30 December 2009
પાક.માં આશુરા દિને વિસ્ફોટ:૩૫નાં મોત, ૮૦થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં મહોરમના દિવસે શિયાઓ દ્વારા યોજાયેલા આશુરાના જુલૂસ દરમિયાન થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં ૩૫ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી હતી.પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં થયેલા આ આત્મઘાતી હુમલામાં આઠ વ્યક્તિનાં મોત નીપજયાં હતાં જ્યારે કરાચીમાં રવિવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. મહોરમ નિમિત્તે નીકળતા જુલૂસના રૂટ પર સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર તમામ સુરક્ષા વ્યવસ્થાના ચિંથરા ઉડાવી અંદર ઘૂસી ગયો હતો અને વિસ્ફોટ કરી નિર્દોષ લોકોના જીવ લીધા હતા. કરાચીમાં તાજેતરમાં લઘુમતી સમુદાય પર થયેલો આ ત્રીજો વંશીય હુમલો છે.જિલ્લા વહીવટીતંત્રના વડા જાવેદ હનિફે જણાવ્યું હતું કે બોંબ વિસ્ફોટમાં કુલ ૩૫ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે ૮૦થી વધુને ઈજા પહોંચી છે. હુમલાખોરનું માથું મળતાં નક્કી થયું છે કે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઈમામબાગ નજીક જુલૂસ જઈ રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ અહીં ભારે નાસભાગ મચી ગઈ હતી.લોકોને કાબૂમાં લેવા પોલીસે તુરંત હવામાં ગોળીબાર કર્યો હતો. વિસ્ફોટ બાદ તુરંત બચાવ કામગીરી આરંભી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હુમલાબાદ કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment