visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
પ્રથમ વખત વિશ્વને મળશે નવો વર્લ્ડ ચેમ્પિયન
ફીફા વિશ્વકપમાં ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. રવિવારે યોજાનાર ફાઇનલ મુકાબલામાં સ્પેન જીતે કે પછી નેધરલેન્ડ પરંતુ એ વાત ચોક્કસ છે કે 2010ના વિશ્વકપમાં વિશ્વને નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે. અત્યારસુધી વિશ્વકપ વિજેતા માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવતી બ્રાઝીલ અને જર્મનીની ટીમ વિશ્વકપમાંથી બહાર થઈ ચુકી છે. જેથી નેધરલેન્ડ અને સ્પેનને પ્રથમ વખત વિશ્વચેમ્પિયન બનવાની સોનેરી તક છે.સેમીફાઇનલ સુધી એમ માનવામાં આવતું હતું કે, જર્મની અને ઉરુગ્વેમાંથી કોઇ એક ફાઇનલમાં પહોંચશે અને વિશ્વકપ જીતશે. અને આ ક્ષણ તેમની માટે કોઇ નવી ક્ષણ ન હતી કારણ કે, જર્મની ત્રણ અને ઉરુગ્વે બે વખત વિશ્વ વિજેતા બની ચુક્યું છે. પરંતુ નેધરલેન્ડે ઉરુગ્વેનુ સ્વપ્ન તોડ્યું તો સ્પેને જર્મનીની આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે ફાઇનલમાં આ બન્ને ટીમો ટાઇટલ જીતવા માટે ટકરાશે.મોના પ્રદર્શન પર એક નજર નાંખીએ તો નેધરલેન્ડની ટીમ હજૂ સુધી અજેય રહી છે. જ્યારે સ્પેનની ટીમે પ્રથમ મેચમાં જ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. નોક આઉટ રાઉન્ડમાં બન્ને ટીમો દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. નેધરલેન્ડ કે જે બ્રાઝીલ અને ઉરુગ્વે જેવી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. તો બીજી તરફ સ્પેને જર્મની અને પોર્ટુગલ જેવી ટીમો સામે વિજય મેળવ્યો છે.રવિવારે યોજાનાર મુકાબલામાં ભલે બન્ને દેશોમાંથી કોઈ એક વિજેતા બને પરંતુ બે વાત સ્પષ્ટ છે કે, એક તો એ કે આ વિશ્વકપ યુરોપમાં જશે અને બીજી એ કે પ્રથમ વખત વિશ્વને નવો ફિફા ચેમ્પિયન મળશે.
બ્રિટન સ્થિત ભારતીય વિદ્યાર્થીઓની કેમરોન સરકારના કારણે મુશ્કેલીઓ વધશે
બ્રિટનની નવી નિમાયેલી ડેવિડ કેમરોન સરકારના કારણે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. કેમરોન સરકાર ચાલુ વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં ફાળવવામાં આવતા બજેટમાં 25 ટકાનો ઘટાડો કરવા જઇ રહિ છે. શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવતા બજેટમાં ઘટાડાના કારણે શિક્ષણની ગુણવત્તામાં મોટા પ્રભાવ પડી શકે છે. ઉપરાંત બ્રિટન સિવાયના દેશોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવામાં આવશે. વિશ્લેષકો માની રહ્યાં છે કે શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા આ ઘટાડાના કારણે આગામી સમયમાં બ્રિટનને ભારત સહિત અન્ય ગેર યુરોપીયન દેશોના વિદ્યાર્થીઓથી હાથ ધોવો પડી શકે છે.ઉલ્લેખનીય છે કે બ્રિટનની અર્થવ્યવસ્થામાં શિક્ષણ ઉદ્યોગ દ્વારા દર વર્ષે આઠ અરબ પાઉન્ડનું યોગદાન કરવામાં આવે છે. બજેટમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે બ્રિટનમાં કાર્યરત કેટલાક ભારતીય પ્રોફેસરોની નોકરી જોખમમાં મુકાઇ શકે છે.યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને ચેતવણી આપી છે કે સરકારના આ નિર્ણયના કારણે યુનિવર્સિટી અને કોલેજોમાં કામ કરી રહેલા 22 હજાર લોકોની નોકરી ગુમાવી શકે છે, જેમાં આશરે દસ હજાર જેટલી શૈક્ષણિક નોકરીઓનો સમાવેશ થાય છે. સંગઠને ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓની વધારે સંખ્યા અને પ્રોફેસરોની ઘટતી જતી સંખ્યાના કારણે બ્રિટનની શિક્ષણની ગુણવત્તાને મોટો ફટકો પડશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો રણટંકાર : હવે જમીનમાફિયાઓની ખેર નથી
ગુજરાતની ધરતી ઉપર જમીન માફીયા સોદાગરો અને ખેડૂતની જમીન લૂંટનારા માથાભારે તત્વોને કોઇ જ સ્થાન નથી એવો રણટંકાર કરી જીવદયા પ્રકૃતિનો વિષય છે પરંતુ જીવદયાના અભાવે વિકૃતિ સર્જાય છે એમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુરૂવારે વિજાપુર ખાતે મામલતદાર કચેરી, પાંજરાપોળના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.વિજાપુરમાં સવા બે કરોડના ખર્ચે નવનિયુક્ત મામલતદાર કચેરી, સરકારી હોસ્પિટલ તથા પાંજરાપોળના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ પ્રસંગે ગુરુવારે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જમીન માફીયાઓ સાથે કડકાઇથી કામ લેવાનો નિર્ધારવ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી ઉપર જમીન માફીયા સોદાગરો અને ખેડૂતની જમીન લૂંટનારા માથાભારે તત્વોને કોઇ જ સ્થાન નથી એમની સામે સખ્તાઇ વર્તાશે.જીવદયાને પ્રકૃતિ ગણાવી તેમણે કહ્યું હતું કે, પાંજરાપોળ બનાવવી એ જીવદયાનો વિષય છે અને જીવદયા એ પ્રકૃતિનો વિષય છે એના અભાવે વિકૃતિ સર્જાય છે. વિશ્વમાં જીવો અને જીવવા દો સંસ્કૃતિથી પર ભારતની ધરતી ઉપર જીવો અને જીવવા દો અને જીવાડોની જીવદયા સહિષ્ણુતાની વિરલ પરંપરા ઉભી કરી છે. પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલિ વોર્મિંગની અસર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં પરંતુ દોહન કરવાની સાંસ્કૃતિક વિરાસત ભારતે ઉભી કરી છે અને આ જ સાચી જીવન શૈલી છે. માંસાહાર ઉપર ચાબખા મારતાં તેમણે કહ્યું હતું કે, અગ્નિ ઉપર મડદું મૂકવામાં આવે તો ચિતા કહેવાય છે.જ્યારે અગ્નિમાં અનાજ નાખવામાં આવે તો એને યજ્ઞ કહેવાય છે. જેઓ પેટમાં માંસાહાર ઠાલવે છે તે પેટની ચિતા જલાવે છે પરંતુ જેઓ શાકાહાર કરે છે તેઓ પેટમાં યજ્ઞ ચલાવે છે. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, જૈન અગ્રણી કુમારપાળ શાહ, ધારાસભ્ય કાન્તિભાઇ પટેલ, ઋષિકેશભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મૂળચંદભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતા.રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો અભિયાન, મહિલાઓ સુરક્ષિત રહે તે માટે કટબિંધ છે ત્યારે વિજાપુર તાલુકાના જેપુર ગામની મહિલાએ પોતાની સગીર વયની પુત્રીના અપહરણના મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો કે, મારી સગીરા પુત્રીને ગામનો જ યુવાન અપહરણ કરી નાસી ગયાને વીસ દિવસ થવા છતાં પણ પોલીસ તેને પકડી શકી નથી. મહિલાઓ અસુરક્ષિત છે ત્યારે પોલીસ સામે કાર્યવાહી કરીને અમને ન્યાય આપવામાં આવે તેવી તેણીએ માંગ કરી હતી.
ઓક્ટોપસ બાબાને મારી નાખો : જર્મનોની માંગણી
ફિફા વિશ્વકપની સેમી ફાઇનલમાં સ્પેન સામે 1-0થી જર્મની હાર્યા બાદ જર્મન ચાહકો ગુસ્સે ભરાયા છે. અને પોઉલ નામના ઓક્ટોપસ બાબાને મારી નાંખવાની માંગણી કરી રહ્યાં છે.બ્રિટનમાં જન્મેલા અને જર્મનીના એક્વેરિયમમાં લાવવામાં આવેલા બે વર્ષિય ઓક્ટોપસ દ્વારા ભૂલથી સ્પેનની પસંદગી કરવામાં આવી હોય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. તો કેટલાક જર્મન ચાહકો દ્વારા ઓક્ટોપસ વિરુદ્ધ સૂત્રો કરવામાં આવી રહ્યાં છે.એક સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ઓક્ટોપસને મારી નાંખવા અંગે કોમેન્ટ કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક તેને ફ્રાઇ કરવાની તો કેટલાક તેને શાર્ક આગળ ફેંકી દેવીના વાતો કરી રહ્યાં છે.નોંધનીય છે કે, વિશ્વકપ દરમિયાન ઓક્ટોપસ દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની ભવિષ્યવાણી સાચી પડી હતી. જેમાં જર્મની- ઇંગ્લેન્ડ, જર્મની આર્જેન્ટિનાની મેચ છે. આ બન્ને મેચમાં ઓક્ટોપસે જર્મનીના રાષ્ટ્રધ્વજને પસંદ કર્યો હતો.તમામ ધમકીઓ છતાં પણ પોલ ૧૧ જુલાઈએ રમાનારી વર્લ્ડકપ ફાઈનલના વિજેતા અંગે પણ આગાહી કરશે. ઓબેર હુસેન સી લાઈફ એકવેરીયમના પ્રવકતાએ કહ્યું છે કે પોલ એ અગાઉ શુક્રવારે જર્મની-ઉરુગ્વે વચ્ચે ત્રીજા સ્થાન માટે રમાનારી મેચની પણ ભવિષ્યવાણી કરશે. ત્યારબાદ તે સ્પેન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનારી ફાઈનલના વિજેતાનો સંકેત આપશે.
પંજાબ-હરિયાણા :પૂરપ્રકોપથી ૧૫નાં મોત
પંજાબ અને હરિયાણામાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે સતલજ-યમુના લિંક સહિત અનેક નહેરોમાં ગાબડાં પડી ગયાં છે અને એક તળાવમાં પણ તિરાડ પડી ગઇ છે. પૂરના કારણે બન્ને રાજ્યમાં કુલ ૧૫ વ્યક્તિનાં મોત ડૂબી જવાથી થયા છે. ૧૦૦ જેટલાં ગામો પણ ડૂબી ગયા છે. ઘોડાપૂરના કારણે યમુના નદીના જળપ્રવાહમાં સતત વધારો થતા ઉત્તરપ્રદેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.કુરુક્ષેત્રના ઉધરસિંઘ ગામ ખાતે સતલજ-યમુના લિંકમાં નવસેરથી ગાબડું પડતાં આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. મુશળધાર વરસાદના કારણે પૂરગ્રસ્ત કુરુક્ષેત્ર, અંબાલા, પટિયાલ અને લુધિયાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ જિલ્લાઓમાં રેલવે ટ્રેક, રસ્તાઓ ધોવાઇ ગયા હોવાથી વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. જેના કારણે જનજીવન ખોરવાયું છે. તમામ પૂરગ્રસ્ત જિલ્લામાં રાહત-બચાવકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. લશ્કરની સાથે નેશનલ ડિઝાસ્ટર રેસ્કયૂ ફોર્સ પણ બચાવ કાર્યમાં જોડાયા છે. પતિયાલા અને અંબાલામાં ૬-૬ અને કુરુક્ષેત્રમાં બે અને લુધિયાણામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.કુરુક્ષેત્રમાં સતલજ-યમુના લિંકમાં ૨૦ ફૂટનું ગાબડું પડી ગયું હોવાથી એક ડઝન ગામોમાં પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાઇ જવાથી કુરુક્ષેત્ર-પેહોવા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ વણસી છે. લશ્કરે અને એનડીઆરએસના ટીમ આ ગાબડું પૂરવામાં વ્યસ્ત છે.કુરુક્ષેત્રમાં આવેલા જયોતિસર નજીક બીબીપુર તળાવમાં પણ તિરાડ પડી છે. ઘગ્ગર નદીમાં સંગરુર અને પતિયાલામાં બે જગ્યાએ તિરાડ પડવાથી તેની આસપાસના ૧૦૦ ગામમાં પાણી ભરાઇ ગયાં છે. ભાખરા મેનલાઇનમાં પણ તિરાડ પડવાથી કૈથલ જિલ્લામાં લશ્કર બોલાવવું પડ્યું હતું. અહીંના સાત ગામમાં પૂરની સ્થિતિ છે.પંજાબ-હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે રેલવે ટ્રેક અને ભૂમિ માર્ગોને ભારે નુકસાન થયું છે જેથી વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો છે. પંજાબ-હરિયાણા અને જમ્મુ-કાશ્મીર તરફની એક ડઝનથી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે.
રાજકોટ : શ્રીમંત લોહાણા પરિવારનો યુવાન પુત્ર દુબઇ જેલમાં
રાજકોટના એક અતિ શ્રીમંત અને પ્રતિષ્ઠિત લોહાણા પરિવારનો યુવાન પુત્ર છેલ્લા ૩૫ દિવસથી દુબઇની જેલમાં સબડી રહ્યો છે. ચેક પરત ફરવાની ઘટનાને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ દુબઇ પોલીસે એ યુવાનને દુબઇની એક ફાઇવસ્ટાર હોટેલમાંથી ઝડપી લીધો હતો.બનાવની વિગત એવી છે કે મુંબઇ, દુબઇ સહિત વિશ્વના અનેક સ્થળે બોલિવુડ અને હોલિવુડના કલાકારોના સ્ટેજ શો એરેન્જ કરવા સહિતની અનેક કામગીરી કરતા રાજકોટના નીલ મહેશભાઇ કોટેચા નામના યુવાને દુબઇના એક ઇરાની શખ્સ પાસેથી ચારથી પાંચ કરોડ જેવી જંગી રકમ ઉધાર લીધી હતી. પ્રાપ્તવિગતો મુજબ એ વહેવાર પેટે નીલે આપેલા ચેક પરત ફરતા એ ઇરાની શખ્સે દુબઇના મુરત્તાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાનમાં નીલ દુબઇની એક ફાઇવસ્ટાર હોટેલમાં આવ્યો હોવાનું માલુમ પડતાં ગત તા.૫ જુનના રોજ દુબઇ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને નીલની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો.સૂત્રના જણાવ્યા મુજબ નીલ સાથે એ સમયે એક મહિલા પણ હતી. ચર્ચાતી વિગત મુજબ નીલે એ મહિલાની ચેક બુકમાંથી જ ચેક આપ્યા હતા અને ચેકમાં પણ અનેક પ્રકારની ગરબડો હતી. અત્રે નોંધનિય છે કે નીલ રાજકોટમાં શૈક્ષણિક અને વ્યાપારિક ક્ષેત્રે અતિ પ્રતિષ્ઠા ધરાવતા મહેશભાઇ કોટેચાનો પુત્ર છે.આકર્ષક વ્યક્તિત્વ, પ્રભાવિત કરી દે તેવી વાક્છટા અને ઉચ્ચ અભ્યાસ ધરાવતાં નીલે અતિ ઝળહળાટ ભરી જિંદગી પસાર કરી છે. એક સમયે ભાગવનગરના રાજવી પરિવારની યુવતી સાથે તેની સગાઇ થઇ હતી. એ સગાઇ તૂટયા બાદ અન્ય બે સ્થળે તેના સંબંધ બંધાયો હતો પરંતુ લગ્ન થતા એ પૂર્વે જ એ સંબંધોનું બાળ મરણ થયા બાદ મુંબઇની એક મહિલા સાથેના તેના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે
બિહાર :કોંગ્રેસ ગુજરાતના હુલ્લડગ્રસ્તોના ફોટાનો ઉપયોગ કરશે
ચૂંટણીસામગ્રી તરીકે અન્સારીના ફોટાના ઉપયોગને વાજબી ઠરાવતો એક પત્ર કોંગ્રેસ મોવડીમંડળને પાઠવાયો. બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન નીતીશકુમારની બિનસાંપ્રદાયિક છબી ઉઘાડી પાડવા માટે ગુજરાતના ૨૦૦૨ના હુલ્લડો દરમિયાન પોતાને નહીં મારવાની હુલ્લડખોરોને કાકલુદી કરતો હુલ્લડગ્રસ્ત કુત્બુદ્દીન અન્સારીના ફોટાનો કોંગ્રેસ દ્વારા ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવના છે.બિહારમાં એક ચૂંટણીસામગ્રી તરીકે અન્સારીના ફોટાનો ઉપયોગ કરવાને વાજબી ઠરાવતો એક પત્ર કોંગ્રેસ મોવડીમંડળને પાઠવવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના મુખ્ય પ્રવકતા પ્રેમચંદ્ર મિશ્રાએ જણાવ્યું છે. આ બાબતના સંદર્ભમાં કોંગ્રેસ મોવડીમંડળના નિર્ણયની રાહ જોવાય છે.ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર જવાના હોવાથી કોંગ્રેસને બિહારમાં ભારે ફટકો પડવાનો ભય હોવાથી મુસ્લિમોને પોતાની તરફ આકર્ષવા અને નીતીશકુમારની બિનસાંપ્રદાયિકતાની ઓળખ છીનવી લેવા માટે ચૂંટણીસામગ્રી તરીકે ગુજરાતનાં હુલ્લડોમાં ભોગ બનેલા અન્સારીના ફોટાનો ઉપયોગ કરવાનો વિચાર બિહાર કોંગ્રેસ એકમની નેતાગીરીનો છે.મિશ્રાએ જણાવ્યું કે, લઘુમતી સમુદાયમાં જનતા દળ (યુ)ના વરિષ્ઠ નેતાઓની બિનસાંપ્રદાયિક ઓળખ ઉઘાડી પાડવા માટે ચૂંટણીસામગ્રી તરીકે અન્સારીના ફોટા ઉપયોગી પુરવાર થશે.તેમણે એમપણ જણાવ્યું કે, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ૨૦૦૨માં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે નીતીશકુમાર કેન્દ્રની એનડીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા પરંતુ તેમણે એ વખતે ગુજરાતનાં હુલ્લડો વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યા ન હતો.અત્રે નોંધનીય છે કે, બિહારની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી બિહારમાં ભાજપનો પ્રચાર કરે તો ચૂંટણીઓમાં ભાજપને સફળતા મળવાની આશા છે.
સહકારી અગ્રણી અજય પટેલ અને યશપાલ ચુડાસમા સી બી આઇ થી બચવા કેન્દ્રીય મંત્રીની શરણમાં
સોહરાબ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા અને ઘણા સમયથી ભૂગર્ભમાં જતાં રહેલા સહકારી અગ્રણી અજય પટેલ અને યશપાલ ચુડાસમા સીબીઆઇથી બચવા એક કેન્દ્રીયમંત્રીને શરણે ગયા છે. આ બંનેએ કેન્દ્રના મંત્રીને મળીને મધ્યસ્થી કરવા માટે દબાણ કર્યું હોવાની માહિતી સીબીઆઇને મળી છે.આ બન્ને નેતાઓએ સીબીઆઇ તેમને ઇરાદાપૂર્વક હેરાન કરી રહ્યા હોવાની પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઇના સૂત્રોના જણાવ્યામુજબ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમા દુબઇમાં કેન્દ્ર સરકારના એક મંત્રીને મળ્યા હોવાની માહિતી સીબીઆઇને મળી છે. આ બન્નેએ તેમની ધરપકડ અટકાવવા મદદરૂપ થવા કેન્દ્રીય નેતા પર દબાણ કર્યું હતું.સીબીઆઇનાં સૂત્રોના વધુમાં જણાવ્યાનુસાર, તેમના ધ્યાનમાં આ વિગતો આવી છે અને તે દિશામાં તપાસ પણ કરી રહી છે. અજય પટેલને સાક્ષી તરીકેનું સમન્સ અપાયું છે. જ્યારે યશપાલ ચુડાસમાને આરોપી બનાવાશે. આ મહિનાના અંત સુધીમાં સીબીઆઇ અભય ચુડાસમા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેશે અને તેની સાથે જ ધરપકડનો બીજો દોર શરૂ કરવાની છે.
સ્મૃતિ શિંદેની પુત્રીને છુટાછેડાના કેસમાં સમાધાનનું સૂચન
સ્મૃતિ શિંદે છેલ્લા પાંચ વર્ષથી પતિથી અલગ રહે છે.સર્વોચ્ચ અદાલતે ગુરુવારે કેન્દ્રીયમંત્રી સુશીલકુમાર શિંદેની પુત્રી સ્મૃતિ શિંદે અને તેના પતિ વચ્ચે ચાલતા છુટાછેડાના કેસમાં સુખદ સમાધાન કરવાની શક્યતા ચકાસવા સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે છેલ્લા પાંચ વર્ષથી એકબીજાથી અલગ રહેતા આ દંપતીને નવમી ઓગસ્ટે હાજર થવા આદેશ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે તેઓએ સમાધાનનો વિકલ્પ પણ વિચારવો જોઇએ.લગ્નજીવનમાં કાયમી ભંગાણ પડ્યું હોવાનું ટાંકીને પતિની સંમતિ વગર છુટાછેડાની માગણી કરતી શિંદેની પુત્રીએ દાખલ કરેલી અરજીની સુનાવણી અદાલતે કરી હતી. આ કેસમાં સમાધાનની કોઇ તક અથવા શક્યતા રહેલી છે કે કેમ? તે જાણવાની ઇચ્છા રાખીને જસ્ટિસ જી. એસ. સંઘવી અને એ. કે. ગાંગુલીની બનેલી બેંચે શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રયાસ કરવા જણાવ્યું છે.સ્મૃતિના પતિ સંજય પહડિયા વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે આ દંપતી એકબીજા સાથે વાતચીત કરે છે, પણ કોઇ હકારાત્મક ગતિવિધિ થવાની શક્યતા અંગે તે ચોક્કસ નથી. જ્યારે સ્મૃતિના વકીલે જણાવ્યું હતું કે પત્ની છેલ્લા પાંચ વર્ષથી પતિથી અલગ રહે છે અને પતિએ છુટાછેડા માટે શરૂઆતમાં સંમતિ દર્શાવ્યા બાદ પાછળથી ઇનકાર કર્યો હતો.આ દંપતીને ૧૩ અને ૧૫ વર્ષના બે પુત્ર છે જે સ્મૃતિ સાથે રહે છે. તાજેતરમાં અભ્યાસ અર્થે બન્ને પુત્ર મુંબઇ ગયા છે.પોતાની અરજીમાં સ્મૃતિએ છુટાછેડા માટે પતિ-પત્ની બન્નેની અરસપરસ સંમતિ હોવી જોઇએ તેવી હિન્દુ લગ્ન ધારાની જોગવાઇને પડકારી છે.
કાવતરું ઘડીને શ્રેયને પતાવી દેવાયો
નાણાં લીધા બાદ બીજી વાર નાણાં માટે ફોન ના કર્યો : હીરેનની ધરપકડ: જીગ્નેશભાઈ હીરેનનો અવાજ ઓળખી ગયા.
શહેર નજીક ચાપડ ગામમાં રહેતાં જમીન દલાલના ૮ વર્ષના પુત્ર શ્રેયની રૂ. ૧૦ લાખ માટે અપહરણ અને ગળે ટૂંપો દઈને હત્યા કરનાર પાડોશી યુવકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી. હત્યારાએ અપહરણ કર્યા બાદ તુરંત જ તેની હત્યા કરી હોવા છતાં લાશને ઘરમાં ગોંધી રાખી તેના પિતા પાસેથી પુત્રને મુકત કરાવવા માટે નાણાંની માગણી કરી વિદેશ જવા આયોજન બદ્ધ રીતે આખું કાવતરું પાર પાડ્યું હોવાની વિગતો બહાર આવી હતી.ચાપડ ગામના જીગ્નેશભાઈ પટેલ ના પુત્ર શ્રેયનું તેમના જ પડોશી ૨૩ વર્ષીય હીરેન જયંતિલાલ પટેલે ગત ૫મી તારીખે અપહરણ કરી તેના ગળામાં સૂતરની દોરીથી ત્રણ આંટા મારી ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. તેણે મૃતદેહને પણ મકાનમાં જ મૂકી રાખ્યો હતો.૭મી તારીખે લેન્ડલાઈન પર હિરેને રૂ. ૧૦ લાખ માટે ફોન કરતાં જીગ્નેશભાઈએ તે કહે તેમ કરશે પરંતુ પહેલાં તેમના પુત્ર સાથે એકવાર વાતચીત કરાવવાની જીદ કરતાં તેણે સાત વાગે ફોન કરીશ તેમ જણાવ્યું હતુ. તેનો અવાજ જીગ્નેશભાઈ ઓળખી ગયાં હતા જોકે સાત વાગે બીજીવાર ફોન નહિ આવતાં આખરે પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે હીરેનને લઈ જતાં તેણે હત્યાનો ભેદ ખોલ્યો હતો.પોલીસે હિરેન અને અન્ય પાંચ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.શ્રેયને શોધવા પોલીસે ડોગસ્કવોર્ડની મદદ લેવાની તજવીજ હાથ ધરતાં હિરેનને ડોઘરમાં મૂકેલી લાશનો ભાંડો ફૂટી જશે તેવો ભય લાગતાં વહેલી સવાર હીરેન લાશને પીપમાં નાંખી પરોઢિયે ચારેક વાગ્યાના સુમારે ઢોરને દાણના બહાને તેણે લાશનેખેતરમાંદાટી દઇ નિકાલ કરી દીધો. શ્રેયને કોઇના ઘરમાં સંતાડી દીધો છે તેવું જયોતિષિઓએ જણાવતાં સ્વજનો એ તો લોકોના ઘરો ઉપરાંત ટાંકીઓમાં પણ ચેક કરી હતી.શ્રેયની લાશને દાટી પુરાવાનો નાશ કરવા માટે તેણે ખાડામાંનાખવા માટે ગામની દુકાનમાંથી જ ૧પ કિલો મીઠું ખરીધ્યું હતું. હત્યારો શ્રેયના ઘરમાં જ બેસી હિલચાલ પર નજર રાખતો હતો. હત્યા કર્યા બાદ હીરેન શ્રેયના જ ઘરમાં બેસી તમામ ફોન પણ પોતેજ રિસીવ કરતો અને હિલચાલ પર નજર રાખતો હતો.એક તબક્કે શ્રેય તળાવમાં ડૂબી ગયો હોવાની વાત વહેતી થતાં લાશ્કરો સહિત લોકોએ તપાસ કરતાં કોઇ પત્તો મળ્યો ન હતો. ત્યારેજ હીરેન તેઓની પાસેઆવી શ્રેયના ચપ્પલ તળાવની પાસે જ પડ્યા હોવાનું કહી પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવા માટે પોતે જ તળાવ પાસેચપ્પલ ફેંકી આવી તે તળાવમાં ડુબી ગયો હોવાની થિયરી ઊભી કરી હતી.
ગત સોમવારે ભારત બંધ દરમિયાન શ્રેય બહાર નીકળતાં હીરેન તેને કમ્પ્યૂટર ગેમ રમાડવાના બહાનેલઇ જઇ તેનું અપહરણ કર્યુંહતું. હીરેને તેને ઘરમાં જ રાખી મૂકી લખોટી રમવા આપી દીધી હતી. લખોટી રમતા શ્રેયના મોઢા પર રૂમાલ બાંધી ગળે દોરી વડે ટૂંપો આપી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી. શ્રેયની હત્યા કર્યા બાદ લાશ કોથળામાં નાંખી એક પીપમાં મુકી દીધી હતી.૭મી તારીખે લેન્ડલાઈન પર હિરેને તેના ગામમાં આવેલા કોઈન બોક્ષ પરથી ફોન કરી જણાવ્યું હતું કે તમારો છોકરો એકદમ સેફ છે. અમે , જમાડીયે છીએ, સાથે સુવાડીયે છે. તેણે આ અપહરણમાં પાંચ જણાં હોવાનું જણાવી તેઓએ જ શ્રેયના ચપ્પલ કાંસ પાસે ફેંક્યા હતાં તેમ જણાવ્યું હતુ.તેણે મારે રૂ. ૧૦ લાખની જરૂર છે તો તમે મને ક્યાં આપશો કેમ કહેતાં જીગ્નેશભાઈએ તેને ‘ તમે કહો ત્યાં રૂપિયા આપી દઈશ ’ તેવી ખાતરી આપી હતી જેથી તેણે જો ચાલાકી કરી તો તેમના દીકરાને પતાવી નાખશે તેવી ધમકી આપી હતી. તેણે તેનો ઈન્ફોર્મર તેમના ઘર પાસે ઊભો છે અને તે બધી માહિતી તેને આપે છે તેમ જણાવી પોલીસ, ડોગસ્કવોડ, મીડિયા વગેરેને દૂર કરવાની સૂચના આપી હતી.
હત્યારાને ફાંસીની સજા આપો : જીગ્નેશભાઈ
શ્રેયના પિતા જીગ્નેશભાઈ પટેલે ભારો આક્રોશ સાથે જણાવ્યું હતું કે શ્રેયની હત્યા બાદ પણ હીરેન તેમના ઘરમાં રહીને શ્રેયને શોધવાનો ડોળ કરતો હતો અને તેણે પોલીસને પણ મૃતદેહ શોધવા માટે ગોળગોળ ફેરવી હતી. હત્યા બાદ તેણે શ્રેયના મૃતદેહનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ તમામ વિગતો હિરેન ખતરનાક ગુનેગાર હોવાનો તેમજ તેણે યોજનાબધ્ધ રીતે હત્યા કરી હોવાનો નિર્દેશ કરે છે. આ સમગ્ર બનાવમાં તેની સાથે અન્ય ગુનેગારો અથવા તો તેના પરિવારજનો ચોક્કસપણે જોડાયેલા છે કારણકે તેઓની મદદ વિના તે હત્યા અને મૃતદેહને ઘર પાસેથી લઈ જવાની કાર્યવાહી કરી શકે તેમ નથી. તેમણે તેમના માસૂમ પુત્રના હત્યારાને ફાંસીની સજા થવી જ જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
અમદાવાદ : રાત્રે યોજાતી બીભત્સ રેવ પાર્ટીઓનો વણથંભ્યો સિલસિલો
અમદાવાદના સીમાડે યોજાતી પાર્ટીઓમાં અર્ધનગ્ન હાલતમાં યુવતીઓ પણ બિયરના નશામાં મસ્ત બની જાય છે.અમદાવાદના સીમાડે આવેલા કેટલાંક ફાર્મહાઉસોમાં શનિવારે રાત્રે યોજાતી બીભત્સ રેવ પાર્ટીઓથી પોલીસ ભલે અજાણ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પાર્ટીઓમાં વ્હીસ્કી, બીયરથી માંડીને બ્રાઉન સુગર સુધીની રેલમછેલ જામે છે. થોડા દિવસો પહેલાં ‘દિવ્ય ભાસ્કર’એ આવી જ પાર્ટીઓનો પર્દાફાશ કર્યો હતો.તે સમયે જિલ્લા પોલીસે આવી પાર્ટીઓ પર ધ્યાન રાખવાનું કહ્યું હતું, પરંતુ ખરેખર તે પછી પણ આવી પાર્ટીઓ યોજાઈ રહી છે અને તેમાં યુવતીઓ પણ બિયરના નશામાં મસ્ત જોવા મળી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે આવી પાર્ટીઓનું આયોજન કરતો એક શખ્સ ખુલ્લેઆમ નેટ પર પોતાની જાહેરાત કરે છે અને આવા ફોટા નેટ પર મૂકીને આવી પાર્ટીઓ યોજવા ઇચ્છતા નબીરાઓ અને ધનિકોને આકર્ષે છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક પાર્ટીના આયોજન પાછળ આ શખ્સ રૂ. ૫થી ૧૦ લાખ ખંખેરી લે છે. જેમાં તે ઊંચી બ્રાન્ડની વિદેશી વ્હીસ્કીથી માંડીને બિયરનાં કેન અને જો ગ્રાહક ઈચ્છે તો બ્રાઉન સુગર અને સ્મેક જેવાં ડ્રગ્સ પણ પીરસે છે. મુખ્યત્વે તે દરેક વખત પાર્ટીના આયોજનનું સ્થાન બદલી નાખે છે, જેથી પોલીસને પણ તેના ગોરખધંધાની ગંધ ન આવે.પ્રાપ્ત માહિતી અનુસાર આ શખ્સ પાસે પાર્ટી યોજવા માગતા ગ્રાહકોની કોઈ કમી નથી. તેથી આવી પાર્ટીઓનું બુકિંગ તે પંદર દિવસ પહેલાં લે છે અને બુકિંગ અમાઉન્ટ પેટે રૂ. ૨ લાખથી ૨.૫૦ લાખ ખંખેરી લે છે. ગત શનિવારે શહેરના સીમાડે આવેલા એક આલીશાન ફાર્મહાઉસમાં આવી જ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્ધનગ્ન યુવતીઓ બિયરના નશાં ધૂત થઈને બીભત્સ હરક્તો કરતી નજરે પડી હતી.પાર્ટીમાં આવનારા મહેમાનોના મનોરંજન માટે આવી પાર્ટીઓમાં કેટલીક સી-ગ્રેડની મોડલને પૈસા આપીને બોલાવવામાં આવે છે. આ યુવતીઓ લગભગ અર્ધનગ્ન અવસ્થામાં આવીને દારૂ બિયરની ચુસકી માણીને અન્ય મહેમાનોને મનોરંજન પૂરું પાડતી હોય છે.
જર્મનીના પરાજયની આગાહી કરનાર ઓક્ટોપસનું હવે શું થશે?
પોલ નામનો ઓક્ટોપસ અત્યારે જર્મનીમાં સૌથી વધુ ચર્ચામાં છે. વિશ્વકપ ફૂટબોલની સેમિ ફાઇનલમાં જર્મની સ્પેનની સામે હારી જશે એવી આગાહી આ ઓક્ટોપસની મદદથી કરવામાં આવી હતી જે સાચી પડી છે અને હવે જર્મન ફૂટબોલ પ્રેમીઓ પોલના લોહીના તરસ્યા થયા છે, જાણે પોલે જર્મનીને હરાવ્યું હોય. વર્લ્ડકપ ફૂટબોલમાં પોલની મદદથી તેના કેરટેકરે કરેલી આગાહીઓ અત્યાર સુધી સાચી પડી છે પણ તેનો અર્થ એ નથી કે પરાજય માટે પોલ જવાબદાર હોય. પણ જર્મન ફૂટબોલ રસિકોમાંના કેટલાક કહે છે કે આને લોહી તરસી શાર્કની ટાંકીમાં નાખી દો. કોઈ કહે છે, તેને ફ્રાઈ કરીને ખાઈ જાઓ, કોઈ તેને બાર્બેક્યુ કરીને અથવા સી-ફૂડ સલાડ બનાવીને ખાઈ જવાનું સૂચન કરી રહ્યા છે.મૂળ મુદ્દો એ છે કે બિચારો પોલ નામનો ઓક્ટોપસ તો જાણતો પણ નહીં હોય કે પોતે એક વિશ્વપ્રસિદ્ધ ભવિષ્યવેતા બની ગયો છે તેના ઓરેકલ દુનિયામાં પ્રસિદ્ધ છે. તો ભાવતા ખોરાકના બે ડબ્બા પાણીમાં ઉતારાય તેમાંથી જેને પહેલો પસંદ કરે તેમાંના ધ્વજ પ્રમાણેનો દેશ જીતે એવી આગાહી માણસો કરી નાખે છે. હકીકતમાં વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનો પરદો હટાવીને ભાવિમાં જોઈ લેવાની ઉત્સુકતા દરેક માણસમાં હોય જ છે. જયોતિષીઓના ધંધા એટલે જ ચાલતા રહે છે. ભવિષ્યને જાણ્યા પછી પણ તેને ઊલટાવી શકાય કે નહીં એ બાબતે લોકો હજુ વિચારતા નથી.બાબા કે તાંત્રિક કે ધૂતારા તેમને અષ્ટમ પષ્ટમ સમજાવીને પોતાની જાળમાં ફસાવી લે છે. આવું માત્ર ભારતમાં જ થાય છે એવું નથી. અંધશ્રદ્ધા ભારત હોય કે જર્મની હોય કે અમેરિકા હોય કે બ્રિટન હોય, બધે જ સરખી છે. પશ્ચિમના દેશો રેશનલ છે એવું માની લેનારાઓ મૂખૉના સ્વર્ગમાં જીવે છે. માનવ વસ્તીનો એક મોટો હિસ્સો હંમેશાં ચમત્કાર, જ્યોતિષ વગેરેમાં માનતો હોય છે. તેમના માટે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક હોતો નથી. આસ્થા અને આંધળી ભક્તિ તેમના માટે સરખી છે. ઓક્ટોપસ પોલ તો જાહેર થઈ ગયેલી ચીજ છે. આવું તો ઘણું ચાલતું હશે.જોકે ભવિષ્યની આગાહી કરનાર ઓક્ટોપસ તરીકે તેની નામના હમણાં જ થઈ છે એવું નથી. ઇંગ્લેન્ડના વેમાઉથ ખાતેના એકવેરિયમમાંના આ ઓકટોપસે ૨૦૦૮ની યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પણ સાચી આગાહીઓ કરી હોવાનું કહેવાય છે. હવે વિશ્વકપ ફૂટબોલની ફાઇનલમાં પોલની આગાહી પર અબજો ડોલરનો સટ્ટો લાગશે અને પછી? પોલ સાચો પડશે?
સુરત શહેરને પૂરથી બચાવી શકાય છે પરંતુ…..
સુરત શહેરને હંમેશાં પૂરથી બચાવી શકાય છે પરંતુ તેની બે શરત છે. પહેલી શરત એ છે કે ઉકાઈ ડેમની સપાટી સપ્ટેમ્બર માસમાં ૩૩૦ ફૂટ સુધી જ મેન્ટેઇન કરવામાં આવે. આ ટેકનિકના અમલને કારણે વર્ષ ૨૦૦૭માં પૂરથી શહેરને બચાવી શકાયું હતું. વર્ષ ૨૦૦૭ પછી ઉકાઈ સત્તાધીશો ઉક્ત ટેકનિકનો અમલ પણ કરી રહ્યા છે તે ઉકાઈ ડેમની સપાટીના આંકડા પરથી સાબિત થાય છે.તેની મહત્વપૂર્ણ એવી બીજી શરત પાળાની મેન્ટેનસની કામગીરીને લગતી ગંભીર બાબત છે.હાલમાં સરકારી તંત્રો દ્વારા અને તેમાં પણ સિંચાઈ વિભાગ દ્વારા પાળા મામલે ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે. તાપીના પાળા કેટલા મજબૂત છે તેની કોઈ બાંયધરી આપી શકે તેમ નથી. રાજ્યના ટોચના નદીના તજજ્ઞ એમ.ડી. દેસાઈ દ્વારા ઉક્ત ગંભીર મામલે રસપ્રદ થિયરી રજુ કરવામાં આવી છે. ઉકાઈમાં ૩૩૦ ફૂટ જેટલું પાણી હોય તો સમગ્ર વર્ષ દરમિયાન શહેરને સિંચાઈ અને પીવાના પાણીનો પુરવઠો સરળતાથી આપી શકાય તેમ છે. ઉકાઈમાં હાઇડ્રોથર્મલ દ્વારા વીજળી પણ આટલા પાણીમાં પેદા કરી શકાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તાપીનું રૂલ લેવલ ૩૩૦ ફૂટ સુધી રાખવામાં આવે તો તાપીમાં ગમે તેવું જોખમી પૂર આવે તો પણ તેને નિયંત્રિત કરી શકાય તેમ છે.આ છે શહેરને પૂરથી બચાવવાની ટેકનિક : તાપીનું હાલનું ડેન્જર લેવલ ૩૪૫ ફૂટ છે. તાપી એકવખત ૩૩૫ ફૂટની સપાટી ઓળંગે તે પછી જ સુરત શહેર પર જોખમ તોળાય છે. સપ્ટેમ્બર માસમાં ઉપરવાસમાં ૩૩૦ ફૂટ કરતાં વધારે સપાટી ક્યારેય જવા દેવી નહીં. આ ઉપરાંત તાપીની ઉકાઈ ખાતેની સપાટી ૩૩૦ ફૂટ જેટલી રાખવામાં આવે છે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે તેવા સંજોગોમાં ચાર લાખ કયુસેક્સ પાણી છોડીને પૂરને નિયંત્રિત કરી શકાય છે.હાલમાં તાપીને બે કિનારે અંદાજે બાવીસ કિલોમીટર જેટલા કાચા અને પાકા પાળા તાપીના પ્રચંડ પ્રવાહથી શહેરને રક્ષણ આપે છે. વર્ષ ૨૦૦૬ના પૂરમાં મોરાભાગળ અને અડાજણ વિસ્તારમાં ભંગાણ કરીને રાંદેર અને શહેરમાં ભારે તારાજી સર્જી હતી. હાલમાં પણ તાપીના બે કિનારા શહેર અને જિલ્લાનાં ગામોને રક્ષણ આપતા પાળા પૂરનો સામનો કરી શકે છે કે તેમ તે મામલે કોઈ સરકારી તંત્ર બાંયધરી આપી શકે તેમ નથી.ઉકાઇડેમમાં ઉપરવાસમાં કેટલો વરસાદ પડી રહ્યો છે તે માટે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા પચ્ચીસ જેટલા સેન્ટર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખોલવામાં આવ્યા છે. આવતા વર્ષથી સેટેલાઇટ અપલિંક થતા ઉપરવાસના વરસાદની તમામ વિગત સેકંડોમાં મેળવી શકાશે.
ફેસબુક પર વિદ્યાર્થિનીઓના અપશબ્દ જંગની આજથી તપાસ
શહેરના ફતેગંજ વિસ્તારની કોન્વેટ ઓફ જીસસ મેરી ગર્લ્સ હાઇસ્કૂલની બે વિદ્યાર્થિનીઓના જુથે અંગત અદાવતમાં સોશિ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર એકબીજા પર ગંદી ગાળો અને અશ્લીલ ભાષા કરવાની બહાર આવેલી ઘટનાને પગલે શાળા સહિત સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે. ત્યારે આ મુદ્દે આવતીકાલથી તપાસ શરૂ થવાના સંકેત જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા છે.સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર કોન્વેટ ઓફ જીસસ મેરી ગર્લ્સ હાઇસ્કૂલની બે જુથની વિદ્યાર્થિનીઓએ સામ-સામે, એકબીજાના માતા-પિતા સહિત સ્કૂલ વિરુદ્વ કરેલાં આપત્તજિનક ઉચ્ચારણો તથા અપશબ્દો લખવાના પ્રકરણ સામે શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય મીસ મેરીએ છ વિદ્યાર્થિનીઓને અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેતાં જ શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ટોક ઓફ ધ ટાઉન બનેલી ઘટનાના સંદર્ભમાં આજે સ્કૂલના સત્તાધીશોએ મૌન સેવ્યું હતું અને ઘટના અતિ ગંભીર હોવાથી અમે વિદ્યાર્થિનીઓના નામ જાહેર કરી શકતા નથી તેમ જણાવ્યું હતું.બીજીબાજુ સસ્પેન્ડ કરાયેલી છ વિદ્યાર્થિનીઓ ગંદી ગાળો અને અશ્લિલ ભાષાનો પ્રયોગ કરતી હોવાથી અન્ય વિદ્યાર્થિનીઓના વાલીઓ આજે આવી વિદ્યાર્થિનીઓ સાથે કોઇપણ પ્રકારનો સંબંધ ન રાખવાની સૂચના આપી છે. દરમિયાનમાં સસ્પેન્ડ થયેલી છ વિદ્યાર્થિનીઓના જુથે ઘટના બહાર આવ્યા બાદ પણ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો ચાલુ રાખતાં સનસનાટી મચી ગઇ છે.સમગ્ર પ્રકરણ અંગે શહેર જિલ્લા શિક્ષણાધિકારી એસ.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે કોન્વેન્ટની વિદ્યાર્થિનીઓએ સંસ્કાર અને મર્યાદાની હદ ઓળંગી છે. ઘટના ઘણી જ આઘાતજનક અને ચિંતાજનક છે. ઘટના કંઇ રીતે બની ? ઘટનામાં કેટલી વિદ્યાર્થિની સંડોવાયેલી છે ? તમામની તપાસ સોંપી છે. આવતીકાલથી તપાસ શરૂ થઇ જશે. વહેલી તકે રિપોર્ટ સોંપવા એજ્યુકેશન ઇન્સપેક્ટરને આદેશ કર્યો છે. રિપોર્ટ બાદ પગલાં લેવાશે.
વિશાળ મૌન રેલી બાદ કલેક્ટર સમક્ષ રજુઆત
‘કાં વેપારીઓને જેલ મુક્ત કરો, અથવા અમને બધાને અંદર નાખી દો’ તેવા સૂર સાથે જથ્થાબંધ બજર કેસમાં જેલવાસ ભોગવી રહેલા વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી છે. બજારથી ચારેક કિલોમીટર દૂર આવેલી જિલ્લા સેવા સદન સુધી મૌન રેલી યોજયા બાદ પરિવારજનો તેમજ સાથી વેપારી તેમજ ટ્રસ્ટીઓએ આ રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.ત્રણ અગ્રણી વેપારી છ માસથી અને દસ જેટલા સવા માસથી પાલારા જેલમાં કેદ છે. જેઓને છોડાવવા, સરકાર પર દબાણ લાવવાની લડતની રૂપરેખા બુધવારે સાંજે બજાર પરિસરમાં ઘડાઇ હતી. જેના ભાગરૂપે આજે જથ્થાબંધ બજારમાંથી નીકળેલી વિશાળ મૌનરેલી ભીડ બજાર, અનમ રિંગરોડ, બસ સ્ટેશન થઇ કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં પહોંચી મુક્ત કરોના નારાઓ લગાવ્યા હતા. પરિવારજનો તેમજ વેપારીઓએ કલેક્ટર એમ.થેન્નારસનને રૂબરૂ મળી કુટુંબીજનોની દારૂણ સ્થિતિથી માહિતગાર કર્યા હતા. સમાહર્તાએ ઉચ્ચસ્તરે તેઓની વાત પહોંચાડવા ખાતરી આપી હતી.ભુજ ગેઇન એન્ડ સીડ્સ હોલસેલ મર્ચન્ટ એસો. સંચાલિત ભૂકંપગ્રસ્ત ભુજ બજાર નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર બજારમાં પુરી કિંમત ચૂકવ્યા છતાં જેલમાં જવું પડ્યું છે અને જામીન પણ અપાતાં નથી તે કેટલું યોગ્ય છે ? તેવો સવાલ કર્યો હતો અને સોમવારથી બજાર બંધ બાદની અસરો માટે તૈયાર રહેવા કહેવાયું છે.રેલી બાદ સૌપ્રથમ કાર્યક્રમમાં ભુજની જથ્થાબંધ બજાર સોમવારથી સંપૂર્ણપણે બંધ રાખવાની હશે. ગુરુવારના અંકમાં શરતચૂકથી માર્કેટયાર્ડ બંધ રખાશે તેવું જણાવાયું હતું, પરંતુ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ જ ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરાઇ છે.રજુઆત બાદ પત્રકારો સાથે વાત કરતાં વેપારીઓના પરિવારજનોએ રોષભેર કહ્યું હતું કે, રાજ્યમંત્રી સહિત ભાજપના એકપણ અગ્રણીએ અમારી પૂછા કરી નથી, તો જેલમાં બીમાર પડેલા વેપારીઓના કાળામસ કપડાં સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. હૃદયરોગ વાળા વેપારીને જે રીતે લઇ જવાયા તેનો પણ વિરોધ કરાયો હતો.
કમાણા ગામની સોળ વર્ષની સગીરાને ભગાડી જનારને ત્રણ વર્ષ કેદ
વિસનગર તાલુકાના કમાણા ગામની સોળ વર્ષની સગીરાને હરદેસણ ગામના શખ્સ દ્રારા સગી માસીયાઇ બહેનને લલચાવી ફોસલાવી ભગાડી જવાના કેસમાં વિસનગર ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને સગીરાના અપહરણના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીએ ચાલુ કેસે સગીરા પુખ્ત થતાં તેની સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ પોતાની બહેન સમાન સગીરાને ભગાડી જવાના આ કેસમાં યુવતીએ આરોપી તરફી નિવેદન આપ્યું હોવા છતાં સગીરાનું અપહરણ ગુનો બનતો હોઇ અપહરણના ગુનામાં સજા ફટકારી છે.આ અંગેની વિગત એવી છે કે મહેસાણા તાલુકાના હરદેસણ ગામમાં રહેતો સેનમા દશરથભાઇ રામજીભાઇ નામનો શખ્સ પોણા બે વર્ષ પુર્વે કમાણા ગામમાં રહેતી તેની માસીયાઇ બહેનને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.આ બનાવ અંગે યુવતીના પિતાની ફરીયાદને આધારે વિસનગર પોલીસે યુવક સામે ગુનોં દાખલ કરી આરોપી દશરથની અટકાયત કરી હતી. આ કેસ વિસનગર ફાસ્ટ ટ્રક કોર્ટમાં ચાલી જતાં એડીશન સેશન જજ પી.વી. શ્રીવાસ્તવે સરકારી વકીલ સંજયભાઇ પી બ્રહ્નભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને ૩૦૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. કેસમાં આરોપીએ ચાલુ કેસે સગીરા પુખ્ત થતાં તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.અને હાલ યુવતી આરોપીના ઘરે જ છે. યુવતીના નિવેદનને આધારે કોર્ટે આરોપીને બાળાત્કારના કેસમાં નિર્દોષ છોડી મુક્યો હતો. કોર્ટે હિંદુ મેરેજ એક્ટ મુજબ માતાની ત્રણ પેઢી સુધી લગ્ન થઇ ન શકે તેથી આ લગ્ન ગેરકાયદેસર હોવાનું જણાવ્યુ હતું.અને સહમતીથી પણ જો સગીરાનું અપહરણ કરાય તો પણ ગુનો બનતો હોય કોર્ટે આરોપીને સજા ફટકારી હતી.
મુંબઈ : વરસાદનો અડધો કવોટા પૂરો થયો
ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં શહેર વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ અને પરાં વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમના કુલ વરસાદનો આંક શહેર વિસ્તારમાં બાવન ઈંચ અને પરાં વિસ્તારમાં એકતાલીસ ઈંચ પર પહોંચ્યો છે. મુંબઈમાં મોસમના કુલ અપેક્ષિત વરસાદનું પ્રમાણ ૮૦થી ૧૦૦ ઈંચ હોવાથી બન્ને ઠેકાણે અડધો કવોટા ચોમાસુ શરૂ થયાના એક મહિનામાં જ પૂરો થઈ ચૂકયો છે. શુક્રવારે સવારે ૧૦.૪૦ વાગ્યે પણ ભરતીની આગાહી કરાઈ છે. શુક્રવારે હળવા-ભારે ઝાપટાં ચાલુ રહેશે.નાંદેડ જિલ્લામાં પડેલા વરસાદને લીધે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. રત્નાગિરિ જિલ્લાના નિવસર રેલવે સ્થાનક પાસે બેર્ડેવાડી ખાતે મંગળવારે રાતે ભેખડ ધસી પડતાં કોંકણ રેલવેના ટ્રેનવ્યવહાર પર અસર થઈ હતી. ખોરવાઈ ગયેલો ટ્રેનવ્યવહાર, પાટા પરતી માટી-પથરાનો ઢગલો હટાવાયા બાદ શરૂ કરી શકાયો હતો. સવારે અગિયાર વાગ્યે ટ્રેનવ્યવહાર થાળે પડ્યો, પણ બપોરે બે વાગ્યા પછી ફરી ગતિ ધીમી પડી હતી.મુંબઈમાં મોસમનો અત્યાર સુધીમાં ૫૨ ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં પાણીપુરવઠો આપતા જળાશયોની જળસપાટીમાં વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૦૯માં આ દિવસોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાનું કુલ પ્રમાણ ૧૪૫ અબજ ૭૭ કરોડ લીટર હતું. હાલનો જથ્થો ૧૫૯ અબજ ૬૩ કરોડ ૧૦ લાખ લીટરનો છે. પાણીના જથ્થામાં નોંધપાત્ર વૃદ્ધિને પગલે મુંબઈ મહાનગરપાલિકા પાણીકાપ હટાવે એવી શક્યતા સર્જાઈ છે.
પત્રકારત્વ ક્ષેત્રે ઉજળી તકો
આર્થિક મંદીની મારથી બહાર આવી રહેલી દુનિયામાં હવે મીડિયાની સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. ઓરેલા ડિજિટલ જર્નલિજમ સ્ટડી તરફથી હાલમાં કરવામાં આવેલ સર્વે અનુસાર દુનિયા ભરના પત્રકારોમાં ગયા વર્ષની તુલનાએ નિરાશામાં ઘટાડો થયો છે.
અમેરિકા, બ્રાઝિલ અને ઘણા યૂરોપિય દેશો સહિત 15 દિવસમાં કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે પરંપરાગત માધ્યમો જેવાકે રેડિયો, ટીવી અને સમાચારપત્રમાં કાર્ય કરતા પત્રકારો પર કામનું ઘણું ભારણ રહેલું હોય છે. જોકે આ પત્રકારો મીડિયાના ભવિષ્યને લઈને ઘણા આશાવાદી જોવા મળ્યા હતાં.સર્વેમાં સમાવેશ કરવામાં આવેલા પત્રકારોમાંથી 44 ટકા પત્રકારોનું માનવું છે કે પ્રિન્ટ મીડિયા ટૂંક સમયમાં સંકેલાઈ જશે. જોકે પત્રકારોનું માનવું છે કે ઓનલાઈન મીડિયામાં વધુ ઈનકમ નહી થવાના કારણે તેની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે સાથે તેમણે કહ્યુ કે મીડિયાની જાહેરાતોમાં દસ ટકાનો ઘટાડો આવશો. મોટાભાગના પત્રકારોએ જણાવ્યું હતું કે તેમના પર કામ કરવાનું ભારણ વધતુ જાય છે.પત્રકારોનું કહેવું છે કે મીડિયા સંસ્થાનોના બજેટમાં કાપ અને કામમાં વધતા ભારણને કારણે વીડિયો, બ્લોગ અને અન્ય વિચારમંચનો ઉપયોગ ઓછો કરી શકીએ છે. જોકે 40 ટકા લોકોએ એવું જણાવ્યું હતું કે વેબસાઈટ પત્રકારો માટે નવી તકો લઈને આવશે.
આઇફોન-4નો જાદુ: જુનો આઈફોન આપી નવો આઈફોન-4 વસાવો
એપ્પલનો આઇફોન-4 એક દિવસમાં સૌથી વધુ મોબાઇલ ફોન વેચવાનો તો રેકોર્ડ બનાવી ચૂકી છે, હવે તેની બદોલત વધુ એક અનોખો રેકોર્ડ પણ બનાવી દીધો છે. આ રેકોર્ડ આઇફોનના જૂના મોડલ્સના વેચાણનો છે. ગ્રાહકો પાસેથી જૂના ગેઝેટ ખરીદનાર અમેરિકાની એક ઓનલાઇન કંપની ગૈજલે ડોટ કોમ એ આઇફોનનું પ્રી-બુકિંગ શરૂ થયા બાદ, બે સપ્તાહની વચ્ચે ગ્રાહકો પાસેથી 20,000 જૂના આઇફોન ખરીદ્યા છે.એટલું જ નહિં ઓનલાઇન વેચાણ કરનરા વધુ એક વેબસાઇટ ઇ-બે ડોટ કોમ પર પણ મોટી સંખ્યામાં લોકો આઇફોનના જૂના વર્ઝનની હરાજી કરી રહ્યા છે. જો કે યુરોપ અને અમેરિકામાં આઇફોન-4નો જાદુ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે. એવામાં લોકો આઇફોનના આ નવા વર્ઝનને ખરીદવા માટે પોતાના જૂના આઇફોન વેચવામાં લાગી ગયા છે.
નીતિન ગડકરીનો વાણી વિલાસ, અફઝલ ગુરુ કોંગ્રેસનો જમાઈ છે?
ભાજપ દ્વારા અત્રે આયોજિત ‘ જનઆક્રોશ રેલી’ને સંબોધતાં પક્ષપ્રમુખ નીતિન ગડકરીએ સંસદ પરના હુમલા કેસના આરોપી અફઝલ ગુરુને ફાંસીની સજા આપવામાં થઇ રહેલા વિલંબ બદલ યુપીએ સરકારની આલોચના કરતાં જણાવ્યું હતું કે, ‘અફઝલ ગુરુ શું કોંગ્રેસનો જમાઇ છે? અફઝલને ખાસ રાહતો શા માટે આપવામાં આવે છે?કોંગ્રેસ અને ભાજપની સંસ્કૃતિ વચ્ચેનો તફાવત સમજાવતાં ગડકરીએ કહ્યું હતું કે પોતે એક સામાન્ય કાર્યકરમાંથી પક્ષપ્રમુખ બન્યા છે. તેમના પક્ષમાં જ આવું સંભવ બની શકે. એક પરિવાર માટે પક્ષપ્રમુખનું પદ અનામત હોય ત્યાં આવું સંભવી જ ના શકે.પરિવારના પેઢી દર પેઢી શાસનથી ટેવાયેલા કોંગ્રેસ પક્ષમાં એક સામાન્ય કાર્યકર ઉચ્ચ પદ પર પહોંચવાનું સંભવી ના શકે.વડાપ્રધાન, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ કે નાણાપ્રધાન પ્રણવ મુખરજી ક્યારેય કોંગ્રેસ પ્રમુખ બનવાનું સ્વ? ના જોઇ શકે કારણ કે તે પદ ગાંધી -નહેરુ પરિવાર માટે અનામત છે. સાચા અર્થમાં આંતરિક લોકશાહી માત્ર ભાજપમાં જ છે એમ કહેતાં કે તેઓ માત્ર સામાન્ય કાર્યકર જ છે અને માત્ર સુકાનીની જવાબદારીઓનું વહન કરવા પ્રયાસ કરી રહ્યા છે. કાર્યકરો પૂરી તાકાતથી કામ કરે તો જ સુકાની સફળ થઇ શકે.
ચીન દ્વારા ભારતમાં થઇ રહેલી ઘૂસણખોરી ખાળવા યુપીએ સરકાર કાંઇ કરી રહી નથી એ મુજબ આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે આ મુદ્દે પક્ષની ઉચ્ચ સ્તરીય ટુકડી બનાવી હતી. તાજેતરમાં ટુકડીએ ચીન સાથેની સરહદની મુલાકાત લઇને ચીની ઘૂસણખોરીના અનેક બનાવોની નોંધ લીધી છે.
09 July 2010
Subscribe to:
Post Comments (Atom)
આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટર સાથે જોડવામાં આવ્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
ReplyDeleteઆપ ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા માટે મુલાકાત લો http://groups.google.co.in/group/netjagat