વ્યવસાયીઓની નોંધણી થઇ છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા જે યાદીની સોંપણી કરવામાં આવી એ પૈકી મોટા ભાગના વ્યવસાયીઓના નામ સરનામા અથવા તો માલિકો બદલી ગયા હતા. વળી, જે રેકર્ડ સોંપવામાં આવ્યું એમાંથી વ્યવસાય વેરાના ચલણની કોપી અને રજિસ્ટ્રેશન અંગેનું ફોર્મ જ મળી આવ્યું હતું. ઉમ્મિદ યોજના હેઠળ તાલીમ પામેલા યુવાનોની પાસે આ વ્યવસાયીઓની ખરાઇ કરવા અને નવા શોધવા માટે સર્વે કરાવ્યો એ બાદ વ્યવસાયીઓની સંખ્યા ૪૦ હજારથી ૭૧૨૫૪ સુધી પહોંચી ગઇ છે.
વર્ષ ૨૦૦૭-૦૮માં વ્યવસાય વેરાની રૂ. ૩૦ લાખની આવક હતી તે રૂ. ૫.૬૦ કરોડને આંબી ગઇ છે. વ્યવસાય વેરાની આવક ઝોન વાઇઝ જોવામાં આવે તો, નવા વ્યવસાયી તથા નોકરીદાતાઓનું પ્રમાણ પશ્ચિમ ઝોનમાં પણ વધતું જાય છે આમ છતાં, સૌથી વધુ વ્યવસાય વેરો મઘ્ય ઝોનમાંથી મળે છે.
વર્ષ ૨૦૦૮-૦૯માં સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાંથી મળેલો વ્યવસાય વેરો અનુક્રમે ૩.૨૮ કરોડ, રૂ. ૬૫ લાખ તથા રૂ. ૬૧ લાખ હતો. ચાલુ વર્ષમાં અત્યાર સુધી પશ્ચિમ ઝોનની રૂ. ૮૯,૨૨,000ની આવક થઇ છે. નવી નોંધણી ઉપરાંત નોકરીદાતા એકમો તથા વ્યવસાયીઓનું એ તરફ સ્થળાતંર પણ કારણભૂત ગણવામાં આવે છે.
દરજી, લુહાર, વાણંદ પણ વ્યવસાય વેરો ભરવા જવાબદાર
વ્યવસાય વેરા અધિનિયમ ૧૯૭૩ સુધારા હેઠળ લુહાર, ફેબ્રિકેશન, સુથાર-ફર્નિચર, વાણંદ, સોના-ચાંદી કામ, ફલોર મિલ, બ્યુટી પાર્લર વગેરે વ્યવસાય કરતા લોકો માટે કોઇ જોગવાઇ નથી. તેને અન્યોમાં સમાવેશ કરવા માટે મહા પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
સર્વિસ ટેક્સ વિભાગ શું કરતો હતો ?
માત્ર એક જ વર્ષમાં મનપાએ વ્યવસાય વેરાની આવક કરોડોમાં રળી બતાવતા એ વાત તો સાબિત થઇ ગઇ કે, સર્વિસ ટેક્સ વિભાગ અત્યાર સુધી ઘોરતો હતો. કામગીરીના અભાવના કારણે જ સરકારને અત્યાર સુધી કરોડોની ખોટ ગઇ છે. માર્ચ-૨૦૦૮થી તમામ આવક મનપાને સોંપાતા તેની કિંમત સમજાઇ છે.

પર્યાવરણ જાગૃતિ માટે ૧૧૭૦ કિ.મી.ની મેરેથોન

ગ્લોબલ વોર્મિંગની ચિંતા દેશવાસીઓને સતાવી રહી છે ત્યારે પર્યાવરણની જાગૃતિનો સંદેશો લઇને મૂળ તામિલનાડુના અને હાલ આણંદ રહેતા એક યુવાને ૧૧૭૦ કિમીની મેરથોન શરૂ કરી છે. આ યુવાન ૧૫ જાન્યુઆરીએ ઝાલાવાડ આવી પહોંચ્યો હતો. આ યુવાને ઝાલાવાડવાસીઓને પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને પાણીના કરકસરભર્યા ઉપયોગનો સંદેશો આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર અને પર્યાવરણને અસર પહોંચી રહી છે ત્યારે પર્યાવરણની જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે ડી.મુનીઅપ્યને ૧૧૭૦ કિમીની મેરથોન શરૂ કરી છે. ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં ફરીને ૩૬૩૦ કિમી દોડ પૂર્ણ કરીને અમદાવાદ પહોંચશે. સમગ્ર સૌરાષ્ટ્ર દોડીને રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧૫મી જાન્યુઆરીએ ડી.મુનીઅપ્યન આવી પહોંચ્યો હતો. આ રમતવીરનું જિલ્લાભરમાં સ્વાગત કરાયું હતું. પર્યાવરણની જાગૃતિનો સંદેશો આપનાર ડી.મુનીઅપ્યને સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૧ જેટલા વૃક્ષોનું રોપણ કર્યુ છે. ઝાલાવાડવાસીઓ પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ, પેટ્રોલ બળતણનો બચાવ, પાણીનો કરસકર ઉપયોગનો સંદેશો આપ્યો હતો. આ અંગે ડી. મુનીઅપ્યને જણાવ્યું કે, તેઓ દરરોજ ૩૦ થી ૪૦ કિમીની દોડ લગાવે છે. આ દરમિયાન તેઓ પર્યાવરણ જાગૃતિ અર્થે લોકોને જાગૃત કરી સંદેશો આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, મૂળી અને સુરેન્દ્રનગર તેઓ દોડીને આવ્યા છે. જ્યારે તા. ૧૬મી જાન્યુઆરીએ ધ્રાંગધ્રા તરફ રવાના થયા છે ત્યારબાદ હળવદ થઇ કચ્છ તરફ પર્યાવરણની જાગૃતિ માટે દોડ લગાવશે.

લૌકિક ક્રિયાને તિલાજંલિ આપતો પોરબંદરનો પરિવાર : જ્ઞાતિના આગેવાનોએ આવકાર્ય પગલું ગણાવ્યું

પરિવારના કોઇ સ્વજનનો સ્વર્ગ વાસ થાય એટલે બેસણું, લૌકીક, ઉત્તર ક્રિયા, સોળમું ધામ જેવા પ્રસંગો સાથે કુટુંબના સભ્યો સફેદ વસ્ત્ર ધારણ કરીને શોક મગ્ન બની જતા હોય છે પરંતુ પોરબંદરના લોહાણા જ્ઞાતિના કારીયા પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યાના દુ:ખની લાગણી સાથે આ લૌકિક ક્રિયાને તિલાંજલી આપતા જ્ઞાતિ મહાજને આવા કાર્યને અનુસરવા તમામ જ્ઞાતિજનોને અપિલ કરી છે. પોરબંદર લોહાણા જ્ઞાતિના તેમજ લોહાણા મહા પરિષદના સભ્ય હિંમતલાલ ભીમજીભાઇ કારીયાના ધર્મપત્નિ વનિતાબેન તા.૯ જાન્યુઆરીના રોજ શ્રીજી ચરણ પામતા સદગતની ઇરછા મુજબ કારીયા પરિવારે પ્રાર્થના સભાના દિવસે જ કુટુંબના તમામ સભ્યોને શોક મુકત થવા તેમ જ સફેદ વસ્ત્રો ન પહેરવા જણાવ્યું હતું. જ્ઞાતિના રિવાજ મુજબની તમામ પ્રથાઓને તિલાંજલી આપી જ્ઞાતિ માટે ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ તમામ ખર્ચની રકમ અબોલ પશુઓની સેવામાં વાપરવાનો નિર્ણય કર્યો હતો.
પોરબંદર લોહાણા મહાજના વૃજલાલ મણીલાલ કારીયા તેમજ રામજીભાઇ રૂગનાથભાઇ પોપટ સહિતના આગેવાનોએ આ ઉમદા, સાહસિક પગલાને બિરદાવી આ પગલાને અનુસરવા જ્ઞાતિજનોને અનુરોધ કર્યો હતો.

મંદબુઘ્ધિનાં બાળકોની રાજ્ય કક્ષાની ચેમ્પીયનશીપમાં જામનગરને નવ મેડલ : જિલ્લાનાં ૧૭ સહિત રાજ્યનાં ૧૨૦૦ સ્પર્ધકો

ગાંધીનગર ખાતે તાજેતરમાં યોજાયેલી મંદબુઘ્ધિનાં બાળકોની રાજ્યકક્ષાની ચેમ્પીયનશીપમાં હાલારના નવ ખેલાડીઓએ મેડલ મેળવ્યા હતાં. જામનગર જિલ્લાનાં ૧૭ સહિત રાજ્યભરનાં ૧૨૦૦ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં બારૈયા વિજયાબહેન (વનાણા-જામજોધપુર) ૧૦૦મી. દોડમાં ચેમ્પીયન, પટેલ અંકિત ૧૦૦૦મી. સાયકલ સ્પર્ધામાં ચેમ્પીયન અને ૫૦૦ મી. સાયકલમાં તૃતિય, સંતાણી હર્ષાબેન અને ગોહીલ નિહાલ સોફટબોલ થ્રોમાં ચેમ્પીયન, દેલવાડીયા સાગર (જોડીયા) લોંગ જમ્પમાં, જેતાવત અભિરાજ સાયકલીંગ ૧૦૦૦ મી.માં , ભોજાણી જય પાવર લીફટીંગમાં અને ફલીયા હીરેને ૧૦૦ મી. દોડમાં દ્વિતીય નંબરે વિજેતા થઇ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. આ સ્પર્ધામાં ભાગ લેનારાં બાળકોને ટ્રેક શૂટ, ટી-શર્ટ, સ્પોટર્સ શૂઝ, અને મોજા આપવામા આવ્યા હતા. રાજ્યકક્ષાની ચેમ્પીયન શીપમાં મેડલ મેળવી બાળકોએ શહેરનાં ગૌરવમાં વધારો કરવાની સાથે તેમના પરિવારનું નામ રોશન કર્યુ છે.

જામજોધપુર પાસે સગા ભાઇ-બહેનને કાળ ભરખી ગયો : ભાણવડ નજીક ટ્રકે ત્રિપલ સવાર બાઇકને ફંગોળતા જુનાગઢના યુવાનનું મૃત્યુ

મકરસંક્રાંતિના દિવસે સર્જાયેલા બે અકસ્માતમાં સગર ભાઇ-બહેન સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતાં. ભાણવડ નજીક ખાનગી બસે મોટર સાયકલને ઠોકરે ચડાવતા પોરબંદર પથકના સગર ભાઇ-બહેનના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે જામજોધપુર નજીક ટ્રકની ઠોકરે જુનાગઢના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. ભાણવડ નજીક ભણગોર ગામના પાટીયા પાસે પુરઝડપે જે-રપડી-૩૨૧૫ નંબરના મોટર સાયકલને ઠોકરે ચડાવી ઘડાકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં મોટરસાયકલ સવાર વિનુભાઇ કરશનભાઇ કારેણા (ઉ.વ.ર૦) અને તેની બહેન જશુબેન (ઉ.વ.૧૧) ને ગંભીર ઇજા પહોચતા બન્નેના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. પોરબંદરના અમરદળ ગામે રહેતો મૃતક સગર યુવાન અને તેની બહેન ભાણવડ તાલુકાના ગોવાણ ગામે રહેતા કાકા અરજનભાઇને ત્યાં આંટો મારી પરત ગામડે જઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા નાના એવા અમરદડ ગામ અને સગર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવના પગલે લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતક નાશી છુટેલા બસ ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે જામજોધપુર નજીક ઉપલેટા રોડ પર જીજે-૧૦યુ-૫૨૪૯ નંબરના ટ્રકે જીજે-૧૧જેજે-ર૦૦૦ નંબરના મોટરસાયકલને ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં જુનાગઢના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તુષાર દિલીપ હરીભાઇ દરજીનું મત્યુ નિપજ્યું હતું. જયારે બાઇક પાછળ બેઠેલા અરજણ પુંજાભાઇ (ઉ.વ.રર) અને સંજય બીજલભાઇ (ઉ.વ.ર૮) નામના રબારી યુવાનોને ઇજા પહોચતા ઉપલેટા હોસ્પિટલ ખસેડાયા હતાં. અતિ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે મોટર સાયકલને ડ્રાઇવીંગ સાઇડ પર ઠોકર મારી હતી. છતાં પણ બસની ગતિ ઓછી થઇ નહોતી અને મૃતક ભાઇ-બહેન પ૦ થી ૬૦ ફુટ દુર બસ સાથે ઢસડાયા હતાં.

15 January 2010

રાજકોટ: પોલા હાજાવાળી કરોડોની જમીન ખાનગી ઠરાવાઇ

રાજકોટના સાધુ વાસવાણી માર્ગ પર કરોડોની કિંમતની સરકારી જમીન અંગે ચાલી રહેલા કાનૂની જંગમાં કલેકટર તંત્રને જબ્બર પછડાટ મળી છે. રૈયા સર્વે નંબર ૩૧૮ના ટાવર્સમાં આવેલી ૧૦ એકર જેટલી જમીનની માલિકી માટે સુપ્રીમ કોટર્ની ડબલની બેંચના ચુકાદાને ફરી વિચારણા પર લેવા કયુરેટિવ મેજર્સની અરજીને રિજેકટ કરી નાખવામાં આવી છે. કલેકટર તંત્રે મૂકેલી ફાઈલ પરત આવી ગઈ છે. હવે, જાહેર હિતની અરજી સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
અઢી દાયકા પહેલા ડી.એલ.આર.આઈ. દ્વારા માપણી કરવામાં આવી ત્યારે પોલા હાજા પટેલની માલિકીના ૪૦ એકર ખેતરની પાસે જ ૧૦ એકરનો ટુકડો સરકારી ઠર્યો હતો. એ બાદ તાલુકા મામલતદારમાં અરજી કરવામાં આવી તો ત્યાં તે અનામી ઠેરવી દેવામાં આવી હતી. એના પગલે જેતે સમયે પ્રાંત અધિકારીને ત્યાં રિવિઝન કરવામાં આવી તો નાયબ કલેકટરે આ જમીન ખાનગી ઠેરવી દીધી હતી. તત્કાલિન કલેકટર જગદીશનને ઘ્યાને આવતા સમગ્ર પ્રકરણ રિવિઝનમાં લીધું હતું અને કલમ નંબર ૩૭(૨) મુજબ આ ૧૦ એકર જમીન સરકારી ઠેરવી દીધી હતી.
એની સામે હાઈ કોર્ટે, મહેસૂલ વિવાદ પંચ સહિતની ન્યાયિક પ્રક્રિયામાં પણ કલેકટર તંત્રને ઉત્તરોત્તર પછડાટ મળતી રહી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, જયારે પણ ચુકાદો આવ્યો ત્યારે કોઈ કલેકટરે એપેક્ષ કોટર્માં જવાનો નિર્ણય તત્કાલ લીધો નહીં. અધિકારીઓની આ ઢીલ પણ શંકાસ્પદ હતી. એ ઠીક સુપ્રીમ કોટર્માં સિંગલની બેંચનો ચુકાદો પણ કલેકટર તંત્રની વિરૂઘ્ધમાં આવ્યો એ બાદ ૨૦૦ દિવસ બાદ ડબલની બેંચ સમક્ષ રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી. બેંચે ટાઈમ બાઉન્ડના મુદ્દા પર જ સરકારી તંત્રની અરજી કાઢી નાખી હતી. આ બાબત વર્તમાન કલેકટર હરિભાઈ પટેલના ઘ્યાને આવતા તેમણે કયુરેટિવ મેજર્સના આધારે ફરી નિર્ણયાર્થે કેસ ચલાવવા રાજય સરકાર પાસેથી મંજૂરી માંગી હતી. ત્યાંથી પણ મંજૂરી મોડી મળી હતી !! કયુરેટિવ મેજર્સના આધારે કરાયેલી અરજી પણ જજે રિજેકટ કરી નાખી છે. અને ફાઈલ પરત મોકલી આપી છે.
ટીપીનો રસ્તો દબાવાયો
શિલ્પન ટાવર્સ સામે આવેલી ૧૦ એકર જમીનમાંથી નીકળતો ટીપીનો રસ્તો દબાવી દઈ ફેન્સિંગ કરી નખાયું હતું. જે બાદમાં ખુલ્લું કરાવાયું હતું. અહીં પહેલા શનિવારી ભરાતી હતી અને તેના પાસેથી ભાડુ વસુલાતુ હતું. આ શનિવારી ખાલી કરાવવામાં પણ સરકારી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાધુ વાસવાણી માર્ગ પર આવેલી આ જમીન હવે ખાનગી ઠરી ગઈ છે. જો કે, કોઈ જાહેર હિતની અરજી કરે તો ફરી સરકાર તરફે નિર્ણય આવે તેવી શકયતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
નેતાનો હાથ
પોલા હાજા વાળી જમીન સરકાર પાસેથી લઈ લેવામાં એક મોટા રાજ નેતાનો હાથ હોવાનું માનવામાં આવે છે. ભાજપના આ નેતા બિલ્ડર લોબીને ફાયદો કરાવતા પરિપત્રો કરાવે, અરજીઓ કરાવે કે એપેલેટમાં જવા મંજૂરીમાં વિલંબ કરાવવા પાછળ પણ નેતા સક્રિય હતા. એના કારણે આ જમીન પ્રજા પાસેથી ચાલી ગઈ છે.

રાજકોટ : દોરાને ખેંચતા વીજવાયર તૂટયો, તરૂણનું મોત

મકર સંક્રાંતિના પર્વ પર પતંગ ઉડાડતી વેળાએ અગાશી પરથી પટકાવાના, પતંગ લૂંટવા જતા અકસ્માતનો ભોગ બનવાના સહિતના બનાવો બને છે. આ ઉત્સવની પૂર્વ સંઘ્યાએ રાજકોટ નકના મુંજકામાં ઈલેકિટ્રક તારમાં ફસાયેલો દોરો કાઢતી વેળાએ વીજ કરંટ લાગતા ગરાસિયા તરૂણનું મોત નીપજયું હતું. તેમજ મવડીના સ્વામિનારાયણ પાર્કમાં અગાશી ધોતી વખતે ઈલેકિટ્રક વાયરને અડી જવાથી પટેલ મહિલાનું મત્યુ થયું હતું.

મુંજકાના ટીટોડીયા પરામાં આવેલા સ્લમ કવાટર્રમાં રહેતો અર્જુનસિંહ દશરથસિંહ ઝાલા (ઉ.વ.૧૨) બુધવારે સાંજે પોતાના ઘરની અગાશી પર પતંગ ઉડાડતો હતો. પતંગનો દોરો અગાશી પાસેથી પસાર થતાં ઈલેકિટ્રક તારમાં ફસાતાં અર્જુને ખેંરયો હતો. દોરો ખેંચતા જ ઈલેકટ્રીક તાર પણ તૂટયો હતો. તૂટેલો વીજતાર ગરાસિયા તરૂણને અડતાં તરૂણ વીજ આંચકા સાથે ઢળી પડયો હતો. અને તેનું મોત નીપજયું હતું. સંક્રાંતના આગલા દિવસે જ બે પુત્રોમાંથી નાના પુત્ર અર્જુનના આકસ્મિક મૃત્યુથી ઝાલા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ગંગાસાગરમાં ભાગદોડ, સાતનાં મોત

પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં મકર સંક્રાતિના મેળા દરમિયાન મચેલી ભાગદોડમાં સાત લોકોના મૃત્યું નિપજ્યા હતા, જ્યારે 17થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઘાયલોમાં એક બાળક અને છ મહિલા સામેલ છે. લોકો બોટ પર ચડી રહ્યા હતા ત્યારે આ ભાગદોડ થઇ હતી. આ દરમિયાન એક વૃધ્ધાએ લાઇન તોડી બોટ પર ચડવાનો પ્રયાસ કરતાં ભીડને નિયંત્રિત કરવા માટે ત્યાં ઉભો કરવામાં આવેલો બેરિકેડ તૂટી ગયો હતો. નોંધનીય છે કે ગત્ વર્ષે પણ આ મેળામાં ભાગદોડમાં પાંચ લોકોના મૃત્યું નિપજ્યા હતા. મકર સંક્રાતિના અવસર પર દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી પડે છે.

ફરીથી ફાઇનલમાં ભારતનો પતંગ કપાયો કુલશેખરા મેન ઓફ ધ મેચ, સંગાકરા મેન ઓફ ધ સિરીઝ

ઝડપી બોલર્સની ઘાતક બોલિંગ બાદ સંગાકરા અને જયવર્દનેએ નોંધાવેલી અડધી સદી વડે શ્રીલંકાએ ભારતને ચાર વિકેટે હરાવીને બાંગ્લા દેશ ખાતેની ત્રિકોણીય શ્રેણી જીતી લીધી હતી અને ફાઇનલમાં હારવાની ભારતની પરંપરા જળવાઇ રહી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે ભારતના ૨૪૫ રનના સ્કોર સામે છ વિકેટે ૨૪૯ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કુલશેખરાને મેન ઓફ ધ મેચ જયારે કુમાર સંગાકરાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક સમયે ભારતે ૬૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં ફાઈનલ એક તરફી બનશે તેમ લાગતું હતું પરંતુ રૈનાએ બાજી સુધારી હતી. ઝડપી બોલર આશિષ નહેરા બીજી ઓવરમાં ઈજાગ્રસ્ત બનતાં તે બાકીની ઓવર્સ નાખી શકયો ન હતો જેનો ભારતને મોટો ફટકો પડયો હતો.ફાઇનલ જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને પડેલી શ્રીલંકન ટીમે તરંગા (૦)ને પ્રથમ ઓવરમાં ગુમાવ્યા બાદ દિલશાન (૪૯) અને સંગાકરા (૫૫) વરચે બીજી વિકેટ માટે નોંધાયેલી ૯૩ રનની ભાગીદારી વડે વિજય તરફ કૂચ કરી હતી. મઘ્યમ હરોળમાં મહેલા જયવર્દનેએ ૮૧ બોલમાં અણનમ ૭૧ રન ફટકારવા ઉપરાંત સતત એક છેડો જાળવી રાખ્યો હતો. સમરવીરાએ ૪૧ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી હરભજન સિંધે ૪૧ રનમાં બે વિકેટ ખેરવી હતી. સુરેશ રૈનાએ ૧૦૬ રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢતા ભારત ૨૪૫ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહ્ય હતું. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપતા ભારતીય ટીમે ૧૧મી ઓવર સુધીમાં માત્ર ૬૦ રનના સ્કોરે તેની ટોચની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રૈનાએ પોતાની ૮૭મી વન-ડેમાં ૧૧૫ બોલનો સામનો કરીને દસ બાઉન્ડ્રી અને એક સિકસર વડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. રૈનાએ રવીન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૬ રનની ભાગીદારી નોંધાવીને ભારતના રકાસને અટકાવ્યો હતો. જાડેજાએ ૬૪ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય અન્ય બેટ્સમેન નિષ્ફળ રહેતા ભારત નિર્ધારિત ૫૦ ઓવર પણ પૂરી રમી શકી નહોતી અને ઇનિંગ્સ ૪૮.૨ ઓવરમાં સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી કુલ શેખરાએ ૪૮ રનમાં ચાર, વેલેગેડેરાએ ૫૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ૪૬મી ઓવરમાં રૈનાના આઉટ થયા બાદ હરભજન (૧૧), ઝહિર ખાન (૧૬) તથા શ્રીસંત (૪) ટૂંકા ગાળામાં આઉટ થઇ ગયા હતા.




મુલતાનના સુલતાન સેહવાગના વન-ડેમાં સાત હજાર રન પૂરા
વિશ્વના સૌથી આક્રમક બેટ્સ મેનમાં સ્થાન મેળવી ચૂકેલા ભારતીય ઓપનર મુલતાનના સુલતાન વીરેન્દ્ર સેહવાગે બુધવારે શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ૪૨ રનની ઇનિંગ્સ રમીને વન-ડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ડોન બ્રેડમેન તથા બ્રાયન લારા બાદ ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી નોંધાવનાર સેહવાગ વન-ડેમાં સાત હજાર રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો અને વિશ્વનો ૨૯મો બેટ્સમેન બન્યો છે. સેહવાગ પહેલાં ભારત તરફથી સચિન તેંડુલકર (૧૭,૩૭૮), રાહુલ દ્રવિડ (૧૦,૭૬૫), સૌરવ ગાંગુલી (૧૧,૩૬૩)યુવરાજસિંઘ (૭,૩૪૫) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૯,૩૭૮) આ સિદ્ધિ મેળવી ચૂકયા છે. ત્રિકોણીય શ્રેણીની છેલ્લી બે લીગ મેચ નહીં રમાનાર સેહવાગે ફાઇનલ પહેલાં ૨૧૮ વન-ડેમાં ૩૪.૨૮ની સરેરાશથી ૬,૯૯૪ રન બનાવ્યા હતા અને સાત હજાર રનની સિદ્ધિ માટે તેને માત્ર વધુ છ રનની જરૂર હતી. તેણે ૨૧૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઓછી ઇનિંગ્સમાં સાત હજાર રન પૂરા કરવાનો વિક્રમ ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના નામે છે જેણે ૧૭૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સેહવાગનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ કરતા વધારે છે.

હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, હજારોનાં મોત

કેરેબિયન દેશ હૈતીમાં સાતની તીવ્રતાની પ્રચંડ ભૂકંપે હજારો લોકોનો ભોગ લીધો છે. આ ભૂકંપથી રાષ્ટ્ર પતિનો મહેલ અને સંયુક્ત રાષ્ટ્ર મિશનના વડા મથકની પાંચ માળની ઇમારત સહિત અનેક ઇમારતો અને હોટેલો તેમજ કોમ્પ્લેક્ષને કાટમાળમાં ફેરવી દીધા છે. રિક્ટર સ્કેલ પર ૭.૦ની તીવ્રતાવાળા આ ભૂકંપે હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ અને તેની આસપાસની વિસ્તારોને હચમચાવી દીધા છે. અલબત્ત, રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં રહેતા તમામ ૧૪૦ ભારતીય શાંતિ સૈનિક સુરક્ષિત છે. આ સૈનિકોને ઓક્ટોબર-૨૦૦૮માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળમાંથી પસંદ કરીને હૈતીમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન પર મોકલ્યાં હતાં. જોકે, વાણિજય દૂતાવાસના ૫૦ કર્મચારીઓનો કોઇ પત્તો નથી. અમેરિકી ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે આ ભૂકંપને હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલો સૌથી વિનાશક ભૂકંપ ગણાવ્યો છે. ભૂકંપ બાદ આફ્ટર શોકસ પણ ચાલુ રહ્યા હતાં. દસ લાખની વસ્તી ધરાવતી રાજધાનીમાં મોટાભાગની ઇમારતો લગભગ એક મિનિટ સુધી અનુભવાયેલી ધ્રુજારીના કારણે કાટમાળમાં ફેરવાઇ ગઇ છે અનો લોકો ભયના માર્યા ઘરબાર છોડીને ભાગી રહ્યા છે. ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર પોર્ટ-ઓ-પ્રિન્સથી ૧૬ કિલોમીટર દૂર હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે ૩-૩૦ કલાકે આવ્યો હતો. જેમાં મોટાભાગની ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. કાટમાળ નીચે પણ અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. લોકો પોતાના ગુમ થયેલા સ્વજનને શોધવા માટે ફાંફાં મારી રહ્યાં છે. પ્રચંડ ભૂકંપના કારણે પાણી અને વીજ પુરવઠો ખોરવાઇ ગયા છે.
ઈશાન ભારતમાં ભૂગર્ભ ગતિવિધિ વધી
હૈતીમાં આવેલા વિનાશક ભૂકંપના પગલે ઈશાન ભારતમાં વધી રહેલી ભૂગર્ભ ગતિવિધિએ ચિંતા જન્માવી છે. ૨૦૦૯માં પ્રત્યેક ૧૦ દિવસ બાદ ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌથી મોટો ૬.૨નો આંચકો ૨૧ સપ્ટેમ્બરે નોંધાયો હતો. ૨૦૦૭-૦૮માં ૨૬ અને ૨૦૦૬માં ૨૩ ભૂકંપ નોંધાયા છે.

13 January 2010

ઉતરાયણ પૂર્વે બજારોમાં કીડિયારૂ

આકાશી યુદ્ધના પર્વ ઉતરાયણ આડે ગણતરીના કલાકો બાકી રહેતાં જિલ્લાના મુખ્ય મથકો સહિત વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરા અને અન્ય ચજિ-વસ્તુઓની ખરીદી નીકળતાં બજારોમાં કીડિયારૂ ઉભરાયુ છે. આકાશી યુધ્ધનો સામાન એકઠો કરાવ માટે શહેરીજનો મેદાનમાં આવતા મોડી રાત સુધી પતંગ બજારમાં તેજી દેખાવા માંડી છે. બીજી તરફ પતંગની સાથે ટોપી,ચશ્મા સહિત અન્ય વસ્તુના વેચાણમાં પણ વધારો નોંધાયો છે.

રાજકોટમાં અશ્વોનું પ્રદર્શન

રાજકોટમાં કદી ન થયા હોય તેવા અશ્વોનું પ્રદર્શનની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રેસકોર્સના વિશાળ મેદાનમાં ૧૫ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી જામશે ઘોડાઓની હણહણાટી. રાજકોટ મનપા દ્વારા આયોજિત પ્રદર્શનમાં અશ્વ પાલક સહકારી મંડળી, શ્રી ભૂવનેશ્વરી પીઠ (ગોંડલ), પીપલ્સ બેન્ક, પશુ પાલન ખાતું અશ્વોનું પ્રદર્શન યોજી રહ્યું છે. જેમાં શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઘોડાઓની મટકી ફોડ, પોલ બેન્ડિંગ તેમજ અશ્વ સવારોની કૌશલ્ય સ્પર્ધા, બેરલ રેસ, અશ્વ દોડ, ડાન્સિંગ હોર્સ સહિતના અદ્દભૂત કાર્યક્રમો શહેરી જનોને નિહાળવા મળશે.
રાજકોટમાં પ્રથમવાર રાત્રિ શો : રાજકોટમાં પ્રથમવાર ૧૨મા કામા અશ્વ પ્રદર્શન અને રમતોનું આયોજન કરવામાં આવશે. જેમાં ૮ લાઈટ ટાવર, ૧૫૦ લાઈટો, ૫૦ એલોજન લાઈટો, તેમજ જાજરમાન સમિયાણા સાથે દુહા, છંદની રમઝટ યોજાશે. એક અંદાજ મુજબ રાજકોટમાં પ્રથમવાર ૩૦૦થી વધારે અશ્વો ભાગ લેશે.
શું હશે અશ્વોની રમતોમાં
શ્રેષ્ઠ શણગારેલ અશ્વ, રેવાલ ચાલ, ઉત્તમ કાઢિયાવાડી ઘોડો, ઉત્તમ મારવાડી ઘોડો, એક વર્ષ ઉપરની કાઢિયાવાડી વછેરો-વછેરી, ગરો લેવો, બેરલ રેસ, દોડ, ડાન્સિંગ હોર્સ, મટકા ફોડ, પોલ બેન્ડીંગ સહિતનું પ્રદર્શન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે.

રાજકોટ એકસાઇઝના ત્રણ અધિકારી લાંચ લેતા પકડાયા

રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને દર મહિને રૂપિયા ૪૦ હજારનો પગાર મેળવતા ત્રણ અધિકારી ભુજમાં એક કન્સ્ટ્રકશન પેઢીના માલિક પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેતા સી.બી.આઇ.ના છટકામાં આબાદ સપડાઇ ગયા હતા. ત્રણેય અધિકારીઓને લઇને સી.બી.આઇ.નો કાફલો ગાંધી નગર પરત ફર્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાના ત્રણ-ત્રણ અધિકારીઓ મસમોટી લાંચ લેતા એક સાથે પકડાતા પગાર ઉપરાંતની રકમ ખિસ્સામાં સેરવી દેતાં અધિકારી ગણમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં વિભાગમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ થોડા દિવસ પહેલાં ભુજમાં સર્વિસ ટેકસ બાબતે ગોપાલભાઇ ગોરસિયાની નેશનલ કન્સ્ટ્રકશન કંપનીમાં ઓડિટ કરવા ગયા હતા. જયાં ઓડિટ દરમિયાન અમુક ક્ષતિઓ બહાર આવતાં સેટલમેન્ટ માટે રૂપિયા એક લાખની લાંચ માગવામાં આવી હતી. એકસાઇઝ અધિકારીઓએ લાંચની માગ કરતા કન્સ્ટ્રકશન કંપનીના માલિકે સીબીઆઇનું શરણું લીધું હતું અને વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં ભુજમાં જ આવેલી હોટેલ પ્રિન્સ રેસિડેન્સીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ વર્મા, પટેલ અને રાવલ એક લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. સીબીઆઇ દ્વારા અચાનક જ છાપો મારવામાં આવતાં ત્રણેય સરકારી બાબુના ધોતિયા ઢીલા થઇ ગયા હતા. પરંતુ હાથમાં પાવડરવાળી ચલણીનોટ પકડી લેતાં નીચી મુંડી કરીને સી.બી.આઇ.ના સ્ટાફ સાથે ગાંધી નગર ચાલી નીકળવું પડયું હતું.
એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ પોસ્ટિંગ થયું હતું : ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ અમદાવાદમાં એન્ટી ઇવેજન વિભાગમાં હતા અને એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ બદલી થઇ હતી અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ લાંચ લેવાની લાલચમાં સપડાઇ ગયા હતા.
એક અધિકારીને તો રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે : સી.બી.આઇ.એ એક લાખની લાંચ લેતાં પકડી લીધેલા ત્રણમાંથી એક અધિકારીને તો વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો હતો.

હાલાર હેમાળો : રાજયનું સૌથી ઠંડું શહેર જામ નગર

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની મોસમનો અસલી મિજાજ જોવા મળતો નથી. બે દિવસ કડકડતી ઠંડીના અહેસાસ બાદ ટાઢોડામાં ફરી નોંધ પાત્ર ઘટાડો થયા પછી મંગળ વારે ઠંડા પવનના સૂસવાટા વચ્ચે ઠંડીનો પારો ફરી ગગડયો હતો. જેમાં જામ નગરમાં ઠંડીનો પારો ૯.૬ ડિગ્રીને આંબી જતાં જામનગર રાજયનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ચાલુ વર્ષે શિયાળાના પ્રારંભ પછી ઠંડીનો સામાન્ય અનુભવ બાદ કમોસમી વરસાદ વરસતા પારો ગગડયો હતો. બે ત્રણ દિવસ શિત લહરના કહરથી જન-જીવન ગરમ કપડામાં ઢબૂરાય ગયું હતું. દરમિયાન ઠંડીના પ્રભાવમાં ઘટાડો નોંધાતા દિવસે ગરમી અને રાત્રિના ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો.
મંગળ વારે સવારથી જ સૂસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો ફરી ગગડયો હતો. જેમાં જામનગર શહેરના તાપમાનનો પારો ૯.૬ ડિગ્રીને આંબી ગયો હતો. જેના પગલે જામનગર શહેર રાજય ભરમાં સૌથી વધુ ઠંડું શહેર બન્યું હતું. આ ઉપરાંત નલિયાનું તાપમાન ૧૨.૨, ડિસામાં ૧૨.૫, રાજકોટમાં ૧૩.૩, અમરેલીમાં ૧૪.૪ ભાવનગરમાં ૧૬.૮ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હાલાર હેમાળો બનતા જામનગર પંથકની પ્રજાએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો.

મમ્મી જ મારી બેસ્ટ ફ્રેન્ડ

ઘરનું કામ હોય કે સંબંધ નિભાવવાની પરંપરા હોય આ દરેક વાત માતા જ છોકરીઓને શીખવાડે છે. આના સિવાય છોકરીઓ પોતાની દરેક નાની મોટી વાતો પર માતા પાસેથી જ સલાહ લે છે. માતાની સાથે વાતવાતમાં મતભેદ થાય છે. પરંતુ જ્યારે કોઇ વિષય પર તેમને સલાહની જરૂર હોય છે તો તેમને માતાની યાદ આવે છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર મહોર લગાવી દીધી છે કે, છોકરીઓ ૨૫ વર્ષ સુધી ફક્ત માતા પાસેથી જ સલાહ લે છે... દરેક કદમ પર જોઇએ માતાનો સાથ- છોકરીઓ હેલ્થ, પૈસા, મિત્રો, પિકનિક, કરિયર, ફેશન ટ્રેન્ડ અને રિલેશનશિપ જેવા મુદ્દા પર માતા સાથે ફક્ત વાત નથી કરતી પરંતુ તેમની સલાહ પણ લે છે. ટીન એજમાં હોર્મોન પરિવર્તનને કારણે છોકરીઓ બહુ ચિડિયલ થઇ જાય છે. માતાની સાથે વાતવાતમાં મતભેદ થાય છે. પરંતુ જ્યારે કોઇ વિષય પર તેમને સલાહની જરૂર હોય છે તો તેમને માતાની યાદ આવે છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર મહોર લગાવી દીધી છે કે, છોકરીઓ ૨૫ વર્ષ સુધી ફક્ત માતા પાસેથી જ સલાહ લે છે, જ્યારે છોકરાઓ આવું નથી કરતા.

“સુંદર કેટરિના પરથી આંખો હટતી જ નથી”

બોલિવુડ માચોમેન સલમાન ખાન સાથે નિર્દેશક અનિલ શર્માની વીર ફિલ્મ દ્વારા બોલિવુડમાં પગ માંડનારી અભિનેત્રી ઝરીન ખાન પોતાની તુલના કેટરિના કેફ સાથે થવાથી ઘણી જ ખુશ છે. ઝરીન ખાનનું માનવું છે કે અભિનેત્રી કેટરીના કૈફ એટલી બધી સુંદર છે કે તેના પરથી નજર હટતી નથી. સલમાનની આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ પ્રદર્શિત થશે.
ઝરીને જણાવ્યું હતું કે કેટરીના ખૂબ જ સુંદર છે અને તેની સાથે મારી તુલના મારી પ્રસંશા છે. હું માનું છું કે તે ઘણી જ સુંદર છે. જ્યારે મારી તુલના મારી સાથે કરવામાં આવે છે ત્યારે હું અભિભૂત થઈ જાઉં છું. હું તેમને એક બે વાર મળી છું અને તે એટલી તો ખૂબસૂરત છે કે મારી નજર તેના પર જ સ્થિર થઈ જાય છે. તેણે જણાવ્યું હતું કે હું હંમેશા દર્પણમાં જોઈને તેની તુલના મારી સાથે કરૂ છું પરંતુ અમારા વચ્ચે કોઈ સમાનતા નથી.

પોસ્ટ ઓફિસમાં વિમાનની ટિકિટ મળશે

ટૂંક સમયમાં જ પોસ્ટ ઓફિસમાંથી વિમાનની ટિકિટ સહિત વિદેશી ચલણ, પ્રમુખ ટ્રેવેલર ચેક, પ્રીપેડ કાર્ડ, વિદેશી નાણાંકીય ડ્રાફટ અને પાસપોર્ટ જેવી સેવાઓનો લાભ મેળવી શકશે. પર્યટન અને પર્યટન સાથે જોડાયેલ નાણાંકીય સેવાઓ ઉપલબ્ધ કરાવા માટે થોમસ કૂક ઇન્ડિયાએ પોસ્ટ ઓફિસો દ્વારા વિદેશી નાણાં અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવા માટે ભારતીય પોસ્ટ વિભાગ સાથે આજે એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા. કંપનીની આ સેવા હાલમાં પ્રાયોગિક રૂપે દેશની રાજધાની સહિત પાંચ પોસ્ટ વિભાગમાં ઉપલ્બધ કરાશે. થોમસ કૂક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેકટર માધવન મેનને કહ્યું કે, "આ સેવા શરૂઆતમાં પાંચ પોસ્ટ ઓફિસમાં શરૂ કરાવ્યા બાદ, આવતા કેટલાંક મહિનામાં અન્ય શહેરોમાં તેનું વિસ્તરણ કરાશે." તેમણે કહ્યું કે પર્યટન સ્થળો પર વિદેશી નાણાંના વિનિમય માટે પ્રવાસી અહિં-તહિં ભટકતા જોવા મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થતાં પ્રવાસીઓને ઘણી સુવિધા મળશે.
માધવને કહ્યું કે વિદેશી ચલણ ઉપલબ્ધ કરાવા માટે નિષ્ણાતોની જરૂર પડે છે, તેના માટે પ્રત્યેક કેન્દ્ર પર થોમસ કૂકના 2-3 લોકો ઉપલબ્ધ હશે.

નેનો યુએસમાં પ્રદર્શિત

વિશ્વમાં સૌથી સસ્તીકાર ટાટા નેનોને શીકાગો ખાતે બે કલાક માટે પ્રદર્શિત કરાઈ હતી. અહીં સૌ પ્રથમવાર ત્યાંના લોકો માટે વિશ્વની સૌથી સસ્તી કાર પ્રદર્શનમાં મુકાઈ હતી.


શિકાગો બાદ નેનોને ડિટ્રોઈટ શહેર ખાતે પ્રદર્શિત કરાશે. ટાટા નેનોએ યુએસમાં તેની સફર ડેનવર કોલારોડાથી શરૂ કરી હતી અને ગઈકાલે તે ડિટ્રોઈટ ખાતેની જુડસન યુનિ. ખાતે આવી પહોંચી હતી. વિશ્વની સૌથી સસ્તી કરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા અને લોકોએ તેને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા હતા...

- ભગવાને તેમનો છઠ્ઠો વર્ષાવાસ ગુજરાતમાં કર્યો
- ગુજરાતમાં સૌ પ્રથમ નાગ જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
-૧૫મીએ રાજયમાં બુદ્ધિસ્ટ હેરિટેજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર
- સચ્ચબંદ નામના તપસ્વીએ પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો આ પ્રસંગને યાદ કરવા થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ
ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રાચીન અવશેષો છે, ભગવાન બુદ્ધ સ્વયં ગુજરાત આવ્યા હતા અને છઠ્ઠો વર્ષાવાસ તેમણે ગુજરાતમાં કર્યો હતો, એમ ત્રૈલોક્ય બૌદ્ધ મહા સંઘ સહાયક ગણ-અમદાવાદના પ્રમુખ ધમ્મચારી રત્નાકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા.૧૫થી ૧૭ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ‘બુદ્ધિસ્ટ હેરિટેજ-ગુજરાત’ અંગેનો આંતરાષ્ટ્રીય સેમિનાર એમ.એસ.યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં દલાઇ લામા, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ૫૦૦ લામાઓ પણ ઉપસ્થિત રહેશે.
છેલ્લા ૩૫ વર્ષથી બૌદ્ધ ધર્મનું અધ્યયન-પરશિલન કરી રહેલા ધમ્મચારી રત્નાકરે જણાવ્યું કે જેવી રીતે ‘ચાતુર્માસ’ હોય છે તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં ‘વર્ષાવાસ’ હોય છે પરંતુ તેમાં ચાર મહિના નહીં પણ ત્રણ માસ એક જ સ્થળે એટલે કે બૌદ્ધ વિહારમાં રહેવાનું હોય છે. વર્ષાવાસનો પ્રારંભ અષાઢી પૂર્ણિમાથી આસો પૂર્ણિમાએ તેની સમાપ્તિ થાય છે. ઇ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધ ગુજરાતમાં છઠ્ઠો વર્ષાવાસ કરવા આવ્યા હતા અને તેઓએ શૂરપારક બંદર પાસે આવેલા મુકુલારામ વિહારમાં વષૉવાસ કર્યો હતો. ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા ત્યારે અહીં રહેતા નાગ જાતિના લોકોએ સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આજે પણ ભગવાન બુદ્ધના પગલા સચ્ચબંદ પર્વત ઉપર જોવા મળે છે. સચ્ચબંદ નામનો એક તપસ્વી હતો તેણે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ અપાયું છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધ ગુજરાતના દેવની મોરી અને ગિરનાર પણ આવ્યા હતા અને ભગવાન બુદ્ધ નર્મદા નદીના કિનારે થઇને મધ્ય પ્રદેશ થઇ શ્રાવસ્તી-ઉત્તર પ્રદેશ પહોંચ્યાના ઉલ્લેખો મળી આવે છે. આજે મળતા બૌદ્ધ ધર્મના અવશેષોથી કહી શકાય કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જ પ્રચલન હશે.
ગુજરાતની વલભી વિશ્વ વિધ્યાલયમાં ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા
બૌદ્ધ ધર્મના અવશેષો ગુજરાતના ૬૦ ટકા વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાત બૌદ્ધ ધર્મનું એક મહત્વનું સ્થાન હતું. એટલું જ નહીં નાલંદા-તક્ષશીલા સાથે સરખામણી થઇ શકે એવી રાજયની પ્રાચીન વલ્લભી વિશ્વ વિધ્યાલયમાં તત્કાલિન સમયે ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા. આના પરથી કહી શકાય કે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર આ પ્રાંતમાં ખૂબ જ હતો, એમ ધમ્મચારી રત્નાકરજીએ ઉમેર્યું હતું.

અવતાર જાતિવાદના વિવાદમાં ઢસડાઈ

ગયા વર્ષના છેલ્લા મહિના પ્રદર્શિત થયેલી ડિરેક્ટર જેમ્સ કેમેરૂનની ફિલ્મ અવતાર ભારે હિટ રહી છે. જો કે આ ફિલ્મ હવે વિવાદમાં સપડાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. આ ફિલ્મમાં એક અમેરિકન સૈનિક પેન્ડોરા નામના ગ્રહ પર રહેતા નેવી જાતીના લોકોને તેના જ સાથીદારોથી બચાવે છે. આ નેવી લોકો આદિવાસી જેવું જીવન જીવતા હોય છે. જેઓ વાદળી રંગના અને પોતાની જાતનો બચાવ કરવામાં અક્ષમ બતાવવામાં આવ્યા છે. અવતાર ફિલ્મ પેન્ડોરા નામના ગ્રહ પર આધારિત છે જ્યાં પ્રકૃતિને પ્રેમ કરતા અને વાદળી રંગની ચામડી ધરાવતા નેવી નામની જાતિના લોકો વસે છે. નૌકાદળના એક અપંગ સૈનિકને ત્યાં મોકલવામાં આવે છે. પરંતુ તે સૈનિક એ જાતિમાં ભળી જાય છે અને પોતાના જ શ્વેત સાથીદારોથી પેન્ડોરાને બચાવે છે. આ સૈનિકની ભૂમિકા ઓસ્ટ્રેલિન અભિનેતા સામ વર્થિગંટન દ્વારા ભજવવામાં આવી છે.
આ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારથી વેબ સાઈટ પર અસંખ્ય બ્લોગ, સમાચાર પત્રોના ઘણા લેખકો, ટ્વિટર પર અને યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અવતાર ફિલ્મ જાતિવાદ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર જેમ્સ કેમરૂનનું કહેવું છે કે અન્ય લોકોનું સન્માન કરવું તે આ ફિલ્મનો મહત્વનો સંદેશ છે.

“ટીમ ઈન્ડિયા નં-1 પર ટકી શકશે નહીં”

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે. આ વિશે પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઈઆન ચેપલનું માનવું છે કે ભારત પાસે બોલિંગ પાવર નથી જેથી તે લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર રહી શકશે નહીં. ચેપલે જણાવ્યું કે હું નથી માનતો કે ટોચની બેટિંગ ભાગીદારીથી મહાન ટીમનું નિર્માણ થાય છે. પરંતુ મારા મત પ્રમાણે તેના કરતા પણ વધારે મહત્વની બાબતો રહેલી છે અને તેથી જ ભારત લાંબા સમય સુધી નંબક-1 રહી શકશે નહીં. હું માનું છું કે જો તમારે લાંબા સમય સુધી સફળ ટીમ બની રહેવું હોય તો તમારી પાસે બે ચેમ્પિયન બોલર હોવા જરૂરી છે. અને ભારત ત્યાં જ માર ખાઈ જાય છે, તેમ ચેપલે ઉમેર્યુ હતું. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભારત પાસે એક પણ ચેમ્પિયન બોલર નથી. જ્યારે હું છેલ્લા 12 મહિનાથી ભારતની સ્ટ્રાઈક રેટ અને એવરેજ પર નજર નાંખુ છું ત્યારે મને બે ચેમ્પિયન બોલર દેખાતા નથી. હકિકતમાં મને તો એક પણ ચેમ્પિયન બોલર દેખાતો નથી. ટીમ ઈન્ડિયાને કેટલાક ચેમ્પિયન બોલરની જરૂર છે. તેમની પાસે શ્રેષ્ઠ બેટિંગ લાઈન અપ છે તેમાં બેમત નથી પરંતુ તેમની પાસે સારી બોલિંગ લાઈન નથી કે જેની મદદથી તેઓ વિશ્વમાં સતત જીતતા રહે, તેમ ચેપલે જણાવ્યું હતું.

રાજકોટ : સુગર હાઉસ, વિત્ત ભવન જપ્ત કરવા કોર્પોરેશનની કાર્યવાહી

રાજકોટ મહા નગર પાલિકાની ટેકસ શાખા ૦૯-૧૦ના બજેટમાં અપાયેલા ૧૧૫ કરોડની આવકના લક્ષ્યથી ૩૨ કરોડ દૂર હોઇ આવક વધારવા ઝોન વાઇઝ ધડાધડ નોટિસો ઇસ્યુ થઇ રહી છે. તો મનપાને વર્ષોથી મિલકત વેરા પેટે એક પૈસો પણ ન ચૂકવનાર ગોંડલ રોડ પરના વિત્ત ભવન તથા ત્રિકોણ બાગ પાસેના સુગર હાઉસ નામક મિલકતો કબજે કરવા તૈયારી ચાલી રહી છે. સોની બજાર ખાતે વિવિધ કોમ્પ્લેકસમાં ૭૨ વેપારીઓને નોટિસ ફટકારાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત બજેટમાં મિલકત વેરાની આવકનો ૧૧૫ કરોડનો લક્ષ્યાંક અપાયા બાદ ટેકસ શાખાને હજૂ સુધીમાં ૮૩ કરોડની જ આવક થઇ છે જયારે જાન્યુઆરી માસ અડધો પૂર્ણ થઇ ગયો છે અને લક્ષ્ય ૩૨ કરોડ છેટું છે. આથી મકાનો જપ્ત કરવા પણ ફાઇલો તૈયાર થઇ રહી છે.
ગોંડલ રોડ પરનું વિત્ત ભવન બન્યું ત્યારથી આ ભવનના એક પણ દુકાનદાર કે ઓફિસ માલિકે વેરો ભર્યો નથી વેરા પ્રશ્ને વાંધો પડતા તમામે વાંધા અરજી કરી હતી. જેનો નિકાલ થઇ ગયો છતાં ર૦ લાખનો ટેકસ ભરાતો ન હોઇ સમગ્ર ભવન કબજે કરવા તજવીજ આરંભવામાં આવી છે. સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન પ્લાઝા, દેવ કોપ્લેકસ, કેવલ કોમ્પલેકસમાં દુકાનો અને ઓફિસો ધરાવતા તેમજ મનપાને વર્ષોથી મિલકત વેરો ન ચૂકવતા ૭૨ બાકીદારોને ટેકસ ડિપાટર્મેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્રિકોણ બાગ પાસે આવેલા સુગર હાઉસ નામક બિલ્ડંગમાં તથા ત્યાં જ આવેલી લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટની માલિકીની મિલકતમાં આવેલી દુકાનો, ઓફિસો પાસે ૨૧ લાખની રકમ બાકી નીકળતી હોઇ તે મિલકત પણ કબજે કરી નાણાં વસૂલવા મનપાએ તૈયારી આદરી છે શહેરના સેન્ટ્રલ ઝોનના શ્રોફ રોડ, સુભાષનગર તથા કસ્તુરબા રોડ પર આવેલા કેટલાક એપાટર્મેન્ટો તેમજ દુકાનદારોને બાકી વેરો તાત્કાલિક ભરી જવા નોટિસ પાઠવી અને તાકીદ કરવામાં આવી છે.

જામનગર: જામ બંગલાનું ચોરાયેલા ઝવેરાત કબજે

રાજવી પરિવારના પ્રતાપ વિલાસ પેલેસમાંથી સાચા મોતી અને હીરા જડિત સોના ચાંદીના આભૂષણો તેમજ એન્ટીક ચીજ વસ્તુ મળી કરોડો રૂપિયાની થયેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી ચાર દેવીપૂજક સહોદર સહિત પાંચ તસ્કરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી રૂ. પાંચ લાખ રોકડા, અડધા કરોડની કિંમતનો એક એવા બે ડાયમંડ, ઘરેણા તેમજ કિંમતી ધાતુના ઘરેણા મળી અંદાજે દોઢથી બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરાઉ માલ ખરીદનાર સુરેન્દ્રનગર પંથકના ત્રણ સોનીની પણ અટકાયત થયાનું જાણવા મળે છે. તસ્કરોએ રેઢા પડ સમાન પ્રતાપ વિલાનાં જામ બંગલામાં છેલ્લા ૮ માસ દરમિયાન ૨૫ થી વધુ વખત ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. જામ બંગલામાંથી કરોડોના ઝર ઝવેરાત, એન્ટીક વસ્તુઓની ચોરી થયા અંગે ચાર જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. એક તબક્કે એન્ટીક ચીજ વસ્તુઓની ચોરી કરતી પ્રોફેશનલ ગેંગ હોવાની શંકા હતી. પરંતુ સ્થળ નિરીક્ષણ દરમિયાન રૂમમાંથી બીડીના ઠૂંઠા, પાણીના ખાલી પાઉચ મળ્યા હતા. તેમ જ તસ્કરોએ રૂમમાં હાજત કરી હોવાથી ચોરીમાં દેવીપૂજક ગેંગ હોવાની શંકા દ્રઢ બની હતી. ડી.આઇ.જી. મનોજ શશીધરે પડકારરૂપ ચોરીનો ભેદ ઉકેલવા જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના એલ.સી.બી. એસ.ઓ.જી. અને આર.આર. સેલના ચુનંદા અધિકારીઓ જવાનોની ટુકડી બનાવી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરાવી હતી. દરમિયાન સુરેન્દ્રનગર એલસીબીના એ.એસ.આઇ. મહાવીરસિંહ અને કોન્સ્ટેબલ શકિતદાનને બાતમી મળી હતી કે કુંભાર પરામાં રહેતા 2 શખ્સો હિરાજડીત ઘરેણા અને સોના ચાંદીના તાર જડિત ગાલીચા વેચવાની પેરવી કરી રહ્યાં છે. પોલીસે કરેલા ચેકીંગ દરમિયાન સંજય બાબુ અને અશોક રામુ રજવાડી ઘરેણા ભરેલા થેલા સાથે ઝડપાઇ જતા સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે અન્ય ત્રણ તસ્કરોને પણ ઝડપી લીધા છે. ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલનાર સમગ્ર સ્ટાફને ડી.આઇ.જી.એ અભિનંદન પાઠવ્યા હતા. બે આરોપી નશામાં ૧.૪૭ લાખ રોકડા ટેકસીમાં ભૂલી ગયા હતા. મળતી વિગત મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી સંજય બાબુ અને વિજય રામુ દોઢ માસ પહેલા જામનગરથી ગોંડલ જવા ટેકસી ભાડે કરી હતી. દારૂના ચિક્કાર નશામાં ટેકસીમાં બેઠેલા બન્નો શખ્સોને ગોંડલ ઉતારીને પરત જામનગર પહોંચેલા ટેકસી ચાલકને પાછળની સીટમાંથી ૧ લાખ ૪૭ હજાર રોકડ સહિત થેલી મળી હતી. મુસાફરને ઓળખતો ન હોવાથી તેણે એ રકમ જામનગરના ચોકકસ પોલીસ મથકમાં જમા કરાવી હતી. થેલાની તપાસમાં ટેકસી ચાલક પાસે આવેલા આરોપી વિજય બાબુને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ આ રકમ શેઠ પાસેથી ઉપાડ પેટે લીધી હોવાનું જણાવી પોલીસને મૂર્ખ બનાવી હતી. આરોપીએ પોતાનું નામ પણ ખોટું લખાવ્યું હોવાનું જાણવા મળે છે. જામ બંગલામાંથી ચીજ વસ્તુઓની ચોરી કરનાર તસ્કર ગેંગના એક આરોપીને દોઢ માસ પૂર્વે ૨૮ નવેમ્બરના રોજ રોકડા રૂ. ૧ લાખ ૪૭ હજાર સાથે પોલીસે ઝડપી લીધો હતો. પરંતુ આટલી મોટી રકમ કયાંથી આવી તે અંગે મોઢું નહીં ખોલાવી શકતા કરોડોની ચોરીનો ભેદ અકબંધ રહ્યો હતો.
બે ફરાર આરોપીઓ પાસે ચારેક કરોડના ઘરેણાં હોવાની શંકા
પકડાયેલા આરોપીઓનો પાંચમો ભાઇ અજય રામુ અને સાગરીત વિજય ચંદુ (મૂળ પોરબંદર) હજુ ફરાર છે. અજય પાસે ત્રણથી ચાર કરોડ રૂપિયાની કિંમતના ૧૦ કિલો ઘરેણાં હોવાનું બહાર આવતા બન્નો શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકામાં નિવૃત પ્રાથમિક શિક્ષકોને વસુલાતની નોટીસ... !! :ઉગ્ર વિરોધ

દ્વારકા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોને રજા-પગારના મામલે રૂ.૧૫ થી ૫૫ હજારની વસુલાતની નોટીસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે. નોટીસ ગેરકાનૂની હોવાનું જણાવી શિક્ષકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. તાલુકામાં છેલ્લા પાંચેક વર્ષથી નિવૃત થઇ માત્ર પેન્શનની રકમમાંથી પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા પ્રાથમિક શિક્ષકો પૈકી કેટલાક શિક્ષક ભાઇઓ-બહેનોને જિલ્લા શિક્ષણાધિકારીની સુચના અનુસાર દ્વારકા તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂ.૧૫ હજારથી ૫૫ હજાર સુધીની રકમ વસુલ કરવાની નોટીસો આપવામાં આવી છે. વર્ષ-૨૦૦૩-૦૫ના ઓડીટ અહેવાલ પ્રમાણે નિવૃતિ પૂર્વે ૧૫૦ દિવસની મર્યાદામાં રજાના રૂપાંતરીત પગાર ચુકવવાના બદલે ૩૦૦ દિવસની રજાનો પગાર ચૂકવાયો હોય વસુલાતનો પ્રશ્ન ઉભો થયો છે. આ નોટીસ મળતાં નિવૃત પ્રાથમિક શિક્ષકોમાં આશ્ચર્ય સાથે ખળભળાટ મચી ગયો છે. રોષે ભરાયેલા શિક્ષકોએ રજૂઆત કરી છે કે, પગારની રકમ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરી ચૂકવવામાં આવી છે. જેમાં તેમની કોઇ કસૂર નથી.

પોરબંદર : પ્રેમ સંબંધમાં પરિવારો વચ્ચે બઘડાટી

પરિણીતનો પ્રેમ ધોકા ઉલાળવા સુધી પહોંચી ગયો હતો. જેમા બે મહિલાઓને ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પતિના આડા સબંધને લઇને પત્નીએ અન્ય મહિલાને ધોકાવી ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી તો સામા પક્ષે પરિણીતાને ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ છાંયા મહેર બોર્ડિંગ પાસે રહેતા રંજનબેન કેશુભાઇ બાપોદરા નામના પરિણીતાના પતિને આ જ વિસ્તારમાં રહેતા મનિષાબેન કમલેશભાઇ ઓડેદરા સાથે સબંધ હોવાના કારણોસર કમલેશભાઇ ભુરાભાઇ ઓડેદરા અને મનિષાબેને રંજનબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો તો સામા પક્ષે મનિષાબેન કમલેશભાઇ ઓડેદરા નામની પરિણીતાએ એવી ફરીયાદ નોંધાવી હતી કે રંજનબેને તેમને બોલાવીને તેવું કહ્યું હતું કે તુ મારા ઘરવાળાને રાખીને બેઠી છે તેમ કહીને રંજનબેન, અરભમભાઇ, વેજાભાઇ ઓડેદરા, કેશુ ચના ઓડેરાએ એક સંપ કરીને મનિષાબેનના માથાના ભાગે લાકડાનો ધોકો ઝીંકી દીધો હતો. આ બઘડાટીમાં ઇજાગ્રસ્ત બનેલી બન્ને મહિલાઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પત્નીઓથી છોડાવો: પતિઓની રાવ

અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા સોમવારે રાજકોટ કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગ કરી હતી કે, પોલીસના વુમન સેલ બંધ થાય અને સ્ત્રીધનના નામે લૂંટ પર નિયંત્રણ મુકાય, પતિ-પત્નીના ઝઘડામાં અન્ય સગા-સંબંધીઓને ફસાવવામાં ન આવે, પત્નીની ખોટી ફરિયાદ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, છૂટાછેડાની પ્રક્રિયા આસાન બનવી જોઈએ. આવેદનપત્ર પાઠવવા હાજર રહેલાં પત્ની પીડિતોએ તેમને થતી પરેશાની અંગે દિલ ખોલીને વાતો કરી હતી

જૂનાગઢમાં ગૌમાંસ રાંધીને જમાડી દીધા ?

જૂનાગઢ શહેરમાં સુખનાથ ચોક પાસે એક જ્ઞાતિની વાડીમાં ગૌમાંસ રંધાયાની આશંકા દર્શાવતો એક ફોન મળ્યા બાદ પોલીસે તપાસ કરી હતી. જોકે, ઘટનાસ્થળે જમણવાર પૂરો થઇ ગયો હોઇ પોલીસે વધેલી મટન બિરયાનીમાં ગૌમાંસનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે એફ.એસ.એલ. ને જાણ કરતાં માંસના નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલાયા હતા.

હોટેલમાં ૩૩ યુવક અને યુવતીને બાનમાં રખાયા

જાણીતી મોબાઇલ કંપનીના નામે ફ્રેન્ચાઇઝી લીધી હોવાના બહાને એક ચીટરે સંખ્યાબંધ યુવક-યુવતીઓને ટ્રેનિંગ માટે શહેરની ભાગોળે આવેલી હોટેલમાં બોલાવ્યા હતા. થોડા દિવસ બાદ ચીટર હોટેલનું બિલ ભર્યા વગર પોબારા ભણી ગયો હતો. જેથી ટ્રેનિંગ લેવા આવેલા યુવક-યુવતીઓને હોટેલ સંચાલકે રૂમમાં પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં સાચી હકીકત બહાર આવતા હોટેલના સંચાલકોએ યુવક-યુવતીઓને જવા દેવાયા હતા.

હોટેલમાં ૩૩ યુવક અને યુવતીને બાનમાં રખાયા

જાણીતી મોબાઇલ કંપનીના નામે ફ્રેન્ચાઇઝી લીધી હોવાના બહાને એક ચીટરે સંખ્યાબંધ યુવક-યુવતીઓને ટ્રેનિંગ માટે શહેરની ભાગોળે આવેલી હોટેલમાં બોલાવ્યા હતા. થોડા દિવસ બાદ ચીટર હોટેલનું બિલ ભર્યા વગર પોબારા ભણી ગયો હતો. જેથી ટ્રેનિંગ લેવા આવેલા યુવક-યુવતીઓને હોટેલ સંચાલકે રૂમમાં પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં સાચી હકીકત બહાર આવતા હોટેલના સંચાલકોએ યુવક-યુવતીઓને જવા દેવાયા હતા.

આઇએએસ પ્રદિપ શમૉ આખરે સસ્પેન્ડ

ભાવનગરના મ્યુનિસપિલ કમિશનર પ્રદિપ શમૉને આખરે સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા છે. રાજય સરકારે તેમના સસ્પેન્શનની પ્રક્રિયા ૨૪ કલાકમાં પુરી કરી છે. તેઓ કચ્છ જિલ્લાના જમીન કૌભાંડમાં સંડોવાયેલા છે અને સીઆઇડી ક્રાઇમે તેમની ધરપકડ કરી છે.

ભાવનગરના મ્યનિસપિલ કમિશનર તરીકે ફરજ બજાવતા અને ૧૯૫૫માં જન્મેલા પ્રદપિ શમૉ ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસમાં ગુજરાત કેડરના ઓફિસર તરીકે સિલેકટ થયા હતા અને ૧૯૯૪ની બેચમાં આઇએએસ તરીકે નોમિનેટેડ થયા છે. કચ્છ અને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે તેઓએ ફરજ બજાવેલી છે.

સનદી અધિકારીની ચાલુ નોકરીએ ધરપકડ કરવાની હોય તો પોલીસે તેની જાણ સરકારને કરવાની હોય છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રીએ સીઆઇડી ક્રાઇમને એવી સૂચના આપી હતી કે પ્રદપિ શમૉ જો દોષિત લાગતા હોય તો કોઇપણ રાજકીય દબાણ વિના તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. એ પછી સીઆઇડીના ઓફિસરોએ પ્રદિપ શમૉના ભાવનગર સ્થિત નિવાસસ્થાને છાપો મારીને એરેસ્ટ કરી હતી.

રિમાન્ડ પુરા થતાં તેમને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. સોમવારે રાજય સરકારે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી કેન્દ્ર સાથે પરામર્શ કર્યો હતો અને મંગળવારે સાંજે તેમને સસ્પેન્શનનો ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે. કચ્છની ૭૦ કરોડની જમીન અસરગ્રસ્તોને આપવાને બદલે બિન લાભાર્થીઓને આપી દેવાનો આરોપ આ ઓફિસર સામે મૂકવામાં આવ્યો છે.

૧૫મીએ સૂર્યગ્રહણ : મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર

- સોમનાથ મહાદેવ ખાતે પ્રાત:, મધ્યાહ્ન આરતી નહીં થાય, સાંજે શુદ્ધિકરણ થશે
- પ્રખ્યાત ભદ્રકાળી માતાજી મંદિર સવારે ૮થી સાંજે ૫ સુધી બંધ રહેશે
- ગ્રહણ સ્પર્થથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ થશે

તા.૧૫મીએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. જેના લીધે રાજયભરના અનેક મંદિરોના દર્શનનાં સમયમાં ફેરફાર થયો છે અને મંદિર સવારે વહેલા બંધ થઇ જશે. જે સાંજે શુદ્ધિકરણ વિધિ બાદ ખુલશે. રાજયના સોમનાથ જયોતિર્લિગ ખાતે પ્રાત: અને મધ્યાહ્ન આરતી નહીં થાય તો અનેક ભકતો ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન ધૂન-ભજન-જપ-તપ કરશે.

પ્રસિદ્ધ તીર્થધામ, જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે સૂર્યગ્રહણને કારણે પ્રાત:આરતી જે સવારે ૭ વાગ્યે થાય છે તે અને મધ્યા«ન આરતી જે બપોરે૧૨ વાગ્યે થાય છે, તે બંધ રહેશે અને કોઇ પૂજા વિધિ થઇ શકશે નહીં. સાંજે ૪ વાગ્યે મંદિરનું શુદ્ધિકરણ કરાશે અને ભગવાનને વિશિષ્ટ પૂજન-અર્ચન કરવામાં આવશે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે, એમ સોમનાથ ટ્રસ્ટના ડેપ્યુટી મેનેજર વજિયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

શહેરના કુળદેવી ગણાતા ભદ્રકાળી માતાજીનું મંદિર ખાતે દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું કે કંકણાકૃતિ સૂર્યગ્રહણને સવારે ૭ વાગ્યે આરતી થયા બાદ સવારે ૮ વાગ્યાથી મંદિર બંધ રહેશે અને ગ્રહણ મોક્ષ થયા બાદ માતાજીને વિશિષ્ટ પૂજન-વિધિ બાદ સાંજે ૫ વાગ્યા પછી મંદિર ખુલશે અને ત્યારબાદ રાબેતા મુજબ રાત્રિ સુધી દર્શન થશે.

સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે સૂર્યગ્રહણને કારણે તા.૧૫મીએ ગ્રહણ સ્પર્શથી મોક્ષ દરમિયાન સામુહિક ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સૂર્યગ્રહણ નિમિત્તે તા.૧૫મીએ સમયમાં ફેરફાર કરાયો છે. સવારે ૯ વાગ્યે દર્શન બંધ થશે. જે સામાન્ય રીતે ૧૨ ખુલ્લુ રહેતુ હોય છે પરંતુ ગ્રહણને કારણે બંધ રહેશે અને સાંજે ૫ વાગ્યે મંદિર ખુલશે. જયારે વ્રજધામ-સેટેલાઇટ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ, વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહારાજની નશિ્રામાં ગ્રહણ સમયે ભગવદ્ નામ સંકીર્તન અને જાપ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉપસ્થિત રહી દર્શન-જાપનો લાભ લેશે.

ગૃહમંત્રીના રાજીનામાનો પ્રશ્ન નથી : રાજ્ય સરકાર સોરાબુદ્દીન કેસમાં તપાસ એજન્સી બદલાઇ છે,ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે:જયનારાયણ વ્યાસ

ગુજરાતની એજન્સીઓમાં રાજય સરકારને વિશ્વાસ હોવાથી સોરાબુદ્દીન પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ન હતી તેવા પ્રત્યાધાત આપી સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશનું પાલન કરાશે. આ કેસમાં ન્યાય આવવાનો બાકી છે, સીબીઆઇને તપાસ સોંપવાનો હુકમ એ ન્યાયીક પ્રક્રિયાનો ભાગ છે તેથી વિપક્ષે હરખાવાની જરૂર નથી.

સોરાબુદ્દીન કેસની તપાસમાં સુપ્રિમ કોટેં આપેલા જજમેન્ટનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે. વિપક્ષના નેતાઓ રાજયકક્ષાના ગૃહમંત્રીનું રાજીનામું માગે છે તે અકલ્પનિય બાબત છે. વ્યાસે કહ્યું કે રાજય સરકારે પ્રથમ તો તેની પોતાની તપાસ એજન્સીઓ ઉપર વિશ્વાસ મૂકવો જોઇએ. જો આ તપાસ પહેલેથી સીબીઆઇને સુપરત કરવામાં આવે તો સ્થાનિક
એજન્સીઓના મોરલ ઉપર અસર થાય.

વપિક્ષને તો તેના પડછાયામાં ભૂત દેખાય છે તેવો શબ્દપ્રયોગ કરી પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઇના રાજીનામાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કાર્યદક્ષ એજન્સીઓ ઉપર સરકારને ટ્રસ્ટ છે પણ કોઇ પક્ષકારને એવું લાગે તો તે વાંધો ઉઠાવી શકે છે. રાજય સરકારે આ કેસમાં કંઇ છુપાવ્યું નથી કે છુપાવવા માગતી નથી. ન્યાયની પ્રક્રિયામાં બીજી એજન્સીને તપાસનું કામ સોંપવાથી સરકાર ઉપર દોષારોપણ થઇ શકે નહીં.

મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી : પ્રિયા દત્ત

મનસેનો આડકતરો ઉલ્લેખ કરતાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી અને સાંસદ પ્રિયા દત્તે આજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને દેશના કોઇપણ રાજ્યના લોકોને ત્યાં વસવાનો, કામ કરવાનો અને રોકાવાનો બંધારણીય હક્ક છે.


બિહારમાં બેગુસરાઇ અને ખગારી લોકસભા બેઠકો યુથ કોંગ્રેસ દ્વારા મેમ્બર બનાવવાની પ્રક્રિયાને ખુલ્લી મુકતા પ્રિયા દત્તે જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્ર કોઇની ખાનગી મિલકત નથી અને લોકોને ત્યાં રહેવાનો બંધારણીય અધિકાર છે."


જોકે, દત્તે આ પ્રસંગે અવારનવાર એન્ટી બિહારી નિવેદનો કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અથવા તેના સુપ્રીમો બાલ ઠાકરેનું પ્રત્યક્ષ રીતે નામ નહોતું લીધું.


કોંગ્રેસ જ્યારે સત્તા પર આવે ત્યારે ભાવ વધે છે તેવી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની કોમેન્ટનો જવાબ આપતા દત્તે જણાવ્યું હતું કે ભાવવધારો ખેડુતોને આપવામાં આવતી સબસીડીને આભારી છે. ખેડુતોને આપવામાં આવેલી વધારાની સબસીડીને લીધે ભાવવધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

હમ દીલ દેને કો ભી તૈયાર: મોદી - નિફ્ટના સમારોહમાં નરેન્દ્ર મોદી ખીલી ઉઠ્યા - કામ કરને મે જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ

ગુજરાતના મુખ્યમંત્રીએ હિન્દી ભાષામાં તેમના અલગ અંદાજથી નિફ્ટ સંસ્થાના સ્ટુડન્ટ્સને ખુશખુશાલ કરી દીધા હતા. અડવાણી અને કેન્દ્રીય મંત્રી મારનની ઉપસ્થિતિમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે જયાં વર્ષે સાત ટન ગોલ્ડ ઉત્પાદન થાય છે. વિશ્વમાં પહોંચતા ૧૦ ડાયમન્ડ પૈકી નવ ઉપર એક ગુજરાતીનો હાથ ફરેલો છે. ચાહે તે ડાયમન્ડ રાજા-મહારાજાએ પહેર્યો હોય કે કોઇ હિરોઇને...!!

નિફ્ટ સંસ્થાએ તેના નવા પ્રોજેકટો માટે વધારે ૧૦ એકર જમીનની માગણી કરી હતી તેનો પ્રવચનમાં જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે ડિઝાઇનમેં કામ કરનેવાલે મેરે મિત્રો કો મેં કહેના ચાહતા હું કી જમીન કયા ચીજ હૈ, હમ તો દિલ ભી દેને કો તૈયાર હૈ...!! તેમનો સંદર્ભ વધારે જમીન આપવાનો હતો.

નિફ્ટને ગાંધીનગરમાં મફતમાં અબજો-ખરબોની જમીન આપી છે. વધારાની માગણી આવી તે જમીન પણ અપાશે. તમે યોજના લાવો હું તમામ મદદ કરીશ. હું અહીં જોઉં છું કે નિફ્ટના સ્ટુડન્ટ્સના બેસવાના, ફરવાના અને ઉઠવાના ઢંગ અલગ છે. નિફ્ટ અને એનઆઇડી એવી સંસ્થાઓ છે કે જેમની એક અલગ પહેચાન છે. કપડાં પહેરવાની પદ્ધતિ પણ જુદી છે છતાં મારા આદિવાસી સમાજની બહેનોને નિફ્ટમાં કામ કરવાની તક મળી છે તે કલ્પના પણ કરી ન શકાય તેવી બાબત છે.

ફેશનમાં ભારત વિશ્વ-લીડર : નિફ્ટના ડેવલપમેન્ટ માટે જમીનની માગણી કરતા કેન્દ્રીય મંત્રી મારન: પ્રાચીન સાથે આધુનિકનો મેળ કરવો જોઇએ: મુખ્ય મંત્રી

ફેશન ડિઝાઇનમાં ભારત સમગ્ર વિશ્વમાં લીડર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કેન્દ્રીય કાપડ મંત્રી દયાનિધી મારને કહ્યું હતું કે હાલ ૧૩ કેન્દ્રોમાં ફેલાયેલી નિફ્ટની શાખાઓનો વિસ્તાર કરવાનું આયોજન છે અને વધુને વધુ રાજયોમાં શાખાઓ ઉભી કરવાની મંજુરી આપવામાં આવી રહી છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)ના ગાંધીનગર સંકુલમાં નવ નિર્મિત કન્યા છાત્રાલય, ઓડિટોરિયમ તેમજ અતિથિ ગૃહના ઉદ્દધાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના જોધપુર, બિહારના પટના, ઓરિસ્સાના ભૂવનેશ્વર, પંજાબના મોહાલી અને તામિલનાડુના કોઇમ્બતૂરમાં નિફ્ટની પાંચ શાખાઓ ખોલવા નું આયોજન છે. મારને ગુજરાત સરકારની વિકાસ યોજનાઓ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કયૉ હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરના સાંસદ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે સમગ્ર દેશમાં નિફ્ટનું એકમાત્ર ગાંધીનગરનું સેન્ટર એવું છે કે જયાં જવેલરી ડિઝાઇનનું કામ થાય છે. મને જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવવાનો બે વખત મોકો મળ્યો છે. ૧લી જાન્યુઆરીએ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ મહોત્સવમાં હું આવ્યો હતો અને આજે ૧૨મી તારીખે સ્વામી વિવેકાનંદના જન્મદિને સહભાગી થયો છું. ગુજરાત એ દેશમાં ઝડપથી વિકસતું રાજય છે. દેશના રાજકારણમાં નરેન્દ્ર મોદી રોલ મોડલ તરીકે ઉભરી રહ્યાં છે ત્યારે નિફ્ટનું ગાંધીનગર સેન્ટર ભારતમાં રોલમોડલ બને તેવા મારા આશીવૉદ છે. નિફ્ટના નવા ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં નિફ્ટના વિકાસ માટે વધારાની જમીન આપવાની દરખાસ્ત સ્વીકારી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં ડાયમન્ડ જવેલરીનું માર્કેટ ઉભું થઇ શકે તેવી સ્કીલ પડેલી છે. વિશ્વના બજારમાં ડિઝાઇનનું આઉટસોર્સિગ કરવાથી નવયુવાનોને વૈશ્વિક તકો મળશે. રાજયમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં બહેનો પાસે અદ્દભૂત ક્ષમતા પડેલી છે. નિફ્ટમાં તેનો ઉપયોગ શરૂ થયો છે.
ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં ચેલેન્જનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે આપણે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જીવન વ્યવસ્થામાં કેવી રીતે બદલાવ લાવવો તેના માટે સંશોધનો કરવાની આવશ્યકતા છે. આઝાદી પહેલાં ખાદી ફોર નેશનનું સૂત્ર હતું પરંતું પોરબંદરમાં નિફ્ટના સ્ટુડન્ટ્સની પરેડ પછી મેં ખાદી ફોર ફેશનનું નવું સૂત્ર આપ્યું છે અને તેને આ વિધ્યાર્થીઓએ ઉજાગર કયું છે. મારી આ સંસ્થાના વિધ્યાર્થીઓને એટલી જ વિનંતી છે કે સ્થળ, કાળ અને સ્થિતિ જોઇને તેમની ચીજવસ્તુ બજાર મૂકે અને ફેશન ડિઝાઇનને વિશ્વમાં મશહૂર બનાવે. ગાંધીનગર સ્થિત નિફ્ટ સંસ્થામાં કન્યા છાત્રાલયને નર્મદા અને તાપી, ભોજનાલયને ફ્યુઅલ સ્ટેશન, ગેસ્ટ હાઉસને ગુલમહોર અને ઓડિટોરિયમને તાના-રીરી નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિફ્ટના ડાયરેકટર જનરલ રાજીવ ટકરૂ ઉપસ્થિત હતા.

12 January 2010

ભારત-શ્રીલંકા વચ્ચે ફાઈનલ

ત્રિકોણીય શ્રેણીમાં જીતની હેટ્રિક નોંધાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા બુધવારના રોજ શ્રીલંકા સામે ફાઈનલ રમશે. આમાં ભારતીય ટીમ મનોવૈજ્ઞાનિક રીતે આગળ છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકાને ભારતમાં રમાયેલી શ્રેણીમાં હરાવ્યું હતું. હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં પણ ભારતે શ્રીલંકાને મજબૂત લડત આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી પાંચ શ્રેણીના પરિણામોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે શ્રીલંકાની ધરતી પર રમાયેલી શ્રેણી સહિત ભારત શ્રીલંકા સામે સતત ચાર શ્રેણી જીતી ચૂક્યું છે.
ટોસની ભૂમિકા : આં મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા ઈચ્છશે કેમ કે બાદમાં ઝાકળના કારણે બોલિંગ ઘણી મુશ્કેલ સાબિત થશે.
સેહવાગનું પુનરાગમન નક્કી : આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પુરાગમનથી ભારતીય બેટિંગ લાઈન વધારે મજબૂત થશે. ગૌતમ ગંભીર સાથે મળીને ઓપનિંગની શરૂઆત કરનાર દિનેશ કાર્તિકને ટીમની બહાર બેસવું પડશે.

11 January 2010

ચીને લદાખનો મોટો હિસ્સો કબજે કર્યો

વાસ્તવિક નિયંત્રણ રેખાથી ભારતની પીછેહઠ થઈ હોવાનું સત્તાવાર અહેવાલમાં સ્વીકારાયું

ચીને છેલ્લા બે દાયકા દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા લદાખના એક મોટા હિસ્સા પર કબજો જમાવી દીધો હોવાનું એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. જમ્મુ-કાશ્મીર સરકાર, ગૃહ મંત્રાલય અને લશ્કરના અધિકારીઓની ઉપસ્થિતિ વાળી એક બેઠક તાજેતરમાં લેહમાં મળી હતી. જેમાં કબૂલાત કરાઇ હતી કે વિવિધ એજન્સીઓ દ્વારા આ વિસ્તારના તૈયાર કરાયેલા નકશાઓમાં ભિન્નતા છે અને આ વિસ્તારના નકશાઓને યોગ્ય રીતે તૈયાર નથી કરાયા. આ બેઠકમાં એ સ્પષ્ટતા અને કબૂલાત થઇ હતી કે એલએસીમાંથી આપણે પાછા હટી રહ્યા છીએ, ઘણા લાંબા સમયથી આપણો વિસ્તાર સંકોચાઇ રહ્યો છે.