22 October 2010

ઓબામાની યાત્રા પહેલા ફિદાયીન હુમલાની ભીતિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavourઓબામાની યાત્રા પહેલા ફિદાયીન હુમલાની ભીતિ

શ્રીનગરમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલા બાદ આતંકવાદીઓએ આ પ્રકારના વધુ હુમલાની ચેતવણી આપી છે. આને 2 સપ્તાહ બાદની અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પહેલા આતંકવાદીઓની નવી રણનીતિ તરીકે જોવાય રહ્યું છે. ગુપ્તચર સંસ્થાના જણાવ્યા પ્રમાણે, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા નવેમ્બરમાં ભારત આવનારા છે. માટે આતંકવાદી કાશ્મીરનો માહોલ ગરમ કરવા ઈચ્છે છે. શ્રીનગર પાસે મલૂરામાં થયેલો હુમલો આ રણનીતિનો ભાગ છે.પાછલા કેટલાંક મહિનાઓથી ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે. માટે સુરક્ષાદળો હાઈએલર્ટ પર છે. ઓબામાની યાત્રા પહેલા છત્તીસિંહપુરા જેવા નરસંહારોને રોકવા માટે સુરક્ષાદળો તાકમાં બેઠા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ભારત યાત્રા વખતે કાશ્મીરના છત્તીસિંહપુરામાં શીખોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. મલૂરામાં ગુરુવારે થયેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓના નિશાના પર શ્રીનગરનો કેન્ટ વિસ્તાર અને ચિનાર આર્મી કેન્ટ હતો.


૭૩ ટકા ભારતીયોના મતે ઓબામા સક્ષમ

તાજેતરમાં થયેલા એક ઓપિનિયન પોલમાં વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની જેમ જ ઓબામા પણ ભારતીય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ ઓબામા આગામી મહિને ભારતની મુલાકાતે આવનારા છે. આ ઓપિનિયન પોલમાં પ્રત્યેક દસમાંથી સાત કરતાં વધુ ભારતીયે પ્રમુખ ઓબામાની ક્ષમતાઓમાં વિશ્વાસ કર્યો છે અને એક તૃત્યાંશ ભારતીયોએ અમેરિકાની તરફેણમાં અભિપ્રાય વ્યક્ત કર્યો છે.આ ઉપરાંત ભારતીયો, વૈશ્વિક બાબતોમાં પોતાના દેશની ભૂમિકા અંગે હકારાત્મક છે અને ભારતના આર્થિક ભવિષ્ય અંગે પણ તેઓ આશાવાદી છે. જ્યારે ભારતીયો લશ્કર-એ-તોઇબા અને પાકિસ્તાનને દેશ માટે સૌથી મૌટા જોખમ તરીકે જુએ છે. જ્યારે ૫૮ ટકા ભારતીયોનું કહેવું છે કે પાકિસ્તાની સરકાર લશ્કર-એ-તોઇબા જેવા ત્રાસવાદી જુથોને સક્રિય ટેકો આપે છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે.


ઓબામા ઈચ્છે તો ટોપી પહેરી સુવર્ણ મંદિર આવે

અકાલ તખ્તના જથ્થેદાર ગુરૂબચ્ચનસિંઘએ એવો મત વ્યક્ત કર્યો છેકે, સુવર્ણમંદિરના દ્વાર તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા છે અને ઓબામા ઈચ્છે ત્યારે અમૃત્તસર આવી શકે છે. વધુમાં સુવર્ણ મંદિરની મુલાકાત ન લેવાના ઓબામાના નિર્ણયથી શીખોને નિરાશા ન થઈ હોવાનો મત પણ સુવર્ણ મંદિરના જથ્થેદારએ વ્યક્ત કર્યો છે.જથ્થેદાર ગુરૂબચ્ચનસિંઘના કહેવા પ્રમાણે, ઓબામા ચાહે તો ટોપી, કપડું કે સ્કાર્ફ પહેરીને માથું ઢાંકી શકે છે. જોકે, તેઓ લશ્કરી ટોપી અથવા તો લોખંડ ધરાવતી ટોપી ન પહેરી શકે તેવી સ્પષ્ટતા પણ જથ્થેદારએ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, ભૂતકાળમાં બ્રિટનના રાણી એલિઝાબેથએ પણ સુવર્ણ મંદીરની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમણે પિંછાવાળી હેટ દ્વારા તેમનું માથું ઢાંકેલું હતું. ત્યારે પણ કોઈએ વિરોધ કર્યો ન હતો.બીજી તરફ અમૃત્તસર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓબામા આવે કે ન આવે રસ્તા સાફ કરવામાં અને બીજા સફાઈના કામોમાં લાગી ગઈ છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.


પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ, ઓબામા નહીં જાય પાકિસ્તાન

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આવતા મહિને પોતાની ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન નહીં જાય. વ્હાઈટ હાઉસે ઓબામાની ભારત યાત્રા અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ આપતા સ્પષ્ટતા કરી છે કે ઓબામા આવતા વર્ષે પાકિસ્તાનની યાત્રા પર જશે. વ્હાઈટ હાઉસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓબામાએ આ સંદેશો અમેરિકા-પાકિસ્તાન વચ્ચે રણનીતિક વાર્તામાં ભાગ લેવા માટે આવેલા પાકિસ્તાનના પ્રતિનિધિમંડળને આપ્યો હતો.આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને સૈન્ય પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ કહ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓબામાએ જાણકારી આપી છે કે તે આવતા વર્ષે એશિયાની યાત્રા દરમિયાન પાકિસ્તાનની મુલાકાત લેશે. તેમણે આવતા વર્ષે પાકિસ્તાન જવાની વાત કહી હતી, તેની સાથે સાથે પાકિસ્તાનના વડાપ્રધાન ઝરદારીને વોશિંગ્ટન આવવાનું પણ આમંત્રણ પાઠવ્યું છે.


અમિત શાહના જામીન અંગે આજે સુનાવણી

ગુજરાતના માજી ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહની જામીન અરજીની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની ધરપકડ કરવામાં આવી છે.સીબીઆઈ કોર્ટે અમિત શાહની જામીન અરજીને ફગાવી દીધી હતી.સીબીઆઈ કોર્ટે જામીનને ફગાવી દેતા અમિત શાહે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે.અમિત શાહનો કેસ રામ જેઠમલાણી લડી રહ્યાં છે.અમિત શાહ પર ખંડણી ઉઘરાવવાનો ગંભીર અરોપ પણ મુકવામાં આવ્યો છે.
સીબીઆઈએ અમિત શાહ પર સાક્ષીઓને ફોડવાનો આરોપ પણ મુક્યો છે.સીબીઆઇ તરફથી કેટીએસ તુલસી કેસ લડી રહ્યાં છે.
અમિત શાહને જેલમાં 25 ઓક્ટોબરે ત્રણ મહિના પુરા થઈ જશે.


ચીનના આર્થિક વિકાસમાં બ્રેક લાગી ગઈ

ચીનની વિકાસ દરમાં બ્રેક લાગી ગઈ છે. અને તેનું મુખ્ય કારણ છે ત્યાં સતત વધતી મોંઘવારી. ચીન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષના ત્રીજા ત્રીમાસીક ગાળામાં તેમના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. ચીનમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે પાછલા ત્રણ મહીનાઓમાં ત્યાં ગ્રાહક મૂલ્ય સૂચકાંકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અને ખાવાપીવાની ચીજવસ્તુઓની કિંમતોમાં પણ આ જ પ્રમાણે 6 ટકાનો ઉછાળો આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે મોંઘવારીના કારણે આવનારા દિવસોમાં ચીનો વિકાસ દર હજુ ધીમો પડશે.


વડોદરાની પાદરા ઈ.વી.એમ. મેજિક: કોંગ્રેસના વોટ ભાજપને પડતા હતા!

વડોદરાની પાદરા નગરપાલિકામાં એક ઈવીએમમાં મતદારો કોંગ્રેસને મત આપે તો પણ આ મત ભાજપમાં જ પડતો હતો ! મશીનની આ ‘કમાલ’ કોંગ્રેસના ધ્યાન ઉપર આવતા તેમણે ફરજ પરના અધિકારીઓનું ધ્યાન દોયું હતું અને અધિકારીઓએ પણ તમામ લોકોની હાજરીમાં મશીનની ચકાસણી કરતાં તેમાં નાખેલા ૪૪ મતની સામે મશીનમાં ૧૧૧ મત નોંધાયેલા મળ્યા હતા. ચોંકી ઊઠેલા અધિકારીઓએ તાત્કાલિક આ મશીન બદલીને બીજું મશીન ગોઠવવાની ફરજ પડી હતી. કોંગ્રેસે આવી કેટલીક ફરિયાદ ચૂંટણીપંચને કરી છે.થોડા દિવસો પહેલાં રાજ્યમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ જતાં કોંગ્રેસના આગેવાનોએ મોદી સરકાર પર ‘મશીન મેજિક’નો આક્ષેપ કર્યો હતો, પરંતુ ચૂંટણી પંચે આ આક્ષેપને ફગાવ્યો હતો ત્યારે ગુરુવારે પાદરાની ઘટનાથી કોંગ્રેસની શંકાને બળ મળ્યું છે. કારણ કે, પાદરામાં ચૂંટણીમાં ફરજ પરના અધિકારીઓની હાજરીમાં જ્યારે મશીનની ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાંથી વધુ મત નીકળવા ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારને મત આપવામાં આવે ત્યારે ભાજપના ઉમેદવાર સામે લાઈટ થતી હોવાની બાબત ધ્યાનમાં આવી હતી.

વધારે સેક્સ છૂટાછેડાંનું કારણ બની શકે: સુપ્રિમ કોર્ટ
હિંદુ વિવાહ અધિનિયમની કલમ-13 હેઠળ ‘બેદર્દી’ની વ્યાખ્યા કરતાં જસ્ટિસ પી. સથાશિવમ અને જસ્ટિસ બી.એસ.ચૌહાનની બેન્ચે કહ્યું છે કે જો કોઈ આ સાબિત કરી દે છે કે તેમના સાથીની બળજબરીને કારણે તેમને ઈજા કે દર્દ પહોંચ્યું છે, તો તે છૂટાછેડાં લેવાનું ઠોસ કારણ બનશે. હિંદુ વિવાહ અધિનિયમની કલમ-13 છૂટાછેડાં લેવાનું કારણ બતાવે છે. પરંતુ અધિનિયમમાં બેદર્દી અથવા નિષ્ઠુરતા શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. સુપ્રિમ કોર્ટે આ ચુકાદો એક પીડિત પતિની ફરીયાદ બાદ કર્યો છે. બેદર્દી અથવા નિષ્ઠુરતાની વ્યાખ્યા કરતાં કોર્ટે કહ્યું હતું કે સેક્સ ક્રીડા દરમિયાન જો કોઈપણ એકવાર પણ દર્દ પહોંચે છે, તો તે વ્યક્તિ છૂટાછેડાં લેવા માટે કોર્ટ પહોંચી શકે છે. કોર્ટે કહ્યું છે કે લગ્ન સંબંધમાં બંધાયેલા બે વ્યક્તિઓમાં જો કોઈ એક સતત અસામાન્ય સેક્સની માગણી કરે છે અથવા દુરાચાર કરે છે અને તેનાથી તેના સાથીને ઈજા પહોંચે છે, તો તેને પણ બેદર્દી કે નિષ્ઠુરતા માનવામાં આવશે. બેન્ચે તથ્યો પર વધુ પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે કોઈ વખતે ભાવાવેશમાં આવીને કહેવાયેલી વાતો અથવા પરિવારના મોટાની વાતો પર નારાજગી જાહેર કરવી લગ્નજીવન સંબંધે નિષ્ઠુરતાની પરિભાષામાં આવતું નથી. ક્યારેક ચિડિયાપણું, લડવું-ઝગડવું અને દૈનિક વૈવાહિક જીવનમાં થનારી સમાન્ય બોલાચાલીને પણ છૂટાછેડાં આપવાનું ઠોસ કારણ માની શકાય નહીં.


શરદ પૂર્ણિમાનો સારો પ્રભાવ તમારી રાશિ પર

પોતાની રાશિ અનુસાર પ્રયોગ અને દાન કરવાથી સુખ -શાંતિ , ઐશ્વર્ય અને વૈભવ વધે છે.
મેષ- આજે આ પૂર્ણિમાંના પર્વ પર મેષ રાશિની જાતક કન્યાઓને દૂધ અને ખીર ખવડાવવી તથા ભાતને દૂધમાં ભેળવીને વહેતા પાણીમાં નાખવો. એમ કરવાથી તમારા દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જશે.
વૃષભ- વૃષભ રાશિના જાતકો શુક્ર રાશિના હોય છે. આ રાશિનો સ્વામી શુક્ર પ્રસન્ન થાય તો તે ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરે છે. શુક્ર દેવતાને પ્રસન્ન કરવા માટે તમે દહીં અને ગાયનું ઘી મંદિરમાં દાન કરો.
મિથુન- તમારી રાશિનો સ્વામી બુધ છે. ચંદ્રની સાથે મળીને તે તમારા વ્યાપારિક કાર્યક્ષેત્રના નિર્ણયોને પ્રભાવિત કરે છે. ઉન્નતિ માટે તમે દૂધ અને ચોખાનું દાન કરો.
કર્ક- તમારા મનનો સ્વામી ચંદ્રમાં છે, જે તમારી રાશિનો સ્વામી પણ છે. આ માટે તમારે તણાવ મુક્ત થઈને પ્રસન્ન થઈને પાંચ તત્વોથી મિશ્રિત દૂધને મંદિરમાં દાન કરો.
સિંહ- તમારો સ્વામી સૂર્ય છે. શુક્રની રાશિમાં છે. શુક્રવારે પૂર્ણિમાંનો યોગ બને છે. આ યોગ પર સરળતા અને ધન પ્રાપ્તિ માટે મંદિરમાં ગોળનું દાન કરવું.
કન્યા- આ પવિત્ર પર્વ પર તમે રાશિ અનુસાર 10 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને ભોજન કરાવો તેમાં ખીર ખવડાવવી જરુરી છે.
તુલા- તમારી રાશિ પર શુક્રનો વિશેષ પ્રભાવ છે. શુક્રવાર સાથે પૂર્ણિમાંનો આ યોગ કરવાથી ધન, વૈભવ મળે છે. ધર્મ સ્થાનો પર દૂધ, ભાત અને ઘીનું દાન કરવું.
વૃશ્ચિક- સુખ - શાંતિ અને સંપન્નતા માટે તમે મંગળ દેવ સંબંધિત વસ્તુઓનું દાન કરો. કન્યાઓને દૂધ અને ચાંદીનું દાન કરવું.
ધન- આજે આ પર્વ પર ગુરુ અને ચંદ્રનો યોગ બને છે અને ધન રાશિ પર ગુરુનો પૂર્ણ પ્રભાવ રહે છે. આ માટે આજે કરેલા દાનથી તમને પૂરું ફળ મળશે.
મકર- પૂર્ણિમાં પર્વ પર તમારી રાશિનો સ્વામી શનિ છે. ચંદ્નની દ્રષ્ટિનો સંબંધ રહેશે. તેના અશુભ પ્રભાવથી બચવા માટે વહેતા પાણીમાં ભાત વહેવડાવવા.
કુંભ- આ રાશિના જાતકો માટે રાશિનો સ્વામી શનિ છે. તેના માટે આ પર્વ શનિનો ઉપાય કરવાથી વિશેષ લાભ મળે છે. આજે અંધ વ્યક્તિઓને ભોજન કરાવવું.
મીન- આજના પુણ્ય પર્વ પર તમારી રાશિમાં પૂર્ણ ચંદ્રોદય થશે એ માટે તમે સુખ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવવું.


જાડા પપ્પાઓ હવે તો કરો કસરત!

મેદસ્વી પિતાઓ માટે હવે વજન ઘટાડવા માટેનુ વધુ એક કારણ મળી ગયુ છે. મેદસ્વી પુરુષોના વધુ ચરબીવાળા ખોરાકને કારણે તેમના શુક્રાણુઓમાં બદલાવ આવે છે. આ બદલાવને કારણે તેમના વંશજ એટલે બાળકોને ડાયબીટિઝ થવાની શક્યતાઓ વધી જાય છે.માતા-પિતાને પણ તમારો સમય ફાળવો. બાળકને પ્રેમથી શીખવાડો. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના એક આંતરરાષ્ટ્રિય જૂથે ગર્ભાધારણ સમયે પિતાના ખોરાક-વજન અને પેદા થનાર બાળકમાં ડાયબીટિઝની વધતી શક્યતા વચ્ચે કડી શોધી કાઢી છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસના તારણો કોઈ પણ પ્રજાતિમાં પહેલી વાર દર્શાવે છે પિતાનો વધુ ચરબી વાળો ખોરાક આવનારી પેઢીમાં ચયાપચયની ક્રિયાને લગતા રોગોમાં વધારો કરે છે. જૂથના વડા પ્રો. માર્ગેટ મોરિસે કહ્યુ હતું કે, "પણ હજી સુધી પિતાની ખાવાની આદતોની અસર તેના આવનારા બાળક પર કેવી હશે તે વિશે કોઈ સંશોધન નથી થયુ." અભ્યાસ દર્શાવે છે કે પિતાનો શારીરિક વજન અને ખોરાકની આદતો આવનારી પેઢીમાં બિમારી પેદા કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આ અભ્યાસ નર અને માદા ઉંદરો પર કરવામાં આવ્યો હતો.


હવે ટીવીમાં દ્રશ્યની સાથે સુગંધ પણ રેલાશે!

જાપાની વિજ્ઞાની ઓસ્મેલ-ઓ-વિઝન ટીવી વિકસાવી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે આ ટીવી સેટના સ્ક્રીન પર દેખાતાં દ્રષ્યોને અનુરૂપ ખુશ્બૂ પણ રેલાવશે. મેદાની દ્રષ્યો વખતે કેન્ડી ફ્લોસ ખુશ્બૂ રેલાશે. ટેલિગ્રાફે આપેલા અહેવાલ મુજબ તે હેતુસર એ મુજબની પ્રિન્ટર ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે કે જે શાહી નહીં પરંતુ સુગંધ પ્રસરાવશે. સુંગધ ફેલાવવા ઈન્ક-જેટ-પ્રિન્ટરનો ઉપયોગસંશોધકોએ જણાવ્યું હતું કે સુગંધ ઓકતું ટીવી વિકસાવવા ઇન્ક-જેટ- પ્રિન્ટર જેવી જ ક્ષમતાનો જ ઉપયોગ થયો છે. સંશોધકોએ ચાર મુખ્ય સુગંધ દ્રવ્યો ભરેલા કેનોન પ્રિન્ટરને આ હેતુ કામે લગાડ્યા હતા. આટલું કર્યા બાદ સંશોધકોને મિન્ટ, દ્રાક્ષ, લવંડર, સફરજન કે વેનિલા જેવી ખુશ્બૂ મેળવવામાં સફળતા મળી હતી.૧૯૬૦ના દાયકામાં અમેરિકામાં પણ આવી જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખુરશી નીચે છુપાવેલા ઉપકરણની મદદથી પ્રેક્ષકોને સુગંધિત વાતાવરણનો અહેસાસ કરાવવા પ્રયાસ થયો હતો. તે પહેલાં વળી સુગંધિત દ્રવ્યથી ભીંજાયેલા કાપડ પર જોરથી ચાલતો પંખો મૂકીને પ્રેક્ષકોને ખુશ્બૂનો અહેસાસ કરાવવા પ્રયાસ થયો હતો.

No comments:

Post a Comment