ગુજરાતના વિકાસમાં પ્રત્યેક સરકારનો ફાળો મોટો છે:નરેન્દ્ર મોદી
મહાનુભાવોની ઐતિહાસિક પરિષદમાં ગુજરાતના વિકાસ માટેનો સર્વ પક્ષિય સંકલ્પ,
ભારતના તમામ રાજ્યો ગુજરાત નું અનુકરણ કરે:અડવાણી, વિતરણ વિનાની સમૃદ્ધિ ખરાબ છે,સંસ્કારના ઝરણાં જોઇએ :કેશુભાઇ, સત્ય સાદગી અને સ્વચ્છતા રાખી સ્વચ્છંદતા દૂર કરો:દિનશા પટેલ
ગુજરાતના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાન સભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજ્યના ભાવિ વિકાસ માટે વાદ કે વિવાદથી દૂર રહી એક સાથે આગળ વધવાનો સર્વ પક્ષિય સંકલ્પ પારિત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની રજુઆત વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જો કે માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. તેઓ અણગમો છુપાવી શકયા ન હતા. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજ્યમાં થવી જોઇએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓની ગેરહાજરી નોંધ પાત્ર બની હતી. ગુજરાત વિધાન સભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ઉંમરના કારણે તેમની શારિરીક સ્થિતિ નબળી પડી હતી એવા સભ્યો પણ ઉત્સાહ સાથે આવ્યા હતા. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે વિધાન સભા ગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીના ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યક્તિનું યોગ દાન નથી પરંતું વિકાસની ઉંચાઇઓ સર કરવામાં પાયો નાંખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. ૭૦૫ જેટલા આમંત્રિતોથી શોભી ઉઠેલી આ પરિષદ સભા સમક્ષ મોદીએ કહ્યું હતું કે અમે લોક સભા, રાજ્ય સભા અને વિધાન સભાના તમામ ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો ૨૦૧૦ના વર્ષને સુવર્ણ તક ગણી રાજ્યના વિકાસ માટે સમર્પિત થઇએ છીએ. હું માનું છું કે રાજ્યની પ્રગતિમાં નીચે ઉભેલા લોકોનો પુરુષાર્થ, યોગ દાન તેમજ તેમના જીવનના અમૂલ્ય દિવસોનો ભોગ છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તા સ્થાને આવેલા તમામ મુખ્ય મંત્રીઓનો ઋણી છું. આખા વર્ષ દરમિયાન જન ભાગીદારીથી વિકાસની મંઝીલ ઉભી કરવાની છે અને વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.
પ્રજાના સપનાને પુરા કરવા માગતા સરકારના સ્વર્ણિમ સંકલ્પને વધાવી રાજ્યપાલ ડો. કમલા બને કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસના કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લા પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્ય મંત્રીઓએ રાજ્યનો નિરંતર વિકાસ કર્યો છે. હું રાજસ્થાની છું અને અમારા રાજ્યએ ગુજરાતને સગા ભાઇની જેમ જોયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સચ્ચાઇ શિખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. શ્વેત ક્રાન્તિના જનક એવા ગુજરાતે ઔધ્યોગિક ક્રાન્તિમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કયું છે કારણ કે અહીં જનતાનું રાજ છે. જે સરકાર લોકો માટે વિચારે તે સફળ બને છે. પરિષદ પૂર્વે વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે ના રોજ ગુજરાત ૫૦ વર્ષનું થવાનું છે ત્યારે એક વર્ષ સુધી રાજ્યમાં સ્વર્ણિમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેવા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વર્ણિમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧લી મે ની ઉજવણી
૧લી મે-૨૦૦૮ના રોજ ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો.જીવરાજ મહેતાના વતન અમરેલીથી શરૂ થયેલી સંકલ્પ યાત્રાનો પહેલો તબક્કો પુરો થયો છે. બીજા તબક્કામાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ ૧લી મે-૨૦૧૦ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરશે અને ઉત્સવનું સમાપન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧લી મે-૨૦૧૧ના રોજ કરવામાં આવશે. દરમ્યાન મોદી સરકાર જાન્યુઆરી-૨૦૧૧ના રોજ સાયન્સ સિટીમાં પાંચમી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજશે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment