20 July 2010

રૈયા એક્સચેન્જના ગ્રાહકો માટે ટેલિફોન સુવિધા ત્રાસરૂપ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રૈયા એક્સચેન્જના ગ્રાહકો માટે ટેલિફોન સુવિધા ત્રાસરૂપ

રૈયા ટેલિફોન એક્સચેન્જ પર છેલ્લા કેટલાક મહિનાઓથી લેન્ડ લાઇન ધરાવતા ગ્રાહકોની ‘ફોન બંધ’ હોવા અંગેની ફરિયાદોનો જાણે કે ધોધ શરૂ થયો છે. રોજની ૮૦ થી ૧૦૦ જેટલી કમ્પલેઇન નોંધાઇ રહી છે, ગ્રાહકો બી.એસ.એન.એલ.નું તંત્ર રેઢિયાળ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ટેલિફોન તંત્રના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાનુસાર ગેસ માટેની પાઇપ લાઇન તેમજ રિંગરોડ પર ચાલતા ઓવર બ્રિજના કામને કારણે વારંવાર કેબલ તૂટતા, લાઇનો કપાતા હોય આ સમસ્યા સર્જાઇ રહી છે.એ ઉલ્લેખનીય છે કે, દોઢસો ફૂટ રિંગરોડ પરની વિવિધ સોસાયટીઓ ઉપરાંત ગ્રાંધીગ્રામ, હનુમાન મઢી ચોક, નિર્મલા રોડ, નાલંદા સોસાયટી, જગન્નાથ પાર્ક, રોયલ પાર્ક, કે.કે.વી હોલ, એસ્ટ્રોન સોસાયટી સહિતના વિસ્તારોમાં વારંવાર ફોન બંધ થઇ જાય છે. તંત્ર દ્વારા શુક્રવારે ૧૨૯, શનિવારે ૯૭ તેમજ રવિવારે ૯૨ ફરિયાદોનો નિકાલ કરાયો હતો. ગ્રાહકો કહે છે દિવસો સુધી ફોન બંધ રહે છે.જો કે ગેસ લાઇન માટે થતાં ખોદકામમાં મજૂરો આડેધડ ખાડો ખોદી નાંખી લાઇન આપી ફરી બૂરાણ કરી દેતાં હોય બી.એસ.એન.એલ. માટે આ સ્થિતિ માથાના દુ:ખાવા રૂપ બની છે.વારંવાર રોકવા, વિનંતિ કરવા છતાં ખોદકામ અંગે આગોતરી જાણ કરાતી નથી. પરિણામે ટેલિફોન ગ્રાહકોને હાડમારી વેઠવી પડે છે.સોમવારની ૮૦ જેટલી ફરિયાદો -રૈયા ટેલિફોન એક્સચેન્જ હેઠળના લેન્ડલાઇન ગ્રાહકો ફોન બંધ પડવા, બગડવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. સોમવાર સાંજ સુધીમાં જ ૮૦ નાગરિકો દ્વારા ટેલિફોન ફોલ્ટ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.મોબાઇલ ફોનના પણ કાયમી ધાંધિયા - લેન્ડલાઇનધારકોની માફક બીએસએનએલના મોબાઇલ ફોનધારકો પણ નેટવર્ક ના મળવું, ફોન વ્યસ્ત બતાવવો સહિતના મુદ્દે પરેશાન છે તેમાં પણ મવડીથી ગાંધીગ્રામ, રામદેવપીર ચોકડી સુધીના વિસ્તારમાં રહેતા નાગરિકો તો બીએસએનએલની રેઢિયાળ મોબાઇલ સેવાથી તૌબા પોકારી ગયા છે.


રાજકોટનો હોનહાર યુવાન કાનપુર આઇ.આઇ.ટી.માં પ્રથમ

રાજકોટના એક હોનહાર યુવાને આખું ગુજરાત ગૌરવ અનુભવે એવી ઝળહળતી સિધ્ધિ પ્રાપ્તકરી છે. દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં જેની ગણતરી થાય છે. એ કાનપુર આઇ.આઇ.ટી.માં રાજકોટના વિદ્યાર્થી પ્રિયાંક પોપટભાઇ ફળદુએ કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ ટેક્નોલોજીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ રાજકોટ અને પોતાના પરિવારનું નામ ઉજાળ્યું છે.શહેરના સાધુ વાસવાણી રોડ પર આસોપાલવ પાર્કમાં રહેતા પોપટભાઇ અને જયોત્સનાબેન ફળદુના પુત્ર પ્રિયાંક ધો.૧૨ સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ અ’વાદની નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં બી.ટેક.ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ જી.એ.ટી.ઇ.-૨૦૦૮ના વર્ષમાં ૯૮.૫૨ ટકા માર્કસ મેળતા તેને કાનપુર આઇ.આઇ.ટી.માં એડમિશન મળ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, એ વર્ષે એ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવનાર એ એકમાત્ર ગુજરાતી વિદ્યાર્થી હતો. અને ગૌરવની વાત એ છે કે, એક જ ગુજરાતી વિદ્યાર્થી હોવા છતાં તેણે એમ.ટેક.માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શૈક્ષણિક જગતમાં ગુજરાતનો જય જયકાર કરાવી દીધો હતો.


રાજકોટ : મોટામવામાં ઘરને આગ ચાંપી દેવાઈ

સરપંચની હત્યાના આરોપીના પત્ની, પરિવારને સળગાવી દેવાનો પ્રયાસ. પત્ની, બે સંતાનનો બચાવ, ગામમાં ભારેલો અગ્નિ, ચાંપતો બંદોબસ્ત. મોટા મવાના સરપંચ મયૂરભાઇ શિંગાળાની હત્યાના ગુનામાં જેલમાં રહેલા વિનુ ઉર્ફે દેવજી પંૂજાભાઇ મકવાણાના મકાનમાં મોડી રાતે આગ ચાંપી વિનુની પત્ની ઉષાબેન અને તેના બે સંતાનોને સળગાવી દેવાનો પ્રયાસ થતાં ચકચાર જાગી છે. સ્વ.સરપંચના કૌટુંબિક ભાઇઓએ આગ ચાંપ્યાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ખૂનનો પ્રયાસ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ એક આરોપીની ધરપકડ કરી અન્યની શોધખોળ શરૂ કરી છે. બનાવના પગલે તંગદિલી ફેલાઇ જતાં ગામમાં સશસ્ત્ર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ઉષાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, રવિવારે પુત્રી સુનિતા(ઉ.વ.૧૮) અન પુત્ર ઉમેશ (ઉ.વ.૧૬) સાથે રાતે સૂતા હતા. રાતે સાડા બાર વાગ્યે રૂમમાં ધુમાડાના ગોટા છવાઇ જતાં ગૂંગળામણના કારણે સફાળા જાગી ગયા હતા. બહાર નજર કરતા આખું મકાન આગની લપેટમાં હતું. મદદ માટે બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા નણંદ લક્ષ્મીબેન દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી નાખી હતી.આગમાં દલિત પરિવારનો આબાદ બચાવ થયો હતો. જો કે, ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી ઉષાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગમાં તમામ ઘરવખરી ભસ્મીભૂત થઇ ગઇ હતી. ઉષાબેને આરોપી તરીકે હાર્દિક બાબુભાઇ શિંગાળા, દિનેશ શિંગાળા, પરેશ લીલા, શૈલેષ ભીખાભાઇ, કશિન ચંદુભાઇ સહિત સાત શખ્સોએ હત્યા કરવાના ઇરાદે આગ લગાડ્યાનું જણાવતા પી.આઇ. બોરીસાગર, મદદનીશ દિલીપસિંહ, નગીનભાઇ ડાંગરે કશિન ચંદુભાઇની ધરપકડ કરી અન્યને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.મવા અને ખેરડીની જમીનના ડખ્ખામાં આગ લગાડ્યાનો આક્ષેપ - ઉષાબેને ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, મોટા મવા અને ખેરડીની જમીનનો ડખ્ખો ચાલે છે. બુધવારે હાર્દિક અને અશ્વિન દસ્તાવેજ આંચકી ગયાનો આક્ષેપ પણ કર્યો છે.


મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં પોલિયોના ટીપાં અને રસીનો બારોબાર વહીવટ

મનપાનાં આરોગ્યકેન્દ્રો માટે મગાવાતી કોપર-ટી ખાનગી પ્રેકિટસ કરતા તબીબોને વેચી મારવાનું એક તોસ્તાન કૌભાંડ પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. કોપર-ટી ઉપરાંત પોલિયોના ટીપાં અને રસી પણ બારોબાર વેચાઇ જતા હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગની ત્રિપુટીનું આ સંયુક્ત કૌભાંડ હોવાનું કહેવાય છે અને આ સમગ્ર પ્રકરણમાં સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે દવાનું રજિસ્ટર મગાવવાથી લઇ તપાસ આરંભતા કેટલાયના તપેલાં ચડી જાય એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.આ અગાઉ પાંચેક વર્ષ પહેલા પણ મનપાનું આરોગ્ય વિભાગ સરકારી દવાઓ ખાનગી તબીબોને વેચી મારવાના કૌભાંડમાં છાપરે ચડ્યું હતું. એ સમયે તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજે પુરાવા સાથે દવા કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. દરમિયાન વધુ એક વખત આવા જ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વોર્ડ નં. ૨૩ના કોર્પોરેટર લીનાબેન રાવલના ધ્યાનમાં એવું આવ્યું હતું કે, મનપાના આરોગ્ય વિભાગમાંથી આરોગ્ય કેન્દ્રોમાં આવતી કોપર-ટી પછાત વિસ્તારમાં ખાનગી તબીબોને વેચી મારવામાં આવે છે. સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ સમક્ષ આ ફરિયાદ આવતાની તેમણે તપાસ શરૂ કરાવી છે અને તપાસના પ્રાથમિક તબક્કે જ સિલસિલાબંધ વિગત ખુલ્લી છે.આ પ્રકરણમાં ઉપરથી લઇ નીચે સુધી આખી સાંકળ હોય એવા સંકેત મળી રહ્યા છે. કૌભાંડને જડમૂળથી ઉખેડવા આ પ્રકરણની વિજિલન્સ તપાસ કરાવવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લે જણાવ્યું હતું. જો તટસ્થ તપાસ થાય તો કેટલાયના તપેલા ચડી જવાની સંભાવના છે.આયુર્વેદિક તબીબ કોપર-ટી મૂકી દેતા હતા, પાંચ તબીબનાં નામ ખુલ્યાં!-મહાપાલિકાનાં આરોગ્ય કેન્દ્રોમાં કોપર-ટી મૂકવા માટે કવોલિફાઇડ તબીબની નિમણુંક કરવામાં આવી જ છે. પરંતુ અહીં કૌભાંડમાં કોપર-ટી એવા તબીબોને વેચવામાં આવી રહી છે કે જેની પાસે આવી કોઇ પ્રેકિટસની લાયકાત જ નથી. આયુર્વેદની પ્રેકિટસ કરનારા આવા પાંચના નામ ખુલ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેને આ પાંચેય તબીબોને લઇને પણ તપાસ શરૂ કરી છે.




રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રતિષ્ઠાભરી ચૂંટણી ૨૨ ઓગસ્ટે

જાહેરનામું બહાર પાડતા પ્રાંત અધિકારી,૨૬મીથી ફોર્મ વિતરણ, ઉમેદવારો શોધવા ભાજપની મથામણ.સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રતિષ્ઠાભરી ચૂંટણી ઓગસ્ટ માસની ૨૨મી તારીખે યોજાશે. આજે તેનું જાહેરનામું બહાર પડ્યું છે. ચૂંટણી જાહેર થતાં જ સહકારી -રાજકીય ક્ષેત્રે ચહલ પહલ શરૂ થઇ છે. ભાજપ પ્રેરિત ઉમેદવારો કોણ હશે તે અંગે વધારે અટકળો એટલા માટે છે કે તેની પાસે હજી પૂરતાં નામો પણ નથી.રાજકોટના પ્રાંત અધિકારી પાઠકે આજે આર ડી સી બેન્કની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. તા.૨૨ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ આ ચૂંટણી યોજાશે. તા.૨૬ જુલાઇથી તેના ફોર્મ ભરવાનું શરૂ થશે. જે ૨ ઓગસ્ટ સુધી ભરી શકાશે. તા.૪ ઓગસ્ટે તેની ચકાસણી થશે અને ૧૨મી તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.તા.૨૨ના રોજ સવારે નવ થી સાંજે પાંચ સુધી મોહનદાસ ગાંધી વિદ્યાલય એટલે કે આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે. ખેતી, બિનખેતી, ઇતર અને માર્કેટિંગ એમ ચાર કેટેગરી માટે મતદાન યોજાશે. ૮૩૬ સભાસદોને મતદાનના અધિકારની તક અપાશે.૧૭ બેઠકો માટે યોજાનારું મતદાન ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભર્યું બની રહેશે.જિલ્લા સહકારી બેન્કમાં અત્યારે કોંગ્રેસનું શાસન છે અને વિઠ્ઠલભાઇ રાદડિયા ચેરમેન છે. બેન્કના વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ચૂટણી આપવાનું સરકારને સૂઝ્યું નથી. અનેક અડચણો ઊભી કરાયા બાદ પણ અંતે હાઇકોર્ટે તમામ દાવા ફગાવી દઇ ચૂંટણીનો માર્ગ મોકળો કરી દેતાં અંતે સરકાર પાસે પણ કોઇ વિકલ્પ રહ્યો નથી. ચૌદ માસ પહેલાં બોર્ડની મુદ્દત પૂર્ણ થઇ ગયા બાદ હવે આજે આ જાહેરનામંુ બહાર પડ્યું છે, કસ્ટોડિયન બેસાડવાની ભાજપની તૈયારીઓને કોર્ટે નાકામ બનાવી છે તેવું ચિત્ર ઉપસ્યું છે ત્યારે ભાજપ ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ કરે પરંતુ આ બેન્કની ચૂંટણીમાં તો એવું કહેવાય છે કે ઉમેદવારો માટે પણ ભાજપે મથવું પડશે.


રાજકોટ : રામનાથપરા વિસ્તારના તરુણનું અપહરણ નથી થયું, સ્વેચ્છાએ ગયો છે

ત્રણ જોડી કપડાં લઇને ગયેલા તરૂણે બેનને ફોનમાં મજામાં હોવાનું કહ્યું: પોલીસ મૂંઝવણમાં મુકાઇ.શહેરના રામનાથપરા વિસ્તારના ભવાનીનગરમાંથી બેદિવસ પહેલા રહસ્યમય રીતે લાપતા બનેલા તરૂણની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. જો કે પ્રાથમિક તપાસમાં તરૂણ કપડાં પણ સાથે લઇ ગયો હોય તેમજ જામનગર રહેતી બેનને ફોન પર મજામાં હોવાનું કહેતા તે પોતાની જાતે જ મોજમજા કરવા નીકળી ગયો હોવાની પોલીસ શંકા સેવી રહી છે. તેમ છતાં પોલીસે તરૂણના મોબાઇલ ફોનના ડિટેઇલ બિલના આધારે તપાસ હાથ ધરી છે.રહસ્યમય બનાવની વિગતો મુજબ રામનાથપરા વિસ્તારના ભવાનીનગરમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઇ ભટ્ટીનો પુત્ર મયૂર (ઉ.વ.૧૭) શનિવારે બપોરે પોતાની સ્કૂલમાં કાર્યક્રમ હોય ઘરેથી લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલે જવા નીકળ્યો હતો. સ્કૂલના કાર્યક્રમમાં ગયેલો પુત્ર રાત સુધી ઘરે પરત નહીં આવતા મયૂરના મોબાઇલ પર ફોન કર્યો હતો પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ આવતા પરિવારજનો પુત્રને શોધવા સ્કૂલ પર દોડી ગયા હતા. ત્યારે શાળાના સંચાલકોનો સંપર્ક કરતા શાળામાં કોઇ પ્રોગ્રામ નહીં હોવાનું જણાવતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.ભેદી રીતે લાપતા બનેલા પુત્રની ભારે શોધખોળ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતા અંતે એ ડિવિઝન પોલીસમાં ગુમ થયા અંગે નોંધ કરાવી હતી. દરમિયાન રવિવારે સાંજે પુત્રનો મોબાઇલ ચાલુ થતાં મયૂર સાથે રમેશભાઇએ વાત કરી હતી અને મયૂરે પોતાને પાંચેક જેટલા શખ્સોએ અજાણ્યા સ્થળે રૂમમાં ગોંધી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. તો તારી પાસે મોબાઇલ કેમ રહી ગયો તેમ રમેશભાઇએ પૂછતા તરૂણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ રમેશભાઇએ પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


પડીકું વળી જાય એવા ટ્રી-ગાર્ડ પ્રજાને પરોવી દેવાની પેરવી

મહાપાલિકાએ સસ્તી કિંમતના નામે વજનમાં ઘાલમેલ કરી કરેલા ટ્રી-ગાર્ડના વહીવટમાં રૂ. ૨૧ લાખનું આંધણ થવા બેઠું છે. ટ્રી-ગાર્ડમાં વૃક્ષ ઉછેરાય તેની વાત તો દૂર રહી, ટ્રી-ગાર્ડ પોતે પોતાના પગ(એંગલ) ઉપર ઊભા રહી શકે તેવી હાલત નથી. પ્રથમ લોટમાં આવેલા ૨૩પ નંગ પીંજરામાંથી ૬૭ પીંજરા એક જ ઝાટકે રિજેક્ટ થઇ ગયા છે તો બાકીના સ્ટોકમાંથી પણ ૧૯પ નંગ ઊભા રાખી તો પડીકું વળી જાય તેમ હોય જમીન પર ચત્તાપાટ સૂવડાવીને રખાયા છે અને ગમે તેમ કરીને પ્રજાને પોરવી દેવાની નીતિ સાથે મ્યુનિ. કમિશનરના કૃપાપાત્રો એવા એકઝી. ઇજનેર વી.સી. રાજ્યગુરુ અને સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવ આણી મંડળી વહીવટને સફળ અંજામ આપવાની પેરવીમાં છે. આજી ડેમ ચોકડી પાસે આવેલા મનપાના સ્ટોર વિભાગમાં ત્રાટકી હતી ત્યારે ટ્રી-ગાર્ડની ડિઝાઈન અને અન્ય પાસાઓને ચકાસી પીંજરા અત્યંત હલકી ગુણવત્તાના તૈયાર થવાના છે તેવી દહેશત વ્યક્ત કરી જ હતી. આજે એ નજર સામે આવી ગયું છે. રાધે એન્ટ્રપ્રાઇઝ નામની એજન્સી પાસે તૈયાર કરાવેલા આ પીંજરા એક હાથે અને બે આંગળીએ ઉપાડી શકાય એવા ખોખા જેવા તૈયાર થયા છે. હાલ પ્રથમ લોટ પૈકી ૨૩પ નંગ આવ્યા છે.તેમાંથી ૬૭ નંગ એક ઝાટકે રિજેક્ટ થયા છે. જ્યારે બાકીના પીંજરામાં પણ કંઇ દમ ન હોય ઊભા રહી શકે તેવી કન્ડીશનમાં ન હોવાથી ૧૯પ પીંજરા સ્ટોર વિભાગના મેદાનમાં પથારીની જેમ સૂવડાવી રાખવામાં આવ્યા છે. ગત વર્ષે જે પીંજરું ૧પ કિલોના વજનનું હતું એ આ વખતે ૭ થી ૮ કિલોનું બનાવવાની ડિઝાઈન ગાર્ડન શાખાએ મલાઇ તારવી લેવાની મેલી મૂરાદ સાથે તૈયાર કરી હતી તેના પાપે આજે પ્રજાને ખોખા જેવા પીંજરા બટકી જાય એવી નોબત આવી પડી છે.ઇજનેર રાજ્યગુરુ અને શ્રીવાસ્તવને પીંજરાની ડિલિવરી માટે આટલી ઉતાવળ કેમ? -સ્ટોર વિભાગના આસી. ઇજનેર સંપટે પીંજરા જે ડિઝાઈન મુજબ બન્યા છે તે ટકી શકે તેમ નથી એવો અભિપ્રાય આપ્યા છતાં આ સમગ્ર વહીવટના મુખ્ય સૂત્રધાર એવા એકઝી. ઇજનેર રાજ્યગુરુ અને સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવે બધુ નજરઅંદાજ કરી માલની ડિલિવરી લેવડાવી લીધી હતી. આજે દિવ્ય ભાસ્કરની ટીમે વધુ એક વખત સ્ટોર વિભાગમાં છાનબીન કરી હતી ત્યારે ટ્રી-ગાર્ડની ફાઇલમાં આસી. ઇજનેર સંપટની સહી સાથેનો એક કાગળ હતો અને તેમાં એવો સ્પષ્ટ અભિપ્રાય અપાયો હતો કે, જે રીતે પીંજરા તૈયાર થઇને આવવાના છે તેનાથી લોકોમાંથી પુષ્કળ ફરિયાદો આવી શકે એવી પૂરી સંભાવના છે. ફાઇલ ઉપર આવું સ્પષ્ટ નોટિંગ થયું હોવા છતાં મુખ્ય સૂત્રધાર એકઝી. ઇજનેર રાજ્યગુરુ અને સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવને જેમ તેમ કરીન પીંજરા સ્ટોર વિભાગમાં ઉતરાવી લેવાની એવી તો શું ઉતાવળ ફાટી નીકળી? આ સવાલમાં જ ઉક્ત બન્નેની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઇ છે.સેમ્પલ રૂપે મોકલેલા બે પીંજરા જ ફેઇલ, છતાં બીજા સ્ટોકની ડિલિવરી ઉતરાવી લેવાઇ -તા. ૯ જુલાઇના રોજ સેમ્પલ રૂપે બે પીંજરા કોન્ટ્રાક્ટરે મોકલ્યા હતા. તેમાંથી એક પીંજરું તો ઊભું રખાતાની સાથે રિંગ પડીકું વળી નીમ થઇ ગયું હતું. આ બે સેમ્પલમાંથી એક ફેઇલ થયું હતું અને તેની સત્તાવાર નોંધ પણ છે જ. આમ છતાં એ પછી આવેલો માલ સ્ટોર ઇન્ચાર્જ શ્રીવાસ્તવના દબાણ હેઠળ ઉતરાવી લેવાયો હતો. જો કે તેમાંથી પણ અડધો અડધ રિજેક્ટ થઇ રહ્યા છે.


ગોંડલ ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ સામે વકીલોમાં રોષ

ગોંડલની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ એમ.એ. નાયક અસિલો અને વકીલો સાથે ઉધ્ધતાઇભર્યું અને અપમાનજનક વર્તન કરતાં હોવા સહિતના અનેક મુદ્દે રાજકોટના એક સિનિયર વકીલે ઉચ્ચ સ્તરે કરેલી રજુઆત બાદ તપાસનો ધમધમાટ શરૂ થતાં કાનૂની વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.શનિવારે રાજકોટના સિનિયર વકીલ મહેશ ત્રિવેદી એમના અસિલના કેસની મુદત સબબ ગોંડલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે જજ એમ.એ. નાય્કે અતિ ઉધ્ધતાઇ અને તોછડાઇભર્યું વર્તન કર્યું હતું એવો આક્ષેપ એ વકીલે કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ન્યાયધીશનું વર્તન અને વાણી અદાલતની ગરીમાને શોભે તેવા નહોતા. બપોરે ૧૧ થી ૩ વાગ્યા સુધી અદાલતમાં ન્યાયતંત્રની ગરીમાને ઝાંખપ લાગે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ન્યાયધીશે મારી અને મારા અસીલ સાથે તોછડાઇ ભર્યું અને વિવેકહીન વર્તન કર્યું હતું. અદાલતમાં સામાન્ય રીતે ન વપરાતા હોય એવ શબ્દો અને એવા વહેવારના દર્શન થયા હતા.આ અંગે એડવોકેટ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ ભટ્ટને ફોન કરતાં તેઓ પણ સમગ્ર બીના જાણીને ચોંકી ઉઠ્યા હતા. તેમણે વિના વિલંબે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસને ફેકસ કરીને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું. આ ફેકસને પગલે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ વ્યાસે એ દિવસે ગોંડલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઉપસ્થિત વકીલો તથા મહેશ ત્રિવેદી સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.



કોંગ્રેસઅગ્રણી હસમુખ પટેલનો પુત્ર ઉત્તર પ્રદેશમાં લાપત્તા

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં યુવક કોંગ્રેસની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ગયેલા ગુજરાત યુવક કોંગ્રેસના હોદ્દેદાર નિશાંત હસમુખભાઈ પટેલ આજે સવારથી લાપતા છે. નિશાંત પૂર્વ શિક્ષણમંત્રી હસમુખ પટેલનો પુત્ર છે.નિશાંતના લાપતા થવાના સમાચાર મળતાં પૂર્વ શિક્ષણપ્રધાનનો પરિવાર ચિંતામાં ડૂબી ગયો છે. નિશાનનો મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ હોટેલના રૂમમાં મોજુદ છે. હોટેલના ચોકીદારના નિવેદનને આધારે ઉત્તરપ્રદેશની પોલીસે શોધખોળ હાથ ધરી છે. નિશાંત ગુમ થવાની જાણકારી યુવક કોંગ્રેસનો હવાલો સંભાળતા રાહુલ ગાંધીને કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી યુવક કોંગ્રેસની સંગઠનની ચૂંટણીમાં નિશાંતને હરદોઈ જિલ્લાના ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ શિક્ષણમંત્રીને પૂછતાં તેમણે જણાવ્યું કે, નિશાંત જે હોટેલમાં ઉતર્યો છે ત્યાંના ચોકીદારે સોમવારે સવારે નિશાંતને હોટેલમાંથી સાઈકલરિક્ષામાં બેસતાં જોયો હતો. નિશાંતના નજીકના મિત્રએ જણાવ્યું કે, રવિવારે રાત્રે મોડી રાત સુધી ઊંઘ આવતી નથી એવી ફરિયાદ સાથે નિશાંત અન્ય સાથીદારોના રૂમમાં ગયો હતો અને વહેલી સવારે હોટેલના ગાર્ડનમાં વોક કરતો જોવા મળ્યો હતો. સોમવારે સવારથી બહાર ગયેલો નિશાંત પાછો ન ફરતાં તેમના સાથીદારોએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.


રાજ્યમાં વેટ ઘટે તો ડીઝલ સસ્તું થાય

રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલમાં વેટના દર ઘટાડે તો પ્રજાને મોંઘવારીમાં રાહત મળી શકે. ગુજરાતમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ના ઊંચા દરના કારણે પાડોશી રાજ્યો કરતાં પેટ્રોલ અને ડીઝલ મોંઘું મળે છે. જો આ દરમાં ઘટાડો થાય તો નવી દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ડીઝલ સસ્તું થઈ શકે છે, જેથી અન્ય ચીજવસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે પરિણામે રાજ્યની પ્રજાને મોંઘવારીમાં રાહત મળી શકે તેમ છે. જોકે રાજ્યમાં હાલ પેટ્રોલ ઉપર ૨૫ ટકા અને ડીઝલ ઉપર ૨૪ ટકા વેટ છે. અમદાવાદમાં હાલ લિટરે પેટ્રોલનો ભાવ રૂ. ૫૫.૦૫ અને ડિઝલનો ભાવ રૂ. ૪૨.૧૦ છે. ગુજરાતમાં આમ તો ડીઝલ ઉપર ૨૧ ટકા વેટ છે, પરંતુ તેમાં ત્રણ ટકાનો સેસ ઉમેરાતાં ડીઝલ ઉપર ૨૪ ટકા વેરો લેવામાં આવે છે. એવી જ રીતે પેટ્રોલ ઉપર ૨૩ ટકા વેટ અને બે ટકા સેસ સાથે કુલ ૨૫ ટકા વસૂલવામાં આવે છે. ગુજરાત સરકારે કેન્દ્રના દબાણથી બે વર્ષ પહેલાં વેટના દરમાં માત્ર ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ એસોસિયેશનના હોદ્દેદારો માને છે કે ગુજરાતે ડીઝલમાં વેટના દર ૧૨.૫ ટકા કરી બે ટકાનો એડશિનલ વેટ પણ દૂર કરવો જોઈએ, જેથી મોંઘવારીમાં ઘટાડો થઈ શકે.સામસામે દાવા પરંતુ પેટ્રોલ-ડીઝલના દર ઘટાડવાનું નામ નહીં. વેટના લીધે ૩૦ ટકા બિઝનેસ રાજ્ય બહાર જતો રહે છે.પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વેટના દર ગુજરાત કરતાં ઓછા હોવાથી ૩૦ ટકા બિઝનેસ રાજ્ય બહાર જતો રહ્યો છે. રાજ્યમાં મહિને ૯ કરોડ લિટર પેટ્રોલ અને ૩૨ કરોડ લિટર ડીઝલનો વપરાશ છે. એક લિટર પેટ્રોલમાં ૧૦.૫૦ રૂપિયા અને એક લિટર ડીઝલમાં ૮.૫૦ રૂપિયા વેટ લાગે છે. રાજ્ય સરકાર વિના ડીઝલમાં વેરાના દર ઘટાડીને ૧૨.૫ ટકા કરે તો ગુજરાતમાં ૨.૭૦ રૂપિયા ભાવ ઘટે જેનાથી મોંઘવારીમાં રાહત મળી શકે.રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વેટ કેમ ઘટ્યો નથી? કેન્દ્રીય એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગુજરાતમાં વિવિધ ચીજવસ્તુઓમાં વેટના દર અમલમાં મૂકાયા છે. ડીઝલમાં દિલ્હીની સરકારે વેટના દર ૨૦ ટકાથી ઘટાડી ૧૨.૫ ટકા કર્યા છે, પરંતુ કોંગ્રેસશાસિત રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારે હજી સુધી વેટના દર કેમ ઘટાડ્યા નથી તે પ્રશ્ન છે. અન્ય રાજ્યો ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરે તો ગુજરાત સરકાર ચોક્કસ વિચારણા કરશે. જોકે હાલ આ તબક્કે એવો કોઈ ઇશ્યૂ બન્યો નથી. ૨૦૦૮માં પેટ્રોલ ઉપર ૨૬ ટકા અને ડીઝલ ઉપર ૨૪ ટકા વેટ હતો. કેન્દ્રનું દબાણ આવતાં ૧૧મી જુન-’૦૮ના રોજ વેટમાં ત્રણ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, છતાં વેચાણ વધતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. એ વખતે વેટમાં ત્રણ ટકાના ઘટાડાથી લિટરે એક રૂપિયો ઘટ્યો હતો. જો રાજ્ય સરકાર તેનું પુનરાવર્તન આ વખતે પણ કરે તો સરકારને નુકસાન જવાના બદલે ફાયદો થઈ શકે.


તુલસીકેસમાં વણઝારા-દિનેશના નાકોર્ટેસ્ટની કોર્ટ સમક્ષ માગ

દાંતા કોર્ટમાં રજુ કરાતાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા : નાર્કો ટેસ્ટની સુનાવણી ૨૧મીએ મુકરર કરાઈ. અંબાજી નજીક ચાર વર્ષ અગાઉ તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટરકેસમાં સંડોવાયેલા તત્કાલીન ડી.આઇ.જી. અને ઉદેપુરના એસ.પી. ને સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા સોમવારે પુન: દાંતા કોર્ટમાં રજુ કરી નાકૉટેસ્ટની તેમજ ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી. જે પૈકી કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે નાકોર્ટેસ્ટની સુનાવણી ૨૧મીના રોજ મુકરર કરી હતી.અંબાજી નજીક રાજસ્થાન માર્ગ ઉપર ડિસે.-૨૦૦૬ માં તુલસીના બોગસ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા તત્કાલીન બોર્ડર રેન્જના ડી.આઇ.જી. ડી.જી. વણઝારા અને રાજસ્થાન-ઉદેપુરના તત્કાલીન એસ.પી. દિનેશ એમ.એન. ની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ધરપકડ કરી હતી.જેમાં રિમાન્ડ અવધી પૂર્ણ થતાં સોમવારે સી.આઇ.ડી. ક્રાઇમના ડી.વાય. એસ.પી. આર.કે. પટેલે બપોરે દાંતા કોર્ટમાં રજુ કર્યા હતા અને બંને અધિકારીઓ તપાસમાં સહયોગ ન આપવા સાથે સત્યતા છુપાવતા હોવાના મુદ્દે વધુ ત્રણ દિવસના રિમાન્ડ અને નાકોર્ટેસ્ટની માગણી કરાઇ હતી.


શ્રમનો વિષય રાજ્ય હસ્તક હોવો જોઈએ: મોદી

શ્રમનો વિષય કેન્દ્ર કે કેન્દ્ર અને રાજ્યના સંયુક્ત વિષય નહીં પણ રાજ્ય સરકાર હસ્તક હોવો જોઈએ. માત્ર કાનૂનથી ઔદ્યોગિક શાંતિ જળવાતી નથી.ખરેખર તો શ્રમ સુધારણા માટે રાજ્યને અધિકાર હોવો જોઈએ. ગુજરાતમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં શ્રમિક કામદારો અને ઔદ્યોગિક પરિવારોના સુમેળભર્યા સંબંધો તથા તેના પરિણામે શૂન્ય માનવદિનની ઘટની પરંપરા મહત્વનું પરબિળ છે.મુંબઈ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના ડેલિગેશને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. એમાં આ પ્રશ્નોત્તરી થઈ હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનવવિકાસ સૂચકાંક ક્ષેત્રે ગુજરાતને વિશ્વના વિકસિત દેશોની હરોળમાં મૂકવાની નેમ છે. આ ખૂબ જ વિશાળ પડકાર છે પણ ગુજરાતની જનતા અને ગુજરાતની ટીમ બીડું ઝડપવા તૈયાર છે.તેમણે કહ્યું હતું કે સાબરમતી આશ્રમને વૈશ્વિક ગાંધી સ્મારકરૂપે વિકસાવાશે. દુનિયાની કોઈપણ સમસ્યાનું સમાધાન ગાંધીવિચારમાંથી મળી શકે છે. મુખ્યમંત્રીએ આ ડેલિગેશનને કચ્છના રણોત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું અને મુંબઈ ખાતે આઇ.એમ.સી.ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું તેમણે સ્વીકાર્યું હતું.

સુરત : આખરે દીકરીઓ મા-બાપ પર લાગેલું કલંક દૂર કરાવી ને જ જંપી

સાંજના ૫.૩૦નો સમય હતો, સુરત ન્યાયાલયની પરસાળમાં બે યુવતીઓ એક વ્હીલચેર પર પોતાની માતાને બેસાડવા પ્રયત્ન કરી રહી હતી. મહામહેનતે તેમણે આ કામ પાર પાડ્યું. તેમના ચહેરા પર વર્ષો બાદ મળેલા ન્યાયનો આનંદ હતો.મેમણ બેંકની લોનના કરોડોના કારસામાં ફસાવી દેવાયેલાં તેમનાં મા-બાપ અને તેમની મિલના બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સોમવારે સુરત ચીફ કોર્ટના જજ વી.જી.ત્રિવેદીએ નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.હા, તેમનાં મા-બાપને સુરતની મેમણ બેંકના કેટલાક કર્તાહર્તાઓએ બેંકલોનના કૌભાંડમાં ફસાવીને તેમનું બાળપણ છીનવી લીધું હતું. એક સમયે શાલીમાર ડાઇંગ મિલના માલિક એવો ખમતીધર બાપ ચીમનલાલ જૈન ચાર વર્ષથી જેલવાસ ભોગવતા હતા અને જામીન પર છુટીને કેસની દોડધામમાં હાઇકોર્ટનાં ચક્કર કાપતી માતા રેલવે અકસ્માતનો ભોગ બનીને ૧૫ મહિનાથી પથારીવશ હતી.પિતાના જેલવાસે બંને બહેનોને અભ્યાસ છોડીને નોકરી કરવાની ફરજ પાડી હતી, પરંતુ તેમણે હિંમત હાર્યા વિના તે ફરજ નિભાવી અને મા-બાપને માટે દીકરાથી પણ અદકેરી સાબિત થઈ. જોકે, કોર્ટ તરફથી મેમણ બેંકના લોનકૌભાંડમાં આરોપી બની ચૂકેલા પિતા ચીમનલાલ ચાંદમલ જૈન અને માતા ચંચળબહેનને નિર્દોષ હોવાની કલીનચિટ મળતાં વર્ષો બાદ આ કુટુંબે રાહતનો શ્વાસ લીધો હતો, જેમાં તેમના એડ્વોકેટ અશરફ ગાજિયાનીનો ફાળો પણ મહત્તમ બની રહ્યો હતો. આ કેસમાં આરોપી બનેલા બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ શાંતિચંદ્ર બગાની અને દિનેશ નવીનચંદ્ર મોદીને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.પાંડેસરા જીઆઈડીસીમાં ૧૭ નંબરના પ્લોટમાં આવેલી શાલીમાર ડાઇંગ મિલ ચીમનલાલ જૈન અને તેમના બનેવીએ ૧૯૯૪માં ખરીદેલી. આ મિલ પર રૂ.૫૦ લાખની ટર્મલોન અને ૨૫ લાખની કેશક્રેડિટ લોન સુરત મેંમણ બેંકમાંથી લીધી હતી. આ મિલનું નેટવર્થ ૪ કરોડથી વધુનું હતું. જેથી આ મિલ હડપ કરવા ખોટા ઓડિટ રિપોર્ટ, બેલેન્સશીટ વગેરેને સાચાં દર્શાવી બેંકના વ્યાજ સહિતના રૂ. ૧,૨૨,૧૮,૩૪૩ના દેવામાંથી છટકી જવા મિલને ફડચામાં લઈ ગયા હતા.મેમણ બેંકના તે સમયના ચેરમેન અને તેમના બે પૌત્ર સહિત કુલ પાંચ વ્યક્તિ શાલીમાર ડાઇંગ મિલના પ્રમોટર હતા. ૧૯૯૨નાં તોફાનો સમયે તેમણે મિલ વેચવા કાઢી હતી. તેમાં આગ પણ લાગી હતી. ૧૯૯૪માં ચીમનલાલ જૈન અને બનેવી વિજય શાહે તે ખરીદી. આ મિલ પ્રા. લિ. કંપની હોવાથી તેમણે ૧૦ના શેરનો ભાવ ૨૦ આપીને મિલ ખરીદી લીધી હતી. સોદો ચાલુ હતો તે સમયે પ્રમોટરોએ તેના પર કરોડોની લોન લઈ લીધી.એક જ દિવસમાં લોન મંજુર પણ થઈ હતી, કેમકે મિલ વેચનાર પ્રમોટરો મિલમાં અને બેંકમાં બંને સ્થળે મહત્વના હોદ્દા પર ગોઠવાઈ ગયેલા હતા. આ સોદામાં કટ ઓફ ડેટ ૩૦-૫-૯૯ નક્કી થઈ હતી. એટલે કે આ તારીખ પછીનાં તમામ દેવાં નવી મેનેજમેન્ટે સ્વીકારવાનાં રહે. મિલ વેચ્યા બાદ તેની વેલ્યુ ધારવા કરતાં વધતી ગઈ અને તેથી તે પાછી મેળવવા પ્રયત્નો શરૂ થયા, જેમાંના છેલ્લા બે પ્રયત્નો સ્વરૂપે રૂ.૧.૨૨ કરોડવાળી ખોટી ફરિયાદ થઈ હતી, જે કોર્ટમાં પુરવાર થઈ શકી નહીં.


સુરતની દીપ્તિ રામઅવતાર બંકા સી. એ. માં દેશમાં ચોથે, રાજ્યમાં પ્રથમ

સી એ ફાઇનલમાં પરીક્ષાના સોમવારે જાહેર થયેલા પરિણામમાં સુરતની દીપ્તિ રામઅવતાર બંકાએ સમગ્ર દેશમાં ચોથો અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો હતો. દીપ્તિની ખાસિયત એ છે કે તેણે તેની દીકરી અંજનિ દોઢ વર્ષની હતી ત્યારે સીએની તૈયારી શરૂ કરી હતી. દીકરીની કાળજી અને ભણતર બન્ને વચ્ચે સંતુલન સાધીને તેણે માત્ર સાડાત્રણ વર્ષના સમયમાં સીએ ફાઇનલની પરીક્ષા તો પાસ કરી જ પણ સાથે સાથે સમગ્ર દેશમાં ક્રમ મેળવ્યો.આ સફળતા અંગે જણાવતાં દીપ્તિએ કહ્યું હતું કે સીએ પાસ થવાની સૌથી વધુ ખુશી જો કોઈને થઈ હોય તો તે તેની દીકરી અંજનિને થઇ છે.‘અંજનિ હંમેશાં કહ્યા કરતી હતી કે મમ્મીનું ભણવાનું બંધ ક્યારે થશે. તે રાહ જ જોતી હતી કે હું પાસ થઈ જાઉં તો તેને વધુ સમય આપી શકું.’ તેમ દીપ્તિએ કહ્યું હતું.રાજસ્થાનના ઝૂંઝુનૂથી સુરત આવીને સ્થાઈ થયેલા પરંપરાગત મારવાડી પરિવારની દીપ્તિએ સીએ ફાઇનલમાં કુલ ૮૦૦ ગુણમાંથી ૫૧૭ ગુણ મેળવ્યા છે.

પાટણમાંથી ભાગ્યા રાજકોટના બે લૂંટારા

મરચાંની ભૂકી, બે છરા મળ્યા, રાજકોટની કુખ્યાત બુટલેગર રમીલા, કાંતિ અને પાલાની તલાશ. સાંતલપુર નજીક પોલીસને જોઇ બાઇક મુકીને ભાગી ગયા.પાટણમાં પોલીસને જોઇ હથિયાર સાથેના બે બાઇક રેઢા મુકીને નાસી ગયેલા રાજકોટના બે લુટારાને શોધવા પાટણ પોલીસે રાજકોટના છોટુનગર અને રૈયાધાર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.પ્રાપ્ત વિગત મુજબ, બે દિવસ પહેલાં પાટણ એલ.સી.બી.ના ફોજદાર પટેલ સ્ટાફ સાથે સાંતલપુર હાઇ-વે ઉપર રાતે વાહન ચેકિંગમાં હતા ત્યારે બે બાઇક ચાલકને અટકાવતા બન્ને શખ્સ વાહન મૂકીને નાસી ગયા હતા. અમદાવાદ અને રાજકોટ પાસિંગના બન્ને વાહનની તલાશી લેતા ડીકીમાંથી છરા અને મરચાંની ભૂકી મળી હતી. ભાગતી વેળા એક શખ્સનો પડી ગયેલો મોબાઇલ પોલીસને હાથ લાગ્યો હતો. મોબાઇલમાં રાજકોટના રૈયાધાર વિસ્તારની કુખ્યાત મહિલા બુટલેગર રમીલાના ફોટા તેમજ છોટુનગરના કાંતિ તેમજ પાલા નામના શખ્સના ફોન નંબર મળ્યા હતા.લુટારાની તલાશમાં આવેલા પાટણના ફોજદાર પટેલે રાજકોટ ક્રાઇમ બ્રાંચના નિર્મળસિંહ અને રાહુલ વ્યાસને સાથે રાખીને તપાસ કરતા ઉપરોકત વિસ્તારના રહેવાસીઓએ બન્નેને આ એરિયામાં અનેક વખત જોયા છે પરંતુ ઓળખતા નથી તેમ કહી મોઢા સીવી લીધા હતા. આર.ટી.ઓ.માં તપાસ કરતા બાઇકના નંબર પણ બોગસ હોવાનું ખુલ્યું છે.ગુનેગારો એક બીજાના જિલ્લામાં લૂંટ કરતા હોવાની શંકા -પાટણથી ભાગેલા રાજકોટના બન્ને આરોપી અમદાવાદ અને પાટણના ગુનેગારો સાથે સંપર્કમાં હોવાથી આ ગેંગ એક બીજાના જિલ્લામાં ટીપ આપી લૂંટના કાવતરા પાર પાડતા હોવાની પોલીસને શંકા છે.પાટણના કુખ્યાત તુલસીના સંપર્કમાં હતા -મોબાઇલ ડિટેઇલના આધારે તપાસ કરાતાં કાંતિ અને પાલાએ અનેક લૂંટમાં સંડોવાયેલા તુલસીનો સંપર્ક કર્યાની વિગત બહાર આવી હતી. તુલસીએ પોલીસને જણાવ્યા મુજબ, પાલો અગાઉ તેની સાથે જેલમાં હોવાથી પરિચયમાં છે. બનાવની રાતે પાલાએ ફોન કરીને પાટણથી ભાગ્યા છીએ તેવી જાણ કર્યાનું કબૂલ્યું હતું.પોલીસે રમીલાના નંબર ઉપર ફોન કરતા એક વખત રમીલાએ ફોન રિસિવ કર્યો હતો. પરંતુ પોલીસ હોવાની ગંધ આવી જતાં કટ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો છે.


રશિયન ક્રુ નો લાપતા કેમેરો દરિયામાંથી મળી આવ્યો

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૧૩માં શનિવારે જહાજ સમરસેટ બીચ થયા બાદ એક રશિયન ક્રુ મેમ્બર ગુમ થયા બાદ આજ સુધી તેની ભાળ મળી ન હતી. જો કે તેનો તુટેલો કેમેરો મળી આવતા લાપતા ક્રુ દરિયામાં ગરકાવ થઇ ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે.રશિયન નાગરિકત્વ ધરાવતો યેસીલ યેવ એન્જેની જે જહાજનો ઈલેકટ્રીકલ એન્જિનીયર હતો તે બીચિંગ કાર્યવાહી સુધી તમામની સાથે જ હતો, અને હોડીમાં બાકીના ક્રુ મેમ્બરો ઉતર્યા ત્યારે તે મળી આવ્યો ન હતો, અને કેપ્ટને અલંગ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી.દરમિયાન આજે આખો દિવસ મરિન પોલીસ, કસ્ટમ, જીએમબી દ્વારા સઘન શોધખોળ આદરવામાં આવી હતી. ભાવનગર એસ.પી. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર લાપતા રશિયન ક્રુ મેમ્બરનો ડીજીટલ કેમેરો તૂટેલી હાલતમાં આજે દરિયામાંથી મળી આવ્યો હતો. તેના પરથી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીચિંગ સમયે ડેક પરથી કેમેરામાં તસવીર કેદ કરતી વેળાએ કદાચ તે શિપ પરથી દરિયામાં પડી ગયો હશે અને કોઇક જહાજની નીચે ફસાય ગયો હશે. આવતીકાલે આજુબાજુના જહાજની નીચે તપાસ કરાશે.


વહીવટી તંત્રના જડ વલણથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વ્યથિત

કચ્છ જિલ્લામાં જમીન રેકર્ડનું કમ્પ્યૂટરાઇઝ થતી વખતે અસંખ્ય ભૂલો રહી જવા પામી છે. ‘વહીવટી તંત્રની ભૂલો સાબિત’ કરવા ખેડૂતોને અગ્નિપરીક્ષા આપવી પડતી હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું.અધિકારીઓના જડ વલણને કારણે આ માનવસર્જિત ભૂલો સુધારવા ખેડૂતોને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાનું જણાવતા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે ઉમેર્યું હતું કે, અધિકારીઓના જડ વલણના કારણે ખેડૂતોએ પોતાની જમીન સાબિત કરવા અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે.કચ્છ જિલ્લામાં જમીન રેકર્ડનું કમ્પ્યૂટરાઇઝ અને ૭/૧૨, ૮અ હક્કપત્રકની નોંધો મામલતદાર હસ્તક તાલુકા મથકે ચાલુ થઇ છે, ત્યારથી ખેડૂતોની પાયમાલી વધી છે.૭/૧૨માં નામો બદલી જવા, કોઇના ખાતાની જમીન બીજાના ખાતામાં કરી નાખવી, ક્ષેત્રફળમાં ઘટાડો કરી નાખવો, સર્વે નંબરોમાં ભૂલો રાખી દેવી, આવી સંખ્યાબંધ ફરિયાદો આવી છે અને કચ્છ જિલ્લામાં ૫૦૦૦થી ૬૦૦૦ જેટલી ગંભીર ભૂલો ખેડૂતોની જમીનોમાં કરવામાં આવી હોવાનું સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું.
અધિકારી ભૂલો કરે અને સજા ખેડૂતોને થાય જે કેટલી અંશે વાજબી ગણાય ??? દરેક તાલુકાઓમાં ૪૦૦થી ૫૦૦ ખેડૂતોની જમીનો અંગે કમ્પ્યૂટર રેકર્ડમાં ભૂલો બોલે છે, જે સુધારવા માટે પ્રથમ ખેડૂતે અરજી આપવી પડે. ત્યાર બાદ સાત-આઠ મહિના સુધી મામલતદાર કચેરીએ ધક્કા ખાય.સર્કલની ઇચ્છા થાય તો જૂનો રેકર્ડ તપાસી શેરો ભરે મામલતદાર ભૂલ સુધારવાનો હુકમ કરે ત્યારબાદ આ ભૂલ સુધારવાની નોંધ હક્કપત્રમાં થાય અને નોંધો દોઢથી બે મહિના પછી મંજૂર થાય. આવી પરિસ્થિતિમાંથી હાલે ખેડૂતોને પસાર થવું પડે છે. ખેડૂતોની પોતાની જ જમીન ઉપર બેંકનું ધિરાણ લેવું હોય, વારસાઇ નોંધો કરાવવી હોય કે, વેંચાણ કરાવી હોય તો પણ આવી ભૂલોને કારણે થઇ શકતું નથીભૂલો સરકાર કરે અને ભોગવે ખેડૂત તેવી આ હાલત છે તો જિલલાના કલેક્ટરે આદેશ બહાર પાડી કમ્પ્યૂટરની જેટલી ભૂલો સુધારવા માટેની ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ છે જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને જેની સમયમર્યાદા દિવસ-૧૦થી વધારે કોઇ પણ હિસાબે રહેવી જોઇએ અને સુધારા ભૂલની અસર મામલતદારના હુકમના દિવસે રેકર્ડમાં જોઇએ નહીંતર હાલે ખેડૂતો પોતાની જમીનોનો ઉપયોગ ન કરી શકે તેવી પરિસ્થિતિ કચ્છ જિલ્લામાં નિર્માણ થવા પામી છે.


આજના કચ્છ બંધને વ્યાપક ટેકો : સજ્જડ બંધ રહેવાના એંધાણ

૭૯ સંસ્થાઓ દ્વારા વેપારીઓની મુક્તિની લડતને ટેકો : નખત્રાણામાં રેલી સાથે આવેદન અપાશે.નખત્રાણા તાલુકો સમગ્ર બંધ રહેશે તથા વેપારીઓની મુકિત માટે તાલુકાના વેપારીઓ રેલી યોજી આ અંગેની રજૂઆત મામલતદાર સમક્ષ કરી આવેદનપત્ર પાઠવશે.એક આઇ.એસ.એ. અધિકારી (પ્રદીપ શર્માg) સહિતના ઉચ્ચ અમલદારો અને અગ્રણી વેપારીઓને કાનૂની સકંજામાં સપડાવનારા ભુજના જથ્થાબંધ બજાર કેસના મામલામાં સપ્તાહ પૂર્વેg વેપારી પરિવારોએ ઝૂકાવ્યા બાદ, દિવસા દિવસ ગરમ બની રહેલા આ અભૂતપૂર્વ આંદોલનમાં આવતીકાલે મંગળવારે કચ્છ બંધનું એલાન અપાયું છે અને જિલ્લાની નાની મોટી ૧૨૯ સંસ્થાઓએ બંધને ટેકો જાહેર કરતા કચ્છના વેપાર ધંધા સજ્જડ બંધ રહે એવા એંધાણ આંદોલનકારીઓ આપી રહ્યા છે.
જેલવાસ ભોગવી રહેલા વેપારીઓના પરિવાર બેહાલ બની ગયા છે અને વિવિધ વ્યાપારી, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનનો તેમજ વિવિધક્ષેત્રના આગેવાનો દ્વારા ધરણાપર બેઠેલા વેપારીઓ તેમના પરિવારની મહિલાઓ તરફ સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું છે ત્યારે કચ્છના તમામ તાલુકામાંથી બંધના એલાનને ટેકો સાંપડ્યો છે.એક અઠવાડિયા દરમિયાન શરૂઆત જથ્થાબંધ બજારના પ્રવેશ દ્વારે સિમેન્ટના બ્લોક મૂકી અચોક્કસ મુદ્દત સુધી જથ્થાબંધ બજાર બંધની શરૂઆતથી થયા બાદ ક્રમશ કલેક્ટરને આવેદનપત્ર, ધરણા, ગેટ વેલ સૂન, રાજ્યમંત્રીને ઘેરો, ભૂલકાઓની મૂક વ્યથા જેવા વિવિધ કાર્યક્રમો જેમ જેમ અપાતા રહ્યા તેમ તેમ રોજ રોજ છાવણીની મુલાકાત લેનારા વિવિધ સંગઠનો વધતા જ ગયા અને આ લડતમાં ૧૨૯ સંસ્થા, મંડળો અને સંગઠનોનો ટેકો મળ્યો.રાજ્યના અન્ય જિલ્લોમાંથી વેપારી સંગઠનોના ટેકા મેળવવાની પેરવી પણ ચાલી રહી છે, ત્યારે મંગળવારે કચ્છ બંધ એલાનથી લડત ચરમસીમાએ પહોંચી ગઇ છે. જામીન ન મળે એવો તો આરોપ પણ નથી એવી લાગણી સાથે છુટકારાના મામલે નિરાશા સાંપડ્યા બાદ કદી જોવા ન મળ્યું હોય એવું આંદોલન કચ્છમાં આકાર લઇ રહ્યું છે. વેપારી પરિવારને શાસક પક્ષના નેતાઓનું મૌન અકળાવનારું લાગી રહ્યું છે.વેપારીઓને ન્યાય મળે તે માટે ચાલી રહેલી લડતની દિશા દિવસે-દિવસે ઉગ્ર બનીરહી છે ત્યારે આજે આ લડતના સમર્થનમાં કચ્છની વધુ વિવિધક્ષેત્રની ૭૯ સંસ્થાઓ જોડાઇ હતી. આમ જથ્થાબંધ બજારના જેલમાં બંધક વેપારીઓની મુકિત માટે જિલ્લાની કુલ ૧૨૭ જેટલી સંસ્થાઓ આજે બંધમાં જોડાતા કચ્છ સજ્જડ બંધ રહેશે તેવાં એંધાણ વર્તાઇ રહ્યા છે.કચ્છ બંધ સાથે ભુજ ખાતે દસ વાગ્યે ભુજની મહિલાઓની વિશાળ રેલી યોજાશે. આ બંધમાં કચ્છની આર્થિક, સામાજિક, શૈક્ષણિક, મહિલા મંડળો વગેરે સંસ્થાઓ જોડાતા આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવુ ભાસી રહ્યું છે.


આણંદ જિલ્લાને પાણી ન મળતાં પાકને નુકસાનની ભીતિ

ઓછો વરસાદ અને કેનાલમાં પાણી ન છોડાતાં ખેડૂતોમાં રોષ : કોંગ્રેસના ધારાસભ્યોની આગેવાની હેઠળ આંદોલનના મંડાણ : કલેક્ટરને આવેદનપત્ર આપી સમયસર પાણી નહીં છોડાય તો ઉગ્રઆંદોલનની ઉચ્ચારેલી ચેતવણી.આણંદ જિલ્લાના ખેડૂતોની હાલત ચાલુ વર્ષે કફોડી બની છે. ઓછા વરસાદના કારણે પહેલેથી જ વાવેતર મોડુ થઈ છે, તેમાંય હવે સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડાતાં ધરૂવડિયા બળવાં લાગ્યા છે.આ સ્થિતિમાં કેનાલમાં પાણી છોડવા અગાઉ અનેક માગણી કરવા છતાં રાજ્ય સરકારે દાદ ન આપતાં ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા છે અને તેનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના ધારાસભ્યોએ લીધું છે. સોમવારના રોજ ચાર ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરો - ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે એક રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ અને તાકીદે નહેરોમાં પાણી છોડવા અને કડાણા ડેમ સમયે થયેલા કરારનું પાલન કરવા માંગણી કરી હતી. આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘મહી સિંચાઈ કડાણા પ્રોજેક્ટ મહી કમાન્ડ માટે એન્જિનીયર ભાઈલાલ કાકાએ બંધારણ બનાવીને કડાણા બંધ બનાવ્યો હતો. હવે કડાણા પ્રોજેક્ટમાંથી ફક્ત ખેતી વિષયક સિંચાઈ માટે જ આ પ્રોજેક્ટનો નિર્માણ કરવામાં આવ્યું હતું.
પરંતુ ભાજપ સરકારે કડાણા પ્રોજેક્ટના નિયમોને બાજુએ મુકીને અન્ય વિસ્તારોમાં પાણીની ફાળવણી કરી હોવાથી મહી કમાન્ડ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. ડાંગરની રોપણી કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાણીના અભાવે મોંઘા બિયારણ અને ખાતર નાખી તૈયાર કરેલા ધરૂવાડીયા બળી રહ્યાં છે. ’વધુમાં ઉમેર્યું હતુ કે, તાજેતરમાં જ અધિકારીઓ દ્વારા મહી કડાણા બંધમાં પુરતુ પાણી નથી. તેવુ જણાવી હાથ અધ્ધર કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં નર્મદા બંધમાંથી પાણી લાવીને પણ ડાંગરનાં પાક માટે પાણી આપવા માંગ ઉઠાવી છે.


બોરસદ પંથકના ગામોમાં મકાનની નંબર પ્લેટ માટેના સરકારી પરિપત્રથી ભારે વિવાદ

બોરસદ પંથકના ગામોમાં મકાનો પર નંબર પ્લેટ લગાવવા માટે પરપ્રાંતીય યુવકોને સહકાર આપવા ખાસ તાકીદ : પ્રજાને લૂંટવાનો અનોખો કિમીયો હોવાની ચર્ચા.આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ૬પ જેટલા ગામોમાં આકારણી કરેલ મકાનોને નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવામાં પરપ્રાંતીય હિન્દીભાષી યુવકોને સહકાર આપવા તલાટીઓ અને સરપંચોને ખાસ તાકીદ કરતા સહકારી પરિપત્ર અંગે બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અચરજ સાથે રોષની લાગણી પ્રર્વતી રહી છે.પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ બોરસદ તાલુકા પંચાયત કચેરીના તા.ર જુલાઈના પત્રથી દરેક ગામોના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને જિલ્લા વિકાસ અધિકારીના પત્ર સંદર્ભે દરેક મકાનોને નંબર પ્લેટ મકાન માલિકના સ્વ.ખર્ચે લગાવવા માટેની કામગીરીમાં સહકાર આપવા તાકીદ કરાઈ છે. સરકારી પરપિત્રના સંદર્ભે ગ્રામીણ વિસ્તારોમાં પરપ્રાંતીય યુવકો દ્વારા શરૂ કરાયેલ કામગીરીથી વિવાદાસ્પદ સ્થિતિ સર્જાવા પામી છે.મકાનની નંબર પ્લેટ અંગે સ્થાનિક તંત્રની સીધી દેખરેખ ન હોવાથી નાગરિકોને હિન્દીભાષી યુવકો સાથે વિવિધ પ્રકારે વાદ-વિવાદ થતાં જીભાજોડી થયાની ઘટનાઓ બનવા પામેલ છે. જેથી સરકારીતંત્ર દ્વારા નંબર પ્લેટની કામગીરી બાબતે જાહેર હિતમાં સ્પષ્ટતા કરવામાં આવે તે ઈચ્છનીય છે.વિરસદના સરપંચ અશ્વિનભાઇ કા. પટેલને આ પૂછતાં જણાવ્યું હતું કે દરેક નાગરિકોને પોતાના ઘરનો નંબર સરળતાથી પર્યાપ્ત બને તે હેતુથી નંબર પ્લેટની લગાવવાની કામગીરી ચાલે છે. તેમજ પરપિત્ર અનુસંધાને અધિકૃત વ્યક્તિ દ્વારા જ કામગીરી કરવામાં આવેલ છે.જંત્રાલમાં કામગીરી સ્થગિત કરાઈ.બોરસદના જંત્રાલ ગામે પરપિત્ર આધારે હિન્દીભાષી યુવક શિવરતસિંહ નંબર પ્લેટ અંગેની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન રાજુભાઇ ભટ્ટે બોરસદ તાલુકા પંચાયતને જાણ કરી વિસ્તૃત પૂછપરછ કરી હતી.દરમિયાન રાજુભાઇ ભટ્ટની રજૂઆત આધારે યુવકને મોબાઇલથી સ્પષ્ટ સૂચના આપી હાલ નંબર પ્લેટ લગાવવાની કામગીરી બંધ રાખવા જણાવાયું હતું. આ બનાવથી પંથકમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બાબતે તપાસની માંગ ઉઠી હતી.સરકારીતંત્રના વિવાદાસ્પદ પરપિત્રના આધારે નંબર પ્લેટ લગાવવા માટે ખર્ચ રૂ.દસ નિયત કરવામાં આવેલ છે. પરંતુ ગામે ગામથી દરેક નંબર પ્લેટ દીઠ રૂ. દસ વસુલ કરાયા બાદ સ્થાનિક તંત્ર કે ઉચ્ચ વહીવટીતંત્રને નંબર પ્લેટની કેટલી વિશ્વનિયતા છે તે અંગે પણ ચર્ચાવા ઉઠવા પામી છે.


બાંદરા બેન્ડસ્ટેન્ડનો દરિયો બે કોલેજિયનોને ભરખી ગયો

સોમવારે સવારે બાંદરા બેન્ડ સ્ટેન્ડની પાળ ઉપર બેઠેલા ૧૮ વર્ષની ઉંમર ધરાવતા ત્રણ યુવાનો દરિયામાં ઊછળતાં મોજાની લપેટમાં આવી ગયા હતા જેને કારણે બે જણનાં મોત થયાં હતાં, જ્યારે એકને ઉગારી લેવાયો હતો.ધારાવીની કોલેજના ત્રણ મિત્રો સોમવારે સવારે બાંદરા બેન્ડ સ્ટેન્ડની નજીક ફરવા માટે ગયા હતા. તેઓ દરિયાની પાળ પર બેઠા હતા. તે સમયે અચાનક દરિયાનાં ઊછળતાં તોફાની મોજાંની અંદર તેઓ તણાઈ ગયા હતા, એમ અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું. સવારે સુમારે સાડાદસ વાગ્યે આ બનાવ બન્યો હતો અને અમે તાબડોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરિયામાં ડૂબેલા ત્રણમાંનો એક યુવકને ઉગારી લેવાયો હતો, કારણ કે તેણે પાળની નજીક આવેલા પથ્થરને પકડી રાખ્યો હતો, જ્યારે અન્ય બે યુવાનોના મૃતદેહો અમે બપોરે સાડાબાર વાગ્યે બહાર કાઢ્યા હતા.ઈરફાન શેખ અને મસલેઉદ્દીન હાશમીના મૃતદેહોની ઓળખ કરીને મૃતદેહોને બાંદરાની ભાભા હોસ્પિટલામાં મોકલી અપાયા હતા, જે પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપી દેવાયા હતા.


હાજી મસ્તાન પર આધારિત ફિલ્મ સામે સ્ટે માટે અરજી

હાજી મસ્તાનના પુત્ર હુસૈન શરીફે સોમવારે તેના પિતા પર આધારિત ફિલ્મ સામે સ્ટે આપવા સિટી સિવિલ કોર્ટમાં અરજી કરી હતી.આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ મસ્તાનના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મ મહિને રિલીઝ થવાની છે.આ ફિલ્મ રિલીઝ થવા સામે સ્ટે આપવામાં આવે એવું અરજીમાં જણાવાયું છે. પોતાના પિતાને આ ફિલ્મમાં ડોન તરીકે ખોટી રીતે પ્રદર્શિત કરાયો છે, એવું પુત્રે અરજીમાં જણાવ્યું છે. હાજી મસ્તાનને ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સાંકળવામાં આવે છે તે બિલકુલ અયોગ્ય છે. એવું


મુંબઈની પ્રથમ ટ્વિન ટનલ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનનારી મુંબઈની પ્રથમ અને એક માત્ર ટ્વિન ટનલ (જોડિયા બોગદું) પૂર્ણતાના આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે.૪૫૦ મીટરની આ ટનલનો પ્રથમ ૧૦૦ મીટરનો હિસ્સો ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, જે આખા તૈયાર પ્રોજેક્ટની ઝાંકી કરાવશે અને એક સંપૂર્ણ ચિત્ર ઊભું કરશે. આ હિસ્સા દ્વારા સમગ્ર પ્રોજેક્ટના દેખાવનો અંદાજ મળી શકશે.ઈસ્ટર્ન ફ્રી-વેથી શરૂ કરી પાંજરાપોળ તરફ જનારી ટનલનો ડાબી બાજુના પહેલા ભાગનું ૩૫૦ કિલોમીટરનું ખોદકામ તથા ૧૦૦ કિલોમીટરના ક્રોંકીટીકરણનું કામ પણ પૂર્ણ થયું છે. તેને કારણે ટનલનું-બોગદાનું સ્વરૂપ સમજવામાં મદદ મળશે. ઇસ્ટર્ન ફ્રી-વે તરફથી પાંજરાપોળ તરફ જનારા આ બોગદાના જમણા ભાગના ૨૫૦ કિલોમીટરનું કામ પણ પૂર્ણ થયું છે.આ જોડિયા બોગદાના પ્રકલ્પ વિશે બોલતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના મેટ્રોપોલિટન કમિશ્નર રત્નાકર ગાયકવાડે કહ્યું હતું કે મુંબઈ શહેરમાં આ પ્રકારની પાયાની અસાધારણ અને અજાયબ એન્જિનિયરિંગ ધરાવતી સુવિધા વિસાવવાનો પ્રકલ્પ ઊભો કરવો એ બહુ મોટો પડકાર છે.આ ટ્વિન ટનલ અડધો કિલોમીટર લાંબી, ૧૭ મીટર પહોળી અને ૧૦ મીટર ઊંચી છે. દરેક બોગદામાં ચાર કેરેજવે-રસ્તા હશે. બીએઆરસીના ડુંગરાની તળેટીના અશોક નગરથી શરૂ થઈ પાંજરાપોળ નજીકના ગૌતમનગર નજીક પૂર્ણ થશે. આ જોડિયા બોગદાનો અપેક્ષિત ખર્ચ ૬૧ કરોડ રૂપિયાનો છે અને ટનલને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

વડનગર : વિદ્યાર્થીની ફીના રૂ. ૧ લાખની ચીલઝડપ
વડનગરનો છાત્ર બાસણા ઇજનેરી કોલેજમાં ફી ભરવા જતો હતો ત્યારે વિસનગર ડેપોમાં ગઠિયો રકમ તફડાવી ગયો : પોલીસનાં હવાતિયાં.વડનગરનો એક વિદ્યાર્થી સોમવારે કોલેજમાં એક લાખ રૂપિયા ફી લઇ ભરવા જતો હતો તે દરમ્યાન વિસનગર એસ.ટી. ડેપોમાં બસમાં બેસવા જતો હતો તે સમયે ખિસ્સામાં મુકેલ એક લાખ રૂપિયા કોઇ અજાણ્યા શખ્સ દ્વારા સેરવી જવાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. ગરીબ વિદ્યાર્થીએ પોસ્ટનાં બચતપત્રો વટાવી ફીની આ રકમ ભેગી કરી હતી.આ બનાવ અંગે વિસનગર પોલીસે વિદ્યાર્થીની ફરીયાદને આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ વિસનગર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વધતા જતા ચોરી અને ચીલઝડપના બનાવોને લઇ પોલીસની કામગીરી સામે અસંતોષ ઉઠવા પામ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ, વડનગરના અમતોલ દરવાજા વિસ્તારમાં રહેતા વિધવા માતાના પુત્ર પટેલ કરણકુમાર હસમુખલાલ નામના વિદ્યાર્થીએ ચાલુ વર્ષે ધોરણ ૧૨ સાયન્સ પછી બાસણા એન્જિનીયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો હતો. સોમવારે આ વિદ્યાર્થી ઘરેથી એક લાખ રૂપિયા લઇ તેમના સબંધી રમેશભાઇ પટેલ સાથે બાસણા કોલેજમાં ફી ભરવા નીકળ્યો હતો. જે વડનગરથી વિસનગર આવ્યો હતો. જ્યાં ડેપોમાં રાધનપુરવાળી બસ આવતાં આ વિદ્યાર્થી તેમના સબંધી સાથે બસમાં ચડ્યો હતો.આ દરમ્યાન કોઇ ગઠિયો વિદ્યાર્થીના ખિસ્સામાં રહેલ એક લાખ રૂપિયા ખેંચી લઇ નાસી ગયો હતો. જેની કરણને જાણ થતાં તેણે બુમાબુમ કરી હતી પરંતુ ખિસ્સાકાતરૂ ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે વિસનગર પોલીસે અજાણ્યા ગઠિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિસનગર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચીલઝડપ અને ચોરીના બનાવોનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે ત્યારે પોલીસ ગુનાખોરી ડામવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.દાદીનાં બચતપત્રો વટાવી ફી ભેગી કરી હતી.વડનગર રહેતો આ વિદ્યાર્થી તેની દાદીમાના પોસ્ટના બચતપત્રો તેમજ અલગ અલગ બેન્કમાં મુકેલ પૈસા ઉપાડી ફીની રકમ ભેગી કરી હતી. જે ગઠીયો ઉઠાવી જતાં આ વિદ્યાર્થીના માથે આભ તુટી પડ્યું છે. મહામહેનતે ભેગા કરેલ ફીના પૈસા ગઠીયો તફડાવી જતાં એન્જિનીયર બનવાનાં વિદ્યાર્થીનું સ્વપ્ન રોળાઇ ગયું છે.


વિસનગર : ચૂંટણીઓ પૂર્વે આ અભ્યાસ વર્ગ છે

વિસનગર નજીક તિરૂપતિ નેચરલ પાર્કમાં સોમવારે મહેસાણા જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા પ્રજાને ગુમરાહ કરી રહી હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારની નિષ્ફળતા વિરુદ્ધ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આ કાર્યકરો માટેનો અભ્યાસ વર્ગ હોવાનું જણાવ્યું હતું.મહેસાણા જિલ્લા ભાજપ કારોબારીની એક બેઠક સોમવારે તિરૂપતિ નેચરલ પાર્કમાં મળી હતી. આ પ્રસંગે હાજર પ્રદેશ મહામંત્રી અને ઉ.ગુ.ના ઇન્ચાર્જ ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે જુના અને નવા કાર્યકરોને આગામી દિવસોમાં આવી રહેલ ચૂંટણીઓ પૂર્વ રાજ્ય સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટેનો આ અભ્યાસવર્ગ છે. આ પ્રસંગે બોલતા જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશમાં જ્યારે જ્યારે કોંગ્રેસ સરકારનું શાસન આવ્યું છે ત્યારે આતંકવાદ વકર્યો છે. કોંગ્રેસ આતંકવાદનો ઉપયોગ કરી મતોનું રાજકારણ રમે છે.આ પ્રસંગે સાંસદ નટુજી ઠાકોર, જયશ્રીબેન પટેલ, મંત્રી રમણભાઇ વોરા, પ્રદેશ મહામંત્રી શંકરભાઇ ચૌધરીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. આ જિલ્લા કારોબારી બેઠકમાં કેન્દ્રની યુ.પી.એ. સરકારની નિષ્ફળતાઓ, મોંઘવારી, દેશમાં નકસલવાદીઓ અને માઓવાદીઓનું શાસન ચાલી રહ્યું છે. પ્રજાને ગુમરાહ કરવા કેન્દ્ર સરકાર સી.બી.આઇ.નો દુરુપયોગ કરી ગુજરાતને બદનામ કરવાની કામગીરી કરી રહી છે જેની સામે ઠરાવ કરી કેન્દ્ર સરકારની નિતીની ટીકા કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લાના ભાજપના ધારાસભ્યો, નર્મદાના ડીરેકટર વસંતભાઇ રાવલ, અંબાલાલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, રૂપલ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નિતીનભાઇ પટેલ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઇ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લા ભાજપની આ કારોબારીમાં પૂર્વ સાંસદ જયંતિભાઇ બારોટનું આગમન થયું ત્યારે કારોબારીમાં આભારવિધિ પૂર્ણતાને આરે હતી. જ્યારે અન્ય કામોને કારણે શહેરી વિકાસમંત્રી નીતિનભાઇ પટેલ અને પૂર્વ સાંસદ પુંજાજી ઠાકરો હાજર રહ્યા ન હતા.


35 હજાર ભૂતપૂર્વ સૈનિકોના પેટ પર સરકારી લાત ?

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતામંડળે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર આવેલા ટોલ પ્લાઝા પરથી ભૂતપૂર્વ સૈનિકોને હટાવીને તેમના સ્થાને ખાનગી કંપનીઓને હરાજીથી કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે લગભગ 35 હજાર જેટલા ભૂતપૂર્વ જવાનોની નોકરી ખતરામાં પડશે.હાલ, લગભગ 25 હજાર જેટલા જવાનો ટોલ ઉઘરાવવા તથા 10 હજાર જેટલા જવાનો ટોલ પ્લાઝા પરના સામાન સહિતની અન્ય બાબતોમાં એનએચએઆઇને સહયોગ આપે છે. વર્ષ 2004ની સાલથી ભૂતપૂર્વ સૈનિકો ટોલ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. લગભગ 50 જેટલા ટોલ પ્લાઝા માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે.


દુનિયાનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન

જ્યારે સિરિમાવો ભંડારનાયકેના વડાપ્રધાન બનવાના સમાચાર આવ્યા, ત્યારે દુનિયામાં આશ્ચર્યની એક લહેર દોડી ગઈ હતી. તેમની અંગ્રેજી સાદી, પરંતુ પ્રભાવશાળી હતી. તેમના વિચારો ઊંચા હતા અને અઘરા મુદ્દાઓને સમજવાની ક્ષમતા તેના કરતાં પણ વધુ તેજ હતી. વડાપ્રધાનના સ્વરૂપમાં તે લોકોના આશ્ચર્ય વચ્ચે ઝડપથી સફળ થઈ રહ્યાં હતાં.ચાલુ મહિનામાં એ ઘટનાને પચાસ વર્ષ થઈ જશે જ્યારે દુનિયાએ પ્રથમ વખત એક મહિલા વડાપ્રધાન જોયા હતા. ‘ભંડારનાયકેને ગોળી મારી’ આ સમાચાર જ્યારે મેં વાંચ્યા હતા ત્યારે હું લગભગ ૧૪ વર્ષનો હતો. શ્રીલંકા અંગે ઘણું ઓછું જાણતો હતો. દુનિયાએ પ્રથમ વખત તે દ્વીપની બહાર એ મહિલાનું નામ સાંભળ્યું હતું. ભારતે તેમને પતિની સાથે દિલ્હી અને બૌદ્ધ ધર્મસ્થળોમાં ફરતા જોયાં હતાં. એસ.ડબલ્યુ.આર.ડી. ભંડારનાયકે ઉચ્ચ વિચારો ધરાવતા હતા. જેના વપિરીત તેમનાં પત્ની અત્યંત શાંત અને ધરતી સાથે જોડાયેલાં હતાં.કોલંબોથી જ્યારે આ સમાચાર આવ્યા કે એસ.ડબલ્યુ.આર.ડી. ના અચાનક નિધનથી પેદા થયેલા શૂન્યાવકાશને ૪૪ વર્ષનાં ગંભીર અને સૌમ્ય સિરિમાવો ભંડારનાયકે જ ભરશે, ત્યારે દુનિયામાં આશ્ચર્યની એક લહેર દોડી ગઈ હતી. તે કેવી રીતે સંભાળશે? પરંતુ લોકોના આશ્ચર્ય વચ્ચે નવાં વડાપ્રધાન વિચાર-વિમર્શમાં પોતાને ગોઠવી રહ્યા હતા. તેમની અંગ્રેજી સાદી, પરંતુ પ્રભાવશાળી હતી. તેમના વિચારો ઊંચા હતા અને અઘરા મુદ્દાઓને સમજવાની ક્ષમતા તેના કરતાં પણ વધુ તેજ હતી. વડાપ્રધાનના સ્વરૂપમાં તે લોકોના આશ્ચર્ય વચ્ચે ઝડપથી સફળ થઈ રહ્યાં હતાં. તેમનું પ્રારંભિક અને અમિટ છાપ છોડનારું કામ એ તેમનો બોધ હતો કે, સરકાર, કૂટનીતિ અને રાજકીય નેતૃત્વમાં સૌથી વિશ્વસનીય માર્ગદર્શક તમારી અંદરની સમજદારી અને અંતર્બોધ જ હોય છે. ૧૯૬૨ના એશિયા અને ‘નામ’ દેશોના સંમેલનમાં વિશ્વમાં સિરિમાવો ભંડારનાયકેની શું ભૂમિકા હશે તે અંગે લોકો આશંકિત હતા. જ્યારે ચીને ભારત-ચીન સરહદ પર યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી તો આશા હતી કે સરહદ વિવાદનો ઉકેલ લાવવાનો સવાલ તો ઊભો થશે જ, પરંતુ આમ થયું નહીં. સિરિમાવોને વડાપ્રધાન બને ત્યારે હજુ માત્ર બે વર્ષ જ થયાં હતાં. તેમણે બીજા પાંચ ‘નામ’ દેશો બમૉ, કંબોડિયા, ઘાના, ઇન્ડોનેશિયા અને યુનાઈટેડ અરબ રિપબ્લિકને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવા બોલાવ્યા. એક ‘કોલંબો પ્રસ્તાવ’ રજૂ કર્યો, જેને ભારતે સ્વીકાર્યો. ભારતે એ પણ જોયું કે સિરિમાવો શ્રીલંકામાં રહેતા ભારતીય મૂળના ‘રાજ્યવિહોણા’ તમિલોના મુદ્દે ઘણા ગંભીર છે. વડાપ્રધાન નેહરુ એવું કહેતા હતા કે તેઓ શ્રીલંકાના રહેવાસી છે અને તેમણે ત્યાં જ રહેવું જોઈએ. ૧૯૬૪માં સિરિમાવો અને ભારતના નવા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી વચ્ચેની વાટાઘાટો બાદ સિરિમાવો-શાસ્ત્રી કરાર થયો. આ કરાર અનુસાર વસ્તીને બે ભાગમાં વહેંચવામાં આવે. એક ભાગનો સ્વીકાર શ્રીલંકાની સરકાર કરે અને બાકીના લોકોને ભારત મોકલવામાં આવે. કોણ રોકાશે અને કોણ ભારત પાછું જશે એ નિર્ણય લોકોની ઇચ્છા પર હતો. પરંતુ ત્યાં રોકાવા માગતા લોકોનો કવોટા જલદીથી ભરાઈ ગયો અને આ કરારનો કોઈ અર્થ રહ્યો નહીં.

ત્યાર બાદ ફરી બીજો કરાર થયો, જે અનુસાર શ્રીલંકા અને ભારતે બચી ગયેલા લોકોને અડધા-અડધા વહેંચી લીધા.આ બંને કરાર અને કાચ્ચાતિવુ દ્વીપ અંગે લીધેલા નિર્ણયોથી એ સ્પષ્ટ થતું હતું કે દુનિયાની પ્રથમ મહિલા વડાપ્રધાન પોતાના ભારતીય સાથીદાર સાથે કોઈ ‘વરિષ્ઠ’ વડાપ્રધાન જેવા આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ રહી હતી. સિરિમાવો ભંડારનાયકેનું વડાપ્રધાનપદ લગભગ ત્યારે છૂટયું જ્યારે ૧૯૭૭ની કટોકટી બાદ ભારતમાં ઇન્દિરા ગાંધીનો સમય આવ્યો હતો. પરંતુ જે જનતાએ સિરિમાવો વિરુદ્ધ મત આપીને તેમને સત્તાની બહાર ફેંકી દીધાં હતાં, તે જ જનતાએ તક મળતાં તેમને પાછા સત્તામાં બેસાડ્યાં હતાં. ઇન્દિરા ગાંધી સાથે પણ આમ જ બન્યું. બંને માથું ઊંચું કરીને ફરી વડાપ્રધાન બન્યાં.
અહીં મને યાદ આવે છે કે સિરિમાવોનું ઊંચું માથું અને પહોળું કપાળ અસાધારણ હતું અને તેમનો ચહેરો એવો હતો કે કોઈ પણ તેમને જોયા બાદ એમ કહ્યા વગર નહીં રહે કે ‘કેવું ગજબનું વ્યક્તિત્વ છે’. ભારતના હાઈ કમિશનર નિમાયા બાદ તેમણે મને તેમના રોજમીડ પેલેસવાળા ઘરે બોલાવ્યો હતો. તે થોડા નબળા દેખાતાં હતાં, પરંતુ તેમના માથાની ચમક યથાવત્ હતી. તેમનો અવાજ જોકે સોમ્ય હતો, પરંતુ તેમાં પણ એક ગૂંજ હતી. ‘દિલ્હીની શું સ્થિતિ છે?’ આ સવાલના ઘણા અર્થ હોઈ શકે છે. પછી વાતચીતનો મુદ્દો કોલંબોમાં ભારતીય હાઈ કમિશનરના ઘર તરફ વળી ગયો. મેં તેમને મારા ઘરે આવવા આમંત્રણ આપ્યું જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. પરંતુ ભાગ્યમાં આ લખ્યું ન હતું. ૧૦મી ઓક્ટોબરના રોજ મારા આમંત્રણ પછીના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમનું મોત થયું. મતદાનનો દિવસ હતો. મત આપીને તેઓ પાછા ફરી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ તે અચાનક બીમાર પડી ગયાં, પરંતુ મોડું થઈ ગયું હતું. મારા મતે એ ઉચિત જ હતું કે જે વ્યક્તિના મતદાનનો અધિકાર છીનવી લેવાયો હતો, તેણે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા નેતાના સ્વરૂપમાં મત આપ્યા બાદ જ પોતાની રાજકીય કેરિયરને પૂર્ણવિરામ લગાવ્યું. તેમની મોટી પુત્રીએ જણાવ્યું કે, તેમની આંગળી પર મતદાનની શાહી એકદમ તાજી હતી. નાની પુત્રી રાષ્ટ્રપતિ ચંદ્રિકા ભંડારનાયકે કુમારતુંગાએ જણાવ્યું કે, તે કોઈ સાધારણ મહિલા ન હતી. સિરિમાવો જે ચૂંટણી ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહી હતી, હજુ થોડા કલાક પહેલાં જ તેમણે ત્યાં મતદાન કર્યું હતું. આવી છે લોકશાહી.


શાંતિ મેળવવા કુદરત સાથે જોડાયેલા રહો

આજે જેને જુઓ એ ચિંતિત દેખાય છે. તેનું કંઈ કારણ હોય તો વ્યક્તિ તેનો ઉકેલ પણ શોધી કાઢે, પરંતુ બાબત એક કરતાં વધુની છે. એક કારણ એ છે કે આપણે કુદરતથી કપાયેલા રહીએ છીએ. કુદરત સાથે જોડાયેલા રહેવામાં શાંતિ છે. આ દુનિયા સાથે આપણો પ્રથમ સંબંધ બનાવ્યો છે આપણને જન્મ આપનારી માતાએ. ધરતી પ્રકૃતિનું પ્રતિનિધિ સ્વરૂપ છે અને આ બંનેનું સાકાર સ્વરૂપ છે ગાય. વર્તમાનમાં ત્રણે માતાઓ તેમના જ પુત્રોના સ્વાર્થ અને સંવેદનહીનતાનો ભોગ બની રહી છે.પહેલાં ગૌસેવાની વાત સમજીએ. અહીં કોઈ પશુપ્રેમની વાત નથી. હું થોડા દિવસ અગાઉ રાજસ્થાનના પંચમેઢા ગામ ગયો હતો. અહીં દુનિયાની સૌથી મોટી ગૌશાળા જોઈને એ સ્પષ્ટ થઈ ગયું કે ગાયની હાજરી આપણને જન્મ આપનારી મા અને સમગ્ર પ્રકૃતિ સાથે જોડી દે છે. સંત દત્તશરણાનંદજી અને તેમની પ્રેરણાથી બાલ વ્યાસ રાધાકૃષ્ણજીએ ધરતી પર સ્વર્ગ ખડું કર્યું છે. દોઢ લાખ ગાયોની સેવા, જેમાં રોજ રૂ.૭-૮ લાખનો ખર્ચ આવે છે, એ કોણ ઉઠાવતું હશે? આ બાબત એક ચમત્કાર અને રહસ્ય બંને છે.
ગાયની આંખોમાં નજર નાખીને ઊભા રહીએ તો ધ્યાન બીજે જતું રહે છે. યોગીઓનો દાવો ખોટો નથી કે જો ધ્યાનમાં બાધા આવે તો આંખો બંધ કરીને તમને જન્મ આપનારી માને યાદ કરો, સાચું પરિણામ મળવા લાગશે. પૃથ્વીના ખોળામાં બેસીને તો તન, મન, ધન ત્રણેનો આનંદ સરળતાથી મળી જ જાય છે. ત્રણેય પ્રત્યેનો સદભાવ અને સેવા કોઈ એક ધર્મની વાત નથી, સમગ્ર જીવન સાથે જોડાવાનો વિષય છે. જેમની પાસે આ ત્રણેના આશીર્વાદની મૂડી હશે, તેમની પાસે શાંતિના ખજાનાની ચાવી રહેશે.

No comments:

Post a Comment