19 July 2010

રાજકોટ : મહાનગરપાલિકા નીતિ સામે ઉપવાસ પર બેઠેલા પ્રૌઢની તબિયત લથડી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : મહાનગરપાલિકા નીતિ સામે ઉપવાસ પર બેઠેલા પ્રૌઢની તબિયત લથડી

શહેરમાં ઠેર-ઠેર ગંદકીના થર જામ્યા છે, પરંતુ મહાનગર પાલિકા તંત્રના પેટનું પાણીયે હલતું નથી. લક્ષ્મીનગર વિસ્તારમાં મનપા દ્વારા સાફ સફાઇની કામગીરી અંગે પૂરતું ધ્યાન અપાતું નહોય ગંદકી ફેલાતા લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અવાજ નહી સંભળાતા ત્રિવેણી સંગમ સોસાયટીના છ લોકોએ છેલ્લા કેટલાક દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ઉપવાસી પ્રવીણભાઇ સુરેજા (ઉ.વ.૫૦)ને છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે આજે તંત્રની પોલમપોલ ખુલી પડી છે.


સુરતમાં શરત કે સટ્ટો :માત્ર ૧૦૦ રૂ. માટે યુવાન આખો સાપ ગળી ગયો

શરત કે સટ્ટો ક્યારેક જીવનમાં પ્રમાણભાન ભૂલાવી દે તો નવાઇ નહીં. ગુજરાતના સુરતમાં એક શખ્સે એવી શરત લગાવી નાખી કે પછી જીવ સટોસટની બાજી લગાવવી પડી. એ યુવાને શરત એવી લગાવી હતી કે, ૧૦૦ રૂપિયા મળે તો તે આખેઆખો સાપ ગળી જશે.સુરતમાં ૩૫ વર્ષનો ખેડૂત યુવાન જાવેર રાઠોડ પોતાના મિત્રો સાથે બેસીને ટોળટપ્પાં મારી રહ્યો હતો, બરાબર એ જ સમયે ત્યાથી એક ઝેરી સાપ નીકળ્યો. નવરાં ધૂપ બેઠેલા દોસ્તો વચ્ચે તરત એક શરત લાગી કે જે કોઇ વ્યક્તિ સાપને ગળી જશે તેને ૧૦૦ રૂપિયા મળશે. જાવેરે તરત જ એ ઝેરી સાપને મારી નાખ્યો અને ગણતરીની મિનિટોમાં જ કાચેકાચો ગળી પણ ગયો.સાપ ગળતાં તો ગળાઇ ગયો, પણ પછીની જાવેરની સ્થિતિ બગડી ગઇ. સાપના ઝેરથી તેને ઊલટીઓ થવા લાગી અન્ય દોસ્તો તાબડતોબ તેને દવાખાને લઇ ગયા. તીબીબોએ માંડ કરીને તેના શરીરમાંથી ઝેર બહાર કાઢયું. જો કે, હવે જાવેરની સ્થિતિ ખતરાથી પર છે.


બ્રિટન : ફિટ રહેવા દર બે કલાકે ‘ઘોડા’ની જેમ ખાતી મહિલા!

બ્રિટનની કેરોલ ફ્રેન્ચ નામની 50 વર્ષીય મહિલા કંઈક એવી બીમારીથી પીડાઈ રહી છે જેના કારણે તેનું વજન વધી રહ્યું નથી. બે બાળકોની માતા એવી કેરોલ ફીટ રહેવા માટે દર બે કલાકે ખોરાક લે છે. પરંતુ અત્યાર સુધી ક્યારેય પણ તેનું વજન 38 કિલોગ્રામથી વધ્યું નથી.કેરોલ મસ્ક્યુલર ડિસઓર્ડર ફિબ્રોસિટ્સ ડિસપ્રોપ્રર્સનથી પીડાઈ રહી છે. દુનિયામાં અત્યાર સુધી આવા બે જ કેસ સામે આવ્યા છે. જો કે કેરોલનો જન્મ થયો ત્યારે તે એક તંદુરસ્ત બાળકી હતી.પરંતુ જન્મ વખતે ડોક્ટરોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે મોટી થયા બાદ બાળકીને વજન નહીં વધવાની સમસ્યા થઈ શકે છે. કેરોલ જ્યારે પોતાના સ્કૂલમાં જતી ત્યારે બાળકો એમ કહીને તેની મજાક ઉડાવતા હતાં કે તું ચાલીસ નહીં, નહીં તો તારા પગ ભાંગી જશે.કેરોલે જણાવ્યું હતું કે લોકો મારી સામે જોતાની સાથે મને કહે છે કે હું બહું પાતળી છું. હું મારી આવી હાલતને છૂપાવવાનો ઘણો પ્રયાસ કરું છું, પરંતુ આવું થઈ શકતું નથી. હું જેવી દેખાઈ રહી છું તેમાં કોઈ પરિવર્તન કરી શકતી નથી.કેરોલે વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ હું આઠ વર્ષની બાળકી માટે બનાવવામાં આવેલા કપડા પહેરું છું. તેમજ મારી જાતને ફીટ રાખવા માટે ઘોડાની જેમ ખાઉ છું. પરંતુ મારું વજન 38 કિલોગ્રામથી વધતું નથી.


દીપિકા અને કેટરિના બંનેની પસંદ રણબિર

રણબિરને લઈને દીપિકા-કેટ વચ્ચે કોઈ લડાઈ નહિ!બોલિવૂડમાં અભિનેત્રીઓનું દિલ એક જ અભિનેતા પર આવ્યું હોય તેમ ઘણીવાર બને છે. દીપિકા અને કેટરિના બંનેને રણબિર પસંદ છે. કેટરિનાને કારણે રણબિર અને દીપિકાના સંબંધોમાં કડવાશ આવી હોવાનું માનવામાં આવે છે. રણબિર અને કેટરિનાની નિકટતાને કારણે દીપિકાએ રણબિર સાથેના પોતાના સંબંધોનો અંત લાવ્યો હતો.રણબિરને કારણે દીપિકા અને કેટરિના વચ્ચે શત્રુતા હોય તે વાત સમજી શકાય તેમ છે. જો કે હવે આ બંને પોતાની શત્રુતા ભૂલી જશે તેમ લાગી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા બેનરે એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં કેટરિનાને સાઈન કરવામાં આવી છે પરંતુ બીજી અભિનેત્રીની શોધ ચાલુ છે. હવે આ ફિલ્મમાં દીપિકા કામ કરવા માંગે છે.દીપિકા ફિલ્મમેકરને નિયમિત રીતે મેસેજ કરે છે. આ વાતની જાણ જ્યારે કેટરિનાને થઈ તો તે પણ નિયમિત રીતે મેસેજ કરતી થઈ ગઈ છે. તેને ડરે છે કે, દીપિકાને કારણે તેનુ પત્તુ કપાઈ ના જાય.દીપિકા અને કેટરિના મેસેજ કરવામાં વ્યસ્ત છે. લાગે છે કે, ટૂંક સમયમાં આપણને દીપિકા અને કેટરિના એક ફિલ્મમાં સાથે કામ કરતી નજરે આવશે.


ભારતની વધુ એક મહિલાએ દેશનું નામ રોશન કર્યું

ભારતની વધુ એક મહિલાએ દેશનું નામ રોશન કર્યું છે. વિશ્વની પ્રતિષ્ઠિત એવી હાવર્ડ યુનિવર્સિટીમાં ભારતીય ગીતા ગોપીનાથની અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે પસંદગી કરવામાં આવી છે. આવી સિદ્ધિ મેળવનાર ગીતા ભારતીય મૂળની પહેલી મહિલા છે. 28 વર્ષીય ગીતા 2005 થી હાવર્ડ ફેક્ટીની સભ્ય છે, તેમજ તેને 2009માં એસોસિએટ પ્રોફેસર બનાવવામાં આવી હતી.ગીતાની શોધ દ્વારા અર્થશાસ્ત્રીઓને હાલમાં જ મંદીનો શિકાર બનેલા ગ્રીસ અને આઈસલેન્ડની દુર્દશાને સમજાવામાં મદદ મળી હતી. હાવર્ડમાં અર્થશાસ્ત્રની પ્રોફેસર બનનારી ગીતા ત્રીજી મહિલા છે. તેમજ નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેન પછી આવું સન્માન મેળવનાર પહેલી ભારતીય છે.હાવર્ડ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં સોશિયલ સાયન્સના ડીન સ્ટીફન કોસલિને કહ્યું હતું કે, પ્રોફેસર ગીતાની શોધે અમને ઉભરતા બજારના વેપાર ચક્રને સમજવામાં ઘણી મદદ કરી હતી.કોલકાત્તામાં જન્મેલી ગીતાએ પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. આ પહેલા તેણે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમજ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ગીતા શિકાગોમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં અર્થશાસ્ત્રની સહાયક પ્રોફેસર પણ રહી ચુકી છે.s


વિશ્વની ‘અજબ-ગજબ’ મહિલા!

અમેરિકાની યૂટા રાજ્યની એક મહિલા થોડા દિવસો બાદ બે બાળકોને જન્મ આપશે, પરંતુ મહિલાના બંને બાળકો જુડવા નહી હોય. એન્જી ક્રોમર નામની મહિલા એક એવી વિરલ મહિલા છે જે બે ગર્ભાશય ધરાવે છે. આ હાલતને યૂટિરસ ડાઈડેલ્ફીસ કહેવામાં આવે છે. જેના કારણે મહિલાના પેટમાં અલગ અલગ ગર્ભાશયમાં બે બાળકો ઉછરી રહ્યા છે. ક્રોમરને પોતાના બે ગર્ભાશય બાબતે પહેલેથી જ ખબર હતી. પરંતુ આ પહેલા ગર્ભધારણ કરતી વખતે આવું થયું ન હતું. બંને ગર્ભાશયોમાં ગર્ભ રહેવાનો ચાન્સ પચાસ લાખમાંથી એક હોય છે. આ પહેલા પણ આવા કેસ સામે આવી ચુક્યા છે. દુનિયામાં અત્યાર સુધી આવા 100 જેટલા કેસ નોંધાયા છે.ક્રોમર ખુદ એક નર્સ છે. આથી તે જાણે છે કે આવા કેસમાં સમય પહેલા બાળકનો જન્મ થવો કે જન્મ વખતે બાળકનું વજન ઓછું હોવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ તે પોતાના બંને બાળકોને જન્મ આપવા માટે ખૂબ ઉત્સુક છે.ક્રોમરે જણાવ્યું હતું કે બે બાળકના જન્મના સમાચાર સાંભળીને પરિવારજનો પણ ખુશ છે. આથી હવે તે બાળકો માટે ખરીદી કરે છે ત્યારે એક નહીં બે વસ્તુઓ ખરીદે છે.


માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના મિત્ર મંડળમાં માત્ર ચાર જ નામ !

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મિત્ર પસંદ કરવામાં ખૂબ જ સાવચેતી રાખી રહ્યો છે. તે ફક્ત બિગ બી, ઝહિર ખાન, નરેન કાર્તિકેયન અને અતુલ કાસબેકરને ફોલો કરે છે. તેના મિત્ર મંડળમાં વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને સુરેશ રૈના સહિત ઘણા ભારતીય ક્રિકેટ સિતારાઓ ગાયબ છે.તેંડુલકરની લોકપ્રિયતા જો આમ ને આમ આગળ વધતી રહેશે તો તે ટૂંક સમયમાં શશી થરૂરને ખૂબ પાછળ છોડી દેશે અને ફોલોવરોની બાબતમાં તે એક અનોખો રેકોર્ડ બનાવશે. ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશી થરૂર, બોલીવૂડ કિંગ શાહરૂખ ખાન અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે હવે ટ્વિટર પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ચાહકોની સંખ્યા પાંચ લાખના જાદુઇ આંકડાને પાર કરી ગઇ છે.માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ઉપસ્થિત ભારતીય સેલિબ્રિટીઓમાં ‘ટ્વિટર મિનિસ્ટર’ નામથી પ્રખ્યાત થરૂર 820319 ફોલોવરો સાથે હજી પણ નંબર વન પર છે. જ્યારે શાહરૂખ ખાન 524169 ફોલોવરોની સાથે બીજા તેમજ ટ્વિટર ક્વીન પ્રિયંકા ચોપડા 506812 ફોલોવરો સાથે ત્રીજા ક્રમે છે. આ ત્રણેય લોકો લાંબા સમયથી ટ્વિટર પર સક્રીય છે.આ સેલિબ્રિટીઓની તુલનાએ લીટલ માસ્ટર સચિન તેંડુલકર ખૂબ મોડો ટ્વિટરની પીચ પર બેટિંગ કરવા ઉતાર્યો હતો. ક્રિકેટ વર્લ્ડમાં અનેક રેકોર્ડ સર્જનાર સચિન તેંડુલકરે ટ્વિટર પર પણ તોફાની શરૂઆત કરી છે.ગત્ 4 મે, રાત્રીના 11.51 વાગ્યે તેંડુલકર ટ્વિટરની પીચ પર બેટિંગ કરવા ઉતર્યો હતો. જેવું તેંડુલકરનું ટ્વિટર પર આગમન થયું કે તેને ફોલો કરવાની પ્રશંસકોમાં હોડ લાગી છે. આ દિગ્ગજ બેટ્સમેને પહેલા જ દિવસે 79000 ફોલોવર જોડીને વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેંડુલકરના હાલમાં 500770 ફોલોવરો છે, જ્યારે 8906 લોકોએ તેને લીસ્ટેડ કર્યો છે.તેંડુલકર જ્યારે મેદાન પર હોય અને કોઇ તેનાથી આગળ નીકળી જાય તેવું ભાગ્યે જ જોવા મળી શકે. તેંડુલકરને મળેલી જબરદસ્ત લોકપ્રિયતાનો મુકાબલો થોડા દિવસ પછી ટ્વિટર પર પધારેલા બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન પણ કરી શક્યા નથી. અમિતાભને પહેલા દિવસે 37500 લોકોએ ફોલો કર્યા હતા.તેંડુલકરને ફોલો કરવામાં સેલિબ્રિટીઓની પણ હોડ લાગી છે. ટ્વિટર પર સક્રીય શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા, પ્રીતિ ઝિન્ટા, શિલ્પા શેટ્ટી સહિતની હસ્તીઓ તેંડુલકરને ફોલો કરે છે.


પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના : 80ના મોત

પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના સૈંથિયા રેલ્વે સ્ટેશન નજીક બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 80 લોકો માર્યાં ગયા છે અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની ખબર છે. આ ઘટનામાં ઉત્તર બંગ એક્સપ્રેસના ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. નજીકની મેડિકલ ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.સુત્રોના જણાવ્યાં અનુસાર પશ્ચિમ બંગાળમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની વિગત એવી છે કે, વનાંચલ એક્સપ્રેસ જ્યારે સ્ટેશન પર ઉભી હતી ત્યારે પાછળથી ઉત્તર બંગા એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી. વનાચંલ એક્સપ્રેસ ભાગલપુરથી રાંચી જઈ રહી હતી અને ઉત્તર બંગા એક્સપ્રેસ બિહારથી સિયાલદાહ જઈ રહી હતી.હાલમાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળ પર ત્રણ ટ્રેનો રવાના કરી દેવામાં આવી છે તેમજ મેડિકલ ટીમ અને ફાયર બ્રિગેડ ટીમે પણ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી ચાલુ કરી દીધી છે. ટક્કરથી ટ્રેનના ત્રણ ડબ્બા સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયાં છે અને એક ડબ્બો તો સ્ટેશનના ઓવરબ્રિઝ સુધી પહોંચ્યો છે. આ સ્ટેશન હાવડાથી લગભગ 200 કિલોમીટર દુર છે. રેલ્વમંત્રી મમતા બેનરજી પણ ઘટનાસ્થળે આવવા માટે રવાના થઈ ગયા છે.સુત્રોના જણાવ્યાં અનુસાર ટ્રેનના ડબ્બામાં હજુ પણ ઘણાં લોકો ફસાયેલા છે. આવામાં મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધવાની આશંકા છે. બચાવ માટે ત્રણ ટ્રેનો રવાના થઈ ગઈ છે. રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે નજીકની મેડિકલ ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.


લીંબડી: થ્રી ઇડિયટ સ્ટાઇલથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ

શિક્ષણના આજના યુગમાં નાના ભૂલકાઓ શિક્ષણના ભારથી દબાઇ રહ્યા છે. ત્યારે આવા સમયે મુક્ત વાતાવરણમાં શિક્ષણ આપવાની થિયરી સાથેની ફિલ્મ થ્રી ઇડીયટને લોકોએ ખૂબ જ પસંદ કરી છે.લીંબડી તાલુકાની ઉંટડીની પ્રાથમિક શાળામાં સપ્તાહમાં માંડ એકાદવાર બ્લેક બોર્ડનો ઉપયોગ કરાય છે. બાળકોને શાળાના શિક્ષકો પણ ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે જુદા-જુદા ૫૧ પ્રયોગો વર્ષ દરમિયાન થઇ રહ્યા છે. ખોરાકથી જીવન પર થતી અસર, વિવિધ અભ્યાસલક્ષી તેમજ ગુજરાતી, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં અમુક પાઠમાં તો બાળરૂપક નાટકો રજૂ કરી શિક્ષણ આપવામાં આવે છે. બાળકો આ નવતર પ્રયોગમાં ઉત્સાહભેર શિક્ષણ મેળવતા આનંદ અનુભવે છે.કારણ કે, મેદાનના કમ્પાઉન્ડની દીવાલો તથા ઓસરીની દીવાલો પર જનરલ નોલેજ અને ઐતિહાસિક બનાવો તથા વર્તમાન યુગની ઘટનાઓની જાણકારી આપતા લખાણોને બાળકો અભ્યાસ સાથે રમતા-રમતા જાણકારી મેળવી લે છે. આ ઉપરાંત પુસ્તકની સાથે પ્રેકટીકલ જ્ઞાન માટે શાળામાં અવનવા પ્રોજેક્ટો સાથે શિક્ષકો છાત્રોને શિક્ષણ આપે છે.આજે દરેક માતા-પિતાને પોતાના બાળકોની સ્કૂલબેગનો ભારેખમ વજન જોઇને ચિંતા થાય છે. ઉંટડી સરકારી શાળાના આચાર્ય ગણપતભાઇ પટેલે જણાવ્યુ કે, અમારી શાળામાં બાળકોને ભારેખમ સ્કૂલબેગનો વજન ઉપાડવો પડતો નથી. બાળકો વર્ષ દરમિયાન જે પણ કૃતિ બનાવે તે માટે સ્કૂલમાં જ દરેક બાળકની અલગ બેગ રાખવામાં આવે છે. મોટાભાગનું શિક્ષણ વિદ્યાર્થીઓ જાતે જ બ્લેકબોર્ડ વગર મેળવે છે. આથી બાળકોને ભણતરનો ભાર લાગતો નથી.


‘ભાજપમાં જસવંતથી વધારે ઉમાની વાપસી જરૂરી’

ભાજપમાં ઉમા ભારતીની વાપસીનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જસવંત સિંહથી વધારે ઉમા ભારતીની પાર્ટીમાં વાપસીને વધારે જરૂરી ગણાવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ વિચારક માધવ ગોવિંદ વૈદ્યે દૈનિક તરુણ ભારતમાં લખેલા લેખમાં જણાવ્યું છે કે ઉમાના પાર્ટીમાં પુનરાગમનની વધારે જરૂર છે. વૈદ્યે લખ્યું છે કે જ્યારે જસવંત સિંહની રાજકીય ભૂલ માફ કરી શકાય, તો ઉમા ભારતી, ગોવિંદાચાર્ય. અને સંજય જોશીને કેમ નહીં?વૈદ્યે લખ્યું છે કે જસવંતના ભાજપની બહાર રહેવાથી પાર્ટીને કોઈ અસર પડી નથી, પરંતુ આ ત્રણેય નેતાઓની વાપસી ભાજપને ફાયદો થશે. વૈદ્યે લખ્યું છે કે આ ત્રણેયે ભૂલ કરી હતી, પરંતુ તેમની ભૂલ જસવંત સિંહની ભૂલથી ઓછી હતી. જસવંત સિંહે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે જસવંત સિંહની 9 માસ બાદ તાજેતરમાં જ ભાજપમાં વાપસી થઈ છે.ત્યારે ચર્ચાય રહ્યું છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને સંઘના કેટલાંક નેતાઓના વિરોધને કારણે ઉમા ભારતીની ભાજપમાં વાપસીમાં અડચણો આવી રહી છે. જસવંતનું ભાજપમાં પુનરાગમન પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પહેલને કારણે શક્ય બન્યું છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે વિમાનથી જયપુર આવતી વખતે અડવાણી જસવંતને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાર બાદથી જ જસવંતની ભાજપમાં વાપસીની કોશિશો શરૂ થઈ ગઈ હતી. તે પ્રકારે હાલમાં જ અડવાણી ઉમા ભારતીને પોતાની સાથે વિમાનમાં રાયપુર લઈ ગયા હતા. અડવાણી અને ઉમા ભારતી છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહના પિતાની ઉત્તરક્રિયામાં ભાગ લેવા માટે ગયા હતા. ત્યાર બાદથી જ ઉમાની ભાજપમાં વાપસીની કોશિશો શરૂ થઈ ગઈ છે.


'મને દેશની ચિંતા છે માટે હું ચૂપ બેસીશ નહીં' - બાબા રામદેવ

બાબા રામદેવે કહ્યું હતું કે દેશમાં ભષ્ટ્રાચાર ચરમસીમાએ છે. રાજકિય દળો પર ભષ્ટ્રાચારનો આરોપ મુક્યો છે. આજના નેતા પોતાના ખિસ્સા ભરવા લાગી રહે છે. આવા નેતાઓની વિરુદ્ધ બાબાનું આંદોલન ચાલુ રહેશે. બાબાએ આ બધી વાતો એક ઈન્ટરવ્યુમાં કહી હતી.બાબાએ જણાવ્યું હતું કે તે નેતાઓ રાજકિય પદના ભૂખ્યા નથી. પરંતુ તેઓ પડદાની પાછળ રહીને ભષ્ટ્રાચારની વિરુદ્ધ લડતાં રહે છે. આ માટે લોકો તેમને કંઈ પણ કહે, તેમની નેતાઓને ચિંતા નથી. તેમણે કહ્યું હતું કે મારું કામ યોદ શીખવાડવાનું છે.બાબા રામદેવના જણાવ્યાં અનુસાર આજે દેશની સંપતિ અરબો રૂપિયા કાળા રૂપિયાના રૂપમાં વિદેશોમાં જમા છે. જેની પાછળ ઉદ્યોગપતિથી લઈને રાજકિય નેતાઓ સામેલ છે. કોઈ તે સંપતિને સ્વદેશ લાવવાની વાત કરતું નથી. બાબાએ કહ્યું હતું કે જો તે પૈસા દેશમાં ગરીબોને આપવામાં આવે તો દેશના લગભગ 40 ટકા ગરીબ લોકો ભૂખ્યાં રહે નહીં. પરંતુ કોઈ આ અંગે ધ્યાન આપતું નથી કારણ કે ભષ્ટ્રાચાર ચરમસિમા પર છે.


કર્ણાટકમાં એક ગુંડો ત્રણ વર્ષ સુધી ન્યાયાધીશ બની રહ્યો

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશની નિમણુંક પહેલાં પોલીસ તપાસ ફરજિયાત બનાવી.ગુનેગારની યાદીમાં સામેલ એક વ્યક્તિની જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક થઇ ગયાની ઘટનાની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટને સૂચના આપી છે કે ન્યાયતંત્રમાં નિમણુંક પહેલાં તમામ વ્યક્તિની પોલીસ તપાસ અવશ્યપણે થાય એ બાબત સુનિશ્વિત કરે.
એકાદ બે દિવસ નહીં પરંતુ ત્રણ વર્ષ સુધી એક ગુંડો ન્યાયાધીશના પદ પર રહેતાં ચોંકી ઉઠેલી અદાલતે તે વ્યક્તિને પદ પરથી દૂર કર્યો છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટ પણ હતપ્રભ રહી ગઇ.વાસ્તવમાં ૧૯૯૬માં ખાજિયા મોહમદ મુજાલિમની કર્ણાટક હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે વરણી થઇ હતી. ત્રણ વર્ષ સુધી આ શખસ ન્યાય તોળતો રહ્યો હતો પરંતુ તેની સામે ગુંડાગર્દીનો કેસ ચાલુ હોવાનું ધ્યાને આવતાં તેને પદ પરથી દૂર કરવામાં આવ્યો હતો.ખાજિયા તો અદાલતના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. પહેલા તો સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ગઇ પરંતુ પછીથી તેણે નિર્ણય સંભળાવ્યો કે દેશની તમામ હાઇકોર્ટ ન્યાયકીય નિમણુંક આપતાં પહેલાં વ્યક્તિની ગંભીરતાથી પોલીસ તપાસ કરાવે.ન્યાયમૂર્તિ બી.એસ.ચૌહાણ અને સ્વતંત્રકુમારની બનેલી બેન્ચે કહ્યું કે પારદિર્શતા અને નિષ્પક્ષ ન્યાય આપવા માટે તમામ હાઇકોર્ટના ન્યાયમૂર્તિનો વાર્ષિક ગોપનીય અહેવાલ પણ બનાવવો જોઇએ. પોલીસ તપાસ હાલમાં થાય છે પરંતુ તેને નિમણુંક વખતે ગંભીરતાથી લેવામાં આવતું નથી.


હાટકેશ્વર સર્કલ પાસેથી કપડાં ઉપર ગંદું નાખી ગઠિયા રૂ.૧.૨૭ લાખની મત્તા લઇ ગયા

હાટકેશ્વર સર્કલ પાસેથી પસાર થતાં વેપારીનાં કપડાં ઉપર ગંદું નાખી નજર ચૂકવી બે ગઠિયા ૧.૨૯ લાખની મત્તા લઇ ગયા હતા. રાયપુર કોટની રાંગ ભૂતની આંબલી મકાન નં-૨૨૯૫ ખાતે રહેતાં અરવિંદભાઇ સોની સાંજે ૬.૦૦ વાગે હાટકેશ્વર સર્કલ નજીક આવેલ કે.સી.હોટેલ પાસેથી પસાર થતા હતા, ત્યારે આશરે ર૦થી ૨૫ વર્ષના બે યુવાનોએ તેમને અટકાવીને કહ્યું હતું કે તમારા કપડાં ઉપર ગંદું પડ્યું છે. જેથી અરવિંદભાઇ હોટેલમાંથી પાણી લાવીને ગંદું સાફ કરી રહ્યા હતા. તે દરમિયાનમાં બાજુમાં મૂકેલો થેલો લઇને ગઠિયા ફરાર થઇ ગયા હતા. આ થેલામાં રૂ.૧.૨૫ લાખની કિંમતની ગ્રહોની ચાંદીની વીંટીઓ તેમજ રોકડા રૂ.૨૭૫૦ હતા.


ફાર્મા ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીના રૂ. ૫ લાખ લઈને ભાગી ગયેલો કર્મચારી પકડાયો

લો ગાર્ડન પાસેની ફાર્મા ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીના રૂ. ૫ લાખ લઈને ભાગી ગયેલા કર્મચારીને એલિસબ્રિજ પોલીસે પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પ્રાથમિક કબૂલાત પ્રમાણે તેણે માત્ર મોજશોખ માટે ચોરી કરી હતી.પાલડીના પીટી કોલેજ રોડ પર રહેતો ચેતન પ્રવીણસિંહ ગોહિલ છેલ્લા દોઢ મહિનાથી ફાર્મા પ્રસાધનો બનાવતી કંપનીના સંચાલક જિતેન્દ્રભાઈને ત્યાં નોકરી કરતો હતો. ૧૫મીએ કૃષ્ણકાંત આંગડિયામાં કંપનીના રૂ. ૫ લાખ આવવાના હોવાથી જિતેન્દ્રભાઈએ ચેતનને પૈસા લેવા મોકલ્યો હતો. જો કે ચેતન પૈસા લઈને ભાગી ગયો હતો.આ બાબતે કંપનીના મેનેજર ભાવીન મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પોલીસે ચેતનનો મોબાઈલ ઓબ્ઝર્વેશનમાં મૂકતા તે કુતિયાણા બાજુ હોવાની માહિતી મળી હતી. તેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક સાધીને તેને હાજર થઈ જવાની સૂચના આપતા તે રૂ. ૫ લાખ સાથે રવિવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો હતો.


પાવર ગેલેરી- જરૂર છે એક ઓક્ટોપસની

રાતનું વધુ એક પાપ ધોવાઇ જવાના કિનારે છે. એટલું જ નહીં ધોવાયેલું હોવાનું માની શકાય છે. કરાત કોમરેડ છે પરંતુ પોતાના ઘરના નથી. નેતાગીરી પોતાની જગ્યાએ છે પરંતુ રહેણાક દિલ્હીની પોશ કોલોની ગ્રેટર કૈલાશમાં હતું, વૃંદા કરાતની બહેનની કોઠીમાં. ગુસપુસમાં આલોચના પણ થતી હતી પરંતુ હવે કરાત વીપી હાઉસમાં એક નાના ફ્લેટમાં શિફ્ટ થવા જઇ રહ્યા છે. આ ફ્લેટ વૃંદા કરાતને સાંસદની રૂએ ફાળવવામાં આવ્યો છે. પહેલાં પણ ફ્લેટ વૃંદાના નામે જ હતો, પરંતુ ત્યારે તેને માત્ર પુસ્તકો રાખવા લાયક માનવામાં આવ્યો હતો. હવે આ પુસ્તકો ક્યાં જશે, એ જોવાનું છે.છેલ્લા ઘણાં વર્ષથી ભાજપનો એવો કોઇ અધ્યક્ષ થયો નથી જેને ભાજપના જી-ફોર એટલે કે જેટલી, વેંકૈયા, સુષ્મા અને અનંતકુમારથી ડર ન લાગ્યો હોય. અડવાણી પણ નહીં પરંતુ નીતિન ગડકરીથી જી-ફોર પણ ડરે છે. કારણ એ નથી કે, ગડકરી પોતાના નિર્ણયો લેવાનું શીખવા લાગ્યા છે. કારણ એ છે કે, ગડકરી જ્યારે પણ ઇચ્છે ત્યારે મીટિંગ બોલાવી લે છે અને પછી કોર્પોરેટ સ્ટાઇલમાં મીટિંગ-મીટિંગ રમતા રહે છે, જ્યારે જી-ફોરના મીટિંગ મહારથીઓને ડોક્ટરોએ મોડી રાત સુધી ઉજાગરા કરવાની ના પાડી દીધી છે. ગડકરી તાજેતરમાં જ સાંજે જેટલીના ઘરે ગયા અને રાત્રે અઢી વાગ્યા સુધી ત્યાંજ રહ્યા. બેચારા જેટલી ફસાઇ ગયા.દૂરદર્શનની મોનોપોલીના દિવસોની વાત છે. રાત્રે નવ વાગ્યાના સમાચાર હતા અને પુરુષ પ્રધાનમંત્રીનું સંપૂર્ણ નિવેદન મહિલા એંકર વાંચી રહી હતી- હું કહેવા માગું છું... હું આ કરીશ... હું તે કરીશ... હું ફરી કહી રહ્યો છું... અને દર્શકો હસી-હસીને લોથપોથ થઇ રહ્યા હતા.
આ દ્રશ્ય તાજેતરમાં ફરી સર્જાયું. ઉત્તરપ્રદેશની નાણાકીય સ્થિતિ અંગે માયાવતીને નાણાપ્રધાને મીટિંગ માટે દિલ્હી બોલાવ્યા. માયાવતી તો હંમેશની જેમ લખનઉમાં જ મૂર્તિ બની રહ્યાં, તેમને જે કંઇ કહેવાનું હતું તે તેમણે એક ચિઢ્ઢીમાં લખીને પોતાના આરોગ્યપ્રધાન અનંતકુમાર મિશ્રાને દિલ્હી મોકલી દીધા.


માધુરીને વિદ્યુત પરિયોજનાઓની બ્લૂ પ્રિન્ટ જોતી હતી

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી વિદેશ મંત્રાલયની અધિકારી માધુરી ગુપ્તા આ વર્ષે માર્ચ-એપ્રિલમાં પોતાની જમ્મુ યાત્રા દરમિયાન પુંચ જિલ્લામાં સલાલ વિદ્યુત પરિયોજના અને કાલકોટ સ્થિત એક કોલસાની ખાણની બ્લૂ પ્રિન્ટ હાસિલ કરવાની ફિરાકમાં હતી. માધુરીની રાજૌરી જિલ્લાની યાત્રાનો મકસદ જાણવાની કોશિશ કરી રહેલી સુરક્ષા એજન્સીઓને તપાસ દરમિયાન આ વાતની જાણકારી પ્રાપ્ત થઈ શકી હતી. માનવામાં આવે છે કે 53 વર્ષીય માધુરી આ પરિયોજનાની બ્લૂ પ્રિન્ટ લેવા માટે સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરવામાં નાકામ રહી હતી.સૂત્રોનું કહેવું છે કે આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાના જવાનોની ઉપસ્થિતિને કારણે તે વ્યક્તિ સાથે સંપર્ક કરી શકી નથી. તેના કારણે તેને બ્લૂ પ્રિન્ટો મળી ન હતી. તે વખતે લશ્કરે તોઈબાના આતંકવાદીઓ સાથેની અથડામણના કારણે સુરક્ષાદળોના જવાનો મોટી સંખ્યામાં ક્ષેત્રમાં તેનાત કરવામાં આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈસ્લામાબાદમાં ભારતીય અભિયાન હેઠળ પ્રેસ અને માહિતી શાખામાં તેનાત આઈએફએસ-બી અધિકારીને આ વર્ષે એપ્રિલમાં ઝડપી પાડવામાં આવી હતી. માધુરીએ કેટલાંક અન્ય અધિકારીઓના નામ જણાવતાં કહ્યું હતું કે આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે માધુરીના સ્ત્રોતની ભાળ મેળવવા માટે સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.



સોનિયા ગાંધી ફરી કોંગ્રેસના અધ્યક્ષપદે

૧૮૮૫માં પક્ષની રચના થઇ હતી તે મુંબઇમાં ૧૨૫મી જયંતી પ્રસંગે મહાઅધિવેશન યોજવા મનસૂબો.સોનિયા ગાંધી ફરી કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાઇ આવવા સજ્જ થઇ ચૂક્યાં છે. પક્ષરચનાના સવાસો વર્ષ પૂરા થયાના ઉપલક્ષ્યમાં વર્ષના અંતભાગે મુંબઇમાં યોજાનારા એઆઇસીસીના મહાઅધિવેશનમાં તેમને પુન: અધ્યક્ષપદે આરૂઢ કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા ૧૨ વર્ષથી કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળી રહેલાં સોનિયા ગાંધી આ પદ પર સૌથી લાંબો સમય રહેવાનો રેકર્ડ ધરાવે છે. ૧૯૯૮માં યોજાયેલી ચૂંટણીમાં પક્ષને પરાજય મયા બાદ સીતારામ કેસરીએ પ્રમુખપદેથી વિદાય લીધા બાદ સોનિયાએ અધ્યક્ષપદ સંભાળ્યું હતું. છેલ્લા દાયકાથી સત્તામાં રહેલી મહારાષ્ટ્ર કોંગ્રેસે મહાઅધિવેશનનું આયોજન મુંબઇમાં કરવાની દરખાસ્ત સાથે કેન્દ્રીય નેતાગીરીનો સંપર્ક સાધ્યો છે. ૧૮૮૫માં અહીં જ કોંગ્રેસ પક્ષની રચના થઇ હતી. રાજ્યના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને પ્રદેશ પ્રમુખ માણિકરાવ ઠાકરેએ ગઇકાલે ગાંધીની મુલાકાત લઇને સવાસોમી જયંતીની ઉજવણી માટેની તૈયારી અને રાજ્યમાં ચૂંટણી આયોજન વિષે ચર્ચા કરી હતી.
જોકે સ્થળ વિષે કોઇ નિર્ણય નથી લેવાયો પરંતુ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ૧૯૮૫માં પણ કોંગ્રેસ શતાબ્દી અધિવેશન મુંબઇમાં જ મળ્યું હતું


મેજિક ઓફ એમબીએ પર સેમિનાર યોજાયો

જીસેટની પરીક્ષા પૂરી થઇ ગઇ છે ત્યારે એમબીએના છાત્રોને માર્ગદર્શન પૂરુ પાડવાના ભાગરૂપે દિવ્ય ભાસ્કર તેમજ યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ બિઝનેસ દ્વારા ‘મેજિક ઓફ એમબીએ’ નો સેમિનાર યોજાઇ ગયો હતો. જેમાં હ્યુમન રિસોર્સિસ (ટીસીએસ) ના મેનેજર અંકિત નાગપાલ, આઇઆઇએમના ફાઉન્ડર પ્રોફેશર ભરત દલાલ તેમજ વિવેકાનંદ ઈંસ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટના ડીરેકટર ડૉ. કવિતા સુદ હાજર રહ્યા હતા અને છાત્રોને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.અંકિત નાગપાલે આ તકે જણાવ્યું હતું કે, એમબીએ છાત્રોને ટ્રાન્સપોટેંશન આપે છે અને આ અભ્યાસ પછી વિદ્યાર્થીઓને પૈસા બનાવવાની સારી તક મળે છે. સાથોસાથ કેરિયર પણ બને છે. જો કે તેઓએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે, એમબીએ કરવું કે નહીં તે અંગેનો નિર્ણય છાત્રએ પોતે જ લેવો જોઇએ.પ્રોફેશર દલાલે કહ્યું હતું કે, ભારત વિકાસશીલ દેશ છે. આ દેશમાં યુવાનો સૌથી વધુ છે. ગુજરાત પણ પ્રોગ્રેસીવ સ્ટેટ છે. આથી વધુમાં વધુ છાત્રોએ એમબીએનો અભ્યાસ કરી દેશના વિકાસમાં ફાળો આપવો જોઇએ.ડૉ. કવિતા સુદે પણ પોતાનું વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે, એમબીએમાં કમ્યૂનિકેશન સૌથી મહત્વની બાબત છે. સારુ સાંભળીને સારી બાબત તરફ આગળ વધવું જોઇએ અને વિદ્યાર્થીઓએ સેલ્ફ ડેવલપમેન્ટ કરવું જોઇએ.


રવિવારે સિવિલમાં સ્વાઇન ફ્લૂને રજા આપી દેવાય છે

છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ થયો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં રવિવારે સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ થતો નથી. ઉનાળામાં સિવિલ હોસ્પિટલમાં એવો પરપિત્ર આવ્યો હતો કે હાલ સ્વાઇન ફ્લૂના કેસ દેખાતા ઓછા થયા છે આથી રવિવારે ટેસ્ટની કાર્યવાહી નહીં કરો તો ચાલશે પરંતુ સિવિલ હોસ્પિટલના અધિકારીઓને હજુ ખ્યાલ આવ્યો નથી કે સ્વાઇન ફ્લૂના કેસ હવે વધી રહ્યા છે.શહેરમાં હાલ સ્વાઇન ફ્લૂ એચ૧એન૧નો વાઇરસ ફરીથી સક્રિય થયો છે. એક દિવસ પહેલાં જ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ એક ૯ માસની સગભૉ મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આવા સંજોગોમાં જો શનિવારે સાંજે કોઈ દર્દીમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂનાં લક્ષણ દેખાય તો તેનો ટેસ્ટ સોમવારે સવારે થશે અને સોમવારે સાંજે જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેનો સ્વાઇન ફ્લૂનો ઇલાજ શરૂ થશે અને તેને સ્વાઇન ફ્લૂના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાશે. એટલે કે બે દિવસ સુધી સ્વાઇન ફ્લૂનો દર્દી સામાન્ય લોકો સાથે જ રહેશે અને સંભાવના છે કે તેના કારણે અન્ય લોકોને પણ એચ૧એન૧નો ચેપ લાગી શકે છે.સ્વાઇન ફ્લૂના દર્દી દેખાતા ઓછા થઈ જવાને કારણે અમને એવો પરપિત્ર મળ્યો હતો કે રવિવારે સ્વાઇન ફ્લૂના ટેસ્ટ નહીં કરો તો ચાલશે પરંતુ હવે કેસ દેખાવા લાગ્યા છે, આથી જરૂર જણાય તો રવિવારે પણ ટેસ્ટ શરૂ કરાશે.

માધ્યમિક શાળાઓમાં ઇડિયટ રેન્ચોની ખોટ!

વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલ ફ્યૂઝ વિશે પાનું ભરીને લખી શકે પણ તેમના ઘરમાં તે ઉડી જાય તો ઈલેક્ટ્રિશિયનને બોલાવવા દોડી જાય છે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષક તરીકે ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મમાં ‘રેન્ચો’ બનેલા આમીરખાનની જરૂરત છે. આવા વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે માહિતી અઢળક છે.પરંતુ તેનો ઉપયોગ કરવાની આવડત નથી. તેની પાછળનું કારણ એ છે કે ૭૪ ટકા વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઇ જવાતા નથી. તેમનો થિયરીનો સિલેબસ જ એટલો અઘરો અને લાંબો છે કે પ્રયોગશાળાના ઉપયોગનો છેદ જ ઉડી જાય છે, તેમ દક્ષિણ ગુજરાતની ૨૫૨ માધ્યમિક શાળાઓમાં ‘વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની પ્રવર્તમાન પરિસ્થિતિ’ વિષય ઉપર કરાયેલો એક અભ્યાસ જણાવે છે.પીએચ.ડી.ના ભાગરૂપે આ અભ્યાસ કરનારા વિવેકાનંદ કોલેજ ફોર બી.એડ.ના પ્રાધ્યાપિકા ડૉ.પત્રલેખા બારડ કહે છે કે કુલ ધો. ૮થી ૧૦ના ૯૦૦ વિદ્યાર્થીઓમાંથી ૭૪ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ પ્રયોગશાળાનો ઉપયોગ યોગ્ય રીતે કરતા નથી. કુલ ૫૬.૪ ટકાએ જણાવ્યું હતું કે તેમને સ્વરચિત મોડેલ બનાવવાના પ્રોજેક્ટ અપાતા નથી.આકાશદર્શન માટે લઇ જવાતા ન હોય તેવા વિદ્યાર્થીઓની ટકાવારી ૬૮.૪ ટકા હતી. શૈક્ષણિક પર્યટન માટે પણ ૩૬ ટકા વિદ્યાર્થીઓને લઇ જવાતા નથી.આ પાછળનું કારણ જણાવતા ડૉ. પત્રલેખા કહે છે કે આજનું શિક્ષણ પરીક્ષાલક્ષી બની ગયું છે. પરીક્ષામાં પ્રયોગના ગુણનું મહત્વ ન હોવાથી પ્રાયોગિક શિક્ષણ હાંસિયામાં ધકેલાઇ ગયું છે.
યુનિવર્સિટીના પ્રા. ડૉ. રાયસિંગ ચૌધરીના માર્ગદર્શનમાં કરાયેલા આ સંશોધન જણાવે છે કે શિક્ષકોનું માનવું છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયનો સિલેબસ વિદ્યાર્થીઓની વયકક્ષાની દ્રષ્ટિએ અઘરો છે. કુલ ૬૫૮ શિક્ષકોમાંથી આવુ કહેનારા શિક્ષકોની ટકાવારી ૭૩ ટકા હતી. શિક્ષકોએ તેમ પણ જણાવ્યું હતું કે ૪૫ ટકા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સિવાય બીજું કંઇ વાંચતા જ નથી. કર્મળ્યોગી તાલીમમાં પણ મોટી સંખ્યાને કારણે ગુણવત્તા જળવાતી નથી તેમ માનનારા શિક્ષકોની ટકાવારી પણ ૫૩ ટકા જેટલી હતી.


ડુંગરપુર પાસે અકસ્માતમાં અમદાવાદના બે યુવકનાં મોત

ઉદેપુરથી અમદાવાદ આવી રહેલી એક કાર રવિવારે સાંજે રાજસ્થાન ડુંગરપુર વીંછીવાડાના બરોઠી પાસેથી પૂરઝડપે પસાર થઇ રહી હતી. એકાએક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઇને પલટી ખાતાં કારમાં બેઠેલા અમદાવાદના બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જેમાં સેટેલાઈટમાં રહેતાં સૌમિલ એમ.વાળા(ઉ.વ.૨૫) અને વેજલપુરમાં રહેતાં હર્ષવર્દન જગદીશભાઇ(ઉ.વ.૩૦) નો સમાવેશ થાય છે. જ્યારે કારમાં બેઠેલા ધર્મેન્દ્રભાઇ,નિકુંજભાઇ અને તુષારભાઇને ઇજા થવા પામી હતી. તેમને તાત્કાલિક વીંછીવાડાની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા છે.


પતિના વિરહમાં પત્નીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરના ગક્ષેત્રી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિના મૃત્યુની તિથિના દિવસે જ પતિના વિરહમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બનાવ અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગક્ષેત્રી વિસ્તારમાં આવેલ સમતા ફ્લેટ ખાતે રહેતી ૩૦ વર્ષીય કાશીબહેન ભરતભાઇ પ્રજાપતિના ૧૨ વર્ષ અગાઉ ભરતભાઇ સાથે લગ્ન થયા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન તેમને ત્રણ સંતાન થયા હતા. પાછલા વર્ષે દિવાળીના દિવસોમાં લાભ પાંચમ પછીની છઠ અને શનિવારના રોજ કાશીબહેનના પતિ ભરતભાઇ કચ્છથી ઇન્ડિકા કારમાં વડોદરા આવતા હતા તે સમયે એક્સપ્રેસ હાઇ વે પર અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ કાશીબહેન તેમના ત્રણ સંતાનો અને સાસુ-સસરા સાથે રહેતા હતા. પતિના મૃત્યુ પછી કાશીબહેન બહુ જ ગમસૂમ રહેવા લાગ્યા હતા. ગઇ કાલે પણ છઠ અને શનિવાર હતો. તેમના બંને સંતાનો સ્કૂલે ગયા હતા તથા સાસુ મંદિરે અને સસરા મહાદેવભાઇ નાના બાળકને ફરવા લઇ ગયા હતા. દરમિયાન કાશીબહેન ઘરે એકલા હતા. અને પતિની યાદમાં તેમણે ઘરના છતના પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાંઇ આપઘાત કર્યો હતો. તેમના સાસુ-સસરા ઘરે પરત ફર્યા ત્યારે તેમણે કાશીબહેનને મૃતદેહ લટકતો જોયો હતો. પીએસઆઇ ચંપાવતે વધુ તપાસ હાથ ધરી છે.ભરતભાઇના મૃત્યુ બાદ દર છઠના દિવસે મહાદેવને ઘડો, લાડું અને કેળું ચઢાવાતુંભરતભાઇના અકસ્માતમાં મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ તેમની આત્માની શાંતિ માટે ગરૂડ પુરાણ રાખ્યું હતું. જેમાં મહારાજે તેમને દર મહિને છઠના રોજ મહાદેવના મંદિરમાં પાણીનો ઘડો, લાડું અને કેળું ચઢાવવા કહ્યું હતું. જેથી તેમના દીકરાના આત્માને શાંતિ મળે. ગઇ કાલે પણ કાશીબહેનના સાસુ છઠ હોવાથી મહાદેવના મંદિરે ચઢાવો આપવા ગયા હતા.


સુરતની જલપરી અને ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી પૂજા ચૌરૂષિ ૩૦ સેકન્ડ માટે ગોલ્ડ મેડલથી વંચિત

રશિયાથી છુટા પડેલા કઝાકિસ્તાનના કોકસેતાઉ ખાતે યોજાયેલી ૨૦૧૦ આઇટીયુ ટ્રાયથ્લોન એશિયન કપમાં સુરતની જલપરી અને ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી પૂજા ચૌરૂષિ રવિવારની જુનિયર ટ્રાયથ્લોનમાં માત્ર ૩૦ સેકન્ડ માટે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ હતી. જોકે, સિલ્વર મેડલ મેળવીને તેણે શહેરની શાન વધારવા સાથે દેશનું નામ પણ રોશન કર્યું છે, કારણ કે આ સ્પર્ધામાં ભારતમાંથી ભાગ લેનારી પૂજા એકમાત્ર સ્પર્ધક હતી.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમસીઆઈટીમાં અભ્યાસ કરનાર પૂજા ચૌરૂષિનું નામ શહેરીજનો માટે અજાણ્યું નથી. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ૧૭ જેટલા મેડલો મેળવવાની સિદ્ધિ હાંસલ કરનાર પૂજા ગત સપ્તાહમાં ટ્રાયથ્લોનની સ્પર્ધામાં ભાગ લેવા કઝાકિસ્તાનના કોકસેતાઉ ખાતે ગઈ હતી. રવિવારે સવારે જુનિયર ટ્રાયથ્લોનની સ્પર્ધામાં પૂજાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.સામાન્ય યુવતીઓનાં હાજાં ગગડી જાય એવી આ સ્પર્ધામાં ત્રણેય કૌશલ્ય એક્સાથે દર્શાવવાં પડે છે. સૌપ્રથમ ૭૫૦ મીટર િસ્વમિંગ, ત્યારબાદ ૨૦ કિ.મી. સાયકલિંગ અને તરત જ ૫ કિ.મી. રનિંગ કરવાનું હોય છે. આ અંતર પૂજાએ ૧ કલાક ૬ મિનિટ અને ૪૫ સેકન્ડમાં કાપ્યું હતું.જોકે, કમનસીબી એ વાતની રહી હતી કે આ સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવનાર યુવતીએ આ અંતર ૧ કલાક ૬ મિનિટ અને ૧૫ સેકન્ડમાં પૂરું કર્યું હતું. માત્ર ૩૦ સેકન્ડ માટે પૂજા ગોલ્ડ મેડલ મેળવવાથી વંચિત રહી હતી. જોકે, આમ છતાં તે સિલ્વર મેડલ મેળવવાની હકદાર બની હતી.


નર્મદ યુનિવર્સિટીમાં મોટાપાયે અધ્યાપકોની ભરતીઓ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જુદા જુદા વિભાગોના સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં અધ્યાપકોની ભરતીઓનો દોર શરૂ કરાશે, જે અંગેનો નિર્ણય તાજેતરમાં જ મળેલી સિન્ડિકેટની બેઠકમાં લેવાયો હતો. તમામ અધ્યાપકોને છઠ્ઠા પગારપંચનો લાભ અપાશે.યુનિ. અધિકારીઓના જણાવ્યા અનુસાર જુદા જુદા કોર્સમાં ૩૦થી વધુ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટંટ પ્રોફેસરની જગ્યા માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.જો જુદા જુદા વિભાગોમાં ખાલી જગ્યાઓની વાત કરીએ તો એમસીએમાં અને એમબીઈમાં એક-એક આસિસ્ટંટ પ્રોફેસર, એમએસસી આઇટીમાં ડિરેક્ટર અને પ્રોફેસર, એમએચઆરડી-એમએલડબલ્યુમાં ૨ આસિસ્ટંટ પ્રોફેસર, કેમિસ્ટ્રરીમાં ૪ આસિસ્ટંટ પ્રોફેસર, એમએસસી બાયોટેકનોલોજીમાં ડિરેક્ટર અને પ્રોફેસર ઉપારંત ૧ એસોસિયેટ પ્રોફેસર અને બે આસિસ્ટંટ પ્રોફેસર, એમએડમાં ૧ પ્રોફેસર, ૧ એસોસિયેટ પ્રોફેસર અને ૩ આસિસ્ટંટ પ્રોફેસર, મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ૧ એસોસિયેટ અને ૨ આસિસ્ટંટ પ્રોફેસર અને આર્કિટેક્ચરમાં ડિરેકટર અને પ્રોફેસર ઉપરાંત ૨ પ્રોફેસર, ૨ એસોસિયેટ પ્રોફેસર અને ૩ આસિસ્ટંટ પ્રોફેસરની ભરતી કરાશે


મનુષ્યમાંથી વીજળીનો ચમત્કાર

વિદ્યુત કે વીજળી વિના મશીન યુગની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પાણી પર બંધ બાંધીને પેદા કરવામાં આવતું વિદ્યુત, વાયુચલિત પવન ચક્કીઓથી ઉત્પન્ન થયેલી પવન ઉર્જા, કોલસામાંથી ઉત્પ્નન કરવામાં આવેનું વીજકરણ અને પરમાણુ ઉર્જા નિર્મિત વીજળી વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ શું ક્યારેય મનુષ્યના શરીરમાં ઉત્પન્ન થનારી વીજળી વિશે ક્યારેય સાંભળ્યું છે. સંભવ છે કે આ પ્રશ્નનો ઉત્તર નામાં હશે.માનવી વિદ્યુત એક ચમત્કાર થઈને પૂર્ણત વૈજ્ઞાનિક સત્ય છે. તમામ વૈજ્ઞાનિક પરીક્ષણોથી પરખ કરીને માનવીય વિદ્યુતને સત્યના સ્વરુપમાં સ્વીકારવામાં આવ્યું છે. માનવી વિદ્યુત સંબંધી ચમત્કારોનો આ માત્ર પ્રારંભ છે. શરુઆતના પરીણામો ઘણા આશ્ચર્યજનક છે.તો જાણીએ શું છે મનુષ્યમાંથી પેદા થનારી ચમત્કારિક વીજળી.
પ્રયોગ માટે એક જ સમયે બે તોડેલા ફળ કે મૂર્જાયેલા બે ફુલો લેવા. અથવા મૃત પ્રાણીના શરીરને પણ લઈ શકાય. પરીક્ષણ કરવા માટે એકને બીજા પાસે છોડી દો. બીજી વ્યક્તિ ઈચ્છે એને ત્યાં રાખી શકે છે. તમે એ વસ્તુને પોતાની પાસે રાખો. થોડી વાર એ વસ્તુને પૂર્ણ એકાગ્રતા સ્વરુપ રાખો. તેને જીવનરક્ષાની ભાવનાથી જુઓ. આ સામાન્ય ઘટનાથી ચમત્કાર થશે. જે બીજી વસ્તુ તમે કોઈ બીજાની પાસે મૂકી હતી તે સમય જતા સડવા લાગશે પરંતુ જે વસ્તુ પર તમે માનવી વીજળીનો ચમત્કાર કર્યો હશે એ વસ્તુ પૂર્ણ સ્વરુપે તરોતાજા બની રહેશે. સામાન્ય રીતે ફળ-ફૂલ જ નહીં પરંતુ આ પ્રયોગથી માનવી વીજળીથી મૃત શરીરોને પણ અનેક દિવસો સુધી સડો લાગ્યા વિનાના રાખી શકાય છે.




અમદાવાદ : આત્મહત્યાનો પ્રયાસ, બાળકોના મોત, માતા બચી ગઈ

નારણપુરાની સેંટ ઝેવીયર્સ લોયેલા સ્કૂલ પાસે આવેલા શંખનાદ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૫ વર્ષીય પરિણીતા વર્ષાબહેન રામાણીએ પોતાના ૨ અને ૭ વર્ષના બે બાળકોની ગળુ દબાવીને હત્યા કર્યા બાદ ચપ્પુના ઘા ઝીંકીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં વર્ષા બહેનને નારણપુરાની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાત યુનિ. પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગત એવી છે કે ખાનગી નર્સિંગ હોમમાં નોકરી કરતા મનીષભાઈ રામાણી પોતાની પત્ની વર્ષાબહેન તથા ૨ વર્ષના પુત્ર અને ૭ વર્ષની પુત્રી સાથે શંખનાદ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સોમવારે સવારે બાળકોનો સ્કૂલ જવાનો સમય થતાં તેઓ ઉઠ્યા હતા. પરંતુ રૂમમાં બાળકો અને પત્ની ન દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાજુના રૂમમા જોતા બંને બાળકો મૃત હાલત પર પલંગ પર પડ્યા હતા જ્યારે પત્ની વર્ષા બહેન પેટમા ચપ્પુની ઈજા સાથે બેભાન હાલતમાં ફર્શ પર પડ્યા હતા. તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વર્ષાબહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.બનાવની જાણ થતાં નારણપુરા પોલીસ મથકના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર કે સી રાઠોડ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. પરિણીતાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે મનીષભાઈ અને વષાબહેન વચ્ચે કોઈ ઝઘડો તકરાર ન હતી તેમ છતાં વર્ષાબહેને કેમ આ પગલું ભર્યું તે સમજાતું નથી. હાલમાં આ બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.


આંકડાની માયાજાળ: હવે કોઈ રાજ્ય બિમારું નહીં!

આર્થિક પછાતપણાંને કારણે ‘કાઉ બેલ્ટ’ કે પછી ‘બિમારું’ રાજ્ય કહેવાતા હિંદી પટ્ટીના રાજ્ય હવે બિમારું રહ્યાં નથી. યોજના પંચે પોતાના નવા આકલનમાં જોયું છે કે જે ઝડપથી આર્થિક ઉદારીકરણ વધી રહ્યું છે અને રાજ્યોમાં રોકાણ થઈ રહ્યું છે, તેના કારણે હવે કોઈ પણ રાજ્ય આર્થિક રૂપથી એટલું કમજોર નથી રહ્યું કે તેને ‘બિમારું’ કહી શકાય.યોજના પંચના જણાવ્યા પ્રમાણે, બિહાર હોય કે મધ્યપ્રદેશ અથવા ઉત્તર પ્રદેશ, આ તમામનો વિકાસ દર દર્શાવે છે કે તેમની સાથે બિમારુ રાજ્યનું વિશેષણ હવે તેમની સાથે યોગ્ય નથી.બિહારનો તાજેતરનો વિકાસ દર સૌને અચંભિત કરનારો છે. યોજના પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાએ કહ્યું છે કે કોઈપણ રાજ્યમાં નકારાત્મક વિકાસ સામે આવ્યો નથી. વિકાસ દર ઉપર-નીચે થઈ રહ્યો છે, પરંતુ કોઈપણ રાજ્યનો વિકાસ દર નકારાત્મક નથી. તેના આધારે કહી શકાય કે દેશમાં કોઈ રાજ્ય હવે બિમારું નથી. ત્રોનું કહેવું છે કે ગરીબીને લઈને અંતિમ સરકારી આંકડા 2004માં આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી બિમારું ગણાવાયેલા હિંદી પટ્ટીના કોઈપણ રાજ્યનો વિકાસ દર નકારાત્મક રહ્યો નથી. તેનાથી સ્પષ્ટ છે કે ઉદારીકરણનો સકારાત્મક પ્રભાવ સામે આવી રહ્યો છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગરીબીના નવા આંકડા આગામી બે વર્ષમાં આવશે. તેના આધારે પ્રત્યેક વ્યક્તિની આવકના નવા આકલનો સામે આવશે. તેનાથી એ વાત વધારે સ્પષ્ટ બનશે કે દેશમાં કોઈ રાજ્ય બિમારું નથી.ઉલ્લેખનીય છે કે મોંઘવારીનો માર પ્રજા ઘણાં લાંબા સમયથી ભોગવી રહી છે. ત્યારે વિપક્ષ કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓને મોંઘવારી અને ફૂગાવા માટે જવાબદાર ગણાવતી રહી છે. કેટલાંક અહેવાલોમાં ભારતમાં ગરીબોની સંખ્યા 42 કરોડની આસપાસ હોવાની વાત પણ તાજેતરમાં કહેવામાં આવી છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે રાજ્યો અને કેન્દ્રની સરકારો પૈસાદાર બની રહી છે. વળી ઔદ્યોગિક ગૃહો વધારે ધનવાન બની રહ્યાં છે. જ્યારે લોકોમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે યોજના પંચના આંકડાની માયાજાળ ભલે દેશમાં બિમારું રાજ્ય ન હોવાનો ઢોલ પીટતી હોય, પણ દેશમાં વધી રહેલા ગરીબોની સંખ્યા બે વર્ષમાં આવનારા નવા આંકડાઓ પ્રમાણે આધિકારીક રીતે સ્પષ્ટ બનશે. જો કે સરકારો પૈસાદાર બને, ઔદ્યોગિક ગૃહો ધનવાન બને, પણ જનતા ગરીબી તરફ ધકેલાય તો તેવા આર્થિક વિકાસ દરના આંકડાઓને શું ધોઈ પીવાના? આ પ્રશ્ન પણ પ્રજાના મનમાં ચર્ચાસ્પદ બનશે.

No comments:

Post a Comment