visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભારતનો દિલધડક અને ચમત્કારિક વિજય
વીવીએસ લક્ષ્મણની અણનમ અડધી સદી અને ઈશાંત શર્માની ધીરજપૂર્વકની રમતની મદદથી અત્યંત નાટકીય અને રોમાંચક બનેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું પરંતુ લક્ષ્મણ કાંગારૂ બોલિંગ આક્રમણ સામે અંત સુધી ઝઝૂમ્યો હતો. લક્ષ્મણની આજની બેટિંગે લોકોને કોલકત્તા ટેસ્ટની યાદ અપાવી દીધી હતી.ભારત તરફથી લક્ષ્મણે શાનદાર રમત રમી હતી. લક્ષ્મણે અણનમ 73 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાંત શર્માએ પણ લક્ષ્મણનો યોગ્ય રીતે સાથ આપ્યો હતો. પરંતુ અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે તે આઉટ થયો હતો. ઈશાંતે મહત્વના 31 રનનું યોગદાન આપ્યું હતું.જ્યારે ચોથા દિવસે જેના પર ભારતના જીતની આશા હતી તે સચિન તેંડુલકરે પણ પાંચમાં દિવસની શરૂઆતમાં ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. પરંતુ કમનસીબે સચિન આઉટ થઈ જતા ભારત મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. સચિને 38 રન બનાવ્યા હતા. જો કે સચિનના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ફરી એક વખત ધબડકો થયો હતો. પરંતુ અંતે લક્ષ્મણે ફરી એક વખત ચમત્કાર કરીને ભારતને જીત અપાવી હતી.આ પહેલા મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટેસ્ટ ચોથા દિવસના અંતથી જ રોમાંચક બની રહી હતી. ચોથા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરોની વેધક બોલિંગ સામે પ્રવાસી ટીમના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. ઈશાંત, ઝહિર, ઓઝા અને હરભજનની વેધક બોલિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 192 રનમાં ઓલ-આઉટ કરી દીધું હતું. અને પ્રથમ દાવની 23 રનની લીડની મદદથી ભારત સામે જીત માટે 216 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.આસાન લાગતા 216 રનના લક્ષ્યાંકનો પીછો કરવા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચોથા દિવસના અંતિમ સેસનમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બેન હિલ્ફૈનહૌસે ભારતીય ટીમના ટોચના બેટ્સમેનોને આઉટ કરીને ભારતીય ટીમની કમર ભાંગી નાંખી હતી. એક સમયે ભારતે ૫૫ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
અમ્પાયરોના આ નિર્ણયો ભારતને ભારે પડત
મોહાલી ખાતેની ટેસ્ટમાં ભારતે ભલે દિલધડક વિજય મેળવ્યો હોય પરંતુ તે ખોટા અમ્પાયરિંગથી બચી શક્યું ન હતું. ખોટા અમ્પાયરિંગના કારણે એક આસાન જણાતી મેચ ગંભીર સ્થિતિમાં મુકાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 216 રનના લક્ષ્યાંકને ભારતે નવ વિકેટ ગુમાવીને હાંસલ તો કરી લીધો હતો પરંતુ ખોટું અમ્પાયરિંગ ઉડીને આંખે ચોંટતું હતું.બીજી ઇનિંગ શરૂ થયા બાદ જાણે કે અમ્પાયરોએ ભારતીય ટીમ પ્રત્યે ખોટા નિર્ણય લેવાનું નક્કી કર્યું હોય તેમ ઇશાંત શર્માના એક બોલને ખોટી રીતે નો- બોલ આપ્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને ખોટો એલબી આઉટ આપ્યો હતો.ગૌતમ ગંભીરને બોલ પહેલા બેટ અને પછી પેડને લાગ્યો હતો પરંતુ તે સમયે અમ્પાયરિંગ કરી રહેલા બીલી બાઉડને ગંભીરને એલબી આઉટ આપ્યો હતો. જેના કારણે ભારતની શરૂઆત નબળી થઇ હતી.એટલેથી વાત પૂરી નહીં થતાં મેચ જ્યારે રોમાંચક તબક્કામાં હતી અને ભારત પાસે હાથમાં ઓછી વિકેટો હતી. ત્યારે પણ ફરી ખોટું અમ્પાયરિંગ કરવામાં આવ્યું હતું. 29 રન પર રમી રહેલા ઇશાંત શર્માને પણ બીલી બાઉડન દ્વારા ખોટો એલબી આઉટ આપવામાં આવ્યું હતું.
સચિનને મળવુ છે અને તાજમહેલ જોવો છે
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લોકપ્રિયતા ભારતમાં કેટલી છે તે તો તમામ લોકો જાણે છે. એટલું જ નહીં સચિન જે બોલરોના છોતરા કાઢી નાંખતો હતો તેવા વિરોધી ટીમના બોલરો પણ સચિનના પ્રશંસક છે. પાકિસ્તાન જેવા ભારતના કટ્ટર દુશ્મન દેશમાં પણ સચિન એટલો જ લોકપ્રિય છે.ઉભરતા ક્રિકેટરો સચિનને પોતાનો આદર્શ માને છે. પરંતુ સચિન ફક્ત ક્રિકેટની રમતમાં જ લોકપ્રિય નથી. અન્ય રમતોના ખેલાડીઓમાં પણ સચિન તેટલો જ લોકપ્રિય છે, અને તેની આ લોકપ્રિયતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવને જોઈ ચૂકેલા દક્ષિણ આફ્રિકાના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા રોલેન્ડ શૂમેન સચિન તેંડુલકરને પોતાનો આદર્શ માને છે.એથેન્સ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શૂમેને જણાવ્યું હતું કે સ્વિમિંગ સિવાય ક્રિકેટ મારી પસંદગીની રમત છે. બ્રાયન લારા મારો ફેવરિટ ક્રિકેટર છે પરંતુ સચિન તો મારો આદર્શ છે.શૂમેને 2004માં એથેન્સ ખાતે યોજાયેલા ઓલિમ્પિકમાં 4x100 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, 100મીટર ફ્રીસ્ટાઈલમાં સિલ્વર મેડલ અને 50 મીટર ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 2006માં મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં તેણે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે આવેલા શૂમેનની બે ઈચ્છાઓ છે. તેણે કહ્યું હતું કે હું દુનિયાની અજાયબી તેવા તાજમહેલ જોવા ઈચ્છુ છુ. અને મારી બીજી ઈચ્છા સચિનને મળવાની છે જે હાલમાં ભારતમાં રમી રહ્યો છે.
રથયાત્રા પર ખુદને નિર્દોષ માને છે, અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી માને છે કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી તેમની અયોધ્યા રથયાત્રાની સાર્થકતાની પુષ્ટિ થઈ છે. પરંતુ તેઓ ચાહે છે કે વાતચીત દ્વારા રામમંદિરના નિર્માણને આગળ વધારવામાં આવે.અડવાણીએ 1989માં રથયાત્રા શરૂ કરી હતી અને તે મંદિર આંદોલનના મુખ્ય ચહેરામાંના એક હતા. તેમણે હાઈકોર્ટની લખનૌ ખંડપીઠ દ્વારા ગત સપ્તાહે આપવામાં આવેલા ચુકાદાને આસ્થાને કાયદાથી ઉપર રાખવા સંબંધી ટીકાત્મક ટિપ્પણીઓને ફગાવતા કહ્યું હતું કે આ માત્ર કાયદા દ્વારા આસ્થામાં ભરોસો કરવાનો મામલો છે.તેમણે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના એ સૂચનનું પણ મજબૂતાઈથી સમર્થન કર્યું કે મુસ્લિમો સરયૂ નદીના કિનારા પર પરિસર બહાર મસ્જિદ બનાવી શકે છે. આગામી મહીને 84 વર્ષના થવા જઈ રહેલા અડવાણીએ એક કલાકથી વધારે સમય સુધી આપેલી મુલાકાતમાં નિવેદનો કરવામાં ઘણી સાવધાની દર્શાવી અને તેઓ ચુકાદા બાદ ખુદને વિજયી દેખાડવાથી બચતા રહ્યાં હતા. તેમણે એવું કંઈપણ કહેવાથી પરહેજ કર્યો હતો કે જેનાથી મુસ્લિમ સમુદાયમાં ખળભળાટ પેદા થાય.જ્યારે અડવાણીને પુછવામાં આવ્યું કે 1989માં સોમનાથથી અયોધ્યા સુધીની તેમની યાત્રાને કોર્ટે ચુકાદા દ્વારા દોષમુક્ત કરી છે, તો તેમણે કહ્યું હતું કે હા, તેઓ નિર્દોષ મહેસૂસ કરી રહ્યાં છે, કારણ કે તેમનું માનવું છે કે 1989 સુધી ભાજપ મંદિર આંદોલનનો ભાગ ન હતું. મંદિર આંદોલન 1949માં શરૂ થયું હતું.આગળની કાર્યવાહી અને વાતચીત દ્વારા સમજૂતી માટે ભાજપ અને સંઘ પરિવારના પ્રયાસોના સવાલ પર ભાજપના નેતાએ કહ્યું હતું કે આગળનો રસ્તો એ જ છે કે બંને સમુદાયો વચ્ચે કે આના પર (અયોધ્યામાં રામમંદિર નિર્માણ) સમજૂતી થવી જોઈએ.અડવાણીએ કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદાની વાત છે, તે એ લાખો લોકોની આંકાક્ષાને પ્રગટ કરે છે કે જે તે સ્થાન પર રામમંદિર બનાવવા ઈચ્છે છે કે જ્યાં રામનું જન્મસ્થાન હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે પરંતુ એ સારું હશે કે આ માત્ર કોર્ટનો ચુકાદો ન હોતા, બંને સમુદાયોનો પણ આ નિર્ણય હોય.તેમણે એ વાતની સંભાવનાને પણ ફગાવી દીધી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી કાશી અને મથુરામાં ધર્મસ્થળો સાથે જોડાયેલા વિવાદો પર પણ લોકોને આ આધાર પર અવાજ ઉઠાવવાનો મોકો મળી જશે કે કાયદાથી ઉપર આસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.અડવાણીએ કહ્યું હતું કે ના ના. બંને વચ્ચે કોઈ સમાનતા નથી. તેના કારણે વાતચીત દરમિયાન (2004થી પહેલા એનડીએ સરકાર અને બંને સમુદાયના નેતા વચ્ચેની વાતચીત) હિંદુઓએ મુસ્લિમ પક્ષ (જેમણે આ પ્રકારની આશંકા વ્યક્ત કરી હતી)ને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓ સમાધાન પર સ્વૈચ્છિક સંમતિ દર્શાવશે તો આવું થશે નહીં.તેમણે કહ્યું હતું કે તેમણે ત્યારે આ સંદર્ભે વાતચીત કરી હતી. તેમને લાગતું નથી કે આ ચુકાદામાં એવું છે કે કુલ મળીને અયોધ્યા એક મુદ્દો રહ્યો છે કે જેણે દેશનો રાજકીય ઈતિહાસ બદલી નાખ્યો છે. જો કે ભાજપના સંસદીય દળના અધ્યક્ષે મુલાકાત દરમિયાન આ સંદર્ભે વાતચીત ન કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાએ 1992માં વિવાદીત માળખાના વિધ્વંસને યોગ્ય ઠેરવ્યો છે કે નહીં? આ મુદ્દા પર તેમની તરફથી કોઈ ટિપ્પણી આવી નથી કે ચુકાદાએ વિધ્વંસના મામલાને વજનવિહીન બનાવ્યો કે નહીં?
વડાપ્રધાન રામમંદિર માટે બિલ લાવે: વિનય કટિયાર
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય કટિયારે સોમવારે માગણી કરી છે કે વડાપ્રધાન મનમોહન સિંહ સંસદમાં એક બિલ રજૂ કરે કે જેથી અયોધ્યામાં રામમંદિર નિર્માણ સુનિશ્ચિત કરી શકાય.કટિયારે કહ્યું છે કે હવે જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે આ સંદર્ભે સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે તો સંસદમાં રામજન્મભૂમિ વિધેયક રજૂ કરવું જોઈએ કે જેથી અયોધ્યામાં રામમંદિર નિર્માણ સુનિશ્ચિત કરી શકાય. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહે આ સંદર્ભે પહેલ કરવી જોઈએ.ઉત્તરી 24 પરગના જિલ્લાના દગાંગામાં એક જાહેરસભાને સંબોધિત કરવા આવેલા કટિયારે કહ્યું હતું કે મંદિરની ન્યાયસંગત માગણીને હકીકતમાં પરિવર્તિત કરવી જોઈએ.તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણનું આ વિધેયક બરાબર એ પ્રકારનું હશે કે જેવું જવાહરલાલ નહેરુના કેબિનેટમાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતમાં સોમનાથ મંદિરના નિર્માણ માટે રજૂ કર્યું હતું.
સાર્ક માટે ભારત-પાકના સારા સંબંધો જરૂરી: માલદીવ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદે માન્યું છે કે દક્ષિણ એશિયાની સમૃદ્ધિ પ્રત્યક્ષપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર નિર્ભર છે.નાશીદે એ વાત પર ભાર મૂક્યો છે કે બંને દેશોએ પોતાના સંબંધો સારા રાખવા જોઈએ અને તેમને અનુભવ થઈ રહ્યો છે કે બંને દેશ આમ કરી રહ્યાં છે. માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે બંને દેશો પોતાના સંબંધોને મધુર બનાવા માટે આધારભૂત સ્તરે કામ શરૂ કરવું જોઈએ. તેના માટે તેમણે સૂચન કર્યું છે કે ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓએ પાકિસ્તાનમાં રોકાણ શરૂ કરવું જોઈએ.આગામી વર્ષે સાર્ક સંમેલનની મેજબાની કરનારા માલદીવના રાષ્ટ્રપતિ નાશીદે એ વાતને પણ રેખાંકિત કરી કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને તેણે પોતાના આર્થિક વિકાસમાં પોતાના પડોશીઓને પણ સામેલ કરવા જોઈએ કે જેથી તેઓ પણ આ વિકાસનો લાભ ઉઠાવી શકે.શીદે એક મુલાકાતમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો સાર્ક માટે ઘણાં મહત્વપૂર્ણ છે. તેમનું માનવું છે કે આ સંબંધોને વધુ સારા બનાવી શકાય છે. માલદીવના નેતાએ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો સાર્ક દેશોની મજબૂતી માટે જરૂરી છે ને ખાસ કરીને તેનાથી ક્ષેત્રમાં વેપાર અને સંપર્ક વધશે.
ચીનની તૈયારીઓ પર ભારતની નજર: વાયુસેનાધ્યક્ષ
વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ પી.વી.નાયકે કહ્યું છે કે ચીનના સૈન્ય આધુનિકરણની યોજનાઓ પર ભારતીય વાયુસેનાની નજર છે. તેમણે કહ્યું છે કે ભારતના વિકાસ પર પ્રતિકૂળ અસર પાડનારી દરેક ગતિવિધિઓ આપણાં માટે ચિંતાની વાત છે.8 ઓક્ટોબરે વાયુસેના દિવસ સંદર્ભે એર ચીફ માર્શલ પી.વી.નાયકે કહ્યું હતું કે તેના જવાબમાં યોજનાઓ બનાવાય રહી છે. તિબેટમાં ચીનના સૈન્ય માળકા સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે તેઓ તમામ નાના-મોટા પડોશીઓની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખે છે. તેમણે કહ્યું હતું કે દરેક સાર્વભૌમ દેશનો એ અધિકાર છે કે પોતાના માટે શ્રેષ્ઠ તાકાત હાસિલ કરે અને તેમનો એ સંપૂર્ણ અધિકાર છે કે તેઓ પોતાની સરહદોની અંદર ક્યાં પ્રકારના સૈન્ય માળખાંનો વિકાસ કરે.વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે વાયુસેનાના આધુનિકીકરણની યોજના ક્ષમતા પર આધારીત છે. આ યોજના કોઈ ખાસ દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવી નથી. આ યોજનાઓ રાષ્ટ્રીય આંકાક્ષાઓને અનુરૂપ તૈયાર કરવામાં આવે છે. તેમણે વડાપ્રધાન મનમોહન સિંહને ટાંકતા કહ્યું છે કે ભારતના સામરીક હિતો અને જવાબદારીનો વિસ્તાર હોરમુજ સ્ટ્રેટથી લઈને મલક્કા સ્ટ્રેટ સુધી ફેલાયેલો છે. તેમણે કહ્યું હતું કે આપણે જોઈશું કે ભવિષ્યની આ જવાબદારી કેવી રીતે નિભાવીએ છીએ? તેમણે કહ્યું હતું કે વાયુસેનાની ખરીદ યોજના ચાર મુખ્ય બાબતો પર તૈયાર કરવામાં આવે છે. આ ચાર વાતો છે-જોવો, પહોંચો, મારો અને પોતાને બચાવો.
કોંગ્રેસના ઉમેદવારે ‘મેન્ડેટ’ ફાડી કેસરી ખેસ પહેર્યો
રાજ્યમાં પંચાયતો અને પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે કોંગ્રેસને તાલુકા-જિલ્લાની ઓછામાં ઓછી ૧૦ બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. ભાવનગર જિલ્લાની બોટાદ બેઠકના કોંગી ઉમેદવાર અને પ્રદેશ ડેલિગેટ કનુભા ધાંધલે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસનો મેન્ડેટ ફાડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો.
હિંમતનગર પાલિકાના કોંગ્રેસના નેતા મૌલેશ સોની અને મુસ્લિમ મહિલા સભ્યએ પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાંથી દાવેદારી નોંધાવતા કોંગ્રેસમાં હોબાળો મચી ગયો હતો.ભાવનગર જિલ્લાની ગારિયાધાર સહિતની કેટલીક બેઠકોના કોંગી ઉમેદવારોએ મહાગુજરાત જનતા પાર્ટીનો હાથ પકડ્યો હતો. છેલ્લીઘડીએ મેન્ડેટ અને ‘ખ’ ફોર્મ તૈયાર થઈ શકે તેમ ન હોવાથી મોટાભાગે આ બેઠકો બિનહરીફ અથવા એકતરફી થઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાની બોટાદ જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રદેશ દ્વારા કનુભા ધાંધલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે બપોરે ૨.૩૦ કલાકે જાહેરમાં ‘મેન્ડેટ’ ફાડી નાખીને ભાજપના ઉમેદવાર બની ગયા હતા ! એટલું જ નહીં તેમણે યેનકેન પ્રકારે અન્ય ઉમેદવારોની દાવેદારી પાછી ખેંચાવતા હવે આ બેઠક બિનહરીફ થાય તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે.સ્થાનિક કોંગી કાર્યકરોમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ કનુભાને પ્રદેશ ડેલિગેટ બનાવતી વખતે જ તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ પ્રદેશકક્ષાએથી કોઈ પગલાં ન ભરાતાં અંતે કોંગ્રેસનું નાક કપાઈ ગયું છે.
કેન્દ્ર સરકાર કાયમ મોદીને નિશાન બનાવે છે: સુષ્મા
સમાના ઐયપ્પા ગ્રાઉન્ડમાં લોકસભાના વિરોધ પક્ષના નેતાએ સભા સંબોધી, સેવાસદનની ચૂંટણી માત્ર પાણી, ગટર કે રસ્તાના મુદ્દા આધારિત નથી પણ ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સાથે સંકળાયેલી છે તેમ સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું.સેવાસદનના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આજે રાતે લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે સમા વિસ્તારના ઐયપ્પા ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપનાં રાષ્ટ્રીય મહિલા આગેવાન સુષ્મા સ્વરાજે કેન્દ્ર સરકાર ઉપર ચાબખાં મારતાં જણાવ્યું હતું કે, રાજકીય રોટલા શેકવા માટે કેન્દ્ર સરકાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ જ કાયમ નિશાન તાકતા હોય છે.સોહરાબુદ્દીનના એન્કાઉન્ટર મામલે ભારે હોબાળો મચાવી તેને નકલી ખપાવીને તત્કાલિન ગૃહ રાજ્યમંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ટાડાનો આરોપી સોહરાબુદ્દીનના ઘરેથી કોંગ્રેસના દિગ્વિજયના શાસનમાં જ એકે -૪૭,એકે-૫૭ જેવાં હથિયારોનો ઢગલો મળ્યો હતો. પરંતુ, દેશમાં માનવઅધિકારના નામે હેરાનગતિ કરવાળી જમાત ઊભી થઇ છે.સીબીઆઇના રાજકીય દુરુપયોગ અંગે લોકસભામાં ચર્ચા કરવાની માગ કરી હતી પણ આ માગ સ્વીકારાઇ નથી અને લોકસભાના આગામી શિયાળુ સત્રમાં કરવામાં આવનાર છે. જે લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલાં છે તેવાંને બચાવવા માટે સીબીઆઇ કામ કરે છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેયર બાળકૃષ્ણ શુક્લને પૂછ્યું હતું કે સેવાસદનની ચૂંટણીમાં પ્રજાનેજે વચનો આપ્યા હતા તેના લેખા જોખા આપો અને તેમાં ગર્વથી માથું ઊંચુ થાય તેવા ત્રણ કેન્દ્રીય એવોર્ડ અને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હોવાની જાણકારી મળી હતી.
'રામમંદિરના ચુકાદા બાદ કોર્ટ બહાર સેટલમેન્ટ થવુ જોઇએ'
અયોધ્યામાં રામજન્મભૂમિ હોવાનુ ન્યાયાલયે પણ સ્વીકારી લીધુ છે ત્યારે તેના માટે સુપ્રિમ કોર્ટમાં જવાના બદલે કોર્ટની બહાર જ સમાધાન કરી લેવું જોઇએ તેવુ મંતવ્ય સુષ્મા સ્વરાજે વ્યકત કર્યું હતું. લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની આઝાદીની વાતો થાય છે અને તેને સ્વાયત સ્વરૂપ આપવાની વાતો થાય છે તેને નકારી કાઢીએ છીએ.સરકાર પાસે જમ્મુ કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે ફોમ્યુંલા રજુ કરવામાં આવી છે. જેમાં પોલીસે જેની ધરપકડ કરી છે તેવા ૧૪ થી ૨૧ વર્ષના બાળકોને છોડી મૂકવામા આવે, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની માગ એવી છેકે સ્કૂલ કોલેજ શરૂ થાય તો તેમનો અભ્યાસ શરૂ થાયઅને તેમની અવળા માર્ગે શકિત વેડફાયનહીં તેવી માગ થઇ રહી છે.રાજકિય ઇચ્છાશક્તિના અભાવના કારણે કાશ્મીરની સમસ્યા ઉકેલાતી નથી તેવી સ્પષ્ટ વાત કરતાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ભારત સામે કાશ્મીરના સંબંધો ઢીલા કરે તે ચલાવી લેવાય નહીં અને ત્યાં સ્વાયત્તતા,સેલ્ફ રૂલ અને આઝાદી એ ત્રણેય વિકલ્પો સ્વીકારી શકાય નહીં.રામમંદિરના ચુકાદા અંગે પ્રતિભાવ આપતાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા એ ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે તેવુ વર્ષોથી કહેતા આવતા હતા અને આ આસ્થાનો વિષય છે અને તેને ન્યાયાલયે પણ સ્વીકાયું છે તે અનહદ ખુશીની વાત છે. રામમંદિર મામલે કાનૂની સિક્કો વાગી ગયો છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં જવાના બદલે કોર્ટની બહાર સમાધાન થઇ શકે છે અને તેના માટે અરજદાર હામિદ અન્સારીએ ચર્ચા પણ કરી છે તેમ તેમણે ઉમર્યું હતું.વધુમાં, ઇવીએમના મતો અંગે શંકા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે મતદારોની શંકા નિર્મૂળ થાય તે માટે ઇવીએમની સાથે પેપર બેલેટ(મતપત્ર)ની પણ વ્યવસ્થા રાખવી જોઇએ તેવો તેમણે અભિપ્રાય વ્યકત કર્યાં હતો.
૧૬ વર્ષે મરાઠી ફિલ્મોમાં અરુણા ઈરાનીનું પુનરાગમન
પીઢ અભિનેત્રી અરુણા ઈરાની લગભગ ૧૬ વર્ષોના બ્રેક પછી મરાઠી ફિલ્મોમાં પુનરાગમન કરી રહ્યાં છે. વિનય લાડના દિગ્દર્શનમાં અને તેમના ભાઈ બલરાજ ઈરાનીએ નિર્માણ કરેલી ફિલ્મ ‘બોલ બેબી બોલ’માં તેઓ અભિનય કરી રહ્યાં છે.આ ફિલ્મ આવતાં વર્ષના આરંભમાં રિલીઝ કરાશે.વિનય લાડે જણાવ્યું હતું કે ‘‘અરુણાજી જેવાં મહાન કલાકાર આ ફેમિલી કોમેડીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ નિષ્ઠાવંત અભિનેત્રી હોવાથી તેમની સાથે કામ કરવાનો અનુભવ પણ ખૂબ સારો રહ્યો. અમે ફક્ત બાવીસ દિવસોમાં શૂટિંગ પૂરું કર્યું. અરુણાજીને ભાષાની બાબતે ખાસ તકલીફ પડી નહોતી. પરંતુ અમે પ્રત્યેક ર્દશ્યના સંવાદો સીડી પર રેકોર્ડ કરી લીધા હતા. એ સાંભળીને અરુણાજી તૈયારી કરતા હતા.’’‘ઝી’ મરાઠી ટીવી ચેનલ માટે ‘અસ્તિત્વ’ જેવી સિરિયલો બનાવી ચુકેલા દિગ્દર્શક વિનય લાડે વધુમાં જણાવ્યું હતું કે ‘‘અરુણાજી ભાષા શુિદ્ધ માટે એ સીડી સાંભળીને જ બીજે દિવસે શૂટિંગ માટે આવતાં હતાં. આ ફિલ્મના અન્ય કલાકારો મકરંદ અનાસપુરે, અનિકેષ વિશ્વાસરાવ અને નેહા પેંડસેનો સમાવેશ છે.’’ છેલ્લે અરુણા ઈરાનીએ ‘ચંગુ મંગુ’ નામની મરાઠી ફિલ્મમાં અભિનય કર્યો હતો.
05 October 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment