- ભગવાને તેમનો છઠ્ઠો વર્ષાવાસ ગુજરાતમાં કર્યો
- ગુજરાતમાં સૌ પ્રથમ નાગ જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
-૧૫મીએ રાજયમાં બુદ્ધિસ્ટ હેરિટેજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર
- સચ્ચબંદ નામના તપસ્વીએ પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો આ પ્રસંગને યાદ કરવા થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ
ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રાચીન અવશેષો છે, ભગવાન બુદ્ધ સ્વયં ગુજરાત આવ્યા હતા અને છઠ્ઠો વર્ષાવાસ તેમણે ગુજરાતમાં કર્યો હતો, એમ ત્રૈલોક્ય બૌદ્ધ મહા સંઘ સહાયક ગણ-અમદાવાદના પ્રમુખ ધમ્મચારી રત્નાકરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા.૧૫થી ૧૭ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ‘બુદ્ધિસ્ટ હેરિટેજ-ગુજરાત’ અંગેનો આંતરાષ્ટ્રીય સેમિનાર એમ.એસ.યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં દલાઇ લામા, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ૫૦૦ લામાઓ પણ ઉપસ્થિત રહેશે.
છેલ્લા ૩૫ વર્ષથી બૌદ્ધ ધર્મનું અધ્યયન-પરશિલન કરી રહેલા ધમ્મચારી રત્નાકરે જણાવ્યું કે જેવી રીતે ‘ચાતુર્માસ’ હોય છે તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં ‘વર્ષાવાસ’ હોય છે પરંતુ તેમાં ચાર મહિના નહીં પણ ત્રણ માસ એક જ સ્થળે એટલે કે બૌદ્ધ વિહારમાં રહેવાનું હોય છે. વર્ષાવાસનો પ્રારંભ અષાઢી પૂર્ણિમાથી આસો પૂર્ણિમાએ તેની સમાપ્તિ થાય છે. ઇ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન બુદ્ધ ગુજરાતમાં છઠ્ઠો વર્ષાવાસ કરવા આવ્યા હતા અને તેઓએ શૂરપારક બંદર પાસે આવેલા મુકુલારામ વિહારમાં વષૉવાસ કર્યો હતો. ભગવાન બુદ્ધ ગુજરાત આવ્યા ત્યારે અહીં રહેતા નાગ જાતિના લોકોએ સૌ પ્રથમ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આજે પણ ભગવાન બુદ્ધના પગલા સચ્ચબંદ પર્વત ઉપર જોવા મળે છે. સચ્ચબંદ નામનો એક તપસ્વી હતો તેણે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને થાઇલેન્ડમાં એક પર્વતનું નામ સચ્ચબંદ અપાયું છે. તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધ ગુજરાતના દેવની મોરી અને ગિરનાર પણ આવ્યા હતા અને ભગવાન બુદ્ધ નર્મદા નદીના કિનારે થઇને મધ્ય પ્રદેશ થઇ શ્રાવસ્તી-ઉત્તર પ્રદેશ પહોંચ્યાના ઉલ્લેખો મળી આવે છે. આજે મળતા બૌદ્ધ ધર્મના અવશેષોથી કહી શકાય કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જ પ્રચલન હશે.
ગુજરાતની વલભી વિશ્વ વિધ્યાલયમાં ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા
બૌદ્ધ ધર્મના અવશેષો ગુજરાતના ૬૦ ટકા વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાત બૌદ્ધ ધર્મનું એક મહત્વનું સ્થાન હતું. એટલું જ નહીં નાલંદા-તક્ષશીલા સાથે સરખામણી થઇ શકે એવી રાજયની પ્રાચીન વલ્લભી વિશ્વ વિધ્યાલયમાં તત્કાલિન સમયે ૬ હજાર બૌદ્ધ ભિખ્ખુઓ અભ્યાસ કરતા હતા. આના પરથી કહી શકાય કે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર આ પ્રાંતમાં ખૂબ જ હતો, એમ ધમ્મચારી રત્નાકરજીએ ઉમેર્યું હતું.
13 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment