visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટવાસીઓ નાચો, ઝૂમો ભાદર-આજી છલકાવાની અણીએ
રવિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અને પરિણામે જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં તેમજ આજી ડેમમાં એક ફૂટની આવક થતાં આ બન્ને જળાશયો ઓવરફ્લો થઈ જાય તેવા મંગલમય એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે.ભાદર ડેમમાં ગઇકાલ સુધી ૩૧.૨૫ ની સપાટી હતી. તેમાં રાત્રે નવ વાગ્યા સુધીમાં દોઢ ફૂટ પાણી આવતા સપાટી ૩૨.૫૦ ફૂટ પર પહોંચી હતી. ભાદર ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર દોઢ ફૂટ બાકી રહ્યું છે. એ જ રીતે આજી ડેમમાં એક ફૂટની નવા નીરની આવક થતાં તેની સપાટી ૨૬ ફૂટ પર પહોંચી છે. આજી ડેમ ૨૯ ફૂટે ઓવરફ્લો થાય છે. ત્યારે આ વર્ષે એ ડેમ છલકાઈ જવાની સંભાવના નજરે પડી રહી છે. દર વર્ષે પાણીની અછતથી પિડાતા રાજકોટને આખા વર્ષનું પાણીનું સુખ મેઘરાજાએ ભેટ ધરી દીધું છે. શહેરને પાણી પૂરું પાડતા આજી ડેમ તથા જેતપુર પાસેના ભાદર ડેમમાં રવિવારે પડેલા વરસાદને પગલે પાણીની ધીંગી આવક શરૂ થઈ હતી અને બન્ને જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાવા લાગ્યો હતો. બન્ને જળાશયોના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં રાજકોટની જીવાદોરી સમાન આ બન્ને ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ હતી.રાત્રે આ લખાય રહ્યું છે ત્યારે પણ આજી અને ભાદર બન્ને ડેમમાં પાણીની આવક ચાલું છે. અને જે રીતે ધસમસતા નીર આ જળાશયોમાં છલકાઇ રહ્યાં છે તે જોતા સવાર સુધીમાં બન્ને ડેમમાં વધુ એક-એક ફૂટ પાણીની આવક થશે તેવી મંગલમય સંભાવના તંત્રવાહકોએ દર્શાવી હતી.જે રીતે રાત્રે પણ પાણીની આવક ચાલુ રહી હતી તે જોતા સોમવાર સાંજ સુધીમાં ઓવરફ્લોના શુભ સમાચાર મળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજી-૨ ડેમમાં પણ નવા નીરની આવક થઇ હતી. આ ડેમના ત્રણ દરવાજા પહેલેથી જ એક ફૂટ ખુલેલા રાખવામાં આવ્યા છે અને આજે નવા નીરની આવકને પગલે એ ત્રણે દરવાજામાંથી પાણીની પ્રચંડ રાશી છલકાઇ ઉઠી હતી.
નોકિયાનો ધમાકો!,રૂ. 500 માં નવો મોબાઇલ
એક તરફ જ્યાં કાર્બન, માઇક્રોમેક્સ અને ઝેન જેવી ભારતની દેસી મોબાઇલ કંપનીયોએ બજારમાં સસ્તા મોબાઇલ ફોન્સની કતાર લગાવી છે, ત્યાં હવે દુનિયાભરના મોબાઇલ માર્કેટમાં પોતાનુ જબરદસ્ત વર્ચસ્વ ધરાવનાર મોબાઇલ કંપની નોકિયાએ પણ પોતાનો પડકાર ફેંકવાની તૈયારી કરી લીધી છે.અને આ કંપનીયોને ધોબી પછાડ આપીને નોકિયા ભારતમાં માત્ર પાંચસો રૂપીયાનો મોબાઇલ હેન્ડસેટ લૉન્ચ કરવા જઈ રહી છે. અત્યારે ભારતમાં નોકિયા કંપનીનો સૌથી સસ્તો મોબાઇલ છે, નોકિયા-1208. આ મોબાઇલની કિંમત છે 1500 રૂપીયા. માનવામાં આવી રહ્યુ છે કે નોકિયાનો રૂ. 500 નો અલ્ટ્રા લો કૉસ્ટ મોબાઇલ ફોનનાં ફિચર્સ નોકિયા-1208થી મળતા-આવતા હશે.વાસ્તવમાં ભારતીય મોબાઇલ ફોનના બજારમાં નોકિયાની ભાગીદારી સૌથી વધારે છે. પણ ફિનલેન્ડની આ કંપનીને કિંમતોની બાબતમાં દેશી કંપનીયો તગડી ટક્કર આપી રહી છે. અને તેઓનુ વેચાણ પણ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે હવે નોકિયાએ પણ પોતાનો માત્ર પાંચસો રૂપીયાનો આકર્ષક મોબાઇલ ફોન બજારમાં મુકવાનો નિર્ણય કરી લીધો છે.
પ્રજાપતિ પરિવાર પર વજ્રઘાત, એક સાથે પાંચના મોત
જસદણના ભાડલા ગામે રહેતા અને પુત્રી માટે રાજકોટમાં મુરતિયો જોઇને પરત ફરી રહેલા પ્રજાપતિ ભગાભાઇ ગોવિંદભાઇ સરેરીયા અને તેના પરિવારના છ સભ્યો સહિત આઠ વ્યક્તિ ભારે વરસાદના કારણે ભીડભંજન રોડ પર બેઠા પૂલમાં ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહમાંથી એકબીજાના હાથ પકડીને પસાર થવાના પ્રયાસમાં તણાઇ ગયા હતા.બે વ્યક્તિને ત્યારે જ બચાવી લેવાયા હતા. જ્યારે લાપત્તા અન્ય છ વ્યક્તિને શોધવા રેસ્કયુ ઓપરેશન શરૂ કરાતા આજે સવારે પાંચ હતભાગીના મૃતદેહ મળી આવતા પ્રજાપતિ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક વ્યકિત હજી લાપત્તા છે.ભાડલાના ભગાભાઇ રાજકોટથી યુટીલીટી જીપમાં પરિવાર સાથે પરત ગામ જઇ રહક્ષ્યા હતા. ધોધમાર વરસાદના કારણે પૂલ ઉપર ભરાયેલા પાણી જોઇને જીપના ચાલકે આગળ વધવામાં જોખમ છે તેમ કહેતા આઠેય વ્યક્તિ જીપમાંથી ઉતરીને એકબીજાના હાથ પકડી પાણીના પ્રંચડ પ્રવાહમાંથી નિકળવા આગળ વધ્યા હતા. કમનસીબે તમામ સભ્યો પ્રવાહમાં તણાવા લાગતા મદદ માટે બૂમાબૂમ કરી હતી. ગ્રામજનો અને મામલતદાર સહિતના આગેવાનો પહોંચી જતા ભગાભાઇ અને હિતેષ પ્રકાશભાઇ કાકડિયાને બચાવી લેવામાં સફળતા મળી હતી. પરંતુ, અન્ય છ વ્યક્તિ ધસમસતા વ્હેણમાં તણાઇ જતાં રાજકોટ ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શાહ જન્માષ્ટમી જેલમાં મનાવશે
અમિત શાહની જામીન અરજીની સુનાવણી 7 સપ્ટેમ્બર સુધી મુલતવી. આજે ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અને જેલમંત્રી અમીત શાહના જામીન અંગેની સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જે સુનાવણીને સાત સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.છેલ્લા ઘણા દિવસથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનાવણી હતી. શાહની જામીનની સુનાવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના હતી.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો હતો. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના તબક્કે રદ કરાઇ હતી.
શેરબજારમાં અમિત શાહના ૨૦૦ કરોડ
પૂર્વગૃહ રાજ્યમંત્રી અમિત શાહની મુશ્કેલીઓ હજુ ઓછી થતી નથી. અમિત શાહ અને એડીસી બેંકના ફરાર ડાયરેક્ટર યશપાલ ચુડાસમાનું શેરબજારમાં ૨૦૦ કરોડનું જંગી રોકાણ હોવાની વિગતો સીબીઆઇને મળી છે. અમદાવાદના એક શેરબ્રોકર મારફત શાહે કરોડોનું રોકાણ કર્યું છે, જે પેટે ૭૦ કરોડ ચૂકવવાના બાકી હોવાની પણ વિગતો મળી છે. આ માહિતીને આધારે સીબીઆઇએ તપાસ શરૂ કરી દીધી છે.સોહરાબુદ્દીન કેસમાં અભય ચુડાસમાની ધરપકડ બાદ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને ડાયરેક્ટર યશપાલ ચુડાસમા લાંબા સમયથી ફરાર છે. યશપાલ મારફત અમિત શાહે શેરબજારમાં કરોડો રૂપિયાનું રોકાણ ક્યું છે. શાહ સાથે યશપાલ ચુડાસમાએ પણ કરોડો રૂપિયાનું રોકાણ ક્યું હોવાની વિગતો સીબીઆઇને મળી છે.અમિત શાહ અને યશપાલ ચુડાસમા અગાઉ લિસ્ટેડ બ્રોકરને ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ કરતા હતા પરંતુ કાળું નાણું હોવાથી આ લિસ્ટેડ બ્રોકરને ત્યાં રોકાણ કરવાનું બંધ કરીને અમદાવાદના એક શેરબ્રોકરને ત્યાં રોકાણ કરવાનું શરૂ ક્યું હતું. આ શેરબ્રોકરને રોકાણ પેટે રૂ. ૭૦ કરોડ ચૂકવવાના બાકી છે. સીબીઆઇએ શાહ અને ચુડાસમા કોના નામે રોકાણ કરતા હતાં અને બીજે ક્યાં ક્યાં રોકાણ ક્યું છે તેની માહિતી શોધવામાં લાગી ગયા છે.
અમદાવાદ : આજે અમીત શાહ ભુલાઇ ગયા
અમદાવાદના મેઘતાંડવે આજે અમીત શાહને ભુલાવી દીધા હતા અને આજે રાજ્યમાં ચર્ચાનો વિષય બદલાયો હતો. છેલ્લા સત્તર દિવસથી ગુજરાતમાં ચર્ચાનો એક જ મુ્દ્દો રહેતો હતો અને તે હતા.મંત્રીમાંથી મુદ્દો બનેલા અમીત શાહ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ, પરંતુ ગત રાત્રિથી અમદાવાદમાં સતત વરસેલા વરસાદે આજે અમીત શાહે ભુલાવી દીધા હતા. અને આજે ચર્ચાનો મુદ્દો બની રહ્યો હતો અમદાવાદનો ૧૨ ઇંચ વરસાદ.આમતો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ જાન્યુઆરી મહિનાથી સીબીઆઇને સોંપવામાં આવી છે. પરંતુ ગત તા. ૨૩મી જુલાઇએ જ્યારે સીબીઆઇએ કોર્ટમાં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમીત શાહ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી ત્યારથી ગુજરાતમાં અને લગભગ દેશભરમાં ચર્ચાનો વિષય માત્ર અને માત્રઅમીત શાહ બની રહ્યા હતા.
અમિત શાહ પર ૩૦૦ પ્રશ્નોની ઝડી
કૌસરબીની હત્યા અંગે પણ પ્રશ્નો પૂછાયા, સીબીઆઇના પ્રશ્નોના જવાબ આપતા ઉપવાસી શાહ રીતસરના હાંફી ગયા, પૂછપરછ પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદસોહરાબુદ્દીનના બોગસ એન્કાઉન્ટરમાં અમિત શાહના રિમાન્ડના પ્રથમ દિવસે જ સીબીઆઇએ ૩૦૦ જેટલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જો કે જેલની અંદર પૂછપરછ દરમિયાન શાહે આપેલા અસહકારનો સિલસિલો અહીં પણ યથાવત રહ્યો હતો. મોટાભાગના પ્રશ્નોના જવાબમાં તેમણે, ‘ મને યાદ નથી અને મારે જોવું પડશે’ તેમ કહી જવાબો ટલ્લે ચઢાવ્યા હતા. સતત ૧૦ કલાક જેટલી ચાલેલી પૂછપરછમાં શનિવારે ઉપવાસ રાખતા શાહ સાંજ સુધી રીતસરના હાંફી ગયા હતા.તેમને સોહરાબનું એન્કાઉન્ટર, કૌસરબીની હત્યા, સોહરાબની સોપારી કોણે આપી હતી અને પટેલ બંધુઓ પાસેથી તેમણે ખરેખર કેટલા પૈસા લીધા ત્યાંથી લઇને તપાસ અધિકારીઓની વારંવારની બદલી સહિતના ઢગલાબંધ સવાલોની ઝડી વરસાવાઇ હતી. શાહને અન્ય કોઇ રીતે ટોર્ચર કરવામાં આવ્યા ન હતા.આ પૂર્વે સાબરમતી જેલમાંથી બંદોબસ્ત વચ્ચે શાહને સવારે ગાંધીનગર સીબીઆઇની કચેરી ખાતે લઇ જવાયા હતા. સીબીઆઇની કચેરી ફરતે પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પૂછપરછ પહેલાં તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરંતુ તબીબો પાસે તપાસ કરાવતા સ્નાયુનો સામાન્ય દુખાવો હોવાનું નીકળ્યું હતું. કચેરી ખાતે મીડિયાકર્મીઓ સિવાય ભાજપના કોઇ કાર્યકર ફરક્યા ન હતા. રાત્રે ૮.૩૦ સુધી પૂછપરછ ચાલ્યા બાદ અમિત શાહને સીબીઆઇના લોકઅપમાં લઇ જવાયા હતા.સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે રિમાન્ડના પહેલા દિવસે અમિત શાહને કચેરીમાં એક રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમના વકીલોને હાજર રાખવાની મંજુરી અપાઇ હતી. પરંતુ તેઓ શાહને પૂછાતા પ્રશ્નો સાંભળી ન શકે તેટલા દૂર બેસાડવામાં આવ્યા હતા. તે પછી અધિકારીઓ દસ્તાવેજો સાથે રાખીને રિમાન્ડની શરૂઆત કરી હતી.
SMSથી લડાય રહ્યું છે, રામમંદિરનું યુદ્ધ !
અયોધ્યામાં બાબરી મસ્જિદને લઈને ચુકાદો આવવામાં ભલે થોડા દિવસોનો સમય બાકી હોય, પરંતુ હાલના દિવસોમાં એસએમએસ દ્વારા રામમંદિરની લડાઈ લડાય રહી છે.રામમંદિર અને ભગવાના સમર્થનમાં ઘણાં એસએમએસ દેશભરમાં આગની જેમ ફેલાયા છે. એટલું જ નહીં, સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ અને બ્લોગ દ્વારા પણ હિંદુવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો રામમંદિરના ટેકામાં જનમત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.જો કે આ એસએમએસ આધિકારીકપણે હિંદુવાદી સંગઠનો દ્વારા પ્રસારીત કરાયા નથી. પરંતુ તેમની વિચારધારા સાથે જોડાયેલા લોકો આ સંદેશને ખૂબ ઝડપથી ફેલાવી રહ્યાં છે.સપ્ટેમ્બરના મધ્યમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌની વિશેષ ખંડપીઠ અયોધ્યાના વિવાદીત સ્થળના માલિકી હક સંદર્ભે ચુકાદો આપવાની છે.
રાષ્ટ્રપતિની પુત્રીએ 37 એકર સરકારી જમીન પર કબ્જો કર્યો?!
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની પુત્રી પર પુણેમાં સરકારી જમીન પર કબ્જો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ-બેંગલુરુ હાઈવે પર જાંબે ગામ નજીક 37 એકર જમીનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની પુત્રી જ્યોતિ રાઠોડ દ્વારા સંચાલિત ટ્રસ્ટને સોંપવા સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે. આરોપ છે કે મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ મંત્રી જયંત પાટિલને પણ આ જમીનમાં થોડો ભાગ મળ્યો છે.એક ખાનગી ટીવી ચેનલે દાવો કર્યો છે કે આ જમીનને રાષ્ટ્રપતિની પુત્રીના ટ્રસ્ટને સોંપવા સંદર્ભેના દસ્તાવેજો તેની પાસે છે. ચેનલના જણાવ્યા પ્રમાણે, આ જમીન જ્યોતિ રાઠોડના ટ્રસ્ટના નામે આવંટિત છે. આ ટ્રસ્ટ જ્યોતિ રાઠોડના ઘરના સરનામે નોંધાયેલું છે.સ્થાનિક પંચાયતના સભ્ય લક્ષ્મણ ગાયકવાડ કહે છે કે ગ્રામીણ કોઈ બહારી વ્યક્તિને ગામની જમીન આપવાની વિરુદ્ધ છે, કારણ કે અહીં ખુદ ખેડૂતો માટે જમીન નથી. સ્થાનિક પંચાયત કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારની એનસીપી સાથે જોડાયેલી છે. તેમના પર ગામની દસ એકર જમીન જયંત પાટિલ દ્વારા સંચાલિત શૈક્ષણિક ટ્રસ્ટને અને 17 એકર જમીન જ્યોતિ રાઠોડના ટ્રસ્ટને આવંટિત કરવાનો આરોપ છે.
‘સિડની ટેસ્ટ પણ ફિક્સ હતી’
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ ફિક્સ હોવાની વાત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે, ત્યારે લંડનના બુકીએ વધુ એક દાવો કર્યો છે કે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટ પણ ફિક્સ હતી.આ સમગ્ર વાતનો ધડાકો મેચ ફિક્સર માઝહર માજિદે કર્યો છે. જેને પોલીસે ધરપકડ બાદ જામીન પર છોડી મુક્યો છે. પાકિસ્તાનની ઓસ્ટ્રેલિયા સામે તે બીજી ટેસ્ટ હતી. જે મેચ પાકિસ્તાન જીતે તેવું સ્પષ્ટ હતું છતા તે હારી ગયું હતું. આ મેચમાં 36 રને ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ જેમ્સ સુથરલેન્ડે કહ્યું હતું કે આ અહેવાલથી અમને પણ આંચકો લાગ્યો છે અને બ્રિટનના સત્તાવાળોની તપાસના પરિણામની રાહ જોઈ રહ્યાં છીએ.
એશિયન બજારમાં અધધધ..તેજી
અમેરિકાના બીજા ત્રીમાસીક ગાળાના જીડીપી આંકડા ધાર્યા પ્રમાણે નબળા નથી જોવા મળ્યા, જેના પરિણામે જાપાનના નિક્કઈમાં ચોતરફ ખરીદારી થતી જોવા મળી રહી છે. યેનની મજબૂતાઈમાં લગામ લગાવા માટે બેન્ક ઑફ જાપાનની આજે એક ઇમર્જન્સિ બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકના કારણે ડૉલરની સરખામણીએ યેનમાં મજબૂતાઈમાં ઘટાડો થયો છે. ખાસ કરીને નિકાસ સાથે જોડાયેલી કંપનીયોના શરોમાં શૉર્ટ કવરિંગ જોવા મળી રહી છે.નિક્કઈમાં 250 અંક એટલે કે 2.79 ટકાનો ઉછાળો છે. તાઇવાન વેટેડમાં 0.7 ટકાનો વધારો છે. કૉસ્પીમાં 1.52 ટકાની તેજી જોવા મળી રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.8 ટકાની તેજી છે. આ તરફ ચીનનો શંઘાઈ કંપોજિટ સપાટ છે.
સુપ્રિમે પુછ્યું સાધ્વી પ્રજ્ઞાને જામીન કેમ ન આપી શકાય?
સુપ્રિમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન મામલે જવાબ આપવા જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે માલેગાંવ વિસ્ફોટની મુખ્ય આરોપી પ્રજ્ઞા સિંહ હાલ નાસિક જેલમાં બંધ છે. સાધ્વી પ્રજ્ઞા સિંહે જામીન અરજી આપી હતી. જેને નામંજૂર કરવામાં આવી હતી.હવે સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલી સરકારને ચાર સપ્તાહમાં જવાબ આપવા માટે જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે પુછ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાને જામીન કેમ ન આપવામાં આવે?મહત્વપૂર્ણ છે કે શુક્રવારે જ એક વિશેષ મકોકા કોર્ટે નાસિક જેલના વહીવટી તંત્રને નોટિસ મોકલીને કહ્યું હતું કે સાધ્વીને નાસિક આયુર્વેદિક હોસ્પિટલથી મુંબઈની જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે.સાધ્વી પ્રજ્ઞા સિંહનો નાસિક આયુર્વેદિક હોસ્પિટલમાં ગત વર્ષ જુલાઈથઈ ટયૂમરનો ઈલાજ ચાલી રહ્યો છે. આ મામલામાં અન્ય આરોપીઓને મુંબઈની તલોજા જેલમાં બંધ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટે સાધ્વી અને અન્ય આરોપીઓ પરથી મકોકા હટાવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે સાધ્વીને નાસિક જેલમાં રહેવાની મંજૂરી મળી હતી.
કોઈ સવર્ણ મુખ્યમંત્રી નહીં બની શકે: લાલુપ્રસાદ યાદવ
રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવે રવિવારે કહ્યું હતું કે બિહારમાં ઉંચી જાતિના કોઈપણ નેતાનું રાજ્યના મુખ્યમંત્રી બનવું અઘરું છે. જો કે તેમણે સવર્ણોને પોતાના તરફ આકર્ષવાની કોશિશો તો શરૂ કરી દીધી છે.રાષ્ટ્રીય જનતા દળના પ્રદેશ કાર્યાલયમાં આયોજીત એક સમારંભમાં ભૂતપૂર્વ મંત્રી અશોક કુમાર સિંહ સહીત કેટલાંક અન્ય લોકોના પાર્ટીમાં સામેલ થવાનું સ્વાગત કરતાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે એ તેમની દેણ છે કે બિહારમાં સવર્ણોને મુખ્યમંત્રી બનાવાની કોઈ હિંમત કરતું નથી.બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા બાદ સવર્ણ વોટબેંક પર નજર લગાવીને બેઠેલા લાલુએ આર્થિકપણે પછાત સવર્ણો માટે સરકારી નોકરીમાં દસ ટકા અનામતનો ચારો પણ ફેંક્યો છે.બિહારની નીતિશ કુમાર સરકાર પર પગથી માથા સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગવાતા લાલુએ કહ્યું હતું કે રાજ્યમાં આરજેડી-લોક જનશક્તિ પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.
રાજધાની એક્સપ્રેસનો કોચ પાટા પરથી ઉતર્યો
પશ્ચિમ બંગાળમાં હુગલી નજીક આજે દિલ્હી-હાવડા રાજધાની એક્સપ્રેસ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ છે. પંરતુ ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો છે. આ દુર્ઘટનામાં કોઈપણ યાત્રીઓના માર્યા જવાના અહેવાલ નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સવારે હુગલીના બરુઈપાડા સ્ટેશન નજીક થઈ હતી. ટ્રેનના પાટાનો એક ભાગ તૂટી ગયો હોવાથી આ દુર્ઘટના થઈ હોવાનું જણાવાય છે. ડ્રાઈવરે સાવધાની દાખવીને ટ્રેનને રોકી લેતા માટી દુર્ઘટના થતાં રહી ગઈ છે.દિલ્હીથી આવી રહેલી રાજધાની એક્સપ્રેસને આજે સવારે સાડા નવ કલાકે હાવડા પહોંચવાનું હતું. હાલ ટ્રેન દુર્ઘટના સ્થળે થોભી ગઈ છે. આ ઘટના સંદર્ભે માહિતી મળતા જ રેલવેના અધિકારી અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.
પરિણીતાને મોઢે ડૂચો દઇ પાડોશીનો બળાત્કાર
ખાંભાના ખોડી ગામે દેવીપૂજક પરિણીતા ઘરની ઓસરીમાં સૂતી હતી અને પરિવારજનો મજૂરી કામે ગયા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા પાડોશી યુવાને મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હતો.બનાવ અંગે ખાંભા તાલુકાના ખોડી (રૂગનાથપુર) ગામના દડુ મનજી ડાભી નામના દેવીપૂજકની યુવાન પત્નીએ ખાંભા પોલીસ મથકમાં તે જ ગામના વલકુ અરજણ ડાભી નામના દેવીપૂજક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે બળાત્કારની આ ઘટના પાંચ દિવસ પહેલા બપોરે બારેક વાગ્યે બની હતી.બનાવના દિવસે આ મહિલા ઘરે એકલી હતી. તેનો પતિ, સાસુ, સસરા, બે દિયર અને દેરાણી ખેત મજૂરી માટે સીમમાં ગયા હતા. પોતે બીમાર હોય ઘરની ઓસરીમાં ખાટલો નાખીને સૂતી હતી ત્યારે વલકુ અરજણ ત્યા ધસી આવ્યો હતો અને તેની જ સાડી વડે મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે તે રાડારાડ પણ કરી શકી ન હતી.બાદમાં પરિવારજનો વાડીએથી પરત આવ્યા ત્યારે તેણે આ ઘટના અંગે જાણ કરી હતી અને આખરે ફરિયાદ નોંધાવી હતી.
7 વર્ષનો બાળક, બ્રિટનનો આર્થિક સલાહકાર!
આમતો સાત વર્ષની ઉમરમાં બાળકોને રમવા કૂદવાના દિવસો હોય છે. પરંતુ અમે જે બાળક વિશે વાત કરી રહ્યા છીએ તે આટલી નાની ઉમરમાં જ બ્રિટન સરકાર માટે આર્થિક સલાહકાર તરીકે કામ કરી રહ્યો છે. આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે.બ્રિટનના ઑસ્કર સેલ્બીએ માત્ર સાત વર્ષની ઉમરમાં એ કામ કરી બતાવ્યુ છે જેને કરવા માટે ભલભલા લોકોને પણ આંખે અંધારા આવી જાય છે. પાછલા મહિને જ ઑસ્કરે બ્રિટનમાં ગણીત વિષયમાં જનરલ સર્ટિફિકેટ ઑફ સેકેન્ડ્રી એજ્યૂકેશન ટેસ્ટ એટલે કે જીસીએસઈમાં 'A+' ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.ખાસ કરીને બ્રિટનમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે. જ્યારે ઑસ્કરે માત્ર આ પરીક્ષામાં ભાગ જ નથી લીધો, સાથે-સાથે તેણે 'A+' ગ્રેડ પણ પ્રાપ્ત કરીને ભલભલાને આશ્ચર્યચકિત કરી દીધા છે.પાછલા શનિવારે ઑસ્કર બ્રિટનના નાણામંત્રી જ્યૉર્જ ઑસ્બૉર્ન સાથે મળ્યો હતો અને સલાહ આપી હતી કે કરદાતાઓના પૈસાથી બેન્કોનુ ફન્ડિંગ કરવાનુ બંધ કરી દેવુ જોઈએ અને બેન્કોને અત્યાર સુધી આપવામાં આવેલા પૈસાને પરત લેવાનુ શરૂ કરી દો.
આટલુ જ નહી ઑસ્કરે બ્રિટનને 170.8 અબજ ડૉલરની બજેટ ખાધ અંગે પણ નાણામંત્રીને સલાહ આપતા કહ્યુ કે આને પહોચી વળવા માટે કરોમાં વૃદ્ધિ કરવામાં આવે અને રોજગારીની તકોને ઝડપથી વધારવામાં આવે. સાથે જ ઑસ્કરે બ્રિટનના નાણામંત્રીને આ સલાહ પણ આપી હતી કે સરકારે વૃદ્ધોની સારસંભાળ અને પાકિસ્તાનમાં આવેલા પૂર જેવા સંકટોમાં ખર્ચ કરવો જોઈએ.આ નાના બાળકની સલાહથી તો બ્રિટનના દિગ્ગજ આર્થિક પંડિતો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આટલી નાની ઉમરમાં આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ઑસ્કર વિશે તમારૂ મંતવ્ય શું કહે છે, ચોક્કસ અમને નિચે આપેલા ફીડબેકમાં લખી મોકલાવશો.
શાહરૂખ જ બનશે ધુમ 3નો વિલન
સંજય ગઢવી યશરાજ ફિલ્મમાં પાછો ફર્યો છે. ઉલ્લેખનિય છે કે સંજય ગઢવીની પ્રોડ્યુસર અને કોર્પોરેટ હાઉસ સાથે કેટલીક કાયદાકીય બાબતે અણબનાવ ચાલી રહ્યાં હતાં હાલમાં તેનો ઉકેલ આવી જતા તેઓ યશરાજ કેમ્પમાં પાછા ફર્યા છે. તેની ગત ફિલ્મ કિડનેપ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. તેમજ ફિલ્મનાં નાણાં એડવાન્સમાં લેવાં છતાં ફિલ્મ નક્કી સમયાનુસાર તૈયાર ન થવાથી તેમનાં વચ્ચે બબાલ થઈ હતી. તેથી તે થોડા સમય માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર થઈ ગયો હતો. સંજયની છેલ્લી હિટ ફિલ્મ ધૂમ 2 હતી અને હવે તે તેની નવી શિક્વલ લઈને પાછો ફરી રહ્યો છે.હવે તે જ્હોન અબ્રાહમ અને રિતીક રોશન બાદ તે શાહરૂખ ખાનને નેગેટિવ શેડમાં દર્શવવાં ઈચ્છે છે. આ માટે એસઆરકે સાથે પણ વાત થઈ ગઈ છે. તો એસઆરકેની કારકિર્દીનાં શરૂઆતનાં દિવસોમાં જે રિતે યશરાજ પ્રોડક્શન તેની પડખે આવ્યું હતું તે વાત તે ભુલ્યો નથી તેથી જ તેણે આ ફિલ્મમાં કામ કરવાનું તુંરત હા પાડી દીધી હતી.ફિલ્મમાં શાહરૂખ જ નેગેટિવ ભૂમિકામાં હશે તેની અધિકૃત જાહેરાત આગામી સેપ્ટેબંર મહિનામાં યશ ચોપરાનાં 75માં જન્મ દિવસે થશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment