05 July 2010

આજી-૧માં ૦.૩૦ ફૂટ, ન્યારી-૧માં એક ફૂટ, ભાદરમાં ૦.૭૨ ફૂટ નવા નીરની પધરામણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજી-૧માં ૦.૩૦ ફૂટ, ન્યારી-૧માં એક ફૂટ, ભાદરમાં ૦.૭૨ ફૂટ નવા નીરની પધરામણી

ન્યારી-૧માં ૧૫, ભાદરમાં ૧૨ દિવસનું પાણી આવ્યું .રાજકોટ ભયંકર જળસંકટની ગર્તામાં ધકેલાઇ રહ્યું હતું અને પાણીકાપના કારમા દિવસો તોળઇ રહ્યા હતા એવા ટાંણે જ મારો હાલો મેહુલિયો અંતે આવ્યો ખરો, લાંબા સમયની ઇંતજારી બાદ પધારેલા મેઘરાજા ગત રાત્રે મન મૂકીને વરસતા આ એક જ રાતમાં શહેરના અધાર સ્તંભ એવા આજી ડેમમાં ૦.૩૦ ફૂટ, ન્યારી ડેમમાં ૧ ફૂટ અને ભારદમાં પોણા ફૂટની આવક થતા ઉક્ત જળાશયોમાં નવા પ્રાણ પૂરાયા છે.આજી ડેમ સાવ તળિયાઝાટક થઇ ગયો છે તો સ્થાનિક સોર્સ પૈકી અન્ય જળાશયો ન્યારી અને ભાદર ડેમ ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં એકાંતરા અથવા અઠવાડિયે બે દિવસનો પાણીકાપ મૂકવાની વિચારણા લગભગ આખરી તબક્કામાં જ ચાલતી હતી ત્યાં મેઘરાજા રાજકોટવાસીઓના તારણહાર બનીને આવ્યા છે.ગઇકાલે મેઘરાજાનો ધોધમાર હેત વરસ્યો હતો. આખી રાત ગગનગોખેથી પ્રેમવર્ષા થઇ હતી. રાત દરમિયાન ચાર ઇંચથી વધુ પાણી પડી જતાં લોકોના હૈયે ટાઢક પ્રસરી ગઇ છે. આજે પણ દિવસભર ઘટાઘોપ વાદળોની જમાવટ રહ્યાબાદ સાંજે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. છેલ્લાં ચોવીસ કલાકથી થતી આ અમિવર્ષાથી જળાશયો ચેતનવંતા બન્યા છે.શહેરની જીવાદીરી સમાન આજી ડેમનું તિળયું ગઇકાલ સુધી સાફ દેખાતું હતું પણ નવા નીરની પધરામણીથી ૦.૩૦ ફૂટની સપાટી વધી છે. જો કે આ જળરાશિ ચારથી પાંચ દિવસની હોવાનું મનપાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ન્યારી-૧ ડેમમાં એક જ રાતમાં એક ફૂટની સપાટી વધી હતી. ન્યારી ડેમમાં નવું ૩૫ એમ.સી.એફ. ટી. પાણી આવ્યું હતું, જે રાજકોટ માટે ૧૨ થી ૧૫ દિવસનું માની શકાય. ભાદર ડેમમાં પણ ૦.૬૯ ફૂટ સપાટી વધીને ૩૦ દિવસનું નવું પાણી આવ્યું. હોવાનું મનપાની ઇજનેરી શાખાએ જણાવ્યું હતું.
દુનિયાની સૌથી નબીસદાર મહિલા
પોતાની કિસ્મત ચમકાવવા માટે લોકો હંમેશા લોટરી ખરીદતા હોય છે. પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોને નિષ્ફળતા જ મળતી હોય છે. પરંતુ અમેરિકાની એક મહિલા પર તેની કિસ્મત જરા વધારે જ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે.63 વર્ષીય જોન ગિન્થર દુનિયાની સૌથી ભાગ્યશાળી લોટરી વિજેતા છે. તે 1993માંથી અત્યાર સુધી ચાર વખત લોટરી જીતીને કરોડો ડોલર પોતાના નામે કરી ચુકી છે. ગિન્થરે ગયા અઠવાડિયે એક સ્કેચ લોટરી ટિકિટ દ્વારા 10 મિલિયન ડોલર જીત્યા છે.આ પહેલા તે 1993માં 5.4 મિલિયન ડોલર જીતી ચુકી છે. આવી જ રીતે તેણે 2006માં 2 મિલિયન ડોલર અને 2008માં 3 મિલિયન ડોલર જીત્યા હતાં.


બકરી આપશે ‘માતા’નું દૂધ!

રશિયા દ્વારા ખાસ ટ્રાન્સજેટિક બકરીઓ તૈયાર કરવામાં આવી છે. આ બકરીઓની વિશેષતા એ છે કે તે માતાના દૂધ જેવું જ દૂધ આપે છે. બકરી દ્વારા આપવામાં આવતા આ દૂધમાં લેક્ટોફેરિન નામનું માનવીય પ્રોટીન હોવાને કારણે તેનો ઉપયોગ સ્તનપાનના વિકલ્પ તરીકે કરી શકાય છે.નોંધનીય છે કે નવજાત બાળકમાં જ્યાં સુધી રોગ પ્રતિકારણ શક્તિનો વિકાસ ન થાય ત્યાં સુધી માતાના દૂધમાં રહેલું લેક્ટોફેરિન પ્રોટિન તેનું બેક્ટેરિયા અને વિષાણુઓથી રક્ષણ કરે છે.રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી બકરીઓની મદદથી હવે જરૂરીયાતમંદ બાળકોને માતાના દૂધ જેવું જ દૂધ પુરું પાડી શકાશે.


નાટકિયા રાજભાએ લોકઅપમાં માથા પછાડ્યા! આજે રિમાન્ડ મંગાશે

છળકપટ અને ધાક ધમકીથી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના અનેક ખેડૂતની કિંમતી જમીન અને મકાનો પડાવી લેનાર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને પૂર્વ કોર્પોરેટરના કુખ્યાત પુત્ર રાજભા સતુભા જાડેજાના એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે આજે રપ કરોડના જમીન કૌભાંડમાં જેલમાંથી કબજો મેળવતા નાટકિયા રાજભાએ ફરી વખત લોકઅપમાં પોતાનું માથું અફળાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પૂર્વ કોર્પોરેટરના પુત્ર રાજભાએ ક્રાઇમ બ્રાંચના લોકઅપમાં આપઘાતનો પ્રયાસ કર્યા બાદ અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. દરમિયાન સરસ્વતી સોસાયટીમાં રહેતા ખેડૂત કેયૂરભાઇ પાંચાણીની પડધરીના ઇશ્ચરિયા ગામની રપ કરોડની જમીનનો રાજભા જાડેજાએ સાગરીતો મારફત પોતાના અને હિતેષ બાંભવાના નામેનો બારોબાર દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર સલીમ સાટીએ આરોપી રાજભાનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટની આજે સાંજે કબજો મેળવ્યો હતો.લોકઅપમાં ધકેલ્યાની થોડી જ ક્ષણમાં આરોપી રાજભાએ ફરી વખત લોકઅપ સાથે માથા અફળાવી ‘મારે મરી જવું છે’ તેવા બરાડા પાડી આપઘાતનો પ્રયાસનું વધુ એક નાટક કર્યું હતું. હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજાએ રાજભા વિરુધ્ધ આઇપીસી કલમ ૩૦૯ હેઠળ આપઘાતના પ્રયાસનો વધુ એક ગુનો દાખલ કરાવ્યો હતો. રપ કરોડના જમીન કૌભાંડમાં સાગરીતો ઉપરાંત અન્ય કોની-કોની સંડોવણી છે. તે સહિતની માહિતી મેળવવા કાલે રિમાન્ડની માગણી કરાશે. ઉલ્લેખનીય છે કે, ગવરીદડના ખેડૂતે પણ રાજભા સહિતના આરોપી સામે જાિળયા ગામની ૨૬ એકર જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જાત બચાવવા રાજભાના રાજકીય ‘ગોડ ફાધર’એ પણ હાથ ઊંચા કરી દીધા. મારામારી, બળજબરીથી નાણાં, મિલકત પડાવી લેવા સહિતના ૧૯ ગુનામાં રાજભાની સંડોવણી હોવા છતાં તેના ‘ચોક્કસ ગુણ’ને ધ્યાને લઇ અમુક રાજકીય આગેવાનોએ તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અતિ મહત્વના ગણાતા બોર્ડ ઓફ એકાઉન્ટના ચેરમેનના હોદ્દા સુધી લઇ જવામાં ભરપૂર મદદ કરી હોવાનું કહેવાય છે. રાજકીય માથાઓએ ત્યાર પછી રાજભા મારફત લોચાવાળી અનેક જમીનના ‘વહીવટ’ સુલટાવ્યાની પોલીસને માહિતી મળી છે. અત્યાર સુધી દરેક કેસમાં રાજભાને બચાવવા ભલામણનો ધોધ વહાવતા રાજકીય માથાઓને આ વખતે પોતે પણ ઝપટે ચડી જવાની પૂરી દહેશત હોવાથી પોતાની ચામડી બચાવવા રાજભાના કેસમાંથી હાથ ઊંચા કરી દીધાનું જાણવા મળે છે.
નારણકાના જમીન કૌભાંડના દસ્તાવેજ રાજભા પાસેથી મળ્યા .મોરબીના નિકુલ હિરજીભાઇ કલોલાએ તેની પડધરીના નારણકાની જમીન પચાવી પાડવા અંગે રાજકોટના સુનિલ ગોસ્વામી અને જયપાલસિંહ કૃષ્ણસિંહ સહિતના શખ્સો સામે ૧૭ જૂને એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ જમીનના દસ્તાવેજ પણ રાજભા પાસેથી મળી આવતા આ કૌભાંડમાં પણ તે મુખ્ય આરોપી હોવાનું મનાય છે. ભોં ભીતર થઇ ગયેલા રાજભાના સાગરીતોને શોધવા ઠેર ઠેર દરોડા. જમીન કૌભાંડમાં રાજભાની સાથે સામેલ જગદશિ વલ્લભ ઠુમર, હિતેષ મેરામ મુંધવા, અનિરુધ્ધસિંહ ચંપકસિંહ જાડેજા, અમરદપિસિંહ કનકસિંહ રાણા સહિતના આરોપીઓ ધરપકડથી બચવા ભોં ભીતર થઇ ગયા છે. પોલીસે આજે અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપીઓના રહેણાક,ધંધાના સ્થળો અને આશ્રય સ્થાનો ઉપર છાપા માર્યા હતા. પરંતુ સફળતા મળી નથી.



સોમવારે રાજકોટ સજજડ બંધ રહેશે.

મોંઘવારીને નાથવામાં કેન્દ્રની કોંગી પ્રેરિત યુ.પી.એ સરકારની નિષ્ફળતા તથા ગુજરાતમાં સી.બી.આઇ.ના દુરુપયોગના વિરોધમાં ભાજપ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે અંતર્ગત સોમવારે રાજકોટ સજજડ બંધ રહેશે.શહેર ભાજપે રાજકોટના વેપારીઓ, વિવિધ વેપારી એસોસિયેશનો તથા શૈક્ષણિક સંસ્થાઓને આ બંધમાં જોડાઇને કેન્દ્ર સરકારના કાન ઢંઢોળવા અપીલ કરી છે. સોમવારે સવારથી જ શહેરના તમામ ૨૩ વોર્ડમાં ભાજપના કાર્યકરો શહેરની બજારો અને રાજમાર્ગો ઉપર ઉતરી આવશે અને બધાને બંધમાં જોડાવા અપીલ કરશે.નાણામંત્રી વજુભાઇ વાળાએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, આ સરકાર તમામ મોરચે નિષ્ફલ ગઇ છે. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે. ગરીબ મધ્યમ વર્ગના બે છેડા કેમ ભેગા કરવા એ સમસ્યા સર્જાઇ છે. ગુજરાતમાં ભાજપને ચૂંટણીમાં પરાજીત ન કરી શકનાર કોંગ્રેસે સી.બી.આઇ.નો દુરુપયોગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે માઝા મૂકી છે.પેટ્રોલ-ડઝિલના ભાવ વધારાને કારણે મોંઘવારી હજુ પણ વધશે. સરકારના કુશાસનને કારણે પ્રજા બેહાલ બની છે ત્યારે એ સરકારનો કાન ખેંચવાનો સમય પાકી ગયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો સોમવારે સજજડ બંધ પાડીને લોક મિજાજનો પરચો કરીએ એવી હાકલ એમણે કરી હતી.રાજ્યસભાના સભ્ય વિજયભાઇ રૂપાણીએ આક્રોશભેર જણાવ્યું હતું કે, એન.ડી.એ. સરકારે કરેલાં તમામ વિકાસલક્ષી અને કલ્યાણકારી કાર્યો ઉપર યુ.પી.એ સરકારે પાણી ફેરવી દીધું છે. આતંકવાદ-નકસલવાદને નાથવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. મોંઘવારીથી આમ આદમી પરેશાન હતો ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ કાળો કેર વર્તાવ્યો છે. કેન્દ્ર સરકાર સી.બી.આઇ.ના દુરુપયોગથી રાજ્યની ભાજપ સરકારને પરેશાન કરવાની કોશિશ કરે છે પણ એ હવાતિયા કામ લાગવાના નથી. રાજકોટના લોકો સોમવારે સજજડ બંધ રાખીને આ ચળવળમાં ભાગીદાર બનશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાળા કોલેજો અને વિવિધ વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો આપ્યો છે. ભાજપના કાર્યકરો સોમવારે તમામ ૨૩ વોર્ડમાં ફરશે અને શાંતિપૂર્ણ બંધ પાળવા અપીલ કરશે.શાળા-કોલેજો સંપૂર્ણ બંધ રહેશે. સ્વનિર્ભર કોલેજોના સંચાલકોના સંગઠનના અગ્રણી નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, તમામ સ્વનિર્ભર કોલેજોએ બંધને ટેકો જાહેર કર્યો છે. તમામ શાળાઓ પણ બંધમાં જોડાઇ છે. એ સંજોગોમાં સોમવારે તમામ શૈક્ષણિક સંસ્થામાં સજજડ બંધ પાડી આ એલાનને સફળ બનાવશે.

હવાઈ મુસાફરીમાં ગુજરાતને કેન્દ્ર મદદ કરશે’

ગુજરાતને કોઈ પણ ભેદભાવ વિના હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની તમામ સુવિધાની ખાતરી આપવા સાથે અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટ ફરી શરૂ કરાશે, તેમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મિનલ-૨ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. રવિવારે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય મહેમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા, રાજકોટ, સુરત અને ભુજને આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો દરજ્જો આપવા માગણી કરી હતી. પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર વાયેબિલિટી ગેપિંગ ફંડ માટેનો પ્રોગ્રામ બનાવશે તો કેન્દ્રીય મદદ મળવાની સંભાવના છે. આ ફંડ માટે ૪૦થી ૫૦ કરોડ રૂપિયા જોઈશે. ગુજરાતનાં અન્ય શહેરોમાં હવાઈ મુસાફરી કરી શકાય તેવી સસ્તા દરની હવાઈ સુવિધા આપવાની કેન્દ્રની તૈયારી છે. આ તબક્કે તેમણે અમદાવાદના એરપોર્ટ સંકુલમાં કેન્દ્રના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાની માગણી સ્વીકારી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરાવતાં તેમણે કહ્યું હતું કે આ ટર્મિનલનું ભૂમિપૂજન કરતી વખતે મેં કહ્યું હતું કે આ સંકુલનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ, અને તે મોકો આજે આવ્યો છે. સિવિલ એવિયેશનની સુવિધા ઊભી કરવામાં ભારત આજે વિશ્વમાં ૯મા ક્રમે છે, જે આવનારાં વર્ષોમાં પાંચમા ક્રમે આવશે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પણ સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ ગુના રજિસ્ટર્ડ કરી શકશે

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સ્વતંત્રતા આપવા અંગેનો કાનૂન સંસદમાં પસાર થતાં જ એક સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ સીબીઆઇ જાતે કોઇના આદેશ વિના પણ ગુનો રજિસ્ટર્ડ કરી તેની તપાસ શરૂ કરી શકશે. કોઈ પણ સરકારના આદેશની રાહ જોયા વિના આ સંસ્થા માત્ર ન્યાયાલયના જ નિર્દેશને માનશે.૧૯૪૧માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબિ્લસમેન્ટનું સેટઅપ કરાયું હતું. તેની કામગીરીમાં સુધારો કરવા કેન્દ્ર સરકારે ૧ એપ્રિલ, ૧૯૬૩માં સીબીઆઇની સ્થાપનાનું નોટિફિકેશન ઇસ્યુ કર્યું, જેના પ્રથમ ડાયરેકટર ડી.પી. કોહલી હતા. જે-તે રાજ્યમાં બનતા મોટા ગુના ઉકેલવા પોલીસતંત્ર સક્ષમ ન હોય ત્યારે સીબીઆઇની તપાસ માગવામાં આવ્યા પછી ઇન્વેસ્ટિગેશન કરી શકાતું હોય છે. પરંતુ નવા કાનૂનમાં સંસ્થાને એવું લાગશે કે આ ગુનો સંગીન છે અને તેની તપાસની જરૂરિયાત છે તેવા સમયે કોઇને પૂછ્યા વિના તે તપાસ લઈ શકશે. સીબીઆઇ એક્ટ-૨૦૧૦ના નવા કાનૂનનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે અને સંસદના આગામી સત્રમાં રજુ કરાશે.રાજ્ય સરકારની અનુમતિ જોઈશે નહીંકોઈ પણ ક્ષેત્રમાં થયેલા અપરાધ, કસ્ટમ, ઇન્કમટેક્સ, મની લેન્ડિંગ, હત્યા, લાંચ-રુશવત, ટ્રેપ કેસ, છેતરપિંડી અને દેશની સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોમાં સીબીઆઇ જાતે તપાસનો દોર હાથમાં લઈ શકશે જેના માટે ન્યાયાલય સિવાય કોઇની અનુમતિ જરૂરી નહીં હોય.સ્વતંત્રતા મળ્યા પછી ગુજરાતમાં મુશ્કેલીઓ વધશે. સીબીઆઇનો નવો કાયદો લાગુ પડ્યા પછી બનાવટી એન્કાઉન્ટર, કોમી રમખાણોની તપાસ તેમજ વણઉકેલ હત્યા, અપહરણ અને બળાત્કારની ઘટનાઓની તપાસ કરી શકાશે. સીબીઆઇને શક હોય છે કે ગુનાના ઢાંકપિછોડામાં સ્થાનિક પોલીસનો સહયોગ હોય છે તેથી તેને પોલીસની મદદ લેવાની આવશ્યકતા પણ નહીં હોય. સીબીઆઇ હાલ ગોધરાકાંડ અને તે પછીનાં કોમી તોફાનોની ફેરતપાસ તેમજ સોહરાબ એન્કાઉન્ટર કેસની તપાસનો હવાલો સંભાળી રહ્યા છે.

ગુજરાતના રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીની ધરપકડની સીબીઆઇને મંજૂરી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સંડોવાયેલા ગુજરાતના રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીની ધરપકડ કરવા માટે સીબીઆઇના લગિલ સેલે મંજૂરીની મહોર મારી દીધી છે. આ મહિનાના અંતમાં અભય ચુડાસમાની ધરપકડની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતી વખતે આ નેતા અને ઉચ્ચ આઇપીએસ અધિકારીઓનાં નામ ખુલ્યાં બાદ તેની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના સીબીઆઇનાં સૂત્રોએ વ્યક્ત કરી છે.આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકીય નેતાઓ અને અન્ય આઇપીએસ અધિકારીઓની ધરપકડનો તખતો સીબીઆઇએ ઘડી કાઢ્યો છે. બનાવટી એન્કાઉન્ટરમાં અભય ચુડાસમા ઉપરાંત રાજકીય નેતાઓ અને અન્ય આઇપીએસ અધિકારીઓની સંડોવણીના પુરાવા સીબીઆઇને મળ્યા હતા.આ પુરાવાના આધારે તેમની ધરપકડ થાય તેના માટે સીબીઆઇએ લિગલ સેલનો અભિપ્રાય માગ્યો હતો. લગિલ સેલે એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને રાજકીય નેતાઓ અને આઇપીએસની ધરપકડ કરવા મંજૂરી આપી દીધી છે.આગામી ૨૮મી જુલાઇએ ૯૦ દિવસ પૂરા થાય તે પહેલાં સીબીઆઇ કોર્ટમાં ચુડાસમા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી દેશે. કોર્ટમાં ચાર્જશીટ કરતી વખતે રાજકીય નેતા અને આઇપીએસ અધિકારીઓનાં નામ પણ ખોલવાની સંભાવના છે. તેના બાદ એક રાજકીય નેતા અને બે આઇપીએસ અધિકારીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.


નિષ્ફળતા ઢાંકવા કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે

નર્મદા યોજનાના પાણી અને વીજળીની વહેંચણી ટ્રિબ્યૂનલના ચુકાદાના આધારે થાય છે તેવી સ્પષ્ટતા કરતાં નર્મદા અને જળસંપત્તિ મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, યુપીએ સરકારની નિષ્ફળતા અને મોંઘવારીને ઢાંકવા કોંગ્રેસ વાહિયાત પ્રચાર કરે છે.
ગુજરાતના ભોગે પાણી અને વીજળી અન્ય રાજ્યોને અપાશે નહીં તેમ કહી મંત્રીએ જણાવ્યું હતું કે પાણી અને વીજળીની વહેંચણી કરવામાં આવી ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો હતી. ટ્રિબ્યૂનલના ચુકાદા પ્રમાણે ભાજપની સરકાર વહેંચણી કરે છે.નર્મદા યોજનામાં શાખા નહેરોનું નેટવર્ક ઝડપથી ઊભું કરાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના આગેવાનો ખેડૂતો અને જનતાને ગેરમાર્ગે દોરે છે.


રાજ્યનાં અન્ય શહેરોમાં જ્યાં રન-વેની પૂરતી સગવડ હોય ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપો: મોદી

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રના સિવિલ એવિયેશન મંત્રાલયે રાજ્યનાં અન્ય શહેરોમાં જ્યાં રન-વેની પૂરતી સગવડ હોય ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાં જોઈએ. ગુજરાતમાં વડોદરા, સુરત, રાજકોટ અને ભુજને આ કક્ષાનો દરજ્જો આપવામાં વિલંબને અવકાશ નથી. ગુજરાતમાં પીપીપી મોડલના નવાં એરપોર્ટ બની રહ્યાં છે. કેન્દ્ર સરકાર જો પૂરતી મદદ કરશે તો રાજ્ય સરકાર તાલુકે-તાલુકે એરપોર્ટ બનાવશે.પાઇલટની સંખ્યામાં વિચાર કરવો જોઈએ. કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે કહ્યું હતું કે હાલ દેશમાં ૪૫૦૦ની સામે ૩૩૦૦ પાઇલટ છે જેના કારણે વિલંબ અને મુશ્કેલીઓમાં વધારો થાય છે. દિનશા પટેલે અમદાવાદના એરપોર્ટ સંકુલમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવાની માગણી કરી મેમોરિયલ ટ્રસ્ટમાંથી ખર્ચ આપવાની ઓફર કરી હતી.
હવે મધ્યમ વર્ગને હવાઈસેવા મળી છે. કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે મધ્યમ વર્ગને વિમાની મુસાફરીની સુવિધા આપી છે. ઉદ્યોગોથી ધમધમતા ગુજરાતમાં સિવિલ એવિયેશનની માત્રા વધારવી જરૂરી છે અને તે દિશામાં અમારા પ્રયાસો છે. વિકાસના ભાગરૂપે એરપોર્ટને વિમાનની સગવડો મળી રહેશે. સુરત એરપોર્ટને વધારે ફ્લાઇટ આપો. કેન્દ્રના આદિજાતિ મંત્રી તુષાર ચૌધરીએ એવી માગણી કરી હતી કે સુરતને એરપોર્ટ તો મળ્યું છે પણ ફ્લાઇટો મળતી નથી. સુરતમાંથી ૫૦ મુસાફરો કાયમી અપ-ડાઉન કરે છે તે નવી દિલ્હી-સુરત ફ્લાઇટનો સમય બદલવો જોઈએ. ઉપરાંત વેપારીઓની માગણી પ્રમાણે નવી ફ્લાઇટોની જાહેરાત થવી જોઈએ.વ્યક્તિ આવશે અને જશે, ગુજરાત કાયમી. અમદાવાદને વર્લ્ડકલાસ ટર્મિનલ મળ્યું છે. કારણ કે ગુજરાતીઓ હવે હવામાં રહે છે. સત્તા ઉપર વ્યક્તિ આવશે અને જશે પરંતુ ગુજરાત કાયમી છે અને તે રહેશે તેમ વિરોધપક્ષના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.


ગુજરાત બંધ દરમિયાન ક્યાંય પણ અણબનાવ ન બને તે માટે સીબીઆઇ કચેરીને ખાસ સુરક્ષા

કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇના દુરુપયોગ તેમજ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના વિરોધમાં ગુજરાત ભાજપે આગામી પમી જુલાઇ સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં સેક્ટર-૧૦માં આવેલી ગુજરાત સીબીઆઇની કચેરીની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો તેમજ સતત પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદમાં ગઇકાલે મળેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે કરેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો તેમજ ગુજરાતમાં સીબીઆઇના દુરુપયોગ સામે આગામી ૫મી જુલાઇના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સત્તા પક્ષ ભાજપ દ્વારા બંધનું એલાન આપવાને કારણે ગાંધીનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાની સૂચના જિલ્લા પોલીસ વડા પીયૂષ પટેલે આપી છે.બંધના એલાનમાં સીબીઆઇના દુરુપયોગનો પણ મુદ્દો હોવાથી ગુજરાત સીબીઆઇની વડી કચેરી ગાંધીનગરમાં આવેલી હોવાથી સીબીઆઇ કચેરી બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત ચાર પીએસઆઇ અને પોલીસના માણસોને સીબીઆઇ કચેરી બહાર સવારથી બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવશે. તે ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાની પોલીસને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને પેટ્રોલિંગની સ્કીમ બનાવી તેની અમલવારી કરવા તેમજ બંધ દરમિયાન ક્યાંય પણ અણબનાવ ન બને તેના પર સતત નજર રાખવા માટે પણ સૂચના આપી છે.

કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં પીજીવીસીએલના પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર જેલના હવાલે

કચ્છ પીજીવીસીએલના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને પોલીસે પકડ્યા બાદ કોર્ટમાં રજુ કરાતા તેને જેલ હવાલે કરાયા હતા. અંગે ભુજ સિટી પોલીસ મથકના પી.આઇ. બી.ડી. જાડેજા જણાવ્યું કે, પીજીવીસીએલના ૫.૮૮ કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી એવા તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર આર.જી સાવલિયાની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજુ કરાયા હતા અને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં તેને જેલ હવાલે કર્યા હતા.


ભાવવધારાના વિરોધમાં એનડીએ શાસિત રાજ્યોમાં બંધની અસર વર્તાઇ

પેટ્રોલ – ડીઝલ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવવધારાના વિરોધમાં વિપક્ષો દ્વારા આપવામાં આવેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. યુપીએ શાસિત રાજ્યોમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે. જ્યારે ભાજપ તથા ડાબેરીઓ શાસિત રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે.ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પોલીસ તથા વહિવટી તંત્ર બંધને નિષ્ફળ બનાવવામાં તથા તેની અસરને નહિવત કરવામાં મહેનત કરી રહ્યું છે. બીજી બાજુ, ભાજપ શાસિત રાજ્યોમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
ઉત્તરપ્રદેશ
મોંઘવારી તથા પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા દેશ વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે દરમિયાન ઉત્તરપ્રદેશના લખનૌમાં ભાજપના કાર્યકરો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો બંધના સમર્થનમાં લખનૌમાં વિધાનસભા સુધી પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો મોંઘવારીના વિરોધમાં સુત્રોચ્ચાર કરી રહ્યાં હતા, હાથમાં પ્લેકાર્ડ તથા ભાજપના ઝંડા લઇને તેઓ વિધાનસભાએ પહોંચ્યા ત્યારે પોલીસ હરકતમાં આવી ગઇ હતી. હાજર રહેલા કાર્યકરો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો અને ભાજપના નેતા અરૂણ જેટલી તથા મુખ્તાર અબ્બાસ નક્વીની અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ, સમાજવાદી પક્ષના કાર્યકરોએ પણ બંધ પડાવવાનો તથા રાજ્યના અલ્લાહબાદ, એટા, વારાણસીમાં ટ્રેનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
ગુજરાત
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરા જેવા શહેરોમાં સવારથી જ બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સ્કૂલ કોલેજો તથા જાહેર પરિવહનના વાહનો રસ્તા ઉપર ઉતર્યા ન હતા. ગુજરાત પોલીસ અનેક સ્થળોએ ભાજપના કાર્યકરો તથા નેતાની દાદાગીરી સામે વામણી પૂરવાર થઇ રહી છે. નેતાઓ રીતસર દાદાગીરી કરીને બંધ પડાવી રહ્યાં છે. સુરતના ચોક વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા જાહેર પરિવહનના સાધનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર અને મુંબઇ
કોંગ્રેસ શાસિત મહારાષ્ટ્રમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે. મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભાજપ, શિવસેના તથા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે આ વિરોધને ડામી દેવામાં આવ્યો હતો. ભાજપના અગ્રણીન નેતા કિરિટ સોમૈયા અને ગોપિનાથ મુંડેની અટકાયત કરવામાં આવી છે.ભાજપ તથા શિવસેનાના કાર્યકરોએ વાહન વ્યવહારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પર ખાસ અસર જોવા મળી ન હતી. ઉલ્લેખનીય છેકે, મનસેના રાજ ઠાકરે એ અગાઉ જ એલાન કરી ચૂક્યાં હતાકે, બંધને સફળ બનાવવા માટે તેઓ વિપક્ષની સાથે રહેશે. બંધના કારણે લગભગ 85 જેટલી ફ્લાઇટોના આગમન તથા પ્રસ્થાન અટકાવી દેવામાં આવ્યા છે. શિવસૈનિકો દ્વારા અમરાવતીમાં ટ્રેન અટકાવવામાં આવી હતી. જોકે, સરકારી આદેશના પગલે પોલીસ બંધ સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છેકે, મુખ્યપ્રધાન અશોક ચૌહાણ અગાઉ જ કહી ચૂક્યાં છેકે, તેઓ બંધને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રયાસ કરશે. બેસ્ટની બસો ઉપર શિવસૈનિકો દ્વારા પથ્થરમારો કવરામાં આવ્યો હતો. જેમાં 85 બસોને નુકશાન પહોંચ્યું છે.જ્યારે સાત ડ્રાઇવરો ઇજાગ્રસ્ત થયા છે.
બિહાર જનતા દળ યુનાઇટેડ તથા ભાજપની મિશ્ર સરકારવાળા બિહારમાં બંધને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અહીં ભાજપ તથા જેડીયુના કાર્યકરોએ બંધને સફળ બનાવવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અહીં ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ ની અટકાયત કરવામાં આવી હતી. અનેક સ્થળોએ લાંબા અંતરની ટ્રેનોને અટકાવવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળ અને કેરળ
ડાબેરી પક્ષો દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ અને કેરળમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. એનડીએથી અલગ ડાબેરી પક્ષોએ સ્વતંત્ર રીતે બંધનું એલાન આપ્યું છે. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. બંને રાજ્યોમાં ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.તેમણે રસ્તા ઉપર ચક્કાજામ કરાવવાનો તથા ટ્રેનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે, અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો તેના નિર્ધારીત સમયે ગંતવ્ય પર નથી પહોંચી રહી.
નવી દિલ્હીમાં બંધનો મિશ્ર પ્રભાવ જોવા મળ્યો હતો. અહીં ભાજપના કાર્યકરોએ કેટલાક સ્થળો પર મેટ્રોને અટકાવી હતી. આઇટીએ તથા બદરપુર બોર્ડર પર રસ્તા પરનો ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો.


શુક્રવારથી ચોમાસાની શરૂઆત થયા બાદ રવિવારે નર્મદા ડેમની સપાટીમાં વધારો

વડોદરા શહેર-જિલ્લામાં શુક્રવારથી ચોમાસાની શરૂઆત થયા બાદ રવિવારે રાત્રે પણ શહેર તેમજ જિલ્લાના સાત તાલુકામાં મેઘ મહેર જારી રહી હતી. સોમવારે સવારે ૮ વાગે નોંધાયેલા વરસાદી આંકડા મુજબ શિનોર તાલુકામાં દોઢ ઈંચ જ્યારે વડોદરા શહેર સહિત કવાંટ, નસવાડી અને પાદરા તાલુકામાં પોણો-પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ તેમજ સ્ત્રાવ વિસ્તારમાં થયેલા વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમના ઉપરવાસ તેમજ સ્ત્રાવ વિસ્તારોમાં વરસાદની જમાવટ થતાં ડેમની સપાટીમાં રાત્રિ દરમિયાન વધારો થયો હતો. રવિવારે સાંજે નર્મદા ડેમની સપાટી ૧૧૪.૦૨ મિટર હતી જે વધીને આજે સવારે ૧૧૪.૭૨ મિ.મિ. નોંધાઇ છે.રવિવારે દિવસ દરમિયાન વરસાદનો વિરામ રહ્યા બાદ શનિવારની જેમ સાંજે ૭ વાગ્યાથી વડોદરા શહેર સહિત જિલ્લાના સાત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે છોટાઉદેપુર, જેતપુરપાવી, સાવલી, વાઘોડિયા અને ડભોઇ તાલુકા કોરાકટ્ટ રહ્યા હતા. જિલ્લા પુર નિયંત્રણ કક્ષ-ડિઝાસ્ટર સેલના મામલતદાર કે.એચ.પરમારના જણાવ્યા મુજબ ગત રાત્રિ દરમિયાન વડોદરા શહેર-તાલુકામાં ૧૬ મિ.મિ., કરજણ તાલુકામાં ૦૧ મિ.મિ., કવાંટ તાલુકામાં ૧૭ મિ.મિ., નસવાડી તાલુકામાં ૧૬ મિ.મિ., પાદરા તાલુકામાં ૧૮ મિ.મિ., સંખેડા તાલુકામાં ૦૧ મિ.મિ., શિનોર તાલુકામાં ૩૭ મિ.મિ. વરસાદ થયો હતો.આ ઉપરાંત ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાતાં જિલ્લા વહીવટી તંત્ર સાબદું બનાવી દેવાયું છે. પ્રાપ્તવિગતો મુજબ જિલ્લામાં વરસાદને કારણે પાણી ભરાતાં વડોદરા એસ.ટી.ડિવિઝન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં દોડાવાતી એસ.ટી.બસની ૧૬ ટ્રીપ રદ કરાઇ હતી.


IFS અધિકારીએ ન્યૂયોર્કમાં રહેતી મહિલાને ગુલામ બનાવી

ન્યૂયોર્કમાં રહેતી એક ભારતીય મહિલાએ ઈન્ડિયન ફોરેન સર્વિસિસના(આઈએફએસ) એક અધિકારી સામે તેને ગુલામ બનાવીને રાખવાની ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાંતિ ગૌરાંગ નામની એક મહિલાએ સરકારી અધિકારી નીના મલ્હોત્રા સામે તેની પાસેથી કોઈ પણ વળતર આપ્યા વગર 16 કલાક સુધી કામ કરવા માટે દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે દાખલ કરવામાં આવેલા કેસમાં ગૌરાંગે મલ્હોત્રા પર એવો આરોપ લગાવ્યો છે કે 2006ના વર્ષમાં 17 વર્ષની ઉંમરમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગૌરાંગના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન તેની પાસે અધિકારીઓ દ્વારા સંદેશ મોકલવાનું તેમજ નીરસ કામ કરવાનું કહેવામાં આવતું હતું.ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મલ્હોત્રા તેમજ તેના પતિએ ગૌરાંગને ત્રણ વર્ષ સુધી ગુલામ બનાવીને રાખી હતી. 21 વર્ષીય ગૌરાંગે જણાવ્યું હતું કે 40 મહિના કામ કરાવવા બદલ તેને વળતરમાં માત્ર 120 અમેરિકન ડોલર જ આપવામાં આવ્યા હતાં.

હેડલીનો ધડાકો, ઈશરત જહાં લશ્કરની ફિયાદીન હતી

ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.


અમદાવાદ પણ સજજડ બંધ

વાહન વ્યવહાર અને સ્કૂલો કોલેજો ઉપરાંત અમદાવાદ શહેરમાં મુખ્ય બજારો પણ સંપૂર્ણ પણે બંધ રહ્યા હતા. સવારના પહોરમાં જ ભાજપના કાર્યકરોએ એએમટીએસની બસો રોકવા ઉપરાંત શહેરના મુખ્ય બજારો પણ બંધ કરાવી દીધાં હતાં. માણેકચોક, રિલફિ રોડ અને રતનપોળ જેવા મુખ્ય બજારોના શટરો આજે ખૂલ્યા જ નહોતા.


સૌરાષ્ટ્ર પર મેઘરાજા મેઘરાજા મન મૂકીને વરસ્યા. 1 થી 6 ઇંચ પાણી

ખેડૂતોના હૈયે ટાઢક વળી, રવિવારે સવારથી ફરી અસહ્ય ઉકળાટ, વાદળછાયુ વાતાવરણલાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા છે. શનિવારની મધરાતથી સમગ્ર કાઠિયાવાડ પર વરસવાનું શરૂ કર્યું હતું અને ગણતરીની કલાકોમાં એક ઇંચથી માંડી છ ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. નદી-નાળા છલકાઇ ગયા હતા અને પાણીનો પ્રવાહ ડેમ તરફ ધસમસતો જોવા મળ્યો હતો. સંખ્યાબંધ ડેમોમાં નવા નીર આવ્યા હતા. મુરઝાઇ રહેલી મોલાત પર મેઘરાજા જાણે અમી છાટણાં કરતાં હોય તેમ સમગ્ર કાઠિયાવાડની ધરતી પર કાચા સોનારૂપ વરસાદ વરસાવ્યો હતો.સૌથી વધુ વરસાદ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પડ્યો હતો. દરેક જિલ્લા મથકેથી પ્રતિનિધિઓ મારફતે મળી રહેલાં અહેવાલ અનુસાર રાજકોટ શહેરમાં શનિવારની રાત્રિથી રવિવાર બપોર સુધીમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, મોરબી, પડધરી, ટંકારા, ઉપલેટા અને વાંકાનેર વિસ્તારમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જુનાગઢ જિલ્લામાં રવિવારનો દિવસ વરસાદની દ્દિષ્ટએ સામાન્ય રહ્યો હતો. એક માત્ર કેશોદ પંથકમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું. વેરાવળમાં એક ઇંચને બાદ કરતાં સોરઠમાં સર્વત્ર ઝાપટાં પડ્યા હતા. સુદામાપુરી અને આસપાસના વિસ્તારો તેમજ તાલુકા મથકોએ પણ વિશેષ કહી શકાય તેવો વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેરમાં સાડા ત્રણ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે કુતિયાણામાં ત્રણ અને રાણાવાવમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.અમરેલી જિલ્લામાં બગસરા શહેર મેઘરાજાએ પસંદગીનું સ્થળ બનાવ્યું હતું. ત્યાં ૨૪ કલાકમાં પોણા છ ઇંચ વરસાદ વરસાવી દેતાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઇ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં હિલોળા લેતાં પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત જાફરાબાદ, ખાંભા અને લીલિયા પંથકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. અન્ય વિસ્તારોમાં એક ઇંચથી બે ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલ મળે છે.ગોહિલવાડ પર રવિવારે માત્ર વાદળો છવાયેલા રહ્યા હતા. એક માત્ર તળાજા શહેર અને પંથકમાં અડધો ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. જ્યારે અન્ય તમામ તાલુકો મથકો અને ગામડાઓમાં ઝાપટા પડ્યા હતા. ઝાલાવડમાં સૌથી વધુ વરસાદ ચોટીલામાં સાડા ત્રણ ઇંચ નોંધાયો હતો. અન્ય તાલુકા મથકોએ ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં એક માત્ર અંજારમાં પોણો ઇંચ પાણી પડી ગયું હતું. ભૂજ શહેર, મુન્દ્રા, ભચાઉ અને રાપરમાં ઝાપટા પડ્યા હતા.હાલારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જામનગર શહેરમાં એક સાથે ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાલપુરમાં સાડા ચાર ઇંચ અને ખંભાળિયામાં પાંચ ઇંચ પાણી પડી ગયું હતું. અન્ય શહેરોમાં પણ અડધા ઇંચથી માંડી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

* ૩ જુલાઇ થી ન્યુજર્સી માં મોરારીબાપુની રામ કથા
પૂ.મોરારીબાપુની ન્યુજર્સી ખાતે તા.૩ જુલાઇ થી ૧૧ જુલાઇ સુધી યોજાયેલ રામકથાનું આસ્થા ચેનલ ઉપર તા.૬ જુલાઇ થી ૧૪ જુલાઇ સુધી સવારે ૯.૩૦ થી ૧ ભારતમાં, બપોરે ૨.૩૦ થી ૬ કેનેડામાં અને સવારે ૯.૩૦ થી ૧ યુ.કે.માં પ્રસારીત થશે. ભાવિકોએ લાભ લેવા જણાવાયું છે.


હીરા અને કાપડ ઉદ્યોગોમાં મજદૂર યુનિયનના ઓછાયા તળે ઘૂસણખોરી

નક્સલવાદીઓએ મહાકાય ઉદ્યોગો ધરાવતા હજીરા વિસ્તારમાં તેમજ સુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં પાછલા બારણે પ્રવેશવાનું ષડ્યંત્ર તૈયાર તો કર્યું હતું પરંતુ કોઈ અકળ કારણોસર તેમાં નક્સલીઓ સફળ રહ્યા ન હતા. નક્સલીઓના આ ષડ્યંત્રમાં હજીરાના ઉદ્યોગોને ‘રણનીતિગત ઉદ્યોગો’ તરીકે ઓળખાતા હતા, તેમ પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.એક ડઝનથી વધુ નકસલીની ધરપકડ કર્યા બાદ પોલીસે કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે નકસલીઓનો લાંબા ગાળાનો પ્રોજેક્ટ સુરતના હજીરામાં આવેલા મહાકાય ઉદ્યોગ ઉપરાંત હીરા અને કાપડ ઉદ્યોગોમાં પણ ઘૂસણખોરી કરવાનો હતો.નક્સલીઓની અર્બન કમિટીના નિયંત્રણ તળે પૂણે-અમદાવાદ ગોલ્ડન કોરિડોર પ્રોજેક્ટના ત્વરિત અમલીકરણ માટે એક ટુકડી કાર્યરત હતી. આ કમિટીની વિવિધ કાર્યયોજનાના ભાગ તરીકે સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ભારે ઉદ્યોગોને રણનીતિગત ઉદ્યોગ જાહેર કરી તેના પર કબજો જમાવવાનના કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ ઉદ્યોગોમાં કામ કરવા માટે આવનારા પરપ્રાંતી યુવાનો એટલે કે મજુર વર્ગમાં દુષ્પ્રેરણા ખડી કરી અસંતોષ ઊભો કરવો અને એ રીતે ઊગ્ર ક્રાંતિ માટે આધાર તૈયાર કરવાની કાર્ય યોજના ઘડવામાં આવી હતી.જોકે, નક્સલીઓની આ મેલી મુરાદ બર આવી નહીં એ પણ હકીકત છે. નિષ્ફળતા મળવા અંગે નક્સલીઓએ વારંવાર મિટિંગ યોજી તેના પર વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને જરૂર પડ્યું નેતૃત્વ પણ બદલી નાંખી અન્ય નકસલીને સોંપવામાં અવ્યું છે. આમ છતાં નક્સલીઓ સુરતમાં કોઈ મોટી યોજના પાર પાડી શક્યા નથી.મહારાષ્ટ્ર રાજ્ય કમિટીના નેજા હેઠળ સુરત એરિયા કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીના હોદ્દેદારો તેમજ કેટલાક ઊગ્ર નકસલીઓ મારફતે ખૂબ ગુપ્તતાથી ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગોમાં પાર્ટીના મુખવટા તળે કામદાર યુનિયનો સ્થાપી તે યુનિયનોમાં ગુપ્ત રીતે પ્રવેશ કરી પોતાના પરોક્ષ નિયંત્રણમાં લઈ ગુપ્ત રીતે ક્રાંતિકારી કામદાર સંગઠન બનાવી યુનિયનનાં કાર્યોને હિંસાત્મક ક્રાંતિ તરફ પ્રેરિત કરવાનું હતું. જોકે, આ ષડ્યંત્ર પણ નક્સલીઓ સફળ બનાવી શક્યા ન હતા.


ગાંધીધામમાં આવેલા રેલવે ઈિન્સ્ટયૂટટમાં પણ યોજાયા છે ફૂટબોલ ‘વર્લ્ડ’કપ.

વર્ષ ૧૯૬૩થી ૭૧ સુધી કંડલા બંદરે આવતા વિદેશી જહાજોના ક્રૂ મેમ્બરોની ટીમો અને ગાંધીધામ-કંડલાની ટીમો વચ્ચે મેચો રમાતી.ગાંધીધામની ટીમ સામે જર્મન અને રશિયાની ટીમોના પરસેવા છૂટી જતા : સ્થાનિક આઝાદ ટીમને હરાવવા ઇંગ્લેન્ડ અને રશિયાની બે ટીમો એક થતી હતી.સાઉથ આફ્રિકા ખાતે રમાઇ રહેલા ફૂટબોલના ફીફા વર્લ્ડકપ રંગે સમગ્ર વિશ્વ રંગાયેલું છે ત્યારે કચ્છીઓએ અને ખાસ કરીને ગાંધીધામ સંકુલના લોકોએ એ વાતનો ગર્વ લેવા જેવો છે કે વર્ષો પહેલા ગાંધીધામના રેલવે કોલોની ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય દેશોની ફૂટબોલ મેચ રમાતી હતી. ફુટબોલના આ વર્લ્ડકપમાં અનેક દેશોની ટીમને કચ્છની ટીમોએ પછડાટ આપી છે. કંડલામાં તો આજે પણ આ સંભારણાને યાદ રાખીને નવી પેઢીને ફૂટબોલ માટે તૈયાર સુદ્ધાં કરાઇ રહી છે.ગાંધીધામમાં આવેલા રેલવે ઈિન્સ્ટયૂટટનું ગ્રાઉન્ડ આજે પણ આ મેચોની સાક્ષી પૂરે છે. કંડલા બંદરથી સ્થાપના પછી જે કોઇ દેશના જહાજો કંડલા આવતા હતા તેના ક્રૂ સભ્યો અને કંડલા અને ગાંધીધામના નામાંકિત ખેલાડીઓ વચ્ચે મેચ રમાતી હતી જેમાં કચ્છની ગાંધીધામ સિટી ક્લબ ટીમ, કંડલા ટીમ અને આઝાદ ટીમના ખેલાડીઓએ ફૂટબોલમાં અનેક દેશના ઝંડાઓ શાન સાથે જીત્યાના પુરાવાઓ આજે પણ જાળવી રખાયા છે. શહેરની અગ્રણી સંસ્થા સિંધી યૂથ સર્કલના પ્રમુખ વિજય ખૂબચંદાણી પોતાના બાળપણની આ પળોને યાદ કરતા કહે છે કે વર્ષ ૧૯૫૩ પછી કંડલા પોર્ટની રચના થઇ ત્યારથી વર્ષ ૧૯૭૧ સુધી રેલવે ગ્રાઉન્ડમાં અનેક દેશોની ટીમો સાથે ગાંધીધામની જાણીતી ત્રણ ટીમો વચ્ચે કેટલીય મેચો રમાઇ છે. મે ખુદ અનેક મેચમાં પ્રેક્ષક તરીકે ચિચિયારીઓ પાડીને આપણી ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કચ્છના આ ગૌરવની યાદોને તાજી કરતા વિજયભાઇએ ઉમેર્યું હતું કે કંડલા પોર્ટ પર જે તે સમયે સમયે જે જહાજો આવતા હતા તેમાંથી લોડિંગ અને અનલોડિંગની કામગીરી પૂરતી સુવિધાઓના અભાવે મહિનાઓ સુધી ચાલતી હતી તેને કારણે નવરાસ ભોગવતા હતા.
ગાંધીધામના ચાવલા ચોકમાં દુકાન ધરાવતા એથલેટિક ગુરુમુખસિંગ પહેલવાને આ અંગે પ્રકાશ પાડતાં કહયું હતું કે તેમના મોટાભાઇ હરમેશ પહેલવાન ગાંધીધામમાં અખાડો ચલાવતા હતા. આ પછી ફૂટબોલ માટે હરમેશ ક્લબની રચના કરી હતી. જેમાં જીવણભાઇ બુધારામજી સાંખલા, કશિનલાલા સાંખલા, હાજી આમદ ઇસ્માઇલ, અલારખ્ખા, જુમાભાઇ, નુરમામદ, ઇલીયાસભાઇ, વેદપ્રકાશ શર્મા, વણિયારભાઇ, રાયશીભાઇ સુનિલ કિટ્ટી, વિનોદભાઇ, જગ્ગીભાઇ વગેરે ઉત્કૃષ્ઠ ખેલાડીઓ હતા. જે વિદેશોની ટીમ સામે સારા દેખાવ થકી લોકપ્રીય બન્યા હતા. જે તે સમયે ગાંધીધામમાં આ મેચોનું આયોજન થતું ત્યારે ગ્રાઉન્ડ પ્રેક્ષકોથી ઉભરાતું હતું.એક વખત આફ્રિકાથી આવેલા માધાકાસ્ટા નામના જહાજના ખેલાડીઓ સાથે મેચ રમાઇ હતી ત્યારે એક ખેલાડી ઇજાગ્રસ્ત બન્યો હતો અને તેને મગજમાં ભારે ઇજાઓ પહોંચી હતી. ગાંધીધામના સદ્ગત ખેલાડી જીવણલાલ અને કશિનલાલ સાંખલાના પુત્રો મુકેશ જીવણલાલ અને કૈલાસ કશિનલાલે પોતાના પિતાનો ટ્રોફીઓ સાથે ફોટો હાથમાં લઇને એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે આ બન્ને લોકોએ તેમના પરિવારને ગાંધીધામના ઈતિહાસમાં સોનેરી પૃષ્ઠોમાં મઢી દીધો છે. બાળપણમાં પિતાને રમતા જોતા ત્યારે ફૂટબોલ પ્રત્યે આકર્ષણ હતું પણ ધીમે ધીમે આ ક્ષેત્ર જ યાદોમાં ખોવાઇ ગયું છે.પિતાએ જીતેલી ટ્રોફી, વિદેશોના ઝંડા અને સન્માનો વર્ષો વર્ષો સુધી સાચવી રખાયા પછી હવે ક્યાંક ગુમ થયા છે પણ યાદો આજે પણ તાજી છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના મંત્રી એચ.જી. ખાને કહ્યું હતું કે પોર્ટ ક્લબની સહાયથી આજે કંડલામાં નવી ટીમો ઉભી થઇ રહી છે તેમાંથી અનેક ખેલાડીઓ નેશનલ અને સ્ટેટ કક્ષાએ રમે છે. આજે ૧૯ છોકરીઓ પણ ખેલાડી બનવા પ્રશિક્ષણ મેળવી રહી છે. કંડલાનો આ ગૌરવવંતો ઈતિહાસ જાળવી રાખવાના ઉદેશ્ય સાથે આગામી વર્ષોમાં કંડલાનો કોઇ ખેલાડી ભારતને વિશ્વ વર્લ્ડકપ જીતાડે તેવી આશા છે.

આત્મહત્યા કેસમાં તેનો પ્રેમી ગૌતમ વોરા હકીક્ત છુપાવી

મોડેલ વિવેકા બાબાજી આત્મહત્યા કેસમાં તેનો પ્રેમી ગૌતમ વોરા હકીક્ત છુપાવી રહ્યો છે. તે પોલીસને ખોટી માહિતી આપીને સતત ગેરમાર્ગે દોરી રહ્યો છે, એમ વિવેકાના કુટુંબના પ્રવક્તા ડેલ ભગવાગરે રવિવારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું.
વિવેકાના ટેકનિકલ સલાહકાર અને વહીવટકારની મદદથી અમે તેના જીમેઈલ અને ફેસબુક અકાઉન્ટ્સ જોયા છે. તેમાં ઘણું બધું બહાર આવ્યું છે. ગૌતમ સતત એવું કહે છે કે વિવેકા સાથે મારે ફક્ત સારી મૈત્રી હતી, પરંતુ આ મેઈલ જોતાં તેમની વચ્ચે મૈત્રીથી પણ વધુ ગાઢ સંબંધ હતા એવું જણાય છે, એમ તેણે જણાવ્યું હતું.અમને આ અકાઉન્ટ્સમાંથી અમુક તસવીરો, ઈમેઈલ મળ્યા છે જે બંને વચ્ચે ગાઢ સંબંધ હતા તેની પર પ્રકાશ પાડે છે. વળી, ગૌતમે તેના બ્લેકબેરી ફોન પરથી વિવેકાના જીમેઈલ અકાન્ટ પર અશ્લીલ તસવીરો પણ મોકલી હતી, એવો પણ તેણે દાવો કર્યો હતો. વિવેકાએ આત્મહત્યા કરતાં જ ગૌતમે તેનું ફેસબુક અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.ગૌતમ વિવેકા સાથે ગાઢ સંબંધ હતા તે વાત સતત નકારી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને વિવેકાના કુટુંબે આ માહિતી બહાર લાવવાનું નક્કી કર્યું છે, એમ તેણે જણાવ્યું હતું. ગૌતમે પોલીસ સામે હકીક્ત જણાવવી જોઈએ. આત્મહત્યા કરવા પૂર્વે તેમની વચ્ચે શું વાતો થઈ હતી કે તેણે સ્પષ્ટ જણાવી દેવું જોઈએ.

No comments:

Post a Comment