15 December 2009

15 December Fresh news કોપનહેગન સમિટનો ફિયાસ્કો ભારત-ચીનનો વોકઆઉટ

કોપનહેગન સમિટનો ફિયાસ્કો ભારત-ચીનનો વોકઆઉટ


વિકસિત દેશો સાથે ૨૦૧૨ પછીના કમિટમેન્ટ મુદ્દે મતભેદ સર્જાતા ‘બેસિક’ દેશોનો જોરદાર વિરોધ
કલાઈમેટ ચેન્જ અંગે વલણ વધુ આકરું બનાવીને ચીન અને અન્ય બે દેશો સાથે મળીને સોમવારે કોપનહેગન ખાતે ચાલી રહેલી વાટાઘાટોમાંથી ભારત બહાર નીકળી ગયું હતું. તે સાથે જ તમામ ઔપચારિક બેઠક સ્થગિત થઈ ગઈ હતી. વિકસિત દેશો કયોટો પ્રોટોકોલ મુજબ પ્રદૂષણ ઘટાડવાનું તેમનું વચન પાળવામાં નિષ્ફળ ગયા તેનાથી નારાજ થઈને બન્નો દેશોએ આ વલણ અપનાવ્યું છે. કોપનહેગન ખાતે ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પર્યાવરણ મંત્રી જયરામ રમેશ ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ મંત્રીઓ સાથે વોકઆઉટ કરી ગયા હતા અને ડેનમાર્કના પ્રેસિડેન્ટ કોની હેડેગાર્ડને મળીને તેમનો વિરોધ દર્શાવી દીધો હતો.
આ ઘટનાક્રમને પગલે અહીં કલાઈમેટ ચેન્જ અંગે ચાલી રહેલા શિખર સંમેલન(સમિટ)ની તમામ ઔપચારિક બેઠક સ્થગિત થઈ ગઈ હતી. જો કે મોડેથી યુરોપિયન યુનિયને દાવો કર્યો હતો કે વિકાસશીલ દેશો કલાઇમેટ મંત્રણા ચાલુ રાખવા અને ધનિક દેશો સાથેના મતભેદોનો ઉકેલ લાવવા માટે સંમત થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વરચે ૨૦૧૨ પછીના બીજા તબક્કાના કમિટમેન્ટના મુદ્દે મતભેદ સર્જાતાં ભારત સહિતના વિકાસશીલ દેશોએ આ પગલું ભર્યું હતું. હેડેગાર્ડ સાથે ૩૫ મિનિટની બેઠક બાદ અન્ય મંત્રીઓ સાથે જયરામ રમેશે સંકેત આપ્યો હતો કે મુદ્દો ઉકેલાઈ ગયો છે. મતભેદ ઉકેલાઈ ગયા કે કેમ તે અંગે પૂછાતાં તેમણે કહ્યું કે ‘મને એવું લાગે છે...હું બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યો છું.’
અગાઉ જયરામ રમેશે જાહેર કર્યું હતું કે બેસિક દેશો(બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ચીન)એ તમામ દેશો માટે પર્યાવરણ અંગેના એકસમાન નિયમો સાથેનો સર્વગ્રાહી દસ્તાવેજ તૈયાર કર્યો છે અને આ દસ્તાવેજને આફ્રિકાના દેશોના દસ્તાવેજ સાથે જોડી દેવામાં આવ્યો છે. હવે એકસમાન આફ્રિકા-બેસિક ડ્રાફ્ટ રહેશે, જે હાલમાં જાહેર કરાશે નહીં.
ભારત ત્રણ બાબતો પર મક્કમ
જયરામ રમેશે સ્પષ્ટ કરી દીધું કે પ્રદૂષણ ઘટાડવા અંગે કોઈ કાનૂની બાઘ્યતા નહીં, કોઈ ચોક્કસ વર્ષ નક્કી નહીં અને સ્થાનિક ફંડથી પ્રદૂષણ અંગે લેવાયેલાં પગલાંની આંતરરાષ્ટ્રીય સમીક્ષા નહીં- આ ‘તીનમૂર્તિ’માં ભારત કોઈ જ બાંધછોડ નહીં કરે.
ઓસ્ટ્રેલિયાએ ખોટી રીતે પ્રદૂષણ અંગેનો અહેવાલ રજૂ કર્યો
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાએ તેના કૃષિ અને વન્ય ઉધોગોમાંથી પ્રદૂષણમાં થયેલા વધારા અંગે ખોટો અહેવાલ રજૂ કર્યોહોવાનો આક્ષેપ સોમવારે થયો હતો. તેની સરકારે આ રીતે ‘ખોટી રજૂઆત’ કરી તેની કોપનહેગનમાં સંયુકત રાષ્ટ્રની કલાઈમેટ સમિટમાં તમામ સ્તર પર વ્યાપક ટીકા થઈ છે. ઓસ્ટ્રેલિયાની જ ચેનલ એબીસીના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાએ પ્રદૂષણ અંગે ખોટો અહેવાલ રજૂ કર્યો હતો.

હેડલીના સ્લીપર સેલમાં ગુજરાતીઓ
એટીએસએ નામના આધારે ગુપ્તરાહે તપાસ હાથ ધરી : ટૂંક સમયમાં ધરપકડના ભણકારા
આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગીલાની અને તહવ્વર હુસેન રાણાએ અમદાવાદના રોકાણ દરમિયાન ભરતી કરેલા સ્લીપર સેલનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ એફબીઆઇએ એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી)ને તહવ્વર હુસેન રાણા દ્વારા ગુજરાતમાં ભરતી કરાયેલા સ્લીપર સેલના સભ્યોની એક યાદી શનિવારે ગુજરાત પોલીસના એટીએસ (એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ)ને આપી છે. જો કે આ બાબતે એટીએસએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, લશ્કર-એ-તોઇબાના વઝિરિસ્તાન પ્રાંતના કમાન્ડર ઇલિયાસ કાશ્મીરીએ મૂળ પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીને ગુજરાત સહિત ભારતમાં જુદાં જુદાં સ્થળોએ હુમલા કરવા માટે સ્લીપર સેલ બનાવવા સૂચના આપી હતી. આ કામ પૂરું કરવા માટે ડેવિડ હેડલી ૨૦૦૮ના અંતમાં તેના કેનેડિયન સાગરીત તહવ્વર હુસેન રાણા અને તેની પત્ની સાથે ભારત આવ્યો હતો. ૧૮મીથી ૨૦મી નવેમ્બર સુધી તહવ્વર હુસેન રાણા અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી લેમન ટ્રી હોટેલમાં રોકાયો હતો અને ઇમિગ્રેશન ઐજન્સીના નામે વિદેશમાં નોકરી અપાવવાના બહાને ગુજરાતના રમખાણગ્રસ્ત વિસ્તારોમાંથી યુવકોની ભરતી કરી હતી.
એનઆઇએનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે તહવ્વર હુસેન રાણાએ અમદાવાદના દાણીલીમડા, વટવા તથા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાંથી જેહાદી માનસિકતા ધરાવતા યુવકોની પસંદગી કરી હતી અને તેમનાં નામ ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન સ્થિત આકાઓને મોકલી આપ્યાં હતાં. આ બાબતે પૂછતાં ગુજરાત પોલીસનાં સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જે યાદી તેમને એનઆઇએ તરફથી મળી છે તે શખ્સો હાલમાં ગુજરાતમાં છે કે નહીં તે બાબતની તપાસ જારી છે, પરંતુ એક શકયતા એ છે કે આ આતંકવાદીઓને ત્રાસવાદી ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલી દેવાયા હોય.
આ બાબતે ખરાઈ કરવા, તેમના પાસપોર્ટ અને તેના પર લાગેલા વિઝાની ચકાસણી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે જો આ શખ્સો ત્રાસવાદી તાલીમ લઈને પરત આવી ગયા હોય તો તે ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ બહારથી આવનાર હુમલાખોરોને સપોર્ટ આપીને ગમે ત્યારે ત્રાટકી શકે છે.
હેડલી-રાણાની તમામ પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરાશે
ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ખાસ કરીને ગુજરાતમાં હુમલો કરવા માગે છે તે વાત સાચી છે. હેડલી અને રાણાએ પણ તે માટે જ ગુજરાતની મુલાકાત લીધી હોવાની પણ પુષ્ટિ થાય છે.
પરંતુ જયાં સુધી આ બે આતંકવાદીઓની દરેક મૂવમેન્ટ વિશે જાણકારી એકત્ર ન કરી લેવાય ત્યાં સુધી ગુજરાત પોલીસ સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી નહીં કરે. જો કે સાથે આ અધિકારીએ કબૂલ્યું હતું કે એનઆઇએ તરફથી હેડલી-રાણા વિશે જાણકારી મળ્યા બાદ તમામ રાજકીય અને ધાર્મિક નેતાઓની સિકયોરિટી વધુ ચુસ્ત બનાવી દેવાઈ છે.
રાજ્યની પોલીસની ગતિવિધિઓની જાણકારી મેળવવાનું ષડ્યંત્ર હતું
સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદ લશ્કર-એ-તોઇબાને ખબર હતી કે ભારતમાં સુરક્ષાના નીતિ-નિયમોમાં ઘણા ફેરફાર આવશે. તેથી હવે પછીનો હુમલો કરવા માટે આ ફેરફારની જાણકારી મેળવવી આતંકવાદીઓ માટે અત્યંત જરૂરી હતી. આ કામ માટે હેડલી-રાણાની બેલડીએ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં સ્લીપર સેલ બનાવ્યા હતા, જેમનું કામ આ તમામ જાણકારી ઐકત્ર કરીને આતંકવાદીઓ સુધી પહોંચાડવાની હતી. *
ધર્માતર કરનારા દલિતોને અનામતનો લાભ નહિ મળે
ગુજરાતમાં વસતા દલિતો ધર્માતર કરીને મુસ્લિમ અથવા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો તેમને દલિત તરીકે મળતા અનામત સહિતના લાભ બંધ થઈ જશે. ગુજરાત વિધાનસભાના આગામી બે દિવસીય સત્રમાં આ અંગેનો સંકલ્પ રાજ્યના સામાજિક ન્યાય અધિકારિતા પ્રધાન ફકીરભાઈ વાધેલા લાવશે. વિધાનસભામાં આ સંકલ્પની ચર્ચા પછી ગુજરાત સરકાર કેન્દ્રને આ પ્રસ્તાવ મોકલશે. ધર્માતર પછી દલિત મુસ્લિમ અથવા ખ્રિસ્તી બની જતો હોવાથી તેમને આ લાભ મેળવવા હકદાર ન હોવાનો તર્ક સાથે સરકારે આ સંકલ્પ લાવવાનો નિર્ણય કર્યોછે. ગુજરાતમાં વસતીના પ્રમાણમાં ધર્માતરનો દર આશરે ૮થી ૧૦ ટકા હોવાનું મનાય છે.કેન્દ્ર સરકારે ધાર્મિક-ભાષાકીય લઘુમતીઓની સમસ્યા અને પ્રશ્નો નિવારવા માટે જસ્ટિસ રંગનાથન મિશ્રા કમિશનની નિમણૂક કરી હતી. આ કમિશને કરેલી કેટલીક ભલામણોમાં ધર્માતર થયેલાં અનુસૂચિત જાતિ(એસસી) પરિવારોનો અનુસૂચિત જાતિની યાદીમાં સમાવેશ કરી આ પરિવારોને અનામતનો લાભ આપવાની પણ એક ભલામણ કરી છે. હાલમાં ગુજરાત સહિત દેશના કરોડો દલિતો બંધારણના અનુચ્છેદ ૩૪૧ અંતર્ગત અનામત સહિતના અનેક લાભ મેળવી રહ્યાં છે. આ કાયદામાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે.
દેશની આઝાદી પછી દલિત સહિતના દબાયેલા-કચડાયેલા વર્ગના ઉત્થાન માટે લાંબી વિચારણા પછી અનુસૂચિત જાતિને લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. અલબત્ત, આ લાભ આપવા માટે અત્યારે માત્ર સામાજિક પછાતપણાને જ ઘ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક કે અન્ય માપદંડો ઘ્યાનમાં લેવામાં આવતા નથી. જો કે, ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં આવનારા સંકલ્પમાં અ.જાતિના લોકો ધર્માતર પછી આપોઆપ મુસ્લિમ અથવા ખ્રિસ્તિ બની જતાં હોવાથી તેમને પરંપરાગત રીતે દલિતોના અનામત સહિતના લાભ આપવા યોગ્ય ગણાય નહિ તેવી દલીલ કરવામાં આવી છે. સંકલ્પમાં જણાવાયું છે કે, દેશની આઝાદી પછીની પ્રત્યેક સંસદોએ આ માગણીનો અસ્વીકાર કરેલો છે. આથી આટલા મોટા સમાજને અન્યાય ન થાય અને દલિત સિવાયના અન્ય લોકોને અ.જાતિના લાભ ન મળે તે માટે જસ્ટિસ મિશ્રા કમિશનની ભલામણોનો સ્વીકાર ન કરવા ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે તેવો સંકલ્પ કેન્દ્ર સરકારને મોકલશે.
રાજ્યમાં દલિતોની તુલનાએ આદિવાસીઓમાં ધર્માતરણ વધુ
ગુજરાતમાં ધર્માતરણ માટે આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. દૂર અને આંતરિયાળ વિસ્તારોમાં વસતાં અભણ આદિવાસીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અત્યંત પછાત અને લગભગ શહેરી સંસ્કતિથી તદ્દન અજાણ અને અત્યંત ગરીબાઈમાં વસતા પરિવારોને આર્થિક, સામાજિક સહિતનાં પ્રલોભનો આપીને ધર્માતર કરાવાય છે.
ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં આ મુદ્દે લોહીયાળ સંઘર્ષ પણ સર્જાઈ ચૂકયો છે. ગુજરાતના ડાંગ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વટાળ પ્રવૃત્તિ જોરશોરથી ચાલતી રહી છે અને પોલીસકેસ સહિતની કાનૂની લડાઈ પણ ચાલી રહી છે.

No comments:

Post a Comment