30 August 2010

રાજકોટમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજ પડે ને તે સાથેજ મેઘરાજાનું આગમન થાય છે. મેઘરાજા જાણે કે ઘડિયાળના ટકોરે ચાલતા હોય તેમ રવિવારે સાંજે પણ પાંચ વાગ્યે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે ૧૦-૩૦ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. એકરસ થયેલા આકાશમાંથી અવિરત વરસેલા વરસાદને કારણે ફરી એક વખત શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા અને રવિવારની રંગત પર પાણી ફરી વળ્યું હતું.શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો હતો. બપોરે ચાર વાગ્યા પછી આકાશ ઘેરાવા લાગ્યું હતું ઘટાટોપ વાદળો ગગન ગોખે ગોઠવાઇ ગયા હતા અને પાંચ વાગ્યે વરસાદ શરૂ થઇ ગયો હતો.ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ધીમે ધીમે ગતી પકડી હતી. વાદળોમાંથી ગડગડાટી અને વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે ૧૦-૩૦ સુધી એકધારો વરસાદ પડ્યો હતો અને શહેરની ધરા ઉપર વધુ સાડા ત્રણ ઇંચ પાણી ઠલવાઇ ગયું હતું.આજના વરસાદને કારણે પોપટપરા નાળામાં પાણી ભરાતા લોકોને રૂખડિયા કોલોની થઇ ફરી ફરી ઘેર પહોંચવું પડ્યું હતું તો લક્ષ્મીનગરના નાળાની પણ એજ સ્થિતિ હતી. આ ઉપરાંત મારુતિનગર એરપોર્ટ રોડમાં ઘરમાં પણી ઘૂસ્યા તો દોઢસો ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી રણછોડવાડી, રણછોડનગર શેરીનં. ૪, કુવાડવા રોડ, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મહાત્મા ગાંધી વિદ્યાલય, બહુમાળી ભવન, ત્રિકોણબાગ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર, હેમુ ગઢવી હોલ સામેનો માર્ગ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર પાણી ભરાઇ જતાં અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. વળી રવિવાર હોવાના કારણે ગેરેજો પણ બંધ હોય વાહન ખેંચી ઘર સુધી લઇ જવા પડ્યા હતા.


જન્માષ્ટમીની ઉજવણી રાજકોટમાં કરવાનો મેઘરાજાનો મિજાજ

જન્માષ્ટમીના તહેવારો સાવ નજીક આવી ગયા છે ત્યારે જ વરસાદનો એક નવું ધૂંવાધાર રાઉન્ડ શરૂ થતાં તહેવારોની ઉજવણી તથા રાજકોટના લોકમેળાની તૈયારી પર તેની વપિરીત અસર પડી છે.રાજકોટમાં જન્માષ્ટમીની દર વર્ષે અનોખી અને ઉમંગભરી ઉજવણી થાય છે. રાજકોટનો લોકમેળો આખા ભારતમાં વિખ્યાત છે. મુંબઇમાં ગણપતિ મહોત્સવનું જેટવું મહત્વ હોય છે એટલું જ મહત્વ રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોનું છે.દર વર્ષે આ તહેવાર ઉપર શહેરના મહત્વના તમામ ચોકમાં ફલોટ્સ મૂકવામાં આવે છે. રોશનીના શણગાર થાય છે. રાંધણ છઠથી ચાર દિવસ સુધી રાજકોટ કૃષ્ણમય અને તહેવારમય બની જાય છે. અત્યારે આ બધા આયોજનોની તડામાર તૈયારી ચાલી રહી છે. પણ છેલ્લા ત્રણ દિવસથી પડતાં વરસાદને કારણે તૈયારીમાં વિધ્ન સર્જાયું છે.લોકમેળો જ્યાં યોજાવાનો છે એ રેસકોર્સ મેદાનમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. તંત્ર દ્વારા મેદાનને સમું-નમું કરવાના પ્રયત્નો થાય છે પણ કુદરતની પ્રચંડ શક્તિ કાળા માથાંના માનવીના પ્રયાસો ઉપર પાણી ફેરવી દે છે. મેળાના સ્ટોલધારકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસ પછી મેળો શરૂ થવાનો છે પણ હજુ સુધી અડધું કામ પણ પૂરું નથી થયું. ઈલેક્ટ્રિફિકેશન તથા સ્ટોલમાં રમકડાં કે અન્ય સામગ્રીઓ ભરવાની કામગીરી સતત વરસતા વરસાદના કારણે થઇ શકતી નથી.સાંજના સમયે જ વરસતા વરસાદને કારણે વેપારીઓને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ખરીદીના સાચા સમયે, એટલે કે સાંજે જ દરરોજ વરસાદ વરસતાં બજારો સૂમસામ થઇ જાય છે. એકંદરે વરસાદને કારણે તૈયારીઓ ખોરંભે પડી છે. ઉપરથી હવામાન ખાતાએ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતાં વેપારીઓ તથા સ્ટોલધારકોનો જીવ તાળવે બંધાયો છે.



જસદણ : સગપણ માટે નીકળેલો પરિવાર પાણીમાં ગરક


જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતો પ્રજાપતિ પરિવાર પોતાની પુત્રી માટે રાજકોટ મુરતિયો જોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે ભાડલા રાજાવડલા વચ્ચે ભીડભંજન મહાદેવ પાસેના બેઠા પુલ પર યુટિલિટી ફસાઇ જતાં હાથાજોડી કરી નીકળવાના પ્રયાસમાં પાંચ ગ્રામજનો પ્રવાહમાં તણાઇ ગયા હતા. જ્યારે બે બચી ગયા હતા.ભાડલા ખાતે રહેતા ભગાભાઇ ગોવિંદભાઇ સરેરિયાની પુત્રી માટે મુરતિયો જોવા રાજકોટ જવાનું હોય આજે સવારે રાજાવડલા ગામની યુટિલિટી ભાડે કરી આજે સવારે ભગાભાઇ સહપરિવાર રાજકોટ આવ્યા હતા સાથે ગોકળભાઇ નરશીભાઇના પુત્રને પણ લીધો હતો. રાજકોટમાં લોકલ ફંડમાં ઓડિટર તરીકે નોકરી કરતાં નગવાડિયાભાઇના પુત્રને જોઇ સાંજે પ વાગ્યે આ તમામ રાજકોટથી ભાડલા જવા રવાના થયા હતા.રાજકોટથી યુટિલિટીમાં નીકળેલો પ્રજાપતિ પરિવાર જ્યારે ભંડારિયા પાસે પહોંચ્યો ત્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોય આગળ વધી શકાય તેમ ન હોય યુટિલિટી પાછી વાળી રાજાવડલાનો માર્ગ પકડ્યોહતો. રાજાવડલા અને ભાડલાને જોડતો એક બેઠો પુલ છે. જેનો કેટલોક ભાગ ભારે વરસાદમાં તૂટી ગયો હતો. જેની આ કોઇને ખબર નહતી. બેઠા પુલ પરથી ડ્રાઇવરે યુટિલિટી આગળ વધારી પણ આગળ જતાં તે પાણીના ભારે પ્રવાહમાં ખાંગી થઇ ગઇ હતી.પાણીના ધસમસતો પ્રવાહ તેમજ યુટીલીટી ખાંગી થઇ જતાં ડ્રાઇવરે આગળ વધવા ના પાડી હતી. ડ્રાઇવરે ના પાડ્યા બાદ બધા નીચે ઉતર્યા હતા અને નીકળી જવાશે એમ માની એક-બીજાના હાથ પકડી આગળ વધવા નિર્ણય કર્યો હતો. ભગાભાઇ ગોવિંદભાઇ સરેરિયા તથા તેમનો પુત્ર સંદપિ એક બીજાનો હાથ પકડી પાણીમાં આગળ વધ્યા હતા.


પુત્રીની હત્યા કર્યા બાદ પિતા રામનાથ મંદિરે દર્શને ગયો’તો

પુત્રીના પ્રેમ પ્રકરણની જાણ થતાં કોળી તરુણીને તેના જ પિતાએ મોતને ઘાટ ઉતારી દીધાના ચકચારી બનાવમાં પુત્રીની હત્યા કર્યા બાદ તેનો પિતા રામનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તેમજ મૃતક તરુણીના પ્રેમીનું પણ પોલીસે નિવેદન નોંધ્યું હતું.ચુનારાવાડમાં રહેતી કિરણ રઘુ કોળી (ઉ.વ. ૧૫) ને એ જ વિસ્તારના નિર્મળ કોળી સાથે પ્રેમસંબંધ હતો. પુત્રીના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા તરુણીના પિતા રઘુ કોળીએ શુક્રવારે રાત્રિના પોતાના જ ઘરે પુત્રીને લાકડીના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. શનિવારે બપોરે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે આરોપી રઘુની ધરપકડ કરી હતી.રઘુએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, કિરણની રાત્રે હત્યા કર્યા બાદ બાજુના રૂમમાં આખીરાત સૂતો રહ્યો હતો અને શનિવારે વહેલી સવારે રામનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. બાદમાં, પોલીસે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી હતી. પોલીસે રઘુની પૂછપરછ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી કબજે કરી હતી અને અંતે આરોપીને જેલહવાલે કર્યો હતો.બીજી બાજુ કિરણની હત્યા થયાની જાણ થતાં તેના પ્રેમી નિર્મળ કોળીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોળી યુવાનનું નિવેદન નોંધ્યું હતું. નિર્મળે કહ્યું હતું કે, કિરણ સાથે તેને પ્રેમસંબંધ હતો. પરંતુ, રઘુને તે પસંદ ન હતું અને તેણે આ અંગે કિરણને અગાઉ મારી નાખવાની ધમકી પણ આપી હતી.


રમકડાંના-૧૩, યાંત્રિકના ૫ અને આઇસક્રીમના ૬ સ્ટોલ ખાલી

લોકમેળામાં સ્ટોલ મેળવવા માટે એક સમયે પડાપડી થતી હતી. સ્ટોલના ઓન બોલાતા અને કાળાબજારમાં સ્ટોલ વેંચાતા પણ ખરા, જ્યારે આજે સ્થિતિ એવી છે કે, લોકમેળાના ઉદ્દઘાટન આડે માત્ર ૪૮ કલાક બાકી રહ્યા હોવા છતાં યાંત્રિકના-૫ સ્ટોલ, આઇસક્રીમના ૬ જ્યારે સહકારી, સામાજિક સંસ્થાઓ માટે હેન્ડલુમ પ્રદર્શન માટે દોઢ ડઝનથી વધુ સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી પણ કોઇએ રસ ન દાખવાતા આખરે આ જગ્યામાં રમકડાના નવા ૨૬ પ્લોટ પાડી દેવાયા હતા.આ ૨૬ માંથી પણ રવિવારની સાંજ સુધીમાં ૧૩ પ્લોટ વેંચાયા છે તો ૧૩ પ્લોટ બાકી રહ્યા છે. તેનું કોઇ લેવાલ નથી, જ્યારે શહેર પર રોજરોજ મેહુલો મંડાતો હોય હરાજીમાં સ્ટોલની ઊંચા ભાવે ખરીદી કરનાર વેપારીઓના જીવ પડિકે બંધાયા છે. દરમિયાન આજે સાંજે ૫ વાગ્યે માત્ર પંદર મિનિટ વરસાદનું જોરદાર ઝાપટું તૂટી પડતા મેદાનમાં પાણી-પાણી થઇ ગયું હતું. તો બહુમાળી ભવન સામે રાજમાર્ગ પર પાણી ભરાઇ ગયા હતા.આ અંગે સિટી મામલતદાર એસ.જે. ખાચરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટના કાર્યક્રમને અનુલક્ષી મેદનમાં કપચી નાખવામાં આવી છે. માત્ર એરપોર્ટ તરફના ગેટ બાજુ પાણી ભરાયા છે. પણ ત્યાં મોટર મૂકી પાણી ખેંચી રોડની સામેની બાજુ આવેલા વોકળામાં પાણી વહેતું કરી દેવાશે અને કપચી પણ પાથરી દેવાશે. આ અંગે અધિકારી પાઠક, તાલુકા મામલતદાર ગણાત્રા તેમજ પી. ડબલ્યૂ ડી.ના સ્ટાફ દ્વારા કામગીરી ચાલુ જ છે. તેમજ સોમવાર સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે.




ખંભાત-બોરસદમાં મેઘો ઓળઘોળ

આણંદ જિલ્લામાં રવિવારે મેઘરાજાની મહેરથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. એમાંય ખંભાત અને બોરસદ તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસ્યા હતા. જ્યારે આણંદ શહેરમાં બપોરના સુમારે વાદળછાયાં વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો હતો.જિલ્લામાં રવિવારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં ૧૮૨ મીમી વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદથી ઉકળાટભર્યા વાતાવરણમાં થોડા અંશે પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી હતી.ચરોતરમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘેરાયેલા વાદળોથી વરસાદી માહોલ બન્યો હતો. રાત્રિના ૮ કલાક બાદ ઝરમર વરસાદ થઈને બંધ થઈ જતો હતો. જેથી ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા.શનિવારે રાત્રિના ઝરમર વરસાદ સાથે વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. પરંતુ રવિવારે સવારથી જ મેઘરાજાની સવારી આવી ચૂકી હતી. ખંભાત અને બોરસદ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.સવારના ૮ થી બપોરના ૨.૩૦ કલાક સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ થઈ ગયું હતું. ત્યારબાદ બપોરના ત્રણ કલાકે પુન: વરસાદ શરૂ થતાં ગામડાઓમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. મોટા કલોદરાથી તારાપુર જવાના માર્ગ પર વૈણજ-ખંભાત માર્ગ પર વૃક્ષો ધરાશાયી થયા હતા.જલસણ, નવાગામ બારા, જહાંગીરપુરા, દેવપરા જેવા ગામડામાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. બોરસદમાં પણ બે ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે એક સપ્તાહના વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતો પણ ઘેલમાં આવી ગયા હતા. ખેતરોમાં ચારેય તરફ લીલોતરી છવાઈ જવા પામી છે. જ્યારે આણંદ શહેરમાં સવારના ઉઘાડ નીકળ્યા બાદ બપોરે ઝરમર વરસાદ વરસ્યો હતો.


ગુજરાતી બિલ્ડરના ઘર સામે ખંડણીખોરોનો ગોળીબાર

ગુજરાતી બિલ્ડરના નિવાસસ્થાન બહાર ખંડણીખોરો ગોળીબાર કરીને નાસી ગયા હતા. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં જોકે કોઈને ઈજા થઈ નહોતી. સાંતાક્રુઝ પશ્ચિમમાં લાજપતરાય રોડ પર આશા કિરણ બિલ્ડિંગમાં બિલ્ડર શેઠ પ્રવીણ દોશી રહે છે. શનિવારે રાત્રે ૮.૩૫ વાગ્યાના સુમારે બે અજ્ઞાત શખ્સ અહીં આવ્યા હતા.મકાનના વોચમેન પ્રદીપ દિનેશ ચૌધરી (ઉ.વ.૨૪) પાસે બે જણ આવ્યા હતા. તેમણે પ્રવીણ શેઠ હૈ ક્યા એવું પૂછ્યું હતું. વોચમેને ઈનકાર કરતાં તેમણે એક ચિઢ્ઢી આપી હતી. યે ચિઢ્ઢીમેં રવિ પૂજારી કા ફોન નંબર હૈ. શેઠ કો બોલના, યહ નંબર પર ફોન કરે એવું તેમણે કહ્યું હતું.વોચમેન પ્રદીપ ચૌધરી કશું બોલે તે પૂર્વે બે આરોપીઓમાંના એક આરોપીએ રિવોલ્વર કાઢીને બે ગોળી ગેટની દિશામાં છોડી હતી. બાદમાં ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું.પૂજારી ટોળકી આજકાલ માથું ઊંચકી રહી છે. તેના જ ગુંડાઓએ ખંડણી માટે ધાકધમકી આપ્યો ગોળીબાર કર્યાનો અંદાજ છે. પ્રવીણ દોશીને અગાઉ પણ ધમકી મળતી હતી, પરંતુ શનિવારે છેક તેમના ઘર સુધી ગુંડાઓ પહોંચી જતાં અમે આ કેસને ગંભીરતાથી લીધો છે અને ખંડણીખોરોને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે, એમ તેમણે જણાવ્યું હતું.


ગણપતિ બાપ્પા ચાલ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો

આગમનથી વાતાવરણ મંગલમય કરનારા અને વિસર્જન સમયે તીવ્ર ગમગીન વાતાવરણ સર્જનારા ગણપતિ બાપ્પા હવે મહારાષ્ટ્રની સીમા ઓળંગી છેક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પહોંચવાનો છે. ઢોલ- નગારાની રમઝટ, મોદકની રેલમછેલ અને ગુલાબની ઉછામણીથી વાતાવરણ ભરી દેનારો આ ઉત્સવ અમેરિકાના ગણેશ ભક્તો વચ્ચે આ વરસે સૌપ્રથમ વાર શ્રી ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધીના દસ દિવસો સુધી બાપ્પાનો મુકામ અમેરિકામાં રહેવાનો છે.કામકાજ અને રોજગારી નિમિત્તે અનેક ભારતીયો કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા છે. છેલ્લા ત્રણ દાયકાથી આ મિત્ર મંડળી એકત્રિત થઈ ગણેશોત્સવની ઉજવણી કરી રહી છે. અહીં ફ્રેમોંટ વિસ્તારમાં ગણેશનું કાયમી રૂપે મંદિર હોવું જોઈએ, જે માટે અહીંના ગણેશ ભક્તોએ ઉત્સાહપૂર્વક તૈયારી કરી હોઈ હવે આ મંડળી દસ દિવસનો ગણેશોત્સવ ઊજવવા કટિબદ્ધ થઈ છે.અમેરિકી સરકાર પાસેથી આ ઉત્સવ ઊજવવા માટેની જરૂરી એવી પરવાનગી પણ આ મંડળીએ મેળવી છે. ભારતના લોકપ્રિય અને નામાંકિત મૂર્તિકાર દ્વારા આ ગણેશની મૂર્તિ ઘડવા માટે ત્યાંના ફ્રેમોંટ હિન્દુ મંદિરના પદાધિકારી સંદીપ દેઉળકરે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો છે.


'બેસ્ટ અને એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં થવા દઉં'

‘બસ સેવા અને સ્થાનિક જાહેર પરિવહન સેવા આપતા બેસ્ટ ઉપક્રમ તેમ જ વિમાન સેવા આપતી કંપની એર ઈન્ડિયાના ખાનગીકરણની પેરવીઓ ચાલતી હશે તોએ હિલચાલોને સફળ થવા નહીં દેવાય.’ એવી ચીમકી મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે આપી હતી.પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્ય મંદિર ખાતે મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના નેજા હેઠળ ‘બેસ્ટ કામગાર સેના’ નામના કર્મચારી સંગઠનની સ્થાપનાની જાહેરાત રાજ ઠાકરેએ કરી હતી. આ ટ્રેડ યુનિયનનું પ્રમુખપદ અવિનાશ અભ્યંકરને સોંપાયું છે.‘દાદાગીરી કરતા રિક્ષા-ટેક્સી ચાલકો વિરુદ્ધ મેં આંદોલન કર્યું ત્યાર પછી મને નોટિસ મોકલાઈ તેમાં હું ઉશ્કેરણીજનક ભાષણો કરતો હોવાનું સરકારનું કહેવું છે. સરકાર જે કહેવું હોય તે કહે પણ હું મહારાષ્ટ્રના હિતમાં હોય એ કરીશ. સરકારે જે પગલાં લેવાં હોય તે લીધાં કરે,’ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.તેમણે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘મનસે કંઈક કરે ત્યાર પછી અન્ય પક્ષો ‘અમે એવું અગાઉ કર્યું’ એવા દાવા કરે છે. આવતીકાલે તેઓ સાદામ હુસેનને ફાંસી પણ અમારે લીધે જ અપાઈ’ એવો દાવો કરશે. મનસેના અન્ય કર્મચારી સંગઠન મ્યુનિસપિલ કર્મચારી કામગાર સેનાના પ્રમુખ પદે દિલીપ નાઈકની નિમણુંક કરાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રવીણ દરેકર, બાળા નાંદગાંવકર, મંગેશ સાંગતે, મનોજ ચવ્હાણ હાજર હતા.


વિસનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર બેફામ

વિસનગર શહેરની અનુરાધા સોસાયટીમાંથી પાંચ અને બાસણા ગામેથી પાંચ પકડાયા: કડી તાલુકાના નગરાસણમાંથી પણ ૧૬ ઝડપાયા: ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં શ્રાવણિયો જુગાર બેફામ બનતો જાય છે શનિવારે કડીમાં વિજિલન્સના દરોડા છતાં રવિવારે જુગારધામો ધમધમ્યા હતા.વિસનગરની અનુંરાધા સોસાયટી અને બાસણમાં પણ પોલીસે દરોડા પાડી ૧૦ને ઝઢપી લીધા હતા જ્યારે કડીના નગરાસણમાં પણ પોલીસે કાર્યવાહી કરી ૧૬ જુગારી ઝડપી લીધા હતા.વિસનગર: શહેરની અનુરાધા સોસાયટીમાં આવેલ એક મકાનમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી વિસનગર પોલીસને મળી હતી. આ બાતમીને આધારે પી.એસ.આઇ. એમ.એમ.સિંધી, એ.એસ.આઇ. હરગોવનભાઇ, મુલચંદભાઇ, નારણસિંહ સહિત સ્ટાફને સાથે રાખી રેડ કરી હતી.જ્યાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા. પોલીસે તેમની તલાશી લેતાં તેમનું નામ નાયક વિનોદભાઇ કેશવલાલ, પટેલ મહેશકુમાર હીરાભાઇ, સોનપુરા મિતેષકુમાર જગદીશભાઇ , મોચી કલ્પેશભાઇ વાડીલાલ અને પટેલ સચીનકુમાર મગનલાલ હોવાનું જણાવ્યું હતું.


ઊંઝા પાલિકા પ્રાંગણમાં જુગાર રમતા સાત ઝડપાયા

ઊંઝા નગરપાલિકાના આસપાસ જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધયું હતુ.જેમાં પાલિકાના પ્રાંગણની અંદર જ જુગારધામ ચાલતુ હોવાનું જણાતા પોલીસે દરોડો કરીને પાલિકાના એક નગરસેવક સહિત સાત શખ્સોને રૂ.૭૩૫૫૦ના મુ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આ અંગે ઊંઝા નગર પાલિકાના ચીફ ઓફિસર નરેશભાઇ પટેલે જણાવ્યુ કે, પાલિકાની અંદર ગેરકાયદે કૃત્ય કરવાના આ બનાવમાં તપાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણમાં પાલિકાના કર્મચારીઓની સંભવિત સંડોવણીને ધ્યાને લેતા એ દિશામાં પણ કડક પગલા ભરવામાં આવશે.


બહુચરાજી તરબોળ:કલાકમાં બે ઇંચ

જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ રવિવાર સાંજે મહેસાણા, બહુચરાજી, વિસનગર, વડનગર, ખેરાલુ, વિજાપુર સહિતના સ્થળોએ ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ થયો હતો. બહુચરાજીના માર્કેટયાર્ડ, હરગોવનપુરા સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં રહીશો અટવાયા હતા.બહુચરાજીમાં કલાકમાં બે ઇંચ, મહેસાણામાં પોણો ઇંચ તથા વિસનગરમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે બપોરની આકરી ગરમી બાદ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં થયેલા વરસાદથી લોકોને ગરમીથી રાહતનો અનુભવ થયો હતો.મહેસાણા સહિત જિલ્લામાં છેલ્લા સપ્તાહના વિરામ બાદ શનિવારે વરસાદ થયો હતો. મહેસાણામાં શનિવારે બપોર બાદ પોણા ઇંચ જેટલો વરસાદ થયો હતો. જોકે રવિવારે સવારથી બપોર સુધી આકાશ ચોખ્ખુ દેખાતું હતું અને આકરી ગરમી પડી હતી. પરંતુ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ઝંઝાવાતી વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે ૬ વાગ્યાના અરસામાં વરસાદ તૂટી પડતાં વાહન ચાલકો અટવાયા હતા.


ફોન પર બીભત્સ માગ કરનાર રોમિયો ઝડપાયો

જામ-કંડોરણાના સનાળા ગામે પટેલ પરિવારને ત્યાં અવાર નવાર ફોન કરીને, મહિલાઓને પજવતો અને બીભત્સ વાતો કરતો અને બીભત્સ માગણીઓ કરનાર ભાયાવદરના રોમિયોને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા અલ્પેશભાઇ હંસરાજભાઇ પોસિયાને ઘરે ટેલિફોન ઉપર કોઇ શખ્સ વારંવાર ફોન કરતો હતો.આ શખ્સ ફોન કરી અલ્પેશભાઇના પત્ની રિનાબેન સાથે બીભત્સ વાતો કરતો અને બીભત્સ માગણીઓ કરતો હતો. આ શખ્સ વારંવાર આવી રીતે ફોન કરીને તેમને પરેશાન કરતો હતો. જોકે, અલ્પેશભાઇ જ્યારે જ્યારે ફોન રિસીવ કરતા ત્યારે આ શખ્સ ફોન કટ કરી નાખતો હતો. આ શખ્સના ફોન કરવાથી પરેશાની વધતા અંતે જામ કંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ફરિયાદના આધારે પોલીસે અલ્પેશભાઇના ફોનના ડિટેઇલ બિલ કઢાવ્યા હતા. નંબરની તપાસ કરતા નંબર ભાયાવદરના કેતન હરસુખ તન્નાનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જામ કંડોરણા પોલીસે આ કેતન તન્નાની ભાયાવદરથી પકડી જામ કંડોરણા લાવી આકરી પૂછપરછ કરતા તેને ફોનમાં બીભત્સ માગણીઓ કરતો હોવાનું કબૂલ્યું હતું.


પ્રજાપતિ પરિવાર પર વજ્રઘાત, એક સાથે પાંચના મોત

જસદણના ભાડલા ગામે રહેતા અને પુત્રી માટે રાજકોટમાં મુરતિયો જોઇને પરત ફરી રહેલા પ્રજાપતિ ભગાભાઇ ગોવિંદભાઇ સરેરીયા અને તેના પરિવારના છ સભ્યો સહિત આઠ વ્યક્તિ ભારે વરસાદના કારણે ભીડભંજન રોડ પર બેઠા પૂલમાં ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહમાંથી એકબીજાના હાથ પકડીને પસાર થવાના પ્રયાસમાં તણાઇ ગયા હતા.બે વ્યક્તિને ત્યારે જ બચાવી લેવાયા હતા. જ્યારે લાપત્તા અન્ય છ વ્યક્તિને શોધવા રેસ્કયુ ઓપરેશન શરૂ કરાતા આજે સવારે પાંચ હતભાગીના મૃતદેહ મળી આવતા પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક વ્યકિત હજી લાપત્તા છે.ભાડલાના ભગાભાઇ રાજકોટથી યુટીલીટી જીપમાં પરિવાર સાથે પરત ગામ જઇ રહક્ષ્યા હતા. ધોધમાર વરસાદના કારણે પૂલ ઉપર ભરાયેલા પાણી જોઇને જીપના ચાલકે આગળ વધવામાં જોખમ છે તેમ કહેતા આઠેય વ્યક્તિ જીપમાંથી ઉતરીને એકબીજાના હાથ પકડી પાણીના પ્રંચડ પ્રવાહમાંથી નિકળવા આગળ વધ્યા હતા. કમનસીબે તમામ સભ્યો પ્રવાહમાં તણાવા લાગતા મદદ માટે બૂમાબૂમ કરી હતી. ગ્રામજનો અને મામલતદાર સહિતના આગેવાનો પહોંચી જતા ભગાભાઇ અને હિતેષ પ્રકાશભાઇ કાકડિયાને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ, અન્ય છ વ્યક્તિ ધસમસતા વ્હેણમાં તણાઇ જતાં રાજકોટ ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.દરમિયાન આજે સવારથી શરૂ કરેલા રેસ્કયુ ઓપરેશનમાં લાપત્તા વ્યક્તિઓ પૈકી શારદાબેન ભગાભાઇ, બાબુભાઇ ગોવિંદભાઇ, મંજુલાબેન બાબુભાઇ, બટુકભાઇ ગોવિંદભાઇ અને ગીતાબેન બટુકભાઇના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે લાલજીભાઇ રમેશભાઇ પટેલ હજી લાપત્તા છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુથી પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. બનાવના પગલે ભાડલા ગામમાં ઘેરા શોકની કાલીમા છવાઇ ગઇ છે.


સ્વાઇન ફ્લૂથી વધુ બે મહિલાનાં મોત

જામનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચકર્યું છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જામનગરના સપડા ગામની સગભૉનું સ્વાઇન ફ્લૂથી મોત નપિજતાં અરેરાટી મચી ગઇ હતી. તેમજ અમરેલીમાં ચાંચ બંદરની યુવતીનું સ્વાઇન ફલૂથી મોત નિપજ્યું હતું. તથા રાજકોટ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ દાખલ છે તે પૈકી છની હાલત ગંભીર છે.જામનગર તાલુકાના સપડા ગામના અમીબેન હીરાભાઇ (ઉ.વ.૨૫)ને સ્વાઇન ફ્લૂની આશંકાએ જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે તેમનું મોત નિપજ્યું હતું. અમીબેન સગભૉ હોય તેમના મોતથી અરેરાટી મચી ગઇ હતી. મહિલાના મૃત્યુ સાથે જામનગર સ્વાઇન ફ્લૂ વોર્ડનો મૃત્યુઆંક ૨૪ થયો હતો.રાજકોટ મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૨૬ સેમ્પલનું પ્રુથ્થકરણ થયું હતું. જેમાંથી ૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૩૦ દર્દીઓ દાખલ છે જેમાંથી ૨૪નો રિપોર્ટ પોઝિટિવ છે અને પોઝિટિવ પૈકીના ૬ દર્દીઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


ઉપલેટામાં સૂપડાધારે આઠ ઇંચ વરસાદ : જનજીવન ઠપ્પ

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાનું નવું અને ઝંઝાવાતી રાઉન્ડ શરૂ થયું છે. ત્યારે ઉપલેટામાં રવિવારે આઠ ઇંચ જેવો ભારે વરસાદ પડતાં સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું. બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ રાત્રે પણ ચાલું રહ્યો હતો અને વરસાદનું જોર જોતાં હજુ તેનો આંક વધે તેવી સંભાવના દર્શાતી હતી.ઉપલેટામાં બપોરે ૩:૩૦ વાગ્યે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પ્રારંભે જોરદાર ઝાપટું વરસ્યા બાદ મેઘસવારી થંભી ગઇ હતી. પરંતુ ત્યારબાદ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું આકાશ જાણેકે નીચોવાતું હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અતિ ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર નદીઓ દોડવા લાગી હતી. ઝીરાપા પ્લોટ, યાદવ ચોક, અશ્વિન ચોક, મુરખડાનો માર્ગ વગેરે વિસ્તારોમાં તો ગોઠણડૂબ પાણી ભરાયા હતા. શહેરના અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકાર થઇ ગયું હતું.ભારે વરસાદના કારણે લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં શહેરમાં મેઘરાજાનો કફ્યું લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાણી હતી. રવિવારે સામાન્ય રીતે સહેલાણીઓથી ઉભરાતા હરવા ફરવાના સ્થળો પર કાગડા ઉડતા હતા. ઉપલેટા પાસેથી પસાર થતી મોજ નદીમાં પણ નવા નીર સાથે પૂર આવ્યું હતું.ઉપલેટાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. તાલુકાના પાટણવાવ, સમિઢયાળા, વરજાંગણિયા, નાગવદર, ઇસરા, ગણોદ વગેરે ગામોમાં પણ ત્રણથી છ ઇંચ સુધીના વરસાદના વાવડ છે.સરકારી ચોપડે ઉપલેટામાં સત્તાવાર રીતે આઠ ઇંચ વરસાદ નોંધાયા બાદ પણ રાત્રે મેઘસવારી ચાલુ રહેતા તે આંક હજુ પણ વધે તેવી સંભાવના છે.

No comments:

Post a Comment