15 December 2009

પ્રાણવાયુ જેટલી જ જરૂરિયાત બાળકને પ્રેમની છે

પ્રાણવાયુ જેટલી જ જરૂરિયાત બાળકને પ્રેમની છે
બાળક હંમેશા પ્રેમ ઝંખતુ હોય છે. વ્હાલ ઝંખતુ હોય છે. તેને પુરેપુરો પ્રેમ આપવો એ માતાપિતાની જવાબદારી છે. ધારો કે માનવી શ્વાસ લઇ ન શકે તો? તો તેનો દેહ નિશ્ચેતન થઇ જાય .અને ધારો કે બળકને પ્રેમ ન મળે તો? તો તેનું બાળમન ચેતનહિન થઇ જાય. દેહ માટે જેટલી જરૂરિયાત પ્રાણવાયુની છે. તેટલી જરૂરિયાત બાળમન માટે પ્રેમની અને હુંફની છે.
આપણે તે બાળકની વાત કરતા હતા જેને ક્યાંયથી પ્રેમ મળ્યો નહી. તેના અપર પિતા તેને નફરત કરતા હતા. માતા પિતા સાથે ઝઘડાનો રોષ બાળક પર ઉતારતી હતી.
માતા જો કે, બાળકને પ્રેમ કરતી હતી, પણ કેવો? પોતાની ત્રાસભરી જીંદગીના કારણે ઉદ્ભવેલી ઝેરી લાગણીઓથી ખદબદતો પ્રેમ. વિષાકત જળથી છોડનો વિકાસ કેવો થાય ?
અપર પિતા બાળકને ખાવાનું આપતા ન હતા. અને આપવા દેતા પણ ન હતા. ત્યારે માતા શું કરતી હતી? જ્યારે પિતા ઘરમાં ન હોય ત્યારે બાળકને ઠાંસી ઠાંસીને ખોરાક ખવડાવતી હતી. આ ખાતો જ જા, પેલો નાલાયક આવી જશે તો તને ખાવાય નહીં દે.
બાળકનું પેટ ભરાઇ ગયુ હોય, વધારે ખોરાક લેવાની તસુભાર પણ જગ્યા ન હોયતો પણ પરાણે તેને ખાવું પડતુ હતુ. માની જીદ સામે કંઇ ચાલતું ન હતું.
પરિણામ? ઉત્સર્ગતંત્ર પરનો અંકુશ બાળક ગુમાવી બેઠો! કાયમ તેની ચડ્ડી બગડી જતી હતી. માતાને તો પણ ભુલ સમજાઇ નહીં. બાળક શાળાએ જાય તો તેના દફતરમાં વધારાની ચડ્ડી મુક્તી હતી, પણ આ સમસ્યા પાછળનું કારણ શોધવાની દરકાર કરતી નહતી.
બાળકને શું વધારે ખવડાવવું તે આ માતાનો પ્રેમ હતો? હા, પ્રેમ તો હતો પણ તેમાં ડર, અણસમજ, વિકૃતિનું ઝેર પણ હતું. આ વિકૃત પ્રેમનાં કારણે બાળકની પાચન અને ઉત્કર્ગક્રિયા ખોરવાઇ ગઇ.
આ સમસ્યા તે યુવાન થયો ત્યારે પણ હતી. તે બધાથી આ વાત છુપાવતો હતો. પણ મનોમન પિડાતો રહેતો હતો. બાળપણમાં ભોગવેલા ત્રાસ અને વેદનના પરિણામો યુવનીમાં તેને અનહદ નાસ્તાપાણી કરવાની ટેવ પડી ગઇ. લારીઓ, હોટલો અને રેસ્ટોરન્ટોમાં જઇ તે તુટી પડતો હતો. વર્ષો સુધી તે આવી જીંદગી જીવતો રહ્યો. પરિણામે ભરયુવાનીમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનો ભોગ બન્યો.
દેહથી અને મનથી તે દુઃખી યુવાન તારણહારની શોધમાં કોઇને કોઇ વ્યક્તિ, જે તેના પ્રત્યે સહાનુભૂતિ દેખાડે તેના વશમાં થઇ જતો હતો. પણ સ્વાર્થી દુનિયામાં બધાં જ તેને એવા મળ્યા, જે તેનો ઉપયોગ કરી ફેંકી દેે.
આવા કિસ્સાઓછાં હોય છે, પણ હોય છે ખરાં ! માતા-પિતા બાળકને પ્રેમ ન આપે, તેના પર ત્રાસ ગુજારે, ખાસ કરીને છુટાછેડાના કેસ ચાલતા હોય, કે પછી તે હદે પતિપત્ની વચ્ચે ઝઘડો હોય ત્યારે બાળકની આવી હાલત થાય છે.
આવા બનાવો પરથી એ સમજાય છે કે, બાળકને પ્રેમની કેટલી બધી જરૂર હોય છે. પ્રેમ ન મળે તો તેનું જીવન કેવું બદતર બની જાય છે.
ઉત્સર્ગતંત્ર પર અંકુશના અભાવની આ યુવાનની સમસ્યા દૂર થઈ ક્યારે?
જ્યારે તેને પ્રેમ મળ્યો ત્યારે જમાનાની ઠોકરો ખાતો કારકિર્દીમાં, જીવનમાં, કુટુંબમાં અવિરત સંઘર્ષ કરતો, પછડાતો અને પાછો ઉભો થતા તે યુવાનને આખરે એક ગરીબ ઘરની પણ સમજુ અને સુશીલ કન્યા મળી, અને બંનેએ લગ્ન કર્યા.
પત્નીએ તેને પ્રેમ આપ્યો, હુંફ આપી, સહારો આપ્યો અને ધીમે ધીમે યુવાનની સમસ્યા આપમેળે દુર થઈ ગઈ ! તેનો ઉત્સર્ગતંત્ર પર અંકુશ આવી ગયો.
પ્રેમ નહતો મળતો, તેથી યુવાન સતત ભયંકર તણાવ અનુભવતો હતો. પરિણામે આ શારીરિક સમસ્યા દુર થતી ન હતી. જેવો પ્રેમ મળતો થયો, તે સાથે સમસ્યા ઉકલી ગઈ.
આવું ત્રાસદાયક બાળપણ, જોખમી યુવાની અન્ય કોઈ તો ગુનાખોરીમાં ધકેલાઈ જાય. આ બાળક તે - રસ્તે ગયો નહીં, અને સારા માર્ગે સદગૃહસ્થનું જીવન જીવતો થયો.

No comments:

Post a Comment