04 October 2010

રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બે જાહેરસભા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બે જાહેરસભા

સાંજે સાત વાગ્યે મવડી ચોકડી અને આઠ વાગ્યે પાણીના ઘોડા પાસે ઉમટી પડવા ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા. અને ધનસુખભાઇ ભંડેરીની અપીલ.કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે સોમવારે રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની બે જાહેરસભાનું આયોજન કરાયું છે.શનિવારે ભાજપના કાર્યકરોને પ્રેરક માર્ગદર્શન આપ્યા બાદ મુખ્યમંત્રી હવે સોમવારે રાજકોટની જનતાને સંબોધવા આવી રહ્યા છે ત્યારે રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ ધનસુખભાઇ ભંડેરીએ લોકોને બન્ને સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપ્યું છે.સોમવારે સાંજે સાત વાગ્યે રાજકોટના મવડી રોડ-દોઢ સો ફૂટ રિંગરોડના ક્રોસિંગ પર આવેલી મવડી ચોકડી ખાતે નરેન્દ્રભાઇ મોદી વિશાળ સભાને સંબોધશે. જ્યારે તે પછી તરત જ રાત્રે આઠ વાગ્યે પેટર રોડ પર પાણીના ઘોડા પાસે પણ નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા યોજાશે. શનિવારે નરેન્દ્રભાઇએ ભાજપના કાર્યકરોને મનનીય ઉદ્દબોધન કર્યું હતું. ત્યારબાદ, હવે લોકો માટેની આ સભા છે.આ જાહેરસભાઓમાં ઉમટી પડવા અને નરેન્દ્રભાઇને રાજકોટમાં ભાજપનો વિજય નિશ્વિત છે તેવી ખાતરી આપવા રાજકોટ ૧ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ ૩ ના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ ધનસુખભાઇ ભંડેરીએ અપીલ કરી છે.ઉલ્લેખનીય છે કે કાર્યકર્તા સંમેલનમાં મોદીએ કોંગ્રેસ સરકારની નીતિઓ, નિર્ણયો પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર વેધક પ્રહારો કર્યા હતા.



સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીથી લોકો ત્રસ્ત

પરોઢિયે ગુલાબી ઠંડીનો ચમકારો: શિયાળાનો પગરવ. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ ચૈત્રી ઉનાળાની જેમ વધી રહ્યું છે. જેને પગલે લોકો ત્રસ્ત થઇ ગયા છે. જો કે પરોઢિયે ગુલાબી ઠંડીના અહેસાસથી શિયાળાના પગરવ થઇ રહ્યા છે.રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કંડલા ૩૯.૩ ડિગ્રી સાથે ધમધગ્યુ હતું.જ્યારે ભૂજમાં ૩૯.૧, દ્વારકા ૩૮.૬, રાજકોટમાં ૩૭.૬, પોરબંદરમાં ૩૬.૬, ભાવનગરમાં ૩૬.૨, અમરેલીમાં ૩૬.૪, વેરાવળમાં ૩૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી બપોરના સમયે આકરા તાપ અને રાત્રિના શીતળતા છવાતા લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે.દરમિયાન પરોઢિયે ગુલાબી ઠંડીના અહેસાસથી ટુંકા ગાળામાં શિયાળાની ઋતુમાં સુસવાટા મારતો ઠંડો પવન શરૂ થઇ જશે.


રાજકોટ : ભાડૂઆતે મકાન ખાલી કરવાના પાંચ લાખ માગી ધમકી દીધી

સાત મહિનાથી રહેતા શખ્સે એક મહિનો જ ભાડું ચૂકવ્યું હતું.આજીડેમ પાસેના અનમોલ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાડૂઆતે મકાન ખાલી કરી આપવા પાંચ લાખની માગ કરી મકાન માલિકને ખૂનની ધમકી દીધી હતી.એચ. જે. સ્ટીલ પાસેના ભારતનગરમાં રહેતા યુપીન મુનાલાલસિંહ રામદાસસિંહપટેલ (ઉ. વ. ૪૦) નું આજીડેમ પાસેના અનમોલ પાર્કમાં મકાન આવેલું છે. જેમાં, સાતેક મહિનાથી રાજસ્થાની લક્ષ્મણ બંસીલાલ શર્મા ભાડેથી રહેતા લક્ષ્મણે એક મહિનો ભાડું આપ્યા બાદ ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને મકાનના ઉપરના માળે રહેતા વિદ્યાર્થીઓને પણ કાઢી મૂક્યા હતા.મકાન માલિકે ભાડું માગતા લક્ષ્મણે તે ચૂકવવાનો ઇનકાર કરી મકાન ખાલી કરી આપવાના રૂ. પાંચ લાખ માગ્યા હતા અને રકમ નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મકાન માલિકને ધમકી આપનાર ભાડૂઆત અને તેની સાથેના શખ્સ સામે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.અન્ય એક કિસ્સામાં ગોંડલ રોડ પરના ઓમનગર પાર્કમાં રહેતા ચંદુ લાલિંસગ લોધાએ દારૂ પીવા માટે નરેન્દ્રભાઇ કુંભાર પાસે પૈસા માગી ઝઘડો શરૂ કર્યો હતો ત્યાં ઊભેલા ઓમનગરના કિશોરસિંહકરણસિંહગોહિલે (ઉ. વ. ૪૨) ઝઘડો કરવાની ના કહેતા લોધા શખ્સે ઉશ્કેરાઇને ગરાસિયા યુવાનને તલવારનો ઘા ઝીંકયો હતો. પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.



સુરત : સાહેબ, પ્લીઝ મારા પપ્પાને મહિલાના ચક્કરમાંથી છોડાવો!

હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાને પોલીસ કમિશનરને અરજી કરી પિતાને મહિલાના ચક્કરમાંથી મુક્ત કરાવવા રજુઆત કરી. સામાન્ય સંજોગોમાં દીકરો અવળા રસ્તે ચડી ગયો હોય તો તેના પિતા તેને પાછો વાળવા માટેના પ્રયાસો કરે છે પણ અહીં ઊલટી ગંગા વહી રહી છે. એક યુવાન પુત્રએ પોતાના પિતાને અવળે રસ્તેથી પાછા વાળવા માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. મહિલાના ચક્કરમાં ફસાઈ જઈને બરબાદીના પંથે આગળ વધી રહેલા તેમના પિતાને આ મહિલાના ચક્કરમાંથી મુક્ત કરાવવા માટે તેમણે કાકલુદી કરી છે.હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો ૨૬ વર્ષીય અંકિત સુરેશભાઈ દેસાઈ (રહે: અમીઝરા એપાર્ટમેન્ટ, પાણીની ભીંત, ગોપીપુરા)એ પોલીસ કમિશનરને તા. ૨-૧૦-’૧૦ના રોજ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેનાં માતાનું અવસાન થયા બાદ વિધુર પિતા સુરેશભાઈ શાંતિલાલ દેસાઈ (૪૭) અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષીય એક કુંવારી મહિલાના ચક્કરમાં ફસાઈ ગયા છે. જે મહિલાનો ધંધો જ દેહવ્યાપારનો છે. જેણે તેમના પિતાને પોતાની માયાજાળમાં બરાબરના ફસાવી દીધા છે.સુરેશભાઈને પોતાનો શિકાર બનાવી ચૂકેલી આ મહિલા હવે તેમને બ્લેક મેઇલ કરે છે. એટલું જ નહીં પણ કુમળી વયની યુવતીઓને અંકિતની ગેરહાજરીમાં ઘરે પણ મોકલે છે. પોતાના પિતાને અવળે રસ્તે ચડાવનારી આ મહિલા સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવાની યુવાને માંગણી કરી છે.


સુરતમાં રશિયન કોલગર્લ બિભત્સ હાલતમાં ઝડપાઇ!

ગાંધી જયંતીના દિવસે બેફામ ચાલી રહેલી નશાબંધી ધારા વિરુદ્ધની પ્રવૃત્તિ અંગે ‘દિવ્ય ભાસ્કર’માં રિપોર્ટ રિપોર્ટ પ્રસિદ્ધ થતાં રવિવારે ખટોદરા પોલીસે ભીમરાડમાં ૧૦ સ્થળોએ છાપા માર્યા હતા જેમાંથી પાંચ સ્થળેથી દેશી દારૂ બનાવવાની ભઢ્ઢીઓ મળી આવી હતી, જ્યારે અડાજણ પોલીસે મહિલા બુટલેગર અમી મહેતાના ઘરે છાપો મારીને તેની સાથીદાર ઝહેરાબીબી મોઇન નઝમુદ્દીન ઉપરાંત અલિશા નામની એક રશિયન કોલગર્લને પણ પકડી પાડી હતી.તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની પાંચ બોટલો ઉપરાંત બેડરૂમમાં તપાસ કરાતાં ઝાંપા બજાર ખાતે રહેતા વોરાજી મહાદ મુસ્તનસીર નામનો શખ્સ આ રશિયન કોલગર્લ સાથે સૂતેલો મળી આવ્યો હતો. આ ઉપરાંત રુદરપુરામાં દરજી શેરીમાં પોતાના ઘરમાં જ જરીનું કરાખાનું ધરાવતા કિરીટ ચંદુભાઈ જરીવાલાને ત્યાં અઠવાલાઇન્સ પોલીસે દરોડો પાડી ૧૮ જાતના દારૂની ૨૨૭ મોટી બોટલ કબજે કરી હતી.


નકલી દારૂ ક્યારેક સુરતીઓનો જીવ લેશે

સુરત અને તેના આસપાસના જિલ્લાઓમાં હાલ હલકી કક્ષાનો વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે. હાલ ૧૦૦૦થી ૧૪૦૦ કિલોમીટર દૂર રાજસ્થાન, ચંદીગઢ અને પંજાબથી આવતો દારૂ અગાઉ જેટલી જ ઓછી કિંમતમાં મળી રહ્યો છે જે વાત તેના પર મત્તુ મારનારી છે.જાણકારોનું પણ કહેવું છે કે ગુજરાતમાં સપ્લાય કરવા માટે ત્યાંની ફેક્ટરીમાં સ્પેશિયલ કેસમાં હલકી કક્ષાનો દારૂ બનાવવામાં આવે છે જેથી, જ બુટલેગરોને આટલી દૂરની લાઈન પરવડે છે. જો સારી ગુણવત્તાનો દારૂ અહીં મંગાવાય તો એક બોટલનો ભાવ બેથી ત્રણ ગણો વસૂલવો પડે. એફએસએલ વિભાગ પાસેપણ પકડાયેલા દારૂની ગુણવત્તા ચકાસવાની કોઈ જોગવાઈ નથી.


ભાવનગર : ભાજપ અને કોંગ્રેસે બાકી ઉમેદવારો જાહેર કર્યા

જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે બાકી બેઠકો પરથી આજે ઉમેદવારો જાહેર કરી અંતિમ ઘડીએ ઈચ્છુક ઉમેદવારોનો બળવો નાથવાનો પ્રયાસ કર્યો હતો.ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે ભારે વિટંબણા અનુભવે છે. ભાજપે બે તબક્કે જ્યારે કોંગ્રેસે તો કટકે-કટકે ઉમેદવારો જાહેર કર્યા છે. અને હજુ પણ આવતીકાલ સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં કોંગ્રેસ ચમારડી બેઠક જાહેર કરી શકતું નથી.કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ વચ્ચેના પ્રદેશ કક્ષાએ ઉભા થયેલા મનભેદો ચૂંટણી પર દેખાય છે. યુવક કોંગ્રેસના પ્રમુખ દિગ્વીજયસિંહ પરબતસિંહ ગોહિલ વાળુકડ બેઠક પરથી ઉમેદવાર તરીકે ફાઈનલ હોવા છતાં આજ સુધી સત્તાવાર જાહેર કર્યા ન હતા. પરંતુ અંતે કોંગ્રેસે આજે વાળુકડ બેઠક પરથી દિગ્વીજયસિંહગોહિલના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. તદ્દઉપરાંત સોનગઢ બેઠક પરથી હરેશભાઈ સોલંકી અને અલંગમાં માવજી શિયાળના નામની જાહેરાત કરી હતી.જ્યારે ભાજપમાંથી બાકી ૧૪ ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત કરી હતી.જેમાં અલંગમાં ગોબરભાઈ સોલંકી, દીહોરમાં હરકુંવરબેન પનોત, પાવઠીમાં ધર્મીષ્ઠાબેન ડોડીયા, સરતાનપરમાં ઓઘાભાઈ બાંભણીયા, ઘોઘામાં વિજયાબા ગોહિલ, વાળુકડમાં લીંબાભાઈ ડાભી, નિંગાળામાં કાળુભાઈ કેવડીયા, ઉગામેડીમાં દેવરાજભાઈ સુરાણી, સણોસરામાં મુળજીભાઈ મીયાણી, સોનગઢમાં અશોકભાઈ ધુડાભાઈ વાઘેલા, લાઠીદડમાં પોપટભાઈ અવૈયા, પરવડીમાં રમેશભાઈ ગોપાણી, વેળાવદરમાં વિઠલભાઈ સોરઠીયા, ઉમરાળામાં મહાવીરસિંહ ગોહિલ સહિતના જાહેર કરાયા હતા.


ભાવનગર : ૨૦૦૫માં કોર્પો.માં ત્રીજા મોરચાનો સફાયો થયેલો

ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી, ૨૦૦૫ની ચૂંટણીમાં ભાજપને ૫૦ ટકા અને કોંગ્રેસને ૩૭ ટકા મત મળ્યા હતા અને તે સાથે જ દ્વિપક્ષીય રાજકારણનો ભાવનગર મ્યુ. કોર્પો.માં આ ચૂંટણીથી ઉદય થયો હતો.અગાઉ ૧૯૯૫ અને ૨૦૦૦ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સીપીએમને બેઠકો મળતી હતી પરંતુ ૨૦૦૫ની ચૂંટણીમાં સીપીએમ સહિતના તમામ માન્ય રાજકીય પક્ષો અને તમામ અપક્ષોનો આ ચૂંટણીમાં સફાયો થઈ ગયો હતો. આ વખતે ૧૦મી ઓક્ટોબર યોજાનારી મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં પણો મોટા ભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.૧૦મી ઓક્ટોબરની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ ધીમે-ધીમે ભાવનગર શહેરમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે છેલ્લી ચૂંટણીનું વહિંગાવલોકન કરીએ તો કુલ ૩,૮૫,૦૫૦ મત પૈકી ભાજપને ૩૯ બેઠકો અને કુલ ૧,૯૨,૨૪૨ મત મળ્યાં હતા તો કોંગ્રેસને ૧૨ બેઠકો અને ૧,૩૮,૦૬૦ મત મળ્યા હતાં. કુલ ૩,૮૫,૦૫૦ મત પૈકી ૩૯.૨૫ ટકા એટલે કે ૧,૪૪,૬૭૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ઈ.સ. ૧૯૯૫માં ભાવનગરમાં ભાજપ તરફી પ્રચંડ પવન ફૂંકાયો હતો અને ૫૧ પૈકી ૪૪ બેઠકો સાથે અભૂતપૂર્વ વિજય મેળવેલો છતાં ત્યારે પણ સીપીએમને એક બેઠક અને કોંગીને છ બેઠક મળી હતી તો છેલ્લી ૨૦૦૫ની ચૂંટણીમાં સી.પી.એમ. અને જનતાદળ (યુ) સહિત માન્ય પક્ષો કે અપક્ષ તમામને જનતાએ રિજેક્ટ કરી માત્ર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જ ચૂંટતા મ્યુ. કોર્પો.માં માત્ર દ્વિપક્ષીય રાજકારણનો ઉદય થયો હતો. હવે આ વર્ષે મજપા, નાગરિક મરચો, જેવા ત્રીજા મોરચાઓએ જોવાનું કે જનતા જનાર્દન કોને પસંદ કરે છે.


ગાંધીધામ : કોંગ્રેસ છેલ્લે નામ જાહેર કરશે

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોમવારે છે અને ભાજપે પોતાના તમામ ઉમેદવાર આગોતરાં જારી કરી નાખ્યા હોવા છતાં કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારોના નામ અંગે સસ્પેન્શન જાળવી રાખ્યું હતું અને અસંતોષ ન ફેલાય કે હરીફો ઉંઘતા જ રહે તે માટે તમામ પત્તા છાતી સરસા ચાંપી રાખ્યાં હતાં.ગાંધીધામમાં ગત ચૂંટણી વખતે માત્ર એક જ બેઠક જીતનારા કોંગ્રેસ પક્ષને આ વખતે સત્તાધારી ભાજપના અંદરોઅંદરના ડખા તથા શાસનની નિષ્ફળતાને પરિણામે લોકોએ ભોગવેલી હાલાકીને લીધે સત્તા હાંસલ કરવાનું સપનું લાંબા સમય પછી દેખાણું છે અને તેમાં કોઇ પંચર ન કરી જાય તે માટે ફોર્મ ભરવાની અંતિમ ઘડી સુધી નામ જાહેર ન કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ઉમેદવારો નક્કી થઇ ગયા છે અને ફોર્મ પણ ભરાઇ ગયા છે. આવતીકાલે સોમવારે જ્યારે ફોર્મ ભરવામાં આવશે, ત્યારે જ પક્ષનું રૂખ જાહેર કરવામાં આવશે.નગરપ્રમુખ પદે કોણ હશે ?ગાંધીધામ સુધરાઇમાં આ વખતે સત્તાગ્રહણ કરવાનો વિશ્વાસ ધરાવતા કોંગ્રેસ દ્વારા પ્રમુખપદ માટે મોટું માથું ઉતારવામાં આવે એવી સંભાવના હોવાનું પક્ષના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. આ વખતે ગાંધીધામમાં પ્રમુખ તરીકે મહિલા અનામત હોવાથી પ્રદેશકક્ષાના એક મહિલા અગ્રણીને ગાંધીધામમાંથી ચૂંટણી લડાવવાનું તમામ નક્કી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું

કડી તાલુકાના મેડાઆદરજ ગામ નજીક આવેલ ઝાલોરા જીજીએસ-૨માંથી રવિવારે ઓઇલ મિશ્રિત એસિડીક પાણી આસપાસના ખેતરોના ચોતરફ પ્રસર્યું હતું. ડાંગર સહિતના ઉભા પાકોમાં આ ઓઇલ મિશ્રિત એસિડીક પાણી ફરી વળતાં આશરે ૨૦ વીઘા જમીનમાં પાક બળીને ખાખ થઇ જતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જ્યારે આ સંદર્ભે સ્થાનિક ખેડૂતો દ્વારા અગાઉ એનજીસીના અધિકારીઓને વારંવાર રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ન ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.કડી તાલુકાના મેડા-આદરજ ગામમાં રહેતા રામભાઇ પટેલ તેમજ અશોકભાઇ પટેલ સહીતના ખેડૂતોની વાવેતર જમીન ગામની સીમમાં આવેલ ઝાલોરા જીજીએસ-૨ પાસે આવેલી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઝાલોરા જીજીએસ-૨માંથી ઓઇલ મિશ્રિત એસિડીક પાણી નીકળી આસપાસના ખેતરોમાં પ્રસરાઈ જતું હતું. રવિવારે સવારના સુમારે સ્થાનિક ખેડૂતો કંઇક સમજે વિચારે તે પૂર્વે જ આ ક્રુડ ઓઇલ મિશ્રિત એસિડીક પાણી મેડાઆદરજ ગામની સીમમાં આવેલ જમીનમાં પથરાઈ જતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઓઇલ મિશ્રિત એસિડીક પાણી આશરે ૨૦ વીઘા જમીનમાં ચોતરફ પ્રસરતાં ડાંગર સહિતના ઉભા પાકમાં ફરી વળતા પાક બળીને ખાખ થઇ જતા વ્યાપક નુકસાન પહોંચ્યાની રાવ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. જો કે, આ બાબતે અગાઉ સ્થાનિક ખેડૂતોએ ઓએનજીસીના ઉચ્ચ અધિકારીને અનેક રજુઆત કરવા છતાં ઓઇલને રોકવાના કોઇ પ્રયત્નો ઓએનજીસી દ્વારા ન કરાતા હોવાની રાવ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ખેડૂતોએ આ બાબતે આગામી દિવસોમાં કોઇ ફળદાયી ઉકેલ નહિ આવે તો ઓએનજીસી વિરુદ્ધ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.



ઉનાવામાં દેશી બનાવટની બંદૂક સાથે એક ઝડપાયો


ઊંઝા તાલુકાના ઉનાવાની સીમમાં બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવી પરવાના વગરની દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. છરા, ગન પાવડર, છરી, મોટર સાકયકલ સહિત રૂ.૧૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને તેની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા જિલ્લામાં પંચાયત અને પાલિકાઓની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા શકમંદોની અટકાયત સહિતના અગમચેતી રૂપી પગલા ભરવામાં આવી રહ્યા છે. ઉનાવાની સીમમાં એક શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળતાં મહેસાણા પોલીસના એસ.ઓ.જી.(સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ)ના પી.આઇ એ. એચ. ચૌધરીના માર્ગદર્શનમાં હેડ કોન્સ્ટેબલ તખાજી સવાજી, ભગવતીબહેન, ભાનુભાઇ સહિતની ટીમે રવિવારે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ઉનાવાની સીમમાં સુરપુરા જતા માર્ગ પર માધુભાઇ પટેલના ખેતર નજીક એક શખ્સ જી.જે ૧૮ આર ૧૦૬૮ નંબરનું મોટર સાયકલ લઇને નીકળતા તેને ઉભો રાખી સઘન પુછપરછ હાથ ધરાઇ હતી. સીંધી તૈયબ ખમીસા અલ્લારખ્ખા (રહે.ઉનાવા) નામના આ શખ્સની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી પરવાના વગરની દેશી બનાવટની એક નાળવાળી બંદૂક, છરી, કાળો પાવડર, છરા નંગ ૩ સહિતનો શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. જેથી આ શખ્સની અટકાયત કરીને તેની પાસેથી મળી આવેલ રૂ.૧૩૦૨૦નો મુ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંદૂક સાથે ઝડપાયેલ આ શખ્સ મુળ ખેરાલુ તાલુકાના લાલાવાડાનો વતની છે અને છેલ્લા થોડા સમયથી ઉનાવાની સીમમાં એક બોરની ચોકીદારીનું કામ કરતો હતો. આ શખ્સ પાસે આ હથિયારો ક્યાંથી અને કેમ આવ્યાં એ દિશામાં હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઊંઝા પીએસઆઇ એમ.ટી.ગમાર ચલાવી રહ્યા છે.


મહેસાણા પાલિકાની ચૂંટણીમાં ૮૦૦થી વધુ કર્મી ફરજ બજાવશે

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ૨૧મી ઓક્ટોબરે ૧૫૭ બૂથ ઉપર હાથ ધરાનારી મતદાન પ્રક્રિયામાં કુલ ૮૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.જિલ્લામાં ચૂંટણીઓના ધમધમાટ અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન તંત્ર દ્વારા પણ ચૂંટણી કામગીરી થઈ રહી છે જેમાં રજાના દિવસોમાં પણ ચૂંટણીલક્ષી કામગીરી કરતી કચેરીઓમાં ચહલપહલ ચાલુ રહી હતી.મહેસાણા નગરપાલિકાની ચૂંટણી માટે એક ચૂંટણી અધિકારી, એક મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ ૨૧મી ઓક્ટોબરે હાથ ધરાનારી મતદાન પ્રક્રિયા માટે ૧૫૭ બૂથ નક્કી કરાયાં છે. આ મતદાન પ્રક્રિયા માટે બે વોર્ડમાં એક એ પ્રમાણે ૭ ઝોનલ ઓફિસરો અને ૭ તેમના આસીસ્ટન્ટની નિમણૂંક કરાઈ છે. જ્યારે ૧૪ રૂટ ઈન્સ્પેકટરોની નિમણૂંક કરાઈ છે. મતદાનની કામગીરીમાં દરેક બૂથ ઉપર એક પ્રિસાઈડિંગ ઓફિસર, એક આસીસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, એક પુરૂષ પોલીંગ ઓફિસર, એક મહિલા પોલીંગ ઓફિસર તથા એક સેવક એમ કુલ પાંચ કર્મચારીઓ ફરજ બજાવશે એટલે કે, કુલ ૮૧૩ કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત ૧૦ ટકા કર્મચારીઓની વધારાના રિઝર્વ સ્ટાફ તરીકે નિમણૂંક કરાઈ છે.ઇવીએમના ઉપયોગનો તાલીમ વર્ગ યોજાયો.મતદાનમથક ઉપર ફરજ બજાવનારા પ્રિસાઈડીંગ ઓફિસર તથા આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરોનો પ્રથમ તાલીમ વર્ગ રવિવારે શહેરના કમળાબા હોલમાં યોજાયો હતો. જેમાં ચૂંટણી અધિકારી ડી.આર.પ્રજાપતિ સહિતે મતદાન પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ઈવીએમ માસ્ટર ટ્રેનર દ્વારા ઈવીએમ ઓપરેટ કરવાની ઊંડાણપૂર્વક સમજ અપાઈ હતી.

No comments:

Post a Comment