06 October 2010

ગુજરાતનું હીર લજજા કોમનવેલ્થ ગેમ્સમાં ઝળકી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ગુજરાતનું હીર લજજા કોમનવેલ્થ ગેમ્સમાં ઝળકી

કોમનવેલ્થ ગેમ્સમાં રાયફલ શુટિંગમાં સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતની પ્રથમ શૂટર લજજા ગોસ્વામીએ ઈતિહાસ રચ્યો છે. આણંદ શહેર પાસેના નાનકડાં જીટોડિયાની લજજાએ અનેક અગવડો અને મુસીબતોનો સામનો કરીને સિદ્ધિ હાંસલ કરી છે.લજજા ગોસ્વામી હાલમાં આણંદની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરે છે. નાનપણથી પિતાના પગલે રાયફલ શુટિંગનો શોખ ધરાવતી લજજાએ એનસીસીમાં જોડાયા બાદ રાયફલ શુટિંગને પ્રોફેશન તરીકે અપનાવ્યું હતું.મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી લજજાને રાયફલ શુટિંગમાં પ્રેક્ટિસ માટે રાયફલ, રેન્જ જેવી સગવડો બીજા પર આધારિત રહેવું પડતું હતું. તે એનસીસીની રેન્જ અને આણંદ ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોસિએશનના રોહિતભાઈ પંચાલના ઘરઆંગણે ઊભી કરાયેલ રેન્જ પર કોચ વિના જ પ્રેક્ટિસ કરતી હતી.વર્ષ ર૦૦પથી રાયફલ શુટિંગને પ્રોફેશન તરીકે અપનાવ્યાં છતાં પાંચ વર્ષના સમયગાળામાં જ લજજાએ અનેક સિદ્ધિ હાંસલ કરી છે. લજજાના પિતા તિલકગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ‘લજજાને કર્નલ રાજેશ, ગુજરાત એનસીસીના ડેપ્યુટી ડિરેક્ટર જર્નલ વી.એસ.ટોલેનો સૌથી વધુ સહયોગ સાંપડ્યો હતો.’૧૪ વર્ષની વયે બુલેટ લઈને આવતી.રોહિતભાઈ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે ‘છ વર્ષ અગાઉ શાંતિલાલ પંચાલ મેમોરીયલ રાયફલ ટ્રેનિંગ કેમ્પમાં લજજા અને તેનાં ભાઈએ ભાગ લીધો હતો. કેમ્પમાં લજજાએ ગોલ્ડમેડલ મેળવીને રાયફલ શુટિંગને પ્રોફેશન તરીકે અપનાવ્યું હતું. લજજા ૧૪ વર્ષની ઉંમરે તેનાં પિતાનું બુલેટ લઈને આવતી હતી અને તેનો ભાઇ તેની પાછળ બેસીને આવતો હતો. એટલે શરૂઆતથી જ લજજાનો વીલપાવર સ્ટ્રોંગ છે.’


રાજકોટ : યુવતીનું અપહરણ કરી વેંચી દીધા બાદ બળાત્કાર

શહેરના આશાપુરા નગરમાં રહેતી યુવતીનું પરિચિત મહિલા સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી યુવતીને બિલખામાં રૂ. ૬૦ હજારમા વેચી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીને ખરીદનાર ઊનાના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી મોકો મળતા જ પરત ભાગી આવેલી યુવતીએ આપ વિતી વર્ણવતા તમામ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.ચકચારી બનાવ અંગે કોઠારિયા રોડ, આશાપુરાનગર-૩મા રહેતા જયશ્રીબેન ઉર્ફે જયોત્સના બટુકભાઇ સોરિઠયા નામની પટેલ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ રહેતી મણીબેન, વિજય ભરવાડ, વિપુલ ભરવાડ બિલખા ગામે રહેતી લાભુબેન અને ઊના રહેતા હમીર કાળા આહીર, સાજણભાઇ માલદેભાઇ આહીર અને રામભાઇ લાખાભાઇ ગોહીલના નામો આપ્યા છે.ફરિયાદ મુજબ, આરોપી મહિલા મણીબેન પટેલ પરિવારની પરિચિત હોય ગત તા.૨૮ની સાંજે પટેલ પરિણીતાની પુત્રીને શાકભાજી લેવા સાથે લઇ ગઇ હતી. મોડી રાત સુધી પુત્રી પરત નહીં આવતા પટેલ પરિવારે તપાસ કરી હતી. તપાસમાં મણીબેન અને બે ભરવાડ શખ્સો લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાનું બહાર આવ્યું હતું.દરમિયાન આઠ દિવસથી ગુમ થયેલી પુત્રી આજે પરત આવતા તેને સઘળી હકીકત તેની માતાને વર્ણવતા કહ્યું હતું કે, લગ્નની લાલચે મણીબેન તેમજ યુવતી સાથે હીરાના કારખાનામાં કામ કરતા બન્ને ભરવાડ શખ્સો બિલખા લાભુબેન પાસે લઇ ગયા હતા. ત્યાથી ઊનાના હમીર આહીરને રૂ.૬૦ હજારમા વેચી કોર્ટમાં લગ્ન કરાવી નાખ્યા હતા અને આહીર શખ્સે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.


કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા ભાજપની ધમકી

તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની ઉમેદવારી પાછી ખેંચવાના એક દિવસ પહેલાં કચ્છ-ભુજની સુખપર બેઠક અને બનાસકાંઠાના દાંતાની હાથીજરા બેઠકના કોંગી ઉમેદવારોને રાજ્ય સરકારના પ્રધાન અને ધારાસભ્યએ ઉઠાવી જઈને ઉમેદવારી પાછી ખેંચાવવા ધમકી આપી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.કોંગ્રેસ આ બાબતે ચૂંટણીપંચને લેખિત ફરિયાદ કરશે. કોંગ્રેસે ગોધરાની જુની ધર, રાજકોટની જામકંડોરણાની ધોળીધાર અને ખેડબ્રહ્નાની સાવલિયા પંચાયતની બેઠક બિનહરીફ મેળવી હોવાનો દાવો કર્યો છે.મંગળવારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની સુખપર જિલ્લા પંચાયતની બેઠકના કોંગી ઉમેદવાર ખીમજી રત્નાભાઈ હિરાણીને રાજ્ય સરકારના એક પ્રધાન સત્તાનો બેફામ દુરુપયોગ કરીને પોતાની ગાડીમાં ઉપાડી ગયા હતા.


અમદાવાદ : ભાજપની જાહેરસભાના લીધે કલાકો સુધી ટ્રાફિકજામ

મ્યુનિ. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે દરિયાપુર દરવાજા પાસે યોજાયેલી જંગી જાહેરસભાના કારણે ઇન્કમટેક્સથી કાલુપુર સુધી અને ગિરધરનગરબ્રિજથી કાલુપુર સુધી હજારો લોકો ટ્રાફિકજામમાં અટવાઇ ગયા હતા. ભાજપની જાહેરસભા યોજાય ત્યારે ટ્રાફિકને કોઇ અડચણ ન થાય તેવું આયોજન કરવાને બદલે પોલીસ વિભાગે અમુક રસ્તા જ બંધ કરી દીધા હતા.
સભા પૂરી થઇ ત્યારબાદ મુખ્યમંત્રીના કાફલાને જવા દેવા ટ્રાફિક અટકાવી દેવાયો હતો અને તેના કારણે શાહીબાગ અંડરપાસ અને બહારની સાઇડે ટ્રાફિકજામ થઇ ગયો હતો, તે જોઇ રાજસ્થાન હોસ્પિટલ તથા ગિરધરનગર તરફથી આવતાં વાહનચાલકોએ પાછા વળવાનો પ્રયાસ કરતાં નવા બ્રિજ પાસે પણ ટ્રાફિકજામ થયો હતો, ત્યારબાદ ગિરધરનગરબ્રિજ ચઢી ઇદગાહ ચોકી થઇ દરિયાપુર દરવાજા થઇ ઇન્કમટેક્સ જવાનો અને કાલુપુર તરફ જવાનો ઇરાદો રાખતાં વાહનચાલકોની દશા ખરાબ થઇ ગઇ હતી.ગિરધરનગરબ્રિજ ઊતરતાં જ ચારેકોર વાહનોથી ટ્રાફિકજામ થઇ ગયો હતો, ગિરધરનગરથી કાલુપુર થઇ રાયપુર તરફ જવા માગતા અને ગિરધરનગરથી કાલુપુર થઇ ઇન્કમટેક્સ જવા માગતા વાહનચાલકો કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાઇ જતાં પોલીસ ઉપર અને પીકઅવર્સમાં જ રોડ ઉપર જાહેરસભા યોજવા બદલ ભાજપ ઉપર રોષ ઠાલવ્યો હતો.તેવી જ રીતે રાયપુર-ખાડિયામાં યોજાયેલી જાહેરસભાના કારણે પણ રાયપુર-ખાડિયાના રોડનો ઉપયોગ કરવા માગતા વાહનચાલકોને બીજા રસ્તે જવાની ફરજ પડાતાં ઠેર ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાવા પામ્યાં હતાં.


બોંબ પ્રકરણમાં પ્રતિબંધિત સંસ્થાનો હાથ હોવાની શંકા

યાકુતપુરા બોંબ પ્રકરણમાં સૂત્રધાર શહાબુદ્દીનના બે સાગરીત ઝડપાયા બાદ તેમને અદાલત સમક્ષ રજુ કરતા તા.૧૧મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. બોંબ પ્રકરણમાં પ્રતિબંધિત સંસ્થાનો પણ હાથ હોવાની શંકા આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન બાદ યાકુતપુરા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે છ ક્રૂડ બોંબ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં બોંબની માહિતી આપનાર શખ્સે શહાબુદ્દીનના કહેવાથી બોંબ મૂક્યા હોવાનું ખૂલતાં પોલીસે ગઇકાલે જીયાઉદ્દીન ઉર્ફે જીયો અલ્લાઉદ્દીન સૈયદ (રહે. યાકુતપુરા) અને ઝહીર ઉર્ફે જોન્ટી રઇશમિયાં શેખ (રહે. રહેમાની મહોલ્લો, યાકુતપુરા)ની ધરપકડ કરી હતી.બોંબ પ્રકરણમાં ઝડપાયેલા બન્ને શખ્સને અદાલત સમક્ષ રજુ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતાં રજુઆત કરી હતી કે, બનાવમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર શહાબુદ્દીનને ઝડપી પાડવાનો બાકી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં દુશ્મનોને ફસાવવા માટે બોંબ ગોઠવ્યા હોવાનું બન્ને શખ્સ જણાવી રહ્યા છે.પરંતુ સામાન્ય ઝઘડાની અદાવતમાં બોંબ ગોઠવવામાં આવે તેવી સંભાવના જણાતી ન હોઇ અન્ય દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે. આ બનાવમાં કોઇ પ્રતિબંધિત સંસ્થાનો હાથ છે કે કેમ ? તેની પણ તપાસ કરવી જરૂરી છે. તેમજ વધુ કોઇ બોંબ અન્ય સ્થળે છુપાવવામાં આવ્યા છે કે કેમ ? તેની પણ તપાસ કરવાની છે. જયુ.મેજિ.એ આરોપીના તા.૧૧મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.


તો મને ચોકમાં ફાંસીએ ચઢાવાય

‘કોમનવેલ્થના આયોજનમાં દેશની આબરૂનો કચ્ચરઘાણ કાઢનાર કોંગ્રેસની તિજોરીમાં ‘ગાંધી’છે પણ ભાજપના તો દિલમાં ગાંધી છે’ એવા ઉચ્ચારણો મંગળવારે કાશીરામ રાણાના ગઢ ગણાતા કોટસફિલ રોડ ઉપર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતાં.કશ્મીરની હિંસામાં વડાપ્રધાને પોલીસને સંયમ રાખવા માટે કરેલા નિવેદનને પણ તેમણે આડેહાથ લીધું હતું અને ‘આવું હું કહું તો મને તો ચોકમાં ફાંસી આપી દે’ તેવું કોંગ્રેસને પરખાવ્યું હતું અને કોંગ્રેસ લોકશાહી ઢબે ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે સીબીઆઈની મદદથી કારસા ઘડવા માંડી છે. એવો આરોપ પણ મૂક્યો હતો.જનસંઘના સમયથી શહેરમાં સભા યોજીને ભાજપનો જ્યાંથી શહેરમાં ઉદય થયો હતો, તે કોટસફિલ રોડ ઉપર મંગળવારે સાંજે મુખ્યમંત્રી મોદીએ વિશાળ જનમેદનીને સંબોધી હતી.આ વિસ્તાર પહેલાંથી કાશીરામ રાણા અને ફકીરભાઈ ચૌહાણનુ પ્રભુત્વ ધરાવતો હોય આ જાહેરસભા દ્વારા વિરોધીઓને તો આડકતરો જવાબ આપ્યો હતો પરંતુ સમગ્ર સભામાં તેમણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ઉપર જ પ્રહાર કર્યે રાખ્યા હતાં. તેમણે કહ્યું કે ‘આ ચૂંટણીમાં વાતાવરણ અલગ છે. લોકોમાં જુસ્સાની સાથે કોંગ્રેસને પરાજિત કરવાનો ગુસ્સો પણ દેખાય છે.ગુજરાતને કેન્દ્ર મદદ કરે છે તેવા ટોણા મરાય છે પણ ગુજરાત આપનારુ રાજ્ય છે માગનારું રાજ્ય નથી. સુરતમાં તાપીનું પૂર આવ્યું ત્યારે વડાપ્રધાન પહેલાં મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા ગયા હતાં, કેમકે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. અહીંયા માત્ર હવામાં ચક્કર મારીને રવાના થઈ ગયાં હતાં. પૂરમાં થયેલી નુકસાની પેટે સુરતને એક કાણી પાઈ નથી આપી. કોંગ્રેસની આવી વૃત્તિ સામે ગુજરાતીઓને ગુસ્સો છે.


રેગિંગ : વિદ્યાર્થીના ગુપ્તાંગમાં ઇન્જેકશન મુકાયું

મગદલ્લાની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં રેગિંગનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પાંચમા ધોરણમાં ભણતા દસ વર્ષના વિદ્યાર્થીના ગુપ્તાંગ પર નવમા ધોરણમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ ઇન્જેક્શન મૂકર્યું હોવાની ફરિયાદ ઊઠી છે. મંગળવારે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ ઉમરા પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના પાંચમા ધોરણમાં ભણતા અક્ષર (નામ બદલ્યું છે)નાં માતા અને પિતા મંગળવારે બપોરે બારેક વાગ્યાના સુમારે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. અહીં તેમણે પોલીસ સમક્ષ એવી વાત કરી હતી કે તેમના ૧૦ વર્ષીય પુત્ર અક્ષરના ગુપ્તાંગમાં તેની જ સ્કૂલમાં ભણતા નવમા ધોરણના બે વિદ્યાર્થીએ ઇન્જેકશન મૂક્યું હતું અને વૃષણકોથળી દબાવી માર માર્યો હતો.વાલીઓએ મેડિકલ રિપોર્ટ પણ પોલીસને બતાવ્યા હતા. આ માહિતી રાયન સ્કૂલનાં આચાર્યાને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતાં. જેના પર આરોપ છે તે વિદ્યાર્થીઓને લઈ તેમના વાલીઓ પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. મોડી રાત સુધી સમાધાનના પ્રયાસો જારી રહ્યા હતા.અક્ષરને તપાસનાર તબીબ કહે છે, ગુપ્તાંગમાં કોઈ ઇજા ન હતીઅક્ષરને ૩૦ સપ્ટેમ્બરે મશિન હોસ્પિટલમાં ડા¸કટર વિનેશ શાહે તપાસ્યો હતો. તેમણે ‘ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અક્ષરના વાલીઓની ફરિયાદને આધારે અમે વૃષણકોથળીઓ અને પેટની સોનોગ્રાફી કરાવી હતી. જે નોર્મલ હતી છતાં પોલીસને જાણ કરી જ દીધી હતી. તે સમયે વાલી અને વિદ્યાર્થીઓનાં નિવેદન પોલીસે લીધાં હતાં.જોકે, વાલીઓએ જણાવ્યા પ્રમાણે ગુપ્તાંગ સાથેની છેડછાડની ઘટનાને દસ-બાર દિવસ વીતી ગયા હોવાથી તબીબી તપાસમાં તેનાં કોઈ નિશાન મળી શકે તેમ ન હતાં. તેથી ચોક્કસપણે કહી ન શકાય કે વિદ્યાર્થી સાથે એવું કશું બન્યું હોય!અક્ષરના વાલીઓ છેલ્લા એક મહિનામાં ત્રણ વખત મારી પાસે રજુઆત કરવા આવ્યા હતા. ત્રણેય વખત અક્ષર તેને મારનારને ઓળખી શક્યો ન હતો. અક્ષરે કરેલા વર્ણનના આધારે ટીચર બે વિદ્યાર્થીને પકડી લાવી તો અક્ષરે તે બે વિદ્યાર્થી જ મારતા હોવાનું કહ્યું હતું. આથી બંને વિદ્યાર્થીને ધમકાવી આવું ન કરવા કહ્યું હતું.૩૦ સપ્ટેમ્બરે વાલીઓ અક્ષરને સ્કૂલેથી હોસ્પિટલ લઈ ગયા હતા અચાનક મંગળવારે કેમ ઇન્જેકશન અને ગુપ્તાંગ દબાવ્યાની વાતો કરે છે તે સમજાતું નથી. આવી કોઈ ઘટના બની જ નથી. અમારા રજિસ્ટરમાં ચાલુ સ્કૂલે દોઢ કલાક ગુમ થયાનું નોંધાયું નથી. વળી, દોઢ કલાક સુધી વિદ્યાર્થી બાથરૂમમાં પડ્યો રહે અને જાણ ન થાય!


‘સેઝ’ની સુનાવણીમાં સટાસટી

મુન્દ્રા તાલુકાના લુણી મુકામે મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝના ફેસ ૧ અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રચરની આજે જાહેર સુનાવણી થઇ એ સમયે તંત્ર અને પ્રજા વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત અગ્રણી, નાગરિકોએ કેટલાક ગંભીર મુદ્દા ઉઠાવ્યા ત્યારે સન્નાટો વ્યાપી ગયો હતો.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કચ્છની કંપનીઓ વિરુદ્ધ પર્યાવરણ સંબંધે શું પગલાં લીધા ? એ પ્રશ્ન પર અધિકારીઓ ખામોશ બની ગયા હતા. આ પ્રકારે બોર્ડ સામે લોકોએ અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. એમાં ભદ્રેશ્વરના અગ્રણીએ પ્રોજકેટ કાર્યરત થવાથી દશ હજાર માછીમારોની આજીવિકા પર સવાલ ખડો થવાની ભીતિ દર્શાવી હતી.આ સુનાવણી માં આદિપુરના અગ્રણી ભીખાલાલ નથુલાલ આહિરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હાથ પગ વિનાનું કહી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં શમિયાણામાં સન્નાટો વ્યાપી ગયો હતો.ગુજરાતના ૧૪૦૦ કિમીના દરિયાઇ વિસ્તારમા ફક્ત મુન્દ્રાના ૧૫૦ કિમી દરિયાઇ વિસ્તારમાં હજી કેટલાક પાવર પ્લાન્ટને પરવાનગી અપાશે ? એવો પ્રશ્ન કરી આગામી સમયમાં કચ્છ ઉજજડ પ્રદેશમાં પરિણમશે જીપીસીબીએ કંપનીઓ વિરુદ્ધ પર્યાવરણ સબંધે શું પગલા લીધા તેવા અણિયાળા સવાલો કર્યા હતા. ભદ્રેશ્વરના માછીમાર અગ્રણી ઇસ્માઇલ આમદ માજંલીયાએ પ્રોજેક્ટ કાર્યરત થવાથી દસ હજાર માછીમારોની આજીવિકા પર સવાલ ખડો થવાની ભીતિ દર્શાવી હતી.ઝરપરાના સરપંચ વાલજી ટાપરિયાએ સ્થાનિક રોજગારીનો મુદો ઉઠાવી કાયદાની રૂએ ૩૦ દિવસની નોટિસ બજવણી કર્યા બાદ બીજી સુનાવણી યોજનાની માગ કરી હતી. ઝરપરાના વડીલ વિશ્રામ દેવીયાએ પંથકમાં ધરતીની હરાજી થઇ રહી છે ત્યારે પ્રશાસન નીચું મો રાખી ઘટનાક્રમ નિહાળી રહયું હોવાનો આક્ષેપ કર્યો હતો.



વેરાવળ : હનુમાનજીની પ્રતિમાની તોડફોડથી રોષ

વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પરિસરથી નજીક આવેલા કિલ્લાવાળા હનુમાનજીની મૂર્તિને ગતરાત્રે ખંડિત કરતાં લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. બનાવને પગલે સોમનાથ વિસ્તારનાં વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટે બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ મંદિર નજીક સમુદ્રતટે વર્ષો જૂનું કિલ્લાવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે. જે સોમનાથ ટ્રસ્ટ હસ્તક છે. મંદિરમાંની હનુમાનજીની ત્રણેક ફૂટની મૂર્તિમાં ગતરાત્રે કોઈએ આંખો કાઢી સોયા ભોંકી કમ્મરથી નીચેનાં ભાગે સીંદુર ઉખેડી નાંખ્યો હતો. બાજુમાં આવેલી ભૈરવની મૂર્તિમાં પણ ઉઝરડા પાડ્યા હતા. બનાવ અંગે જાણ થતાં સોમનાથ મંદિર આસપાસનાં વેપારીઓ, ફોટોગ્રાફરો, દરિયાકિનારે ઉંટગાડી અને ઘોડેસવારી કરાવતા ધંધાર્થીઓએ બંધ પાળી રોષ ઠાલવ્યો હતો.દરમ્યાન સોમનાથ વિહપિનાં પ્રમુખ ભૂપેન્દ્ર વિટ્ઠલાણી અને પ્ર.પાટણ વિહિપનાં ભૂપત જાનીએ એસ.પી.ને ફેકસ પાઠવી કિલ્લા હનુમાનની મૂર્તિ ખંડિત કરનાર ગુનેગાર સામે સખ્ત કાર્યવાહી કરવા અને મંદિર ખાતે કાયમી સુરક્ષા માટે પગલાં લેવા માંગણી કરી છે. તેઓએ વધુમાં એવી માંગણી પણ કરી છે કે, સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં આ મંદિરમાં લાઈટ, સુરક્ષાકર્મી અને પૂજારીની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. એ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા તેમજ શોપીંગ સેન્ટરોનાં દુકાનદારોની વર્ષોથી અખંડ દીવા કરવાની પ્રણાલિ જાળવવા દેવા તેમજ હનુમાન જયંતિની ઉજવણી માટે છુટ આપવી.બનાવ અંગે સોમનાથ ટ્રસ્ટનાં સીકયોરિટી અધિકારી ઉમેદજી જેમલજી જાડેજાએ અજાણ્યા શખ્સો સામે મૂર્તિને ખંડિત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં સોમનાથ વિસ્તારનાં શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં એકત્રિત થવા લાગ્યા હતા અને વાતાવરણમાં ભારે તંગદીલી ફેલાઈ હતી. ડીવીયએસપી વી.ડી.ગોહેલ, પીઆઈ વી.એન.સરવૈયા સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પગલાં લેવાની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો.

No comments:

Post a Comment