visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સુરતમાં આભ ફાટવાની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ ૧ સપ્ટેમ્બરે સુરત શહેર-જિલ્લામાં ૨૩ ઇંચ વરસાદ ઝીંકાઈ શકે છે. જોકે, ઔપચારિક રીતે તંત્રો કામે લાગી ગયાં છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર ન હોવાનું આશ્વાસન પણ આપી રહ્યા છે કારણ કે વાદળો ફંટાઈ શકે છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ સુરતમાં જન્માષ્ટમીના આગલા દિવસે આભ ફાટવાની શક્યતા છે. ખાતા દ્વારા કરાયેલી જિલ્લાવાર વરસાદની આગાહી પ્રમાણે ૧લી સપ્ટેમ્બરે સુરત શહેર-જિલ્લામાં પ૭૭ મિ.મી. (૨૩ ઇંચ) વરસાદ ઝીંકાય તેવી સંભાવના છે.આ આગાહી પછી સરકારીતંત્ર સચેત જરૂર થઈ ગયું છે પરંતુ શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે નંદરબારની જેમ જ આ વાદળો પણ દરિયા તરફ ફંટાઈ જવાની સંભાવના વર્તાવાઈ છે. વરસાદની આગાહી પ્રમાણે ૧લી સપ્ટેમ્બરે સુરત શહેર-જિલ્લામાં ૫૭૭ મિ.મી. (૨૩ ઇંચ) વરસાદ ઝીંકાય તેવી સંભાવના છે. તાકીદની બેઠક બોલાવી સંભવિત પરિસ્થિતિ માટે આગોતરા પગલાંનું આયોજન કરાયું હતું.હવામાન ખાતાની વેબસાઇટ ઉપર સુરત શહેર-જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી થનારા વરસાદની આગાહી પ્રમાણે ૩૧ ઓગસ્ટે ૧૧૪ મિ.મી. અને તે પછીના દિવસે અધધધ... ૫૭૭ મિ.મી. વરસાદ થવાની શક્યતા છે. જન્માષ્ટમીના દિવસે પણ ૧૪૬ મિ.મી. વરસાદની આગાહી કરાઈ છે. આમ ૩૧ઓગસ્ટ, ૧ સપ્ટેમ્બર અને ૨ સપ્ટેમ્બરના દિવસો સુરત માટે ભારે રહેવાની આગાહી કરાઈ છે. બીજી બાજુ ઉકાઈના ઉપરવાસમાં નાસિક જિલ્લામાં પણ ૧ સપ્ટેમ્બરે ૨૬૭ મિ.મી. (૧૨ ઇંચ) વરસાદની આગાહી કરાઈ છે.જો, સુરત અને નાસિકની આગાહી સાચી પડે તો શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન ખાતા દ્વારા શુક્રવારે ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના નંદરબાર સહિતના વિસ્તારોમાં ૫૦૦ મિ.મી. જેટલા વરસાદની આગાહી કરી હતી. જોકે, શનિવારે તેમાં મોટો ફેરફાર થઈ ગયો હતો અને તે વરસાદ ૬૦ મિ.મી.ની આસપાસ થશે તેવું જણાવાયું હતું. સુરત અને નાસિક બાબતે પણ ફેરફાર આવે તેવી આશા રખાઈ રહી છે.
આફ્રિદીને નીચો દેખાડવા મેચો ફિક્સ કરવી’તી’
પાક ખેલાડીઓ દ્વારા લોર્ડ્સ ખાતેની મેચમાં ફિક્સિંગ કરવામાં આવી હોવાનો એહવાલ પ્રકાશમાં આવ્યા બાદ બ્રિટિશ અખબારે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.અખબારે પોતાના અહેવાલમાં ફિક્સર મજીદના ખુલાસાથી જણાવ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટના ઘણા ખેલાડીઓ વનડે અને ટી-20ના સુકાની શાહિદ આફ્રિદીથી નારાજ છે. અને તેઓ આ આફ્રિદીને નીચું દેખાડવા માટે વનડે અને ટી-20 મેચ ફિક્સ કરવા માગતા હતા.મજીદે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ એવા પણ છે કે જે નહોતા ઇચ્છતાં કે આફ્રિદી ટીમનું સુકાન સંભાળે તેઓ માત્ર સલમાન બટ્ટને સુકાની તરીકે જોવા માગતા હતા. અને તેથી તે બન્ને મેચ હારવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.નોંધનીય છે કે, લોર્ડ્સના મેદાન ખાતે રમાઇ રહેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ મેચમાં ઝડપી બોલર મો.આમિર અને મો. આસિફે પૈસા લઇને નો-બોલ નાંખ્યા હોવાના ચોંકાવનારા અહેવાલ બ્રિટિશ અખબાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેને લઇને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને તેમાં તેઓએ પાકિસ્તાનના ચાર ખેલાડી સુકાની બટ્ટ, વિકેટકિપર કામરાન અકમલ, મો. આમિર અને મો. આસિફના નિવેદન લીધા છે.
ગણેશ વિસર્જન માટે સાબરમતીના કિનારે છ જગ્યાએ વ્યવસ્થા ગોઠવાશે
આગામી દિવસોમાં શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થશે અને ત્યારબાદ ગણેશ વિસર્જન માટે મ્યુનિ. દ્વારા સાબરમતી નદીના કિનારે છ જગ્યાએ જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.પ્રાપ્તમાહિતી અનુસાર, ગણેશોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને તેને તળાવોમાં પધરાવવાથી પર્યાવરણને લગતાં પ્રશ્નો ઉભા થવાની સાથે તળાવની રમણીયતા-સુંદરતા બગડી જાય છે તેથી છેલ્લા કેટલાક વર્ષથી ગણેશની મૂર્તિઓ સાબરમતી નદીમાં પધરાવવાની ફરજ પાડવામાં આવે છે અને તેના માટે મ્યુનિ. દ્વારા અનેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.આગામી ગણેશોત્સવ માટે મ્યુનિ. દ્વારા કેશવનગર, લોકમાન્ય તિલક બાગ(વિકટોરીયા ગાર્ડન) પાસે, જમાલપુર ફુલ બજાર પાસે, ઇન્દીરાબ્રિજ પાસે હાંસોલ ખાતે તથા સુભાષબ્રિજના છેડે અને વિવેકાનંદ બ્રિજ(એલિસબ્રિજ)ના છેડે એમ છ જગ્યાએ નદી કાંઠે મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તે દિવસે મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો હાજર રહેશે અને મોટી મૂર્તિઓને પધરાવવા માટે ક્રેઇન સર્વિસ તથા તમામ વિસર્જન સ્થળ આસપાસ સફાઇ કરાવી લાઇટ હેલોજન લગાવાશે. ગણેશ મૂર્તિઓના સ્વાગત માટે સ્ટેજ અને શ્રધ્ધાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સ્વાગત કમાન ઉભી કરાશે.એટલુ જ નહિ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજાતાં ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા લોકમાન્ય તિલક ટ્રોફી જાહેર કરવામાં આવી છે જે એનાયત કરવા માટે ચૂંટાયેલી પાંખના પદાધિકારી તથા કોર્પોરેટર અને અધિકારીઓની ટીમ દરેક વિસ્તારના ગણેશની મુલાકાત લેશે અને મંડપની સજાવટ તથા મૂર્તિ વગેરેનુ નિરીક્ષણ કરી શ્રેષ્ઠ મંડપ તથા ગણેશ મૂર્તિને ટ્રોફી એનાયત કરશે.
બે હજાર માટે મિત્રના અપહરણનો પ્રયાસ કર્યો
બે હજાર રૂપિયાની ઉઘરાણી માટે નરોડા વોર્ડના કોંગ્રેસના ઉપ પ્રમુખના પૌત્રએ સાગરિત સાથે મળી બાઈક ઉપર જઇ રહેલા મિત્રનું ફિલ્મી ઢબે સ્કોરપીઓ કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઈક સવારની પાછળ બેઠેલા તેના મિત્રએ બુમા બુમ કરતા ફેરીયાઓ તેમજ રાહદારીઓ મદદ માટે દોડી આવતા બંને યુવાનો કાર લઇને રફુચક્કર થઇ ગયા હતા. બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો દેવાંગ મિસ્ત્રી તેમજ નરોડા માયા સિનેમા પાસે રહેતા કોંગ્રેસના નરોડા વોર્ડના ઉપ પ્રમુખ ભદોરીયાનો પૌત્ર સની વિરેન્દ્રસિંહ ભદોરીયા સહિતના મિત્રોની બાપુનગર સીટી ગોલ્ડ સિનેમા પાસે બેઠક છે. દરમિયાનમાં દેવાંગને બે હજાર રૂપિયાની જરુર હોવાથી સનીએ તેને ઉછીના આપ્યા હતા.
ત્યારબાદ સની એ પૈસા પાછા માંગતા દેવાંગ ગલ્લા તલ્લા કરતો હતો. દરમિયાનમાં શનિવારે રાતે દેવાંગ તેના મિત્ર સાથે બાઈક ઉપર રખિયાલ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સની તેના સાગરિત સાથે સફેદ રંગની સ્કોરપીઓ કારમાં આવ્યો હતો અને દેવાંગનું અપરહણ કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે દેવાંગની પાછળ બેઠેલા તેના મિત્રએ બુમા બુમ કરતા ફેરીયાઓ તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને દેવાંગને બચાવી લીધો હતો. જો કે આ ઘટનાના પગલે સની અને તેનો સાગરિત કાર લઇને રફુચક્કર થઇ ગયા હતા. જો કે સની દેવાંગનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.૩૨૦ લૂંટી ગયો હોવાથી દેવાંગની ફરિયાદના આધારે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.આ અંગે પીઆઈ રહેવરે જણાવ્યું હતુ કે સની જે સ્કોરપીઓ કારમાં આવ્યો હતો તે મહારાષ્ટ્ર પાસીંગની હતી અને તેના ઉપર સરકાર રાજ લખેલુ હતુ.આ માહિતીના આધારે પોલીસે સની અને તેના સાગરિતની શોધખોળ શરુ કરી છે.
સરદારનગરના મકાનમાં ચાલતુ જુગારધામ પકડાયુ
સરદારનગરના એક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પાના-પૈસાનો જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લઇ રૂ.૧.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સરદારનગર પોલીસ મથકના સેકન્ડ પીઆઈ વાય.આર.ગામીતને મળેલી બાતમીના આધારે તેમણે કુબેરનગર મહાદેવનગર શાંતિ નિકેતન સોસાયટી મકાન નંબર-એ-૬૨ માં દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં મકાનમાં પાના પૈસાનો જુગાર રમતા કૈલાસ હસમતરાય સાવલાણી(ઉ.વ.૨૯) સહિત નવ જુગારી રંગે હાથે ઝડપાઇ ગયા હતા.
મોદીના આગમન ટાણે કોંગ્રેસે ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લગાવ્યા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આગમન ટાણે કોંગ્રેસે ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લગાવતાં ચકચાર મચી ગઇ હતી. આ હોર્ડિંગ્સ ખાસ કરીને મોદીના પસાર થવાના માર્ગ ઉપર લગાવાયાં હતા.ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરા આવ્યા હતા. મુખ્યમંત્રી સ્ટેશન વિસ્તારમાં તૈયાર કરાયેલા સ્કાયવોકનું લોકાર્પણ કર્યા બાદ અકોટા સ્ટેડિયમ ખાતે જવાના હતા. આ તકનો લાભ ઉઠાવી કોંગ્રેસ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પર ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લગાવાતાં ધ્યાનાકર્ષક બન્યાં હતાં.મુખ્યમંત્રી મોદી જે માર્ગેથી પસાર થવાના હતા તે માર્ગ ઉપર ભાજપને નિશાન બનાવી હોર્ડિંગ્સ લગાવાતાં ચકચાર મચી ગઇ હતી. આ હોર્ડિંગ્સમાં વડોદરા સેવાસદનના ભાજપના રાજમાં નાગરિકોને પડતી હાડમારીનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત શહેરના ખખડધજ રસ્તા, ઠેરઠેર ખોદેલા ખાડાથી નાગરિકોને વેઠવી પડતી હાલાકી વર્ણવાઇ હતી.
યુનિવર્સિટીમાં ચૂંટણીનું ‘ગંદું’ રાજકારણ
એમ.એસ.યુનિવર્સિટીમાં ૮મીએ યુનિયન જનરલ સેક્રેટરી તરીકેની યોજાનાર ચૂંટણી પૂર્વેજ એનએસયુઆઇના યુજીએસના ઉમેદવાર પ્રમોદ મોરે વિરુદ્વ કોમર્સ ફેકલ્ટીની દિવાલો પર ગંદી ગાળો લખાતાં ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર પ્રકરણ અંગે એનએસયુઆઇએ વીસીને ઉગ્ર રજુઆત કરીને ગાળો લખનાર વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જંગનો ટેમ્પો જામ્યો છે ત્યારે કોઇ તોફાની તત્વોએ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગની દીવાલો પર એનએસયુઆઇના ઉમેદવાર પ્રમોદ મોરે વિરુદ્વ ગાળો લખતાં ચકચાર મચી છે. એનએસયુઆઇના કેમ્પસ પ્રમુખ અભિષેક પંચાલ, શહેર પ્રમુખ જહાં ભરવાડ અને ઉમેદવાર પ્રમોદ મોરેએ તાત્કાલિક અસરથી જ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગ, ફેકલ્ટીના પગથીયા પાસે અને યુનિટ બિલ્ડીંગની દિવાલો પર લખેલી ગાળોને પર સફેદ કૂચો મારીને ગાળોને ભૂસી નાંખી હતી.
અધિકારીને તાજના સાક્ષી બનાવવા ધારાસભ્યનું જોર
ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય સુરતમાં ત્રણ દિવસ રોકાઈને કુલદીપ શર્માને જુબાની આપવા અધિકારીને મનાવી ગયાસુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર કુલદીપ શર્મા ફરતે ગાળિયો ફિટ કરવાનો તખ્તો ગોઠવાયો છે. આસીફ અમદાવાદી એન્કાઉન્ટરના મામલે ફરિયાદ નોંધી શકાય અને એ અંગેના પુરાવા એકત્ર કરી શકાય તે માટે એક પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનાવવાની કવાયત ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યે કરી હતી. સુરતમાં ત્રણ દિવસ સુધી રોકાઈ ગયેલા આ ધારાસભ્યે પોલીસ અધિકારીને મનાવી લીધા હોવાનું કહેવાય છે.૧૯૯૯ના વર્ષમાં સુરતમાં નવસારી રોડ પર લાજપોર નજીક રીઢા ગુનેગાર આસીફ અમદાવાદીનું એન્કાઉન્ટર કરાયું તે ઘટનાની ફાઇલ પરથી ધૂળ ખંખેરાઈ રહી હોવાના સંકેતો સાંપડી રહ્યા છે. આ કેસના સંદર્ભમાં સુરતના તત્કાલીન પોલીસ કમિશનર કુલદીપ શર્મા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધી શકાય તે માટે ભૂગર્ભમાં અત્યંત ગુપ્ત રીતે કામગીરી થઈ રહી હોવાની ચાડી ખાતો એક કિસ્સો ત્રણ-ચાર દિવસ પહેલાં સુરતમાં બન્યો છે.હાલ સુરતમાં ફરજ બજાવનારા એક પોલીસ અધિકારી ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યના અંગત વિશ્વાસુ ગણાય છે. આ ધારાસભ્ય સાથે સારો નાતો ધરાવતા આ પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનવા માટે સમજાવવા આવ્યા હતા. ત્રણ દિવસ એ પોલીસ અધિકારીના ઘરે જ રોકાયેલા આ ધારાસભ્યે એમ કહેવાય છે કે આ પોલીસ અધિકારીને તાજના સાક્ષી બનાવવા માટે સમજાવી લીધા છે.આ અગાઉ દક્ષિણ ગુજરાતના એક મોટા ગજાના રાજકારણીના સંબંધી એવા એક પોલીસ અધિકારીને આ રીતે તાજના સાક્ષી બનાવવા માટે સમજાવી લેવાયા છે. કેસ મજબૂત બનાવવા માટે આ બીજા પોલીસ અધિકારીને સમજાવવામાં ઉત્તર ગુજરાતના એ ધારાસભ્ય સફળ રહે તો નજીકના ભવિષ્યમાં કુલદીપ શર્મા સહિત તમામ સામે સીઆઈડી (ક્રાઇમ) વડોદરામાં ગુનો નોંધાય તો ના નહીં.
નક્સલી સીમાને શોધવા સીમાડા ખૂંદાશે
કસ્ટડી ભોગવી રહેલા નક્સલી શ્રીધર સાથે પ્રેમલગ્ન કરનારી સીમા ૧૯૯૮માં હથિયારના ગુનામાં કપરાડામાં પકડાઈ હતી, હવે તે નક્સલીઓની બોસ બની દેશમાં આતંક ફેલાવે છે,રત જિલ્લાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માંગરોળના મોર આંબલિ ગામેથી પકડેલી મહિલા નક્સલી સુજાતા સ્વામીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપી છે પરંતુ નક્સલવાદને ઝંડો લઈને ચાલનારી આ એક માત્ર મહિલા નથી. અસંખ્ય મહિલાઓએ તેને અપનાવ્યો છે. ચોંકાવી દે તેવી વાત તો એ છે કે હાલમાં દેશભરમાં જ્યાં પણ નક્સલવાદીઓ ભાંગફોડની પ્રવૃત્તિ જેના નેતૃત્વમાં કરે છે તે પણ મહિલા બોસ સીમા હીરાણી છે. આ સીમા સુરતમાં ત્રણ વર્ષ સુધી કામ કરી ચૂકી છે અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસમાં વોન્ટેડ છે.બહુનામધારી આ મહિલા મૂળ રાજસ્થાનની છે પણ તેણે ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું છે. નક્સલવાદમાં સમયાંતરે અલગ અલગ જવાબદારી વહન કરી ચૂકેલી આ મહિલા હાલમાં દેશભરના તમામ નક્સલીઓની બોસ છે. જેના કારણે ભારતભરની પોલીસ તેને શોધી રહી છે. જિલ્લા પોલીસના હાથે ૨૦ જુલાઈ-૧૦એ પકડાયા બાદ હાલ કસ્ટડી ભોગવી રહેલા નક્સલી શ્રીધરની તે પત્ની છે. શ્રીધરના પકડાયા બાદ પણ પોલીસ તેના સુધી પહોંચી શકી નથી.સીમા હીરાણી ઉર્ફે જમની ઉર્ફે મીના ઉર્ફે કવિતા ઉર્ફે અદિતી શ્રીધર શ્રીનિવાસનને કામરેજ પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ જાહેર કરાઈ છે. તો મહારાષ્ટ્રનાં નાસિક, ચંદ્રપુર, ગઢચિરોલી ઉપરાંત મુંબઈ એટીએસમાં પણ તે વોન્ટેડ છે. હાલમાં ભારતભરની પોલીસ જેને શોધી રહી છે તે સીમા હીરાણી ૨૦૦૬ના વર્ષમાં સુરત એરિયા કમિટીનું સુકાન સંભાળતી હતી. જ્યાં નક્સલીઓને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે તે દલમ કમિટી ગોંદિયા-બાલાઘાટની તે સતત ચાર વર્ષ સુધી કમાન્ડન્ટ રહી ચૂકી છે. એટલે કે પોતે તમામ પ્રકારની તાલીમ મેળવી ચૂક્યાં બાદ અન્ય નક્સલીઓને પૂરી તાલીમ આપતી હતી. તે રાઇફલ ચલાવવામાં પણ માસ્ટર હતી.૧૯૯૮ના વર્ષમાં વલસાડ જિલ્લાના કપરાડામાં એક નક્સલી હથિયાર સાથે પકડાયો તે ગુનામાં સીમાનું નામ ખૂલ્યું હતું તે વખતે વલસાડના ડીએસપી એ.કે. સિંઘ (હાલ: રેન્જ આઇજીપી, સુરત રેન્જ) અને ડીવાયએસપી કેસરીસિંહ ભાટી(હાલ: ડીએસપી, સુરત જિલ્લો)એ મહેનત કરી સીમા હીરાણીને ચંદ્રપુરથી પકડી પાડી હતી. ત્યારે જે પકડાઈ તે પકડાઈ, ત્યાર બાદ કોઈ દિવસ તે પોલીસના હાથમાં આવી નથી.નક્સલવાદને લગતી તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું હતું કે હાલમાં દેશભરમાં જે નક્સલી ભાંગફોડ પ્રવૃત્તિ થઈ રહી છે તે તમામ પ્રવૃત્તિ સીમાના નેતૃત્વમાં થઈ રહી છે. એ રીતે તે હાલમાં બોસ તરીકેની કામગીરી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સીમા હીરાણી પર વલસાડ ખાતે પણ ૯૦ના દાયકામાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવવા અંગેનો એક કેસ નોંધાઇ ચૂકયો હતો.
ભારતીય માછીમારોને છોડી મૂકો : પાક. સર્વોચ્ચ અદાલત
પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે અને પાકની વિદેશ મંત્રાલયે ભારતીય માછીમારો જે મોટભાગના સૌરાષ્ટ્રના છે તેમની જેલમુક્તિ માટે હકારાત્મક વલણ બતાવ્યું છે. ગઇકાલે ગુરુવારે ભારતીય માછીમારોની અરજીની સુનવણી વખતે પાકિસ્તાન સર્વોચ્ચ અદાલતે ભારતીય માછીમારોના આ કેસ ચલાવનાર પાકિસ્તાનના પૂર્વ કાયદામંત્રી ઇકબાલ હૈદરની જોરદાર દલીલો સાંભળી અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ ઇફતીબા મહોમદ ચૌધરીએ પાકિસ્તાનની સંધીય સરકારના આંતરિક મંત્રાલય (ઇન્ટિરિયર મિનિસ્ટ્રી) ને એક હુકમ જારી કરી જણાવ્યું છે કે, ભારતીય માછીમારોને છોડી મૂકવા અંગેનો જવાબ ઇદ પછી તુરંત જ ૨૪ મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરનારી સુનાવણી માં પેશ કરે.આ અરજી હૈદર જેઓ હાલે પાકિસ્તાન માનવ અધિકારમંચના કો-અધ્યક્ષ છે તેમણે ઘડી હતી. અને તે ગત માસમાં પાકિસ્તાનની અદાલતમાં રજૂ કરી હતી. જેની પ્રથમ સુનાવણી પાકની સર્વોચ્ચ અદાલતમાં ચાલુ માસની ૧૨ મી ના રોજ ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી ન્યાયપીઠે સાંભળી હતી અને સંધીય સરકારના આંતરિય અને વિદેશ મંત્રાલયના તથા પ્રાંતીય સિંધ સરકારને નોટિસ પાઠવી હતી અને પુછાવ્યું હતું કે, પાકના ક્યા કાયદા હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે. કરાંચી સ્થિત પાકિસ્તાનના એક એન.જી.ઓ. જે આ કેસમાં એક અરજદાર છે તેના પદાધિકારી શુજાદિન કુરેશીએ આજે આ અખબારને મોકલેલા ઇ-મેઇલમાં વિગતો આપતાં ટાંકર્યું હતું કે, તેમના દેશના વિદેશ મંત્રાલય જે અહેવાલ અદાલતને સુપરત કર્યો છે તે ખૂબ જ હકારાત્મક અને ઉત્સાહપ્રેરક છે.જેની ખુદ હૈદરે પણ પ્રશંસા કરી છે. પાકના વિદેશ મંત્રાલયે આ અહેવાલમાં ૪૫૪ ભારતીય માછીમારો પાકની જેલમાં સજા પૂરી કરી લીધી હોવાનું જણાવી અદાલતને એવી માહિતી આપી હતી કે, તેણે આંતરિક મંત્રાલયને આ ભારતીય માછીમારોને છોડી મૂકવાની સલાહ આપી છે. કુરેશીના જણાવ્યા પ્રમાણે સંધીય આંતરિક મંત્રાલય કે સિંધ સરકાર ગુરુવારની સુનાવણીમાં હાજર રહી નથી. તેથી ઇકબાલ હૈદરે જેમની સાથેની ખાસ મુલાકાતનો અહેવાલ એકમાત્ર આ અખબારે છાપ્યો છે તેણે રજજોની બ્રેન્ચને એવી વિનંતી કરી હતી કે, પાક સરકારના આ બે અંગો પાસેથી જવાબ ન મળતાં ભારતીય માછીમારોને તાત્કાલિક છોડી મૂકવાનો હુકમ જારી કરે.આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, ઇસ્લામાબાદ ખાતેના ભારતીય ઉચ્ચાયુક્ત (હાઇકમિશન) તરફથી ચાલુ માસની ૧૦ મી ના રોજ એક મૌખિક નોંધમાં તેણે એવી જાણકારી આપી છે કે, હાઇકમિશન આ ભારતીય માછીમારોને ભારત પરત ફરવા અંગેના દસ્તાવેજો તૈયાર કરી રહી છે અને જ્યારે તેમને છોડી મૂકવામાં આવશે ત્યારે પાકિસ્તાનના સંબંધી મંત્રાલયને સોંપી દેવામાં આવશે.
કચ્છમાં પાક.ના નગ્ન-નાચનું આક્રમણ
પાકિસ્તાન દ્વારા કચ્છ સરહદે ઘૂસણખોરી સહિતના નાપાક કૃત્યો તો સતત થતા જ આવે છે. ર્દશ્ય અને શ્રાવ્ય માધ્યમો દ્વારા સાંસ્કૃતિક આક્રમણ હવે ભૂતકાળ બન્યું છે. પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક એવું અશ્લીલતાનું આક્રમણ કરી પાકે એક નાપાક દાવ ખેલ્યો છે. ભુજ અને માધાપર સહિત કચ્છના વિવિધ શહેરોમાં પાકિસ્તાનથી આવેલી નગ્ન નાચની બિભત્સ દ્રશ્યોવાળી સી.ડી., ડી.વી.ડી. બેરોકટોક વેચાઇ રહી છે.ભૂમિ કે જળસીમાથી થતી ઘૂસણખોરી પર તો જુદી-જુદી એજન્સીઓનું નિરીક્ષણ હોય છે, પરંતુ યુવાનોનું માનસ પ્રદૂષણ કરતી આ સીડીઓ પણ ઓછી ખતરનાક નથી.કચ્છના અનેક શહેરોમાં વેચાઇ રહેલી પાકિસ્તાનના દ્રશ્યો સાથેની વેચાઇ રહેલી આ પ્રકારની સીડીઓમાં લલનાઓના મુજરા, કામુક ડાન્સ બતાવવામાં આવ્યા છે.આ પ્રકારની સીડીઓ પંજાબી અને ભારતીય ગીતો સાથે હોવાથી અનેક યુવાનો એના રવાડે ચઢી રહ્યા છે. ભુજ ઉપરાંત માંડવી, ગાંધીધામ, કંડલા, ખારીરોહર, મીઠીરોહર, મુન્દ્રા, લખપત, ખાવડા, રાપર, ભચાઉ સહિતના શહેરોમાં લારી, ગલ્લા અને દુકાનો પર આ દૂષણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે.
અલંગના કટ્ટર હરિફને પણ હવે ભારત જેવાજ કાયદા પાળવા પડશે
સમગ્ર વિશ્વમાં ટનેજની દ્રષ્ટિએ સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ અલંગને પોતાના દેશના હળવા કાયદા, ઓછી મજૂરી, ઓછી સવલતો પુરી પાડવાની હોવાથી ટક્કર આપી રહેલા બાંગ્લાદેશમાં પણ ભારત જેવાજ કડક નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃત માર્ગદિર્શકા લાદવામાં આવતા આવનારા દિવસોમાં તેનો સીધો લાભ ભારતના શિપબ્રેકિંગ ઉદ્યોગને થવા અંગે ઉદ્યોગપતિઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.સતત વધતા જતા અકસ્માતો અને દરિયાઇ પ્રદૂષણથી ચિંતીત બાંગ્લાદેશ કોર્ટે ભારતની સુપ્રીમ કોર્ટે શિપ બ્રેકિંગ વ્યવસાયમાં લાદેલી માર્ગદિર્શકાનો અભ્યાસ કર્યો હતો, અને તેનોજ અમલ ત્યાં કરાવવા અંગે ચુકાદો આપ્યો હતો, જેને સ્થાનિક ઉદ્યોગપતિઓએ પીટશિન વડે પડકાર્યો હતો, પરંતુ ગત સોમવારે શિપબ્રેકરોની પીટશિન રદ્દ કરતા સુપ્રીમે કાયદાઓનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે.જે દેશમાંથી જહાજ વેચવામાં આવ્યું હશે તે દેશના પર્યાવરણ સત્તાધિશોએ સંબંધિત જહાજમાં કોઇપણ પ્રકારનો જોખમી કચરો મોજુદ નથી તે અંગેનું પ્રમાણપત્ર આપવું પડશે અને બાકીના કાયદાઓ ભારત પ્રમાણે અનુસરવા પડશે.અગ્રણી શિપબ્રોકરો સંજયભાઇ શાહ, સંદીપભાઇ શાહના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં કામદારો અને પર્યાવરણ અંગેના કાયદાઓ હળવા, મજૂરીદર ઓછો હોવાથી તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાંથી વધુ ભાવે પણ શિપ ખરીદતા હતા, હવે તેઓએ તમામ કાયદાઓનું પાલન, સુરક્ષાના માપદંડો, મજૂરી દર સહિતની બાબતોનું પાલન કરવું પડશે તેથી નફાના ગાળામાં ઘટાડો આવશે, અને વધુ ભાવના જહાજ તેઓને પરવડશે નહીં, જેનો સીધો લાભ અલંગને થશે.શિપબ્રેકર અને બ્રોકર કોમલકાંત શર્માના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગનો ૭૦ટકા માલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે વપરાય છે અને તેથી લોખંડનો ભાવ ત્યાં વધુ છે, નવા નિયમોના પાલનથી તેઓનો ખર્ચ વધશે, પણ સવલતો આંતરરાષ્ટ્રીય દરજજાની સવલતો ઉભી થશે, જેથી અત્યારસુધી જહાજના નામાંકિત માલીકો બાંગ્લાદેશમાં શિપ આપતા ન હતા તેઓ હવે આપવા માંડશે જેની સ્પર્ધાનો સામનો ભારતે કરવો પડશે.
આદર્શ વહીવટ સ્ત્રી શક્તિથી સ્વર્ણિમનગર બનેલું બોરડી
૨૧મી સદીમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચેનો ભેદ દૂર થઈ રહ્યો છે અને ક્યાંક તો મહિલાઓ પુરૂષને પછાડી અગ્રેસર થતી જોવા મળી રહી છે. આવું જ એક નાનકડું ગામ છે બોરડી. સિહોર તાલુકાના માંડ ૧૫૦૦ની વસતિ ધરાવતા આ ગામની પંચાયતમાં તમામ સભ્યો મહિલા વર્ગના છે.રાજકરણમાં મેનેજમેન્ટની અનોખી કુશળતા દાખવી આ ગામના સર્વાંગી વિકાસ માટે ૭૦ લાખની મિલકતોનું નિર્માણ કરી લોકોને વિકાસના રસ્તે દોડતા કર્યા છે. આ ઉપરાંત આ મહિલા ટીમ સંપૂર્ણ ગામને વ્યસન મુક્ત કરવા આગળ ધપી રહી છે. આવી સિધ્ધિઓ જોતા આ ગામને સ્વર્ણિમનગર જાહેર કરવામાં આવ્યું છે.બોરડી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ બહેનોની બોડીએ કરેલો બોરડી ગામનો વિકાસ રાષ્ટ્ર વિકાસનું પ્રતિબિંબ છે. ગામમાં માત્ર ભૌતિક સુવિધાઓ વધે એટલું જ નહિ ઉપરાંત ગામમાં સંસ્કારી અને ધાર્મિક વાતાવરણ ખડું થાય તેના માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. ગામમાં મારફાડ, ચોરી, લૂંટફાટ, જેવા ગુનાહિત કૃત્યો થયા હોય અને પોલિસે આવવું પડ્યું હોય તેવી ઘટના ગામના વડીલોને તો યાદ પણ નથી.
અબુધાબી પહોંચવાનો શોર્ટકટ : તપાસના આદેશ
અબુધાબીમાં ભણવા જવા માટે પરવાનગી નકારવાની ઘટનાની ગંભીર નોંધ લઈને રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલે દરમિયાનગીરી કરીને પોલીસને તપાસ કરવા માટેનો આદેશ આપ્યો હતો. જેમાં ટુરિસ્ટ વિઝા મેળવીને નોકરી માટે આ યુવતીઓ જતી હોવાની આંચકાજનક માહિતી ઉઘાડી પડી હતી.અનેક યુવતીઓ મબલખ આવકની લાલચમાં આવીને આવો શોર્ટકટ રસ્તો અપનાવતી હોય છે. જોકે પછીથી ઘણી વાર એવું પણ બનતું હોય છે કે વિદેશ ગયેલી આ યુવતીઓ કાં તો છેતરપિંડીનો ભોગ બનતી હોય છે અથવા અનૈતિક ધંધામાં ફસડાઈ પડી જતી હોય છે એવું મોટા ભાગના કિસ્સામાં જોવા મળતું હોય છે.ચાર ગુજરાતી યુવતીએ અને એક સમાજસેવિકાએ ગૃહપ્રધાનની મુલાકાત લઈને અગાઉ ભણવા માટે અબુધાબી ગયેલી આ યુવતીઓના વિઝા ઉપર તેઓ જ્યારે પાછી ફરી હતી ત્યારે તેમના વિઝા ઉપર ભારતીય સિક્કા ન હોવાને કારણે મને ત્યાં જવાની પરવાનગી મળી નથી રહી એવી ફરિયાદ તેમણે કરી હતી. છોકરીઓના ભણતરનો પ્રશ્ન હોવાથી ગૃહપ્રધાને તાત્કાલિક આ સંદર્ભે તપાસનો આદેશ આપ્યો હતો.સંબંધિત અધિકારી પાસે જ્યારે આ મામલો તપાસ માટે આવ્યો તો તેમાં એવી હકીકત જાણવા મળી હતી કે આ ચારેયને ગૃહિણી અને સેલ્સ રિપ્રેઝન્ટેટિવ વગેરે નામો આપીને ટુરિસ્ટ વિઝા ઉપર ત્યાં નોકરી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. ઈદના દિવસોમાં અબુધાબીમાં મહેંદી મૂકનારી બ્યુટિશિયન યુવતીઓની ભરપૂર માગ હોય છે. તેથી ભણતરને નામે શોર્ટકટ અપનાવાયો હોવાનું નાયબ પોલીસ આયુક્ત રાજ વર્ધને જણાવ્યું હતું.‘‘જોકે આ રીતે યુવતીઓ વિદેશમાં પહોંચીને છેતરાતી-ફસાઈ જતી હોય છે. આવી યુવતીઓનું જાતીય શોષણ પણ કરાય છે. કેટલીક યુવતીઓ પાસે કામ કરાવીને વેતન-વળતર ચૂકવ્યા વિના તેમને પાછી મોકલી દેવાય છે. વળી આવી ઘટનાઓ ઊઘાડી પાડનારી યુવતીઓને મધ્ય-પૂર્વના દેશોની નોકરીઓ માટે બ્લેકલિસ્ટમાં મુકાય છે અને તરત ભારત પાછી મોકલે છે,’’ એમ રાજવર્ધને જણાવ્યું હતું.
29 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment