07 July 2010

રાજકોટ: ૪૦૧ કિલોની કેક કાપી જન્મદિનની ઉલ્લાસપૂર્ણ ઉજવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kath
iawadi flavour


રાજકોટ: ૪૦૧ કિલોની કેક કાપી જન્મદિનની ઉલ્લાસપૂર્ણ ઉજવણી

વરસાદી માહોલમાં પણ ભવ્ય આતશબાજી.૪૦૧ કિલોની કેક કાપી શહેરનો સ્થાપના દિવસ ઉજવતા પ્રજાજનો, ચોમેર ઉલ્લાસ છવાયો. રાજકોટવાસીઓ અને શહેરના વતનીઓ માટે મંગળવારની સાંજ અત્યંત યાદગાર બની રહી હતી, વર્ષો સુધી શહેરના લોકો આ ધન્ય દિવસ અને ધન્ય ઘડીને નહીં ભૂલે. રંગીલા, રજવાડી, રમણીય એવાં રાજકોટના ૪૦૧મા સ્થાપના દિવસની ઉજવણી આજે અભૂતપૂર્વ રીતે, અનન્ય રીતે અને ઉલ્લાસની પરાકાષ્ટા કહી શકાય તે રીતે થઇ હતી.મંગળવારે સાંજે રેસકોર્સના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ બર્થ-ડેની ઉજવણી આકાશી રંગોળી સમાન ભવ્ય આતશબાજી અને કેક કિંટગ સાથે થઇ ત્યારે વરસાદી માહોલમાં પણ હજારો લોકોએ આ મંગળ ઘડીને વધાવી રાજકોટની સ્થાપનાની ઉજવણી કરી હતી અને શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘દિવ્ય ભાસ્કર’ના માધ્યમથી શહેરનો ઉત્સવ ઉજવ્યો હતો.શહેરના ૪૦૧મા સ્થાપના દિવસ નિમિત્તે આજે જન્મદિવસ ઉજવણી સમિતિ અને ‘દિવ્ય ભાસ્કર’ના ઉપક્રમે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ માર્કેટિંગ યાર્ડ વેપારી મંડળ દ્વારા ૪૦૦ કિલોની કેક પણ કાપવામાં આવી હતી. શહેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હોવા છતાં સાંજે આ કાર્યક્રમ નિયત સમયે શરૂ થયો હતો અને લોકોએ તેને મન ભરીને માણ્યો હતો.એક તરફ આકાશ વરસાદી આભાથી શોભતું હતું, બીજી બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડના ઘાસ પર વરસાદી પાણીના ટીપાં દેખાતાં હતા, આકાશમાંથી પાણી વરસી રહ્યું હતું અને જે ભીનાશ હવામાનમાં હતી તે જ ભીનાશ ત્યાં હાજર અને વરસાદને લીધે ન આવી શકેલા પ્રત્યેક રાજકોટવાસીઓના મનમાં હતી.સાંજે બરાબર પોણા આઠ વાગ્યાના અરસામાં રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળાએ ૪૦૦ કિલોની કેક કાપી હતી, અને ત્યારે રાજકોટના કવિ ભાસ્કર ભટ્ટે લખેલું, ભરત પટેલે કંપોઝ કરેલું અને જયેશ દવેએ ગાયેલું ગીત ગૂંજી ઉઠ્યું હતું. હજી તો કેક કપાઇ ત્યાંજ મેદાનમાંથી રંગીન ફટાકડાઓ ઉપર જઇ, આકાશી રંગોળીની જેમ વિખેરાયા હતા અને લોકોના ગળામાંથી આનંદની કિકિયારીઓ છૂટી હતી. કાર્યક્રમના અંતે ડી.જે.ની ધૂન પર સેંકડો બાળકો, યુવકો ઝૂમ્યા-નાચ્યા હતા, રેઇનડાન્સનો એક અલગ જ માહોલ ઉભો થયો હતો. વરસાદી વાતાવરણ હતું, સાંજ ઢળી ગઇ હતી તેમ છતાં ગ્રાઉન્ડ છોડવાનું મન કોઇને થતું નહોતું. કલાકો સુધી લોકો કેકના ટેબલની આસપાસ નાચતા કૂદતા રહ્યા હતા. રાજકોટના મેયર સંધ્યાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કશ્યપ શુક્લ, રાજકોટ ૩ના વર્તમાન ધારાસભ્ય ભાવનાબેન બાબરિયા, પૂર્વ ધારાસભ્ય શાંતાબેન ચાવડા, પૂર્વ મેયર ઉદય કાનગડ, પૂર્વ કોર્પોરેટર રહીમ સોરા, યુવરાજ માંધાતાસિંહ, કાશિ્મરાબેન નથવાણી, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ હિતેશ બગડાઇ, વર્તમાન પ્રમુખ જીતુભાઇ દેસાઇ, સોની અગ્રણી બળવંતભાઇ બદાણી સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર: વિદેશીઓની મિલકતોની તપાસનો આદેશ

ગુજરાત રાજ્યમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ચીન, ઇરાન, નેપાળ તથા ભૂતાનના નાગરિકોને રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના મિલકત ખરીદવા પર પ્રતિબંધ હોવા છતાં આવા વિદેશી નાગરિકોએ અહીં મિલકતો ખરીધ્યાની ચોંકાવનારી હકીકતો ખૂલતા ગાંધીનગરમાં વિદેશી નાગરિકોની મિલકતોની તપાસ શરૂ કરાઇ છે.આ દેશોના નાગરિકોએ ગાંધીનગરમાં પણ મિલકતો ખરીદી સહિતના દસ્તાવેજો કરાવ્યા હોવાની શક્યતાના પગલે તપાસ શરૂ કરાઈ છે અને તે અંતર્ગત ગાંધીનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયેલા દસ્તાવેજોની નોંધણીની ચકાસણી હાથ ધરાઈ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન મિલકતોની ખરીદી અંગે તપાસ કરાશે.

‘કોંગ્રેસ ઈશરત જહાંને નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.'

ઈશરત જહાં લશ્કરે-એ-તોઈબાની સભ્ય હતી એવા સંદર્ભના આતંકવાદી હેડલીની કબૂલાત બાદ ગુજરાત ભાજપે કોંગ્રેસને આડેહાથ લેતાં કહ્યું છે કે હવે કોંગ્રેસ ઈશરત જહાંને નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિજય રુપાણીએ કહ્યું હતું કે ભારત સરકારની રાષ્ટ્રીય સુરક્ષા માટે નિમાયેલી એજન્સી એનઆઈએ સમક્ષ ખૂંખાર આતંકવાદી હેડલીએ કબૂલ્યું છે કે ઈશરત જહાં અને અન્ય ત્રણ આતંકવાદી રથયાત્રા અગાઉ ગુજરાતમાં નેતાની હત્યા કરવાની તૈયારી સાથે આવ્યા હતા. ગુજરાત પોલીસની સતર્કતા અને સક્રિયતાને કારણે આ ત્રાસવાદીઓની માહિતી મળતા પોલીસે પગલાં ભર્યાં હતાં અને મૂઠભેડમાં તેઓ ઠાર મરાયા હતા.આ બાબતે ત્યારથી આજ સુધી ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસને બદનામ કરવા ગુજરાત વિરોધી પરિબળો એનજીઓના સહારે કોંગ્રેસની સાથે મળીને અવનવાં નિવેદનો કરીને ઈશરત જહાંના ઓથા હેઠળ રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરતા હતા પરંતુ હેડલીએ કરેલા નિવેદન મુજબ ઈશરત જહાં લશ્કર-એ-તોઈબાની સભ્ય હતી અને ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓના સંચાલનની પ્રભારી હતી.ઈશરત જહાં ફિદાઈન આત્મઘાતી આતંકવાદી હતી તથા ગુજરાતમાં મોટું ત્રાસવાદી કૃત્ય કરવા આવી હતી.હેડલીની આવી કબૂલાત બાદ સ્વયં સ્પષ્ટ થાય છે કે ઈશરત જહાં માટે સહાનુભૂતિ કરવાવાળા લોકો અને માનવઅધિકારના નામે સુપ્રીમ કોર્ટમાં છાશવારે અરજી કરનારાઓ અને ગુજરાતને બદનામ કરવા નીકળેલા લોકોની બોલતી બંધ થઈ ગઈ છે.હજુપણ ઈશરત જહાંને નામે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું અને મગરના આંસુ સારવાનું બંધ કરે.


અમદાવાદ: મહાનગરની ચૂંટણીમાં ઈ-વોટિંગ લાગુ કરવા વિચારણા

અમદાવાદ મહાનગરની ચૂંટણીમાં ઇ-વોટિંગની પ્રક્રિયા શરૂ કર્યા પછી પ્રાયોગિક ધોરણે રાજ્યનાં અન્ય મહાનગરોની ચૂંટણીમાં પણ તેનો અમલ કરાશે તેવો નિર્દેશ રાજ્યના ચૂંટણી કમિશનર કે.સી. કપૂરે આપ્યો છે. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં પ્રયોગ સફળ થયા પછી અન્ય શહેરો અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં પણ વિચારણા કરી શકાય તેમ છે, કારણ કે સર્વિસ પ્રોવાઇડર થકી ફુલપ્રૂફ સિસ્ટમ કાર્યરત્ બનવા જઈ રહી છે.અમદાવાદની સાથે ઓક્ટોબરમાં અન્ય મહાનગરો અને પાલિકાની ચૂંટણીઓ પણ એક્સાથે કરી દેવી તેવી અટકળો અંગે કમિશનરે જણાવ્યું હતું કે, આ વિષય અમારો નથી. સરકાર ઇચ્છે તો કાયદામાં જોગવાઈ પ્રમાણે બધી ચૂંટણીઓ એક જ મહિનામાં કરી શકે છે. કોઈ પણ સંસ્થાની ચૂંટણી મુદત પૂરી થાય તે પહેલાં કરવાની કાયદામાં જોગવાઈ છે.ઇ-વોટિંગની પ્રક્રિયા તેના આખરી તબક્કામાં પહોંચી છે, ત્યારે આ સિસ્ટમની સમજ આપવા મોક ઇ-વોટિંગ આખા રાજ્યમાં કરવામાં આવશે. ગાંધીનગરમાં ઇ-વોટિંગ માટેનું ડેટા સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં બે સર્વર રહેશે, જે પૈકી એક સર્વર તમામ વોટ સ્વીકારશે. તે પછી બોગસ વોટ હશે તો તે ડિલીટ થઇ સાચો વોટ બીજા સર્વરમાં સ્ટોર થશે.ઇ-વોટિંગમાં પંચ દ્વારા સિકયોરિટી એજન્સી નિયત કરવામાં આવશે, જે સર્વર અને તેની સાથે જોડાયેલા સર્વિસ પ્રોવાઇડર્સનો તમામ પ્રકારનો ડેટા રાખશે. મતદારને બે પાસવર્ડ અપાશે. આ એજન્સી વાઇરસ, હેકિંગ, ટ્રાફિક જામ જેવી બાબતોનું મોનિટિંરગ કરશે.ઈવીએમ અંગે કમિશનરે કહ્યું હતું કે, રાજ્ય ચૂંટણીપંચ પાસે હાલ ૩૫૦૦૦ ઈવીએમ છે. પંચને કુલ ૬૦૦૦૦ ઈવીએમની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ હોવાથી બાકીનાં ઈવીએમ ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા પાસેથી લેવાની દરખાસ્ત કરાઇ છે. ગુજરાતની સ્થાનિક સંસ્થાઓમાં કુલ ૧.૪૦ લાખ બેઠકો થવા જાય છે.ગાંધીનગર મહાનગરપાલિકા માટે રાજ્ય સરકાર વોર્ડની સંખ્યા સહિતની કામગીરીના આદેશ બહાર પાડે તે પછી ચૂંટણીપંચને વોર્ડરચના, સીમાંકન, અનામત બેઠકો તેમજ મતદારયાદી બહાર પાડવા છથી આઠ મહિનાનો સમય જોઈએ. એટલે કે ગાંધીનગરની ચૂંટણી ૨૦૧૧માં કરવી પડે તેમ છે.
ઓગસ્ટ પછી ચૂંટણીનું નોટિફિકેશન : ચૂંટણી કમિશનર કે.સી. કપૂરે ચૂંટણી પ્રક્રિયા અંગે કહ્યું હતું કે, મહાનગરો, પાલિકા અને પંચાયતોમાં અનામત બેઠકો, વોર્ડ રચના તેમજ સીમાંકન પૂરું થયું છે. હવે ફોટો મતદારયાદીઓની કામગીરી હાથ પર લેવાઇ છે, જે ઓગસ્ટના અંત સુધીમાં જાહેર કરી દેવાશે. ઓક્ટોબરમાં આવતી ચૂંટણીનું જાહેરનામું સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં બહાર પડી શકે છે.


ગઢશીશામાં ખારેક પાંચ રૂપિયે કિલો વેચાઇ

વરસાદી પાણી પડવાથી કિટાણું પેદા થવાની બીકે વેચીએ છીએ : વેપારીઓ. વરસાદનું આગમન ગઢશીશાના ખારેક પ્રેમીઓ માટે પણ ફળ્યું હોય તેમ આજે ગામની બજારમાં માત્ર પાંચ રૂપિયામાં કિલો વેચાતાં મોજ પડી ગઇ હતી. વેપારીઓના જણાવ્યાનુસાર વરસાદી પાણીથી કિટાણું પેદા થવાની બીકે અમને માલ કાઢવો પડ્યો છે.બસ સ્ટેશન વિસ્તારમાં ખારેક રૂ.પાંચમાં વેચતા જોઇ ગ્રામજનોએ ધસારો કર્યો હતો. ધંધાર્થી ચમનભાઇ સથવારા, નેમજી સથવારા, વિનોદ સથવારાને ત્રણથી પાંચ રૂપિયાના ભાવે ખારેક વેંચવાનું કારણ પૂછ્યું, ત્યારે જણાવ્યું કે, માલ પડી રહેને સડી જાય તે પહેલાં જ વેચી દેવામાં અમે માનીએ છીએ.ભલે આવ્યો વરસાદ...વેપારીઓએ પોતાને થતું નુકસાન અવગણી ‘ભલે આવ્યો વરસાદ’ તેવું અત્યંત આનંદ સાથે જણાવ્યું હતું. તેઓના જણાવ્યાનુસાર ધંધામાં ક્યારેક ભરતી હોય તો ક્યારેક ખોટ પણ કચ્છ માટે મેઘરાજા ભારે મોંઘેરા છે.


યુનિસેફ અને રાજ્ય સરકાર દ્વારા ધો-૧ અને ૨માં નવતર પ્રયોગ

વિજાપુરના આગલોડમાં શિક્ષકોની તાલીમ શિબિર:શાળામાં ભણતા ધો-૧ અને ૨માં અધ્યાયનનો નવા અભિગમના ભાગરૂપે શિક્ષકોને પ્રજ્ઞા (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન) વિદ્યાર્થીઓ કઈ પદ્ધતિ મેળવી શકે તે માટે યુનિસેફ અને રાજ્ય સરકારના ઉપક્રમે વિજાપુર તાલુકાના આગલોડ ગામે તાલીમ શિબિરનો પ્રારંભ કરાયો છે.જેમાં ભણતરના ભાર હેઠળ દબાયેલા બાળકો રમતમાંથી કંઈક નવુ શીખે અને તેનો સવાઁગી વિકાસ થાય તે પદ્ધતિથી ધો-૧ અને ૨ના બાળકો શિક્ષણ મળે તે માટે આયોજન કરાયું છે. આ તાલીમ શિબીરમાં રાજ્યના ૨૫૮ શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે.શિક્ષણનું પ્રથમ પગથિયું ગણાતા ધોરણ-૧ અને ૨ના વિદ્યાર્થીઓમાં મોટાભાગનાં બાળકોનું પાયાનું શિક્ષણ કાચું રહેતું હતું. જેને લઈ આવા વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ મેળવી શકતા ન હોવાથી તાજેતરમાં આ શિક્ષણ પદ્ધતિ બદલીને અધ્યાપનના નવા અભિગમના ભાગેરૂપે બાળકો આપમેળે શીખે અને રમત અને અનુભવમાંથી શીખે તે માટે યુનિસેફ અને રાજ્ય સરકાર દ્વારા પ્રજ્ઞા (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન) વિદ્યાર્થીઓ મેળવે તે માટે વિજાપુર તાલુકાના આગલોડ ગામના મંદિરમાં આવેલ સભાખંડમાં રાજ્યના ૨૫૮ શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે.
જેમાં શિક્ષકોને બાળકો પોતાની આપમેળે શીખે તે માટે શુ કરવું તેના વિષે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જેને લઈ શાળા ધોરણ-૧ અને ૨ના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નિયમીતતા અને આનંદમાં રહે તેવા પ્રયાસો કરીને પાયાનું શિક્ષણ રમત, અનુભવમાંથી આપમેળે વિદ્યાર્થી શીખે તેવી શિક્ષણ પદ્ધતિ આ વર્ષથી જ શરૂ કરી દેવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિરનું વિજાપુર તાલુકા બીઆરસી, સીઆરસી કેન્દ્રના શિક્ષકો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.પ્રજ્ઞા (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન) વિદ્યાર્થીને થતા લાભ. શિક્ષક વિદ્યાર્થીની સાથે સાથે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે પણ શિખવાની ક્રિયા ચાલુ રહેશે.
વિદ્યાર્થીઓને દફ્તર લીધા સિવાય આવવાનું એટલે શાળામાં જવાનો ભય દૂર થશે.ર્ગખંડમાં જ અધ્યયન અને સ્વઅધ્યયનની સામગ્રી પુરી પાડવામાં આવશે.વિદ્યાર્થી પોતાની ક્ષમતા મુજબ શીખશે.ગણિત, પર્યાવરણ અને ગુજરાતી વિષય સાથે નિયમીત રીતે સવૉગી વિકાસ માટે સપ્તરંગી પ્રવૃત્તિ કરવામાં આવશે.શિક્ષકો વર્ગખંડમાં ખુરશીમાં નહિ પણ વિદ્યાર્થી વચ્ચે નીચે બેસી અધ્યયનનું કાર્ય કરાવશે જેને લઈ શિક્ષકનો હાઉ દૂર થશે. આ શિક્ષણની પદ્ધતિથી રમત સાથે બાળક આત્મવિશ્વાસ નિયનિતતા અને આનંદના રહી અભ્યાસ કરશે.

મહેસાણા; રૂ.૩.૯૦ લાખ સેરવી લેનાર બેન્કના પટાવાળાને જેલ

મહેસાણાની બેન્કના પટાવાળાએ બેગમાંથી રોકડને બદલે બુટ નીકળ્યા હોવાનું તરકટ રચ્યું હતું. દોઢ વર્ષ પૂર્વે મહેસાણા એચ.ડી.એફ.સી. બેન્કમાં રકમ ભરવા ગયેલા યુનિક મર્કન્ટાઈન ઈન્ડિયા પ્રા. લી. કંપનીના પટાવાળાએ રોકડ રૂ. ૩.૯૦લાખની કરેલી છેતરપિડી પ્રકરણમાં મહેસાણા ચીફ કોર્ટે પટાવાળાને ત્રણ વર્ષ કેદ અને દંડ ફટકાર્યો હતો.મહેસાણા હાઈવે સ્થિત રામોસણા સર્કલ નજીક આવેલા કેન્સવિલા માર્કેટમાં આવેલ યુનિક મર્કન્ટાઈન ઈન્ડિયા પ્રા. લી.ના નામે ઈન્સ્યોરન્સ કંપનીમાં ગત તા.૩૧-૧૨-૦૯એ વાર્ષિક એન્ડીંગ હોવાથી અત્રે સવારે સાડા દસ વાગ્યે આવેલા મેનેજર નવિનકાન્ત શાહ તથા પટાવાળો પરેશ જગદીશભાઈ દવેએ એકત્રિત રકમની ગણત્રી કરી તે લોકરમાં મૂકી કામે વળગ્યા હતા.જો કે, કંપનીમાં મોટી રકમ રાખવી સલામતભયું ન હોઈ બીજે દિવસે સવારે ઓફિસમાં આવેલા પટાવાળા પરેશભાઈને રાબેતા મુજબ એચ.ડી.એફ.સી. બેન્કમાં રૂ. ૩.૯૦લાખ ભરવા જવાની મેનેજરે વાતચીત કરી તેને સ્લીપ ભરી આપી હતી. રોકડ રકમ ભરેલી બેગ સાથે ઓફિસથી નિકળેલા પરેશભાઈ પટેલ રામોસણા સર્કલ નજીકથી રિક્ષામાં બેસીને શહેરના રાજકમલ પેટ્રોલ પંપ નજીક આવેલ એચડીએફસી બેંકમાં રકમ ભરવા ગયા હતા.જો કે, ઉપરોકત પટાવાળાએ સ્લીપ કાઢવા બેગ ખોલતાની સાથે જ તેમાં રહેલી રોકડ રૂ. ૩.૯૦ લાખ જેટલી રકમને બદલે બે બૂટ મળી આવતાં તે ચોંકી ગયો હતો. આ અંગે શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પટાવાળા પરેશ દવેની ધરપકડ કરવામાં આવી હતી.ઉપરોકત કેસ મહેસાણા ચીફ જજ જે.આર. પાડવી સમક્ષ ચાલતા સરકારી વકીલ મહેશભાઈ બ્રહ્નભટ્ટની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપી પરેશ દવેને કસુરવાર ઠરાવી ત્રણ વર્ષની કેદ અને રૂ. બે હજાર દંડ ફટકાર્યો હતો

કડી ગેંગરેપનો મુખ્ય આરોપી શિક્ષક મુકેશ પટેલ જેલહવાલે

કડીમાં રહેતી અને કલોલ નજીકની પીટીસી કોલેજની અધ્યાપિકા ઉપર ત્રણ શિક્ષકો દ્વારા ગુજારાયેલા કથિત ગેંગરેપ પ્રકરણના મુખ્ય સૂત્રધાર શિક્ષક મુકેશ પટેલના ૬ જુલાઇ સુધીના ૮ દિવસના રિમાન્ડ મંગળવારે પૂરા થતાં તેને કડી કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તેને સબજેલમાં મોકલી આપવા હુકમ કરતા પોલીસે તેને સબ જેલમાં મોકલી આપ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ, કડીની અધ્યાપિકા યુવતીને પી.ટી.સી. કોલેજમાં નોકરીની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાના ચકચારી પ્રકરણમાં ત્રણ શિક્ષકોની કથિત સંડોવણી બહાર આવ્યા બાદ બે શિક્ષકોની કરાયેલી ધરપકડ બાદ આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર આરોપી કલ્યાણપુરાનો વતની શિક્ષક મુકેશ પટેલ પોલીસ ધરપકડથી દૂર રહેતા અનેક તર્કવિતર્ક સજાર્યા હતા. જો કે, પોલીસે ભારે દોડધામ બાદ કડી પોલીસે દેત્રોજમાંથી ગત ૨૮મી જુનના રોજ તેની ધરપકડ કરી હતી.ત્યાર બાદ આ લંપટ શિક્ષકને કડી કોર્ટમાં રજુ કરતા એડશિનલ સિવિલ જજ કુમારી પી.કે. વ્યાસે તેના ૮ દિવસના રિમાન્ડ છ જુલાઈ સુધીના મંજુર કર્યા હતા. મંગળવારે આ આરોપી શિક્ષકના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટ સમક્ષ હાજર કરતા કડી પોલીસને કોર્ટે શિક્ષક મુકેશ પટેલને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે તેને સબ જેલમાં ધકેલયો હતો.ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યના શિક્ષણજગતમાં ચકચાર જગાવનાર આ પ્રકરણમાં આ લંપટ શિક્ષકે પોલીસ સમક્ષ પીડિતા અધ્યાપિકા સાથે તેને છેલ્લા બે વર્ષથી સંબધ હોવાનું તેમજ બન્નેની સંમતિથી શારિરિક સંબધો બધાયા હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.



રાજકોટ:વેશ્યાવૃત્તિના ગુનામાં યુવતીના જામીન રદ
કાલાવડ રોડ, જાનકી પાર્કમાં આવેલા વિપ્ર શખ્સના વૈભવી મકાનમાં કૂટણખાનું ધમધમતું હોવાનું આવતા પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે વિપ્ર શખ્સ, એક બંગાળી સગીરા અને પ્રશિલ પાર્કમાં રહેતી કાજલ અશોકભાઇ વાંજા નામની યુવતીને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા.દરમિયાન જેલ હલાવે રહેલી કાજલે જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. અરજીની સુનાવણીમાં સરકાર પક્ષે રોકાયેલા એ.પી.પી. અર્જુન એસ.પટેલની ધારદાર રજૂઆતને ધ્યાને લઇ અદાલતે મહિલા આરોપીની જામીન અરજી ને રદ કરી નાખી હતી.

આણંદ: પરિણીત પ્રેમી યુગલનો કુચિયાદડમાં કરુણ અંત

મારઝૂડ કરતા પતિથી ત્રાસેલી પરિણીતા અને છુટાછેડા લઇ એકલા રહેતા આધેડ વચ્ચે ત્રણ મહિના પહેલાં પાંગરેલા પ્રેમનો કરુણ અંત.આણંદના પ્રેમી યુગલે રાજકોટના કુચિયાદડ ગામની સીમમાં સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. મરનાર બન્ને પરિણીત હતા અને ત્રણ મહિનાથી દિલ મળી જતાં શનિવારે રાત્રે આણંદથી સ્કૂટર લઇને નીકળ્યા બાદ જીવન લીલા સંકેલી લીધી હતી.અરેરાટી ભર્યા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા નજીક કુચિયાદડ ગામે ખોડિયાર હોટેલની પાછળના ખુલ્લા મેદાનમાં મહિલા અને પુરુષ બેભાન હાલતમાં પડ્યા હતા. ઢોર ચરાવવા નિકળેલા માલધારી યુવાને આ અંગે ગામના આગેવાનને જાણ કરતા તુરંત ઇમરજન્સી ૧૦૮ અને પોલીસને બનાવની જાણકારી અપાઇ હતી. ઇમરજન્સી ૧૦૮ના શરદ ઠુમર બેભાન પુરુષને સ્થળ ઉપર જ નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. મહિલાનું હૃદય ધબકતું હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવ સ્થળ પરથી સ્કૂટર, પાણી, ઠંડાપીણા અને કપાસમાં છાંટવાની ઝેરી દવાની બોટલ મળી આવી હતી. જેના પરથી યુગલને ઠંડા-પીણામાં ઝેરી દવા ભેળવી પી ગયાનું મનાય છે. મરનાર આધેડના ખિસ્સામાંથી અશોકભાઇ મગનભાઇ ઠાકોર (ઉ.વ. ૪૮, રહે. આણંદ, ચાર રસ્તા ચોકડી) નામનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું હતું. પર્સમાંથી નિકળેલા વિઝિટિંગ કાર્ડમાં દર્શાવેલ નંબર ઉપર પોલીસે સંપર્ક કરતા મૃતદેહ અશોકભાઇ ઠાકોરનો હોવાનું તેમજ મહિલાનું નામ મુન્ની લાલાભાઇ ઠાકોર (ઉ.વ. ૩૫) હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસ ખિસ્સામાં બહાર આવેલી વિગતો મુજબ અશોકભાઇ પરિણીત હતા. સંતાનમાં બે પુત્ર છે. ત્રણ વર્ષ પહેલાં પત્ની આશા સાથે છુટાછેડા થઇ જતાં એકલા રહી ચાની લારી રાખી ગુજરાન ચલાવતા હતા. મુન્ની ઠાકોર પણ પરિણીત હતી. પતિ કાયમ ત્રાસ ગુજારતા હોવાથી અશોકભાઇ પડોશી નામે દંપતીને સજાવટ માટે જતાં કોઇ મુન્ની અને અશોક વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા.શનિવારે ફિલ્મ જોવાનું કહીને અશોકભાઇ પ્રેમિકા મુન્નીને સ્કૂટર પાછળ બેસાડીને ગયા પછી બન્ને લાપતા થઇ ગયા હતા. પરિવારજનો બન્નેની શોધખોળમાં હતા ત્યારે રાજકોટ પોલીસે બન્નેના મૃતદહે મળ્યાની જાણ કરી હતી. અંતિમવિધિ માટે મૃતદેહ સંભાળવવા બન્નેના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા છે.


આજે તમારો જન્મદિવસ છે: વજુભાઇ

રાજકોટ જન્મદિવસની ઉજવણી નિમિત્તે આતશબાજી પૂર્વે આગેવાનોએ ઉપસ્થિત મેદનીને સંબોધી હતી અને આ આનંદના અવસરની શુભેચ્છા પાઠવી હતી. વજુભાઇ વાળાએ તો લોકોને આ ઉત્સવ પોતાનો જ છે તેવું માનવા અનુરોધ કર્યો હતો.
વજુભાઇ વાળાએ જણાવ્યું કે, આ સ્થાપના દિવસ ઉજવવાની પ્રેરણા આપીને રાજકોટના લોકોને પોતાનો કહેવાય તેવો એક ઉત્સવ આપ્યો છે. અહીં જયારથી ભાસ્કર આવ્યું ત્યારથી તે લોકોની લાગણી સાથે તાલ મિલાવીને ચાલે છે, તેમણે કહ્યું કે માણસ પાસે કેટલી સંપત્તિ છે તે મહત્વનું નથી પરંતુ તે જીવનની નાની નાની બાબતોમાંથી કેવી રીતે આનંદ મેળવી શકે છે તે અગત્યનું છે. આતશબાજી માણવા આવેલા લોકોને તેમણે કહ્યું કે રાજકોટનો જન્મદિવસ આજે છે પરંતુ તમે એવું માનજો કે તમારો સૌનો આજે જન્મદિવસ છે. રાજ્ય સરકાર તરફથી તેમણે રાજકોટવાસીઓને શુભેચ્છા આપી હતી.મેયર સંધ્યાબેન વ્યાસે જણાવ્યું કે આજે આપણા માટે એક અનેરો અવસર છે, આપણું આ શહેર તેના અસ્તિત્વના ૪૦૦ વર્ષ પૂર્ણ કરે છે. સતત વિકાસ અને પ્રગતિ આ શહેરની તાસીર રહ્યા છે, અને તેમ છતાં લોકો અહીં જીવન માણે છે. યુવરાજ માંધાતાસિંહે કહ્યું કે સામાન્ય રીતે લોકો ઉત્સવોમાં સમાઇ જતા હોય છે, આ પ્રસંગમાં તો ઉત્સવ આખો લોકોમાં સમાઇ ગયો છે, રાજકોટના લોકોએ આજે આટલા વર્ષે પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે. આ એક હરખનું ટાણું છે અને આ ઉજવણીની સાથે જ આપણે શહેરના સતત વિકાસ અને સુખાકારી માટે સંકલ્પ કરવાનો છે. ત્યારે આજે આ દિવસ ઉજવવાનો આનંદ તો સવિશેષ છે અને રાજકોટના લોકોને આ ઉત્સવ આપવા માટે અમે નિમિત્ત બન્યા તેનો અમને સૌથી વધારે આનંદ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટના ૪૦૧માં જન્મદિને કેક ભેટ ધરવાનું સૌજન્ય યાર્ડના વેપારીઓને પ્રાપ્તથયું છે તે ખુશીની વાત છે.એમણે રાજકોટ અને રાજકોટવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

રાજકોટના ટ્રાફિક પોલીસની અનોખી ઉજવણી દંડના બદલે ફૂલ

નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવાના બદલે ફૂલ આપી નિયમોની સમજ આપી. રાજકોટના ૪૦૧માં જન્મ દિવસની ટ્રાફિક પોલીસે પણ અનોખી રીતે ઉજવણી કરી હતી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવાના બદલે વાહન ચાલકોને ફૂલ આપી મોઢા મીઠા કરાવ્યા બાદ ટ્રાફિક નિયમ અંગે સમજ આપી હતી.ટ્રાફિક શાખાના ઇન્સપેક્ટર એચ.કે. રાણાએ શહેરના જન્મ દિવસની ઉજવણી સાથે નાગરિકોને ટ્રાફિક નિયમનની જાણકારી પણ આપી શકાય તેવા અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સવારે જિલ્લા પંચાયત ચોકમાં ડીસીપી મયંકસિંહ ચાવડા, દિવ્ય ભાસ્કરના તંત્રી કાનાભાઇ બાટવા, ટ્રાફિક શાખાના ઇન્સપેક્ટર એસ.કે. રાણા, ફોજદાર એસ.એસ. જાડેજા, મદદનીશ બી.કે. જાડેજા, દડુભાઇ સહિતના સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ વાહન ચાલકોને ગુલાબના ફૂલ અર્પણ કરી શહેરના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.ત્રિપલ સવારી, રોગ સાઇડ, લાઇસન્સ ન હોવું, ફેન્સી નંબર પ્લેટ, જેવા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કે દંડ ફટકારવાના બદલે ટ્રાફિક પોલીસે મોઢા મીઠા કરાવી ફૂલ સાથે ટ્રાફિક નિયમોની સમજ આપતી પત્રિકા આપી હતી. તેમજ વાહનમાં માતા-પિતા સાથે નિકળેલા ટાબરિયાઓને ચોકલેટ આપી રાજકોટના બર્થ ડેની અનોખી ઉજવણી કરી હતી.

હવે બોલિવૂડના સ્તરની ગુજરાતી ફિલ્મો બની રહી છે : મોના થીબા

ગુજરાતી ફિલ્મો એટલે ઢોલના તાલ, ઘોડાની હણહણાટી, બંદૂકના ભડાકા અને વલગર કોમેડી, એવી છાપ વર્ષોથી પ્રજાના મનમાં પથ્થરની લકીરની જેમ અંકિત છે. પરંતુ ગુજરાતી ફિલ્મોની હિરોઇન મોના થીબા આ વાત સાથે જરા પણ સંમત નથી. તે કહે છે, આ ઇમેજ હવે બદલાવવાની જરૂર છે. હવે ગુજરાતી ફિલ્મો પણ ટેકનિકલી સાઉન્ડ બને છે. તેમાં પણ શહેરી પરિવેશ, મોડર્ન માહોલ છે. અને ખીરસરા પેલેસના ઉપક્રમે યોજાયેલા ફેશન-શોમાં આવેલી મોના થીબાએ આજે આ વાત કરીને ગુજરાતીઓને પોતાની ભાષાની ફિલ્મો જોવા અનુરોધ કર્યો હતો.લાવણ્યમયી, રૂપગર્વિતા કહી શકાય તેવી ગુજરાતી હિરોઇન મોના થીબાએ જણાવ્યું કે હવે ગુજરાતી ફિલ્મો ગ્રામ પરિવેશમાં જ હોય તેવું નથી. મેં છેલ્લે જે ચાર ફિલ્મો કરી તેમાં ક્યાંય ભૂવા કે ડાકલા આવતા નથી. હિરો-હિરોઇન મોબાઇલ ફોન, લેપટોપ યૂઝ કરે છે. હવે હિરો કેડિયું ને ચોરણી નહીં પરંતુ જિન્સ-ટી-શર્ટ પહેરે છે. ઇંગ્લીશમાં વાતો કરે છે, ફોરેન રિટર્ન હોય છે.વસવસો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે હિન્દી ફિલ્મો પણ નબળી હોય જ છે પરંતુ લોકો તે જોયા પછી તેની ટીકા કરે છે ગુજરાતી ફિલ્મો જોયા વગર જ તેના માટેનો અણગમો વ્યક્ત થઇ જાય છે, લોકોએ એટલિસ્ટ થિયેટરમાં આવવું તો જોઇએ ને! ગુજરાતી ફિલ્મોનું સ્તર હવે ઊંચું આવ્યું છે તેની ખાતરી કરવા પણ ફિલ્મો જોવાય તે જરૂરી છે,ઉચ્ચ વર્ગ આ ફિલ્મો જોવે તે માટે મલ્ટિપ્લેક્સવાળાએ પણ એકાદ શો રાખવો જોઇએ.મોડેલિંગ વ્યવસાય અંગે મોનાએ કહ્યું કે સારા પરિવારના છોકરા-છોકરીઓ પણ હવે આ ફિલ્ડમાં છે. જો વ્યક્તિ પોતે ગરિમા ગુમાવ્યા વગર કામ કરે કે જાળવે તો કોઇ તેનું શોષણ કરી શકે નહીં. ગુજરાતમાં મોડેલિંગના પ્રોફેશનની તકો હવે વિસ્તરી રહી છે. મોનાએ કહ્યું કે ફેશન-શોમાં સુરૂચિ જળવાતી હોય તો તેના આયોજન સામે વિરોધ ન હોવો જોઇએ.મોના માધુરી દિક્ષિતને પોતાની આદર્શ માને છે અને પોતાના પિતાના સંઘર્ષને પણ પ્રેરણાત્મક ગણાવે છે, સદમા માં જે ભૂમિકા શ્રીદેવીએ કરી હતી તેવો રોલ કરવાનું તેનું સપનું છે.

જામનગર નજીક આવેલા દરેડ જીઆઇડીસીમાં ૨૩ લાખની વીજચોરી ઝડપાઇ

ફેસ-ર અને ૩માં ૬૮ ટીમોએ ચૂસ્ત બંદોબસ્ત સાથે કરેલી કાર્યવાહી.જામનગર નજીક આવેલા દરેડ જીઆઇડીસીમાં વીજ કંપનીની વીજીલન્સ શાખાએ મેગા ઓપરેશન હાથ ધરી રૂ.૨૨.૯૮ લાખની વીજચોરી પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે. ફેસ-ર અને ૩માં ૬૮ ટીમો ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. ચેકીંગ દરમિયાન કુલ ૮૯૨ વીજ જોડાણોમાંથી ૬૨માં ગેરરીતિ ખુલી હતી.જામનગરમાં ઔદ્યોગિક વિસ્તારોમાં વ્યાપક વીજચોરી અને ટી એન્ડ ડી લોસના પ્રમાણમાં વધારાની વ્યાપક ફરિયાદો ઉઠતા ઘણા લાંબા સમય બાદ પીજીવીસીએલ દ્વારા આજરોજ દરેડના જીઆઇડીસી ફેસ-ર અને ૩માં સઘન ચેકીગ કરવામાં આવ્યુ હતું. વડોદરા વીજીલન્સની સુચના અનુસાર સવારથી ફેસ- અને ૩માં હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનમાં વીજીલન્સની ૬૮ ટુકડીઓ ત્રાટકી હતી. જેમાં ગુજરાતના જુદા-જુદા શહેરોની ૫૮ સ્ક્વોર્ડ અને ૧૦ સ્થાનિક સ્ક્વોર્ડનો સમાવેશ થાય છે.સવારથી સાંજ સુધી ચેકીગ ઓપરેશન દરમિયાન વીજકંપનીના અધિકારીઓએ કુલ ૮૯૨ વીજજોડાણ તપાસ્યા હતાં. જેમાં ૪૦૪ ઔદ્યોગિક વીજજોડાણોમાંથી ૫૫માં અને ૪૮૫ ધંધાદારી વીજજોડાણોમાંથી ૭ મળી કુલ ૬૨ વીજજોડાણોમાં ગેરરીતિ ખુલતા કુલ રૂ.૨૨.૯૮ લાખની વીજ આકારણી કરવામાં આવી હતી. વીજ ચેકીંગ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વીજકંપની દ્વારા એક પોલીસ સ્ક્વોર્ડ અને ૭૩ એક્સ આર્મીના જવાનોને સાથે રાખી કામગીરી કરવામાં આવી હતી.પોલીસ સ્ક્વોર્ડ અને એક્સ આર્મીના જવાનોએ ચેકીંગ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. અત્રે નોંધનિય છે કે, ઘણા લાંબા સમય બાદ ઔદ્યોગિક વિસ્તારમાં એકાએક ચેકીગ કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો.

કલ્યાણપુરનું તાલુકા મથકના સ્થળાંતર સામે વિરોધ

કલ્યાણપુરનું તાલુકા મથક ભાટિયા ખસેડવાની હિલચાલનાં વિરોધમાં તાલુકા સરપંચ મંડળે જિલ્લાના કોંગ્રેસી આગેવાનોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.કલ્યાણપુર તાલુકા સરપંચ મંડળના પ્રમુખ રસિકભાઇ તન્નાની આગેવાની હેઠળ નગડીયા, હરીપર, કલ્યાણપુર, ખીજદડ વગેરે ગામોનાં સરપંચોએ એકત્ર થઇ તાલુકા મથક અન્યત્ર ખસેડવાનાં વિરોધમાં જામનગરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવાયુ છે કે, કલ્યાણપુરથી ભાટિયા તથા રાવલ વિસ્તારના ગામો સમાન અંતરે આવેલા છે. ત્યારે તાલુકાની કચેરીઓ ભાટિયા ખસેડવામાં આવે તો રાશનકાર્ડ, પ્રમાણપત્રો જેવા કામો માટે લોકોને ભાટિયા ધકકા ખાવા પડે.વળી, તાલુકાના લોકોની સરળતા અને સુવિધાઓને ધ્યાનમાં લીધા વગર માત્ર વહીવટકારોની સરળતાને ધ્યાનમાં લઇ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હિલચાલના અનુસંધાને કલ્યાણપુરમાં સરકારી કચેરીઓનાં બાંધકામ પણ અટકાવી દેવામાં આવ્યા છે. જે ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. આવેદન પાઠવતી વખતે ભીખુભાઇ વારોતરીયા, મુળુભાઇ કંડોરીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં.


અમેરિકામાં રહેતા નોન-ઈમિગ્રન્ટમાં સૌથી વધુ ભારતીયો

અમેરિકન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં રહેતા નોન-ઈમિગ્રન્ટમાં સૌથી વધુ ભારતીયો છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં 1.83 મિલિયન નોન-ઈમિગ્રન્ટ છે.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના(ડીએચએસ) જણાવ્યા પ્રમાણે 2008ના વર્ષમાં અમેરિકામાં ભારતીય નોન-ઈમિગ્રન્ટની સંખ્યા ચાર લાખ હતી. ત્યાર બાદ બીજા ક્રમે કેનેડા(150000) અને સાઉથ કોરિયા(140000) આવે છે.ડીએચએસ દ્વારા સપ્ટેમ્બર 2008ના રિપોર્ટને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી માહિતીના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં રહેતા અડધાથી પણ વધારે એટલે કે 53 ટકા નોન-ઈમિગ્રન્ટો એશિયાના દેશોમાંથી આવે છે. જેમાં ભારતમાંથી આવેલા નોન-ઈમિગ્રન્ટો સૌથી વધારે એટલે કે 22 ટકા હતાં. જ્યારે સાઉથ કોરિયા(8 ટકા), ચીન(7 ટકા), જાપાન(6 ટકા) અને તાઈવાનમાંથી આવેલા નોન-ઈમિગ્રન્ટોનું પ્રમાણ 2 ટકા હતું.અમેરિકામાં રહેલા નોન-ઈમિગ્રન્ટમાં કામચલાઉ કામદારો, વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને રાજદ્વારીઓ, તેમજ કામચલાઉ કામ માટે કાયદેસર રીતે રોકાયેલા લોકોનો સમાવેશ થાય છે.


ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા પોલીસ દ્વારા પોલીસનું જ 'સ્ટિંગ ઓપરેશન'

સામાન્ય રીતે પત્રકારો દ્વારા વહિવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવા માટે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ, દિલ્હી પોલીસમાં રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ખુદ પોલીસ દ્વારા જ પોલીસનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
દિલ્હી પોલીસની વિજલન્સ બ્રાન્ચના કહેવા પ્રમાણે, વિભાગમાં રહેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા માટે તેમના દ્વારા વિવિધ જાસુસી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ પહેલું એવું પોલીસ તંત્ર છેકે, જે આ પ્રકારના પગલાં લઇ રહ્યું હોય.જોઇન્ટ પોલીસ કમિશ્નર વિજિલન્સ એન. દિલીપ કુમારના કહેવાપ્રમાણે, આ રીતે તેમણે ભ્રષ્ટાચારના પચાસ કેસોને ઉઘાડા પાડ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, સ્ટિંગ ઓપરેશન્સ માટે તેઓ ઉચ્ચ અધિકારીઓને જ પકડે છે. કારણકે, તેઓ જ નીચેના પાયાના કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે પ્રેરતા હોય છે. જરૂર પડ્યે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવે છે અને દરેક કેસ માટે અલગ ટેક્નિક વાપરવામાં આવે છે.તેમના કહેવા પ્રમાણે, સમગ્ર પ્રક્રિયામાં ગુપ્તતા રાખવામાં આવે છે અને પછી પૂરાવા ઊભા કરવા જાસુસી સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમને આશા છેકે, આ રીતે દિલ્હી પોલીસમાં ભ્રષ્ટાચાર ઘટશે.

ટીમ ઈન્ડિયાના સ્પીનર હરભજન સિંહ ના જીવનમાં નવી પ્રેમિકા?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના લગ્ન રવિવારના રોજ યોજાઈ ગયા. હવે, ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ પણ લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો છે તેમ લાગી રહ્યું છે. ભજ્જીના જીવનમાં નવી છોકરી આવી છે.ધોનીના લગ્નમાં ભજ્જી સવારે 3 વાગે આવ્યો હતો. આટલા મોડા આવવાનું કારણ ભજ્જીએ આપ્યું હતું કે, તે મુંબઈમાં પોતાની પ્રેમિકાનો જન્મદિવસ માનવવા માટે રહ્યો હતો.હરભજન અને તેની પ્રેમિકા ગીતા બસરા વચ્ચેના સંબંધોનો અંત આવ્યો છે. સૂત્રોના મતે ભજ્જી અને ગીતા લગ્ન કરવાના હતા પરંતુ તેઓની વચ્ચે મતભેદ થતાં તેઓ અલગ થઈ ગયા છે.ગીતા બસરાનો જન્મ દિવસ 13 માર્ચના રોજ છે એટલે કે ભજ્જીના જીવનમાં ગીતા સિવાય અન્ય કોઈ યુવતી છે તે વાત તો નક્કી છે.હવે, ભજ્જી કોની સાથે પ્રેમની પિચ પર રમી રહ્યો છે તે તો ટૂંક સમયમાં જ ખબર પડી જશે.


ગુજરાત ભાજપ પ્રભારી થવા કોઇ તૈયાર નથી

ગુજરાતને ભાજપ માટે લેબોરેટરી કહેવામાં આવે છે. અહીંની સમૃદ્ધિ તથા અહીં પક્ષની પકડને ભાજપ માટે ગર્વ માનવામાં આવે છે. છતાં, હક્કીત છેકે, ભાજપનો કોઇ વરિષ્ઠ નેતા ગુજરાત ભાજપનો પ્રભારી થવા માટે તૈયાર નથી. જેનું કારણ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છે.ભાજપમાં રહેલા સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ નવીદિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં ભારે હિલચાલ ચાલી રહી છે. કારણકે, પક્ષના અધ્યક્ષ નીતિન ગડકરી દ્વારા રાજ્યોના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવનાર છે. ત્યાં એક-એક પોસ્ટ માટે ત્રણ થી ચાર નેતાઓની દાવેદારી છે. પરંતુ, કોઇએ ભાજપ શાસિત ગુજરાત રાજ્યના પ્રભારી થવા માટે રસ દાખવ્યો નથી.નામ નહીં આપવાની શરતે, ભાજપના એક કેન્દ્રીય નેતાઓ જણાવ્યું હતુંકે, ગુજરાતમાં નરેન્દ્ર મોદીના દરેક બોલને આદેશ ગણવામાં આવે છે. જેના કારણે, પ્રદેશ પ્રભારીની કોઇ વાત માનવામાં નથી આવતી. નરેન્દ્ર મોદી જ દરેક બાબતોમાં નિર્ણય લે છે અને તે સિવાય તેઓ કોઇનું સાંભળતા નથી. આથી ભાજપનો કોઇપણ વરિષ્ઠ નેતા ગુજરાત ભાજપનો પ્રભારી થવા તૈયાર નથી.ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિર્ષદ પદાધિકારીઓની બેઠક થઇ હતી. જેમાં સંઘે નીતિન ગડકરીને નિર્દેશ આપ્યા છેકે, તેઓ રાજ્ય પ્રભારીઓની નિમણુંકને સત્વરે હાથ ધરે અને યોગ્ય વ્યક્તિઓની નિમણુંક કરે.


કેનેડાની યાત્રાએ ગયેલા બ્રિટનના રાણીના નવા વસ્ત્રો ખૂટી ગયા!

કેનેડાની યાત્રાએ ગયેલા બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથે અગાઉ પહેરેલો કિંમતી ગાઉન ફરી વાર પહેર્યો હોવાની મીડિયાએ ટીકાત્મક નોંધ લીધી હતી.તેમણે ગયા વર્ષે વેસ્ટ ઇન્ડઝિની યાત્રા વખતે પહેર્યો હતો. તે જ ગાઉન ટોરન્ટોની એક પાર્ટીમાં રીસાઇક્લિંગ કરીને પહેર્યો હતો. આ માટે રાણીની ડ્રેસર અને પી.એ. એન્જેલા કેલી અને તેની ટીમની ટીકા થઇ રહી છે.


કદાચ 2016 બાદ થંભી જશે બોલ્ટની દોડ!

ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચૂકેલો જમૈકાના સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટે મંગળવારના રોજ જાહેર કર્યુ હતું કે 2016માં રિયો ડી જાનેરોમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ બાદ તેની રેકોર્ડ બ્રેક કારકિર્દીનો અંત આવશે.તેણે કહ્યું હતું કે મારૂ લક્ષ્ય બે વધુ બે ઓલિમ્પિક્સ રમવાનું છે. હું 2016માં બ્રાઝિલમાં રમાનારા ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લઈશ. ત્યાર બાદ હું ઓલિમ્પિકમાં ભાગ નહીં લઉ.ઓલિમ્પિક અને 100 તથા 200 મિટરમાં વર્લ્ડ ચેમ્પિયન રહેલો તથા વર્લ્ડ રેકોર્ડ બનાવનારા બોલ્ટે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત જણાવી હતી.ઓગસ્ટમાં 24 વર્ષમાં પ્રવેશનાર બોલ્ટે કહ્યું હતું કે તે કદાચ લાંબી કૂદ અથવા તો 400 મિટર જેવી અન્ય રમતોમાં ભાગ લેવાની તૈયારી કરશે.તેણે કહ્યું હતું કે જો તમે સતત રેકોર્ડ તોડતા રહો તો પછી તમને થોડો કંટાળો આવવા લાગશે. તમે અન્ય કોઈ કામ પાર પાડી શકો નહીં. હું સ્પોર્ટ્સ લિજેન્ડ બનવા ઈચ્છુ છું. લંડનમાં રમાનારા ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ હું અન્ય કોઈ રમત માટે પ્રયત્નો કરીશ.બોલ્ટે જણાવ્યું હતું કે અત્યારે તે તેનું એક જ ધ્યેય છે કે જ્યાં સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક રમાવાના નથી ત્યાં સુધી તે અજેય રહે.


ધોની: કેવી રહી તેની રાંચીથી આતંરરાષ્ટ્રીય સ્તરની યાત્રા.

આજે એટલે કે 7 જુલાઈના રોજ રાંચીમાં જન્મેલો મહેન્દ્ર સિંહ ધોની આજે આંતરરાષ્ટ્રીય ચહેરો બની ગયો છે. ક્લબ કક્ષાથી ક્રિકેટ રમવાની શરૂઆત કરીને આજે ધોની ટીમ ઈન્ડિયાનો સુકાની બની ગયો છે. ફક્ત સુકાની જ નહીં તે ભારતનો સૌથી સફળ સુકાની બની ગયો છે.ધોનીએ તેની આગેવાની ભારતને ઘણી ઐતિહાસિક જીત અપાવી છે. એટલું જ નહીં તેણે વર્ષ 2007માં રમાયેલા ટી20 વર્લ્ડ કપ જીતીને ભારતને 1983 બાદ વર્લ્ડ કપ અપાવ્યો હતો. મેદાનમાં સફળ રહેલો ધોની જાહેરખબરોમાં પણ છવાઈ ગયો છે અને હાલમાં જ તે અરબપતિ ક્રિકેટર બની ગયો છે. તથા રવિવારના રોજ તેણે તેની સ્કૂલની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરીને જીવનની નવી ઈનિંગ્સ શરૂ કરી છે.તમે પણ મહેન્દ્ર સિંહ ધોનીને તેના જન્મદિવસ નિમિત્તે ફિડબેક દ્વારા તમારી શુભેચ્છાઓ પાઠવો.તો જાણો કેવી રહી તેની રાંચીથી આતંરરાષ્ટ્રીય સ્તરની યાત્રા. ધોનીના જન્મદિવસે ધોનીના જીવન અને ક્રિકેટ કારકિર્દી પર એક નજર નાંખીએ....
જન્મ તારીખ – 7 જુલાઈ, 1981
જન્મ સ્થળ – રાંચી, બિહાર (હાલના ઝારખંડમાં)
માતા – દેવકિ દેવી
પિતા – પાન સિંહ
પત્ની – સાક્ષી રાવત (23 વર્ષ). સાક્ષી તેની સાથે સ્કૂલમાં ભણતી હતી.
લગ્ન તારીખ – 4 જુલાઈ, 2010.
પૈતૃક ગામ – ઉત્તરાખંડના અલમોરા જિલ્લાનું લેવાલી ગામ.
- બહેન જયંતિ અને ભાઈ નરેન્દ્ર
- ગયા વર્ષે તે સૌથી વધુ ઈન્કમટેક્ષ ભરનારો ખેલાડી બન્યો હતો.
- ધોની એડમ ગિલક્રિસ્ટનો ફેન છે. તેના બાળપણના આદર્શોમાં સચિન તેંડુલકર, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ગાયિકા લતા મંગેશકર હતા.- ભણતર – ડીએવી જવાહર વિદ્યા મંદિર, શ્યામલી, રાંચી. (હાલમાં આ સ્કૂલ જેવીએમ, શ્યામલિ તરીકે જાણીતી છે). તેની પત્ની સાક્ષી પણ આ જ સ્કૂલમાં ભણી હતી.
- ક્રિકેટ ઉપરાંત ધોની બેડમિન્ટન અને ફૂટબોલમાં પણ માહેર છે અને તે ક્લબ અને જિલ્લા સ્તરે આ રમતોમાં ભાગ લઈ ચૂક્યો છે. તે તેની ટીમનો ગોલકિપર હતો અને તેને તેના ફૂટબોલ કોચે સ્થાનિક ક્રિકેટ ક્લબમાં ક્રિકેટ રમવા મોકલ્યો હતો.
- તેણે 1998-99માં બિહાર તરફથી રમવાની શરૂઆત કરી હતી.
- 2004માં કેન્યા પ્રવાસ માટે ઈન્ડિયા-એમાં સ્થાન પામ્યો હતો.
- ડિસેમ્બર 2004માં ઢાકા ખાતે બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકટેમાં પગરવ માંડ્યા હતા. પરંતુ શૂન્ય રને આઉટ થયો હતો.
- ઓક્ટોબર 2005માં શ્રીલંકા સામે રમાયેલી વન ડેમાં અણનમ 183 રન ફટકાર્યા હતા. આ તેની અત્યાર સુધીની વન ડે કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે. કોઈ પણ વિકેટકિપર તરીકે આ વિશ્વનો સૌથી સર્વોચ્ચ સ્કોર છે.
- ડિસેમ્બર 2005માં તેને બીસીસીઆઈ દ્વારા બી ગ્રેડ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલા તે સી ગ્રેડમાં હતો.
- ડિસેમ્બર 2005માં ચેન્ના ખાતે શ્રીલંકા સામે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
- 20 એપ્રિલ, 2006ના રોજ રિકી પોન્ટિંગને હટાવીને વન ડે ક્રિકેટનો વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો હતો.
- માર્ચ 2007માં વેસ્ટ ઈન્ડિઝ ખાતે રમાયેલા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે શૂન્ય રને આઉટ થયો હતો. ભારત આ વર્લ્ડ કપમાંથી શરમજનક રીતે બહાર ફેંકાઈ ગયું હતુ. જેના કારણે પ્રશંસકોએ રાંચીમાં તેની સામે દેખાવો કરતા તેને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.- જૂન 2007માં તેને એ ગ્રેડમાં સમાવવામાં આવ્યો હતો.
- જૂન 2007માં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેને વન ડેનો ઉપ-સુકાની બનાવવામાં આવ્યો હતો.
- 2 સપ્ટેમ્બરમાં તેણે વન ડેમાં સૌથી વધુ શિકાર કરવાના ગિલક્રિસ્ટના રેકોર્ડની બરોબરી કરી હતી. (5 કેચ અને 1 સ્ટમ્પિંગ)
- સપ્ટેમ્બર 2007માં ટી20 વર્લ્ડ કપ માટે ધોનીને સુકાની બનાવવામાં આવ્યો હતો.
- અનિલ કુંબલે ઈજાગ્રસ્ત થતા એપ્રિલ 2008માં દક્ષિણ આફ્રિકા સામે તેને ટેસ્ટ સુકાનીનું પદ સોંપવામાં આવ્યું હતું.
- નવેમ્બર 2008માં નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટથી ધોનીને ટેસ્ટનો નિયમિત સુકાની બનાવવામાં આવ્યો હતો.
- ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો સુકાની. તથા ધોની પ્રથમ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી હતો.- 2010માં રમાયેલી આઈપીએલ-3માં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું.


ફૂટબોલ ફાઈનલની એક ટિકિટ માટે ખૂંખાર મગરોની નદીમાં તર્યો

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા ફૂટબોલનો મહાકુંભ ફિફા વર્લ્ડ કપ હવે પૂરો થવામાં જ છે. 11મી જુલાઈના રોજ ફિફા વર્લ્ડ કપની ફાઈનલ સાથે આ મહાકુંભની પૂર્ણાહૂતિ થશે. જો કે ફૂટબોલનો ક્રેઝ અને ફૂટબોલ પાછળનું ગાંડપણ કેટલું છે તે આપણને છેલ્લા એક મહિનામાં ખબર પડી ગઈ.દુનિયમાં કરોડો લોકો ફૂટબોલના દિવાના નહીં પણ ફૂટબોલ પાછ ગાંડા છે. તથા તેમની પસંદગીના ફૂટબોલ ખેલાડી અને ફૂટબોલની મેચ જોવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તાજેતરમાં આવી જ એક ઘટના જ્યાં ફૂટબોલનો મહાકુંભ ચાલી રહ્યો છે તેવા દક્ષિણ આફ્રિકામાં બની હતી.વાત એમ છે કે જોહનિસબર્ગના સોકર સિટી સ્ટેડિયમ ખાતે યોજાનારી ફાઈનલ મેચને એક ટિકિટ મેળવવા માટે એક વ્યક્તિ ખૂંખાર મગરમચ્છોના ઘર ગણાતી ક્રોકોડાઈલ નદીમાં તર્યો હતો.32 વર્ષિય મૌરિસ મેયેર દક્ષિણ આફ્રિકાના નેલ્સપ્રુટનો ઉદ્યોગપતિ છે. તેણે એક ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ મેચની એક ટિકિટ જીતવા માટે ચાલી રહેલી એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે અંતર્ગત તે ક્રોકોડાઈલ નદીમાં 60 મીટર (યાર્ડ)માં તર્યો હતો.પ્રિટોરિયામાં આવેલા એક રેડિયો સ્ટેશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં જે વ્યક્તિ પોતાના સાહસથી સ્પર્ધાના જજને પ્રભાવિત કરે તે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ જીતી જશે. આ સ્પર્ધાના વિજેતાની જાહેરાત ગુરૂવારના રોજ કરવામાં આવશે.પરંતુ તેઓ 20 મિનિટ સુધી તર્યા હતા. અમારે 20થી 30 મિટર સુધીના અંતરમાં ત્રણ મિનિટ માટે તરવાનું હતું પરંતુ અમે ગાંડાની જેમ તર્યા હતા, તેમ મૌરિસે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે પાછા ફરતી વખતે થોડો દૂર નિકળી જવાના કારણે અને સામા પ્રવાહે તરવાનું હોવાથી બહાર આવવા માટે અમે દોરડાની મદદ લીધી હતી.જો કે આ સ્પર્ધાના અન્ય સ્પર્ધકોએ રેડિયો સ્ટેશનમાં પોતાના શરીરને વેક્સ કરાવ્યું હતું તથા કેટલાક લોકોએ ટેટુ છુંદાવ્યા જેવી સરળ પ્રવૃત્તિઓ કરી હતી.પરંતુ તે તમામ લોકો કરતા મૌરિસનો પ્રયત્ન વધારે ખતરનાક હતો. એટલું જ નહીં વર્લ્ડ કપ પહેલા તે ફૂટબોલનો સમર્થક પણ નહોતો. પરંતુ નેલ્સપ્રુટમાં રમાયેલી ફૂટબોલની મેચોમાંની કેટલીક મેચો જોયા બાદ તેનું મન ફૂટબોલ પ્રત્યે આકર્ષાયું હતું. બાદમાં તેણે દક્ષિણ આફ્રિકા અને આર્જેન્ટિનાનો પ્રશંસક બની ગયો હતો.

No comments:

Post a Comment