ફેશન ડિઝાઇનમાં ભારત સમગ્ર વિશ્વમાં લીડર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કેન્દ્રીય કાપડ મંત્રી દયાનિધી મારને કહ્યું હતું કે હાલ ૧૩ કેન્દ્રોમાં ફેલાયેલી નિફ્ટની શાખાઓનો વિસ્તાર કરવાનું આયોજન છે અને વધુને વધુ રાજયોમાં શાખાઓ ઉભી કરવાની મંજુરી આપવામાં આવી રહી છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)ના ગાંધીનગર સંકુલમાં નવ નિર્મિત કન્યા છાત્રાલય, ઓડિટોરિયમ તેમજ અતિથિ ગૃહના ઉદ્દધાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના જોધપુર, બિહારના પટના, ઓરિસ્સાના ભૂવનેશ્વર, પંજાબના મોહાલી અને તામિલનાડુના કોઇમ્બતૂરમાં નિફ્ટની પાંચ શાખાઓ ખોલવા નું આયોજન છે. મારને ગુજરાત સરકારની વિકાસ યોજનાઓ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કયૉ હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરના સાંસદ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે સમગ્ર દેશમાં નિફ્ટનું એકમાત્ર ગાંધીનગરનું સેન્ટર એવું છે કે જયાં જવેલરી ડિઝાઇનનું કામ થાય છે. મને જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવવાનો બે વખત મોકો મળ્યો છે. ૧લી જાન્યુઆરીએ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ મહોત્સવમાં હું આવ્યો હતો અને આજે ૧૨મી તારીખે સ્વામી વિવેકાનંદના જન્મદિને સહભાગી થયો છું. ગુજરાત એ દેશમાં ઝડપથી વિકસતું રાજય છે. દેશના રાજકારણમાં નરેન્દ્ર મોદી રોલ મોડલ તરીકે ઉભરી રહ્યાં છે ત્યારે નિફ્ટનું ગાંધીનગર સેન્ટર ભારતમાં રોલમોડલ બને તેવા મારા આશીવૉદ છે. નિફ્ટના નવા ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં નિફ્ટના વિકાસ માટે વધારાની જમીન આપવાની દરખાસ્ત સ્વીકારી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં ડાયમન્ડ જવેલરીનું માર્કેટ ઉભું થઇ શકે તેવી સ્કીલ પડેલી છે. વિશ્વના બજારમાં ડિઝાઇનનું આઉટસોર્સિગ કરવાથી નવયુવાનોને વૈશ્વિક તકો મળશે. રાજયમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં બહેનો પાસે અદ્દભૂત ક્ષમતા પડેલી છે. નિફ્ટમાં તેનો ઉપયોગ શરૂ થયો છે.
ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં ચેલેન્જનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે આપણે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જીવન વ્યવસ્થામાં કેવી રીતે બદલાવ લાવવો તેના માટે સંશોધનો કરવાની આવશ્યકતા છે. આઝાદી પહેલાં ખાદી ફોર નેશનનું સૂત્ર હતું પરંતું પોરબંદરમાં નિફ્ટના સ્ટુડન્ટ્સની પરેડ પછી મેં ખાદી ફોર ફેશનનું નવું સૂત્ર આપ્યું છે અને તેને આ વિધ્યાર્થીઓએ ઉજાગર કયું છે. મારી આ સંસ્થાના વિધ્યાર્થીઓને એટલી જ વિનંતી છે કે સ્થળ, કાળ અને સ્થિતિ જોઇને તેમની ચીજવસ્તુ બજાર મૂકે અને ફેશન ડિઝાઇનને વિશ્વમાં મશહૂર બનાવે. ગાંધીનગર સ્થિત નિફ્ટ સંસ્થામાં કન્યા છાત્રાલયને નર્મદા અને તાપી, ભોજનાલયને ફ્યુઅલ સ્ટેશન, ગેસ્ટ હાઉસને ગુલમહોર અને ઓડિટોરિયમને તાના-રીરી નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિફ્ટના ડાયરેકટર જનરલ રાજીવ ટકરૂ ઉપસ્થિત હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment