visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : જામનગર રોડ પર ટ્રક ચાલકે યુવાનને કચડી માર્યો
જામનગર રોડના સાંઢિયા પુલ પરથી પસાર થઇ રહેલા સાયકલ સવાર રજપૂત યુવાનને કાળમુખા ટ્રકના ચાલકે ઠોકરે લેતા પટકાયેલ યુવનનુ માથુ તોતીંગ વ્હીલ હેઠળ છૂંદાઇ ગયું હતું. અકસ્માત બાદ ચાલક થોડે દૂર ટ્રક રેઢો મુકીને ભાગી ગયો હતો.જામનગર રોડ પર રાજીવનગરમાં રહેતો દપિક બાબુભાઇ ડોડીયા (ઉ.વ.૩૨) નામનો યુવાન રોજર્સ મોટરમાં નોકરી કરતો હોવાથી આજે સવારે સાયકલ લઇને નોકરીએ જવા રવાના થયો હતો.સાંઢિયા પહોંચતા પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સાયકલને ટક્કર મારતા યુવાન પડી ગયો હતા અને તેની ઉપરથી ટ્રકના રાક્ષસી પૈડા ફરી વળતા તેના સ્થળ ઉપર જ પ્રાણ નિકળી ગયા હતા.
BJPના ઉમેદવારોએ શપથ લઇ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા
રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમા શહેરના તમામ વોર્ડના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાતા ચૂંટણીમા ગરમાવો શરૂ થયો છે. યાદી જાહેર કરાયા બાદ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો શુક્રવારે સવારે તેમના બહોળી સંખ્યામા ટેકેદારો સાથે બહુમાળી ભવન ખાતે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે એકઠા થયા હતા.રાજકોટ શહેર ભાજપના અગ્રણીઓ ધનસુખ ભંડેરી, રાજભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી વિજયના સંપુર્ણ વિશ્વાસની કેસરીયા ફોજને હાકલ કરી હતી.
ઉમેદવારી નોંધાવવા જતા પહેલા તમામ ઉમેદવારોએ સામુહિક શપથ લઇ સરદારની પ્રતિમાને હાર પહેરાવી ફોર્મ ભરવા રવાના થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રૂપી પોલીસે ચુશ્ત બંદોબસ્ત રાખ્યો હતો.
વાંકાનેરના સરધારકા ગામે દર્શન કરવા જતાં ભગવાનને જ લૂંટી લીધાં!
વાંકાનેરના સરધારકા ગામે કુંભાર જ્ઞાતિના કુળદેવીના મંદિરમાં દર્શન કરવાના બહાને આવેલો શખ્સ વૃધ્ધા પાસેથી મંદિરની ચાવી લઇ ગયા બાદ માતાજીના સોનાના તમામ આભૂષણ ચોરી કરી ચાવી પરત આપી ગયાનો બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે. ૨.૪૦ લાખના ઘરેણાની ચોરી અંગે પોલીસે આનાકાની બાદ ૧૨૦ ગ્રામ વજન સોનાના ઘરેણાની કિમત માત્ર પ૯ હજાર ગણતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.સરધારકા રહેતા ભોરણીયા કાનજીભાઇ છગનભાઇ કુંભારે આપેલી માહિતી મુજબ, ગામમાં તેમના કુળદેવી ચામુંડા માતાજીનું મંદશિ છે. મંદિરની ચાવી ઘરે રાખવામાં આવે છે. કાનજીભાઇ લગ્ન પ્રસંગે મોરબી ગયા હતા. વૃધ્ધ માતા જીવંતિકાબેન અને પુત્રી ઘરે હતા. સવારે ૧૧ વાગે બાઇક લઇને આવેલા યુવાને પોતે કુંભાર હોવાનું કહી કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે ચાવી માંગી હતી. જ્ઞાતિના યુવક હોવાનું માનીને વૃધ્ધાએ ચાવી આપી દીધી હતી.થોડીવાર પછી એ યુવક દર્શન કરીને ચાવી પાછી આપી ગયો હતો. સાંજે ધૂપ દિવા કરવા મંદિરે ગયેલા વૃધ્ધાને અંદરનું દ્રશ્ય જોઇ ધ્રાસકો પડ્યો હતો. માતાજીને ચડાવાયેલ સોનાના હાર, મુગટ, છતર અને ત્રિશુલ મળી આશરે ૧૨૦ ગ્રામ વજનના સોનાના આભૂષણ ગાયબ હતા.બપોરે દર્શનના બહાને આવેલો યુવક જ ચોરી કરી ગયાનું સમજાઇ ગયું હતું. મોરબીથી પરત આવી ગયેલા કાનજીભાઇએ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહીં અને આગેવાનોને લઇને જતા પોલીસે ૧૨૦ ગ્રામ સોનાના ઘરેણાની કિમત માત્ર પ૯ હજાર આંકી હોવાનો કાનજીભાઇએ આક્ષેપ કર્યો છે.
અંજારના સાડી વિક્રેતાઓનું રૂ.૧.૦૩ કરોડનું ડિસ્કલોઝર
અંજારના સાડીના મોટા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકેલા આવકવેરા વિભાગે ગુરુવારે સવાર સુધી કામગીરી કર્યા બાદ કુલ રૂપિયા ૧ કરોડ ત્રણ લાખના બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે, તો એક સાડીના શો રૂમના માલિકો દ્વારા ત્રણ વર્ષથી આઇટી રિટર્ન ફાઇલ ન કરાતાં તમામ હિસાબી ચોપડાઓ જપ્ત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી ગાંધીધામ સ્થિત અધિક આયકર કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવી હતી. સાડીમાં મોટું નામ ધરાવતા અંજાર નગરની ચાર સાડી શોપ બુધવારે આયકરની ઝપટે ચઢી હતી. માલાશેરીમાં ધંધો વિકસાવનારી રોયલ, શણગાર, સુહાગન અને લાડલી નામની દુકાનોમાં સર્વે હાથ ધરાયો હતો. સ્ટોક સહિતની ઝીણામાં ઝીણી વિગતો એકત્ર થતાં આયકર કર્મચારીઓની કામગીરી ગુરુવાર સવાર સુધી ચાલી હતી.માહિતગારોના જણાવ્યા પ્રમાણે અંજારના ચાર મોટા શો રૂમમાંથી લાખોના બેહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. સ્ટોક અને રોકડ ઉપરાંત અન્ય માહિતીની આકારણી બાદ કુલ રૂપિયા ૧.૦૩ કરોડના બેનંબરી વ્યવહારો પકડી પાડવામાં આવ્યા છે. સંબંધિત સૂત્રોના કહેવા મુજબ રોયલ સાડીના રોકડ વ્યવહાર સહિત સૌથી વધુ રૂપિયા ૫૧ લાખના, શણગારના રૂપિયા ૩૦ લાખના અને સુહાગનના રૂપિયા ૨૨ લાખના બેનામી નોંધ જણાઇ હતી અને તે સ્વીકારીને માલિકો દ્વારા ડસ્કિલોઝર જાહેર કરાયું હતું.તો, લાડલી નામની દુકાનના માલિકોએ છેલ્લા ત્રણ વર્ષથી આઇટી રિટર્ન જ ફાઇલ ન કરતાં સ્ટોક સહિતની વિગતોના ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. જેની ઝીણામાં ઝીણી આકારણી કરીને કેટલી કરચોરી કરવામાં આવી એ જાણી શકાશે.
મહેસાણા : લગ્ન પૂર્વે યુવતી દાગીના લઈ પિતરાઈ સાથે નાસી ગઈ
મહેસાણાના કસ્બા વિસ્તારમાં લગ્નની તૈયારીઓ વચ્ચે મુસ્લિમ યુવતી આઠ તોલા સોનાના દાગીના તેમજ રૂ. ૨લાખ સાથે પિતરાઈ ભાઈ જોડે નાસી જવાના બનાવને પગલે મુસ્લિમ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા ગૃહવિભાગ તેમજ આઈજીને લેખિત રજુઆત કરી યોગ્ય પગલા ભરવા માંગણી કરી છે.મહેસાણાના કસ્બા વિસ્તારમાં રહેતા ઈનાઈતુલ્લા શાહમહંમદ અન્સારીની પુત્રી મહેજબીનબાનુના ૨૦ સપ્ટેમ્બરના રોજ લગ્નની તૈયારીમાં પડ્યું હતું. આ દરમિયાન ગત તા.૯-૮-૨૦૧૦ના રોજ ઈનાઈતુલ્લા તેમની દૂકાનમા હાજર હતા તે સમયે બજારમાંથી પરત ફરેલી તેમની પત્નીએ ઘરે મુકીને ગયેલ પુત્રી મહેજબીનબાનુ ઘરમા ન જણાતા ચોંકી ગયા હતા.યુવતીની શોધખોળ દરમિયાન તે તેની માસીના પુત્ર વલીઉલ્લા મજીબુલ્લા અન્સારી સાથે રીક્ષામાં બેસીને ક્યાંક ગઈ હોવાનું જાણી તમામ ચિંતામા મૂકાયા હતા. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા તેના લગ્નના ખર્ચ માટે રાખેલા રોકડ રૂ. ૨ લાખ તથા ૮ તોલા સોનાના દાગીના પણ ગૂમ જોતા તમામની ધડકણો થંભી ગઈ હતી.ઈનાઈતુલ્લા તેમજ તેમના સગા સંબંધીઓએ કરેલી તપાસ દરમિયાન વળીઉલ્લા મન્સુરી યુવતી સાથે ઉત્તર પ્રદેશથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમા વડોદરા રેલવે સ્ટેશને ઉતર્યો ત્યારે પૂર્વ માહિતીને આધારે તેના સગાઓએ તેનો સંપર્ક કર્યો હતો. જેમાં તેને મહેજબીનબાનુને સોંપી દેવા તેમજ રોકડ અને સોનાના દાગીના પરત કરવાની વાત તેને અવગણીને જતા રહ્યા હતા. ઉપરોક્ત ઘટનાક્રમ બાદ યુવતીના પિતાની સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા તેઓએ ગૃહમંત્રી તેમજ આઈજીને લેખિત રજુઆત કરી યોગ્ય પગલા ભરવા માંગણી કરી છે.
આણંદ : ‘દલા તરવાડી’ નગરસેવકોની વિકેટ ઉડશે
આણંદ નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નગરસેવક તરીકે પ્રજાકીય કામો કરવાના ઓઠા હેઠળ વહીવટ કરનારા અને ભાજપની પ્રતિભા માટે લાંછનરૂપ બનેલા કેટલાક કાઉન્સિલરને આગામી ચૂંટણી ટિકિટમાંથી હાથ ધોવા પડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન ભાજપની છાપ ખરડનારા કેટલાંક કાઉન્સિલરો અંગે મોવડીમંડળ સમક્ષ વ્યાપક ફરિયાદો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પણ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કહેવાય છે. જેથી ચૂંટણીમાં નવા નિશાળીયાને તક આપવામાં આવે તો નવાઈ નહીં.આણંદ નગરપાલિકાની ચૂંટણીને લઈને હાલમાં શહેરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. એમાંય ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે લોકો રીતસર પડાપડી કરી રહ્યા છે. જેમાં ભાજપના ચાર કાઉન્સિલરને બાદ કરતાં તમામ કાઉન્સિલરોએ પણ ટિકિટની માગણી કરી છે.ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો પોતાની ફરજ અને જવાબદારી નિભાવવામાં કેટલા પાવરધા રહ્યા અને કેટલાં ઉણા ઉતર્યા છે તેનો જમા-ઉધારનો હિસાબ પ્રદેશના નેતાઓ સાથે નગરજનોએ પણ માંડ્યોછે, ત્યારે શહેરમાં વિકાસના કામોના ઓથા હેઠળ કાઉન્સિલરોએ કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતથી કરેલી કટકી તથા ટ્રાફિક, રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ, વિકાસના કામોમાં થયેલા અસહ્ય વિલંબથી પ્રજાના પૈસાનું થયેલું પાણી, મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા ચલાવાતો વહીવટ, પાલિકાની દુકાનોની ફાળવણી કે ફ્લેટની ફાળવણીમાં વ્હાલાંદવલાંની નીતિથી નગરપાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવા જેવા અનેકવિધ મુદ્દાઓ પર અવારનવાર ફરિયાદો થઈ ચૂકી છે. જેની મુખ્યમંત્રી અને પ્રદેશના નેતાઓને પણ ગંભીર નોંધ લીધી છે.
હિમાયત બેગના વકીલ રહેમાને એનસીપીમાંથી રાજીનામું આપ્યુ
જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં આરોપી હિમાયત બેગનું પ્રતિનિધિત્વ કરતા વકીલ એ. રહેમાને રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના લઘુમતી કોષના મહામંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ત્રાસવાદી મિરઝા બેગની વકીલાત કરવા બદલ પક્ષમાં વરિષ્ઠ નેતાઓ નારાજ હોવાથી પોતે રાજીનામું આપ્યું હોવાનું એડવોકેટ એ. રહેમાને જણાવ્યું હતું.વરિષ્ઠ ધારાશાસ્ત્રી એ. રહેમાને ૨૦ સપ્ટેમ્બરે પહેલી વખત મિરઝા હિમાયત બેગ તરફથી દલીલો કરી હતી. પુણે બાર એસોસિયેશનના સહયોગી વકીલોએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારની વકીલાત નહીં કરવા રહેમાનને અપીલ કરી હતી, પરંતુ એ અપીલને ગણકાર્યા વિના રહેમાને બેગની બ્રિફ સ્વીકારી હતી. તેથી પુણે બાર એસોસિયેશન તરફથી ગંભીર પ્રતિક્રિયાઓ જાગી હતી. બાર એસોસિયેશનના પ્રમુખ મિલિંદ પવારે સ્પષ્ટતા પણ કરી હતી કે આ અપીલ નૈતિક ધોરણે હોવાથી વ્યક્તિગતરૂપે એ બંધનકારક ન ગણાય.એડવોકેટ રહેમાને સ્પષ્ટતા કરી હતી કે ‘‘મૈં રાષ્ટ્રવાદી કોંગ્રેસના લઘુમતી વિભાગના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી. મેં રાજીનામાનો પત્ર પક્ષના લઘુમતી વિભાગના પ્રમુખ હબીબ ફકીબને મોકલ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.’’
કંજક્ટિવાઈટિસનો ફેલાવો ચિંતાજનક
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કંજક્ટિવાઈટિસ પ્રયસો હોવાથી તે વ્યપાક રોગચાળાનું પ્રમાણ ધારણ કરી શકે છે એવી ડૉ. કેકી મહેતાએ ચેતવણી ઉચ્ચારી છે.તેઓ મુંબઈમાં કોલાબા ખાતે શહેરની અગ્રણી નેત્ર સંસ્થા, મહેતા ઈન્ટરનેશનલ આઈ ઈન્સ્ટિટ્યુટના મેડિકલ ડિરેક્ટર તથા બ્રીચ કેન્ડી અને સૈફી હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મોલોજિસ્ટ છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજન (ટઈદ)માં પણ કંજક્ટિવાઈટિસના કેસો નોંધાયા છે.ડૉ. મહેતાના જણાવ્યા મુજબ છેલ્લા બે સપ્તાહમાં મુંબઈમાં કંજક્ટિવાઈટિસના કેસોની સંખ્યા વધી છે. મુંબઈમાં ગત વર્ષની સરખામણીએ કેસો વધ્યા હતા.
બ્રિટનના મહારાણીએ નાણાં વાપરવા મંત્રીઓને પૂછવું પડશે!
બ્રિટિશ સંસદ રાજવી પરિવારના ખર્ચા માટે દર વર્ષે આશરે 3.8 કરોડ પાઉન્ડ ફાળવે છે. રાજવી પરિવાર છેલ્લાં કેટલાંય સમયથી આ રકમ વધારવાની માંગણી કરી રહ્યો છે, પરંતુ આ સમજૂતિથી તેમની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. બંધારણના જાણકારોનું એવું માનવું છે કે સમજૂતિથી રાજવી પરિવારના ખર્ચા પર નિયંત્રણ લાવી શકાય તેમ છે.આ સમજૂતિ એટલા માટે જરૂરી બની છે કારણ કે વર્ષ 2005માં એક વિવાદ સર્જાયો હતો, જ્યારે મંત્રીઓએ રાજવી પરિવાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પછી તપાસ માટે સલાહકારને બકિંગહામના પેલેસમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી 2006માં મહારાણીને સમજૂતિ માટે મનાવી લેવાયા હતા.
ઉત્તરાખંડમાં પૂરથી પરિસ્થિતિ ખરાબ, 3000 પર્યટકો ફસાયા
દિલ્હીમાં જો કે પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે, પંરતુ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં પૂરની પરિસ્થિતિ હજીપણ ગંભીર છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સ્થિર થયું છે, પરંતુ જોખમ હજી ગયું નથી. ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લામાં પૂર રાહત માટે સેના બોલાવાય છે. કાસગંજ પાસે પાટા વહી જવાથી એક પ્રવાસી ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જો કે તેમાં જાનમાલનું વધુ નુકસાન થયું નથી. આ સિવાય પંજાબ, હરિયાણામાં પણ પૂરથી મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે.હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. જો કે હવે બેરેજમાંથી ઓછા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ જોખમ હજી યથાવત છે. હથિનીકુંડ બેરેજમાંથી ગત ચાર દિવસમાં 12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બેરેજમાંથી ગુરુવારે પણ પાણી છોડવામાં આવ્યું હતું. જે શુક્રવાર સાંજ સુધી દિલ્હી પહોંચશે.
અયોધ્યા ચૂકાદો, નાહકનો લંબાયો
અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળની માલિકીના હક માટે અલાહાબાદ હાઈકોર્ટમાં ચાલતા કેસનો ચૂકાદો સુપ્રીમ કોર્ટના ગોદાને લીધે વધૂ પાંચ દિવસ પાછો ઠેલાયો છે. ૨૪મી સપ્ટેમ્બરે આ ચૂકાદો આવવાનો હતો, હવે ૨૮મીને મંગળવાર સુધી ઠેલાયો છે. શુક્રવારે આવનારા ચૂકાદા માટે દેશભરમાં એક પ્રકારનો માહોલ ઉભો થયો હતો.જે પાર્ટીની વિરૂદ્ધનો ચૂકાદો આવતો તે ઉપલી કોર્ટમાં એને પડકારવાની જ હતી. ૬૦ વર્ષ જુનો અનેક કાનૂની વિવાદોવાળો તેમજ બંનેય પક્ષે તીક્ષ્ણ ધાર્મિક લાગણીઓથી લદાયેલો આ કેસ છે. દેશનો ઘણો વર્ગ હવે તો આ કેસનો કોઈ સુખદ નિવેડો આવે એવું ઇચ્છતો થયો છે. બીજી તરફ રાજકીય પક્ષો પોત-પોતાની તરફેણમાં આ ચૂકાદાના પરિણામ-પ્રત્યાઘાતને તાણવા-વાળવાહણહણી રહ્યા છે.સુપ્રીમની બેન્ચના બે જજ વચ્ચે પણ સંમતિ ન સધાઈ નથી ત્યારે હવે પછી સુપ્રીમમાં આ કેસ માટે કેવો વળાંક આવે છે તેની ઇંતેજારી પણ પ્રવર્તી રહી છે. ૬૦ વર્ષમાં ન થઈ અને પાંચ દિવસના આ ટૂંકા ગાળામાં હવે શી મધ્યસ્થી કે સર્વસંમતિ થવાની છે? સુપ્રીમ કોર્ટ આ કેસમાં આવતાં વળી નવો ફણગો શરૂ થયો છે. પાંચ દિવસ પછી આ કેસ પાછો આગળ ચાલશે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચના જસ્ટિસ ડી.વી. શર્મા તો ૧લી ઓક્ટોબરથી નિવૃત્ત થઈ રહ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ જો ચૂકાદાની આડેનો સ્ટે ઉઠાવી લે તો વર્તમાન લખનઉ બેન્ચ પાસે ચૂકાદો આપવા માટે માત્ર બે દિવસ બચશે.માનો કે ડી.વી. શર્માને એક્સ્ટેન્શન ન મળે તો નવા જજ આવશે. એ આખા કેસનો અભ્યાસ કરીને પોતાની નજરે જોશે, એટલે પાછા દિવસ ઓર ઠેલાશે. આ ઠેલણગાડીમાં આખો દેશ ઊંચે શ્વાસે રહેશે, હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોમાં એક પ્રકારનો ઉચાટ વધતો જશે. બંનેના કટ્ટર નેતાઓ એમાં પોતાના સ્વાર્થનાં ઘાસલેટ છાંટતા રહેશે. સલામતી તંત્રની ઊંઘ હરામ થશે, એમાં પણ ક્યાંક કંઈક છમકારો થયો તો. . . તો પાછી ગરબડ શરૂ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment