visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : ખરો ભાયડો ! ૧ નંબર માટે રૂ. ૨, ૬૧,૧૧૧ ચૂકવ્યા
સોળ આની ચોમાસુ અને જમીન-મકાનના ધંધામાં આગ ઝરતી તેજીના કારણે શહેર જિલ્લામાં કોઇ પણ કંપનીની કાર માટે વેઇટિંગમાં વારો આવે છે. શોખીનોએ આ વખતે વાહનમાં પસંદગીના નંબર માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી હતી. આજે શરૂ થયેલી નવી સિરીઝ જીજે ૩ ડીજી માં ૧ નંબર માટે એલ. એમ. ડોડિયાએ રૂ. ૨, ૬૧, ૧૧૧ ચૂકવ્યા હતા.પસંદગીના નંબર માટે બિળયા જૂથો વચ્ચે થતી માથાકૂટ ટાળવા ટેન્ડર પ્રથા અમલી બનાવાઇ છે. જેના કારણે નંબર ફાળવણીની પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય છે અને નંબર માટે ઊંચી રકમ ભરનારને નંબર ફાળવાતો હોવાથી આરટીઓની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આજે ફોર વ્હીલર્સ માટે ખુલ્લી મૂકાયેલી જીજે ૩ ડીજી સિરીઝમાં પસંદગીના નંબર માટે કુલ ૩૭૯ ટેન્ડર ભરાયા હતા. જે પૈકી એક જ નંબર માટે એકથી વધુ વ્યક્તિએ ભરેલા ફોર્મની સંખ્યા ૩૮ હતી.આર. ટી. ઓ. અધિકારી પટેલે આપેલી માહિતી મુજબ, ૧ નંબર માટે સૌથી ઊંચી રકમ રૂ. ૨, ૬૧, ૧૧૧નું ટેન્ડર ભરનાર ડોડિયાને ૧ નંબર ફાળવવામાં આવ્યો હતો. જ્યારે બીજા ક્રમે ૯ નંબર ૧, ૩૭, ૭પ૧માં, ૭ નંબર રૂ. ૯૭, ૭૭૭માં, ૧૧ અને ૯૯૯૯ નંબર ૮૧-૮૧ હજારમાં અને ૧૧૧ નંબર ૭૨ હજારમાં ફાળવવામાં આવ્યો હતો.જ્યારે, નંબરના શોખીનોએ ૭૭૭૭ માટે પ, ૭૭૭ રૂપિયા, ૯૯૯ નંબર માટે રૂ. પ૧, ૯૯૯, ૩ નંબર માટે રૂ. પ૧ હજાર, ૧૧૧૧ માટે રૂ. પ૧ હજાર, પપપ નંબર માટે રૂ. ૪૨હજાર, ૨૨૨૨ માટે રૂ. ૩૩ હજાર અને પ નંબર માટે ૨પ હજાર ચૂકવ્યા હતા. આમ, આરટીઓને પસંદગીના નંબરની ટેન્ડરથી ફાળવણીના કારણે એક જ દિવસમાં રૂ. ૩૦. ૭૯ લાખની વધારાની વિક્રમી આવક થઇ હતી.
રાજકોટ : વોર્ડ નં. ૫ના ભાજપના ઉમેદવારનું નામ બેવડાયું
રાજકોટ મનપાની ચૂંટણી લડી રહેલા ભાજપના એક ઉમેદવારનું નામ મતદાર યાદીમાં બે જગ્યાએ હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દે તેમની ઉમેદવારી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. વોર્ડ નં. ૫ના ભાજપના ઉમેદવાર બાબુભાઇ ઉઘરેજાનું નામ મતદારયાદીમાં વિભાગ-૩૧/૫૪ વોર્ડ નં. ૫ ગાયત્રી સોસાયટીમાં પણ છે.પૂરવણી યાદીમાં ૫૬૦/૫૬૧માં ક્રમાંકે તેમનું નામ છે. જ્યારે વોર્ડ નં. ૧૬માં ક્રમ નં. ૬૯૦/૬૯૧ માં તેમનું અને તેમના પત્નીનું નામ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં નોંધાયેલું છે. એક જ વ્યક્તિનું નામ બે વોર્ડમાં ન હોવું જોઇએ અને તેમાં પણ આ તો ઉમેદવાર છે. જો કે કોંગ્રેસ કે અન્ય કોઇના ધ્યાનમાં આ વાત આવી નથી. પરંતુ આવતીકાલે આ મુદ્દે ચૂંટણીતંત્રને રજૂઆત કરવાની તૈયારી કેટલાક કાર્યકરો કરી રહ્યા છે. બાબુભાઇની બેવડાયેલા નામોની ઝેરોક્ષ નકલ પણ ફરી રહી છે.હવે આ અંગે શું રસ્તો નીકળશે તેના પર મીટ છે. મતદારયાદીમાં આવા અનેક ગોટાળાં હજી પણ ચાલી જ રહ્યા છે.
રાજકોટ : આને કહેવાય ‘ચા કરતા કીટલી ગરમ’
ભાજપ ઉમેદવારના ડ્રાઇવરે યુવાનને ધોકાવી ધમકી દીધીઝઘડો જોવા ઊભા રહેલા બે યુવાનને લુખ્ખાએ છરી હુલાવી‘ચા કરતા કીટલી ગરમ’ આ કહેવત સાર્થક કરતા બનાવમાં ભાજપ ઉમેદવારના ડ્રાઇવરે નજીવી તકરારમાં પ્રજાપતિ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અન્ય બનાવમાં કોઠારિયા રિંગ રોડ ચોકડી નજીક મારામારીનો બનાવ જોઇ રહેલા બે યુવાનને ‘કાળિયા’ નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો.રૈયા ચોકડી નજીક રાધિકા પાર્કમાં રહેતો અને ડાંડિયા કલાસ ચલાવતો મનીષ નરશીભાઇ પ્રજાપતિ નામનો યુવાન ગુરુવારે સવારે તેના મિત્રો સાથે રૈયા ચોકડી પાસે ઊભો હતો. આ વેળાએ તેના જ વિસ્તારમાં રહેતો કમો કોળી નામનો શખ્સ ધસી આવી લોખંડની ટોમી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઘવાયેલા યુવાને નોંધાવેલી ફરિયાદમાં કમો વોર્ડ-૧માં ભાજપના ઉમેદવાર બાબુ આહીરનું ટ્રેક્ટર ચલાવે છે. થોડા સમય પહેલા આરોપી સાથે વાહન સરખું ચલાવવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી માર માર્યો હતો.જ્યારે કોઠારિયા રિંગ રોડ ચોકડી નજીક ત્રણ શખ્સો અંદરો અંદર ઝઘડતા હોય તમાશો જોવા કોઠારિયા ગામના કમલેશ બગડા તેના મિત્રો વિશાલ અને વાલજીભાઇ ઊભા રહ્યા હતા. ત્યારે ઝઘડી રહેલા ત્રણ શખ્સો પૈકી એક કાળિયા નામના શખ્સે ઉશ્કેરાઇને તું અમારી સામે કેમ જુએ છે કહી છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ શહેરમાં આવા બનાવો વધી રહ્યા છે. પોલીસ કે કલેક્ટરતંત્ર જાહેરનામા બહાર પાડીને સંતોષ માને છે વાસ્તવમાં ચૂંટણીની વ્યવસ્થા અને બંદોબસ્ત શહેરમાં દેખાતા નથી.
ગુજરાતીઓને સલામ..
ધાર્મિક લાગણી સાથે જોડાયેલા સંવેદનશીલ અયોધ્યા કેસનો ચુકાદો જાહેર થયા બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગુરુવારે શાંતિ જાળવી રાખીને લોકોએ પરિપક્વતાનાં દર્શન કરાવ્યાં હતાં. આ ચુકાદાને બંને કોમના લોકોએ કોઈ એક ધર્મના વિજય કે પરાજય રીતે નહીં, પરંતુ ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસ અને રાષ્ટ્રીય એકતા દર્શાવવાના ભાગરૂપે લેખ્યો હતો. લોકોએ શાંતિની અપીલનું માન રાખ્યું હતું.અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ગુરુવારે સવારના સમયે અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં બપોર બાદ ચુકાદો જાહેર થયા પછી પણ લોકોએ સંપૂર્ણપણે શાંતિ રાખી હતી. જોકે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કરફ્ર્યું જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટના નિધનને કારણે ખાડિયા-રાયપુર સહિતના વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
ભાવનગર તાલુકા પંચાયતોમાંથી ૬૩ અને જિ.પં.માં બે ફોર્મ ભરાયા
ભાવનગર જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં ધીરે ધીરે માહોલ જામતા તાલુકા પંચાયતોમાંથી ૬૩ અને જિલ્લા પંચાયતની તુરખા બેઠક પરથી બે ઉમેદવારોએ ફોર્મ ભયાઁ હતા.પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે ધીરે ધીરે માહોલ જામતો જાય છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે નગરપાલિકા માટે એકપણ ફોર્મ ભરાયું ન હતું. પરંતુ તાલુકા પંચાયતોમાંથી ૬૩ ઉમેદવારોએ ફોર્મ ભયાઁ હતા.જેમાં બોટાદમાંથી ૮, મહુવામાંથી ૧, ભાવનગરમાંથી ૭, પાલિતાણામાંથી ૩, ઘોઘામાંથી ૧, ઉમરાળામાંથી ૩ અને ગઢડામાં સૌથી વધુ ૪૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની તુરખા બેઠક માટે ભાજપમાંથી ૨ ઉમેદવારોએ ફોર્મ ભયાઁ છે.
'વર્ષોના વિવાદ પર પડદો પડ્યો તે સારું થયું'
આખરે અનેક વર્ષથી સળગી રહેલા આ વિવાદનો અંત આવ્યો તે બહુ સારું થયું એવી પ્રતિક્રિયા શિવસેનાના વડા બાળ ઠાકરેએ અયોધ્યા મુદ્દે ચુકાદા પર આપી હતી. અનેક વર્ષથી આ પ્રશ્ન સળગતો હતો. હવે ગુરુવારે ચુકાદા પછી તેની પર પડદો પડશે એવી આશા છે. સારું થયું વિવાદે રામ કહી દીધું, એમ ઠાકરેએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. ભાજપી નેતા ગોપીનાથ મુંડેએ જણાવ્યું હતું કે અમે ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. આ ચુકાદો સૌએ માન્ય કરવો જોઈએ.ગૃહ પ્રધાન પાટીલે સૌને સંયમ રાખવા જણાવ્યું,ગૃહપ્રધાન આર. આર. પાટીલે જણાવ્યું હતું કે ચુકાદો સૌએ સ્વીકારવો અને સંયમ રાખવો. મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આહવાન કર્યું હતું કે સૌએ આ ચુકાદાનો સ્વીકાર કરવો રહ્યો.કોર્ટના ચુકાદાને સ્વીકારવો આપણી પરંપરા રહી છે. જાતિ-ધર્મ કરતાં પણ ભારતીયત્વ મોટું છે અને તેના જતન માટે સૌએ એકત્ર આવવું જોઈએ. આ ચુકાદાને સૌએ આવકારવો જોઈએ. કોમી ઉશ્કેરાટ ફેલાય એવાં કોઈ પણ કૃત્યથી દૂર રહેવું જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
રણબીર-પ્રિયંકા એન્ટી-પાઈરસી કેમ્પેઈનમાં સામેલ
આગામી ફિલ્મ અંજાના અંજાનીનાં કલાકાર રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા અને સાજીદ નડિયાદવાલા તથા ઈરોસ ઈન્ટરનેશનલે બોલીવૂડ-હોલીવૂડ સ્ટુડિયો વચ્ચેનુમ ભારતમાં એન્ટી પાઈરસી સામે લડત ચલાવતું સાહસ એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફ્ટ (એએસીટી) સાથે પાઈરસી સામે લડત ચલાવવામાં સાથ આપવાના સમ ખાધા છે. આ કલાકારોએ ફિલ્મ થિયેટરોમાં જોવા અને પાઈરેટેડ સીડી ખરીદી ન કરવા તથા ડાઉનલોડ ન કરવા માટે આહવાન કર્યું છે.રણબીર કપૂરે એએસીટી સાથે જોડાણ વિશે બોલતાં જણાવ્યું હતું કે પાઈરસી ઉદ્યોગ માટે અત્યંત ગંભીર મુદ્દો બની ગયો છે. ખાસ કરીને યુવાનો માટે તે જોખમી છે. ફિલ્મ જગત સાથે સંબંધને નાતે હું એએસીટીના ટોલ ફ્રી નંબર જેવી પહેલોમાં સાથ આપવા લોકોને આહવાન કરું છું.
મને આશા છે કે લોકો થિયેટરોમાં જઈને ફિલ્મ જોશે અને પાઈરેટેડ સીડી નહીં લે. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે થિયેટરમાં ફિલ્મ જોવા જેવી મજા ક્યાંય નથી. નકલી સીડી ખરીદી કરવી કે ડાઉનલોડ કરવાથી ઉદ્યોગને મોટું નુકસાન થાય છે એ સૌએ જાણી લેવું જોઈએ. જવાબદાર નાગરિક તરીકે આ અનધિકૃત પ્રવૃત્તિઓને ફૂલતી ફાલતી અટકાવવા માટે સૌએ એકત્ર આવવાની જરૂર છે.સાજીદ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે ગત એક દશકમાં બોલીવૂડમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઉદ્યોગમાં કોપોઁરેટ્સ પણ આવી ગઈ હોવાથી વિતરક, પ્રદર્શનકારથી લઈને દર્શકો સુધી સૌને ફાયદો છે. જોકે પાઈરસી આ પરિવર્તનને અસર કરી રહી છે.
આણંદ નગરપાલિકાના સત્તાધીશો ખોટના ખાડા કરવામાં નંબર વન!
આણંદ નગરપાલિકા દ્વારા જાહેર સુખાકારી માટે અપાતી સેવાઓમાં અધિકારી સહિત સત્તાધિશોની અણઆવડતના કારણે ખર્ચના ખાડાં સમાન બની છે. પાલિકાની ચાર જેટલી સેવાઓ પાછળ થતાં ખર્ચ બાબતે ઓડિટ વિભાગે ગંભીર નોંધ લઈ ખર્ચમાં કરકસર કરવા તાકીદ કરી હતી.આણંદ નગરપાલિકાના તાજેતરમાં વર્ષ ૨૦૦૫-૦૬ના થયેલા ઓડિટમાં સીટી બસ સેવા, ડ્રેનેજ, દિવાબત્તી, ઢોર ડબ્બા અને દવાખાના ખર્ચ તથા તેની આવકનું સરવૈયું તપાસવામાં આવ્યું હતું. આ તપાસમાં પાલિકાની અણઆવડત છતી થઈ હતી. જાહેર સુખાકારીની આ સેવાઓ સંતોષકારક ન હોવા છતાં તેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યો તે પ્રશ્નાર્થ છે.આ વર્ષમાં સૌથી વધુ ખર્ચ ડ્રેનેજમાં ૬૯,૦૯,૨૨૩ રૂપિયા કરવામાં આવ્યો હતો. જેની પાછળ આવક ૫૫,૪૯,૭૮૦ આવક થઈ હતી. આ સેવામાં પાલિકાએ ૧૩,૫૯,૪૪૩ રૂપિયાની ખોટ ખાધી છે. તેવી જ રીતે વર્ષ ૨૦૦૫-૦૬ દરમિયાન સીટી બસ સેવા પાછળ રૂ.૫૮,૬૪,૬૧૮નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં આવક માત્ર રૂ.૨૨,૪૭,૯૮૭ થતાં રૂ.૩૬,૧૬,૬૩૧ની જંગી ખોટ પાલિકાએ ભોગવી હતી.આ ઉપરાંત ઢોર ડબ્બામાં ખર્ચ રૂ.૨,૦૫,૯૭૧ની સામે આવક માત્ર રૂ.૩૧,૭૮૫ અને સૌથી મહત્વની એવી દવાખાનાની સેવા પાછળ પાલિકાએ ૬૫,૩૫,૯૯૦નો ખર્ચ બતાવ્યો હતો. જેની સામે આવક માત્ર રૂ.૭,૯૧,૦૪૦ જ બતાવી છે. આ સેવામાં જ પાલિકાએ રૂ.૫૭,૪૪,૯૫૦ જેવી માતબર રકમ ગુમાવી છે.આ અંગે ઓડિટ વિભાગે ખર્ચમાં કરકસરની નીતિ અપનાવી સેવાઓ આત્મનિર્ભર બનાવવા તાકીદ કરી હતી. એક તરફ પાલિકા સંતોષકારક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે, ત્યારે આટલો જંગી ખર્ચ પણ અનેક શંકા ઉભી કરી રહ્યો છે.
આણંદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષોનો ધસારો
આણંદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ચોથા દિવસે અપક્ષોએ ધસારો કરી દીધો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, રાજકીય પક્ષ તરીકે એનસીપીએ પોતાના ઉમેદવારો એક પછી એક મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા છે.ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું કે, આણંદ, ઉમરેઠ, બોરસદ, ખંભાત, તારાપુર અને આંકલાવ તાલુકા પંચાયતમાં ગુરૂવારના રોજ ૪૩ ફોર્મ ભરાયાં હતાં. જ્યારે પાલિકામાં આણંદમાં પાંચ, ઉમરેઠમાં છ, પેટલાદમાં પાંચ, ખંભાતમાં એક અને બોરસદમાં ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની બેઠકોમાં ગુરૂવારના રોજ કુલ ૧૧ ઉમેદવારો ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારી ફોર્મ ભરવાના ચોથા દિવસે ભાજપ અને કોંગ્રેસે શ્રીગણેશ કર્યા હતાં.કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા પંચાયતની તારાપુર બેઠક, ખંભાત તાલુકા પંચાયતની એક બેઠક પર ઉમેદવારે ફોર્મ ભર્યા છે. જ્યારે બોરસદ તાલુકા પંચાયતમાં ભાજપના ચાર ઉમેદવારોઅ ફોર્મ ભર્યા હતાં. જોકે, ચૂંટણી જંગ માટે તૈયાર આ ઉમેદવારોમાં મોટા ભાગના અપક્ષ હતા. જ્યારે કેટલીક બેઠક પર એનસીપીએ જ ફોર્મ ભર્યા છે.
આણંદ જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરીએ ગુરૂવારના રોજ અપક્ષ અને એનસીપીના ઉમેદવારોએ ફોર્મ ભરવા લાઈન લગાડી હતી. અપક્ષ ઉમેદવાર માટે દસ ટેકેદારોના નામ ફરજીયાત હોવાથી લોકોના ટોળાં આ કચેરીઓ ઉપર મટી પડ્યાં હતાં. બીજી તરફ પોલીસ બંદોબસ્તનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેને કારણે કચેરી અને માર્ગ પર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો.
લે! ક્યારેક આવું પણ થાય
દારૂ ભરેલી કવોલિસને પંકચર પડ્યું ને પોલીસના હાથમાં સપડાઇ,કડીના વરખડીયા નજીક બુધવારે રાતે વાહન ચેકિંગ કરી રહેલ બાવલુ પોલીસે પંકચર પડેલી કવોલીસ ગાડીમાંથી વિદેશી દારૂની ૩૫૫ બોટલ અને બિયરના ૧૪૪ ટીન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ પોલીસને થાપ આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.કડી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરીના વેપાર માટે નાનાથી મોટા બુટલેગરો સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે સક્રિય બન્યા છે. બાવલુ પોલીસ મથકના પીએસઆઈ એલ.ડી.આડેદસરા તથા જયેશભાઈ, નારણભાઈ, સિનીયર રાઇટર સહિત સ્ટાફના માણસો બુધવારે રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેઓ કડી તાલુકાના વરખડીયા પાટીયા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની નજર અત્રે પંકચર થયેલી હાલતમાં પડેલી જી.જે.૨ આર. ૩૯૭૨ નંબરની કવોલીસ ગાડી હતી. શંકાસ્પદ હાલતમાં લાગતી કવોલીસ ગાડીને જોઇ પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની ૩૫૫ નંગ બોટલ અને બિયરના ૧૪૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧,૨૦,૯૦૦નો વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ. ૫,૭૦,૯૦૦નો મુદ્દામાલ સાથે નરેશજી બાબુજી ઠાકોર (રહે. મહેસાણા)ને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ પોલીસને થાપ નાસી છુટયા હતો. આ અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી નાસી છુટેલા રમેશજી ઠાકોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
ખબરદાર, હવે દંડવાળી શરૂ થઇ છે
ખેરાલુની પ્રજાપતિ સોસાયટીમાં રસ્તો તૂટી જતાં પાલિકાના મુખ્ય અધિકારીએ આ માર્ગ પરથી રેતી ભરેલું ભારે વાહન પસાર કરનાર સોસાયટીના રહીશને દંડ ફટકાર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, બે માસ અગાઉ આ સોસાયટીના રહીશોએ માર્ગનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવા અંગે રજૂઆત કરી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માગણી કરી હતી.ખેરાલુના વૃંદાવન રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં ભૂગર્ભ ગટર નાખ્યા બાદ પાલિકા દ્વારા તુરંત જ સી.સી. માર્ગનું નિર્માણ કરવામાં આવતાં માર્ગ તળેની જમીનનું ધોવાણ થઇ ગયું છે. પરિણામે નીચેથી પોલા થઇ ગયેલા માર્ગ ઉપરથી ભારે વાહન પસાર થતાં સોસાયટીના પ્રવેશદ્વાર નજીકનો સી.સી. માર્ગ તૂટી ગયો હતો. આ મુદ્દે રહીશોએ સી.સી. માર્ગનું કામ હલકું થયાની રજૂઆત કરતાં સ્થળ મુલાકાતે આવેલા મુખ્ય અધિકારી જયેશ પટેલે આ માર્ગ પરથી રેતી ભરેલું ભારે વાહન પસાર કરનાર સોસાયટીના રહીશ રઘુભાઇ રૂઘનાથભાઇ ઓઝાને મ્યુનિ. એક્ટની કલમ ૧૩૩ મુજબ કાર્યવાહીની ચિમકી સાથે રૂ. ૨૦૧૪નો દંડ ફટકાર્યો છે.
ધાર્મિક અગ્રણીઓએ ચુકાદાને આવકાર્યો
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરના માલિકી હક સંદર્ભે ગુરુવારે આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા અંગે વિવિધ ધર્મના અગ્રણીઓએ પોતાનાં મંતવ્યો આપ્યાં હતાં, જેમાં મોટા ભાગના સાધુ-સંતોએ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો છે.
જુના અખાડાના મહામંડલેશ્વર ભારતીબાપુએ જણાવ્યું કે, વર્ષોથી ચાલતા રામજન્મભૂમિ વિવાદ અંગે જે ચુકાદો આવ્યો છે, તે સહુને આવકાર્ય છે. રામજન્મભૂમિ સ્થાનને સવૉનુમતે સ્વીકારાયું છે ત્યારે હવે કેન્દ્ર સરકારે આ વિવાદનો કાયમી સુખદ અંત આવે તથા સમગ્ર ભારતમાં ધાર્મિક સ્થાનોને લઈ કોઈ વિવાદ ન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમાં સુપ્રીમ કોર્ટમાં જતા જે દાવાઓ હોય તેને સાથ-સહકાર આપી ન્યાયાલયનો આદર રાખીએ તથા ભારતની એકતા, અખંડિતતા જળવાઈ રહે તે રીતે સહુ પોતપોતાના ધર્મ-આસ્થાનું પાલન કરે. સાથે દેશ અને ગુજરાતમાં પણ અશાંતિ ન ફેલાય અને સવાઁગી વિકાસમાં સહુ સહયોગ કરે તે સમયની માગ છે.જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી)એ જણાવ્યું કે, બહુપ્રતિષ્ઠિત અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય આવી ગયો છે, ત્યારે ન્યાયપાલિકા અને દેશના સંવિધાન પ્રત્યે આદર ધરાવનાર દેશનો પ્રત્યેક નાગરિક તેનો સ્વીકાર કરશે. આ નિર્ણયને કોઈ વિજય કે પરાજયના રૂપમાં ન જોતાં હાઇકોર્ટે આપેલા નિદેશ મુજબ સદ્ભાવપૂર્વક વ્યવસ્થા થાય. સદ્ભાવ અને સંવાદિતાની ભૂમિ ઉપર રામમંદિરનું નિર્માણ થાય એ માટે સહુ સહયોગ કરે. આ અવસર છે, હિંદુ-મુસલમાન બંને સમુદાય વચ્ચે સ્નેહનો સેતુ નિર્માણ કરવાનો. પ્રેમ-ભાઈચારા અને શાંતિની વાત ઉપર ઇસ્લામ પણ મહત્વ આપે છે. શાંતિ, સદ્ભાવ ટકાવી રાખીએ અને હાઇકોર્ટે આપેલા નિર્ણય મુજબ વ્યવસ્થા નિર્માણ થાય તે જરૂરી છે.
રાજકોટમાં જવેલરી પાર્ક બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ હાથ ધરાશે
વેપાર જગતમાં મંદીનો તબક્કો પૂરો થયો છે અને વિકાસ શરૂ થયો છે. રાજકોટના પ્રખ્યાત સોના-ચાંદીના ઘરેણાં માટે જવેલરી પાર્ક અને ઓટોમોબાઇલ પાર્ક વિકસાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ ચેમ્બરની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખે જણાવ્યું હતું.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સાધારણ સભા તાજેતરમાં યોજાઇ હતી જેમાં ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાતનો હવેનો વિકાસ સૌરાષ્ટ્રમાં થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર ગુજરાતના વિકાસની રજત પટ્ટી બની ચૂક્યું અને આવનારા સમયમાં સુવર્ણ પટ્ટી બને તેવી સંભાવના છે.રાજકોટ જિલ્લામાં ઉદ્યોગો વિકસી રહ્યા છે. મહાનગર પાલિકા, તાલુકા તથા જિલ્લા વિસ્તારમાં એન્જિનિયરિંગ એકમો માટે સુવર્ણ તક છે. રાજકોટમાં ઓટોમોબાઇલ પાર્ક, સ્પેશિયલ ઇકોનોમી ઝોન તથા સોના-ચાંદીના ઘરેણા માટે જવેલરી પાર્ક રાજકોટમાં સ્થપાય તે માટે ચેમ્બર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે.સરકારની ૨૦૦૯ની ઓધ્યોગિક નીતિમાં કલ્સ્ટર માટેના વિકાસને અગ્રતા અપાઇ છે તેથી રાજકોટના વિકાસની ઘણી તક છે. કલ્સ્ટર આધારિત વ્યાપાર ધંધા અને ઉદ્યોગ એકલા હાથે થઇ શકે તેમ નથી. સ્પર્ધાના પ્રશ્રોને કારણે આજે વ્યાપારમાં અસ્તિત્વના પ્રશ્ન સર્જાયા છે. સંગઠનના વિકાસથી વ્યાપાર, ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment