બાવાશ્રી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ : ધોરાજીમાં ખળભળાટ
ધોરાજીમાં છપ્પન ભોગ મહોત્સવ દરમિયાન દર્શનના સમયે મચેલી ધમાચકડીમાં આઠ વૈષ્ણવોના થયેલા મોતની ઘટનામાં આયોજન સમિતિ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ શખ્સોની આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે. સમિતિ દ્વારા ૧૪/૧૨/૦૯ થી ૨૦/૧૨/૦૯ સાત દિવસ સુધી હાલારી રાસ, હવેલી સંગીત, ઢાઢી લીલા, મહિયારી લીલા, કીર્તન સંમેલન અને છપ્પનભોગ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. સેવા ભેટ માટે મોટી હવેલી, સોની બજાર ખાતે સંપર્ક કરવા પણ જણાવાયું હતું. તા. ૧૪થી ૧૯ સુધીના કાર્યક્રમો રંગેચંગે ઉજવાયા હતા. જોકે, ૨૦/૧૨ના રોજ ધારણા કરતાં વધુ વૈષ્ણવો એકઠા થઇ જતાં અંધાધૂંધી ફેલાઇ હતી અને ધક્કામુક્કી થતાં બાર વર્ષની એક બાળા અને સાત વૈષ્ણવ મહિલાના કમકમાટીભયા મોત નિપજયા હતા. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દરમિયાન, ધક્કા મુક્કીમાં મૃત્યુ પામનાર ધોરાજીના સવિતાબેન માવાણીના પુત્ર દીપક વ્રજલાલે વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રવિવારના રોજ મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ ન આપી તેમજ દર્શન કરવા માગતી વૈષ્ણવ મહિલાઓને પાછળના સાંકડા માર્ગથી પ્રવેશ આપતા ધક્કા મુક્કી થઇ હતી તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર નિર્ધારિત સમયે ખોલવામાં આવ્યા ન હતા. આથી, ભીડ બેકાબૂ બની ગઇ હતી. આ ઉપરાંત મુખ્ય પ્રવેશ દ્વાર અવાર નવાર બંધ કરવામાં આવતા પણ ભીડ વધી ગઇ હતી. ભીડ બેકાબૂ બનતા ધક્કા મુક્કી થતાં પોતાના માતા સહિત આઠનાં મોત થયા હતા અને પંદરને ઇજાઓ થવા પામી હતી. લેઉવા પટેલ સાંસ્કતિક ભવન ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અવ્યવસ્થાના કારણે જ ઉપરોકત પરિસ્થિતિ થઇ હતી અને તેના માટે છપ્પનભોગ મહા મહોત્સવ સમિતિ સંપૂર્ણપણે જવાબદાર છે. પોલીસે દીપક માવાણીની ફરિયાદના આધારે સમિતિના આયોજક સામે સાપરાધ મનુષ્યવધની કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સમિતિમાં કોણ છે તેનો પત્રિકામાં ઉલ્લેખ જ નથી
છપ્પન ભોગ મહા મહોત્સવનું આયોજન કરવા માટે સમિતિ બનાવવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અઘ્યક્ષ તરીકે.પ્રબોધકુમાર મહારાજનું નામ છે. અને તેમના સંપર્ક માટે રાજકોટ તેમજ ધોરાજીનાં બે સરનામા મોબાઈલ નંબર સાથે લખવામાં આવ્યા છે. ભેટ સંપર્ક માટે પણ કોઈના નામનો ઉલ્લેખ નથી કરાયો માત્ર ટેલિફોન નંબર જ લખવામાં આવ્યા છે.
કમુરતામાં સગાઈ રાખીને મોટી દુઘટર્ના સર્જાઈ
હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે કમુરતામાં કોઈ સારા પ્રસંગો રાખવામાં આવતા નથી. પરંતુ પ્રબોધ મહારાજના પુત્ર રત્નેશ બાવાની સગાઈ કમુરતામાં રાખવામાં આવી હતી. ત્યારે વૈષ્ણવોમાં જ એવી ચર્ચા હતી કે, કમુરતામાં સગાઇ રાખવા પાછળનું કારણ શું ? માત્ર ભેટ-સોગાદો જ વધુ મળે તે માટે જ કમુરતામાં છપ્પન ભોગનો કાર્યક્રમ સગાઈનો ખર્ચ કાઢવા રખાયો હશે ? તેવો સવાલ પણ ઉપસ્થિત થયો છે.
યુરોપ-યુએસમાં ભિષણ હિમવર્ષા : ૧૦૦ મોત
તાપમાન શૂન્યથી ૩૩ અંશ નીચે જતાં ક્રિસમસ ખરીદી ખોરવાઈ હજી વધુ બરફ વર્ષાની આગાહી
યુરોપ અને અમેરિકામાં બર્ફીલી હવા અને બરફ વર્ષા થવાને પગલે તાપમાન ખૂબ જ નીચું જતાં ૧૦૦થી વધુ લોકોનાં મોત નિપજયાં છે. પોલેન્ડમાં જ છેલ્લા ત્રણ દિવસમાં ૪૨ લોકોનાં મોત થયાં છે. યુક્રેન સહિતના વિસ્તારોમાં મોતનો અંક ૪૮એ પહોંરયો છે. ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ અને જર્મનીમાં તાપમાન શૂન્યથી ૩૩ અંશ ડિગ્રી નીચે ઊતરી ગયું હતું. વિસ્તારમાં સર્જાયેલી દુઘર્ટનાઓને કારણે ૧૩ મોત થયાં હતાં.
અમ્પાયરની ભૂલને કારણે સચિન સદી ચૂક્યો ?
સચિનના બેટને સ્પર્શીને ગયેલા બોલમાં ઇરાસમસે વાઇડના રન આપ્યા
સચિન તેંડુલકર તેની વન-ડે કારકિર્દીમાં અગાઉ ૧૭ વખત નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયેલો હતો અને સદી ચૂકી જવી એ તેના માટે સોમવારની મેચમાં પહેલી ઘટના ન હતી પરંતુ કટક ખાતે જે કાંઇ બન્યું તેમાં સચિનનો વાંક ન હતો. ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન ૯૬ રન સાથે અણનમ રહ્યો હતો અને ભારત આસાનીથી મેચ જીતી ગયું ત્યારે દિનેશ કાર્તિકે જાણી જોઇને સચિનને સદીથી વંચિત રાખ્યો હોવાની રમતપ્રેમીઓમાં લાગણી પેદા થઇ છે. કાર્તિકે છેલ્લી ઓવરોમાં સિક્સર અને બાઉન્ડ્રી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી અને સચિન અણનમ રહી ગયો. જોકે એક હકીકત એવી પણ છે કે સાઉથ આફ્રિકન અમ્પાયર મેરિયસ ઇરાસમસની ભૂલને કારણે સચિન સદીથી વંચિત રહ્યો હતો. અજંતા મેન્ડીસે ફેંકેલી ૩૮મી ઓવરના છેલ્લા બોલે સચિન તેંડુલકર લેગ સાઇડમાં રમ્યો હતો અને તેના બેટને સ્પર્શીને ગયેલા બોલને અમ્પાયર ઇરાસમસે વાઇડના રન આપ્યા હતા. એ બોલે ભારતને ત્રણ રન મળ્યા હતા. આ જ રીતે એ પછી મલિંગાની ઓવરમાં સચિન રમ્યો ત્યારે પણ અમ્પાયરે લેગ બાયનો રન આપ્યો હતો.
અમદાવાદ : જાહેરમાં લઘુ શંકા કરતા યુવક જેલ ભેગો ..!
જાહેરમાં લઘુશંકા કરવી એ ગુનો બને છે...! આ વાત કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. આવા કાયદાથી અજાણ માતરનાં એક યુવકને જાહેરમાં લઘુશંકા કરવા બદલ અમદાવાદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુળ માતર તાલુકાનો હમીદ મીયા બુલુ મીયા મલેક (ઉં.૨૨) થોડા દિવસ અગાઉ કામ અર્થે અમદાવાદ આવ્યો હતો. દાણી લીમડા વિસ્તારમાં એક જગ્યાએ એ લઘુ શંકા કરી રહ્યો હતો, ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને કસ્ટડીમાં પુરી દીધી હતો. આ અંગે સુત્રોએ જણાવ્યું હતુ કે જાહેર સ્થળો પર લઘુ શંકા કરવાથી ગુનો બને છે. દાણી લીમડા પોલીસે પણ હમીદ મીયા વિરૂધ્ધ જાહેરમાં બીભત્સ ચેનચાળાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
23 December 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment