visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : સગાભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો
રાજકોટ શહેરના જામનગર રોડ,સંજયનગર-૨મા રહેતા સુરેશ નાનજીભાઇ ડોડીયા પર તેનાંજ નાના ભાઇ વિજયે લોખંડના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઘવાયેલા સુરેશના જણાવ્યા મુજબ નાના ભાઇને ઘરમા આવવાની ના પાડી હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ- મોરબી રોડ પર કાગદડી ગામ નજીક અકસ્માત
કાર ચાલકે પિતા-પુત્રને ઠોકરે લેતા પિતાનો પગ કપાઇ ગયો
રાજકોટ મોરબી રોડ પર કાગદડી ગામ નજીક સવારે ૧૦ વાગ્યે બાઇક સવાર પિતા,પુત્રનેકારના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા પિતા,પુત્ર પૈકી પિતાનો એક પગ કપાઇ ગયો હતો. અકસ્માત સર્જનાર કારમાં માળીયાના ફોજદાર પરમાર બેઠા હતા.કાગદડલ ગામે રહેતા અને મગફળીની દલાલી કરતા ચંદુભાઇ નાથાભાઇ ચૌહાણ (ઉ.વ.પ૦) આજે તેના પુત્ર દપિક (ઉ.વ.૧૮) સાથે બાઇકમાં જઇ રહ્યા હતા ત્યારે જીજે ૩ સીએ ૨૯૩૦ નંબરની કારના ચાલકે બાઇકને અડફેટે લેતા ચંદુભાઇ અને તેના પુત્રને ઇજા થઇ હતી.અકસ્માતમાં ચંદુભાઇનો પગ કપાઇ ગયો હતો. મળતી વિગતો મુજબ, માળીયાના ફોજદારને ગોંડલ કોર્ટમાં મુદત હોવાથી તે હાઇ-વે ઉપર ઉભા હતા. અને ઉપરોકત કારમાં લીફ્ટ લઇને રાજકોટ આવવા બેઠા હતા. એ કારના ચાલકે જ અકસ્માત સર્જયો હતો.
મેઘાણીનગર :ચાલુ કોર્ટે ભાગી જનારા કોર્પોરેટરને બે હજારનો દંડ
મેઘાણીનગરના હાલના ભાજપના કોર્પોરેટર બિપીન પટેલ ચાલુ કોર્ટે બહાર જતા રહેતાં સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ બે હજારનો દંડ કર્યો હતો. સાથેસાથે બાંયધરીરૂપે ૧૦ હજારના બોન્ડ લેવાયા હતા. ગુલબર્ગકેસના મહત્વના સાક્ષી ઝકિયા જાફરીની જુબાની સમયે રિસેસ બાદ બિપીન પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે ગેરહાજરીને ગંભીરતાથી લઈ આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું. જોકે પાછળથી દંડ કરાયો હતો.આઠ મહિનાની સતત મુદત બાદ ઝકિયા જાફરી ૨૨મી ઓક્ટોબરે જુબાની આપવા હાજર રહ્યાં હતાં. નિયમ મુજબ કેસ દરમિયાન દરેક આરોપીએ કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત છે. ઝકિયાની જુબાની વખતે સવારના સેશનમાં બિપીન પટેલ હાજર રહ્યા હતા. જોકે રિસેસ બાદ તેઓ પોતાના વકીલ કે કોર્ટનું ધ્યાન દોર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. બીજા સેશનમાં કોર્ટને આ ગેરહાજરી ધ્યાન ઉપર આવી હતી. કોર્ટે ગેરહાજરીને ગંભીર ગણી બિપીન પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. જોકે પાછળથી તેને દંડ ફટકારાયો હતો.
સી.બી.આઇ. ના દરોડામાં ૩ ટીસી સસ્પેન્ડ
રેલવે તંત્રમાં દિવાળી જેવા તહેવારોમાં દર વર્ષે ટિકિટ ચેકરો બેરોકટોક કાળાબજાર કરે છે. આવા કૌભાંડી ટીસીઓ પર શનિવારે સીબીઆઇ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવેની ટિકિટોના કાળાબજાર કરતાં ટિકિટ ચેકરોને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સીબીઆઇ દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં.ઓગસ્ટ ક્રાંતિમાં રેલવેના ચેકરો દ્વારા પ્રત્યેક ટિકિટ પર રૂ.૨૦૦૦ થી રૂ.૫૦૦૦નો તોડ કરવામાં આવતો હોવાનું સીબીઆઇના દરોડામાં ઝડપાયું છે. સીબીઆઇ દ્વારા ત્રણ જેટલા રેલવે ટીસીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં (૧) એન.કે. ચાવલા (૨) આર.પી. સિંહા (૩) એ.કે.સિંઘનો સમાવેશ થાય છે. દિલ્હીથી મુંબઇ તરફ જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સીબીઆઇના અધિકારીઓ બરોડાથી ચેકિંગ શરૂ કરતાં ટીસીઓના કાળા કરતૂતો રંગેહાથ ઝડપાયા હતા.
મુઝે ક્રિકેટ મેં ઇન્વેસ્ટ કરના હૈ: ધોની
‘ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ટેસ્ટ અને વન-ડે બંને માં કારમો શ્રેણી પરાજય આપવાની સફળતાથી હું ખૂબ જ ખુશ છું. સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે.’ એવા વાક્યો મહેન્દ્રસિંહ ધોનીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ઉચ્ચાર્યા હતા.ઓસ્ટ્રેલિયા સામે મળેલી સફળતા ભારતીય ક્રિકેટ ઈતિહાસની પ્રથમ અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સફળતા એ અવિરત પ્રક્રિયા છે અને ભારતીય ટીમ આવનારા દિવસોમાં પણ આવી જ ઝળહળતી સફળતાના નવા સિમા ચિન્હો સ્થાપિત કરવા કટિબદ્ધ છે.
ભાવનગર : સરકારી ફાઈલો ધૂળ ખાતા મ્યુ. કમિશનર રોષે ભરાયા
ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણી દરમિયાન વિકાસ કાર્યો સ્થગિત થઈ ગયા હોય તેમ સરકારની પણ અનેક ફાઈલો ધૂળ ખાતી હતી જે માટે કમિશનરે તમામ વિભાગના અધિકારીઓની મિટિંગ બોલાવી તાત્કાલિક ફાઈલોનો નિકાલ કરવા સુચના આપી હતી.મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ પરંતુ હજુ સુધી મહાપાલિકાને કળ વળતી નથી. મ્યુ. કોર્પો.ની કચેરીમાં શુષ્ક વાતાવરણ લાગે છે. અધિકારીઓ-કર્મચારીઓમાં પણ દિવાળી અગાઉ રજાના માહોલમાં ટહેલતા જોવા મળે છે.
ભાવનગર : ચૂંટણીનો જંગ જીતનાર કુદરત સામે હારી ગયા
પાલિતાણાના લીલુવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ વલ્લભભાઇ બારડ (ઉં.વ.૪૮) પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૨માંથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. આમ તો તેઓ ડમી ઉમેદવાર હતા. મૂળ ઉમેદવાર દિલીપભાઇ બારડ હતા પણ તેમનું ફોર્મ રદ્દ થતાં ભરતભાઇ ઉમેદવાર બન્યા હતા.તા.૨૩ શનિવારે ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેઓ વિજેતા જાહેર થતાં તેમના પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી હતી. પણ ન જાણ્યું જાનકીનાથે કે આવતીકાલે સવારે શું થવાનું છેની ઉક્તિને સાર્થક કરતા જાણે આ અકલ્પનિય વિજય ન જીરવાયો હોય તેમ રવિવારે તીવ્ર હાર્ટએટેક આવતાં તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતાં ઘડી પહેલા જ્યાં જીતના વિજયની ખુશી હતી ત્યાં માતમ ફેલાઇ જવા પામ્યો હતો.
ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપના વિજયસરઘસ નીકળ્યાં
ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપે વિજય મેળવ્યા બાદ સોમવારે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. મંત્રી અને ધારાસભ્યના હસ્તે ઉમેદવારોનું સન્માન કરાયું હતું.પ્રારંભે ભાજપ કાર્યાલયેથી કાર્યકરોની વિશાળ હાજરી વચ્ચે ચૂંટાયેલા સભ્યોની શોભાયાત્રા નીકળી હતી.કચ્છમંત્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, ગત ટર્મના જિ.પં. પ્રમુખ જીવાભાઇ શેઠ સહિતના અગ્રણીઓના હસ્તે ઉમેદવારોનું સન્માન કરાયું હતું.કચ્છીમંત્રી વાસણભાઇએ જણાવ્યું કે, કાર્યકરોની મહેનત રંગ લાવી છે. તેમણે પ્રજાના ચૂકાદાને શિરોમાન્ય ગણ્યો હતો. મહામંત્રી અરજણભાઇ રબારીએ કોંગ્રેસ પક્ષનો આડે હાથે લીધો હતો. પૂર્વ સાંસદ હરીભાઇને ગુંડાઓના સરદાર કહ્યા અને કોંગ્રેસે દુકાનો બંધ કરી દેવી જોઇએ તેવો કટાક્ષ કર્યો હતો.
રાહુલ વિરુદ્ધ સેનાની સહી ઝુંબેશ સામે કોંગ્રેસનો વિરોધ
આ સહીઝુંબેશ શિવસેના નાસીપાસ થઈ હોવાનો સંકેત આપે છે. તેની પાસે કોઈ મુદ્દા નથી આથી આવાં ગતકડાં કરે છે, એમ કોંગ્રેસના વિધાનસભ્ય કૃષ્ણા હેગડેએ જણાવ્યું હતું. બિહારમાં રાહુલે મુંબઈ અને મહારાષ્ટ્રમાં થયેલા વિકાસ વિશે વાતો કરી હતી, જેમાં સર્વ સમુદાયોનું યોગદાન છે. સેના તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરીને અપપ્રચાર કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.હેગડે પાલૉ વિધાનસભામાંથી ચૂંટાઈ આવ્યા હતા.
ઘાટકોપર : હોસ્પિટલે ‘મૃત’ જાહેર કરેલી વ્યક્તિ જીવિત થતા આશ્ચર્ય
ઘાટકોપરના સાવિત્રી નગર ફુલે વિસ્તારમાં રહેતા ઠાકુર પરિવારને આશ્ચર્યનો આઘાત લગાવતી ઘટનાથી અનેકનાં ભવાં ઊંચકાયાં છે. સાયન હોસ્પિટલના સત્તાવાળાઓએ ઠાકુરનું ૨૫ ઓગસ્ટે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પંતનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઠાકુરની સ્ત્રીમિત્ર શારદાએ તેના ભાઈ બાબુ વિજયકરની સારવાર કરાવવા માટે ઠાકુરના નામનો ઉપયોગ કર્યો હતો એવું બહાર આવ્યું હતું.બાબુને દારૂ અને ડ્રગનો નશો કરવાની લત હતી અને તે અગાઉ હોસ્પિટલમાંથી અનેક વાર ભાગી ગયો હતો.જોકે ૧૭ ઓગસ્ટે બાબુની તબિયત વધુ પડતી લથડી હતી અને શારદાને ખાતરી હતી કે બાબુ અનેક વાર હોસ્પિટલમાંથી ભાગી ગયો હોવાને કારણે આ વખતે હોસ્પિટલવાળા તેને સારવાર માટે દાખલ કરશે નહીં. આથી તેણે બાબુને ઠાકુરના નામનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો.
આણંદ ઓનેસ્ટ ડેરીમાં દરોડો માવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત
આણંદ શહેર પીઆઇ ડી.એસ.વાઘેલાના જણાવ્યાં મુજબ ઔરંગાબાદમાં પોલીસે અખાદ્ય માવાનો જથ્થા સાથે કેટલાક ઇસમોને ઝડપી લીધાં હતાં. જેઓની તપાસમાં સંજયસીંગ પાલ અને ગોપાલસીંગ પાલ આ માવાનો જથ્થો આણંદ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટે ડેરી પ્રોડેકટ્સમાંથી લાવતા હોવાની કબુલાત કરી હતી.આધારે ઔરંગાબાદ પોલીસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક એ.કે.જાડેજાને જાણ કરતાં તેઓની સૂચના આધારે પીઆઇ ડી.એસ.વાઘેલા તેમજ સ્ટાફના માણસોએ મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ ઉપરથી ૧૦૨ કિલો માવો હાથમાં આવ્યો હતો.
મહેસાણા : બે વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવી માતાનો આપઘાતનો પ્રયાસ
મહેસાણામાં બહુચરાજી તાલુકાના કનોડા ગામે આવેલા ઈન્દીરાનગરમાં રહેતા અશ્વિનભાઈ રાવળ રિક્ષા ચલાવીને ત્રણ બાળકો અને પત્નીનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેમની પત્ની નીતા ઘરે હાજર હતી તે સમયે ત્રણ બાળકો પરેશાન કરતા હોઈ તેની બે વર્ષની પુત્રી જાનકીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મહેસાણાની એક દવાની દુકાનમાંથી તેણીએ ઉધઈ મારવાની દવા ખરીદી હતી અને રસ્તા પર જ કેટલીક દવા પીધા બાદ બાકીની પોતાની પુત્રી જાનકીને પીવડાવી હતી. ગણતરીના સમયમાં બન્નેની હાલત ગંભીર બની જતાં નીતાબેને પતિ અશ્વિનભાઈને ફોન કરીને બનાવ અંગે જાણ કરતાં જ તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માતા-પુત્રીને ગંભીર હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પીએસઆઈ ઝેડ.એન.ધાસુરાએ મહિલાનું નિવેદન લીધા બાદ તેણી વિરુદ્ધ બે વર્ષની પુત્રી જાનકીને ઉધઈ મારવાની દવા પીવડાવી ખૂનની કોશિષ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભૂજ : કેમેરામાં કેદ થઇ મેડીકલ સ્ટોરમાથી ચોરી
ભૂજના જ્યુબિલી ગાર્ડન નજીક આવેલા શિવમ મેડીકલ સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગિઠયાએ સંચાલકની નજર ચૂકવી ગલ્લામાંથી રૂપિયા ૧પ હજાર રોકડા સેરવી લીધા હતા. સંચાલક રવિભાઇ ગોવિંદભાઇ અખાણીએ પોલીસને જણાવ્યા મુજબ, તેમણે દુકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવેલા છે.
ઐશ્વર્યા સીધી-સાદી કલાકાર છે'
ખાખી’ બાદ વિપુલ શાહની આગામી ફિલ્મ ‘એક્શન રિપ્લે’માં અક્ષય-ઐશ્વર્યાની જોડી ફરી ચમકી રહી છે. અક્ષયે જણાવ્યું હતું કે ઐશ્વર્યા મોટા ગજાની સ્ટાર હોવાછતાં તે એકદમ સીધી-સાદી કલાકાર છે. તે ક્યારેય ખોટા નખરા કે વિવાદો ઊભા કરતી નથી.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પાલેકર અને ઘોષની ફિલ્મો દેખાડાશે પણજી : ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા-૨૦૧૦માં ભારતીય પ્રીમિયર સેક્સનમાં પીઢ દિગ્દર્શકો અમોલ પાલેકર મરાઠી ફિલ્મ ‘ધૂસર’ અને રિતુપૂણોg ઘોષની ‘નૌકા દૂબી’ ફિલ્મ દર્શાવવામાં આવશે.આ સેક્સનમાં દર્શાનારી ત્રણ ફિલ્મની યાદીમાં કોકણી ફિલ્મમેકર રાજેન્દ્રર તાલાકની ફિલ્મ ‘ઓ મારિયા’નું નામ પણ છે. ઘોષની ‘નૌકા દૂબી’ રવિન્દ્રનાથ ટાગોરની આ જ નામની વાર્તા પરથી બનાવવામાં આવી છે. તેમાં રિયા અને રાઇમા સેને ભૂમિકા ભજવી છે. ઇન્ડિયન પ્રીમિયર સેક્સનમાં દર્શાવનારી ફિલ્મોની પસંદગી છ સભ્યના જજની ટૂકડી કરે છે.
26 October 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment