visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટમાં તોફાની ઝાપટું, ચોમેર પાણી ભરાયાં
પંદર મિનિટમાં અડધો ઇંચ પાણી પડી ગયું.
શહેરમાં આજે ફરી મેઘરાજાએ સાંજે પડાવ નાખ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે શરૂઆતમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આઠેક વાગ્યાના અરસામાં તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું. માત્ર પંદર મિનિટમાં જ અડધા ઇંચથી વધુ પાણી પડી જતાં માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેતું હતું.ગઇકાલે એક જ દિવસમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે પણ મેઘસવારી અવિરત રહી હતી. જો કે દિવસ દરમિયાન માત્ર છાંટા જ પડ્યા હતા. પણ બપોર પછી રાબેતા મુજબ મેઘરાજાએ દર્શન દીધા હતા અને આઠેક વાગ્યે તોફાની ઝાપટું વરસ્યું હતું. વરસાદનું જોર એવું હતું કે, હમણાં બારે મેઘ ખાંગા થશે તેવો સૂપડાધારે વરસાદ પડતો હતો.રસ્તા ઉપર પણ કંઇ દેખાતું ન હતું. આવા તોફાની વરસાદ વચ્ચે માર્ગો પર નદીના વહેણની માફક પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી માંડ ઓસર્યા હતા ત્યાં ફરી તળાવ ભરાઇ ગયા હતા. વીસ મિનિટના આ ઝાપટામાં અડધા ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. બીજી બાજુ આવતીકાલથી જન્માષ્ટમીનો મેળો શરૂ થઇ રહ્યો છે.
રાજકોટના બદાણી જવેલર્સમાંથી ૧૭ લાખની ચોરી
શહેરને રેઢું પડ સમજીને ધમરોળી રહેલા તસ્કરો દીવાનપરા પોલીસ ચોકીની બરાબર સામે આવેલા અને ત્રણ દિવસથી બંધ બદાણી જવેલર્સમાં વેન્ટલેશનની ગ્રીલ તોડીને અંદરથી આશરે રૂ. ૧૭ લાખની કિંમતના સોનાના એક કિલો ઘરેણાં ચોરી ગયાનો બનાવ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટમાં રહેતા પારસભાઇ બળવંતભાઇ બદાણીએ ભૂપેન્દ્ર રોડ પર દીવાનપરા પોલીસ ચોકી સામે આવેલા તેની માલિકીના જવેલર્સમાં ચોરી થયાની પોલીસને જાણ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જવેલર્સમાં તેમના પિતા બળવંતભાઇ (ગોલ્ડ ડિલર્સ એસો. ના પ્રમુખ) પણ સાથે બેસતા હતા. તાજેતરમાં તેમનું અવસાન થતાં પોતે એકલા શો-રૂમ સંભાળે છે. પારસભાઇ શુક્રવારે પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને આજે સોમવારે રજા અપાતા સાંજે દિવાબત્તી કરવા શો-રૂમ ગયા હતા.શો-રૂમના તાળાં અકબંધ હતા. શટર ખોલીને અંદર નજર કરતા શો કેસમાં ડિસ્પ્લેમાં ગોઠવેલા અંદાજે એક કિલો વજનના સોનાના ઘરેણાં ગાયબ હતા. તપાસ કરતા સાઇન બોર્ડની ઉપરના વેિન્ટલેશનની ગ્રીલના સિળયા કપાયેલા હતા. ૧૭ લાખની ચોરી થયાની જાણ થતાં ડીસીપી મયંકસિંહ ચાવડા, પી. આઇ. વી. બી. જાડેજા, ક્રાઇમ બ્રાંચના પી. આઇ. દગિુભા વાઘેલા, સબ ઇન્સપેક્ટર ડી. એન. પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, વેન્ટિલેશનમાંથી પ્રવેશેલા તસ્કરો સ્ટોર રૂમમાં થઇને નીચેના શો રૂમમાં પ્રવેશયા હતા અને વેિન્ટલેશન ઉપર કંતાન બાંધી દીધા હતા.
સૌરાષ્ટ્રમાં વધુ અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ
વેરાવળમાં સાડા પાંચ, પોરબંદર, જામજોધપુરમાં પાંચ, કુતિયાણામાં સાડા ત્રણ, માંગરોળ, જોડિયામાં સાડા ત્રણ, મોરબીમાં પોણા ત્રણ, દામનગરમાં બે ઇંચ પાણી વરસ્યું.સૌરાષ્ટ્રભરમાં છેલ્લા છ દિવસથી મેઘરાજા શ્રાવણ માસમાં ભરચોમાસાનો અહેસાસ કરાવી રહ્યા છે. રવિવારે રાજકોટ, સોરઠ, પોરબંદર પંથકને તરબતર કર્યા બાદ સોમવારે જાણે સોમનાથ મહાદેવને જળાભિષેક કરતા હોય તેમ આભમાંથી વેરાવળ પંથકમાં સાડા પાંચ ઇંચ પાણી વરસ્યું હતું. આ ઉપરાંત સોરઠ પંથકમાં અડધાથી સાડા ત્રણ ઇંચ વધુ વરસાદ વરસતાં સતત બીજા દિવસે જુનાગઢ જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાણી છે.જ્યારે હાલારમાં અડધાથી સવા ચાર ઇંચ સાર્વત્રિક વરસાદ પડતાં અનેક જળાશયો પુન: છલકાઇ ગયા છે અને અનેક સ્થળે પાણી ભરાઇ ગયા છે. દરમિયાન પોરબંદર પંથકમાં મેઘરાજાએ વધુ સાડા ત્રણ ઇંચ પાણી વરસાવતા અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા છે. રવિવારે રાજકોટ જિલ્લામાં સૂપડાધારે વરસાદ વરસ્યા બાદ સોમવારે પણ મોરબી, ધોરાજી, ઉપલેટા પંથકમાં ઝાપટાંથી માંડી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ અમરેલી જિલ્લામાં દામનગર, ધારી, વડિયા, લાઠી, બગસરા અને ખાંભા પંથકમાં બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જેના પગલે મુંજિયાસર ડેમ પ્રથમ વખત ઓવરફલો થયો હતો.
આર.પી. જાડેજાએ ૨.૫૦ કરોડનું ડિસ્ક્લોઝર કર્યું
રાજકોટમાં જમીન-મકાનની લે-વેચ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર.પી. જાડેજાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડાના એકાદ માસ બાદ અંતે ૨.૫૦ કરોડની બેનામી મિલકતો જાહેર કરવામાં આવી છે. આમ છતાં તપાસનો ધમધમાટ હજુ ચાલુ જ રહેશે તેવો નિર્દેશ આઈ.ટી.ના ઉચ્ચ અધિકારીઓએ આપ્યો હતો.રાજકોટમાં એકાદ માસ પહેલાં આર.પી. જાડેજા અને નરેન્દ્ર સોલંકી સહિત બિલ્ડરો અને સોની વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ૧૫થી વધુ સ્થળે કરાયેલી સર્ચની કાર્યવાહી દરમિયાન ૫૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા હતા.નરેન્દ્ર સોલંકી અને આર.પી. જાડેજાના માણસો દ્વારા આઈ.ટી.ના અધિકારીઓ પર હુમલો કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. નરેન્દ્ર સોલંકી જામીન પર છૂટયા બાદ તેઓએ પણ લાખોની બેનામી મિલકત જાહેર કરી હતી. જો કે આર.પી. જાડેજાને ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ ન હતી.દરમિયાન જાડેજાને ત્યાં પણ સીલ કરી દેવાયેલા સ્થળે ફરી દરોડાની ગતિવિધિ કરવામાં આવતા અઢી કરોડની બેનામી મિલકતો જાડેજા ગ્રૂપ દ્વારા જાહેર કરવામાં આવી છે.જો કે આઈ.ટી.ના અધિકારીઓને આ આંકડો હજુ બહું જ નાનો લાગે છે અને હજી વધુ કાળુ નાણું બહાર આવે તેવી સંભાવનાને નજર સમક્ષ રાખીને તપાસ ચાલુ જ રાખવામાં આવશે તેમ આઈ.ટી.ના અધિકારીઓએ જણાવ્યું હતું.
વિસ્ફોટકો માટે સાડા ત્રણ કરોડનું ચૂકવણું રાજકોટથી થયું હતું
૧પ, ઓગસ્ટ પૂર્વે રાજસ્થાનના ધોલપુરથી મધ્યપ્રદેશના સાગર જિલ્લા માટે રવાના થયા બાદ ગુમ થઇ ગયેલા વિસ્ફોટકો ભરેલા ૬૪ ટ્રકનું પગેરું રાજકોટ સુધી લંબાયુ હતું. વિસ્ફોટકો માટે રાજસ્થાન એક્સ્પ્લોઝીવ કંપની લિમિટેડ (આર.ઇ.સી.એલ.)ને સાડા ત્રણ કરોડ જેવી માતબર રકમ રાજકોટથી ચૂકવાઇ હોવાનું ખૂલતા પોલીસે આ મામલે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલટેક્સ વિભાગને લેખિત જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.માલ મગાવનાર આસવાની અને શિવચરણ હેડા પણ લાપતા છે. રાજકોટમાં ભૂમી એન્ટરપ્રાઇઝ નામથી એક્સ્પ્લોઝીવનુ લાઇસન્સ ધરાવતા આસવાની અને ગંગા શ્રોફ નામની પેઢી ધરાવતા હેડાની ‘કુંડળી’ જાણવા તેમજ આ પ્રકરણમાં ઉપરોકત બન્નેની શું ભૂમિકા છે ?તે જાણવા સઘન તપાસ થઇ રહી છે. ધોલપુરથી સાગર માટે રવાના કરાયેલા ૬૪ ટ્રક વિસ્ફોટકનું ચૂકવણું રાજકોટની એક બેંકમાંથી થયું હતું. આ ટ્રાન્ઝેકશનમાં બેંકના અધિનિયમોનો ભંગ થયાની પોલીસે શંકા વ્યક્ત કરી આ અંગેની વિસ્તૃત તપાસ માટે રિઝર્વ બેંક, ઇન્કમટેક્સ અને સેલ્સ ટેક્સ વિભાગને લેખિતમાં જાણ કરાઇ હોવાનું સાગરના રેન્જ આઇ. જી. અન્વેષ મંગલમે જણાવ્યું છે.
યુવા ભાજપ દ્વારા ચિદમ્બરમના પૂતળાનું દહન કરાયું
કેન્દ્રિય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ‘ભગવા આતંકવાદ’ શબ્દના કરેલા ઉપયોગના વિરોધમાં સૌરાષ્ટ્રમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, વાંકાનેર, મોરબી સહિતના શહેરોમાં યુવા ભાજપ દ્વારા ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કર્યાબાદ જામીન પર મુક્ત કર્યા હતા.કેન્દ્રિય ગૃહમંત્રી આ શબ્દના ઉપયોગના વિરોધમાં ધોરાજીમાં શહેર યુવા ભાજપ દ્વારા આઝાદ ચોકમાં કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું અને કેન્દ્રની યુ.પી.એ. સરકારના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.આ તકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુક્તાબહેન વઘાસિયા, લલિતભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ ડી.જી. બાલધા, યુવા ભાજપ પ્રમુખ રાજુભાઇ વઘાસિયા, મહામંત્રી નિમેષ અગ્રાવત હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ કાર્યકર્તાઓની અટક કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા.જેતપુરમાં શહેર યુવા ભાજપ કાર્યકરો, સત્યેન ગોસાઇ, મેહુલ વોરા, રાજુભાઇ ઉસદડિયા, જિલ્લા ભાજપના પ્રકાશભાઇ પારધી, અંકુરભાઇ વ્યાસ સહિતનાઓ ‘ભારત માતા કી જય’ અને ‘ચિદમ્બરમ્ માફી માંગે’ જેવા સૂત્રોચ્ચાર કરી પુતળાનું દહન કર્યું હતું. આ તમામ કાર્યકરોની પોલીસે જાહેર સુલેહ શાંતભિંગ કાયદા હેઠળ ધરપકડ કરી હતી, બાદમાં જામીન પર છોડી મૂક્યા હતા.મોરબીમાં પણ નગર-દરવાજા ચોકમાં યુવા ભાજપના મહામંત્રી બિપીનભાઇ વ્યાસ અને કાર્યકરોએ કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું. ગોંડલમાં જૂના યાર્ડ પાસેથી રેલી કાઢી બસ-સ્ટેન્ડ ચોકમાં પૂતળાદહન કરાયું હતું.આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર, ધોરાજી જેવા શહેરોમાં યુવા ભાજપે કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાયું હતું.
પાંચ વર્ષમાં ૧૨૦૦ કરોડના કામ કર્યાનો ભાજપનો દાવો
નવી ચૂંટણીનું જાહેરનામુ ગમે તે ઘડીએ આવે તે પહેલા પાંચ વર્ષના શું વિકાસ કરાયો છે તેની જાણકારી માટે શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું ભાજપના પાંચ વર્ષના કાર્યકાળમાં ૧૨૦૦ કરોડના વિકાસના કામો થયા છે.જેથી રાજકોટવાસીઓની સમસ્યાઓમાં ઘટાડો નોંધાયો છે અને સુવિધાઓ વધી છે. ચૂંટણી પૂર્વે ભાજપે આપેલા તમામ વચનો પાળી બતાવ્યા છે તેમ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી, મેયર સંધ્યાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ જેટલા વિકાસ કામો કરવાની શહેરીજનોને ખાતરી આપવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના કામો થઇ ગયા છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટોના કામો હાલ ચાલું છે.પોતાના શાસનમાં પ્રાણી સંગ્રહાલય, બીઆરટીએસ પ્રોજેક્ટ, રૈયાધારમાં સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફ્લાયઓવર, ગરીબોને આવાસ, બીટીઓ, પીપીપીઓ ધોરણે થયેલા કામો આરોગ્યની સેવાઓ, ગૌરવપથ સહિતના રસ્તાઓના કામ, એક્સપ્રેસ ફિડર લાઇન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ૭૬ બગીચાનું લોકાર્પણ કર્યા છે. ‘જયા માનવી ત્યા વિકાસ’ને સાર્થક કરતા ભાજપના હોદ્દેદારોએ શહેરનો એકશન પ્લાન બનાવી સમતોલ વિકાસ કરી ૧૨૦૦ કરોડના વિકાસ કામો કરાયા છે.ઇ-ગવર્નસની સેવામાં દેશભરમાં રાજકોટ પ્રથમ નંબરે દેશના ઝડપથી વિકાસ પામતા ૧૦૦ શહેરોમાં રાજકોટનું ૨૨મુ સ્થાન છે. તેમજ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વડે ઇ-ગવર્નસ હેઠળ જુદી-જુદી સેવાઓ આપવામાં દેશભરમાં રાજકોટનો પ્રથમ નંબર આવે છે એશિયામાં બીજા નંબર ઉપર છે. માટે સ્વચ્છતાની ર્દષ્ટીએ જાહેર થયેલ યાદીમાં પણ રાજકોટ ટોપટેનમાં છે
ભાજપમાંથી વધુ એક બાગી, લીલાબાનો આરપારનો જંગ
વોર્ડ નં. ૨માં ક્યાં, કેવાં કૌભાંડો થયા છે અને તેમાં ભાજપના સ્થાનિક આગેવાનોની સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર.રાજકોટ ભાજપના સળગતા ઘરમાં આજે વધુ એક બળવાની હવા ફૂંકાઇ હતી. આ અગાઉ સુરભી ગ્રૂપના વિજયસિંહ વાળાએ છેડો ફાડ્યા બાદ ભાજપના દોઢ દાયકાથી વધુ જૂના સભ્ય અને છેલ્લા કેટલાક સમયથી જેના ચહેરા પર અસંતોષનું મહોરું લાગેલું છે એવા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર લીલાબા જાડેજાએ પણ અંતે ભાજપમાંથી છેડો ફાડવાનો નિર્ણય આજે જાહેર કરી દીધો હતો અને તેના જ પક્ષ વિરુધ્ધ આગ ઓકતો પત્ર મ્યુનિ. કમિશનરને આપતાં ખળભળાટ મચી ગયો છે.લીલાબા જાડેજા આમતો છેલ્લા ઘણા સમયથી સાઇડ લાઇન થઇ ગયેલા છે. પક્ષના કાર્યક્રમોમાં તેને કોઇ સ્થાન આપવામાં આવતું નથી ત્યાં સુધી કે, ચૂંટણી નજીક આવી રહી છે અને એવા મોકાના સમયે ભાજપે પાંચ વર્ષમાં કરેલા કામોની જે વોર્ડવાઇઝ પુસ્તિકા છપાવી છે તેમાં વોર્ડ નં. ૨ની પુસ્તિકામાંથી લીલાબા જાડેજાની સમુળગી બાદબાકી કરી નાખવામાં આવી છે. તેના નામનો સુધ્ધા કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વાતથી લીલાબાને પક્ષમાં પોતાનું સ્થાન જોખમમાં હોવાનું પાકેપાયે થઇ જતાં આજે જ તેમણે મહાપાલિકાની લોબીમાં અને પટાંગણમાં જાહેરમાં એવો નિર્ણય જણાવ્યો હતો કે, તેમણે સામેથી જ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યો છે.તેમણે મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર લખ્યો છે અને તેમાં લખ્યું છે કે, તેના મત વિસ્તાર વોર્ડ નં. ૨માં નહેરુનગરમાં વોંકળા પર અને સાર્વજનિક પ્લોટ પર ભાજપમાં વગ ધરાવતા કૌભાંડિયાઓએ દબાણ કરેલા છે અને તેની સામે તમો રાજકીય દબાણને વશ થઇને કોઇ પગલાં લેતા નથી.આ જ વોર્ડમાં એક પચાસ વારના મકાન પર ત્રણ માળ ગેરકાયદે ચણાઇ ગયા. આવા તો અનેક વહીવટો છે કે જેમાં મારા જ પક્ષના દબાણ હેઠળ તંત્રે આંખ આડા કાન કરી નાખ્યા છે.
પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ
શ્રાવણમાસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવનું દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઊઠ્યુ.પવિત્ર શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે દેવાધિદેવ સોમનાથ મહાદેવને ૩૦ હજાર રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. પાંચ ફુટ ઉંચાઈ તથા આઠથી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષનાં ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. જો કે, આજે દિવસભર સતત વરસાદનાં કારણે અગાઉના બે સોમવાર કરતા ભાવિકોની ભીડ ઓછી જોવા મળતી હતી.શ્રાવણમાસના ત્રીજા સોમવાર નિમીતે આજે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને ત્રીસ હજાર જેટલા રૂદ્રાક્ષનાં દળદાર પારાઓનો શણગાર કરાયો હતો. અંદાજે પાંચ ફુટ ઉંચાઈ ધરાવતું અને આઠ થી દસ ફુટનાં પરીધવાળા ઢળાવમય રૂદ્રાક્ષના ઢગથી દિવ્ય જ્યોતિર્લિંગ દીપી ઉઠયું હતું. રૂદ્રાક્ષના ઘેરા રંગના શણગાર પર સુવર્ણનો બીજ ચંદ્ર, સુવર્ણનું ત્રિપૂંડ તથા શિવજીનું ચાંદીનું ચળકતું મહોરૂ ગોઠવવામાં આવ્યું હતું. તેના પર ગુલાબ અને સફેદ પુષ્પના દળદાર હારનો શણગાર કરાયો હતો.અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવિકો પલળતા પલળતા મહાદેવને શિશ નમાવવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા. પરંતુ આગળના બે સોમવાર કરતા ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. આજે પ્રાત: આરતીબાદ ગોંડલ નજીકના ઈશ્વરીયા ગામના ગીરનારી આશ્રમના સાધ્વી સરસ્વતી દેવી તથા તેના ૨૦૦ અનુયાયીઓએ ઢોલ, શરણાઈ સાથે વાજતે ગાજતે મહાદેવની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. સાંજે ૭:૩૦ વાગ્યે રાજકોટની સુજન સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા શિવજીને પ્રિય એવા નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત અમદાવાદના વેજલપુરથી રાજુભાઈ ઠાકોરે તેના ત્રણસો જેટલા શિવભક્તો સાથે ધ્વજા ચડાવી હતી. જુનાગઢ રેન્જના આઈજીપીએ પણ સોમવારની પૂર્વ સંધ્યાએ મંદિરની મૂલાકાત લીધી હતી.પાંચ પૂજારીઓએ એક કલાકમાં ગોઠવ્યા ૩૦ હજાર રૂદ્રાક્ષ -આજે સવારે મંદિરના પાંચ પૂજારીઓએ એક કલાકમાં ૩૦ હજાર પ્રાચીન રૂદ્રાક્ષનો મહાદેવનો શણગાર કર્યો હતો. આ રૂદ્રાક્ષના પારા વર્ષો જુના હોવાનું જાણવા મળ્યું હતું.
જસદણ તાલુકામાં ભાડલા ગામનો એક્સાથે પાંચ અર્થી ઊઠી
જસદણ તાલુકાના ભાડલા ગામનો પ્રજાપતિ પરિવાર રવિવારે પુત્રીના સગપણની વાત કરી પરત ફરતો હતો ત્યારે ભાડલા નજીકના કોઝવે પર પૂરના ધસમસતા પાણીમાં પરિવારના છ સહિત આઠ વ્યક્તિઓ તણાઈ ગઈ હતી. જે પૈકી બેનો બચાવ થયો હતો. દરમિયાન સવારે પ્રજાપતિ પરિવારના પાંચના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ એક સાથે પાંચેય વ્યક્તિઓની અંતિમયાત્રામાં મોટાભાગના ગ્રામજનો જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જ્યારે ભાડલા ગામ શોકમય બંધ રહ્યું હતું.કરુણ બનાવની વિગતમાં ભાડલા ગામે કિરાણાનો વ્યવસાય કરતાં બાબુભાઈ ગોવિંદભાઈ સરેરિયા, તેના પત્ની મંજુબેન, ભાઈ બટુકભાઈ તથા બટુકભાઈના પત્ની ગીતાબેન અને શારદાબેન ભગવાનજીભાઈ સરેરિયા સહિતનો પ્રજાપતિ પરિવાર પુત્રીના સગપણની વાત માટે રાજકોટ આવ્યો હતો. ત્યારબાદ પરત ભાડલા યુટીલિટી જીપમાં ફર્યો હતો.આ તકે સુપડાધાર વરસાદના પગલે ભાડલા પાસેના ભીડભંજન રોડ પર આવેલા કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા હતા. જેથી જીપ ચાલકે આગળ જવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ પ્રજાપતિ પરિવાર અને ભાડલા ગામના બે હીરા ઘસુ હિતેશ પ્રકાશભાઈ કાકડિયા અને ભાર્ગવ રમેશભાઈ દોમડિયા નામના બે પટેલ યુવાન એમ કુલ આઠ વ્યક્તિઓ એકબીજાનો હાથ ઝાલી પૂરના પાણીમાંથી પસાર થવાની કોશિશ કરી હતી. દરમિયાન પાણીની થપાટ લાગતા આઠે-આઠ વ્યક્તિઓ પૂરના પાણીમાં ગરક થઈ ગયા હતા.જે પૈકી ભગવાનજીભાઈ અને હિતેશ લાકડું પકડી પૂરમાંથી હેમખેમ બહાર આવી જતાં બચી ગયા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. સાથોસાથ રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી. આખી રાતના અંતે વહેલી સવારે તરવૈયાઓએ પ્રજાપતિ પરિવારની પાંચ વ્યક્તિના મૃતદેહો શોધી કાઢયા હતા. પરંતુ ભાર્ગવનો મૃતદેહ હજુ સુધી હાથ આવ્યો ન હતો. જેની શોધખોળ ચાલુ છે.એક સાથે પાંચ-પાંચ વ્યક્તિના મૃત્યુના બનાવથી ખોબા જેવડા ભાડલામાં સન્નાટો છવાઈ ગયો હતો. અને શોકમય ગામ બંધ રહ્યું હતું. દરમિયાન પાંચ-પાંચ અર્થી ઊઠતા મોટાભાગના ગ્રામજનો પ્રજાપતિ પરિવારના સભ્યોની અંતિમયાત્રામાં જોડાયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
જામનગરમાં મજદૂર સંઘોએ કર્યા ધરણાં
મોંઘવારી, બેકારી, ડીસઇન્વેસમેન્ટ, કોન્ટ્રાકટ પ્રથાના વિરોધમાં જામનગરમાં આજે ભારતીય મઝદુર સંઘ અને સંલગ્ન યુનિયનોએ ધરણાં કરી કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદન પાઠવ્યું હતું. જેમાં પડતર પ્રશ્નો તાકીદે ઉકેલવા સંગઠનોએ માંગણી કરી છે.
ભારતીય મઝદુર સંઘ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ, પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ અને પ્રતિરક્ષા મઝદુર સંઘ આવેદનપત્રમાં જણાવ્યું છેકે, દેશમાં છેલ્લા ઘણા સમયથી સરકારનો જીવન જરુરી ચીજવસ્તુઓનાં ભાવ પર કોઇ અંકુશ કે તે પ્રત્યે કોઇ પરીણામ લક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જે દેશ ને દેશનાં ૪૫ કરોડ શ્રમિકો માટે ખુબજ દુ:ખ અને અસહ્ય બાબત છે.સરકાર દ્વારા તેલ, પેટ્રોલ ગેસનાં ભાવમાં વધારો કરી ગરીબ, સામાન્ય મધ્યમ વર્ગીય લોકોની અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી છે. સરકારનો જમાખોરો, નફાખોરો પર પણ અંકુશ રહ્યો નથી.
31 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment