02 October 2010

રાજકોટ : ચાર બેનડીના એકના એક વીરાનો આપઘાત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : ચાર બેનડીના એકના એક વીરાનો આપઘાત

શહેરની ભાગોળે આજી ડેમ પાસે આવેલી રાધા કૃષ્ણ નગરમા શનિવારે સવારે વિજય વશરામભાઇ ઝીંજુવાડીયા નામના કોળી યુવાને તેના મકાનના ઉપરના માળે આવેલી રૂમમા ગળે ફાંસો ખાઇ લેતા બેભાન હાલતમા હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નપિજયાનું ફરજ પરના તબિબે જાહેર કર્યું હતુ. કારખાનામા મજુરી કામ કરી પરિવારને મદદરૂપ થતા વિજયે ક્યા કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યુ નથી. ચાર બેનના એકના એક ભાઇના મોતથી કોળી પરિવારમા ગમગીની છવાઇ ગઇ છે.


કચ્છ : ભાજપે ૬૦ ટકા નવા ચહેરા ઉતાર્યા

૨૧મી ઓક્ટોબરે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પક્ષે મહદઅંશે એટલેકે ૬૦ ટકાથી વધુ નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે આજે ભુજમાં બોલાવાયેલી ખાસ પત્રકાર પરિષદમાં નામોનું એલાન થયું હતું.જિલ્લા પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીએ કહયું કે, અત્યંત ઝીણવટપૂર્વક દરેક પાસા ચકાસ્યા બાદ નાનામાં નાની જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ મળે તેવી રીતે નામોની પસંદગી થઇ છે. નિરીક્ષકો દ્વારા બે વાર બેઠક મળી હતી. તમામ દાવેદારોને રૂબરૂ વાતચીત થઇ હતી. જૂથવાદ વિના સર્વસ્વીકાર્ય યાદી બહાર પડી હોવાનો તેમણે સૂર વ્યક્ત કર્યો હતો.આજે જાહેર કરાયેલી યાદી મુજબ સુધરાઇમાં ભુજમાં ૭૫ ટકાથી વધુ ઉમેદવારોને ફરી તક અપાઇ છે તો ગાંધીધામમાં એકા એક ચહેરા નવા મુકાયા છે માંડવીમાં ૨૦ ટકા પુન: ઝંપલાવશે. અંજારમાં ૧૪ વર્તમાન સભ્યોને ફરીથી ટિકિટ મળી છે. જિલ્લા પંચાયતમાં માત્ર એક જ ઉમેદવાર રીપિટ કરાયા છે.ભુજ તાલુકા પંચાયતમાં નવા ચહેરા પર દારોમદાર રખાયો છે. ગાંધીધામમાં બેને ફરીથી ટિકિટ અપાઇ છે. ૧૩ નવા ચહેરા જંગ ખેલશે. માંડવી પંચાયતમાં નો રીપિટ થીયરી અજમાવાઇ છે. નખત્રાણામાં પણ માત્ર એકને ફરીથી મુકાયા છે. અબડાસામાં ૩ને રીપિટ કરાયા છે. લખપતમાં પણ માત્ર એક ઉમેદવાર ફરીથી ટિકિટ મેળવી શક્યા છે. અંજારમાં બધાય નવા મુરતિયાને તક અપાઇ છે.રાપર અને ભચાઉમાં પણ રીપિટેશનનું પ્રમાણ નહીવત છે. મુન્દ્રામાં નવા ઉમેદવારો ઉતારાયા છે. આજની બેઠકમાં અયોધ્યા ચુકાદાને આવકારી લોકોની પરિપક્વતાના વખાણ કરાયા હતા, તો અશોક ભટ્ટને અંજલિ અપાઇ હતી.આ પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી વાસણભાઇ, સાંસદ પૂનમબેન, મુકેશભાઇ ઝવેરી, અરજણભાઇ રબારી, સતિષભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.


કચ્છ જિલ્લા પંચાયતમાં અનેક નવા ચહેરા ઉભર્યા

જિલ્લા પંચાયતમાં જેનું પ્રભુત્વ રહ્યું છે તે ભાજપે રવમોટી, પલાંસવા બેઠકોને બાદ કરતા તમામમાં ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.પૂર્વ પ્રમુખ જીવાભાઇએ સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારતા રતનાલની ટિકિટ ત્રિકમભાઇ છાંગાને અપાઇ છે.માધાપર બેઠક પર જયંત માધાપરિયા અને ચોબારીમાં હિરાબેન નામોરી ઢીલાને ટિકિટ અપાઇ છે. તમામ ઉમેદવારો નીચે મુજબ છે.


૩૧૬ ઉમેદવારીપત્રો ભરાયાં

કચ્છમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી માટે પાંચમા દિવસે શુક્રવારે એક સાથે ૩૧૬ ઉમેદવારીપત્રો ભરાતાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવા માટે ૪ ઓક્ટોબર છેલ્લી તારીખ છે, પરંતુ તા.૨ અને ૩ના જાહેર રજા આવતી હોવાથી તા.૩૦ અને ૩ એમ બે જ દિવસો બાકી રહ્યા હતા. તે વચ્ચે શુક્રવારે ભાજપે ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. તેથી ભારે ધસારો જોવા મળ્યો હતો.ભુજ તાલુકામાં જિ.પં.માં-૫, તા.પં.માં ૪૩, સુધરાઇ-૬, માંડવીમાં સુધરાઇ-૯, જિ.પં.-૩, મુન્દ્રામાં જિ.પં.-૨, તા.પં.-૨૧, અંજારમાં નગરપાલિકા-૭, જિ.પં.-૪, તા.પં.૨૩, ગાંધીધામમાં સુધરાઇ-૩, જિ.પં.-૪, તા.પં.૩૨, ભચાઉ જિ.પં.માં-૨, તાપ.પં.૧૯, રાપરમાં કુલ-૨, નખત્રાણામાં જિ.પં.-૮, તા.પં.૪૬, અબડાસામાં જિ.પં.૬, તા.પં.૩૬ અને લખપતમાં જિ.પં.-૨ તથા તા.પં.માં ૨૬ મળી કુલ પંચાયતમાં ૨૯૧ અને પાલિકાઓમાં ૨૫ ફોર્મ ભરાયા હતા.હવે સોમવારે અંતિમ દિવસે કેટલાં ફોર્મ ભરાય છે તે ચિત્ર ઉજળું. જોકે, બુધવાર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને ચકાસણી બાદ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ જશે.


બેસ્ટના ટ્રાન્સપોર્ટ ખાતાને પાંચ અબજથી વધુની ખાધ

બેસ્ટ ઉપક્રમના વાહનવ્યવહાર વિભાગની આર્થિક તૂટ પાંચ અબજ આઠ કરોડ અઠયાસી લાખ રૂપિયા પર પહોંચી હોવાની ગંભીર બાબત શુક્રવારે ‘બેસ્ટ’ સમિતિની બેઠકમાં પ્રકાશિત થઈ હતી. હવે એ તૂટ કેવી રીતે સરભર કરવી તેની વિટંબણા બેસ્ટ સમિતિની ચર્ચાનો વિષય છે.બેસ્ટ ઉપક્રમનો વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના નાણાકીય વર્ષનો મહેસૂલી અહેવાલ વહીવટી તંત્રે બેસ્ટ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં વાહનવ્યવહાર વિભાગને રૂ. ૫,૦૮,૮૮,૦૦,૦૦૦ની તૂટ પડતી હોવાનું જણાવાયું હતું. કર્મચારીઓને વેતન ચૂકવવાના ખર્ચમાં ૧૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઉપક્રમના વીજ પુરવઠા ખાતાને ૩.૭૨ કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું પણ અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે. વીજળી વિભાગના નફાને લીધે વાહનવ્યવહાર વિભાગને સાચવી લેવાય છે.આ વાહનવ્યવહાર વિભાગની તૂટ દૂર કરવા માટે રાજ્ય સરકાર મદદ નહીં કરે તો બેસ્ટની બસોનાં ભાડાં વધારવા પડે એવા બે વિકલ્પો બેસ્ટ સમિતિ સમક્ષ હતા.વર્ષ ૨૦૦૩ના નવા કાયદા અનુસાર વીજપુરવઠા વિભાગનો નફો વાહનવ્યવહાર વિભાગ તરફ વાળી શકાતો નથી. તેથી વાહનવ્યવહાર વિભાગ ભીંસમાં મૂક્યો છે. વાહનવ્યવહાર વિભાગની એકંદર ખોટ પણ વધી રહી છે. તેથી આ મુશ્કેલીમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, એ પ્રશ્ન ‘બેસ્ટ’ ઉપક્રમ સમક્ષ્ છે.


આણંદ જિલ્લામાં ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો : ૮૮ ફોર્મ ભરાયાં

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટમાં ગરમાવો આવી રહ્યો છે, ચૂંટણી ફોર્મ ભરવા આડે હવે બે જ દિવસ બાકી રહ્યાં છે, ત્યારે શુક્રવારના રોજ ઉમેદવારોનો તડાકો ચૂંટણી કાર્યાલય પર જોવા મળ્યો હતો. સૌથી વધુ બોરસદ તાલુકા પંચાયતમાં ૮૮ અને સૌથી ઓછા સોજીત્રામાં માત્ર બે જ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે.ચૂંટણી શાખાના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લા પંચાયતમાં શુક્રવારના રોજ ૫૯ જેટલા ઉમેદવારોઅ ફોર્મ ભર્યા હતાં. તેવી જ રીતે નગરપાલિકા ચૂંટણી માટે આણંદમાં ૨૧, ઉમરેઠમાં ૨૩, બોરસદમાં ૬૭, પેટલાદમાં ૭ અને ખંભાતમાં ૨૪ ફોર્મ ભરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ તડાકો પડ્યો હતો.આણંદ તાલુકા પંચાયતમાં ૪૭, ઉમરેઠમાં ૨૬, આંકલાવમાં ૧૩, બોરસદમાં ૮૮, પેટલાદમાં ૨૦, સોજીત્રામાં ૨, ખંભાતમાં ૪૧ અને તારાપુરમાં ૪૭ ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગણતરીના દિવસો જ બાકી છે, શુક્રવારના ધસારામાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ પોત પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં.જો કે, હજુ પાલિકામાં બન્ને પક્ષ ગણતરી કરી ઉમેદવારો ઉતારી રહ્યાં છે. એથી સોમવારના રોજ અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.


કલ્યાણમાં છ મહિનાથી બંધ પડેલી મિલમાં આગ

કલ્યાણ નજીક આંબિવલી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી બંધ અવસ્થામાં પડેલી એનઆરસી મિલમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આગનું સ્વરૂપ મોટું હોવાને કારણે કલ્યાણ, ડોંબિવલી, ભિવંડી અને ઉલ્હાસનગરની મહાપાલિકા સહિત અંબરનાથ નગર પરિષદના અગ્નિશમન દળની ગાડીને મોકલાવી હતી. નસીબજોગ આગને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.જોકે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી અગ્નિશમન દળે આપી હતી. છ મહિનાથી બંધ પડેલી આ મિલના માલિકો અને વર્કરોનો પગારના ભથ્થા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો.એનઆરસી મિલમાં ગુરુવારે મોડી સાંજે સાત વાગ્યે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.


મહેસાણા નગરપાલિકામાં એનઓસી મેળવવા સંભવિત ઉમેદવારોનો ધસારો

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું છે ત્યારે ઉમેદવારી પત્ર સાથે જરૂરી પાલિકાનું નો-ડ્યુ સર્ટિ. મેળવવા સંભવિત ઉમેદવારોએ પાલિકામાં ધસારો કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં કુલ ૨૧૩ નો-ડ્યુ સર્ટી પાલિકા દ્વારા ઈસ્યુ કરાયાં છે.મહેસાણા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગત સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું છે. ઉમેદવારી પત્ર ભરવા માટે પોલીસના દાખલાની જેમ પાલિકામાં પણ જે-તે વ્યક્તિનો ઘરવેરો, વ્યવસાય વેરો કે અન્ય કોઈ લેણું બાકી નથી તે અંગેનું નો-ડ્યું સર્ટી જરૂરી હોય છે. જો કે, કેટલાકે અગાઉથી જ નો-ડ્યુ સર્ટી મેળવી લીધા છે. જ્યારે પક્ષોની ટિકિટ મેળવવા ઈચ્છતા કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા માંગતા મોટાભાગના સંભવિત ઉમેદવારોએ છેલ્લા ચાર દિવસથી પાલિકામાં પોતાનો કોઈ વેરો બાકી હોય તો તે ચૂકતે કરીને નો-ડ્યુ સર્ટી મેળવવા ધસારો શરૂ કર્યો છે. આ બહાને પાલિકાનો બાકી વેરો પણ વસૂલાયો છે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસમાં કુલ ૨૧૩ જેટલાં નો-ડ્યુ સર્ટી ઈસ્યુ કરાયાં છે. જેમાં સૌથી વધારે છેલ્લા બે દિવસમાં ઈસ્યુ કરાયાં છે જ્યારે શનિવારે તથા રવિવારે રજા હોવા છતાં મહેસાણા પાલિકામાં નો-ડ્યુ સર્ટી ઈસ્યુ કરવા માટે કાર્યરત વેરા, ગુમાસ્તા, બારનિશી તથા ઓએસ શાખા કાર્યરત રહેશે.


ચૂંટણી ગરમાવામાં રાષ્ટ્રધ્વજની ગરિમા વિસરાઇ

રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય એ હેતુથી ઘડવામાં આવેલી ખાસ આચારસંહિતા પ્રમાણે સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજને યોગ્ય સન્માન સાથે ઉતારી લેવા જરૂરી છે. જોકે, ચૂંટણીના માહોલમાં શુક્રવારે ઊંઝા મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજની ગરિમા વિસરાઇ હોય એવુ જણાયું હતું.વિધાનસભા અધ્યક્ષ અશોકભાઇ ભટ્ટનું અવસાન થતા છેલ્લા બે દિવસથી રાજ્યભરની સરકારી કચેરીઓની જેમ ઊંઝા મામલતદાર કચેરી ખાતે પણ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. જોકે, શુક્રવારે દિવસભર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બનેલા મામલતદાર કચેરીના અધિકારીઓ રાષ્ટ્રધ્વજને સમયસર ઉતારવામાં થોડા ઉણા ઉતર્યા હતા. જેમાં સાંજે ૬.૩૦ કલાકે સુર્યાસ્ત થઇ ગયો હતો. આ બાદ અંધારુ થયાની શરૂઆત થતા અંતે છેક ૬.૪૫ વાગ્યે મામલતદાર કચેરીના પટાવાળાએ રાષ્ટ્રધ્વજને સન્માનભેર ઉતાર્યો હતો.


ચીનમાં જહાજ ડૂબતાં 3ના મોત

ચીનના પૂર્વીય પ્રાંત ફુજિઆનમાં ગઈકાલે સવારે એક માલવાહક જહાજ ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં 3ના મોત નીપજ્યા છે અને 9 લાપતા થયા છે. સ્થાનિક સામુદ્રિક અધિકારીઓએ જણાવ્યા અનુસાર આ જહાજમાં કુલ 15 લોકો સવાર હતા. આ જહાજે પિંગ્ટન સિટી પાસે જળસમાધિ લીધી હતી. જે લોકોના જીવ બચી ગયા છે, તેમણે જણાવ્યું હતું કે આ જહાજનું નામ ‘હ્યુયિંગ 168’ છે.આ જહાજનું રજિસ્ટ્રેશન તિયાનજિન નગરીય નિકાસમાં થયેલું છે. જહાજ પર 4450 ટન ચીકણી માટી લાદવામાં આવી હતી. સંવાદ સમિતિ સિન્હુઆ જણાવે છે કે રાહત અને બચાવકાર્ય માટે અહીંયા હેલીકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય વીસ જહાજ ચાલક દળના ગાયબ સભ્યોને શોધી રહ્યા છે, પરંતુ તોફાનને કારણે આ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.


મહેસાણા : પૈસા લાવો પૈસા!

વડનગર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત નગરમાં બાકી સરકારી મિલકતોને વેરાની રકમ ભરી જવા તાકીદ કરતી નોટિસ આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત નગરમાં આવેલ ૩૧ સરકારી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. આ સરકારી સંસ્થાઓ પાસે પાલિકાને ૨૧,૬૨,૦૩૨ રૂપિયા વેરા પેટે લેણાં નીકળે છે. વડનગર પાલિકાના બાકી વેરાદારોમાં સ્કુલ, કોલેજ ઉપરાંત વિભાગીય નિયામક એસ.ટી., ધરોઇ, તાલુકા પંચાયત કચેરી, હોસ્પિટલ અને પર્યટન વિભાગની હોટલ તોરણનો સમાવેશ થાય છે.નગરપાલિકા દ્વારા બાકી વેરાઓને મુદ્દે નાગરિકોના કનેકશનો કાપી નાખવાના બનાવો બને છે. ત્યારે વડનગર નગરપાલિકાની હદમાં આવેલ મોટાભાગની સરકારી મિલકતોના વેરા બાકી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. પાલિકા સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ નગરમાં કુલ ૩૧ સરકારી મિલકતોનો ૨૧,૬૨,૦૩૨ રૂપિયા વેરો બાકી બોલે છે. નગરપાલિકા દ્વારા વારંવાર આ બાકી વેરાની ઉઘરાણી કરવા છતાં આજદિન સુધી આ સંસ્થાઓ દ્વારા વેરો ભરવા તસ્દી લીધી ન હતી. સઘન વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત વડનગર નગરપાલિકા દ્વારા આ સરકારી મિલકતોના બાકી વેરા તાકીદે ભરી જવા જે-તે સંસ્થાઓને નોટીસો ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલિકાના બાકી વેરાદારોમાં એસ.ટી.ની ત્રણ મિલકતોના સાત લાખ રૂપિયા, ધરોઇની પેટા કચેરી, તાલુકા પંચાયત ઉપરાંત પર્યટન વિભાગની હોટલનો સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા સરકારી સંસ્થાઓને બાકી વેરા મુદ્દે નોટીસો ફટકારવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.




રાજકોટમાં તો રાજાશાહીમાં જ લોકશાહીનાં બીજ રોપાયાં હતાં

મોહનદાસ ગાંધી, પોરબંદરમાં જન્મેલા આ વ્યક્તિની મોહિની આજે વિશ્વ સમસ્તમાં છે. ગાંધીજી કોઇ એક ગામ, શહેર, રાજ્ય કે દેશના સીમાડામાં બંધાઇ સમાઇ શકે તેવું વ્યક્તિત્વ નથી. તેમ છતાં રાજકોટના લોકો ગૌરવ તો લઇ જ શકે કારણ કે અમદાવાદ બાપુની કર્મભૂમિ હતી, પોરબંદર તેમની જન્મભૂમિ છે પરંતુ રાજકોટ તો તેમની સંસ્કાર ભૂમિ છે.રાજકોટના રાજ પરિવારને પણ ગાંધીજી સાથે ઘનિષ્ટ નાતો હતો. રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ ગાંધીજીનું સન્માન કર્યું હતું. ૧૯૨૫માં પ્રજાપ્રતિનિધિ સભાની રચના રાજકોટ રાજે કરી હતી. રાજાશાહીમાં પણ અહીં લોકશાહીનાં મૂલ્યો પ્રસ્થાપિત થયાં હતાં.રાજકોટ રાજપરિવારના વર્તમાન સદસ્ય, તેમજ ભાજપની પ્રદેશ કારોબારીના સદસ્ય માંધાતાસિંહજી જાડેજા કહે છે, ગાંધી વિચાર આજે પણ પ્રસ્તુત છે. ગુજરાતમાં ભાજપનું શાસન જ્યારથી છે ત્યારથી વિકાસ વેગવંતો બન્યો છે. છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવી, માનવ કલ્યાણના સિધ્ધાંતોને પાયામાં રાખવા એ બધું જ આખરે ગાંધીવિચારોનું આચમન છે.ખેડૂતો માટે સતત ચિંતા, શાંતિનું વાતાવરણ આ બધું જ ગાંધીજીના જીવનમાંથી નપિજેલાં તત્વો છે. લોક કલ્યાણના સંદર્ભે ગુજરાતની નરેન્દ્રભાઇ મોદીની સરકાર પણ ગાંધી વિચારને હૈયે ધારીને શાસન ચલાવી રહી છે.


રાજકોટ : અપની તો પાઠશાલા, ગાંધી વિચાર કી બોલબાલા

ઉમાશંકર જોષીએ ગાંધીજીને અંજલી આપતા લખ્યું, ‘મારુ જીવન એ જ મારી વાણી’વાત ખરી છે. ગાંધીજીના નામે ગાંધીનગર અને દિલ્હી પહોંચવાની હોડ ૧૯૪૭થી ચાલે છે. ગાધીવાદ નામનો શબ્દ ખાદી કે રેંટિયાના સથવારે સતત વણાય છે પરંતુ ખાદીના વસ્ત્રો કે દિવાલ પર ગાંધીજીનો ફોટો હોવો તેના કરતા જીવાતા જીવનમાં ગાંધીજીનું હોવું મહત્વનું છે. અહીં એવા કેટલાક લોકોની વાત છે જે લોકો ગાંધીજીના વ્યક્તિત્વ કરતાં પણ તેમના વિચારતત્વને જીવે છે. કોઇ નાના ગામની સ્કૂલ હોય તો તેમાં શું પ્રવૃત્તિ થતી હોય ? એક તો અભ્યાસ. પછી રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધા, કોઇ વળી પ્રવાસ યોજે તો કોઇ નજીકના શહેરમાં આવેલા વિજ્ઞાનકેન્દ્રમાં બાળકોને લઇ જાય અને કોઇ મ્યુઝિયમ બતાવે એવું ઘણું ઘણું થાય પરંતુ કોઇ એમ કહે કે એક એવી સ્કૂલ છે કે જ્યાં બાળકો ફ્લ્યૂટ વગાડે છે તો ? તમે કહેવાના હશે સંગીતશાળા. ના આ એક સ્કૂલ જ છે, બુનિયાદી શાળા છે અને ત્યાં શું થાય છે ? અને સામાન્ય રીતે એક શાળામાં ન હોય તેવું ઘણું ત્યાં છે.રાજકોટના જસદણ પાસેના આંબરડી ગામે જીવનશાળા નામની એક સ્કૂલ છે ખરેખર ત્યાં જીવતાં શીખવાય છે. થોડાં ઉદાહરણો જોઇએ. બુનિયાદી આ શાળામાં જે બાળકો ભણે છે તેમના વાળ કાપવા બહારથી વાળંદ આવે બાળક દીઠ દસ-પંદર રૂપિયાનો ખર્ચ થાય. વિદ્યાર્થીઓએ રકમ એકઠી કરી અને રૂ. ૩૦૦ના ખર્ચે હજામતનાં સાધનો ખરીધ્યાં. એ સાધનોથી બાળકો જ એકબીજાના વાળ કાપે તેવું નક્કી થયું.ધીમે ધીમે વિદ્યાર્થીઓએ કામ શીખ્યા. થોડી અલગ લાગે અને થોડી કંટાળાજનક લાગે તેવી આ બાબત બાળકો માટે તો મજા બની ગઇ, આ દ્રશ્યો જોઇને લોકોને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કરેલા સ્વાવલંબનનો પ્રયોગ યાદ આવી ગયો. કુલ ૩૦૦ છોકરાઓ આ કામ શીખ્યા. આંબરડીની આ શાળામાં આવા પ્રયોગોના પ્રણેતા છે ત્યાંના શિક્ષક કેતન શુક્લ. નવા પરંતુ નુકસાનકારક ન હોય તેવા પ્રયોગ કરવાનું તેમણે નક્કી કર્યું છે. આ શાળામાં એક મંદિર છે તેનું નામ છે ફ્લૂટ મંદિર. બાળકોએ જ નાની નાની રકમ દ્વારા રૂ. ૨૦૦માં ૨૬ વાંસળી ખરીદી.વાંસળી ખુલ્લામાં તેના સ્થાને પડી હોય ભણવામાંથી જેવો બાળક થોડો નવરો પડે અને તેણે વાંસળી વગાડવી હોય તો વગાડી શકે. શહેરની મોટાભાગની શાળાઓમાં મેડમ કે સર બાળકોના નખ ચકાશે. પરંતુ કાપે કોણ ? ઘરે મમ્મી. આંબરડીમાં આ વ્યવસ્થા છે. ત્યાં નેલકટર રાખવામાં આવ્યાં છે બાળકો આવે અને પોતે જ પોતાના નખ કાપી નાખે. ઓપન લાઇબ્રેરી પણ ત્યાં છે. આંબરડીની આ શાળામાં આવા તો અનેક પ્રયોગ થાય છે.


રાજકોટ : બિમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

શહેરમા રોજ આપઘાતના બે ત્રણ બનાવો બનતા રહે છે. ત્યારે કનકનગર-૧૧મા રહેતી મીના હરેશભાઇ પોપટ નામની લોહાણા પરિણીતાએ ગત રાત્રે પોતાના ઘરે જાતે કેરલસીન છાંટી જાત જલાવી હતી. આ સમયે પતિ હરેશને જાણ થતા તે તુરંત દોડી જઇ પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લોહાણા દંપતિ દાઝી જતા મોડી રાત્રે બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.જયાં ટુકી સારવારમા મીનાબેને દમ તોડયો હતો. મીના છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતી હોવાનું દાઝેલા પતિ હરેશભાઇએ જણાવ્યુ હતુ. મૃતકને સંતાનમા એક પુત્ર છે. પોલીસે સત્ય હકિકત જાણવા તપાસ હાથ ધરી છે.

No comments:

Post a Comment