31 August 2010

કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કૃષ્ણના જન્મોત્સવ માટે દ્વારકા સજ્જ

કૃષ્ણની કર્મભુમિ દ્વારકા નગરી ઠાકોરના જન્મોત્સવની ઉજવણી માટે સજ્જ બની છે. જગતમંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવી રહ્યુ છે. જ્યારે નગરની શેરીઓને સજાવવામાં આવી છે. દેવસ્થાન સમિતિ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.દ્વારકા નગરીએ આ વખતે જન્માષ્ટમીના ઉત્સવમાં કંઇક જુદુ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ શહેરના તમામ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન, સ્વાગત કમાનો તથા ધ્વજા પતાકા અને રંગબેરંગી રંગોળીથી સાચા અર્થમાં કૃષ્ણનગરી જેવો માહોલ ઉભો કરવમાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાની સાથે જ કૃષ્ણનગરીમાં કાનાનો જન્મોત્સવનો ઉત્સાહ હોય તેવું વાતાવરણ ઉભુ થઇ ગયું છે.જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ તથા પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડના વિભાગ નેજા હેઠળ જન્માષ્ટમી ઉત્સવમાં આવતા ભાવિકો માટે એક ખાસ કાર્યક્રમ જન્માષ્ટમીની રાત્રે ૯ વાગ્યે ધીરૂભાઇ અંબાણી માર્ગો ઉપર રાખવામાં આવ્યો છે. જેમાં બરોડાની ન્રુત્ય નાટીકા સંસ્થા દ્વારા ગોપાલક નામનું ન્રુત્ય તથા બાદમાં લોકડાયરો યોજાશે. જેમાં અશોક પંડયા, દેવદાન ગઢવી, કમલેશ ગઢવી, મુકેશ રાવલ તથા તરૂલતાબેન ચૌહાણ કાર્યક્રમ રજુ કરશે. આ કાર્યક્રમમાં સાસંદ તથા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણી, જિલ્લા કલેક્ટર તથા અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.જન્માષ્ટમીના આ ઉત્સવના આયોજનને આખરી ઓપ આપવા નાયબ કલેક્ટર આલોકકુમાર પાંડેએ સંકલન માટેની એક વધુ બેઠક સ્થાનિક અધિકારીઓ તથા પાલિકાના તંત્રની બોલાવી હતી. જેમાં યાત્રિકોની ટ્રાફીક વ્યવસ્થા, ખાસ કરીને ફુડ ખાણી-પીણીની વધુ વસ્તુઓ પર જરૂરી નિયંત્રણ અને ચકાસણી કરવા સુચના આપવામાં આવી છે. દેવસ્થાન સમિતિ દ્વારા જગત મંદિર પરિસરમાં યાત્રિકો દર્શનની વ્યવસ્થા માટે અલગ-અલગ વિભાગો પાડીને ખાસ બેરી કેટ ઉભુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.


મને ભલે ગુનેગાર ગણાવાય, પણ મારી ‘સલેટ’ કોરી છે

કચ્છની સરહદ પરથી થતી સોના ચાંદીની દાણચોરીમાં જેનું નામ અનેક વખત સંડોવાયું હતું તેવા ચર્ચાસ્પદ રહેલા ઇભલા શેઠ નકલી એન્કાઉન્ટરવાળા કિસ્સામાં મોઢું ખોલે છે.‘રાજકીય રીતે મારો લાભ ઘણાએ લીધો છે મને ભલે ગુનેગાર બનાવાયો છે પરંતુ મારી સલેટ (સ્લેટ) સાફ છે, મારા પર થયેલા કેસ કિન્નાખોરીનું પરિણામ છે અને કુલદીપ શર્માએ અંગત દુશ્મનાવટ રાખીને કામ કર્યું છે.’આ શબ્દો કચ્છના એક અતિ ચર્ચાસ્પદ અને જેને કુખ્યાત પણ કહેવાય છે તેવા એક શખ્સના છે તેનું નામ અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ છે તેવું કહીએ તો કોઇ નહીં ઓળખે, પરંતુ ઇભલા શેઠ નામ આવતાં જ લોકોના કાન સરવા થઇ જશે અને અંદરો અંદર ઘૂસપુસ ચાલુ પણ થઇ જશે, ‘ઇભલાના નામે કેટલાય કેસ છે એ કંઇ કુલદીપ શર્માની સામે બોલે તે સાચું મનાય?’ ‘ભલે તે દાણચોરીમાં સંડોવાયેલો મનાય, પરંતુ ગરીબોની મદદ કરતો. અરે, અબડાસામાં તો તેના નામનો સિક્કો પડતો.’ આવી બેમતભરી વાતો આ ઇભલા શેઠ વિશે વર્ષોથી થતી આવી છે.લાંબા સમયથી રાજકીય પ્રવૃત્તિથી પણ અલ્પિત થઇ જનાર ઇભલા શેઠ પર સોના ચાંદીની દાણચોરીના આક્ષેપો જ નહીં, પરંતુ પોલીસ અને કસ્ટમના કેસ પણ દર્જ થયા છે. શસ્ત્રની હેરાફેરી કે સિમિ સાથેનું કનેકશન એવા કારણો રહ્યાં છે કે, જેને લીધે પોલીસે અડધી રાત્રે ઇભલા શેઠના દરવાજા ખખડાવ્યા છે. જોકે તે પોતે કહે છે જુગાર રમાડવા સિવાય એક પણ ગુનો મેં કર્યો નથી, હું ખેતી કરીને મહેનત કરીને આગળ આવેલો માણસ છું. કચ્છમાં કોંગ્રેસને મેં જીવાડી છે, મારી વધતી તાકાત અને લોકપ્રિયતા હરીફોને ખૂંચતાં પરિણામે કુલદીપ શર્માએ અંગત દ્વેષ રાખીને મારી સાથે સતત ગુનેગાર જેવું વર્તન કર્યું હતું.કચ્છમાં ૨૬ વર્ષ પૂર્વે થયેલા એન્કાઉન્ટર અંગે પુન: તપાસ શરૂ થઇ છે. તો આ ઇભલા શેઠને પણ તત્કાલીન ડીએસપી કુલદીપ શર્માએ માર માર્યો હોવાનો બનાવ ભુતકાળના તળમાંથી ફરી સપાટી પર આવ્યો છે, ત્યારે ગુનેગાર ન હોવાનું રટણ કરનાર છતાં પોલીસ જેના માટે સતત વોચફૂલ રહેતી તેવા ઇભલા શેઠ ‘દિવ્ય ભાસ્કર’ સામે કેટલીક સ્ફોટક વાતો કરે છે.


રાજકોટ : સાધુમાં વાસનાનો કીડો સળવળ્યો અને મહિલાને..

રાજકોટ બસ સ્ટેશનમાં રહેતી મૂળ મોરબીની મહિલાને ચોટીલા માનતા પૂરી કરવા લઇ જવાનું કહી સાધુએ મોલડી નજીક વગડામાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં સનસનાટી મચી ગઇ હતી. ભોગ બનનાર મહિલા રોડ પર આવી રહી હતી. ત્યારે કોઇ સ્કૂટર ચાલકે ઠોકરે લેતાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડાઇ હતી. પોલીસે સાધુને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી.મોરબીમાં વાવડી રોડ પર રામદેવપીર મંદિર પાસે રહેતી અને એકાદ મહિનાથી રાજકોટ બસ સ્ટેશનમાં પડી પાથરી રહેતી મીના શંકરલાલ હાલાણી (ઉ.વ.૪૦) નો ભેટો રવિવારે રાત્રે બસ સ્ટેશનમાં રવિરામ રાવળદેવ નામના ૫૦ વર્ષના સાધુ સાથે થયો હતો. ચોટીલા માનતા હોવાનું અને પોતાની પાસે પૈસા નહીં હોવાનું કહેતા સાધુએ પોતે માનતા પૂરી કરાવશે તેમ કહ્યું હતું.
સોમવારે સવારે બન્ને બસમાં બેસી ચોટીલા જવા નીકળ્યા હતાં પરંતુ મોલડી પાસે ઉતરી ગયા હતાં. મંદિરે જતા પૂર્વે સ્નાન કરવાનું સાધુએ કહેતા બન્ને ગામની સીમમાં આવેલી નદીએ નાહાવા ગયા હતાં. નાહાતી વેળાએ સાધુમાં વાસનાનો કીડો સળવિળયો હતો, અને મહિલાને નદી બહાર કાઢી બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો.કુકર્મ આચર્યા બાદ સાધુ અને મહિલા વગડાથી રોડ તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કોઇ સ્કૂટર ચાલકે મીનાને ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી મહિલાને સાધુ જ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.સાધુએ બળાત્કાર કર્યાનું હોસ્પિટલ પોલીસ સ્ટાફ સમક્ષ કહેતાં પોલીસે સાધુને સકંજામાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.


અમદાવાદમાં યુવકની જાહેરમાં આત્મહત્યા

પ્રગતિનગરમાં આવેલી નવનિર્માણ સોસાયટીના બાજુના રોડ પર સ્થિત જીઇબીના વીજથાંભલા પર લટકી જઈને યુવકે આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. ભરબપોરે ઓછી અવરજવરવાળા એવા આ વિસ્તારમાં જઇને યુવક થાંભલા પર ૩૫ ફૂટ ઉંચે ચઢી ગયો હતો અને તારનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતાં જ થાંભલા પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તપાસ કરવા આવેલી પોલીસને પણ પહેલા લોકોને ખસેડવાની જહેમત ઉઠાવવી પડી હતી અને બાદમાં ફાયરબ્રિગેડની મદદથી લાશને નીચે ઉતારી હતી. આ બનાવ અંગે નારણપુરા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બપોરે લગભગ ત્રણ-સાડા ત્રણ વાગ્યાના અરસામાં સફેદ પેન્ટ અને શર્ટ પહેરેલો, અંદાજે ૩૨ વર્ષીય ઉંમરનો યુવક નવનિર્માણ સોસાયટી પાસે આવી પહોંચ્યો હતો. થાંભલામાં લગાવેલા એન્ગલોની મદદથી તે લગભગ ૩૫ ફૂટ ઊંચે ચડી ગયો હતો. બાદમાં પોતાની પાસેના તારનો ગાળિયો થાંભલાના એન્ગલ સાથે બાંધીને ગળેફાંસો ખાઈ લટકી ગયો હતો.લગભગ ૪.૧૫ વાગ્યે નવનિર્માણ સોસાયટીમાં રહેતા આર. જે. ઉપાધ્યાયની નજર થાંભલા પર લટકી રહેલી લાશ પર પડતાં પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો કરતાં, નારણપુરા પોલીસમથકના પીએસઆઇ બશીર ઠાકોર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. દરમિયાન આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોનાં થાંભલા પાસે એકઠા થઈ ગયા હતા.પોલીસે પહેલા તો ટોળાને વિખેરી નાખ્યાં હતાં અને બાદમાં ફાયરબ્રિગેડને મદદ માટે બોલાવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ થાંભલા પર ચડીને દોરડાનું ગાળિયો બનાવી યુવકના પગના ભાગેથી છાતી સુધી સરકાવીને ફિટ કરી દીધો હતો અને દોરડાનો બીજો છેડો એન્ગલ ઉપરથી સરકાવીને લાશને ધીમે ધીમે નીચે ઉતારી હતી.નારણપુરા પોલીસમથકના પીએસઆઇ ઠાકોરે જણાવ્યું હતું કે, હજી સુધી યુવકની ઓળખ થઈ શકી નથી.


પીપલી લાઇવના હીરો નત્થાનું ઘર કાચી માટીનું છે

બોલિવૂડ સ્ટાર આમિરખાનની ફિલ્મ ‘પીપલી લાઇવ’માં નત્થાની ભૂમિકા ભજવીને દેશભરમાં લોકપ્રિય બનેલા કલાકાર ઓમકારદાસ માનિકપુરીનું ઘર આજેય કાચી માટીનું બનેલું છે. તે આજેય ભિલાઇની ગલીઓમાં શાકભાજી વેચે છે.જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ ઓમકારનાથની મુશ્કેલી એ છે કે તે પોતાના ઘરમાં રહી શકતા નથી. કેમ કે, તેઓ જેવા ઘરે પહોંચે કે તુરંત જ પ્રશંસકોની ભીડ જામી જાય છે. આજકાલ તેઓ છાનામાના પોતાના બનેવીના ઘરે રહે છે. દેશમાં લોકપ્રિય થયેલા ઓમકારનાથ આજેય કાચા મકાનમાં રહે છે.તેમનું કહેવું છે કે ‘પીપલી લાઇવ’માં મળેલું મહેનતાણું એટલું નહોતું કે હું મારું મકાન રિપેર કરાવી શકું. થિયેટરના માહિર કલાકાર માનિકપુરી(નત્થા)ના પિતા મજબૂર હતા. રોજગારીની શોધમાં દરેક વર્ષે ગામ છોડીને અલગ-અલગ શહેરોમાં રહેવું પડતું હતું. જેના કારણે ઓમકારદાસનું પ્રાથમિક શિક્ષણ શક્ય ન બન્યું, પણ ભણવાની ઘેલછાના કારણે તેઓ ૧૨ વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં દાખલ થયા હતા.પાંચમા ધોરણમાં પહોંચતા સુધીમાં તો તેને મૂછ ઉગવાની શરૂઆત થઇ ગઇ હતી આથી બાકીના વિદ્યાર્થીઓ તેને ચીડવવા લાગ્યા. આથી રોષે ભરાઇને ભણવાનું છોડી દીધું. ૧૬ વર્ષની વયે તો તેના લગ્ન થઇ ગયાં હતાં.

૬ કલાક જુના ખોરાકથી ફૂડ પોઈઝનિંગનો ખતરો

શ્રાવણ માસમાં શીતળા સાતમને દિવસે લોકોમાં ઠંડું એટલે કે એક દિવસ પહેલાં બનાવેલું ખાવાની ધાર્મિક ભાવના જોડાયેલી છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, છ કલાક પહેલાં બનેલા આહારની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી અને સ્વચ્છતાને અભાવે ફૂડપોઈઝનિંગ કે પેટના ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જેથી ડાયાબિટીસ, બીપી અને હૃદયની બીમારીથી પીડાતાં વૃદ્ધો, બાળકો, સગભૉ મહિલાઓ અને બીમાર વ્યક્તિએ ખાસ તકેદારી રાખવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પુરી, ઢેબરાં અને સુખડી જેવા સૂકા પદાર્થો બેથી ત્રણ દિવસ પછી પણ ખાઇ શકાય છે. પરંતુ, શાક અને દાળ જેવી વાનગીઓ કે જેમાં પાણીનું પ્રમાણ હોય તેવા પદાર્થોમાં લિક્વિડના માધ્યમથી બેકેટેરિયા ઉત્પન્ન થાય છે.આવા પદાર્થોની ફ્રીઝમાં યોગ્ય જાળવણી ન કરી હોય અને સ્વચ્છતા જાળવવામાં ન આવે તો ફૂડ પોઈઝનિંગ થવાથી પેટના ઇન્ફેકશનને લીધે ગેસ, ડાયેરિયા અને ઝાડા-ઊલટી થઇ શકે છે. તેમજ હાલમાં શહેરમાં વાઇરલ ઇન્ફેકશન અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. મેડિસર્જ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. મનીષ ભટ્ટનાગરે જણાવ્યું હતું કે, હંમેશાં ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. કારણ કે, છ કલાક પહેલાં બનેલાં ખોરાકની યોગ્ય રીતે ફ્રીઝમાં જાળવણી ન કરાય તો બેકટેરિયા ઉત્પન્ન થઇ શકે છે. તેમાં પણ આથાવાળા ખોરાકમાં બેકટેરિયા ખૂબ જ ઝડપથી પેદા થતાં હોવાથી ફૂડ પોઈઝનિંગ અને ઇન્ફેકશન થતાં ટાઇફોઇડ, ડાયેરિયા અને ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. સંજય રાજપૂતે જણાવ્યું હતું કે, હાલમાં વિવિધ વસ્તુઓમાં મિલાવટ થતી હોવાથી છથી આઠ કલાક બાદ ખોરાકમાં બેકટેરિયા પેદા થાય છે.

વડોદરા : ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ

સોમવારે સાંજે ગાજવીજ સાથે વરસેલા વાદળોએ શહેર પર કબજો જમાવ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબકતાં શહેરીજનોની હાલત કફોડી થઇ ગઇ હતી. ત્યાર બાદ પણ વરસાદ ચાલુ રહેતાં પૂર તો નહીં આવે તેવો ફફડાટ જોવા મળ્યો હતો.સોમવારે સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ રહ્યો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યા પછી તીવ્ર પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. સાંજે ત્રણ કલાકમાં સવા ચાર ઇંચ (૧૦૮ મિમી) વરસાદ ખાબકી પડ્યો હતો.માર્ગો પર ભરાયેલા પાણીનો જલ્દીથી નિકાલ નહીં થતાં શહેરના તમામ મુખ્ય માર્ગો સરોવરમાં ફેરવાઇ ગયા હતા.અનેક દ્વિચક્રી વાહનો પાણીમાં ખોટકાઇ જતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા રોડ, એમ.જી.રોડ, ગેંડીગેટ રોડ, સયાજીગંજ, અલકાપુરી, લાલબાગ કાશીવિશ્વનાથ મહાદેવ રોડ, નિઝામપુરા, કારેલીબાગ સહિત તમામ વિસ્તારોના માર્ગો પપ ઘૂંટણ સુધી પાણી ભરાતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.જ્યારે તાંદળજા, ગક્ષેત્રી ઇસ્કોન મંદિર રોડ, રેસકોર્સ નટુભાઈ સર્કલમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી. ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા ખખડધજ રસ્તાઓને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિવસભરના વિરામ બાદ સાંજે શરૂ થયેલા વરસાદને કારણે બજારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની ખરીદી માટે નીકળેલાં શહેરજનો અટવાઇ પડ્યાં હતાં. રાતે પણ શહેરમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતાં શહેરીજનોમાં પૂરનો ફફડાટ વ્યાપ્યો હતો.વડોદરા. કાળાડિબાંગ વાદળો સાથેના માહોલમાં મેઘરાજાએ દિવસો સુધી લોકોને ડર બતાવ્યા બાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મહેરબાની કરતાં ખેડૂતો હરખાઇ ઉઠ્યા હતા. ૨૪ કલાક દરમિયાન જિલ્લાના સંખેડા અને સાવલીમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નસવાડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.બીજા રાઉન્ડનો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ ફરમાવતાં ખેડૂતોને ખેતીવાડીનું કામકાજ કરવાનો મોકો મળ્યો હતો.


વિશ્વનો સૌથી અઘરો ભારતનો સીએ અભ્યાસક્રમ : ચોપરા

સીએ અને સીએના વિદ્યાર્થીઓએ હંમેશાં પડકારોનો સામનો કરવા સજ્જ રહેવું પડશે. આજે નવી તકો અને નવી સ્થિતિઓ સર્જાઈ રહી છે તેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) ના વેસ્ટર્ન ઝોનના ગુજરાતના સૌ પ્રથમ અને વડોદરામાં પહેલીવાર યોજાયેલા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા આઈસીએઆઈએના પ્રમુખ સીએ અમરજીત ચોપરાએ જણાવ્યું હતું.આજે શહેરના અટલાદરા સ્થિત આઈસીએઆઈ ભવન ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં આજે ૧૧૦ વિદ્યાર્થીઓને સીએ અમરજીત બોમરાના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે નવા સીએ બની રહ્યાં છે તેમાં યુવકોની સરખામણીમાં યુવતીઓની સંખ્યા વધારે છે.આજે સ્પર્ધાત્મકતા વધુ હોવાથી સીએના વિદ્યાર્થી તરીકે પણ તાલમેલ મિલાવવા પ્રયાસો કરવા જ પડશે. ભારતમાં રાષ્ટ્રપતિ અને સીએની સાઈન જ સમગ્ર ભારતમાં ક્યાંય પ્રમાણિત ગણાય છે. તેથી સીએનું મહત્વ શું છે તે સમજી શકાય તેમ છે. ભારતનો સીએ અભ્યાસક્રમ દુનિયામાં સૌથી અઘરો છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ.સ. યુનિવર્સિટીના વા.ચા.રમેશ ગોયલના હસ્તે ૨૦ જેટલા રેન્કર વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરાયા હતા.પત્રકારો સાથેની વાત ચીતમાં સીએ અમરસિંહ બોમરાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ઇન્સ્ટિટ્યૂટ આયલેgન્ડ સાથે એમઓયુ કરશે. અને બીજા તબક્કામા કેનેડા અને ન્યૂઝિલેન્ડ સાથે પણ એમઓયુ માટે પ્રયાસો હાથ ધરાશે.આ ઉપરાંત અબુધાબીમાં સેન્ટર ફોર એક્સિલેન્સ ચાલુ કરવામાં આવશે.જીએસટી વિશે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ બાબતે રાજનિતિક મતભેદોથી બચવું જોઈએ અને કોઈ રાજ્યને ફાયદો થઈ રહ્યો છે તો કોઈને નુકસાન. હવે કેન્દ્ર સરકારે, જે રાજ્યોને નુકસાન થતું હોય તેમને વળતર આપવું જોઈએ. સત્યમ કૌભાંડનો કેસ અમે શક્ય એટલો ઝડપી પૂરો કરવા માગીએ છીએ.હાલમાં જાહેર બેંકોના મર્જરને આવકારતા જણાવ્યું કે મોટી બેંકો ગામડાંઓની સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યાં છે આવી સ્થિતિમાં કોઈ મોટા કદની બેંકોની શાખાઓ અંદરોઅંદર સ્પર્ધા કરે તેના કરતા એક જ બેંક કામગીરી કરે તો તે વ્યવસ્થા આવકાર્ય હોવી જોઈએ.બાકી પ્રાઈવેટ બેંકોને તો મંજુરી અપાઈ જ છે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સીયલ રિપોટિઁગ સ્ટાન્ડર્ડસ વિવિધ એજન્સીઓને મોકલવાની કામગીરી ચાલી રહી છે. ભારતસરકારની નેશનલ એકાઉન્ટિંગ સ્ટાડર્ડ ફાઉન્ડેશનને પણ આ આઈએફઆરએસ સ્ટાડર્ડ્સ મોકલવામાં આવ્યા છે. જ્યારે આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં આઈઆરડીઅને તેની નકલ મોકલવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, બ્રાન્ચ ચેરમેન સીએ રાહુલ પરીખ, વેસ્ટર્ન કાઉન્સિલના ચેરમેન સીએ અતુલ ભેડા ઉપસ્થિત રહ્યાં હતા.


વડોદરામાં મેઘરાજાનું ચોથુ અલ્ટિમેટમ: ભ્રષ્ટાચારીઓ સાનમાં સમજે તો સારું!

વડોદરામાં ચાલુ વર્ષે મેઘરાજાનું આ ચોથી વખતનું અલ્ટીમેટમ સેવાસદનના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ સમજી હજુ પણ ઠેરઠેર ભરાતાં વરસાદી પાણીનો નિકાલ લાવવાનું આયોજન કરે તો સારું નહીં તો ભરપૂર ભાદરવો વરસવાનો બાકી છે તેનો ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો!પહેલી વખત પાંચ ઇંચ, બીજી વખત ચાર ઇંચ, ત્રીજી વખત ચાર ઇંચ અને આજે ચોથી વખત પણ પાંચ ઇંચ વરસાદ વરસ્યોને શહેર સરોવરમાં ફેરવાઇ ગયું.ત્રણ-ત્રણ વખત ચાર-ચાર ઇંચ વરસાદ વરસાવી મેઘરાજાએ ચોગ્ગાની હેટ્રિક તો ફટકારી દીધી પરંતુ મેઘરાજાની આ ફટકાબાજીને રોકવામાં સેવાસદન તંત્રની ફિલ્ડિંગ નિષ્ફળ પુરવાર થઇ. જેનું પરિણામ સેવાસદનને નહીં પણ હજારો શહેરીજનોને વેઠવું પડ્યું. તેમ છતાં નફ્ફટ તંત્ર વરસાદ વરસ્યા પછી રોડ પર જામેલા માટીના થર હટાવી શકતી નથી તો બીજું શું કરી શકે?ચાલુ વરસાદી મોસમમાં અત્યાર સુધી ચાર વખત વરસેલા ધોધમાર વરસાદની પેટર્ન એક સરખી રહી છે. આ ઉપરાંત આ વરસાદમાં સરોવરમાં ફેરવાતા માર્ગો અને વિસ્તારો પણ દર વખતે એકના એક જ રહ્યા છે. તેમ છતાં સેવાસદનનું નઘરોળ તંત્ર આ માર્ગો અને વિસ્તારોમાં ક્યા કારણથી ઘૂંટણ સુધી પાણી ભરાઇ રહે છે, તે શોધવામાં નિષ્ફળ જ નહીં પણ ડફોળ પુરવાર થયું છે.ઓવરબ્રિજના સર્વિસ રોડની ભારે અવદશા.શહેરમાં કલાલી ફાટક અને લાલબાગ રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરીમાં બંને બાજુ બનાવેલાં સર્વિસ રોડની ભારે વરસાદમાં અવદશા થઇ છે. લાલબાગ-કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર રોડ ઉપર ઘૂંટણ સુધીનું પાણી ભરાઇ જતું હોવા છતાં સેવાસદનનું બેશરમ તંત્ર આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી. આજે આ માર્ગ ઉપરથી પસાર થવાના સ્કૂટર જેવા નાના વાહનોના ચાલકોને એકથી દોઢ કલાકનો સમય વિતાવવો પડ્યો હતો.


મીંઢોળાના પુલ પર ટ્રાફિક જામ

ઊંડા ખાડાઓને લીધે વાહચાલકોએ મંદગતિએ વાહન હંકારતાં બપોરથી મોડીરાત સુધી હાઈવે પર દોઢ બે કિ.મી. લાંબી કતાર, ને. હા. ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહી.બારડોલી નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓની લાપરવાહીના કારણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી મીંઢોળા નદીના પુલની બંને તરફ દોઢ બે કિમી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.છેલ્લા ઘણા સમયથી મીંઢોળા નદીના પુલ પર ઊંડા ખાડાઓ પડી જવા છતાં રિપેરિંગ કરવાની દરકાર કરી નથી. અધિકારીઓની લાપરવાહી જાણવા જેવી છે. જ્યાં પુલ પર મસમોટા ખાડાઓએ આકાર લીધા છે. તેની સામે જ ને.હા. ઓથોરિટીની કચેરી આવેલી છે.આ ખાડાઓમાંથી રોજિંદા અધિકારીઓ અવરજવર કરે છે. છતાં વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવાની તસદી લીધી નથી. પરિણામે ભારે માલવાહક સાધનોની અવર જવરના કારણે ખાડાઓ વધારે ઊંડા થઈ ગયા હતાં. જેથી સોમવારે બપોરથી લઈ રાત સુધી વાહનોની પુલની તરફ લાંબી કતાર લાગી ગઈ હતી.હાઈવે પર વાહનોની લાંબી કતારને કારણે નગરમાંથી હાઈવે પર પ્રવેશવાના મુખ્ય માર્ગ ગાંધીરોડ પર લાંબી કતાર થઈ જતાં વાહનચાલકોએ આંતરિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ અંગે બારડોલી નેહા ઓથોરિટીની કચેરીના મદદનીશ ઈજનેર ડી. એફ. શાહના જણાવ્યા મુજબ કેદારેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા પુલ પરથી પસાર થતાં વાહનચાલકો ધીરે હંકારતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જે અધિકારીઓ પોતાની ભૂલ છુપાવવા લૂલો બચાવ કર્યો હતો. સમયસર ખાડાઓ પુરવાની દરકાર કરી હોત તો વાહનચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો ન હોત.


ગ્રુપસેક્સ : આરોપી મરી ગયા બાદ પોલીસ અટક કરવા ગઈ

દિલ્હી અને હોંગકોંગના બિઝનેસમેન કુલદીપક અરોરા સાથે પરણેલી વાવની યુવતી પર આચરાયેલા ગ્રુપસેક્સ પ્રકરણમાં ભોગ બનનારના સસરા લક્ષ્મણદાસ અરોરાનું મૃત્યુ થયું તેના અઠવાડિયા પછી તેમની અટક કરવા કામરેજ પોલીસ દિલ્હી પહોંચી હતી. કેમ કે નાદુરસ્ત તબિયતના કારણે લક્ષ્મણદાસ કામરેજ પોલીસ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોવાથી તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને તેમની અટક કરવાની હતી અને તેના ખર્ચપેટે અરજદારે રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં જમા કરાવ્યા હતા.સોમવારે કોર્ટે દિલ્હી જવાના ખર્ચ પેટે લેવાયેલા રૂ. ૩૪,૦૦૦ કોર્ટમાં પરત જમા કરાવવા કામરેજ પી.આઈ.ને હુકમ કર્યો હતો કેમ કે લક્ષ્મણદાસના મૃત્યુ અંગેની જાણ આરોપીના એડ્વોકેટથી માંડીને જિલ્લા સરકારી વકીલ બંનેએ કામરેજ પીઆઈને કરી હતી. પછી તેઓએ કે તેમની ટીમે દિલ્હી રવાના થવાની જરૂર જ રહેતી ન હતી.નાદુરસ્ત તબિયતના કારણે કોર્ટે લક્ષ્મણદાસ અરોરાને આગોતરા જામીનનો લાભ આપ્યો હતો. જેના પગલે પોલીસ તેમની અટક કરી શકે પરંતુ તુરત જ તેમને જામીન પર છોડી દેવા પડે, જે માટે તેઓએ દિલ્હીથી કામરેજ પોલીસમાં હાજર થવાનું હતું પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે અરોરાએ પોતાના વકીલ કિરીટ પાનવાલા થકી કોર્ટમાં એવી અરજી આપી હતી કે જો તેમની અટક તેમના નિવાસસ્થાને જ કરીને જામીન પર છોડવામાં આવે તો તે માટેનો ખર્ચ ચૂકવી દેવામાં આવશે. આ અરજી જજે ગ્રાહ્ય રાખતાં રૂ. ૩૪,૦૦૦નો ખર્ચ કામરેજ પી. આઈ.ને ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ કામરેજ પીઆઈ એસ. કે. વાળા તો અરજદારના મૃત્યુ સુધી દિલ્હી પહોંચ્યા જ નહીં.

No comments:

Post a Comment