23 January 2010

શ્વેતાના નામની આગળ ‘ડો.’ને બદલે ‘સ્વ.’ લાગી ગયું : ૨૦૦૧ના ભૂકંપમાં જન્મ દિવસે જ ધરતીમાં સમાઈ ગયેલી પુત્રી શ્વેતાની યાદ આજે પણ માતા-પિતાને રડાવે છે

‘ચાર વર્ષ જવા દે, જોજે આ ઘરની બહાર ડો.શ્વેતા જોગી એવું નામ હશે. હું બધાને ભણવામાં પાછળ રાખી દઈશ.’ હજી આ શબ્દો અમદાવાદના ઘોડાસરમાં રહેતા અશ્વિનભાઈ અને તેમનાં પત્ની કામિની બહેનના કાનમાં અફળાય છે અને સાથે જ શરૂ થઈ જાય છે સ્મૃતિઓનો ઝંઝાવાત અને આંસુની ધારા. શ્વેતા તેમની બીજા નંબરની પુત્રી હતી અને ૨૬મી જાન્યુઆરી-’૦૧ના દિવસે ઘોડાસરમાં સ્વામીનારાયણ સ્કૂલની ઘટના બની તેમાં જે ૩૨ વિધાર્થીઓ હંમેશને માટે પૃથ્વીના પેટાળમાં પોઢી ગયા તેમાં શ્વેતા પણ હતી. કરુણતાની પરાકાષ્ઠા તો એ છે કે જે દિવસે શ્વેતાને તેના પિતાએ કાયમ માટે શ્વેત કફન ઓઢાડયું એ જ દિવસે તેનો તિથિ મુજબ જન્મ દિવસ પણ હતો. ધરતી કંપને આ ૨૬મીએ નવ વર્ષ પૂર્ણ થશે. હજી પણ શ્વેતાની વાત આવે અને એ દિવસનો ઉલ્લેખ થાય એટલે માત્ર પરિવાર નહીં પાડોશીઓ પણ આઘાતમાં સરી પડે છે. વીમા એજન્ટ અશ્વિનભાઈ અને કામિની બહેન કહે છે, ‘અમે એને સ્કૂલે મોકલવાના જ નહોતાં, એક દિવસ રજા હોય ને કયાં જવા દેવી? પણ બારણાની તિરાડમાંથી અજવાળું જોઈને તેણે કહ્યુ હતુ કે મારે જવાનું છે. આમ તેનો જન્મ દિવસ ૨૩મીએ પણ તિથિ મુજબ મહા સુદ બીજ એટલે એ દિવસે બર્થ ડે હતો. કેવો સરસ ડ્રેસ પહેરીને પોતે ગઈ, ૧૬ વર્ષ પૂર્ણ થયાં, ૧૭મું બેઠું હતું. તેની બહેન કોમર્સના છેલ્લા વર્ષમાં હતી. શ્વેતા કહેતી કે જોજો હું તો ડોકટર બનીશ, ચાર વર્ષ પછી ઘરની બહાર નામ હશે ડો. શ્વેતા.’ પરંતુ કુદરતે ધાર્યું તું કાંઈક જુદું, ડો. શ્વેતાને બદલે થઈ ગયું સ્વ.શ્વેતા! ‘મારી દીકરી જરા પણ જિદ્દી નહોતી, ૨૩મીએ કહ્યું કે જન્મ દિવસ છે, હોટેલમાં જઈએ. તેના પપ્પા કહે, ૨૬મીએ જઈશું, રજા છે ને, પણ મેં જ કહ્યું કે ના એણે મન કર્યું છે તો જઈએ. જો ન ગયા હોત તો તો કેટલો અફસોસ રહી જાત?’ તેવું કામિની બહેને સજળ નેત્રે કહ્યું. માતા-પિતા બંને આજે પણ શ્વેતાનાં સ્મરણોમાંથી બહાર નથી. તેઓ કહે છે, ટયૂશન વગર જ ભણતી અને ટીવી જોતાં જોતાં પણ ૭૫ ટકા લાવતી. મેચનો તો એટલો શોખ કે વાત ન પૂછો... અરે ઇન્ડિયાની ટીમ જો મેચ હારે તો શ્વેતા રડે, જમે પણ નહીં, પરંતુ કાળે એવી તો થપાટ મારી કે બસ આ પરિવાર પણ સંજોગો સામે મેચ હારી ગયો ને શ્વેતાની જેમ જ રડે છે.
અમને આનંદ કરતાં વિષાદ વધારે થયો
ઘોડાસર વિસ્તારની સ્વામીનારાયણ સ્કૂલ પાસે જ રહેતા નગીનભાઈ પટેલની પુત્રી સ્વાતિ પણ એ જ સ્કૂલમાં હતી. ૨૬મી જાન્યુઆરીએ ૨૦૦૧ના દિવસે આવેલાં ગોઝારા ભૂકંપમાં બીજા બધા કાંઈ વિચારે તે પહેલાં સ્વાતિ અને તેની સખી હેતલ દોડીને બહાર નીકળી ગયાં. બરાબર બંને નીચે આવ્યાં અને બિલ્ડિંગ પડયું. નગીનભાઈ કહે છે, આજે પણ સ્વાતિના બચવાની જેટલી ખુશી છે તેટલું જ દુ:ખ એ ૩૨ બાળકોનાં મૃત્યુનું પણ છે જ...
ભૂલવાની શક્તિ એ મોટું વરદાન
અશ્વિનભાઈ કહે છે કે, સહન કરવું પડે, દુ:ખ થાય પરંતુ અમારે શ્વેતાની ત્રણ બહેનોની જિંદગી સામે પણ જોવાનું હતું. મન કઠણ કરીને જીવ્યાં. ઇશ્વરે બધાને દુ:ખ ભૂલવાની જે શક્તિ આપી છે. કામિની બહેન કહે છે, હું તો માનું છું કે ઇશ્વર મોટો છે, તે જ દુ:ખની સાથે તે સહન કરવાની પણ ક્ષમતા આપે છે.

ભણવાના બહાને નોકરી માટે ઓસ્ટ્રેલિયા જનારા લોકો પર બ્રેક: ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવાશે

ભારતીયો પર હુમલાથી સતત બદનામ થઈ રહેલું ઓસ્ટ્રેલિયા હવે તેની ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ આકરી બનાવશે, જેથી ખરા અર્થમાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ જ ત્યાં જઈ શકશે અને ભણવાના બહાને નોકરી મેળવવા માટે જનારા લોકોને પ્રવેશ ન મળે.

આ ઉપરાંત સરકારે ગુણવત્તાસભર શિક્ષણ ન આપતી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર અંકુશ માટેની પ્રક્રિયાની સ્વતંત્ર સમીક્ષા પણ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પીટર વર્ગીઝે કહ્યું હતું કે ‘અન્ય મુદ્દા ઉપરાંત અમે પ્રામાણિકતા અંગેના કેટલાક મુદ્દે અમે ખાસ્સું ઘ્યાન આપી રહ્યા છીએ અને એવો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી ખરેખર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવા માગતા લોકો જ જાય અને ભણવાના બહાને નોકરી માટે જનારા લોકોને પ્રવેશ ન મળે.’
તેમણે કહ્યું કે પ્રામાણિકતા પર ભાર મૂકવાથી શિક્ષણને લગતી અરજીઓ રિજેક્ટ થવાનું પ્રમાણ વધશે. તેમણે સ્પષ્ટતા કરી કે ઓસ્ટ્રેલિયા ઊંચો માઈગ્રેશન રેટ ધરાવતો દેશ છે અને સારું બુદ્ધિ કૌશલ ધરાવતા લોકોને હંમેશાં તે આવકારે છે. અમે માત્ર રજિસ્ટ્રેશનનું ધોરણ આકરું બનાવવા માગીએ છીએ. આમાટે અમે સંસદમાં ખરડો રજૂ કર્યો છે.
હુમલાને વ્યાપક રીતે જોવાની જરૂર : રૂડ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રૂડે કહ્યું કે ભારતીયો પરના હુમલા ‘ખેદ જનક’ છે, પરંતુ તેને વ્યાપક રીતે જોવાની જરૂર છે. અનેક વંશીય મૂળના વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા, ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા, મોટા શહેરોના ચોક્કસ વિસ્તારોમાં દિવસના ગમે તે સમયે થતા હુમલા વગેરે દરેક બાબતને સાંકળીને આ હુમલાને જોવાની જરૂર છે.

રાજીવ ગાંધી હત્યા કેસ : નલીનીની મુક્તિનો સંકેત, સલાહકાર બોર્ડનો અહેવાલ ટૂંક સમયમાં

૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રી પેરુંબુદુરમાં ચૂંટણી સભા દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિનીને જેલમાંથી મુકત કરવાની અપીલ પર વિચારણા માટે રચાયેલું સલાહકાર બોર્ડ ટૂંક સમયમાં જ તામિલનાડુ સરકારને અહેવાલ સુપરત કરી દેશે.
સરકાર દ્વારા રચાયેલા બોર્ડની બુધવારે યોજાયેલી બેઠકમાં નલિનીએ તેનો પક્ષ રજૂ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે સમય કરતાં વહેલા તેને છોડી મૂકવા અંગેની અરજી પર ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ બોર્ડની રચના કરવાનો આદેશ કર્યો હતો.

વેલ્લોર જિલ્લાના કલેક્ટરે જણાવ્યા અનુસાર બોર્ડ ટૂંક સમયમાં તેનો અહેવાલ સરકારને આપી દેશે, પરંતુ તેની ભલામણો પર નિર્ણય સરકારે લેવાનો છે. ઓક્ટોબર ૨૦૦૭માં નલિનીને વહેલા છોડી દેવાની અરજી ફગાવી દેવાઈ હતી. તે હાલ વેલ્લોર મહિલા જેલમાં કેદ છે.

રાજીવ ગાંધીની ૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રી પેરુંબુદુરમાં ચૂંટણી સભા દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં નલિનીની ૧૪ જૂન, ૧૯૯૧ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી-૧૯૯૮માં વિશેષ અદાલતે ૨૫ અન્ય આરોપી સાથે તેને પણ આજીવન કેદની સજા ફટકારી હતી.

મે-૧૯૯૯માં સુપ્રીમ કોર્ટે નલિની સહિત ચારને મોતની સજાને યોગ્ય ઠેરવી હતી, પરંતુ રાજ્યપાલે તેની દયાની અરજી મંજૂરી કર્યા બાદ તેની મોતની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી. તેણે જેલમાં ૧૮ વર્ષથી વધુ સમય વિતાવી લીધો છે.

સરકારે વિચારવું જોઈએ

નલિનીને છોડી મૂકતાં પહેલાં સરકારે સંપૂર્ણ રીતે વિચાર કરી લેવો જોઈએ. તેને જો છોડી દેવાશે તો ખોટો સંકેત જશે. -ઈવીકેએસ ઈલેંગોવાન, તામિલનાડુ કોંગ્રેસ અઘ્યક્ષ

22 January 2010

ગુજરાતમાં નક્સલ વાદનો પગ પેસારો આંધ્રનો ખૂંખાર નકસલ સૂર્ય દેવરા ગુજરાતમાં દસ વર્ષ સુધી રોકાયો, ગુપ્તચર વિભાગનો શ્વાસ અઘ્ધર : નક્સલ વાદનું વાંધા જનક સાહિત્ય જપ્ત, સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક પર-પ્રાંતીય કારીગરોને નક્સલ વાદના પાઠ ભણાવતો હતો

ગુજરાતમાં નક્સલ વાદનો પગ પેસારો
આંધ્રનો ખૂંખાર નકસલ સૂર્ય દેવરા ગુજરાતમાં દસ વર્ષ સુધી રોકાયો, ગુપ્તચર વિભાગનો શ્વાસ અઘ્ધર :
નક્સલ વાદનું વાંધા જનક સાહિત્ય જપ્ત, સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક
પર-પ્રાંતીય કારીગરોને નક્સલ વાદના પાઠ ભણાવતો હતો

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના પાવર લૂમના અસંગડિત કારીગરોમાં નક્સલ વાદ પ્રસરી ચૂકયો છે. ગુજરાતમાં નક્સલ વાદ ફેલાવવા ૧૦ વર્ષ પહેલાં કુખ્યાત નક્સલ વાદી સૂર્ય દેવરા પ્રભાકરે મુંબઈ એ.ટી.એસ. સમક્ષ કરેલી સ્ફોટક કબૂલાતમાં આ પર્દાફાશ થયો છે. આ કબૂલાતના કારણે ગુજરાત પોલીસના હોશ-કોશ ઊડી ગયા છે. મુંબઈના કાંજુર માર્ગ વિસ્તારમાંથી એ.ટી.એસ.ના હાથે ઝડપાયેલો સૂર્યા દેવરા પ્રભાકર ઉર્ફે સુધીર ઉર્ફે જનાર્દન ઉર્ફે મનોજ ઉર્ફે ભરત રમણ ગાંધી (૬૦) ગુજરાતના સુરત તથા પંચ મહાલ-દાહોદના આદિ વાસી વિસ્તારોને ધમરોળતો રહ્યો હોવાની માહિતી બહાર આવી છે. એક દાયકામાં તેણે નક્સલ વાદ અને માઓ વાદ ફેલાવવા માટે કોને ટ્રેનિંગ આપી તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રથમ એવો બનાવ છે કે જેમાં ગુજરાતમાં નકસલ વાદીઓએ બેઝ બનાવ્યો હોવાની પુષ્ટિ થાય છે. એટલું જ નહીં, પરંતુ પીપલ્સ વોર ગ્રૂપ અને માઓ વાદીઓ સાથે સંકળાયેલા સૂર્ય દેવરા સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક પર-પ્રાંતીય કારીગરો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભરતીનું કામ કરતો હોવાની શંકાના આધારે ગુપ્તચર વિભાગે તપાસનો દોર આરંભી દીધો છે..! તેની પાસેથી નકસલ વાદને લાગતું ગુપ્ત સાહિત્ય પણ કબજે લેવામાં આવ્યું છે. મુંબઈ એ.ટી.એસ.ના સિનિયર ઇન્સ્પેકટર રવીન્દ્ર ડોઈફોડેએ જણાવ્યું કે સૂર્ય દેવરા મૂળ આંધ્રના વારંગલનો વતની છે. ૧૯૭૮માં નકસલ વાદમાં જોડાયો હતો અને ૪ વર્ષ સુધી આંધ્ર પ્રદેશમાં કામ કર્યા બાદ તેને ગુજરાતના અદિવાસી વિસ્તારોમાં નકસલ વાદના પાઠ ભણાવવા તથા તાલીમ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આશરે દસ વર્ષ સુધી ગુજરાતમાં તે આદિવાસીઓને નકસલ વાદના પાઠ ભણાવતો રહ્યો હતો. બાદમાં તેના કામથી પ્રભાવિત થઈને તેને મુંબઈનું કામ સોંપ્યું હતું. મુંબઈમાં તે દહિસર, માનખુર્દ, જોગેશ્વરી અને કાંજુર માર્ગ વિસ્તારોમાં નામ બદલીને રહેતો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દાહોદના લીમખેડા વિસ્તારમાં પોલીસ હેડકવાર્ટરની આર્મરીમાંથી હથિયારો અને કારતૂસો લૂંટી લેવામાં આવ્યાં હોવાની ઘટનાએ પણ રાજયમાં નકસલ વાદ પગપસારો કરી રહ્યો હોવાના સંકેત આપ્યા હતા. આ બાબતે દાહોદ જિલ્લાના પોલીસ વડા વિપુલ અગ્રવાલને પૂછતાં તેમણે જણાવ્યું કે લીમખેડા લૂંટમાં નકસલ વાદની છાંટ જણાતી નથી, પરંતુ મુંબઈ એ.ટી.એસ. દ્વારા પકડાયેલા સૂર્ય દેવરાની માહિતી મેળવવા માટે તેઓ અચૂક પ્રયાસ કરશે.
પગપેસારા વિષે એલર્ટ અપાયેલું

થોડા સમય પહેલાં ગુપ્ત ચર વિભાગે એક પરિ-પત્ર જારી કરીને પાકિસ્તાની તથા નક્સલ વાદીઓ ગુજરાતમાં પગ પેસારો કરશે તેવી દહેશત વ્યકત કરી હતી. સૂર્ય દેવરા પત્ની અંજલિને રિપોર્ટિંગ કરતો હતો સૂર્ય દેવરાનું ગુજરાતમાં કામ એટલું સારું હતું કે તેને મુંબઈ યુનિટના સ્ટેટ કમિશનની પદવી આપવામાં આવી હતી. તે આ કમિશનના સચિવ મિલિંદ પાસે કામ કરતો હતો. મુંબઈ દળની સચિવ એવી પોતાની પત્ની અંજલિને રિપોર્ટિંગ કરતો હતો.
સૂર્યદેવરાએ ઇલેકશન કાર્ડ પણ કઢાવ્યું હતું
ગાંધીના નામ હેઠળ સૂર્ય દેવરાએ મુંબઈમાં ઇલેકશન કાર્ડ કઢાવી લીધું હતું. તેની પાસે મઘ્ય રેલવેનો પાસ પણ હતો. મુંબઈમાં તે દહીસર, માનખુર્દ, જોગેશ્વરી અને કાંજુર માર્ગ વિસ્તારમાં નામ બદલીને પણ રહ્યો હોવાના અહેવાલ છે.
પાંચ ભાષા, કમ્પ્યૂટર પર પ્રભુત્વ હતું

સૂર્ય દેવરાને પાંચ ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું અને તે મુંબઈમાં ઐક સાયબર કાફેમાં નોકરી કરતો હોવાથી કમ્પ્યૂટર ઉપર પણ સારું પ્રભુત્વ હતું.

જલારામ બાપા પરની ફિલ્મ રિલીઝ કરવા સામે હાઇ કોર્ટની મનાઇ : ભદ્ર સિવિલ કોર્ટમાં ફિલ્મના વિવાદના દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવા પર રોક; ૩૧-૩-૨૦૧૧ સુધીમાં દાવો ચલાવી નિકાલ કરવા નીચલી કોર્ટને ફરમાન

વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાના જીવનચરિત્ર પર બનેલી એક ફિલ્મ ‘સંત શિરોમણી’ને લઇ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વિવાદ ચાલ્યો આવે છે. જલારામ બાપાની પાંચમી પેઢીના વારસોએ જલારામ બાપા પર તૈયાર કરાયેલી ફિલ્મ અને તેના રિલીઝ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે. નીચલી કોર્ટથી લઇ છેવટે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહે એક મહત્વના ચુકાદા મારફતે જલારામ બાપાની જીવનગાથા પર તૈયાર થયેલી ફિલ્મ કોઇપણ પ્રકારે રિલીઝ કરવા પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ શાહે જલારામ બાપાની ફિલ્મને લઇ ભદ્ર સીટી સિવિલ કોર્ટમાં પડતર દાવાનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારે ફિલ્મના પ્રદર્શન કે રિલીઝ પર મનાઇ ફરમાવી દીધી છે. એટલુ જ નહી, હાઇકોટેં તા.૩૧-૩-૨૦૧૧ સુધીમાં સિવિલ કોર્ટને આ કેસનો દાવો ચલાવી લઇ તેનો નિકાલ કરી દેવા પણ ફરમાન કયું છે. જલારામ બાપાના વારસો અને ફિલ્મ નિર્માણકર્તાઓ સહિતના પક્ષકારોને નીચલી કોર્ટ સમક્ષ ત્રણ મહિનામાં દલીલો પૂર્ણ કરી દેવા પણ હાઇકોટેં તાકીદ કરી છે. પોતાના અનોખા દાનના મહિમાને કારણે દેશ અને દુનિયામાં અમર થઇ જનાર વીરપુરના સંત જલારામ બાપાના જીવનચરિત્રને લઇ મેસર્સ સોનલ ફિલ્મ્સ તથા તેના કીરીટભાઇ રાવલ દ્વારા ‘સંત શિરોમણી’ નામની એક ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. જો કે, ફિલ્મની શરૂઆતમાં જ જલારામ બાપાના પાંચમી પેઢીના વારસોને જાણ થઇ જતા વારસ રઘુરામ જયસુખરામ ચંદરાણી તરફથી ફિલ્મ બનાવવા સામે સખ્ત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વારસો દ્વારા ભદ્ર સીટી સિવિલ કોર્ટમાં ફિલ્મના વિવાદને લઇ દાવો દાખલ કરાતા સિવિલ કોર્ટમાંથી તેમને રાહત મળી હતી, જેની સામે ફિલ્મકર્તાઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
જેનો વિરોધ કરતા જલારામ બાપાના વારસો તરફથી જણાવાયુ હતુ કે, જલારામ બાપા કે તેમના વારસોની શખિ્સયતને કોઇ ત્રાહિત વ્યકિતઓ ફિલ્મના માધ્યમ મારફતે વટાવી શકે નહી. વળી, આ તેમનો ‘રાઇટ ટુ પ્રાઇવેસી’નો અધિકાર છે. વારસોની અપીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.આર.શાહે ફિલ્મકર્તાઓની અપીલ ફગાવી દીધી હતી અને ઉપરોકત ચુકાદો જાહેર કર્યો હતો. વારસોના દાદાએ પણ અગાઉ આવી ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. જલારામ બાપાના હાલના વારસ રઘુરામના દાદા ગિરિધર હરિરામે પણ સને ૧૯૬૩માં જલારામ બાપા પરની એક ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આખોય મામલો લવાદમાં ગયો હતો અને કોઇને પણ ફિલ્મમાં જલારામ બાપાનું પાત્ર ભજવવાની પરવાનગી અપાઇ ન હતી, માત્ર તેમના ફોટા જ ઉપયોગ કરવાની મંજુરી અપાઇ હતી.

જલારામ બાપાના વારસોને જે નુકસાન જાય તે પૈસાથી ભરપાઇ ના થઇ શકે : હાઇકોર્ટ

જસ્ટિસ એમ.આર.શાહે તેમના ચુકાદામાં એવુ અવલોકન કયું હતુ કે, અદાલત સમક્ષ એવા મહત્વના પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે કે શું જલારામ બાપાના વારસોની મંજુરી કે ઇચ્છા વિરૂદ્ધ જલારામ બાપા પર આવી ફિલ્મ બનાવી શકાય? અને આવી ફિલ્મને રિલીઝ કરવાની મંજુરી આપી શકાય ?
તમામ પાસાઓ અને કેસની સઘળી હકીકતો ધ્યાને લેતા જણાય છે કે, જો વારસોને ફિલ્મ પર રોક લગાવતી રાહત ન અપાય તો તેઓને પૈસાના સ્વરૂપમાં પણ ભરપાઇ ન કરી શકાય તે પ્રકારનું નુકસાન સહન કરવુ પડશે. જલારામ બાપા જેવી મહાન વિભૂતિના જીવનચરિત્રને ત્રાહિત વ્યકિત દ્વારા તેમના અંગત હિત માટે વટાવી શકાય નહી એ મતલબની વારસોની દલીલ નહી માનવાને પણ કોઇ કારણ નથી. આ સંજોગોમાં વારસોને ફિલ્મના રિલીઝ પર મનાઇ ફરમાવતી રાહત આપવાનો આ યોગ્ય કેસ છે.

માછીમારોને ડીઝલ સબસીડી માટે જોગવાઇનું પોરબંદરમાં આશ્વાસન

માછીમારોના અનેક વિધ પ્રશ્નો માટે ભારતભરના માચ્છીમારોની એક બેઠક પોરબંદરમાં આજે મળી છે તેવા સમયે હાલ પુરતા સુખદ સમાચાર કહી શકાય તેવા આગામી બજેટમાં રાજય સરકાર ડીઝલ પર સબસીડી માટે રૂપિયા ૧રર કરોડની જોગવાઇ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે બંધ કરેલી લીટર પર દોઢ રૂપિયાની સબસીડી જેટલી વધારાની સહાય પણ માછીમારોને આપવી જોઇએ તેવી રજુઆત રાજય સરકાર કેન્દ્રને કરશે. માછીમારોને દરીયો ખેડવા માટે મહતમ ડીઝલની જરૂરત પડતી હોય આથી તેમા સબસીડી માટે માછીમારો અવારનવાર રાજય અને કેન્દ્ર સરકારને રજુઆતો કરતા હોય છે. તાજેતરમાં જ ગુજરાત ફિશરીઝના ડાયરેકટર અને વેરાવળ નગરપાલીકાના પ્રમુખ કિશોરભાઇ કુહાડા, પોરબંદર પાલીકાના પ્રમુખ સુનિલભાઇ ગોહેલ, જીતુભાઇ મસાણી સહિતના આગેવાનોએ રાજયના નાણા મંત્રી વજુભાઇ વાળા તેમજ મત્સ્યોધોગ મંત્રી દિલીપભાઇ સંઘાણી સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં મત્સ્યોધોગને મંદીમાંથી બહાર લાવવા માટે રાજય સરકાર યોજનાના માઘ્યમથી મદદરૂપ બને તેવી રજુઆત કરી હતી. આ ઉપરાંત રાજય સરકાર ૧ લીટર ડીઝલ ઉપર ૪ રૂપિયા જેવી સબસીડી આપતી હતી તે ફરીથી ચાલુ કરવામાં આવે તો બોટ માલીકો પરનું આર્થિક ભારણ ઘટી શકે તેમ છે. આ રજુઆત બાદ નાણા મંત્રીએ એવુ આશ્વાસન આપ્યુ હતું કે આવા પ્રકારની ખાસ જોગવાઇ બજેટમાં જ શક્ય છે આથી આવતા બજેટમાં રૂપિયા ૧રર કરોડની ડીઝલ સબસીડી માટેની જોગવાઇ કરાશે તેવુ આશ્વાસન આપ્યું હતું. ખરેખર તો આગામી બજેટમાં આ પ્રકારની જોગવાઇ આપવામાં આવે તો માછીમારો માટે સોનાની જાળ સમાન બની રહેશે. નાણા મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માછીમારોને ડીઝલ સબસીડી ફરીથી આપે તે માટે પણ રાજય સરકાર કેન્દ્ર સમક્ષ રજુઆત કરશે.

વાળંદ સમાજે વેપાર-ધંધા બંધ રાખી રોષ પ્રગટ કર્યો :આપઘાતના બનાવના ધેરા પડઘા

જૂનાગઢમાં નવા બાય પાસ વિસ્તારમાં રહેતા વાળંદ યુવાને થોડા દિવસો પહેલા ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવના ધેરા પડઘા પડ્યા છે. આજ રોજ આ યુવાનના મૃત્યુના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ સાથે જૂનાગઢનાં વાળંદ સમાજે બપોરે ૨ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખી રોષ પ્રગટ કર્યો હતો. જૂનાગઢમાં થોડા દિવસો પહેલા મેર યુવાન ભનુ પરમારની લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા મનીષ લીંબાણી નામના યુવાનની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન મનીષે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના મામાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની આકરી પૂછતાછથી મનીષે આપઘાત કરી લીધો હતો.
તેઓએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી.બાદમાં વાળંદ સમાજ અને અન્ય પક્ષોના આગેવાનો દ્વારા આર.ડી.સી.ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આત્મહત્યાના બનાવમાં જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી. આ બાબતે ઘટતું કરવામાં ન આવેતો વેપાર-ધંધા બંધનું એલાન આપ્યું હતું. જે અનુસાર આજ રોજ જૂનાગઢના વાળંદ સમાજે બપોરે ૨ વાગ્યા સુધી વેપાર-રોજગાર બંધ રાખી રોષ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મનીષના મૃત્યુના બનાવ અંગે તેના ભાઈ અશ્વિને બી-ડીવીઝનમાં અરજી કરી હતી. જો કે, હજુ સુધી આ અંગે કોઇ ગુનો પોલીસે દાખલ કર્યો નથી.

શિવ રાત્રિના મેળા માટે તંત્ર કામે લાગ્યું

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે આગામી ૧૨ ફેબ્રુઆરીથી યોજાનારા મહા શિવ રાત્રીનાં મેળાના આયોજન માટે વહિવટી તંત્રએ જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને બેઠક યોજી કામગીરી શરૂ કરી છે. વિવિધ સમિતિઓની રચના કરી અધિકારી-કર્મીઓને જવાબદારી સોંપાઈ છે. આગામી તા.૧૨ ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થશે. આ પરંપરાગત ધાર્મિક મેળાનાં પૂર્વ આયોજન માટે જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જાહેર માર્ગો પરનાં ગેરકાયદે દબાણો દુર કરવા, રસ્તાનાં કામો પૂર્ણ કરવા, વાહનોની પાર્કિંગ વ્યવસ્થા, સ્ટોલ્સની હરરાજી, ઉતારા વ્યવસ્થા, આંતરીક માર્ગો, ગિરનાર સીડીનાં પગથિયા, દામોદરકુંડ ખાતે લાઈટની વ્યવસ્થા, બળતણ માટે લાકડાની વ્યવસ્થા, આગ કે અકસ્માતનાં બનાવોને અટકાવવા સાવચેતીનાં પગલા, ફાયર ફાઈટરો ફાળવવા, પીવાનાં પાણીની વ્યવસ્થા, પાણીનો બગાડ અટકાવવા, સ્વચ્છતા જાળવવા સહિતનાં આવશ્યક પગલા ભરવા તાકિદ કરાઈ હતી. તબીબી સુવિધા માટે આરોગ્ય કેન્દ્રો ઉભા કરવા. આરોગ્યની મોબાઈલ ટીમ કાર્યરત રાખવા મનોરંજન લાયસન્સ તથા વાહનોનાં પાસ ઈશ્યુ કરવા, મેળામાં દુધની વ્યવસ્થા કરવા, યાત્રિકો માટે એસ.ટી.ની વધારાની બસ, રેલવેમાં વધુ કોચ જોડવા, વિવિધ સ્થળોએ પીક અપ સ્ટેન્ડ ઉભા કરવા જરૂરી સુચનાઓ અપાઈ હતી. કાયદો વ્યવસ્થા જાળવવા અદ્યતન સંદેશા વ્યવહારનાં સાધનો સાથે પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવાશે. મેળામાં ખાણી-પીણીનાં સ્ટોલમાં આરોગ્યને નુકશાન કરે તેવા ખાધ પદાર્થોનું વેંચાણ અટકાવવા માટે તકેદારી રાખવા, યાત્રીકોને માર્ગ દર્શન માટે સહાય કેન્દ્રો શરૂ કરવા સંબંધિત અધિકારીઓને જણાવાયું હતું.
ઉતારા-અન્ન ક્ષેત્રોની અનેરી સેવા જયોત : : મહા શિવરાત્રીનાં પાંચ દિવસીય મેળામાં આવતા ભાવિકોની સગવડતા માટે ઉતારા-અન્નાક્ષેત્રોની સેવા જયોત પ્રશંસનીય બની રહે છે. સાધુ સમાજ પણ સતત ખડે પગે રહે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દિગ્મ્બર સાધુઓની રવેડી સરઘસ શ્રઘ્ધાળુઓમાં આકર્ષણ બની રહે છે.

અધિકારીઓ માટે ૨૦૧૦ની શરૂઆત ભારે આકરી

વર્ષ ૨૦૧૦ની શરૂઆત ભ્રષ્ટ સરકારી બાબુઓ માટે આકરી સાબિત થઇ છે. વર્ષના પ્રારંભના ૨૦ જ દિવસમાં લાંચ, ઉચાપત સહિતના અલગ અલગ ૧૨ કેસમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા સહિતના ૨૧ અધિકારી, કર્મચારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ન્યાયતંત્રએ આકરુ વલણ અપનાવતા લાંચિયા સરકારી બાબુઓ ફફડી ઊઠ્યા છે.

પ જાન્યુઆરી :- જમીન કૌભાંડમાં ભૂજના તત્કાલિન કલેકટર પ્રદીપ શર્માની ધરપકડ

ભૂકંપ પછી અસરગ્રસ્તોને જમીન ફાળવવાની પ્રક્રિયામાં થયેલા કૌભાંડમાં ભૂજના તત્કાલિન કલેકટર અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર પ્રદીપ શર્માની ૬ જાન્યુઆરીએ રાતોરાત ધરપકડ કરવામાં આવી હતી. રાજયના ઇતિહાસમાં સનદી અધિકારીની ધરપકડના પ્રથમ બનાવથી સનદી અધિકારીઓ સ્તબ્ધ બની ગયા છે.

એકસાઇઝના ત્રણ અધિકારી ૧ લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા

ભૂજની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ઓડિટ માટે ગયેલા સેન્ટ્રલ એકસાઇઝ (રાજકોટ વિભાગ) ના ત્રણ અધિકારી ચિંતન વર્મા, આર. એમ. પટેલ અને ડી. બી. રાવલ વેપારી પાસેથી રૂ. ૧ લાખની લાંચ લેવાના છટકામાં ઝડપાઇ ગયા હતા. ચિંતન વર્માને તો અગાઉ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા !

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જૂનાગઢ એલસીબીના પી. આઇ. ઝાલા સસ્પેન્ડ

જૂનાગઢ એલ.સી.બી.માં ફરજ બજાવતા પી. આઇ. જે. કે. ઝાલાને તેમની કારકિર્દીમાં બે વખત રાષ્ટ્રપતિ ચંદ્રક અપાયા છે. થોડા સમય પહેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરિયા (ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના શ્વસુર) ને ઊના પોલીસે દારૂ સાથે અટકાવ્યા હતા. ત્યારે પી. આઇ. ઝાલાએ બાબરિયાને નહીં પકડવા માટે ઊના પોલીસને ભલામણ કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવાયા હતા.

૧ જાન્યુઆરી : - સમગ્ર તબીબી જગતને કલંકિત કરે એવી ધ્રુણાસ્પદ ઘટના જામનગરની સરકારી હોસ્પિટલમાં બની હતી. એક સગર્ભા દર્દીની છેડતી કરવા બદલ જામનગર જી. જી. હોસ્પિટલના સરકારી તબીબ વૈભવ ભીંદર દેવ સસ્પેન્ડ કરાયા.

૧ જાન્યુઆરી :- હપ્તો નહીં આપનાર વૃઘ્ધ વેપારી ઉપર હુમલો કરી વેપારીના મોત માટે જવાબદાર રાજકોટ મનપાની એસ્ટેટ શાખાના ચાર અધિકારી જગદીશ છાવિયા, સુરેશ કટારિયા, ભરત ચૌહાણ અને અજય પરમારની ધરપકડ

૨ જાન્યુ. :- નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી (સુરેન્દ્રનગર) ના બે કારકૂન મહેન્દ્ર ભાનુશંકર ત્રિવેદી અને શ્યામ સુંદર વિરુઘ્ધ ૧૯૯૧માં ઉચાપતની ફરિયાદ થઇ હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી પાણીવેરાની વસૂલાતનું કામ સંભાળતા બન્ને કલાર્ક રૂ. ૩૦ હજાર સરકારી તિજોરીમાં જમા કરવાના બદલે ઘરભેગા કરી દીધા હતા. ૧૯ વર્ષ પછી કેસના ચૂકાદામાં અદાલતે બન્નેને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

૬ જાન્યુઆરી :- ભૂજની ખાસ પાલાર જેલના ત્રણ સિપાહી રહિમખાન પઠાણ, મહેશ વોરા અને ધર્મેન્દ્ર ઝાલા સસ્પેન્ડ, જેલ બંધ થયા પછી સિપાહી રહિમની પત્ની, સાળી, સાઢુ અને સંતાનો અંદર ઘૂસી ગયા હતા.

૧૩ જાન્યુઆરી :- ૯.૧૮ લાખની ઉચાપતના કેસમાં જસાધાર રેન્જના તત્કાલિન આર. એફ. ઓ. બી. જે. વાઢેરની ધરપકડ

૧૪ જાન્યુઆરી :- સર્વ શિક્ષણ અભિયાનની ગ્રાન્ટમાંથી ૩ હજારની લાંચ માગનાર કુતિયાણાના બી. આર સીના કો. ઓર્ડિનેટર અરવિંદ નરોતમ પંડ્યા લાંચ લેતા સપડાયા

૧૫ જાન્યુઆરી :- ગોંડલ તાલુકા પોલીસના ક્રાઇમ રાઇટર હેડ કાનજી નાથા ભાલિયા સામે ૨૧ લાખની ઉચાપતની ફરિયાદ ૧૯૯૦ થી ૨૦૦૪ સુધીના ફરજ કામમાં લાખોનો મુદ્દામાલ ઘરભેગો કરી દીધો હતો.

૧૬ જાન્યુઆરી :- કેશોદના બામણસા ગામે ત્રણ વર્ષ પહેલાં યુવાનની હત્યા કરવાના ગુનામાં કોન્સ્ટેબલ કામા હમિર, તલાટીમંત્રી મુળુ, મારખી સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા

૧૯ જાન્યુઆરી :- મોરબીના મહિલા મામલતદાર દમયંતી બેન વતી ૧૫ હજારની લાંચ લેવા ગયેલા ઇ-ધરાના નાયબ મામલતદાર રામજીભાઇ ભીમજીભાઇ પરમાર લાંચના છટકામાં પકડાયા.
સરકારી તંત્રના દરેક વિભાગમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. છતાં આવા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ સામે અત્યાર સુધી કોઇ નક્કર પગલાં લેવાયા ન હતા. પરંતુ, દરેક માનવીએ પોતે કરેલા કર્મોના ફળ વહેલા કે મોડા ભોગવવા જ પડે છે. કર્મના આ સિઘ્ધાંત મુજબ ૨૦૧૦ની શરૂઆત ભ્રષ્ટ સરકારી બાબુઓ માટે આકરી સાબિત થઇ છે.

જામનગર મહા નગર પાલિકાનો અંધેર વહીવટ : નળજોડાણ ન હોવા છતાં બિલ!

જા.મ્યુ.કો.નાં અંધેર વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તાર રહેતા જયેન્દ્ર વલ્લભદાસ દાવડા તથા પટેલ કોલોની વિસ્તારમાં દુકાન ધરાવતાં પુષ્પાબેન ગાંડુભાઇ બોરીચા નામના દુકાન ધારક નળ જોડાણ ન ધરાવતા હોવા છતાં છેલ્લા બે વર્ષથી સતત બીલ મોકલવવામાં આવી રહ્યા છે આ અંગે ગત વર્ષ પણ અરજી કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ભૂલનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. પાલિકાની વોટર વર્કસ શાખા અનેક મિલકત ધારકોને નળ કનેકશન ન હોવા છતાં દર વર્ષે બીલ મોકલી રહી છે અને તેવા મિલકત ધારકો તરફથી દર વર્ષે બીલ પરત કરવા માટે સાથે અરજી તૈયાર કરી આપવી પડે છે. આમ દર વર્ષે નળ કનેકશન ન હોવાની રજુઆત કરી બીલ પરત મોકલવામાં આવતું હોવા છતાં મ્યુ.ના અંધેર વહીવટે ફરી પાછુ ચાલુ વર્ષે વોટર ચાર્જના બીલો ફટકારેલ છે. આવા અનેક મિલકતધારકો પાલિકાની કચેરીએ ધકકા ખાઇ રહ્યા છે અને બીલ રદ કરાવવા હેરાન પરેશાન થઇ રહ્યા છે. મેયર માત્ર લોક દરબાર કરી રહ્યા છે ત્યારે આ બાબતે અંગત રસ દાખવી પ્રજા જનોને આ મુશ્કેલીમાંથી કાયમી છુટકારો અપાવી તેવું અસરકર્તા નગરજનો ઇચ્છી રહ્યા છે. તેમ જ નગરને ઘણા સમય બાદ કાર્યદક્ષ અને કુશળ યુવાન કમિશનર પ્રાપ્ત થયા છે ત્યારે વોટર વર્કસ શાખાનો કહેવાતો કોમ્પ્યુટરનો કાયમી ફોલ્ટ દુર કરવા અધિકારીને ડાયરેકશન આપવામાં આવે તે જરૂરી છે.

ખંભાળિયા : ચીફ ઓફિસર જતા-જતા કળા કરી ગયા ?

ચાર દિ પૂર્વે ખંભાળિયાથી બદલી પામેલા નગર પાલિકાના ચીફ ઓફીસર જતા-જતા કળા કરી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. ખુરશી છોડતા પૂર્વે સી.ઓ.એ મધ રાત્રે અમુક બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રચી ભગવતી મીલની બહુચર્ચિત જગ્યામાં પાંચ-છ પાર્ટીઓને બાંધકામની મંજૂરી આપી દીધાની વિગતો બહાર આવી છે. સરકારી કાર્ય કાળના બાકી રહેલા માત્ર ૮ માસના ગાળાને ઘ્યાને રાખી સી.ઓ.એ સ્થાનિક નેતાગીરીને સાથે રાખી તગડું કૌભાંડ આચર્યુ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ કૌભાંડ અંગે જિલ્લા સ્તરે પુરાવા સહિત રજૂઆતો કરાતા ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ખંભાળિયા પાલીકાના ચીફ ઓફીસર ડી.એસ. દવેની બદલી બગસરા ખાતે કરવામાં આવી છે. બદલી હુકમ મળ્યાની મધરાત્રી સુધી નગરપાલિકા કચેરી કાર્યરત રહી હતી. રાત્રે ૩ વાગ્યા સુધી કર્તવ્ય નિષ્ઠ ચીફ ઓફીસરે રહી-રહીને કાર્યકુશળતા પુરવાર કરી શહેરના વિકાસને અવરોધરૂપ ઢગલાબંધ ફાઇલોનો નિકાલ કરી નાખ્યો હતો. જો કે આ કામગીરીમાં બહુચર્ચિત અને અવાર-નવાર મીડીયામાં ચમકતી ભગવતી મીલ કમ્પાઉન્ડની જગ્યા પર અમુક આસામીઓને બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી હતી. ભગવતી મીલ પ્રકરણ હાલ કોર્ટ મેટર બની ગઇ હોવા છતાં પણ બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી છે. આધારભૂત સુત્રોના જણાવ્યાનુસાર બદલીની ગંધ આવી જતાં સી.ઓ.એ પાલીકાના બે-એક સક્રિય સદસ્યો અને હોદેદારોને સાથે રાખી ભગવતી મીલની જગ્યામાં બાંધકામની મંજૂરીની મહોર મારી અરજદાર બિલ્ડર લોબી સાથે વહીવટ કરી લીધાનું જણાવ્યું હતું. બદલીના હુકમ બાદ સી.ઓ.ની સહીથી છેલ્લી ઘડીના કામોને મામલે અમુક પ્રામાણીક નાગરિકોએ પુરાવા સાથે સ્થાનિક તથા જિલ્લા સ્તરે રજૂઆત કરી છે. નાગરીકોની રજુઆતો અને બદલીના હુકમ બાદ ચાર્જ છોડતા પહેલા ચીફ ઓફિસરે જે કોઇપણ ફાઇલોને મંજુરી આપી છે. તેની તંત્રએ ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ આદરી દેતા ખંભાળિયામાં આ બાબત જાણકારોમાં ભારે ચર્ચાસ્પદ બની છે. તંત્રની તપાસમાં અનેક કૌંભાડો બહાર આવવાની સંભાવનાઓ પણ દર્શાવાય રહી છે.

હાઇ- વે હોટલમાં મિટિંગ યોજાઇ


ભગવતી મીલ કમ્પાઉન્ડમાં ઔધોગિક હેતુ બાંધકામની પરવાનગી માગનાર ચોકકસ બિલ્ડર લોબી અને ચીફ ઓફીસર તથા આ પ્રકરણમાં મહત્વની ભુમિકા ભજવનાર નગરપાલિકાના સક્રિય સદસ્યો વચ્ચે ખંભાળિયા-જામનગર ધોરી માર્ગ પર આવેલી એક હોટલમાં સમગ્ર ચોકો રચાયો હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્ય મંત્રીની જાહેરાતો અંગે શ્વેત પત્ર બહાર પાડવા માંગ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાનાં ગઢડા મુકામે સરકારી રાહતોનાં ચેકનું વિતરણ કરવાના સમારંભમાં આવી રહ્યા છે ત્યારે મુખ્ય મંત્રીએ અત્યાર સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લાનાં વિકાસ માટે કરેલી જાહેરાતો અને તે અનુસંધાને લેવાયેલા પગલાઓ અને અમલવારી અંગે હકીકતો સ્પષ્ટ કરતુ શ્વેતપત્ર બહાર પાડવા ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવેલ છે. કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી જ્યારે-જ્યારે ભાવનગર શહેર-જિલ્લામાં આવ્યા છે ત્યારે વિવિધ વિસ્તારમાં વિકાસની અનેક જાહેરાતો કરેલ છે. પરંતુ તે પૈકીની એક પણ જાહેરાતોનો વાસ્તવિક અમલ થયો નથી ત્યારે શહેર-જિલ્લાના લોકોઐ માત્ર જાહેરાતથી સંતોષ માનવો પડે છે. રાજ્ય સ્થાપના દિન ઉજવણી પ્રસંગે ઘરે ઘરે પાઇપ લાઇન દ્વારા ગેસ પહોંચાડવાથી માંડીને વિકાસની અનેક જાહેરાતો કરી હતી. પરંતુ આ અંગે કોઇ પગલાઓ લીધા નથી ત્યારે હવે મુખ્ય મંત્રી કોઇ જાહેરાતો કરવાને બદલે તેમણે અગાઉ કરેલી જાહેરાતો મુજબ અમલવારી થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસ સમિતિનાં અગ્રણીઓએ મુખ્યમંત્રીને અનુરોધ કરેલ છે.

મહા નગર પાલિકા ના ટેક્સ વિભાગે મૂંડાવ્યું

મહા નગર પાલિકાની ટેક્સ શાખાની કામગીરી અત્યંત કંગાળ હોવાનું ચિત્ર છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી બજેટ બેઠકમાં ઉપસ્યું છે. ૦૯-૧૦ માટે અપાયેલા ૧૨૫ કરોડના લક્ષ્યાંક સામે ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ શાખાની આવક માત્ર ૯૭થી ૯૮ કરોડ આસપાસ પહોંચી છે. આગામી બે માસમાં બાકી રહેતી ૨૭ કરોડની રકમ ઉઘરાવવા ટેક્સ શાખાને તાકીદ કરવામાં આવી છે.

નોંધનીય છે કે કરની મળેલી રકમમાં પણ નગર જનો પોતાની જાતે આપી ગયેલી રકમ નોંધપાત્ર છે. આ અંગે મનપાના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મનપાની ટેક્સ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષ માટે ૧૨૫ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક ગત બજેટમાં અપાયો હતો. પરંતુ, રેઢિયાળ અને નબળી કામગીરીને કારણે વર્તમાન નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં રજાઓને બાદ કરતા બે માસ જેવો સમય પણ માંડ રહ્યો હોવા છતાં કુલ આવક ૧૦૦ કરોડ પર પણ પહોંચી નથી. ટેક્સ બ્રાંચની નબળી કામગીરી અંગે બજેટ બેઠકમાં મ્યુ. કમિશનર બ્રહ્મભટ્ટ દ્વારા પણ નારાજગી વ્યકત કરવામાં આવી હતી. ટેક્સ શાખાના ઉપસ્થિત અધિકારીઓને નિયત સમયમાં જ લક્ષ્યાંક સિઘ્ધ કરવા મ્યુ. કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા બાકીદારો પાસે ઉઘરાણી કરવાને બદલે માત્ર હાકલા-પડકારા જ કરવામાં આવે છે. એટલું જ નહીં નાણાકીય વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે પણ હજુ તો નોટિસો ઇસ્યૂ થઇ રહી છે.

લક્ષ્યાંક મેળવવા ત્રણે ઝોનની એસ્ટેટ શાખા દ્વારા કવાયત

મનપાની સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોન એસ્ટેટ શાખાને ૨.૪૦ કરોડનો ટાર્ગેટ અપાયો હતો. જેમાં હોર્ડિંગ્સની આવક ર કરોડ, હોકર્સ ઝોનના ૨૫ લાખ, વહીવટી ચાર્જ (મંડપ-કમાન)ના ૧૦ લાખ તથા જમીન ભાડાની ૫ લાખની આવકનો સમાવેશ થાય છે. એસ્ટેટ શાખા દ્વારા શરૂઆતથી જ સરેરાશ જાળવી રાખવા પ્રયત્ન હાથ ધરાયા હતા. ૨૦ જાન્યુઆરી સુધીમાં હોર્ડિંગ્સની ૧.૪૦ કરોડ, હોકર્સ ઝોનની ૨૦ લાખ, જમીન વહીવટી ભાડા પેટે ૩.૫૦ લાખ અને વહીવટી ચાર્જની ૮ લાખ મળી કુલ બે કરોડ ૧૦ લાખ આસપાસ આવક થઇ છે અને ૩૧ માર્ચ સુધીમાં બાકી રહેતી ૩૦ લાખની રકમ ઉઘરાવી લઇ ટાર્ગેટ પૂર્ણ કરાશે.

બે માસમાં જ ૫૦ કરોડની ટેક્સ શાખાની આવક; બાકી આરામ

ટેક્સ શાખાની રેઢિયાળ અને નબળી કામગીરી ઉડીને આંખે વળગે એવી છે, કેમ કે બે વર્ષથી ૦૮/૦૯ તેમજ ૦૯-૧૦માં મનપા દ્વારા નાગરિકોને પ થી ૧૦ રિબેટની યોજના મે અને જૂનમાં અમલમાં મુકાય છે અને આ બે માસમાં જ નાગરિકો દ્વારા આશરે ૪૫થી ૫૦ કરોડની રકમ સામેથી ભરી દેવામાં આવે છે. આમ, ટેક્સ શાખા દ્વારા બાકીના નવ માસમાં માત્ર અને માત્ર ૪૫ થી ૪૮ કરોડની જ ઉઘરાણી કરવામાં આવી છે.

આંકડાઓની ગોઠવણથી ગુજરાતી કેલેન્ડર

હવે ગુજરાતી કેલેન્ડરમાં અઠવાડિયાના વાર જોવાની જરૂર નથી. કારણ કે, દ્વારકાના યુવકે વર્ષ-૨૦૧૦માં કઇ તારીખે કયો વાર આવે તે આંકડા પરથી જાણી શકાય તેવો કોયડો બનાવ્યો છે.
દ્વારકાની જામનગર ડીસ્ટ્રીકટ બેંકમાં ફરજ બજાવતા કર્મચારી રમેશભાઇ ભોગાયતાને કંઇક અલગ કરવાનો શોખ છે. તેમણે વર્ષ-૨૦૧૦ની કોઇપણ તારીખો પરથી તે તારીખે વાર કયો આવશે તે જાણવાની અવનવી ગાણીતિક તરકીબ અજમાવીને ૧૨ આંકડાઓ પ્રસઘ્ધિ કર્યા છે. રમેશભાઇએ સુચવેલા ૧૨ આંકડાઓ પરથી ઇ.સ. ૨૦૧૦ની સાલની કોઇપણ તારીખ નકકી કરીને તે તારીખે કયો વાર આવશે તે સરળતાથી જાણી શકાય છે. રમેશભાઇએ આ ગણતરીનું ટુંકુ સુત્ર અમલમાં મુકયું છે. ૪ ૭ ૭ ૩ ૫ ૧ ૩ ૬ ૨ ૪ ૭ ૨ આ ૧૨ આંકડાઓ પરથી કોઇપણ મહિનાની કોઇપણ તારીખામાં કયો વાર આવે છે તે જાણી શકાય છે. એકથી બાર આંકડા એકથી બાર મહિનાના ક્રમ મુજબ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે તા.૨૦-૦૪-૨૦૧૦ના રોજ કયો વાર આવે છે તે જાણીએ. સૌ પ્રથમ ઉદાહરણમાં જણાવેલી તારીખમાં એપ્રીલ મહિનો આવતો હોવાથી ઉપર જણાવેલા બાર આંકડામાંથી ૪ નંબરનો આંકડો એટલે ૩ લો. તેને તારીખમાં એટલે કે ૨૦માં ઉમેરો. કુલ સંખ્યાને ૭ વડે ભાગવાથી જે શેષ વધે તે વાર ઉદાહરણમાં જણાવેલ તારીખનો હોય. દા.ત. ૧ શેષ વધે તો સોમવાર, ર વધે તો મંગળવાર, ૩ વધે તો બુધવાર, ૪ વધે તો ગુરૂવાર, પ વધે તો શુક્રવાર, ૬ વધે તો શનિવાર અને કંઇ ન વધે તો રવિવાર જે તે તારીખનો વાર આવે. આ ગણિત કોયડો બનાવનાર દ્વારકાના રમેશભાઇ ભોગાયતાએ એવો દાવો કર્યો છે કે લોકોને આ આંકડાકીય ગોઠવણના આધારે કેલેન્ડરમાં કઇ તારીખે કયો વાર આવે છે તે જોવામાંથી મુક્તિ મળશે અને સરળતાથી વાર જાણી શકાશે તેમની આ તર્કીબની ગણિત વિશેષજ્ઞોએ પ્રશંસા કરી છે.

રાણાવાવ : તોતિંગ વીજ બિલ આવતાં આદિત્યાણાના પ્રૌઢનો આપઘાત

આદિત્યાણા ગામે રહેતા અને છુટક મજુરી કરતા લોહાણા પ્રૌઢ જમનાદાસ ગોરધનદાસ રાડીયા (ઉ.વ.પપ)ને વિજ ચોરી સબબ પી.જી.વી.સી.એલ. એ રૂપિયા દોઢ લાખનું બીલ ફટકાર્યા બાદ છેલ્લા બે મહિનાથી લોહાણા પ્રૌઢ સતત માનસીક તાણ અનુભવતા હોઇ અંતે આજે વહેલી સવારે ઝેરી દવાના ટીકડા ખાઇને આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.
જો કે લોહાણા પ્રૌઢે વિજ બીલના કારણે કે અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા જમનાદાસ ગોરધનદાસ રાડીયા (ઉ.વ.પપ) નામના લોહાણા પ્રૌઢના રહેણાંક મકાનમાં આજ થી બે માસ પહેલા પી.જી.વી.સી.એલ. એ વિજ ચોરી પકડીને રૂપિયા એક થી દોઢ લાખનું વીજ બીલ ફટકાર્યુ હતું ત્યાર બાદ જમનદાસભાઇ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. આટલી મોટી રકમનું વિજ બીલ કેમ ભરશે તે બાબતે સતત ટેન્શનમાં રહ્યા કરતા હતા અંતે તેઓએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે વહેલી સવારે પોતાના જ ઘરે ઝેરી દવાના ટીકડા ખાઇ લીધા હતા. આ અંગેની જાણ તેમના પરિવાર જનોને થતા તેઓ તુરંત દોડી જઇને જમનાદારસભાઇને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જમનાદાસભાઇ એ વિજ બીલના કારણે કે અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો છે તે બાબત સ્પષ્ટ થઇ નથી. પરંતુ તેમના પરિવાર જનોના કહેવાનુસાર તોતીંગ વિજબીલ આવ્યા બાદ જમનાદાસભાઇ સતત મુંઝવણમાં રહેતા હોવાથી આપઘાત કર્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીજ બિલના કારણે આપઘાતનો ચાર દિવસમાં બીજો બનાવ

વીજ તંત્ર દ્વારા પકડાવી દેવાતા બીલ જીવણેલ સાબિત થઇ રહ્યા છે. હજુ ચાર દિવસ પહેલાં જ કાળીપાટના એક ખેડૂતે પણ રાક્ષસી વીજબીલના કારણે આપઘાત કર્યો હતો.

હળવદ : ભગવા ત્યજી દઇ સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીએ શિક્ષિકા સાથે સંસાર માંડ્યો...!

અમુક સાધુઓને લીધે સ્વામી નારાયણ સંપ્રદાય સતત વિવાદમાં જ રહે છે ત્યારે મૂળ વઢવાણ તાલુકાના અને હળવદ તાલુકાના ચરાડવામાં રહેતા એક સાધુ મોરબીમાં એક શિક્ષિકા સાથે ખાનગીમાં ફેરા ફરી લગ્ન કરી લેતા ચકચાર ફેલાઇ છે. આ બનાવ સમગ્ર પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
હળવદ પંથકમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના પૂર્વ સ્વામીએ કિંમતી જમીનના દસ્તાવેજો સાથે ગોટાળો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં લાંબા સમય જેલમાં રહ્યાં બાદ આ સ્વામી જેલમાંથી છૂટ્યા હતા. ત્યારે આ સ્વામીએ બુધવારે મોરબી પંથકમાં એક શિક્ષિકા સાથે લગ્ન કરી લેતા ચકચાર ફેલાઇ છે. વઢવાણ એંસી ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીમાંથી આ સ્વામીની જાન મોરબી ગઇ હતી. આ સ્વામી હળવદ પંથકની એક શિક્ષિકા સાથે બુધવારે ખાનગી રીતે લગ્ન સંમારંભ યોજીને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નનો દેકારો ન થાય તે માટે સનાડા રોડ પર યોજાયેલા લગ્ન સમાંરભમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્વામી વઢવાણ તાલુકાના એક ગામમાં રહીને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સ્વામી નારાયણ સંપ્રદાયમાં દિક્ષા લઇ હળવદ તાલુકામાં ગુરુકુળનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન આ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ સ્વામીએ મોરબી ખાતે લગ્ન કરી લેતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.

અગાઉ પણ એક સ્વામી ઘોડે ચડ્યા હતા

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અને હળવદ તાલુકામાં રહેતા ગુરુકુળના સ્વામીએ ચાર ફેરા ફરી લેતા ચકચાર ફેલાઇ છે ત્યારે અગાઉ પણ એક સ્વામીએ ભગવા ત્યજી લગ્ન કર્યાનો બનાવ નોંધાયો છે. આ સ્વામી પણ વઢવાણ તાલુકાના એક ગામના હતા. આમ વઢવાણ તાલુકાના બે સ્વામીએ ભગવા ત્યજી ઘોડે ચડતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ચકચાર ફેલાઇ છે.

રાજકોટમાં પ્રેમી યુગલનો આપઘાત

શહેરના ચુનારાવાડમાં રહેતા કોળી યુવાન અને રત્નદીપ સોસાયટીની પ્રજાપતિ યુવતીએ ન્યારી ડેમ નજીક જલદ એસિડ ગટગટાવી સજોડે આપઘાત કરી લીધો હતો. દોઢ વર્ષ પૂર્વે જ્ઞાતિની યુવતી સાથે સગાઇ થયા પછી કોળી યુવાનને પ્રજાપતિ યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. પરિવાર આ સંબંધને સ્વીકૃતિ નહીં આપે તેવા ડરથી પ્રેમી યુગલે બુધવારે એસિડ ભેળવેલું ઠંડુ પીણું ગટગટાવી એક-મેકની બાહોમાં સમાઇ મોતની ચાદર ઓઢી લીધી હતી. લોધિકાના પી.એસ.આઇ. વી. એસ. ઠાકર, મદદનીશ પ્રવીણભાઇએ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતા. ખિસ્સામાંથી મળી આવેલા લાઇસન્સ પરથી ચુનારાવાડના રાવણ ચોકમાં રહેતા કિશોર ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નો મૃત દેહ હોવાનું સ્પષ્ટ થયું હતું. ન્યારી ડેમના ચોકીદાર કાળુભાઇ સવારે રાઉન્ડમાં નીકળ્યા ત્યારે વડવાજડી ગામના સીમાડા તરફ બાવળની ઝાડીમાં બે મૃતદેહ નજરે ચડયા હતા. ચોકીદારે આ અંગે લોધિકા પોલીસ અને તાલુકા પોલીસને જાણ કરી હતી. લોધિકાના પીએસઆઇ વી. એસ. ઠાકર, મદદનીશ પ્રવીણભાઇએ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. યુવકના ખિસ્સામાંથી મળી આવેલા લાઇસન્સ પરથી મૃતદેહ ચુનારાવાડના રાવણ ચોકમાં રહેતા કિશોર ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નો હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્થળ પર આવેલા રમેશભાઇએ નાના ભાઇની લાશ ઓળખી બતાવી હતી. જયારે બીજો મૃતદેહ પેડક રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતી માધવી લાલજીભાઇ બોપરિયા (ઉ.વ.૨૧) નો હોવાની માહિતી મળતા તેણીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. સ્થળ પરથી લુના મોપેડ અને એસિડ ભેળવેલું પીણું ભરેલી પ્લાસ્ટિકની બોટલ મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ સોની બજારમાં ચાંદી કામ કરતો કિશોર ચૌહાણ બુધવારે સવારે ૭ વાગ્યે રાબેતા મુજબ લુના મોપેડ લઇને કામે ચાલ્યો ગયો હતો. બપોર સુધી કામે નહીં પહોંચતા તેને શેઠે ઘરે ફોન કરતાં ચિંતાતુર પરિવારજનોએ પુત્રની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ માધવી પણ પગમાં દુ:ખાવો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા જવાનું કહીને બુધવારે સવારે ૧૦ વાગ્યે ગયા પછી લાપતા બની ગઇ હતી. બે ભાઇ એક બહેનમાં સૌથી નાના કિશોરની સગાઇ દોઢ વર્ષ પહેલાં ભવાની નગરમાં રહેતી શિલ્પા નામની યુવતી સાથે થઇ હતી. જયારે પાંચ બહેન એક ભાઇમાં બીજા નંબરની માધવી કુંવારી હતી. કિશોરને સગાઇ થયા પછી માધવી સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્ને એક થઇ નહીં શકે તેવા વિચારથી આપઘાત કરવાનો નિર્ણય કરી ન્યારી ડેમ પહોંચ્યા હતા. કિશોરે સોની કામ માટે ઉપયોગમાં લેવાતું જલદ એસિડ પેપ્સીની બોટલમાં ભેળવી દીધું હતું. બન્નેએ એસિડ ભેળવેલ પીણું ગટગટાવી એકમેકને બાથભરી જીવનનો અંત આણી દીધો હતો. મંગેતર પ્રેમિકા સાથે આપઘાત કર્યાની જાણ થતાં શિલ્પા હતપ્રભ બની ગઇ હતી.

રાજકોટ: પતિના મિત્રએ બળાત્કાર ગુજારી બદનામ કરતા મહિલા સળગી મરી

ઘાંચી વાડમાં રહેતી પૂર્વી મુકેશભાઇ મુછડિયા નામની પરિણીતા ઉપર પતિના મિત્રએ ચાર માસ પહેલાં બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ પહેલાં આરોપીએ તેના પતિને ચારિત્ર્ય વિશે એલફેલ કહેતા અગ્નિ સ્નાન કરી લેનાર પૂર્વીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નીપજયું હતું. મરણોન્મુખ નિવેદનના આધારે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. આપઘાત માટે મજબૂર કરવાની કલમ ઉમેરાશે. ધરપકડથી બચવા આરોપી પરિવાર સાથે નાસી ગયાનું પોલીસે જણાવ્યું હતું.
કડિયા જ્ઞાતિની પૂર્વી છગનભાઇ અજાગિયાને ઘાંચી વાડના મુકેશ ચકાભાઇ મુછડિયા નામના કલર કામ કરતા વણકર યુવાન સાથે પાંચ વર્ષ પૂર્વ પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા હતા અને સંતાનમાં ત્રણ વર્ષની એક પુત્રી છે. બુધવારે રાત્રે ઘર નજીક રહેતા કલાભાઇના પ્રસંગમાં પતિના મિત્ર બકુલે તેણીના ચરિત્ર્ય વિશે શંકા વ્યકત કરતા ઘરે જઇને અગ્નિ સ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પૂર્વીએ ફોજદાર ટી.એન. વણોલ સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં જણાવ્યા મુજબ, નવયુગ પરામાં રહેતા બકુલ વીરા મકવાણાએ તા. ૯/૧૧ના રોજ કપડાં સિવડાવવાના બહાને ઘરે બોલાવી હતી. તે ઘરે ગઇ ત્યારે બકુલની પત્ની કે પુત્ર હાજર ન હતા. તે રૂમમાં દાખલ થઇ તે સાથે જ બકુલે રૂમના દરવાજા બંધ કરી બળજબરીથી વાસના સંતોષી હતી. ડરના કારણે તેણે પતિથી આ વાત છૂપાવી હતી. દરમિયાન બુધવારે રાત્રે લગ્ન પ્રસંગમાં આરોપી બકુલે ચાર મહિના પહેલાં આચરેલા કુકર્મની પતિ મુકેશને જાણ કરી દેતા લગ્ન જીવન તૂટી જશે તેવા ભયથી તેણ જાત જલાવી લીધી હતી. જો કે, મુકેશે તેની પત્ની ઉપર મિત્રએ બળાત્કાર કર્યાની વાતનો ઇનકાર કરી માત્ર છેડતી થયાનું જણાવ્યું હતું. પોલીસે મરણોન્મુખ નિવેદન પરથી બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો.
આપઘાત માટે મજબૂર કરવાની કલમ ઉમેરાશે. પોલીસે વણકર પરિણીતાની ફરિયાદ પરથી આરોપી વિરુઘ્ધ બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બપોરે તેણીનું મોત નીપજતા પરિણીતાને આપઘાતની ફરજ પાડવા અંગેની કલમ ૩૦૬નો ઉમેરો કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

20 January 2010

આજનો ઇતિહાસ - ૨૦ જાન્યુઆરી

૧૮૧૭ : કોલકાતામાં હિંદુ કોલેજની સ્થાપના થઈ.
૧૯૪૫ : ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટ સતત ચોથી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.
૧૯૪૮ : બિરલા ભવનમાં પ્રાર્થનાસભામાં બોમ્બ ફેંકાયો. ગાંધીજી બચી ગયા.
૧૯૪૯ : જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર્તા તેજ બહાદુર સપ્રુનું નિધન.
૧૯૮૦ : કસ્તુરભાઈ લાલભાઈનું નિધન
૧૯૮૮ : સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનનું નિધન.

ઈન્ડિયન પ્રિમિયર લીગ -૩ પાક. ક્રિકેટરોની કોઈ લેવાલી નહીં પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સે સર્વાધિક રૂ. ૩.૪૨ કરોડની બોલી લગાવી

આગામી ૧૨ માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈ.પી.એલ.) સિઝન-૩માં પાકિસ્તાનના એક પણ ક્રિકેટરની કોઈ લેવાલી નીકળી ન હતી. પાક.ના ફાંકડા ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદી સહિત કુલ ૧૧ ખેલાડીઓને હરાજી માટે ઊતારાયા હતા પરંતુ તેમનામાં કોઈ પણ ટીમે રૂચી દર્શાવી ન હતી. જો કે ખેલાડીઓ માટે મંગળવારે યોજાયેલી હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ અને ન્યૂ ઝી લેન્ડના ઝડપી બોલર શેન બોન્ડ માટે સૌથી વધુ ૭,૫૦,૦૦૦ ડોલર(રૂ. ૩.૪૨ કરોડ)ની બોલી લાગી હતી જયારે પાકિસ્તાનના ખેલાડીઓને કોઈ ખરીદવા જ તૈયાર નહોતું. સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ઝડપી બોલર કેમાર રોચ રૂ. ૩.૨૮ કરોડ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. મુકેશ અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પોલાર્ડ માટે રૂ. ૩.૪૨ કરોડની બોલી લગાવી તેને પોતાની ટીમમાં સમાવ્યો હતો. શાહરુખની કોલકાતા નાઈટ રાઈડર્સે શેન બોન્ડને રૂ. ૩.૪૨ કરોડમાં ખરીદ્યો હતો. આ હરાજીમાં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી મહંમદ કૈફ માટે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે ૨,૫૦,૦૦૦ ડોલર(રૂ.૧.૧૪ કરોડ)ની બોલી લગાવી તેને પોતાની ટીમમાં સમાવ્યો હતો. જો કે પ્રથમ રાઉન્ડમાં કૈફ માટે કોઈએ બોલી લગાવી નહોતી.
કોઈએ ખરીધા જ નહીં
હરાજીમાં કુલ ૧૩ ખેલાડીઓની જગ્યા માટે ૬૭ ખેલાડીઓને સમાવાયા હતા જેમાં પાકિસ્તાનના ૧૧ ક્રિકેટરો પણ હતા. આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાનની ૨૦-૨૦ ટીમના કેપ્ટન શાહીદ આફ્રિદી સહિત ૧૧માંથી એકપણ ખેલાડીને કોઈ ખરીદનાર જ નહોતા મળ્યા. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વેબલ હાઈન્ડસ, ડરેન ગંગા, રામ નરેશ સરવન, સુલેમાન બેન, શ્રીલંકાના ઉપુલ થરંગા, ચમારા સિલ્વા ઓસ્ટ્રેલિયાના ફિલિ પાઈજ, બ્રેડ હેડિન, જેસન ક્રેજા, ડગલસ બોલિંગર, ઈગ્લેન્ડના ગ્રીમ સ્વાન, દક્ષિણ આફ્રિકાના જોહાન વાન ડેર વાથ, ટ્રાયન હેન્ડરસન અને ન્યૂ ઝી લેન્ડના ગ્રાન્ટ ઈલિયટ માટે પણ કોઈએ બોલી નહોતી લગાવી.
પોલાર્ડ અને બોન્ડ માટે ટાઈ બ્રેકથી નિર્ણય
પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ જયારે બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, ડેક્કન ચાર્જર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સર્વાધિક રકમ ૭,૫૦,૦૦૦ ડોલરની બોલી લગાવતા ટાઈ પડી હતી. ત્યાર બાદ આઈ.પી.એલ.ના ચેર મેન લલિત મોદીએ ફ્રેન્ચાઈઝીને વધારે બોલી લગાવવા કહ્યું હતું જેમાં પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સે બાજી મારી હતી. જો કે ખેલાડીઓને ૭,૫૦,૦૦૦ ડોલર મળશે જયારે વધારાની રકમ આઈ.પી.એલ. ના ખાતામાં જશે.
સચિનના કહેવાથી પોલાર્ડને ખરીદ્યો
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ જણાવ્યું કે પોલાર્ડને ટીમમાં સમાવવાનું સૂચન સચિન તેંડુલકરનું હતું. માસ્ટર બ્લાસ્ટરના આગ્રહના કારણે તેમણે પોલાર્ડ માટે સૌથી ઊચી બોલી લગાવી હતી.

IPLમાં વધુ એક અમદાવાદીની પસંદગી

હર્ષલ પટેલને મુંબઇ ઇન્ડિયન્સે આઠ લાખ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો, સમાચાર મળ્યા ત્યારે હર્ષલ આરામથી ઊંઘી રહ્યો હતો

મંગળવારે મુંબઇ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી સિઝન માટે થયેલી હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે અંડર-૧૯માં પ્રતિભાશાળી ઝડપી બોલર હર્ષલ પટેલની પસંદગી કરતાં આઇ.પી.એલ.માં વધુ એક અમદાવાદી ક્રિકેટર રમશે. આઇ.પી.એલ.ની પ્રથમ બે સિઝનમાં અમદાવાદના સ્ટાર રણજી ટ્રોફી ક્રિકેટરો પાર્થિવ પટેલ (ચેન્નાઇ સુપર કિંગ્સ), રાજસ્થાન રોયલ્સ તરફથી ઝડપી બોલર સિદ્ધાર્થ ત્રિવેદી, અમિત સિંઘ તથા બેટ્સમેન નિરજ પટેલ રમી ચૂકયા છે. આ તમામ ખેલાડીઓએ પ્રથમ બે સિઝનમાં પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કર્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સે હર્ષલને આઠ લાખ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો છે. નોંધનીય છે કે હર્ષલના સાથી ખેલાડી તથા અંડર-૧૯ વર્લ્ડકપના સુકાની અશોક માનેરિયાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો છે.
વર્તમાન સમયમાં ન્યૂ ઝી લેન્ડ ખાતે રમાતા અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષલ પટેલને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તે ઊઘમાં હતો અને પ્રથમ તો તે આ બાબત માનવા તૈયાર નહોતો. હર્ષલના કોચ તારક ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતના ક્રિકેટ માટે આ આનંદની વાત છે કે આઇ.પી.એલ.માં આપણા વધુ એક ખેલાડીની પસંદગી થઇ છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં ૨૧મીએ ઇંગ્લેન્ડ સામેની મેચ બાદ કવાર્ટર ફાઇનલ મેચો શરૂ થઇ રહી હોવાના કારણે આઇ.પી.એલ.માં હર્ષલની પસંદગી સાચા સમયે થઇ છે. મને ખાતરી છે કે મુંબઇ ઇન્ડિન્સ ફ્રેન્ચાઇઝીએ હર્ષલ પર મૂકેલા વિશ્વાસને તે યથાર્થ સાબિત કરી આપશે. ગુજરાતના ઝડપી બોલર્સ સાથે બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીની મુલાકાત લઇ રહેલા રણજી ટીમના કોચ વિજય પટેલે પણ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે હર્ષલ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇ.પી.એલ.-૩માં સારો દેખાવ કરવામાં સફળ રહેશે. વિશ્વ ભરના સ્ટાર ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ તેને ભવિષ્યમાં કામે લાગશે અને ગુજરાતને પણ ઉપયોગી બનશે.

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પાસેથી શીખવા જેવી બાબતો

આ એક એવા માણસની વાત છે જેને આ અવાજ ક્યાંય ચાલે નહીં તેમ કહીને એક વખત એક રેડિયો સ્ટેશનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને નિર્માતાઓએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે તાડ જેવો ઉંચો આ છોકરો ક્યારેય હિરો બની શકે નહીં. છતાં આ યુવાન હિંમત હાર્યો નહોંતો અને માન્યતાઓની ઝંઝીરને તોડી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની. આ એ જ અમિતાભ છે જે આજે પણ જ્યાં ઉભા રહે ત્યાંથી જ લાઇન શરૂ થાય છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ આ 68 વર્ષિય અભિનેતા અન્ય અભિનેતાઓને સશક્ત હરિફાઇ પુરી પાડી રહ્યા છે. અને નિર્માતાઓ આ અભિનેતાને પોતાની ફિલ્મમાં લેવા માટે લાઇન લગાવે છે. એવી તે શું વાત છે આ માણસમાં કે જેણે નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખી. વિવેચકો અને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. એક નજર કરીએ અમિતાભ બચ્ચન પાસેથી શિખવા જેવી કેટલીક બાબતો તરફ.

સંધર્ષ કરવો, હિંમત હારવી નહીં : બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની ફ્લોપ રહી હતી. આ ફિલ્મ માટે બચ્ચનને બેસ્ટ ન્યુ કમરનો એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નહોંતી. પરંતુ આનંદ ફિલ્મથી અમિતાભના અભિનયની નોંધ લેવાઇ. તે વખતના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરવાની તેને તક મળી. 1973માં આવી પ્રકાશ મહેરાની ઝંઝીર જેમાં “યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપકા ઘર નહીં” વાળા ડાયલોગ સાથે અમિતાભ પડદા પર અને લોકોના દીલો પર છવાઇ ગયા. વચ્ચેના સમયમાં કુલીનો એક્સીડન્ટ ત્યાર બાદ ફરી ફિલ્મોની નિષ્ફળતા બીજી તરફ એ.બી.સી.એલ.ના કારણે અમિતાભ દેવાદાર થઇ ગયા હતા.
હારે તે બચ્ચન નહીં...તેઓએ જંગ ચાલુ રાખ્યો. કૌન બનેગા કરોડપતી અને મહોબ્બતેથી ફરી પડદા પર ધમાકેદાર એન્ટ્રી મારીને લેણદારોની પાઇએ પાઇ ચૂકવી આપી.
દુશ્મનો કરતા મિત્રોની સંખ્યા વધુ : અમિતાભ બચ્ચનના વ્યકિતત્વનું જમા પાસુ એ છે કે કોઇ પણ માણસ એક વખત તેમને મળે એટલે તેમનાથી પ્રભાવિત થઇ જાય. તેમને દરેક અભિનેતા-અભિનેત્રી સાથે કામ કરવું ફાવે. એટલું જ નહીં રાજકારણ હોય કે ઉદ્યોગ જગત, સંગીત જગત હોય કે ખેલ જગલ દરેક જગ્યાએ બચ્ચનના મિત્રો મળી આવે.
ચુસ્ત સમય પાલન : બોલીવુડના ઘણા અભિનેતા, અભિનેત્રીઓ લેટ લતીફ તરીકે જાણીતા છે. પરંતુ આજની તારીખે પણ બચ્ચન નિશ્વિત સમયે શુટીંગના સ્થળે હાજર હોય છે. કોઇને આપેલો સમય ક્યારેય ચૂકતા નથી. બચ્ચનની આ ટેવના કારણે તેમના સહ-કલાકારો પણ સમયસર આવે છે અને નિયત સમય મર્યાદામાં શુટીંગ આટોપાઇ જાય છે.
નમે તે સૌને ગમે : અમિતાભ બચ્ચન આજે બોલીવુડના શહેનશાહ તરીકે ઓળખાય છે. પરંતુ તેના વ્યકિતત્વમાં ભારોભાર નમ્રતા જોવા મળે છે. અને નાનામાં નાના માણસની વાત પણ તે ધ્યાનથી સાંભળે છે.
પહેલું સુખ તે જાતે નર્યા : આજે 68 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનની તંદુરસ્તી કોઇ યુવાનને શરમાવે તેવી છે. અમિતાભ નિયમિતપણે કસરત કરે છે. અને ખાવા-પીવામાં પરેજી પાળે છે.
સમય સાથે બદલાતા રહેવું : બોલીવુડમાં જો કોઇ અભિનેતાનો બ્લોગ સૌથી વધુ વંચાતો હોય તો તે છે અમિતાભ બચ્ચનનો બ્લોગ. અમિતાભ સમય સાથે બદલાતા રહે છે અને કપડાથી માંડીને ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો અપનાવતા રહે છે. અને કદાચ આજ કારણ છે કે અમિતાભ બાળકોથી માંડીને વૃદ્ધો બધાને પોતીકા લાગે છે.

વસંત પંચમી સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્તિનો શ્રેષ્ઠ દિવસ: નવું પુસ્તક લખવા કે વિદ્યાકીય કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ ; લગ્નનું મુહૂર્ત નથી. હવે છેક હવે ૧૫ મેથી લગ્નના મુહૂર્તો

આજે મહા સુદ પાંચમ છે, જેને વસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા સરસ્વતીની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે લેખન-અઘ્યાપન-બૌદ્ધિક ક્ષેત્ર અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સરસ્વતીની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વસંત પંચમીએ રાજ્યમાં સૌથી વધુ લગ્નો થાય છે, પરંતુ આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અસ્તનાં કમુરતાંને કારણે લગ્ન માટે વણ જોયા મુહૂર્તના દિવસે લગ્નનું મુહૂર્ત નથી. હવે છેક હવે ૧૫ મેથી લગ્નના મુહૂર્તો મળશે.
વસંત પંચમી વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધનાનો દિવસ છે. પ્રાચીન કાળમાં વસંત પંચમીથી પાંચ દિવસીય સરસ્વતી મહોત્સવ યોજવામાં આવતો હતો. વર્તમાન સમયમાં અનેક સંસ્કૃત પાઠ શાળાઓમાં સરસ્વતી ઉત્સવ મનાવવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં કુમારિકાઓનું પૂજન સરસ્વતીરૂપે કરવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા સ્થાને બેસીને સરસ્વતીની કૃપા મેળવવા માટે સરસ્વતી સ્તોત્ર અથવા ‘ઓમ્ વાગ્વાદિની વર વર પ્રસીદ પ્રસીદ ઓમ્ સ્વાહા’ મંત્રનો એકાગ્ર ચિત્ત થઈ જાપ કરવો. જ્યારે પરીક્ષામાં સફળતા માટે પરીક્ષાર્થીઓએ વસંત પંચમીએ સવારે ૬થી ૯ અથવા સાંજે ૬થી ૮ દરમિયાન સ્નાનાદિથી પવિત્ર થઈને મા સરસ્વતીનું સ્મરણ કરીને ધૂપ-દીપ કરવો અને ત્યારબાદ માતા-પિતા અને વડીલોને પગે લાગવું. પછી ‘ઓમ્ હ્રીં ઓમ્’ મંત્ર ૧૦૮ વખત શ્રદ્ધાપૂર્વક જપવો, જેથી મા સરસ્વતીની કૃપાથી સારું પરિણામ મળે છે.
નવું પુસ્તક લખવા કે વિદ્યાકીય કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ
એક જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, અઘ્યાપન, લેખન, બૌદ્ધિક ક્ષેત્રે તેમજ કળાક્ષેત્રે સંકળાયેલા લોકો માટે વસંત પંચમી ઉત્તમ દિવસ છે અને તેમણે પણ આ દિવસે સરસ્વતી દેવીની ઉપાસના કરવી જોઈએ. નવા પુસ્તક લખવાનો પ્રારંભ કે વિદ્યાકીય કાર્યોનો પ્રારંભ પણ ઉત્તમ મનાય છે. વસંત પંચમીના દિવસે ગણેશજી અને સરસ્વતીનું સ્મરણ કરવાથી લાભ થાય છે.
પ્રકૃતિ રંગીન વાઘા પહેરશે
મઘમઘતા વાસંતી વાયરાઓ શરૂ થઇ ચૂક્યાં છે. પાનખરમાં ઉજડાઇ ગયેલા વૃક્ષો પર સૌથી પ્રથમ અસર થઇ હોય એમ પ્રકૃતિએ નવા કલેવરો ધારણ કર્યા છે. આવા પ્રાકૃતિક તાદાત્મ્ય સાધવાના અવસર સમાન વસંત પંચમીની આજે ઉજવણી કરવામાં આવશે.
વસંત પંચમીને જ્ઞાન પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષા પત્રી જયંતીની ઉજવણી કરશે. વસંત પંચમીથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગે છે. ગરમી તથા તડકો પડવાની શરૂઆત થવા લાગે છે. જો કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હવે છેક વસંત પંચમીના નજીકના દિવસોમાં શિયાળાના અસલી મિજાજનો પરિચય થયો છે. વાસંતી વાયરા સમગ્ર પ્રકૃતિ પર આહ્લાદક અસર ઊભી કરે છે. માનવીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે. ગ્રામીણ જન જીવન ખેતરોમાં આવેલો પાક લેવામાં વ્યસ્ત થઇ જાય છે. આમ શ્રમ પૂજા પણ થઇ જાય છે. વસંત પંચમીએ જ્ઞાનપિયાસુઓ મા શારદાનું અનુષ્ઠાન, પૂજા અર્ચન કરશે. ભગવાન શ્રી સ્વામિ નારાયણએ સંવત. ૧૮૮૨માં વડતાલમાં મૂલ્યવાન ગ્રંથ શિક્ષા પત્રી રચના કરી હતી. એટલે ભક્તો શિક્ષા પત્રી જયંતી ઉજવશે. આવતી કાલે જમીન મકાનના સોદા થશે. કારોબારની શરૂઆત થશે રાજકોટમાં છેલ્લા આઠ જ દિવસમાં ૧૨૦૦ જેટલા દસ્તાવેજોની નોંધણી થઇ છે.

ઓસ્ટ્રેલિયાના પુરુષો સૌથી સારા પ્રેમી !

શું તમારો પ્રેમ લવ એક્ટ ફર્સ્ટ સાઈટ વાળો છે ? તો તમારા માટે આ ખાસ ખબર છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પુરુષો દુનિયામાં સૌથી સારાં પ્રેમી હોય છે.
આ સર્વેમાં ઓસ્ટ્રેલિયાના પુરુષોને 10.7 ટકા વોટ મળ્યાં છે. જ્યારે ઈટલીના પુરુષ 7.2 ટકા વોટ મેળવીને બીજા નંબર પર અને બ્રિટેન 6.3 ટકા વોટ મેળવીને ત્રીજા નંબર પર છે. ચોથા ફ્રેન્ચ 6 ટકા અને સ્પેનિશ 5.6 ટકા મેળવીને પાંચમાં સ્થાન પર છે. આ ક્રમમાં આઈરિશ સૌથી નીચે 2.4 ટકા વોટ મેળવીને છેલ્લા નંબરે છે

18 January 2010

ગુજરાતે ગરીબી સામે લડાઇ શરૂ કરી દીધી છે : મોદી હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય ગરીબી સામે કોઇ લડાઇ કરે કે નહીં ગુજરાતે ગરીબી સામે લડાઇ શરૂ કરી દીધી છે- નરેન્દ્ર મોદી ગરીબ પરિવારને દેવામાંથી મૂક્ત કરવાનો અવસર ગરીબ કલ્યાણ મેળો છે કોઇ વચેટીયાને ઉપરવાળાના નામે માંગે તો કાણી પાઇ પણ પરખાવતા નહીં - મુખ્ય મંત્રીની અપીલ છ તાલુકાના ૪૮,ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડના સાધન-સહાયનું વિતરણ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગરીબને દેવાના ડુંગરમાંથી મૂક્ત કરવા આ કલ્યાણ મેળો છે. ગરીબને મૂસીબતમાંથી બહાર લાવવા સરકારી મદદરૂપે હક્કો તેના હાથમાં મૂકયા છે અને હવે સરકાર ગરીબી સામે લડવા ગરીબને શક્તિશાળી જોવા માંગે છે. તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં કરોડો રૂપિયા સીધા ગરીબના હાથમાં આવશે ત્યારે જિલ્લે-જિલ્લે તેનો પ્રભાવ અર્થ તંત્ર ઉપર વિધેયાત્મક રીતે પડવાનો છે. ગરીબી સામે લડવા માટે ગરીબને નવી શક્તિ આપનારા મુખ્ય મંત્રી પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાની પ૦ શ્રેણીનો આજે સાબરકાંઠા જિલ્લ્લામાં બીજો રાઉન્ડ મોડાસામાં યોજાયો હતો જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેધરજ અને તલોદ તાલુકાઓમાંથી ૪૮ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડની મદદ મુખ્ય મંત્રી અને અન્ય મંત્રીઓએ હાથોહાથ આપી હતી. આ પ્રસંગે મોડાસામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. ખૂલ્લી જીપમાં વિરાટ જનસમૂદાયનું અભિવાદન કરતાં મોદીએ જણાવ્યું કે આઝાદીના છ દાયકા વીતી ગયા. સરકારો તથા નેતાઓ ગરીબો માટે પીડા વ્યકત કરી આંસુ સારતા રહ્યા અને ગરીબીમાંથી ઉધ્ધાર થશે એવી આશામાં ગરીબોની બે-બે પેઢી ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગઇ. આ સરકાર ગરીબના ચહેરા ઉપર આનંદની લકીર જોવા માંગે છે, હિન્દુસ્તાન આ સ્થિતિ લાવે કે ના લાવે, ગુજરાત સરકાર આ ગરીબીને નેસ્ત નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકારી મદદ આપવા માટે કોઇ ઉપકાર કરવા કે ઉપદેશ આપવા હું આવ્યો નથી- ગરીબી સામે લડવાની શક્તિના ગરીબમાં મને દર્શન થયાં છે અને તેને મૂસીબતોમાંથી અને ગરીબીમાંથી બહાર લાવવો છે . કોઇ ગરીબ દેવાદાર રહેવા નથી માંગતો પણ દેવાના ડુંગર નીચે દબાયેલો ગરીબ સરકારી મદદ લઇને હવે મહેનત પસીનો વહાવીને ગરીબી સામે લડવા શક્તિમાન બનશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના બંને રાઉન્ડ સાબરકાંઠાએ પૂરા કર્યા છે અને હિંમતનગર તથા મોડાસામાં થઇને ગરીબી રેખા નીચે જીવતા જિલ્લાના કુલ એક લાખ કરતાં વધારે કુટુંબોને એકંદરે રૂ. ૧૦૦ કરોડથી વધુ નાણાંકીય લાભો સરકારી સહાયરૂપે મળ્યા છે. આ બધા જ નાણાં ગરીબના ધરમાં જશે અને ગરીબની તાકાત વધશે તો તેનો પ્રભાવ સમગ્ર સાબરકાંઠાના અર્થતંત્ર અને આર્થિક પ્રવૃત્તિ ઉપર પડશે. મોદીએ જણાવ્યું કે ગરીબના નામે મતોના રાજકારણથી ભૂતકાળમાં ચૂંટણી આવે ત્યારે ગરીબોના મેળા યોજીને વચનોની લહાણી થતી, સરકારની યોજનાઓ, બજેટો, જાહેરાત થતી અને ગરીબ સુધી તેનો પ્રવાહ કયારેય પહોંચતો જ નહીં. આ રાજકારણનું ધુપ્પલ મીટાવી દેવા, ગરીબના હક્કનું છીનવી લેનારા વચેટીયાને સીધા દોર કરવા અને ગરીબોનું લૂંટનારી કટકી કંપનીનો ખાત્મો બોલાવી દેવા આ સરકારે લાલ આંખ કરીને ગરીબ કલ્યાણ મેળા થકી ત્રીજું નેત્ર ખોલ્યું છે એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું. હવે કોઇ વચેટીયો ગરીબ પાસે જઇને તેના હક્કનું પડાવી લેવાનો પેંતરો કરે કે કોઇ લાભાર્થીને હલકી વસ્તુ-સાધન સહાયરૂપે મળે તો તેની ફરિયાદ એક પોસ્ટકાર્ડ લખીને મુખ્ય મંત્રીને, ગાંધીનગર મોકલજો, અમે આવા તત્વોને સીધા દોર કરી દઇશું, આ ગરીબને આર્થિક પ્રવૃતિમાં સક્ષમ બનાવવા માત્ર સહાય નહીં, તાલીમ, શિક્ષણ, સાધનો આપીને વ્યવસ્થામાં પગભર બનાવ્યો છે તેની અનેકવિધ સંકલિત યોજનાઓની વિગતો મોદીએ આપી હતી. આખા ગુજરાતમાં એક લાખ જેટલા સખી મંડળોમાં લાખો ગ્રામનારી ગૃહિણીઓ આર્થિક પ્રવૃતિમાં નેતૃત્વ લઇને વર્ષે રૂ. ૪૦૦ કરોડનું નાણાંકીય સંચાલન કરતી થઇ છે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.ગરીબની બેલી આ સરકારે જન્મથી મરણ સુધી તેની પડખે ઉભા રહેવાની વ્યવસ્થા કરી છે. માંદગી, રોગ, પ્રસૂતિ, કુપોષણથી પીડાતા ગરીબ પરિવારમાં સહાય કરવા આ સરકાર રાત-દિવસ ચિન્તા કરી રહી છે. ગરીબી સામે લડવાની દ્રષ્ટિ આ સરકારે આપી છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકાર ગરીબને આત્મવિશ્વાસ આપવા માંગે છે. ગરીબોને શક્તિ આપે છે ત્યારે મોંધવારીએ કાળો કેર સર્જ્યો છે. ગરીબની આંતરડી કકળાવીને કોઇ સુખી રહેવાનું નથી એ વાત કેન્દ્રની સરકાર સમજે અને દેશની જનતા એ માટે સબક શીખવાડે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વચેટીઆઓને દૂર કરીને ગરીબોને લાભ મળે તેવા આશયથી આ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન હાથ ધરાયું છે. ગરીબોને પ્લોટ-આવાસથી માંડીને તેમના જીવન ઉત્કર્ષ માટે સંખ્યાબંધ યોજનાઓ આ સરકારે અમલી બનાવી છે. વિધવા બહેનો-ગરીબ બહેનો પગભર થઇ શકે તેવી યોજના અમલી બનાવી છે. અત્યાર સુધી ૪૦ હજાર વિધવા બહેનોને તાલીમ તથા સાધન-સહાય આપીને પગભર બનાવાઇ છે. મહિલાઓ સ્વાભિમાનપૂર્વક જીવી શકે, ગરીબ બાળકો સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે પણ કામગીરી હાથ ધરાઇ છે. મહિલાઓની બચત પ્રવૃતિને પ્રોત્સાહન આપી સખી મંડળોની રચના કરાઇ છે. રાજ્યમાં ૧.-૪ર લાખ સખી મંડળો બનાવી રૂ. ૩૦૦ કરોડથી વધુ રકમ અપાઇ છે જેના દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બની છે. ચિરંજીવી યોજના અમલી બનાવી રાજ્યમાં ર.પ લાખ સંસ્થાકીય પ્રસુતિ કરાવીને માતા-બાળ મૃત્યુ દર ધટાડવાનું પ્રશંસનીય કામ આ સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાના પ્રભારી અને આદિ જાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, જિલ્લામા ૧૩ લાખ લિટર પ્રતિ દિન દૂધ એકત્રીકરણ થાય છે. જિલ્લામાં પાકતા ફુલો વિદેશ જાય છે. જિલ્લાનો સામાજિક-આર્થિક-ઔઘોગિક વિકાસ થાય તેવો અભિગમ રાજ્ય સરકારે રાખ્યો છે. અગાઉની સરકારોએ કુલ ૧ર,પ૦૦ કરોડ રૂ. આદિવાસીઓ માટે ફાળવ્યા છે. જ્યારે આ સરકારે રૂ. ૧પ હજાર કરોડ માત્ર પાંચ વર્ષમાં ફાળવ્યા છે. જિલ્લાને સુજલામ સુફલામ યોજના હેઠળ લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે. તેમણે ગરીબોને ગરીબીમાંથી મુકત કરવાનો સેવા યજ્ઞ આ સરકારે હાથ ધર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાત સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી પૂરવાર થઇ છે. રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવે-કન્યા કેળવણી વ્યાપક બને-કોમ્પ્યુટરનું જ્ઞાન વધે-ટેકનિકલ શિક્ષણ વધે અને યુવાનોને રોજગારી મળે તે માટે અગાઉ શિક્ષણના બજેટમાં રૂ. ૧૩૬૬ કરોડથી વધારીને વર્ષે ર૦૦૯-૧૦માં રૂ. ૧૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. ડ્રોપ-આઉટ રેશીયો ધટયો છે. તમામ શાળાઓમાં કોમ્પ્યુટર, શાળાના બાળકોને મફત પુસ્તકો જેવી યોજનાઓ અમલી બનાવાઇ છે. રાજ્યના ૩૦ વિકાસશીલ તાલુકામાં રહેતી અને તબીબી અભ્યાસક્રમમાં ભણતી દીકરીઓને વિશેષ સુવિધા અપાય છે. સાબરકાંઠાના સાંસદ ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગરીબો પ્રત્યેની સંવેદનામાંથી ગરીબ કલ્યાણ મેળાનો જન્મ થયો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી દેશમાં સમાજવાદ-રામરાજ્ય સ્થપાશે તેવી કલ્પના સાકાર થઇ નહીં. દેશમાં પ્રતિદિન રૂ. ર૦/- મેળવનારો બહોળો વર્ગ છે ત્યારે ગુજરાતમાં ગરીબોના ધરમાં કલ્યાણ દીપ પ્રજવલિત થાય તેવો આ મેળાનો આશય છે. એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાની ઉઘોગ અને સિંચાઇની અપેક્ષા સંતોષવા ગુજરાત સરકારે હાથ ધરેલા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.મુખ્ય મંત્રીએ આરોગ્ય, ડાયરી કેલેન્ડરનું વિમોચન પણ આ પ્રસંગે કર્યું હતું. મોડાસાના ધારા સભ્ય દીલીપસિંહ પરમારે સ્વાગત પ્રવચનમાં ગરીબ કલ્યાણ મેળાનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે ગરીબોને તેમના હક્ક હાથોહાથ આપવા માટે આ મેળો યોજાય છે. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ-કલ્યાણ કામોની રૂપરેખા આપી હતી. શહેરી વિકાસ મંત્રી નિતીનભાઇ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ફકીરભાઇ વાધેલા, આરોગ્ય મંત્રી જયનારાયણભાઇ વ્યાસ, પરબતભાઇ પટેલ, ધારાસભ્યો પ્રફુલભાઇ પટેલ, ઉદેસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ વસ્તાભાઇ મકવાણા, જિલ્લા ભાજપા પ્રમુખ પૃથ્વીરાજભાઇ પટેલ, વિવિધ નગર પાલિકાઓના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ-અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદાની જળ શક્તિથી વાત્રક-મેશ્વો-માઝૂમ જળાશયો ભરાશે. નર્મદા પાઇપ લાઇનનો રૂ. પપ૦ કરોડનો પ્રોજેકટ : મુખ્ય મંત્રી

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, સાબરકાંઠામાં નર્મદા જળ શક્તિથી રૂ. પપ૦ કરોડના ખર્ચે વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશયો ભરવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ મંજૂર થયાની જાહેરાત મોડાસામાં કરી હતી. તેમણે જણાવ્યું કે, નર્મદાની મુખ્ય નહેર દ્વારા સાબરકાંઠાના જળાશયો ભરવાની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓનો આ પ્રોજેકટ ત્રણ વધુ જળાશયોને આવરી લેશે અને નર્મદાની ૭ ફૂટ વ્યાસ ધરાવતી ૧૩૦ કી.મી.ની પાઇપલાઇન માઝમ, મેશ્વો અને વાત્રક જળાશયો ભરવા માટે નંખાશે જે સાબરકાંઠાની ધરતીને લીલીછમ બનાવી દેશે. આ પ્રોજેકટના ટેન્ડર મંજૂરી પ્રોસેસના કામો પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

17 January 2010

સુરેન્દ્રનગર : જિલ્લા ભાજપ પ્રમુખ બનવા આગેવાનોની હોડ, વરણી માટે રરમીએ બેઠક

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પક્ષનું સંગઠ્ઠન મજબુત બનાવવા જિલ્લા ભરના ૧૮ મંડળોમાંથી ૧૩ મંડળોના પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. આથી જિલ્લા ભાજપ પ્રમુખની વરણીનો માર્ગ મોકળો બન્યો છે. ૨૨મી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી થનાર છે. આથી જિલ્લા ભરના ભાજપના આગેવાનોમાં પ્રમુખ કોણ બનશે તે અંગે ગરમાવો વ્યાપી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે જિલ્લાના આગેવાનોમાં હોડ જામી છે. સુરેન્દ્રનગર લોક સભા વિસ્તારમાં ૬૦ ટકાથી વધુ બક્ષી પંચના મતદારો હોવાથી છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વખત સાંસદ બક્ષી પંચના ચૂંટાય છે ત્યારે લોક સભા અને વિધાન સભાની પેટાચૂંટણી બાદ જિલ્લામાં ભાજપ સંગઠ્ઠનને મજબુત બનાવવા માટે કવાયત હાથ ધરાનાર છે.

ચોટીલા : પેટા ચૂંટણીમાં મતદારો વૈકિલ્પક પૂરાવા રજૂ કરી મતદાન કરી શકશે : પ્રચાર ઉપર પ્રતિબંધ

વિધાન સભાની ચોટીલા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાનની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારો ફોટો ઓળખ પત્ર વગર મતદાન કરી શકે તે માટે વૈકિલ્પક પુરાવાની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે જાહેરનામુ બહાર પાડયું છે. ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન મતદાન મથક ઉપર મતદારે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફોટો ઓળખ પત્ર રજૂ કરવાનું છે. પરંતુ ઓળખ પત્ર અપાયા નથી તેવા મતદારો અથવા ઓળખ પત્ર રજૂ ન કરી શકે તો કેટલાક દસ્તાવેજી પૂરાવાઓ પૈકી કોઇ પણ એક દસ્તાવેજી પૂરાવો રજૂ કરવા પંચે મંજૂરી આપી છે.
આ પૂરાવાઓમાં પાસ પોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્કમ ટેકસ પાન કાર્ડ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો, સ્થાનિક સ્વ રાજયની સંસ્થા અથવા પબ્લિક લીમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખ પત્ર, પબ્લિક સેક્ટર બેંકો અને પોસ્ટ ઓફિસો દ્વારા આપવામાં આવેલી ફોટા સાથેની પાસ બુક, સ્વતંત્રતા સૈનિકના સ-તસવીર ઓળખ પત્ર વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચની સૂચનાનુસાર ચૂંટણી અંગેના પ્રકાશનો, પોસ્ટરોના છાપ કામ માટેની જોગવાઇઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ જોગવાઇઓ મુજબ કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં.

જામનગર: ચાર વર્ષના સંઘર્ષ બાદ વિધવા પેન્શનની રકમ ચડત વ્યાજ સાથે અરજદારના ખાતામાં જમા

જામનગર: પેન્શન કેસમાં ચાર વર્ષના લાંબા કાનૂની જંગ બાદ વિધવાનું પેન્શન મંજૂર થયું છે. પેન્શનની રકમ ચડત વ્યાજ સાથે અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. જામનગરના હરૂભા બાલુભા જાડેજા સ્થાનિક ધનાણી ઇમ્પ-એકસ પ્રા.લી. સંસ્થામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતાં. વર્ષ-૨૦૦૫ની સાલમાં ફરજ દરમિયાન તેનું અવસાન થયું હતું. આ કર્મચારીના વિધવા ક્રિષ્નાબાએ નિવૃતિના લાભો મળવા જરૂરી ફોર્મ ભરી આધારો સાથે રાજકોટ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ઉપ ક્ષેત્રિય કચેરીએ અરજી કરી હતી. જેના અનુસંધાને સભ્યની જન્મ તારીખનું સક્ષમ કચેરીનું પ્રમાણ પત્ર રજૂ કરવા કચેરીએ જણાવ્યું હતું. આ પ્રમાણ પત્ર સભ્યની નોકરીની સંસ્થાના રેકર્ડમાં ઉપલબ્ધ ન હોવાથી અને તેમના જન્મની નોંધ કોઇ પણ સરકારી કચેરી કે સંસ્થામાં થઇ ન હોવાથી નોટરી સમક્ષ કરેલ સોગંદનામાથી જન્મનો પુરાવો રજૂ કર્યો હતો. પરંતુ આ પુરાવો માન્ય ગણી શકાય નહીં તેમ કચેરીએ જણાવ્યું હતું. મૃત્યુ પામેલ વ્યક્તિના કિસ્સામાં જન્મ તારીખના દાખલા માટે ગુજરાત વડી અદાલતમાંથી હુકમ મેળવવાનો હોઇ અને અરજદાર વકીલ રોકવા અસમર્થ હોઇ વકીલ અણદુભા જાડેજા મારફત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળમાં કાનૂની સેવાની મદદ મળવા ગુજરાત વડી અદાલતમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી.
પરંતુ વડી અદાલતમાંથી હાજર થવા નોટીસ નિકળતા આ દરમિયાન અરજદારના પતિની જન્મ તારીખનું પ્રમાણ પત્ર જામકંડોરણા તાલુકા પંચાયત નિયંત્રણ હેઠળની સાતોદડ તાલુકા શાળાના જુના રેકર્ડમાંથી મળી આવ્યું હતું. જન્મ તારીખનું અસલ પ્રમાણ પત્ર રાજકોટ પેન્શન કચેરીમાં રજૂ કરવામાં આવ્યુ હતું. જયાંથી ઇપીએસ-૯૫ હેઠળ અરજદારનું વિધવા પેન્શન સતત ચાર વર્ષની જહેમત બાદ મંજૂર થઇને આવતા વિધવા પેન્શનની રકમ ચડત પેન્શનની રકમ સાથે દેના બેંકની સ્થાનિક પટેલ કોલોની શાખાએ અરજદારના બચત ખાતામાં તાત્કાલીક જમા કરી ચૂકવી આપી હતી.

રાજકોટના યુવાનની હત્યા: બોથડ પદાર્થના ઘા ઝીંકી માથા પર ભારે વાહનનું વ્હીલ ફેરવી દીધાની અને હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસની શંકા:

લોધિકાના જશવંતપુરની સીમમાંથી રાજકોટના આહીર યુવાનની લાશ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા હત્યારાઓએ અકસ્માતની એલીબી ઊભી કરી હતી. જો કે બોથડ પદાર્થના ઘા ઝીંકી અથવા મોટા વાહનનું વ્હીલ ફેરવી યુવાનને કચડી નખાયો હતો.
રાજકોટના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આહીર દિલીપભાઈ હમીરભાઈ ડાંગર (ઉ.વ.૪૦) શુક્રવારે સાંજે પાડોશી પ્રભાતભાઈ ડાંગરનું નવું બાઈક લઈ ‘હમણાં આવું છું’ કહી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી આ યુવાન પરત નહીં ફરતા ડાંગર પરિવારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. દરમિયાન જશવંતપુરની સીમમાં અજાણ્યા યુવાનની માથું છૂંદાયેલી લાશ પડી હોવાની શનિ વારે સવારે ગામના સરપંચ બાબુભાઈએ જાણ કરતા લોધિકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. એ વેળાએ શોધમાં નીકળેલા કેટલાક આહીર યુવાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે લાશ દિલીપભાઈની હોવાનું ઓળખી બતાવ્યું હતું.
આહીર યુવાનનું માથું છૂંદાયેલું હતું તેના શરીર પર બાઈક પડેલું હોઈ અકસ્માતમાં મૃત્યુ થયાનું લોકોને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું. પરંતુ માથામાં ઈજા હતી અને માંસના લોચા દૂર-દૂર સુધી ઊડયા હોઈ યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકાયાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. આહીર યુવાનને મરણતોલ માર મારી અધમૂવો કરી ત્યાર બાદ મોટા વાહનના વ્હીલ નીચે તેનું માથું છૂંદી નાખી બનાવને અકસ્માતમાં ખપાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. ચાર ભાઈ અને એક બહેનમાં ચોથા દિલીપભાઈ પુષ્પક ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા હતા તેમના મૃત્યુથી તેમના બે પુત્ર અને એક પુત્રીએ છત્ર છાંયા ગુમાવી છે. આહીર યુવાનને કોઈ સાથે દુશ્મનાવટ ન હતી તેમ ડાંગર પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું તો દિનેશભાઈને કોણે અને શા માટે રહેંસી નાખ્યા ? હત્યારા સુધી કે હત્યાના કારણ સુધી પહોંચાય તેવી એક પણ કડી પોલીસને હજુ સુધી મળી ન હતી. મૃતકના ભાઈ રામભાઈની ફરિયાદ પરથી લોધિકા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, એકાદ મહિના પૂર્વે દિલીપભાઈને અવધની વીડી પાસે કોઈની સાથે માથાકૂટ થઈ હતી. કોઈ શખ્સોએ આહીર યુવાનની કારના કાચ ફોડી નાખ્યા હતા અને તેના મોબાઈલનું કાર્ડ પણ પડાવી લીધું હતું. ઝઘડા બાદ યુવાને પોતાની કાર વેચી નાખી હતી. જો કે કોની સાથે અને શા માટે ઝઘડો થયો હતો તે અંગે દિલીપભાઈએ કોઈને જાણ કરી ન હતી એ ઝઘડો હત્યાનું કારણ છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
માંસના લોચા દૂર સુધી ઊડયા
દિલીપભાઈની લાશ પડી હતી તેનાથી ઘણી દૂર સુધી માંસના લોચા ઊડયા હતા. આ યુવાનને બોથડ પદાર્થના ઘા ઝનૂનપૂર્વક મારવામાં આવ્યા હોય અથવા ભારે વાહન નીચે માથું છૂંદી નંખાયાની શંકા સેવાઈ રહી છે.

રાજકોટ : સત્ય સાંઇ હોસ્પિટલની સેવાઓ ચમત્કાર સમી ગુજરાત વડી અદાલતના ન્યાયાધિશ ઝવેરીના હસ્તે ‘કેથ લેબ’નો પ્રારંભ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલમાં કેથ લેબનું ઉદ્-ઘાટન કરતાં ગુજરાતના વડી અદાલતના ન્યાયાધિશ કલ્પેશભાઇ ઝવેરીએ જણાવ્યું કે, આ હોસ્પિટલમાં શસ્ત્ર ક્રિયા સહિતની સેવાઓ સંપૂર્ણપણે વિના મૂલ્યે થાય છે તે આ યુગનો ચમત્કાર જ છે. પ્રાસંગિક ઉદ્-બોધનમાં તેમણે જણાવ્યું કે, અમેરિકામાં હૃદયની શસ્ત્ર ક્રિયાનો ખર્ચ ૧૦૦૦ ડોલર જેટલો અને ભારતમાં રૂ. બે લાખ જેટલો થાય છે. આટલો ખર્ચ સામાન્ય માનવી કે ગરીબ વર્ગના લોકો ખમી શકે તેમ નથી. આ લોકો માટે કોઇ વિશેષ આરોગ્ય વીમા યોજના પણ નથી અને હૃદય રોગનું પ્રમાણ સતત વધતું જાય છે. ત્યારે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલે વિના મૂલ્યે સેવા પૂરી પાડીને સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ હોસ્પિટલ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર દર્દીઓની સેવા કરે છે.
સારા કાર્યમાં ભગવાન પણ મદદ કરે છે
આ પ્રસંગે એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ આરોગ્ય, શિક્ષણ અને નિષ્ઠાનો શુભ સમન્વય કરી બતાવ્યો છે. આ હોસ્પિટલના સેવા કાર્યો અન્યો માટે પણ પ્રેરણાદાયી બની રહે છે. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ કહ્યું કે, સત્ય સાંઇ બાબા સમાજને તબીબી સેવા, પાણી અને શિક્ષણ નિ:શુલ્ક મળવા જોઇએ એ વિચારધારાને માનનારા છે. રાજકોટમાં આ હોસ્પિટલ શરૂ કરવાનુ શ્રેય પૂ.સાંઇ બાબાને અને બીજો શ્રેય બરોડાના કનુભાઇ પટેલને જાય છે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાનો સકસેસ રેશિયો અકલ્પય છે. અત્યાર સુધી કરોડોની કિંમતની શસ્ત્ર ક્રિયાઓ વિના મૂલ્યે થઇ છે અને થતી રહેશે. આ માનવતાનો ચમત્કાર છે એમ કહી એમણે ઉમેર્યું હતું કે,૨૦૧૧ની સાલમાં ગુજરાતમાં કોઇ દર્દી પૈસાના અભાવે મૃત્યુ ન પામે એ અમારું લક્ષ્ય છે.
આ પ્રસંગે ‘અકિલા’ના મોભી કિરીટભાઇ ગણાત્રા, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો તથા એડવોકેટસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાર એસો. અને અન્ય સંસ્થાઓ દ્વારા એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી તથા જસ્ટીસ કલ્પેશભાઇ ઝવેરીનું સન્માન કરાયું હતું. પ્રારંભે બાળકોએ સુંદર ભકિત રચના રજૂ કરી હતી. આભારવિધિ ડો. સુષ્માબેને કરી હતી.
હોસ્પિટલ ચાલતી નથી, પૂરપાટ દોડે છે
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ એક કિસ્સો યાદ કરતાં જણાવ્યું કે, અત્યારે ટ્રસ્ટો અને એન.જી.ઓ. પણ બિઝનેસ બન્યા છે. સન ૨૦૦૦માં આ હોસ્પિટલનું ઉદઘાટન થયું એ પ્રસંગે જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણીએ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે, નિ:શુલ્ક સારવાર આપતી સંસ્થા ચાલી નહીં શકે. પરંતુ બે વર્ષ બાદ ગૌતમભાઇ ફરી હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે રૂ. દોઢ કરોડનું દાન આપીને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચાલતી નથી પણ દોડે છે.

રાજકોટ : વ્યવસાયીઓની યાદીમાંથી ૩૦,૦૦૦ નામ ગાયબ: મહા પાલિકાને સોંપાયેલી ૪૦ હજાર વ્યવસાયીઓની યાદીમાં ભોપાળું, સર્વિસ ટેક્સ વિભાગની બેદરકારી: મનપા દ્વારા સર્વેમાં સૌથી વધુ વ્યવસાયીઓ મઘ્ય ઝોનમાં મળી આવ્યા

રાજકોટ શહેરની હદમાં જુદા જુદા પ્રકારના વ્યવસાય કરતી વ્યક્તિઓ પાસેથી વ્યવસાય વેરા વસૂલવા માટે મહાપાલિકાને સત્તા મળી એ બાદ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા મહા પાલિકાને સોંપાયેલી ૪૦ હજાર કરતા વધુ વ્યવસાયીઓની યાદીમાં જબરું ભોપાળું નીકળ્યું છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અપાયેલી સૂચિમાંથી ૮૦ ટકા લોકોનો કોઇ પત્તો નથી. કેટલાકે પોતાનો વ્યવસાય જ બદલી નાખ્યો છે. હવે, મહા પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે નવા વ્યવસાયીઓની નોંધણી થઇ છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા જે યાદીની સોંપણી કરવામાં આવી એ પૈકી મોટા ભાગના વ્યવસાયીઓના નામ સરનામા અથવા તો માલિકો બદલી ગયા હતા. વળી, જે રેકર્ડ સોંપવામાં આવ્યું એમાંથી વ્યવસાય વેરાના ચલણની કોપી અને રજિસ્ટ્રેશન અંગેનું ફોર્મ જ મળી આવ્યું હતું. ઉમ્મિદ યોજના હેઠળ તાલીમ પામેલા યુવાનોની પાસે આ વ્યવસાયીઓની ખરાઇ કરવા અને નવા શોધવા માટે સર્વે કરાવ્યો એ બાદ વ્યવસાયીઓની સંખ્યા ૪૦ હજારથી ૭૧૨૫૪ સુધી પહોંચી ગઇ છે.
વર્ષ ૨૦૦૭-૦૮માં વ્યવસાય વેરાની રૂ. ૩૦ લાખની આવક હતી તે રૂ. ૫.૬૦ કરોડને આંબી ગઇ છે. વ્યવસાય વેરાની આવક ઝોન વાઇઝ જોવામાં આવે તો, નવા વ્યવસાયી તથા નોકરીદાતાઓનું પ્રમાણ પશ્ચિમ ઝોનમાં પણ વધતું જાય છે આમ છતાં, સૌથી વધુ વ્યવસાય વેરો મઘ્ય ઝોનમાંથી મળે છે.
વર્ષ ૨૦૦૮-૦૯માં સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાંથી મળેલો વ્યવસાય વેરો અનુક્રમે ૩.૨૮ કરોડ, રૂ. ૬૫ લાખ તથા રૂ. ૬૧ લાખ હતો. ચાલુ વર્ષમાં અત્યાર સુધી પશ્ચિમ ઝોનની રૂ. ૮૯,૨૨,000ની આવક થઇ છે. નવી નોંધણી ઉપરાંત નોકરીદાતા એકમો તથા વ્યવસાયીઓનું એ તરફ સ્થળાતંર પણ કારણભૂત ગણવામાં આવે છે.
દરજી, લુહાર, વાણંદ પણ વ્યવસાય વેરો ભરવા જવાબદાર
વ્યવસાય વેરા અધિનિયમ ૧૯૭૩ સુધારા હેઠળ લુહાર, ફેબ્રિકેશન, સુથાર-ફર્નિચર, વાણંદ, સોના-ચાંદી કામ, ફલોર મિલ, બ્યુટી પાર્લર વગેરે વ્યવસાય કરતા લોકો માટે કોઇ જોગવાઇ નથી. તેને અન્યોમાં સમાવેશ કરવા માટે મહા પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
સર્વિસ ટેક્સ વિભાગ શું કરતો હતો ?
માત્ર એક જ વર્ષમાં મનપાએ વ્યવસાય વેરાની આવક કરોડોમાં રળી બતાવતા એ વાત તો સાબિત થઇ ગઇ કે, સર્વિસ ટેક્સ વિભાગ અત્યાર સુધી ઘોરતો હતો. કામગીરીના અભાવના કારણે જ સરકારને અત્યાર સુધી કરોડોની ખોટ ગઇ છે. માર્ચ-૨૦૦૮થી તમામ આવક મનપાને સોંપાતા તેની કિંમત સમજાઇ છે.

પર્યાવરણ જાગૃતિ માટે ૧૧૭૦ કિ.મી.ની મેરેથોન

ગ્લોબલ વોર્મિંગની ચિંતા દેશવાસીઓને સતાવી રહી છે ત્યારે પર્યાવરણની જાગૃતિનો સંદેશો લઇને મૂળ તામિલનાડુના અને હાલ આણંદ રહેતા એક યુવાને ૧૧૭૦ કિમીની મેરથોન શરૂ કરી છે. આ યુવાન ૧૫ જાન્યુઆરીએ ઝાલાવાડ આવી પહોંચ્યો હતો. આ યુવાને ઝાલાવાડવાસીઓને પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને પાણીના કરકસરભર્યા ઉપયોગનો સંદેશો આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર અને પર્યાવરણને અસર પહોંચી રહી છે ત્યારે પર્યાવરણની જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે ડી.મુનીઅપ્યને ૧૧૭૦ કિમીની મેરથોન શરૂ કરી છે. ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં ફરીને ૩૬૩૦ કિમી દોડ પૂર્ણ કરીને અમદાવાદ પહોંચશે. સમગ્ર સૌરાષ્ટ્ર દોડીને રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧૫મી જાન્યુઆરીએ ડી.મુનીઅપ્યન આવી પહોંચ્યો હતો. આ રમતવીરનું જિલ્લાભરમાં સ્વાગત કરાયું હતું. પર્યાવરણની જાગૃતિનો સંદેશો આપનાર ડી.મુનીઅપ્યને સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૧ જેટલા વૃક્ષોનું રોપણ કર્યુ છે. ઝાલાવાડવાસીઓ પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ, પેટ્રોલ બળતણનો બચાવ, પાણીનો કરસકર ઉપયોગનો સંદેશો આપ્યો હતો. આ અંગે ડી. મુનીઅપ્યને જણાવ્યું કે, તેઓ દરરોજ ૩૦ થી ૪૦ કિમીની દોડ લગાવે છે. આ દરમિયાન તેઓ પર્યાવરણ જાગૃતિ અર્થે લોકોને જાગૃત કરી સંદેશો આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, મૂળી અને સુરેન્દ્રનગર તેઓ દોડીને આવ્યા છે. જ્યારે તા. ૧૬મી જાન્યુઆરીએ ધ્રાંગધ્રા તરફ રવાના થયા છે ત્યારબાદ હળવદ થઇ કચ્છ તરફ પર્યાવરણની જાગૃતિ માટે દોડ લગાવશે.

લૌકિક ક્રિયાને તિલાજંલિ આપતો પોરબંદરનો પરિવાર : જ્ઞાતિના આગેવાનોએ આવકાર્ય પગલું ગણાવ્યું

પરિવારના કોઇ સ્વજનનો સ્વર્ગ વાસ થાય એટલે બેસણું, લૌકીક, ઉત્તર ક્રિયા, સોળમું ધામ જેવા પ્રસંગો સાથે કુટુંબના સભ્યો સફેદ વસ્ત્ર ધારણ કરીને શોક મગ્ન બની જતા હોય છે પરંતુ પોરબંદરના લોહાણા જ્ઞાતિના કારીયા પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યાના દુ:ખની લાગણી સાથે આ લૌકિક ક્રિયાને તિલાંજલી આપતા જ્ઞાતિ મહાજને આવા કાર્યને અનુસરવા તમામ જ્ઞાતિજનોને અપિલ કરી છે. પોરબંદર લોહાણા જ્ઞાતિના તેમજ લોહાણા મહા પરિષદના સભ્ય હિંમતલાલ ભીમજીભાઇ કારીયાના ધર્મપત્નિ વનિતાબેન તા.૯ જાન્યુઆરીના રોજ શ્રીજી ચરણ પામતા સદગતની ઇરછા મુજબ કારીયા પરિવારે પ્રાર્થના સભાના દિવસે જ કુટુંબના તમામ સભ્યોને શોક મુકત થવા તેમ જ સફેદ વસ્ત્રો ન પહેરવા જણાવ્યું હતું. જ્ઞાતિના રિવાજ મુજબની તમામ પ્રથાઓને તિલાંજલી આપી જ્ઞાતિ માટે ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ તમામ ખર્ચની રકમ અબોલ પશુઓની સેવામાં વાપરવાનો નિર્ણય કર્યો હતો.
પોરબંદર લોહાણા મહાજના વૃજલાલ મણીલાલ કારીયા તેમજ રામજીભાઇ રૂગનાથભાઇ પોપટ સહિતના આગેવાનોએ આ ઉમદા, સાહસિક પગલાને બિરદાવી આ પગલાને અનુસરવા જ્ઞાતિજનોને અનુરોધ કર્યો હતો.

મંદબુઘ્ધિનાં બાળકોની રાજ્ય કક્ષાની ચેમ્પીયનશીપમાં જામનગરને નવ મેડલ : જિલ્લાનાં ૧૭ સહિત રાજ્યનાં ૧૨૦૦ સ્પર્ધકો

ગાંધીનગર ખાતે તાજેતરમાં યોજાયેલી મંદબુઘ્ધિનાં બાળકોની રાજ્યકક્ષાની ચેમ્પીયનશીપમાં હાલારના નવ ખેલાડીઓએ મેડલ મેળવ્યા હતાં. જામનગર જિલ્લાનાં ૧૭ સહિત રાજ્યભરનાં ૧૨૦૦ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં બારૈયા વિજયાબહેન (વનાણા-જામજોધપુર) ૧૦૦મી. દોડમાં ચેમ્પીયન, પટેલ અંકિત ૧૦૦૦મી. સાયકલ સ્પર્ધામાં ચેમ્પીયન અને ૫૦૦ મી. સાયકલમાં તૃતિય, સંતાણી હર્ષાબેન અને ગોહીલ નિહાલ સોફટબોલ થ્રોમાં ચેમ્પીયન, દેલવાડીયા સાગર (જોડીયા) લોંગ જમ્પમાં, જેતાવત અભિરાજ સાયકલીંગ ૧૦૦૦ મી.માં , ભોજાણી જય પાવર લીફટીંગમાં અને ફલીયા હીરેને ૧૦૦ મી. દોડમાં દ્વિતીય નંબરે વિજેતા થઇ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. આ સ્પર્ધામાં ભાગ લેનારાં બાળકોને ટ્રેક શૂટ, ટી-શર્ટ, સ્પોટર્સ શૂઝ, અને મોજા આપવામા આવ્યા હતા. રાજ્યકક્ષાની ચેમ્પીયન શીપમાં મેડલ મેળવી બાળકોએ શહેરનાં ગૌરવમાં વધારો કરવાની સાથે તેમના પરિવારનું નામ રોશન કર્યુ છે.

જામજોધપુર પાસે સગા ભાઇ-બહેનને કાળ ભરખી ગયો : ભાણવડ નજીક ટ્રકે ત્રિપલ સવાર બાઇકને ફંગોળતા જુનાગઢના યુવાનનું મૃત્યુ

મકરસંક્રાંતિના દિવસે સર્જાયેલા બે અકસ્માતમાં સગર ભાઇ-બહેન સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતાં. ભાણવડ નજીક ખાનગી બસે મોટર સાયકલને ઠોકરે ચડાવતા પોરબંદર પથકના સગર ભાઇ-બહેનના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે જામજોધપુર નજીક ટ્રકની ઠોકરે જુનાગઢના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. ભાણવડ નજીક ભણગોર ગામના પાટીયા પાસે પુરઝડપે જે-રપડી-૩૨૧૫ નંબરના મોટર સાયકલને ઠોકરે ચડાવી ઘડાકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં મોટરસાયકલ સવાર વિનુભાઇ કરશનભાઇ કારેણા (ઉ.વ.ર૦) અને તેની બહેન જશુબેન (ઉ.વ.૧૧) ને ગંભીર ઇજા પહોચતા બન્નેના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. પોરબંદરના અમરદળ ગામે રહેતો મૃતક સગર યુવાન અને તેની બહેન ભાણવડ તાલુકાના ગોવાણ ગામે રહેતા કાકા અરજનભાઇને ત્યાં આંટો મારી પરત ગામડે જઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા નાના એવા અમરદડ ગામ અને સગર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવના પગલે લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતક નાશી છુટેલા બસ ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે જામજોધપુર નજીક ઉપલેટા રોડ પર જીજે-૧૦યુ-૫૨૪૯ નંબરના ટ્રકે જીજે-૧૧જેજે-ર૦૦૦ નંબરના મોટરસાયકલને ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં જુનાગઢના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તુષાર દિલીપ હરીભાઇ દરજીનું મત્યુ નિપજ્યું હતું. જયારે બાઇક પાછળ બેઠેલા અરજણ પુંજાભાઇ (ઉ.વ.રર) અને સંજય બીજલભાઇ (ઉ.વ.ર૮) નામના રબારી યુવાનોને ઇજા પહોચતા ઉપલેટા હોસ્પિટલ ખસેડાયા હતાં. અતિ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે મોટર સાયકલને ડ્રાઇવીંગ સાઇડ પર ઠોકર મારી હતી. છતાં પણ બસની ગતિ ઓછી થઇ નહોતી અને મૃતક ભાઇ-બહેન પ૦ થી ૬૦ ફુટ દુર બસ સાથે ઢસડાયા હતાં.