visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
અમીત શાહ હવે જન્માષ્ટમી જેલમાં મનાવશે
આજે ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અને જેલમંત્રી અમીત શાહના જામીન અંગેની સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જે સુનાવણીને સાત સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. ત્રીજી વખત અમિત શાહની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.છેલ્લા ઘણા દિવસથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનાવણી હતી. શાહની જામીનની સુનાવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના હતી.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો હતો. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના તબક્કે રદ કરાઇ હતી.અમિત શાહની ધરપકડ બાદ શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને શાહ માટે કોર્ટમાં દલીલો કરવા માટે દિગ્ગજ ધારાશાસ્ત્રી રામજેઠમલાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આઈ.સી.સી. પાકિસ્તાનની ૮૨ મેચોની તપાસ કરશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) મેચ ફિક્સિંગના આક્ષેપોમાં ફસાયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સકંજામાં લેવાનો પ્રયાસ કરતાં ૮૨ જેટલી ક્રિકેટ મેચની તપાસ કરવાનો આદેશ કર્યો છે. સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલી પાકિસ્તાનની ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.ખેલાડીઓના રૂમમાંથી મળેલી રોકડ રકમ અને ચાર ક્રિકેટરની પૂછપરછ તથા ફિક્સિંગના આક્ષેપ બાદ ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધની પણ માગણી થઈ રહી છે ત્યારે એવી પણ શંકા પ્રવર્તે છે કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી વન-ડે શ્રેણી પણ ફિક્સ થઈ હશે.દરમિયાન આઈસીસીના પ્રમુખ શરદ પવારે પોલીસના રિપોર્ટ પછી જ આઈસીસી કોઈ નિર્ણય જાહેર કરશે પરંતુ તેમણે એવો સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન રમ્યું હોય તેવાં છેલ્લાં ત્રણ વર્ષની ૮૨ મેચની તપાસ થશે.બ્રિટનના દૈનિકે એવો દાવો કર્યો છે કે શનિવારે પાકિસ્તાની ટીમના મેનેજર યાવર સઈદને ફોન કરીને પોલીસ હોટેલ પર આવી ગઈ છે તેની જાણ કરીને લગભગ અઢી કલાક સુધી ખેલાડીઓના રૂમની તપાસ કરી હતી જેમાં સુકાની સલમાન બટ્ટના રૂમનો પણ સમાવેશ થતો હતો.જોકે યાવર સઈદે રવિવારે આ સમાચારનું ખંડન કર્યું હતું. દૈનિકે તો એટલે સુધી કહ્યું હતું કે પોલીસને રૂમમાંથી એટલી મોટી રકમ મળી હતી જે ક્રિકેટરોને બોર્ડ તરફથી મળતી રકમ કરતાં ઘણી વધારે હતી.સિડની ટેસ્ટ ફિક્સ હતી?ઓસ્ટ્રેલિયાના સિડની મોર્નિંગ હેરલ્ડે એવો અહેવાલ આપ્યો હતો કે માજિદ મઝહરે આ વર્ષના પ્રારંભે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચ ફિકસ કરી હોવાનું કબૂલી લીધું છે.મઝહરે સ્ટિંગ કરનારા પત્રકારને જણાવ્યું હતું કે હું તમને કહી શકું છું કે અગાઉ પણ અમે આમ કરેલું છે. સિડની ટેસ્ટમાં પણ આમ બન્યું હતું અને એ મેચમાં પરિસ્થિતિ પાકિસ્તાન હારે તેવી ન હતી પરંતુ તેમાંથી અમે ૧૩ લાખ પાઉન્ડ કમાયા હતા. ટેસ્ટ મેચમાં કમાણીની તક વધારે રહે છે.
સી.બી.આઈ. હેરાનગતિ ચાલુ રાખશે તો માનવ અધિકારમાં જઈશ : જોહરી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કાંડમાં સી.બી.આઈ. હેરાનગતિ જારી રાખશે તો પોતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો સંપર્ક સાધશે, તેવો પત્ર ગીથા જોહરીએ સી.બી.આઈ. ના ડાયરેક્ટર અશ્વિનિકુમારને લખ્યો છે અને તે પત્રની એક નકલ રાજ્યના પોલીસવડાને રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ બળજબરીપૂર્વક સોહરાબુદ્દીનકાંડમાં રાજકારણીઓનાં નામ કઢાવવા માગે છે તેવો આક્ષેપ કરતી પિટિશન ગીથા જોહરીએ સુપ્રીમ કોર્ટમાં કરી છે.નોંધનીય છે કે કેસમાં સીઆઈડી ક્રાઈમ તપાસ રહી હતી ત્યારે તપાસને લગતા કેટલાક મહત્વના દસ્તાવેજો ગુમ થયા હતા. જે અંગે સી.બી.આઈ. છેલ્લા કેટલાક સમયથી ગીથા જોહરીની પૂછપરછ કરી રહી છે. ગીથા જોહરીનો આક્ષેપ છે કે સી.બી.આઈ. તેને વારંવાર સમન્સ પાઠવીને હેરાન કરે છે અને પૂછપરછ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના રાજકારણીઓનાં નામ લેવા દબાણ કરે છે.સુપ્રીમમાં પિટિશન કર્યા બાદ ગીથા જોહરીએ સોમવારે સી.બી.આઈ. ના ડાયરેક્ટર અશ્વિનિકુમારને પત્ર લખીને કહ્યું છે કે જો સીબીઆઈ જ રીતે હેરાનગતિ જારી રાખશે તો તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખીને ફરિયાદ કરશે. આ પત્રની નકલ ગીથા જોહરીએ રાજ્યના પોલીસવડા એસ એસ ખંડવાવાલાની કચેરીને પણ મોકલી છે.
સુરતમાં લશ્કર, એસઆરપી, હેલિકોપ્ટર સ્ટેન્ડ ટુ
સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને નર્મદા જિલ્લામાં સંભવત: ઉભા થનારા ખતરાને પહોંચી વળવા માટે લશ્કર અને એસઆરપીની ટુકડીની મદદ લેવામાં આવી છે અને હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ ટુ રખાયું છે. મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓએ વડોદરા સ્થિતિ મિલિટરી કેમ્પના ઉપરી અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કોઈ પણ સંકટ સમયે મદદે આવવા તેમની મંજુરી મેળવી લીધી છે. દહેજ બંદરે પણ માછીમારોને દરિયામાં જતા અટકાવીને હાઈએલર્ટ કરી દેવાયા છે.ઉકાઈ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહેતા સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેઇન કરવા માટે સોમવારે રાત્રે બાર વાગ્યાથી પરોઢિયાના ચાર વાગ્યા સુધી બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવશે. ચાલુ વર્ષમાં પહેલીવાર બે લાખ કયુસેક્સ પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ઉપરવાસમાં વરસાદ નહીંવત હોવાને કારણે લોકોએ પૂરથી ભયભીત ન થવાની હૈયાધરપત કલેક્ટર એ.જે.શાહે આપી છે. બીજીતરફ, કલેકટોરેટ અને સુરત મહાનગર પાલિકાના તમામ અધિકારીઓને એલર્ટ કરી દેવાયા છે.ઉકાઈ ડેમમાંથી મધ્યરાત્રિએ બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યાના સુમારે બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવશે. શહેરીઓને સવારના નવ વાગ્યાના સુમારે તાપી બન્ને કાંઠે વહેતી જોવા મળશે. તાપીમાં બે લાખ કયુસેક્સ પાણી છોડવામાં આવતાં શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી બેક મારે તેવી સંભાવના છે. અલબત્ત, તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ આખરે શરૂ થશે
છેલ્લાં ૪ વર્ષથી બંધાઇ રહેલું, છેવટે ૪થી ઓગસ્ટે ઉદ્ઘાટન પામેલું અને ૧૫મી ઓગસ્ટથી શરૂ થવાની વાટ જોઇ રહેલું અમદાવાદનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-ટૂ હવે અંતે મેન્યુઅલી ચેક-ઇન દ્વારા ૧લી સપ્ટેમ્બરથી શરૂ થવાની જાહેરાત એરલાઇન્સો દ્વારા કરી દેવાઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એરલાઇન્સ અને એરપોર્ટ વચ્ચે શેર થતી ‘ક્યુટ સિસ્ટમ’ની વ્યવસ્થા ફાળવવામાં ઓથોરિટી દ્વારા મોડું થઇ રહ્યું છે. જેના લીધે નવા ટર્મિનલથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવામાં બાધા ઊભી થઇ રહી છે.એક ઇન્ટરનેશનલ એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે,‘નવા ટર્મિનલને ઝટ શરૂ કરવા બધા પર દબાણ છે. પરંતુ બેગેજ, બોર્ડિગપાસ, સ્કેનિંગ, ઇન્ફોર્મેશન આપતી એરપોર્ટની કોમન ‘ક્યુટ સિસ્ટમ’ના ટેકિનકલ ઇશ્યૂ ઊભા થયા છે. પરિણામે અમે ૧લી સપ્ટેમ્બરથી મેન્યુઅલી ચેક-ઇન કરીને પણ ફ્લાઇટ ઓપરેટ કરવાના છીએ.’
રાજ્યમાં ભારે વરસાદ : ૨૪ કલાકમાં ડૂબવાથી ૧૦નાં મોત
રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી,અમદાવાદમાં મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે ઝાપટાં,અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ રાજ્યમાં બે દિવસથી પડી રહેલો સાર્વત્રિક વરસાદ રવિવારે પણ ચાલુ રહેતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં પણ સોમવારે મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ સિહોર તાલુકાના ખારી ગામે ચેકડેમમાં નહાવા પડેલાં ચાર બાળક સહિત કુલ પાંચ વ્યક્તિનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. રાજકોટના ભાડલામાં રવિવારે ડૂબેલી ૮ પૈકી કુલ પાંચ વ્યક્તિનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં કમકમાટી વ્યાપી ગઈ છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સાબદાં રહેવા આદેશ આપ્યા છે. બીજી તરફ નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના આરે છે અને તાપી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં સુરત ઉપર પૂરનું સંકટ પેદા થયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં પડી રહેલા વ્યાપક વરસાદને કારણે સોમવાર પૂરા થતા ૨૪ કલાક દરમિયાન નવસારીમાં સૌથી વધુ વરસાદ ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. રવિવાર સાંજથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જિલ્લાના જલાલપોરમાં પણ પાંચ ઇંચ વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડમાં પણ ૪ ઇંચ, પારડીમાં ત્રણ ઇંચ, ઉમરગામ અને ધરમપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.મધ્ય ગુજરાતના વડોદરામાં પણ સોમવાર સાંજે વીજળીના કડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ખેડાના મહુધા અને નડિયાદમાં અઢી ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.વેરાવળમાં ૬ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સુત્રાપાડા અને માંગરોળમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં ૧ ઇંચ અને મોરબીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સોમવારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થતાં રાધનપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતાં પ્રજાજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.હવામાનખાતાની આગાહી મુજબ, ૩૧મી ઓગસ્ટ અને ૧લી તેમજ ૨જી સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાના સંજોગ છે. હવામાનખાતાના ડાયરેક્ટર કમલજિત રેના જણાવ્યા પ્રમાણે, માત્ર સુરત જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાદળો છવાયેલા માલૂમ પડે છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
બુકીઓ દોઢસો કરોડ કમાયા
પાકિસ્તાનના ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં સંડોવાયા છે તે બાબતે ક્રિકેટજતમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ઇંગ્લેન્ડના એક દૈનિકે એવા અહેવાલ પ્રકાશિત કર્યા છે કે પાકિસ્તાનની ટીમના ઇંગ્લેન્ડના આ પ્રવાસ દરમિયાન બુકીઓ અંદાજે ૧૪૬ કરોડ રૂપિયા (બે કરોડ પાઉન્ડ) કમાયા છે અને તેમાંથી પાકિસ્તાની ક્રિકેટરોને લગભગ ૪૫ કરોડ રૂપિયા મળ્યા હોવાનો અંદાજ છે. પાકિસ્તાન આ સિઝનમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે બ્રિટનમાં ટેસ્ટ શ્રેણી રમ્યું હતું.પોલીસનાં સૂત્રોને ટાંકીને દૈનિકે એવો પણ રિપોર્ટ આપ્યો હતો કે આ શ્રેણીમાં જંગી રકમ સંડોવાયેલી છે અને એક સુનિયોજિત ગેંગ મળીને આ કામ કરી રહી છે ત્યારે વિશ્વભરમાંથી સટોડિયાઓ પાસેથી એકત્રિત કરાયેલી રકમનો પણ સમાવેશ થઈ જાય છે.રવિવારે સ્કોટલેન્ડ યાર્ડે પાકિસ્તાનની ટીમના કેટલાક ખેલાડીઓએ ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ કર્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો અને ખેલાડીઓના રૂમમાંથી ઝડપાયેલા મોબાઇલ ફોનની તપાસ હાલમાં ચાલી રહી છે.પોલીસે ચાર ખેલાડીઓની પૂછપરછ કરી એ પછી લોર્ડ્ઝ પરથી પરત ફરી રહેલી પાકિસ્તાની ટીમની બસ પર તેમના જ સ્થાનિક ટેકેદારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટામેટા પણ ફેંક્યાં હતાં.ઇંગ્લેન્ડ સામેની લોર્ડ્ઝ ટેસ્ટમાં બુકી મઝહર માજિદ સાથે સ્પોટ ફિક્સિંગ કરીને ઝડપી બોલર મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફે જાણી જોઇને નોબોલ ફેંક્યા હતા. એક સ્ટિંગ ઓપરેશનમાં આ બાબતનો પર્દાફાશ થઈ ગયો હતો અને તેને કારણે આ સમગ્ર વિવાદ બહાર આવી ગયો હતો.અગાઉથી જ આ પ્રકારની ઘટના માટે બદનામ પાકિસ્તાન ક્રિકેટની પ્રતિષ્ઠા રવિવારના પર્દાફાશ પછી વધુ ખરડાઈ છે. માજિદની શનિવારે રાત્રે ધરપકડ કરાઈ હતી અને રવિવારે મોડી રાત્રે તેને જામીન પર મુક્ત કરાયો હતો.
આસિફ સિરિયલ ફિક્સર છે
પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી અને મોહમ્મદ આસિફની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વીણા મલિકે દાવો કર્યો છે કે તેની પાસે મેચફિક્સિંગમાં આસિફ સંડોવાયેલો હોય તેવા પુરાવા છે. વીણાએ જણાવ્યું હતું કે આસિફ લાંબા સમયથી બુકીઓના સંપર્કમાં છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં આસિફથી છૂટી પડનારી વીણા મલિકે જણાવ્યું હતું કે આસિફ દીક્ષિત નામના સટોડિયાના સંપર્કમાં રહેતો હતો જે મેચફિક્સિંગ માટે તેને અઢળક નાણાં આપતો હતો. આસિફ આ ભારતીય સટોડિયા અને અન્ય બુકીઓનો પોતાના નોકરના ફોનથી સંપર્ક કરતો હતો. બુકીઓને કરેલા કેટલાક મેસેજની લેવડદેવડના મારી પાસે પુરાવા છે.વીણાએ એવો પણ દાવો કર્યો છે કે આસિફે તેને કહ્યું હતું કે પાકિસ્તાન ૨૦૧૦ સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકશે નહીં અને મેચોનાં પરિણામને અસર થયા વિના ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગ દ્વારા નાણાં બનાવી લેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ સ્પોટ ફિક્સિંગ થયું હોવાના મારી પાસે પુરાવા છે.
પાકિસ્તાની ક્રિકેટરો પર ટામેટાં ફેંક્યાં
ઇંગ્લેન્ડમાં રહેતા પાકિસ્તાનના ક્રિકેટ સમર્થકોએ લોર્ડ્ઝમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન સપાટી પર આવેલા સ્પોટ ફિક્સિંગના સનસનાટીભર્યા અહેવાલ બાદ પોતાના દેશના ખેલાડીઓને અપશબ્દો કહ્યા હતા અને તેમની પર સડેલાં ટામેટાંનો વરસાદ વરસાવ્યો હતો.લોર્ડ્ઝ ટેસ્ટમાં નાલેશીભર્યો પરાજય મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમને શરમજનક સ્થિતિમાં હોટેલ સુધી પહોંચવા માટે પાછલા દરવાજાનો ઉપયોગ કરવો પડ્યો હતો. સમર્થકોએ પાક. ક્રિકેટરોને ગાળો પણ ભાંડી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમ સામે બદનક્ષીનો દાવો
‘ભગવા આતંકવાદ’ના મુદ્દે ચિદમ્બરમ્ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીનો દાવો મંડાયો છે. રાધનપુર નજીકના ગોતરડા ગામના બ્રહ્નચારી આશ્રમના સ્વામી નિજાનંદ તીર્થે ગૃહમંત્રીના વિવાદાસ્પદ નિવેદનને ભારતીય સાધુ સમાજનું અપમાન ગણાવી, સાધુ-સંતોની બદનામી બદલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ ફરિયાદ નોંધી, ફરિયાદીઓને વધુ પૂરાવા રજુ કરવા માટે છઠ્ઠી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દિલ્હીમાં તમામ રાજ્યોના પોલીસવડાની બેઠક બોલાવી હતી .જેમાં સેફ્રોન ટેરરિઝમ (ભગવો આતંકવાદ) શબ્દનો ચિદંબરમ દ્વારા ઉલ્લેખ કરતાં દેશભરમાં આ મુદ્દે વિવાદ શરૂ થઈ ગયો છે. દેશના ગૃહમંત્રીએ ‘ભગવો આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરી હિન્દુવાદી સંગઠનો સહિત સાધુ સંતોની નારાજગી વહોરી લીધી છે. સોમવારે અમદાવાદ મેટ્રપોલિટન કોર્ટ નં-પ માં સ્વામી નિજાનંદ તીર્થે પી. ચિદંબરમ વિરુદ્ધ બદનક્ષીનો દાવો પોતાના વકીલ વિરાટ પોપટ મારફતે દાખલ કરાવ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં એવી રજુઆત કરી હતી કે, દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ભગવા આતંકવાદનો મુદ્દો છેડી સાધુ સમાજ પર આતંકવાદી હોવાનો આરોપ મૂક્યો છે.ભારતમાં ભગવો શબ્દ માત્ર અને માત્ર સાધુ -સંન્યાસી સાથેજ જોડાયેલો છે જેથી ગૃહમંત્રીના આ વિધાનથી સમાજમાં સાધુ સમાજની બદનામી થઈ છે. ૮૫ કરોડ હિન્દુઓનાં દેશમાં હિન્દુ સમાજના સંતો વિરુદ્ધ ખુદ દેશનો ગૃહમંત્રી આવું બેજવાબદાર નિવેદન કરે તે કેટલું યોગ્ય છે. ચિદમ્બરમના આ નિવેદનથી તેમને ખૂબ જ દુ:ખ થયું હતું. વારંવાર આ વિધાન ટીવી ચેનલો પર દેખાડાતા લોકમાનસ પર પણ સાધુ સમાજની છાપ પર અસર પડી છે.આટલુંજ નહિ બે દિવસ અગાઉ કેટલાક લોકોએ સ્વામી નિજાનંદ તીર્થની પણ આતંકવાદી કહીને ઠેકડી ઉડાવી હતી. જેથી તેમણે સાધુ સમાજનું આ અપમાન નહિ ચલાવી લેવાનું નક્કી કરી દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય લીધો હતો અનેકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
અશોક ભટ્ટની તબિયતમાં સુધારો છતાં ચિંતાજનક
વિધાનસભાના સ્પીકર અશોકભાઈ ભટ્ટની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમ છતાં તેમની સ્થિતિ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ખાસ કરીને હૃદય, ફેફસાં અને કિડનીની તકલીફમાં સુધારો થતાં સોમવારે ડોક્ટરોએ કેટલીક દવાઓ ઓછી કરી છે, છતાં હજુ આગામી ૨૪ કલાક સુધી સઘન સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.સાલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. નીતિન શાહે જણાવ્યું હતું કે, અશોકભાઈની તબિયતમાં તબક્કાવારી સુધારો થઈ રહ્યો છે. રવિવારે વેન્ટિલેટર સપોર્ટ ૫૦ ટકા ઘટાડ્યા બાદ સોમવારે તેમની હૃદયની તકલીફમાં ઘટાડો થતાં કેટલીક દવાઓ ઓછી કરવામાં આવી છે. અશોકભાઈની તબિયતમાં સુધારો જરૂર થયો છે છતાં હજુ તબિયત ગંભીર કહી શકાય.જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે, અશોકભાઈની તબિયતમાં શનિવાર કરતાં સુધારાનાં ચિહ્નો જરૂર દેખાયાં છે, છતાં ભયમુક્ત કહી શકાય નહિ.શનિવાર કરતાં તેમનાં હૃદય, ફેફસાં અને કિડનીનાં ફંકશનમાં સુધારો થયો છે. ફેફસાંના ફંકશનમાં સુધારો થતાં ઓિકસજનનું લેવલ ઓછું કરી શક્યા છે. જોકે તેમને હૃદયની તકલીફ સૌથી વધુ ગંભીર હતી, પરંતુ એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હવે બ્લડપ્રેશર પણ સ્થિર થયું છે. જેને પગલે બ્લડપ્રેશરની દવામાં ઘટાડો કર્યો છે. જ્યારે કિડનીની તકલીફ સંપૂર્ણપણે સુધરી નથી છતાં હાલત સ્થિર કહી શકાય. હાલમાં હોસ્પિટલમાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.
"મોદી આક્ષેપ પુરવાર કરે અથવા માફી માંગે"
ખંડણીખોર અને સોપારીબાજ કોણ છે તે ગુજરાત જ નહિ દેશની જનતાને જાણ થઈ ગઈ છે તેમ છતાં ‘ચોર મચાયે શોર’ જેવી ભૂમિકા ભજવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે શાંતપ્રિય જનતાને ઉશ્કેરવાના મિથ્યા પ્રયાસો કરી રહ્યા હોવાનો વળતો પ્રહાર કોંગ્રેસે કર્યો છે.ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગના મામલે રવિવારે એક જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપર ભરપેટ વરસ્યા હતા તેનો વળતો જવાબ આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલે પણ આકરી ભાષામાં જણાવ્યું હતું કે, ખૂંખાર ગુનેગારોની મદદથી ખંડણી કોણ ઉઘરાવતું હતું અને ખંડણીખોરીમાં જ રાચતા મંત્રી અમિત શાહ એક મહિનાથી જેલમાં સબડે છે ત્યારે શરમથી ડૂબી મરવાને બદલે ગાલ ઉપર તમાચો મારી લાલ રાખવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, મારી ધરપકડ કરી લો તેવા પ્રશ્નો ઊભા કરી લોકોને ઉશ્કેરી શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બતાવે છે કે, મુખ્યમંત્રી પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કરે છે. કોણે કોની સોપારી આપી છે તે જગજાહેર છે.સોપારી આપવાનો સિલસિલો તો ભાજપ સરકારમાં ચાલુ છે. સરકારમાં બેઠેલાઓની સાંઠગાંઠ તથા ખનીજ માફિયાઓની પ્રવૃત્તિને ખુલ્લી પાડનારા અમિત જેઠવાની સોપારી કોણે આપી તેનું હજુ રહસ્ય જ છે.
DTC બિલનો એપ્રિલ-૨૦૧૨થી અમલ
આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. બે લાખ, કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્, સરચાર્જ અને સેસ અલગ લેવાશે.ડાયરેક્ટ ટેક્સ કોડ(ડીટીસી) બિલ લોકસભામાં સોમવારે રજુ કરાયું હતું. જેમાં અગાઉની દરખાસ્ત કરતાં પણ ઘણાં ઓછા લાભ કરદાતાને અપાયા છે. આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. ૧.૬૦ લાખથી વધારીને રૂ. ૨ લાખ કરી દેવાઈ છે.જોકે કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્ રખાયો છે અને તેમાં પણ સરચાર્જ અને સેસ અલગથી વસૂલવામાં આવશે. સૌથી નિરાશાજનક બાબત એ છે કે આ બિલ હવે ૧ એપ્રિલ, ૨૦૧૨થી લાગુ થશે. અગાઉ તેનો અમલ આગામી એપ્રિલ-૨૦૧૧થી થવાનો હતો. આમ, કરમુક્તિ સહિતની રાહતો મેળવવા માટે વધુ એક વર્ષ રાહ જોવાની રહેશે.લોકસભામાં રજુ થયેલા ડીટીસી બિલ મુજબ ત્રણ ટેક્સ સ્લેબ રહેશે. રૂ. ૨લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા ટેક્સ લાગુ થશે. રૂ. ૫-૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને રૂ. ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ થશે. નવા સ્લેબને કારણે રૂ. ૨ લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક ધરાવતા દરેક કરદાતાને સરેરાશ રૂ. ૭૬૬૦ની વાર્ષિક બચત થશે. રૂ. ૧૦ લાખથી વધુની આવક હશે તેમને સરેરાશ વાર્ષિક રૂ. ૪૧,૦૪૦ની બચત થશે.હાઉસિંગ લોનના રૂ. ૧.૫ લાખ સુધીના વ્યાજની ચુકવણી પર કરમુક્તિ યથાવત્ રાખવામાં આવી છે. સિનિયર સિટઝિન માટે કરમુક્તિની મર્યાદા રૂ. ૨.૪૦ લાખથી વધારીને રૂ. ૨.૫૦ લાખ કરવામાં આવી છે.કોર્પોરેટ જગતને ડીટીસી બિલથી કોઈ જ ફાયદો થશે નહીં. કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા યથાવત્ રાખવામાં આવ્યો છે. અગાઉ સરચાર્જ અને સેસ સહિત આ ૩૦ ટકા ટેક્સ રહેશે તેવી દરખાસ્ત હતી. પરંતુ પસાર કરાયેલા બિલ મુજબ સરચાર્જ અને સેસ અલગથી ચૂકવવાના રહેશે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ ૧૮ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાયો છે. જોકે તે માત્ર બુક પ્રોફિટ પર જ લાગુ પડશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ૧૫ ટકા રહેશે. અગાઉ નાણામંત્રી પ્રણવ મુખરજીએ લોકસભામાં ડીટીસી બિલ રજુ કર્યું હતું.૯૬ ટકા કરદાતાઓને ડીટીસીથી લાભ થશે.પ્રસ્તાવિત ડાયરેકટ ટેક્સ કોડ(ડીટીસી) બિલમાં આવકવેરા મુક્તિની મર્યાદામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે જેથી મહત્તમ સંખ્યામાં કરદાતાઓને રાહત થાય.-ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાથી રૂ. ૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દેશના ૯૬ ટકા કરદાતાઓને લાભ થશે તેવી શક્યતા છે.-રૂ. ૮ લાખ અને તેનાથી વધુ આવક ધરાવતા કરદાતાઓ માત્ર ૨.૨ ટકા છે, પરંતુ તેઓ કુલ ટેક્સના ૬૦ ટકા ટેક્સ ચૂકવે છે. રૂ. ૫ લાખથી રૂ. ૮ લાખની આવક ધરાવતા કરદાતાઓનું યોગદાન કુલ ટેક્સની વસૂલાતમાં ૧૦ ટકાનું છે.
રાજ્યમાં ૪૧ હજાર લોકો વચ્ચે હોમો સેક્સ્યુઅલ સંબંધ
‘દોસ્તાના’ જેવી ફિલ્મોમાં હોમો સેક્સ્યુઅલ સંબંધને વર્ણવવામાં આવ્યો છે, પરંતુ જાણીને આંચકો લાગશે કે હવે રિયલ લાઇફમાં પણ હોમો સેક્સ્યુઅલ સંબંધોનું પ્રમાણ વધતાં હોમો સેક્સ્યુઅલ લોકોની સંખ્યા વધી છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજ્યકક્ષાના હાથ ધરાયેલા સર્વેના આંકડા મુજબ રાજ્યમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમો સેક્સ્યુઅલની સંખ્યા ૪૧ હજાર નોંધાઈ છે, એટલે કે સેક્સવર્કર્સ કરતાં હોમો સેક્સ્યુઅલની સંખ્યા છ હજાર જેટલી વધી છે. મહત્વની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં સેક્સવર્કર્સ-હોમો સેક્સ્યુઅલ લોકોના પ્રમાણમાં પ્રથમ ક્રમે સુરત બાદ અમદાવાદ અને ભાવનગર મોખરે છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. પ્રદીપકુમારે જણાવ્યું હતું કે, વર્ષ-’૦૮માં હાથ ધરાયેલા સર્વેમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમોની સંખ્યા ૪૧ હજાર હોવાનું જાણવા મળ્યું છે.ખાસ કરીને એચઆઇવી ફેલાવવા માટે જવાબદાર એવા ‘કોર ગ્રૂપ’માં પુરુષથી પુરુષ, ગ્રૂપમાં ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ અને સેક્સવર્કર્સ સાથે સહશયનનું પ્રમાણ જોવા મળે છે. આ ગ્રૂપના સભ્યો પત્ની સાથે પણ શારીરિક સુખ માણતા હોવાથી એઇડ્સ ફેલાવવાની શક્યતા સૌથી વધુ હોય છે.
ગદ્દાર ક્રિકેટરોનાં માથાં સાટે ઇનામ જાહેર કરતા ત્રાસવાદીઓ
પાકિસ્તાનના ક્રિકેટરોએ મેચ ફિક્સ કરી હોવાના આક્ષેપને પગલે સમગ્ર ક્રિકેટજગત આ ખેલાડીઓથી નારાજ છે અને હવે તેમાં પાકિસ્તાનનાં કેટલાક ત્રાસવાદી સંગઠનો પણ સામેલ થયાં છે.બ્રિટિશ અખબાર ડેઇલી સ્ટારે એવો દાવો કર્યો હતો કે કેટલાક ત્રાસવાદી જુથોએ તો પાકિસ્તાનના ખેલાડીઓનાં માથાં સાટે ઇનામ જાહેર કર્યું છે. આ જુથોનું કહેવું છે કે પાકિસ્તાનના ક્રિકેટર ગદ્દાર છે અને તેમણે દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. જોકે કોઈ સંગઠને પોતાનું નામ જાહેર કર્યું નથી પરંતુ તેમની આ ધમકી બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી રહેલી પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ ડરી ગયા છે અને સુરક્ષાની માગણી પણ કરી છે.પાકિસ્તાનની ટીમ અત્યારે લંડનમાં છે અને તેમને ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણીમાં રમવાનું છે ત્યારે બ્રિટિશ સત્તાવાળાઓ સામે આ ખેલાડીઓની સુરક્ષાની જવાબદારીનો પડકાર પણ સામે આવી ગયો છે. આ ઘટનાને પગલે પાકિસ્તાન ક્રિકેટરો પર ચારે બાજુથી માછલા ધોવાઈ રહ્યા છે.
લોકોને ભારતની નાગરિકતા લેવામાં શરમ આવે છે?
બોલીવુડમાં વર્ષોથી કામ કરનારા સેંકડો વિદેશીએ હજુ પણ ભારતીય નાગરિકત્વ લેવાની તસદી લીધી નથી. મુંબઈમાં જિલ્લાધિકારીની કચેરીમાં ૧૫૦ આસપાસ અરજી ગત પાંચ વર્ષમાં ભારતીય નાગરિકત્વ મેળવવા માટે આવી છે, પરંતુ તેમાંથી ભારતમાં સાતથી વધુ વર્ષ સુધી વસવાટ કરી રહ્યા હોવા છતાં એકેય અરજી બોલીવુડમાં કામ કરનારા વિદેશી કલાકારની નથી.
ઇમિગ્રેશન વિભાગ આજકાલ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ મેળવીને બોલીવુડમાં કામ કરનારા વિદેશીઓની એક ડઝન વિઝા શ્રેણીઓની તપાસ કરવામાં પરોવાયેલી છે. જો એકાદ વ્યક્તિને એમ્પ્લોયમેન્ટ વિઝા મળતો હોય અને તેની પર તે કામ કરી શકે તો તેણે વિઝિટર્સ વિઝા લેવાની શી જરૂર છે એમ ઇમિગ્રેશન અધિકારીએ જણાવ્યું હતું. અમે હવે ચોક્કસ વિઝા લઈને દેશમાં આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશીઓની વિઝાની વિગતોને વગીકૃત કરી રહ્યા છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં વસવાટ કરી રહેલા અને એમ્પ્લોયમેન્ટ વિઝા પર કામ કરનારા કલાકારોમાં કેટ્રિના કૈફ (યુકેની નાગરિક), દીપ્તિ નવલ (અમેરિકન નાગરિક), સલમા આગા (યુકેની નાગરિક), યાના ગુપ્તા (ઝેક નાગરિક) વગેરેનો સમાવેશ થાય છે.બોલીવુડમાં કામ કરનારા મોટા ભાગના કલાકારો અને વિદેશીઓ ભારતમાં એમ્પ્લોયમેન્ટ વિઝા પર રહેવાનું પસંદ કરે છે. અમુક વાર તેઓ વિઝાનો સમયગાળો વિસ્તારવા માટે પૂછે છે. અમે કાયદા અનુસાર સાચું શું છે તે તપાસી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.પાકિસ્તાની ગાયક અદનાન સામી જર્મન પત્ની સાતે મુંબઈમાં રહે છે. અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષી કરાર અનુસાર અમેરિકન નાગરિક ભારતમાં ટુરિસ્ટ વિઝા પર ૧૦ વર્ષ સુધી રહી શકે છે. આ જ નિયમ ભારતીય નાગરિકને અમેરિકામાં લાગુ થાય છે.અમુક મોડેલો ભારતમાં ટૂંકા ગાળાના ટુરિસ્ટ અથવા એમ્પ્લોયમેન્ટ વિઝા પર આવે છે અને તેઓ વિઝાની મુદત વિસ્તારી લેતા નથી. તેમને હવે કાયદાનો સામનો કરવો પડશે. નોર્વેજિયન મોડેલ નગિાર ખાનને ૭ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ ભારતમાં ડિપોર્ટ કરવામાં આવી હતી.
31 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment