19 July 2010

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટઃ પ્રથમ દિવસે શ્રીલંકા 256-2

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટઃ પ્રથમ દિવસે શ્રીલંકા 256-2

સુકાની સંગાકારા(102) અને થરંગા(112*)ની શાનદાર બેટિંગના કારમે ગાલે ખાતે રમાઈ રહેલી ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચના પ્રથમ દિવસના અંત સુધીમાં શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીદા છે. જોકે, ઓછા પ્રકાશના કારણે રમત અટકાવી દેવામાં આવી ઠે. આ પહેલા શ્રીલંકા તરફથી સંગાકારાએ ટોસ જીતીની પ્રથમ બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા તરફથી થરંગા અને દિલશાને ઇનિંગની શરૂઆત કરી હતી. જો કે, અભિમન્યુ મિથુનની એક ઓવરમાં દિલશાન ધોનીના હાથે ઝલાઈ ગયો હતો. મિથુને જ્યારે દિલશાનની વિકેટ લીધી ત્યારે તે 24 રન પર રમતો હતો. લંચ બાદ બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ તરફથી થરંગા અને સંગાકારા અસરકારક બેટિંગ કરી હતી. જોકે, સેહવાગની ઓવરમાં સંગાકારા તેંડુલકરના હાથે ઝલાઇ ગયો હતો. તેણે 103 રન 12 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. જ્યારે થરંગા 112 અને જયવર્દને 8 રન સાથે રમતમાં છે.ટોસ જીત્યા બાદ સંગાકારાએ કહ્યું હતું કે, જો અમે 300 રન કરી શકીશું તો અમે મેચને સારો આકાર આપી શકીશું. અમારી પાસે સ્પિનર તરીકે મુરલીધરન અને હેરાથ છે. તો બીજી તરફ ઝડપી બોલરો તરીકે મલિંગા, મેથ્યુસ અને વેલેગદેરા સ્પિનરોને મદદ કરી શકે છે. જ્યારે ધોનીએ જણાવ્યું છે કે, ઇશાંત શર્માનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ પ્રજ્ઞાન ઓઝા સ્પિન બોલિંગમાં હરભજન સિંહને મદદ કરશે. મિથુનને પણ તેની પ્રથમ ટેસ્ટ રમવાની તક મળશે. ઉપરાંત યુવરાજ સિંહ છટ્ઠા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવશે.




કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાની રેડ્ડી બંધુઓને ક્લિનચીટ

કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા મંત્રીમંડળના તેમના સહયોગી રેડ્ડી બંધુઓને ક્લિનચીટ આપી દીધી છે. આ સાથે ભાજપે રવિવારે વિપક્ષ સાથે આ મુદ્દા પર આરપારની લડાઈનો નિશ્ચય પણ કરી લીધો હોય તેમ લાગે છે.યેદિયુરપ્પાએ ગેરકાયદેસરના ખનન અને લોહ અયસ્કના અત્યાધિક નિકાસના આરોપોનો સામનો કરી રહેલા જી. જનાર્દન રેડ્ડી અને જી. કરુણાકરન રેડ્ડીને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ 101 ટકા વિશ્વાસ કરે છે કે રેડ્ડી બંધુઓ વિરુદ્ધ કોઈ મજબૂત આરોપ નથી. તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. વિપક્ષને હાઈકોર્ટના શરણમાં જવા દો.રેડ્ડી બંધુઓને મંત્રીમંડળમાંથી હટાવાને વિપક્ષના દબાણ બાદ મુખ્યમંત્રીનું આ નિવેદન તેમના અને આરોપી રેડ્ડી બંધુઓ વચ્ચે રવિવાર સવારે નાસ્તા દરમિયાન થયેલી બેઠક બાદ આવ્યું છે.યેદિયુરપ્પાએ રેડ્ડી બંધુઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહીની સંભાવના સંદર્ભે પુછાતા તેમણે કહ્યું હતું કે રેડ્ડી બંધુઓ વિરુદ્ધ કાર્યવાહીનો સવાલ જ પેદા થતો નથી. તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.રાજ્યમાં ગેરકાયદેસર ખનનના મુદ્દા પર વડાપ્રધાન મનમોહન સિંહ અને ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ સાથે થયેલી બેઠકનો ઉલ્લેખ કરતાં યેદિયુરપ્પાએ કહ્યું હતું કે રેડ્ડી બંધુઓ ગેરકાયદેસર ખનન માટે કોઈપણ પ્રકારે જવાબદાર નથી.


ગુજરાત એક્સપ્રેસના એસી કોચમાં ભીષણ આગ ; શોટસિર્કટથી આગ લાગ્યાનું અનુમાન


કાલુપુર રેલવે સ્ટેશન પર રવિવાર સાંજે ૫.૨૦ વાગ્યે મુંબઈથી આવીને ઊભેલી ગુજરાત એક્સપ્રેસના ખાલી એસી કોચમાં ભીષણ આગ ફાટી નીકળતાં નાસભાગ મચી હતી. ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કોચની અંદરની વસ્તુઓને આગની લપટોએ બાળીને ખાખ કરી નાખી હતી. આખરે ૪૫ મિનિટની જહેમતબાદ ફાયર જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તબક્કે આગ શોટસર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.રેલવેના ડીવાયએસપી જી.ડી. ત્રિવેદીના જણાવ્યા અનુસાર મુંબઈથી વહેલી સવારે ઊપડેલી ગુજરાત એક્સપ્રેસ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં.૨ પર આવીને ઊભી રહી હતી. ટ્રેનમાંથી પેસેન્જરો ઉતરી ગયા બાદ ટ્રેનને યાર્ડમાં લઈ જવાઈ રહી હતી, ત્યારે ફર્સ્ટ કલાસનાં એસી કોચ એફ.સી.-૧માંથી ધુમાડા નીકળી રહ્યા હોવાની જાણ પ્લેટફોર્મ પર ફરી રહેલા બે યુવકોએ કરી હતી. રેલવેતંત્રએ પણ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી આગ વધુ ન પ્રસરે તે માટે કોચને ટ્રેનથી અલગ કરી નાખ્યો હતો. આ અંગે પોલીસે નોંધ લઈ આગ લાગવાનું કારણ જાણવા એફએસએલની મદદ લીધી હતી.


૧૦૦૦ કંપનીઓને નિમંત્રવા ૯ IAS વિદેશની સફરે

ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ સાથેનાં નવ પ્રતિનિધિમંડળ ૬૦ દેશોનો પ્રવાસ કરશે,જાપાન, છ દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમિટના ભાગીદારઆગામી જાન્યુઆરીમાં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશ્વની ૧૦૦૦ જેટલી કંપનીઓને આ સમિટમાં જોડાવાનું આમંત્રણ આપવા માટે નવ આઇએએસ અધિકારીઓ વિદેશની સફરે જઈ રહ્યા છે. દરેક અધિકારીના નેજા હેઠળ ત્રણથી ચાર ઉદ્યોગગૃહો અને વ્યાપારી મંડળોના બે પ્રતિનિધિઓ સાથે કુલ નવ ડેલિગેશન બનાવવામાં આવ્યા છે, જે વિશ્વના ૬૦ દેશોનો પ્રવાસ ખેડીને વિવિધ કંપનીઓને સમિટ માટે આમંત્રણ આપશે. ઉલ્લેખનીય છે કે આ વખતેજાપાન ઉપરાંત અન્ય છ દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમિટના ભાગીદાર બનવાના છે.ઉદ્યોગવિભાગનાં સૂત્રોએ કહ્યું હતું કે, ગાંધીનગરના મહાત્મા મંદિર સ્થળે ૧૨ અને ૧૩ જાન્યુઆરી-૨૦૧૧ના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ૬૦ દેશોના ૧૦૦૦ ફોરેનર્સ ગ્રૂપને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારે જુલાઈ અને ઓગસ્ટમાં કુલ નવ પ્રતિનિધિમંડળોને વિદેશ મોકલવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯ની સમિટમાં ૮૫૦૦ ઉદ્યોગગૃહોએ વિવિધ પ્રોજેક્ટસ્ અંતર્ગત ૧૨.૪૦ લાખ કરોડના મૂડીરોકાણ માટે એમઓયુ સાઇન કર્યા હતા. રાજ્યની પાંચમી ગ્લોબલ સમિટમાં જાપાન ઉપરાંત અન્ય છ દેશો પાર્ટનર બનવાના છે, જેમાં
કેનેડા, કેન્યા, નાઇઝેરિયા અને આફ્રિકન દેશો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પણ ગુજરાતમાં પાર્ટનર રહેવાનું છે. વાઇબ્રન્ટ-’૧૧માં રાજ્ય સરકારે નવો પ્રયોગ કર્યો છે. સેક્ટરવાઇઝ પ્રોફાઇલ અને પબ્લિક રિલેશન માટે એપ્કો વર્લ્ડવાઇડને રોકી છે, જ્યારે નોલેજ પાર્ટનર તરીકે પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ (પીડબલ્યુસી)ને કામગીરી સોંપી છે. આ કંપનીના પ્રતિનિધિ પણ વિદેશની આ ટૂરમાં જોડાવાના છે

* અમદાવાદ : કોલેજના વિદ્યાર્થીઓનો અનોખો સ્નેક લવ

શહેરના રહેણાક વિસ્તારોમાં સાપ નીકળવાની ફરીયાદ વધી રહી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શહેરના યુવાનો મેદાને પડ્યા છે. હાલમાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિજય ડાભી અને અમીત રામીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી નિકળતા સાપને બચાવવા અને શહેરીજનોને તેમનાથી દૂર કરવા માટે આગળ આવ્યા છે.આ યુવાનો હાલમાં પોતાના ખર્ચે જે જગ્યાએ ફરીયાદ મળે છે ત્યા મિનિટોમાં પહોંચીને ચપળતાથી સાપને પકડીને રહેણાક વિસ્તારથી દૂર છોડી દે છે. આ યુવાનોએ પોતાની એક કલબ બનાવી છે જેનું નામ ‘વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ફોર્સ’ રાખ્યું છે. જેમાં વિવિધ વિસ્તારમાં યુવાનોને તૈયાર કરી તેમને જે તે વિસ્તાર માટે નિયુક્ત કરવામાં આવે છે જેથી ઘટના સ્થળે નિયત સમયમાં પહોંચી શકાય.આ કલબના યુવાન વિજય કહે છે કે શહેરમાં રોજના ૧૫ જેટલા કોલ સાપ નિકળવાના મળે છે. શહેરમાં સૌથી વધારે સાપ સાબરમતી, વાસણા, બોપલ, રાણીપ, ગોતા અને સાયન્સસિટી વિસ્તારમાથી વધારે નિકળી છે. કલબના સભ્ય અરવિંદભાઇ કહે છે કે હાલમાં ક્રેટ, ક્રોબ્રા, વુલ્ફ સ્નેક અને રેટ સ્નેક વધારે પ્રમાણમાં જોવા મળે છે.


રાજ ઠાકરેને મુસ્લિમ સમર્થનથી કોંગ્રેસ સાવધ

એશિયાની સૌથી મોટી સ્થાનિક નિગમ મુંબઈ નગર નિગમને 2012ની ચૂંટણીમાં શિવસેના-ભાજપના નિયંત્રણમાંથી પોતાના હાથમાં લેવા માટે આંખ ટકાવી રાખેલી કોંગ્રેસ પાર્ટી રાજ ઠાકરેના નેતૃ્ત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને મળનારા સંભવિત મુસ્લિમ સમર્થનથી સાવધ બની ગઈ છે.ગત માસમાં જન્મદિવસ પ્રસંગે રાજ ઠાકરેની ઘણાં મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા મુલાકાત લેવાવાને કારણે કોંગ્રેસ સાવચેત બની ગઈ છે. કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું છે કે મુસ્લિમ ધર્મગુરુઓની રાજ ઠાકરે સાથે મુલાકાત અને તેમને પવિત્ર કુરાનનું મરાઠી ભાષાંતર આપવાનો મુદ્દો મામૂલી નથી. કોંગ્રેસ નેતૃત્વે તેને બેહદ ગંભીરતાથી લીધું છે.જો કે એમએનએસએ કહ્યું છે કે આ ઘટનાક્રમથી કોંગ્રેસના સતર્ક થવાથી તેને આશ્ચર્ય નથી. એમએનએસના ઉપાધ્યક્ષ વાગીશ સારસ્વતે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે પાર્ટીનો એજન્ડા મહારાષ્ટ્ર છે, હિંદુત્વ નહીં. તેમણે કહ્યું હતું કે પાર્ટીની રચના થઈ ત્યારથી ઘણાં મુસ્લિમો તેની સાથે જોડાયેલા છે. તેમણે મૂળ પાર્ટી અને વહાતુક સેના જેવા તેના સંબંધિત સંગઠનોમાં તેમને મહત્વપૂર્ણ પદો આપ્યા છે. સારસ્વતે કહ્યું હતું કે તેઓ મુસ્લિમોને રાજકીય એજન્ડા હેઠળ જોઈ રહ્યાં નથી. મુસ્લિમો સહીત મહારાષ્ટ્રના લોકોએ તેમને પૂરા દિલથી સ્વીકાર્યા છે.સારસ્વતે કહ્યું હતું કે 2007ની સ્થાનિક નિગમની ચૂંટણીમાં એમએનએસને સાત બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીમાં તેમને ડઝનબંધ બેઠકો પર 12 લાખ વોટ મળ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં તેમને 13 બેઠકો મળી છે. 2012ની સ્થાનિક નિગમોની ચૂંટણીમાં એમએનએસ સત્તા પર આવશે.તેમણે કહ્યું હતું કે હાલમાં એમએનએસે હજયાત્રીઓ માટે મહારાષ્ટ્રના મુસ્લિમોનો ક્વોટા વધારવાની માગણી સાથે દેખાવ કર્યો હતો.સારસ્વતે કહ્યું હતું કે અન્ય રાજ્યોના મુસ્લિમ મહારાષ્ટ્રના ક્વોટાનો ફાયદો ઉઠાવતા રહ્યાં છે. જો આ ચાલતું રહેશે તો મરાઠી મુસ્લિમ ક્યાં જશે?એમએનએસના એક અન્ય ઉપાધ્યક્ષ અને વાહતુક સેનાના પ્રમુખ હાજી અરફાત શેખે કહ્યું હતું કે રાજ ઠાકરે સાથે મુસ્લિમ ધર્મગુરુઓની બેઠક કોઈ રાજકીય હથકંડો ન હતો.તેમણે કહ્યું હતું કે પ્રતિનિધિમંડળમાં મુંબઈ, પુણે અને નાસિક ક્ષેત્રના શીર્ષસ્થ ઈમામ અને મૌલાનાઓ સામેલ હતા. તેઓ સામાન્ય રીતે પવિત્ર પુસ્તક લોકોને આપતા નથી. ઈમામોએ રાજને પુસ્તક વાંચવા અને ઈસ્લામને સમજવા માટે કહ્યું છે.


અમદાવાદ-સુરત બોમ્બ પ્રકરણમાં બિહારથી ધરપકડ

અમદાવાદમાં બોમ્બ વિસ્ફોટ તેમજ સુરતમાં જીવતા બોમ્બ મળવાની ઘટનામાં સંડોવાયેલા જમાલ ફરકત નામના સૂત્રધારની બિહાર પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. બોમ્બ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવાનો સિલસિલો ચાલુ રહેવાથી કાવતરું ઘડનાર રિયાઝ ભટકલ સુધી પહોંચવાની ગુજરાત પોલીસની આશા ફરીથી જીવંત બની છે.જરાતના સૌથી મોટા આતંકી હુમલા કેસની બીજી વરસી આવી રહી છે ત્યારે બિહારમાં છપરા વિસ્તારમાંથી જમાલની થયેલી ધરપકડ ઘણાં રહસ્યો બહાર આવશે. કારણ કે આ મામલે ગુજરાત પોલીસ ૭૦થી પણ વધુ આરોપીની ધરપકડ કરી ચૂકી છે પરંતુ આ કાવતરામાં સંડોવાયેલા કાવતરાખોર ભટકલ બંધુ હજુ પકડથી દૂર છે. ત્યારે જમાલ ફરકત ભટકલનો નિકટનો સાગરીત હોવાથી ભટકલ ક્યાં છે તેની સઘળી હકીકત જાણી શકાશે. જમાલને ટૂંક સમયમાં ટ્રાન્સફર વોરંટથી ગુજરાત લાવવામાં આવશે.


વિરમગામ તાલુકાના નળકાંઠાના ઘોડા ગામમાં દૂષિત પાણી પીવાથી કુલ ચારનાં મોત

૫થી વધુ લોકો સારવાર હેઠળ,આરોગ્યતંત્રનો કાફલો ઊમટી પડ્યો,કૂવાઓમાંથી પાણી પીવા પર પ્રતિબંધ.વિરમગામ તાલુકાના નળકાંઠા પંથકમાં ઘોડા ગામમાં ડહોળું પાણી પીવાથી ફેલાયેલા ઝાડા-ઊલટીના રોગચાળાએ અત્યાર સુધીમાં ચાર જણનો ભોગ લઈ લીધો જ્યારે ૬૫ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. આરોગ્યતંત્ર દ્વારા ડોક્ટરો અને સહકર્મચારીઓની પાંચ ટીમો ખડકી દઈ સારવાર હાથ ધરવામાં આવી છે તો પોલીસે પીવાના પાણીનાં તમામ કૂવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગામલોકોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.વિરમગામના નળકાંઠા પંથકમાં આવેલા ઘોડા ગામમાં વરસાદ ખેંચાતા કૂવાઓનાં તળ ઊંડાં જતાં રહ્યાં છે. વળી, કૂવાઓની આસપાસ ભારે ગંદકી અને તળિયાનું પાણી ડહોળું હોય છે. જો કે પીવાના પાણીનો બીજો કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને આ ડહોળું અને ગંદુ પાણી પીવાની ફરજ પડે છે. જેના કારણે ગામમાં ઝાડા-ઊલટીનો રોગચાળો ફેલાયો છે. તા. ૧૬મી જુલાઇને શુક્રવારે આ રોગચાળાથી બે જણનાં મોત નીપજ્યાં હતાં.જો કે આ અગાઉ ૧૧ જુલાઈના રોજ એક બાળકનું ઝાડા-ઊલટીથી મોત નીપજ્યું હતું. રવિવારે વધુ એક રૂપાબહેન વાલજીભાઈ કોળી પટેલ (ઉ.વ. ૫૮)નું મોત નીપજતાં રોગચાળાથી મોતને ભેટનારનો આંક ચાર પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિની જાણ વિરમગામ આરોગ્યતંત્રને થતાં ચોકી ઊઠ્યું હતું અને તાત્કાલિક પાંચ ટીમોના ૧૦ સભ્યો, એક ૧૦૮ વાન, આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સહિત સરકારી વાહનો તેમજ બ્લોક હેલ્થ અધિકારી ડૉ.. બી.કે. વાઘેલા (કુમારખાણ) કટોસણ રોડ, મણીપુરા સહિતના મેડિકલ ઓફિસરો ની ટીમ ઊતરી પડી હતી.બીજી તરફ પોલીસે ગામના પીવાના પાણીનાં તમામ કૂવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગામલોકોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર દ્વારા હાલ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વિરમગામના ધારાસભ્ય કમાભાઈ રાઠોડ તાત્કાલિક ઘોડા ગામે પહોંચી આરોગ્ય વિભાગને જરૂરી પગલાં લેવા તાકીદ કરી તેમજ જિલ્લા પ્રભારીમંત્રી આનંદીબહેન પટેલ અને આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસને રોગચાળા અંગે વાકેફ કર્યા હતા.


ઉપલેટા પર આભ ફાટ્યું: દોઢ કલાકમાં ૮ ઇંચ

ઢાંકમાં ૭ ઇંચ ખાબક્યો: મોડી સાંજ બાદ ભાણવડ અને કલ્યાણપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોએ ઝાપટાંથી માંડી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો.ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા શનિવારે થોડા વધારે મહેરબાન થયા હતા અને આભ તૂટી પડ્યું હોય તેમ માત્ર દોઢ કલાકમાં ૮ ઇંચ વરસાદ પડી જતાં નદી નાળા છલકાઇ ગયા હતા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બપોરે ૪ થી ૫-૩૦ દરમિયાન સાંબેલાધારે વરસાદ વરસતાં થોડો સમય તો લોકો ભયભીત થઇ ગયા હતા. જો કે, ૫-૩૦ વાગ્યા બાદ વરસાદે ખમૈયા કરતા લોકોના શ્વાસ હેઠા બેઠાં હતાં.ઢાંકમાં પણ સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સૌરાષ્ટ્રના અન્ય શહેરો અને ગ્રામ્ય પંથકમાં ઝાપટાંથી માંડી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. મોડેથી મળતા અહેવાલ મુજબ જામનગર જિલ્લાના ભાણવડમાં ચાર ઇંચ અને કલ્યાણપુરમાં પણ રાત્રિના નવ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો. જામરાવલમાં ત્રણ ઇંચ વધુ પાણી પડી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.સમગ્ર સૌરાષ્ટ્ર પર શનિવાર સવારથી જ ધૂપછાંવ ભર્યું વાતાવરણ હતું. અસહ્ય બફારો વહેલી સવારથી જ હતો અને સમગ્ર કાિઠયાવાડ પર મેઘરાજા તૂટી પડે તેવી સંભાવનાઓ વચ્ચે ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં બપોરે ચાર વાગ્યાથી સાંબેલાધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદની ગતિ તીવ્ર હતી. જાણે આભ ફાટયું હોય તેમ મોટા છાંટારૂપે વરસાદ પડતો હતો અને માત્ર ૯૦ મિનિટમાં ૮ ઇંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. જો કે સાડા પાંચ વાગ્યા પછી વરસાદ રહી ગયો હતો. આ ઉપરાંત ઉપલેટા પાસે આવેલા ઢાંક અને ગ્રામ્ય પંથકમાં પણ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ, ઉપલેટા શહેરની આસપાસમાં આવેલા વરજાંગ જાિળયા, નાગવદર, સમિઢયાળા, પાટણવાવ, તણસવા અને લાઠ ભીમોરા ગામમાં પણ બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડતાં વાડી ખેતરોમાંથી પાણી વહી ગયા હતા અને નદી-નાળા છલકાયા હતા. મોટાભાગના ચેકડેમો ઓવરફલો થઇ ગયા હતા. રાજકોટ જિલ્લામાં ઉપલેટાને બાદ કરતાં ધોરાજીમાં પણ એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કોટડાસાંગાણીમાં પોણો ઇંચ, જસદણમાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું. રાજકોટ અને ગોંડલમાં ઝાપટાં પડ્યા હતા.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ, સૌથી વધુ વરસાદ ઊનાના જામવાળા પંથકમાં એક કલાકમાં ચાર ઇંચ નોંધાયો હતો. બપોરે ત્રણ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને ચાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ સુધીનું પાણી પડી ગયું હતું. ઢોકળવામાં પણ બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ગીરગઢડામાં બે ઇંચ વરસાદ પડતાં મચ્છુન્દ્રી ડેમમાં એક ફૂટ નવું પાણી આવ્યું હતું.હાલારમાં સાંજના છ વાગ્યા સુધીમાં જામજોધપુર અને ધ્રોલમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે લાલપુરમાં બે ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. જામનગર શહેરમાં સાંજે છ વાગ્યા બાદ ધોધમાર વરસાદ ફરી શરૂ થયો હતો. લાલપુરના નવી પીપર ગામમાં વીજળી પડતાં પ્રવીણસંગ અભેસંગના બળદનું મોત થયું હતું.

No comments:

Post a Comment