29 August 2010

ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચમાં ફિક્સિંગ, એકની ધરપકડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચમાં ફિક્સિંગ, એકની ધરપકડ

રિકેટ જગતમાં ફરી એક વખત ફિક્સિંગનું ભૂત ધુણ્યું છે. અને આ વખતે પાકિસ્તાનના બે બોલર મો. આમિર અને મો. આસિફ શંકાના ઘેરામાં છે.લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની શ્રેણીની અંતિમ મેચ ફિક્સિંગ કરવા માટે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ સામેલ હોવાનો ખુલાસો ઇંગ્લેન્ડના અખબાર ધ ન્યૂઝ ઓફ વર્લ્ડે કર્યો છે. બ્રિટિશ પોલીસ દ્વારા આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો કે, આઇસીસીએ આ વાતનો આધિકારિક રીતે ઇન્કાર કર્યો છે.સમાચારપત્રએ દાવો કર્યો છે કે, મો. આમિર અને મો. આસિફને નો બોલ નાંખવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. જેનો વીડિયો રેકોર્ડ પણ તેની પાસે છે. આ સમગ્ર ઘટનાની જાણકારી આઇસીસીને આપવામાં આવી છે.બીજી તરફ બ્રીટિશ પોલીસનું કહેવું છે કે તેઓએ શનિવારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચ ફિક્સ કરવાનો આરોપ છે. લંડનની મેટ્રો પોલિટન પોલીસે જણાવ્યું કે, સમાચારપત્રમાં છપાયેલા અહેવાલના અનુંસધાંને 35 વર્ષિય એક શકમંદ બુકીની ધરપકડ કરવામાં આવી છે.બ્રિટનના સમાચારપત્ર ન્યુઝ ઓફ વર્લ્ડે છાપેલા લોર્ડ્સ ખાતેની મેચમાં ફિક્સિંગના અહેવાલ બાદ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તપાસ હાથ ધરી છે. અને તેઓ પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ વિરુદ્ધ તપાસ ચલાવી રહ્યાં છે.પાકિસ્તાનના ટીમ મેનેજર યાવર સઇદે આ બનાવ અંગે કહ્યું છે કે, સ્કોટલેન્ડ યાર્ડની તપાસ ટીમે મેચ ફિક્સિંગ સબબ ટીમ જે હોટલ પર રોકઇ છે ત્યાંની મુલાકાત લીધી હતી. અને સુકાની સલમાન બટ્ટ, બોલર મો. આમિર, મો. આસિફ અને વિકેટકિપર કામરાન અકમલના નિવેદન લીધા હતા.



POKમાં ચીને 11000 સૈનિકો ગોઠવ્યાં!

મધ્ય એશિયામાં પોતાના વધતા જતા વર્ચસ્વને લઇને ચીને હવે ચાલ રમવાનું શરૂ કરી દીધું છે. આ ક્ષેત્રમાં ચીનનું એકમાત્ર પ્રતિસ્પર્ધી ભારત છે. કાશ્મીરને હજુ ચીન વિવાદાસ્પદ ક્ષેત્ર જ માને છે. અરુણાચલપ્રદેશને પણ ચીન ભારતનો હિસ્સો નથી માનતું. તાજેતરના અહેવાલ મુજબ ચીને ગુલામ કાશ્મીરમાં પોતાના 11000 સૈનિકોને સજ્જ કરી દીધા છે.ન્યુયોર્ક ટાઇમ્સની ખબર પ્રમાણે ગિલગિટ-બલિસ્તાન ક્ષેત્ર પર ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન હવે તેને પોતાનું વર્ચસ્વ સોંપી રહ્યું છે.એટલે કે પાકિસ્તાનની સાથોસાથ હવે ચીનની નજર પણ ગુલામ કાશ્મીર પર છે.આનું મુખ્ય કારણ એ છે કે ગિલગિટ-બલિસ્તાનમાં પાકિસ્તાની શાસન સામે જબરદસ્ત વિદ્રોહનો માહોલ સર્જાઈ રહ્યો છે અને આ જ કારણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના 7000થી 11000 સૈનિકોની ત્યાં ઘૂષણખોરી થઈ ગઈ છે.આ ક્ષેત્રથી હવે દુનિયાનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ચીન હવે આ વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે એટલે જ તે હાઈ સ્પીડ રેલ અને સડક સંપર્ક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે.ગિલગિટ-બલ્તિસ્તાનમા પ્રવેશ કરી રહેલા પીએલએ સૈનિકોમાંના કેટલાંક તો રેલમાર્ગ પર કામ કરનારા છે. આમાંના કેટલાંક ચીનના ઝિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાન સાથે જોડનારા કારાકોરમ હાઇવેના વિસ્તારમાં લાગી ગયા છે. અન્ય સૈનિકોને બંધો, એક્સપ્રેસ વે તેમજ અન્ય પરિયોજનાઓ પાસે તૈનાત કરવામાં આવ્યા છે.વિદેશી જાસૂસી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ક્ષેત્રમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે વોશિંગટન માટે ચિંતાનો વિષય છે. ચીનને અમ્માનની ખાડી સુધી પહોંચવા માટે આટલી છૂટ અને રસ્તો અપાઈ રહ્યો હોવાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હવે અમેરિકાનું મિત્ર નથી.એક માહિતી અનુસાર ગિલગિટ-બલ્ટિસ્તાનમાં લોકતંત્ર અને ક્ષેત્રીય સ્વાયત્તા માટે ચલાવનારા આંદોલનને ખૂબ નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાની સેનાએ સુન્ની જેહાદી સંગઠનો સાથે મળીને સ્થાનિક શિયા મુસલમાનોને સુનિયોજિત રીકે ખૂબ ડરાવ્યા હતા. આથી આ લોકો હવે પાકિસ્તાની શાસનમાંથી મુક્ત થવા માગે છે.


મોહમ્મદ આમિરે વિટ્ટોરીનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીના ટેસ્ટ ક્રિકેટના 50 વિકેટ લેવાના સૌથી યુવા ખેલાડીના રેકોર્ડને તોડી નાંખ્યો છે.આમિરે આ સિદ્ધિ 18 વર્ષ અને 136 દિવસની ઉમરે હાંસલ કરી છે. લોર્ડ્સમાં ચાલી રહેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે આમિરે ઘાતક બોલિંગ કરી હતી. અને ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગની છ વિકેટ ખેરવીને ટેસ્ટ કારકિર્દીમાં વિકેટની સંખ્યા 50થી વધારે કરી દીધી છે. આ સાથે જ તેમે વિટ્ટોરીના રેકોર્ડને પાછળ રાખી દીધો છે.આ સાથે જ તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. જેણે ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓને સતત શૂન્ય પર આઉટ કરી પેવેલિયન ભેગો કરી દીધો છે. આમિરે પોતાની પ્રથમ 10 બોલમાં એકપણ રન આપ્યા વગર ચાર વિકેટ મેળવી હતી. જે પણ એક રેકોર્ડ સમાન છે.આમિરે માત્ર છ દિવસમાં બીજી વખત પાંચ વિકે હાંસલ કરી છે. શુક્રવારે તેણે છ ખેલાડીઓને આઉટ કર્યા હતા. જેમાં ચાર ખેલાડીઓતો ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા.ઇંગ્લેન્ડે આમિરના તરખાટ સામે સાત વિકેટ 185 રનમાં ગુમાવી હતી. પરંતુ ટ્રોટ(149 સાથે રમતમાં) અને સ્ટુઅર્ટ બ્રોડ(125 અણનમ) વચ્ચે આઠમી વિકેટ માટે 244 રનની શાનદાર ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડને સાત વિકેટ પર 346એ પહોંચાડીને સંકટમાંથી બહાર કાઢ્યું છે.



પાકિસ્તાનની હાલત નાજુક

જોનાથન ટ્રોટ અને સ્ટુઅર્ટ બ્રોડ વચ્ચેની આઠમી વિકેટ માટેની વિશ્વવિક્રમી ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે ચોથી ક્રિકેટ ટેસ્ટમાં પ્રવાસી પાકિસ્તાનને ભીંસમાં લઈ લીધું હતું.અહીં રમાઈ રહેલી મેચમાં ત્રીજા દિવસે ટી ટાઈમ સુધીમાં પાકિસ્તાને તેના પ્રથમ દાવમાં ૪૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અગાઉ ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં ૪૪૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. વિરામ સમયે સલમાન બટ્ટ (૨૬) તથા અઝહર અલી (૧૦) બેટિંગમાં હતા.અગાઉ ઇંગ્લેન્ડે સાત વિકેટે ૩૪૬ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો એ પછી ટ્રોટ અને બ્રોડે આઠમી વિકેટની ભાગીદારીમાં ૩૩૨ રન ઉમેર્યા હતા. આઠમી વિકેટની ભાગીદારીનો આ નવો વિશ્વવિક્રમ છે. ટ્રોટ છેલ્લો આઉટ થયો હતો અને તેણે ૧૮૪ રન ફટકાર્યા હતા.


ગુજરાત સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે સર્વોત્તમ

દેશમાં સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત, મહારષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઉત્તમ સ્થળ માનવામાં આવી રહ્યા છે. ફ્રેંન્ચાઇઝ ઇન્ડિયાના નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે.તેમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ જેવા રાજ્યો સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે ઉત્તમ વાતાવરણ પ્રાપ્ત કરાવા સક્રિય પગલા ભરી રહ્યા છે. આ અધ્યયનના આધારે ભારતમાં નાના ઉદ્યોગોના 100 ટૉપ શહેરોનુ લિસ્ટ બનાવવામાં આવ્યુ છે.ફ્રેંચાઇઝ ઇન્ડિયાના અધ્યક્ષ ગૌરવ માર્યાનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થામાં સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મહત્વપૂર્ણ છે અને તે દેશ માટે કરોડરજ્જુ સમાન છે. દેશની જીડીપીમાં તેમની ભાગીદારી 8 થી 9 ટકાની છે જ્યારે તેમના દ્વારા ચાર કરોડથી વધારે લોકોને રોજગારી મળે છે. કંપનીયે 'સ્મૉલ બિઝેનસ એવૉર્ડ' માટે અર્નેસ્ટ એન્ડ યંગ સાથે કરાર કર્યો છે.




હવે મોબાઇલથી પણ શેર ટ્રેડિંગ થશે

જો તમે શેર બજારમાં પૈસા લગાવવા માંગો છો. પરંતુ સમય ના હોવાના કારણે શેર ટ્રેડિંગ કરી નથી શકતા તો હવે તમારા માટે સારા સમાચાર છે. સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે સેબીએ મોબાઇલ ટ્રેડિંગની અનુમતિ આપી દીધી છે. એટલે કે તમે હવે મોબાઇલ ફોન દ્વારા શેરોનું ખરીદ-વેચાણ કરી શકસો. આને માટે તમારૂ કોઈ બ્રોકિંગ હાઉસમાં ખાતુ હોવુ જરૂરી છે.ગ્લોબ કેપિટલના પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસના હેડ કે. કે. મિત્તલના મતાનુસાર મોબાઇલ ટ્રેડિંગ માટે મોબાઇલમાં એફટી (ફાઈનેન્શિયલ ટ્રેડિંગ) નામનુ સૉફ્ટવેર ડાઉનલોડ કરાવુ પડશે, જેના માટે જીપીઆરએસ કનેક્શન પણ જરૂરી છે. આ સોફ્ટવેર અત્યારે નોકિયા અને બ્લેકબેરીના મોબાઇલ સપોર્ટ કરી શકે છે.દેશના કેટલાય બ્રોકિંગ હાઉસ પાસે મોબાઇલ ટ્રેડિંગની સેવા ઉપલબ્ધ છે, પરંતુ સેબીની અનુમતિ ના મળવાને કારણે તેઓ આ સેવા શરૂ નહોતા કરી શકતા. હવે સેબીએ આને ગ્રીન સિગ્નલ આપ્યુ છે એટલે તે લોકોને ફાયદો થશે જે સમયના અભાવના કારણે શેર ટ્રેડિંગ નહોતા કરી શકતા.


મોદીનો ધ્રુજારો: ભગવા આતંકવાદ મુદ્દે વડાપ્રધાન માફી માગે

ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેલાં મુખ્યમંત્રીનું ગામેગામ ભગવા ગૌરવ અભિયાન ચલાવવા આહ્વાન: સ્કાયવોક અને શિક્ષણ સમિતિની શાળાઓમાં સીસી ટીવી અને બેન્ચીસનું લોકાર્પણ. ચિદમ્બરમ દ્વારા કરાયેલા ભગવા આતંકવાદ શબ્દના મુદ્દે મુખ્યમંત્રી મોદીએ આક્રમક તેવર અપનાવી હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને તિરંગાનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે તિરંગાના અપમાન બદલ દેશવાસીઓની માફી માગવા વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો.ભગવા આતંકવાદ મુદ્દે ચાર દિવસ બાદ મૌન તોડી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુંકે, ભગવા આતંકવાદ શબ્દથી કોંગ્રેસ સરકારે દેશની આન-બાન-શાન સમા તિરંગા રાષ્ટ્રધ્વજને સલામી કરતા કરોડો દેશવાસીઓનું અપમાન કર્યું હોવાનું જણાવી શું આ બધા આતંકવાદી છે? તેવો વેધક સવાલ જનમેદનીને કર્યો હતો.વોટબેંકની રાજનીતિમાં કોંગ્રેસના શાસકો ભારતને, ભારતની સંસ્કૃતિને બદનામ કરવાના ષડયંત્રો રચી રહ્યા હોવાનું જણાવી મોદીએ જણાવ્યું હતું. ભગવો ધારણ કરતાં સાધુ-સંતો, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, માથે કેસરિયો બાંધી સંસ્કૃતિ-નારી, બ્રાહ્નણ અને ગાયોનું રક્ષણ કરતા ક્ષત્રિયો શું આતંકવાદી છે? કરોડો મંદિરો ઉપર ફરક્તા ભગવા ધ્વજ શું આતંકવાદની પ્રેરણા આપે છે?મોદીએ આ મુદ્દે વડાપ્રધાન મનમોહનસિંહ અને ચિદમ્બરમને દેશની જનતાની માફી માગવા હાકલ કરી હતી. મોદીએ ભગવા આતંકવાદના મુદ્દે ગામેગામ ભગવા ગૌરવ અભિયાન ચલાવવા અને કોંગ્રેસીઓ પણ આ શબ્દપ્રયોગનો વિરોધ કરે તે માટે તેમના ઉપર દબાણ લાવવા અનુરોધ કર્યો હતો.સયાજીગંજ વિસ્તારના ૫૨૩૯ ગરીબ લાભાર્થીઓને રૂ.૨૪.૬ કરોડની વિવિધ યોજનાકીય સહાય વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી મોદીએ સ્કાય વોકનું લોકાર્પણ,પાણીની ટાંકીનું ખાતમુહુર્ત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સીસીટીવી કેમેરા અને બાળકો માટે બેન્ચીસનું લોકાર્પણ કર્યું હતું.


૧૦.૫૩ ટકાના વિકાસ દર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે

દેશમાં દસ વર્ષ પહેલાં બનેલા અને નક્સલવાદની સમસ્યા સામે ઝઝૂમી રહેલું છત્તીસગઢ વિકાસની દોડમાં દેશના બધા જ રાજ્યોને પાછળ ધકેલીને આગળ નીકળી ગયું છે. ૨૦૦૯-૧૦ના વર્ષમાં ૧૧.૪૯ ટકાના વિકાસ દર સાથે છત્તીસગઢ સૌથી મોખરે રહ્યું છે જ્યારે ૧૦.૫૩ ટકાના વિકાસ દર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વિકાસ દરની બાબતમાં પણ છત્તીસગઢ દેશના અન્ય રાજ્યોથી આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં છત્તીસગઢનો સરેરાશ વિકાસ દર ૧૦.૯ ટકા જ્યારે અન્ય રાજ્યોનો સરેરાશ વિકાસ દર ૭.૪૪ ટકા નોંધાયો છે.નવી દિલ્હીના કેન્દ્રીય આંકડાકીય માહિતી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, વિકાસની બાબતમાં છત્તીસગઢ સૌથી આગળ છે. જ્યારે વર્ષ ૨૦૦૦માં બનેલા અન્ય એક રાજ્ય ઉત્તરાખંડ ૯.૪૧ ટકાના વિકાસ દર સાથે દેશમાં ત્રીજા ક્રમે છે.૨૦૦૮-૦૯ના વર્ષમાં વિકાસ દરની યાદીમાં સૌથી ટોચ પર રહેલા બિહારનો ૨૦૦૯-૧૦માં વિકાસ દર ૪.૭૨ ટકા છે. બિહારનો વિકાસ દર ઘટવાનું કારણ દુષ્કાળની સમસ્યા જણાવવામાં આવ્યું છે.


‘ભગવા આતંકવાદ’ પર ભાજપ થયો વધારે આક્રમક

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ભગવા આતંકવાદ મુદ્દે ભાજપના આક્રમક વલણનો સામનો કરવો પડયો છે. જો કે સંસદ બહાર પણ ભાજપ આ મુદ્દે ચિદમ્બરમ પર દબાણ ચાલુ રાખવાની નીતિ ચાલુ રાખી રહ્યું છે. ભાજપે શનિવારે ગૃહમંત્રીની માફીની માગણી બુલંદ કરી દીધી છે. બીજી તરફ સંઘના સરકાર્યવાહ સુરેશરાવ જોશી ઉર્ફે ભૈયાજી જોશીએ પણ ચિદમ્બરમની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી બહુમતી સમુદાયને આરોપીના પાંજરામાં ઉભા કરવાનું કામ કરી રહ્યાં છે.ભાજપ અને સંઘ બંનેએ સંકેત આપ્યા છે કે જો સરકાર તરફથી નિવેદનબાજી ચાલુ રહેશે, તો તેમને ઉગ્ર વિરોધનો સહારો લેવો પડશે. ભાજપના મુખ્ય પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ચિદમ્બરમે આતંકને ભગવા શબ્દ સાથે જોડીને દેશની સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસનું અપમાન કર્યું છે. પ્રસાદે સુપ્રિમ કોર્ટમાં રામસેતુ વિવાદની .યાદ પણ અપાવી હતી.તેમનું કહેવું હતું કે પહેલા કોંગ્રેસે રામને કાલ્પનિક ગણાવ્યા અને સોગંદનામું દાખલ કર્યું હતું. ત્યાર બાદ સરકારના મંત્રીઓ જ તેની વિરુદ્ધ નિવેદન આપવા લાગ્યા અને સોગંદનામું બદલી નાખ્યું. આ પ્રકારે ભગવા શબ્દના ઉપયોગ પર પણ કોંગ્રેસ પાર્ટીની અંદર વિરોધ સપાટી પર આવી રહ્યો છે. ભાજપના અન્ય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોંગ્રેસ એ સ્પષ્ટ કરે કે તેઓ ચિદમ્બર સાથે સંમત છે કે જનાર્દન દ્વિવેદી સાથે?જાવડેકર પ્રમાણે, જો કોંગ્રેસ દ્વિવેદી સાથે છે, તો તેઓ ચિદમ્બરમને માફી માંગવાનું કહે. સંઘના સરકાર્યવાહ સુરેશરાવ ઉર્ફે ભૈયાજી જોશીએ કહ્યું હતું કે સંઘના નેતા રામ માધવ પ્રમાણે જે વિસ્ફોટોની વાત કહેવામાં આવી છે, તેની તાલીમ સંઘે આપી ન હતી. આ લોકોમાં કેટલાંક ભૂતપૂર્વ સૈનિકો સામેલ છે. રામ માધવની માગણી છે કે ગૃહ મંત્રાલય એ સ્પષ્ટ કરે કે આ વિસ્ફોટો પાછળ કઈ શક્તિઓ છે?


મધર ટેરેસા પર 5 અને 100 રૂ. ના સિક્કા

મધર ટેરેસાએ ગરીબોની સેવામાં પોતાનુ જીવન અર્પિત કરી દીધુ હતુ. તેમની જન્મ શતાબ્દી ઉપર સરકારે તેમની સ્મૃતિમાં શનિવારે પાંચ અને સો રૂપીયાના સ્મારક સિક્કા પ્રસ્તુત કર્યા હતા.નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ ટેરેસાની સ્મૃતિમાં સિક્કાઓને પ્રકાશિત કરવાની સાથે સ્મારકનુ પણ વિમોચન કર્યુ હતુ. તેઓએ સિક્કા અને સ્મારકને સૌથી પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ભેટ કર્યા હતા.કહેવામાં આવે છે કે મધર ટેરેસાએ કલકત્તામાં જ્યારે મિશનની શરૂઆત કરી હતી ત્યારે તેમની પાસે પાંચ રૂપીયા જ હતા. આ અવસર પર રાષ્ટ્રપતિએ કહ્યુ કે, 'તેઓ (મધર ટેરેસા) દરેક રિતે દુનિયાની 'માં' હતી. આ સાચુ છે કે ઈશ્વર દરેક જગ્યાએ નથી હોતા, આ કારણે તેઓએ માં ને જન્મ આપ્યો છે'તેઓએ કહ્યુ કે 'વાદળી બૉર્ડર વાળી સફેદ સાડીમાં તેઓ અને તેઓના ચેરિટી મિશનની બહેનો વૃદ્ધ, અસહાય, બેરોજગાર, બીમાર લોકો માટે આશાનુ પ્રતિક બની ગઈ છે.'મધર ટેરેસાનો જન્મ 26 ઑગસ્ટ 1910ના રોજ મેસેડોનિયામાં થયો હતો. 5 સપ્ટેમ્બર 1197ના રોજ કલકત્તામાં તેઓનુ નિધન થયુ હતુ. અઢાર વર્ષની ઉંમરમાં તેઓએ ગૃહત્યાગ કર્યો હતો અને 'સિસ્ટર્સ ઑફ લોરેટો' માં જોડાયા હતા. જે આયરલેન્ડની ઈસાઈ સમુદાયની નનોની સંસ્થા છે. આ સંસ્થા ભારતમાં પણ કામ કરે છે.ટેરેસાએ વર્ષ 1948માં ગરીબોની વચ્ચે રહીને મિશનની શરૂઆત કરી હતી. તેઓએ ચાલીસ વર્ષથી વધારે સમય સુધી ગરીબ અને અસહાય લોકોની સેવા કરી હતી. આ દરમિયાન તેમને 124 પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. આ પુરસ્કારોમાં ભારત રત્ન અને નોબેલ પુરસ્કાર પણ શમાવિષ્ટ છે.


‘બોલ્ડ દ્રશ્યો ભજવવામાં કોઈ જ વાંધો નથી’

ઈશા કોપીકરના લગ્ન થઈ ગયા છે પરંતુ તે ફિલ્મોમાં કામ કરી રહી છે. ઈશાની ફિલ્મ હેલો ડાર્લિગ શુક્રવારના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મ માત્ર હિન્દીમાં જ નહિ પરંતુ તામિલ, કન્નડ અને તેલુગુમાં પણ બની છે. ઈશાના લગ્ન થઈ ગયા હોવા છતાં તેની ઈમેજ હજી પણ સેક્સી એન્ડ હોટ રહી છે.લગ્ન પછી તારૂં જીવન કઈ રીતે બદલાઈ ગયું?જીવનમાં પરિવર્તન થતું રહે છે. લગ્ન પછી વ્યક્તિ વધારે પરિપક્વ બને છે. હું નસીબદાર છું કે, મારા લગ્ન વહેલા થઈ ગયા અને મને મારી જવાબદારીઓનું ભાન થઈ ગયું. લગ્ન પછી પણ મારો પરિવાર મારી સાથે છે અને તેઓ મારી કરિયરમાં મને મદદરૂપ બને છે.તારો પતિ તને કેટલે અંશે મદદરૂપ થાય છે?કેટલાંક પતિઓ પોતાની પત્નીને કામ કરવાની પરવાનગી આપતા હોય છે અને કેટલાંક પતિઓ લગ્ન પછી પત્નીઓને સાચા દિલથી કામ કરવા દેતા હોય છે. મારા પતિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નથી પરંતુ મને ઘણી જ મદદ કરે છે. તેમને મારા તમામ નિર્ણયો પર વિશ્વાસ છે.


એરટેલના ગ્રાહકોને બલ્લે..બલ્લે

જો તમારી પાસે એરટેલનુ કનેક્શન છે તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ભારતની સૌથી મોટી જીએસએમ મોબાઇલ ઑપરેટર કંપની એરટેલે પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.'ઓવીઆઈ ટૂલ'નામની આ સર્વિસને આપવા માટે એરટેલે મોબાઇલ હેન્ડસેટ બનાવનાર ફિનલેન્ડની ખ્યાતનામ કંપની નોકિયા સાથે કરાર કર્યો છે. આ સર્વિસ દ્વારા તમને અનાજની કિંમતોથી લઈને એજ્યૂકેશન અને હેલ્થ ટિપ્સની સાથે મનોરંજન સાથે જોડાયેલી તમામ માહિતી પણ પ્રાપ્ત થશે.જોકે એરટેલના ગ્રાહકોએ આ ખાસ સર્વિસ અલગથી એક્ટિવેટ કરાવી પડશે. અને આ સર્વિસ માટે તમારે દર મહિને 10 રૂપીયા ચુકવવા પડશે. કંપનીને આશા છે કે આ નવી સર્વિસ લોકોને ખાસ્સી પસંદ પડશે. આ અગાઉ નોકિયા લોકો સુધી ઓવિઆઈ ટૂલ સર્વિસ પહોચાડવા માટે રિલાયન્સ કંપની સાથે પણ કરાર કરી ચુકી છે.


બ્રિટિશ અખબારે લખ્યું ‘ધ ડેથ ઓફ ઇંગ્લિશ ક્રિકેટ’

ક્રિકેટ રસિકો એ વાતથી અજાણ નહીં હોય કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિઝ શ્રેણી કેટલું મહત્વ ધરાવે છે. એશિઝ શ્રેણીને હજૂ વાર હોવા છતાં અત્યારથી બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા એકબીજા વિરુદ્ધ વાકયુદ્ધ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ બન્ને દેશ વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચની એ યાદગાર પળને કેવી રીતે ભૂલી શકાય કે જેને લઇને સ્પોર્ટ્સ ટાઇમ્સે લખ્યું હતું કે, ધ ડેથ ઓફ ઇંગ્લિશ ક્રિકેટ.વાત 29 ઓગસ્ટ 1882ના વર્ષની છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓવેલના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે 85 રનનો ટાર્ગેટ મુક્યો હતો. અને ઇંગ્લેન્ડે વી.જી.ગ્રેસ આઉટ થયાં ત્યાં સુધી બે વિકેટના નુક્સાને 52 રન બનાવી લીધા હતા.જો કે, ઓસ્ટ્રેલિયાના ફ્રેડ સ્પોફોર્થે કરેલી વેધક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાનો આ મેચમાં સાત રનથી વિજય થયો હતો. ફ્રેડએ પ્રથમ ઇનિંગમાં 47માં સાત અને બીજી ઇનિંગમાં 44માં સાત વિકેટ મેળવી હતી.ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ રીતે સાત રનથી ઇંગ્લેન્ડનો પરાજય થતાં જ એ સમયના અખબાર સ્પોર્ટ્સ ટાઇમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, ઇંગ્લિશ ક્રિકેટનું દિંહાત થયું છે. અને ઓસ્ટ્રેલિયા એશિઝને લઇ ગયું છે.


‘હવે, હું અને રાહુલ સાથે રહીએ છીએ’

રાહુલ મહાજનની પત્ની ડિમ્પી મહાજને તાજેતરમાં જ રાહુલ પર મારપીટ કરવાનો આરોપ લગાવતાં ભારે ચર્ચા જાગી હતી. જોકે હવે બંને ફરી સાથે રહેવા લાગ્યાં છે અને તેમની વચ્ચે સંબંધો સુધારવાના પ્રયત્નો કરી રહ્યા છે.ડિમ્પી મહાજને જણાવ્યું હતું કે રાહુલ સાથે તેને ઝઘડો થયો હતો પરંતુ હવે તેઓ સાથે રહેવા લાગ્યા છે અને તેમની વચ્ચે સંબંધો સુધારવા માટે અને પહેલાં જેવી જિંદગી ફરી શરૂ કરવા માટે સલાહસૂચનો લઈ રહ્યાં છે.‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’ નામના ટીવી રિયાલિટી શોમાં રાહુલ અને ડિમ્પીએ લગ્ન કર્યા બાદ થોડા વખતમાં જ તેમની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હોવાથી ગત મહિને ડિમ્પીએ તેનું ઘર છોડી દીધું હતું. જોકે છેવટે રાહુલની માતાએ સમગ્ર મામલે સમાધાન કરાવતા હવે તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં છે.ડિમ્પીએ જણાવ્યું હતું કે જે કંઈ બન્યું તેનાથી તે અંદરથી વધુ મજબૂત બની છે. તેને હવે રાહુલ સાથેના સંબંધો વધુ મજબૂત થયા હોવાનું અનુભવાઈ રહ્યું છે.તેણે કહ્યું હતું કે ‘મે સ્થિતિને સ્વીકારી લીધી છે અને હું જાણું છું કે હું રાહુલને પ્રેમ કરું છે અને હું તેની સાથે હંમેશ માટે રહેવા માંગું છું.’



17000 બાળકોના જીવને જોખમ

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં પૂરથી લગભગ 1.7 કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે અને 80 લાખ લોકોને ખાદ્યપદાર્થોની સખત જરૂરિયાત ઊભી થઈ છે. આ પૂરને કારણે 12 લાખ ઘર તબાહ થઈ ગયા છે અને 50 લાખ લોકો બેઘર બની ગયા છે. મૃતકોની સંખ્યા અત્યાર સુધી 1600એ પહોંચી છે.સંયુક્ત રાષ્ટ્રના માનવીય રાહત સંયોજક માર્ટિન મોગવાનજા એવું જણાવે છે કે જો આ વિસ્તારની પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધારવામાં નહીં આવે તો અહીંયા કુપોષણનો શિકાર બનેલા 72000 બાળકો મરી જશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.સિંધના 23માંથી 19 જિલ્લાઓ પૂરની અસર હેઠળ છે. તાજેતરમાં દક્ષિણી પાકિસ્તાનમાં સિંધુ નદીના તટબંધો અનેક જગ્યાએ તૂટી ગયા છે અને કરાંચીથી 70 કિલોમીટર પૂર્વમાં આવેલા થટ્ટા શહેરને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે સિંધુ નદીમાં અત્યારે સામાન્ય કરતા 40 ગણું પાણી વધી ગયું છે.મળતી માહિતી અનુસાર થટ્ટા શહેરના 3 લાખ લોકોમાંથી 1.75 લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. અહીંયા ભૂમિસેના અને નૌસેના અત્યારે કાર્યરત છે. જો કે હજુ સિંધના કેટલાંક વિસ્તારોમાં રાહતસામગ્રી ન પહોંચી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

No comments:

Post a Comment