રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કોર્પો.ની ટીમે ધક્કો મારતા વેપારીનું મોત તંગદિલી
નવા વર્ષના પ્રથમ જ દિવસે રાજકોટના હાર્દ સમાન એસ્ટ્રોન ચોકમાં આજે બપોરે ઉઘરાણા કરવા નિકળેલી મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફે ફ્રુટના વેપારી સાથે દાદાગીરી કરી ધક્કે ચડાવતાં વેપારી પ્રૌઢનું પડી જતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવના પગલે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને રોષે ભરાયેલા વેપારીઓએ જગ્યા રોકાણ શાખાની જીપમાં તોડફોડ કરી ઉંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો અને હળવો લાઠીચાજ કરી તોફાને ચડેલા વેપારીઓ અને ટોળાને ભગાડી મુકયા હતાં. બીજી બાજુ વેપારીઓનો રોષ જોઈને જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ જીવ બચાવવા મુઠીઓ વાડી હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં વીર જલા સીઝન સ્ટોર્સ નામની ફ્રુટની દુકાન ધરાવતાં વેપારી અનિલભાઈ વલ્લભદાસ કુંડલીયા (ઉ.વ.૫૮) આજે બપોરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે જગ્યા રોકાણ શાખાની જીપ જી.જે.૩-ડીડી-૨૦૨૯ તેમની દુકાન પાસે આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ થી ચાર અધિકારીઓ અને કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં. જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દુકાનની બહાર ટેબલ નાંખી ફ્રુટનો વેપાર કરતાં વેપારી પ્રૌઢ પાસે દંડની માગણી કરી હતી અને રૂપિયા ૫૦૦ દંડ ન ભરવો હોય તો રૂા.૨૦૦ આપો તેમ કહ્યું હતું જેમાં રકજક થતાં સ્ટાફે ટેબલ પર પડેલ ફ્રુટ ભરવા લાગ્યા હતાં. દાદાગીરીનો વેપારી પ્રૌઢે વિરોધ કરતાં ઉશ્કેરાયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે લોહાણા પ્રૌઢને ધકકો મારી દીધો હતો જેના કારણે તેઓ રોડ પર પડી જતા આઘાતના કારણે તેમને હાર્ટએટેક આવી જતાં વેપારીનું ધટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment