24 June 2010

અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ

અડધાથી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન શરૂ

રાજ્ય સરકારે યોજેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-૦૯ વખતે ગાંધીનગર જિલ્લામાં થયેલા ૧૦ કરોડથી ઓછા મૂડીરોકાણવાળાં ૩૦ એકમોના રૂ.૧૦૬ કરોડના કુલ મૂડીરોકાણના એમઓયુ પૈકીના ૧૮ ઉદ્યોગો ઉત્પાદનમાં આવી ગયા છે. આ ઉપરાંત ૬ એકમો અમલીકરણની કક્ષાએ પહોંચી ગયા હોવાનું તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન સ્પષ્ટ થયું હતું, જ્યારે ૬ ઉદ્યોગકારો એવા છે જેઓ એકમ સ્થાપવા માટે જમીનની શોધખોળ ચલાવી રહ્યા છે.

જિલ્લાતંત્રનાં સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઉત્પાદનમાં આવી ગયેલા ઉદ્યોગોમાં પીંડારડા ગામે ઝલક કોલ્ડ સ્ટોરેજ, રકનપુર ગામે દીપ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, છત્રાલમાં સંગીનીતા ઇન્ડસ્ટ્રીઝ, કરણ પેપર મિલ્સ, ડી-કાલ ફાર્મા, જી-વન એગ્રો પ્રોડક્ટ, ધાનોટમાં વિરાટ એલોઇઝ, સાંતેજમાં અનિકેત ફાર્મા., વાસણા રાઠોડ પાટીદાર એગ્રો એન્ડ ફૂડ, મોસમપુરા ગામે વિનાયક ટીએમટી બાર્સ, રાજપુરામાં સાકાર ગ્લેઝડ ટાઇલ્સ, પરબતપુરામાં ગોકુલ ફ્રિઝિંગ હાઉસ, મોટી ભોંયણમાં શક્તિ પોલીફેબ, બિલેશ્વરપુરામાં રોયલ ઇન્ડસ્ટ્રીઝ, સાંતેજમાં ઇટા એન્જિનિયિંરગ સર્વિસ, ધમાસણામાં શ્યામ એગ્રો, ચિલોડામાં પર્લ એન્ટરપ્રાઇઝ અને બલાલપુરમાં સ્ટોનેકસ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

દરમિયાન ઉપરોક્ત ઉદ્યોગોમાં આજ સુધીમાં રૂ.૩૯.૧૨ કરોડનું મૂડીરોકાણ પણ થઈ ગયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉદ્યોગોમાં કુલ ૧,૦૫૮ લોકોને રોજગારી મળવાની હતી તે પૈકી ૩૧૪ લોકોને રોજગારી મળી ચૂકી છે.

જે ઉદ્યોગો અમલીકરણ હેઠળ છે તેમાં દીપ ઇન્ટરનેશનલ અને રામ સ્ટીલ રોલિંગ મિલ્સ, મોટી ભોંયણમાં ગુંજન પેઇન્ટ્સ અને ધારા લાઇફસીન, સાંતેજમાં નિરમી ફ્લેક્સીપેક અને ઉમા કન્વર્ટર્સનો સમાવેશ થાય છે.s

* યુવતીઓને આશરો આપનાર મહિલા સંસ્થામાં ભારે હોબાળો

રાજસ્થાનથી દોડી આવેલા નિધિ જૈનના પરિવારજનોની વિકલ્પ વિમન્સ ગ્રૂપમાં તોડફોડ

રાજસ્થાનના કોટાથી ભાગેલી બે યુવતીઓએ મહિલાઓના હક માટે લડતી વડોદરાની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં આશરો લીધો હતો. યુવતીઓના પરિવારજનોને જાણ થતાં બુધવારે વડોદરા દોડી આવ્યા હતાં. જ્યાં યુવતીઓને મળવાના મુદ્દે સંસ્થાના સંચાલિકા સાથે રકઝક થતાં પરિવારજનોએ તોડફોડ કરતા ભારે હોબાળો મચી ગયો હતો.

રાજસ્થાનના કોટામાં રહેતા લલિતકુમાર જૈનની ૨૭ વર્ષીય પુત્રી નિધિ અને જોધપુર પાલી નિવાસી ૨પ વર્ષીય આકાંક્ષા રાજપુરોહિત ગત ૧ જૂને ઘરેથી ભાગી ગયાં હતાં. આ અંગે કોટા પોલીસને જાણ કરી પરિવારજનોએ શોધખોળ ચલાવી હતી. દરમિયાનમાં યુવતીઓએ ફોન કરી પોતે સલામત હોવાની પરિવારજનોને જાણ કરી હતી. કોલના આધારે યુવતીઓ વડોદરામાં હોવાનું જાણવા મળ્યું હતું.

બંને યુવતીઓ વડોદરાના અકોટા વિસ્તારમાં હોવાની પરિવારજનોને જાણ થતાં નિધિના કાકા પંકજ જૈન અને અન્ય એક યુવક આજે આવ્યા હતાં. તેઓએ અકોટાની હોટલ ગેટ વેમાં તપાસ કર્યા બાદ સામેની વિકલ્પ વિમેન્સ ગ્રૂપ સંસ્થામાં હોવાનું જાણવા મળતાં ત્યાં પહોંચ્યા હતાં.

સંસ્થા યુવતીઓ-મહિલાઓના હક માટે કાર્યરત હોવાની જાણ થતાં પરિવારજનોએ સંસ્થામાં જઇ બંને યુવતીઓને મળવાનો આગ્રહ કર્યો હતો પરંતુ આ મુદ્દે સંસ્થાના સંચાલિકા ઇન્દિરાબહેન પાઠક સાથે રકઝક થતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને એક યુવકે દરવાજાની તોડફોડ શરૂ કરી દીધી હતી.

ઓફિસમાં તોડફોડ થતાં સંસ્થાની મહિલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે સંચાલિકાએ પોલીસ કમિશનરને જાણ કરતાં જેપી રોડ પોલીસ મથકના પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસની એન્ટ્રી પડતાં જ યુવતીના કાકા સહિત બંને ત્યાંથી પોબારા ભણી ગયા હતાં. જોકે, કાર્યાલય પર તમાશાને જોવા લોકોનાં ટોળાં ઉમટી પડતાં પોલીસે સંસ્થામાં સંચાલિકા સહિત કાર્યકરોને પાછળના દરવાજેથી બહાર કાઢી મૂક્યા હતાં.

પોલીસે સમગ્ર વિવાદના કેન્દ્રસ્થાને રહેલી નીધિની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે,આગામી ૩ જુલાઇએ તેનું લગ્ન નક્કી કરાયું છે. લગ્ન માટે અનિચ્છા હોવા છતાં પરિવારજનોએ દબાણ કરતાં તે સહેલી આકાંક્ષા સાથે ઘર છોડીને ભાગી હતી. આ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.

યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા

નિધિ જૈન અને આકાંક્ષા રાજપુરોહિત છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતી. તેમના સંબંધો અંગે પરિવારજનોને જાણ થઇ જતાં ભારે વિરોધ થયો હતો. રાજસ્થાનથી ભાગેલી આ બંને યુવતીઓએ વડોદરામાં વિકલ્પ વુમન્સ ગ્રુપ સંસ્થામાં આશરો લીધો છે. આ બંને યુવતીઓ લેસ્બિયન હોવાની આશંકા સેવાઇ રહી છે. અલબત્ત,બંને મિત્રો વચ્ચે કેવો સંબંધ છે અને સંસ્થાની ભૂમિકા શું છે? તે અંગે કંઇ જાણવા મયું નથી.

સંસ્થામાં વિદેશી સહિત ૧૦ જેટલી યુવતીઓનું રોકાણ

વિકલ્પ વિમેન્સ ગ્રૂપની ઓફિસની ઉપર જ મકાન છે. જેમાં હાલ બેથી ત્રણ જેટલી વિદેશી યુવતીઓ સહિત ૧૦ થી વધુ મહિલાઓ રોકાઇ છે. આજે રાજસ્થાનથી ભાગીને આવેલી બે યુવતીઓના પરિવારજનોએ સંસ્થાની કચેરીમાં તોડફોડ કરતાં તમામને પાછળના દરવાજેથી બહાર કઢાઇ હતી.

*તારાં લગ્નના દિવસે બ્રેઇન સર્જરી કરાવીશ

યુવતીને આડકતરી ધમકી આપતાં લખ્યું, હું ગૃહખાતાથી લઇને અરુણ જેટલી સુધીના સંપર્કમાં છું

કોર્પોરેશનના અધિકારીએ યુવતીને કરેલા એસએમએસથી તેની વિકૃત માનસિકતા છતી થાય છે. તે પૈસા અને પદના જોરે યુવતીઓને ફસાવે છે. પીવાનો શોખીન છે. સુરતમાં તો છોકરી ફસાવે જ છે પણ છેક પૂનામાં પણ ગર્લફ્રેન્ડ રાખે છે અને ગોવા જઇને એન્જોય કરે છે તેવું તેણે યુવતીને કરેલા મેસેજ પરથી ફલિત થાય છે.

યુવતીએ કરેલી પોલીસ ફરિયાદમાં ફોનનંબર ૯૭૨૪૩૪૫૦૧૧ ઉપરથી મે અને જુન મહિનામાં આવેલા કુલ ૭૨ એસએમએસની સ્ક્રીપ્ટ આપી છે. આ એસએમએસનો અભ્યાસ કરતા જણાય છે કે આ પરિણીત આધેડ અધિકારી તેની દીકરીની ઉંમરની યુવતીના ૨જી જુને થનારા લગ્નને અટકાવવા માટે સૌપ્રથમ તો ઇમોશનલ બ્લેક મેઇલ કરે છે.

એસએમએસ કરનાર લંપટ અધિકારી યુવતીના લગ્નને કોઇપણ રીતે અટકાવવા માટે સામ-દામ-દંડ-ભેદ તમામ રીતરસમો અપનાવે છે. તે ઇમોશનલ બ્લેકમેઇલ કરવા ઉપરાંત બીજી ગર્લફ્રેન્ડની વાત કરી ઇષ્ર્યા જન્માવવાનો પણ પ્રયાસ કરે છે. યુવતીના લગ્નના દિવસે પોતાના બ્રેઇનના ઓપરેશનની વાત કરે છે. આટલું જ નહીં ગાંધીનગરના હોમ ડિપાર્ટમેન્ટથી લઇને રામ જેઠમલાણી અને અરૂણ જેટલીના સંપર્કમાં હોવાની છાંટ મારીને યુવતીને આડકતરી ધમકી પણ મેસેજ મારફતે આપે છે.

તારીખ ૩ મેના દિવસે તે લખે છે- હું કન્ફ્યુઝ છું, આ પરિસ્થિતિમાં શું કરૂં? તારે તારા ફીયાન્સ સાથે વાત કરી મને જણાવવું જોઇએ. થોડા સમયમાં તે તારો પતિ બની જશે. મારે શું કરવાનું? પ્લીઝ..પ્રેમભંગમાં દિલનું ઓપરેશન કરાવવું પડે પણ આ મહાશય તો બ્રેઇનના ઓપરેશનની વાત કરે છે. યુવતીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો એક એસએમએસ તારીખ ૧૪મેના દિવસે કરે છે-મુંબઇ જશલોક હોસ્પિટલમાં મારી બ્રેઇનની સર્જરી છે. પાછો આવું કે નહીં એ ખબર નથી, એટલે મેં ગુનો કર્યો હોય કે નહીં, તારી સાચા દિલથી માફી માગું છું. જો શક્ય હોય તો....

યુવતીને ૨જુને થનારા તેના લગ્નના દિવસની યાદ અપાવી બીજા એસએમએસમાં કહે છે-હું તારો સામનો કરી શકતો નથી. મને આમંત્રણ આપવાનો પ્રયાસ કરતી નહીં. હું ૨જી જુને મુંબઇની જશલોક હોસ્પિટલમાં એનેસ્થેસિયાના સહારે હોઇશ. પણ હવે એ તારો સબ્જેકટ નથી..

યુવતી તમામ વાતથી તેના પતિ અને કુટુંબીઓને વાકેફ કરે છે. સમાજમાં બદનામ થવાના ડરથી અધિકારી મહાશય હવે ધમકીનો સહારો લે છે. યુવતી માનતી નથી. તમામ વાતો ફિયાન્સ અને કુટુંબીઓને બતાવે છે. અધિકારી હવે પોલીસ અને મોટા વકીલોના નામે દમ મારે છે.

તારીખ ૨૫ મેના દિવસે મોકલેલા એસએમએસમાં કહે છે-સુરતના જ નહીં ગાંધીનગરના ટોપ પોલીસ ઓફિસર અને હોમ ડિપાર્ટમેન્ટ જોડે કોન્ટેકટમાં છું. તેં મને નીચ કહ્યો છતાં આજ સુધી ચુપ હતો. હવે કંઇપણ કરવા આઝાદ છુંતારીખ ૨૩ મેના દિવસે મોકલેલા એસએમએસમાં દેશના નામી વકીલોનું નામ વટાવે છે-તમે મને થાય એટલો બદનામ કરી લીધો. કાયદાની રીતે તમે મને કેટલું નુકસાન કરી શકશો તે વિશે સુપ્રીમ કોર્ટના રામ જેઠમલાણી, શાંતિ ભૂષણ, હરીશ સાલ્વે, સોલી સોરાબજી અને અરૂણ જેટલી જેવા વકીલોની સલાહ લેવાનું ચાલુ છે.

૨જી જુને યુવતીના લગ્ન થઇ જાય છે. હતાશ થયેલો અધિકારી યુવતીને જલાવવા ૧૭ જુને એસએમએસ કરીને જણાવે છે-હું હાલ મારી પૂનાની ગર્લફ્રેન્ડ સાથે છું. તેણે મને એક રાત ગોવામાં રોકાઇ એન્જોય કરવા દબાણ કર્યું. એટલે વિદેશ જતાં પહેલા અહીં આવવું પડ્યું.આ દિવસે જ કરેલા બીજા મેસેજમાં હિટલરને ટાંકીને કહે છે-થિયરી ઓફ હિટલર- જો તમે એન્જોય કરવા માગતા હો તો હંમેશાં માનો કે આજે જ પહેલો દિવસ છે અને જો તમે કંઇ મેળવવા માગતા હો તો હંમેશાં માનો કે આજે છેલ્લો દિવસ છે...

હીરાલાલ પટેલે પાલિકાના મોબાઇલનો દુરુપયોગ કર્યો

મહાનગર પાલિકાના સેક્રેટરી હીરાલાલ પટેલ(એચ.એલ. પટેલ) બીપીએમસી એકટનો ભંગ નહીં થાય તે માટે મેયર સહિતના પદાધિકારીઓને કાયદાનું જ્ઞાન ધરાવવાનું મહત્વપૂર્ણ પદ ધરાવે છે અને તે માટે તેમને સરકારી મોબાઈલ ફોન નંબર ૯૭૨૪૩૪૫૦૧૧ એલોટ કરવામાં આવ્યો છે.

પરંતુ મનપાના કામ કરવાને બદલે તેમણે આ ફોનનો ઉપયોગ મહિલા કર્મચારીને સેક્સયુઅલ હેરેસમેન્ટ માટે કર્યો છે. જેનાથી, તેમના આ પદને લાંછન લાગ્યું છે. પાલિકાના સેક્રેટરીની નિમણુંક કલમ ૪૫ મુજબ શાસકોએ ખડી સમિતિમાં પસંદગી પ્રક્રિયા હેઠળ કરી છે. શાસકોના એટલે કે મેયરના સીધા નિયંત્રણ હેઠળ આવતી પાલિકાના સેક્રેટરીનું આ પ્રકરણ સપાટી પર આવતાં સ્વતંત્ર સત્તા ભોગવતા આ ઉચ્ચ અધિકારીના સેક્રેટરીએટમાં સન્નાટો છવાઈ ગયો છે.

*કચ્છી ખારેક વિશ્વમાં ટોચે પહોંચશે

બગડી જતા ૨૦ ટકા પાકમાંથી વાઇન બનાવી વિદેશોમાં કરાશે નિકાસ

કચ્છી ખારેકના સંશોધન માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, હોર્ટીકલ્ચર મશિનના એમ.ડી. બજિલકુમાર અને ચુનંદા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે પડાવ નાખ્યા છે. તેમણે આગામી દિવસોમાં કચ્છી ખારેક બ્રાન્ડનેમ બને તથા વાઇન બનાવી નિકાસ થાય તે માટે સહકારની ખાતરી આપી હતી.

માંડવીના મોટી મઉં ગામે પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલની વાડીમાં કચ્છભરના ખારેક ઉત્પાદિત કરતા ખેડૂતોને કેન્દ્રના કૃષિ મંત્રાલયના જોઇનટ સેક્રેટરી અતનુ પુરકાસ્તા અને હોર્ટીકલ્ચરના એમ.ડી. બજિલકુમારે વિવિધલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે, કચ્છમાં ઉત્પાદન થતી કુલ ખારેકમાંથી ૨૦ ટકા પાક બગડી જવાથી નુકસાન થાય છે. તેમાંથી વાઇન બનાવી શકાય જેની નિકાસ વિદેશોમાં પણ થઇ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છમાં આ માટે પ્રયત્નો થયા હતા, જે સફળ નીવડયા હતા અને લેબોરેટરી પરિક્ષણમાં સફળતાથી વાઇન બની હતી. આ પ્રોજેક્ટ માટે સેઝમાંથી જમીન ફાળવવા માગણી કરાઇ હતી. ટીમે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

તેમણે જણાવ્યું કે, વિશ્વમાં સૌથી વધુ ખારેક ઉત્પાદન કરતા ૧૨ દેશોમાં કચ્છનો હજુ સમાવેશ થયો નથી. આગામી આઠ વર્ષમાં કચ્છ વિશ્વમાં બીજો નંબરનો ખારેક ઉત્પાદન કરતો પ્રદેશ બને તેમ છે.

ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે, જે રીતે ઇઝરાયલના ટીસ્યુ વખણાય છે તે રીતે કચ્છની ખારેકના ટીસ્યુ પણ લેવામાં આવે અને ઇઝરાયેલની ખારેક બ્રાન્ડનેમ છે તેમ કચ્છી ખારેક પણ બ્રાન્ડનેમ બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ. જેના જવાબમાં અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ઉત્પાદન વધારો એટલે બધું આપોઆપ થઇ જશે.

આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ડો. વી.ડી.શર્મા, ડો. સુભાષ આનંદ, ડો. સૂરેન્દ્રસિંગ, ડો. આર.એસ. સિંગ, ડો. સી.એમ. મુરલીધરન તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

No comments:

Post a Comment