24 June 2010

ઓસી.માં પહેલી વાર મહિલા પ્રધાનમંત્રી

* ઓસી.માં પહેલી વાર મહિલા પ્રધાનમંત્રી

ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટી દ્વારા કેવિન રડને અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ જૂલિયા ગિલાર્ડ દેશની પહેલી મહિલા પ્રધાનમંત્રી બની ગઇ છે. ગિલાર્ડે જણાવ્યું કે તે દેશનું નેતૃત્વ કરવાની તક મળતા પોતાને ભાગ્યશાળી માને છે.


ગવર્નર જનરલ ક્વેન્તીન બ્રાયસે સ્થાનિક સમય અનુસાર બપોરે સાડા બાર વાગે પ્રધાનમંત્રી પદની શપથ અપાવી હતી. ગિલાર્ડને લેબર પાર્ટીના અધ્યક્ષપદે બીન હરિફ ચૂંટી લેવામાં આવી હતી. અગાઉ અપમાનથી બચવા માટે રડે પોતાને ચૂંટણીથી અગળા રહ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર રડ જ્યારે પોતાનો અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તેમનું ગળુ રુંધાઇ ગયું હતું. બહાર આવીને રડે પત્રકારોના સવાલના જવાબ પણ આપ્યાં ન હતાં.


અગાઉ અધ્યક્ષપદ માટે ગુરૂવારે મતદાન થવાનું હતું પરંતુ તે મતદાન થયુ ન હતું. એવુ માનવામાં આવે છે કે ગિલાર્ડને મતદાન પહેલા જ બહુમતી મળી ગઇ હતી. 49 વર્ષની ગિલાર્ડને પ્રભાવશાળી ઓસ્ટ્રેલિયન વર્કર્સ યુનિયનનું પણ સમર્થન પ્રાપ્ત છે.


ઓસ્ટ્રેલિયામાં સતત નીતિઓની અસફળતા, લોકોમાં ઘટી રહેલો વિશ્વાસ અને ખાણ ઉદ્યોગની લડાઇના કારણે રડ હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. રડે બુધવારે જાહેરાત કરી હતી કે તેના સહાયક પ્રધાનમંત્રી ગિલાર્ડે તેને લેબર પાર્ટીના અધ્યક્ષ પદ માટે મતદાન કરવાનું જણાવ્યું હતું.

*અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ
રાજ્ય સરકારે યોજેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-’૦૯ વખતે ગાંધીનગર જિલ્લામાં થયેલા ૧૦ કરોડથી ઓછા મૂડીરોકાણવાળાં ૩૦ એકમોના રૂ.૧૦૬ કરોડના કુલ મૂડીરોકાણના એમઓયુ પૈકીના ૧૮ ઉદ્યોગો ઉત્પાદનમાં આવી ગયા છે. આ ઉપરાંત ૬ એકમો અમલીકરણની કક્ષાએ પહોંચી ગયા હોવાનું તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન સ્પષ્ટ થયું હતું, જ્યારે ૬ ઉદ્યોગકારો એવા છે જેઓ એકમ સ્થાપવા માટે જમીનની શોધખોળ ચલાવી રહ્યા છે.

જિલ્લાતંત્રનાં સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઉત્પાદનમાં આવી ગયેલા ઉદ્યોગોમાં પીંડારડા ગામે ઝલક કોલ્ડ સ્ટોરેજ, રકનપુર ગામે દીપ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, છત્રાલમાં સંગીનીતા ઇન્ડસ્ટ્રીઝ, કરણ પેપર મિલ્સ, ડી-કાલ ફાર્મા, જી-વન એગ્રો પ્રોડક્ટ, ધાનોટમાં વિરાટ એલોઇઝ, સાંતેજમાં અનિકેત ફાર્મા., વાસણા રાઠોડ પાટીદાર એગ્રો એન્ડ ફૂડ, મોસમપુરા ગામે વિનાયક ટીએમટી બાર્સ, રાજપુરામાં સાકાર ગ્લેઝડ ટાઇલ્સ, પરબતપુરામાં ગોકુલ ફ્રિઝિંગ હાઉસ, મોટી ભોંયણમાં શક્તિ પોલીફેબ, બિલેશ્વરપુરામાં રોયલ ઇન્ડસ્ટ્રીઝ, સાંતેજમાં ઇટા એન્જિનિયિંરગ સર્વિસ, ધમાસણામાં શ્યામ એગ્રો, ચિલોડામાં પર્લ એન્ટરપ્રાઇઝ અને બલાલપુરમાં સ્ટોનેકસ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

દરમિયાન ઉપરોક્ત ઉદ્યોગોમાં આજ સુધીમાં રૂ.૩૯.૧૨ કરોડનું મૂડીરોકાણ પણ થઈ ગયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉદ્યોગોમાં કુલ ૧,૦૫૮ લોકોને રોજગારી મળવાની હતી તે પૈકી ૩૧૪ લોકોને રોજગારી મળી ચૂકી છે.

જે ઉદ્યોગો અમલીકરણ હેઠળ છે તેમાં દીપ ઇન્ટરનેશનલ અને રામ સ્ટીલ રોલિંગ મિલ્સ, મોટી ભોંયણમાં ગુંજન પેઇન્ટ્સ અને ધારા લાઇફસીન, સાંતેજમાં નિરમી ફ્લેક્સીપેક અને ઉમા કન્વર્ટર્સનો સમાવેશ થાય છે.s

* યુવતીઓને આશરો આપનાર મહિલા સંસ્થામાં ભારે હોબાળો

રાજસ્થાનથી દોડી આવેલા નિધિ જૈનના પરિવારજનોની વિકલ્પ વિમન્સ ગ્રૂપમાં તોડફોડ

રાજસ્થાનના કોટાથી ભાગેલી બે યુવતીઓએ મહિલાઓના હક માટે લડતી વડોદરાની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં આશરો લીધો હતો. યુવતીઓના પરિવારજનોને જાણ થતાં બુધવારે વડોદરા દોડી આવ્યા હતાં. જ્યાં યુવતીઓને મળવાના મુદ્દે સંસ્થાના સંચાલિકા સાથે રકઝક થતાં પરિવારજનોએ તોડફોડ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.


રાજસ્થાનના કોટામાં રહેતા લલિતકુમાર જૈનની ૨૭ વર્ષીય પુત્રી નિધિ અને જોધપુર પાલી નિવાસી ૨પ વર્ષીય આકાંક્ષા રાજપુરોહિત ગત ૧ જૂને ઘરેથી ભાગી ગયાં હતાં. આ અંગે કોટા પોલીસને જાણ કરી પરિવારજનોએ શોધખોળ ચલાવી હતી. દરમિયાનમાં યુવતીઓએ ફોન કરી પોતે સલામત હોવાની પરિવારજનોને જાણ કરી હતી. કોલના આધારે યુવતીઓ વડોદરામાં હોવાનું જાણવા મળ્યું હતું.

બંને યુવતીઓ વડોદરાના અકોટા વિસ્તારમાં હોવાની પરિવારજનોને જાણ થતાં નિધિના કાકા પંકજ જૈન અને અન્ય એક યુવક આજે આવ્યા હતાં. તેઓએ અકોટાની હોટલ ગેટ વેમાં તપાસ કર્યા બાદ સામેની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં હોવાનું જાણવા મળતાં ત્યાં પહોંચ્યા હતાં.


સંસ્થા યુવતીઓ-મહિલાઓના હક માટે કાર્યરત હોવાની જાણ થતાં પરિવારજનોએ સંસ્થામાં જઇ બંને યુવતીઓને મળવાનો આગ્રહ કર્યો હતો પરંતુ આ મુદ્દે સંસ્થાના સંચાલિકા ઇન્દિરાબહેન પાઠક સાથે રકઝક થતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને એક યુવકે દરવાજાની તોડફોડ શરૂ કરી દીધી હતી.


ઓફિસમાં તોડફોડ થતાં સંસ્થાની મહિલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે સંચાલિકાએ પોલીસ કમિશનરને જાણ કરતાં જેપી રોડ પોલીસ મથકના પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસની એન્ટ્રી પડતાં જ યુવતીના કાકા સહિત બંને ત્યાંથી પોબારા ભણી ગયા હતાં. જોકે, કાર્યાલય પર તમાશાને જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં પોલીસે સંસ્થામાં સંચાલિકા સહિત કાર્યકરોને પાછળના દરવાજેથી બહાર કાઢી મૂક્યા હતાં.


પોલીસે સમગ્ર વિવાદના કેન્દ્રસ્થાને રહેલી નીધિની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે,આગામી ૩ જુલાઇએ તેનું લગ્ન નક્કી કરાયું છે. લગ્ન માટે અનિચ્છા હોવા છતાં પરિવારજનોએ દબાણ કરતાં તે સહેલી આકાંક્ષા સાથે ઘર છોડીને ભાગી હતી. આ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.


યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા


નિધિ જૈન અને આકાંક્ષા રાજપુરોહિત છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતી. તેમના સંબંધો અંગે પરિવારજનોને જાણ થઇ જતાં ભારે વિરોધ થયો હતો. રાજસ્થાનથી ભાગેલી આ બંને યુવતીઓએ વડોદરામાં વિકલ્પ વુમન્સ ગ્રુપ સંસ્થામાં આશરો લીધો છે. આ બંને યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા સેવાઇ રહી છે. અલબત્ત,બંને મિત્રો વચ્ચે કેવો સંબંધ છે અને સંસ્થાની ભૂમિકા શું છે? તે અંગે કંઇ જાણવા મયું નથી.


સંસ્થામાં વિદેશી સહિત ૧૦ જેટલી યુવતીઓનું રોકાણ

વિકલ્પ વિમેન્સ ગ્રૂપની ઓફિસની ઉપર જ મકાન છે. જેમાં હાલ બેથી ત્રણ જેટલી વિદેશી યુવતીઓ સહિત ૧૦ થી વધુ મહિલાઓ રોકાઇ છે. આજે રાજસ્થાનથી ભાગીને આવેલી બે યુવતીઓના પરિવારજનોએ સંસ્થાની કચેરીમાં તોડફોડ કરતાં તમામને પાછળના દરવાજેથી બહાર કઢાઇ હતી.

No comments:

Post a Comment