visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
લખાયો ઈતિહાસ : એકસાથે થશે દુઆ-પૂજા
અયોધ્યામાં વિવાદાસ્પદ ધર્મસ્થળની માલિકીના હક અંગેના ૬૦ વર્ષ જુના વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપીને વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ત્રણ ભાગમાં વહેંચી દેવાનો આદેશ કર્યો છે.આ જમીન નિર્મોહી અખાડા, રામલલ્લા અને સુન્ની વકફ બોર્ડના પક્ષકારો વચ્ચે વહેંચી દેવાશે. બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં જ્યાં રામલલ્લાની મૂર્તિ છે તે જમીન હિન્દુઓની છે, ત્યાંથી કોઈપણ સંજોગોમાં રામલલ્લાની મૂર્તિને હટાવી શકાશે નહીં. બેન્ચે ત્રણ મહિના સુધી ત્રણેય પક્ષોને સ્થિતિ જૈસે થે જાળવી રાખવાનો આદેશ કર્યો છે. દરમિયાન હિન્દુ મહાસભા અને સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારવાનો નિર્ણય લીધો છે.લખનઉ બેન્ચની કોર્ટના રૂમનંબર ૨૧માં જસ્ટિસ ડી.વી. શર્મા, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ એસ.યુ. ખાનની ત્રણ સભ્યોની બેન્ચે ૨-૧ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ત્રણેય ન્યાયમૂર્તિઓએ અલગ-અલગ ચુકાદા લખ્યા હતા, પરંતુ બહુમતી ચુકાદામાં કહેવાયું છે કે, ત્રણ ગુંબજમાં વચ્ચેના ગુંબજ હેઠળનો વિસ્તાર કે જ્યાં ભગવાન રામની મૂર્તિ હાલમાં સ્થાપિત કરવામાં આવી છે, તે હિન્દુઓનો છે.જસ્ટિસ ખાન અને જસ્ટિસ અગ્રવાલે કહ્યું હતું કે, સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન ત્રણ ભાગમાં વિભાજિત કરીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા બિરાજમાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા પક્ષને વહેંચી દેવામાં આવે. જસ્ટિસ શર્મા અને જસ્ટિસ અગ્રવાલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો હતો, જ્યારે જસ્ટિસ ખાને વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.દેશના ઈતિહાસમાં પ્રથમવાર ભારે સુરક્ષા વચ્ચે અને મીડિયા તથા આ કેસ સિવાયના વકીલોને પણ કોર્ટ પરિસરની બહાર રાખીને ચુકાદો આપવામાં આવ્યો હતો. પ્રેસ બ્રિફિંગ કોર્ટની સામે આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું અને ચુકાદા બાદ તરત જ તેની વિગત અલ્હાબાદ હાઈકોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.
રામની મૂર્તિનું સ્થાન હિન્દુઓને : જસ્ટિસ ખાન
અયોધ્યા જમીન વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપતા જસ્ટિસ એસ યુ ખાને કહ્યું છે કે, વિવાદી સ્થળે મસ્જિદ બાંધવા માટે કોઈ મંદિર તોડવામાં નહોતું આવ્યું. તેમણે કહ્યું કે લાંબા સમય પહેલાં તૂટી પડેલા મંદિરના અવશેષો ઉપર મસ્જિદ બાંધવાનો આદેશ બાબરે આપ્યો હતો.પોતાનાં તારણોમાં તેમણે જણાવ્યું કે, મસ્જિદનું નિર્માણ થયું તેના ઘણા લાંબા સમયથી હિન્દુઓની માન્યતા હતી કે તે સ્થળ ભગવાન રામનું જન્મસ્થળ હતું. ૧૮૫૫ના ઘણા સમય પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઈનું અસ્તિત્વ હતું અને હિન્દુઓ ત્યાં પૂજાવિધિ કરતા હતા. આ અત્યંત અસાધારણ સ્થિતિ હતી જ્યાં હિન્દુ ધાર્મિક સ્થળો હતાં અને એ જ સ્થળે મસ્જિદ પણ હતી.જસ્ટિસ ખાનના મતે બંને પક્ષકારો આ જમીન ઉપર પોતાનો માલિકીહક સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે અને તેથી પુરાવા કાયદાની કલમ ૧૧૦ અનુસાર બંને પક્ષકારનો સંયુક્ત માલિકીહક ગણાય.પોતાના ચુકાદામાં જજે કહ્યું કે, હિન્દુઓ, નિર્મોહી અખાડા અને મુસ્લિમો એમ ત્રણેય પક્ષકારો આ જગ્યાના સંયુક્ત હકદાર જાહેર કરવામાં આવે છે અને ત્રણેય ધાર્મિક વિધિના હેતુ માટે એક તૃતિયાંશ જમીનનો ઉપયોગ કરી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે, હાલ જે સ્થળે ભગવાન રામની મૂર્તિ છે, તે સ્થળ અંતિમ ફાળવણીમાં હિન્દુઓને ફાળવવામાં આવશે. તેમણે ઠરાવ્યું કે, નિર્મોહી અખાડાને રામ ચબૂતરા અને સીતા રસોઈવાળી જમીન ફાળવવામાં આવશે.
હાઈકોર્ટના ચૂકાદાની હાઈટેક ચર્ચા
લાંબા સમયથી રાહ જોવાઇ રહેલા અયોધ્યા કેસના ચુકાદા બાદ સાઇબરસ્પેસ પર ટિ્વટ્સ અને બ્લોગ્સથી ઊભરાઇ ગયા હતા. જેમાં, આ ચુકાદાને ‘કુનેહપૂર્વક’નો ચુકાદો ગણાવ્યો હતો. જેમાં કોઇ હાર્યું પણ નથી અને કોઇ જીત્યું પણ નથી.ટ્વિટર અને બ્લોગ્સ પર આ સમયે શાંતિ અને સદ્ભાવ જાળવવાની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. તેમજ સર્વને રાજી રાખવાનો પ્રયાસ ચુકાદામાં થયો હોવાનું પણ કહેવાયું હતું. દરેકે શાંતિ અને એકતા જાળવા સંદેશો આપ્યો હતો અને અયોધ્યા વિવાદનો આ ચુકાદો ધાર્મિક સહિષ્ણુતાની પરીક્ષા સમાન હોવાનું પણ ગણાવ્યો હતો.ચુકાદાને સ્વીકારવાની વિનંતી સાથે સંદેશામાં જણાવાયું હતું કે, આપણે મંદિર કે મસ્જિદ કરતાં શાંતિની વધુ જરૂર છે. એક બ્લોગરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેકે ખૂબ જ શાંતિ જાળવવાની હાલ જરૂર છે. એકતા એ આપણા દેશની સૌથી મોટી તાકાત છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી કોઇ પણ હોય આપણે તમામ એક્સમાન છીએ અને તમામ દેશવાસીઓ આપણાં ભાઇ-બહેનો છે. એક ટ્વિટર પર જણાવાયું હતું કે, ન્યાયાધીશોએ કુનેહપૂર્વકનો ચુકાદો આપ્યો છે. જેમાં તમામ પક્ષકારોને રાજી રાખવાનો પ્રયાસ કરાયો છે.
મોહાલી ટેસ્ટઃ પોન્ટિંગ-વોટ્સનની અડધી સધી
મોહાલી ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. કાટિચ માત્ર છ રન બનાવી ઝહીર ખાનની ઓવરમાં એલબી આઉટ થયો છે. કાટિચ બાદ ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાની વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા છે. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 130 રન બનાવી લીધા છે.ભારતીય બોલરોની નિષ્ફળતાનો ફાયદો ઉઠાવી ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં એક વિકેટ ગુમાવીને 101 રન બનાવી લીધા હતા. લંચ બાદ પણ ઓસ્ટ્રેલિયાના બન્ને ખેલાડી પોન્ટિંગ અને વોટ્સને વિસ્ફોટક અંદાજ જાળવી રાખ્યું છે. પોન્ટિંગે 100 બોલનો સામનો કરીને 9 ચોગ્ગાની મદદથી 63 જ્યારે વોટ્સને 103 બોલનો સામનો કરીને 5 ચોગ્ગાની મદથી 50 રન બનાવ્યા છે.પોન્ટિંગે કહ્યું છે કે, તેઓએ સારી તૈયારી કરી છે. અમને પ્રેક્ટિસ કરવાનો સારો એવો સમય મળ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી અમારા સમયની શ્રેષ્ઠ શ્રેણીમાની એક છે.ભારત ટોસથી ખૂશ થયું નથી. ધોનીએ કહ્યું છે કે, અમારે સારું પ્રદર્શન કરવું પડશે. અમે પ્રેક્ટિસ કરવા માટે પુરતો સમય મળ્યો હતો. આશા રાખું છું કે વિવાદો મેચથી દૂર રહેશે અને સારી રમત જોવા મળશે. હરભજન ફીટ છે અને તે મોહાલી ટેસ્ટ રમશે. ટીમ ઇન્ડિયાના અંતિમ 11 ખેલાડીમાં સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામં આવ્યો નથી.
ચીન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ શરૂ
ચીની મુદ્રા યુઆનને લઇને અમેરિકા અને ચીન એકબીજાની સામસામે આવી ગયા છે. અમેરિકાએ તેના મૂલ્યમાં કથિત ચીની હેરાફેરીને રોકવા માટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. ઓબામા પ્રશાસનનું કહેવું છે કે આની અસર અમેરિકાની નોકરીઓ પર પડી રહી છે. આ પ્રસ્તાવ સામે ચીને ઉગ્ર વિરોધ કર્યો છે. તેણે આ પ્રસ્તાવને ડબલ્યુટીઓના નિયમોના ઉલ્લંઘન સમાન ગણાવ્યા છે.
અમેરિકી સંસદે ઓબામા પ્રશાસનને યુઆનના હાલના મૂલ્ય કરતા નીચે રાખવા માટે ચીને કહ્યું હતું. પરંતુ આ સામે કાનૂની કાર્યવાહી કરતો એક પ્રસ્તાવ અમેરિકી સંસદે પસાર કર્યો છે. સંસદના નીચલા સદન જનપ્રતિનિધિ સભાએ વિધેયકને 348 મત સાથે પસાર કર્યો છે.આ વિધેયક અમેરિકી કંપનીઓને યુઆનની નબળાઈના કારણે લાભ મેળવનારાઓ વિરુદ્ધ વેપાર ફરિયાદ દાખલ કરવાનો અધિકાર આપશે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા યાઓ જિયાને અમેરિકા દ્વારા પસાર કરવામાં આવેલા વિધેયક સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાંગ યુ જણાવે છે કે અમેરિકાના નીતિ નિર્માતાઓએ ચીન-અમેરિકા વેપારને સમજવો જોઇએ. સાથે જ બંને દેશના લોકો અને પૂરી દુનિયાના હિતોને ધ્યાનમાં રાખીને આવા પ્રસ્તાવને રદ કરી દેવા જોઇએ.
અનિલ અંબાણી કરતા પણ ધનિક છે આ ભારતીય મહિલા
પ્રખ્યાત બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ભારતના 100 સૌથી વધારે ધનિક લોકોની એક લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં પાંચ મહિલાઓના નામ પણ શામિલ છે.તેમાં ઓ પી જિંન્દાલ જૂથની અધ્યક્ષ સાવિત્રી જિન્દાલ મહિલા ધનિકોના લિસ્ટમાં સૌથી ઉપર છે. ભારતના 100 ધનિકોના આ લિસ્ટમાં સાવિત્રીને 5મું સ્થાન પ્રાપ્ત થયુ છે.ધનિકોની બાબતમાં ખ્યાતનામ બિઝનેસ ટાયકૂન અનિલ અંબાણીને પણ પાછળ રાખીને સાવિત્રીએ આ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.આટલું જ નહી સાવિત્રી જિન્દાલ સતત ચોથા વર્ષે સૌથી ધનિક ભારતિય મહિલાના લિસ્ટમાં બનેલી છે. તેમની કુલ સંપત્તિ 14.4 અબજ ડૉલરની છે.ત્યાજ એડીએજી ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણી પાછલા વર્ષના ત્રીજા સ્થાન પરથી ખસીને આ વર્ષે છઠ્ઠા સ્થાને આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ 13.3 અબજ ડૉલરની છે. આ લિસ્ટમાં પાછલા વર્ષે સાવિત્રી જિન્દાલ 7માં સ્થાને બનેલી હતી.ભારતની મહિલા ધનિકોની વાત કરવામાં આવે તો ફોર્બ્સના આ તાજા લિસ્ટમાં બેનેટ કોલમેન એન્ડ કંપનીની અધ્યક્ષ ઇન્દૂ જેન, થર્મેક્સ જૂથની અનુ આગા, બાયોકાનની કિરણ મજૂમદાર શા અને હિન્દુસ્તાન ટાઈમ્સની શોભના ભરતિયાનું નામ શામેલ છે.
અયોધ્યા નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાનમાં પ્રદર્શન
રામજન્મભૂમિ પર આવેલા નિર્ણયથી પાકિસ્તાનના કેટલાંક શહેરોમાં છૂટાછવાયા પ્રદર્શન ગઈકાલે થયા હતા. અહીંના ધાર્મિક મામલાના મંત્રીનો દાવો છે કે આ ચુકાદો હિન્દુઓની તરફેણમાં છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચનો વિવાદિત સ્થળને ત્રણ સરખા ભાગે વહેંચવાના આ નિર્ણય સામે મુલ્તાન શહેરના વ્યવસાયિકોના એક સંગઠને દેખાવો કર્યા હતા.સંગઠનના સભ્યોએ અદાલતના નિર્ણય વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. દક્ષિણના હૈદરાબાદ શહેરમાં પણ સુન્ની તહેરીકે હૈદર ચોક પર પ્રદર્શન કર્યું હતું. ડઝન જેટલા પ્રદર્શનકારોએ પ્રદર્શન કર્યા પછી અહીંયા ટાયરો બાળ્યા હતા. તેમણે અયોધ્યાના આ નિર્ણયને મુસ્લિમોની ઈચ્છા વિરુદ્ધનો ગણાવ્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે જો પાક સરકાર આ નિર્ણયને સ્વીકારી લેશે તો તેઓ વિરોધ પ્રદર્શન વધારશે.ઈસ્લામાબાદમાં ધાર્મિક મામલાઓના મંત્રી કાઝમીએ નિવેદન કર્યું હતું કે અદાલતે બાબરી મસ્જિદ મામલામાં રાજનૈતિક નિર્ણય આપ્યો છે, જે સંપૂર્ણ રીતે હિન્દુ સમુદાયની તરફેણમાં છે. તેમે સરકારી ચેનલ પીટીવીને કહ્યું છે કે એકતરફી નિર્ણયના કારણે ભારતમાં મુસ્લિમોને તેમનો હક મળી શક્યો નથી.
‘ભારત પાકિસ્તાનને ક્યારેય મદદ કરતું નથી’
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત અને એશિયન રાષ્ટ્રો પાસેથી મદદ લેવાનું બંધ કરવું જોઇએ અને પોતાની સમસ્યાનું નિરાકરણ જાતે જ લાવવું જોઇએ તેમ પાકિસ્તાનની વનડે અને ટી-20 ક્રિકેટ ટીમના સુકાની શાહિદ આફ્રિદીનું કહેવું છે.આફ્રિદીને જ્યારે ચેમ્પિયન્સ લીગમાં પાકિસ્તાનની અનઉપસ્થિતિ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ભારત ક્યારેય પણ પાકિસ્તાન ક્રિકેટને ટેકારૂપ થતું નથી. ચેમ્પિયન્સ લીગને બાદ કરો તો પણ ક્યારે ભારતે પાકિસ્તાન ક્રિકેટને ટેકો કર્યો છે.જીઓ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં આફ્રિદીએ કહ્યું કે, સાચી હકિકત તો એ છે કે આપણે હંમેશા ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશને મદદ કરતા આવ્યા છીએ, પંરતુ જ્યારે આપણે તેઓની પાસેથી મદદની જરૂર હોય છે ત્યારે તેઓ આપણને હાંસિયામાં ધકેલી દે છે.હવે એ સમય આવી ગયો છે કે આપણે સમજી જઇએ કે માત્ર ભારત અને શ્રીલંકા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાકિસ્તાનનું કોઇ મિત્ર નથી. તેથી આપણે જાતે જ આપણી સમસ્યાઓનું નિરાકરણ શોધવું પડશે તેમ આફ્રિદીએ જણાવ્યું છે.
વડોદરા: મોડીરાત્રે પાણીગેટમાં પથ્થરમારો
શહેરમાં આજે અંજપાભરી શાંતિ વચ્ચે સમગ્ર દિવસ પસાર થયા બાદ રાતે અત્યંત સંવેદનશીલ એવા પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં બેચાર પથરા ફેંકતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. તો બીજી તરફ મોડી રાત્રે કોટયાર્ક નગર પાસે બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો.અયોધ્યા કેસના ચુકાદાના પગલે શહેરમાં તોફાનો થશે કે કેમ તેની અટકળો અને દહેશત વચ્ચે સમગ્ર દિવસ શાંતિથી પસાર થતાં શહેરીજનો સહિત પોલીસતંત્રે પણ રાહતનો દમ લીધો હતો. જોકે રાતે નવ વાગે શહેરના અત્યંત સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારના બાવામાનપુરા, વીમા દવાખાના પાસેની વસ્તી પર અન્ય કોમના કેટલાક યુવકોએ પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો.આ બનાવના પગલે બંને કોમનાં ટોળાં બહાર આવી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. જોકે આ બનાવની જાણ થતાં જ ડીસીપી શ્રીમાળી તેમજ પાણીગેટ પીઆઈ બેન્કર સહિતના પોલીસનો જંગી કાફલો આ વિસ્તારમાં દોડી ગયો હતો. આ વિસ્તારના કેટલાક અગ્રણીઓએ પથ્થરમારા અંગે પોલીસ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆતો પણ કરી કોમી તોફાનની આગને પલીતો ચાંપનારાં તત્વોને પકડવાની માગણી કરી હતી. પોલીસે રજુઆતો સાંભળી બંને કોમનાં ટોળાંની સમજાવટ કરીને વિખેરી નાખતાં મામલો થાળે પડ્યો હતો.મોડી રાત્રે પાણીગેટ વિસ્તારના મહેંદી નગરમાંથી હથિયારો સાથે બુકાનીધારી શખ્સોનું ટોળુ કોટયાર્ક નગર તરફ ધસી આવતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. એક તબક્કે કોટેશ્વર મહાદેવ મંદિર ઉપર પથ્થરમારો થતાં પરિસ્થિતી બે કાબુ બની હતી અને કોટયાર્ક નગરમાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો. જેને પગલે અફવા બજાર ગરમ બન્યુ હતુ. આ અંગેની જાણ થતા પાણીગેટ પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ટોળા વિખેરી નાખ્યા હતા. જોકે બનાવના પગલે જાતભાતની અફવાઓ ફેલાવવા માડતાં દિવસભર સંયમ જાળવી શાંતિ અનુભવતા શહેરીજનોનો જીવ તાળવે ચોટ્યો હતો.
સતત ત્રીજા વર્ષે મુકેશ અંબાણી શ્રીમંત ભારતીય
અમેરિકન સામિયક ‘ફોર્બ્સ’ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ભારતના ૧૦૦ સૌથી ધનવાનોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટોચના ક્રમે રહ્યા છે. તેમની સંપત્તિ ૨૭ અબજ ડોલરની દર્શાવાઈ છે. તેમણે લક્ષ્મી નિવાસ મિત્તલ અને અઝીમ પ્રેમજીને પાછળ રાખી દીધા છે. ૧૦૦ ધનવાનોની કુલ સંપત્તિ ૩૦૦ અબજ ડોલર થઈ ગઈ છે, જે ગયા વર્ષે ૨૭૬ અબજ ડોલર હતી.ફોર્બ્સની આ યાદીમાં મુકેશ અંબાણી પછી બીજા ક્રમે લક્ષ્મી મિત્તલ છે, જેમની સંપત્તિ ૨૬.૧ અબજ ડોલર છે. જોકે આ બન્ને બિલિયોનેર્સની સંપત્તિમાં ગયા વર્ષ કરતાં ૧૫ ટકા ઘટાડો થયો હોવાનું પણ ફોબ્ર્સે નોંધ્યું છે. મુકેશના ભાઈ અનિલ અંબાણીએ તેમનું ત્રીજું સ્થાન ગુમાવ્યું છે. આ સ્થાન પર વિપ્રોના અઝીમ પ્રેમજી છે, જેમની સંપત્તિ ૧૭.૬ અબજ ડોલર છે. અનિલ છઠ્ઠા ક્રમ પર રહ્યા છે. અનિલની સંપત્તિ ૧૩.૩ અબજ ડોલર છે.યાદીમાં ચોથા ક્રમે એસ્સાર જુથના શશી રૂઈયા અને રવિ રૂઈયા બંધુઓ છે, જેમની સંયુક્ત સંપત્તિ ૧૫ અબજ ડોલરની છે. એસ્સારને લંડનમાં તેની કંપનીના આઈપીઓ મારફતે ૧.૮૫ અબજ ડોલર એકત્ર કર્યા તેનો મોટો ફાયદો થયો છે. પાંચમાં ક્રમે ૧૪.૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ઓ.પી. જિન્દાલ ગ્રુપના સાવિત્રી જિન્દાલ છે. અદાણી જુથના ગૌતમ અદાણી ૧૦.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં સાતમા ક્રમે રહ્યા છે.આઠમા ક્રમે ડીએલએફના કુશલપાલસિંઘ છે. જોકે રિયલ્ટીમાં નોંધપાત્ર સુધારો છતાં તેમની સંપત્તિમાં તો ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. નવમા ક્રમે ભારતી એરટેલના સુનિલ મિત્તલ છે. ૧૦મા ક્રમ પર કુમારમંગલમ બિરલાનો સમાવેશ કરાયો છે. સુઝલોનના તુલસી તંતી ગયા વર્ષે ૩૩મા ક્રમ પર હતા, પરંતુ કંપનીનું ઋણ વધી જતા તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે, જેને કારણે તેઓ આ યાદીમાં ૬૯મા ક્રમે ધકેલાઈ ગયા છે. પાંચ મહિલાઓ પણ છવાઈ, સાવિત્રી જિન્દાલ સૌથી ધનવાન ફોર્બ્સની ભારતીય ધનવાનોની ૨૦૧૦ની યાદીમાં પાંચ મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. તેમાં ઓ.પી. જિન્દાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિન્દાલનો સમાવેશ છે. તેમની સંપત્તિ અનિલ અંબાણી કરતાં પણ વધારે થઈ ગઈ છે અને તેઓ યાદીમાં પાંચમા ક્રમે આવી ગયા છે. તેમની સંપત્તિ ૧૪.૪ અભજ ડોલરની છે.
જ્યારે ઓસ્ટ્રેલિયાના પબમાં ઈમરાનને પ્રવેશ ના મળ્યો
બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી ઓસ્ટ્રેલિયાને વંશીય દેશ માનવા તૈયાર નથી પંરતુ ફિલ્મ ક્રૂકના શુટિંગ દરમિયાન ઈમરાન સહિત ક્રૂ ફિલ્મના યુનિટને ઓસીના એક પબમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહોતો.નવાઈની વાત તો એ છે કે, પબનો બાઉન્સર એક ભારતીય હતો અને તેણે ફિલ્મના તમામ સભ્યોને બહાર નીકાળી કાઢ્યા હતા.આ સિવાય કૂ ફિલ્મને નોટિસ પણ ફટકારી હતી. વર્ક વિઝા અને પરમિટ વગર ઓસ્ટ્રેલિયામાં કામ કરી શકે નહિ તે અંગેની નોટિસ આપવામાં આવી હતી.ફિલ્મ દિગ્દર્શક મોહિક સૂરીએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઈ પરત ફરે તે માટે ઘણાં જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી ઓસ્ટ્રેલિયામાં ભારતીયો નિશાના પર છે. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ પર ઘણાં જ હુમલા થયા છે.ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ત્યાં મોટા ભાગે પંજાબી ટેક્સી ડ્રાઈવર હોય છે. કેટલાંક સમય પહેલા સુરિંદર સિંહ નામના વિદ્યાર્થીની એટલા માટે ધોલાઈ કરવામાં આવી હતી કે, તે ટેક્સીમાં સિંહ ઈઝ કિંગનું ગીત સાંભળી રહ્યો હતો.
નોકિયા સ્માર્ટફોન E-5નો 27 દિવસનો બેટરી બેક અપ
દુનિયાભરના મોબાઇલ બજાર ઉપર કબ્જો કરવાના ઇરાદા સાથે નોકિયા તરફથી અવનવા મોબાઇલ હેન્ડસેટ લૉન્ચ કરવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે.તાજેતરમાં જ સ્માર્ટફોન કેટેગરીમાં ઈ-7 (E-7)ને લૉન્ચ કર્યા પછી હવે નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન E-5ને બજારમાં લૉન્ચ કર્યો છે.ઈ-5 એક મિડ રેન્જ સ્માર્ટફોન મોબાઇલ છે જેમાં ક્વાર્ટી કીપેડ લગાવામાં આવ્યુ છે. આ ફોનમાં 5 મેગાપિક્સલનો દમદાર કેમેરો લગાડવામાં આવ્યો છે.કંપનીનો દાવો છે કે E-5ની પિક્ચર ક્વોલિટી જબરદસ્ત રિઝલ્ટ આપશે. આ સ્માર્ટફોન મોબાઇલમાં 3જી સુવિધાની સાથોસાથ વાઈફાઈ અને બ્લુટૂથ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.ખાસ વાત એ છે કે આ ફોનમાં તમને સતત 12.5 કલાકનો બેટરી બેક અપ ટૉલ્કટાઇમ મળશે સરળ ભાષામાં બોલીએ તો સતત તમે 12.5 કલાક સૂધી ફોન ઉપર વાત ચાલુ રાખી શકો છો બેટરી ડાઉન નહી થાય.કંપની એવો પણ દાવો છે કે આ સ્માર્ટફોનની બેટરી સ્ટેન્ડ બાઇ મોડ ઉપર 670 કલાક એટલે કે 27 દિવસ સુધી ચાલી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત છે 12,699 રૂપિયા 'ઓન્લી'.મોબાઇલ ફોનના બજારમાં ઈ-5ની સીધી ટક્કર બ્લેકબેરી કર્વ 8520 સાથે થશે, જેમાં બ્લેકબેરીની પોતાની ઑપરેટિંગ સિસ્ટમ, બ્લેકબેરી ઓ એસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જોકે ભાઈ કેમેરાની બાબતમાં તે નોકિયાના આ સ્માર્ટફોનની સરખામણીએ પાછળ છે. કારણ કે તેમા 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
01 October 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment