15 January 2010

ફરીથી ફાઇનલમાં ભારતનો પતંગ કપાયો કુલશેખરા મેન ઓફ ધ મેચ, સંગાકરા મેન ઓફ ધ સિરીઝ

ઝડપી બોલર્સની ઘાતક બોલિંગ બાદ સંગાકરા અને જયવર્દનેએ નોંધાવેલી અડધી સદી વડે શ્રીલંકાએ ભારતને ચાર વિકેટે હરાવીને બાંગ્લા દેશ ખાતેની ત્રિકોણીય શ્રેણી જીતી લીધી હતી અને ફાઇનલમાં હારવાની ભારતની પરંપરા જળવાઇ રહી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે ભારતના ૨૪૫ રનના સ્કોર સામે છ વિકેટે ૨૪૯ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કુલશેખરાને મેન ઓફ ધ મેચ જયારે કુમાર સંગાકરાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક સમયે ભારતે ૬૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતાં ફાઈનલ એક તરફી બનશે તેમ લાગતું હતું પરંતુ રૈનાએ બાજી સુધારી હતી. ઝડપી બોલર આશિષ નહેરા બીજી ઓવરમાં ઈજાગ્રસ્ત બનતાં તે બાકીની ઓવર્સ નાખી શકયો ન હતો જેનો ભારતને મોટો ફટકો પડયો હતો.ફાઇનલ જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને પડેલી શ્રીલંકન ટીમે તરંગા (૦)ને પ્રથમ ઓવરમાં ગુમાવ્યા બાદ દિલશાન (૪૯) અને સંગાકરા (૫૫) વરચે બીજી વિકેટ માટે નોંધાયેલી ૯૩ રનની ભાગીદારી વડે વિજય તરફ કૂચ કરી હતી. મઘ્યમ હરોળમાં મહેલા જયવર્દનેએ ૮૧ બોલમાં અણનમ ૭૧ રન ફટકારવા ઉપરાંત સતત એક છેડો જાળવી રાખ્યો હતો. સમરવીરાએ ૪૧ બોલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી હરભજન સિંધે ૪૧ રનમાં બે વિકેટ ખેરવી હતી. સુરેશ રૈનાએ ૧૦૬ રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢતા ભારત ૨૪૫ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહ્ય હતું. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપતા ભારતીય ટીમે ૧૧મી ઓવર સુધીમાં માત્ર ૬૦ રનના સ્કોરે તેની ટોચની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રૈનાએ પોતાની ૮૭મી વન-ડેમાં ૧૧૫ બોલનો સામનો કરીને દસ બાઉન્ડ્રી અને એક સિકસર વડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. રૈનાએ રવીન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૦૬ રનની ભાગીદારી નોંધાવીને ભારતના રકાસને અટકાવ્યો હતો. જાડેજાએ ૬૪ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. આ બંને સિવાય અન્ય બેટ્સમેન નિષ્ફળ રહેતા ભારત નિર્ધારિત ૫૦ ઓવર પણ પૂરી રમી શકી નહોતી અને ઇનિંગ્સ ૪૮.૨ ઓવરમાં સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી કુલ શેખરાએ ૪૮ રનમાં ચાર, વેલેગેડેરાએ ૫૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ૪૬મી ઓવરમાં રૈનાના આઉટ થયા બાદ હરભજન (૧૧), ઝહિર ખાન (૧૬) તથા શ્રીસંત (૪) ટૂંકા ગાળામાં આઉટ થઇ ગયા હતા.




મુલતાનના સુલતાન સેહવાગના વન-ડેમાં સાત હજાર રન પૂરા
વિશ્વના સૌથી આક્રમક બેટ્સ મેનમાં સ્થાન મેળવી ચૂકેલા ભારતીય ઓપનર મુલતાનના સુલતાન વીરેન્દ્ર સેહવાગે બુધવારે શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ૪૨ રનની ઇનિંગ્સ રમીને વન-ડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ડોન બ્રેડમેન તથા બ્રાયન લારા બાદ ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી નોંધાવનાર સેહવાગ વન-ડેમાં સાત હજાર રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો અને વિશ્વનો ૨૯મો બેટ્સમેન બન્યો છે. સેહવાગ પહેલાં ભારત તરફથી સચિન તેંડુલકર (૧૭,૩૭૮), રાહુલ દ્રવિડ (૧૦,૭૬૫), સૌરવ ગાંગુલી (૧૧,૩૬૩)યુવરાજસિંઘ (૭,૩૪૫) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૯,૩૭૮) આ સિદ્ધિ મેળવી ચૂકયા છે. ત્રિકોણીય શ્રેણીની છેલ્લી બે લીગ મેચ નહીં રમાનાર સેહવાગે ફાઇનલ પહેલાં ૨૧૮ વન-ડેમાં ૩૪.૨૮ની સરેરાશથી ૬,૯૯૪ રન બનાવ્યા હતા અને સાત હજાર રનની સિદ્ધિ માટે તેને માત્ર વધુ છ રનની જરૂર હતી. તેણે ૨૧૩ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઓછી ઇનિંગ્સમાં સાત હજાર રન પૂરા કરવાનો વિક્રમ ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના નામે છે જેણે ૧૭૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સેહવાગનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ કરતા વધારે છે.

No comments:

Post a Comment