07 October 2010

રાજકોટ : લાદી કાપવાનું કટર છટકીને વાગતા કારીગરનું મોત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ : લાદી કાપવાનું કટર છટકીને વાગતા કારીગરનું મોત

બાબરિયા કોલોનીના મોરારીનગરમાં રહેતા અને મકાનમાં લાદી ચોડવાનું કામ કરતા પ્રદપિભાઇ જયંતિભાઇ જેઠવા (ઉ.વ.૪૦)નું કામ કરતી વેળા કટર વાગવાથી લોહી વહી જવાથી તેનું મૃત્યુ નિપજયુ હતું.પ્રદપિભાઇએ સાગરનગરમાં મુકેશભાઇના મકાનમાં લાદી ચોંટાડવાનું કામ ચાલુ હતું. લાદી ચોટાડતી વેળા કટર છટકીને હાથમાં વાગી જતાં વધુ પડતું લોહી વહી જતાં તેને હોસ્પિટલ લઇ જવાયા હતા.પરંતુ સારવાર કારગત નહીં નિવડતા ટૂંકી સારવારના અંતે તેનું મોત નિપજ્યું હતું


એનસીપીના ઉમેદવારની પુત્રવધુનો ગળાફાંસો ખાઇને આપઘાત

અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ મુકી દુપટ્ટાથી લટકી ગઇ.ચૂનારાવાડમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને મનાપાની ચૂંટણીમાં હાલના એન.સી.પી.ના ઉમેદવાર મોહનભાઇ સરવૈયાના પુત્રવધુ પ્રભાબેન દિનેશભાઇ સરવૈયા (ઉ.વ.૪૦)એ આજે વ્હેલી સવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે પ્રભાબેન નજરે પડ્યા ન હતા. દરમિયાન અગાસીમાં બે દિવાલ વચ્ચે પ્રભાબેનનો મૃતદેહ લટકતો જોઇને સ્તબ્ધ બની ગયા હતા. પ્રભાબેન અગાસીમાં જઇ બે દિવાલ વચ્ચે પાઇપ ગોઠવી, તેમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.સરવૈયા પરિવારે પોલીસને જણાવ્યા મુજબ, પ્રભાબેન કેટલાક દિવસથી માનસિક હાલત બરાબર ન હતી. આથી ગતરાતે ભૂવાને બોલાવીને દાણા નખાવ્યા હતા. અને આજે સવારે તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.


ભાજપ વધુ ૪ બેઠકો પર બિનહરીફ વિજયી

ચૂંટણી પહેલા જ કોંગ્રેસે રતનાલ (તા.પં.) અને સુખપર (જિ.પં.) બેઠકો ભાજપની તાસકમાં ધરી દીધા બાદ કોંગ્રેસનો રકાસ જારી રહ્યો હોય તેમ વધુ ૪ બેઠકો ભાજપને બિનહરીફ ધરી દીધી છે. બીજી તરફ એક બેઠક ભાજપે કોંગ્રેસને ધરી દીધી છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં પાલિકા અને પંચાયતોમાં ચૂંટણીજંગ જામે તે પૂર્વે જ રતનાલ તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર પરમાબેન વાસણભાઇ છાંગા બિનહરીફ થયા હતા.જિલ્લા પંચાયતની સુખપર બેઠકમાં પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના અરવિંદભાઇ લાલજીભાઇ પીંડોરિયા બિનહરીફ થયા હતા. ત્યાર બાદ બુધવારે ભુજ નગરપાલિકાના વોર્ડ નં. ૧૦નો કોંગ્રેસના ઉમેદવાર પણ ખસી જતાં ભાજપના હેમલતાબેન એચ. ભારથી બિનહરીફ થઇ ગયા છે.ભુજ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં બળદિયા બેઠકમાં ભાજપના રબારી જેમલભાઇ કાનાભાઇ અને માનકૂવા - ૧માં મહેશ્વરી મેઘબાઇ દેવશી અને નખત્રાણા તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં મોટી ખોંભડી બેઠકમાં ભાજપના પટેલ ધીરજભાઇ જેઠાભાઇને ચૂંટણી લડ્યા વગર જ બેઠક મળી ગઇ છે.તો બીજી તરફ ગાંધીધામ તાલુકા પંચાયતની કિડાણા બેઠકમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર કુંવરબેન જરૂએ કોઇ કારણોસર ફોર્મ પરત ખેંચી લેતાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મીબેન જીવણભાઇ મરંડ વગર હરીફે ચૂંટાઇ આવ્યા છે.ચૂંટણી લડ્યા વગર જ મળેલા આ વિજયથી બંને રાજકીય પક્ષોમાં કહીં ખુશી - કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.


કચ્છમાં પંચાયતોમાં ૫૫૦ ઉમેદવારો મેદાનમાં

કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને બુધવારે વધુ ૩૬ ખેંચાઇ જતાં ૧૮૦ બેઠકમાં ૫૫૦ ઉમેદવારો મેદાનમાં છે. પાલિકાઓમાં આજે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.બુધવારે જિલ્લા પંચાયતની ૩૩ અને તાલુકા પંચાયતની ૧૪૭ બેઠકો માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે દિવસે વધુ ૩૬ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં, તેથી હવે ક્યાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.કચ્છમાં પંચાયતોની સ્થિતિ જોઇએ તો ભચાઉ તાલુકામાં જિલ્લા પંચાયતમાં ૭ અને તા.પં.માં ૪૨, મુન્દ્રા તાલુકામાં જિ.પં.માં ૪, તા.પં.માં ૪૭ , રાપર તાલુકામાં જિ.પં.માં ૧૧ અને તા.પં.માં ૫૩, માંડવી તાલુકામાં જિ.પં.માં ૧૩ અને તા.પં.માં ૫૮, ભુજ તાલુકામાં જિ.પં.માં૧૩ અને તા.પં.માં ૫૯, અંજાર તાલુકામાં જિ.પં.માં ૬ અને તા.પં.માં ૩૯, ગાંધીધામ તાલુકામાં જિ.પં.માં ૩ અને તા.પં.માં ૩૬, અબડાસા તાલુકામાં જિ.પં.માં ૧૦ અને તા.પં.માં ૫૦, નખત્રાણા તાલુકામાં જિ.પં.માં ૧૦ અને તા.પં.માં ૪૬ તેમજ લખપત તાલુકામાં જિ.પં.માં ૩ અને તા.પં.માં ૩૩ ઉમેદવારો મેદાનમાં છે.સમગ્ર જિલ્લાનું ચિત્ર જોઇએ તો બુધવારે પરત ખેંચાતાં ૮૪ અને તાલુકા પંચાયતોમાં વધુ ૩૬ ફોર્મ ખેંચાઇ જતાં ૪૬૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અગાઉની બે સહિત કુલ સાત બેઠકો બિનહરીફ થઇ છે, તેમાંથી ૬ ભાજપને અને ૧ કોંગ્રેસના ફાળે ગઇ છે.નગરપાલિકાઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ આજે છે, તેથી સાંજે ૩ વાગ્યા સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.


પરિણીત છું, એટલે તારી માગણી પૂરી નહીં કરી શકું'

કાનપુર ભગાવીને લઈ ગયા બાદ લગ્ન કરે તો બાળકીને પાછી આપીશ એવી ધમકી આપી હતી.ચેમ્બુર વિસ્તારમાં આરસીએફ પોલીસે દોઢ વર્ષીય બાળકીનું અપહરણ કરવાના પ્રકરણમાં ૩૦ વર્ષીય યુવકની કાનપુરના રેલવે સ્ટેશનેથી ધરપકડ કરી હતી. આ યુવકે બાળકીની માતાને પોતાની સાથે લગ્ન નહીં કરે તો તેની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાળાના પિતા ઉમાશંકરનારાયણ ગટ્ટા (૩૩)એ આરસીએફ પોલીસમાં અશરફ મદાર શેખે તેની દીકરી દિશાનું તેના ઘરે અપહરણ કર્યાની શુક્રવારે ફરિયાદ નોંધાવી હતી. ચેમ્બુરના વાશીનાકા સ્થિત સાઈનાથ કોઓપ. હાઉસિંગ સોસાયટીમાં ૩૦ સપ્ટેમ્બરે આ બનાવ બન્યાનું ગટ્ટાએ પોલીસને જણાવ્યું હતું. શેખ દિશાને અમારી જાણ વિના ઉઠાવી ગયો હતો અને બાદમાં પાછો ફર્યો નહોતો.શેખ ગટ્ટા અને તેની પત્ની મુસ્કાનનો મિત્ર હતો અને તે પાડોશમાં રહેતો હોવાથી તેના ઘરે અવરજવર કરતો હતો. અમને જ્યારે ગટ્ટાએ આ અંગે ફરિયાદ કરી ત્યારે અમે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરની સહાય લઈને તેનો ફોન ટ્રેસ કરતાં તે ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું,એમ જાલિંધર ખંડાગલેએ જણાવ્યું હતું.બીજે દિવસે તેણે મુસ્કાનને ફોન કરીને તેની સાથે લગ્ન કરીશ તો જ તેની દીકરી દિશાને તે પાછી આપશે એવી ધમકી આપી હતી. મુસ્કાને તેને આજીજી કરી હતી કે હું પરિણીત છું, એટલે હું તારી આ માગણી પૂરી નહીં કરી શકું, પરંતુ શેખે તેની કોઈ વાત સાંભળી નહોતી. દરમિયાન પોલીસે મુસ્કાનને વાત કરતાં રહેવા માટે જણાવ્યું હતું જેથી તે પોતાનો માબાઈલ બંધ કરી દે તે પહેલાં તે ક્યા વિસ્તારમાં છે તેની તેઓને જાણ થઈ શકે. જોકે એક સમયે શેખે મુસ્કાનને ફોન કરીને તેને કાનપુર સ્ટેશને મળવા આવવા માટે જણાવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે મુસ્કાને તેને મળવા માટે તૈયારી દર્શાવી હતી.પોલીસની એક ખાસ ટુકડી સાદા વેશમાં મુસ્કાનની સાથે કાનપુર સ્ટેશને ગઈ હતી. કાનપુર સ્ટેશને શેખ જેવો મુસ્કાનને મળવા માટે આવ્યો કે તેની પોલીસે ધરપકડ કરી હતી અને શેખના કબજામાં મચ્છરિયા વિસ્તારમાં ગોંધી રાખવામાં આવેલી દિશાનો પોલીસે છુટકારો કરાવ્યો હતો. પોલીસ તેને મંગળવારે મુંબઈ લઈ આવી હતી અને તેને કોર્ટમાં હાજર કરતાં ૧૪ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.


કસાબને મૃત્યુદંડ અંગેની વહેલી સુનાવણીનો કોઈ વાંધો નથી

‘‘૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં મારી ભૂમિકાના અનુસંધાનમાં પોતાને ફરમાવાયેલા મૃત્યુદંડને મંજુરીના વિષય પર સરકાર પહેલાં દલીલો શરૂ કરે તેની સામે મને કોઈ વાંધો નથી,’’ એમ પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબે મુંબઈ વડી અદાલતને તેનાં વકીલ ફરહાના શાહ દ્વારા જણાવ્યું હતું.જોકે સરકારી ધારાશાસ્ત્રી ઉજજવલ નિકમે જણાવ્યું હતું કે ‘‘કસાબે તેની મોતની સજાને પડકારતાં કરેલી અપીલની સુનાવણી પહેલાં હાથ ધરવી જોઈએ. ત્યાર પછી ‘સજાને મંજુરી’નો મુદ્દો હાથ ધરવો જોઈએ. જો અપીલ નિષ્ફળ જાય તો જ કસાબને ફરમાવાયેલી મોતની સજાને મંજુરી અંગે સુનાવણી હાથ ધરી શકાય.’’ન્યા. રંજના દેસાઈ અને ન્યા. આર. વી. મોરેની ખંડપીઠે આ બાબતે લેખિત રજુઆત કરવાની ઉજજવલ નિકમને સૂચના આપવા સાથે સુનાવણી ગુરુવાર પર મોકૂફ રાખી હતી. ફોજદારી દંહ સંહિતા (સીઆરપીસી)ની જોગવાઈઓ અનુસાર અદાલત (ટ્રાયલ કોર્ટ) કોઈ આરોપીને મોતની સજા ફરમાવે તો એ સજાના ફરમાન પર વડી અદાલતની મંજુરીની મહોર લાગવી જરૂરી બને છે.
ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે મૃત્યુદંડને મંજુરી અને અપીલ બન્ને બાબતોની સુનાવણી સમાંતર રીતે ચાલવી જોઈએ. જોકે સજાને મંજુરીના મુદ્દા પર ૧૮ ઓક્ટોબરથી દૈનિક ધોરણે દલીલોની સુનાવણી હાથ ધરવાનો નિર્ણય પણ ખંડપીઠે જાહેર કર્યો હતો. આ બાબત સાથે સંબંધિત અન્ય ઘટનામાં અદાલતે વકીલની એપોઈન્ટમેન્ટ તેમ જ જેલમાં સગાં-સંબંધીઓને મળવાની પરવાનગી માગતી ફહીમ અન્સારીની અરજીનો નિકાલ કર્યો હતો.


આણંદમાં ચૂંટણી પૂર્વે જ વિરોધીઓને પછાડવા દાવપેચ!

આણંદ સહિત કુલ પાંચ પાલિકામાં ફોર્મ ચકાસણી દરમિયાન મામલો ગરમ રહ્યો : આણંદમાં ત્રણ બાળકના મુદ્દે અપક્ષે ઉમેદવારી ગુમાવી.આણંદ સહિત જિલ્લાની કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસના મેન્ડેટ પર તેમ જ અપક્ષ તરીકે ઉમેદવારોની ફોર્મ ચકાસણી બુધવારના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી જ પહેલા જ વિરોધીઓને પછાડવા એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપના કારણે વાતાવરણ ગરમ રહ્યું હતું. ક્યાંક ઉમેદવારોની ભુલને કારણે તો ક્યાંક વિરોધીઓ હાવી થઈ જતાં ઉમેદવારી ફોર્મ રદ્દ થયાં હતાં. જો કે, સૌથી વધુ બોરસદમાં મામલો વધુ ગરમ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠ નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે ડમી ઉમેદવારો સહિત અનેક અપક્ષોના ફોર્મ રદ્દ થયાં હતાં. સવારથી જ પાંચેય ચૂંટણી અધિકારીઓની ઓફિસ પર ભીડ જોવા મળી હતી. આણંદ નગરપાલિકાના વોર્ડ નં. ૯માં અપક્ષ ઉમેદવાર વ્હોરા આરીફભાઈ ઐયુબભાઈને ત્રણ સંતાન હોવાની રજુઆત ચિરાગભાઈ હસમુખભાઈ શાહે કરી હતી. તેમાંય જિલ્લા પંચાયત ભવન સ્થિત ચૂંટણી કાર્યાલયમાં બુધવારે મોડી સાંજ સુધી ચાલેલી મડાગાંઠમાં આરીફભાઈ દોષિત ઠર્યા હતાં અને ચૂંટણી અધિકારી આર.જી. ભાલારાએ આરીફભાઈની ઉમેદવારી રદ્દ કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસના વ્હોરા મેહરૂનનીશા ગુલામનબી સામે નીતુબેન વાઘેલાએ રજુઆત કરી તેઓ પછાતવર્ગમાં આવતા ન હોવા છતાં ઉમેદવારી કરી હોવાનું જણાવ્યું હતું. જો કે, આ અરજી નામંજુર થઈ હતી અને મેહરૂનનીશાનું ઉમેદવારી ફોર્મ માન્ય રખાયું હતું. તેવી જરીતે વોર્ડ નં.૯માં પરેશ રમણભાઈ પટેલ સામે વેરોબાકી હોવાની રજુઆત થઈ હતી. સદર વાંધા અરજીને આણંદ પાલિકા ચીફ ઓફિસરના મંતવ્યના પગલે અરજી દફતરે કરવામાં આવી હતી.અન્ય ચાર નગરપાલિકામાં પણ દિવસભર ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ઉમેદવારો ઉપરાંત ભાજપ, કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યોને પણ ચૂંટણી અધિકારી પાસે ખડેપગે રહેવું પડ્યું હતું. આક્ષેપ - પ્રતિઆક્ષેપમાં દિવસભર ઉમેદવારો કામમાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં અને ચૂંટણી પ્રચારના કાર્યમાં વેગ મળ્યો નહતો.


ગુજરાતનું ગૌરવ : લજ્જા પર શુભેચ્છાઓનો વરસાદ

કોમનવેલ્થમાં સુવર્ણચંદ્રક જીતવા ચરોતરમાંથી શુભેચ્છાઓનો વરસાદ, કોમન વેલ્થ ગેમ્સમાં રાયફલ શૂટિંગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ઈતિહાસ રચવાની સોનેરી તક, દિલ્હીમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં રાયફલ શૂટિંગની ગુરુવારે યોજાનાર વ્યક્તિગત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતવાસીઓની નજર મંડાયેલી છે. રાયફલ શૂટિંગમાં પોઇન્ટ ટુટુ પ૦ મીટર થ્રિ પોઝિશનીંગની ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવનાર આણંદની લજજા ગોસ્વામીને કોમનવેલ્થમાં ગોલ્ડમેડલ જીતવાની સોનેરી તક સાંપડી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં લજજાએ મેળવેલી સિદ્ધિને તેના સ્નેહીજનોએ બિરદાવી હતી. સાથે ગુરુવારે રાયફલ શૂટિંગની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતે તે માટે શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.કોમનવેલ્થ ગેમ્સમાં ગુરૂવારે યોજાનારી વ્યક્તિગત ઈવેન્ટમાં આણંદની લજજા ગોસ્વામી ગોલ્ડ મેડલ વિજેતા બને તે માટે નડિયાદની ટી.જે.કોર્મસ કોલેજમાં શુભેચ્છા સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં કોલેજના વિદ્યાર્થીઓએ ‘‘ચરોતરની શાન’’, ‘‘શાબાશ લજજા શાબાશ’’ જેવા બેનરો સાથે લજજા તુમ આગે બડો, હમ તુમ્હારે સાથ હૈ તેવા સૂત્રોચ્ચાર કરીને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.નડિયાદની ટી.જે.પટેલ કોર્મસ કોલેજ (ઈંગ્લીશ મીડિયમ)માં બુધવારે ચરોતરની શાન લજજા ગોસ્વામી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા બને તે હેતુથી પ્રિન્સીપાલ કે.બી.રાવના અધ્યક્ષપદે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામા આવ્યું હતું. આ સમારંભ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ કે.બી.રાવે જણાવ્યું હતું કે,લજજા ગોસ્વામીએ કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક મેળવીને ગુજરાતનું નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીએ બતાવેલ શક્તિને આજના માતા-પિતાઓએ પોતાની દિકરીને પ્રોત્સાહિત કરવા અને પ્રેરિત કર્યા છે. જ્યારે કોલેજની વિદ્યાર્થીની પૂજા ટહેલ્યાણી, નાહર શેખ, પ્રાચી શાહ, અજરા શેખ, દિપાલી પટેલ વગેરેએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સમાં લજજા ગોસ્વામીએ ૫૦ મીટર થ્રી પોઝીશનમાં રજત ચંદ્રક મેળવીને ચરોતર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. લજજા વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં ચરોતરનું નામ ગુંજતું કરે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છાઓની વર્ષા વરસાવી હતી.


ગેરહાજરીના કારણે ઊંઝાના પોલીસકર્મીને ડિસમિસ કરાયો

ઊંઝા પોલીસ મથક ખાતે સતત ગેરહાજર રહેતા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ મુળાભાઇની આ બેદરકારીની સામે જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અન્ય કર્મચારીઓને શીખ મળે એ હેતુ સાથે આ કોંસ્ટેબલને પોલીસ ખાતામાંથી રૂકસત(ડીસમીસ)કરાયો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પોલીસકર્મી છેલ્લા બે દાયકા જેટલા સમયથી પોલીસખાતા સાથે સંકળાયેલો હતો. જેમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ઊંઝા પોલીસ મથક ખાતે સતત ગેરહાજર રહેવાના કારણે તેની સામે આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાના આ પ્રકારના કડક વલણની વાત વાયુવેગે ફેલાતા પોલીસબેડાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું.


મોદી સોહરાબુદ્દીનના નામે મત માગવા નીકળી પડ્યા છે

સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલના પ્રહારો.મુખ્યમંત્રી મોદીએ રાજકોટમાં યોજેલી બન્ને સભામાં સોહરાબુદ્દીન પ્રકરણને ચૂંટણીનો મુદ્દો બનાવી કોંગ્રેસ સામે કરેલા આક્ષેપો સામે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જાહેર સભામાં ભાજપ સામે વળતો પ્રહાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, ચૂંટણી મહાપાલિકાની છે, લોકોને લગતા પ્રાણ પ્રશ્નોની છે, વિકાસની વાત છે. ત્યારે નરેન્દ્ર મોદી સોહરાબુદ્દીનના નામે મત માગવા નીકળી પડ્યા છે અને તેના કારણે વિકાસનો મુખ્ય મુદ્દો જ ભુલી જઇ ગંદી રાજનીતિ અપનાવે છે.આકાશવાણી ચોકમાં અને ઉપલાકાંઠે પાણીના ઘોડા પાસે પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલની જાહેરસભા યોજાઇ હતી. સભામાં જંગી જનમેદની વચ્ચે સિધ્ધાર્થ પટેલે સીધા મોદી ઉપર જ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સોહરાબુદ્દીન પ્રકરણને લઇને સીબીઆઇ કોંગ્રેસના ઇશારે ચાલે છે એવા જુઠ્ઠાણા ચલાવી પ્રજા સમક્ષ ખરડાયેલા ચહેરાન સાફ કરવાનો પ્રયાસ કરે છે. હકીકત તો એ છે કે, સોહરાબુદ્દીનને ભાજપ સાથ ઘરોબો હતો.સોહરાબુદ્દીનનો ભાઇ મધ્યપ્રદેશમાં ભાજપમાંથી ટિકિટ મેળવી ચૂંટણી લડી ચુકેલો છે. સોહરાબુદ્દીનના પરિવારમાંથી કોઇ આર.એસ.એસ.માં તો કોઇ સીધા જ ભાજપ સાથે સંકળાયેલ છે. મોદી સરકારના રાજમાં સોહરાબુદ્દીનનો ઉપયોગ ખંડણી ઉઘરાવવા માટે જ થતો હતો અને જ્યારે સોહરાબુદ્દીન જોખમી બની જતાં એન્કાઉન્ટરના નામે તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું. હવે જ્યારે પ્રજા સમક્ષ ચહેરો બેનકાબ થઇ ગયો છે ત્યારે સોહરાબુદ્દીન પ્રકરણને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવી લેવાયો છે. ખરેખર તો ચૂંટણી મહાપાલિકાની છે, એટલે કે, પ્રજાની પ્રાથમિક સુવિધાની અને વિકાસની વાત છે ત્યારે મોદી સોહરાબુદ્દીનના નામે મત માગી વિકાસનો મુદ્દો જ ભૂલી જઇ ગંદી રાજનીતિ રમે છે.વધુમાં સિધ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, રાજકોટમાં વિકાસના જે કોઇ પણ પ્રોજેક્ટો થઇ રહ્યા છે તેમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા માતબર રકમની સહાય મળી રહી છે.છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની જેએનએનયુઆરએમ યોજના હેઠળ ૬પ૨ કરોડના પ્રોજેક્ટો મંજૂર થયા છે. કેન્દ્રની સહાયમાંથી ગુજરાત સરકારે બેફામ ભ્રષ્ટાચારો કર્યા છે. રાજકોટમાં ભાજપે પણ કેન્દ્રના પૈસાનો દુરૂપયોગ કર્યો છે. લાગતાવળગતાઓને કામના કોન્ટ્રાકટ આપી ટકાવારી ખાધી છે. ૧ રૂ.ની વસ્તુના ૨-૩ રૂપિયા ચુકવી જબરો ભ્રષ્ટાચાર આચર્યો છે.


અભિ-એશને ક્લાઉનીનું ખાસ આંમત્રણ!!

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનને જ્યોર્જ ક્લાઉનીએ ખાસ આંમત્રણ આપ્યું છે. ખરેખરમાં હોલિવૂડ એક્ટરની એશ અભિ સાથે એટલી તે સારા સંબંધો થઈ ગયાં હતાં કે તેણે ઈટાલી ખાતેનાં તેનાં લેક હાઉસની મુલાકાતે આવવાનું આંમત્રણ આપી દીધુ હતું. આ મુલાકાત સમયે જ્યોર્જની ગર્લફ્રેન્ડ એલિસાબેટ્ટા કેનેલિસ પણ તેમને મળવાં આવે તેની પુરી શક્યતાઓ છે.
જ્યોર્જને ભારત માટે ઘણું માન છે અને તે ખરેખરમાં અભિ-એશને મળીને ખુશ થઈ ગયો હતો. તે બોલિવૂડનો પણ દિવાનો છે. તેને બોલિવૂડનાં ગીતો અને ડાન્સ ખુબ પસંદ છે તેમજ અભિ-એશની જોડી પણ તેને પસંદ છે.તો અભિ-એશ પર જ્યોર્જનાં લેક હાઉસની ચાલુ વર્ષનાં અંત સુધીમાં જ મુલાકાત લે તેવી શક્યાતાઓ છે. ક્લાઉનીએ ઘણી સહજતાથી આંમત્રણ આપતાં જણાવ્યું હતું કે તેઓ ગમ્મેતે સમયે તેમનાં મહેમાન બની શકે છે.


નરેન્દ્ર મોદીએ અમેરિકાને ટક્કર આપી છે!

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હવે અમેરિકાને જવાબ આપવા કમર કસી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી છે કે તેઓ ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કાર્ય કરવા જઈ રહ્યાં છે.આ પ્રતિમા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી' કરતા ખાસ્સી મોટી હશે અથવા તો બમણી. ગુજરાતમાં બનનારી આ પ્રતિમા છે લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલની. અને આ પ્રતિમાને નામ આપવામાં આવ્યું છે 'સ્ટેચ્યુ ઑફ યૂનિટી'.સરદાર પટેલની આ પ્રસ્તાવિત પ્રતિમાની ઉચાંઈ હશે 182મીટર (392 ફુટ)એટલે કે તેની ઉંચાઈ સ્ટેચ્યુ ઑફ લિબર્ટીથી આશરે બમણી હશે. તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની ઉંચાઈ 93 મીટર આસપાસ છે.સરદાર પટેલની આ પ્રતિમાને નર્મદા બંધથી આશરે 3 કિલોમીટર દૂર, સાધુ બેટમાં બનાવવામાં આવશે. અને પ્રોજેક્ટ ઉપર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે દેખરેખ રાખશે.મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતને વાઇબ્રન્ટ સ્વરૂપ આપીને ખાસ્સા નિર્માણ કાર્યો કર્યા છે. અને આ ઓક્ટોબરની 9મી તારીખે તેઓ પોતાના શાસનના 9 વર્ષ પૂરા કરીને 10 વર્ષમાં પદાર્પણ કરશે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીત, સાબરમતી રિવર ફ્રન્ટ, નર્મદા યોજના, સર્વ શિક્ષા અભિયાન, ગુજરાત પ્રવાસન વિભાગને વિશ્વ મંચ ઉપર લાવવું, અમદાવાદને મેગાસિટી બનાવવું, સુરતના હિરા ઉદ્યોગને નવી દિશા આપવી, જેવા અનેક નિર્માણ તેમજ બાંઘકામ કાર્યો અને યોજનાઓની તેઓએ ગુજરાતને ભેટ આપી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતને એક વૈશ્વિક ફલક પર લાવીને તેઓએ સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પ સાથે અનેક વિકાસશિલ કાર્યોનું નિર્માણ કરાવ્યું છે. 2011 સૂધીમાં પૂરા થતા ગુજરાતનાં 50 સ્વર્ણીમ વર્ષોને વધાવવા તેઓ ભાગ્યશાળી રહ્યાં છે. તેમના આવા જ નિર્માણ કાર્યોને ગુજરાતની જનતા સલામ કરે છે.


હોટ કેટનું સેક્સી ફોટોશુટ

હાલમાં તો બોલિવૂડ અને ફેશન ઈન્ડસ્ટ્રીઝ કોચર ફેશન વીકમાં વ્યસ્ત છે. જો કે બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફે હાર્પર બાઝારના ઓક્ટોબર મહિનાના અંક માટે કમાલનું ફોટોશુટ કરાવ્યું છે.આ મેગેઝીન માટેના ફોટોશુટ માટે કેટરિના ઘણી જ હોટ લાગતી હતી. કેટરિના છ મહિનામાં બીજીવાર હાર્પર મેગેઝીનના કવરપેજ પર ચમકી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેટરિનાએ રીતિક રોશન સાથે ફોટોશુટ કરાવ્યું હતું. રીતિક સાથે કેટરિના એકદમ હોટ લાગતી હતી.કેટરિના વેસ્ટર્ન વેરમાં ઘણી જ હોટ એન્ડ સેક્સી લાગતી હતી.

No comments:

Post a Comment