21 July 2010

આણંદ:જ્યોતિષશાસ્ત્રના આધારે કરાયેલી આગાહી : ઓગસ્ટ માસમાં તા.૧૮થી ૨૫ સુધી ભારે વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આણંદ:જ્યોતિષશાસ્ત્રના આધારે કરાયેલી આગાહી : ઓગસ્ટ માસમાં તા.૧૮થી ૨૫ સુધી ભારે વરસાદ

મહેસાણા, બનાસકાંઠા, પાટણ તથા સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત પંથક અડધો જુલાઇ થવા છતાં અપુરતા વરસાદથી સુકાઇ રહ્યો છે ત્યારે હજુ કેટલાક વધુ દિવસો સુધી આ જ સ્થિતિ યથાવત રહે એવા સંજાગો ઉભા થયા છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના મધ્ય ભાગમાં ભારે વરસાદ અને તે પૂર્વે ઓછા વરસાદવાળા દિવસો રહેશે એવી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જયોતિષશાસ્ત્રના આધારે અગાહી કરાઇ છે.ચોમાસાના પ્રારંભે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે ઓગસ્ટ મધ્યમાં માસમાં ભારે વરસાદ થાય એમ છે. ઉ.ગુમાં જુન માસમાં સરેરાશ ૬ મીમી, જુલાઇ માસમાં ૨૩૦ મીમી, ઓગસ્ટ માસમાં ૩૭૦ મીમી, સપ્ટેમ્બરમાં ૧૫૦ મીમી તથા ઓક્ટોબર માસમાં સરેરાશ ૩૫ મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે.ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટ માસમાં ૧૮થી ૨૫મી તારીખ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.વરસાદ અંગે જયોતિષશાસ્ત્રી લક્ષ્મીકાંત ચિમોટ તથા તેમના સહયોગીઓએ કરેલા વરતારા મુજબ બનાસકાંઠા જિલ્લામાં જુન માસમાં ૧થી૫ મીમી જેટલા ઓછા વરસાદવાળા ચાર દિવસ, જુલાઇ માસમાં ઓછા વરસાદવાળા આઠ દિવસ જ્યારે ૬થી ૨૪ મીમી જેટલા મધ્યમ વરસાદવાળા ૨૧ દિવસ છે. ઓગસ્ટમાં ૨૫થી ૫૦ મીમી જેટલા ભારે વરસાદવાળા પાંચ દિવસો છે.જ્યારે ઓછા વરસાદના પાંચ તથા મધ્યમ વરસાદના ૨૧ દિવસોની શક્યતા છે. સપ્ટેમ્બરમાં બે દિવસ ભારે વરસાદ તથા સાત દિવસ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.


વરસાદી રોગચાળો વકર્યો, તાવ, શરદી અને ઝાડા-ઊલટીના વધતા કેસ.

મહાપાલિકાના દવાઓ વેચી મારવા જેવા વહીવટમાં જ રચ્યા પચ્યા રહેતા આરોગ્ય વિભાગના પાપે વરસાદી રોગચાળો બેકાબૂ બનીને પ્રસરી રહ્યો છે. આરોગ્ય તંત્રના પાપે જ આજે રાજારામ સોસાયટીમાં રહેતી ૨પ વર્ષીય યુવતી સોનલ જયેશભાઇ કણઝારિયા ડેંગ્યૂના ભરડામાં આવી જતાં આજે તેનું મૃત્યુ નિપજ્યું હતું.રોગચાળાના આંકડા છુપાવી કામચોરી છતી ન થાય એવા પ્રયાસ કરવામાં માનતા આરોગ્ય વિભાગના અધિકારીઓ સબ સલામતની ઘીસીપીટી કેસેટ વગાડી રહ્યા છે ત્યારે બીજીબાજુ રોગચાળો અજગર ભરડો લઇ રહ્યો છે. રોગચાળામાં આજે વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. જેમાં રાજારામ સોસાયટીમાં રહેતી સોનલ જયેશભાઇ કણઝારિયા(ઉ.વ.૨પ) નામની યુવતીને છેલ્લા ઘણા સમયથી તાવ આવતો હતો.તે જામનગર કોઇ કામસર ગયા બાદ પરત આવતા તાવ ચડ્યો હતો અને શરીર પીળું પડવા લાગતા હોસ્પિટલે ખસેડવામાં આવેલ. સોનલને કમળો થયાના અનુમાન સાથે તબીબી પરીક્ષણ કરાતાં ડેંગ્યૂના કારણે રક્તકણ ઘટી જતા કમળો થઇ ગયાનો રિપોર્ટ આવ્યો હતો. ડેંગ્યૂની અસરતળે સારવાર હેઠળ રહ્યા બાદ આજે તેનું મોત નિપજ્યું હતું.બીજીબાજુ સતત વરસાદી માહોલના કારણે તાવ, શરદી અને ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ૧૭૧પ જેટલા તાવના કેસ નોંધાયા છે. જ્યારે ૮૦૦થી વધુ ઝાડા-ઊલટીના કેસ છે.દર્દીઓથી ઊભરાતા શહેરના દવાખાના - આરોગ્યતંત્રની બેદરકારીના કારણે રોગચાળાએ માથું ઊંચકતા જ ઘરે-ઘરે માંદગીના ખાટલા મંડાયા છે ત્યારે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઇ રહ્યા છે. આમ છતાં આરોગ્યતંત્ર સબસલામતના બણગા ફૂંકી રહ્યું છે.


પાણીના પાઉચ પકડાવીને પાણીકાપનો વિરોધ

મનપાના જનરલ બોર્ડમાં વપિક્ષ કોંગ્રેસે મેયર-અધિકારી સહિતનાને પાણીના પાઉચ આપી ગાંધીગીરી કરી.મનપાએ ભરચોમાસે ઝીંકેલા પાણીકાપને માત્રને માત્ર શાસકોની જ નબળાઇ હોવાના રોષ સાથે આજે વિપક્ષ કોંગ્રેસે જનરલ બોર્ડમાં અધ્યક્ષ મેયર સહિતનાને મંચ પર જઇ પાણીના પાઉંચ આપી પાણીકાપનો ગાંધીગીરીપૂર્વક વિરોધ કર્યો હતો. તમામ કોંગી નગરસેવકો પાણીના પાઉંચ લઇને આવ્યા હતા અને ભરી સભામાં અધ્યક્ષ ઉપરાંત ડેપ્યુટી મેયર અને ડે. કમિશનર સહિતનાને પાણીના પાઉંચ આપતા આ તમામના ચહેરા પરથી પાણી ઉતરી ગયું હતું!આજે યોજાયેલી મહાપાલિકાની સંભવત: ચૂંટણી પૂર્વેની આખરી સામાન્ય સભામાં વિપક્ષી નેતા નરેન્દ્રસિંહે પાણી અંગેનો સવાલ મૂક્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, કરાર મુજબ રાજકોટને નર્મદાનો કેટલો જથ્થો મળવાપાત્ર છે? તેના માટે રાજકોટ મહાપાલિકા કેટલા રૂપિયા ચૂકવે છે. જવાબમાં મ્યુનિ. કમિશનરની અવેજીમાં જનરલ બોર્ડ ચલાવનાર ડેપ્યુટી મ્યુ. કમિશનર મહેતાએ કહ્યું હતું કે, આજી માટે ૪પ એમએલડી મળવાપાત્ર છે. તેની સામે પ૮.પ૦ એમએલડી સુધી ૧૦૦૦ લિટરે રૂ. ૬ અને તેનાથી વધુ જથ્થો લેવામા આવે તો વધારાના પ્રત્યેક ૧૦૦૦ લિટરે બમણો એટલે કે રૂ. ૧૨ લેખે ચાર્જ ચૂકવવાનો રહે છે.આવી જ રીતે રૈયાધાર ફલ્ટિર પ્લાન્ટ પર ૩૦ એમએલડી મળવાપાત્ર છે અને ૪પ એમએલડી સુધી દર ૧૦૦૦ લિટરે રૂ. ૬ અને તેનાથી વધુ જથ્થો લેવામાં આવે તો વધારાના પ્રત્યેક ૧૦૦૦ લિટરે રૂ. ૧૨ ચૂકવવાના થાય છે. દરમિયાન આ અગાઉ શાસકોએ એવી જાહેરાત કરી હતી કે, જળાશયોમાં જ્યાં સુધી નવાં નીર નહીં આવે ત્યાં સુધી પાણીકાપ નહીં જ. આ જાહેરાત શાસકોને યાદ કરાવી વપિક્ષની છાવણીમાંથી કટાક્ષોનો હલ્લો કરી વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, અન્ય કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી, નવનીત વ્યાસ, દીપસિંહ ભટ્ટી, પ્રવીણ સોરાણી, દેવજીભાઇ ખીમસુરિયા સહિતના અધ્યક્ષના મંચ પર દોડી આવ્યા હતા અને પાણીકાપના વિરોધમાં કરવા માટે જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર સંધ્યાબેન, ડેપ્યુટી મેયર વલ્લભભાઇ દૂધાત્રા, ડેપ્યૂટી કમિશનર મહેતા સહિતનાને પાણીના પાઉંચ આપી આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવ્યો હતો. બાદમાં સભા મંચ પરથી પાણીકાપ દૂર કરોના નારા લગાવી જનરલ બોર્ડ ગજાવવામાં આવ્યું હતું.


ભાવનગર : વિદ્યા લક્ષ્મી યોજનાની રકમ માટે બાલિકાઓને ધરમધકકા

ભાવનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તાજેતરમાં સરકારની ‘વિદ્યા લક્ષ્મી’ યોજના નીચે રૂ.૧૦૦૦/-ની પાકતી મુદ્દતનાં નર્મદા સરોવાર નિગમ લી.ના બોન્ડ આપવામાં આવેલ. તેમજ ભાવનગરની અમુક બેન્કો દ્વારા મહિલા અને પુરૂષ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં લોન સહાય ન આપવા પોતાની મનમાની ચલાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એક બાજુ સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં બાલીકાઓ માટે જુદી-જુદી સમૃધ્ધી યોજનાઓ અમલમાં મુકી રહ્યા છે ત્યારે તે સામે જવાબદાર અધિકારીઓ, વહીવટદારો આંખ આડા કાન કરતા હોવાથી ટીકાસ્પદ બનેલ છે. ભાવનગર તાલુકાના તમામ ગામડાઓમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને ગત તા.૧૨/૭/૨૦૦૩નાં સરકારની વિદ્યા લક્ષ્મી યોજના અંતર્ગત રૂ.૧૦૦૦ની પાકતી મુદ્દતનાં નર્મદા સરોવાર નિગમ લી.નાં બોન્ડ અપાયા છે તે રકમ મેળવવા વાલીએ પ્રાથમિક શાળાઓ, પંચાયત, જિલ્લા પંચાયત તેમજ શિક્ષણ વિભાગમાં ધકકાખાઇ થાકી ગયા છે.બીજી બાજુ ભાવનગર શહેરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. તેમાં ભાવનગરની અનેક બેન્કો દ્વારા મહિલા અને પુરૂષ લાભાર્થીઓને લોન સહાય ન આપવા પોતાની મનમાની ચલાવાય છે અને માર્ચ-૨૦૧૦થી જુલાઇ ૨૦૧૦ સુધીના ફોર્મ બેન્કમાં પેન્ડીંગ છે જે માટે લાભાર્થીઓ લોનની રાહ જોઇ રહ્યા છે. દરેક બેન્કોમાં રૂ.૨૫ હજારથી ૨૫ લાખ સુધીની લોન-સહાયનાં ફોર્મ ૯ થી ૧૦ બેન્કોમાં દરેક બેન્કમાં ૨૦૦ થી ૩૦૦ ફોર્મ પેન્ડીંગ પડ્યા છે. જે બાબતે યોગ્ય કરવા માટે ભાજપ યુવા ગ્રુપનાં મંત્રીએ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવાયું છે.


ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદે સતત ચોથી ટર્મ માટે ડૉ.રાણીંગા બિનહરીફ

પૂર્વમાંથી ભરતભાઈ બુધેલીયા, ઈકબાલ ખોખર અને પશ્ચિમમાં સહદેવસિંહ ઝાલા, જયોતિબેન બારૈયા પ્રદેશ ડેલીગેટ તરીકે ચૂંટાયા.ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની આજે ચૂંટણી થતાં પૂર્વ ધારણામુજબ જ ડૉ. ડી.બી. રાણીંગા સામે કોઈએ ઉમેદવારી નહીં નોંધાવતા શહેર પ્રમુખપદે ડૉ.રાણીંગા સતત ચોથી ટર્મમાં બિનહરીફ વિજેતા થતા તેઓને કોંગી આગેવાનો-કાર્યકરોએ હર્ષભેર વધાવી લીધા હતા. ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખની ચૂંટણી માટે દોડાદોડ શરૂ હતી જેનો આજે અંત આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ વિધાનસભા તેમજ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ ચાર પ્રદેશ ડેલીગેટ તથા વોર્ડ પ્રમુખોની ચૂંટણીની કાર્યવાહી આજે સવારે ૧૦.૩૦ કલાકે સરકીટહાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના ડિસ્ટ્રિક્ટ રીટન¾ગ ઓફીસર બદરૂદ્દીનભાઈ શેખની ઉપસ્થિતિ તેમજ ચૂંટણી અધિકારીઓ રમણીકભાઈ પંડયા અને પ્રકાશભાઈ વાઘાણીની હાજરીમાં હાથ ધરાઈ હતી.જેમાં ભરતભાઈ બુધેલીયાએ પ્રમુખ તરીકે ડૉ.ડી.બી. રાણીંગાના નામની દરખાસ્ત કરતા તેની સામે કોઈ પ્રતિ દરખાસ્ત ન આવવાથી અને અનિરૂદ્ધસિંહ ગોહિલે ટેકો આપતા ડૉ.રાણીંગા સતત ચોથી ટર્મ માટે બિનહરીફ વિજેતા થયા હતા. જ્યારે પશ્ચિમ મત વિસ્તારમાંથી સહદેવસિંહ ઝાલા અને જયોતિબેન બારૈયા તેમજ પૂર્વમાં ભરતભાઈ બુધેલીયા અને ઈકબાલ ખોખરની પ્રદેશ ડેલીગેટ તરીકે સવૉનુમતે વરણી કરવામાં આવી હતી. પૂર્વમાં પ્રદેશ ડેલીગેટ તરીકે કિરણ ગાંધીએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ મહાપાલિકાની ચૂંટણીમાં સંગઠનને તેના લાભ મળે તે હેતુથી કિરણભાઈએ દાવેદારી પ્ પાછી ખેંચી હોવાનું કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે.જોકે, ભરતભાઈ બુધેલીયા પણ હાલમાં મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા અને નગરસેવકની ફરજ બજાવે છે ત્યારે તેઓને ડેલીગેટ તરીકે નિયુક્ત કરાતા કાર્યકરોમાં ચર્ચા જાગી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખની આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી તા.૨૨ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે માજીરાજ ગેસ્ટહાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી યોજાશે. જેમાં ૧૫૦ મતદારો મતદાન કરી પ્રમુખની નિયુક્તિ કરશે અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જુનાગઢના માજી ધારાસભ્ય ભીખાભાઈ જોષી હાજર રહેશે. પરંતુ શહેરની જેમ જિલ્લા કોંગ્રેસમાં પણ પ્રમુખપદે મેહુરભાઈ લવતુકા બિનહરીફ પુન:નિયુક્ત થાય તેવી પૂરી શક્યતા રાજકીય વર્તુળો સેવાઈ રહી છે.


જામનગર : ઝેરી ટીકડી ખાઇ તરુણનો આપઘાત

જામજોધપુરમાં રહેતા લુહાર તરૂણે ઝેરી દવાની ટીકડી ખાઇ જતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. ટીવી જોતી વખતે ભાઇ સાથે થયેલા ઝઘડાના કારણે તરૂણે આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે.જામજોધપુરમાં કડીવાડના નાકા પાસે રહેતા લખન હરેશભાઇ પરમાર નામના સતર વર્ષના તરૂણે ગત તા.૧૫ના રોજ ઝેરી દવાની ટીકડી ખાઇ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.ભોગ બનનાર અને તેના ભાઇ વચ્ચે ટીવી જોવા બાબતે ઝઘડો થયો હતો. તે અંગે માઠુ લાગી આવતા તેણે આ પગલું ભર્યાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. જામનગરના ખોજાવાડ વિસ્તારમાં રહેતી રેશ્માબેન મહેબુબભાઇ નામની પરિણીતા પોતાના ઘરે સ્વીચ ચાલુ કરવા જતાં વીજશોક લાગતા સારવાર અર્થે જી.જી.માં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાનું પોલીસ મથકે જાહેર થયું છે.



કલ્યાણપુર : વીજ વાયર પર વીજળી પડતા નજીકના જ એક્સચેન્જમાં વ્યાપક ક્ષતિ.

કલ્યાણપુરમાં વીજ તાર પર પડેલી વીજળીના કારણે નજીકના ટેલીફોન એકચેન્જમાં શોર્ટસર્કિટથી થયેલી વ્યાપક ક્ષતિના કારણે છેલ્લા ત્રણ દિવસથી તાલુકા મથક સંદેશાવ્યવહાર વિહોણું થઇ ગયું છે. તંત્રએ કોઇ દરકાર નહી લેતા લોકરોષ ભભૂકી ઉઠયો છે.
ગત શનિવારે પડેલા વરસાદની સાથે વિજપોલ પર વીજળી પણ પડી હતી. જેના કારણે નજીકમાં રહેલા ટેલીફોન એક્સચેન્જમાં વ્યાપક ક્ષતિ થવા પામી હતી. વીજળી પડતા જ ટેલીફોન મથકમાં થયેલી શોર્ટસર્કિટથી જીવાદોરી સમાન તમામ કાર્ડ તથા પાવર પ્લાન્ટનું મોડલ બળી ગયું હતું. શનિવારે સાંજે ૬ વાગ્યાના આ બનાવ બાદ તાલુકા મથકનો સંદેશા વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેના કારણે જીએસએમ, બ્રોડબેન્ડ, લેન્ડલાઇન અને ફેકસ સહિતની સુવિધાઓ ગાઠીયા જેવી સાબિત થઇ હતી. આ સમસ્યાના ત્રણ દિવસ બાદ તાત્કાલિક અસરકાર પગલા ભરવામાં સ્થાનિક તંત્ર ઉણું ઉતરતા તાલુકા મથક દુનિયાથી વિખુટું પડી ગયું છે.

જુનાગઢ મનપાના ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની મુદ્દત પૂર્ણતાના આરે

જુનાગઢ મનપામાં કોંગ્રેસે સત્તાનાં સૂત્રો સંભાળ્યાને પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન માટે માસનાં અંતમાં ચૂંટણી યોજાશે. જો કે, આ બન્ને હોદ્દાઓ માટે કાર્યકરોની મિટિંગ યોજી સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. હાલ પદાધિકારીઓ ફરી રીપીટ થાય તેવી સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી હતી.જુનાગઢ મનપાની બીજી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા હાંસલ કર્યાને જુલાઇ માસમાં એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે ડે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેનની એક વર્ષની મુદ્દત પણ પૂર્ણતાનાં આરે છે. ત્યારે સંભવત ૨૯મીનાં રોજ બોર્ડમાં ચૂંટણી યોજાશે. આ અંગે શહેર પ્રમુખ પ્રવિણ ટાંકે કહ્યું કે, ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો, સ્થાનિક કાર્યકરો વગેરેની એક મિટિંગ યોજીને સર્વ સંમતીથી નામો નક્કી કરી લેવામાં આવશે. હાલનાં ડે.મેયર ગિરીશ કોટેચા અને સ્ટેન્ડીંગ ચેરમેન ભગાભાઈ રાડા રીપીટ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.


દેલવાડાના વેપારીની દુકાનમાંથી રેશનિંગના ઘઉંનો લોટ મળ્યો

ઊના પંથકમાં રેશનીંગનો માલ વ્યાપક પ્રમાણમાં બારોબાર વેંચાતો હોવાની બુમ ઉઠી હતી. જેનાં આધારે ગાંધીનગર પૂરવઠા વિભાગનાં અધિકારી તથા ઊનાના અધિકારીઓએ દેલવાડામાં સોમનાથ ટ્રેડીંગ ક.નામની પેઢીમાં દરોડો પાડતાં બીપીએલ કાર્ડ ધારકોને એટલે ગરીબી રેખા હેઠળ જીવાતા લાકોને આપવા માટેના ઘંઉના લોટનાં ૩૦ કટ્ટાઓ મળી આવ્યા હતા. આ અંગે આજે ઊના મામલતદાર કે.કે.હંસરાજાણીએ દુકાનના માલિક કિશોર રેવાચંદ કોટક વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૫૫ અન્વયે કલમ ૩,૭ મુજબ ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, આ સોમનાથ ટ્રેડીંગ કંપનીના કિશોરભાઈના ભાઈ નરેન્દ્ર રેવાચંદ કોટક દેલવાડામાં રેશનીંગ દુકાનનું લાયસન્સ ધરાવે છે. ગરીબોને મોઢે જતો ઘંઉનો જથ્થો ઝડપાયો છે.


સૌરાષ્ટ્રમાં મંગળવારે ત્રણ ઈંચ વરસાદ


સૌરાષ્ટ્રમાં મંગળવારે પણ છુટાછવાયા સ્થળે ઝાપટાંથી માંડી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ઝાલાવડમાં દિવસ દરમિયાન ક્યાંય પણ વરસાદ પડ્યો હોય તેવા અહેવાલ નથી. કાઠિયાવાડના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોય વધુ વરસાદ પડે તેવી સંભાવના છે.ઝાલાવડમાં થાન અને હળદવ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વઢવાણ, ચોટીલા, સાયલા, ધ્રાંગધ્રા વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. હળવદમાં ત્રણ જગ્યાએ વીજળી પડતા ત્રણ પશુના મોત થયા હતા. સોરઠના ૧૩ તાલુકાઓમાં ઝાપટાંથી માંડી બે ઈંચ વરસાદ થયો હતો. સૌથી વધુ કોડીનારમાં ૫૦ મી.મી. પાણી પડ્યું હતું.જ્યારે મેંદરડામાં પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત તાલાલા, વેરાવળ અને માંગરોળમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સૂત્રાપાડા, વંથલી, માણાવદર, માળિયાહાટીના અને વિસાવદરમાં ઝાપટાં પડ્યા હતા. રાજકોટ જિલ્લામાં એકમાત્ર જસદણ શહેર અને આસપાસના વિસ્તારમાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે જસદણ શહેરને પાણી પૂરું પાડતા આલણસાગર તળાવમાં વધુ એક ફૂટ પાણી આવ્યું હતું. પોરબંદર શહેર અને સમગ્ર જિલ્લામાં સવારથી મોડીસાંજ સુધી રીમઝીમ વરસાદ થયો હતો. અને પોરબંદર, રાણાવાવ વિસ્તારમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.અમરેલી જિલ્લામાં બાબરા શહેરમાં બે ઈંચ, જ્યારે અમરેલીમાં એક ઈંચ નોંધાયો હતો. જાફરાબાદ અને લીલિયામાં પણ એક ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ખાંભા અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ થયો હોવાના એંધાણ મળે છે. સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ધારીમાં ઝાપટાં પડ્યા હતા. ગોહિલવાડમાં પણ હળવા ભારે ઝાપટાંથી લઈ એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ઉમરાળા શહેર અને તાલુકામાં પોણોથી એક ઈંચ જ્યારે બોટાદ, મહુવા અને ગઢડામાં ઝાપટાં પડ્યા હતા.બચવા માટે ઝાડ નીચે ઊભેલી યુવતી પર વીજળી પડી - લાઠી તાલુકાના અકાળા ગામની સીમમાં વાડીએ કામ કરતી કોળી યુવતી અંજુબેન જયંતીભાઇ ઝીંઝુવાડિયા વીજળીના કડાકા-ભડાકા થતાં વીજળી પોતાના પર ન પડે તે માટે દોડીને ઝાડ નીચે ઊભી રહી ગઇ હતી. જો કે આ સમયે વીજળી ઝાડ પર પડી હતી અને નીચે ઊભેલી અંજુબેન પર પણ ત્રાટકતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.



પોરબંદર, રાણાવાવમાં ૧ ઇંચ, કુતિયાણામાં હળવુ ઝાપટું.

પોરબંદર શહેરમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સાથે ધીમીધારે વર્ષા ચાલુ થતા બપોર સુધીમાં એક ઇંચ જેટલું પાણી ઠાલવી દેતા એમ.જી. રોડ, સુદામાચોક, વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા ચાર થી પાંચ દિવસથી વરસાદી માહલ વચ્ચે મેઘરાજા ઝાપટુ નાખી ને હાઉકલી કરી જતા હોવાથી અસહ્ય ઉકળાટ પણ જોવા મળતો હતો. આજે ધીમીધારે સવારથી બપોર સુધી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોર બાદ પણ હળવું ઝાપટુ પડ્યું હતું અને વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.રાણાવાવ શહેરની વાત કરીએ તો ત્યાં પણ આજ સવારથી રીમઝીમ વર્ષા થતા એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જેને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીપાણી થઇ ગયા હતા. મોડી સાંજે હળવું ઝાપટુ પડ્યું હતું. કુતિયાણા તાલુકામાં સવારના ભાગે માત્ર ઝાપટુ જ પડ્યું હતું.જ્યારે બરડા પંથકના બગવદર સહિતના આસપાસના ગામોમાં પણ ધીમીધારે એક ઇંચ વરસાદ પડયો હતો. જો કે બરડા પંથકમાં બે દિવસ પહેલા બે દિવસ સુધી પાંચ થી છ ઇંચ જેવો ભારે વરસાદ પડતા નદીનાળા છલકાઇ ગયા હતા



ગાંધીયુગના ગૌરવવંતા કવિ ઉમાશંકર જોશીનું આજથી જન્મશતાબ્દિ વર્ષ

૨૦મી સદીના ગુજરાતી સાહિત્યના એક ઉન્નતશિખર, સારસ્વત અને સર્જનયાત્રા દરમિયાન વ્યક્તિ મટીને વિશ્વમાનવ બની ગયેલા સદ્ગત ઉમાશંકર જોશીની જન્મશતાબિ્દનું વર્ષ આવતીકાલથી શરૂ થશે. ૨૧ જુલાઇ ૧૯૧૧ના રોજ જન્મેલા આપણી ભાષાના ‘મેજર પોએટ’એવા ઉમાશંકરના શબ્દોના-સર્જનના ઓવારણા વાચકોએ લીધાં છે. આ મનીષી સમાન સર્જકનાં સ્મરણો રાજકોટ કે રાજકોટના કેટલાક લોકો સાથે પણ સંકળાયેલા છે. શતવાર્ષિકી નિમિત્તે તેમના સંભારણાના બાગમાંથી થોડું અત્તર.. ‘મને યાદ છે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તેમની ગોષ્ઠિ પછી પ્રશ્નોત્તર હતા. મેં પૂછ્યું કે અછાંદસ કવિતાઓનું પ્રમાણ વધ્યું છે, તમે અછાંદસ રચનાઓ અને તેવી કવિતાઓ લખનાર કવિઓ વિષે શું કહો છો? તેમણે જે ઉત્તર આપ્યો તે આજેય કાળજે કોરાયેલો છે. તેમણે કહ્યું,‘આ પ્રકાર ખેડાય તેમાં કંઇ ખોટું નથી. પશ્ચિમમાં તો વર્ષોથી લખાય છે. પરંતુ અછાંદસ લખનારે છંદ તો શિખવા જ જોઇએ. તમને ખ્યાલ તો હોવો જોઇએને કે શું તોડી રહ્યા છો? જોડતાં આવડે તો જ તોડવાની વાત હોય અને છંદ શિખ્યા પછી જે અછાંદસ લખાશે તે છાંદસ જેટલી જ અમીટ રચના હશેઅને, બીજું મારું સ્મરણ એ કે ગુજરાત-સૌરાષ્ટ્ર યુનિ.અલગ થઇ તે વખતે હું છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હતો. મને આનંદ છે કે મારા ગ્રેજયુએશનના સર્ટિફિકેટમાં ઉમાશંકરભાઇની સહી છે’ભરત યાજ્ઞિક, નાટ્યકાર-દિગ્દર્શક - ‘સર્જક તરીકે તો તેઓ ઉત્તમ હતા જ પરંતુ મેં આટલી ઇન્ટીગ્રિટીવાળા વ્યક્તિ બહુ ઓછા જોયા છે. આકાશવાણીમાં તો દરરોજ અનેક લોકો આવતા હોય પરંતુ, ઉમાશંકરભાઇ એ વ્યક્તિ હતા, જે સ્ટુડિયોમાં આવ્યા હોય ત્યારે સ્ટેશન ડિરેક્ટર પણ તેમને સામેથી મળવા આવે.

મારે તો તેમના ઘરે આવવા-જવાનો સંબંધ હતો. એક વાર મેં તેમની પાસે ઓકતોવિયો પાઝનું પુસ્તક ‘ધ સન ડાયલ’માગ્યુંતેમણે ના કહી દીધી. કહે,અહીં જ બેસીને વાચોને, મને થોડું ન ગમ્યું. પંદર દિવસ પછી હુ તેમના ઘરે ગયો. બેલ વગાડી, અંદરથી કહે કોણ? પછી પોતે બહાર આવ્યા, બારણું ખુલ્યું, તેમના હાથમાં તે પુસ્તક હતું. મને પણ થયું કે પુસ્તક ન આપવાનો તેમનો અધિકાર હતો. મને પુસ્તક આપ્યું, મેં કહ્યું, અહીં જ વાચીશ તો કહે ભાઇ હવે પૂરી કરો વાત, મારે તે જ દિવસે તમને આપવું જોઇતું હતું, કન્ફેશન માટેની એક કક્ષા તેમનામાં હતી. ‘વિરાણી સ્કૂલમાં એક કાર્યક્રમ હતો. તેમાં આપણા પરેશ ભટ્ટે તેમની રચના ગાઇ, એ સમયે તેમના ચહેરાના જે ભાવ હતા તે મને ૨૭-૨૮ વર્ષ પછી પણ સંપૂર્ણ યાદ છે. તેઓ ભાવમાં હતા રીતસર અને એકવાર અમરેલીમાં જ્ઞાનસત્ર હતું, હું ઊનાથી ત્યાં ગયો હતો. કોઇનું વકતવ્ય ચાલતું હતું. મારી નજર અચાનક છેલ્લે પડી, મંડપના ટેકાને પીઠ અડાડી તેઓ બેઠા હતા, એકધ્યાન થઇને સાંભળતા હતા. કોઇ ઓટોગ્રાફ લેવા ગયું તોય હાથ જોડીને ના કહી દીધી. મને થયું આ કક્ષાના વ્યક્તિ, અને આમ છેલ્લે બેસીને સાંભળે તે પણ આવી રીતે?’‘વિરાણી હાઇસ્કૂલમાં યોજાયેલા પ્રોગ્રામમાં પરેશ ભટ્ટે તેમની રચના ‘મારું જીવન એ જ મારી વાણી’ગાઇ. શ્રોતાઓ તાલીઓ પાડતા હતા ત્યાં જ ઉમાશંકર જોશી ઊભા થયા, પોતાના હાથમાં રહેલો હાર તેમણે પરેશના ગળામાં પહેરાવી દીધો. તેઓ ખૂબ પ્રસન્ન હતા આ ગાયનથી અને, બીજું સ્મરણ એ કે તેઓ રાજ્યસભામાં ગયા ત્યાર પછી અમદાવાદમાં તેમણે શિક્ષકો માટે એક વાર્તાલાપ યોજયો હતો,અમે તો જુનિયર હતા. ત્રીસેક લોકો હશે. નવોદિત શિક્ષક તરીકે તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો, એટલી આર્દ્ વાણી કે આજે ય એ અવાજ સ્પષ્ટ રીતે કાને પડે છે. ‘હું મારા પી.એચડી.રજિસ્ટ્રેશન માટે ગયેલો, મેં ચિઠ્ઠી મોકલી નામ વાચીને બોલાવ્યો. કહે બેસો, તમે તો શબ્દ ના કવિ ને? વાત એમ હતી કે તેમના ‘સંસ્કૃતિ’ મેગેઝિનના તે અંકમાં મારી કવિતા છપાઇ હતી. તેમને મારું નામ વગેરે યાદ હતું. અને તેઓ કાન્ત શતાબિ્દના ઉપલક્ષમાં ચાવંડ આવેલા. જૈન દેરાસર પાસે જ મારું ઘર હતું. તેઓ મિત્રો સાથે પાણી પીવા આવ્યા અને મારું ધ્યાન ગયું. મેં ઠંડું પાણી આપ્યું ત્યારે પણ તમને યાદ હતું. કહે, અહીં આવી ગયા છો? આ કોલેજમાં છો? આવાં સ્મરણો સ્થૂળ છે બાકી તો તેમના શબ્દે શબ્દે તેઓ વિધ્યમાન છે.



સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન ફકીરભાઇ વાઘેલાને હોસ્પિટલમાં ખસેડાયા

રાજ્યના સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન ફકીરભાઇ વાઘેલાની ગઇકાલે રાત્રે એક વાગ્યે અચાનક તબિયત બગડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમના પર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તેમજ ઇસીજી રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો જે નોર્મલ આવતા એન્જિયોપ્લાસ્ટિની જરૂર જણાઇ નહોતી.હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.


હાઈ ડ્રામા બાદ ચંદ્રાબાબુને આખરે આંધ્ર રવાના કરાયા

બાભળી ડેમ વિવાદમાં હાઈ ડ્રામા બાદ આખરે મંગળવારે રાત્રે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુને બળજબરીપૂર્વક વિમાનમાં બેસાડીને આંધ્ર પ્રદેશમાંરવાના કરી દીધા હતા. સવારથી ધમૉબાદના આઈઆઈટીમાંથી ઔરંગાબાદ જેલમાં લઈ જવા માટે પણ જબરદસ્ત નાટક ચાલતું રહ્યું હતું અને આખરે નાયડુને વધુ માઈલેજ લેતાં રોકવા માટે તેમની વિરુદ્ધના તમામ ગુનાઓ પાછા ખેંચીને તેમને રાતોરાત તેમના વતનમાં મોકલવાની કાળજી લીધી હતી.નાયડુ અને તેમના સમર્થકોને ઔરંગાબાદ નજીક ચિકલઠાણા એરપોર્ટ ખાતેથી બે ખાસ વિમાનો દ્વારા મંગળવારે રાત્રે હૈદરાબાદ ભેગા કરી દીધા હતા. નાયડુએ એરપોર્ટ પર આવ્યા બાદ પણ જેલમાં જ જવું છે એવો હઠ પકડી રાખ્યો હતો, પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ તેમે બળજબરીથી વિમાનમાં બેસાડી દેવાયા હતા. આ સાથે હાલપૂરતો બાભળી ડેમનો વિવાદ શમી ગયો છે.નાયડુ ગમે તે ભોગે બાભળી ડેમની મુલાકાત લેવા માગતા હતા, જ્યારે કોંગ્રેસને તે બિલકુલ મંજુર નહોતું. આંધ્રમાં ૨૭મીએ ૧૨ મતવિસ્તારમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, જે માટે સહાનુભૂતિ મેળવવા નાયડુએ આ તૂત ઘડી કાઢયું હતું. તેમને મેજિસ્ટ્રેટે ૨૬મી સુધી અદાલતી કસ્ટડી આપી હતી. આથી તેઓ તે દિવસ સુધી નાટક ચાલુ રાખવા માગતા હતા. જોકે કોંગ્રેસે તે રોકવા માટે છેલ્લી ઘડીએ બળનો ઉપયોગ કરીને નાયડુને રવાના કરી દીધા હતા.આ પૂર્વે કોંગ્રેસે નાયડુ અને તેમના સમર્થકો વિરુદ્ધ દાખલ કરેલા તમામ ગુના રદ કરવા માટે જિલ્લાધિકારીને સૂચના આપી હતી. જિલ્લાધિકારીએ નાંદેડ પોલીસને સૂચના આપતાં ધમૉબાદના મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદનામું નોંધાવીને તે માટે પરવાનગી લેવામાં આવી હતી, જેને કારણે નાયડુને મહારાષ્ટ્રમાંથી કાઢવાનો માર્ગ મોકળો બની ગયો હતો.


અમિત જેઠવાએ દીનુભાઇ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો

અમિત જેઠવાએ ૨૦૦૭માં ખાંભા-કોડીનાર મત વિસ્તારમાં ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને તે સમયે ભાજપના ઉમેદવાર દીનુભાઇ વિરુધ્ધ આચાર સંહિતાની ફરિયાદો કરેલી. સન ૨૦૦૯માં તેઓ તેમના સાળાના લગ્નમાં કોડીનાર ગયા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો અને તે અંગે તેમણે દીનુભાઇના ભત્રીજા શીવાભાઇ સોલંકી સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. તે માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી.તેમની અરજીના પગલે એ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુભાઇ સોલંકીને રૂ.૪૦ લાખનો દંડ પણ થયો હતો. અંબુજા સિમેન્ટની બે શીપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાની મહત્વની ભૂમિકા હતી.


વડોદરા : મેઘાભિષેક સાથે ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રાનો પ્રારંભ

પ્રતિ વર્ષ દેવપોઢી એકાદશીએ વડોદરામાં નીકળતી ભગવાન વિઠ્ઠલનાથજીની ૨૦૧ મી શોભાયાત્રાનો આજે સવારે ૧૦ વાગે પ્રારંભ થયો હતો. શોભાયાત્રાના પ્રારંભની થોડી મિનિટોમાં જ ભગવાનની શોભાયાત્રા ઉપર મેઘરાજાનો અભિષેક થતાં શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. આજે સવારે ૯ કલાકે માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીના ઐતિહાસિક મંદિર ખાતે રાજવી મહારાજા શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી શુભાંગીનીરાજે ગાયકવાડે શ્રીજીની પૂજન-અર્ચન-મહાઆરતી કરી ભગવાનને નગરયાત્રા માટે આમંત્રયા હતા. બાદમાં સવારે ૧૦ કલાકે વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા....હરિ ઓમ વિઠ્ઠલાની ધૂન સાથે ભગવાન વિઠ્ઠલનાથજીની ૨૦૧ મી શોભાયાત્રાનો દબદબાપૂર્વક આરંભ થયો હતો.સોના-ચાંદીના રથમાં બિરાજમાન શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એમ.જી.રોડ ઉપર ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રીજીની શોભાયાત્રાના પ્રારંભ બાદ બરાબર ૧૦.૨૭ કલાકે આકાશમાં છવાયેલા કાળાડિબાંગ વાદળોએ ભગવાનની સવારી ઉપર ધીમી ધારે અભિષેક કરતાં શ્રદ્ધાળુઓ શ્રીજીનો જયઘોષ કરી વાતાવરણ ગજવી દીધું હતું.


આવકવેરા અધિકારીઓનું અસહકાર આંદોલન શરૂ

આવકવેરા કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહીં આવતાં વડોદરા સહિત દેશભરની આવકવેરા કચેરીના કર્મચારીઓની આજથી અસહકાર આંદોલનરૂપી લડતનો પ્રારંભ થયો હતો. આવકવેરા કર્મચારીઓ અને અધિકારીઓની સંયુક્ત પગલાં સમિતિ દ્વારા તા.૧૫ના રોજ પ્રતીક હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસ અને કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરા વિભાગના કર્મચારીઓની માગણીના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવામાં ન આવતા આખરે તબક્કાવાર રીતે પગલાં શરૂ કરવાનું જોઇન્ટ કાઉન્સિલ ઓફ એકશન દ્વારા ઠરાવવામાં આવ્યું હતું. આંદોલનના ભાગરૂપે વડોદરા આવકવેરા વિભાગનાં કર્મચારીઓ તાજેતરમાં દેશવ્યાપી એકદિવસીય હડતાળમાં જોડાયાં હતાં.ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિયેશનના પ્રમુખ જે એન પટેલ અને આઇટીઇએફના સેક્રેટરી ગણેશ જોષીએ જણાવ્યું હતું કે, આઉટ સોર્સિંગના પગલે દેશભરના કરદાતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એક દિવસની ૪૦ હજાર રફિંડ પ્રોસેસ થાય છે ત્યારે આઉટસોર્સિંગમાં ભારે છબરડા બહાર આવ્યા છે. આઇટી કર્મચારીઓના અસહકાર આંદોલન બાદ આગામી માસ સુધી જો કોઇ નિર્ણય ઉચ્ચસ્તરેથી નહીં લેવાય તો હડતાળનુ શસ્ત્ર ઉગામતા ખચકાઇશું નહીં તેમ તેમણે ભારપૂર્વક ઉમેયુઁ હતું.આજથી તા.૨૦મી જુલાઇથી આંદોલન ઉગ્ર બનાવી સર્ચ અને સરવેની કામગીરીમાં કર્મચારીઓએ તંત્રને સહકાર આપવાનુ ટાળવાની શરૂઆત કરી દીધી હતી.અસહકાર આંદોલનના પરિણામે કાળું નાણું ધરાવતાં ઉદ્યોગો અને મોટાં માથાંઓને હાલ પૂરતી દરોડાની રાહત થઇ જવા પામી છે.

No comments:

Post a Comment