15 December 2009

મીડિયાએ કોની કેટલી ચિંતા કરવી જોઈએ ?

મીડિયાએ કોની કેટલી ચિંતા કરવી જોઈએ ?
દુનિયાભરના કાર્ટૂનિસ્ટોનીહાલત કફોડી છે. કારણ કે કાર્ટૂનિસ્ટોની કલ્પનાનો પનો ટૂંકો પડે તે હદે વાસ્તવિકતા વકરી રહી છે. બને છે એવું કે કાર્ટૂનમાં જ કલ્પી શકાય તેવી મગજ ચકરાવે ચડાવી દેતી પરિસ્થિતિ હવે વાસ્તવમાં જોવી પડે છે.
અઝહરનો જ દાખલો લઈ લો ને ! અઝહરને મેચ ફીકસીંગ બદલ ટીમમાંથી તગેડી મૂકવામાં આવ્યો ત્યારે કોઇ કાર્ટૂનિસ્ટે ‘રાજકારણીઓ સાથે ફીકસીંગ કરીને ટીમમાં પાછા ફરતા અઝહરનું કાર્ટૂન બનાવ્યું હોત તો ? તે સમયે અશક્ય લાગતી પરિસ્થિતિ અત્યારે વાસ્તવ બની ચૂકી છે. અઝહર પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અઝહરના મળતીયા રાજકારણીઓ બીસીસીઆઈ પર દબાણ કરી રહ્યા હોવાના સમાચાર ન્યૂઝ ચેનલો પર હતા જ ને ? મગજ બંધ કરી દે તેવા સમાચારોની હવે જાણે નવાઈ જ નથી રહી. ચેનલોએ તો જાણે પાપીઓના પાપ ધોવા માટે રીઆલીટી શૉની ગંગા વહેવડાવવાનો ઉદ્યમ આદર્યો હોય એવું લાગે છે. સંજય દત્તથી માંડીને રાહુલ મહાજન સુધીના દોષિતોને લોકનજરમાં સેત સાબિત કરવા માટે ચેનલો કોઇપણ હદે જઈ રહી છે. અરે ભાઈ, સમાજ માટે નુકસાનકારક વૃત્તિ-પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓને સમાજથી દૂર જેલમાં રાખવાનો એક હેતુ એ હોય છે કે તેમનાથી સમાજને ભય હોવાથી તેમને સમાજથી અલગ રાખવામાં આવે છે અને બીજી વાત એ પણ ખરી કે અમુક સમય જેલમાં - સમાજથી દૂર રહેવાથી તેમને સમાજનું મહત્ત્વ સમજાય. સામાજિક બહિષ્કારનું શસ્ત્ર આવા લોકોની સાન ઠેકાણે લાવવા માટે જ વપરાતુ હતું.
હવે તો ચેનલોના માઘ્યમથી આ લોકોને સમાજમાં મોભાદાર સ્થાન અપાવવાની ઝૂંબેશ ચાલી રહી છે. બાકી, મોનીકા બેદીને દર ત્રીજા રિઆલીટી શૉમાં સ્પર્ધક કે મહેમાન તરીકે બોલાવવાની જરૂર શી છે ? જાણવા મળ્યા મુજબ એનડીટીવી ઇમેજીન પર શરૂ થઇ રહેલા રિઆલીટી શૉ ‘રાઝ ઃ પીછલે જનમ કા’માં પોતાના પૂર્વજન્મના રહસ્યો જાણવા અને સૌને જણાવવા માટે મોનીકા બેદી પણ પધારવાની છે.
બહાર આવેલી વિગતો અનુસાર આ શૉ દરમિયાન મોનીકા બેદીને એવું જાણવા મળ્યું કે અગાઉના જન્મમાં તે પોર્ટુગીઝ કન્યા હતી અને તે ખ્રિસ્તી ધર્મ પાળતી હતી. આ જાણીને મોનીકા બેદીએ ધર્મ પરિવર્તન કરવાની વાત તો નથી કરી, પરંતુ પોતાનું માનસ પરિવર્તન થયાની અને હવે તે માનસિક દ્વીઘાઓમાંથી મુકત થયેલી તદ્ન અલગ જ વ્યકિત હોવાનું અનુભવી રહી હોવાનું કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે ‘ઓહ... આ જ કારણસર મને પોર્ટુગલના કેટલાક સ્થળો પોતીકા લાગતા હતા અને હું ત્યાં વધારે આનંદ અને માનસિક શાંતિ અનુભવતી હતી.’
સાચી વાત છે. અબુ સાલેમ સાથે પોર્ટુગલમાં રહેતી મોનિકાને ભારત સરકારના પ્રયત્નોથી અહીં લાવવામાં સફળતા ન મળી હોત તો તેને ત્યાં જલસા જ હતા ને ? અને ફોર ધેટ મેટર ભારત સિવાય તે કયાંય પણ હોત, તેને તો દરેક સ્થળ પોતીકુ લગાડવું પડયું હોત. હવે તો તેને ભારતમાં પણ માનસિક નિરાંત થવા માંડી હશે, કારણ કે તેના કલંક ધોવા માટે તૈયાર મીડિયા મહારથીઓ તેની કેટલી બધી ચિંતા કરે છે ?
ટેલિવીઝન મીડિયા કરવા જેવી કેટલીક ચિંતાઓ કરે તો કેવું પરિણામ મળે ? છવ્વીસ નવેમ્બરની મુંબઇ ટેરર ઍટકની વરસી ટાણે ‘ઉન હઝારો કે નામ’ ટેલિફિલ્મ પ્રસારીત કરવાની ‘સ્ટાર પ્લસ’ પર જાહેરાત જોઇને છવ્વીસમીએ રાત્રે દસ વાગ્યે ટીવી સામે ગોઠવાઈ ગયેલા લોકો બાર વાગ્યા સુધી ચસકે નહીં તેવી ફિલ્મ જોવા મળી. પરંતુ, આ પ્રકારની ફિલ્મ બનાવી શકતા લોકોને ‘તમસ’ની માફક સળંગ પાંચ કે દસ દિવસ ફાળવી ન શકાય ?
ટેલિફિલ્મનુ નામ હતું ‘ઉન હઝારો કે નામ’, પરંતુ પાંચ-સાત પરિવારોની વેદના જ ઉજાગર થઇ શકી, કારણ કે આ દરેક પરિવારની ટ્રેજેડીને પૂરતો ન્યાય આપવામાં આવ્યો હતો. ૫૯ કલાક સુધી ચાલેલી આતંકી ઘટનાને દોઢ કલાકમાં સમાવવી આમ પણ મુશ્કેલ પડે જયારે આ તો હુમલામાં મૃત્યુ પામેલા કમનસીબોની કરૂણતા અને ત્રાસવાદીઓથી બચવામાં સફળ રહેલા સદનસીબોના સંઘર્ષને આલેખવાનું કામ હતું.
સાચુ પુછો તો ઘણા વખત પછી ટેલિવીઝન પર કશુંક નક્કર કહી શકાય તેવું જોવા મળ્યું. પાકિસ્તાનને કે ત્રાસવાદને ગાળો ભાંડયા વગર માનવીય સંવેદના અને વેદનાના સ્તર એવી રીતે ગૂંથ્યા હતા કે આ ફિલ્મ જોનાર સૌને ત્રાસવાદ સામે નફરત થાય, ભલે ને તે ગમે તે વિચારધારામાં માનતો હોય ! મુશ્કેલી માત્ર એટલી જ છે કે આવું-બઘું ટૂંકામાં અને ઝડપથી પ્રસારીત થઇ જાય છે.

No comments:

Post a Comment