18 October 2010

સૌરાષ્ટ્રમાં દશેરાની ભાવભેર ઉજવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રમાં દશેરાની ભાવભેર ઉજવણી

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ વિજયાદશમી એટલે કે દશેરાની સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ઉમંગભેર ઉજવણી થઇ હતી. ગામે ગામ રાવણદહન થયું હતું. ક્ષત્રિયોએ શસ્ત્રપૂજન કરીને આ પર્વને ઉજવ્યું હતું.નવલાં નોરતા પૂરા થયા બાદ આજે સમગ્ર સૌરાષ્ટ્રએ દશેરાની ભવ્યાતીભવ્ય ઉજવણી કરી હતી. મર્યાદા પુરુષોતમ પ્રભુ રામે રાવણનો વધ કર્યો અને પૃથ્વીને આસુરી શક્તિના દમનમાંથી મુક્ત કરી એ પ્રસંગની યાદમાં ઉજવાતા આ તહેવારની લોકોએ પરંપરાગત ઉજવણી કરી હતી. ઘરે ઘરે લાપસી-મીઠાઇના ભોજન બન્યા હતા. દેવાલયોમાં ભાવિકો ઊમટી પડ્યા હતા. લોકોએ એકમેકની દશેરાની શુભકામનાઓ પાઠવી હતી. મોબાઇલ યુગમાં દશેરા નિમિત્તે પણ વિવિધ પ્રકારના એસ.એમ.એસ. દ્વારા લોકોએ મિત્રો, શુભેચ્છકોને શુભકામનાઓ પાઠવી હતી.


રાજકોટમાં છરીના ૨૦ ઘા ઝીંકી યુવાનની હત્યા

મવડી વિસ્તારના માયાણીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિવાદાસ્પદ સંધી મહિલા રોશન સાથે રહેતા હડમતિયાના રાજભા ઉર્ફે રાજેન્દ્રરસિંહ લાખુભા જાડેજા નામના યુવાનની છરીના ૨૦ ઘા ઝીંકીને હત્યા કરીને માધાપર ચોકડી નજીક ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. રાજભાના ત્રાસમાંથી છુટકારો મેળવવા રોશને બે ભાડૂતીમારાને રોકીને કાસળ કઢાવી નાખ્યાની વિગત બહાર આવતા પોલીસે બે મહિલા સહિત કુલ પાંચ શખ્સોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે.માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતા કુંવરજીભાઇ સાંગાણીએ આજે વહેલી સવારે પોલીસને ફોન કરીને માધાપરથી મોરબીના રસ્તે વોકળા કાંઠે યુવાનની લાશ પડી હોવાની જાણ કરી હતી. ગાંધીગ્રામના પીઆઇ એ.ડી. શ્રીવાસ્તવ, ક્રાઇમ બ્રાંચના એસીપી જનકાંત, પીઆઇ દિગૂભા વાઘેલા, મદદનીશ વિજયસિંહ ઝાલા, કિશોર ઘુઘલ, નિર્મળસિંહ જાડેજા,મૂળરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એ લાશ મૂળ છ વર્ષથી માયાણીનગરના ક્વાર્ટરમાં રહેતી વિવાદાસ્પદ મહિલા રોશન હુશેન સંધી સાથે રહેતો હોવાનું ખૂલ્યુ હતું.


રાજકોટમાં ફાફડા દુર્લભ બન્યા

રાજકોટના સ્વાદપ્રેમી-ગાંઠિયાપ્રેમીઓ માટે આજની સવારે જાણે શહેરચર્યા બની રહી હતી. ફાફડા, ગાંઠિયાના શોખીનો નિત્યક્રમ મુજબ જ્યારે ફાફડા લેવા નીકળ્યા ત્યારે મોટાભાગની દુકાનો પર તેમને નિરાશા સાંપડી હતી. આજે વધારે ધસારો હોવાથી વેપારીઓએ ફાફડાને બદલે પાપડી જ વધારે વેચી હતી. રાજકોટમાં આજે વેચાયેલા ફરસાણ, મીઠાઇનો આંક કદાચ ૧ લાખ કિલોથી વટી ગયો હશે.રવિવારે સવારે ફાફડા, ગાંઠિયા રાજકોટનો સદાબહાર બ્રેકફાસ્ટ છે અને એમાંય આજે દશેરાનું પર્વ હતું. એટલે વિશેષ પ્રમાણમાં લોકો ફાફડા લેવાની નીકળી પડ્યા હતા. પરંતુ ફાફડા ગાંઠિયા માટે જે ફરસાણ માર્ટ પ્રખ્યાત છે ત્યાં પહોંચેલ ગ્રાહકોને ધક્કો થયો હતો. આ બધી દુકાનોમાં ફાફડા ગાંિઠયાને બદલે ગાંઠિયાના કૂળની પાપડી જ મળતી હતી. વેપારીઓએ કહ્યું હતું કે ગ્રાહકોના ધસારો એટલો બધો હોય કે ફાફડામાં પહોંચી ન શકાય. પાપડી ગાંઠિયા પાડવાના મશીન-સંચા કે જારા હોય છે તેથી તે બનાવવી સહેલી પડે.


રાજકોટ તાલુકાના સરધારમા દવા છાંટતી વેળાએ વધુ એક યુવતી મોતને ભેટી

રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી ભુરી દલસુખભાઇ ઝમારા નામની યુવતી ગત તા.૧પના રોજ વલ્લભભાઇની વાડીમા કપાસના પાક પર દવાનો છંટકાવ કરી રહી હતી. દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા બેભાન હાલતમા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ ત્રણ દિવસની સારવાર કારગત ન નિવડતા આજે મોડી રાત્રે ચાલુ સારવારમા દમ તોડયો હતો. પુત્રીના મોતથી ઝમારા પરિવારમા શોકનું મોજુ ફરિ વળ્યું છે.


જામનગરમાં ૩૦ ફૂટના રાવણનું દહન

જામનગરમાં આજરોજ વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી મા આધ્યશકિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે પ્રદર્શન મેદાન પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાદહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.રાવણ દહનના કાર્યક્રમ પૂર્વે શહેરના નાનકપુરીથી બપોરે બે કલાકે ભવ્ય રામસવારી નીકળી હતી. જે આર્યસમાજ રોડ, ખંભાળિયા ગેઇટ, હવાઇચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, રતનબાઇ મસ્જીદ, સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ, ત્રણબતી, લીમડાલાઇન થઇ પ્રદર્શન મેદાને પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, માતા સીતા, હનુમાનજી, રાવણ, કુંભકર્ણ, મેઘનાદ, સુર્પણખા સહીત અનેકવિધ વેશભૂષા ધારણ કરેલા પાત્રોએ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું. પ્રદર્શન મેદાન પર રામસવારી પહોંચ્યા બાદ ભગવાન રામ અને રાવણ વચ્ચે યુધ્ધ ખેલાયુ હતું.ત્યારબાદ આતશબાજી અને ૩૦ ફુટના રાવણ અને ૨૫-૨૫ ફુટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાણવ દહનના કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા સિંધી સમાજના આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સિંઘી સમાજની ૧૪ પંચાયતો, વેપારી મંડળો, સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. રાવણદહન નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતાં. જામનગર, કાલાવડ અને ખંભાળિયામાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરાયુ હતું.


જામજોધપુરમાં ૧૦,૦૦૦ છાત્ર-શિક્ષકોએ ૯૩ કૃતિ નિહાળી

જામજોધપુરમાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ થયેલી ૯૩ કૃતિ ૧૦,૦૦૦ છાત્રો અને શિક્ષકોએ નિહાળી હતી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૧૫ કૃતિની રાજ્યકક્ષા માટે પસંદગી થઇ છે.જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન જામજોધપુરમાં સ્વામીનારાયણ શૈક્ષણિક સંકુલમાં યોજાયુ હતું. પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં જિલ્લામાંથી ૫૦, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૪૩ કૃતિઓ રજુ થઇ હતી. જામજોધપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પ્રદર્શન નહિાળ્યુ હતું.

No comments:

Post a Comment