07 July 2010

સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિવારની મધરાતથી ૪ ઇંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિવારની મધરાતથી ૪ ઇંચ વરસાદ

વેરાવળમાં ૩ ઇંચ, સૂત્રાપાડમાં પોણા બે અને કાલાવડમાં સવા બે ઇંચ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે ઝાપટાથી માંડી સવા બે ઇંચ ખાબક્યોસમગ્ર સૌરાષ્ટ્રમાં શનિવારની મધરાતથી શરૂ થયેલો વરસાદ મંગળવારની સાંજ સુધી અવિરત રહ્યો છે. ત્રીજા દિવસે કાઠિયાવાડમાં શ્રીકાર વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અડધા થી ૪ ઇંચ વધુ પાણી પડી ગયું હતું. આકાશમાં હજુ પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે ત્યારે વધુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. હવામાન ખાતાએ પણ ભારે વરસાદની આગાહી કરી છે.જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં પોણા ચાર ઇંચથી વધુ નોંધાયો હતો. જ્યારે જામનગર શહેર, જામજોધપુરમાં ૧ ઇંચ અને જોડિયામાં પોણા બે ઇંચ પાણી પડ્યું હતું. કાલાવડમાં સાંજે ૪ થી ૬ બે કલાક દરમિયાન સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. લાલપુરમાં પણ અડધો ઇંચ પાણી પડી ગયું હતું.

સોરઠમાં દરિયા કિનારાના શહેર વેરાવળમાં વધુ ત્રણ ઇંચ વરસાદ પડી જતાં નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. સુત્રાપાડામાં પણ અઢી ઇંચ વરસાદ થયો હતો. કોડીનારમાં ૧ ઇંચથી વધુ જ્યારે જિલ્લાના અન્ય શહેર અને ગામડાઓમાં માત્ર ઝાપટાં પડ્યા હતા. પોરબંદર પંથકમાં પણ સવારથી બપોરે ૪ વાગ્યા સુધીમાં સર્વત્ર એક ઇંચ વરસાદ થયો હતો. બરડા પંથકમાં મોડી સાંજ બાદ ધીમી ધારે ચાલુ થયો હતો.રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ઉપલેટામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં અડધો ઇંચ જ્યારે ગ્રામ્ય પંથકમાં ૧ થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં બપોરે ૪ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. જસદણમાં અડધો ઇંચ જ્યારે કોટડાસાંગાણી અને જામકંડોરણામાં ઝાપટાં પડ્યા હતા.ઝાલાવાડમાં એકમાત્ર લીંબડીમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. ચુડા અને વઢવાણમાં ઝાપટા પડ્યા હતા. અમરેલી શહેર અને પંથકમાં સતત ત્રીજા દિવસે ઝાપટાંથી માંડી સવા બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના વાવડ મળે છે. સૌથી વધુ લીલિયામાં સવા બે ઇંચ જ્યારે રાજુલામાં બે ઇંચ પાણી પડી ગયું હતું. અમરેલી અને જાફરાબાદમાં એક-એક ઇંચ જ્યારે બગસરા, ખાંભા અને લાઠીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.ગોહિલવાડમાં પણ સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી હતી. ૧૧ તાલુકાઓ પૈકી સાતમાં ઝાપટાંથી માંડી ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો. મહુવામાં પોણો ઇંચ જ્યારે ગારિયાધાર, શિહોર અને તળાજામાં અડધો ઇંચથી વધુ વરસાદ થયો છે. ગઢડા અને ઘોઘા પંથકમાં ઝાપટાં પડ્યા હતા.

ગાંધીધામ: જાલીનોટના જથ્થા સાથે પકડતી પોલીસ

રૂ.૫૦૦ની ૨૦ અને રૂ. ૧૦૦ની ૫૦ (કુલ ૧૫ હજાર)ની નકલી નોટ પકડતી પોલીસ : આર્થિક નગરી વધુ એકવાર જાલીનોટમાં ઝળકી.છેલ્લા ઘણા સમયથી નકલી નોટોના કૌભાંડમાં અવારનવાર ગાંધીધામનું નામ બહાર આવ્યા બાદ સોમવારે બી ડીવીઝન પોલીસ મથકે બાતમીના આધારે શહેરના એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી રૂ.૫૦૦ અને ૧૦૦ની કુલ ૧૫ હજારની નકલી નોટો સાથે હોટલ કંડલા ઇનના એકાઉન્ટન્ટને પકડી પાડ્યો હતો.મળતી વિગતો મુજબ એકાદ મહિના અગાઉ જામનગર પોલીસે નકલી નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. જેની તપાસનો રેલો ગાંધીધામ સુધી લંબાયો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ગાંધીધામ ખાતે તપાસ માટે દોડી આવી હતી.ત્યાર બાદ મુન્દ્રા પોલીસે પણ થોડા સમય પહેલાં એક બિહારી શખ્સને રૂ.૧૦૦૦ની નકલી નોટ સાથે પકડ્યા બાદ તપાસમાં પકડાયેલા શખ્સે કચ્છમાં કુલ ૧.૨૦ લાખની નકલી નોટો પધરાવી હોવાની ચોંકાવનારી વિગતો આપી હતી.આ બનાવની વચ્ચે ગાંધીધામનું નામ અવારનવાર બહાર આવતું હતું.તેવામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ સંભાળનારા પીઆઇ ડી.વી. બસિયાને મળેલી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ સ્ટાફે સોમવારે રાત્રે શહેરના સેક્ટર-૧માં આવેલા માનવ મંદિર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૩૦૧માં દરોડો પાડ્યો હતો.ફલેટની તપાસ લેતાં પોલીસને રૂ.૫૦૦ની કુલ ૨૦ નોટો તથા રૂ.૧૦૦ની ૫૦ નકલી નોટોનો જથ્થો હાથ લાગ્યો હતો. કુલ રૂ. ૧૫ હજારની નકલી નોટોના જથ્થા સાથે પોલીસે ફ્લેટ ધારક દેવકરણ રવિકરણ વર્મા (ઉ.વ.૨૩) નામના હરિયાણાના શખ્સની પણ અટક કરી ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, નકલી નોટોના જથ્થા સાથે પકડાયેલો શખ્સ મૂળ હરિયાણાનો છે અને હાલે ગાંધીધામની એક હોટલમાં એકાઉન્ટન્ટનું કામ કરે છે. આ શખ્સ પાસે નકલી નોટોનો આ જથ્થો કેવી રીતે પહોંચ્યો તે સહિતની પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામ: ભારવાળા ભણતર સાથે જોખમી સવારી વાલીઓ સાવધાન!

વાલીઓ સાવધાન! વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી સ્કૂલ રિક્ષા ક્યારેક મોટી દૂર્ઘટના સર્જી શકે છે.વાલીઓ બાળકને શાળાએ પહોંચાડી ન શકતા હોવાથી સ્કૂલ રિક્ષાની વ્યવસ્થા કરી ગમે તે રીતે બાળકની ચિંતામાંથી મુકત થઇ જતા હોય છે. તાજેતરમાં અંજારમાં ખીચોખીચ સ્કૂલ રિક્ષાનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. ગાંધીધામમાં પણ બેફામ રીતે ચાલતા છકડા અને વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી સ્કૂલ રિક્ષા મોટી દુર્ઘટના સર્જી શકે છે.ચાલકો વધુ ધંધો કરવાના મોહમાં બાળકોના જીવન સાથે રમી રહ્યા હોય તેવી ફરિયાદ વાલીગણમાં ઉભી થઇ છે. શહેરમાં મોટી સંખ્યામાં સ્કૂલવાહન દોડી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની જિંદગી સાથે ચેડાં ન થાય એ માટે સંબંધિત તંત્રે કમર કસવી પડશે એવો સૂર ઉઠ્યો છે. કેટલાક વાલીઓના જણાવ્યા અનુસાર સ્કૂલ રિક્ષા ચાલકો મહિનાના ૩૦૦ થી ૩૫૦ રૂપિયા લઇ લેતા હોય છે છતાં બાળકોને છકડામાં બેસવાની યોગ્ય જગ્યા પણ મળતી નથી.કેટલાક સ્કૂલ રિક્ષાવાળા બબ્બે ટ્રીપ કરતાં હોવાથી પહેલી ટ્રીપમાં બેફામ રીતે ચલાવતા નજરે પડે છે. જે જોખમી બની શકે છે. તો કેટલાક રિક્ષાચાલકો વધારે વિદ્યાર્થીઓ બેસાડવાના મોહમાં સ્કૂલ રિક્ષાની બહાર સુધી સીટ લંબાવી પોલીસ કે આરટીઓનો ડર રાખ્યા વિના બેધડક ચલાવતા હોય છે.પોલીસ કે આરટીઓ આ બાબતને ગંભીરતાથી લે તેવું જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે. સ્કૂલ રિક્ષાચાલકો સામે આંખ આડા કાનઅમુક વાલીઓએ આરટીઓ ઉપર એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ડબલ સીટ જતાં ટુ વ્હીલર ચાલકોને અટકાવી દઇ બેધડક રૂપિયા ઉગરાવતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી સ્કૂલ રિક્ષાચાલકોનું તેઓ નામ પણ લેતા નથી. આ અંગે તંત્રએ યોગ્ય પગલાં લઇ સ્કૂલ રિક્ષા પર નિયંત્રણ રાખવા વાલીઓએ માંગ કરી છે.

મુન્દ્રા: ખાનગી સિકયુરિટી જવાનોએ કાળો કેર વર્તાવ્યો

મુન્દ્રા સેઝ ખાતે રવિવારે રાત્રે બોલાચાલી થતાં ખાનગી સિકયુરિટી જવાનોએ મજુરો પર રીતસરનો કાળોકેર વર્તાવ્યો હતો. મજુર વસાહતની મહિલાઓની છેડતી કરનારા સિકયુરિટી જવાનોનો મજુરોએ વિરોધ કર્યો હતો. જેના લીધે બન્ને જુથો વચ્ચે મામલો બિચકતાં ૧૫થી ૨૦ જેટલા સિકયુરિટી જવાનોએ લાકડી અને લોખંડના સિળયા વડે હુમલો કરતાં ૨૪ જેટલા મજુરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં બાળકીઓ અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.ઘટનાના ભોગ બનનાર વેજાભાઇ પરમારે જણાવ્યું હતું કે, મુન્દ્રા સેઝ પાસે આવેલી મજુર વસાહત ખાતે રવિવારે રાત્રિએ આ બનાવ બન્યો હતો. મજુર વસાહતમાં મહિલાઓ અને બાળકીઓ રાત્રિનું જમણ પતાવી વસાહતની બહાર આવેલા વિસ્તારમાં વાસીંદુ વાળતી હતી ત્યારે નશાયુકત હાલતમાં આવેલા ઇન્દ્રા સિકયુરિટીના જવાનોએ યુવતીઓ સાથે બિભત્સ ચેનચાળા કર્યા હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું હતું કે, ઘટનાના પગલે મોટી સંખ્યામાં મજુરી સ્થળ પર આવી જઇ પ્રતિકાર કરતાં સિકયુરિટી જવાનો ચાલ્યા ગયા હતા.થોડીવાર બાદ ફરી ૧૦ થી ૧૫ જેટલા સિકયુરિટી જવાનો ઘટના સ્થળ પર આવી જઇ લોખંડના પાઇપો અને લાકડીઓ વડે આડેધડ સ્થળ પર હાજર રહેલા મજુરો પર હુમલો કર્યો હતો. છેડતીનો ભોગ બનેલી યુવતિના પિતા અને ભાઇને તો ઢોર માર મારી સિકયુરિટી જવાનોએ દૂર નાલામાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં ૨૪થી વધારે મજુરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેઓને અંજાર તથા મુન્દ્રાની જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોર્ટ સ્થિત ખાનગી સુરક્ષા ઓફિસ ઇન્ચાર્જ અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે આવો કોઇ બનાવ બન્યો ન હોવાનું જણાવ્યું હતું. આ અંગે દેવજી ભચુ દાફડા (જંગી,ભચાઉ)ની ફરિયાદને ટાંકીને મુન્દ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ઢાંકપીછાડો કર્યો ! બનાવના પગલે ઘટના સ્થળે ધસી આવેલી પોલીસે ખાનગી સુરક્ષા કર્મીઓ પર પગલાં લેવાના બદલે સમગ્ર ઘટનાને રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ પણ ભોગ બનનાર મજુરોએ કર્યો હતો.


અમિતાભ: ‘ક્યા મૈં જૂતે પહનકર અંદર આ શકતા હૂં?’

ત્રણેક દાયકાથી પણ વધુ સમયથી હિન્દી ફિલ્મોમાં રાજ કરનારા બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સોમવારે માંડવીમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળની મુલાકાત વેળાએ અંદર જતી વખતે ‘ક્યા મૈં જૂતા પહનકર અંદર આ શકતા હૂં?’ કહીને તેમના વિવેક અને સલુકાઇનો પરિચય આપીને ઉપસ્થિત લોકોને પ્રભાવિત કર્યા હતા. જન્મના સ્થળે પ્રવેશતાં જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ખભે અસ્થિકુંભ લઇને ઊભા રહ્યા છે તેવો ફોટો જોઇને તેમજ શ્યામજી કૃષ્ણ વર્માના જન્મથી મરણ સુધીની જીવનની ઝરમર ઉપર તેમણે નજર દોડાવી હતી.શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ભાનુશાળી તેમજ લાઇબ્રેરિયન વાસંતીબેન સંપટે ક્રાંતિવીર શ્યામજી વર્માના જીવન ચરિત્રનું વર્ણન કર્યું હતું અને ત્યાર બાદ શ્યામજી અને ભાનુમતી વર્માના અસ્થિકુંભ પાસે લઇ ગયા હતા. અમિતાભ બચ્ચને અસ્થિકુંભને પુષ્પાંજલિ અર્પીને નતમસ્તકે નમન કર્યું હતું.જન્મ સ્થળની બહાર જતાં આસપાસમાં રહેતા લોકોએ અમિતાભનું હાથ ઉંચા કરીને અભિવાદન કર્યું હતું ત્યારે તેના જવાબમાં આ શહેનશાહે પણ હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. મુખ્યમંત્રી મોદીના આગ્રહને કારણે જન્મસ્થળની મુલાકાતે ગયેલા બચ્ચને ટ્રસ્ટનું મકાન સાંકડી ગલીમાં હોવાથી તેમની કારને દૂર ઊભી રાખીને ચાલતા ટ્રસ્ટના મકાને આવ્યા હતા.શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળની મુલાકાત બાદ અમિતાભે ત્યાં રાખવામાં આવેલી વિઝિટ બુકમાં તેમનો અનુભવ વર્ણવતાં લખ્યું હતું કે, મોસ્ટ ઇમ્પ્રેશિવ મેમોરી, એ ગ્રેટ ફ્રીડમફાઇટર રિસ્પેક્ટ એન્ડ રિગાર્ડ. ત્યાર બાદ તેમણે પોતાની સહી કરીને શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિકાને આઝાદીની લડાઈમાં અવિસ્મરણીય લેખાવી હતી.

ભુજ: ૧૭ કરોડની વિવાદિત જમીન તંત્ર દ્વારા રાજ્યસાત

સ્પેશિયલ મામલતદારના હુકમને કલેક્ટરે રિવિઝનમાં લઇને કડક હાથે કામગીરી કરી જમીન ખાલસા કરતા સન્નાટો. કચ્છમાં ભચાઉ તાલુકાના મીઠાના લીઝની જમીન અને કીડાણાની ઔદ્યોગિક જમીન અંગે ચોકાવનારા હુકમો કર્યા બાદ જિલ્લાના વહીવટી તંત્રે ફરી એકવાર ભુજ શહેરમાં આવેલી ગણોતિયા અને માલિક વચ્ચે વિવાદને કારણે ચર્ચાસ્પદ બનેલી ૧૭ કરોડની માતબર જમીનને રાજ્યસાત કરવાનો હુકમ કરતાં સોંપો પડી ગયો હતો. કલેક્ટરે સ્પેશિયલ મામલતદારના હુકમને રિવીઝનમાં લઇને આ કડક ચૂકાદો આપ્યો હતો.ભુજ શહેરમાં મંગલમ ચાર રસ્તા પર આવેલી સર્વે નંબર ૧૨૨ની ૨.૩૫ ગુંઠા જમીન અંગે ગણોતિયા અને માલિકી હક્ક અંગેનો વિવાદ સ્પેશિયલ મામલતદાર સમક્ષ ચાલ્યો હતો. જેમાં ગણોતિયાએ માલિકના હક્કમાં જમીન નામે કરી દેવાનો હૂકમ કરતાં આ ઓર્ડર અંગે ખાસ્સો એવો વિવાદ જાગ્યો હતો.જેને પગલે કલેક્ટરે સમગ્ર પ્રકરણને સુવોમોટો ગણીને સ્પેશિયલ મામલતદારના હુકમને રિવીઝનમાં લીધો હતો. કલેક્ટર એમ. થેન્નારસન દ્વારા સમગ્ર પ્રકરણને ખૂબજ બારીકાઇ તેમજ કડક રીતે નિરીક્ષણ કરવાને કારણે સરકારને થઇ રહેલું અંદાજે ૧૬ થી ૧૭ કરોડનું નુકસાન અટકી ગયું હતું અને આ વિવાદિત જમીનને બોજા રહીત સરકાર દાખલ કરવાનો હૂકમ કર્યો હતો.


મુંબઇમાં અબડાસાના વતની કચ્છી કવિનું નિધન સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ આપી

મૂળ વાંકુ તા.અબડાસાના વતની જૂની પેઢીના બુઝુર્ગ વડીલ અને ચુસ્ત ખાદીધારી કચ્છી કવિકૃષ્ણદાસ ભીમજી રૂપારેલનું મુંબઇ મધ્યે અવસાન થતાં વિવિધ સંસ્થાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.કૃષ્ણદાસ રૂપારેલ ઘણા વર્ષાથી મુંબઇ વસવાટ કરતા અને ચુસ્ત ખાદીધારી અને કચ્છી કવિતા અને કચ્છી લેખો માટે ઊંડો રસ ધરાવતા તેમજ વતનમાંસેવાકીય કાર્યોમાં સતત સહયોગ આપી વતનનું ઋણ અદા કરવા સદાય તત્પર રહેતા હતા.તેઓને વાંકુ ગ્રામ પંચાયત, વાંકુ સેવા સહકારી મંડળી, પશ્ચિમ કચ્છ ખાદી ભંડાર, ગુજરાત લોહાણા સમાજ સહિતની સંસ્થાઓ શ્રદ્ધાજંલી અર્પી શોક સભાના આયોજન કરાયા હતા. વાંકુના સરપંચ ગોડજી જાડેજા, માજી સરપંચ ભીખુભા જાડેજા, દિલુભા જાડેજા, ખાદી ગ્રામોધ્યોગ સંઘના ચંદુલાલ શાહ, સરકારી મંડળીના પ્રમુખ ખોડુભા જાડેજા, વાંકુ સ્પોર્ટક્લબના પ્રમુખ વિજયરાજજી માસ્તર, વિનોદભાઇ વ્યાસ, અગ્રણી નિરંજનભાઇ રૂપારેલ, રામસંગજી માસ્તર, ગુજરાત લોહાણા સમાજના મંત્રી સુકેતુ રૂપારેલ, શશિકાન્તભાઇ ઠક્કર સહિતના અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાજંલિ અર્પી હતી.


ખડીરમાં ધોળાવીરા પાસે લાસવેગાસ જેવો ‘બાર-કેસીનો ખોલીને સરકાર માફીયા કલ્ચર લાવવા માંગે છે

કાનૂનમાં ફેરફાર કરી અપવાદ તરીકે આવો જોન ખુલી શકે. ખડીરમાં ધોળાવીરા પાસે લાસવેગાસ જેવો કેસીનો ઝોન અને બાર ખોલવાની ગુજરાત સરકારે તૈયાર કરેલી બ્લ્યૂપ્રીન્ટ પર પ્રતિક્રિયા દર્શાવતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કચ્છીમાડુ સુરેશચંદ્ર મહેતાએ જણાવ્યું હતું કે, પ્રસ્થાપિત કાયદાકીય જોગવાઇનો ભંગ કરીને રાજ્ય સરકાર માફિયા કલ્ચર લાવવા માગતી હોય તેવું જણાય છે.વિકાસ હકારાત્મક હોવો જોઇએ. નહીં કે, નકારાત્મક તેવું કહેતા સુરેશભાઇએ એવી આલોચના કરી હતી કે, ગુજરાતમાં દારૂબંધી અને જુગારધારો પહેલેથી જ અમલી છે, ‘ગુજરાતમાં માળખાગત સુવિધાઓની ૨૦૨૦ની બ્લ્યૂપ્રિન્ટ’ને જોતાં કાયદા વિરુદ્ધનું કાર્ય સરકાર કરી રહી હોવાનું સ્પષ્ટ થાય છે, વાસ્તવમાં સરકારોએ કાયદાને અનુસરતી નીતિ નક્કી કરવી જોઇએ, નહીં તો વિધાનસભા પાસે ‘અપવાદ’ની મંજુરી લેવી જોઇએ કે, કાયદામાં સુધારો કરવો જોઇએ.ગુજરાત ડ્રાયસ્ટેટ છે, પણ ખડીરમાં શરાબના બાર ખૂલશે તેમજ જુગાર રમવાની કાયદામાં મનાઇ છે છતાં કેસીનો રૂપી હાટડા ખૂલશે, જો સરકાર આ યોજના અમલી બનાવશે અને ખરેખર આવું થશે તો કચ્છની સંસ્કૃતિને, મોટો ફટકો પડશે, લાસવેગાસ ગુન્હાખોરીની રાજધાની લેખાય છે


દિનેશ-વણઝારા સીઆઇડી ના હવાલે

પૂછપરછ પૂરી થતાં પુન: સીબીઆઇ કોર્ટને હવાલે કરવા આદેશ. આજે સવારે પોલીસ બંને આરોપીઓની કસ્ટડી લેશે. સાદીક જમાલ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરતી રિટની સુનાવણી ઝડપી કરવા અરજી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલમાં રહેલા આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારા અને દિનેશ એમ.એન.ની કસ્ટડી સીઆઇડી ક્રાઇમબ્રાન્ચને સોંપવા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ આદેશ કર્યો છે. સીઆઇડી ક્રાઇમબ્રાન્ચ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી છે . પોલીસ બંને આરોપીઓનો આવતીકાલે બુધવારે સવારે કબજો મેળવે તેવી શક્યતા છે.વિગત એવી છે કે સાબરમતી જેલમાં રહેલા વણઝારા અને દિનેશ એમ.એન.ને તુલસી પ્રજાપતિ કેસમાં ધરપકડ કરવા માટે તેમની કસ્ટડી સોંપવાની પરવાનગી માગતી અરજી સંદર્ભે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તેમની કસ્ટડી સીઆઇડીને તપાસના કામે સોંપવા હુકમ કર્યો છે. સીઆઇડી ક્રાઇમબ્રાન્ચે આ કેસમાં દાંતાની કોર્ટમાંથી મેજિસ્ટ્રેટ એચ.એસ.જોશી પાસેથી બંને આરોપીઓની ધરપકડ માટે વોરંટ જારી કરાવ્યું હતું.જે કોર્ટ સમક્ષ રજૂ કરી એવી રજૂઆત કરી હતી કે બંને આરોપીઓની પૂછપરછ માટે તેમની કસ્ટડી આવશ્યક છે. દલીલોને ધ્યાને લઇ કોર્ટે કસ્ટડી સોંપવા આદેશ કર્યો હતો. તપાસ પૂર્ણ થયે આરોપીની કસ્ટડી પરત સીબીઆઇને સોંપવા પણ આદેશ કર્યો હતો.સાદીક જમાલ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરતી રિટની સુનાવણી ઝડપી કરવા અરજીશહેર ક્રાઇમબ્રાન્ચે સાદીક જમાલના કરેલા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ તપાસની માગ કરતી તેના ભાઇની અરજી અંગે જલદી સુનાવણી હાથ ધરવા તેના ભાઇએ હાઇકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી છે. ૨૦૦૭માં તેણે કરેલી અરજી સુનાવણી પર મુલતવી રહ્યા બાદ તેમાં કોઇ કાર્યવાહી થઇ ન હતી.આ સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમબ્રાન્ચે ૧૩ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ નરોડા ગેલેકસી સિનેમા પાસે સાદીક જમાલના કરેલા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ તપાસની માગ કરતી અરજી સાદીકના ભાઇ શબ્બીર જમાલભાઇ મહેતારે ૨૦૦૭ના વર્ષમાં હાઇકોર્ટ સમક્ષ કરી હતી. જે સમયે રાજ્ય સરકાર, પોલીસ મહાનિર્દેશક, પી.પી.પાંડે, ડી.જી.વણઝારા સહિત અન્યોને નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંગે સુનાવણી પર કેસ આવ્યા બાદ તે મુલતવી રહ્યો હતો.



દીવમાં આક્રોશનું શૂટિંગ પૂર્ણ:બોલિવૂડના કલાકારો મુંબઈ રવાના

અજય દેવગણે સ્કૂલની મુલાકાત લઈ આશરે ૩૪૦ વિદ્યાર્થીઓને નાસ્તાનાં પેકેટ અને ફ્રૂટી વિતરણ કરી ખુશ કરી દીધા. પાંચ દિવસ સુધી સિનેરસિકોએ ફિલ્મનું શૂટિંગ નિહાળ્યું. દીવમાં આક્રોશનું શુટિંગ પૂર્ણ થતાં બોલીવુડ કાફલો મુંબઈ જવા રવાના થયો હતો. આજે ગેલેકસી સ્કૂલમાં અંતિમ શુટિંગ કરાયું હતું. દીવમાં પાંચ દિવસ સુધી બોલીવુડ કલાકારોને નિહાળવા સીને રસીકોની ભારે ભીડ રહી હતી.શુટિંગ પૂર્ણ થયા બાદ અભિનેતા અજય દેવગણે ગેલેકસી સ્કૂલની ખાસ મુલાકાત લઈ આશરે ૩૪૦ વિદ્યાર્થીઓને પોતાનાં હસ્તે નાસ્તાનાં પેકેટ અને ફ્રુટી વિતરણ કરી છાત્રોને ખુશ કરી દીધા હતાં. વિદ્યાર્થીઓને સાથે રાખી પોતાનાં ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા. ગઈકાલે નાગવાબીચનાં માર્ગ પર ખીચોખીચ મુસાફરોથી ભરેલી છકડોરીક્ષા દોડી રહી હોય અને અભિનેતા અજય દેવગણ, અભિનેત્રી બિપાસા બસુ અને રાયમા સેન રીક્ષાનાં ઠાઠે લટકીને ગીત ગાતા હોય તેવા દીલધડક દ્રશ્યો શુટ કરાયા હતા.પ્રિયદર્શન દિગ્દર્શીત આક્રોશ ફિલ્મની કહાનીમાં મળતાં અંશો મુજબ અજય દેવગણ નાનપણમાં જ માતા-પિતાની છત્રછાંયા ગુમાવી બેસે છે. આ અનાથ બાળકની દેખભાળ એક સ્કૂલનાં પ્રિન્સીપાલ કરે છે અને પોતાની સ્કૂલમાં જ શિક્ષણ અપાવે છે. એક હોશિયાર વિદ્યાર્થી તરીકે આગળ વધી કાર્યદક્ષ આર્મી ઓફિસર બને છે. ત્યારે જે સ્કૂલમાં પોતાનું બાળપણ વિતાવેલ એજ સ્કૂલ અને તેનાં પાલક પિતા સમાન પ્રિન્સીપાલનાં હસ્તે દેશનાં પ્રખ્યાત આર્મી ઓફિસરનું બહુમાન કરવામાં આવે છે એવી કથા પર ફિલ્માંકન કરાયું હતું.


દીવનાં ઐતિહાસિક કિલ્લામાં શુટિંગ: અજય, બિપાસા અને વિદેશી ડાન્સરોને નજીકથી નિહાળવા સિનેરસીકોનો ધસારો


રમણીય સમુદ્રતટ ધરાવતા કેન્દ્રશાસીત પ્રદેશ દીવમાં આક્રોશ ફિલ્મનું શુટિંગ અને બોલીવુડ કલાકારોની એક ઝલક મેળવવા સીનેરસીકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. આજે ત્રીજા દિવસે દીવનાં ઐતિહાસીક કિલ્લામાં આઉટડોર શુટિંગ કરાયું હતું. રીમઝીમ વર્ષા અને સમુદ્રનાં ઉછળતા મોજાનાં કુદરતી સાનિધ્યે ફિલ્મનાં અભિનેતા-અભિનેત્રી અને વિદેશી ડાન્સરો પર ગીતનું ફિલ્માંકન કરાયું હતું.દીવનાં ઐતિહાસીક કિલ્લામાં આજે સવારનાં ૧૧ થી ૩ વાગ્યા સુધી આક્રોશ ફિલ્મનું શુટિંગ કરાયું હતું. સવારે રીમઝીમ વરસાદ વરસતા નિધૉરીત સમયથી શુટિંગ મોડું શરૂ થયું હતું.પોર્ટુગીઝ શાસનકાળ દરમ્યાન દીવનાં પ્રજાજનોનાં રક્ષણ માટે બંધાયેલા કિલ્લાની ત્રણ બાજુએ અરબી સમુદ્ર આવેલ છે. શુટિંગ દરમ્યાન સમુદ્રનાં ઉછળતા મોજા અને રીમઝીમ વરસતા વરસાદની ભરપુર મજા બોલીવુડનાં કાફલાએ માણી હતી. વિદેશી ડાન્સરો સાથે અજય દેવગણ અને બિપાસા બસુ પર ગીતનું ફિલ્માંકન કરાયું હતું. સતત ત્રણ કલાક સુધી શુટિંગ ચાલતા લોકોની ભારે ભીડ જામી હતી. શની, રવીની રજાનાં કારણે સ્થાનિક લોકો ઉપરાંત પર્યટકોનો પણ ભારે ઘસારો રહ્યો હતો. આઉટડોર શુટિંગ હોવાને કારણે લોકપ્રિય કલાકારોને નિહાળવા સીનેરસીયાઓએ પડાપડી કરી હતી.દીવ પોલીસ અને રીઝર્વ બટાલીયનના જવાનો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા. સુરક્ષાને ધ્યાને રાખી પર્યટકોને સવારના ૧૦ થી ૩ સુધી કિલ્લામાં જવા પર મનાઇ ફરમાવાઇ હતી.


દીવમાં અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગનાં બોકસ જોખમી

શોર્ટ સર્કીટે એક બળદનો ભોગ લીધો : દુર્ઘટનાનાં પગલે વાલીઓએ બાળકોને અન્ય રસ્તેથી શાળાએ મોકલ્યા.
કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાં અમુક વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ ઈલેકટ્રીક વાયરÃગની સુવિધા છે. અને વાયરોને રાખવા માટે લોખંડના પતરાનાં ડીપી બોકસ લગાવાયા છે. આવા જ એક ડીપી બોકસમાં શોર્ટ સર્કીટ સર્જાતા એક બળદનું મોત નપિજયું હતું. શહેરનાં મકાતા રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસે આજે વહેલી સવારે વરસાદને કારણે ડીપી બોકસમાં શોર્ટ સર્કીટને કારણે આ દુર્ઘટના બનવા પામી હતી. આ રોડ પર ડીપી બોકસની બાજુમાં જ કેજી સ્કૂલ પણ આવેલી છે. સદનસીબે વાલીઓને શાળાના સમય પહેલા આ દુઘર્ટનાની જાણ થઈ જતાં પોતાના બાળકોને અન્ય માર્ગેથી શાળાએ પહોંચાડયા હતા અને ગંભીર દુઘર્ટના બનતી અટકી હતી. ઈલેકટ્રીક ખાતાની બેદરકારી જ આ બનાવમાં કારણભુત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.ચોમાસાનાં સમયમાં અન્ડરગ્રાઉન્ડ વાયરÃગનાં પતરાનાં ડીપી બોકસ જોખમકારક હોય આ અંગે તંત્ર દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવે જેથી જાનહાનીના બનાવો અટકે તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

અમદાવાદ: રથયાત્રા પછી પાર્ટીપ્લોટ સીલ કરાશે: આઇ.પી. ગૌતમ

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા પાર્કિંગ વગરના તમામ પાર્ટીપ્લોટને સીલ મારવાની કાર્યવાહી માટે આજે સ્ટાફ તૈયાર રખાયો હતો, પરંતુ પોલીસ કમિશનરે તા. ૧૫મી જુલાઈ પછી પોલીસ બંદોબસ્ત આપવાની તૈયારી બતાવતાં સીલ મારવાની કાર્યવાહી પડતી મુકાઈ હતી.આ અંગે મ્યુનિ. કમિશનર આઇ.પી. ગૌતમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા હોવાથી પાર્ટીપ્લોટને સીલ મારવાની કાર્યવાહી તા.૧૫મી જુલાઈ પછી કરાશે. હાલ તમામ પાર્ટીપ્લોટના માલિકોને નોટિસો આપી દેવાઈ છે કે હવે કોઈ પણ બુકિંગ હાથ ધરવામાં ના આવે. તા.૧૫મી પછી કોઈ પણ ભોગે સીલ મારી દેવાશે તેમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં.સુત્રોના જણાવ્યાઅનુસાર કોર્મશીયલ બિલ્ડીંગમાં પાકિઁગની જગ્યાએ થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી પણ ૧૫મી જુલાઇ પછી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. આ તોડફોડ બાદ રહેણાંકના મકાનોમાં થયેલા ગેરકાયદે બાંધકામો સંદર્ભે કોઇ નિતી તૈયાર કરાય એમ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. આ તોડફોડ ઝુંબેશમાં કોઇ પણ રાજકીય દબાણને વશ નહી થવા મ્યુનિ.કમિશનરે સ્પષ્ટ આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.વર્ષો જુના પંપો માટે ખાસ મ્યુઝિયમ બનાવાશે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે, મ્યુનિ. પાસે ૧૯૦૫થી લઈ ૧૯૮૦ સુધીના ડ્રેનેજ તથા વોટર પંપ છે. આ પંપો એન્જિનિયિંરગ ક્ષેત્રે થયેલા વિવિધ બદલાવના પ્રતીક છે. આ પંપ અંગે મહેસૂલમંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી આનંદીબહેન પટેલે ખાસ મ્યુઝિયમ બનાવવાનું સૂચન કર્યું હતું, જેનો સ્વીકાર કરી પિરાણા ખાતે ચેક મ્યુઝિયમ બનાવાશે, જેમાં ડ્રેનેજના ૪૨ તથા વોટરના ૭૭ પંપ છે, જે ૧૯૦૫થી ૧૯૮૦ના સમયગાળાના છે.એન્જિનિયિંરગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આ મ્યુઝિયમ ઉપયોગી નિવડશે, એટલું જ નહીં કોઈ કોલેજ આ પંપ વિદ્યાર્થીઓ માટે માગશે તો તેમને દાનમાં પણ મ્યુનિ. આપવા તૈયાર છે.

રેશનિંગની દુકાનો પર ભાજપ, કોંગ્રેસના કાર્યકરોનો કબજો

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહતદરે અનાજ-ખાંડ-કેરોસીન વેચવાના ધંધામાં ભાજપ-કોંગ્રેસના અનેક હોદ્દેદારો પોતાની દુકાન ધરાવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય અનાજ ભંડારના નામે ચાલતી સસ્તા અનાજની દુકાનોની માલિકી આવા કેટલાક રાજકીય આગેવાનો પાસે છે. કેરોસીનના મોટા જથ્થાનો ખુલ્લા બજારમાં બમણાથી વધારે ભાવે વેપલો થઈ રહ્યો છે.સામાન્ય રીતે સસ્તા અનાજની દુકાન ચલાવનારા દુકાનદારો એવી ફરિયાદ કરતા હોય છે કે સરકાર દ્વારા તેમને ખૂબ જ ઓછું કમિશન આપવામાં આવે છે. જો તેઓ આ કમિશન પ્રામાણિકપણે લઈ વ્યવસાય કરે તો પરિવારનું ગુજરાન પણ ચલાવી શકે તેમ નથી.જોકે આ ધંધામાં અનેક રાજકીય હોદ્દેદારો અથવા તેમનાં સગાંસંબંધી સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા હોય છે. સામાન્ય લાગતા આ વ્યવસાયમાં કાળાબજારમાં માલ ધકેલી લાખોની કમાણી કરી લેતા રાજકીય આગેવાનોને પુરવઠા વિભાગના મોટા અધિકારીઓ પણ હાથ અડાડતાં ડરતા હોય છે.જો કોઈ સસ્તા અનાજની દુકાન પર ૪૦૦૦ લિટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવતો હોય તોપણ તેના વેચાણથી તેને માંડ રૂ.૧૦૦૦ જેટલું કમિશન મળે. તો અન્ય ચીજોના વેચાણમાં પણ સામાન્ય કમિશનને કારણે કોઈ પણ દુકાનદાર મહિને માંડ ૭ હજાર કમાઈ શકે તેવી સ્થિતિ છે. તેની સામે તેની દુકાનનું ભાડું અને તેની પોતાની મજૂરી ગણીએ તો લઘુતમ વેતનદર કરતાં પણ ઓછું વળતર તે મેળવતો હોય છે.જોકે આવા ઓછા વળતરના વ્યવસાયમાં પણ મોટા વગદાર ગણાતા રાજકીય પક્ષોના હોદ્દેદારો પોતાના નામે વ્યવસાય કરતા હોય છે. અમદાવાદ શહેરમાં અનેક એવા વગદાર રાજકીય આગેવાનો પોતાની માલિકીની સસ્તા અનાજની દુકાન ધરાવે છે, તેમજ કેટલાક પોતાનાં સગાંસંબંધીઓના નામે આવી દુકાન ચલાવતા હોવાનું પણ જાણવા મળે છે.બીજી તરફ સસ્તા અનાજની દુકાનના સંચાલક એસોસિયેશનના પ્રમુખ પ્રહ્લાદભાઈ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કેરોસીનના કાળાબજાર શક્ય જ નથી. સરકાર અમને અમારી પાસેના કાર્ડ માટે જરૂરી જથ્થાની સરખામણીએ ૮૦ ટકા જથ્થો જ આપે છે. દુકાન દીઠ માંડ ૩ હજાર લિટર કેરોસીનનો જથ્થો જ ફાળવવામાં આવે છે.તેથી તેમાંથી મોટો જથ્થો બારોબાર વેચાઈ જવો પણ શક્ય નથી. ઘણા રેશનકાર્ડ ધારકો પણ પોતાના હિસ્સાનું કેરોસીન લઈ જઈ તેને બારોબાર વેચી નાખે છે અને નામ દુકાનચાલકનું બદનામ થાય છે. હવે નવી દુકાન ચલાવવા માટે માત્ર શિક્ષિત બેરોજગારોને જ યોગ્યતાને ધોરણે દુકાન ફાળવવાના નિયમને કારણે રાજકીય આગેવાનો દ્વારા દુકાનના માલિક બની જવાના દિવસો હવે રહ્યા નથી.


વિદ્યાર્થી પોતાનું સ્થાન જાણી શકશે - પર્સન્ટાઇલ રેન્કથી

ધો.૧૦ અને ૧૨ના પરિણામમાં અપાનાર ગ્રેડ અને પર્સન્ટાઇલ રેન્કથી વિદ્યાર્થી રાજ્યમાં પોતાનું સ્થાન જાણી શકશે. વિદ્યાર્થી પોતે કેટલા કવોલિટી સ્ટુડન્ટમાં છે તેની માહિતી પણ મેળવી શકશે. નવી સિસ્ટમ મુજબ, બોર્ડ હવેથી વિદ્યાર્થીઓને માર્કશીટમાં માર્ક, ગ્રેડ ઉપરાંત પર્સન્ટાઇલ રેન્ક પણ અપાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની સામાન્ય સભામાં ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામોમાં ટોપટેન લિસ્ટ રદ કરીને ગ્રેડ તથા પર્સન્ટાઇલ રેન્ક આપવાનું નક્કી કરાયું છે. આ પદ્ધતિનો અમલ દેશમાં શાળાકક્ષાએ કરવામાં આવ્યો નથી, પરંતુ ગુજરાત દ્વારા બોર્ડની પરીક્ષામાં આ પદ્ધતિનો અમલ કરી દેશમાં પ્રથમ રાજ્ય બનશે.
પર્સન્ટાઇલ રેન્કથી વિદ્યાર્થીને પોતાનો ક્રમ તો ખબર નહીં પડે પરંતુ પોતે રાજ્યના કેટલા સારા વિદ્યાર્થીઓમાં છે તેની માહિતી જરૂરથી મળશે. પર્સન્ટાઇલ રેન્ક ઉપરાંત બોર્ડ દ્વારા વિદ્યાર્થીની માર્કશીટમાં પણ ગ્રેડનો ઉલ્લેખ કરાશે તથા રાબેતા મુજબની માકિઁગ પદ્ધતિ પણ માર્કશીટમાં જોવા મળશે. આમ આ પદ્ધતિનો અમલ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થશે.પર્સન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થશે?પર્સન્ટાઇલની ગણતરી એકદમ સરળ છે. આ ગણતરી બોર્ડ દ્વારા કરીને વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, બોર્ડની પરીક્ષામાં એક લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. હવે એમાંથી એક વિદ્યાર્થીને ૯૩ ટકા માર્ક આવ્યા છે. પરિણામોમાં ૧૯૯૯ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ૯૩ ટકા કરતાં વધુ માર્ક છે જ્યારે ૯૮ હજાર વિદ્યાર્થીઓને ૯૩ ટકા કરતાં ઓછા માર્ક છે. એટલે કે ૯૩ ટકા માર્ક લાવનાર વિદ્યાર્થીનો નંબર ૨૦૦૦મો છે.

હવે બોર્ડ દ્વારા ૯૩ ટકા મેળવનાર વિદ્યાર્થીના પર્સન્ટાઇલ કાઢવા માટે એના કરતાં ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ એટલે કે ૯૮ હજાર વિદ્યાર્થીઓને કુલ વિદ્યાર્થીઓથી એટલે કે એક લાખથી ભાગાકાર કરશે. જેથી ૦.૯૮ની સંખ્યા આવશે. હવે આ સંખ્યાને ૧૦૦ દ્વારા ગુણાકાર કરવામાં આવશે. જેથી ૯૮ની સંખ્યા આવશે, આ વિદ્યાર્થીનો પર્સન્ટાઇલ રેન્ક ગણાશે.કેવી રીતે જાણી શકાશે પોતાનું સ્થાન? કુલ એક લાખ વિદ્યાર્થીમાં ૯૩ ટકા મેળવનાર વિદ્યાર્થીનો પર્સન્ટાઇલ રેન્ક ૯૮મો આવ્યો છે. મતલબ કે આ વિદ્યાર્થી ૧૦૦ ટકા પરિણામથી બે ટકા પાછળ છે. હવે તે કુલ વિદ્યાર્થી એક લાખના બે ટકા એટલે કે બે હજાર ગણી તેમાં પોતે સ્થાન ધરાવે છે તે જાણી શકશે.

સોસાયટીઓના ‘વહીવટ’માંથી મળતાં નાણાંની લાલચમાં બિલ્ડરો સોસા.ને વહીવટ સોંપતા નથી

સોસાયટીનાં મેઇન્ટેનન્સના લાખો રૂપિયા ચાંઉ કરી જતા કેટલાક બિલ્ડરો. સહકારી રજિસ્ટ્રારની કચેરીમાં કેસનો ભરાવો. નિયમ કરતાં ચારથી પાંચ ગણી ટ્રાન્સફર ફી ઉઘરાવે છે. સોસાયટીઓના ‘વહીવટ’માંથી મળતાં નાણાંની લાલચમાં કેટલીક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બિલ્ડરો જિલ્લા સહકાર રજિસ્ટ્રારને વહીવટ સોંપતા ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઉપરાંત, સોસાયટીનું લાઇફટાઇમ મેન્ટેન્સ અને અને સભ્યો પાસેથી ઉઘરાવેલાં અન્ય નાણાં પચાવી પાડવાના ઇરાદે બિલ્ડરો વહીવટ ન સોંપતાં હોવાની પણ ફરિયાદો ઊઠી છે. કેટલીક સોસાયટીઓને ૨૦-૨૦ વર્ષથી વહીવટ સોંપાયો નથી.અમદાવાદ મ્યુનિ.કોર્પોઁરેશન વિસ્તારમાં ૬૫૦૦ સહકારી સોસાયટી નોંધાયેલી છે. આમાંથી ૮થી ૧૦ ટકા સોસાયટીમાં રહીશો પરેશાન છે. નિયમ મુજબ બિલ્ડરે સહકારી સોસાયટી બાંધ્યા બાદ સોસાયટીને વહીવટ સોંપી દેવો જોઈએ. જોકે સોસાયટીનું બાંધકામ પૂર્ણ ન થાય, તમામ સભ્યોનું બુકિંગ પૂર્ણ ન થાય અને છેવટના આવક-ખર્ચના હવાલા સોસાયટીના હિસાબોમાં ન લેવાય ત્યાં સુધી બિલ્ડરો વહીવટ સોંપતા નથી. આ પ્રક્રિયામાં અનેક વર્ષો પસાર થઈ જાય છે.નિયમ મુજબ યુનિટદીઠ ૫૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની ટ્રાન્સફર ફી ઉઘરાવી શકે છે જે મકાનની મૂળકિંમત અને વેચાણકિંમત મુજબ ગણતરી કરવામાં આવે છે. જોકે અનેક કિસ્સાઓમાં બિલ્ડરો બેથી ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર ફી માગી રહ્યા છે. જ્યાં સુધી ટ્રાન્સફર ફી ન ચૂકવાય ત્યાં સુધી સભ્યનું નામ સહકારી સોસાયટીના ચોપડે ચડતું નથી.પરિણામે તેમને મકાન વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, મકાન પર બોજો ઊભો કરીને લોન લેવી હોય તોપણ તકલીફ પડે છે. રજિસ્ટ્રાર કચેરીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક કિસ્સાઓમાં બિલ્ડરે વિકાસ ખર્ચા માટે ઉઘરાવેલું પૂરેપૂરું ફંડ સોસાયટીને પાછું આપવામાં આવતું નથી અને વહીવટ સોંપવા માટે ઓછું ફંડ લઈને સમજૂતી કરવા માટે સભ્યો પર દબાણ કરવામાં આવે છે.


લુખ્ખાઓ પાસે લાખો રૂપિયા ક્યાંથી આવ્યા?

એક પાઇ પણ ચૂકવ્યા વિના ૨૫ કરોડની જમીનના બારોબાર દસ્તાવેજ કરાવી લેવાના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલો પૂર્વ કોર્પોરેટરનો ભેજાબાજ પુત્ર અને સેનેટ સભ્ય રાજભા સતુભા જાડેજા દસ્તાવેજ અને સાટાખતના લખાણમાં જબરી થાપ ખાઇ ગયો છે અને તેની આ ભૂલ ઉપરથી જ જમીન હડપ કરવાના તેના પૂર્વયોજિત કાવતરામાં તેની સીધી સંડોવણીના મજબૂત પુરાવા પોલીસને સાંપડ્યા છે.કેયૂર પાંચાણીની ઇશ્વરિયા ગામની સર્વે નં. ૧૮, ૧૯ અને ૨૪ની ૨૫ કરોડની જમીનના રાજભાએ પોતાના અને હિતેષ મુંધવાના નામે કરેલા દસ્તાવેજની પોલીસે ઝીણવટભરી ચકાસણી શરૂ કરી છે. બે અલગ અલગ સાટાખતની ચકાસણીમાં એક સાટાખતમાં સર્વે નં. ૨૪ની જમીનનો ૯૧ લાખમાં સોદો કર્યાનો ઉલ્લેખ છે તો બીજા સાટાખતમાં ૧૮, ૧૯ અને ૨૪ એમ ત્રણેય સર્વે નંબરની જમીન ૯૧ લાખમાં ખરીદ કર્યાની નોંધ છે ! એટલું જ નહીં જેના નામે સાટાખત થયું છે અને ૩૦ લાખ રૂપિયા ચૂકવ્યાનું દર્શાવાયું છે એ જગદીશ ઠુમર તેમજ જેના નામે કરોડોની જમીનનો વેચાણ દસ્તાવેજ થયો છે તે હિતેષ મુંધવાની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. પોલીસ બન્નેના ઘરે તપાસ કરતા આરોપીઓના મકાન જર્જરીત અને નિળયાવાળા હતા !આમ, રાજભા પ્રથમ સાગરીતોને સોદા માટે મોકલી તેના નામે સાટાખત, કુલમુખત્યારનામુ લખાવ્યા પછી તરત જ પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લેતો હોવાનું સ્પષ્ટ થયું છે. આ ઢબે તેણે અનેક આસામીની કિંમતી મિલકતો પડાવી લીધાનું બહાર આવતા પી.આઇ. દિગુભા વાઘેલા, મદદનીશ ભીખુભા જાડેજા, બી. બી. જાડેજા, જીવણભાઇ પટેલ સહિતના સ્ટાફે આરોપી વિરુધ્ધના સજજડ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા કવાયત શરૂ કરી છે.રાજભાની બન્ને ઓફિસ ઉપર દરોડા : જડતી
કૌભાંડિયા રાજભા જે કાર સાથે પકડાયો હતો એ સુરત પાસિંગની કારની માલિકી સુરતના વ્યક્તિની છે.


ગોંડલના બાંદરા ગામના કોઠિયા પરિવારમાં આનંદ


તાલુકાના બાંદરા ગામનો માનસિક અસ્થિરતા ધરાવતો યુવાન ત્રણ માસ પહેલાં ઘરેથી ચાલી નીકળ્યો હોય એક માસ પહેલાં લોધિકા પાસેથી તેનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પરિવારજનોએ તેને મૃત માની ઉત્તરક્રિયા કરી અપરિણીત યુવાન પાછળ લીલ પરણાવાની વિધિ પણ કરી નાખી હતી. આ વિધિના પંદર દિવસ બાદ આજે યુવાન ઘરે જીવતો પરત આવતા પરિવારજનો અવાચક બની ગયા હતા. અહીંયા આશ્ચર્યની વાત તો એ કે, લીલ પરણાવાની વિધિમાં યુવાનની આત્મા પરિવારના કોઇ સભ્યના શરીરમાં પ્રવેશી જવાબો પણ આપ્યા હતા !પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના બાંદરા ગામે રહેતો કલ્પેશ પોપટભાઇ કોઠિયા (ઉ. વ. ૩૨) માનસિક અસ્થિરતા ધરાવતો હોય ત્રણ માસ પહેલાં ઘર છોડી ચાલ્યો ગયો હતો. વારંવાર ઘર છોડીને ચાલ્યા જવાના કારણે પરિવારજનોએ પોલીસને જાણ કરી ન હતી. પરંતુ, આ વેળાએ કલ્પેશ ત્રણ માસ સુધી ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો.દરમિયાન, લોધિકા પાસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં પરિવારજનો લોધિકા પહોંચ્યા હતા. જ્યાં, કોહવાયેલ લાશ તો ઓળખી ન શકાય પરંતુ, ચપ્પલ પરથી કલ્પેશ હોવાનું માની ઘરે પરત આવી પહોંચ્યા હતા અને લાશની અંતિમવિધિ લોધિકા પોલીસે કરી નાખી હતી.આશ્ચર્યની વાત તો આજે બની કે, ત્રણ માસ પહેલાં ઘરેથી નીકળેલ કલ્પેશ રખડતો ભટકતો દ્વારકા પહોંચ્યો હતો. ત્યાંથી આજે ગોમટા ગામે પહોંચી પગપાળા ચાલતા ચાલતા ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે પહોંચ્યો હતો. કલ્પેશના સ્નેહીઓ તેને જોઇ જતાં તેને ઘરે લઇ જઇ બાંદરા પોપટભાઇને જાણ કરતા આજે કલ્પેશ બાંદરા પહોંચવા પામ્યો હતો. પરિવારજનોએ મૃત માનેલ પુત્રને જીવતો નિહાળતા સર્વે આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને વાયુવેગે નાના એવા બાંદરામાં વાત પ્રસરી જતાં તેને મળવા લોકો ઘરે આવવા લાગ્યા હતા.



રાજકોટ: રેસકોર્ષ રિંગરોડ પર આવેલી ઇન્કમટેક્સ કચેરીમાં તસ્કરનો દરોડો

મકાન, દુકાન અને મંદિરને નિશાન બનાવતા તસ્કરોએ તક મળ્યે સરકારી કચેરીને પણ બાકી રાખતા નથી. રેસકોર્ષ રિંગરોડ પર આવેલી ઇન્કમટેક્સ ઓફિસમાંતસ્કરોએ કળા કર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ કચેરીમાં ટેક્સ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા નાથાલાલ ચોટલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની રૂમ નં.૧૦૯ની ઓફિસમાંથી કોઇ એલસીડી મોનિટર, માઉસ મળી રૂ.૭ હજારની કિંમતના કોમ્પ્યુટરના ઉપકરણો ચોરી ગયા હતા. પ્રધ્યુમનનગર પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.ચોરીનો અન્ય બનાવ એરપોર્ટ નજીક આવેલા અંજલી પાર્ક-૧માં બન્યો હતો. બરફના ગોલા વેચવાનો ધંધો કરતા અશરફ રહીમભાઇ સુમરાના સાળાના લગ્ન હોય પરિવાર સાથે સુરત ગયા હતા. ત્યારે બંધમકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળાં તોડી ઘરમાંથી કપડાં, ટીવી તેમજ રોકડા રૂ. એક હજાર મળી કુલ ૮પ૦૦ની મતાનો હાથફેરો કરી ગયા હતા. ગાંધીગ્રામ પોલીસે યુવાનની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટને આજે પણ મેઘરાજાએ હેતથી ભીંજવી દીધુ હતુ.

આજે સતત હળવાથી ભારે ઝાપટાં વરસતા રાત સુધીમાં સવા ઇંચ પાણી પડી ગયુ હતુ. આ સાથે મોસમનો કુલ વરસાદ આઠ ઈંચે પહોંચી ગયો છે બીજીબાજુ શહેરના આધારસ્તંભ એવા આજી અને ન્યારી ડેમમાં પણ સંકટ સમયના તારણહાર રૂપે નવા નીરની પધરામણી થઇ હતી.આજે સવારથી જ આકાશ ચોખ્ખુ હતુ. ક્યારેક ક્યારેક સુર્યદેવતાના દર્શન પણ થતા હતા. બપોર પછી અચાનક આકાશમાં ગોરંભાયેલા વાદળોની જમાવટ થઇ ગઇ હતી અને સુસવાટા નાખતા ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજ સુધી હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. આજે કુલ સવા ઇંચ વરસાદ ફાયર બ્રીગેડના ચોપડે નોંધાયો છે.નંદનગરમાં આવેલા અજંતાપાર્કમાં શક્તિ ચોક નજીક એક્સાથે દસ વીજથાંભલામાં શોટસર્કિટ થતા નાસભાગ મચી ગઇ હતી. આ બનાવ વેળાએ થાંભલા પાસે ખાબોચિયામાં પાણી પીતી બે ગાય થાંભલાને અડી જતા ત્યાં જ ભડથુ થઇ ગઇ હતી. સદનસી બે થાંભલા પાસે જ રમતા દસથી બાર બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવની જાણ થતા જ આ વિસ્તારના કોર્પોરેટર ડૉ. જૈમન ઉપાધ્યાય સ્થળ પર દોડી ગયા હતા અને પીજીવીસીએલની ટીમને બોલાવી વીજસપ્લાય બંધ કરાવી દીધો હતો.


રાજ્યમાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર.

ગત વર્ષની સરખામણીએ વધુ ૯૨ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું, ખરીફ સિઝનમાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર. ગુજરાતમાં ચોમાસાની ધીમી પણ મક્કમ ગતિ જોતાં ખેડૂતો આનંદમાં આવી ગયા છે અને ખરીફ-૨૦૧૦ની સિઝનમાં અત્યાર સુધીમાં ૨૪.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી શરૂ કરી દીધી છે. ગયા વર્ષે આ સમયગાળામાં માત્ર ૨૩.૭૩ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. કુલ ૨૮.૩૪ ટકામાં વાવેતર નોંધાયું છે. આ ચોમાસાની ખાસિયત એ છે કે જ્યાં પાણીની વિશેષ તંગી હતી ત્યાં સારો વરસાદ થયો છે.૬ઢ્ઢી જુલાઇ સુધીમાં સૌથી વધારે વાવેતર કપાસ અને મગફળીનું થયું છે. ખેડૂતોએ હજી સુધી તમાકુનું વાવેતર કર્યું નથી. ધાન્ય પાકોમાં ૧,૪૬,૩૦૦ હેક્ટરમાં, કઠોળમાં ૯૨,૪૦૦ હેક્ટરમાં તેમજ તેલીબિયાંમાં ૧૦,૦૭,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે કપાસ અને અન્ય પાકોમાં ૧૨,૧૯૩૦૦ હેક્ટરમાં પાકોની વાવણી કરવામાં આવી છે. રાજ્યમાં ખરીફ સિઝનમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીમાં થાય છે.વાવણીની ટકાવારી જોતાં ખરીફ-૨૦૧૦માં કુલ વાવેતર વિસ્તાર ૮૭ લાખ હેક્ટર કરતાં વધી શકે તેવી ધારણા છે. રાજ્યના કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે ચોમાસાની મોડી સિઝન શરૂ થઇ હોવા છતાં છેલ્લા એક સપ્તાહમાં વાવેતરનો વિસ્તાર વધ્યો છે. ખેડૂતોએ ૧૦,૭૪,૧૦૦ હેક્ટરમાં કપાસ અને ૯,૪૨,૬૦૦ હેક્ટરમાં મગફળી વાવી છે. રાજ્યમાં કુલ ૨૪,૬૫,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.અમરેલીમાં સૌથી વધુ, ડાંગમાં સૌથી ઓછું વાવેતર.જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ વાવેતર અમરેલીમાં થયું છે. તે પછી જુનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરનો ક્રમ આવે છે, જ્યારે સૌથી ઓછું ૫૦૦ હેક્ટરમાં વાવેતર એકમાત્ર ડાંગ જિલ્લામાં થયું છે. રાજ્યમાં ૧૦૩૯૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર છે.

No comments:

Post a Comment