visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મચ્છુ-૨ના ૧૮ દરવાજા ખોલાતાં પૂરની સ્થિતિ
મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવકના પગલે ડેમના ૧૮ દરવાજા ચાર ફૂટ ખોલી વિપુલ પ્રમાણમાં પાણી છોડવાની ફરજ પડતા મચ્છુ નદી ગાંડીતૂર બની છે, અને મચ્છું નદીનું સ્તર વધતા નદીકાંઠા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.મચ્છુ-૧ ડેમ સતત ઓવરફ્લો થવાથી અને ઉપરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી પહેલેથી ઓવરફ્લો થયેલા મચ્છુ-૨ ડેમમાં પાણીની તોતિંગ આવક શરૂ થતાં આજે વહેલી સવારે ચાર વાગ્યે મચ્છુ-૨ના એકી સાથે ૧૮ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી એકી સાથે પ્રતિ સેકન્ડે ૪૬,૬૦૩ કયુસેક પાણી છોડાતા મચ્છુ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પહેલેથી બે કાંઠે વહી રહેલી મચ્છુ ગાંડીતૂર બની હતી.મચ્છુ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડાતાની સાથે જ તંત્રએ નિચાણવાળા અને નદીકાંઠા વિસ્તારો અને અસરગ્રસ્તોની સંભાવનાવાળા ૨૮ ગામોમાં હાઇ એલર્ટ જારી કરી દીધું હતું. જ્યારે બીજી બાજું ડેમમાંથી છોડાયેલું લાખો કયુસેક પાણી પૂર બન્ને નદી કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. મોરબીના પુલ નીચે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નદીકાંઠાના રોહીદાસપરામાં પાણી ઘૂસ્યા ત્યા પણ રહેવાસીઓને ઊંચી જગ્યા પર જવાની તાકીદ કરાઇ હતી.આ ઉપરાંત મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) વિસ્તારના નદી કાંઠાના ખેતરોમાં ઘૂસી જતાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાથી ઉછાળા મારતી મચ્છુ નદીના પાણી માળિયા (મિ.) ના હરીપર ગામ ફરતે ફરી વળતા આજ સવારથી હરીપરના ગ્રામજનો અન્ય વિસ્તારથી વિખૂટા પડી ગયા હતા. ઉપસરપંચ ગજાભાઇ માસ્તરે જણાવ્યું હતું કે અમારું ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ગામની સીમના ૯૦ ટકા ખેતરોમાં પાણી ભરાયા છે. ગામના પ્રવેશવાના રસ્તાઓ પર ચાર-ચાર ફૂટ પાણી ભરાતા ગ્રામજનો બહાર નીકળી શકે તેમ નથી.
ખારીમાં પાંચનાં ચેકડેમમાં ડૂબી જતા મોત
સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં નહાવા પડેલા ચાર બાળકો ચેકડેમમાં ડૂબતા હતા તેઓને બચાવવા જતાં એક આધેડ સહિત કુલ પાંચના ચેકડમમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા કરૂણ મોત નિપજતા નાનકડા એવા ખારી ગામના લોકો હીબકે ચડ્યા હતા. આ બનાવ બનતાં સમગ્ર ગામ અને આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળયું હતું.આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના ખારી ગામે આવેલ ચેકડેમમાં આ જ ગામના ચાર બાળકો વિશાલ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૫),પંકજભાઇ ભનાભાઇ આહીર (ઉ.વ.૧૦),ભોજુભા ભનાભાઇ આહીર (ઉ.વ.૧૪), મિલન રાયમલભાઇ આહીર (ઉ.વ.૯) આ ચાર બાળકો ખારી-વાવડી રોડ પર આવેલ એક ચેકડેમમાં નહાવા પડેલ.તેવામાં આ ચારેય બાળકો ડૂબતા હોય આ બાળકોને બચાવવા જતાં રામાભાઇ જીવાભાઇ આહીર (ઉ.વ.૪૨)ના પગ કાંપમાં ઘુસી જતાં તેઓનું પણ ચેકડેમમાં ડૂબી જવાથી કમકમાટીભયું મોત નપિજેલ. આ પાંચેયના કરૂણ મોત નિપજતાં ખારી ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.જેમાં ભનાભાઇ ઉકાભાઇ ઢીલાના તો ત્રણ દીકરાઓના કરૂણ મોત નિપજતા તેઓના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. રે ! કરૂણતા એક જ પિતાના ત્રણ-ત્રણ સંતાનો એક જ સાથે મોત નિપજતા ભલભલા પહાડ જેવા પથ્થર હદયના માનવીના હદય પણ પીગળી ગયા હતા.ઉપરોકત પાંચેય વ્યક્તિઓના મૃતદેહોને આ જ ગામના અમૃતભાઇ ગોવિંદભાઇએ ચેકડેમમાંથી બહાર કાઢેલ.આ બનાવ બનતાં સિહોર મામલતદાર સહિતનો સ્ટાફ,તાલુકા પંચાયતના તા.વિ.અધિ.,સ્ટાફ, પીએસઆઇ દેસાઇ અને સ્ટાફ, આલાભાઇ, ગેમાભાઇ આહીર, માસાભાઇ ડાંગર , અભેશંગભાઇ મોરી, ગોપાલભાઇ,મેરાભાઇ આહીર તથા આહીર સમાજના આગેવાનો અને સિહોરના આગેવાનો.ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણી તહેવારો સાથે રોગચાળાનો કહેર
ભાવનગર શહેર-જિલ્લામાં શરદી, તાવ, ઉધરસના વાયરાએ માથુ ઉંચકતા લોકો તોબા પોકારી ગયા છે. શ્રાવણી તહેવારો સાથે શરદી, ઉધરસનો વાયરો ફુંકાયો છે. ઘરે-ઘરે લોકો તેનો ભોગ બની રહ્યા છે.ખાનગી અને સરકારી દવાખાનાઓમાં શરદી, તાવ અને ઉધરસના દર્દીઓની ભીડ વધી છે. દર વર્ષે ઋતુજન્ય રોગચાળો ફેલાય છે. પરંતુ ચાલુ વર્ષે નોર્મલ કરતા પણ વધારે આ રોગના કેસો નોંધાઈ રહ્યા છે. લગભગ દોઢેક મહિનાથી સામાન્ય રોગોનાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.એટલું જ નહીં પણ સ્વાઈ ફ્લૂના કેસો પણ ભાવનગરમાં નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય અને વાયરલ ફિવરના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. જોકે, આ રોગચાળાના નિયંત્રણ માટે ઘરગથ્થુ ઉપચાર અને સ્વંયરીતે જ કાળજી લેવી વધુ ફાયદાકારક અને હિતાવહ હોવાનું નિષ્ણાંતો સલાહ આપી રહ્યાં છે.
ભાવનગર જિલ્લામાં ચાર ઈંચ વરસાદથી ટાણા તરબતર
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે ભાવનગર જિલ્લામાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે ભાવનગર શહેરમાં તો આજે પણ હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે સિહોરના ગ્રામ્ય પંથકમાં આજે ચારેક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે તળાજામાં બે ઈંચ, ગારીયાધારમાં ત્રણ ઈંચ, પાલિતાણામાં સવા ઈંચ અને અન્ય વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. તો કુંઢેલી પંથકમાં બપોરે ૩થી૪ દરમિયાન એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.આજે ભાવનગર શહેરમાં આજે પણ હળવા ભારે ઝાપટા જ વરસ્યા હતા. આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જોકે બપોરે થોડો સમય સૂર્યપ્રકાશ ખિલ્યો હતો. ભાવનગર જિલ્લામાં પાલિતાણા પંથકમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં ૨૭ મીમી વરસાદ વરસી ગયો હતો.સિહોર તાલુકાના ટાણા ગામે આજે ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં શ્રાવણી મેઘમહેરથી તરબતર થઈ ગયું હતું. ઉપરાંત પીપળીયા અને આજુબાજુના મોટા સુરકા, નાના સુરકા, પાલડી વિ. ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો સિહોરમાં અડધાથી એક ઈંચ અને વરલ, થોરાળી, ટાણા, સોનગઢ સહિતના ગામોમાં એકથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ગારીયાધારમાં આજે ૪-૩૦ કલાકથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને રાત સુધીમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તળાજામાં આજે બપોરનાં સમયે બે કલાક અનરાધાર વરસાદ થતાં આજ સાંજ સુધીમાં ૫૪ મીમી જેટલું પાણી ગામોમાં પણ સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તળાજાનો સીઝનનો કુલ વરસાદ આજ સાંજ સુધીનો ૬૮૩ મી.મી. નોંધાયો છે.બોટાદમાં આજે બીજા દિવસે પણ વરસાદનું જોર રહ્યું હતું અને રાત સુધીમાં ૩.૫ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. સેંથળી ગામે ૧ ઈંચ અને સમિઢયાળા ગામે પણ ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઢસામાં સાંજે ૬થી૮ના બે કલાકના સમયગાળા દરમિયાન અઢીથી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઘોઘા ખાતે આજે એકાદ ઈંચ વરસાદ વરસી ગયાના વાવડ છે. તો વલભીપુરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જનરલ હોસ્પિટલને ‘અસાધ્ય રોગ’
ભૂકંપ બાદ વડા પ્રધાનના એક્સો કરોડના ફંડમાંથી નિર્માણ પામેલી જી.કે. જનરલ હોસ્પિટલ અનેક પ્રકારની ઉપેક્ષાઓનો ભોગ બની છે. છેલ્લા કેટલાંય સમયથી અહીં નિષ્ણાત તબીબોની મહત્વની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત કેટલાક કેટલાંય તબીબી સાધનો પણ એવા છે જેને ચલાવી શકતા સ્પેશિયલિસ્ટનો જ અહીં અભાવ છે આ પ્રકારની પરિસ્થિતિમાં ઉમદા સારવારની આશાએ આવતા અનેક દર્દીઓએ નિરાશ થવું પડે છે.ખાસ તો ગરીબ દર્દીઓએ સહન કરવું પડે છે. જેમણે ના છુટકે હોસ્પિટલના પગથિયા ચઢવા પડે છે. આવા સમાચારો કચ્છના લોકો વર્ષોથી વાંચે છે તંત્ર વાહકો પણ વાંચે છે પરંતુ જેમ કેન્સર કે એચઆઇવીનો નક્કર ઇલાજ નથી તેમ આ હોસ્પિટલ પણ અવ્યવસ્થા નામની અસાધ્ય બિમારીથી પિડાઇ રહી છે.કચ્છ એ દેશના વિશાળ જિલ્લામાંનો એક છે વસતીના પ્રમાણમાં જિલ્લાની મુખ્ય ગણાતી જી.કે. હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધુ રહે એ સ્વાભાવિક છે આવા સંજોગોમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ પૂરી ભરાયેલી ન હોય અને મહત્વના મેડિકલ સાધનોના ચલાવનારાના અભાવ હોય ત્યારે દર્દીઓને અપાર મુશ્કેલી પડે એ પણ એટલી જ સ્વાભાવિક વાત છે.સત્તાવાર મળેલી વિગતો મુજબ આ હોસ્પિટલમાં એને સ્થેર્ટિક, ફિઝિશિયન, ઓર્થોપેડિકસ, પિડિયા ટ્રિશિયન જેવા તજજ્ઞોની એક-એક જગ્યા ખાલી છે. બીજી તરફ સીટી સ્કેન, સોનોગ્રાફી માટે રેડિયોલોજિસ્ટ પણ નથી.કહેવાય છે કે, નવિનિર્મિત હોસ્પિટલનો પ્રારંભ થયો ત્યારે ઓપીડીમાં દરરોજ સરેરાશ ૭૦૦ થી ૯૦૦ દર્દીઓની એન્ટ્રી નોંધાતી જ્યારે હવે એમાં મોટો ઘટાડો આવ્યો છે. જો કે હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન નિરંજન રાવલ આ વાતને નકારી જણાવે છે કે, આજે પણ સરેરાશ ૫૦૦ જેટલા દર્દીઓની એન્ટ્રી નોંધાય છે. સંખ્યામાં જોવા મળતા ઘટાડામાં ખાનગી દવાખાનાનું વધેલું પ્રમાણ છે.લોકોમાંથી ઉઠતી એક ફરિયાદ એવી પણ છે કે, એડમિટ થયેલા દર્દીએ પોતાના બેડ પરથી ઉઠીને જાતે ડોક્ટર પાસે જવું પડે છે. ઉપરાંત કેટલાક તબીબો દર્દીઓની વિઝિટ લેવામાં પણ પોતાના સમય કરતાં લેટ આવે છે.
સાતમ-આઠમ ઉજવવા કચ્છ બન્યું સજ્જ, સર્વત્ર ઉત્સાહ
કચ્છ ઉપર મેઘમહારાજે સાર્વત્રિક મહેર કરી હોવાથી આ વખતે શ્રાવણી તહેવારો અને મેળાઓ બેવડા ઉત્સાહથી ઉજવાશે.આ પવિત્ર મહિનના ઉત્તરાર્ધે નાગપંચમીથી જ પર્વો અને તહેવારોનો સિલસિલો શરૂ થઇ જતો હોય છે. શ્રાવણ સુદના આરંભે ભૂજિયાના મેળા સાથે મેળા મલાખડાની મોસમનો આરંભ થઇ ચૂક્યો છે અને દર સોમવારે સુરલભીટ્ટ જેવા અનેક સ્થળે મેળા ભરાઇ રહ્યા છે, ત્યારે મંગળવારે રાંધણછઠ્ઠથી પાંચમથી ‘સાતમ-આઠમ’ના તહેવારોની શ્રૃંખલા ઉજવવા કચ્છ સજ્જ બન્યું છે.છલોછલ ભરાયેલાં હમીરસરના કિનારે આ વખતે ચાર દિવસ મેળો ભરાશે, જેમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાંના લોકો પણ ઉત્સાહથી છલોછલ હૈયા સાથે ઉમટી પડશે. દર વર્ષની જેમ જન્માષ્ટમીએ વિહિપ દ્વારા શહેરમાં શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. કૃષ્ણજન્મને ઉજવવા મંદિરો અને હવેલીઓમાં તૈયારીઓ આરંભી દેવાઇ છે. વિવિધ સંસ્થાઓ, મંડળો અને જ્ઞાતિ સંગઠનો દ્વારા આ તહેવારે અનેક કાર્યક્રમ યોજાશે.
કસાબનું હવે નવું નાટક: ‘મને કશું યાદ નથી’
૨૬/૧૧ના દિવસે શહેર ઉપર આતંકવાદી હુમલો કરનારા ૧૦ આતંકવાદીમાંથી એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે હવે પોતાને કંઈ પણ યાદ નથી એવું એક નવું નાટક શરૂ કર્યું છે. હેમંત કરકરે કોણ છે અને ૨૬ નવેમ્બરના દિવસે મેં શું કર્યું હતું એવા પ્રકારના પ્રશ્નો તે હાલ પૂછી રહ્યો છે. જેલ અધિકારી તેને આપવામાં આવતા ભોજનમાં માદક દ્રવ્યો ભેળવી રહ્યો છે જેને કારણે તેને કંઈ પણ યાદ રહેતું ન હોવાનો આરોપ તેણે મૂકીને ગુનાઓ પર ઢાંકપિછોડો કરવા લાગ્યો છે.કસાબે આવી ભાષા બોલીને પોતે રચેલા નવા નાટકનો અંત અહીં નથી આવતો. તેણે તે પોતાના વકીલને પણ ઓળખતો ન હોવાનું નાટક કર્યું હતું. મેં આરોપનામું વાંચ્યું નથી, કારણ કે તે ઉર્દૂમાં નહીં પણ અંગ્રેજીમાં લખેલું છે, એવું તેણે વકીલને જણાવ્યું છે.કસાબ માટે નીમવામાં આવેલા વકીલ અમીન સોલકરે જ્યારે તેને અમુક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે આવી નાટકીય ભાષામાં વાત કરી હતી. મને કંઈ પણ યાદ નથી તેવા પ્રકારનું રટણ તેણે ચાલુ રાખ્યું હતું.દરમિયાન કોર્ટે હવે કસાબ વતી અપીલ દાખલ નહીં કરી શકાતાં સુનાવણી ૨૦ સપ્ટેમ્બર પર મોકૂફ રાખી છે. આ સંબંધે પોલીસ અધિકારી અને વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે કસાબ ગમે તેટલાં નાટક ભજવે તો પણ અમને કોઈ ફરક પડવાનો નથી, પરંતુ તેને મળેલી ફાંસીની સજામાંથી તેને મુક્તિ મળી શકે તેમ નથી.એ જે કંઈ પણ હોય પરંતુ આવા પ્રકારનું નાટક જો કસાબ ચાલુ જ રાખશે તો તે માનસિક રીતે બીમાર છે કે નહીં તેની તપાસ કરવા માટે હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો પાસે તેને લઈ જવો પડશે. એટલે કે આ કાર્યવાહીમાં સમય લાગી શકે એમ છે. જોકે કસાબે સમય પસાર કરવા માટે જ આવા પ્રકારનું નાટક રચ્યું છે એમ એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતાં જણાવ્યું હતું.દરમિયાન કસાબને અહીંથી છોડાવીને લઈ જઈ શકવાની શક્યતાને કારણે આતંકવાદી હુમલો કરી શકવામાં આવી શકે છે જેને લઈ જેલ ફરતેની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે, એમ જેલ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
બોરીવલીની એચ.ડી.એફ.સી.બેન્કમાં ફિલ્મી ઢબે ૨૭.૦પ લાખની લૂંટ
એચ.ડી.એફ.સી.ની બોરીવલી શાખામાં પાંચ લૂંટારાએ ચાકુ અને પિસ્તોલની ધાકે સોમવારે સવારે સુમારે ૯.૩૦ વાગ્યે ૨૭.૦૫ લાખ રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી. તેઓ પગપાળા આવ્યા હતા અને પાંચ જ મિનિટમાં ખેલ ખતમ કરીને નાસી ગયા હતા. બોરીવલીના આ ભરચક વિસ્તારમાં સવારે આવી લૂંટ થતાં ચકચાર મચી ગઇ હતી.બોરીવલીમાં એસ. વી. રોડ ઉપર એચડીએફસી ખાનગી બેન્કની શાખા રોજ મુજબ સવારે ખૂલી હતી. દર ૬ મહિલા સહિત ૧૧ કર્મચારી હતા, જ્યારે બહાર સિક્યુરિટી ગાર્ડ યાદવ બંદૂક સાથે બેઠેલો હતો. બેન્કમાં ખાસ કોઈ ગ્રાહક નહોતા. જોકે સોમવારે સામાન્ય રીતે લોકોની રૂપિયા કઢાવવા માટે વધુ ભીડ રહેતી હોવાથી કેશિયરના ટેબલ પર રૂ. ૨૭.૦૫ લાખની રોકડ મુકાયેલી હતી. બેન્કનું કામકાજ હજુ માંડ શરૂ થયું ત્યાં એક શખસ અંદર આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં તે આવ્યો હતો તેથી કોઈને શંકા ગઈ નહોતી, પરંતુ થોડી જ વારમાં તેના ચાર સાથી આવ્યા હતા. તેમની પાસે પિસ્તોલ અને ચાકુ હતા. તેમણે ગાર્ડની બંદૂક છીનવી લીધી હતી અને તેના લમણે પિસ્તોલ મૂકી દીધી હતી. આ પછી અંદર ઘૂસીને સૌ કર્મચારીઓને ઊભા કરીને એક જગ્યાએ રહેવા માટે જણાવ્યું હતું.
એક શખસનો ચહેરો ખુલ્લો હતો, જ્યારે બાકીના ચારે ચહેરા પર બુરખો ઓઢ્યો હતો. તેમણે સૌપ્રથમ દરેક કર્મચારીને તેમના મોબાઈલ ફોન હાથમાં ન રાખવાની ધમકી આપી હતી. જો કોઈ મોબાઈલ ફોન કરશે કે રિસીવ કરશે તો જાનથી મારી નાખશે એવી ધમકી આપી હતી.આ પછી કેશિયર પાસે મૂકેલી રોકડ રકમ તેમને લાવેલી મિલિટ્રીના કપડાં જેવી કાપડની બેગમાં ભરી હતી અને ત્યાંથી પાંચ જ મિનિટમાં પગપાળા જ નાસી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
મુંબઈમાં ૪થી ૭ ઇંચ વરસાદ
રવિવારની સવારથી આખા મુંબઈ અને આસપાસના ક્ષેત્રોમાં અવિરત ચાલતા વરસાદે મોસમના કુલ આંકડાની સવા સદી પાર કરવાની તૈયારી કરી છે. સોમવારે સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં શહેર વિસ્તાર (કોલાબા)માં ચાર ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૧૬ ઈંચ નજીક પહોંચ્યો છે અને પરાં વિસ્તાર (સાંતાક્રુઝ)માં સાતેક ઈંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ આંક ૧૨૩ ઈંચ પર પહોંચ્યો છે.મુંબઈનાં પ્રત્યેક ચોમાસાનો સરેરાશ અપેક્ષિત વરસાદ ૮૦થી ૧૦૦ ઈંચ હોય છે. પરંતુ મોટે ભાગે ૧૦૦ ઈંચનો આંક પાર થતો હોય છે અને કેટલીક વખત ૧૨૫ ઈંચ પાર કર્યાની ઘટનાઓ બની છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં આવું ઘણી વખત બન્યું છે.ભારે વરસાદને લીધે દાદર, અંધેરી, મિલન સબવે, સાંતાક્રુઝ, દહિસર, મલાડ, ઘાટકોપર, વિક્રોલી, જુહુ વગેરે વિસ્તારોમાં ઘૂંટણ સમાણું પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનોની ગતિ ધીમી પડી હતી. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની ઉપનગરીય સેવાની ટ્રેનો વીસેક મિનિટ મોડી દોડતી હતી. પરંતુ એકંદરે માર્ગ વાહનવ્યવહાર, રેલવે વ્યવહાર તથા વિમાન વ્યવહારને ઝાઝી અસર થઈ નહોતી.સવારે પોણાસાત વાગ્યે દક્ષિણ મુંબઈના મિસ્જદ બંદર વિસ્તારની શરીફ દેવજી સ્ટ્રીટ ખાતેના બયાની હાઉસ બિલ્ડિંગનો અમુક ભાગ જમીનમાં ધસી ગયો હતો. મકાનના પહેલા-બીજા માળનો સ્લેબ પણ તૂટયા હતો. મકાન ખાલી હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી એ વિસ્તારમાં જ ડોંગરીના જેલ રોડ પર મકાનના બીજા અને ત્રીજા માળ પર બાલ્કનીની બહારનો ભાગ અને પ્લાસ્ટરનો ભાગ તૂટ્યો હતો. ભિંડી બજારમાં ચાર માળના અમીના બિલ્ડિંગના બીજા માળના પ્લાસ્ટરનો ભાગ ઉખડીને પડ્યો હતો.
રેતીમાં વહાણ ચલાવે તે જ ખરો ઈજનેર : નરોત્તમ પટેલ
વિદ્યાનગર ખાતે બીવીએમ કોલેજના ઓડીટોરિયમ ખાતે ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે કુશળ ઈજનેરો તો દેશના આધારસ્તંભ સમાન છે, રેતીમાં વહાણ ચલાવવાની હિંમત કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈજનેરી શાસ્ત્ર બધે જ છે. દેશની આંતર -માળખાકીય સુવિધાઓ, કારખાનાઓ, નહેરો અને માર્ગોના નિર્માણમાં ઈજનેરોનું બહુમૂલ્ય પ્રદાન છે.વિદ્યાનગર ખાતે ગુરૂવારે યોજાયેલા વિશેષ સમારોહમાં પ્રો. આર.પી.પટેલે જણાવ્યું હતું કે ઈજનેરો તો રાષ્ટ્રની કરોડરજજુ સમાન છે અને ભૂમિને કાંચન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. અમિત ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બિરદા વિશ્વકમૉ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હેસીયતથી પંચાયત મંત્રી નરોત્તમભાઈ પટેલે તેમના કોલેજકાળના સંભારણાનો પટારો વિદ્યાર્થીઓના માટે ખોલી દીધો હતો.અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદારસાહેબને અને પૂ. ભાઈકાકાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં તેમણે જણાવ્યું હતું કે દ્રઢ મનોબળ, નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે ઈજનેરો તેમના ઉપર જે જવાબદારી છે તે વહન કરવા માટેની હિંમત કેળવે અને અંદાજે ૪૦ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી યોજી અને તેમના તમામ પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં પૂર્વ વાઈસ ચાન્સલર સંકટમાં
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં નિયમો નેવે મુકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના કથિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ ફરિયાદ રદ કરવા અને ગુનાની તપાસ નહી કરવા માંગેલ સ્ટે ગુજરાત હાઇકોર્ટે ઉઠાવી લેતાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પુરાવા મળ્યે આરોપીઓની ધરપકડ કરવા પણ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદમાં મંગળપુરામાં યોગેશ્વર સોસાયટીની બાજુમાં રહેતા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સિનિયર કલાર્ક તરીકે નિવૃત થયેલા વિનોદચંદ્ર ચીમનલાલ ભટ્ટે ગત તા. ૧૪-૯-૦૯ના રોજ આણંદ સેશન્સ કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ કૃષિ યુનિવર્સિટીના તત્કાલિન વાઇસ ચાન્સલર એમ.સી. વાષ્ણૈય અને તત્કાલિન રજિસ્ટ્રાર મેકવાન વિકટર પીટર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઉક્ત બંને આરોપીએ એકબીજાના મેળપણામાં યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં કૌભાંડ આચર્યુ છે.તા.૨૦-૩-૮૯ના રોજ ગુજરાત સરકારે પોતાના ખેતીવાડી અને ગ્રામીણ વિકાસના ખાતાઓ માટે આઇસીએઆરની ભલામણો સ્વીકારી ઠરાવ મંજુર કરેલ છે. આ ઠરાવની અવગણના કરી આર.સી.વાષ્ણેય અને રજિસ્ટ્રાર વિકટર મેકવાને જાહેરાત આપી આસિસ્ટન્ટ પ્રોફેસર અને સમકક્ષ જગ્યાઓની સીધી ભરતી કરી યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરી આગોતરા આયોજીત ઉમેદવારો માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ)ના નિયમોમાં ફેરફાર કર્યા હતા, અને આ નેટની પરિક્ષા ફરજિયાત પાસ કરવાની હોવા છતાં તેના નિયમોમાં ફેરફાર કરી ત્રીસથી વધુ ઉમેદવારોને લાયકાત ન હોવાછતાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે મોટી રકમો લઇ નિમણુંકો કરી છે.આ નિમણુંકો કરી યુનિવર્સિટીને ત્રણ કરોડ રૂપિયાનું નૂકશાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત આ આરોપીઓ તથા તેમના અન્ય મળતિયાઓએ આ ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાનો આર્થિક લાભ કરી કરાવ્યો છે તેમજ ખેતી અધિકારી અને તેની સમકક્ષના સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રધ્યાપકની કક્ષામાં બઢતી આપવાના વચન અને વિશ્વાસ આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.’
આણંદમાં બસમાં ચઢવા જતી વિદ્યાર્થિની કચડાઈ
આણંદના નવા બસ મથકે બપોરના સમયે રિવર્સ થતી બસના પાછળના વ્હીલ નીચે આવી જતાં આણંદ કોમર્સ કોલેજમાં ભણતી પેટલાદની વિદ્યાર્થીનીનું કરૂણ મોત નપિજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેટલાદ આંજણાવાડમાં રહેતા ૨૨ વર્ષના સીગ્માબેન મહેન્દ્રભાઇ રતનભાઇ આંજણા પટેલ આણંદની કોમર્સ કોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે કોલેજ છુટયા બાદ તે પેટલાદ ઘરે જવા આણંદના નવા બસ મથકે આવ્યા હતા.તે વખતે ચકલાસીથી ખંભાત વાયા પેટલાદની બસ જી.જે.૧૮.વાય.૨૪૪૯ આવતાં તેઓ તેમાં બેસવા ગયા હતા. તે વખતે બસના ચાલકે બેદરકારી પૂવર્ક બસને રીવર્સ કરતાં બસના પાછળના વ્હીલ નીચે સીગ્માબેન આવી જતાં તે કચડાઇ જતાં કરૂણ મોત નિપજ્યું હતુ.આ બનાવથી બસ મથકમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં અરેરરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતક સીગ્માની સહઅધ્યાયી પેટલાદ રહેતા દિશાબેન આંજણા પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બસના ચાલકે ગુનો દાખલ કર્યો છે.
વેરાવળ : પ્રભાસ પાટણ પંથકમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ
વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં શ્રાવણમાસમાં અષાઢી રંગ છવાયો હોય તેમ ગતરાત્રીનાં બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ઝંઝાવાતી સાડા પાંચ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આજે શ્રાવણમાસનો સોમવાર હતો છતા વરસાદનાં કારણે સોમનાથમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળતી હતી.સોરઠમાં છેલ્લા પાંચ-છ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. વેરાવળ-પ્રભાસ પાટણ પંથકમાં ગતરાત્રે બાર વાગ્યાથી ઝંઝાવાતી વરસાદ શરૂ થયો હતો. સવારે છ વાગ્યા સુધીમાં અનરાધાર ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો.વહેલી સવારે શહેર પાણી પાણી થઈ ગયું હતું. સવારે છ વાગ્યાથી પણ મેઘરાજાએ ધીમી ગતિએ વરસવાનું ચાલુ રાખતા સાંજે છ વાગ્યા સુધીમાં વધુ બે ઈંચ પાણી પડી જતા કુલ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. છ ઈંચ વરસાદથી શહેરના સોમનાથ ટોકીઝ તથા ભાલકા વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ તથા કોલોનીમાં ગોઠડુબ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા હતા.
31 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment