visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની જમાવટ થઇ છે ત્યારે આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ પોણા ૬ ઇંચ વરસાદ નોંધાઇ ચૂકયો છે, જે મોસમની સરેરાશ ટકાવારી સામે ૨૧.૪૯ ટકા થવા જાય છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઇ છે. જ્યારે આગામી ૨૪ કલાકમાં ગાજવીજ સાથે ઠેરઠેર હળવા થી ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં તાજેતરનાં વરસાદથી પાક-પાણીનું ચિત્ર બદલાયું છે. અત્યાર સુધીનો સૌથી સરેરાશ વરસાદ જામનગર જિલ્લામાં ૮ઇંચ ત્યારબાદ જૂનાગઢ તથા અમરેલી જિલ્લામાં ૭-૭ ઇંચ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ પોણા સાત ઇંચ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે કચ્છમાં મોસમનો સરેરાશ રાા ઇંચ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ટકાવારીની દ્દષ્ટીએ સરેરાશ ૨૧.૪૯ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. જેમાં જામનગર ૨૯.૫૮ટકા તથા અમરેલીમાં ૨૮.૨૯ ટકા મોસમનો વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં હવાની સ્થિતિએ હજુ પીવાના પાણીની સ્થિતિ વિકટ છે, ત્યારે આગામી ૩૬ કલાકમાં જો મેઘરાજા મનમૂકીને વરસી જાયતો સમસ્યા હલ થવાની આશા સેવાઇ રહી છે.
“ગૃહમંત્રી પી. ચિદમ્બરમ જ જણાવે ઈશરતની અસલિયત”
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલી ઈશરત જહાંની માતાએ મદદ માટે કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમ પાસે સ્પષ્ટતા માંગતા કહ્યુ છે કે સરકારે આ અંગે સંપૂર્ણ સ્થિતી સાફ કરવી જોઈએ. ઈશરતને લશ્કર-એ-તૈયબાની આતંકવાદી હોવાનું જણાવતા પાકિસ્તાની મૂળના આંતકવાદી ડેવિડ હેડલીના ખુલાસાને લઈને મીડિયામાં જાહેર થયેલા અહેવાલોને ખોટા ગણાવતા ઈશરતની માતા શમીમા કૌસરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેની પુત્રી નિર્દોષ છે. કૌસર અનુસાર ઈશરતની હત્યા ગુજરાત પોલીસે કરી છે.શમીમાએ આરોપ લગાવ્યો છે કે મીડિયા અહેવાલો દ્વારા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં ઈશરત કેસમાં સીબીઆઈ તપાસ સંબંધીત એક અપીલ વિચારણા હેઠળ છે. આ પહેલા ગુજરાતની એક મેજીસ્ટ્રેટ અદાલતે ઈશરતને નિર્દોષ ઠેરવતા એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું. ઈશરતની માતાએ કહ્યું હતું કે મારી પુત્રીને નિર્દોષ સાબિત કરવા માટે હું ચિદમ્બરમને અપીલ કરીશ કે તેઓ સંપૂર્ણ સ્થિતીની સ્પષ્ટતા કરે.ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ મીડિયાના સૂત્રોના હવાલેથી જાહેર કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરત લશ્કર-એ-તૈયબાની ફિયાદીન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ચાલી રહેલી પૂછપરછમાં આ વાત જણાવી હતી.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી.
ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.
શું ઈશરત જહાં ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન ગઈ હતી કે નહીં...?
કોતરપુર વોટર વર્કસ નજીક એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી મુંબઈના મુમ્બ્રાની રહેવાસી ઈશરત જહાં ખરેખર લશ્કર-એ-તોયબાના ફિદાઈન સ્કવોડની આતંકવાદી હતી તેવો ખુલાસો, મુંબઈ હુમલાના આરોપી ડેવીડ કોલમેન હેડલીએ કર્યો તે પછી શું ઈશરત જહાં ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન ગઈ હતી કે નહીં તે બાબતે એન આઈ એ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર જુન૨૦૦૪માં નરોડાના કોતરપુર વોટર વર્કસ નજીક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશરત જહાં (૧૯), જાવેદ શેખ સહિત બે કથિત પાકિસ્તાન આતંકવાદીઓ ઝીશાન ઝોહર અને અકબરઅલી રાણાને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હતા. તે પછી ક્રાઈમ બ્રાન્ચ પર ઈશરત જહાંને બોગસ એન્કાઉન્ટરમાં ઠાર મારી હોવાના આક્ષેપો થયા હતા.આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકામાં પકડાયેલા મુંબઈ હુમલાના આરોપી ડેવીડ કોલમેન હેડલીએ, પૂછપરછ કરી રહેલા એન આઈ એના અધિકારીઓ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે ઈશરત જહાં ખરેખર લશ્કર-એ-તોયબાના ફિદાઈન સ્કવોડની સભ્ય હતી. એન આઈ એનાં સૂત્રોનું કહેવું છે કે જો હેડલીના કહેવા પ્રમાણે ઈશરત જહાં આતંકવાદી હોય તો ત્રાસવાદી તાલીમ માટે તે જરૂર પાકિસ્તાન ગઈ હોવી જોઈએ. કારણ કે એલ ઈ ટીનો કમાન્ડર મુÍઝમીલ, ચકાસ્યા વગર કોઈની ભરતી કરતો નથી. તેથી એન આઈ એ દ્વારા હવે, ઈશરત જહાં પાકિસ્તાન ગઈ હતી કે નહીં તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ત્રાસવાદીઓને ૨૦૦૨ના કોમી રમખાણોની તસવીર અને વીડિયો સીડી બતાવવામાં આવે છે. ત્રાસવાદીઓના બ્રેઈન વોશ થયા બાદ તેમની ક્ષમતા પ્રમાણે મશિન સોંપવામાં આવે છે અને મશિનમાં જે હથિયારોની જરૂર હોય તે જ હથિયારોની તેમને તાલીમ આપવામાં આવે છે. જેમ કે ફિદાઈન સ્કવોડને વિસ્ફોટક સામગ્રી અને પિસ્તોલ ફાયરિંગની જ ટ્રેનિંગ આપવામા આવે છે.
લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર મુઝમ્મીલે તેની ભરતી કર્યા હોવાનું કબૂલ્યું હતું
ગુજરાત પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને મોટી રાહતરૂપ એક ઘટનાક્રમમાં પાકિસ્તાની મૂળના અમેરિકન ત્રાસવાદી ડેવિડ હેડલીએ કહ્યું છે કે મુંબઈની ઈશરત જહાં લશ્કર-એ-તોઇબાની આત્મઘાતી બોમ્બર હતી. તોઇબાના ટોચના કમાન્ડરે ઈશરતની ભરતી કરી હતી. ઈશરત અને તેના ત્રણ સાથીઓનું ગુજરાત પોલીસે અમદાવાદ નજીક એન્કાઉન્ટર કર્યું હતું. આ તમામ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.હેડલીની પૂછપરછ માટે અમેરિકા ગયેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની ટીમ સમક્ષ હેડલીએ નિવેદન કરીને કહ્યું હતું કે લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર મુઝમ્મીલે તેની ભરતી કર્યા બાદ તે આત્મઘાતી ટુકડીની સભ્ય બની ગઈ હતી. મુઝમ્મીલ ૨૦૦૭ સુધી ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ફેલાવવાની કામગીરીની દેખરેખ કરતો હતો. હેડલીએ કહ્યું હતું કે ૧૫ જુન, ૨૦૦૪ના રોજ ઈશરતનું એન્કાઉન્ટર થયા બાદ તરત જ તોઇબાએ કબૂલ્યું પણ હતું કે ઈશરત તેની ફિદાયીન ટુકડીની સભ્ય હતી. પરંતુ ત્યારબાદ તોઇબાની પ્રવૃત્તિ પર પાકિસ્તાનમાં બ્રેક લાગતા તેને જમાત-ઉદ્-દાવા નામ અપાયું અને પછી આ નવા જુથે ઈશરત તેની સભ્ય હોવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, અગાઉ તોઇબાએ કરેલી કબૂલાત અંગે પણ માફી માગી હતી.ઈશરત ઠાર મરાયા બાદ લશ્કર-એ-તોઇબાના મુખપત્ર ‘ગઝવા ટાઈમ્સ’એ ઈશરત તોઇબાની જ સભ્ય હોવાનું કહ્યું હતું અને ગુજરાત પોલીસે ઈશરતનો બુરખો હટાવ્યો તે અંગે વાંધો પણ લીધો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૦૭માં તોઇબાના વલણમાં નાટયાત્મક પરિવર્તન આવી ગયું. જમાત-ઉદ્-દાવાએ ઈશરતને ફિદાયીન કહેવા બદલ તેના કુટુંબીઓની માફી માગી હતી. યોગાનુયોગ આ જ સમય આસપાસ ઈશરતની સાથે માયૉ ગયેલા પ્રણેશ પિલ્લઈ ઉફેઁ જાવેદ શેખના પિતા ગોપીનાથ પિલ્લઈએ પોતાના પુત્રની હત્યાની ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.ઉલ્લેખનીય છે કે ઈશરત અને જાવેદ તથા અમજદઅલી અને જિશાન જોહર અબ્દુલ ગની એ ચારેયનું ૧૫ જુન, ૨૦૦૪ના રોજ એન્કાઉન્ટર કરાયું હતું. સોહરાબુદ્દીન અને કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર કેસને પગલે ગુજરાત પોલીસ પર ઈશરત કેસમાં પણ શંકાની સોય તાકવામાં આવી હતી. ઈશરતની માતાનો દાવો હતો કે તે સેલ્સગર્લ તરીકે નોકરી કરતી હતી. હેડલીની કબૂલાતથી હવે ગુજરાત પોલીસને રાહત થઈ છે.
રતન ટાટાની ગુજરાતને વધુ એક ભેટ -- ગુજરાતમાં દેશનો સૌથી મોટો સોલર પીવી પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થપાશે
ગુજરાતમાં દેશનો સૌથી મોટો સોલર પીવી પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થપાશે. ગુજરાતમાં ટાટા પાવર અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ (યુએમપીપી) મુન્દ્રા ખાતે સ્થાપયા બાદ હવે કંપનીએ મીઠાપુર ખાતે 50 મેગાવોટ સોલર ફોટોવોલ્ટિક પાવર (પીવી) પ્લાન્ટ મીઠાપુર ખાતે સ્થાપવાનું નક્કી કર્યું છે.'દેશમાં સૌથી મોટો સિંગલ સોલર ફોટોવોલ્ટિક ગુજરાતમાં મીઠાપુર ખાતે સ્થપાશે' તેમ કંપનીએ તેની વેબસાઇટમાં જણાવ્યું છે. છતાંય ટાટા પાવર સત્તાવાર રીતે આ અંગે કંઇપણ માહિતી આપવા માટે તૈયાર નથી. કંપનીનો કેમિકલ પ્લાન્ટ મીઠાપુર ખાતે કાર્યરત છે.ગયા વર્ષે રાજ્ય સરકારે 716 મેગાવોટ સોલર પાવર કેપેસીટી માટે 34 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ડેવલપર્સને વહેંચણી કરી હતી. ઘણી બધી કંપનીઓએ ગુજરાતમાં સોલર પાવર પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો હતો.અમેરિકા સ્થિત વિલિયમ જે.ક્લિન્ટન ફાઉન્ડેશન, ક્લિન્ટન ક્લાઇમેટ ઇનિશિએટિવ (સીસીઆઇ)એ ગુજરાત સરકાર સાથે પાંચ સોલર પાર્ક ઉભા કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેની ક્યુમ્યુલેટિવ પાવર જનરેશન ક્ષમતા 3000 મેગાવોટ હશે.એનટીપીસી અને જીપીસીએલ એ પણ સોલર પાવર પ્લાન્ટ માટે રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી પાવર પણ રાજ્યમાં 100 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ માટે કાર્ય કરી રહી છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે 420 મેગાવોટ સોલર પાવર માટે 'પાવર પર્ચેસ એગ્રીમેન્ટ' (PPAs) 28 કંપનીઓ સાથે કર્યો છે.
શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં ફરી સ્થિતી વણસી, બેના મોત
શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં પથ્થરમારો કરી રહેલી ભીડ પર સુરક્ષા અધિકારીઓ દ્રારા કરવામાં આવેલી ગોળીબારીમાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું છે. ભીડ એક વ્યક્તિના મૃત્યુના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી, જેનું વિસ્તારમાં એક પ્રદર્શન દરમિયાન નાળામાં પડી જવાથી મૃત્યું થયું હતું.પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શન સોમવારે મોડી રાત્રે શરૂ થયું હતું. જ્યારે લોકોના એક ટોળાએ સુરક્ષાદળની ટુકડી પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળે પ્રદર્શનકારીઓને ભગાડ્યા ત્યાર બાદ પ્રદર્શનમાં સામેલ મુજફ્ફર અહમદ નામનો વ્યક્તિ નાળા પડી ગયો હતો. જેના લીધે તેનું મોત નિપજ્યું હતું.પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે સવારે ફરી એકવાર પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. પ્રદર્શન દરમિયાન ભીડે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોને ચારે તરફ ઘેરી લીધા હતા. જેના લીધે તેમણે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. જેનાલીધે ફયાજ અહમદ વાની નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વિસ્તારમાં તણાવગ્રસ્ત સ્થિતી સર્જાતા અહીં વધુ પોલીસ કાફલો મોકલી આપવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં અધિકારીઓએ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે.
છોકરીના બદલામાં છોકરી આપવાનો પંચાયતનો આદેશ
ગ્રેટર નોઇડામાં પંચાયતના એક તખલધી આદેશે કાયદાના ધજાગરા ઉડાવી દીધા છે. ગ્રેટર નોઇડા નજીક આવેલા માયચા અને દૌલા ગામના છોકરો-છોકરીએ ભાગીને લગ્ન કર્યા હતા, જેના લીધે નારાજ પંચાયતે કહ્યું છે કે છોકરીના બદલામાં છોકરી આપો નહીંતર બંન્નેને મારી નાખીશું. મળતી માહિતી મુજબ દૌલા ગામના સંજયે માયચા ગામની પ્રીતી નામની છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે બંનેને દોઢ વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. ત્યારબાદ બન્નેએ પરિવારજનો વિરૂધ્ધ છાનામાન લગ્ન કરી લીધા હતાં. બાદમાં 24 જૂનના રોજ બંને કહ્યા વિના ગામમાંથી ચાલ્યા ગયાં હતાં. આ વાતને લઇને માયચા ગામની પંચાયતની ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પંચાયતે છોકરાના પરિવારજનોને આદેશ કર્યો હતો કે છોકરો- છોકરી બન્નેને શોધીને અમારી સામે લાવો. અમે તેમને મારી નાખીશું. આટલુ જ નહીં પંચાયતે કહ્યું હતું કે જે રીતે દૌલા ગામના છોકરાએ અમારા ગામની છોકરી સાથે લગ્ન કર્યાં છે, તે મુદ્દે છોકરાવાળા અમારા ગામને છોકરી આપે, ત્યારે હિસાબ બરાબર થશે. જો આમ નહીં કરવામાં આવે તો અમારા ગામના છોકરા તમારા ગામની સ્ત્રીઓ અને છોકરીને ઉપાડી જશે. પંચાયતની આ જાહેરાત બાદ છોકરાના પરિવારજનો અને ગામના લોકો ઘર-બાર છોડીને ચાલ્યા ગયા છે. આ ઘટના બાદ ગ્રેટર નોઇડા પોલીસ સ્ટેશનમાં પંચાયત અને છોકરીના પરિવારના કુલ 4 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં માયચા અને દૌલા ગામમાં પોલીસે ડેરો જમાવી દીધો છે.પોલીસની હાજરી જોતાં માયચા ગામની પંચાયતમાં સામેલ લોકો ફરાર થઇ ગયાં છે.
ઓસ્ટ્રેલિયા: સિડનીમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બોમ્બ વિસ્ફોટ!
સિડનીમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે વિસ્ફોટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. પોલીસ હાલમાં આ ઘટનાને બોમ્બ વિસ્ફોટ સાથે કોઈ સબંધ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. સોમવારે રાત્રે બનેલા આ બનાવમાં સંપૂર્ણ રેસ્ટોરન્ટ આગની લપેટમાં આવી ગઈ હતી. પોલીસને એવી શંકા છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી. ઘટના સમયે રેસ્ટોરન્ટમાં રહેલા ચાર લોકો હતાં, જે બચી ગયા હતાં. સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે ક્વીન્સલેન્ડ સ્ટ્રીટ સ્થિત આવેલી કોપર ટિફિન નામની આ રેસ્ટોરન્ટમાં થોડા સમય પહેલા બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. ઘટનાને નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે રાત્રે 11 વાગીને 30 મિનિટની આસપાસ હોટલમાં બોમ્બ વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો. જેના કારણે હોટલના બારી બારણાનો કાટમાળ ઉડીને રસ્તા પર પડ્યો હતો.ઘટનાને નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તેણે ચાર જેટલા લોકોને હોટલની બારીમાંથી કૂદીને બહાર નિકળતા જોયા હતાં. હોટલ ખાતે એકઠા થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે હોટલમાં આગ લાગ્યા બાદ ત્યાંથી બે વ્યક્તિઓ ભાગીને જતાં જોવા મળ્યા હતાં. ત્યાર બાદ હોટલમાં વધુ એક વિસ્ફોટ થયો હતો જેના કારણે રેસ્ટોરન્ટનો આગળનો ભાગ ધરાશયી થઈ ગયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આગ જાણી જોઈને લગાડવામાં આવી છે, તેમજ પોલીસ હાલમાં આગ લગાડનાર બે વ્યક્તિની શોધખોળ કરી રહી છે. વિસ્ફોટના કારણે હોટલની સંપતિને નુકશાન થયું હતું. તેમજ હોટલની ઉપર રહેલા ચાર લોકો બચી જવા પામ્યા હતાં. પરંતુ આગના ધુમાડાની લપેટમાં આવી જતાં તેમને હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતાં. એનએસડબલ્યૂ ફાયબ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આગ પર કાબૂ મેળવવા માટે 20 જેટલી ફાયર ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજી સુધી જાણી શકાયું નથી.
ભારતમાં રાંધણ ગેસ અને કેરોસીન પાડોશી દેશો (સાઉથ એશિયા)ની સરખામણીમાં સૌથી સસ્તા
શું તમે જાણો છો કે ભારતના પાડોશી દેશોમાં કેરોસીન અને રાંધણ ગેસના ભાવો કેટલાં છે? અને શું તમને ખબર છે કે પાડોશી દેશોમાં વેચાનાર પેટ્રોલ અને ડિઝલ ભારતમાં વેચાનાર પેટ્રોલ-ડિઝલની સરખામણીમાં સસ્તા કેમ છે? જો કે, ભારતમાં રાંધણ ગેસ અને કેરોસીન પાડોશી દેશો (સાઉથ એશિયા)ની સરખામણીમાં સૌથી સસ્તા છે, જ્યારે પેટ્રોલ અને ડિઝલ ઉપરથી અહિં મોઘા છે પરંતુ સાથો સાથ સારી ક્વોલિટીના પણ છે.પાડોશી દેશોમાં એક સામાન્ય દિવસ (4 જૂન)માં વેચાનાર ચીજોની કિંમત જાણવા જેવી છે. તેની કિંમતો સાથે આપણી કિંમતોની સરખામણી કરવા જેવી છે. સરખામણીમાં એ દિવસે તે દેશોની કરન્સી સાથે ડોલર રેટ્સને માપદંડ બનાવ્યો તો આપણી સામે તથ્ય આવ્યું, તે આ પ્રમાણે છે.કાઠમંડુમાં 1 જૂનના રોજ વેચાઇ રહેલા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ.51.26 છે. જ્યારે દિલ્હીમાં તે રૂ.51.43 છે. ઢાકામાં રૂ.49.71 અને કોલંબોમાં રૂ.47.24 છે. જો કે કરાચીમાં તે રૂ.36.41 છે.ભારતમાં સુપીરિયર ક્વોલિટીના યુરો-4 ડિઝલની કિંમત રૂ.40.10 છે. કરાચીમાં સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધુ ઉપયોગ થનાર ફયુઅલ રૂ.41.44 લિટર છે જ્યારે કાઠમંડુમાં રૂ.39.24 અને કોલંબોમાં રૂ.29.90, ઢાકામાં રૂ.29.43 છે.આમ, તો જાણકારો કહે છે કે ઇંધણની કિંમતોમાં તફાવત ઇંધણની ક્વોલિટીમાં તફાવતના લીધે છે કારણ કે ભારતમાં કોશિશ કરવામાં આવી રહી છે ક્લીનર ઇંધણની તરફ રૂખ કરવામાં આવે.
કચ્છની દુર્ગમ સરહદેથી પીલર નં.૧૧૧૮/૩/૫ નજીકથી મહમદ રહીશ ઝહિર પઠાણ (ઉ.વ.૩૫) આતંકવાદી ઝડપાયો
કચ્છ સરહદેથી ઝડપાયેલા સ્વાતના ઘૂસણખોરની એજન્સીઓએ રાબેતા મુજબ કડક પૂછતાછ કરી હતી પણ તે ‘પાગલ’ જેવો હોવાનું અને સ્વાત-સ્વાત બોલે છે તે સિવાય કોઇ જ ઠોસ વિગતો ખૂલી નથી.રવિવારે બપોરે ૧૧:૦૦ કલાકે કચ્છ સરહદેથી બોર્ડર પીલર નં.૧૧૧૮/૩/૫ નજીકથી મહમદ રહીશ ઝહિર પઠાણ (ઉ.વ.૩૫)વાળો જયાં આતંકવાદી પ્રવૃત્તિઓ ધમધમે છે તે સ્વાતખીણ નજીકના વિસ્તારમાં વસતો પાક ઘૂસણખોર મળી આવ્યો હતો. જયાં ચકલું પણ ફરકતું નથી એ રણવાળા અતિ દૂર્ગમ વિસ્તારમાંથી એક જ સપ્તાહમાં બીજો ‘પાકિસ્તાની’ પાગલ ઘૂસી આવ્યો છે તે બાબત શંકા તથા ચિંતાજનક છે.આ અંગે નરા પોલીસ મથકના તપાસનીશ પીએસઆઇ એલ.જે તલસાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, તેને એસ.ઓ.જી.માં લઇ જવાયો છે અને એજન્સીઓ દ્વારા તમામ મુદ્દે સંયુકત રીતે પૂછતાછ ચાલી રહી છે. તે સ્વાત-સ્વાત એવું બોલે છે. દૂર્ગમ વિસ્તાર પાર કરીને તે કઇ રીતે ઘુસી આવ્યો તે મોટો સવાલ છે. તે પાગલ જેવો લાગે છે અને અત્યંત થાકી ગયેલો છે પૂછતાછમાં આંખો મીંચી જાય છે.જો કે તે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય તેવું કંઇ જણાયું નથી. તેની પાસેથી એક ડાયરી મળી છે તેમાં લીટા તાણેલા છે, એ સિવાય કંઇ નથી. અનેક વખત ફેરવી-ફેરવીને પૂછવા છતાં તે કંઇ બોલતો નથી. તેને સંભવત: આજે જે આઇસીમાં ખસેડાશે.
મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે મંગળવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યો
ટીમ ઈન્ડિયાનો નવપરિણીત સુકાની મહેન્દ્ર સિંહ ધોની મંગળવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યો હતો.
ધોની તેની પત્ની સાક્ષી અને ક્રિકેટર મિત્ર આરપી સિંહ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ ખાતે રાહુલ ગાંધીને મળ્યો હતો, તેમ બીસીસીઆઈના ટોચના સૂત્રએ જણાવ્યું હતું.સૂત્રએ કહ્યું હતું કે મુલાકાત પહેલા મુલાકાતનો સમય લેવામાં આવ્યો હતો અને આ મુલાકાત સ્વાભાવિક જ હતી.ધોની સોનિયા ગાંધીને મળ્યો હતો કે નહીં તે અંગે સૂત્રએ જણાવ્યું હતું કે ફક્ત રાહુલ ગાંધીને મળવા માટે જ સમય મેળવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ધોનીએ રવિવારના રોજ દેહરાદૂન ખાતે સાક્ષી રાવત સાથે લગ્ન કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. મીડિયા કે તેના સાથી ખેલાડીઓને પણ ધોનીના લગ્નની જાણ નહોતી. તથા લગ્ન બાદ પણ ધોની હજી સુધી મીડિયા સામે આવ્યો નથી.
ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડો.નીતિન પટેલ છે
આગામી વર્ષ ૨૦૧૧માં યોજાનાર વર્લ્ડકપ માટે હોટ ફેવરિટ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં એકદમ ફીટનેસ ધરાવે છે અને વર્લ્ડકપને અનુલક્ષીને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે’ તેમ ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયો ડો.નીતિન પટેલે જણાવ્યું હતું.ઉત્તર ગુજરાતના બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડો.નીતિન પટેલ તાજેતરમાં માદરે વતનમાં એક સામાજિક પ્રસંગે આવ્યા હતા. આ સમયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં યોજાનાર વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીએા સંપુર્ણ ફીટનેસ ધરાવતા હોઇ આપણી ટીમ વર્લ્ડ કપના દાવેદાર માટે હોટ ફેવરિટ છે.ડો.પટેલે એમ પણ જણાવ્યું કે, ‘ભારતીય ટીમના ખેલાડીઓ વિશ્વની અન્ય ટીમોના ખેલાડીઓ કરતાં ગમે તે વાતાવરણમાં ઝડપથી સેટ થઇ જાય છે અને ફીટનેશ પણ તેમના કરતાં ઘણી સારી ધરાવેછે. આગામી વર્લ્ડકપને ધ્યાને રાખી ટીમના તમામ ખેલાડીઓની ફીટનેશ અંગે તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ધોનીની કેપ્ટનશી અને ટીમ સ્પિરિટના વખાણ પણ તેમણે કર્યા હતા. માદરે વતન ડોડીવાડા પધારેલા ભારતીય ક્રિકેટટીમના ફિઝિયો ડો.નીતિન પટેલ- ટ્વેન્ટી-૨૦વર્લ્ડકપમાં હારનું કારણ ફીટનેશ નહીં પણ મલ્ટીપલ ફેકચર કારણભૂત અગાઉ ટ્વેન્ટી-૨૦વર્લ્ડકપમાં થયેલી ભારતની નાલેશીભરી હાર અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘એના માટે ખેલાડીઓની ફીટનેશ નહીં પરંતુ તેમને થયેલા મલ્ટીપલ ફેકચર કારણભૂત હતા.’
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને મોંઘવારી વિરુદ્ધ સુરત જડબેસલાક સ્વયંભૂ બંધ
કેન્દ્ર સરકાર દ્વારા નંખાયેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા અને ભડકે બળી રહેલી મોંઘવારીના વિરોધમાં સોમવારે ભાજપ તેમજ વિરોધ પક્ષોએ આપેલા ‘ બંધ કોલ’ને સુરતની જનતા જનાર્દને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો અને પાર્લેપોઇન્ટ, ઘોડદોડ રોડ, તથા વરાછા, કતારગામ, ઉધના સહિતના મોટાભાગના વિસ્તારોમાં સ્વંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેના પરિણામે શહેરના વ્યાપાર ધંધાન અસર થતાં રૂ. ૧૦૦૦ કરોડની આર્થિક વ્યવહાર ખોરવાયો.શહેરમાં જુદા-જુદા અડધો ડઝન જેટલાં સ્થળોએ બનેલા ઘર્ષણના બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ રહી હતી. શહેર પોલીસે કુલ ૩૫૦ જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય કિશોર વાંકાવાલા તેમજ કેટલાંક કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે.
ભારત સરકારે કરેલા ભાવવધારાને કારણે વધી રહેલી મોંઘવારીના મુદ્દે દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ભાજપ સહિતના વિરોધ પક્ષ દ્વારા કેન્દ્રની આ નિતી સામે તા. ૫મી જુલાઇ સોમવારે ‘બંધનું એલાન ’ આપ્યું હતું. જેના અનુસંધાનમાં ગુજરાતની જનતા જનાર્દન વતી ગુજરાત સરકારે પણ પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કરવાનું નક્કી કર્યું હોવાથી રવિવારથી જ રાજ્ય સરકારના મોભીઓ તેમજ પક્ષના કાર્યકરો કામે લાગી ગયા હતા.સવારે આઠેક વાગ્યાથી બંધનું વાતાવરણ જામતુ ગયું હતું અને ભાજપ તેમજ અન્ય વિરોધ પક્ષના કાર્યકરો કેસરી પટ્ટા સાથેરસ્તા પર ઉતર્યા હતા અને જુદા-જુદા વિસ્તારમાં સવારે ખોલવામાં આવેલી દુકાનો બંધ કરાવવા લાગ્યા હતા. જોકે, દુધ અને મેડિકલની દુકાનો માટે છુટ્ટી રાખવામાં આવી હતી આ સિવાઇ ચાની કિટલીઓના માલિકોએ પણ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. દિવસ દરમિયાન પેટ્રોલપંપો બંધ રહેતા લોકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.દરમિયાન દિલ્હી ગેટ પાસે કેટલીક રિક્ષાઓ દેખાતા બંધ કરાવવા નીકળેલા લોકોએ તેમની પર પથ્થરમારો શરૂ કરતાં રિક્ષા ચાલકો ભાગી ગયા હતા. ત્યારબાદ મહિધરપુરા હીરાબજારમાં કેટલીક ઓફિસો ચાલુ હોવાની માહિતી મળતાં ભાજપના કાર્યકરોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને આ ઓફિસો બંધ કરાવી દીધી હતી. શહેરની ટેક્સટાઇલ માર્કેટ, રિંગરોડ પર અન્ય વ્યવસાયની દુકાનો બંધ રહી હતી
જ્યારે વરાછા,કતારગામ,પૂણા, કાપોદ્રા વિસ્તારમાં પણ પાનના ગલ્લા સહિતના ધંધાર્થીઓએ પોતાના ધંધાના સ્થળો બંધ રાખ્યા હતા. આ બાજુ ઉમરા, પિપલોદ,ગૌરવપથ રોડ,ઘોડદોડ રોડ સહિતના તમામ પોશ વિસ્તારોમાં પણ સૌ વેપારીઓએ સ્વયંભૂ રીતે શોરૂમ-દુકાનો બંધ રાખીને મોંઘવારીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો પાંડેસરા,સચિન તેમજ કતારગામ જીઆઇડીસીના મોટાભાગના યુનિટો ચાલુ રહ્યા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં મેઘાની અમૃત વર્ષાથી પ્રજાજનોમાં હર્ષોલ્લાસની લાગણી
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વ્યાપક અને સચરાચર વરસાદથી ખેતરમાં મોલાતને નવજીવન મળ્યું છે તો શેત્રુંજી ડેમ સહિતના જળાશયોમાં નવા નીર આવતા પ્રજાજનોમાં હર્ષોલ્લાસની લાગણી પ્રસરી વળી છે.વાતાવરણની સાથે પ્રજાજનોમાં પણ હૈયે ટાઢક વળી ગઈ છે. જિલ્લામાં સરેરાશ વરસાદ ૫.૧૩ ઈંચને આંબી ગયો છે. કુલ વરસાદ ૨૫.૧૨ ઈંચ હોય સિઝનનો અત્યાર સુધીમાં કુલ ૨૦.૪૨ ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ જિલ્લામાં હળવા-ભારે ઝાપટાથી લઈ દોઢથી બે ઈંચ વરસાદના વાવડ છે.ભાવનગર જિલ્લામાં આજે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા. આજે સવારથી જ ભાવનગર શહેરમાં પવન સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. બપોરે ધોધમાર સ્વરૂપે અડધી કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સાંજ સુધીમાં ભાવનગર શહેરમાં ૩૬ મીમી વરસાદ (દોઢ ઈંચ) વરસતા સિઝનનો કુલ વરસાદ ૨૫૬ મીમી, એટલે કે દસ ઈંચના આંકડાને વટાવી ગયો છે.જોકે ગૌરીશંકર સરોવર હજી નવા નીરની આવક શરૂ થઈ નથી. છેલ્લાં બે દિવસની વ્યાપક વર્ષાથી જિલ્લાના ૧૧ પૈકી ૯ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ ૧૦૦ મીમી (ચાર ઈંચ)ને વટાવી ગયો છે. માત્ર ઉમરાળા અને ગારિયાધાર તાલુકા જ ચાર ઈંચની મેઘમહેરથી વંચિત રહ્યાં છે.ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં સર્વાધિક ૨૫૬ મીમી અને ગારિયાધાર તાલુકામાં સૌથી ઓછી ૪૮ મીમીની મેઘમહેર વરસી છે. અતાયેર પણ ચોતરફ કાળા ડીબાંગ વાદળો સાથે ચોમાસુ જામી ગયુ હોય તેવો માહોલ હોય હજી વધુ વરસાદની પૂરી આશા છે.તળાજામાં આજે પણ ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૭ મીમી વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ ૧૬૪ મીમી થયો હતો.જેસરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થતાં મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે.પાલીતાણા પંથકમાં ગતરાત્રિના જ ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયેલ અને સવારના સાત કલાકથી સાંજના છ સુધી ધીમીધારે વરસાદ શરૂ રહેતા ૪૩મીમી વરસાદ નોંધાયેલ જ્યારે મૌસમનો કુલ ૧૪૯ મી.મી. વરસાદ નોંધાયેલ જ્યારે શેત્રુંજી ડેમની સપાટી ૧૧ ફૂટ ૯ ઈંચ પહોંચેલ છે.મહુવા શહેર અને તાલુકામાં આજે પણ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેલ. દિવસ દરમિયાન છુટોછવાયો ૩૧ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસા ૧૪૯ મીમી (૭ ઈંચ) થવા જાય છે. બોટાદ શહેરમાં આજરોજ બપોરનાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. સિહોર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં આજે પણ મેઘરાજાની મહેર ચાલુ રહેવા પામી હતી. સિહોર શહેરમાં ૨૮ મિ.મિ. ઇંચ વરસાદ વરસી જતા મોસમનો કુલ વરસાદ ૧૨૮ મિ.મિ. થવા પામ્યો હતો.
કડીના પોલીસકર્મી પર ફાયરિંગ
સબજેલમાં ફરજ બજાવતા હે.કો. ડ્યૂટી પૂર્ણ કરી માતાની ખબર પૂછવા વતન જઈ રહ્યા હતા ત્યારે ખેરપુર નજીક ચાર અજાણ્યા શખ્સોને પડકારતાં ઘર્ષણ સર્જાયું. કડી-નંદાસણ હાઈવે ઉપર ખેરપુર નજીક સોમવારે પરોઢિયે બાઈક ઉપર જઈ રહેલા પોલીસકર્મીએ શંકાને આધારે ક્વોલિસ ગાડીમાં જઈ રહેલા શખ્સોની પૂછપરછ કરતાં આ અજાણ્યા શખ્સોમાંના એકે પોલીસકર્મી ઉપર ફાયરિંગ કરતાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં પોલીસકર્મીના મોઢા પર મારવામાં આવેલી ગોળી તેના જડબામાં ઘૂસી જતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પહેલાં મહેસાણાની સિવિલમાં અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ફાયરિંગ કરીને નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લાભરમાં નાકાબંધી તેમજ વાહનચેકીગ સહિતની પોલીસ દોડધામ દિવસભર રહી હતી. કડી સબજેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હે.કો. લક્ષ્મણભાઈ જેમરભાઈ રબારીનાં માતાની તબિયત ખરાબ હોઈ સોમવારે વહેલી સવારે ફરજ પૂરી કરી બાઈક પર પોતાના વતન કંસારાકુઈ જવા રવાના થયા હતા. આ દરમિયાન સાડા છ વાગ્યાના અરસામાં ખેરપુર રોડ પર આસમાની રંગની મહારાષ્ટ્ર પાસિંગની ક્વોલીસ ગાડીમાં બેઠેલા ચાર શખ્શો શંકાસ્પદ જણાતાં તેઓએ તેમની નજીક જઈ પૂછપરછ શરૂ કરી હતી. જો કે, આ શખ્શોએ યુનિફોર્મમાં સજજ આ પોલીસકર્મીને તુ તારૂ કામ કર અને અમને અમારું કામ કરવા દે તેવું સંભળાવી દેતાં ઘર્ષણ સર્જાયું હતું. જો કે, થોડી જ વારમાં ઉશ્કેરાયેલા ચાર શખ્શો પૈકીના એકે પિસ્તોલ જેવા હથિયારથી લક્ષ્મણભાઈ રબારી પર ફાયરિંગ કરી આ શખ્સો ગાડી લઈને નાસી જતાં પરોઢિયે સૂમસામ આ હાઈવે ઉપર સન્નાટો પ્રસરી ગયો હતો.બીજી બાજુ આ ફાયરિંગથી ગોળી પોલીસ કર્મીના તાળવામાં ફસાઈ જતાં તેઓની હાલત ગંભીર બની જવા પામી હતી. જો કે, લોહીલુહાણ હાલતમાં લક્ષ્મણભાઈ રબારી બાઈક પર નંદાસણ આવ્યા બાદ મહેસાણા તરફ જતી લકઝરીમાં બેસી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. હે.કો. લક્ષ્મણભાઈની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવારમાટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈએ મહેસાણા ડીવાયએસપી પઠાણ સમક્ષ આપેલા નિવેદનના આધારે કડી પોલીસે ક્વોલીસ ગાડીમાં આવેલા અજાણ્યા ચાર શખ્શોની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શંકાસ્પદ જણાતા શખ્શોને પડકારનાર પોલીસ કર્મી લક્ષ્મણભાઈ રબારીએ તેઓ સંબંધે કડી પોલીસને પોતાના મોબાઈલ દ્વારા જાણ કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, ઝડપાઈ જવાના ડર વચ્ચે પોલીસ કર્મીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધા બાદ અજાણ્યા શખ્શે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. નોંધનીય છે કે, પોલીસ કર્મીએ તમે ગુનેગાર જેવા જણાઓ છો તેવું કહેતા જ ચારે શખ્શો ભયભીત બની ગયા હતા.અજાણ્યા શખ્સો દ્વારા કડીના પોલીસકર્મી ઉપર કરાયેલા ફાયરિંગના પગલે જિલ્લા પોલીસ વડા રાજુ ભાર્ગવ સહિત પોલીસ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તેમજ એક તરફ બંધના એલાનના પગલે પોલીસકર્મીઓ વહેલી સવારથી જ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેન્ડટૂ હતા ત્યારે પોલીસકર્મી પર થયેલું ફાયરિંગ પોલીસબેડામાં પણ ચર્ચામાં રહ્યું હતું.
બોરસદ નગરની એક કિશોરીને ભગાડી જઇ બળાત્કાર ગુજારતાં ચકચાર
ચાર દિવસ સુધી કિશોરીને જુદા જુદા સ્થળોએ લઇ જઇ બળાત્કાર ગુજારી તેને લઇને યુવક બોરસદ આવતાં કિશોરીના વાલીએ તેઓને પકડી પોલીસના હવાલે કર્યા. બોરસદ નગરની એક સગીર બાળાને નગરનો એક યુવક લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળોએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ બોરસદ પોલીસ મથકે નોંધાવા પામી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોરસદમાં રેહતા અમીતભાઇ પ્રવિણભાઇ જોષી છેલ્લા કેટલાક સમયથી બોરસદમાં જ રહેતી એક પંદર વર્ષની કિશોરીના પ્રેમમાં હતા દરમિયાન ગત તા. ૧-૭-૧૦ના રોજ અમીતભાઇ આ કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બોરસદથી નીકળી જીતપુર ગયા હતા જ્યાં રાત રોકાઇ અમીતે યુવતીની મરજી વિરૂધ્ધ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી નીકળી રાજકોટ અને જામખંભાળિયા લઇ જઇ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ચાર દિવસ સુધી કિશોરીને પોતાની પાસે રાખી તેની ઉપર શારીરીક અત્યાચાર ગુજાર્યા બાદ અમીત કિશોરીને લઇને બોરસદ આવ્યો હતો. બીજી બાજુ યુવતીના વાલીઓ તેની શોધખોળ આરંભી હતી. જેમાં અમીત અને કિશોરી બંને બોરસદ આવતાં તેઓને પકડી બોરસદ પોલીસને હવાલે કર્યા હતા.બોરસદ પીએસઆઇ કે.ડી.પ્રજાપતિએ કિશોરીએ આપેલી ફરિયાદ આધારે અમીત સામે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં સેંકડો બસની ભાંગફોડ સાથે સજજડ બંધ
મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં આંદોલનકારીઓએ મુખ્યત્વે બેસ્ટની બસોને ભાંગફોડ કરવા સાથે બંધ સજજ રહ્યો હતો. અનેક ટોચના નેતાઓની અટક કરવામાં આવી હતી. સવાસોથી વધુ ઉડાણ રદ કરવાની ફરજ પડી હતી. બસો ભાંગફોડ વચ્ચે પણ ચાલુ રહી હતી. ટ્રેનસેવા પણ ચાલુ રહી હતી, પરંતુ તે ધીમી ગતિ ચાલતી હતી અને પ્રવાસીઓની સંખ્યા અત્યંત જુજ હતી. સરકારી કચેરીઓમાં હાજરી આપવાના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના આહવાન છતાં હાજરી અત્યંત પાંખી રહી હતી.
મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં ડાબેરી પક્ષો, ભાજપ, શિવસેના, મનસે, સમાજવાદી પાર્ટી, આરપીઆઈના ટેકા સાથેનો સોમવારનો બંધ એકદમ સજજ રહ્યો હતો. સવારથી જ આંદોલનકારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. જોકે પોલીસે પહેલેથી જ જડબેસલાક બંદોબસ્ત રાખીને આંદોલનકારીઓની અટક કરવાનું શરૂ કરી દીધું હતું. સવારે સૌપ્રથમ મુલુંડમાં ભાજપી નેતા કિરીટ સોમૈયા અને તેમના કાર્યકરોની અટક કરવામાં આવી હતી. આ પછી અટકનું સત્ર જોર પકડવા લાગ્યું હતું. અંધેરીમાં ભાજપી નેતા ગોપીનાથ મુંડે, સુધીર મુનગંટીવારની અટક કરવામાં આવી હતી. ભિવંડીમાં સમાજવાદી પાર્ટીના અબુ અસીમ આઝમીની અટક કરાઈ હતી. દાદરમાં શિવસેના નેતા મનોહર જોશીની, પુણેમાં મનસેના રમેશ વાંજળે એમ સેંકડો કાર્યકરોની અટક કરાઈ હતી.ઉપરાંત સ્મૃતિ ઈરાણી, પાંડુરંગ ફુંડકર, એકનાથ ખડસે, ચંદ્રકાંત ખૈરે, સુભાષ દેસાઈ, ગોપાળ શેટ્ટી, દગડુ સકપાળ, એકનાથ શિંદે, સંજય કેળર સહિત સેંકડો નેતાઓ અને તેમના કાર્યકરોની અટક કરાઈ હતી. સવારે બોરીવલી, અંધેરી, મુલુંડ, ભાંડુપ સહિત વિવિધ સ્ટેશને ટ્રેનો અટકાવવાની કોશિશ કરાઈ હતી. જોકે મોટી સંખ્યામાં હાજર પોલીસે સૌને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.રિક્ષા- ટેક્સીવાળાએ ભાંગફોડની બીકે બંધ પાળ્યો. રિક્ષા- ટેક્સીવાળાઓએ ભાંગફોડની બીકે રવિવારે મધરાતથી જ બંધ પાયો હતો. રિક્ષા- ટેક્સી બંધ હોવાથી ઘણા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું.રાજ્યભરમાં શાળા- કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને હિંસામાં ઈજા પહોંચી શકે એવા ડરથી પોતાની સંસ્થાઓ બંધ રાખવાનું જ મુનાસીબ માન્યું હતું.નવી મુંબઈમાં તો દુકાનદારોને ફોન પર ધમકી. નવી મુંબઈમાં કાર્યકરો ભાગ્યે જ રસ્તા પર જોવા મળતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે દુકાનદારોને રવિવારે રાતથી જ ફોન કોલ્સ કરીને દુકાનો ચાલુ રાખશો તો ભાંગફોડ માટે તમે જ જવાબદાર રહેશે એવી ચીમકી આપી દીધી હતી. આને કારણે આ વિસ્તારમાં પણ સજજડ બંધ જોવા મળ્યો હતો.બંધની અસર વિમાનસેવા પર પણ પડી હતી. ૧૨૫થી વધુ મુંબઈ અવરજવર કરતી વિમાનસેવા રદ કરવામાં આવી હતી. બંધને લીધે એરપોર્ટ સુધી આવવા અને એરપોર્ટથી નિયત સ્થળે વાહનો ઉપલબ્ધ ન હોવાથી પણ લોકોએ વિમાન પ્રવાસ ટાળ્યો હતો. મુંબઈથી ૮૬ ઉડાણ રદ કરવામાં આવ્યાં હતાં, જ્યારે મુંબઈ આવતાં ૪૦ ઉડાણ રદ કરાયાં હતાં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બી.બી.સી.નો અવાજ ભારતમાં નહી સંભળાય.
આખરે બીબીસીએ 2011ના અંત સુધી ‘બીબીસી એશિયન નેટવર્ક’ રેડિયો સ્ટેશન બંધ કરી દેવાનો નિર્ણય કરી લીધો છે. બીબીસી ટ્રસ્ટનું કહેવું છે કે આ રેડિયો સ્ટેશન બંધ કરવાનો નિર્ણય બીબીસીના ડાયરેક્ટર જનરલ માર્ક થોમસનનો છે. બીબીસીના આ પગલાની અસર સીધા ભારતીય ઉપમહાદ્વીપના શ્રોતાઓને થશે.બીબીસી ટ્રસ્ટના ચેરમેન સર માઈકલ લિયોને જણાવ્યું હતું કે લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા ઉપલબ્ધ કરાવવા અને તેમના દ્વારા ફાળવવામાં આવતી રકમના યોગ્ય ઉપયોગ માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે જણાવ્યું કે ‘ટ્રસ્ટ એશિયન નેટવર્કને બંધ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. જોકે આ દરમિયાન રેડિયો સ્ટેશનના શ્રોતાઓની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.’આ પહેલા ટ્રસ્ટે પોતાના ‘6 મ્યૂઝિક’ રેડિયો સ્ટેશનને બંધ કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જોકે તેને બંધ નહી કરવા માટે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવાયું હતું, જોકે એશિયન નેટવર્કને બચાવવા માટે ચલાવવામાં આવેલું અભિયાન સફળ ન થઈ શક્યું.બીબીસી માટે કામ કરી ચૂકેલ બ્રિટેનમાં વસેલા એક વરિષ્ઠ ભારતીય પત્રકાર અનુસાર એશિયાઈ સમુદાયમાં ઘણા પ્રકારની ભાષાઓનું ચલણ, લોકો પાસે મીડિયાના ઘણા વિકલ્પ રહેવા, કોમર્શિયલ રેડિયો સ્ટેશન તરફથી મળી રહેલા ભારે પડકારની વચ્ચે બીબીસી એશિયન નેટવર્કને બંધ કરવામાં જ શાણપણ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment