04 September 2010

રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ આઠમે રજા રાખી મેઘો ફરી મંડાયો, સવા બે ઇંચ વરસાદ

રાજકોટમાં મેઘરાજાએ તહેવારના આનંદ ઉપર આજે ફરી પાણી ફેરવી દીધું હતું. ગઇકાલે માત્ર એક જ દિવસ આઠમ ઉપર પોરો ખાધા બાદ આજે દિવસ આખોવરસાદ વરસતા લોકોનો ફરવા જવાનો મૂડ ઓફ થઇ ગયો હતો. મેળાની મજા પણ બગડી હતી. દિવસ આખો નોનસ્ટોપ વરસાદ વરસતા મોડી સાંજ સુધીમાં અઢી ઇંચથી વધુ પાણી પડી ગયું હતું.છેલ્લા એક પખવાડિયાથી વરસાદી માહોલથી લોકો હવે કંટાળી ગયા છે. સાતમ-આઠમના તહેવાર ઉપર તો મેઘરાજા છુટકારો આપે એવી લોકોની આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે. સાતમ ઉપર પણ મજા બગાડી. એકમાત્ર ગઇકાલે આઠમ ઉપર નિરાંત રહી હતી. કાલે આખો દિવસ આકાશ ચોખ્ખું રહ્યું હતું.એ જોઇ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને તહેવારના બાકીના બે દિવસ મોજ માણીશું એવો ઉત્સાહ જાગ્યો હતો પરંતુ આજે ફરી મેઘરાજાએ ડેબા તંબૂ તાણી લીધા હતા અને આખો દિવસ ક્યારેક ધીંગી ધારે તો ક્યારેક ધીમી ધારે એમ સતત વરસાદ ચાલુ રહેતાં બધા ઉત્સાહ ઉપર પાણી ફરી વળ્યું હતું. આજે મોડી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આખો દિવસ વરસાદ ચાલુ રહેતા રસ્તા પર સતત પાણી ભરાયેલા રહ્યા હતા.વરસાદનો રેકોર્ડ તૂટવામાં માત્ર ૬.૨પ ઇંચનું જ છેટું -રાજકોટમાં આ વખતે અપરંપાર મેઘકૃપા વરસી છે. હવે તો ખમૈયા કરો એવી વિનંતી મેઘરાજાને કરવી પડે તેટલી ધરપત આપી દીધી છે. રાજકોટનો વરસાદનો રેકોર્ડ પ૬.૨પ ઇંચનો છે. આ વર્ષે આજનો વરસાદ મળીને કુલ૧૨પ૦ મી.મી. એટલે કે પ૦ ઇંચ થઇ ગયો છે. રેકોર્ડ તૂટવામાં હવે ૬.૨પ ઇંચનું જ છેટંુ રહી ગયું છે. કુલ વરસાદનો એક નવો ઈતિહાસ આ વર્ષે સર્જાય એવુ હજુ પણ વાતાવરણ પરથી માની શકાય તેમ છે.


રાજકોટના મનપાની ભૂલે પ્રધ્યુમ્ન પાર્ક ઝૂના સહેલાણીઓની મજા બગાડી

સહેજ એવા વરસાદમાં પણ ઢંગધડા વગરના પુલ પરથી વહેતું રાંદરડાના ઓવરફ્લોનું કમરડૂબ પાણી, માત્ર આઠમે જ આખો દિવસ ખુલ્લું રહી શક્યું! આજે શનિવારે ઝૂ બંધ રહેશે.પ્રધ્યુમનપાર્ક ઝૂ જવા માટે વચ્ચેથી વહેતી નદી પર મનપાએ રૂ. ૩૦ લાખના ખર્ચે બનાવેલો પુલ રાંદરડાના ઓવરફ્લોનું પાણી રોકતું હોય સહેજ એવા વરસાદમાં પણ પુલ પરથી કમરડૂબ પાણી વહેતું હોય છે. આવી સ્થિતિમાં સાતમ-આઠમના તહેવાર પર ઝૂ જોવા આવનારા સહેલાણીઓની મજા બગડી ગઇ હતી. માત્ર આઠમે જ આખો દિવસ ઝૂ ચાલુ રહી શક્યું હતું. એ સિવાય સાતમે સવારે દસ વાગ્યાથી આખો દિવસ અને આજે નોમના દિવસે પણ બપોર પછી ઝૂ બંધ રાખવાની ફરજ પડી હતી!ઝૂની ટિકિટ બારી સામેના ભાગે નિચાણમાં બનાવેલો પુલ જે તે વખતે તૈયાર થતો હતો ત્યારે જ ટેકનિકલ દ્રષ્ટિએ ભયસ્થાન દેખાઇ ગયુ હતુ. અહીં પુલ નીચે એક-એક ફૂટના આઠથી દસ ભૂંગળા મૂકી માથે સ્લેબ ખડકી દેવાયો છે. હાલ રાંદરડા ઓવરફ્લો થઇ ગયેલો છે અને એવામાં જો ભારે ઝાપટું પડે તો વધારાનું પાણી ભુંગળામાંથી પસાર થઇ ન શકતા પુલ પર ગોઠણ ડૂબી જાય તેટલું વહે છે. આવી સ્થિતિમાં પુલના કારણે ઝૂ જઇ શકાય એવી હાલત નથી રહેતી. સાતમના દિવસે પણ સવારે દસ વાગ્યા પછી વરસાદ આવતા ઝૂ લગભગ બંધ જેવું જ રહ્યું હતું. ગઇકાલે આઠમે વરસાદ ન હતો એટલે સહેલાણીઓને કંઇ વાંધો ન આવ્યો પણ આજે નોમના દિવસે ધોધમાર વરસાદથી બપોર બાદ સહેલાણીઓ ઝૂ જઇ શકે એવી સ્થિતિ રહી શકી ન હતી. ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શનિવારે પણ ઝૂ બંધ રાખવામાં આવશે એવી ઝૂ સત્તાવાળાઓએ આજે મોડી સાંજે જાહેર કર્યું હતું.સાતમના દિવસે સવારે દસ વાગ્યા પછી ઝૂ બંધ હતું એ પહેલા ૧પ૦૦ જેટલા સહેલાણીઓ મુલાકાત લઇ શક્યા હતા. કાલે આખો દિવસ વરસાદનો વિરામ હોવાથી ૧પ હજાર જેટલા લોકો ઝૂ આવ્યા હતા. કાલે આઠમના દિવસે તંત્રને રૂ. એક લાખ અને પાંચ હજારની આવક થઇ હતી. બાદમાં આજે બપોર પછી વરસાદના કારણે ઝૂ બંધ રહ્યું હતું. બપોર પહેલા ૪ હજાર લોકો આવ્યા હતા અને તંત્રને રૂ. ૩૪ હજારની આવક થઇ હતી.


રાજકોટના લોકમેળામાં ચાર દિવસમાં ૧૭પ ટન કચરો નીકળ્યો

લોકમેળામાં મહાપાલિકાએ સફાઇ અને આરોગ્ય સહિતની ટુકડીઓને રાઉન્ડ ધી કલોક કાર્યરત રાખી છે. આમ તો વરસાદી માહોલની અસર મેળા પર વર્તાઇ રહી છે એમ છતાં આ ચાર દિવસમાં મેળાના મેદાનમાંથી ૧૭પ ટનથી વધુ કચરો નીકળ્યો છે. રોજ રાત્રે સફાઇ કામદારો સવાર સુધી મેદાનમાં કચરો ઉસેટવામાં કામે લાગે છે.મહાપાલિકાએ ત્રણ શિફ્ટમાં ૧૯૦થી વધુ સફાઇ કામદારોને મેળામાં સફાઇની ફરજ માટે રોક્યા છે. સેનેટરી મંડળીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને સફાઇ કામગીરી ઉપર પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર નજર રાખી રાખ્યા છે. આમ તો વરસાદના કારણે મેળામાં દર વર્ષે હોય એવી ભીડ જામતી નથી. વરસાદ ચાલુ હોય ત્યારે મેળા ખાલીખમ્મ હોય છે. વરસાદનો વિરામ હોય ત્યારે લોકો ઉમટી રહ્યા છે. છઠ્ઠાના દિવસે તો મેળામાં જુજ સંખ્યા જ હતી.સાતમ ઉપર આખો દિવસ વરસાદ રહ્યો પણ રાત્રે વિરામ લેતાની સાથે જ લોકો ઉમટી પડ્યા હતા અને સાતમ ઉપર ૪પ ટનથી વધુ કચરો નીકળ્યો હતો. ગઇકાલે આઠમ ઉપર આખો દિવસ મેળામાં રસ રહ્યો હતો અને આ એ દિવસે ૬૦ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આજે શુક્રવારે સાંજ પછી મેળામાં ચિક્કાર ભીડ હતી.આજે પણ મેદાનમાંથી પ૦ ટન જેટલો કચરો એકત્ર થઇ ચુકયો છે. દરમિયાન સ્ટોલ પાસે કચરો કરતા હોય એવા લોકો પાસેથી કુલ રૂ. ૩૭૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

રાજકોટ : મેળામાં સ્ટીમ ઢોકળા, અમેરિકન મકાઇની માંગ

રાજકોટના લોકમેળામાં આમ તો આ વર્ષે કાંઇ પણ ખાવું જોખમી છે છતાં લોકો ભવિષ્યની ચિંતા કર્યા વગર,‘આજનો લ્હાવો લઇએ જી રે કાલ કોણે દીઠી છે’એવું માનીને ખાણી-પીણીની મજા લઇ રહ્યા છે.મેળો હોય કે તે સિવાયની હોટેલ બધું પેક રહે છે.જો કે મેળામાં લોકો મોટાભાગે વાસી ખોરાક લેવાનું ટાળી રહ્યા છે પરંતુ તે પણ સાવ તો બંધ નથી જ. છતાં ગરમ અને પૌષ્ટિક કહેવાય તેવી ચીજો લોકો ખાઇ રહ્યાછે.લોકમેળામાં દરવર્ષની જેમ પાઉંભાજી, ભેળ , ભજિયાં, પેટીસ, સેન્ડવીચ, પીઝા,પાણીપુરી,સેવપુરી જેવી સંખ્યાબંધ વસ્તુઓ મળે જ છે પરંતુ જે લોકો ‘હવાનું રૂખ’સમજે છે તેઓ વાસી કે વસ્તુઓ ખાવાનું ટાળે છે. મેળામાં સ્ટીમ ઢોકળાના જેટલાં સ્ટોલ છે ત્યાં ભીડ વધારે છે.ગરમ ગરમ ઢોકળાં,લસણની ચટણી-તેલ ખાવાની મજા લોકો લઇ રહ્યાં છે.ઢોકળાં ખાવાથી પેટને વધારે નુકસાન થતું નથી.સાથે જ રાજકોટના લોકોની પ્રિય વાનગી,રાત્રે જમ્યા પછીનો નાસ્તો તેવી અમેરિકન મકાઇના સ્ટોલ પણ ફુલ છે.મેળામાં ભેળ કરતાં પણ વધારે ખવાતું હોય તો એ છે ‘કાઠિયાવાડી ખીચું’ ગરમ ખીચું, એમાં તેલ અને મરચાંનો ભુક્કો આ ઘરઘરાઉ ડીસ પણ હવે મેળાના સ્ટોલની વાગગી બની છે. લોકો ચમચીથી અને છેલ્લે તો આંગળાં ચાટીને ખીચું ખાય છે.ગરમ પાઉંભાજી અને રગડો તેમજ વડાપાંઉ વરસાદી સીઝનને લીધે ઉપડે છે પરંતુ શહેરી પ્રજા તે ખાતી નથી. ફ્રૂટ ડીસના પણ સ્ટોલ છે પરંતુ ખુલ્લા ફળ ખાવામાં પણ લોકો પરેજ રાખતા જોવા મળ્યા હતા.
બ્રાન્ડેડ અને લોકલ આઇસક્રીમનું મહત્વ મેળામાં યથાવત છે.વિવિધ પ્રકારની કેન્ડી અને કોન મેળો માણનારાઓ ખાઇ રહ્યા છે.કપમાં પણ તેટલો જ આઇસક્રીમ ખવાય છે.સસ્તા જયુસ લોકો બેફામ પીવે છે જે રોગચાળો સર્જી શકે છે.પાણીના પાઉચનું પણ એવું જ ધૂમ વેચાણ છે.


માર્ગો પરનું વરસાદી પાણી બોરથી જમીનમાં ઉતારાશે

રાજકોટમાં વર્ષ ભલે ગમે તેવું સારુ ગયુ હોય છતાં બીજા વર્ષે ચોમાસુ મોડુ પડે એટલે પાણીના સાંસા પડતા હોવાની કમનસીબી વર્ષોથી ચાલી આવે છે. ડેમમાં તો ઠીક તળ પણ સૂક્કા ભઠ્ઠ થઇ જાય છે. ડંકીઓ ડચકા ખાઇ જાય છે ને બોર પણ ડૂકી જાય છે.
આવી સ્થિતિમાં મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જળ સમસ્યા સામે લોકભાગીદારીના અભિગમથી ઘરગથ્થુ ઉપચાર શોધી કાઢી રાજકોટમાં વરસતું પાણી રાજકોટની જ ધરતીમાં ઉતારવાનું એક પથદર્શક અભિયાન ઉપાડ્યું છે. તેના પ્રથમ પ્રયોગને જબરી સફળતા પણ મળી છે.રાજકોટમાં અત્યાર સુધીના વરસાદનો રેકોર્ડ તૂટવામાં હાથવેંતનું જ છેટું છે. જો કે એ વાત અલગ છે કે, વરસાદના ચાર-ચાર રાઉન્ડ આવ્યા ત્યાંરે છેક જળાશયોમાં શહેરનું વર્ષ આખું ચાલે તેટલુ પાણી આવ્યું છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, જળાશય ઉપર વરસાદ ઓછો પડ્યો છે. મોટાભાગનો વરસાદ માર્ગો પર નદીની જેમ વહી વોંકળા મારફત શહેરની બહાર વહી ગયું છે.જે વર્ષે ચોમાસુ મોડુ થાય ત્યારે કમસેકમ તળ સાજા હોય તો પણ લોકોને થોડીઘણી રાહત તો થાય જ. આ જ વાસ્તવિકતાને નજર સમક્ષ રાખી આર્કિટેક ઇલાબેન લોઢવિયાને જે વિસ્તારમાં વરસાદી પાણી તળાવડાની જેમ ભરાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાનો વિચાર સૂજ્યો. તેમના આ વિચારને મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે વધાવી લઇ જળસંચયની દિશામાં રાજકોટ માટે એક વૈચારિક ક્રાંતિ કહી શકાય એવો ઘરગથ્થો ઉપાયને અમલમાં મૂકી લોકભાગીદારીથી આ અભિયાનને આગળ વધારવાનું શરૂ કર્યું. ખુશીના સમાચાર એ છે કે, પ્રથમ પ્રયોગમાં જ જબરી સફળતા મળી છે. પ્રથમ બોર વિરાણી રોડ પર હેમુગઢવી હોલ પાસેસરગમ ક્લબના લોકભાગીદારીથી બનાવવામા આવ્યો છે. આ જગ્યાએ પહેલાની જેમ લાંબા સમય સુધી પાણી ભરાયેલુ નથી રહેતુ અને બધુ જ પાણી બોર વાટે જમીનમાં સળસળાટ ઉતરી જાય છે. આર્કિટેક ઇલાબેનની ઓફિસ સરદારનગર મેઇન રોડ ઉપર પણ વેપારીઓની લોકભાગીદારીથી બનાવવામા આવેલા બોરને પણ આવી જ સફળતા મળી છે.પ્રથમ પ્રયોગોમાં જ આવી જબરી સફળતાનેજોઇને હવે આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં જ્યાં પાણી ભરાવવાની સમસ્યા છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બોર કરી શકાય એમ હોય એવા આવા તમામ વિસ્તારોમાં રોડની સાઇડમાં નડતરરૂપ ન થાય એ રીતે શક્ય એટલા બોર બનાવવાની તૈયારી હોવાનું મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટે જણાવ્યું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, કૂવા રિચાર્જ તથા ચેક ડેમ નિર્માણ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતે જળ સંચયના ક્ષેત્રે એક અદ્દભૂત ક્રાંતિ સર્જી સમગ્ર રાષ્ટ્રને રાહ ચિંધ્યો છે. એ ઝુંબેશન મીઠા ફળ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને મળી રહ્યા છે. તેજ રીતે રાજકોટ મનપાએ આ નવો પ્રયોગ હાથ ધરી એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે. જેનો શહેરને ફાયદો મળશે.


મોદીના ભાષણ માટે શાળાઓમાં રજા રદ્દ

હાલ ફેસ્ટીવલ મૂડ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ રજાની મજા માણવામાં પડ્યા છે. સોમવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ તા. પમી શિક્ષક દિને રવિવાર આવતો હોય તેના આગલા દિવસે મુખ્યમંત્રી મોદીના ઓનલાઇન ભાષણનું આયોજન કરી કાલે શનિવારે શાળાઓ ચાલુ રાખવાનો ફતવો છેલ્લી ઘડીએ શાળા સંચાલકોને અપાતા સંચાલકો ઘાંઘાં થયા છે.જો કે કાલે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જ આવે એ નિશ્વિત વાત છે અને માત્રને માત્ર શિક્ષકોને જ ભાષણ સાંભળવાનું રહેશે એ પણ એટલી જ નક્કી વાત છે! છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના રોજ ગુજરાત સરકારની બીઆઇએસએજી સેટેલાઇન ચેનલ પર તમામ શાળાઓમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. પરમ દિવસે જ તા. પ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. બીજીબાજુ ગત સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં એક સપ્તાહનું વેકેશન જાહેર કરાયેલું છે. ૧પમી ઓગસ્ટે રવિવારે પણ બાળકોને વાઇબ્રન્ટ ઉજવણીના ભપકામાં પરાણે સામેલ કરવા શાળાઓ ચાલુ રખાઇ હતી અને એ દિવસની રવિવારની રજાને આવતીકાલે શનિવારે રજા રાખી એકઝેસ્ટ કરી અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરાયેલું હતું.એવામાં છેલ્લી ઘડીએ જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ આવતીકાલે શનિવારની રજા રદ હોવાનો પરપિત્ર કાઢ્યો છે. પ સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય મુખ્યમંત્રીના ઓનલાઇન ભાષણ માટે શાળા ચાલુ રાખવાનો આ ફતવો શાળા સંચાલકોને છેક ગણતરીની કલાકો પહેલા ખબર પડતા તેઓ પણ ઘાંઘા થયા છે. વિદ્યાર્થીઓને રજા રદ થવા અંગે એક જ દિવસમાં કઇ રીતે જાણ કરવી? એવી વિમાસણમાં મૂકાયા છે. જો કે બીજીબાજુ સ્થિતિ એ પણ થવાની છે કે, વિદ્યાર્થીઓમાં ફેસ્ટીવલ મૂડ હોય રદ થયેલી રજાના દિવસમાં કાલે નહીં જ આવે એ નિશ્વિત વાત છે.ડીઇઓ બગડા, મેસેજ આપતા ભૂલી ગયા કે સંદેશો પ્રોપર ચેનલ મારફતે ન પહોંચ્યો?રજા રદ થઇ હોવાનો સંદેશો છેલ્લી ઘડીએ મળ્યો હોવાનું મોટાભાગની શાળાના સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે ત્યાંરે તેની સામે જિલ્લા શિક્ષણાધિકારી બગડાએ એવુ રટણ કર્યું હતુ કે, મે તો ૩૧ તારીને જ પરપિત્ર જારી કરી દીધો હતો! અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શિક્ષણાધિકારીઓ આ બચાવ છે કે પછી સંદેશો પ્રોપર ચેનલ મારફતે શાળા સંચાલકોને સમયસર ન પહોંચ્યો?


BMC મરાઠી અનુસ્નાતકોને બમણો પગારવધારો આપશે

શિવસેના-ભાજપ શાસિત બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ પાલિકાના ૧.૨ લાખના સ્ટાફમાં મરાઠી પોસ્ટ ગ્રેજ્યુએટોને બમણો પગારવધારો આપવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે વિરોધ પક્ષોનો વિરોધ ભડકયો હતો.દરખાસ્ત પસાર કરનારી બીએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે, ‘બીએમસી આ સંબંધે કદાચ શુક્રવારે એક પરપિત્ર કાઢશે.’ફક્ત મરાઠી અનુસ્નાતકોનો વિચાર કરવાના આ પગલાનો વિરોધ કરતાં પાલિકામાં વિપક્ષના નેતા રાજહંસ સિંહે કહ્યું હતું કે કોઈ ભેદભાવ રખાયો ન હોવાની બાબત નશિ્વિત કરવા માટે હિન્દી અનુસ્નાતકોને પણ આ લાભ આપવો જોઈએ. ‘જો બીએમસી એમ નહીં કરે તો અમે આ નિર્ણયને અદાલતમાં પડકારીશું’, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે શેવાળેએ કહ્યું હતું કે સિંહે પેનલની બેઠકમાં આવું કશું સૂચવ્યું નહોતું. ‘તેઓ ચૂપ રહ્યા હતા. એમ તેમણે ઉમેર્યું હતું. વિવાદાસ્પદ દરખાસ્તનો બચાવ કરતાં શેવાળેએ આ નિર્ણયમાં કોઈ રાજકીય કારણો ન જોવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું. ‘આ બાબત તો ફક્ત સારી ભાષાકીય આવડત સાથે પાલિકાના અસરકારક વહિવટને પ્રોત્સાહન આપવા માટે જ છે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘આ બાબત અન્ય રાજ્યના સરકારી ખાતાંઓને મરાઠીમાં પાઠવવામાં આવતા પત્રોમાં વાક્યરચના અને તેના નિયમોની ભૂલોને અટકાવશે.’એક અધિકારીએ કહ્યું હતું કે, બીએમસી ધારા હેઠળ પાલિકાને તેની સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનો અધિકાર છે. ‘જો સ્થાનિક કોર્પોરશન તેની સ્થાનિક ભાષાને આગળ નહીં વધારે તો કોણ એ કરશે?’ એવો સવાલ એમણે પૂછ્યો હતો.મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના કોર્પોરેટર મંગેશ સાંગળેએ એપ્રિલ મહિનામાં આ વિચાર પ્રગટ કર્યો હતો અને સેના, ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈ પણ રાજકીય પક્ષ મરાઠી વિરોધી દેખાવા નહોતો માગતો એટલે આ દરખાસ્તે તમામ અવરોધો ખાસ્સી ઝડપે પસાર કરી દીધા હતા.


પશ્ચિમ રેલવે ‘ગો મુંબઈ’ સ્માર્ટ કાર્ડ સેવા બંધ કરાશે

પ્રવાસીના શુષ્ક પ્રતિસાદને પગલે અને મેસર્સ કેએપીએલ દ્વારા અંધેરી અને ચર્ચગેટ સ્ટેશને સેવા બંધ કરવાને કારણે મહત્વાકાક્ષી ગો મુંબઈ કોન્ટેકટલેસ સ્માર્ટ કાર્ડ બંધ કરવાનું નક્કી થયું છે.પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં ૨૮ ડિસેમ્બરથી આ સેવા બંધ થશે.આ મુજબ પેઢીને ૧૦-૮-૨૦૧૦ અને ૧૦-૧૧-૨૦૧૦થી અનુક્રમે ત્રિમાસિક અને માસિક પાસ આપવાનું બંધ કરવા કહેવાયું છે. ઉપરાંત ઈ-પર્સ પર ટોપ અપ્સ અને કાર્ડ જારી કરવાનું ૨૦-૧૨-૨૦૧૦થી બંધ કરવાનું કહેવાયું છે.આ પ્રકલ્પ ૨૮-૧૨-૨૦૧૦થી સમેટી લેવાશે. ૧૧-૧૨-૨૦૧૦થી અંત સુધીના સમયમાં દાવાની પતાવટ તથા પ્રવાસીઓનાં લેણાં પાછાં આપવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.


રાજકોટ : ખાબોચિયાં યથાવત, કપચીના ટ્રક ક્યાં ગયા?

થોડા સમય પહેલાં અહીં સ્વતંત્રતાપર્વની ઉજવણી થઇ ત્યારે બે માસથી તંત્ર ઊંધા માથે હતું,છેલ્લા દિવસોમાં તો વરસાદ પડે કે તરત કપચી-માટીના ટ્રકના ટ્રક ઠલવાતા,તે જ મેદાનમાં અત્યારે રાજકોટના લોકો મેળામાં ફરી રહ્યા છે પરંતુ તેમણે કાદવ ખૂંદવો પડી રહ્યો છે.સતત પડતા વરસાદને લીધે પાણી સૂકાતું નથી,કાદવ પણ યથાવત છે.આમ તો તંત્રે આ વર્ષે મોસમનો મિજાજ જોઇને જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર હતી,પરંતુ આ મેળામાં તો સામાન્ય માણસો જ આવવાના હતા, મંત્રી કે વીઆઇપી તો અહીં ફરકે નહીં તેથી તંત્રે થોડું કામ કર્યું,બાકી રામ ભરોસે. જેટલી કપચી કે રેતી કે મોરમ ઠલવાઇ હોવાનું કાગળ પર દર્શાવાયું છે તેટલી ઠલવાઇ હશે કે નહીં તે પણ સવાલ છે.પ્રથમ દિવસે જે પ્રમાણમાં વરસાદ પડ્યો તેવી રીતે જ આજે પણ વરસાદ પડ્યો છે પરંતુ તેની વચ્ચે બે દિવસ કોરા ગયા ત્યારે પણ કાદવ ઉલેચવાનું કે ખાબોચિયાં સૂકવવાનું તંત્રને જરૂરી જણાયું નથી.સાતમ અને આઠમના દિવસોએ પણ મેળામાં ફરનારા માણસો કાદવ ખૂંદીને ફયાઁ હતાં, તેમના માટે ગંદા પાણીમાં જ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.

રાજકોટ : શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત

ચારિત્રય પર શંકા કરી ત્રાસ ગુજારતાં પતિની હેરાનગતિથી કંટાળી ખવાસ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ગુરુપ્રસાદ ચોક પાસેના આરએમસી કવાટર્સમાં રહેતી ખવાસ પરિણીતા સોનલબેન અજય ડોડિયા (ઉ.વ.૨૭) એ પોતાના ઘરે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગરના પીએસઆઈ રામ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલના છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને તેને સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ ચારિત્રય પર શંકા કરી પતિ ત્રાસ ગુજારતો હતો. પાંચ વર્ષ પૂર્વે પણ પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી પરંતુ પતિની શંકાનો અંત આવ્યો ન હતો. ગુરુવારે રાત્રે પણ પતિએ એજ મુદ્દે ઝઘડો કરતાં પરિણીતાએ કંટાળી આપઘાત કરી લીધો હતો. મૃતકની માતાની ફરિયાદ પરથી પોલીસે અજય ડોડિયા સામે ગુનો નોંધ્યો હતો.
મવડી પ્લોટમાં આવેલા અમૃતવાડીમાં નવા બનતાં મકાનમાં સેન્ટ્રિંગનું કામ કરતી વેળાએ હિતેષ મનસુખભાઈ વશિપરા (ઉ.વ.૨૧) નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


રાજકોટ : સગાઈ તૂટી જતાં યુવકના પરિવાર પર હુમલો

શહેરના ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં સગાઈ તૂટી જવાના મુદ્દે યુવકના પરિવારજનો પર યુવતી, યુવતીના ભાઈઓ સહિતનાઓએ હુમલો કરતા ચાર ઘવાયા હતા.એચ.જે. સ્ટીલ પાસેની રિધ્ધીસિધ્ધી સોસાયટીમાં રહેતા કોળી જીતેશ ભૂપતભાઈ બાંભિળયાની સગાઈ શિવાજીનગરની યુવતી સાથે થઈ હતી. પરંતુ કોઈ કારણોસર સગાઈ તૂટી જતાં યુવતીના ભાઈઓ સંજય ભરત બારિયા અને કાળો બારિયા, જીતેશને ધમકાવતાં હતા અને ઝઘડો કરતાં હતાં.બાંભણિયા પરિવાર ગુરુવારે શિવાજીનગરમાં હતો ત્યારે સંજય, કાળો તથા કિશોર ધના બારિયા, મુન્નો બારિયાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ભૂપતભાઈ, રમાબેન જીતેશ અને અશ્વિનને ઈજા થતાં ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.


વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી ટ્રકમાંથી ૪.૯૦ લાખના પ્લાસ્ટિકના દાણાની ચોરી

શહેરમાં વધી રહેલા ચોરીના બનાવમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ટ્રકની તાલપત્રી કાપી રૂ.૪.૯૦ લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયાની ટ્રકચાલકે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.બનાવની મળતી વિગતો મુજબ, વેસ્ટ બંગાલના હિલ્દયા ગામેથી આરજે.૦૪જી.૩૦પ૯ નંબરના ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી લાખોની કિંમતની ૬૪૦ બોરીઓ ભરી રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળ ખાતે બે પેઢીને મોકલવા ટ્રક રવાના કર્યો હતો. દરમિયાન ગત રાત્રે ટ્રક રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પહોંચ્યો હતો. સાતમ આઠમની રજાઓ હોય ટ્રકચાલકે કુવાડવા રોડ, જે.કે.હોટલની સામે આવેલા ગાૈહાટી-ગુજરાત રોડવેઝ નજીક ખુલ્લા મેદાનમાં ટ્રક પાર્ક કરી ચાલક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સૂઇ ગયો હતો.આ વેળાએ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રકને નિશાન બનાવી ટ્રક ઉપર બાંધેલી તાલપત્રી કાપી અંદર પડેલી રૂ.૪,૯૦,૨૪૦ના કિંમતની ૨૭૧ પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ ચોરી ગયા હતા. સવારે આઠેક વાગ્યાના અરસામાં ચાલક ઉઠી ટ્રક પાસે જતા તાલપત્રી ફાટેલી નજરે પડતા અંદર તપાસ કરી હતી જેમા ચોરી થયાની જાણ થઇ હતી. બનાવ અંગે રાજસ્થાનના પંચપાદરા ગામે રહેતા ટ્રકચાલક ધનરાજ દેવીલાલ નાઇ નામના યુવાને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચાલકના જણાવ્યા મુજબ તે અને કલીનર રાત્રીના એક વાગ્યા સુધી ટ્રક પાસે જ હતા. ત્યાર બાદ તે ઓફિસમાં જઇને સૂઇ ગયો હતો અને કલીનર ટ્રકની કેબિનમાં સૂઇ ગયો હતો.ટ્રકમાંથી એક સાથે પ્લાસ્ટિકના દાણા ભરેલી વજનદાર ૨૭૧ બોરીઓ ચોરી જવાના બનાવમાં બે થી વધુ શખ્સો હોવાની તેમજ બોરીઓ લઇ જવામાં મોટા વાહનનો ઉપયોગ કર્યાની શંકા હોય કુવાડવા પોલીસના ફોજદાર જી.પી.પરમાર સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.


હાલારમાં નોમની રંગત બગાડતો મેઘો

હાલારમાં નોમના તહેવારના રંગમાં મેઘરાજાએ ભંગ પાડ્યો હતો. ખંભાળિયામાં ૪, કલ્યાણપુરમાં ૩, લાલપુરમાં ૧ અને કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુર, દ્વારકા, ભાણવડમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતાં.જામનગર શહેર-જિલ્લામાં સાતમ-આઠમ-નોમના તહેવાર ટાકણે મેઘરાજાએ પધરામણી કરતાં લોકો સાથે મેળાના આયોજકો અને સ્ટોલધારકો ચિંતામાં મુકાયા હતાં. જો કે, સાતમ અને આઠમના મેઘરાજાએ સવારના ભાગે વિરામ લેતા લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. પરંતુ રાત્રીના કલ્યાણપુરમાં અઢી, ભાણવડમાં દોઢ અને દ્વારકામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખંભાળિયા, ધ્રોલમાં ઝાપટા પડ્યા હતાં.જોડિયા, લાલપુર, જામજોધપુર, જામનગર, કાલાવડ તાલુકા કોરા ધાકોડ રહયા હતાં. આજરોજ સવારથી અસહ્ય બફારા વચ્ચે આકાશમાં વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. ખાસ કરીને ખંભાળિયામાં સવારથી પુન: મેઘરાજાનું આગમન થયુ હતું. સવારે ૭ થી ૧૦માં ૫૯ મીમી એટલે કે, સવા બે ઇંચ વરસાદ પડયો હતો.જે સતત ચાલુ રહેતા સાંજ સુધીમાં વધુ બે ઇંચ પાણી વરસી ગયુ હતું. બીજીબાજુ આજ સવારથી સાંજ સુધીમાં લાલપુરમાં ૧, કલ્યાણપુરમાં જામજોધપુર અને કાલાવડમાં ૦ાા ઇંચ વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનિય છે કે, સાતમ-આઠમના તહેવારોને લીધે મીની વેકેશન હોય લોકો તહેવારની મજા માણવા તત્પર હોય તે સમયે વરસાદથી રંગમાં ભંગ પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
લોકોએ વરસતા વરસાદમાં માણી મેળાની મોજ -શહેરમાં સાંજે ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોક મેળામાં વરસાદમાં પણ ભારે જનમેદની જોવા મળી હતી. લોકોએ વરસતા વરસાદ વચ્ચે મેળાની મોજ માણતા સ્ટોલધારકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.જામનગરમાં બે કલાકમાં એક ઇંચ -શહેરમાં શુક્રવારના સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વાદળછાયા વાતાવરણથી વરસાદ પડવાની શક્યતા ઉભી થઇ હતી. સવારે ૧૧ વાગ્યાની આસપાસ વરસાદના હળવા ઝાપટા પડતા માર્ગો ભીંજાઇ ગયા હતાં. ત્યારબાદ બપોરના ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં એક ઇંચ પાણી વરસી ગયુ હતું. જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં.


ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં ભયાનક ભૂકંપ

ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. દેશના પશ્ચિમ હિસ્સામાં ભૂકંપના કેન્દ્રબિંદુથી નજીકના ગ્રામીણ વિસ્તારમાં જબરદસ્ત નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ ક્રાઇસ્ટ ચર્ચથી 20 કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા એક નાનકડાં વિસ્તાર ડોરફીલ્ડમાં તો રસ્તાં ઉપર પણ મોટી તિરાડો પડી ગઈ છે.ન્યુઝીલેન્ડ સરકારની ભૂગર્ભીય એજન્સી જીએનએસ સાયન્સ પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જોકે અમેરિકી ભૂસર્વેક્ષણ વિભાગે આ ભૂકંપની તીવ્રતા 7 કહી છે.પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રે કહ્યું છે કે ભૂકંપ અને સુનામીના ઐતિહાસિક આંકડા પ્રમાણે સુનામી ઉઠવાનું કોઈ જોખમ દેખાઈ રહ્યું નથી. ન્યુઝીલેન્ડને ભૂગર્ભીય હિલચાલની બાબતે ઘણું સંવેદનશીલ ગણવામાં આવે છે અને પેસિફિક તેમજ ઈન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટો અહીંથી પસાર થાય છે. દેશમાં દર વર્ષે લગભગ 14000 જેટલા ભૂકંપ આવે છે, જેમાં 20ની તીવ્રતા પાંચથી વધારે હોય છે.દેશમાં આ પહેલા વર્ષ 1968માં અને આખરે 1971માં વિનાશકારી ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા 7.1 રિક્ટર સ્કેલ હતી. ભૂકંપના કારણે દક્ષિણ દ્વીપના સમુદ્રી તટ પર રહેતા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.

No comments:

Post a Comment