રાજવી પરિવારના પ્રતાપ વિલાસ પેલેસમાંથી સાચા મોતી અને હીરા જડિત સોના ચાંદીના આભૂષણો તેમજ એન્ટીક ચીજ વસ્તુ મળી કરોડો રૂપિયાની થયેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી ચાર દેવીપૂજક સહોદર સહિત પાંચ તસ્કરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી રૂ. પાંચ લાખ રોકડા, અડધા કરોડની કિંમતનો એક એવા બે ડાયમંડ, ઘરેણા તેમજ કિંમતી ધાતુના ઘરેણા મળી અંદાજે દોઢથી બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોરાઉ માલ ખરીદનાર સુરેન્દ્રનગર પંથકના ત્રણ સોનીની પણ અટકાયત થયાનું જાણવા મળે છે. તસ્કરોએ રેઢા પડ સમાન પ્રતાપ વિલાનાં જામ બંગલામાં છેલ્લા ૮ માસ દરમિયાન ૨૫ થી વધુ વખત ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. જામ બંગલામાંથી કરોડોના ઝર ઝવેરાત, એન્ટીક વસ્તુઓની ચોરી થયા અંગે ચાર જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. એક તબક્કે એન્ટીક ચીજ વસ્તુઓની ચોરી કરતી પ્રોફેશનલ ગેંગ હોવાની શંકા હતી. પરંતુ સ્થળ નિરીક્ષણ દરમિયાન રૂમમાંથી બીડીના ઠૂંઠા, પાણીના ખાલી પાઉચ મળ્યા હતા. તેમ જ તસ્કરોએ રૂમમાં હાજત કરી હોવાથી ચોરીમાં દેવીપૂજક ગેંગ હોવાની શંકા દ્રઢ બની હતી. ડી.આઇ.જી. મનોજ શશીધરે પડકારરૂપ ચોરીનો ભેદ ઉકેલવા જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના એલ.સી.બી. એસ.ઓ.જી. અને આર.આર. સેલના ચુનંદા અધિકારીઓ જવાનોની ટુકડી બનાવી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરાવી હતી. દરમિયાન સુરેન્દ્રનગર એલસીબીના એ.એસ.આઇ. મહાવીરસિંહ અને કોન્સ્ટેબલ શકિતદાનને બાતમી મળી હતી કે કુંભાર પરામાં રહેતા 2 શખ્સો હિરાજડીત ઘરેણા અને સોના ચાંદીના તાર જડિત ગાલીચા વેચવાની પેરવી કરી રહ્યાં છે. પોલીસે કરેલા ચેકીંગ દરમિયાન સંજય બાબુ અને અશોક રામુ રજવાડી ઘરેણા ભરેલા થેલા સાથે ઝડપાઇ જતા સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે અન્ય ત્રણ તસ્કરોને પણ ઝડપી લીધા છે. ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલનાર સમગ્ર સ્ટાફને ડી.આઇ.જી.એ અભિનંદન પાઠવ્યા હતા. બે આરોપી નશામાં ૧.૪૭ લાખ રોકડા ટેકસીમાં ભૂલી ગયા હતા. મળતી વિગત મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી સંજય બાબુ અને વિજય રામુ દોઢ માસ પહેલા જામનગરથી ગોંડલ જવા ટેકસી ભાડે કરી હતી. દારૂના ચિક્કાર નશામાં ટેકસીમાં બેઠેલા બન્નો શખ્સોને ગોંડલ ઉતારીને પરત જામનગર પહોંચેલા ટેકસી ચાલકને પાછળની સીટમાંથી ૧ લાખ ૪૭ હજાર રોકડ સહિત થેલી મળી હતી. મુસાફરને ઓળખતો ન હોવાથી તેણે એ રકમ જામનગરના ચોકકસ પોલીસ મથકમાં જમા કરાવી હતી. થેલાની તપાસમાં ટેકસી ચાલક પાસે આવેલા આરોપી વિજય બાબુને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ આ રકમ શેઠ પાસેથી ઉપાડ પેટે લીધી હોવાનું જણાવી પોલીસને મૂર્ખ બનાવી હતી. આરોપીએ પોતાનું નામ પણ ખોટું લખાવ્યું હોવાનું જાણવા મળે છે. જામ બંગલામાંથી ચીજ વસ્તુઓની ચોરી કરનાર તસ્કર ગેંગના એક આરોપીને દોઢ માસ પૂર્વે ૨૮ નવેમ્બરના રોજ રોકડા રૂ. ૧ લાખ ૪૭ હજાર સાથે પોલીસે ઝડપી લીધો હતો. પરંતુ આટલી મોટી રકમ કયાંથી આવી તે અંગે મોઢું નહીં ખોલાવી શકતા કરોડોની ચોરીનો ભેદ અકબંધ રહ્યો હતો.
બે ફરાર આરોપીઓ પાસે ચારેક કરોડના ઘરેણાં હોવાની શંકા
પકડાયેલા આરોપીઓનો પાંચમો ભાઇ અજય રામુ અને સાગરીત વિજય ચંદુ (મૂળ પોરબંદર) હજુ ફરાર છે. અજય પાસે ત્રણથી ચાર કરોડ રૂપિયાની કિંમતના ૧૦ કિલો ઘરેણાં હોવાનું બહાર આવતા બન્નો શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
13 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment