18 October 2010

સૌરાષ્ટ્રમાં દશેરાની ભાવભેર ઉજવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સૌરાષ્ટ્રમાં દશેરાની ભાવભેર ઉજવણી

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ વિજયાદશમી એટલે કે દશેરાની સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ઉમંગભેર ઉજવણી થઇ હતી. ગામે ગામ રાવણદહન થયું હતું. ક્ષત્રિયોએ શસ્ત્રપૂજન કરીને આ પર્વને ઉજવ્યું હતું.નવલાં નોરતા પૂરા થયા બાદ આજે સમગ્ર સૌરાષ્ટ્રએ દશેરાની ભવ્યાતીભવ્ય ઉજવણી કરી હતી. મર્યાદા પુરુષોતમ પ્રભુ રામે રાવણનો વધ કર્યો અને પૃથ્વીને આસુરી શક્તિના દમનમાંથી મુક્ત કરી એ પ્રસંગની યાદમાં ઉજવાતા આ તહેવારની લોકોએ પરંપરાગત ઉજવણી કરી હતી. ઘરે ઘરે લાપસી-મીઠાઇના ભોજન બન્યા હતા. દેવાલયોમાં ભાવિકો ઊમટી પડ્યા હતા. લોકોએ એકમેકની દશેરાની શુભકામનાઓ પાઠવી હતી. મોબાઇલ યુગમાં દશેરા નિમિત્તે પણ વિવિધ પ્રકારના એસ.એમ.એસ. દ્વારા લોકોએ મિત્રો, શુભેચ્છકોને શુભકામનાઓ પાઠવી હતી.


રાજકોટમાં છરીના ૨૦ ઘા ઝીંકી યુવાનની હત્યા

મવડી વિસ્તારના માયાણીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિવાદાસ્પદ સંધી મહિલા રોશન સાથે રહેતા હડમતિયાના રાજભા ઉર્ફે રાજેન્દ્રરસિંહ લાખુભા જાડેજા નામના યુવાનની છરીના ૨૦ ઘા ઝીંકીને હત્યા કરીને માધાપર ચોકડી નજીક ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. રાજભાના ત્રાસમાંથી છુટકારો મેળવવા રોશને બે ભાડૂતીમારાને રોકીને કાસળ કઢાવી નાખ્યાની વિગત બહાર આવતા પોલીસે બે મહિલા સહિત કુલ પાંચ શખ્સોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે.માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતા કુંવરજીભાઇ સાંગાણીએ આજે વહેલી સવારે પોલીસને ફોન કરીને માધાપરથી મોરબીના રસ્તે વોકળા કાંઠે યુવાનની લાશ પડી હોવાની જાણ કરી હતી. ગાંધીગ્રામના પીઆઇ એ.ડી. શ્રીવાસ્તવ, ક્રાઇમ બ્રાંચના એસીપી જનકાંત, પીઆઇ દિગૂભા વાઘેલા, મદદનીશ વિજયસિંહ ઝાલા, કિશોર ઘુઘલ, નિર્મળસિંહ જાડેજા,મૂળરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એ લાશ મૂળ છ વર્ષથી માયાણીનગરના ક્વાર્ટરમાં રહેતી વિવાદાસ્પદ મહિલા રોશન હુશેન સંધી સાથે રહેતો હોવાનું ખૂલ્યુ હતું.


રાજકોટમાં ફાફડા દુર્લભ બન્યા

રાજકોટના સ્વાદપ્રેમી-ગાંઠિયાપ્રેમીઓ માટે આજની સવારે જાણે શહેરચર્યા બની રહી હતી. ફાફડા, ગાંઠિયાના શોખીનો નિત્યક્રમ મુજબ જ્યારે ફાફડા લેવા નીકળ્યા ત્યારે મોટાભાગની દુકાનો પર તેમને નિરાશા સાંપડી હતી. આજે વધારે ધસારો હોવાથી વેપારીઓએ ફાફડાને બદલે પાપડી જ વધારે વેચી હતી. રાજકોટમાં આજે વેચાયેલા ફરસાણ, મીઠાઇનો આંક કદાચ ૧ લાખ કિલોથી વટી ગયો હશે.રવિવારે સવારે ફાફડા, ગાંઠિયા રાજકોટનો સદાબહાર બ્રેકફાસ્ટ છે અને એમાંય આજે દશેરાનું પર્વ હતું. એટલે વિશેષ પ્રમાણમાં લોકો ફાફડા લેવાની નીકળી પડ્યા હતા. પરંતુ ફાફડા ગાંઠિયા માટે જે ફરસાણ માર્ટ પ્રખ્યાત છે ત્યાં પહોંચેલ ગ્રાહકોને ધક્કો થયો હતો. આ બધી દુકાનોમાં ફાફડા ગાંિઠયાને બદલે ગાંઠિયાના કૂળની પાપડી જ મળતી હતી. વેપારીઓએ કહ્યું હતું કે ગ્રાહકોના ધસારો એટલો બધો હોય કે ફાફડામાં પહોંચી ન શકાય. પાપડી ગાંઠિયા પાડવાના મશીન-સંચા કે જારા હોય છે તેથી તે બનાવવી સહેલી પડે.


રાજકોટ તાલુકાના સરધારમા દવા છાંટતી વેળાએ વધુ એક યુવતી મોતને ભેટી

રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી ભુરી દલસુખભાઇ ઝમારા નામની યુવતી ગત તા.૧પના રોજ વલ્લભભાઇની વાડીમા કપાસના પાક પર દવાનો છંટકાવ કરી રહી હતી. દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા બેભાન હાલતમા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ ત્રણ દિવસની સારવાર કારગત ન નિવડતા આજે મોડી રાત્રે ચાલુ સારવારમા દમ તોડયો હતો. પુત્રીના મોતથી ઝમારા પરિવારમા શોકનું મોજુ ફરિ વળ્યું છે.


જામનગરમાં ૩૦ ફૂટના રાવણનું દહન

જામનગરમાં આજરોજ વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી મા આધ્યશકિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે પ્રદર્શન મેદાન પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાદહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.રાવણ દહનના કાર્યક્રમ પૂર્વે શહેરના નાનકપુરીથી બપોરે બે કલાકે ભવ્ય રામસવારી નીકળી હતી. જે આર્યસમાજ રોડ, ખંભાળિયા ગેઇટ, હવાઇચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, રતનબાઇ મસ્જીદ, સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ, ત્રણબતી, લીમડાલાઇન થઇ પ્રદર્શન મેદાને પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, માતા સીતા, હનુમાનજી, રાવણ, કુંભકર્ણ, મેઘનાદ, સુર્પણખા સહીત અનેકવિધ વેશભૂષા ધારણ કરેલા પાત્રોએ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું. પ્રદર્શન મેદાન પર રામસવારી પહોંચ્યા બાદ ભગવાન રામ અને રાવણ વચ્ચે યુધ્ધ ખેલાયુ હતું.ત્યારબાદ આતશબાજી અને ૩૦ ફુટના રાવણ અને ૨૫-૨૫ ફુટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાણવ દહનના કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા સિંધી સમાજના આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સિંઘી સમાજની ૧૪ પંચાયતો, વેપારી મંડળો, સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. રાવણદહન નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતાં. જામનગર, કાલાવડ અને ખંભાળિયામાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરાયુ હતું.


જામજોધપુરમાં ૧૦,૦૦૦ છાત્ર-શિક્ષકોએ ૯૩ કૃતિ નિહાળી

જામજોધપુરમાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ થયેલી ૯૩ કૃતિ ૧૦,૦૦૦ છાત્રો અને શિક્ષકોએ નિહાળી હતી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૧૫ કૃતિની રાજ્યકક્ષા માટે પસંદગી થઇ છે.જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન જામજોધપુરમાં સ્વામીનારાયણ શૈક્ષણિક સંકુલમાં યોજાયુ હતું. પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં જિલ્લામાંથી ૫૦, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૪૩ કૃતિઓ રજુ થઇ હતી. જામજોધપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પ્રદર્શન નહિાળ્યુ હતું.


મહેસાણામાં દશેરાએ ઘોડા નહીં, બાઇક-કાર દોડ્યાં

નવરાત્રિની નવ દિવસની શક્તિ આરાધના બાદ દસમા દિવસે મનાવાતા વિજયોત્સવની મહેસાણામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. શહેરવાસીઓએ ફાફડા, ચોળાફળી, જલેબી સહિતની જયાફત સાથે વાહન ખરીદીમાં પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. વિજયાદશમીને રવિવાર હોવા છતા આ દિવસે શહેરના ઓટોમોબાઇલ શો રૂમ ધમધમતા રહ્યા હતા. જ્યાંથી વાહન ચાલકો નવા વાહનો સાથે ખુશખુશાલ મુદ્દામાં બહરા આવતા જોવા મળતા હતા. આ શુભ દિવસે શહેર સ્થિત શોરૂમમાંથી અંદાજે ૨૦૦થી વધુ કાર તથા ૩૦૦થી વધુ મોટર સાયકલનું વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્ટારલાઇનના મેનેજર હેતલ શાહ જણાવે છે કે, ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે વાહન વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. અલ્ટો, વેગન આર, એસ્ટીલો સહિત વિવિધ મોડલની ૭૫થી વધુ કારનું વેચાણ થયું છે. જ્યારે ગુડલક હ્યુંડાઇના એચ.પી.મહેતાએ જણાવ્યું હતું કે, આઇ ટેન, આઇ ટ્વેન્ટી, સેન્ટ્રો સહિત ૭૦ જેટલી કારનું વેચાણ થયું છે. એસ.પી ફોર્ડના વિક્કી પીરવાનીએ જણાવ્યું હતું કે, અમારી ફગિો કારને ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અંદાજે ૨૦ જેટલી કારનું વેચાણ થયું હતું. જ્યારે ટુ વ્હીલરમાં હાઇટેક હોન્ડાના બળદેવભાઇ પટેલ જણાવે છે કે, એક્ટિવાનું અંદાજે બે હજાર જેટલું વેઇટિંગ લીસ્ટ ચાલી રહ્યું છે. પરંતુ સ્ટોકના અભાવે પુરતી ડિલીવરી કરી શકાઇ નથી. જોકે મોટર સાયકલમાં સ્ટનર સહિતના મોડલના વેચાણમાં સારો પ્રતિસાદ રહ્યો હતો. ઉમિયા શોરૂમના સંજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્પ્લેન્ડર તથા પ્રો સહિતના મોડલના અંદાજે ૧૭૦થી વધુ મોટર સાયકલનું વેચાણ થયું હતું.


આજથી હાઈકોર્ટમાં કસાબની સુનાવણી

૬/૧૧ કેસમાં આતંકવાદી અજમલ કસાબની સુનાવણી સોમવારથી હાઈકોર્ટમાં રોજના ધોરણે હાથ ધરાશે. હાલ કસાબને આર્થર રોડ જેલમાં જડબેસલાક સુરક્ષા વચ્ચે રખાયો છે. તેની સુનાવણી વિડિયો કોન્ફરિન્સંગ મારફત કરાશે.સુરા ખાતર તેને આર્થર રોડ જેલમાંથી બહાર નહીં કાઢવાનો અને સુનાવણી વિડિયો કોન્ફરિન્સંગથી કરવાનો નિર્ણય લેવાયો હતો. આથી જેલ તથા કોર્ટમાં તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.કોર્ટ નંબર ૪૯માં આ સુનાવણી હાથ ધરાવાની છે. જસ્ટિસ રંજના દેસાઈ અને જસ્ટિસ આર. વી. મોરેની કોર્ટમાં તે સુનાવણી હાથ ધરાશે. આ કોર્ટમાં વકીલ, અરજકર્તા, મિડિયા અને કોર્ટના કર્મચારીઓને સેલ ફોન લઈ જવા પર બંધી લાદવામાં આવી છે. આ મુજબનો આદેશ રજિસ્ટર જનરલ એમ. એન. ગિલાનીએ બહાર પાડ્યો છે.


ખંભાત : ગરબા જોવા આવેલા ચાર ઇસમોનો હુમલો

ખંભાત તાલુકાના દહેડા ગામે ગરબા મહોત્સવ દરમિયાન થયેલા ઝઘડામાં ચાર ભરવાડ ઇસમોએ ગરબાના વહીવટ કરતા યુવકને માર માર્યો હોવાની ઘટના બની છે.પોલીસના જણાવ્યાં મુજબ દહેડા ગામે રાત્રિના સમયે ગરબા ચાલતાં હોઇ ગામના લોકો જોવા આવ્યાં હતાં.દરમિયાન ગરબા ગાનારાઓની સંખ્યાં વધતાં જગ્યા સાંકડી પડી હતી. આથી ગરબાના આયોજકોની સૂચના મુજબ કેટલાક યુવકો ગરબાની એકદમ નજીક ઉભેલાઓને આઘા ખસેડતા હતાં.જેમાં દિનેશભાઇ નામના યુવકે ગરબાની એકદમ નજીક ઉભેલા નાનજીભાઇ કાળુભાઇ ભરવાડ અને તેમના મિત્રોને થોડા આઘા ખસવા માટે જણાવતાં નાનજીભાઇએ ઝઘડો કર્યો કરી ગાળો બોલી દિનેશભાઇને માથામાં લોખંડની ખોરીવાળી લાકડી મારી હતી.આ ઉપરાંત ચેતનભાઇ ભરવાડ, મુકેશભાઇ ભરવાડ અને વિક્રમભાઇ ભરવાડે પણ લાકડીઓથી હુમલો કરી દિનેશભાઇ તથા નરેશભાઇને માર માર્યો હતો.સાથે સાથે મુકેશભાઇ અને ચેતનભાઇએ છુટા પથ્થરો મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે નરેશભાઇએ ફરિયાદ નોંધાવી છે.


આણંદ-ખેડામાં વિકાસના નામે વાતોના વડા

ચરોતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કાર્ય છેલ્લાં તબક્કામાં છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં શેરીઓ અને ગલીઓમાં ઉમેદવારો ઘરે-ઘરે જઈ મત માગી રહ્યાં છે. જોકે, નવાઈની વાત તો એ છે કે પૂરતું હોમવર્ક કર્યા વગર જ નીકળી પડેલાં ઉમેદવારો પોપટીયા જ્ઞાનની જેમ માત્ર વિકાસની વાતોના વડા કરે છે. અનેક ઉમેદવારો તો સ્થાનિક બોડીની મુળભૂત ફરજોથી જ અજાણ જોવા મળી રહ્યાં છે.આણંદ-ખેડામાં છેલ્લાં પાંચ વર્ષમાં નોંધપાત્ર કામ થયું નથી. સ્થાનિક રાજકારણમાં ટાંટીયા ખેંચ સતત જોવા મળી છે. નવી કોઈ પણ યોજનાનો પ્રારંભ થયો નથી. ફુડ ઈન્ડસ્ટ્રીઝ, નેશનલ થર્મલ પાવર, ખંભાત બંદર, કેમિકલ ઝોન વગેરે બાબતે અનેક વખત બંગણા ફૂકાઈ ગયા છે. દેશભરમાં ‘વિઝન-૨૦૨૦’ની વાતો થાય છે, પરંતુ સ્થાનિક રાજકારણમાં વિઝનનો અભાવ જોવા મળી રહ્યો છે.


આણંદમાં વિજયોત્સવની ઉજવણી

દશેરા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આણંદ, પેટલાદ, અને ખંભાત સહિત ઠેર-ઠેર રાવણ દહન કરાયું હતું. દશેરા શુભકાર્ય માટે શ્રેષ્ઠ મુર્હુત હોવાથી ગૃહપ્રવેશ ભૂમિપૂજન, નવા કાર્ય શુભારંભ તેમજ વાહનોની મોટાપાયે ખરીદી કરવામાં આવી હતી અને ફાફડા-જલેબીની લોકોએ લિજ્જત માણી હતી.આણંદમાં અરોરા પંજાબી સમાજ દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, હનુમાનજી, સીતા સીહત દેવીદેવતાના વેશ ધારણ કરીને શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. એમાંય પંજાબથી ખાસ આવેલ કલાકારોએ કરેલ ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા.


ગત પંચાયત ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ

જિલ્લામાં વર્ષ ૨૦૦૫માં યોજાયેલી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ મોદી કાર્ડ ચાલ્યું હતું અને ભાજપનો વિજય થયો હતો. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ભાજપને કોંગ્રેસ કરતાં બમણી બેઠકો મળી હતી. જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં નોંધાયેલા ૧૦,૩૭,૫૦૦ મતદારો પૈકી ૬,૭૩,૦૧૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં કુલ ૬૪.૮૭ ટકા મતદાન નોંધાયું હતું. જેમાંથી ૩,૪૩,૮૯૦ મત સાથે ૫૩.૬૯ ટકા જનમત ભાજપને મળ્યો હતો. જ્યારે ૨,૯૧,૪૬૮ મત સાથે કોંગ્રેસને ૪૫.૫૦ ટકા જનમત મળ્યો હતો. જિલ્લા પંચાયતની ૩૭ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો જ્યારે કોંગ્રેસને માત્ર ૧૨ બેઠકો મળી હતી. જિલ્લાની નવ તાલુકા પંચાયતોની ૧૮૧ બેઠકો પૈકી ભાજપના કમળમાં ૧૧૧ બેઠકો તથા કોંગ્રેસના હાથમાં માત્ર ૬૭ બેઠકો આવી હતી જ્યારે અપક્ષને ૩ બેઠકો મળી હતી. નવ તાલુકા પંચાયતમાં મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર, કડી, વિજાપુર તથા વિસનગરમાં ભાજપનો દબદબો રહ્યો હતો જ્યારે બહુચરાજી અને સતલાસણામાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. જેમાં મહેસાણા તાલુકાની ૩૩ બેઠકો પૈકી ભાજપને ૧૯, કોંગ્રેસને ૧૪ બેઠક મળી હતી. ઊંઝા તાલુકામાં ૧૭ બેઠકો પૈકી ભાજપને ૧૩ તથા કોંગ્રેસને ૪ બેઠક મળી હતી. ખેરાલુ તાલુકાની ૧૫ બેઠકો પૈકી બાજપને ૧૦, કોંગ્રેસને ૪ તથા અપક્ષને ૧ બેઠક મળી હતી. વડનગર તાલુકાની ૧૫ બેઠકો પૈકી ભાજપને ૯ તથા કોંગ્રેસને ૬ બેઠક મળી હતી. કડી તાલુકાની ૨૫ બેઠકો પૈકી ભાજપને ૧૩ તથા કોંગ્રેસને ૧૨ બેઠક મળી હતી. બહુચરાજી તાલુકાની ૧૫ પૈકી ભાજપને ૭ તથા કોંગ્રેસને ૮ બેઠક મળી હતી.


વિસનગર : ચૂંટણી પ્રચારમાં નીકળેલા વિસનગર ધારાસભ્યને મહિલાઓનો ઘેરો

વિસનગર નગરપાલિકાની ચૂંટણી અર્થે વોર્ડ નં. ૯માં પ્રચાર અર્થે ગયેલ જિલ્લા ભાજપ પ્રમુખ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલને કંસારાપોળમાં પાણી મુદ્દે કેટલીક મહિલાઓએ રજૂઆત કરી હતી અને પાણી નહી આવે તો મત નહી આપવાની ચિમકી આપી હતી. અલબત્ત ધારાસભ્યએ હૈયાધારણા આપતો મામલો થાળે પડ્યો હતો.રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચાર ઝુંબેશ જોરશોરથી ચાલી રહ્યો છે. અલબત્ત આ પ્રચાર દરમ્યાન ઠેર ઠેર નેતાઓને નાગરિકોના રોષનો ભોગ બનવાના બનાવો બહાર આવવા પામ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાયાના પ્રશ્નોના મહત્વના હોય પ્રજાને રજૂઆત કરવાની પણ તક મળતી હોય છે. આવો જ એક બનાવ વિસનગરના ધારાસભ્ય સાથે બનવા પામ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશભાઇ પટેલ શનિવારે રાત્રે પાલિકાના વોર્ડ નં. ૯માં પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં કંસારાપોળમાં પાણી ન આવતું હોવાની મહિલાઓએ રાવ વ્યક્ત કરી હતી અને આ મુદ્દે કેટલીક મહિલાઓએ તો ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ પાણીનો પ્રશ્ન નહી હલ થાય તો મત નહી આપવાની ચિમકી આપી હતી. અલબત્ત ધારાસભ્યએ આ પ્રશ્ન હલ કરવાની હૈયાધારણા આપતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.


બ્રિટનમાં કંઇક આવી રીતે બચી માસૂમની જિંદગી!

બ્રિટનમાં ડોક્ટરોએ એક માસની બાળકીના હ્રદયનું ઓપરેશન કરવા માટે તેના ધબકારાને 23 મિનિટ સુધી બંધ રાખ્યા. આ દરમિયાન તેના શરીરને પણ બરફથી ઠંડુ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોહીનું પરિવહન બંધ થઈ ગયુ હતું. આ જટિલ ઓપરેશનથી બાળકીને નવી જિંદગી મળી ગઈ છે. અત્યારે તે બાળકી 6 મહિનાની થઈ ગઈ છે અને એકદમ સ્વસ્થ છે.
સમા જોહિર નામની આ બાળકીની નસો જન્મથી જ ખોટી રીતે જોડાયેલી હતી. જે નસોના કારણે ઓક્સિજન યુક્ત લોહી ફેફસામાંથી હ્રદયમાં ડાબી બાજુ આવવું જોઇએ, તે જમણી બાજુ આવતુ હતું. આના કારણે સમાની જિંદગી જોખમમાં મૂકાઈ શકે તેવું હતું. લંડનની ગ્રેટ ઓ-મોર્ડ સ્ટ્રીટ હોસ્પટલના ડોક્ટરોએ આ સફળ ઓપરેશન કર્યું છે.


બેકારીનો ઇલાજ ભથ્થાં નહીં, કામ છે

આપણામાં કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. જે કામ કરે છે તે ઈશ્વરની ભક્તિ બરાબર છે (વર્ક ઈઝ વિર્શપ) છેલ્લે ભગવાન કૌટિલ્યનું સૂત્ર મારા આ લેખને અનુરૂપ છે તે ટાંકુ છું-કોઈ પણ વેતન હોય તે તમે કામ કર્યું હોય તેને માટે છે. કામ ન કરે તેને વળી વેતન કેવું? મહર્ષિ અરવિંદે પણ કહેલું કે કુદરત પણ કદી કાર્ય વગરના માણસને સ્વીકારી શકતી નથી.અમારે ૧૯૪૯માં અર્થશાસ્ત્રમાં પ્રોફેસર બનેહામનું પુસ્તક વાંચવાનું રહેતું. તેના પુસ્તકના પ્રથમ પાનાનું પ્રથમ વાક્ય હતું ‘ધ વર્લ્ડ ઇઝ એટ વર્ક.’ કાઠિયાવાડી ભાષામાં ગામડામાં કામ વગરના નવરા બેસનારને નખ્ખોદિયો કહેવાતો. આજે અમેરિકા સમૃદ્ધ દેશ છે પણ ત્યાં પોણા બે કરોડ નખ્ખોદિયા છે અને તે કૌટિલ્યના સૂત્રની વિરુદ્ધ જઈ કામ નથી કરતા તોય અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ લે છે. બેરોજગારીનું હરામનું ભથ્થું ખાનારો અમેરિકા એક નખ્ખોદિયો દેશ છે. એવું જ યુરોપ-ઇંગ્લેંડમાં છે.કૉમનવેલ્થના લક્ઝૂરિયસ ફ્લેટ

જો તમે કૉમનવેલ્થ વિલેજમાં ફ્લેટ ખરીદવા માંગો છો તો તમારી આ ઇચ્છા ટૂંક સમયમાં પુરી થશે. ખાસ્સી ચર્ચામાં રહેલા કૉમનવેલ્થ રમતોત્સવના ફ્લેટ આવતા વર્ષની શરૂઆતમાં જ વેચવામાં આવશે.સોમવારે એટલે કે આજે દિલ્હી વિકાસ પ્રાધિકરણ (ડીડીએ)ને આ ફ્લેટ સોંપી દેવામાં આવશે. આ લક્ઝૂરિયસ ફ્લેટ ડીડીએ એ પ્રાઇવેટ બિલ્ડર એમજીએફની મદદ દ્વારા બનાવડાવ્યા હતા.આયોજન સમિતિ ઑપચારિક રૂપથી 1100 કરતા પણ વધારે ફ્લેટ ડીડીએને સૌંપશે. આમાંથી 700 ફ્લેટ પૂરી રીતે ડીડીએના માલીકીમાં છે કારણ કે તેના માટે તેઓએ જ ફાઇનાન્સની સુવિધા આપી હતી.આ ફ્લેટ ખાસ્સી ચર્ચામાં રહ્યા હતા કેમકે કેટલાકમાં કામ અધુરુ હતુ તો કેટલાક પૂરી રીતે બન્યા પણ નહોતા.


માત્ર પાંચ આકૃતિથી બને છે આખો કક્કો

બાળક શિક્ષણની શરૂઆત કક્કો બારખડી શીખવાથી કરે છે. પણ માસૂમ બાળક માટે તો પહેલાં ‘ક’ લખવો એ હિમાલય ચઢ્યા સમાન કઠીન હોય છે. શિક્ષણની પરંપરાગત પધ્ધતિ મુજબનું અક્ષર લેખન બાળક માટે અઘરું અને કાંઇક અંશે ત્રાસદાયક થાય છે.ત્યારે બાળક અતી સરળતાથી, હસતાં હસતાં અને રમતાં રમતાં કક્કો બારખડી શીખી શકે, લખી શકે અને એના અક્ષર સુંદર અને મરોડદાર બને એવી માત્ર પાંચ આકૃતિઓ ઉપરથી અક્ષર લેખનની એક સરળ અને ક્રાંતિકારી શોધ રાજકોટના શિશુ માંગલ્ય ટ્રસ્ટના મંત્રી અને આજીવન શિક્ષક અમુલખભાઇ ભટ્ટે કરી છે. એમના દ્વારા રચિત ‘અક્ષર ગંગોતરી’ મહાવરાપોથીનું આજે વિરાણી હાઇસ્કૂલ ખાતે બાળ સાહિત્યકારો અને શિક્ષણ વિદોની ઉપસ્થિતિમાં વિમોચન થયું હતું.અમુલખભાઇ કહે છે કે ગણિતમાં તો શૂન્યની શોધ મહત્વની છે જ. સાથે જ અક્ષર લેખનમાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે આપણી લિપિમાં વળાંક અગત્યનો ભાગ ભજવે છે એ જ રીતે આડી-ઉભી લીટી, સાતડો અને એકડો એ પાંચ આકૃતિમાંથી જ આખો કક્કો-બારખડી બન્યા છે.


પંચાયત અને પાલિકાના પ્રચાર પડઘમ બંધ

સૌરાષ્ટ્રભરમાં આગામી તા. ૨૧ના રોજ યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ સોમવાર સાંજ થી શમી જશે. જેના પગલે મતદારો સુધી પહોંચવા રાજકીય આગેવાનો અને ઉમેદવારોની ગ્રૂપ મિટિંગનો દોર શરૂ થશે.જો કે, ગ્રામ્ય પંથકમાં ખેતીની મોસમ હોય મતદારોને મળવા સાંજ સુધી ઉમેદવારોને રાહ જોવી પડતી હોવાનું પણ જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવાર પણ સ્થાનિક હોવાને કારણે મતદાનની ટકાવારી તાજેતરમાં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીની પ્રમાણમાં ઊંચી જશે.સૌરાષ્ટ્રભરમાં ૨૧ તારીખના રોજ યોજાનારી જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રાજકીય આગેવાનો એડી ચોટીના જોર લગાવી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત ૧૪ તાલુકા પંચાયત અને ગોંડલ, મોરબી અને વાંકાનેર નગરપાલિકા તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત ૧૪ તાલુકા પંચાયત અને ઊના, કેશોદ અને વેરાવળ નગરપાલિકા આ ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયત ૩ તાલુકા પંચાયત અને પોરબંદર નગરપાલિકા તથા અમરેલી જિલ્લા પંચાયત ૧૧ તાલુકા પંચાયત અને સાવરકુંડલા, બગસરા અને અમરેલી પાલિકા સાથોસાથ જામનગર જિલ્લા પંચાયત ૧૦ તાલુકા પંચાયત ખંભાળિયા પાલિકા અને સલાયા પાલિકાની પેટા ચૂંટણી યોજાશે.

No comments:

Post a Comment