રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને દર મહિને રૂપિયા ૪૦ હજારનો પગાર મેળવતા ત્રણ અધિકારી ભુજમાં એક કન્સ્ટ્રકશન પેઢીના માલિક પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેતા સી.બી.આઇ.ના છટકામાં આબાદ સપડાઇ ગયા હતા. ત્રણેય અધિકારીઓને લઇને સી.બી.આઇ.નો કાફલો ગાંધી નગર પરત ફર્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાના ત્રણ-ત્રણ અધિકારીઓ મસમોટી લાંચ લેતા એક સાથે પકડાતા પગાર ઉપરાંતની રકમ ખિસ્સામાં સેરવી દેતાં અધિકારી ગણમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજકોટ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં વિભાગમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ થોડા દિવસ પહેલાં ભુજમાં સર્વિસ ટેકસ બાબતે ગોપાલભાઇ ગોરસિયાની નેશનલ કન્સ્ટ્રકશન કંપનીમાં ઓડિટ કરવા ગયા હતા. જયાં ઓડિટ દરમિયાન અમુક ક્ષતિઓ બહાર આવતાં સેટલમેન્ટ માટે રૂપિયા એક લાખની લાંચ માગવામાં આવી હતી. એકસાઇઝ અધિકારીઓએ લાંચની માગ કરતા કન્સ્ટ્રકશન કંપનીના માલિકે સીબીઆઇનું શરણું લીધું હતું અને વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં ભુજમાં જ આવેલી હોટેલ પ્રિન્સ રેસિડેન્સીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે રાત્રિના સમયે સુપ્રિન્ટેન્ડેન્ટ વર્મા, પટેલ અને રાવલ એક લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. સીબીઆઇ દ્વારા અચાનક જ છાપો મારવામાં આવતાં ત્રણેય સરકારી બાબુના ધોતિયા ઢીલા થઇ ગયા હતા. પરંતુ હાથમાં પાવડરવાળી ચલણીનોટ પકડી લેતાં નીચી મુંડી કરીને સી.બી.આઇ.ના સ્ટાફ સાથે ગાંધી નગર ચાલી નીકળવું પડયું હતું.
એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ પોસ્ટિંગ થયું હતું : ચેતન વર્મા, આર. એમ. પટેલ અને દેવેન રાવલ અમદાવાદમાં એન્ટી ઇવેજન વિભાગમાં હતા અને એક મહિના પહેલાં જ બઢતી સાથે રાજકોટ બદલી થઇ હતી અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ લાંચ લેવાની લાલચમાં સપડાઇ ગયા હતા.
એક અધિકારીને તો રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે : સી.બી.આઇ.એ એક લાખની લાંચ લેતાં પકડી લીધેલા ત્રણમાંથી એક અધિકારીને તો વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો હતો.
13 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment