23 July 2010

બજરંગવાડીનાં ક્વાટર્સ સહિત અનેક સ્થળે મકાનોમાં પાણી ઘૂસ્યાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

બજરંગવાડીનાં ક્વાટર્સ સહિત અનેક સ્થળે મકાનોમાં પાણી ઘૂસ્યાં

રાજકોટમાં આજે ઓળઘોળ થયેલા મેઘરાજાએ સાંબેલાધારે સાડા ચાર ઇંચ વરસાદ ઠાલવી દેતાં નિચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની હતી. બજરંગવાડીમાં આવેલા ૨પ વારિયા ક્વાટર્સ, ભોમેશ્વરમાં વોંકળા કાંઠાના મકાનો અને હંસરાજનગર તથા ગાયકવાડી સહિતના વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા હતા.આજે વરસતા વરસાદે ફાયર બ્રિગેડ શાખાની કચેરીના ફોન સતત રણકતા રહ્યા હતા. આમ તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જ્યાં હાલત સૌથી વધુ ખરાબ થઇ હતી તેવા વિસ્તારોમાંથી ૩૨ જેટલા કોલ ફાયર બ્રિગેડને આવતા પાણી ઉલેચવા માટે રેસ્કયુ ટીમને દોડી જવું પડ્યું હતું.
દરમિયાન બજરંગવાડી વિસ્તારમાં આવેલા ૨પ વારિયા કવાટર્સમાં છેક મકાનમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઇ હતી. ભોમેશ્વરમાં વોંકળા કાંઠાના વિસ્તારોમાં આવેલા મકાનોમાં વોંકળાનું ગંદંુ પાણી ઘૂસી ગયા હતા. હંસરાજનગરમાં પણ અનેક મકાનોમાં એક-એક બબ્બે ફૂટ પાણી ભરાયા હતા.આ ઉપરાંત મહિલા કોલેજ અન્ડરબ્રિજ, ભગવતી હોલવાળી શેરી, ન્યૂ જાગનાથ-૨૧માં, મોરબી રોડ પરની ગાંધી વસાહત, ગાંધીગ્રામ શેરી નં. ૭, રાજીવનગર શેરી નં. ૧૭, રાવલનગર શેરી નં. ૪-પ, અને ૧૨, ગાયકવાડી શેરી નં. ૨/૧૧, સાધુ વાસવાણી રોડ પર મનપાના કવાટર્સ પાસે અને કુવાડવા રોડ પર સહિતના વિસ્તારોમાં પાણી ઉલેચવા માટે ફાયર બ્રિગેડને જવુ પડ્યુ હતુ.


રાજકોટ : આજીનું ઘોડાપૂર જોવા લોકો ઊમટી પડ્યા

રાજકોટ ઉપર છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હોય તેમ રાજકોટને પાણી-પાણી કરી દીધું છે. આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ૧૧ના ટકોરે મેઘરાજા દે ધનાધન પડતા આજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને આ અદ્દભૂત ર્દશ્યને જોવા રાજકોટ વાસીઓ ઉમંગભેર જોવા માટે ઉમટી પડ્યા હતાં.શહેર ઉપર મેઘરાજાએ આજે ચાર ઇંચ જેટલું પાણી વરસાવી દેતા ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું હતું અને ડેમોમાં પણ નવાનીરની આવક થઇ હતી. અને આજીનદી બે કાંઠે વહી રહી છે. તેવા સમાચાર શહેરમાં પ્રસરી જતાં રંગીલા રાજકોટવાસીઓ વરસતા વરસાદમાં આ ઘોડાપૂર જોવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.લોકો રામનાથપરા પુલ, નવા થોરાળા અને કેસરી હિંદ પુલ ઉપરથી શહેરીજનોએ આ અદ્દભુત નજારાને જોવાનો લહાવો મેળવ્યો હતો. કેસરી હિંદ પુલ ઉપર જાણે અડધુ રાજકોટ ઉમટી પડ્યું હોય તેવી ભીડ જામી હતી.


રાજકોટ: નાલામાં સ્કૂલ બસ તણાઇ

પોપટપરાના નાલામાં પાણીના ધસમસતા વહેણમાં બસ હોડીની જેમ તરવા લાગી : ભીલવાસમાં બાળકનો પગ ખુલ્લી ગટરમાં ફસાતાં ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમને દોડી જવું પડ્યું. શહેરમાં આજે માત્ર અઢી કલાકમાં જ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પોપટપરાના નાલામાં એક સ્કૂલ બસ તણાઇ હતી. જો કે સદ્નસીબે ચાલકે બસ કાબૂમાં લઇ લેતા દુઘર્ટના સહેજમાં ટળી ગઇ હતી.જ્યારે ભીલવાસમાં કોઇએ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખોલી નાખવાની બેદરકારી દાખવતા એક બાળક તેમાં ગરક થતાં સહેજમાં રહી ગયો હતો.આજે બપોરે ધોધમાર વરસતા વરસાદમાં પોપટપરાના નાલામાં કમરડૂબ પાણી ભરાઇ ગયા હતા. પાણીનું સ્તર સતત ઊંચુ જતું હતું અને ધસમસતા વહેણ જાણે દરિયો ઘૂંઘવતો હોય તેમ ઉછળી રહ્યા હતા. નાલા અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો અને એ જ અરસામાં એક સ્કૂલ બસ ત્યાંથી પસાર થઇ હતી.બસના ચાલકને અંદાજ પણ ન હતો કે, પાણીના વહેણમાં કેટલું જોર છે. બસ નાલા પાસે પહોંચતાની સાથે જ ઉપરથી ધસમસતા આવેલા વહેણમાં બસ દરિયામાં હાલક ડોલક થતી હોડીની જેમ ફંગોળાવા લાગી હતી. બનાવના પગલે બસમાં બેઠેલાં બાળકો ભયના માર્યા ચિચિયારી કરવા લાગ્યા હતા.


બે ઇંચથી વધારે વરસાદ પડે કે તરત ન્યૂ રાજકોટ વિખૂટું

રાજકોટનો વિકાસ જોવો હોય, તેનું આધુનિક સ્વરૂપ જોવું હોય તો કઇ તરફ જવાય? એક જવાબ હોય પશ્ચિમ રાજકોટ,ન્યૂ રાજકોટ. છેક જામનગર રોડથી શરૂ કરી મવડી રોડ સુધી ઊંચી ઇમારતોની હારમાળા, આકર્ષક હાઉસિંગ સ્કીમ્સ, ટેનામેન્ટસ થોડી હોટેલ્સ અને મોલ વગેરે વગેરે. પરંતુ આ વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ એટલી બધી છે કે જે રહેતા હોય તે જ જાણે. આમ પણ પ્રાથમિક સુવિધાઓ તો કોર્પોરેશને અહીં હજી સુધી આપી નથી એટલે પાણીની સમસ્યા અને સફાઇના પ્રશ્નો તો શાશ્વત છે પરંતુ અહીં રહેતા લોકોની વધારે કસોટી થાય છે ચોમાસામાં.બે ઇંચ વરસાદ પડે કે તરત અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ જાય. આ પરિસ્થિતિનું કારણ એ છે કે વિસ્તારોમાં પાણીના વહેણનો કોઇ માર્ગ જ નથી,જ્યાં વોંકળા હતા તે જમીનો કાં તો વેચાઇ ગઇ છે કે પછી તેમાં ભરતી ઠલવાઇ ગઇ છે.અમીનરોડનો છેવાડો હોય કે કાલાવડ રોડની કોઇ સોસાયટી કે પછી યુનિ.રોડ પરનું બિલ્ડિંગ કે ૧૫૦ ફૂટ રીંગરોડ પરની ટાઉનશીપ હોય, આ વિસ્તાર કોર્પોરેશનને સૌથી વધારે વેરો આપે છે. કદાચ અન્ય વેરાઓ પણ આ વિસ્તારમાંથી જ વધારે ભરાતા હશે પરંતુ તેમને કોઇ સવલત મળતી નથી.આજે બપોરે વરસાદ પડ્યો ત્યારે રૂડા નગર-૧ પાછળના વોંકળામાં એવું તો પૂર આવ્યું હતું કે ઘરોમાં પાણી ઘૂસ્યાં હતા. નિધી કર્મચારી સોસાયટી, સાંઇબાબા પાર્ક, વૃંદાવન સોસાયટી અને આ વિસ્તારમાં જ આવેલો નાના મવા ટીપી રોડને જોડતા પુલ પર આજે ધસમસતી નદી જઇ રહી હતી. આ વિસ્તારોના ૫૦ હજાર થી વધારે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, વાસ્તવમાં આ બેઠો પુલ જ્યાં છે તે વોંકળો બૂરાઇ ગયો છે. સૂત્રો કહે છે એક હોટેલના નામે ગ્રીન સિટી નામની જે વસાહત ત્યાં બની છે તેનો તમામ ડેબ્રઝિ એટલે કે બિલ્ડિંગ મટિરીયલ વેસ્ટ ત્યાં ઠલવાયો હતો. તેથી વોંકળો બંધ છે,વોંકળા સફાઇ કરનાર સ્ટાફ પણ આ જાણે છે પરંતુ ભ્રષ્ટ ઓફિસરોએ આ વોંકળો દબાતો અટકાવ્યો નહોતો.એવી રીતે જ આવાસ યોજનાની બાજુમાં બનેલી સ્કીમ અને આવાસ યોજનાના ૧૪૦૦ મકાનોને લીધે પાણી રોકાય છે અને વધારે પ્રવાહ સાથે વોંકળામાં જાય છે. સત્યસાંઇ હોસ્પિટલ પાસે પણ આ સ્થિતિ છે. સાધુ વાસવાણી રોડ પર પણ એવું છે. વોંકળાની જમીનો વગદાર બિલ્ડરોએ દબાવી છે, કોર્પોરેટરો પૈકીના કેટલાકે તેમાં ભાગીદારી કરી છે કેટલાકે રોકડી કરી છે તેને લીધે સામાન્ય પ્રજા હેરાન થાય છે.


રાજકોટને દિવસભર ભીંજવતા મેઘરાજા, અઢી ઇંચ વરસાદ
મોસમનો કુલ વરસાદ ૧પ ઇંચે પહોંચ્યો, સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં.

રાજકોટમાં આજે આખો દિવસ મેઘકૃપા અવિરતપણે વરસતી હતી. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે વરસાદ ચાલુ રહેતા મોડી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. દિવસ દરમિયાન કાળાડિઁબાગ વાદળોથી આકાશ ઘેરાયેલું રહ્યું હતું અને એક તબક્કે તો એવું લાગતું હતું કે, હમણા બારે મેઘ ખાંગા થશે. જો કે વરસાદનું જોર જોઇ એવું જામ્યું ન હતું. આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧પ ઇંચે પહોંચી ગયો છે.વર્ષારાણીએ આજે રાજકોટવાસીઓને ટાઢાબોળ કરી દીધા હતા. આજે સવારથી જ મેઘાડંબર છવાયેલો રહ્યો હતો. સમી સાંજે જેવું અંધારું હોય એવો માહોલ દિવસભર રહ્યો હતો. બપોરે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પ્રારંભે વરસાદનું જોર એવું હતું કે, જાણે આભ નીચોવાતું હોય એવી ધીંગી ધારે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. પરંતુ થોડીવારમાં જ વરસાદનું જોર નરમ પડી ગયું હતુ.જો કે એ પછી મોડી સાંજ સુધી ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે મેઘરાજા હેત વરસાવતા હતા. આ લખાય છે ત્યારે પણ મેઘાડંબરભર્યા વાતાવરણ વચ્ચે ભારે ઝાપટું વરસી રહ્યું છે. આજે આખા દિવસમાં અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. દિવસભર વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો બીજીબાજુ વરસાદમાં નહાવાના શોખિન શહેરીજનો મેઘરાજાના હેતથી તરબતર થવા નિકળી પડ્યા હતા.સાંજે રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોમાં યુવાનો વાહનો લઇને ઉમટી પડ્યા હતા. સતત વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહ્યા હતા. ખાસ કરીને રૈયા રોડ પર આવેલા આઝાદા ચોકમાં, રૈયા ચોકડીથી સાધુ વાસવાણી રોડ, એરપોર્ટ નજીક રામેશ્વર ચોકમાં, લક્ષ્મીનગર અને પોપટપરા નાલામાં, ગીતા મંદિર, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ કવાટર્સ ચોક, પારેવડી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.




સ્કૂલ છુટવાના સમયે જ વધેલા વરસાદને લીધે ટ્રાફિકની મુશ્કેલી સર્જાઇ

રાજકોટમાં કોર્પોરેશનની ઢીલને લીધે બીઆરટીએસનો જે પ્રોજેક્ટ મોડો થયો છે તેને લીધે દોઢથી બે લાખ લોકોએ આજે વરસાદમાં અપૂર્વ મુશ્કેલી અનુભવી હતી.બપોરે શાળા છુટવાના સમયે જ ધોધમાર વરસાદ શરૂ થતાં બાળકોને લેવા-મુકવા જતા વાલીઓ માટે સંકટ સજાર્યું હતું કારણ કે શહેરનો એક પણ વિસ્તાર એક પણ રોડ એવો નહોતો જ્યાં પાણીના રેલા જતા ન હોય. રિક્ષા, વેનમાં આવતા બાળકો પણ ઘરે એક એક કલાક મોડા પહોંચ્યા હતા.મહાન મહાનગરપાલિકાના પાપે અનેક રસ્તામાં પડેલા ખાડા કે ગટરના ખુલ્લા ઢાંકણાને લીધે વાહનચાલકો માંડ માંડ પહોંચી શક્યા હતા. ખાસ કરીને દોઢ-સો ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ સહિતના વિસ્તારોમાં આ સ્થિતિ સર્જાઇ હતી.સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર વિસ્તારની તમામ શેરીઓ નદીમાં ફેરવાઇ ગઇ હતી. અનેક વાહનો બંધ પડ્યા હતા તો જેઓ વાહન પર હતા તેઓ પણ અડધો એક કિલોમીટર મહામુશ્કેલી થઈ પાર કરી શક્યા હતા અને મુખ્યમાર્ગો પર આવી શક્યા હતા.

No comments:

Post a Comment