01 January 2010

ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી

ગુજરાત દેશ માટે અનુકરણીય છેઃ અડવાણી
સ્વર્ણિમ વર્ષ વખતે તમામ પૂર્વ મુખ્ય મંત્રીઓ,મંત્રીઓ, પૂર્વ-વર્તમાન સાંસદો, ધારા સભ્યોને એકી સાથે બોલાવી તેમને સ્વર્ણિમ સંકલ્પ લેવડાવવાના વિચારને દેશ માટે અનુકરણીય ગણાવી લોકસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને ગાંધીનગરના સાંસદ અડવાણીએ કહ્યું હતું કે ગુજરાત દેશ માટે અનુકરણીય છે. આજે ગુજરાત વિધનસભા ખાતે સ્વર્ણિમ સંસદીય પરિષદમાં અડવાણીએ કહ્યું હતું કે કોઈ એક પ્રદેશનો વિકાસ કોઈ એક સરકાર માટે શકય નથી.આ તો,અત્યારસુધી જેટલી સરકારો આ રાજયમાં આવી અને તેમણે વિકાસની જે દિશા પકડી હતી તેને આ સરકારે આગળ વધારી છે બલ્કે ઝડપ આપી છે. ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે કોઈ એક રાજકીય નેતાને કારણે નહીં પરંતુ રાજયની જનતાને કારણે તે સાધી શકાયો છે. આવી પરિસ્થિતિમાં તમામ સરકારોના વડાઓ અને લોક પ્રતિનિધિઓને બોલાવી તેમનો ઋણ સ્વીકાર કરવાનો વિચાર અનુકરણીય છે.
અડવાણીએ કહ્યું હતું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવીને વસ્યા હતા તેમ તેમના પિતા પણ સિંધ-પાકિસ્તાનથી ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા.એ પછી તેઓ પાંચ પાંચ વાર ગુજરાતની ગાંધીનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એક-એક સંકલ્પ લઈને એક-એક કદમ આગળ વધશે તો ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ ગુજરાત ભારતનો જ એક પ્રદેશ છે ત્યારે ભારતને આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં ૧૯મી અને ૨૦ સદી ભલે રશિયા અને અમેરિકાની હશે પણ ૨૧મી સદી ભારતની છે.

No comments:

Post a Comment